Thursday, April 3, 2014

ચંદ્રકાંત બક્ષી -- આપણું ગુજરાત, આગવું ગુજરાત: ગોધરાકાંડ અને પછી

આપણું ગુજરાત, આગવું ગુજરાત: ગોધરાકાંડ અને પછી

ફેબ્રુઆરી ૨૭, ૨૦૦૨ અને ગોધરા સ્ટેશનથી એકાદ કિલોમીટર આગળ સાબરમતી એકસપ્રેસ રોકીને એસ-૬, ૭ અને ૮ નંબરના ડબ્બાઓને આગ લગાવવામાં આવે છે. જે સ્ત્રીઓ અને બાળકો અને થોડા પુરુષોને જીવતા જલાવી દેવામાં આવ્યા એ હિન્દુ હતા. એમને પેટ્રોલ છાંટીને બંધ ડબામાં જીવતા ભૂંજી નાખનારા મુસ્લિમ હતા. એ ફેબ્રુઆરીની દર્દનાક ઘટના પછી કલાકો અને એક-બે દિવસો પસાર થઇ ગયા ત્યાં સુધી કોઇ કૉંગ્રેસી, કોઇ સ્યુડો- સેકયુલરીઓ, કોઇ સરકારી મુસ્લિમ જલી ગયેલા, જલીને ભડથું થઇ ગયેલા, નિરીહ, બેઝુબાં બાળકો કે તદ્દન નિર્દોષ સ્ત્રીપુરુષો માટે સહાનુભૂતિ કે સંવેદનાનો એક શબ્દ બોલ્યો નથી. આ પાશવી, વહશી, હૈવાની, બર્બર કૃત્ય માટે આ બધા ખામોશ રહ્યા અને એમની ખામોશી કાન ફાડી નાખે એવી દોષમુકત અને દંભી હતી. શા માટે? કારણ કે જીવતા જલાવી દેવાયેલા ૫૮ લોકો હિન્દુઓ હતા? કેસરી કફનીનો લપેટાયેલી બદબૂદાર લાશો ગુજરાતના સ્ટેશનો પર ઊતરી અને ૧૯૪૬- ૧૯૪૭ના રક્તરંજિત ઈતિહાસનો રિ-રન થઇ ગયો. ગુજરાતની પાંચ કરોડની જનતાનો રોષાગ્નિ ભડકી જવો સ્વાભાવિક હતો. ગુજરાતમાં અન્ય પ્રદેશો કરતાં રાજનીતિક સામાજિક જાગરૂકતા વધારે સચેત છે અને ગોધરાની હિંસાના ઉત્તરરૂપે અસરરૂપે, પરિણામરૂપે, પ્રત્યાઘાતરૂપે, આક્રોશરૂપે, હિન્દુ પ્રતિહિંસાનો ધમાકો થઇ ગયો. માણસ કયારે મરણિયો બને છે? જ્યારે પોતાના ધર્મ પર આક્રમણ થાય છે, જયારે પોતાની સ્ત્રી પર અત્યાચાર થાય છે જયારે પોતાના બાળકને આગમાં ફેંકવામાં આવે છે ત્યારે બધો જ તર્ક, બધો જ વિવેક બધું જ ઔચિત્ય, બધું જ સંતુલન ધુમાડો થઇને ઊડી જાય છે. દરેક પ્રજા પાસે આવી મન:સ્થિતિ માટે કહેવતો છે: જેવા સાથે તેવા.. શઠં પ્રતિ શાઠ્યં કુર્યાત.. સો ધ વિન્ડ રિપ ધ વ્હર્લ વિન્ડ.. વા દબાવો તો વંટોળિયો થાય! હજારો માણસો રસ્તાઓ પર મરવા કે મારવા ક્યારે આવી જાય છે? આ મોબ- સાઇકોલોજી શાંત દિમાગથી અભ્યાસ કરવાનો વિષય છે. આ ઉત્તેજના, આ ઉદ્વેગ, આ વિસ્ફોટ સ્વયંભૂ હતો, અન્દરુની હતો. ઈતિહાસને રબરથી ભૂંસી શકાતો નથી. પંડિત નહેરુએ સોવિયેત રશિયાના સર્વેસર્વા નિકિતા ક્રુશ્ર્ચોવને કહ્યું હતું, દીવાલ પરના ફોટાઓ ઊલટા કરીને દીવાલ તરફ ફેરવી નાખવાથી ઈતિહાસ બદલી શકાતો નથી! તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાએ કહ્યું: લઘુમતિ પર જુલમ કરો તો એ ક્રાઈમ બની જાય છે અને બહુમતી પર જુલમ કરો તો એ ક્રાઈમ નથી! કૉંગ્રેસીઓના દિમાગો ડહાપણના ભંડારો છે. રાજસ્થાન કૉંગ્રેસની અધ્યક્ષા ગિરિજા વ્યાસ ઉવાચ: (ગુજરાત) રાજ્યની ઈન્ટેલિજન્સ એજન્સીઓ જો નિષ્ફળ ન ગઇ હોત તો ગોધરા દુર્ઘટના ન બનત! (ગુજરાત) રાજય સરકારે પર્યાપ્ત પૂર્વહુકમો ઉપાડયા નહીં એટલે આ ઘટના ઘટી. શ્રીમતી ગિરિજા વ્યાસ જેવા વિચારવંત કૉગ્રેસીઓ માટે સંક્ષેપમાં બે-ત્રણ સીધા પ્રશ્ર્નો: કાશ્મીરની વિધાનસભા પર આતંકવાદી હુમલો. ઈન્ટેલિજન્સ એજન્સીઓ ક્યાં હતી? હિંદુસ્તાનની લોકસભાના સંકુલમાં આવીને અંધાધૂંધ ફાયરિંગ કરી ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓ, ઈન્ટેલિજન્સ એજન્સીઓ ક્યાં હતી? અને ન્યૂ યોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વોશિંગ્ટનના પેન્ટાગોન પર ત્રાટકેલા આતંકવાદીઓ. એ વખતે વિશ્ર્વના શ્રેષ્ઠમાં સ્થાન હોય તેવુ અત્યંત સક્ષમ અમેરિકન ઈન્ટેલિજન્સ કયાં હતું. નાનકડા ગોધરા સ્ટેશનથી એક કિલોમીટર બહાર જંગલમાં ગુજરાત સરકારનું ઈન્ટેલિજન્સ સફળ હોવું જોઇએ એવો કૉંગ્રેસનો હઠાગ્રહ છે? ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે... જેવી ગુજરાતી કહેવત જે દશ્ય ખડું થઇ રહ્યું છે..? શ્રીમતી ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી, પ્રધાનમંત્રીઓ હતા ત્યારે એમની હત્યાઓ થઇ ત્યારે કૉંગ્રેસના રાજમાં ઈન્ટેલિજન્સ સફળ રહ્યું હતું કે નિષ્ફળ ગયું હતું?

ગુજરાતમાં ગોધરાકાંડ પછી જે પ્રતિશોધ અને પ્રતિહિંસા ફાટી નીકળ્યાં એ પણ એટલાં જ બર્બર હતાં. અને એ એટલા જ નિંદનીય છે. આ પ્રકારની વિસંવાદિતા, પ્રદેશ અને પ્રજાને પાછળ ફેંકી દે છે અને આજે ગુજરાત માટે શાંતિ એ પ્રાથમિકતા છે. પ્રમુખ પ્રાથમિકતા છે. આવી સ્થિતિમાં અને ખાસ કરીને ગુજરાત જ્યારે કેન્દ્ર સ્થાને હોય છે ત્યારે ખોટા તારણહારોથી સાચા ટપોરીઓ સુધી બધાં જ આખા હિન્દુસ્તાનમાંથી ‘શાંત રહો, શાંત રહો’ ના કૉરસમાં જોડાઇ જાય છે. કેટલાક દોઢ હોશિયારો ગુજરાતીઓને આ સમયે ગાંધીજી અને અહિંસાની યાદ અપાવી દે છે. ગાંધીના ગુજરાતમાં આવી અશાંતિ? આ દોઢ હોંશિયારો બુદ્ધ અને મહાવીરના બિહારમાં કે શ્રીરામ અને શ્રીકૃષ્ણના ઉત્તર પ્રદેશમાં કે ગુરુનાનક દેવના પંજાબમાં અશાંતિ થાય છે. ત્યારે શાંતિની અપીલો લઇને કેમ ઉતરી પડતા નથી? કારણ કે એ લોકો એક આંખ બંધ કરી સલામત અંતર રાખીને દૂરથી દૃશ્ય જોનારા ડાહી માના દીકરાઓ છે...! એક પ્રતિવાદ એ છે કે ચીન અને જાપાનની અત્યંત તેજ પ્રગતિ પાછળ કારણ એ છે કે ચીન અને જાપાનમાં ‘લઘુમતી’ નથી. ચીનમાં લોકશાહી નથી, એટલે વોટનું રાજકારણ નથી. આપણા ભારતવર્ષમાં લોકશાહી છે. સેક્યુલારિઝમ છે, વોટનું કટ્ટર જાતીય રાજકારણ છે. જ્યારે દેશની બહુમતીની એક બહુ મોટી બહુમતિને સતત અન્યાયબોધની ફિલિંગ રહ્યા કરે છે. ત્યારે એ સ્થિતિ જ્વાલામુખી જેવી છે, ઉપરથી શાંત, અંદરથી અશાંત! ગુજરાતમાં આટલી સખત પ્રતિક્રિયા શા માટે આવી એનું પૃથક્કરણ કરવું જોઇએ. અભ્યાસીઓએ વિચારવું જોઇએ કે આવી તીવ્ર પ્રતિશોધ ભાવના શા માટે પેદા થવી જોઇએ. સતહની નીચે એવાં કયો વિધ્વંસક પરિબળો છે, જે ગુજરાતને પ્રગતિ કરતા રોકે છે? ફેબ્રુઆરી-માર્ચ ૨૦૦૨ના ગોધરાકાંડ અને પછી ફાટી નીકળેલા અગ્નિકાંડ અને હત્યાકાંડની એક બહુ જ ખરાબ દુષ્પરિણામકારક અસર એ થશે કે મધ્યમવર્ગીય મુસ્લિમ, શિક્ષિત નોકરી પશા મુસ્લિમ, એ મુસ્લિમ કર્મચારી, જેને પોતાના બાળકોને પ્રામાણિક પરિશ્રમ કરીને એક ખુશહાલ ભવિષ્ય આપવું છે. એ મુસ્લિમ, જેને સુપરસોનિક તેજ ગતિથી દોડી રહેલા જગત સાથે કદમ મિલાવવા છે, એ મુસ્લિમ, જેને ભારતની મુખ્ય ધારાની સાથે સાથે વહેવું છે અને હિન્દુ સાથે મહોબ્બતથી જીવવું છે, એ મુસ્લિમ, અસલામતી ભાવથી પોતાના પછાત મુસ્લિમ વિસ્તારમાં ઘૂસી જશે અને દેશની મુખ્ય ધારાથી કપાઇ જશે. ગુજરાતમાં મુસ્લિમ વ્યવયસાયો, ઉદ્યોગો, દુકાનો, સંપત્તિઓના નાશને કારણે મુસ્લિમ અર્થતંત્રની કમર તૂટી ગઇ છે, એને આ એક અત્યંત ચિંતાનો વિષય છે અને વિષાદી સ્થિતિ છે. ગોધરાકાંડ અને પછી પ્રાપ્ત થયેલી દુ:સ્થિતિઓને કારણે મુસ્લિમ સમાજોમાં જે સામાજિક- આર્થિક ક્રાઇસીસ આવી ગઇ છે અને અને આવી રહી છે એ દેશહિતના દરેક પુરસ્કર્તા માટે અને ગુજરાત સહિતના દરેક પક્ષધર માટે ખરેખર ચિંતાનો વિષય છે. ગોધરાના થોડા મુઠ્ઠીભર કટ્ટર હેવાનોએ પૂરા ગુજરાતના મુસ્લિમોને દસ વર્ષ પાછળ ફેંકી દીધા છે.

