Saturday, June 7, 2014

બાળક માટે ‘ડર કે આગે જીત’ નથી! --- વિનીત શુક્લ

મા-બાપે પોતાની સગવડ ખાતર કુમળા મનમાં બેસાડેલો ડર બાળકને ઘણી વાર જિંદગીભર નડતો રહે છે

બાળકની નિર્દોષ આંખો, ભોળો ચહેરો અને લોભામણું હાસ્ય એનો ટ્રેડમાર્ક હોય છે. આપણને આ અને બીજું ઘણું એમની તરફ સતત ખેંચતું રહે છે.

સમજણ વિકસવી બાકી છે એવું શિશુ ઘૂંટણિયા તાણતું રસોડામાં નીચે રહી ગયેલા કોઈ ગરમ વાસણ તરફ ધસી જાય ત્યારે ત્યાં હાજર કુટુંબની કોઈપણ વ્યક્તિ ‘આ તો આઈ છે, ન અડકાય’ એમ કહી એને ચેતવે છે. ખુલ્લા પડેલા ચપ્પુને એ ઊંચકવા જાય ત્યારે પણ એને આ જ રીતે અટકાવી દેવાય છે કેમ કે એ એના હિતમાં હોય છે. એના મનમાં ઊંડાણમાં કોઈપણ પ્રકારનો ડર પેદા કરવાનો એનો હેતુ નથી હોતો.

આની સામે કેટલાંક મા-બાપ કે દાદા-દાદી કહેલું ન માનતાં બાળકને અંકુશમાં રાખવા એના મનમાં એવો અને એટલો ડર ભરી દે છે કે પાછળથી એના મનમાંથી એ ડરને કાઢવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે. કાઉન્સેલિંગ મનોચિકિત્સક ડૉ. માધવી શેઠ આ સંબંધી ઘણી રસપ્રદ વાતો કહે છે અને જરૂરી માર્ગદર્શન પણ આપે છે.

કવિતા ચોકસી ખૂબ નાની હતી ત્યારે એની મમ્મી એને ડરાવવા હંમેશાં કહેતી કે ‘દીકરી, હોમવર્ક પૂરું કરી નાખ, નહીંતર બાથરૂમના ખૂણામાંની ડોલમાનું ભૂત બહાર આવી જશે. પછી એ કવિતા પાસે કંઈપણ કામ કરાવવા આ ડોલમાંના ભૂતનો ડર બતાવતી. આજે કવિતા પોતે એક સંતાનની મા છે, પણ હજી ડોલમાંના ભૂતથી ડરે છે. એ કહે છે, ‘મને ખબર છે કે એ ડોલમાંથી કે બીજી કોઈ ડોલમાંથી કોઈ ભૂત નથી નીકળવાનું. આ એક બેસમજભર્યોે ડર છે, જેનું કોઈ લોજિક નથી.’

આમ છતાં કવિતાને આજે પણ કોઈ ડોલ જોતાં ભૂતની યાદ આવી જાય છે અને એના ડરમાંથી બહાર નથી નીકળી શકી.

કવિતા જેવાં ઘણાં બાળકો છે, જેઓ બાળપણમાં બતાવાયેલા ડરના પડછાયામાં વીતાવી દે છે અને કયારેય એમાંથી બહાર નથી આવી શકતાં.

બેટા, અંધારામાં ન જતો, ત્યાં ભૂત છે.. જો બહુ તોફાન કરશે તો તારાં ટીચરને કહી દઈશ... જમી લે નહીં તો જંગલમાંથી સિંહ અહીં આવી જશે. ભણશે નહીં તો મગજમાં કાણાં પડી જશે.. તું બીયું ગળી ગઈ? હવે પેટમાં જરૂર ઝાડ ઊગવાનું... આવા અનેક ડર બતાવી મા-બાપ કે કુટુંબના લોકો બાળકને અંકુશમાં રાખવાની કે પોતાની વાત મનાવવાના અખતરા કરતાં રહે છે.

સામાન્ય રીતે જોવા મળે છે કે લગભગ તમામ મા-બાપ પોતાનાં સંતાનોને ડરાવતાં હોય છે, કેમ કે એમને એમ લાગતું હોય છે કે બાળકને ડર નહીં બતાવાય તો એ વાત નહીં માનશે, કહેલું નહીં કરશે. જુદી જુદી વ્યક્તિની બાળકને ડરાવવાની પદ્ધતિ અને એ માટેનાં પાત્રો જુદાં જુદાં હોવાનાં એનો વારંવાર ઉપયોગ થાય, એની શરૂઆત એકદમ જ કુમળી વયથી થઈ જાય, એ ડર એના મનમાં ઊંડે બેસી જાય કે એ માટેનું કારણ જ ન હોય ત્યાંથી સમસ્યાની શરૂઆત થાય છે.

કેવાં મા-બાપ બાળકોને ડરાવતાં હોય છે, જાણો છો?

સૌથી પહેલાં તો એ મા-બાપ છે, જેઓ ભણેલા-ગણેલાં તો છે, પરંતુ એમના બાળપણમાં એમનાં મા-બાપે એમને શિસ્તમાં રાખવા અને પોતાની વાત મનાવવા આ રસ્તો અપનાવેલો, એટલે પોતાના અનુભવના આધારે હવે મા-બાપ બનેલાં આ લોકો પણ પોતાનાં સંતાનોને અંકુશમાં રાખવા આને જ સૌથી વધુ સારો રસ્તો માને છે.

બીજાં મા-બાપ એવાં છે, જે ભણેલાં-ગણેલાં છે અને સંતાનોના ઉછેર પર પૂરું ધ્યાન પણ આપે છે. આ મા-બાપ જાણી જોઈને આવો ડરાવવાનો રસ્તો નથી લેતાં, પણ અજાણતાં જ બાળકોને ડરાવીને 

રાખે છે.

કેટલાંક મા-બાપ એવાં હોય છે, જેઓ ઓછું ભણેલાં હોય છે અને એ કારણે પોતાની વાત બાળકો પાસે મનાવવા પોતાનાં બાળકોને ડરાવે છે. આ મા-બાપ ડરના દુષ્પરિણામોથી અજાણ હોય છે.

કેટલું સાચું, કેટલું ખોટું?

કેટલાય મા-બાપનાં મનમાં એવો ડર હોય છે કે બાળકોને નહીં ડરાવીશું તો તેઓ પોતાની વાત નહીં માને. પોતાનો ડર દૂર ભગાડવા માટે તેઓ બાળકોનાં મનમાં ડર ઊભો કરી દે છે, જે તદ્દન ખોટું છે.

એ સાચું કે હાઈપર એક્ટિવ કે ચોક્કસ માનસિકતાવાળાં બાળકોને સંભાળવાં, એમની પાસેથી વાત મનાવવી બહુ મુશ્કેલ હોય છે. પરંતુ એનો અર્થ એવો કોઈ રીતે ન્યાયી ન ઠરી શકે કે તમે એવા બાળકના મનમાં અતાર્કિક-અકારણ ડર ભરી દો.

બાળકને ડરાવતાં પહેલા એક ખૂબ મહત્ત્વની વાત વિચારી લો. તમારે બાળકને જીવનમાં આગળ વધવા નિર્ભય બનતા શીખવવાનું છે એને બદલે તમે જાતે જ એને ડરતાં શીખવી રહ્યાં છો.

ભૂત-પ્રેત, ડાકુ, ચોર, વાઘ-સિંહ, કૂતરા, પોલીસ, પરીક્ષા વગેરેથી બાળકોને કદી ન ડરાવવાં જોઈએ.

ડરનાં દુષ્પરિણામ

આવાં ડરને કારણે બાળકોમાં અસુરક્ષાની ભાવના ઘર કરી જાય છે, જે એના વ્યક્તિગત વિકાસમાં અવરોધક બની શકે છે.

આવાં બાળકો ઘણીવાર ડરેલાં - અવાક થયેલાં રહે છે. જે ચીજોથી એમને ડરાવાયાં હોય છે એ જોઈને એકદમ અવાક થઈ જાય છે અને જાતને કંઈ નુકસાન કરી બેસે છે. 

આવાં બાળકોમાં આત્મવિશ્ર્વાસ ઓછો હોય છે. ડરને કારણે તેઓ સ્કૂલની વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લેવાથી દૂર ભાગે છે. એની સીધી અસર એમના વ્યક્તિત્વ પર પડે છે. આવાં બાળકોના દિલમાં ડર એટલો ઘર કરી ગયો હોય છે કે એનાથી 

છુટકારો મેળવવા તેઓ કોઈ અજાણ વ્યક્તિનો પણ સહેલાઈથી વિશ્ર્વાસ કરી લે છે. એનું પરિણામ કયારેક બહુ ઘાતક આવી શકે છે.

બાળકના મનમાં દૃઢ થઈ ગયેલા ખોટા ડર-વિચારનો એની વિચારણા પર ઊંડો અને ખોટો પ્રભાવ પડે છે.

બાળકોના મનમાં એ વાત બરાબર ઘૂસી જાય છે કે બાળકોને વાત મનાવવાનો સાચો રસ્તો એમને ડરાવવાનો છે, એટલે આ બાળકો મોટા થયા પછી પોતાનાં સંતાનો સાથે એવો જ વ્યવહાર કરે છે, જેવો પોતાની સાથે બાળપણમાં થયેલો.

