Saturday, June 7, 2014

અદૃશ્ય પદાર્થમાંથી જ દૃશ્ય પદાર્થ નીપજે --- ડો. જે. જે. રાવલ

પાણીના મહાસાગરમાં જીવતા જળચરની જેમ આપણે ડાર્ક મેટરના મહાસાગરમાં જીવી રહ્યા છીએ

પ્રાચીન સમયમાં પૃથ્વી જ પૂરું વિશ્ર્વ હતું. તેની ઉપર આકાશ અને રાત્રિ આકાશમાં તારા. સૂર્ય, ચંદ્ર, ગ્રહો દેવતા ગણાતા અને તારા મહાન આત્મા મૃત્યુ પામે પછીનું તેમનું રાત્રિઆકાશમાં સ્થાન ગણાતા. પૂરું આકાશ ખાલીખમ મનાતું. પછી માલૂમ પડ્યું કે પૂરા સૂર્યમંડળમાં માત્ર સૂર્ય જ સ્વયં પ્રકાશિત છે, ગ્રહો સ્વયં પ્રકાશિત નથી. તે સૂર્યનો પ્રકાશ પરાવર્તન કરી તેમની જાતને બતાવે છે. બધા જ તારા સ્વયંપ્રકાશિત છે. પણ તે શું છે તે કોઈને ખબર હતી નહીં. તે પ્રકાશબિન્દુઓ મનાતા.

દિવસે ગ્રહો દેખાતા નથી. માટે હકીકતમાં સૂર્યમાળામાં ગ્રહો પણ અદૃશ્ય પદાર્થ જ ગણાય. પછી ખબર પડી કે પૃથ્વી ફરતે વાયુમંડળ છે અને જ્યારે તે ઘટ્ટ થાય છે ત્યારે આકાશમાં તે વાદળારૂપે દેખાય છે અને ચોમાસામાં ઘટાટોપ વાદળોના રૂપમાં દેખાય છે જે પાણીના રૂપે વરસે છે. આમ વાયુમંડળ પણ સૂર્યમાળામાં અદૃશ્ય પદાર્થ છે પણ તે વાદળાના રૂપમાં દેખાઈ શકે છે. સૂર્યમંડળના શુક્ર મંગળ જેવા ગ્રહોની ફરતે પણ વાયુમંડળ છે. આ પણ નરી આંખે દેખાય નહીં માટે અદૃશ્ય પદાર્થ જ ગણાય. પૃથ્વી ફરતેના વાયુમંડળમાં ઓક્સિજન, નાઈટ્રોજન, કાર્બનડાયોક્સાઈડ વગેરે વાયુઓ છે પણ આપણને એ ક્યાં દેખાય છે?

સૂર્યમંડળમાં બીજો મોટો અદૃશ્ય પદાર્થ હોય તો તે લઘુંગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો છે. જે અદૃશ્ય રહે છે પણ જો સૂર્યનાં કિરણો તેના પર પડે તો તે દૃશ્યમાન થાય છે. વાયુમંડળમાં ધસમસતી આવતી ઉલ્કા વાયુમંડળના વાયુઓના અણુઓ સાથે અથડાય છે અને તેમાંથી ઈલેકટ્રોન્સ બહાર પડે છે, ઉલ્કામાંથી પણ ઈલેકટ્રોન્સ બહાર પડે છે. આમ ત્યાં આયોનાઈઝેશનની ક્રિયા થાય છે જેથી ત્યાં પ્રકાશ ઉત્પન્ન થાય છે અને ઉલ્કાના માર્ગમાં પ્રકાશની રેખા બને છે. આ પ્રકાશ આપણને દેખાય છે, નહીં તો ઉલ્કાઓ અદૃશ્ય રહે છે. સાદી ભાષામાં કહેવાય છે કે ધસમસતી આવતી ઉલ્કાને લીધે વાયુમંડળમાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે જે ઉલ્કાના માર્ગમાં પ્રકાશની રેખા તાણે છે.

સૂર્યમંડળની ફરતે એક હજાર અબજ ધૂમકેતુઓની વસાહત છે. જેમ સૂર્યમંડળની ફરતે ધૂમકેતુઓની વસાહત છે તેમ ગ્રહોની ફરતે પણ ધૂમકેતુઓની વસાહત છે. આ બધી ધૂમકેતુઓની વસાહતો સૂર્યમાળામાં અદૃશ્ય પદાર્થ છે. તે સૂર્યમાળાની અને ગ્રહોની ફરતેના ઉર્ટના ધૂમકેતુઓનાં વાદળો કહેવાય છે. પૂરું સૂર્યમંડળ નાના- મોટા ખડકો, રજકણો વગેરેથી ભરપુર છે. આ બધા પદાર્થ સૂર્યમાળાનો અદૃશ્ય પદાર્થ છે.

