Saturday, June 7, 2014

ધર્મસત્તા વગરની લોકશાહી ખોડંગાતી ચાલી રહી છે --- તંત્રીલેખ 12-08-2013

છેલ્લાં ૧૫૦-૨૦૦ વર્ષમાં વિશ્ર્વમાં લોકશાહી વ્યવસ્થા પાંગરી છે. તેમાં એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રોનો પણ સમાવેશ થાય છે. બ્રિટન પોતાને લોકશાહીનું કેન્દ્ર ગણાવે છે. બ્રિટનની લોકશાહી વ્યવસ્થાએ અનેક નવાં પરિમાણ સ્થાપિત કર્યાં છે. એક દૃષ્ટાંતરૂપ લોકશાહી વ્યવસ્થા વિકસાવવાનું અભિમાન બ્રિટન લઈ શકે છે.

ભારતમાં લોકશાહી તેથી પણ જૂની છે, પરંતુ આ વ્યવસ્થામાં ધર્મસત્તા પ્રભાવક પરિબળ હતું જેનો આજે કાંકરો કાઢી નાખવામાં આવ્યો છે. આથી જ હવે ભારતમાં લોકશાહી વ્યવસ્થા પાંગળી અને પરવરશ બની છે. લોકશાહીના શાસકો પર નિયંત્રણ અને અંકુશ કોનો? પ્રજાને તો ગણકારતા જ નથી. તેઓ પોતાના સ્વાર્થ - મતલબ માટે બંધારણ અને કાયદો સુધારવા મક્કમ છે.

વળી બંધારણમાં સુધારો શા માટે? જવાબ મળે છે કે ન્યાયતંત્રે નિર્ણય કર્યો છે કે એક પણ કક્ષાએ ફોજદારી ગુનામાં સંડોવણી પૂરવાર થઈ હોય તો પછી ચૂંટણી લડી ન શકાય. હવે આ બાબતે બંધારણમાં ફેરફાર કરીને તમામ રાજકીય પક્ષો એક થઈને બંધારણ પોતાને યોગ્ય અને અનુકૂળ રહે તેમ કરવા તૈયાર થઈ ગયા છે!! આ બાબતને કેવી લોકશાહી ગણવી? આમાં પ્રજાનો અવાજ

ક્યાં છે?

પ્રાચીન ભારતનું એક દૃષ્ટાંત સમજવા જેવું છે. રાજા દુષ્યંત એક વખત શિકાર માટે નીકળ્યા હતા. તેમની નજરમાં એક હરણ આવ્યું. હરણને મારવા તેઓ રથ લઈને દોડ્યા, પરંતુ હરણ અધિક ગતિથી આગળ જતું રહ્યું. વધારે ઝડપ રાખી તેની પાછળ ગયા તો કણ્વ ઋષિના આશ્રમ પાસે એક ઋષિકુમાર બહાર આવ્યા. તેમણે કહ્યું કે ‘રાજન તમારાં તીર - બાણ નીચે મૂકો - આ આશ્રમનું હરણ છે અને તે અવધ્ય છે.’

રાજાએ આ આદેશને સ્વીકારવો પડ્યો, કારણ કે ઋષિકુમાર ધર્મસત્તાના પ્રતિનિધિ હતા. અહીં રાજસત્તા ધર્મસત્તા પાસે નમે છે. ભારતીય જનસમાજે ધર્મને હંમેશાં અમૃત સમાન ગણ્યું છે. ઋષિ અને સંતોએ જે પરંપરા સ્થાપિત કરી છે તે અપૂર્વ છે. તેમાં સ્વાર્થ નથી, પરંતુ સમર્પણ છે. ધનસત્તા પણ ધર્મસત્તા પાસે નમન કરે છે.

આજે રાજકીય પક્ષો - તેમની વિચારધારા અને તેમના નેતૃત્વનાં કરતૂતો - કામગીરી આ બધાથી પ્રજા ગળે આવી ગઈ છે. લોકો હિંસક બને તેટલી જ વાર છે. જો એકવાર ભડકો થયો તો બધા રાજકીય પક્ષો સંપી જશે તો પણ આગ બુઝવાની નથી તેટલો ભયંકર રોષ પ્રજામાં પ્રજવળી રહ્યો છે. પ્રજા હવે તો સ્વરાજને સોનાનું પિંજરું ગણે છે.