મા-બાપે શું કરવું?

મા-બાપે સમજવી પડશે કે બાળકો પાસે પ્રેમથી તમે જે કામ કરાવી શકશો એ ડરથી કયારેય નહીં કરાવી શકો.

તમે ડર બતાવીને એની પાસે કે ડરાવવા-મનાવવા માગો છો તે એ કરશે-માનશે એવી કોઈ બાંયધરી નથી.

ડર એક બહારનું દબાણ છે અને સંતાનને તમે ગમે તેટલું ડરાવો, એના મનમાં એ કરવાની ઈચ્છા ન હોય ત્યાં સુધી એ નહીં જ કરે.

મોટા થયા પછી પણ એના મનમાંથી આ ડર સંપૂર્ણપણે નીકળી નથી જતો.

ડરાવવા કરતાં બાળકોને શિસ્તબદ્ધ કરવાં વધુ જરૂરી છે. મા-બાપ શિસ્તના નામે કયારેક બાળકોની બહુ જ આકરી ઝાટકણી કાઢે છે તો કયારેક સહેલાઈથી માફ કરી દે છે. એટલે એમનાં મનમાં દ્વિધા રહે છે કે કયું કામ કરતાં એને સજા મળશે અને શું કરતા એ છટકી જઈ શકશે.

ખાસ ધ્યાન આપશો

તમારું સંતાન કોઈ ભૂલ કરે કે તમારી વાત નહીં માને તો પ્રેમથી સમજાવો.

માનસશાસ્ત્રીઓ - સમાજશાસ્ત્રીઓ તથા અન્ય અનુભવીઓના મતાનુસાર ૬-૭ વર્ષ સુધીના બાળકને સમજાવવું થોડું મુશ્કેલ હોય છે, પણ મા-બાપ સમજદારીપૂર્વક પોતાની વાત મૂકે તો એ જરૂર વાત સમજશે.

આઠ વર્ષથી મોટા બાળકને સમજાવવામાં મા-બાપને બહુ તકલીફ નહીં પડે. એ બાળકોને કોઈપણ કામ કરવા અને ન કરવાનાં પરિણામો અંગે સમજણ અપાય તો એ ચોક્કસ સમજે છે.

પ્રેમથી તમારા બાળકની વાત સાંભળો અને કામ કરવા અંગે કોઈ મુશ્કેલી હોય તો એ દૂર કરો.

બાળકનો વ્યવહાર સમજવા સતત સજાગ રહો. આવા પ્રયાસ હંમેશાં સારાં પરિણામ લાવે છે.

કોઈપણ કામ કરવાની સમયમર્યાદા નિશ્ર્ચિત કરો અને એ સમયમાં એ કામ પૂર્ણ કરવા એને પ્રોત્સાહિત કરો.

પ્રત્યેક કામ કરતાં તમને કંઈ ને કંઈ શીખવા મળે છે. એ વાત મા-બાપ બાળકને જરૂર સમજાવે.

બાળકો પ્રગટ-અપ્રગટ રીતે પોતાનાં મા-બાપની નકલ કરવાની કોશિશ કરે છે, એટલે ઘરમાં મા-બાપનાં શબ્દો અને વ્યવહારનું મહત્ત્વ ઘણું હોય છે.

બાળકના દિલમાંનો ડર એની જિંદગીને ખતરામાં નાખી શકે છે એવું લાગે ત્યારે મા-બાપે તરત જ કોઈ કાઉન્સેલર - માનસશાસ્ત્રીને મળવું જોઈએ.

કેટલાંક મા-બાપ પરીક્ષાને કયામતનો મુદ્દો બનાવી દે છે, જે કારણે બાળકોના મનમાં પરીક્ષાનો ડર એકદમ ઘર કરી જાય છે. આથી પરીક્ષા નજીક આવતાં જ તાવ આવવો, ધ્યાન કેન્દ્રિત ન થવું જેવી શારીરિક - માનસિક સમસ્યાઓ ઊભી થવા માંડે છે. આવો ડર દૂર કરવા કાઉન્સેલરની મદદ જરૂર લેવી જોઈએ.

શબ્દોની પરેજી રાખવી અને પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી --- સૌરભ શાહ

વેદ, ઉપનિષદ અને ગીતા રચનારાઓ કવિ હતા, ચિંતક હતા. ચિંતન ક્યારેય લુખ્ખું ન હોય. જીવનને સ્પર્શતું ચિંતન હંમેશાં લાલિત્યમય હોવાનું. અને કવિતામાં ચિંતન ન હોય તો તે જોડકણું બની જાય. કવિતાનો પ્રકાર ખેડનારા બહુ ઓછા સર્જકો પોતાના સર્જનને ચિંતનની કક્ષાએ લઈ જઈ શકે છે. અને એમાં પણ જે ચિંતન જીવન માટેની સાચી ચિંતામાંથી નીપજતું તે માત્ર શબ્દરમત બનીને રહી જાય છે. ગુજરાતીની મહાન ચિંતન કવિતાની પરંપરાને કવિ હેમેન શાહ જેવા સમકાલીન પોએટ આગળ વધારી રહ્યા છે તે ગઈકાલે જોયું. આજે એમના ત્રીજા કાવ્ય સંગ્રહ ‘આખરે ઊકલ્યા જો અક્ષર’માં આ ચિંતન કેટલી મોટી ઊંચાઈએ પહોંચે છે તે જુઓ.

અર્પણ પંક્તિમાં કવિએ પોતાનો એક શેર મૂકયો છે.

એક શંકા પણ હતી, તો એક શ્રદ્ધા પણ હતી,

બેઉમાં છે કોણ સાચું? એ સમસ્યા પણ હતી.

શ્રદ્ધા અને આશંકા વચ્ચે સતત ઝોલા ખાતા મનની કઈ અવસ્થા સાચી? ક્યારેક શ્રદ્ધા ડગમગી જાય તો ક્યારેક શંકાના પાયા વધારે મજબૂત થતા લાગે. આ દુવિધાને આટલી જાનદાર રીતે, આટલી સચોટતાથી હજુ કોઈ કવિએ ગુજરાતી ભાષામાં વ્યકત કરી નથી.

હેમેન શાહ આવું કરી શકે છે, કારણ કે તેઓ સફળતા મળ્યા પછી કોઈ એક ચોક્કસ ચોકઠામાં પુરાઈ ગયા નથી. એમના વિચારો ખરા અર્થમાં નિ:સીમ છે:

વિચારો નિરંકુશ જવા આવવા દે,

અજાણી દિશાથી હવા આવવા દે.

નથી આભ બદલી શકાતું, એ માન્યુ,

જરા પંખીઓ તો નવાં આવવા દે.

સીમાઓ તોડવા માટે બધું જ તોડફોડ નથી કરવાનું. જે પ્રાપ્ત થયું છે એને નવેસરથી ઉકેલવાનું છે, નવા વિચારોથી નવાજવાનું છે. કેવી રીતે? ઘાંટા-બરાડા પાડ્યા વિના. ઈગોનો ફુગ્ગો ફુલાવ્યા વિના. કવિ આ ભાવને બહુ નાજુકાઈથી મૂકી આપે છે:

દાવા-દલીલ માટે જરૂરી છે બારીકી,

મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહિ.

નાનું જરાક રાખો અનુસ્વાર ‘હું’ ઉપર,

આખો વખત વજનને ઉઠાવી ફરાય નહિ.

આ બે શેર જે ગઝલના છે તે આખી ગઝલના તમામ શેર કવોટેબલ ક્વોટ છે. ગુજરાતીમાં આવી સંપૂર્ણ ગઝલ બહુ ઓછી જોવા મળે. ‘મરીઝ’ અને રાજેન્દ્ર શુકલ પછી મનોજ ખંડેરિયાની અનેક ગઝલોમાં આવા મુસલસલ શેર માણવા મળે. હેમેન શાહની આ ગઝલનો કાગળની હોડીવાળો શેર ગઈ કાલે ટાંકયો હતો. આ ઉપરાંત મક્તા પણ તમને વિચારતા કરી દે તેવો છે. ઉછીનું ગમે એટલું લઈએ, લઈને મહાલીએ પણ જરા વિચારીએ કે જેને મૌલિક રહેવું છે એણે કેટલું બધું ખોવું પડે છે જિંદગીમાં, કેટલું બધું જતું કરવું પડે છે. એ ત્યાગનું મૂલ્ય કૉપીકૅટ સર્જકો ક્યારે સમજશે? હેમેન શાહ આ મૌલિક વિચારને પોતાની આગવી શૈલીમાં મૂકતાં કહે છે:

અંતે ખરી જવાનીયે તાકાત જોઈએ,

પ્હેરો સુગંધ એટલે ફૂલો થવાય નહિ.

