જે સ્મારકને ‘વર્લ્ડ હેરિટેજ’ની યાદીમાં મૂકવામાં આવે છે તેની માલિકી સ્થાનિક પ્રજાના હાથમાંથી ઝૂંટવાઇ જાય છે
સ્પોટ લાઈટ - સંજય વોરા
સંયુક્ત રાષ્ટ્રસંઘની યુનેસ્કો નામની પેટા સંસ્થાએ મુંબઈના વિક્ટોરિયા ટર્મિનસને અને ગુજરાતના ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી એટલે પ્રાચીન સંસ્કૃતિના ચાહકો આનંદમાં આવી ગયા હતા. યુનેસ્કો તરફથી આ પ્રકારનું બિરુદ બહુ ઓછાં જ પ્રાચીન સ્મારકોને મળે છે, એટલે આ ખૂબ જ ઉચ્ચ કક્ષાનું ગૌરવ માનવામાં આવે છે. કોઈ પણ સ્મારકને યુનેસ્કો તરફથી આ રીતે માન્યતા પ્રાપ્ત થાય એટલે હરખપદૂડા થઈ જવાની જરાય જરૂર નથી. આ પ્રકારનો દરજ્જો મળ્યા પછી હકીકતમાં આ સ્મારકને ફાયદો થવાને બદલે નુકસાન જ વધુ થાય છે. આપણી પ્રજાની એવી માનસિકતા છે કે વિદેશીઓ જેને માન્યતા આપે તે જ મહાન કહેવાય. નોબેલ પારિતોષિક તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કવીવર રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું તે અગાઉ પણ તેઓ ઉત્તમ કાવ્યો લખતા જ હતા. નોબેલ પારિતોષિક મળવાથી ભારતીયોમાં પણ તેમનું માન વધી ગયું. આવું શા માટે? વિદેશીઓ જે ચીજને બિરદાવે તેને આપણે પણ બિરદાવવા લાગવું તે એક પ્રકારની માનસિક ગુલામી જ છે. અને નોબેલ પારિતોષિક હંમેશાં ગુણવત્તાના ધોરણે જ અપાય છે, એવું પણ નથી. ભારતના લોકો જેને રાષ્ટ્રપિતા ગણે છે તે ગાંધીજીને આ પારિતોષિક ન મળ્યું અને ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા આવેલાં મધર ટેરેસાને આ ઈનામ મળી ગયું એટલે તેમને ગાંધીજી કરતાં પણ મહાન માની લેવાનાં?
વિદેશીઓ તરફથી આપણી સંસ્કૃતિની કે પરંપરાની કોઈ પણ ચીજને વધુ પડતું મહત્ત્વ આપવામાં આવે ત્યારે આપણે હરખાઈ જવાને બદલે સાવચેત થઈ જવું જોઈએ. આ વાત યુનેસ્કો દ્વારા આપવામાં આવતા વર્લ્ડ હેરિટેજ સાઈટના ખિતાબને પણ લાગુ પડે છે. ભારતનાં ૨૬ સ્મારકોને અને વિશ્ર્વનાં કુલ ૭૮૮ સ્મારકોને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. અહીં સર્વપ્રથમ વાંધો અમને વર્લ્ડ હેરિટેજ શબ્દ સામે છે. આગ્રાનો તાજમહાલ કે અજંટાની ગુફાઓ તે ભારત નામના રાષ્ટ્રની પ્રજાની મૂડી છે. આ મૂડીને વર્લ્ડ હેરિટેજ તરીકે ઘોષિત કરવાથી તે વિશ્ર્વની અને વિશ્ર્વ વતી યુનોની કે યુનેસ્કોની મૂડી બની જાય છે. એટલે જે સ્મારક વર્લ્ડ હેરિટેજ બને તે દેશની પ્રજાનો અધિકાર તેના ઉપરથી ઝૂંટવાઈ જાય છે. આ વાત બરાબર સમજવી પડશે. આપણા દેશમાં પ્રાચીન સ્મારકોની જાળવણી માટે પુરાતત્ત્વનો કાયદો છે અને આ કાયદાના અમલ માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા નામની સંસ્થા પણ કાર્યરત છે. ભારત સરકારના પુરાતત્વ ખાતાને યોગ્ય લાગે તે સ્મારકને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવે છે અને પુરાતત્ત્વ ખાતું આ સ્મારકનો કબજો ગ્રહણ કરી લે છે. એટલે કે જે સ્મારકને રક્ષિત સ્મારકનો દરજ્જો આપવામાં આવે તે સ્મારકની માલિકી જે તે ટ્રસ્ટની કે સમાજની રહે છે, પણ આ સ્મારક ઉપર તેમનો અધિકાર ચાલ્યો જાય છે. સરકારી અધિકારીઓની રજા વિના આ ઈમારતોમાં કોઈ પણ પ્રકારનું સમારકામ કે ફેરફારો કરાવી શકાતા નથી. કેન્દ્ર સરકાર હસ્તકની