Saturday, June 7, 2014

શબ્દોની પરેજી રાખવી અને પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી --- સૌરભ શાહ

વેદ, ઉપનિષદ અને ગીતા રચનારાઓ કવિ હતા, ચિંતક હતા. ચિંતન ક્યારેય લુખ્ખું ન હોય. જીવનને સ્પર્શતું ચિંતન હંમેશાં લાલિત્યમય હોવાનું. અને કવિતામાં ચિંતન ન હોય તો તે જોડકણું બની જાય. કવિતાનો પ્રકાર ખેડનારા બહુ ઓછા સર્જકો પોતાના સર્જનને ચિંતનની કક્ષાએ લઈ જઈ શકે છે. અને એમાં પણ જે ચિંતન જીવન માટેની સાચી ચિંતામાંથી નીપજતું તે માત્ર શબ્દરમત બનીને રહી જાય છે. ગુજરાતીની મહાન ચિંતન કવિતાની પરંપરાને કવિ હેમેન શાહ જેવા સમકાલીન પોએટ આગળ વધારી રહ્યા છે તે ગઈકાલે જોયું. આજે એમના ત્રીજા કાવ્ય સંગ્રહ ‘આખરે ઊકલ્યા જો અક્ષર’માં આ ચિંતન કેટલી મોટી ઊંચાઈએ પહોંચે છે તે જુઓ.

અર્પણ પંક્તિમાં કવિએ પોતાનો એક શેર મૂકયો છે.

એક શંકા પણ હતી, તો એક શ્રદ્ધા પણ હતી,

બેઉમાં છે કોણ સાચું? એ સમસ્યા પણ હતી.

શ્રદ્ધા અને આશંકા વચ્ચે સતત ઝોલા ખાતા મનની કઈ અવસ્થા સાચી? ક્યારેક શ્રદ્ધા ડગમગી જાય તો ક્યારેક શંકાના પાયા વધારે મજબૂત થતા લાગે. આ દુવિધાને આટલી જાનદાર રીતે, આટલી સચોટતાથી હજુ કોઈ કવિએ ગુજરાતી ભાષામાં વ્યકત કરી નથી.

હેમેન શાહ આવું કરી શકે છે, કારણ કે તેઓ સફળતા મળ્યા પછી કોઈ એક ચોક્કસ ચોકઠામાં પુરાઈ ગયા નથી. એમના વિચારો ખરા અર્થમાં નિ:સીમ છે:

વિચારો નિરંકુશ જવા આવવા દે,

અજાણી દિશાથી હવા આવવા દે.

નથી આભ બદલી શકાતું, એ માન્યુ,

જરા પંખીઓ તો નવાં આવવા દે.

સીમાઓ તોડવા માટે બધું જ તોડફોડ નથી કરવાનું. જે પ્રાપ્ત થયું છે એને નવેસરથી ઉકેલવાનું છે, નવા વિચારોથી નવાજવાનું છે. કેવી રીતે? ઘાંટા-બરાડા પાડ્યા વિના. ઈગોનો ફુગ્ગો ફુલાવ્યા વિના. કવિ આ ભાવને બહુ નાજુકાઈથી મૂકી આપે છે:

દાવા-દલીલ માટે જરૂરી છે બારીકી,

મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહિ.

નાનું જરાક રાખો અનુસ્વાર ‘હું’ ઉપર,

આખો વખત વજનને ઉઠાવી ફરાય નહિ.