ચંદ્રકાન્ત બક્ષીએ એક ઉર્દૂ કહેવત ગુજરાતી વાચકોમાં પહેલી વાર મૂકી. ‘જાણકારની ચૂપ અને બેવકૂફની દાદ.’ જે પંડિત છે તે ખરા સમયે ચૂપ રહે તે ન ચાલે. સમય આવ્યે એણે મૌન તોડવું જ પડે. અન્યથા એના મૌનનું મૂલ્ય બેવકૂફની દાદ જેટલું થઈ જાય. નાસમજ માણસો તમારી પ્રશંસા કરે તેથી શું થઈ ગયું? એમનાં વખાણનું મૂલ્ય કેટલું? હેમેન શાહ આ વિચારને સમાંતર એવો તદ્દન નવો વિચાર ગઝલમાં લઈને આવે છે:

બોલું નહીં, તો ભીરુતા મારી પ્રગટ થશે,

બોલીશ તો એ મારી બગાવત થઈ જશે.

આ શેર કંઈ અગમ્ય ને આછો રહે તો બસ,

બનશે બહુ સચોટ તો કહેવત થઈ જશે.

‘આખરે ઊકલ્યા જો અક્ષર’ની મારી પર્સનલ ફેવરિટ ગઝલ હવે આવે છે. જે કવિ ‘જંગલનો કાયદો છે અહીં’ વાળો શેર લખી શકે એ જ કવિની તાકાત છે આ પ્રકારે, સીધું તીર નિશાન પર તાકવાની:

કાયદા-કાનૂન પ્રમાણે શું થયું?

નામ તો છે દાણે દાણે, શું થયું?

માળીએ ચૂંટી લીધાં સૂરજમુખી,

લ્યો, સૂરજની ઓળખાણે શું થયું?

બંધ પાસે ઠોસ નૈતિકતા હતી,

પણ ઉપરના આ દબાણે શું થયું?

ક્યારેક વિચાર આવે કે જે કવિ ‘ક, ખ કે ગ...’થી ધમાકાબંધ શરૂઆત કરીને ત્રીજા સંંગ્રહે ‘આખરે ઊકલ્યા જો અક્ષર’ની એવરેસ્ટ હાઈટ પર પહોંચી શકે છે તેનું હવે પછીનું સર્જન કેવું હશે? કવિએ પોતાને જ પડકાર આપીને નવું સર્જન કરવું પડે. હેમેન શાહ એ કરી શકશે એમાં કોઈ શંકા નથી.

રુદન અને રૂમાલનો નાતો પુરાણો છે. કવિ એને એક નવો આયામ આપે છે. એ પોતાની આંખથી અશ્રુને નહીં રૂમાલને જુએ છે અને આ નવા દૃષ્ટિકોણથી લખે છે:

અશ્રુ એકાદ ખુશહાલનું રાખીએ,

માન થોડુંક રૂમાલનું રાખીએ.

કાવ્યની વાત કરવી છે? બેસો, કરો,

હોય વ્યવહાર તો કાલનું રાખીએ.

‘બાબા’ રદીફની ત્રણ ગઝલો છે. પહેલી ગઝલનો એક શેર છે:

પળને સત્કારવી છે, પણ આડે

જિંદગી આવે પાછલી બાબા.

જિંદગીમાં એટલા બધા આગળ વધી ગયા હોઈએ કે ક્યારેક મનગમતું કામ કે મનગમતી વ્યક્તિ માર્ગમાં આવે તો એ તકને નજરઅંદાજ કરીને આગળ વધી જવું પડે. આ તબક્કા પછીના સ્તરે આવીને કવિ કહે છે:

વાટ સ્હેલી કે આકરી બાબા,

આદરી દો મુસાફરી બાબા.

કોઈ માપે તો કોઈ પામે છે,

જેવી જેની બિરાદરી બાબા.

અને ત્રીજી ‘બાબા’ ગઝલે સૌથી ઉચ્ચ તબક્કે

પહોંચ્યા પછીનો કવિનો ભાવ જુઓ. આટલી મૌલિક વિચારણા બુઝૂર્ગ ચિંતકો પાસેથી પણ હજુ આપણને નથી મળી:

શી ખબર કોણ અસલી માલિક છે,

ચીજ કોનાથી માગવી બાબા?

જો બધું એણે પોતે સજર્યું છે,

ના કહો એને દુન્યવી બાબા

હેમેન શાહે નવોદિત કવિઓને ‘પ્રિસ્ક્રિપ્શન’ કવિતામાંં દસ સલાહ આપીને છેલ્લે કહ્યું છે: ‘શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે/બસ, આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.’

હેમેન શાહે આ સલાહ પહેલાં પોતાના સર્જનમાં ઘૂંટી છે, પછી બીજાને આપી છે. હેમેન શાહના ત્રીજા કાવ્યસંગ્રહની સર્વશ્રેષ્ઠ ગઝલના આ ત્રણ શેર વાંચશો તો ખ્યાલ આવશે કે શા માટે આ કવિ એમના સમકાલીનોથી મુઠ્ઠી ઊંચેરા છે:

હજી જો નથી કંઈ થયું, હવે કંઈ થવાનું નથી,

રહેશે બધું અહીનું અહીં, કશું ચાલવાનું નથી.

વિચાર્યું ભલે હો ઘણું, કરો બંધ આ બારણું,

નજર પાછી બોલાવી લો, કોઈ આવવાનું નથી.

પલાંઠીમાં બેસી રહો, જો મન થાય તો કંઈ કહો,

જગતને જવું હો ભલે, અમારે જવાનું નથી.

દેખીતી રીતે હથિયાર હેઠાં મૂકી દેવાનો કે હતાશાનો કે નિરાશાનો સૂર વ્યકત કરતી આ ગઝલના દરેક શેરને વારંવાર વાંચશો તો ખ્યાલ આવશે કે એ રૅપર ખૂલ્યા પછી એમાંથી શાતા પમાડતા બીજા ઘણા ભાવ પ્રગટે છે. તરફડાટો શમી ગયા પછી, રૅટ રેસમાંથી નીકળી ગયા પછી ધાર્યું કરવાનો વખત આવી ગયાની વાત છે એમાં.

છેલ્લે જેમાં શીઅર પોએટ્રીનું ઝાકળ ટપકે છે એવા શેર ટાંકીને આ વર્ષના આઈ.એન.ટી. - કવિ કલાપી સન્માન બદલ હેમેન શાહને ફરી એક વાર શુભેચ્છા:

દૂર જે છે તું એને બૂમ કેમ પાડે છે?

આટલો સરસ નાતો બોલીને બગાડે છે.

રોજ સૂર્યનાં કિરણો લે પ્રવેશ ધુમ્મસમાં,

હસ્તપ્રત બહુ જૂની ધીરેથી ઉઘાડે છે.

ધર્મસત્તા વગરની લોકશાહી ખોડંગાતી ચાલી રહી છે --- તંત્રીલેખ 12-08-2013

છેલ્લાં ૧૫૦-૨૦૦ વર્ષમાં વિશ્ર્વમાં લોકશાહી વ્યવસ્થા પાંગરી છે. તેમાં એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રોનો પણ સમાવેશ થાય છે. બ્રિટન પોતાને લોકશાહીનું કેન્દ્ર ગણાવે છે. બ્રિટનની લોકશાહી વ્યવસ્થાએ અનેક નવાં પરિમાણ સ્થાપિત કર્યાં છે. એક દૃષ્ટાંતરૂપ લોકશાહી વ્યવસ્થા વિકસાવવાનું અભિમાન બ્રિટન લઈ શકે છે.

ભારતમાં લોકશાહી તેથી પણ જૂની છે, પરંતુ આ વ્યવસ્થામાં ધર્મસત્તા પ્રભાવક પરિબળ હતું જેનો આજે કાંકરો કાઢી નાખવામાં આવ્યો છે. આથી જ હવે ભારતમાં લોકશાહી વ્યવસ્થા પાંગળી અને પરવરશ બની છે. લોકશાહીના શાસકો પર નિયંત્રણ અને અંકુશ કોનો? પ્રજાને તો ગણકારતા જ નથી. તેઓ પોતાના સ્વાર્થ - મતલબ માટે બંધારણ અને કાયદો સુધારવા મક્કમ છે.

વળી બંધારણમાં સુધારો શા માટે? જવાબ મળે છે કે ન્યાયતંત્રે નિર્ણય કર્યો છે કે એક પણ કક્ષાએ ફોજદારી ગુનામાં સંડોવણી પૂરવાર થઈ હોય તો પછી ચૂંટણી લડી ન શકાય. હવે આ બાબતે બંધારણમાં ફેરફાર કરીને તમામ રાજકીય પક્ષો એક થઈને બંધારણ પોતાને યોગ્ય અને અનુકૂળ રહે તેમ કરવા તૈયાર થઈ ગયા છે!! આ બાબતને કેવી લોકશાહી ગણવી? આમાં પ્રજાનો અવાજ

ક્યાં છે?

પ્રાચીન ભારતનું એક દૃષ્ટાંત સમજવા જેવું છે. રાજા દુષ્યંત એક વખત શિકાર માટે નીકળ્યા હતા. તેમની નજરમાં એક હરણ આવ્યું. હરણને મારવા તેઓ રથ લઈને દોડ્યા, પરંતુ હરણ અધિક ગતિથી આગળ જતું રહ્યું. વધારે ઝડપ રાખી તેની પાછળ ગયા તો કણ્વ ઋષિના આશ્રમ પાસે એક ઋષિકુમાર બહાર આવ્યા. તેમણે કહ્યું કે ‘રાજન તમારાં તીર - બાણ નીચે મૂકો - આ આશ્રમનું હરણ છે અને તે અવધ્ય છે.’