ગુજરાતના ગોધરાકાંડમાં કદાચ દેશની ટીવી ચેનલોએ સૌથી નેગેટિવ ભૂમિકા ભજવી છે. સમાચારો માટે આપણી પાસે ચાર-પાંચ મુખ્ય અંગ્રેજી અને હિન્દી ચેનલો છે અને ચર્ચા કરવા માટે ન્યૂ દિલ્હીમાં ડઝનબંધ એરસપર્ટો માત્ર એક ફોન કરવાથી સ્ટુડિયોમાં લાઇનસર હાજર થઇ જાય છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ડો. પી. સી. એલેકઝાન્ડરે હિન્દી ‘નવભારત ટાઇમ્સ’ના ૫૦ વર્ષના ઉત્સવ પ્રસંગે વ્યંગમાં કહ્યું હતું કે, ટીવી માટે આ દેશમાં દરેક વિષયના એકસપર્ટ દિલ્હીમાં જ બેઠા છે. મુંબઇ, કોલકાતા, ચેન્નઇ કે અન્ય શહેરોમાં કોઇ એકસપર્ટ છે જ નહીં અને આ નવરાઓ અને એમને બાલિસ, બચકાના પ્રશ્ર્નો પૂછતી કોન્વેન્ટિયા બહેજામાં સતત બકબક કરતી રહેતી ખૂબસૂરત છાકરીઓની એક જુગલબંદી ટીવીની અગ્રેજી ચેનલોમાં જામી પડી છે! અને ગુજરાત વિશે પણ સ્પોટ-રિપોટિર્ંંગ થાય છે. ચર્ચાઓ થાય છે. આપણી પ્રજાને બદનામ કરતી હોય એવી ભાષા પણ કયારેક વપરાઇ જાય છે. ટીવીના કેમેરાને ગુજરાતની શાંતિ કરતા અશાંતિ બતાવવામાં વધારે રસ છે! કેટલાક અંગ્રેજી પત્રકારો, કેટાક અંગ્રેજી કૉલમ- લેખકો, કેટલાક તથાકથિત ‘સોશિયલ એક્ટિવિસ્ટ’ (એટલે?) ગુજરાતદ્વેષી હતા, છે અને રહેશે! અહીં ગુજરાતદ્વેષીને સ્થાને ‘હિન્દુદ્વેષી’ શબ્દ પણ વાપરી શકાય છે. માધવસિંહ સોલંકીથી ચીમનભાઇ પટેલથી કેશુભાઇ પટેલથી નરેન્દ્ર મોદી સુધી ગુજરાતના કયા મુખ્યમંત્રી માટે, કયા અંગ્રેજી પત્રકારે, ક્યારે અને કેટલું સારું લખ્યું છે? આ પણ સંશોધનનો વિષય છે.

ટેલિવિઝન એક અત્યંત સશક્ત માધ્યમ છે અને ટીવીની ન્યૂઝ ચેનલોનું ટેલિકાસ્ટ લગભગ દરેક મધ્યમવર્ગી પરિવારમાં રોજ રાત્રે પહોંચે છે. ગુજરાતમાં ધરતીકંપ થયો ત્યારે આજ ચેનલોએ અદભુત કામ કર્યું હતું. અને પાકિસ્તાનના જનરલ મુશર્રફ આગ્રા આવ્યા ત્યારે અંગ્રેજી ટેલિકાસ્ટ એટલું બેહૂદુ અને એકપક્ષી હતું કે આપણને લાગે કે આપણે કોઇ પાકિસ્તાની ટીવી ચેનલ જોઇ રહ્યા છીએ. લગભગ દેશદ્રોહની સીમા સુધી પહોંચી જાય એટલું બધું પાકિસ્તાનતરફી કવરેજ આપણી અંગ્રેજી ચેનલોએ પાકિસ્તાનની સરમુખત્યારને આપ્યું હતું. ચૂંટણીમાં દરેક ચેનલ ‘એકિઝટ પોલ’ની પાછળ પડી ગઇ હતી અને ઉત્તર પ્રદેશમાં ૯૮ સીટો જીતી જનાર માયાવતીના બહુજન સમાજ પક્ષને બધી જ ચેનલો ભૂલી ગઇ હતી. કારણ કે બહુજન સમાજ પક્ષની પ્રતિનિધિઓ ટીવી પર ચર્ચા કરવા આવી નહોતી. અને ચોથે નંબરે આવેલી લંગડા ઘોડી જેવી કૉંગ્રેસની પ્રતિનિધિઓ દરેક ચેનલ-ચર્ચામાં ચિબાવલી સફાઇ પેશ કરતી રહેતી હતી. જનતાના મિજાજને સમજવામાં ટીવીની ચેનલો નિષ્ફળ ગઇ હતી.

કારગિલ યુદ્ધ સમયે ટીવીએ ખરેખર ઉત્તમ કામ કર્યું હતું અને યુદ્ધની વિભીષિકા આપણા દીવાનખંડમાં ખડી કરી દીધી હતી. ફેબ્રુઆરી -માર્ચ ૨૦૦૨ના ગુજરાતના ગોધરાકાંડ અને એ પછીના પ્રત્યાઘાતો પ્રસ્તુત કરવામાં આ જ અંગ્રેજી ચેનલોની સરાસર બદદાનત પર્દાફાશ થઇ ગઇ છે. સમસ્ત ગુજરાતમાં સ્થપાતી જતી શાંતિ કરતાં ખૂણેખાંચરેથી કયાંક થયેલી આગઝની જેવા સમસનીખેજ સમાચાર આપીને એ દૃશ્યને કેમેરાથી વિસ્તારમાં બતાવીને, ફરીથી કોમવાદ ભડકાવવાની કોઇ પદ્ધતિસર સાઝિશ હોય એવું સુજ્ઞ, શાંતિપ્રિય લોકોને લાગતું હતું. લગભગ દરેક અંગ્રેજી સમાચાર ચેનલ ગુજરાત વિશે તટસ્થ, નિષ્પક્ષ, પોઝિટિવ રિપોર્ટ આપીને, કોમી એખલાસ વધુ દૃઢ કરવાના અભિયાનમાં સહાયક થવાને બદલે અત્યંત અફસોસનાક નેગેટિવ ભૂમિકા ભજવી હતી. એ સ્પષ્ટ થઇ ગયું હતું. ગુજરાતી પ્રજાનો ધગધગતો આક્રોશ જૂઠા અને પ્રધાનત: ગુજરાતવિરોધી સમાચાર આપનારા અંગ્રેજી ટીવી અને અંગ્રેજી વર્તમાનપત્રો તરફ કેન્દ્રીત થાય એ એક કમનસીબ સ્વાભાવિક સત્ય હતું.

આપણે ત્યાં લોકશાહીનો અતિરેક છે. અમેરિકામાં પણ લોકશહી છે. પણ આવી સ્થિતિમાં અંકુશિત અને દેશપ્રેમી લોકશાહી છવાઇ જાય છે. ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વોંશિગ્ટનના પેન્ટાગોન પર આતંકવાદી હુમલાઓ પછી એક અમેરિકન ટીવી ચેનલે કટ્ટરવાદી કે આતંકવાદી કે આરબ દૃષ્ટિકોણ આપ્યા નથી. રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશની કેબિનેટ સભ્ય અને અંતરંગ ગણાતી કેન્ડી રાઈસે માધ્યમોમાં સૂચના પણ આપી હતી કે એમણે અમેરિકાતરફી સમાચાર પ્રસારિત કરવા અને રક્ષામંત્રી રૂમ્સફેલ્ડે આગળ વધીને કહ્યું કે અમે જાણી જોઇને ‘ડિસઈન્ફર્મેશન’ અથવા ખોટી માહિતી આપી છે. હિન્દુસ્તાની લોકશાહી અમર્યાદ અને નિરંકુશ છે. મુશર્રફ હોય કે કોમી હુલ્લડો હોય આપણી ટીવી ચેનલો અને ખાસ કરીને કેટલાંક અગ્રેજી પત્રો અર્ધસત્ય અથવા અસત્યને સત્યના સ્વાંગમાં પ્રસ્તુત કરવામાં બિલકુલ સંકોચ અનુભવતાં નથી. દેશપ્રેમ એ કઇ બલાનું નામ છે? ગોધરાકાંડ અને એના પ્રતિ-આઘાતરૂપે પ્રકટેલી પ્રતિહિંસાંને જધન્ય અને નિંદનીય છે. ગુજરાતને શાંતિની જરૂર છે જે ક્રમશ: પણ ત્વરાથી આવતી જાય છે. દરેક વ્યક્તિ કે વિચારક, પક્ષ કે પત્રનો અત્યારે એક જ દાયિત્યધર્મ હોઇ શકે. અમન અને એખલાસની પુન: સ્થાપનાના અભિયાનમાં જોડાઇ જવું! અને સર્વે અત્ર સુખિન સન્તુ/ સર્વે સન્તુ નિરામયા/સર્વે ભદ્રાણિ પશ્યન્તુ/ મા કશ્ર્ચદ દુ:ખમ આપનુયાત...ના આદર્શ તરફ અગે્રસર થવું. સબ કો સન્મતિ દે ભગવાન... આ શબ્દો નરેન્દ્ર મોદીનું ‘આપણું ગુજરાત, આગવું ગુજરાત’ સાંભળવા માગે છે.

સૌરભ શાહ -- કહેવત એટલે જે કહેવાતી આવી છે તે વાત

રેસમાં જે ઘોડો વધારે વાર જીતે તેને જ સૌથી વધુ ચાબખા પડ્યા હોય છે

કહેવત એટલે જે કહેવાતી આવી છે તે વાત

ઊંટનાં લગનમાં ગધેડાનાં ગીત જેવી તળપદી કહેવતોથી માંડીને ઉધારનો મોર લેવા કરતાં રોકડાનું કબૂતર લેવું સારું જેવાં ચાણક્યવચનો ઓછામાં ઓછા શબ્દોમાં મગજમાં સર્ચલાઈટ ફેંકવાનું કામ કરે છે. ગુજરાતી અને સંસ્કૃતમાં ગણ્યા ગણાય નહીં એટલાં ડહાપણવાક્યો અને નીતિસૂત્રોનો ખજાનો છે. કહેવતોની ખરી મઝા યોગ્ય સમયે, યોગ્ય સંદર્ભમાં વાપરવાની છે. કાં તો બાપ દેખાડ, કાં શ્રાદ્ધ કર જેવી કહેવત સચોટ રીતે છાપાના પહેલા પાનાના સમાચારના મથાળા સાથે વપરાતી હોય છે ત્યારે વાચકોનો દહાડો સુધરી જાય છે (પત્રકાર શિરોમણિ ગુરુવર્ય સ્વ. હસમુખ ગાંધી યાદ આવે છે?) કહેવતોની ખૂબી એ છે કે સાંભળનાર કે વાંચનારના મન પર એ સીધી જ જઈને ચોંટી જાય છે. કહેવતો વગર કોઈ પણ ભાષા રસકસ વિનાની, લૂખી બની જાય. ગુજરાતીમાં જ નહીં દુનિયાની દરેક ભાષામાં કહેવતોનો ભંડાર હોવાનો. એક આંટો આજે કહેવતબજારમાં.

