Friday, August 15, 2014

ભારતીય શોધો બ્રહ્માંડને સમજવામાં પાયારૂપ -- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=136432

 બ્રહ્માંડને સમજવામાં ભારતીય વિદ્વાનોનું યોગદાન પાયારૂપ છે. ભારતીય ઋષિઓએ શોધેલાં ૧, ર, ૩...૯, ૧૦ આંકડા અને દશાંશ પદ્ધતિ ૧૦ર,૧૦૩... ૧/૧૦, ૧/૧૦૨.. અદ્ભુત છે. આ આંકડા ન હોત તો આ વિશાળ વિશ્ર્વને આપણે કેવી રીતે સમજી શકત?

બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


ભારતીયોએ શૂન્યની શોધ કરી છે. શૂન્ય પોતે કાંઈ જ નથી પણ બધાને કિંમત આપે છે. તે ભલભલાને નામશેષ કરે છે, અને ભલભલાને મહાન બનાવે છે. આ બ્રહ્માંડ શૂન્યનું જ વિસ્તૃત સ્વરૂપ છે. શૂન્યની અંદર બધું જ છે. તેની બહાર કાંઈ જ નથી. શૂન્યની દાર્શનિકતા જબ્બરદસ્ત છે. શૂન્યની શોધ ભારતીય તત્ત્વજ્ઞાનીઓ જ કરી શકે. માત્ર ગણિતશાસ્ત્ર જ નહીં પણ પૂરું વિજ્ઞાન શૂન્યની ફરતે જ રચાયું છે. કોમ્પ્યૂટર, ઓપરેટર, એલ્જિબ્રા, રિલેટિવિટી, ક્વોન્ટમ ફિઝિક્સ, મિકેનિક્સ, કે વિજ્ઞાનનું ગમે તે શાસ્ત્ર હોય તેનો આરંભ શૂન્યથી જ થાય છે. શૂન્ય દરેક વસ્તુનું ઉદ્ગમ સ્થાન છે. કોઈ પણ ક્રિયા શરૂ કરીએ તે શૂન્યથી જ શરૂ થાય છે. માપણીની શરૂઆત શૂન્યથી જ થાય છે. એટલું જ નહીં, પૂરાં બ્રહ્માંડની ઉત્પત્તિ પણ શૂન્યમાંથી થઈ છે. શૂન્યાવકાશ શબ્દનો અર્થ આ જ તો સૂચવે છે. vacuum વેક્યુમે-શૂન્યવકાશે પૂરા બ્રહ્માંડને ધરી રાખ્યું છે.

સરવાળા-બાદબાકીમાં શૂન્ય નિર્વિકાર છે. ગુણાકારમાં તે બધાને જ નામશેષ બનાવે છે, પણ ભાગાકારમાં તે તો ભગાતું નથી પણ જો ભૂલેચૂકે તેનાથી ભાગાકારની ચેષ્ટા કરવામાં આવે તો તે તેનું વિરાટ અસીમિત (infinite) રૂપ દર્શાવે છે. આમ શૂન્ય બ્રહ્માંડમાં પાયારૂપ છે.

બીજું જે બ્રહ્માંડમાં પાયારૂપ છે તે માપણી છે. મેઝરમેન્ટ છે. પૂરી જિંદગીમાં બધી જ વસ્તુ બ્રહ્માંડ શીખે માપણી જ કરે છે. આપણે મોટા થઈએ છીએ તેમાં વયની માપણી, આપણી ઊંચાઈની માપણી, આપણાં કપડાં, જોડાં, ઘરની, ખેતરની માપણી. આ માપણીની શરૂઆત તો શૂન્યથી જ થાય.