સૂર્યમાંથી નીકળતા સૌરપવનો, ન્યૂટ્રીનો અને બીજા એવા વિદ્યુતભારવાહી અને વિદ્યુતભારવિહીન પદાર્થકણો પણ સૌરમાળાનો અદૃશ્ય પદાર્થ બનાવે છે. જીનીવામાં લાર્જ હેડ્રોન કોલાઈડરનો ૪૦૦ અબજ રૂપિયાનો હિગ્ઝ- બોઝોન (ગોડ પાર્ટિકલ) શોધવાનો પ્રયોગ ચાલે છે. આ હિગ્ઝ- બોઝોન સૂર્યમાળામાં જ નહીં પણ પૂરા બ્રહ્માંડમાં અદૃશ્યરૂપે રહે છે. તે બ્રહ્માંડમાં ડાર્ક મેટર કે ડાર્ક એનર્જી તરીકેનો મોટો ઉમેદવાર છે. આ બધા પદાર્થકણોના મહાસાગરમાં આપણો જીવ રહ્યા છીએ. જેમ પાણીના મહાસાગરમાં જળચર જીવી રહ્યા છે તે પ્રમાણે આપણે આ ડાર્ક મેટર- ડાર્ક એનર્જીના મહાસાગરમાં જીવી રહ્યા છીએ. આ કહેવાય તો ડાર્ક મેટર પણ તે એવી મેટર (પદાર્થ) છે જે આપણે જોઈ શકતા નથી. માટે તેને ડાર્ક મેટર કહે છે. તે ખરેખર ડાર્ક (કાળાં રંગની) મેટર છે તેવું કાંઈ જ નથી. એમ તો પ્રકાશમાંથી આપણે માત્ર દૃશ્ય પ્રકાશ (ઓપ્ટિકલ લાઈટ) જ જોઈએ છીએ. રેડિયો તરંગો, માઈક્રોવેવ્ઝ, ઈન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ કિરણો, એક્સ-કિરણો, ગામા-કિરણો વગેરે જોઈ શકતાં નથી. આ બધાં કિરણો પ્રકાશનાં કિરણો હોવા છતાં આપણે તેને જોઈ શકતા નથી. આ બધી ડાર્ક મેટર જ ગણાય.

વિજ્ઞાનીઓ કહે છે કે આપણે બ્રહ્માંડનો ૩ ટકા ભાગ જ જોઈ શકીએ છીએ. ડાર્ક મેટર બ્લેક મની જેવી છે. બ્લેક મની બ્લેક હોતાં નથી. તે મની જ હોય છે અને મનીનું જ કાર્ય કરે છે. પણ તેને હિસાબમાં લઈ શકાતી નથી. માટે તેને કાળાં નાણાં કહે છે. તે સમાંતર અર્થતંત્ર ચલાવે છે. હિન્દુ શાસ્ત્રોમાં મહાકાળીનું કાળી ઊર્જા તરીકેનું સ્થાન છે. ડાર્ક એનર્જી મહાકાલીનું સ્વરૂપ હોય. હકીકતમાં અદૃશ્ય પદાર્થમાંથી જ દૃશ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે. ઊર્જા પોતે જ અદૃશ્ય પદાર્થ છે. આઈન્સ્ટાઈનના ઊર્જા અને પદાર્થની એકરૂપના સિધ્ધાંત ઊળભ૨ પ્રમાણે ઊર્જા એ જ પદાર્થ છે.

આવી રીતે દૃશ્ય અને અદૃશ્ય પદાર્થને સીધો સંબંધ છે. કોસ્મિક રેઝ (વૈશ્ર્વિક કિરણો) અદૃશ્ય પદાર્થ છે. પૂરા બ્રહ્માંડમાં અદૃશ્ય પદાર્થ પથરાયેલો છે. પણ તે આપણને દેખાતો નથી. બ્લેક હોલ્સ તેનાં ઉદાહરણો છે. ગ્રહોનાં ઉપગ્રહો પણ અદૃશ્ય પદાર્થમાં જ આવે. અંતરિક્ષ પોતે ઊર્જા સ્વરૂપ છે પણ અદૃશ્ય રહે છે.

પ્રશ્ર્ન એ છે કે વસ્તુ અદૃશ્ય શા માટે રહે છે. એ કે તે સ્વયં પ્રકાશિત નથી માટે. બીજું કે તે સ્વયંપ્રકાશિત હોવા છતાં આપણી આંખ તેને રિઝોલ્વ કરી શકતી નથી, તે આંખની જોવાની ક્ષમતાની બહાર છે. દા.ત. અલ્ટ્રાવાયોલેટ, એક્સ કે ગામા રેઝ. જો વસ્તુ આપણી દૃષ્ટિમર્યાદાની બહાર હોય તો પણ આપણે તેને જોઈ શકતા નથી. આપણે માત્ર ક્ષિતિજ સુધી જ જોઈ શકીએ છીએ. ક્ષિતિજ જેમ વિસ્તરે તેમ આપણે આગળ અને આગળ જોઈ શકીએ. બ્રહ્માંડને પોતાને એક ક્ષિતિજ છે. દૃશ્ય વિશ્ર્વની ક્ષિતિજ અને તે આપણાથી ૧૩.૮ અબજ પ્રકાશવર્ષ દૂર છે.

No comments:

Post a Comment