ડચ પ્રજાનું ડહાપણ કહે છે: નિત્યનો મહેમાન એ રસોડાનો ચોર છે... નવા ઘરમાં પહેલાં દુશ્મનને રાખવો, પછી મિત્રને અને પછી પોતે રહેવા જવું... આબાદીમાં સાવચેતી અને પડતીમાં ધીરજ... પોતપોતાના ધંધામાં સૌ ચોર છે.

ગ્રીક લોકો માને છે કે જેને ફાનસ જોઈએ છે તે જ અંદર તેલ રેડે છે... જે પોતાનું હૃદય વિસ્તારે છે એણે પોતાની જીભ ટૂંકી બનાવવી પડે છે... મને જે રોટલો આપે તે જ મારો પ્રભુ... દેવાળિયો યહૂદી જૂના હિસાબોને જોતો જ બેસી રહે છે.

આયર્લેન્ડથી આવી કહેવતો: તમારું પહેરેલું કપડું પણ આપી દેવું પડે એવું સમાધાન કદી ન કરવું... ઘણું નાણું ભેગું કરવામાં મહેનત નથી, થોડું નાણું ભેગું કરવામાં ભારે શ્રમ છે... ધનિક થયેલા ભિખારી જેવો અભિમાની બીજે ક્યાંય નહીં મળે.. બોલે તે વાવે ને ચૂપ રહે તે ચાખે.

ફ્રાન્સ: જે ઉછીનું લે છે તે જ વધુ ખર્ચા કરે છે... આળસુઓ નિત્ય કંઈક કરી બતાવવાની ઈંતેજારી ધરાવે છે... રેસમાં જે ઘોડો વધારે વાર જીતે તેને સૌથી વધુ ચાબખા પડ્યા હોય છે... ઈર્ષ્યા વગર પ્રેમ જન્મતો નથી... જે રમત છોડે છે તે હારે છે... ભોજન જમવા માટે હોય છે અને ક્ધયા પરણવા માટે.

જર્મની: ખોટી દિશામાં જવા કરતાં બે વાર પૂછી લેવું સારું... શરૂઆત સદા મુશ્કેલ હોય છે... દિવસને આંખ હોય છે અને રાતને કાન... બંધ આંખે આપો, ખુલ્લી આંખે સ્વીકારો... ગુલાબ કરમાય છે પણ કાંટા સીધા જ રહે છે.

રશિયા: મીઠાઈવાળાને રોટલો જ વધુ ભાવે... મોઢું જે વચન આપે છે તેને હાથ તરત જ ભૂલી જાય છે... ગુમાવ્યા વગર કશું જીતી શકાતું નથી... જ્યારે નાણું બોલવા માંડે છે ત્યારે સત્ય ચૂપ થઈ જાય છે.

સ્પેન: બે મિત્રો વચ્ચે એક જ થેલી હોય તો એક મિત્ર રડે અને બીજો હસે... મૂંગું મોઢું કદી દેવાદાર હોતું નથી... ડહાપણ ત્રણ રીતે મળી શકે: સચ્ચાઈથી, વિચારથી કે ત્યાગથી... એક બાણ બે પક્ષીને ન જ વીંધે... કાંટા વગરનું ગુલાબ નહીં ને હરીફ વગરનો પ્રેમ નહીં.

ઈટલી: કરકસર મોટી આવક છે... ઉતાવળ અને સારું કાર્ય એ બેનો મેળ ન થાય... પોતાની જાતને દોષ દીધા કરનાર નિત્ય ગુનાઓ કરે છે... જે જમીન પર સૂવે છે તેને પડવાની બીક નથી... પ્રેમ ભયને દૂર કરે છે... માબાપે બોલતાં શીખવ્યું, દુનિયાએ ચૂપ રહેતાં.

સ્વિત્ઝરલૅન્ડ: ખરા વખતે મૂર્ખ બનવું એ પણ એક કળા છે... ટાલિયો હંમેશાં સુંદર ટોપી પહેરે... જે કહેવાતું નથી તે ક્યારેય સંભળાતું નથી.

બલ્ગેરિયા: એક મૂરખાએ દરિયામાં નાખેલા પથરાને સો ડાહ્યાઓ પણ કાઢી શકતા નથી... બીજાના સુખ કરતાં પોતાનું સુખ સારું... મૌન શેતાનને પણ હંફાવે છે.. ડહાપણના ભંડાર કરતાં ચમકતા નસીબનું એક ટીપું સારું.

અમેરિકા: અજ્ઞાનનો ગુનો ક્ષમાને પાત્ર છે... વહેમ સુખનો શત્રુ છે... પેટ કરતાં આંખ મોટી છે... જ્યાં બંને ગુમાવવાના હોય ત્યાં સોદો ખોટનો જ કહી શકાય... કેટલાક મહેમાનોને જવા ટાણે જ આવકાર મળે છે.

ચીન: સુંદર પક્ષીએ જ પાંજરામાં પુરાવું પડે છે... લંગડો કદી પડતો નથી... વધુ નફ્ફટ વધુ સુખી... કૂતરાના મોઢામાંથી હાથીદાંત ન મળે... ઝઘડો પૂરો થઈ ગયા પછી ઝાડ કાપીને લાકડી બનાવવાનો શું ફાયદો... જરૂર વગરની વસ્તુ જે ખરીદે છે એણે જરૂરી વસ્તુ વેચી નાખવી પડે છે.

ઈરાન: ઈશ્ર્વર પર ભરોસો રાખવો પણ ઊંટને ખૂંટે બાંધી રાખજો... સાંભળનારા બે સાક્ષી કરતાં નજરે જોનારો એક સાક્ષી વધુ સારો... ભસતાં કૂતરાંથી વાદળોને કોઈ નુકસાન નથી.. જે મળે એમ નથી એની શોધ કરવી નહીં... રોટલાના ટુકડા માટે સ્વમાન ગુમાવવું ન પાલવે.

હવે થોડીક ગુજરાતી: ગરીબ બોલે ત્યારે ટપલાં પડે ને મોટા બોલે ત્યારે તાળીઓ... ચોરણો સિવડાવે તે મૂતરવાનો માર્ગ રાખે. (આવી જ બીજી એક કહેવત છે: તળાવ બંધાવે તે ઓગાન રાખે. ઓગાન એટલે તળાવ છલોછલ ભરાયા પછી વધારાનું પાણી વહી જવાનો માર્ગ)... બાપ દીવાનો, મા દીવાની ને બાયડી મારી તુળજા ભવાની... ગરજ સક્કર સે ભી ગળી... જેવી ભાઈની હિંગ તેવો બહેનનો વઘાર... ગોળ અંધારે પણ ગળ્યો અને અજવાળે પણ ગળ્યો... સાત વાર ને નવ તહેવાર... છોકરો હોય તો વહુ આવે અને રૂપિયા હોય તો વ્યાજ... મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાગ્યો ખેડતાં- એને નહીં સાંધો, નહીં રેણ... કાગડાના મોંમાં કંકોતરી... પાણી પીને મૂતર જોખે... દેડકો ક્યારેય કરડે નહીં, બ્રાહ્મણ ક્યારેય લડે નહીં... જ્યાં સોય જાય ત્યાં દોરો જાય... ગળું કાપ્યું ને ઉધરસ ગઈ... અને છેલ્લી કહેવત: ખુલ્લા બારણાની ચાવી શોધવા ન જવાય.

અને આજથી ફરી એક વાર ‘ગુડ મૉર્નિંગ’ની ફર્સ્ટ સિઝનની જેમ ટેલ પીસ (પૂંછડિયું) શરૂ કરું છું.

આજનો વિચાર

સફળતા મેળવવી હોય તો તમારા ક્ષેત્રના તમામ નિયમો પહેલાં જાણી લેવા જોઈએ. પછી એમાંથી થોડા તોડવા જોઈએ.

- મૅથ્યુ આર્નલ્ડ

એક મિનિટ!

એક છોકરાએ કૉલેજના ચાલુ ક્લાસમાં એક છોકરીને ‘આય લવ યુ’ કહ્યું. પ્રોફેસરે છોકરાને એક અઠવાડિયા માટે કાઢી મૂક્યો.

અઠવાડિયા પછી છોકરો પાછો ક્લાસમાં આવ્યો ત્યારે છોકરીએ છાનામાના છોકરાની નોટબુકમાં લખી દીધું: ‘આય એમ સૉરી... એકચ્યુલી તો હું પણ તને ખૂબ પ્રેમ કરું છું.’

આમ છતાં એક વરસ વીતી ગયું, બે-ત્રણ-ચાર વરસ વીતી ગયા પણ છોકરા-છોકરી મળ્યા જ નહીં. શું કારણ?

કૉલેજમાં છોકરાઓ કદી નોટબુક ખોલતા જ નથી.

સૌરભ શાહ - માનસિક શાંતિની ખોજ કરનારાને ખબર નથી કે એ મળી ગયા પછી એનું કરવું શું

માનસિક શાંતિની ખોજ કરનારાને ખબર નથી કે એ મળી ગયા પછી એનું કરવું શું

‘નીડ ફૉર અ ન્યૂ રીલિજયન ઈન ઈન્ડિયા ઍન્ડ અધર એસેઝ’ નામના પોતાના પુસ્તકમાં ખુશવંત સિંહે પ્રથમ બે લેખ ધર્મ વગેરે વિશે લખ્યા છે. પહેલો લેખ તે પુસ્તકના શીર્ષકમાં જેનો ઉલ્લેખ છે તે અને બીજો ‘કુર્રાન ફૉર ધ નૉન-મુસ્લિમ્સ.’

ખુશવંત સિંહના ધર્મ બાબતના કેટલાક વિચારો અત્યંત રૅડિકલ છે. ક્યારેક તમને લાગે કે લોકોને શૉક આપવા માટે જ ખુશવંત સિંહ આવું વિચારે/લખે છે કે શું. ક્યારેક તેઓ જમાના કરતાં ઘણા આગળ પણ લાગે. અને ક્યારેક અત્યંત રૂઢિચુસ્ત, અલમોસ્ટ કટ્ટરવાદી લાગે.

હિંદુના મૃત્યુ પછી એની અંતિમ ક્રિયા માટે ખુશવંત સિંહે એક રિડિક્યુલસ સજેશન કરેલું કે લાકડાં બચાવવા માટે હિંદુઓને બાળવાને બદલે દફનાવવા જોઈએ. મુસ્લિમ-ખ્રિસ્તીઓ માટે પણ એમણે એક અળવીતરું સૂચન કર્યું હતું કે કબ્રસ્તાનમાં જગ્યા બચાવવા મડદાંને આડા ચુવડાવીને દાટવાને બદલે ઊભાં દાટવાં જોઈએ! ખુશવંત સિંહના આ બંને સૂચનોથી બધી જ કમ્યુનિટીઝના લોકો ભયંકર નારાજ થયા હતા.