અંતરીક્ષની વ્યાખ્યા શું? અંતરીક્ષ ક્યારે ઉત્પન્ન થયું ગણાય? એક બિન્દુ અંતરીક્ષ ઉત્પન્ન કરી શકે નહીં. જ્યારે બે બિન્દુ ઉત્પન્ન થાય ત્યારે જ અંતરીક્ષ ઉત્પન્ન થયું ગણાય. હવે જ્યારે બે બિન્દુમાં ઉત્પન્ન થાય ત્યારે બે બિન્દુ વચ્ચેના અંતરની માપણીનો સવાલ ઉત્પન્ન થાય. બે બિન્દુ વચ્ચેના અંતરની માપણીનું સૂત્ર પ્રથમ આપનાર ભારતીય ઋષિ બૌધાયન હતા. બૌધાયને બે બિન્દુ વચ્ચેના અંતરને માપવાનું સૂત્ર આપ્યું. ર૦૦ વર્ષ પછી પાયથાગોરસે આ સૂત્ર આપ્યું. તેને આપણે બધા પાયથાગોરસ થીઅરમ (પ્રમેય) તરીકે જાણીએ છીએ. હકીકતમાં આ પ્રમેયને બૌધાયન પ્રમેય કહેવું જોઈએ અથવા બૌધાયન-પાયથાગોરસ પ્રમેય કહેવું જોઈએ. આ પ્રમેયના જનક તરીકે બૌધાયનને ક્રેડિટ આપવી જ ઘટે. એ પણ શક્ય છે કે પાયથાગોરસે બૌધાયનના સૂત્રને અને કાર્યને જાણ્યું હોય અને પછી લંબચોરસને બદલે કાટકોણ ત્રિકોણના રૂપે પ્રદર્શિત કર્યું હોય.

બે બિન્દુના અંતરને બંને બાજુ લંબાવીએ તો તે અસીમિત રેખા (infinite line ) બને છે. જે છેવટે રૈખિક પરિમાણ ઉત્પન્ન કરે છે. આ રીતે પરિમાણ ઉત્પન્ન થાય છે. એક પરિમાણનો વિચાર અસ્તિત્વમાં આવ્યો પછી બે પરિમાણનો વિચાર અસ્તિત્વમાં આવ્યો પછી ત્રણ અને ચાર પરિમાણના વિચારો અસ્તિત્વમાં આવ્યાં. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈને આપણે સમજી શક્યા અને આઈન્સ્ટાઈને પછી સમયને ચોથા પરિમાણ તરીકે લઈને બ્રહ્માંડના ગૂઢ રહસ્યને આપણને સમજાવ્યું. લેખકે પદાર્થ (mass)ને બ્રહ્માંડનુ પાંચમું પરિમાણ લઈને બ્રહ્માંડની વ્યાખ્યા કરી છે. બ્રહ્માંડના એક પરિમાણે આપણને લંબાઈ આપી, બે પરિમાણે ક્ષેત્રફળ આપ્યું, ત્રણ પરિમાણે ઘનફળ આપ્યું. ચાર પરિમાણે દર્શાવ્યું કે સમય છે ત્યાં અંતરીક્ષ છે જ અને અંતરીક્ષ છે ત્યાં સમય છે જ. વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની એકબીજાને કાટખૂણે કંપન છે જે પ્રકાશની ગતિની દિશાને કાટખૂણે છે. બ્રહ્માંડના ચોથા પરિમાણે એ પણ દર્શાવ્યું કે ઊર્જા અને પદાર્થ એકના એક જ છે. લેખકે ઊર્જા કે પદાર્થને બ્રહ્માંડનું પાંચમું પરિમાણ લઈ આઈન્સ્ટાઈનની થિયરીનું વિસ્તૃતીકરણ કર્યું છે. તેમાંથી નીકળતાં પરિણામો પર સંશોધન કરવું હજુ બાકી છે.

