Thursday, August 7, 2014

શેઠ અને શેઠાણી --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=116016

‘આના બાપા જગજીવનદાસથી કામ થાતું નહોતું. થાકી રહેતા હતા અને ઉપરથી જુવાન દીકરીની ચિંતા.. એમાં હું ભટકાઇ ગયો. મજબૂરીનો લાભ આ જગતમાં કોણ નથી લેતું?’

મારા મિત્ર વિઠ્ઠલે મને કહ્યું, ‘મારે મુંબઈ તારા કાર્યક્રમમાં આવવું છે’ મેં કહ્યું, ‘ભલે’. મુંબઇમાં બિરલા હૉલમાં મારો કાર્યક્રમ હતો, અને એ વખતે એ કાર્યક્રમમાં અભિનેત્રી નિરૂપા રૉય હાજરી આપવાના હતાં. વિઠ્ઠલના આનંદનો પાર ન રહ્યો. તેણે મુંબઇનો તેનો એવી રીતે પ્રવાસ ગોઠવ્યો કે મારો કાર્યક્રમ પણ માણી શકાય. નિરૂપા રૉયને પણ જોઇ શકાય અને સગાંને પણ મળી શકાય.

મેં વિઠ્ઠલની એક સીટ રખાવી હતી. પણ એ કહે, ‘હું સ્ટેજ પર તારી સાથે આવીશ.’ કાર્યક્રમ વચ્ચે એ સાડીના વિક્રેતાનું ફંકશન હતું જેમાં નિરૂપા રૉયની હાજરી રહેવાની હતી. અમારો ઈન્ટરવેલ પહેલાંનો કાર્યક્રમ પૂરો થયો. વચ્ચે સમારંભની જાહેરાત કરવામાં આવી, ‘આપણાં આદરણીય મહેમાન ખ્યાતનામ અભિનેત્રી નિરૂપા રૉયને સ્ટેજ પર પધારવા વિનંતી’. એવી જાહેરાત થઇ. એ આવ્યાં, અમને મળ્યાં, વિઠ્ઠલ મારી પાછળ જ હતો. અમારા ફોટા પાડવામાં આવ્યાં. લાખાભાઇ, પ્રાણભાઇ, દિવાળીબહેન અને હું ફોટામાં આવ્યાં. સાથે વિઠ્ઠલ પણ આવ્યો. વિઠ્ઠલની ઉત્તેજનાનો પાર નહોતો. કોઇ અદભુત ઘટના જીવનમાં ઘટી હોય, જે પોતાને હજી માનવામાં ન આવતી હોય એટલો એ વિહવળ હતો.

એ વખતે હું ૫૧, પોપટવાડી, કાલબાદેવી રોડ પર કેશુભાઇ કોઠારીની ઓફિસમાં સૂઇ રહેતો. વિઠ્ઠલને પણ ત્યાં જ સૂવા મેં આગ્રહ કર્યો.

અમે કાર્યક્રમ પછી રવાના થયા. વિઠ્ઠલ મને કહે, ‘આ કાર્યક્રમમાં નિરૂપા રૉય હતાં? ને. મેં કહ્યું, ‘હા’ હું તમારી હારે જ હતો ને? મેં કહ્યું, ‘હા’. વિઠ્ઠલ કહે, ‘આ વાત ગામના નહિ માને. જોજે તારે જોવું હોય તો’ ‘અરે પણ તું હતો એ હું જાણું છું ને? મેં કહ્યું છતાં વિઠ્ઠલનું મન માનતું નહોતું.

