http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=116027
મકાન ચણાઇ જાય અને તેની ફરતે ઈંટોનો ભંગાર પડ્યો રહેે, તેમ સૂર્યમાળા બંધાઈ ગઇ પછી જે પદાર્થ પડી રહે તે નાના-મોટા ખડકો હોય જેને આપણે લઘુગ્રહો કહીએ છીએ
મકાન ચણાઇ જાય અને તેની ફરતે ઈંટોનો ભંગાર પડ્યો રહેે, તેમ સૂર્યમાળા બંધાઈ ગઇ પછી જે પદાર્થ પડી રહે તે નાના-મોટા ખડકો હોય જેને આપણે લઘુગ્રહો કહીએ છીએ
હાલમાં પૃથ્વીના આકાશમાં બે મોટા લઘુગ્રહો દેખાય છે. તેમનાં નામો સેરેસ અને પાલાકા છે. બંને દેવીઓનાં નામ છે. તે દૂરબીનની મદદથી જ દશ્યમાન થાય છે. સેરેસ સૌ પ્રથમ શોધાયેલો લઘુગ્રહ છે. ૧૮૦૧ની પહેલી જાન્યુઆરીએ સિસિલીના ખગોળવિદ ગુઇસ્તપી પિઆઝીએ તેેને શોધી કાઢયો હતો. તેની શોધને ૨૧૩ વર્ષ થયાં છે. સેરેસનું નામ સિસિલીની દેવીના નામ પરથી પાડવામાં આવ્યું છે. તેની સાઇઝ (વ્યાસ) લગભગ ૯૩૦ કિલોમીટર છે. એટલે કે મુંબઇથી મથુરા સુધી. આ અંતરમાં કેટલાં બધાં શહેરો છે. એટલાં શહેરો સેરેસ પર ઊભાં કરી શકાય. તે તરતો હિમાલય છે. પાલાસ બીજા નંબરનો મોટો લઘુગ્રહ છે. તેનો વ્યાસ ૫૬૦ કિલોમીટર છે. તેનો વ્યાસ મુંબઇથી અમદાવાદ સુધીનો છે. આ બે શહેરો વચ્ચે કેટલાં મોટા શહેરો ખેતરો, નદીઓ, પહાડો આવેલાં છે. એટલે કે આ એ લઘુગ્રહો પર ભવિષ્યમાં પૃથ્વીવાસીઓ કોલોની બાંધશે.
સૂર્યમાળામાં નહીં નહીં તો પચાસ હજાર લઘુગ્રહો છે. તે લઘુગ્રહ કહેવાય છે, કારણ કે તે નાના છે પણ સૂર્યની પરિક્રમા કરે છે. તેને અંગ્રેજીમાં એસ્ટેરોઇડ કહે છે. એસ્ટેરોઇડ એટલે સ્ટાર- લાઈક, કારણ કે તે સ્ટાર તારો નથી પણ તારા જેવો દેખાય છે. લઘુગ્રહો પણ દૂરબીનથી જોતાં ગ્રહોની માફક નાની થાળી દેખાડે છે. પીયાઝીએ સેરેસને શોધ્યો પછી તેનો અભ્યાસ કર્યો છે. થોડા દિવસ પછી તે મળ્યો નહીં. અને પછી તે અઠવાડિયા સુધી મળ્યો નહીં. છેવટે પીઆઝીએ જાહેર કર્યું કે મેં શોધેલો અવકાશીપિંડ મને હવે મળતો નથી. આ બાબત મને કોઇ મદદ કરે તો વિખ્યાત ગણિતશાસ્ત્રી કાર્લ ફ્રેડ્રિક ગૉસ તેની મદદે આવ્યાં. પીઆઝીનાં નિરીક્ષણો લઇને તેને ગણિતની એવી રીત શોધી કાઢી કે તેની પૂરી કક્ષા દોરી શકાય અને પછી સમય કેટલો પસાર થયો તેના પરથી તેને જગ્યા શોધી શકાય. આમ સેરેસને પાછો શોધી કાઢવામાં આવ્યો. ૧૯૭૫માં ઈરોઝ નામના લઘુગ્રહે પૃથ્વીના આકાશમાં દર્શન દીધા હતા. ઈરોઝ તદ્દન નાનો લઘુગ્રહ છે. મોટા લઘુગ્રહો દડા જેવા ગોળ હોય છે પણ નાના લઘુગ્રહોના આકારો ચિત્ર-વિચિત્ર હોય છે. કેટલાક બટેટાના આકારનાં હોય છે, કેટલાંક શક્કરિયા આકારના હોય છે. કેટલાંક ગાજરનાં આકારના હોય છે તો કેટલાક ડજબેલ આકારના હોય છે. તેઓ પોતાની ધરી પર પણ ગોળ ગોળ ઘૂમે છે. તેના આકાર અનિયમિત હોઇ તેમાંથી આવતો પ્રકાશ પણ ઓછો વધતો થાય છે. રાત્રિ આકાશમાં જ્યારે તેની વિશાળ ભાગ સૂર્ય કરફ હોય છે ત્યારે તે પ્રકાશિત દેખાય છે. પણ પછી જયારે તેનો નાનો ભાગ સૂર્ય તરફ આવે છે ત્યારે તે ઝાંખો દેખાય છે. ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ કે લઘુગ્રહો સ્વયં પ્રકાશિત હોતા નથી. તે બધા સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરી પોતાને દેખાડે છે. લઘુગ્રહો કાર્બન, રેતી, ધાતુઓ અને કાળમીંઢ પથ્થરના બનેલાં હોય છે. વિજ્ઞાનીઓ માને છે કે ભવિષ્યમાં જ્યારે પૃથ્વી પરની ધાતુઓની અને પથ્થરોની ખાણો ખલાસ થવા આવશે ત્યારે તેમાં પૃથ્વીવાસીઓને આ બધા પદાર્થોનો પુરવઠો પૂરો પાડશે. લઘુગ્રહો સૂર્યમાળાનો જન્મ, રચના અને વિકાસ સમજવા માટે ઘણા અગત્યમાં છે. તેઓ ઉલ્કાઓ, ધૂમકેતુઓ અને બીજા નાના નાના આકાશીપિંડોના વર્ગનાં છે. આ બધા આકાશીપિંડો નાના હોવા છતાં પણ સૂર્યમાળાને સમજવામાં ખૂટતી કડી પૂરી પાડી શકે તેમ છે. ટોટાટીસ નામનો લઘુગ્રહ ગડથોલિયાં ખાય છે. દર ચાર વર્ષે પૃથ્વીની નજીક આવે છે. તે ભયરૂપ છે. રોકેટો અંતરીક્ષ યા લઘુગ્રહ પર જલ્દીથી ઉતારશે. ભવિષ્યમાં લઘુગ્રહો પર કોલોની બંધાશે અને તેઓ સૂર્યમાળામાં નાના શહેરો જેવા હશે. પૃથ્વી પણ એક અંતરીક્ષવાન જ છ જે તેની કક્ષામાં સતત સૂર્યની પરિક્રમા કરે છે. લઘુગ્રહો નાના આકાશીપિંડો હોવાથી તેમની ફરતે વાયુમંડળ હોતું નથી. ત્યાંથી રાત્રિ આકાશ ખૂબ જ ભવ્ય દેખાય છે. હકિકતમાં ત્યાં દિવસે પણ તારા દેખાય છે અને તેનો અભ્યાસ થઇ શકે છે. સૂર્ય અને તારા સાથે દેખાય છે. જેમ રાત્રિ આકાશમાં ચંદ્ર તારા વચ્ચે વિહરતો દેખાય છે તેમ લઘુગ્રહો પર સૂર્ય તારા વચ્ચે વિહરતો દેખાય. ત્યાં ગુરુત્વાકર્ષણ તદ્દન ઓછું હોઇ ત્યાંથી પલાયન થવું સરળ પડે ત્યાંથી રોકેટને આકાશમાં છોડવાનું તદ્દન સહેલું કાર્ય હોય. ઓછી ઊર્જા, ઓછી ઈંધણના ખર્ચે આકાશમાં રોકેટને છોડી શકાય. પૃથ્વી પર ક્ષિતિજ આપણાથી ૨૦,૦૦૦ ફૂટ દૂર હોય. લઘુગ્રહ પર તે માત્ર ૨૦૦ કે ૫૦૦ ફૂટ જ આપણાથી દૂર હોય. તેથી ત્યાં મોટા ગુંબજ ધરાવતા પ્લેનેટેરિયન જેવો તે દુનિયાનો દેખાવ લાગે. ઘણાખરા લઘુગ્રહોનું નિવાસસ્થાન મંગળ અને ગુરૂ વચ્ચેના ક્ષેત્રમાં છે. તેને લઘુગ્રહોનો પટ્ટો કહે છે. બીજા કેટલાક દરેકે દરેક ગ્રહની ફરતે ઝળુંબે છે અને થોડા બીજા પૂરા સૂર્યમંડળમાં વિહાર કરે છે. સૂર્યમાળામાં બીજા પણ લઘુગ્રહોનો પટ્ટા મળી આવ્યા છે અને ગ્રહોના ઉપગ્રહ મંડળનો પણ તદ્દન નાના નાના લઘુગ્રહો ભરેલા પટ્ટા હોવાની શક્તા