રાજાએ આ આદેશને સ્વીકારવો પડ્યો, કારણ કે ઋષિકુમાર ધર્મસત્તાના પ્રતિનિધિ હતા. અહીં રાજસત્તા ધર્મસત્તા પાસે નમે છે. ભારતીય જનસમાજે ધર્મને હંમેશાં અમૃત સમાન ગણ્યું છે. ઋષિ અને સંતોએ જે પરંપરા સ્થાપિત કરી છે તે અપૂર્વ છે. તેમાં સ્વાર્થ નથી, પરંતુ સમર્પણ છે. ધનસત્તા પણ ધર્મસત્તા પાસે નમન કરે છે.

આજે રાજકીય પક્ષો - તેમની વિચારધારા અને તેમના નેતૃત્વનાં કરતૂતો - કામગીરી આ બધાથી પ્રજા ગળે આવી ગઈ છે. લોકો હિંસક બને તેટલી જ વાર છે. જો એકવાર ભડકો થયો તો બધા રાજકીય પક્ષો સંપી જશે તો પણ આગ બુઝવાની નથી તેટલો ભયંકર રોષ પ્રજામાં પ્રજવળી રહ્યો છે. પ્રજા હવે તો સ્વરાજને સોનાનું પિંજરું ગણે છે.

ધર્મ એટલે ન્યાય, નીતિ - મૂલ્યો - સિદ્ધાંત એમ સમજવાનું છે. આજની રાજકીય પ્રક્રિયામાં ક્યાંય આમાંનો કોઈ અંશ જોવા મળે છે ખરો? વિચારોની દૃષ્ટિએ પણ તેઓે કંગાળ છે. ખોટું બોલવાનું તો એટલું સહજ છે કે પાંચ વર્ષમાં એકાદ-બે વાત જ સાચી કહી હોય છે બાકી જુઠ્ઠાણાં પર જુઠ્ઠાણાં હોય છે!!

જુઠ્ઠાણાની હદ તો ત્યાં આવી જાય છે કે સુપ્રીમ કોર્ટને ખાતરી આપ્યા પછી પણ તેમના આદેશને ઘોળીને તેઓ પી જતા હોય છે!! રંગેહાથ પકડાયા બાદ તેમને શરમ ન હોય તેવા લોકો આજે કેન્દ્ર સરકારમાં મહત્ત્વના હોદ્દા સંભાળી રહ્યા છે. આવા લોકોને વહેલી તકે રવાના કરવા તે જ હવે તો પ્રજાધર્મ બનવો જોઈએ.

ધર્મ એટલે સારા સંસ્કાર, અન્યની ભલાઈની વાત, સદ્ગુણ વિકાસ, પવિત્રતા, આચાર, વિચારની શુદ્ધતા - સત્ય અને ન્યાયપ્રિયતા - અપરિગ્રહ સંયમી જીવન - આવાં તો અનેક લક્ષણથી ધર્મ ઓળખાય છે. ધર્મની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ તેના જે ગુણ છે તેનાથી ધર્મની ઓળખ બને છે. ત્યાગ એ ધર્મની સૌથી મોટી બાબત છે. આજે કોઈ રાજકારણી ત્યાગ કરવામાં માનતો જ નથી.

ધર્મ અને રાજ્યસત્તા બન્નેની ભેળસેળ થઈ જવાથી લોકશાહી ખોડંગાતી ચાલી રહી છે. લોકશાહી પ્રતિ પ્રજાની નફરત જોવા મળે છે. પ્રજાનો વિશાળ વર્ગ કહે છે કે લોકશાહી છે એટલે જ આવું ચાલે છે!! પરંતુ લોકશાહીમાં નિયંત્રણ - અંકુશ જે હોવા જોઈએ તેનો અભાવ છે, અંકુશ વગર તો હાથી પણ મદોન્મત્ત થઈ જાય છે.

આપણી રાજ્યવ્યવસ્થા જે ખૂટે છે તે સ્વ નિયંત્રણ - સ્વયંશિસ્ત અને સ્વઅંકુશની ખામી દરેકને બકવાસ કરવાની છૂટ છે!! જેમણે બોલવું જોઈએ તે બોલતા જ નથી!! વડા પ્રધાને હજુ સુધી સરહદ પર બનેલી ઘટના અંગે ટીકા કે રોષ કરીને વ્યક્ત કર્યો નથી. આ કઈ જાતની લોકશાહી ગણવી કે જેમાં શાસક જ અસંવેદનશીલ હોય!!

પ્રજા આજે ત્રાસી ગઈ છે. તેમને પરિણામ જોઈએ છે. એટલા માટે જ પરિવર્તન માગી રહી છે. લોકશાહી એટલે પ્રજાનો અવાજ - લોકશાહી એટલે પ્રજાનાં હિતમાં કલ્યાણકારી નિર્ણય - લોકશાહી એટલે પ્રજાની સુખાકારી - લોકશાહી એટલે ન્યાયની શુદ્ધતા સાથેનો વહીવટ - લોકશાહી એટલે ધર્મમય વ્યવહાર, લોકશાહી એટલે સત્ત્વશીલતા આચાર અને વિચાર સાથેની હોવી જોઈએ.

અવકાશી સંશોધન માટે સંસ્કૃત જરૂરી છે: નાસા --- મુઝફ્ફર હુસેન

"નાસાના નામથી સૌ કોઈ પરિચિત છે. અવકાશ સંશોધનમાં આ અમેરિકન સંસ્થાનું મોટું યોગદાન છે. તેની પાસે પ્રયોગશાળા અને વિશ્ર્વવિદ્યાલય પણ છે, તેમાં શિક્ષણ મેળવવું કેટલું મુશ્કેલ છે તે માત્ર સુનિતા વિલિયમ્સ જેવી કોઈ વ્યક્તિ જ બતાવી શકે. પરંતુ અધ્યયન મુશ્કેલ છે. નાસામાં સંશોધન કે અધ્યયન કરવું હોય તો સંસ્કૃત ભાષાનું જ્ઞાન આવશ્યક છે. કોઈક માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જોઈએ કે સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે.

વિદ્યાર્થીએ સંસ્કૃત ભાષાના ગ્રંથોનો અભ્યાસ કર્યો હોવો જોઈએ. વિશ્ર્વમાં સંસ્કૃત જેવી જ પ્રાચીન ભાષા લેટિન, ગ્રીક અને અરબી છે. પ્રાચીન ભારતીય સાહિત્ય સંસ્કૃત ભાષામાં પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. અંતરિક્ષ અને અવકાશ વિજ્ઞાનમાં માત્ર ભારતે જ સંશોધન અભ્યાસ કર્યો છે. આ બાબત પાયાની હોવાથી સંશોધન કરનારાને સંસ્કૃતનું જ્ઞાન હોવું જોઈએ. આથી સંસ્કૃત એ જ્ઞાન માટે પ્રાથમિક જરૂરત છે.

ભારતમાં સંસ્કૃત ભાષાને પંડિતો અને મંદિરમાં પૂજારીઓની ભાષા તરીકે ઓળખવામાં આવે પરંતુ નાસાના વૈજ્ઞાનિકોએ તે ભાષાને વિજ્ઞાનની ભાષા ગણાવી છે. સંશોધકો હવે સંસ્કૃત ભાષાની જાણકારી પછી જ નાસામાં પ્રવેશ મેળવી શકે છે. થોડા દિવસો પહેલા ભારત સરકારે માતા વૈષ્ણોદેવીની છાપવાળા રૂ. ૫ના સિક્કા બહાર પાડ્યા તેવે વખતે અલ્પસંખ્યકોના મુઠ્ઠીભર કટ્ટરપંથીઓએ હોબાળો મચાવ્યો હતો.

તેમાં વિરોધ કરનારાને એ વાતની જાણકારી નથી કે ભારતમાં દરેક પગલે હિન્દુ સંસ્કૃતિનું દર્શન થાય છે, તેનાથી કેટલા દૂર ભાગશે? કોઈ પણ દેશની સાંસ્કૃતિક વિરાસતનો વિરોધ કરવો તર્કસંગત નથી. જેઓ અન્યની મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. તેમના દેશમાં ગઈ કાલ સુધી તો દેવદેવીની પૂજા ચાલતી હતી. ગ્રીક અને મિસર (ઈજિપ્ત) અરબસ્તાનમાં પૂર્તિ પૂજા થતી હતી જે પ્રાચીન ઈતિહાસ - સાહિત્ય છે તેમાં તેનો ઉલ્લેખ આવે છે.