આ બે શેર જે ગઝલના છે તે આખી ગઝલના તમામ શેર કવોટેબલ ક્વોટ છે. ગુજરાતીમાં આવી સંપૂર્ણ ગઝલ બહુ ઓછી જોવા મળે. ‘મરીઝ’ અને રાજેન્દ્ર શુકલ પછી મનોજ ખંડેરિયાની અનેક ગઝલોમાં આવા મુસલસલ શેર માણવા મળે. હેમેન શાહની આ ગઝલનો કાગળની હોડીવાળો શેર ગઈ કાલે ટાંકયો હતો. આ ઉપરાંત મક્તા પણ તમને વિચારતા કરી દે તેવો છે. ઉછીનું ગમે એટલું લઈએ, લઈને મહાલીએ પણ જરા વિચારીએ કે જેને મૌલિક રહેવું છે એણે કેટલું બધું ખોવું પડે છે જિંદગીમાં, કેટલું બધું જતું કરવું પડે છે. એ ત્યાગનું મૂલ્ય કૉપીકૅટ સર્જકો ક્યારે સમજશે? હેમેન શાહ આ મૌલિક વિચારને પોતાની આગવી શૈલીમાં મૂકતાં કહે છે:

અંતે ખરી જવાનીયે તાકાત જોઈએ,

પ્હેરો સુગંધ એટલે ફૂલો થવાય નહિ.

ચંદ્રકાન્ત બક્ષીએ એક ઉર્દૂ કહેવત ગુજરાતી વાચકોમાં પહેલી વાર મૂકી. ‘જાણકારની ચૂપ અને બેવકૂફની દાદ.’ જે પંડિત છે તે ખરા સમયે ચૂપ રહે તે ન ચાલે. સમય આવ્યે એણે મૌન તોડવું જ પડે. અન્યથા એના મૌનનું મૂલ્ય બેવકૂફની દાદ જેટલું થઈ જાય. નાસમજ માણસો તમારી પ્રશંસા કરે તેથી શું થઈ ગયું? એમનાં વખાણનું મૂલ્ય કેટલું? હેમેન શાહ આ વિચારને સમાંતર એવો તદ્દન નવો વિચાર ગઝલમાં લઈને આવે છે:

બોલું નહીં, તો ભીરુતા મારી પ્રગટ થશે,

બોલીશ તો એ મારી બગાવત થઈ જશે.

આ શેર કંઈ અગમ્ય ને આછો રહે તો બસ,

બનશે બહુ સચોટ તો કહેવત થઈ જશે.

‘આખરે ઊકલ્યા જો અક્ષર’ની મારી પર્સનલ ફેવરિટ ગઝલ હવે આવે છે. જે કવિ ‘જંગલનો કાયદો છે અહીં’ વાળો શેર લખી શકે એ જ કવિની તાકાત છે આ પ્રકારે, સીધું તીર નિશાન પર તાકવાની:

કાયદા-કાનૂન પ્રમાણે શું થયું?

નામ તો છે દાણે દાણે, શું થયું?

માળીએ ચૂંટી લીધાં સૂરજમુખી,

લ્યો, સૂરજની ઓળખાણે શું થયું?

બંધ પાસે ઠોસ નૈતિકતા હતી,

પણ ઉપરના આ દબાણે શું થયું?

ક્યારેક વિચાર આવે કે જે કવિ ‘ક, ખ કે ગ...’થી ધમાકાબંધ શરૂઆત કરીને ત્રીજા સંંગ્રહે ‘આખરે ઊકલ્યા જો અક્ષર’ની એવરેસ્ટ હાઈટ પર પહોંચી શકે છે તેનું હવે પછીનું સર્જન કેવું હશે? કવિએ પોતાને જ પડકાર આપીને નવું સર્જન કરવું પડે. હેમેન શાહ એ કરી શકશે એમાં કોઈ શંકા નથી.

રુદન અને રૂમાલનો નાતો પુરાણો છે. કવિ એને એક નવો આયામ આપે છે. એ પોતાની આંખથી અશ્રુને નહીં રૂમાલને જુએ છે અને આ નવા દૃષ્ટિકોણથી લખે છે:

અશ્રુ એકાદ ખુશહાલનું રાખીએ,

માન થોડુંક રૂમાલનું રાખીએ.

કાવ્યની વાત કરવી છે? બેસો, કરો,

હોય વ્યવહાર તો કાલનું રાખીએ.