સંસ્થા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા પાસે આવાં હજારો સ્મારકોની જાળવણી માટે કોઈ જ ભંડોળ નથી. એટલે તેઓ સમારકામ કરાવતા નથી અને લોકોને કરાવવા પણ દેતા નથી. એટલે સુધી કે પુરાતત્ત્વ ખાતાએ રક્ષિત જાહેર કરેલાં અનેક પ્રાચીન સ્મારકો ખંડેર થઈને નાશ પામે ત્યાં સુધી તેની કાળજી લેવામાં આવતી નથી. પુરાતત્ત્વના કાયદા હેઠળ દેશમાંથી ૧૦૦ વર્ષ કરતાં જૂની કોઈ પણ મૂર્તિ કે સ્થાપત્ય મળી આવે તો તેની માલિકી સરકારની બની જાય છે. તાજેતરમાં ખંભાતમાં એક સ્થળે ખોદકામ કરતાં હજાર વર્ષ કરતાં વધુ જૂની ૬૨ જૈન મૂર્તિઓ મળી આવી તેનો કબજો પણ સરકારે લઈ લીધો છે અને જે જૈન સંઘ આ મૂર્તિઓનો માલિક છે, તેને જ તેનો કબજો સોંપવાનો ઈનકાર થઈ રહ્યો છે. આ તો હળાહળ અન્યાય છે. જે સંઘે આ મૂર્તિઓનું નિર્માણ કર્યું છે, તેનું જતન કર્યું છે, જેની આસ્થા આ પવિત્ર મૂર્તિઓ સાથે જોડાયેલી છે એને જ આ મૂર્તિઓનો કબજો સોંપવાનો ઈનકાર કરવામાં અન્યાય છે. માત્ર ૫૦ વર્ષ અગાઉ કરવામાં આવેલા એક કાયદાનો હવાલો આપી હજાર કે બે હજાર વર્ષ અગાઉ નિર્માણ કરવામાં આવેલી કોઈ મૂલ્યવાન ચીજ સરકાર તેના મૂળ માલિક પાસેથી ઝૂંટવી કેમ શકે? આ બધું પુરાતત્ત્વના નામે ચાલી રહ્યું છે. પુરાતત્ત્વ ખાતું એવો દાવો કરતું હોય કે પ્રાચીન ચીજવસ્તુઓની જાળવણી માટે અને તેની પવિત્રતાની રક્ષા માટે અમે આ મૂર્તિઓ અમારા કબજામાં લઈએ છીએ, તો તે સરાસર જૂઠ છે. પરમાત્માની મૂર્તિ એ દર્શનની અને પૂજાની સામગ્રી છે. તેને જો મંદિરમાં વિધિપૂર્વક બિરાજમાન કરવામાં આવે અને શ્રદ્ધાળુઓ દ્વારા તેનું નિયમિત પૂજનઅર્ચન કરવામાં આવે તો જ તેની પવિત્રતા અને મહાનતાની રક્ષા થાય છે. પુરાતત્ત્વ ખાતું આ દર્શનની ચીજને પ્રદર્શનની ચીજ બનાવી દે છે. ભગવાનની મૂર્તિને મંદિરની પાદપીઠ ઉપર બિરાજમાન કરવાને બદલે તેઓ તેને મ્યુઝિયમમાં ગોઠવી દે છે. અહીં મૂર્તિનું પૂજન કરવાની કે તેની આરતી ઉતારવાની કોઈને છૂટ નથી હોતી. આ મૂર્તિ પ્રદર્શનની ચીજ બને છે એટલે તેની પવિત્રતાનો નાશ થાય છે અને સરકારી અધિકારીઓ તેના માલિક બની જાય છે. જે રીતે પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવેલું સ્મારક જે તે સમાજના અધિકારમાંથી ઝૂંટવાઈને દેશની સરકારના અધિકારમાં આવી જાય છે તેવી જ રીતે જે સ્મારકને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવે તેના ઉપર પછી દેશની સરકારનો કોઈ જ અધિકાર નથી રહેતો પણ યુનેસ્કો જેવી સંસ્થા જ તેની વાસ્તવિક માલિક બની જાય છે. આ રીતે વિશ્ર્વભરમાં પથરાયેલાં મૂલ્યવાન પ્રાચીન સ્મારકોનો કબજો તે તે સમાજો અને સરકારોના હાથમાંથી ઝૂંટવી ગોરી પ્રજાના હાથમાં કેન્દ્રિત કરવા માટે જ વર્લ્ડ હેરિટેજ સાઈટનો સ્ટંટ ઊભો કરવામાં આવ્યો છે. બિહારમાં આવેલા બુદ્ધગયા મંદિરને ઈ.