અનેક ઐતિહાસિક ખોદકામ, ખંડેરમાં તેની ખુદાઈ જોવા મળી છે. ઈતિહાસમાં તો ઘણું છે. તેનું વૈચારિક વિશ્ર્લેષણ થવું જોઈએ. જે પ્રાચીન ચીજવસ્તુ છે તેને આસ્થાની દૃષ્ટિથી જોવું જોઈએ. ભારત સરકારે જે માતા વૈષ્ણોદેવીના સિક્કા બહાર પાડ્યા તે આવતી કાલની દુનિયા માટે ઈતિહાસ છે, જો તેને સુરક્ષિત રાખવો હોય તો આ પ્રકારની મુદ્રા ટિકિટ અને સ્થાપત્ય કળા વગેરેને કોઈક સ્વરૂપે જાળવી રાખવાની હોય છે. કેટલાક વર્ષ અગાઉ ભારત સરકારે લાલકિલ્લામાં એક કેપ્સુલ દાટી હતી કે જે સેંકડો વર્ષ બાદ આવનારી પેઢી માટે એક ઈતિહાસ હતો. આજની દરેક બાબતને ઈતિહાસ સાચવે છે, ઈતિહાસમાં સંશોધન કરવામાં આવે તો પ્રાચીન ભારતની છબી જરૂર જોવા મળે છે. આફ્રિકા મહાદ્વીપ જે ભારતથી ઘણો દૂર છે ત્યાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પુરાતત્ત્વ માટે ખોદકામ થતાં ગણપતિની મૂર્તિ ધાતુમાં બનેલી મળી આવી છે. ઈથિયોપિયામાં પણ તાજેતરમાં ગણપતિની મૂર્તિ મળી આવી. આશ્ર્ચર્યની વાત છે કે સાઉદી અરબસ્તાનમાં અર્ધનારેશ્ર્વરના પ્રતીક જેવા નાઈલ દેવતાની મૂર્તિ મળી હતી.

આ બધી બાબતો - પ્રતિમાનું વર્ણન ઉર્દૂના પ્રસિદ્ધ કવિ અલ્તાહ હુસૈન હાલીએ પોતાના પુસ્તકમાં કર્યું છે. હાલીએ પ્રાચીન આરબ બૂત તરીકે તેમને ઓળખાવ્યા છે. ખલીલ જિબ્રાને તો પોતાના પુસ્તકમાં દેવદેવતાઓએ વિશ્ર્વદર્શનના ગુણ ગાયા છે. આથી એક પ્રશ્ર્ન ઊભો થાય છે કે ભિન્ન ભિન્ન દેશોમાં આવી પ્રતિમા છે તો બનાવનારા પણ એક જ હોય શકે છે. તેઓ પ્રતિમાના માધ્યમથી પ્રકૃતિના રહસ્ય જણાવે છે. કોઈ પણ સ્વરૂપે ભારતીય સંસ્કૃતિ વિશ્ર્વવ્યાપી હોવાનું એક પ્રમાણ છે.

હાલમાં વિશ્ર્વમાં ત્રાસવાદની પ્રવૃત્તિ વધી રહી છે, તેમાં એશિયા સૌથી વધુ અસરગ્રસ્ત છે. તાલિબાનો જેહાદ માટે હજુ તૈયાર છે પરંતુ તેમના માટે મોટો અવરોધ ભારતની સંસ્કૃતિની બોલબાલા છે. આ દિશામાં ઇન્ડોનેશિયાની સરકારે તેમને ખૂબ નિરાશ કર્યા છે. આ નિરાશા સામે મોટો હલ્લો કરવા તેઓ તૈયાર છે, પરંતુ પૂર્ણ રીતે સફળ થતા નથી. વિશ્ર્વમાં બનતી ઘટનાથી આતંકવાદીઓ વિચાર કરવા મજબૂર

બન્યા છે.

દુનિયાના સૌથી મોટા મુસ્લિમ જનસંખ્યા ધરાવતા ઈન્ડોનેશિયામાં એક ચોંકાવનારી બાબત બની અને સમગ્ર વિશ્ર્વનું ધ્યાન ગયું. આ બાબત ઈસ્લામ પૂર્વની સંસ્કૃતિ સાથે છે તેનો સંદેશ આપે છે અને તેની અનેકતામાં એકતા ધરાવતો વિશ્ર્વાસ વ્યક્ત કરે છે. ઈન્ડોનેશિયાનો પોષાક-ભાષા અરબી સંસ્કૃતિથી પ્રભાવિત નથી. દક્ષિણ પૂર્વ એશિયાના આ દેશમાં નગરો અને નેતાઓના નામ પોતાની પ્રાચીન પદ્ધતિના આધારે છે.

જેમ કે સુકર્ણો, સુહાર્તો, મેધાવતી - ઈન્ડોનેશિયાની વિમાની સેવા ગરૂડ ઍરલાઈન્સ છે. ઈન્ડોનેશિયાએ તાજેતરમાં અમેરિકાને દેવી સરસ્વતીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમા ભેટ આપી હતી. આ પ્રતિમાને વ્હાઈટ હાઉસની નજીકમાં સ્થાપિત કરવામાં આવનાર છે, તે વિસ્તારમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે. ઈસ્લામ મૂર્તિ પૂજાને નહીં પરંતુ રાષ્ટ્રીય ભાવનાનો આદર કરે છે. ઈન્ડોનેશિયા સરસ્વતીની પ્રતિમા દ્વારા ભાવના વ્યક્ત કરે છે.

આનો અર્થ એ થયો કે ધર્મ અને સંસ્કૃતિના ગુણગાન કરનાર દેશ પોતાની ધરતીના યશોગાન માટે સજ્જ છે. ઈસ્લામિક શાસન દરમિયાન ભારતના અસંખ્ય નગરો અને શહેરના નામ બદલાયા કારણ કે તે ભારતની સંસ્કૃતિને આધારે હતા તેની પાછળ દેવદેવતાઓ - દેવીઓ હતા. ઉત્તર ભારતમાં તો નગર શહેરના નામ એટલા બદલાયા કે જાણે સમગ્ર ઈતિહાસનું પરિવર્તન થયું. કોઈ પણ નગરનું નામ બદલીને વિજેતા પોતાના અહ્મને શાંત કરતા હતા.

પ્રાચીન નગરના નામ માત્ર ધાર્મિક આધારે નહીં પરંતુ તેના કોઈક વિશેષ ગુણ-ઓળખને આધારે હતા. આથી ગુણ-ઓળખને પરિભાષિત કરનારી વાત મહત્ત્વની હતી. કેટલાક નામ ભૌગોલિક હતા. પૌરાણિક નામ પણ હતા. કેટલાક નામમાં એવો જાદુ હતો કે ઈસ્લામિક શાસકો તેને બદલી શક્યા નહોતા, પરંતુ તેને સમાંતર નામ રાખ્યા હતા. જેમ કે ઋષિકેશ ગંગા નદીના કિનારે વસેલું છે, તેનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ છે.

ઈસ્લામિક શાસકો આ પવિત્ર ધાર્મિક નગરનું નામ બદલી શક્યા નથી. હજારો વર્ષ બાદ પણ તે ઋષિકેશ છે. તેઓ જાણતા હતા કે નામ બદલવાથી તેનું મહત્ત્વ પણ ઘટી જશે. આથી તેમણે રુચિ બતાવી નહીં. ઋષિકેશને સમાંતર કાશ્મીર ખીણ વિસ્તારમાં પયગમ્બર મહંમદ સાહેબના પવિત્ર બાલ છે તે સ્થળે હઝરત બાલ નામ અપાયું. ઈસ્લામ પૂજા પદ્ધતિમાં વિશ્ર્વાસ રાખતું નથી, પરંતુ પયગમ્બરો અને ઓલિયાઓ પ્રતિ શ્રદ્ધા રાખે છે.

આથી સંબંધિત ઋષિકેશના અનુવાદ તરીકે હઝરત બાલ નામકરણ થયું હશે. આ ઈતિહાસ નથી માત્ર માન્યતા છે. અકીર હઝા નાઈક નામના બુદ્ધિજીવી પાકિસ્તાની લેખકે આતંકવાદી સંગઠનોને દાર્શનિક માનવામાં આવે છે. તેમના કથનાનુસાર ભારતીય વૈજ્ઞાનિકોએ પોતાના મિસાઈલ નાગ અને અગ્નિ - પૃથ્વી જેવા નામ રાખ્યા છે. એ વાત સિદ્ધ કરે છે કે મુસ્લિમ આતંકવાદીઓને નષ્ટ કરવા યુદ્ધથી સર્વોપરિતા પ્રાપ્ત કરી લેશે.

એક તરફ મુસ્લિમ રાષ્ટ્ર છે કે જે ભારતીય સંસ્કૃતિની પ્રશંસા કરતી બાબતોને જુએ છે તો બીજી તરફ આતંકવાદી માનસિકતાગ્રસ્ત જેહાદીઓ છે કે જેમને પૃથ્વી અને અગ્નિ જેવા પંચભૂત તત્ત્વોમાં પણ રાજનીતિ દેખાય છે.

અદૃશ્ય પદાર્થમાંથી જ દૃશ્ય પદાર્થ નીપજે --- ડો. જે. જે. રાવલ

પાણીના મહાસાગરમાં જીવતા જળચરની જેમ આપણે ડાર્ક મેટરના મહાસાગરમાં જીવી રહ્યા છીએ

પ્રાચીન સમયમાં પૃથ્વી જ પૂરું વિશ્ર્વ હતું. તેની ઉપર આકાશ અને રાત્રિ આકાશમાં તારા. સૂર્ય, ચંદ્ર, ગ્રહો દેવતા ગણાતા અને તારા મહાન આત્મા મૃત્યુ પામે પછીનું તેમનું રાત્રિઆકાશમાં સ્થાન ગણાતા. પૂરું આકાશ ખાલીખમ મનાતું. પછી માલૂમ પડ્યું કે પૂરા સૂર્યમંડળમાં માત્ર સૂર્ય જ સ્વયં પ્રકાશિત છે, ગ્રહો સ્વયં પ્રકાશિત નથી. તે સૂર્યનો પ્રકાશ પરાવર્તન કરી તેમની જાતને બતાવે છે. બધા જ તારા સ્વયંપ્રકાશિત છે. પણ તે શું છે તે કોઈને ખબર હતી નહીં. તે પ્રકાશબિન્દુઓ મનાતા.