ધર્મસ્થાનકો વિશેના ખુશવંત સિંહના વિચારો સાથે તમે સહમત થઈ શકો છો. એ માનતા કે પૂજા માટે એક જ ઉચિત સ્થાન છે અને તે જ વ્યક્તિનું પોતાનું ઘર. ધર્મસ્થાનકો પંડા-પૂજારીઓ, પાદરીઓ, ગ્રંથિઓ અને ઈમામોના અડ્ડા બનતા જઈ રહ્યા છે, એમના માટે પૈસા કમાવાનાં સાધન બની ગયાં છે અને એ ટ્રેન્ડ હવે રોકવો જોઈએ એવું તેઓ માનતા. પોતાના આ વિચારના સમર્થનમાં પંજાબના એક સૂફી સંતના આ શબ્દો તેઓ ટાંકતા:

મસ્જિદ ઢા દે, મંદિર ઢા દે, ઢા દે જો કુછ ઢૈંદા,

ઈક કિસી દા દિલ ના ઢાવીં, રબ્બ દિલાં બિચ રૈહંદા

ધર્મ બાબતની રૂઢિઓ અને પરંપરાઓને માન આપતાં તેઓ કહેતા કે દરેક ઈન્સાનને હક્ક છે કે એ પોતાનો સમય કેવી રીતે વ્યતીત કરે. જો કોઈને પ્રાર્થના કરવાથી શાંતિ મળતી હોય અથવા ધાર્મિક અનુષ્ઠાનો કરવાથી શાતા મળતી હોય તો એવું કરવાનો એમને પૂરેપૂરો હક્ક છે. એમને અગરબત્તીઓ પ્રગટાવવી હોય, પૂજા કરવી હોય, ઘંટડી વગાડવી હોય, તો એમને કોઈ રોકી ન શકે. પણ પોતાની ધાર્મિકતાને બીજાઓ પર થોપવાનો કોઈને કશો હક્ક નથી.

મેડિટેશન માટે ખુશવંત સિંહ માનતા કે લોકોને પૂછીએ કે શું કામ તમે ધ્યાનમાં બેસો છો તો તેઓ કહેશે: માનસિક શાંતિ મેળવવા. એ માનસિક શાંતિનું તમે શું કરવા માગો છો એવું પૂછશો તો કોઈનીય પાસે એનો જવાબ હોતો નથી. હકીકત એ છે કે કળા, સાહિત્ય, વિજ્ઞાન, સંગીત વગેરે ક્ષેત્રોમાં થયેલી તમામ મહાન ઉપલબ્ધિઓ ઉદ્વીગ મનની જ નિપજ હોય, માનસિક અશાંતિનું જ પરિણામ હોય છે, સ્ટ્રેસ-ટેન્શનમાંથી જ એ બધું આવતું હોય છે, ફાટફાટ થતા મગજનું એ પરિણામ હોય છે. અલ્લામાં ઈકબાલના એક શેરને ટાંકીને સમજાવે છે કે: ભગવાન કરે તારા જીવનમાં કોઈ તોફાન ઊઠે, તારા જીવનના સમુદ્રમાં તો કોઈ લહેર જ નથી. પૂજાપાઠ વિશે ખુશવંત સિંહ પોતાનું ચિંતન એક વાક્યમાં પ્રગટ કરે છે: ‘કામ જ પૂજા છે, પૂજા કામ નથી.’

ખુશવંત સિંહ માનતા કે ‘સંન્યાસ’ અથવા ‘વાનપ્રસ્થ’ની સંકલ્પનાનોે ત્યાગ કરવો જોઈએ. જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી દરેક વ્યક્તિએ કામ કરતાં રહેવું જોઈએ. ભીખ માગીને જીવન જીવવું જેટલી ખરાબ વાત છે એટલું જ ખરાબ છે વારસામાં મેળવેલી સંપત્તિમાંથી જીવ્યા કરવું અને કોઈ કામ ન કરવું. જેમ ભીખ માગવા પર કાનૂની પ્રતિબંધ હોવો જોઈએ તેમ પોતાના વારસદારો માટે વ્યક્તિ કોઈ સંપત્તિ છોડી ન જઈ શકે એવો કાયદો પણ આવવો જોઈએ.

માણસના ધાર્મિકતા વિશેના ખ્યાલો કેવી રીતે બદલાતા હશે અને કયા સંજોગોમાં એ દૃઢ થતા હશે? ખુશવંત સિંહના શું કામ બદલાયા? એ પછી જોઈએ. પણ પહેલાં થોડુંક જનરલાઈઝેશન. પર્સનલી હું માનું છું કે નાનપણમાં મેળવેલા ધાર્મિકતા વિશેના સંસ્કારો માણસના જીવનમાં કોઈ જબરજસ્ત ભૂકંપ જેવી ઘટના બને છે ત્યારે આઈધર એ વિચારો પણ કડડડભૂસ થઈને તૂટી પડતા હોય છે અથવા અગાઉ કરતાં અનેકગણા દૃઢ બની જતા હોય છે. તૂટે ત્યારે જ્યારે કે માણસ વ્યર્થ સહારાઓથી, બનાવતી ટેકણલાકડીઓથી મુક્ત થઈ જવા માગતો હોય, જીવનમાં કોઈ ભૂકંપ સર્જાય ત્યારે. અને દૃઢ ત્યારે થાય જ્યારે માણસના ધર્મ વિશેના વિચારોનો પાયો ડર હોય, ભય હોય. ભયભીત માણસના જીવનમાં ભૂકંપ સર્જાય ત્યારે એ વધારે ભયભીત બનીને ધર્મને વધુ મજબૂતીથી પકડતો થઈ જાય. પણ જેનામાં આત્મશ્રદ્ધાનું તત્ત્વ કૂટીકૂટીને ભર્યું હોય તે વ્યક્તિ જીવનમાં ભૂકંપ સર્જાયા પછી ધર્મ તથા તેને લગતી નીતિરીતિ/ક્રિયાકાંડ વગેરેમાંથી મુક્ત થઈ જતી હોય છે. આ મારું પર્સનલ ઑબ્ઝર્વેશન છે. દરેકનો અનુભવ જુદો જુદો હોઈ શકે છે.

ખુશવંત સિંહ સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં ભણતા ભણતા બાઈબલના વર્ગોમાં જવા લાગ્યા. ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યૂ ટેસ્ટામેન્ટનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ જૈન, બુદ્ધ અને હિન્દુ ધર્મમાં ઊંડા ઊતર્યા. ઈસ્લામનો ઊંડો અભ્યાસ કર્યો. આ બધા પછી બે વાત બની. પરંપરાગત સિક્ખ ધર્મની પ્રાર્થનાઓનું ગાન એમના હૃદયને ઝંકૃત કરતું થઈ ગયું અને બીજી બાજુ તેઓ ટિપિકલ સેક્યુલર ઈન્ટલેક્ચ્યુઅલ બનતા ગયા.

શક્ય છે કે બધા ધર્મોનો અભ્યાસ કર્યા પછી કાં તો માણસ પોતાના ધર્મ વિશે ગૂંચવાડામાં પડી જતો હશે અથવા તો પછી પોતાના ધર્મ માટેના દેખાડામાં. માણસ પોતાના હૃદયની અને દિમાગની વિશાળતાનો દેખાડો કરવા માટે બધા ધર્મોની વાહ-વાહ કરતો રહે એના કરતાં બહેતર છે કે એને જે એક ધર્મ પોતાના જીવન માટે સૌથી યોગ્ય જણાય એમાં ઊંડા ઊતરીને પોતાનું જીવન છે એના કરતાં બહેતર બનાવે. અને જો ધર્મમાં આસ્થા ન હોય તો પોતાને નાસ્તિક જાહેર કરે. પણ એમાંય પ્રોબ્લેમ છે. લોકો પૂછશે કે તમે નાસ્તિક તો ખરા, પણ હિંદુ નાસ્તિક કે મુસલમાન નાસ્તિક? ખુશવંત સિક્ખ નાસ્તિક હતા!

આજનો વિચાર

સફર મેં ધૂપ તો હોગી જો ચલ સકો તો ચલો,

સભી હૈ ભીડ મેં તુમ ભી નિકલ સકો તો ચલો

કિસી કે વાસ્તે રાહેં કહાં બદલતી હૈ,

તુમ અપને આપ કો બદલ સકો તો ચલો.

યહી હૈ ઝિંદગી-કુછ ખ્વાબ, ચંદ ઉમ્મીદેં,

ઈન્હીં ખિલોંનોં સે તુમ બહલ સકો તો ચલો.

- નિદા ફાઝલી

એક મિનિટ!

યે જો આગ મેરે ઈસ દિલ મેં હૈ

ઉસે ઝમાને કો લગા દૂંગા...

અગર તૂ કિસી ઔર કી હૂઈ

તો

તો

તો

તો ક્યા, હૅન્ડસમ હૂં, દૂસરી પટા લૂંગા!

આપણા પર આધારિત જીવોને તિરસ્કારીને કશું પામી શકાતું નથી - કાજલ ઓઝા વૈદ્ય - કથા કોલાજ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=121234

આપણા પર આધારિત જીવોને તિરસ્કારીને કશું પામી શકાતું નથી

નામ: યશોધરા સિદ્ધાર્થ સ્થળ: કપિલવસ્તુ સમય: ઈ.સ. પૂર્વેની પાંચમી સદી ઉંમર: ૨૫ વર્ષ 

આજે કપિલવસ્તુમાં ઉત્સવ છે. આખું નગર શણગારવામાં આવ્યું છે. નગરજનો ઘેલા થઈને પોતાના પ્રાસાદને શણગારી રહ્યા છે. શ્રેષ્ઠીઓ, અમાત્યો અને નગરજનો ચારે તરફ ફૂલોનાં તોરણ બાંધે છે, દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. વર્ષાૠતુ સમાપ્ત થઈ છે. આખાય નગરમાં તમામ વૃક્ષો સુંદર અને હરિયાળાં દેખાઈ રહ્યાં છે. ઈશ્ર્વરે ધીમે ધીમે હેમંતનાં પગલાં માંડવાની તૈયારી કરવા માંડી છે ત્યારે ભગવાન તથાગત બુદ્ધ કપિલવસ્તુમાં પધારશે એવા સમાચાર આવ્યા છે.

આજથી આઠ વર્ષ પહેલાં રાજકુમાર સિદ્ધાર્થ મને અને મારા પુત્રને ઊંઘતા મૂકીને કોઈ ચોરની જેમ નાસી ગયેલા... પ્રબુદ્ધ શાક્યની પુત્રી હું, યશોધરા નામ મારું. અત્યંત સુંદર અને નાજુક હતી હું. અનેક શાક્યો મારો હાથ પકડવા ઉત્સુક હતા. નગર ઉત્સવના સમયે કેટલીયે વાર અનેક શાક્યપુત્રોએ મને જીતવાના પ્રયાસ પણ કરેલા, પરંતુ કોણ જાણે કેમ, મારા મનમાં કદીયે કોઈ વસ્યું જ નહીં. ગૌરીવ્રત કરતી હતી ત્યારે મારા પિતા મને વારંવાર કહેતા, "કોણ જાણે તારું આ સૌંદર્ય, આ બુદ્ધિ અને તેજ કોના નસીબમાં લખ્યું હશે ! એક પિતા તરીકે એમની ચિંતા સ્વાભાવિક હતી, કારણ કે મારા મનમાં કોઈ વસતું જ નહીં ! એવામાં એક વાર મેં રાજકુમાર સિદ્ધાર્થને જોયા. એમના સારથિ ચન્ના સાથે એ પહેલી વાર નગરવિહારે નીકળ્યા હતા. રાજકુમાર સિદ્ધાર્થને આજ પહેલાં કોઈ નગરજનોએ જોયા નહોતા. સૌએ સાંભળ્યું હતું કે એ અત્યંત મનમોહક અને બુદ્ધિશાળી છે. એમના ભ્રાતા દેવદત્ત સાથે બનેલા હંસના પ્રસંગથી સહુ એમના પરત્વે અત્યંત પ્રેમ અને સન્માનની લાગણી ધરાવતા થયા હતા... કપિલવસ્તુના નગરજનો રાજકુમાર સિદ્ધાર્થને જોવા ટોળે વળ્યા હતા. હુંય એમાંની એક હતી. ઘેલી અને ઉત્સુક...