સ. ૨૦૦૨ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો તે પછી ત્યાં શું બન્યું એ જાણવું ખૂબ રસપ્રદ છે. બુદ્ધગયા મંદિર હવે બૌદ્ધ સાધુઓના અંકુશમાં નથી રહ્યું પણ યુનેસ્કોના સીધા અંકુશ હેઠળ આવી ગયું છે. યુનેસ્કોની સમિતિની મંજૂરી વિના આ મંદિરમાં કોઈ ફેરફાર હવે કરી શકાતા નથી. આ મંદિરની બહાર પૂજાઅર્ચનાની સામગ્રી વેચતી જેટલી દુકાનો હતી તે બધી દૂર ખસેડવામાં આવી છે. આ રીતે મંદિરમાં પૂજા કરવા જતા શ્રદ્ધાળુઓ માટેની નજીકની સવલત ઝૂંટવી લેવામાં આવી છે. હવે આખા વિસ્તારમાં એક પણ જૂની ઈમારત કે ધર્મશાળા ઊભી કરવી હશે તો યુનેસ્કોની પરવાનગી લેવી પડશે. ભારતીય પ્રજાના ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારમાં આ દખલગીરી છે, એટલું જ નહીં દેશના સાર્વભૌમત્વ ઉપર પણ આક્રમણ છે. આપણા દેશની જમીન ઉપર જે કોઈ સંપત્તિઓ આવેલી છે તેની માલિક આપણી પ્રજા છે. તેનો આ હક ઝૂંટવી લઈ તે કોઈ વિદેશી એજન્સીને આપી દેવો તેના જેવી બીજી કોઈ મૂર્ખાઈ નથી. શું આપણા દેશની પ્રજા એટલી બધી બૂડથલ છે કે આપણો જે પ્રાચીન વારસો છે તેની કિંમત સમજવા માટે આપણે વિદેશી એજન્સીની મદદ લેવી પડે અને આપણો વારસો પણ તેમને સોંપી દેવો પડે? આ તો પાછલે બારણે સ્વીકારાયેલી ગુલામી જ છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં યુનેસ્કોની કુટિલતા પણ સમજવા જેવી છે, જે સ્મારકને આ પ્રકારનો દરજ્જો આપવામાં આવે તેના સમારકામની કે સંરક્ષણની કોઈ જવાબદારી યુનેસ્કોની રહેતી નથી. યુનેસ્કો એને માટે એક રાતી પાઈનું પણ ફંડ આપતું નથી. આ બધી જ જવાબદારી સ્થાનિક સરકારોની રહે છે પણ સ્મારક ઉપર આધિપત્ય યુનેસ્કોનું રહે છે. એટલે કે કોઈ પણ પ્રકારનો ઘસારો સહન કર્યા વિના કે જવાબદારી સ્વીકાર્યા વિના યુનેસ્કો જેવી ભેદી સંસ્થા આ સ્મારકોની અધિપતિ બની જાય છે. આ સ્મારકોના સમારકામ માટે તેઓ એક પણ રૂપિયાની મદદ કરતા નથી પણ તેમને પૂછ્યા વિના આપણે કંઈ કરી શકતા નથી. આટલી બધી દાદાગીરી આપણે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મેળવવા માટે ચલાવી લઈએ છીએ. આવો દરજ્જો મેળવવા શા માટે મહેનત કરવી જોઈએ ? કોઈ પણ સ્મારકને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળે એટલે તેના પતનના શ્રીગણેશ થાય છે. સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટોની નજર આ સ્મારકો તરફ ખેંચાય છે. આ સ્મારકને નિહાળવા વિદેશી સહેલાણીઓનાં ટોળાં ઊતરી પડે છે. તેમને આવકારવા માટે એરપોર્ટ, ફાઈવ સ્ટાર હોટેલો, દારૂની દુકાનો, માંસાહારની હોટેલો, કેસીનો, સિનેમા થિયેટરો વગેરે ઊભાં કરવામાં આવે છે. તીર્થસ્થાનોનું પવિત્ર વાતાવરણ ભ્રષ્ટ બની જાય છે. મુક્ત સહચર્યમાં માનતા વિદેશીઓ અર્ધનગ્ન વસ્ત્રો પહેરી આપણાં મંદિરોમાં પ્રવેશ કરે છે અને બીભત્સ ચેષ્ટાઓ કરે છે. પવિત્ર શહેરમાં દારૂ, જુગાર, વેશ્યાવ્યવસાય, મસાજ પાર્લરો વગેરે દૂષણો વધે છે અને સરવાળે તેની પવિત્રતા ભ્રષ્ટ થાય છે. કોઈ પણ સ્મારકને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળે એટલે એન્ટિકનો આંતરરાષ્ટ્રીય વેપાર કરતી દાણચોરોની સિન્ડિકેટની નજરે આ સ્મારક ચડી જાય છે. સ્થાનિક પ્રજાને પૈસા આપી તેઓ મંદિરોમાંથી મૂર્તિઓની અને પ્રાચીન ચીજવસ્તુઓની ચોરી કરાવે છે અને વિદેશની બજારોમાં ઊંચી કિંમતે વેચે છે. આ ચોરીમાં ક્યારેક તો પુરાતત્ત્વ ખાતાના ચોકીદારો અને અધિકારીઓ પણ સંડોવાયેલા હોય છે. એટલે કે જે સરકારી અધિકારીઓએ પ્રજા પાસેથી તેની પ્રાચીન સંપત્તિ અન્યાય કરીને ઝૂંટવી લીધી તેઓ જ હવે તેનું લિલામ કરે છે.
http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=117200
|
No comments:
Post a Comment