દિવસે ગ્રહો દેખાતા નથી. માટે હકીકતમાં સૂર્યમાળામાં ગ્રહો પણ અદૃશ્ય પદાર્થ જ ગણાય. પછી ખબર પડી કે પૃથ્વી ફરતે વાયુમંડળ છે અને જ્યારે તે ઘટ્ટ થાય છે ત્યારે આકાશમાં તે વાદળારૂપે દેખાય છે અને ચોમાસામાં ઘટાટોપ વાદળોના રૂપમાં દેખાય છે જે પાણીના રૂપે વરસે છે. આમ વાયુમંડળ પણ સૂર્યમાળામાં અદૃશ્ય પદાર્થ છે પણ તે વાદળાના રૂપમાં દેખાઈ શકે છે. સૂર્યમંડળના શુક્ર મંગળ જેવા ગ્રહોની ફરતે પણ વાયુમંડળ છે. આ પણ નરી આંખે દેખાય નહીં માટે અદૃશ્ય પદાર્થ જ ગણાય. પૃથ્વી ફરતેના વાયુમંડળમાં ઓક્સિજન, નાઈટ્રોજન, કાર્બનડાયોક્સાઈડ વગેરે વાયુઓ છે પણ આપણને એ ક્યાં દેખાય છે?

સૂર્યમંડળમાં બીજો મોટો અદૃશ્ય પદાર્થ હોય તો તે લઘુંગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો છે. જે અદૃશ્ય રહે છે પણ જો સૂર્યનાં કિરણો તેના પર પડે તો તે દૃશ્યમાન થાય છે. વાયુમંડળમાં ધસમસતી આવતી ઉલ્કા વાયુમંડળના વાયુઓના અણુઓ સાથે અથડાય છે અને તેમાંથી ઈલેકટ્રોન્સ બહાર પડે છે, ઉલ્કામાંથી પણ ઈલેકટ્રોન્સ બહાર પડે છે. આમ ત્યાં આયોનાઈઝેશનની ક્રિયા થાય છે જેથી ત્યાં પ્રકાશ ઉત્પન્ન થાય છે અને ઉલ્કાના માર્ગમાં પ્રકાશની રેખા બને છે. આ પ્રકાશ આપણને દેખાય છે, નહીં તો ઉલ્કાઓ અદૃશ્ય રહે છે. સાદી ભાષામાં કહેવાય છે કે ધસમસતી આવતી ઉલ્કાને લીધે વાયુમંડળમાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે જે ઉલ્કાના માર્ગમાં પ્રકાશની રેખા તાણે છે.

સૂર્યમંડળની ફરતે એક હજાર અબજ ધૂમકેતુઓની વસાહત છે. જેમ સૂર્યમંડળની ફરતે ધૂમકેતુઓની વસાહત છે તેમ ગ્રહોની ફરતે પણ ધૂમકેતુઓની વસાહત છે. આ બધી ધૂમકેતુઓની વસાહતો સૂર્યમાળામાં અદૃશ્ય પદાર્થ છે. તે સૂર્યમાળાની અને ગ્રહોની ફરતેના ઉર્ટના ધૂમકેતુઓનાં વાદળો કહેવાય છે. પૂરું સૂર્યમંડળ નાના- મોટા ખડકો, રજકણો વગેરેથી ભરપુર છે. આ બધા પદાર્થ સૂર્યમાળાનો અદૃશ્ય પદાર્થ છે.

સૂર્યમાંથી નીકળતા સૌરપવનો, ન્યૂટ્રીનો અને બીજા એવા વિદ્યુતભારવાહી અને વિદ્યુતભારવિહીન પદાર્થકણો પણ સૌરમાળાનો અદૃશ્ય પદાર્થ બનાવે છે. જીનીવામાં લાર્જ હેડ્રોન કોલાઈડરનો ૪૦૦ અબજ રૂપિયાનો હિગ્ઝ- બોઝોન (ગોડ પાર્ટિકલ) શોધવાનો પ્રયોગ ચાલે છે. આ હિગ્ઝ- બોઝોન સૂર્યમાળામાં જ નહીં પણ પૂરા બ્રહ્માંડમાં અદૃશ્યરૂપે રહે છે. તે બ્રહ્માંડમાં ડાર્ક મેટર કે ડાર્ક એનર્જી તરીકેનો મોટો ઉમેદવાર છે. આ બધા પદાર્થકણોના મહાસાગરમાં આપણો જીવ રહ્યા છીએ. જેમ પાણીના મહાસાગરમાં જળચર જીવી રહ્યા છે તે પ્રમાણે આપણે આ ડાર્ક મેટર- ડાર્ક એનર્જીના મહાસાગરમાં જીવી રહ્યા છીએ. આ કહેવાય તો ડાર્ક મેટર પણ તે એવી મેટર (પદાર્થ) છે જે આપણે જોઈ શકતા નથી. માટે તેને ડાર્ક મેટર કહે છે. તે ખરેખર ડાર્ક (કાળાં રંગની) મેટર છે તેવું કાંઈ જ નથી. એમ તો પ્રકાશમાંથી આપણે માત્ર દૃશ્ય પ્રકાશ (ઓપ્ટિકલ લાઈટ) જ જોઈએ છીએ. રેડિયો તરંગો, માઈક્રોવેવ્ઝ, ઈન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ કિરણો, એક્સ-કિરણો, ગામા-કિરણો વગેરે જોઈ શકતાં નથી. આ બધાં કિરણો પ્રકાશનાં કિરણો હોવા છતાં આપણે તેને જોઈ શકતા નથી. આ બધી ડાર્ક મેટર જ ગણાય.

વિજ્ઞાનીઓ કહે છે કે આપણે બ્રહ્માંડનો ૩ ટકા ભાગ જ જોઈ શકીએ છીએ. ડાર્ક મેટર બ્લેક મની જેવી છે. બ્લેક મની બ્લેક હોતાં નથી. તે મની જ હોય છે અને મનીનું જ કાર્ય કરે છે. પણ તેને હિસાબમાં લઈ શકાતી નથી. માટે તેને કાળાં નાણાં કહે છે. તે સમાંતર અર્થતંત્ર ચલાવે છે. હિન્દુ શાસ્ત્રોમાં મહાકાળીનું કાળી ઊર્જા તરીકેનું સ્થાન છે. ડાર્ક એનર્જી મહાકાલીનું સ્વરૂપ હોય. હકીકતમાં અદૃશ્ય પદાર્થમાંથી જ દૃશ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે. ઊર્જા પોતે જ અદૃશ્ય પદાર્થ છે. આઈન્સ્ટાઈનના ઊર્જા અને પદાર્થની એકરૂપના સિધ્ધાંત ઊળભ૨ પ્રમાણે ઊર્જા એ જ પદાર્થ છે.

આવી રીતે દૃશ્ય અને અદૃશ્ય પદાર્થને સીધો સંબંધ છે. કોસ્મિક રેઝ (વૈશ્ર્વિક કિરણો) અદૃશ્ય પદાર્થ છે. પૂરા બ્રહ્માંડમાં અદૃશ્ય પદાર્થ પથરાયેલો છે. પણ તે આપણને દેખાતો નથી. બ્લેક હોલ્સ તેનાં ઉદાહરણો છે. ગ્રહોનાં ઉપગ્રહો પણ અદૃશ્ય પદાર્થમાં જ આવે. અંતરિક્ષ પોતે ઊર્જા સ્વરૂપ છે પણ અદૃશ્ય રહે છે.

પ્રશ્ર્ન એ છે કે વસ્તુ અદૃશ્ય શા માટે રહે છે. એ કે તે સ્વયં પ્રકાશિત નથી માટે. બીજું કે તે સ્વયંપ્રકાશિત હોવા છતાં આપણી આંખ તેને રિઝોલ્વ કરી શકતી નથી, તે આંખની જોવાની ક્ષમતાની બહાર છે. દા.ત. અલ્ટ્રાવાયોલેટ, એક્સ કે ગામા રેઝ. જો વસ્તુ આપણી દૃષ્ટિમર્યાદાની બહાર હોય તો પણ આપણે તેને જોઈ શકતા નથી. આપણે માત્ર ક્ષિતિજ સુધી જ જોઈ શકીએ છીએ. ક્ષિતિજ જેમ વિસ્તરે તેમ આપણે આગળ અને આગળ જોઈ શકીએ. બ્રહ્માંડને પોતાને એક ક્ષિતિજ છે. દૃશ્ય વિશ્ર્વની ક્ષિતિજ અને તે આપણાથી ૧૩.૮ અબજ પ્રકાશવર્ષ દૂર છે.