રાજકુમાર સિદ્ધાર્થ રથમાં બેસીને અમારા સહુની સામેથી પસાર થયા. અમે સહુ એમને જોઈ રહ્યા. કાચ જેવી પાણીદાર આંખો, મુખ ઉપર નમણાશ અને કોઈ અલૌકિક તેજ... એમણે રથમાંથી પસાર થતાં અચાનક જ મારી તરફ જોયું. અમારી દૃષ્ટિ ક્ષણાર્ધ માટે મળી, કોણ જાણે મને શું થઈ ગયું, પણ લાગ્યું કે મારાં તમામ અંગોમાંથી જાણે મારા પ્રાણ હરાઈ ગયા. મારી નજર સમક્ષથી પસાર થતો રથ ને એમાં બેઠેલો રાજકુમાર જાણે પોતાની સાથે મારો પ્રાણ લઈને ચાલ્યા ગયા.

મેં ઘેર જઈને મારા પિતાને કહ્યું, "મેં મારા જીવનસાથીનું ચયન કરી લીધું છે. મારા પિતાએ હર્ષોલ્લાસ સાથે પૂછ્યું, "અરે વાહ ! કોણ છે એ સદ્ભાગી યુવાન ? મેં દૃષ્ટિને ભૂમિ સાથે ખોડીને કહ્યું, "રાજકુમાર સિદ્ધાર્થ. મારા પિતા હસવા લાગ્યા. એમણે મારા માથે હાથ મૂકીને કહ્યું, "તું તો તદ્દન મતિભ્રષ્ટ થઈ ગઈ છે. આ નગરની તમામ ક્ધયાઓ એને પામવાનાં સ્વપ્ન જુએ છે, પરંતુ રાજકુમાર તો... કોણ જાણે હૃદયના કયા ખૂણામાંથી અવાજ આવતો હોય એમ મેં દૃષ્ટિ ઉઠાવીને પિતાની આંખમાં જોયું. પછી આંખ મીંચીને કહ્યું, "રાજકુમાર સિદ્ધાર્થનાં લગ્ન મારી સાથે જ થશે... એ દિવસથી મેં કઠોર તપશ્ર્ચર્યા કરવા માંડી. ભગવાન શિવનાં વ્રત કર્યાં, પૂજા-અર્ચના, ઉપવાસ, ગૌરી વ્રતમાં નિર્જળા આરાધના કરી... મારી તપશ્ર્ચર્યાને સ્વીકારી હોય તેમ રાજમહેલનું આમંત્રણ આવી પહોંચ્યું !

ગૌરીવ્રતની સમાપ્તિના દિવસે મહારાજ શુદ્ધોદને નગરની તમામ ક્ધયાઓને આમંત્રિત કરી હતી. ‘અશોકભાંડ’ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. શાક્યોના આ પર્વમાં માતા-પિતા પોતાની પુત્રીને અલંકૃત કરતાં. રાજમહાલયમાંથી આવેલા આમંત્રણમાં ક્ધયાઓને અલંકારો આપવાના હતાં, પરંતુ એની પાછળનો ઉદ્દેશ એ હતો કે કુમાર પોતાની પત્નીનું ચયન કરી શકે. એક પછી એક ક્ધયાઓ આવતી રહી, કુમાર એમને અલંકૃત કરતા રહ્યા... અંતે હું ત્યાં પહોંચી.

થોડું મોડું થઈ ગયું હતું. બાકીની ક્ધયાઓને અલંકાર અપાઈ ચૂક્યાં હતાં. રાજકુમારે પોતાનો સુવર્ણ હાર મને આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં સ્વીકાર્યો નહીં. મેં કહ્યું, "હું આપને અલંકૃત કરવા આવી છું, અલંકારવિહીન કરવા નહીં... રાજકુમાર અને મારા વચ્ચે ફરી એક વારા તારામૈત્રક રચાયું. આ વખતે હું જોઈ શકી કે રાજકુમાર સિદ્ધાર્થની આંખોમાં પણ એ જ ભાવ હતા, જે આજ સુધી મેં દર્પણમાં મારી આંખોમાં જોયા હતા...

ત્રીજા જ દિવસે રાજમહેલથી આમંત્રણ આવ્યું. અમને સહકુટુંબ ભોજન માટે નિમંત્ર્યા હતા. મહારાજ શુદ્ધોદને રાજકુમાર સિદ્ધાર્થ સાથે મારા વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. મારા પિતા આ માની શક્યા નહીં. હું એમની આંખોમાં આશ્ર્ચર્યની સાથે આનંદ જોઈ શક્તી હતી...

વિવાહ થઈ ગયા. એક શાક્યપુત્રીને સ્વપ્ને પણ નહોય એવાં સુખનાં સાધનો અહીં ઉપલબ્ધ હતાં. સંગીત, નૃત્ય, સૂરા અને સતત આનંદ-પ્રમોદના વાતાવરણ વચ્ચે અમારો સમય પસાર થવા લાગ્યો, પરંતુ હું જોઈ શક્તી હતી કે મારા પતિ - મારા પ્રિયતમ, મારા હૃદયના રાજવી આ આનંદ-પ્રમોદની વચ્ચે પણ ઉદાસીન હતા. મેં એમને સુખ આપવાના તમામ પ્રયાસો કર્યા. સ્નેહથી, શરીરથી, શબ્દથી, પરંતુ એમની ગડમથલ દિવસે દિવસે વધ્યે જતી હતી. એવામાં મારા પુત્રનો જન્મ થયો... મને થયું કે પુત્રનું મુખ જોઈને કદાચ એમનામાં કંઈક બદલાશે, પરંતુ એમણે મારા નવજાત શિશુને હાથમાં લઈને કહ્યું, "મારા મુક્તિમાર્ગનો રાહુ છે આ... મારા હૃદયમાં શૂળ ભોંકાયું. કોઈ પોતાના જ સંતાન માટે આવું કહી શકે ? પરંતુ મેં એ વાતને ગંભીરતાથી લેવાને બદલે હસી નાખી. મેં કહ્યું, "હું એનું નામ રાહુલ પાડીશ... રાહુનો જેણે લય કર્યો તેવા વિષ્ણુનું નામ છે આ. 

"આપ જે યોગ્ય સમજો તે, મને સ્વીકાર્ય છે. રાજકુમાર સિદ્ધાર્થે એવી રીતે કહ્યું, જાણે કોઈ અન્યના નામકરણ પ્રસંગે પોતાનો અભિપ્રાય આપતા હોય.

...એક રાત્રે એ અમને બંનેને છોડીને ચાલી ગયા. મુક્તિની શોધમાં, સુખની શોધમાં, નિર્વાણની શોધમાં !

મારા શ્ર્વસુર મહારાજ શુદ્ધોદન અને મારી સાસુ માયાદેવી તો જાણે પોતાનું જીવન જ ખોઈ બેઠાં. અંતે ભવિષ્યવાણી સાચી ઠરી હતી... જો એ આ ભવિષ્યવાણી જાણતાં હતાં તો એમણે પુત્રનાં લગ્નનો આગ્રહ શા માટે કર્યો ? શા માટે એમણે એક કોડભરી ક્ધયાના જીવન સાથે રમત કરી - એવો પ્રશ્ર્ન હું એમને પૂછી ન શકી. હું રાહુલને ઉછેરતી રહી. એને ઉત્તમ સંસ્કારો આપતી રહી. રાજા બનવા માટેની તમામ લાયકાત રાહુલમાં ઊભી કરવાનું કાર્ય મને મારા શ્ર્વસુર મહારાજશ્રી શુદ્ધોદને સોંપ્યું હતું. હું પૂરા હૃદયથી એ ઉત્તરદાયિત્વને નિભાવી રહી હતી...

આઠ વર્ષ ! આઠ વર્ષ દરમિયાન હું સાદું ભોજન લેતી, જમીન પર સૂતી, વાંસનાં કંકણ પહેરતી અને ફક્ત શ્ર્વેત વસ્ત્રો જ ધારણ કરતી. રાહુલને મોટો થતો જોઈને મને મારા જીવનનું સાર્થક્ય મળી રહેતું. મહારાજ શુદ્ધોદન અને મહારાણી માયાદેવી મારા આ જીવનથી અત્યંત પીડા અનુભવતાં, પરંતુ મને કંઈ કહી શકે એમ નહોતાં એટલે આ સહ્યા કરતાં... ને સાચું કહું તો એમને આ પીડા આપીને શરૂઆતમાં મને ક્યાંક સુખની અનુભૂતિ થતી હોય એવુંયે લાગતું, પરંતુ ધીરે ધીરે જાણે મારામાં કોઈ અજબ પરિવર્તન થવા માંડ્યું. સાદું ભોજન, નિયમિત યાન અને ભોંયપથારીએ સૂવાથી જાણે મારી ભીતર કોઈ શાંતિ વ્યાપી રહી હતી. મેં સહુને ક્ષમા કરી દીધા હતા, તથાગત બની ગયેલા મારા રાજકુમાર સિદ્ધાર્થને પણ!

આજે એ આવવાના છે એ જાણીને સહુ ઉત્સાહિત હતા. નગર આખું જાણે ઉન્માદના હિલોળે ચડ્યું હતું. મારાં સાસુ મને મારા આવાસમાં બોલાવવા આવ્યાં, "ચાલ, તારે નથી આવવું?

"ક્યાં ? મેં પૂછ્યું.

"સિદ્ધાર્થનો સત્કાર કરવા. નગરના વનમાં... માયાદેવીના અવાજમાં મુખ પર હર્ષ છલકાતો હતો, "આઠ વર્ષે આવે છે મારો પુત્ર... એમણે સહેજ અચકાઈને ઉમેર્યું, "તારો પતિ.

"મારા પતિ તો હવે ક્યાંય નથી. જે પધારી રહ્યા છે એ તો સંન્યાસી છે. પ્રખર જ્ઞાતા, ઉત્તમ વક્તા, અનેકનાં જીવન જેમણે પલટ્યાં છે એવા સ્વયં ભગવાન તથાગત... એ મારા પતિ કેવી રીતે હોઈ શકે ? મેં કહ્યું. મારાં સાસુ આશ્ર્ચર્યથી જોઈ રહ્યાં. કશું જ કહ્યા વિના એ ધીરે ધીરે ત્યાંથી ચાલી ગયાં. હું ન ગઈ. એ પછી મારી દાસીઓ જાતજાતના સમાચારો લાવતી રહી, પરંતુ દરેક વખતે મને એમ લાગતું રહ્યું કે જાણે હું કોઈ અજાણી વ્યક્તિ વિશે સાંભળી રહી છું.

એ રાત્રે તથાગત મારા આવાસે પધાર્યા. એમના બે શિષ્યો સારિપુત્ર અને મોદ્ગલ્યાયનને સાથે લઈને તેઓ જ્યારે આવ્યા ત્યારે હું મારી સંયાપૂજા કરી રહી હતી. મેં એમને થોભવાનું કહ્યું. તેઓ શાંત ચિત્તે મારી પ્રતીક્ષા કરતા રહ્યા. મારું કાર્ય પૂર્ણ કરીને હું આવી, એમના ચરણસ્પર્શ કર્યા. એ થોડીક ક્ષણો મારી સામે જોઈ રહ્યા. એમની દૃષ્ટિમાં અપાર પવિત્રતા અને તેજ હતું, "હું તમારી માફી માગવા આવ્યો છું, યશોધરા.

"શા માટે ? મારાથી પુછાઈ ગયું.