એક પરિમાણ પોતે જ અસીમિત છે. બે પરિમાણ આપણને બમણા અસીમિત બ્રહ્માંડનું આપણને દર્શન કરાવે છે. ત્રિ પરિમાણ આપણને ત્રમણા અસીમિત બ્રહ્માંડનું દર્શન કરાવે છે. બ્રહ્માંડનું ચોથું પરિમાણ આપણને અગોચરની દુનિયા દર્શાવે છે. ન દેખાય તેવું બ્રહ્માંડ દર્શાવે છે. હવે બ્રહ્માંડનું પાંચમુું પરિમાણ આપણને કેવું નવું બ્રહ્માંડ દર્શાવે છે તે જોવાનું રહે છે. આમ પરિમાણ આપણને અસીમિત દૃષ્ટિ આપે છે. જેમ જેમ પરિમાણ વધે તેમ તેમ આપણી દૃષ્ટિ અસીમિત રીતે વિસ્તૃત પામે છે. આપણી ક્ષિતિજ ખૂબ જ વિસ્તૃત પામતી જાય છે. આની શરૂઆત ભારતીય ઋષિ બૌધાયનથી થઈ છે તે નોંધવું જ રહ્યું. દેકાર્તે પછી કોર્ટેશિયન કોઓર્ડિનેટની દુનિયાની શોધ કરી. દેકાર્તનું સંદર્ભ માળખું (Cartesian frame of reference) અસ્તિત્વમાં આવ્યું જેમાં પૂરાં બ્રહ્માંડને આપણે પ્રદર્શિત કરી શકીએ છીએ. અસીમિત રેખા (infinte line)ને આપણેસીમિતતામાં(finiteness) જોઈ શકીએ છીએ. ગણિતશાસ્ત્ર infinite ને finite માં રજૂ કરી શકે છે. તે તેની મહાનતા છે. આ બધામાં ભારતીય વિદ્વાનોનું યોગદાન રહ્યું છે જે બ્રહ્માંડને સમજવામાં પાયારૂપ છે.

ભારતીય ઋષિઓએ શોધેલાં ૧, ર, ૩...૯, ૧૦ આંકડા અને દશાંશ પદ્ધતિ ૧૦ર,૧૦૩... ૧/૧૦, ૧/૧૦૨.. અદ્ભુત છે. આ આંકડા ન હોત તો આ વિશાળ વિશ્ર્વને આપણે કેવી રીતે સમજી શકત? આ વિશાળ સૂક્ષ્મ જગત, અણુ-પરમાણુ બેક્ટેરિયાનાં પરિમાણોને આપણે કેવી રીતે સમજી શકત? ભારતીયોની આ શોધને સન્માન આપતા આઈન્સ્ટાઈને કહેલું કે દુનિયા ભારતીયોની ખૂબ જ ઋણી છે જેમને દુનિયાને ગણતા શીખવ્યું. નહીં તો, વિજ્ઞાનમાં કોઈ મહાન શોધ થઈ જ ન હોત.

ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી સદીમાં પ્રભાસ પાટણમાં થઈ ગયેલા ઋષિ કણાદે અણુ-પરમાણુક્ષેત્રે ઘણી પાયાની શોધો કરી. તે દુનિયાના પ્રથમ અણુવિજ્ઞાની હતા. જ્યારે પૂરી દુનિયા અંધારયુગમાં જીવતી હતી ત્યારે ભારત-જ્ઞાન-વિજ્ઞાનની ચરમસીમા પર હતું.

૨૬૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા સુશ્રૂત મહાન તબીબ હતા અને સર્જરી કરતા હતા. તે જમાનામાં તેઓ પ્લાસ્ટિક સર્જરી કરતા હતા અને વિવિધ સર્જરી કરવાના વિવિધ પ્રકારનાં સાધનો (ઓજારો, ઉપકરણો) તેમણે શોધ્યાં હતાં. બીજી બાજુ ધન્વંતરી અને ચરક મહાન આયુર્વેદાચાર્ય હતા. દવા તરીકે વનસ્પતિના ગુણધર્મો તેઓ જાણતા હતા. મહાવીર સ્વામી મહાન વિજ્ઞાની હતા. તેઓ સચરાચરનો જીવંત માનતા અને વિનાકારણ પથ્થરને પણ ઠેસ ન મારવાનું કહેતા. પ્રાચીન સમયમાં જૈન મુનિઓએ ગણિતને ખૂબ જ આગળ વધાર્યું હતું. ગણિતને આત્મસાત કર્યું હતું. તેમને હવામાં સૂક્ષ્મ બેક્ટેરિયા છે તેની જાણ હતી અને પુદ્ગલ વિષે તેમનું જ્ઞાન અગાધ હતું.