તનની તંદુરસ્તીનું ઇન્ડિકેટર --- સંજય વોરા

માણસના શરીરના વિવિધ ભાગમાંથી નીકળતી ઊર્જાના અલગ અલગ રંગ તેના પર કઈ બીમારી ત્રાટકશે તેની જાણકારી આપે છે

કોઇ પણ હિન્દુ દેવી-દેવતાની તસવીર જોઇશું તો તેમાં મસ્તકની પાછળના ભાગમાં એક તેજસ્વી વર્તુળ જોવા મળશે, જે ભામંડળ તરીકે ઓળખાય છે. જૂના જમાનામાં રામાયણ અને મહાભારતની ફિલ્મો બનતી તેમાં પણ શ્રીરામ અને શ્રીકૃષ્ણ જેવા મહાપુરુષોનાં મસ્તકની પાછળ આવું તેજસ્વી ચક્ર ફરતું દેખાડવામાં આવતું હતું. જૈન દર્શન પણ કહે છે કે મનુષ્યનું એક સૂક્ષ્મ શરીર હોય છે, જે તેજસ અને કાર્મણ શરીર તરીકે ઓળખાય છે. માણસના મૃત્યુ સમયે તેનું હાડમાંસનું બનેલું શરીર અહીં જ પડી રહે છે, પણ આ તેજસ અને કાર્મણ શરીર બીજા ભવમાં પણ તેની સાથે આવે છે. હવે આધુનિક વિજ્ઞાન પણ આ થિયરી સ્વીકારવા લાગ્યું છે.

પુણેના વર્લ્ડ પીસ સેન્ટરમાં મનુષ્યના શરીરની આસપાસ જોવા મળતા ઊર્જા ક્ષેત્રનું પરીક્ષણ કરવા માટે અદ્યતન વૈજ્ઞાનિક પ્રયોગશાળા ઊભી કરવામાં આવી છે. આ પ્રયોગશાળા સેન્ટર ફોર બાયોફિલ્ડ સાયન્સીઝ (સીબીએસ) તરીકે ઓળખાય છે. બાહ્ય રીતે તો આ સેન્ટર કોઇ ફોટો સ્ટુડિયો જેવું જ લાગે છે. અહીં એક સફેદ રંગથી આચ્છાદિત કમરામાં ટ્રિપોડ સ્ટેન્ડ ઉપર વિડિયો કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરાના વાયરો એક કોમ્પ્યુટર સાથે જોડવામાં આવ્યા છે. સીબીએસ એક પ્રોફેશનલ કંપની છે અને તેની શાખાઓ બ્રિટન તેમ જ ભારતમાં પણ આવેલી છે. બ્રિટનમાં ૧૫ વર્ષ અગાઉ હેરી ઓલ્ડફિલ્ડ નામના વિજ્ઞાનીએ હ્યુમન બાયોફિલ્ડ તરીકે ઓળખાતા માનવીય ઊર્જાના સ્રોત વિશે સંશોધન કર્યું હતું. પુણેની લોકમાન્ય હોસ્પિટલમાં પણ સીબીએસની એક શાખા છે.

હ્યુમન બાયોફિલ્ડના સંશોધક હેરી ઓલ્ડફિલ્ડે આશરે ૩૫૦ વિજ્ઞાનીઓને આ ઊર્જાની પરીક્ષા બાબતમાં તાલીમ આપી છે. ડો. થોર્નટન સ્ટ્રિટર પણ તેમાંના એક છે. તેઓ પુણેમાં આવેલા સેન્ટર ફોર બાયોફિલ્ડ સાયન્સીઝનું સંચાલન કરી રહ્યા છે. હેરી ઓલ્ડફિલ્ડની ટેક્નિકમાં આપણા શરીરમાંથી બહાર આવતાં પ્રકાશનાં અદૃશ્ય મોજાંઓને દૃશ્ય સંકેતોમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ટેક્નિકને પોલિકોન્ટ્રાસ્ટ ઇન્ટરફિયરન્સ ફોટોગ્રાફી (પીઆઇપી) તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં શરીરના કયા ભાગમાંથી વધુ ઊર્જા નીકળે છે અને કયો ભાગ ઊર્જાની બાબતમાં અછત અનુભવી રહ્યો છે, તેનો ખ્યાલ આવે છે. અદ્યતન સાધનો વડે માનવીના તેજસ શરીરની તસવીર ઝીલવામાં આવે છે અને તેના આધારે માણસના શરીરમાં કઇ જગ્યાએ કેટલા પ્રમાણમાં ગરબડ છે તેનો ખ્યાલ આવે છે.

પોલિકોન્ટ્રાસ્ટ ઇન્ટરફિયરન્સ ફોટોગ્રાફીની કામ કરવાની પદ્ધતિ સમજવા જેવી છે. અહીં એક રૂમમાં મેઘધનુષના સાતેય રંગના સમન્વય જેવી પાવરફુલ ફ્લોરોસન્ટ લાઇટ ઝળહળતી હોય છે. ઉપરથી આ લાઇટ કોઇ સામાન્ય ટ્યુબલાઇટ જેવી જણાય છે પણ હકીકતમાં તેનો ઉજાશ દિવસના પ્રકાશ જેવો હોય છે. આ સફેદ પ્રકાશના સંપર્કમાં માનવીનું ઊર્જા ક્ષેત્ર આવે છે ત્યારે પ્રકાશનાં વિવિધ મિશ્રણો સર્જાય છે. આ ફેરફાર વિડિયો કેમેરામાં ઝિલાય છે. વિડિયો કેમેરા દ્વારા જે વ્યક્તિના ઓરાનું પરીક્ષણ કરવાનું હોય તેની વિવિધ પોઝમાં તસવીરો લઇને કોમ્પ્યુટરમાં ફીડ કરવામાં આવે છે. કોમ્પ્યુટર એક ખાસ સોફ્ટવેર દ્વારા માણસના સમગ્ર તેજસ શરીરની તસવીર તૈયાર કરે છે, જેમાં ૨૫૦ જાતના રંગોની પેટર્ન સ્ક્રીન ઉપર જોઇ શકાય છે. જો માણસનું એનર્જી ફિલ્ડ પોઝિટિવ અને તંદુરસ્ત હોય તો તેમાંથી આછા અને ઝળહળતા રંગો બહાર આવે છે. જો માણસનું એનર્જી ફિલ્ડ નબળું હોય તો તેમાંથી કાળા, ગ્રે અને ભૂરા રંગનાં કિરણો બહાર આવે છે. માણસના શરીરના વિવિધ ભાગોમાંથી બહાર આવતી ઊર્જા પણ અલગ અલગ રંગો દર્શાવે છે. દાખલા તરીકે કોઇ માણસને પેટનો દુખાવો હોય તો તેના પેટના ભાગમાં ઘેરા રંગની અસર જોવા મળે છે. આ પ્રકારની ફોટોગ્રાફી પરથી માણસના શરીરના કયા ભાગ ઉપર બીમારી ત્રાટકવાની છે, તેનો ખ્યાલ આવી શકે છે. આ પદ્ધતિનો ઉપયોગ રોગના સચોટ નિદાન માટે થઇ શકે છે. આ નિદાનને આધારે દર્દીને યોગ્ય સારવાર સૂચવવામાં આવે છે, જેના પ્રતાપે તે ઝડપથી સાજો થઇ શકે છે. માણસના શરીરમાંથી નીકળતી ઊર્જા તેની તંદુરસ્તીના ઇન્ડિકેટર જેવી હોય છે.

આપણે કોઇ સાચા સંત કે મહાત્માના સાન્નિધ્યમાં જઇએ ત્યારે આપણને અવર્ણનીય આનંદ અને શાંતિનો અનુભવ થતો હોય છે. તેનું કારણ એ છે કે આવા સંતોના શરીરમાંથી પોઝિટિવ ઊર્જાનો ધોધ વહેતો હોય છે. ધન ઊર્જાની આ પ્રચંડ શક્તિ આપણા શરીરના એનર્જી ફિલ્ડમાં પણ લાભકારક ફેરફારો કરે છે, જેને કારણે આપણે સુખ, શાંતિ અને સમાધિનો અનુભવ કરીએ છીએ. આ કારણે જ ભારતના તમામ ધર્મોમાં સત્સંગનો મહિમા કરવામાં આવ્યો છે. સાધુસંતોના પ્રત્યક્ષ સાન્નિધ્યથી જે લાભ થાય છે તે ટીવી ઉપર કે વિડિયો ઉપર તેમનું પ્રવચન સાંભળવાથી થતો નથી, કારણ કે તેમના શરીરની ઊર્જાને ટીવીના કેમેરા આપણા સુધી પહોંચાડી શકતા નથી. આ ઊર્જાનો લાભ મેળવવા માટે સંતો અને સજ્જનોનો પ્રત્યક્ષ સંગ જ કરવો જોઇએ.