"મેં આપનો પરિત્યાગ કર્યો હતો. એમણે કહ્યું.

"આપે આપના નિર્વાણનો રસ્તો શોધતા શોધતા મને પણ મારા નિર્વાણનો રસ્તો બતાવી દીધો. પત્નીને અમસ્તી અર્ધાંગિની નથી કહેતા. આપ જે દિશામાં નીકળ્યા એ દિશામાં હું આપનું અર્ધું અંગ બનીને આપની સાથે જ રહી. સહધર્મચારિણી બનીને એ બધું જ મેળવતી રહી, જે આપને મળતું રહ્યું. હું કહેતી રહી, એ સ્વસ્થ ચિત્તે, પરંતુ સહઆશ્ર્ચર્ય મને સાંભળતા રહ્યા, "અહીં આ રાજમહેલમાં રહીને મને એ જ બધું પ્રાપ્ત થયું છે, જે શોધવા માટે આપે ગૃહત્યાગ કર્યો. મારું ઉત્તરદાયિત્વ પૂરું કરતાં કરતાં મને એક જ્ઞાન લાદયું છે. અવિનય ન લાગે તો કહું ? મેં પૂછ્યું. કોણ જાણે કેટલી સદીઓ સુધી મેં આ સંવાદની પ્રતીક્ષા કરી હતી. મનોમન કેટલીયે વાર થયો હતો આ સંવાદ. સેંકડો વાર આ જ શબ્દો મેં બંધ આંખે, દર્પણ સામે અને સ્વયં સાથે ઉચ્ચાર્યા હતા. જેને કહેવા માટે હું તત્પર હતી એને આજે કહી રહી હતી... આ નિર્વાણ નથી તો બીજું શું છે !

"કહો. તથાગતે કહ્યું.

"પોતાનું ઉત્તરદાયિત્વ છોડીને કશુંયે પણ શોધવા નીકળનારાઓ કદાચ ઘણુંયે પામતા હશે, પરંતુ એ જે ગુમાવે છે તે વિશ્ર્વાસ છે. મારી આંખ અચાનક જ વહી નીકળી, "આપે વિશ્ર્વભરને મુક્તિનો સંદેશ આપ્યો હશે કદાચ, પરંતુ એ મુક્તિના પાયામાં મારું બંધન છે. આપનાં માતાપિતા અને રાહુલને મેં સાચવ્યાં છે... ફક્ત મારું ઉત્તરદાયિત્વ માનીને. આપણે જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોય એનું પરિણામ પણ આપણે જ ભોગવવું જોઈએ. સાચું નિર્વાણ એ જ છે. સ્વયંને છળવા માટે ઘણા ઉપાયો છે, પરંતુ સ્વયંને જો સત્ય સાથે સીધો સંવાદ કરાવવો હોય તો જે જીવો આપણા પર આધારિત હોય એને હડસેલીને કે તિરસ્કારીને કશુંયે પામી શકાતું નથી એ સત્યને સ્વીકારવું પડે છે. મેં ઊંડો શ્ર્વાસ લઈને કહ્યું, "આપને સહુ ભગવાન કહે છે. આપને સત્ય મળ્યું છે, તથ્ય મળ્યું છે... તથ્ય આગત ઇતિ તથાગત... પરંતુ આપે જે સત્યથી આંખ મીંચી છે એની સામે ઊભા રહીને આંખ મેળવવાની ક્ષમતા છે આપનામાં ? હું એમની સામે જોઈ રહી. આંસુને કારણે મને સામેનું દૃશ્ય ધૂંધળું દેખાતું હતું.

ભગવાન તથાગત થોડીક ક્ષણો ત્યાં જ ઊભા રહ્યા. પછી એમણે હાથ ઊંચો કરીને કહ્યું, "તું હજીયે મુક્ત નથી.

"એ માટે મારે આપનો આભાર માનવો રહ્યો. મેં કહ્યું. એમની પાસે એનો ઉત્તર નહોતો એવું મને લાગ્યું. એમના ચહેરા પર એક વિચિત્ર પ્રકારની અકળામણ જોઈને એના બંને શિષ્યો આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા એવું પણ મેં જોયું. થોડીક ક્ષણો અમે એક પણ અક્ષર બોલ્યા વિના એકબીજાની સામે જોતાં રહ્યાં, "આપ જઈ શકો છો. મુક્ત છો. મેં કહ્યું, "હું આપને મારી સાથે વિશ્ર્વાસઘાત કરવા બદલ ક્ષમા કરું છું.

તથાગત ધીમા ડગલે મારા કક્ષની બહાર નીકળ્યા. તેની પાછળ સારિપુત્ર અને મોદ્ગલ્યાયન પણ નીકળ્યા. એ કક્ષનો ઊંબરો ઓળંગે એ પહેલાં મેં કહ્યું, "આપને જ્ઞાન જરૂર લાદયું હશે, પરંતુ સમાધાન નહીં મળે એવું મારું વચન છે. જીવનની અંતિમ ક્ષણે જો એક ક્ષણ માટે પણ મારો ચહેરો યાદ આવે તો માનજો કે તમે સંપૂર્ણ તથાગત નથી બની શક્યા... એમણે માથું ધુણાવ્યું, જમણો પગ ઉપાડીને ઉંબરાને પેલે પાર મૂક્યો, હું જોઈ શકી કે એમને એટલું કરતાં ઘણું કષ્ટ થયું.

એ પછીનાં વર્ષો મેં સંપૂર્ણ શાંતિમાં વ્યતિત કર્યાં. રાહુલને એ લઈ ગયા તેમ છતાં એ વિશે મારા મનમાં સહેજેય ઉચાટ ન થયો. એ પછી મને ક્યારેય સ્વપ્નમાં પણ તથાગતનો ચહેરો દેખાયો નથી...

Saturday, March 29, 2014

તંત્રીલેખ -- ખંડનાત્મક રાજકારણ: પ્રજા હવે ચલાવી લેશે નહીં

ખંડનાત્મક રાજકારણ: પ્રજા હવે ચલાવી લેશે નહીં


રાજકીય અસ્થિરતાની અતિ ભારે કિંમત ભારતે ચૂકવવી પડે તેવું દેખાય છે. હાલમાં જે રીતે પ્રચાર થઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટીની વર્તણૂક અને કાર્યપદ્ધતિ છે તે જોતાં એમનું નિશાન ડૂબતી જતી કૉંગ્રેસ નથી, પરંતુ ભાજપ છે, પરંતુ રાજકીય અસ્થિરતાની કિંમત મધ્યમવર્ગનો માણસ જ ચૂકવવાનો છે કે જેમને આગળ જવું છે, નવા લક્ષ્યાંક સિદ્ધ કરવા છે અને જીવનધોરણ સુધારવું છે.

જે રીતે આમ આદમી પાર્ટી કોઈ જ એજન્ડા વગર કાર્ય કરે છે અને વાવાઝોડાની જેમ ફરે છે તેમનો આશય શું છે? તેઓ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરે છે, ઉદ્યોગપતિઓ પર દોષારોપણ કરે છે, પરંતુ તેમના 

ખુદના પક્ષમાં શું બધા દૂધે ધોયેલા છે? કેજરીવાલ પણ તરંગી પ્રકૃતિના છે, તેમણે અનેક નોકરી બદલી છે અને સાથી કાર્યકરો સાથે વિવાદ ઊભા 

કર્યા છે.

કૉંગ્રેસ પક્ષે તેમને આગળ કર્યા છે. કૉંગ્રેસનું કલ્ચર એવું રહ્યું છે કે ૧૯૯૬-૯૭ અને ૧૯૯૭-૯૮ એ બે વર્ષમાં તેમણે ‘બહારથી ટેકો’ આપીને દેવગૌવડા અને આઈ. કે. ગુજરાલ એમ બે વડા પ્રધાનથી કામ ચલાવ્યું હતું. ત્યારબાદ પણ વાજપેયી સરકારને સ્થિર થવા દીધી નહોતી, પરંતુ તેમણે કામકાજ આગળ વધાર્યું હતું.

ત્યારબાદ ૨૦૦૪ અને ૨૦૦૯માં કૉંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો અને વિવિધ પક્ષના ટેકાથી સરકાર ચલાવી. તેમાં સ્વયં 

કામગીરી કરવાને બદલે સીબીઆઈ અને ઈન્કમટેક્સના દરોડા દ્વારા વેપારી - ઉદ્યોગપતિ અને કોર્પોરેટ જગતને બાનમાં પકડીને પોતાની સત્તા વિસ્તૃત કરી અને શાસન ચલાવ્યું. ‘બહારથી ટેકો’ એ સૌથી મોટો, રાજકીય ભ્રષ્ટાચાર હતો.

હવે કેજરીવાલને આગળ કરીને રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે. કેજરીવાલ પણ છેલ્લાં ૧૦ વર્ષ કેન્દ્રમાં નિષ્ફળ શાસન ચલાવનાર કૉંગ્રેસ પક્ષને નિશાન બનાવવાને બદલે ભાજપ પર પથ્થર ફેંકે છે. આ રહસ્ય સમજાતું નથી. સૌથી વધુ ભ્રષ્ટાચાર, ગેરરીતિ કૉંગ્રેસે કર્યા છે તો પછી તોપનું નાળચું કેમ બદલાય જાય છે?

અગ્રણી કૉંગ્રેસી નેતાઓ ચૂંટણી લડવાને બદલે મેદાન કેમ છોડી રહ્યા છે? શા માટે ચિદમ્બરમ રાજ્યસભા માટે હવે આગ્રહ રાખે છે? મોદી લહેર સમગ્ર દેશમાં છે તેનું પ્રમાણપત્ર ખુદ કૉંગ્રેસ પક્ષ આપે છે. લોકશાહીમાં પરાજય સ્વીકારી લેવાની તૈયારી રાખવી જોઈએ. કારણ કે જય - પરાજય એ સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈ કાયમી વિજેતા કે કાયમી પરાજિત 

નથી.

ભારતને રાજકીય અસ્થિરતા - જૂથવાદી રાજકીય પક્ષો અને સોદાબાજી પોસાય તેમ નથી. આ સઘળી બાબતો જ ભ્રષ્ટાચાર ફેલાવે છે. આવે વખતે ‘આમ આદમી પાર્ટી’એ પોતાનું મિથ્યાભિમાન પ્રગટ કર્યા વગર ઓછા ભ્રષ્ટ છે તેમની સાથે કોઈક એવી રીતે ગોઠવણ કરવી જોઈએ કે જેથી પ્રજા અને સમાજને ફાયદો થાય અને સારો વહીવટ આપી શકાય.

બાકી હાલમાં જે ‘ભાંગી નાખીશ’, ‘તોડી નાખીશ’ની જે રાજનીતિ આમ આદમી પાર્ટી અપનાવે છે તે સામાન્ય વ્યક્તિને જરા પણ સ્વીકાર્ય નથી. કૉંગ્રેસ પક્ષે જે રીતે આટલાં વર્ષો સુધી પ્રજાને ગેરમાર્ગે 

દોરવી તેનો પ્રત્યાઘાત યુવાન વર્ગમાં છે. આજનો યુવાન હવે કંઈ પણ ચલાવી લેવા માગતો નથી તેની સંબંધિત રાજકીય પક્ષોએ નોંધ લેવી 

જોઈએ.