છે. આપણને થાય કે લઘુગ્રહો કેવી રીતે જન્મ્યા હશે? તારા અને તેની ગ્રહમાળાઓ વાયુના વિશાળ વાદળમાંથી જન્મ લે છે. આપણી આકાશગંગા મંદાકિનીમાં હજુ પણ આવા લાખો અને કરોડો વાયુનાં વિશાળ વાદળો નજરે પડે છે. વાયુનાં વાદળોમાં ગુરુત્વાકર્ષણને લીધે ગુરુત્વી પતન થાય છે. આ વાયુનાં વાદળો ગોળ ગોળ ફરતાં હોવાથી તેમના વિષુવવૃત્ત પર ફૂલે છે. જેમ જેમ તે સંકોચાય તેમ તેમ તેનું ધરીભ્રમણ તીવ્ર બને છે અને તેની મધ્યેરેખા પર તે વધારે ને વધારે ફૂલે છે. એક વખત એવો આવે છે કે કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળની બરાબર થાય છે. ત્યારે વાદળનો મધ્યરેખા પર ફૂલેલા ભાગ વલય રૂપે છુટ્ટો પડે છે અને તેમાં ગ્રહ બંધાય છે. આમ ક્રિયા ચાલ્યા જ કરે છે અને એક પછી એક ગ્રહ જન્મ લે છે અને વાયુનાં વાદળનો કેન્દ્ર ભાગ ખૂબ ઘટ્ટ અને ગરમ થઇ જાય છે. ત્યાં વાયુનું દબાણ પ્રચંડ હોય છે. તેમાં ન્યૂક્લિઅર રિએકશન શરૂ થઇ જાય છે. તે સૂર્ય તરીકે તારા તરીકે અવતાર લે છે અને તેની ફરતે ગ્રહો પરિક્રમા કરતા થાય છે. વાયુનું વાદળ જે વલયો છુટ્ટા કરે છે, તેમાં પ્રથમ નાના ના પિંડો, ખડકો બને છે. જે ભેગા મળીને ગ્રહ બનાવે છે. ગ્રહની ફરતે પણ નાના નાના પિંડો બાકી પડયા રહે છે તે જ લઘુગ્રહો. કોઇ વલયમાં અમુક કારણોસર ગ્રહ ન બંધાય તો તે લઘુગ્રહના પટ્ટા રૂપે દૃશ્યમાન થાય છે. હકિકતમાં પૂરું સૂર્યમંડળ લઘુગ્રહો અને ધૂમકેતુઓનો મહાસાગર છે. લઘુગ્રહો સૂર્યમાળાના બંધારણની ઈંટો છે. મકાન ચણાઇ જાય અને તેની ફરતે ઈંટોનો ભંગાર પડ્યો રહેે, તેમ સૂર્યમાળા બંધાઈ ગઇ પછી જે પદાર્થ પડી રહે તે નાના-મોટા ખડકો હોય જેને આપણે લઘુગ્રહો કહીએ છીએ. લઘુગ્રહો સૂર્યમાળાનો મૂળભૂત પદાર્થ છે. લઘુગ્રહોમાંથી ભવિષ્યમાં ધાતુઓ મેળવાશે, પાણી અને પેટ્રોલ મેળવાશે અને હીરા, સોનું, ચાંદી વગેરે મેળવી શકાશે. ભવિષ્યમાં તેમના પર કોલોની સ્થપાશે. તે પૃથ્વી પરની માનવજાતને ખતરારૂપ પણ છે. તે વારંવાર પૃથ્વી પર આવી પડે છે અને ભયંકર વિનાશ નોતરે છે. પૃથ્વી પર લોનાર લેઇક બેરીન્જર ઉલ્કાકુંડ, ખજિયાક સરોવર આકાશમાંથી આવી પડેલા લઘુગ્રહોમાં પદચિન્હો છે. ૨૦૦ ફુટના લઘુગ્રહો પૃથ્વી પર બંબે કિલોમીટર પહોળા અને અડધો કિલોમીટર ઊંડા ઉલ્કાકુંડો બનાવે છે. જો લઘુગ્રહ મોટો હોય તો પાંચ, દશ કે ૫૦ કિલોમીટર પહોળા ઉલ્કાકુંડો બનાવે છે. પૃથ્વી પર આવા કેટલાય ઉલ્કાકુંડો છે. મનાય છે કે બે કરોડ ૬૦ લાખ વર્ષો પહલાં ૧૦ કિલોમીટરની સાઇઝનો એક લઘુગ્રહ પૃથવી સાથે અથડાયો હતો. તેણે ડાયનોસોર્સનું નિકંદન કરી નાખ્યું હતું. લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાય છે ત્યારે સો એટમ બોમ્બ એકસાથે ફૂટે તેટલો વિનાશ વેરે છે. સો કિલોમીયર સુધી એક ઝાડ પણ ઊભું રહી શકતું નથી. હજારો ટન ધૂળને અંતરીક્ષમાં ફેંકે છે. વાયુમંડળ ધૂળથી ભરાઇ જાય છે અને માણસો અને પ્રાણીઓ ગૂંગળાઇને મૃત્યુ પામે છે. તે ક્ષેત્રમાં દિવસો સુધી સૂર્યપ્રકાશ પૃથ્વી પર આવી શકતો નથી. આમ લઘુગ્રહ હોય છે નાનો પણ તેની વિનાશ શક્તિ ગણી મોટી હોય છે. તેની ગતિને લીધે તે જયારે પૃથ્વી સાથે અથડાય છે ત્યારે હજારો ટન ધૂળને વાયુમંડળમાં ફેંંકે છે. બધાં મકાનોને ધરાશયી કરી નાખે છે અને તે મહાવિનાશનું કારણ બને છે. તેની અથડામણથી પૃથ્વીની જમીનમાં એટલું મોટું દબાણ સર્જાય છે કે કોલસો હીરો બની જાય છે અને સેન્દ્રિય પદાર્થો પેટ્રોલ, કેરોસીન, પાણીમાં ફેરવાઇ જાય છે. કોઇ વાર તે નજીકમાં પાતાળ ફોડી નાખે છે અને પાણીનું ઝરણું ઉત્પન્ન કરે છે. તે વાયુમડળના ઘટકોમાં પણ ફેરપાર કરી શકે છે. તે જબ્બર ભયંકર ધરતીકંપ થાય તેટલા વિનાશ વેરે છે. કુદરતની આ પ્રક્રિયામાંથી બચી શકાતું નથી. તે સૂર્યમાળાનાં સતત ચાલતી ક્રિયા છે. હજાર, પાંચ હજાર, પચાસ હજાર વર્ષે એકાદ નાનો મોટો લઘુગ્રહ તો પૃથ્વી સાથે અથડાય જ છે. ચંદ્ર, બુધ, મંગળ, પ્લુટો અને બીજા સૂર્યમંડળના ગ્રહોનાં ઉપગ્રહો છે. લઘુગ્રહોની સપાટી જોશો તો તેના પર કેટલાય ઉલ્કાકુંડો નજરે ચઢે છે. પૂરા સૂર્યમંડળમાં લઘુગ્રહોની અથડામણ ચાલુ જ છે. સૂર્યમાળામાં તે તરતા પહાડો છે. જયાં પડે ત્યા વિનાશ સર્જે છે. પણ સાથે સાથે નવસર્જન પણ થાય છે. કોઇ એક લઘુગ્રહના પૃથ્વી પર આવી પડે તો શું કરવું? તે માટે વિજ્ઞાનીઓ ચિંતિત છે અને તે પૃથ્વી સાથે અથડાય નહીં અને તેને અંતરીક્ષમાં બીજે માર્ગ વાળી દેવાય તેવી યોજના ઘડે છે. લઘુગ્રહો પૃથ્વી પરના જીવનનો વિકાસ, પૃથ્વી ફરતેના વાયુમંડળનો વિકાસ સાથે સંબંધ ધરાવે છે. થોડા દાયકા પહેલાં ખગોળવિદો લઘુગ્રહોના અભ્યાસને ન્યૂનતમ માનતા હતા, પણ હવે તે લોકોના લઘુગ્રહોના અભ્યાસની અગત્યતા સમજમાં આવી છે. લઘુગ્રહોેના નામો માણસોના નામ પર પણ છે. વિક્રમ સારાભાઇ, રામાનુજન, મૃણાલિની સારાભાઇ અને તેમની દીકરીની નામે પણ લઘુગ્રહો છે. એવી પ્રથા છે કે લઘુગ્રહને જે શોધે તે તેનું નામ ગમે તે રાખી શકે છે. તેની માતાનું નામ, તેના ગામનું નામ વગેરે. તેના પર કોઇ નિયંત્રણ નથી. ગ્રહો અને ઉપગ્રહોના નામો પૌરાણિક કથાનાં પાત્રોનાં નામ પર જ રાખી શકાય. ધૂમકેતુનાં નામો તેના શોધનારાના પોતાના નામે જ રખાયા છે. આ ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિક યુનિયનના નિયમો છે. |
No comments:
Post a Comment