ચાણક્યના અર્થશાસ્ત્રને અને જ્ઞાનશાસ્ત્રને આજ સુધી કોઈ અર્થશાસ્ત્રી કે રાજશાસ્ત્રી આંબી શક્યો નથી. પ્રામાણ ભારતીય વિદ્વાનોએ વિજ્ઞાનમાં અને ખગોળશાસ્ત્રમાં પણ ઉચ્ચ પ્રકારનું અને સૂક્ષ્મ પ્રકારનું યોગદાન આપ્યું છે જેના પર આજનું વિજ્ઞાન ખગોળવિજ્ઞાન ઊભું છે.
આર્યભટ્ટે x-૧=૦ કે ax+b=૦ એટલે x-૧ પણ હકીકતમાં x=૧ એ પૂરી અસીમિત રેખા છે જે y-axis (y-યાન) સમાંતર છે જે y-axis (y-યાન)થી એક મુજાર દૂર છે. આમ રૈખિક સમીકરણ શોધીને આર્યભટ્ટે રેખાની વ્યાખ્યા આપી. પછી પાછળથી રેખા માટે વિસ્તૃત રૈખિક સમીકરણ શોધાયું જે ax+by+c=0 છે. રૈખિક સમીકરણ કે રેખા ન્યુટનનો પ્રથમ નિયમ છે. જ્યાં સુધી પદાર્થ પર બહારથી બળ લાગે નહીં ત્યાં સુધી કાં તો તે સ્થિર અવસ્થામાં રહે છે, નહીં તો સીધીરેખામાં એક જ ઝડપથી ગતિ કરે છે. એટલે કે રેખા વસ્તુનો બળ ન લાગે તેવા ક્ષેત્રમાં માર્ગ છે. જેનું વસ્તુ પર બળ લાગે કે તરત જ તે તેના રેખા માર્ગમાંથી ચલિત થઈ વક્ર માર્ગ પકડે છે. વક્રમાર્ગ જેમાં કે x૨+y૨=4૨ y૨=4ax , x૨/a૨-y૨/b૨=૧ શોધવામાં પણ ભારતીય વિદ્વાનોનું મોટું યોગદાન રહ્યું છે. પાઈ એક સિમ્બોલ છે. તે નથી પૂર્ણાંક, નથી અપૂર્ણાંક, નથી વાસ્તવિક સંખ્યા, નથી અવાસ્તવિક સંખ્યા. તે વર્તુળનો પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર છે. બ્રહ્માંડમાં અને તેથી વિજ્ઞાનમાં તે જગ્યાએ જગ્યાએ દેખાય છે માટે તેનું મૂલ્ય જાણવું બહુ જરૂરી છે. આર્યભટે તેનું ઘણું સાચું મૂલ્ય શોધ્યું. બ્રહ્મગુપ્તે શૂન્યના ગુણધર્મો તારવ્યા, ઋણ સંખ્યા શોધી, કોઈ પણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ, શોધ્યું અને x૨-a૨=૦ પ્રકારના દ્વિઘાત સમીકરણના ઉકેલો શોધ્યા. તેમને x૨+a૨=૦ પ્રકારનાં સમીકરણ મળ્યા હતા, પણ તેના ઉકેલ શોધી ન શકાય તેમ કહી તેમને તેને બાજુએ મૂકી દીધાં. જો તેમણે એક ગાણિતિક સ્કીમ વાપરી હોત તો તેઓએ સાતમી સદીમાં જ કાલ્પનિક સંખ્યા (complex number, imaginary numbers) શોધી કાઢી હોત. ભાસ્કરાચાર્યે વિસ્તૃત દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધ્યો, કેલ્ક્યુલેસને તેના પ્રાથમિક સ્વરૂપમાં શોધ્યું, પરગ્યુટેશન કોમ્બિનેશનની શોધ કરી અને છેવટે દર્શાવ્યું કે પૃથ્વીમાં આકર્ષણબળ છે જેનાથી તે બધી વસ્તુને આકર્ષે છે. માટે વસ્તુ પૃથ્વી પર પડતી માલૂમ પડે છે. કેરળની ગણિતશાસ્ત્રની શાળાએ પણ ગણિતશાસ્ત્રમાં મોટું યોગદાન આપ્યું છે. આમ ભારતીય વિજ્ઞાનોએ બ્રહ્માંડને સમજાવવામાં અને સમજવામાં જબ્બર એટલે કહી શકાય કે ભારત બ્રહ્માંડના પાયામાં છે. ભારતીય વિદ્વાનોએ બ્રહ્માંડના તત્ત્વજ્ઞાનમાં પણ મોટું યોગદાન આપ્યું છે. 

No comments:

Post a Comment