કૉંગ્રેસ પક્ષ હંમેશાં કોઈકને ઢાલ બનાવીને જ કામ કરે છે. પહેલા દેવગૌવડા અને પછી ગુજરાલ ત્યારબાદ સીબીઆઈ દ્વારા મુલાયમસિંહ 

અને માયાવતી બન્ને એકબીજાના રાજકીય હરીફને પોતાની સાથે રાખીને કૉંગ્રેસે શાસન કર્યું છે તે હકીકત છે. આવી રાજકીય દગાખોરી માત્ર ભારતની પ્રજા સાથે જ સંભવી શકે છે. કૉંગ્રેસે કદી નૈતિક જવાબદારી સ્વીકારી જ નથી.

કૉંગ્રેસની આવી હલ્કી મનોવૃત્તિની કિંમત ભારતની પ્રજા ભાવવધારો, ભ્રષ્ટાચાર અને તદ્દન નબળી સરકારી સેવાઓ પેટે ચૂકવી રહી છે. મુંબઈ મહાનગરમાં ફૂટપાથ ચાલવા યોગ્ય રહી નથી. તમામની લાદીઓ ઊખડી ગઈ છે. આવો ભ્રષ્ટાચાર કોઈને દેખાતો નથી કારણ કે બધા જ સંપેલા છે. દરેક પક્ષ ‘હપ્તા’ અને ‘સુપારી’ દ્વારા ચાલે છે.

દિલ્હી જેવા રાજ્યના મુખ્યમંત્રીપદે રહી ચૂકેલી વ્યક્તિ આવી ‘છેલબટાઉ’ હોય તે પ્રજાને સ્વીકાર્ય બાબત બનતી નથી. તેમનામાં ગંભીરતા હોવી જોઈએ, બાકી વાતનું વતેસર તો આજે કોઈપણ કરી શકે છે. આવી બાબતમાં કોઈ જ બુદ્ધિની જરૂર નથી.

મતનું વિભાજન એ સ્પષ્ટ રીતે કૉંગ્રેસ પક્ષ માટે લાભની બાબત બની શકે છે. આ વખતની ચૂંટણી પહેલી વાર સાંસદોની જવાબદારી અને ફરજ ઉપરાંત તેમની કામગીરીની આસપાસ કેન્દ્રિત થયેલી છે. હવે માત્ર પ્રચાર કરવાથી જ ચૂંટણી જીતી શકાય તેમ નથી. પ્રજા સાંસદોની કામગીરીના લેખાંજોખાં કરે છે અને કંઈકને રવાના કરી દેવાની વાત માત્ર આ વખતે જ બનવાની છે.

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી -- ૧૯૮૪, ૧૯૮૯, ૧૯૯૧: કૉંગ્રેસની જાહેરખબરો, જાહેરખબરોની કૉંગ્રેસ

૧૯૮૪માં કૉંગ્રેસી વિજ્ઞાપનની ભાષા હતી: વિકાસને હાથ આપો! અથવા શક્તિને હાથ આપો! ૧૯૮૯માં વિકાસ અને શક્તિની વાત ન હતી. કૉંગ્રેસી જાહેરખબરનો મુખ્ય નારો હતો: મારો હર ધબકાર ભારતને કાજ છે! 

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

આ બધું છેલ્લાં બે નિર્વાચનોથી શરૂ થયું છે. આ બધું એટલે દેશપ્રેમની જાહેરખબરો આપવી, દેશ ચિંતાની જાહેરખબરો આપવી, અને પછી પક્ષને દેશના ભવિષ્ય માટે વોટ આપવાનો અનુરોધ કરવો. એક તરફ કૉંગ્રેસની જાહેરખબરો હતી, બીજી તરફ જાહેરખબરોની કૉંગ્રેસ હતી. જાહેરખબરોની સાચા અર્થમાં શરૂઆત થઇ ૧૯૮૪માં, અને જાહેરખબરોની કાપાકાપી ૧૯૮૯માં જીવલેણ બની ગઇ. કદાચ ૧૮ વર્ષની છોકરી અને છોકરો પહેલી વાર મતદાન કરવાનાં હતા અને આ પેઢી જાહેરખબરી ભાષા વધારે આસાનાથી સમજી શકે છે એ કારણ હોય. હવે ૧૯૯૧ના એપ્રિલ સુધીમાં જાહેરખબરોની મારામારી જામી જશે. વિજ્ઞાપનની દુનિયામાં સૌથી પૈસાદાર વ્યક્તિ કે પક્ષ થોડો આરંભિક લાભ જરૂર પૈસાના જોરે ઉઠાવી જાય છે અને કૉંગ્રેસ હિંદુસ્તાનના રાજકીય પક્ષોમાં સૌથી ધનિક પક્ષ છે. ૧૯૮૪ અને ૧૯૮૯ના વિજ્ઞાપન આક્રમણે એ સાબિત કરી આપ્યું છે.

૧૯૮૦માં કૉંગ્રેસના ચૂંટણી અભિયાનના મેનેજર શ્રીકાંત વર્મા હતા. જે હિંદીમાં સામાન્ય કવિતાઓ, વાર્તાઓ લખતા હતા. ૧૯૮૪માં કૉંગ્રેસે સમાચારપત્રોમાં પૂરાં પાનાં ભરીને ૮ વિજ્ઞાપનો બજારમાં મૂકયા હતાં. આ પ્રસ્તુતિની નીચે લખ્યું હતું: ચંદુલાલ ચંદ્રાકર, મહામંત્રી, અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટી. ૨૪, અકબર રોડ, ન્યુ હિન્દી ૧૧૦૦૧૧! ૧૯૮૯ના ચુનાવ અભિયાનમાં વ્યક્તિનું નામ નીકળી ગયું, લખ્યું હતું: પ્રસ્તુત કરનાર મહામંત્રી (જાહેરખબર વિભાગ). પછી એડ્રેસ, દિલ્હીની કૉંગ્રેસ ઓફિસનું. ૧૯૮૯માં તો વિજ્ઞાપનોનું વાવાઝોડું ફુંકાઇ ગયું હતું. ૧૯૮૪માં કૉંગ્રેસના વિજ્ઞાપનના અક્ષરની સાઇઝ ૧ ઈંચ હતી, ૧૯૮૯માં અક્ષરની સાઇઝ ૧.૪૦ ઈંચ સુધી પહોંચી ગઇ હતી. કૉંગ્રેસ હિંદુસ્તાનનો સૌથી દેશભક્ત પક્ષ છે એ સાબિત કરા હવે બીજું કંઇ કરવાની જરૂર રહી ન હતી.

૧૯૮૪માં કૉંગ્રેસી વિજ્ઞાપનની ભાષા હતી: ‘ગિવ ગ્રોથ અ હૅન્ડ!’ (વિકાસને હાથ આપો!) અથવા ‘ગિવ સ્ટ્રેન્ગ્થ એ હૅન્ડ!’ (શક્તિને હાથ આપો!) ૧૯૮૯માં કૉંગ્રેસે જે ગતિ ને વિપુલતાની વિજ્ઞાપનો પાછળ રૂપિયાનો દરિયો વહાવી દીધો હતો, લાગતું હતું કે પાંચ વર્ષના શાસન દરમિયાન કૉંગ્રેસ પક્ષ પાસે વિકાસ અને શક્તિ બંને આવી ગયા હતા! નહીં તો હિંદુસ્તાનની બધી જ ભાષાઓમાં આખાં પાનાં ભરીભરીને છાપાઓની જગ્યા કેમ ખરીદી શકાય! ૧૯૮૯માં વિકાસ અને શક્તિની વાત ન હતી. કૉંગ્રેસી જાહેરખબરનો મુખ્ય નારો હતો: ‘માય હાર્ટ બીટ્સ ફોર ઈન્ડિયા’ (મારો હર ધબકાર ભારતને કાજ છે!)

છાપાંવાળા શયતાની દિમાગોવાળા માણસો હોય છે જેમને ટેલિસ્કોપની જગ્યાએ માઇક્રોસ્કોપ અને માઇક્રોસ્કોપને સ્થાને ટેલિસ્કોપ વાપરતા રહેવાની શરારત હંમેશાં સૂઝતી રહે છે. મને યાદ છે, મેં એ વખતે આ કૉંગ્રેસસૂત્રનો ઉપયોગ કરીને લખ્યું હતું: હું કૉંગ્રેસને વોટ નહીં આપું કારણ કે મારો હર ધબકાર ભારતને કાજ છે... હું કૉંગ્રેસના વિકલ્પને વોટ આપીશ, કારણ કે મારો હર ધબકાર ભારતને કાજ છે... હું એકચક્રી, એકવંશી રાજ્ય ચલાવા નહીં દઉં, કારણ કે મારો હર ધબકાર ભારતને કાજ છે... હું કોઇને પણ એની સાથે દગો નહીં કરવા દઉં કારણ કે મારો હર ધબકાર ભારતને કાજ છે... વગેરે વગેરે...

જાહેરખબર તલવારની જેમ એકધારી નહીં પણ શેવિંગ કરવાની બ્લેડની જેમ બેધારી હોય છે. ૧૯૮૪માં કૉંગ્રેસી જાહેરખબરો ચર્ચાસ્પદ બની ગઇ હતી. એ જાહેરખબરોની પાછળ રિડીફ્યૂઝન કંપનીના અરુણ નંદાનું દિમાગ હતું. એ દિવસોમાં ભા.જ.પ. ના મહામંત્રી એલ. કે. અડવાણી હતા, જનતા પક્ષના મહામંત્રી ડૉ. બાપુ કાલ્દાતે હતા, ડી. એમ. પી. કે. ના મહામંત્રી સત્યપ્રકાશ માલવિય હતા અને કૉંગ્રેસના વરિષ્ઠ મહામંત્રી અરુણ નેહરુ હતા. પાઉડર કે સાબુ કે પ્રસાધનની જેમ કૉંગ્રેસ પક્ષ ભારતનું ભવિષ્ય વેંચવા નીકળ્યો છે એવી એક અસર ઉત્પન્ન થતી હતી.

૧૯૮૪ની એક કૉંગ્રેસી જાહેરખબરમાં એક કાંટાદાર કેકટસના છોડને મનુષ્યમુખ અને બે પગ ચીતર્યા હતા, નીચે લખ્યું હતું: તમારું ભવિષ્ય તમારા જન્મથી નક્કી થશે કે તમારી યોગ્યતાથી? કર્ણાટકમાં જનતા પક્ષનું શાસન હતું અને દરરોજ આ કૉંગ્રેસી વિજ્ઞાપનનો પ્રતિવિજ્ઞાપન દ્વારા ઉત્તર અપાતો હતો. કર્ણાટકના જનતા પક્ષના પ્રતિવિજ્ઞાપનમાં જ આ જ વિજ્ઞાપન છાપીને નીચે લખ્યું હતું: હા, જો તમે પ્રધાનમંત્રીના બેટા હો તો!... બીજા એક વિજ્ઞાપનમાં કાંટાની એક લોખંડી વાડ હતી અને લખ્યું હતું કે દેશની સીમાઓ તમારા ઘરના દરવાજા સુધી આવી જશે? જનતા પક્ષે ઉત્તર આપ્યો હતો: હા, જો શાસક પક્ષને શાસનમાં રહેવા દેશો તો!... આ પ્રતિવિજ્ઞાપનોની નીચે લખ્યું હતું: જે. એચ. પટેલ, સેક્રેટરી જનરલ, જનતા પક્ષ, કર્ણાટક.