‘બાબા’ રદીફની ત્રણ ગઝલો છે. પહેલી ગઝલનો એક શેર છે:

પળને સત્કારવી છે, પણ આડે

જિંદગી આવે પાછલી બાબા.

જિંદગીમાં એટલા બધા આગળ વધી ગયા હોઈએ કે ક્યારેક મનગમતું કામ કે મનગમતી વ્યક્તિ માર્ગમાં આવે તો એ તકને નજરઅંદાજ કરીને આગળ વધી જવું પડે. આ તબક્કા પછીના સ્તરે આવીને કવિ કહે છે:

વાટ સ્હેલી કે આકરી બાબા,

આદરી દો મુસાફરી બાબા.

કોઈ માપે તો કોઈ પામે છે,

જેવી જેની બિરાદરી બાબા.

અને ત્રીજી ‘બાબા’ ગઝલે સૌથી ઉચ્ચ તબક્કે

પહોંચ્યા પછીનો કવિનો ભાવ જુઓ. આટલી મૌલિક વિચારણા બુઝૂર્ગ ચિંતકો પાસેથી પણ હજુ આપણને નથી મળી:

શી ખબર કોણ અસલી માલિક છે,

ચીજ કોનાથી માગવી બાબા?

જો બધું એણે પોતે સજર્યું છે,

ના કહો એને દુન્યવી બાબા

હેમેન શાહે નવોદિત કવિઓને ‘પ્રિસ્ક્રિપ્શન’ કવિતામાંં દસ સલાહ આપીને છેલ્લે કહ્યું છે: ‘શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે/બસ, આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.’

હેમેન શાહે આ સલાહ પહેલાં પોતાના સર્જનમાં ઘૂંટી છે, પછી બીજાને આપી છે. હેમેન શાહના ત્રીજા કાવ્યસંગ્રહની સર્વશ્રેષ્ઠ ગઝલના આ ત્રણ શેર વાંચશો તો ખ્યાલ આવશે કે શા માટે આ કવિ એમના સમકાલીનોથી મુઠ્ઠી ઊંચેરા છે:

હજી જો નથી કંઈ થયું, હવે કંઈ થવાનું નથી,

રહેશે બધું અહીનું અહીં, કશું ચાલવાનું નથી.

વિચાર્યું ભલે હો ઘણું, કરો બંધ આ બારણું,

નજર પાછી બોલાવી લો, કોઈ આવવાનું નથી.

પલાંઠીમાં બેસી રહો, જો મન થાય તો કંઈ કહો,

જગતને જવું હો ભલે, અમારે જવાનું નથી.

દેખીતી રીતે હથિયાર હેઠાં મૂકી દેવાનો કે હતાશાનો કે નિરાશાનો સૂર વ્યકત કરતી આ ગઝલના દરેક શેરને વારંવાર વાંચશો તો ખ્યાલ આવશે કે એ રૅપર ખૂલ્યા પછી એમાંથી શાતા પમાડતા બીજા ઘણા ભાવ પ્રગટે છે. તરફડાટો શમી ગયા પછી, રૅટ રેસમાંથી નીકળી ગયા પછી ધાર્યું કરવાનો વખત આવી ગયાની વાત છે એમાં.

છેલ્લે જેમાં શીઅર પોએટ્રીનું ઝાકળ ટપકે છે એવા શેર ટાંકીને આ વર્ષના આઈ.એન.ટી. - કવિ કલાપી સન્માન બદલ હેમેન શાહને ફરી એક વાર શુભેચ્છા:

દૂર જે છે તું એને બૂમ કેમ પાડે છે?

આટલો સરસ નાતો બોલીને બગાડે છે.

રોજ સૂર્યનાં કિરણો લે પ્રવેશ ધુમ્મસમાં,

હસ્તપ્રત બહુ જૂની ધીરેથી ઉઘાડે છે.

No comments:

Post a Comment