ધર્મ એટલે ન્યાય, નીતિ - મૂલ્યો - સિદ્ધાંત એમ સમજવાનું છે. આજની રાજકીય પ્રક્રિયામાં ક્યાંય આમાંનો કોઈ અંશ જોવા મળે છે ખરો? વિચારોની દૃષ્ટિએ પણ તેઓે કંગાળ છે. ખોટું બોલવાનું તો એટલું સહજ છે કે પાંચ વર્ષમાં એકાદ-બે વાત જ સાચી કહી હોય છે બાકી જુઠ્ઠાણાં પર જુઠ્ઠાણાં હોય છે!!

જુઠ્ઠાણાની હદ તો ત્યાં આવી જાય છે કે સુપ્રીમ કોર્ટને ખાતરી આપ્યા પછી પણ તેમના આદેશને ઘોળીને તેઓ પી જતા હોય છે!! રંગેહાથ પકડાયા બાદ તેમને શરમ ન હોય તેવા લોકો આજે કેન્દ્ર સરકારમાં મહત્ત્વના હોદ્દા સંભાળી રહ્યા છે. આવા લોકોને વહેલી તકે રવાના કરવા તે જ હવે તો પ્રજાધર્મ બનવો જોઈએ.

ધર્મ એટલે સારા સંસ્કાર, અન્યની ભલાઈની વાત, સદ્ગુણ વિકાસ, પવિત્રતા, આચાર, વિચારની શુદ્ધતા - સત્ય અને ન્યાયપ્રિયતા - અપરિગ્રહ સંયમી જીવન - આવાં તો અનેક લક્ષણથી ધર્મ ઓળખાય છે. ધર્મની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ તેના જે ગુણ છે તેનાથી ધર્મની ઓળખ બને છે. ત્યાગ એ ધર્મની સૌથી મોટી બાબત છે. આજે કોઈ રાજકારણી ત્યાગ કરવામાં માનતો જ નથી.

ધર્મ અને રાજ્યસત્તા બન્નેની ભેળસેળ થઈ જવાથી લોકશાહી ખોડંગાતી ચાલી રહી છે. લોકશાહી પ્રતિ પ્રજાની નફરત જોવા મળે છે. પ્રજાનો વિશાળ વર્ગ કહે છે કે લોકશાહી છે એટલે જ આવું ચાલે છે!! પરંતુ લોકશાહીમાં નિયંત્રણ - અંકુશ જે હોવા જોઈએ તેનો અભાવ છે, અંકુશ વગર તો હાથી પણ મદોન્મત્ત થઈ જાય છે.

આપણી રાજ્યવ્યવસ્થા જે ખૂટે છે તે સ્વ નિયંત્રણ - સ્વયંશિસ્ત અને સ્વઅંકુશની ખામી દરેકને બકવાસ કરવાની છૂટ છે!! જેમણે બોલવું જોઈએ તે બોલતા જ નથી!! વડા પ્રધાને હજુ સુધી સરહદ પર બનેલી ઘટના અંગે ટીકા કે રોષ કરીને વ્યક્ત કર્યો નથી. આ કઈ જાતની લોકશાહી ગણવી કે જેમાં શાસક જ અસંવેદનશીલ હોય!!

પ્રજા આજે ત્રાસી ગઈ છે. તેમને પરિણામ જોઈએ છે. એટલા માટે જ પરિવર્તન માગી રહી છે. લોકશાહી એટલે પ્રજાનો અવાજ - લોકશાહી એટલે પ્રજાનાં હિતમાં કલ્યાણકારી નિર્ણય - લોકશાહી એટલે પ્રજાની સુખાકારી - લોકશાહી એટલે ન્યાયની શુદ્ધતા સાથેનો વહીવટ - લોકશાહી એટલે ધર્મમય વ્યવહાર, લોકશાહી એટલે સત્ત્વશીલતા આચાર અને વિચાર સાથેની હોવી જોઈએ.

No comments:

Post a Comment