પુણેના સેન્ટર ફોર બાયોફિલ્ડ સાયન્સીઝના સ્ટુડિયોમાં માણસના શરીરના જે સાત ભાગોનું સ્કેનિંગ કરવામાં આવે છે તેનો સંબંધ યોગશાસ્ત્રમાં વર્ણવવામાં આવેલાં શરીરનાં સાત ચક્રો સાથે છે. આ બધાં જ આપણા શરીરનાં ઊર્જા કેન્દ્રો છે, જેમાંથી પ્રાણની શક્તિ આપણી નાડીઓમાં વહેતી હોય છે. આધુનિક તબીબી વિજ્ઞાને પણ શોધી કાઢ્યું છે કે આપણા શરીરમાં હોર્મોન્સ પેદા કરતી જે અંત:સ્રાવી ગ્રંથિઓ આવેલી છે તે આ સાત ચક્રોની જ આજુબાજુ આવેલી છે. ચીનની પ્રાચીન તબીબી વિદ્યામાં પણ આ સાત ચક્રોની ચિકિત્સાને જ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં પણ આ સાત ચક્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના આધારે જ રોગોની ચિકિત્સા કરવાનું જણાવવામાં આવ્યું છે. હવે આ થિયરીને નક્કર વૈજ્ઞાનિક આધાર પ્રાપ્ત થયો છે.

બ્રિટનમાં હેરી ઓલ્ડફિલ્ડે જે રીતે બાયોફિલ્ડની ફોટોગ્રાફી શોધી કાઢી તેવી જ રીતે છેક ઇ. સ. ૧૯૩૯માં સેમ્યોન કિર્લિયન નામના એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરે અકસ્માત જ શરીરના એનર્જી ફિલ્ડની ફોટોગ્રાફી કરી હતી. એક વખત તેને હોસ્પિટલમાં ઇલેક્ટ્રિકથી ચાલતા એક મશીનનું સમારકામ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. તેણે જોયું કે આ યંત્રને દર્દીના શરીરની નજીક લઇ જવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોડ્સની વચ્ચે નાના તણખા પેદા થતા અને તડતડ અવાજ આવતો હતો. કિર્લિયનના મગજમાં વિચાર આવ્યો કે આ તણખા માણસના શરીરમાંથી બહાર આવતા વિદ્યુત તરંગોને કારણે જ થતા હોવા જોઇએ. આ વિચાર ઉપરથી તેણે નાનકડો પ્રયોગ કર્યો. તેણે પોતાના હાથ અને ઇલેક્ટ્રોડ વચ્ચે એક ફોટોગ્રાફિક પ્લેટ મૂકી અને કરન્ટ ચાલુ કર્યો. હાથને ઝટકો લાગ્યો પણ તેમાંથી જે વિદ્યુત તરંગો પેદા થયા તેનો ફોટો પડી ગયો.

આ પ્રયોગથી પ્રોત્સાહિત થઇ કિર્લિયને પોતાની પત્ની વેલેન્ટીનાની સહાયથી શરીરના એનર્જી ફિલ્ડની તસવીર ઝડપી શકાય એવો કેમેરા બનાવ્યો. ફોટોગ્રાફીની આ ટેક્નિક કિર્લિયન ફોટોગ્રાફી તરીકે ઓળખાય છે અને આજે પણ દુનિયાની અનેક હોસ્પિટલોમાં તેનો ઉપયોગ રોગોના નિદાન માટે થાય છે. ન્યુ યોર્કની રોચેસ્ટર યુનિવર્સિટીનાં પ્રોફેસર ડો. થેલ્મા મોશે કિર્લિયન કંપનીની મુલાકાત લીધી અને તેમના સહકારથી ન્યુ યોર્કમાં કિર્લિયન ફોટોગ્રાફી ઉપર સંશોધન શરૂ કર્યું. આ પ્રયોગશાળામાં તેમને જાણવા મળ્યું કે બે માણસો જ્યારે પ્રેમ અને સદ્ભાવપૂર્વક એકબીજાને મળતા હોય છે ત્યારે તેમનાં ઊર્જા ક્ષેત્રો વિસ્તરણ પામે છે, જ્યારે માણસના હૃદયમાં ધિક્કાર હોય ત્યારે ઊર્જા ક્ષેત્ર સંકોચાઇ જાય છે. કેટલાક લોકો પ્રથમ નજરે જ એકબીજાને ગમવા લાગે છે તેનું કારણ પણ ઊર્જા ક્ષેત્રોનું ટ્યુનિંગ હોય છે.

આપણે કોઇ પણ વ્યક્તિને મળતા હોઇએ ત્યારે આપણું ભૌતિક શરીર ભલે દૂર હોય પણ આપણું તેજસ શરીર તે વ્યક્તિના તેજસ શરીરના સંપર્કમાં આવતું જ હોય છે. આપણા મન ઉપર પણ આ તેજસ શરીરની ઊર્જાનો પ્રભાવ પડતો હોય છે. આ કારણે જ કોઇ દુર્જન માણસ આપણી નજીક આવે ત્યારે આપણને તેના પ્રત્યે નફરતની લાગણી થવા લાગે છે. તેથી વિરુદ્ધ કોઇ સંત કે સજ્જન પુરુષ આપણી નજીક આવે ત્યારે મનોમન જ આપણા હૃદયમાં તેના પ્રત્યે આદરભાવ પેદા થાય છે. આ બધી જ સૂક્ષ્મ શરીરની અસરો છે. મોટા યોગીઓ અને સાધુસંતો સૂક્ષ્મ શરીરની પ્રક્રિયાઓના અભ્યાસી હોય છે. આ કારણે જ તેમના સંપર્કમાં આવતાં આપણું તેજસ શરીર પણ ચાર્જ્ડ થઇ જાય છે અને તેમની ધન ઊર્જા આપણા શરીરમાં પણ વહેતી થઇ જાય છે.

કોઇ પણ માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેના શરીરમાંથી બહાર આવતી ઊર્જાનો પ્રવાહ થંભી જાય છે. મૃતદેહની જો કિર્લિયન ફોટોગ્રાફી કરવામાં આવે તો તેના શરીરમાંથી કોઇ વિદ્યુત તરંગો બહાર આવતાં દેખાતા નથી. અહીં સવાલ એ થાય છે કે શરીરના જે હિસ્સામાંથી ઊર્જાનો પ્રવાહ બહાર આવતો હતો તેનું શું થયું? આ વખતે માનવું જ પડશે કે માણસના શરીરની ઊર્જાનો જન્મ આપનાર તેનું તેજસ શરીર તેના આત્મા સાથે જ અન્ય ભવમાં પહોંચી ગયું છે. આ તેજસ શરીરમાં જ તેની આગલા ભવની સાધના સંઘરાયેલી પડી હોય છે. આ રીતે એનર્જી ફિલ્ડ એક ભવમાં નહીં પણ ભવેભવમાં માણસની સાથે આવે છે. પ્રાચીન ભારતના આવા અનેક વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્વીકારવાની આધુનિક વિજ્ઞાનને પણ ફરજ પડી છે.

Why You Shouldn’t Use Imitation Vanilla! ---- Health and Personal care

http://www.livestrong.com/article/51056-nutritional-information-imitation-vanilla-extract/

Vanilla is a favorite flavor in foods and fragrance in perfumes.

Real vanilla extract contains hundreds of organic compounds resulting in its distinctive and complex flavor and aroma, all of which has never been, and probably cannot be, duplicated in the laboratory. Imitation vanilla flavorings are available and, not surprisingly, they are much cheaper than the extract from real vanilla beans, which are the only edible fruit of the orchid family, harvested from special types of orchids grown only in certain parts of the world.

Nutritional Value

There is not much nutritional value in imitation vanilla extract, the main ingredients being water and alcohol. One teaspoon of imitation vanilla extract equals 4.2 g, comprised of 2.7 g of water and 1.4 g of alcohol. It contains 10 calories, but no protein, carbs or fat. At best, it's a watered-down shot of booze!

Imitation vs. Real Vanilla Extract

The process to make real vanilla extract is labor-intensive as the plants must be hand-pollinated, hand-picked and dried for months to produce the vanillin that yields the familiar flavor. This lengthy process results in and justifies higher prices for the real stuff. In contrast, imitation vanilla flavoring is produced quickly and cheaply. Although it contains vanillin, it is not from the rare orchid. Instead it is chemically synthesized from the essential oil of cloves or made from lignin, which is a byproduct in paper manufacturing that has been chemically treated to resemble the taste of real vanilla.

Fake Imitation Vanilla Extract

Worse yet, imitation vanilla extract purchased in Mexico may not even be "real imitation" vanilla extract. It is made from an entirely different plant material, the Tonka bean, which contains coumarin, a toxic substance banned in the U.S. Coumarin is a compound related to warfarin, a blood-thinning agent, making it especially risky to those on blood-thinning drugs, increasing the potential for bleeding. It can be toxic to the liver and is potentially carcinogenic. Even if the bottle says "no coumarin," don't risk your health or blow your money. If you want imitation vanilla extract, get the real imitation stuff in the United States.
Other Forms of Imitation
Watch out for dark and murky imitation vanilla. It can be made from the ethyl vanillin found in coal tar, according to Vanilla.com, which also informs of a new variety of imitation vanilla flavoring that's made from rice bran extract and becoming popular because it's very cheap. It's showing up in ice cream and appearing on nutritional labeling as "natural flavoring," which is misleading and possibly in violation of Food and Drug Administration regulations.
Only 2 percent of the vanilla used in foods and fragrances is pure vanilla extract, meaning 98 percent is cheap, synthetic and chemically processed. Because it's become so cheap to produce, the new generation of imitations are a genuine threat to the growers of the real stuff.