એ એક જ વાત કર્યા કરતો, ‘ગામના નહિ માને’. માનવીને ઊંચો દરજ્જો મળે. પૈસા મળે, પ્રસિદ્ધિ મળે... એ પાછી સગાંસબંધીઓ, મિત્રો અને વિરોધીઓને સ્વીકાર્ય બને ત્યારે તેમાં આનંદ સમાયેલો છે. જો સમાજને ખબર ન પડે તે શા કામનું? કોઈ સંબંધીની મોટરમાં બેસીને મુંબઇમાં ફરતાં એક જ વિચાર આવે છે કે અત્યારે ગામનો કોઇ અચાનક મળી જાય અને મને જુએ તો કેવું સારું? દુ:ખમાં માનવી એકલો રહેવાનું પસંદ કરે છે. સુખમાં માનવીને સમાજમાં રહેવું ગમે છે. ચીંથરેહાલ ગરીબ હાલતમાં કોઇ સંબંધી જોઇ ન જાય એ ચિંતા હોય છેે. સૂટ-બૂટ ટાઈમાં સજ્જ હોઇએ ત્યારે કોઇ જુએ તેવી ઇચ્છા હોય છે. જગતની મહાન વિભૂતિઓ પોતે જ્યારે મૂંઝવણમાં, દ્વિધામાં હતા ત્યારે તેમણે સમાજ છોડી દૂર જંગલમાં, પહાડ પર કે ગુફામાં એકાંતમાં રહેવાનું પસંદ કર્યું છે, પરંતુ જયારે કાંઇક પ્રાપ્ત કર્યું ત્યારે એ પાછા સમાજમાં આવ્યા અને પોતાને થયેલી સત્યની પ્રતીતિ વિષે સમજાવ્યું. માનવી જીવનમાં હંમેશા સુખ વધારવા અને દુ:ખ ઘટાડવા પ્રયાસ કર્યા જ કરે છે. દુ:ખ જીવનમાં આવે છે ત્યારે તો ભયાનક યાતનામાંથી પસાર થવું પડે છે. પણ એ તબક્કો પસાર થઇ જાય છે પછી એ વાત કરતાં આનંદ આવે છે. ખાવાં ધાન ન હોય, પહેરવાં કપડાં ન હોય, સગાંસંબંધી ગામના સૌ જાકારો દેતાં હોય, જીવતર ઝેર થઇ પડયું હોય, ગરીબી ભરડો લઇ ગઇ હોય, પત્ની વાતવાતમાં બેકાર પતિને ધધલાવી નાખતી હોય, છોકરાઓ વગડાઉ મીંદડા જેમ ઘૂરકતા હોય, લેણિયાતોએ હારે ને હારે ઉપાડો લીધો હોય અને એ જ વખતે પાછું ઓછામાં પૂરું કોઇ દરદ માથું ઊંચું કરે ત્યારે માણસ મૂંઝાઇ જાય છે. આયખાને ટૂંકાવી નાખવું, એ એક જ માર્ગ સામે દેખાય છે. આ સમય જિંદગીનો આ સમય જાળવી લીધા જેવો હોય છે. આવા સમયે કામ આવે તેનું નામ સમજણ. આશાવાદી હંમેશાં એમ વિચારે છે કે ગમે તેવી મુશ્કેલીઓ જીવનમાં આવે પણ એ કાયમી નથી હોતી. માનવી ગમે તેટલો મોટો હોય પણ તેની સમસ્યા એનાથી મોટી રહેવાની જ. આશાવાદી સમસ્યાને સ્થાયી નથી ગણાવતા, જયારે નિરાશાવાદી સમસ્યાને સ્થાયી ગણે છે. આટલો જ બંનેમાં ફેર છે.

માણસ ગરીબ હોય અને અમીર બની જાય. દર્દી હોય અને તંદુરસ્ત બની જાય. રાજકારણમાંથી ફેંકાઇ ગયો હોય અને મંત્રી બની જાય ત્યારે પછી તેને દુ:ખની વાત કરવામાં સંકોચ નથી થતો. મને આ તમામ વિગત જશવંતલાલ શેઠે ઘાટકોપર હું તેમને ત્યાં રોકાણો ત્યારે કહી.

શેઠ ઘણા ઠરેલ, અનુભવી અને જીવતરનો કસ કાઢનાર પુરુષાર્થી. તેમની વાતો સાંભળી મને આનંદ થયો.

જશવંતલાલે કહ્યું, ‘મુંબઈ આવ્યો ત્યારે ખિસ્સામાં એક પૈસો નહોતો. પૂછો તમારાં કાકીને’ ત્યાં કાકીએ આવી મોરચો સંભાળ્યો. મને કહે, ‘તમારા કાકા મારા બાપુની દુકાનના પાટિયે સૂઇ રહેતાં. મારા બાપુ ઘણી વાર આમને ઉઠાડી દુકાન ખોલતા. ક્યારેક હાથમાં સાવરણી પકડાવી વળાવતા પણ ખરા.’ શેઠને થયું, ‘આ બેઠી ભોં મારા જેવા મહેમીનની હાજરીમાં કયાં ઉખાડી?’ પણ શેઠાણીને હવે રોકી શકાય એમ નહોતું. તેમણે બોલવાનું ચાલુ રાખ્યું. ‘પ્રથમ મુંબઇમાં આમને ઓટલો મળ્યો. પછી મારા બાપુએ દુકાનમાં નોકરીએ રાખ્યા. ખાવું-પીવું ને વીસ રૂપિયા વાપરવા આપતા. આમ રોટલો મળ્યો.’ ત્યાં શેઠે કહ્યું, ‘અને પછી મળ્યો આ ચોટલો.’

ઓટલો, રોટલો, અને ચોટલો... જાણ્યે-અજાણ્યે પ્રાસ મળી ગયાં. જશવંતલાલે કહ્યું, ‘આના બાપા જગજીવનદાસથી કામ થાતું નહોતું. થાકી રહેતા હતાં અને ઉપરથી જુવાન દીકરીની ચિંતા.. એમાં હું ભટકાઇ ગયો. મજબૂરીનો લાભ આ જગતમાં કોણ નથી લેતું?

‘આના બાપાએ મને કામ કરાવી- કરાવી તોડી નાખ્યો. મારા સસરામાં કોઠા-બુદ્ધિ ભારે. જેમ હું નોકરી છોડવાની વાત કરું ત્યાં મને કહે, ‘જા, થેલી લઇને શાક લઇ ઘરે જશુમતીને આપી આવ’ મને એવો કોણીએ ગોળ ચોટાડતા કે હું નોકરી મૂકવાનું માંડી વાળતો.’ શેઠને વચ્ચેથી અટકાવી શેઠાણી મને કહે, ‘ભાઇ, એમની વાત માનશો મા હો! ઈ કાંઈ ને કાંઈ બહાનું કાઢી અહીં ઘરે આવતા અને મારી સામું જોઇ રહેતા, બળદ ખોળ સામું જોવે તેમ શેઠ કહે, ‘જુવાનીમાં બુદ્ધિ હોય છે? તમે જ કહો’ પણ મને બોલવાની બેમાંથી એકેયે તક આપી જ નહીં.

શેઠાણીનો ઉત્સાહ વધુ હતો. તેમણે કહ્યું, ‘દુકાનના પાટિયેથી દુકાનમાં પગપેસારો કર્યો. કાલાવાલા કરી મારા બાપાને રીઝવ્યા. ધરનાં કામ કરી કરીને મારી બાને મનાવી લીધાં. મનેય થયું કે ઘરના માણસ છે, કીધામાં તો રહેશે. ત્યારે તો મારો પડયો બોલ ઝીલવા ખડે પગે તૈયાર રહેતાં. ઘણી વાર હું રાતના કહેતી કે પાંઉભાજી લઇ આવો તો તે લઇ આવતા’ શેઠ કહે, ‘મારી સાથે બેસીને વાતો કરવા માટે તમારાં કાકી એ વખતે આવું બધું કરતાં. કાકી કહે, ‘હવે જાવ જાવ. નિશાળ છૂટવાના વખતે તમે નહોતા રાહ જોઇને ઉભા રહેતા? શેઠ કહે, ‘તમારા બાપુજી કામ ચીંધે પછી મારે ક્યાં જવું?’ શેઠાણી કહે, ‘તમને તો ઘર બાંધવાની હોંશ જ નહોતી. એમને? શેઠે ટૂંકું વાળતાં કહ્યું, ‘મૂળ હું સ્વભાવનો ભોળો અને આવડા આ બધા ઉસ્તાદ. મને જમાઈ બનાવ્યો પછી તો મનેય આ લાઇનનો અનુભવ થતો ગયો. મેં મારી દુકાન શરૂ કરી. અત્યારે ચારે દીકરાને ચાર દુકાનો, ચારેયના મકાન, દેશમાં રહ્યું તે મકાન, આવતાં જતાં રહેવા માટે બે મોટર, અને બચાવેલી થોડી મૂડી પણ ખરી. ઈશ્ર્વરની દયાથી જીવનના દુ:ખના દિવસો પસાર થઇ ગયા અને આજે ભગવાને સારા દિવસો દેખાડયા.’

વાત પૂરી કરવા માટે જશવંતલાલે આખરી આર્થિક સધ્ધરતાનું ચિત્ર મારી સમક્ષ દોરી પૂર્ણાહૂતિ કરી. છતાં શેઠાણીએ છેલ્લી વાત કહી, ‘એ તો પગ પૂજો મારી બાના. મારી બાએ એકવાર મારા બાપુજીને પૂછયું, ‘આપણી જશુ માટે કાંઇ વિચાર્યું?’ મારા બાપુજી કહે, હું સારા મુરતિયાની શોધમાં છું.’ મારી બા કહે, ‘હું જશુની ઉંમરની થઇ ત્યારે મારા બાપુજીએ સારા મુરતિયા ગોતવાનું પડતું મૂકી તમારી હારે ચાર ફેરા ફરાવી દીધા હતા. આ જશવંત બિચારો બળદની જેમ દુકાન અને ઘરકામનો ભાર વેઢારે છે. ઈ શું ખોટો છે? આખી જિંદગી ઉપકાર તો નહીં ભૂલે! શેઠાણીએ પોતાના પરિવારના ઉપકારનું છેલ્લું પ્રકરણ આલેખીને નામાસણ વાળ્યું, શેઠને આ ગમ્યું નહીં. તેમણે મને કહ્યું, ‘કિસ્મત અને મજબૂરી આનું નામ. ભાગ્ય પાસે માનવી કેવો લાચાર છે એનું આ ઉદાહરણ છે. શેઠાણી ખિજાયા એટલા માટે જ જોકે શેઠ આ બોલ્યા હતા.

પરંતુ મારે નીકળવાનું મોડું થતું હતું એટલે મેં કહ્યું, ‘મુસીબતોને જ સફળતાની સીડી બનાવી જે વ્યક્તિ સિદ્ધિ સુધી પહોંચવા પ્રયાસ કરે છે તે જ મજબૂરીને કિસ્મતમાં અને લાચારીને ભાગ્યમાં બદલી નાખે છે.’

બંનેને લાગ્યું કે આ વાક્ય પોતાના માટે બોલાયું છે, એટલે બંને ખુશ થયાં. હું પણ ખુશ થઈ રવાના થયો.



No comments:

Post a Comment