૧૯૮૪માં કૉંગ્રેસી વિજ્ઞાપનો જરા કુત્સિત અને જુગુપ્સાપ્રેરક હતા. એક વિજ્ઞાપનમાં છરા, એસિડ બલ્બ, લોખંડની ચેઇન ચીતરીને નીચે લખ્યું હતું: ભવિષ્યમાં તમે બજારમાં જશો ત્યારે એસિડ બલ્બો, લોખંડના સળિયા, છરાઓ ખરીદશો? બીજું એક વિજ્ઞાપન બે વિકરાળ મગરોના ચિત્રવાળું હતું, નીચે લખ્યું હતું: હવેનું યુદ્ધ ભારત માટેનું છેલ્લું યુદ્ધ હશે? આ બંનેનો જનતા પક્ષે પ્રતિઉત્તર આપેલો: હા, જો શાસક પક્ષ ફરીથી સત્તા પર આવશે તો!...

એ વર્ષે કૉંગ્રેસનું કદાચ સૌથી હાસ્યાસ્પદ વિજ્ઞાપન હતું. એ દેશનું નામ આપો જેનો પ્રગતિદર ઈંગ્લેન્ડ અને અમેરિકા કરતાં પણ વધારે છે. ઉત્તર: ઈન્ડિયા! આગળ લખ્યું હતું: ભારતનો સરેરાશ ઔદ્યોગિક વિકાસદર છેલ્લાં ૫ વર્ષોમાં ૪.૯ ટકા રહ્યો છે, જ્યારે ઈંગ્લેન્ડનો .૩ અને અમેરિકાનો ૧.૨ ટકા જ રહ્યો છે. દિવસનો એક રૂપિયો ભીખ મેળવનાર ભિખારી બે રૂપિયા મેળવી લે તો એનો વિકાસદર ૧૦૦ ટકા થઇ જાય એવું આ ભ્રમગણિત હતું. જે પણ હોય, શ્રીમતી ગાંધીની હત્યાનો જબરદસ્ત આઘાત હોય કે રાજીવ ગાંધી માટે હમદર્દીની હવા હોય કૉંગ્રેસ અભૂતપૂર્વ વિજય મેળવી ગઈ. ૧૯૮૯માં ફરીથી નિર્વાચન આવ્યું, અને કૉંગ્રેસે બાકાયદા વિજ્ઞાપનમારો શરૂ કરી દીધો. મુખ્ય સુત્ર હતું: મારો હર ધબકાર ભારતને કાજ છે! (માય હાર્ટ બીટ્સ ફોર ઈન્ડિયા!) આ વખતે વિજ્ઞાપનયુદ્ધ હાઈટેક બની ચૂકયું હતું. ૧૯૮૪માં કૉંગ્રેસી વિજ્ઞાપનો ઘણા વધારે હતા અને વધારે કાતિલ હતા. કરવતથી એક વડ કપાઇ રહ્યો હતો (‘અને હું કોઇનેય એના પંચાયતી રાજ સાથે દગો કરવા નહીં દઉ’) સાપ એક ઈંડું જોઇ રહ્યો હતો (‘અને હું એના ભવિષ્યને કોઇની અંધ મહત્ત્વાકાંક્ષાનો શિકાર નહીં થવા દઉ’) સિંહાસનના બે સિંહો ઘૂરકી રહ્યા હતા (‘અને હું કોઇ ઝઘડા દળને દેશના ભોગે પાર્ટી નહીં કરવા દઉ’) તૂટેલી તસવીરની સામે બુલેટ પડી હતી (‘અને હું કોઇનેય એને જુદા જુદા ધર્મનું રણક્ષેત્ર નહીં બનાવવા દઉ’) બાળક આકારના રમકડાંના હાથપગ તોડીને છૂટા પાડી નાખ્યા હતા (‘અને હું કોઇનેય એના ટુકડા નહીં કરવા દઉ’). ત્રણ વીંછીઓ એકબીજા સામે ખેંચાયેલા હતા (‘અને શું કોમવાદ, હિંસા, હુલ્લડ અને અરાજકતાનો ઝેરીલો ડંખ આપના રોજિંદા જીવનનું અંગ બનશે?’) વગેરે વગેરે... આ જાહેરખબરો જધન્ય કક્ષાની, લગભગ બીભત્સ કહી શકાય એવી ગંદી હતી. સ્વયં કૉંગ્રેસીઓએ વિરોધ કર્યો હતો. આમાં હાથથી રોટી તોડીને ખાનારા હિન્દુસ્તાનીનો દેશપ્રેમ દેખાતો ન હતો, આમાં છરી-કાંટાથી મસાલા ઢોસા ટેસ્ટ કરનારા કૉન્વેન્ટિયા ઈન્ડિયનના હાર્ટના બીટ સંભળાતા હતાં. વિપક્ષો તૂટી પડે એ સ્વાભાવિક હતું. આ વિજ્ઞાપનયુદ્ધ, સન ૧૯૮૯નું, છઠ્ઠા રાઉન્ડના બોક્સિગં જેવું લોહીલુહાણ હતું. આંખની ઉપર પડેલ કાપા ઉપર, જયાંથી લોહી નીકળી ગયું હતું, ત્યાં જ બ્લો મારવાનો હતો, વધારે લોહી તરત કાઢવાનું હતું કે જેથી પ્રતિસ્પર્ધીની આંખમાં ગરમ ગરમ લોહી ઊતરી આવે, એને દૃષ્ટિભ્રમ થઇ જાય, પછી નોક-આઉટ પંચ લેન્ડ કરવાનો હતો. બુલફાઇટને અંતે સાંઢની બે આંખની વચ્ચે સીધી તલવાર ખૂંપાવી દેવા જેવો, જેને માટે શબ્દ છે: કુદ ગ્રેસ અથવા અંતિમ સુસંસ્કૃત વાર! વિપક્ષોનાં પ્રતિવિજ્ઞાપનો પ્રતિહિંસક બની ગયાં, કારણ કે વિપક્ષોની યુતિને કૉંગ્રેસના લોહીની વાસ આવી ગઇ હતી. ૧૯૮૯માં કૉંગ્રેસનો નોક-આઉટ સંપૂર્ણ હતો. વનપ્રાંતરમાંથી જાનપદી અંચલોમાંથી. ઝૂંપડાઓમાંથી, મહાનગરોમાંથી, ધુળિયા ગાડામાર્ગોમાંથી હિંદુસ્તાની ઓરતો- મર્દોએ, હાથી જેવી વિરાટ મહાપ્રજાએ કળશ નવા ચહેરાને પહેરાવી દીધો. એ માણસનું નામ: રાજા વિશ્ર્વનાથ પ્રતાપસિંહ ખેર, એ પછીની વાત બીજી વાત છે. 



ક્લોઝ અપ

એ કૂતરીનો બચ્ચો આઈઝન હોવર કોઇ પણ કામ માટે ડોબો હતો...

- અમેરિકન રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેન, બીજા રાષ્ટ્રપતિ આઈઝન હોવર વિષે (પ્લેન સ્પીકિંગ: પૃષ્ઠ ૩૭૪).

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી -- રાજકારણમાં પૈસો એ માનું દૂધ છે!

માણસ છાપાં શા માટે વાંચે છે? એકસો ઉત્તરો હોઈ શકે છે આ પ્રશ્ર્નના, અને એક મિત્રે ઉત્તર આપ્યો હતો કે હું છાપામાં ફક્ત કૂતરાનાં નાનાં નાનાં બચ્ચાં વેચવાની જાહેરખબરો વાંચવા માટે છાપું વાંચું છું. આપણને ખબર પડે કે બજારમાં ડોબરમેન કે આલ્સેશિયન કે પોમેનેરીઅન કે પીકીંગીઝ કુરકુરિયાં ક્યાં મળે છે, અને પછી એનો ભાવ પૂછી શકાય છે. કેટલાક સુજ્ઞ વાચકો છાપાંઓ એટલા માટે વાંચે છે કે આજકાલ કયા કયા નેતાઓ, શું શું ભાવે મળે છે એ ખબર રહે. એક વાચકે એવી શિકાયત કરી હતી કે ગુજરાતી સમાચારપત્રોમાં શેરબજારના ભાવ અને ક્રિકેટના સ્કોર સિવાય સર્વત્ર છાપકામની ભૂલો જ હોય છે. છાપાં જ્ઞાનવૃદ્ધિ માટે વાંચવાં એ એક વાત છે અને ગમ્મતવૃદ્ધિ માટે વાંચવાં એ બીજી વાત છે. ડિલિવરી પછી બહેનોએ પેટ કેવી રીતે ઓછું કરવું એ લેખો વરસાદના દિવસોમાં નિયમિત આવતા જ હોય છે, ને હું એ લેખો વાંચવાનું ચૂકતો નથી, કારણકે સ્ત્રીના શરીરમાં સ્ત્રીનું પેટ એ સૌથી અસેક્સી, સેક્સહીન, સેક્સલેસ અંગ છે. એક વાચકનું કહેવું હતું કે લેખની સાથે લેખકનો ફોટો છાપવાનું એક સુખ એ છે કે ફોટો જોઈને તરત નક્કી કરી શકાય છે કે કયો લેખ ન વાંચવો. ઘણો ટાઈમ, શરૂની આઠ દસ લાઈનો વાંચવાનો, બચી જાય છે. અન્ય એક વાચકે પ્રતિભાવ આપ્યો હતો કે વાચકની ઘ્રાણેન્દ્રિયથી જ નક્કી થાય છે કે શું ન વાંચવું, અને જે કોલમ વાંચવાલાયક છે એમાંથી ખુશ્બૂ જ આવે છે, પુલાવમાંથી ઊઠતી ભાપની જેમ ગરમગરમ કે લેડીઝ રૂમાલમાં છાંટેલા ઓ’ડી કોલોનની જેમ ઠંડી ઠંડી... એટલે વાંચવું એ અનુભવી નાક સાથે સંબંધિત પ્રક્રિયા છે.

છાપા બહુ ન વાંચી નાંખવા વિશે હું સ્પષ્ટ છું, અને આમાં દરેકે નક્કી કરવાનું છે કે એ ગાયવાદી છે કે ભેંસવાદી છે. ગાય બધાં જ છાપાં ખાઈ જાય છે, ભેંસ છાપું ખાતી નથી. હોલીવુડમાં બકરીઓ એક ફિલ્મનો રોલ ખાઈ રહી હતી. એક બકરીએ બીજી બકરીને કહ્યું: યાર, આ ફિલ્મ કરતાં તો નોવેલ વધારે સારી હતી! વાત સાચી છે, નોવેલ ચાવવામાં જ મજા છે એ કચકડાની ફિલ્મમાં ક્યાં છે? સમીક્ષકો તરીકે બકરીઓ બેસ્ટ છે. કારણ કે એ બધું જ ખાય છે, એમને બધું જ ખાવું પડે છે. દરેક છાપામાં રોજ એવું કેટલું બધું છપાય છે જે વાંચવાની મારે જરૂર છે? છતાં પણ એરંડા બજારની ભાવવધઘટથી જુહી ચાવલાના વાળની વધઘટથી સંજય લાલભાઈની દાઢીની વધઘટ સુધી બધું જ વાંચવું પડે છે. આમાં બજાર, વાળ કે દાઢી મહત્ત્વનાં નથી, જેને અંગ્રેજીમાં ‘ઑપરેટિવ વર્ડ’ કહેવાય છે એ છે: વધઘટ! કેટલાક શબ્દો વિના છાપાં ચાલી શકતાં નથી. ‘કરૂણ રકાસ’ એક આવો જ તકિયા કલામ છે. એ દરેક સ્થિતિમાં, પરિસ્થિતિમાં, દુ:સ્થિતિમાં વાપરી શકાય છે પણ ભારતીય ક્રિકેટ ટીમ માટે આ શબ્દો ઝાંખા પડી જાય છે. શ્રીલંકામાં ૬ વિકેટે ૯૫૨ રન કરનારા રાવણના વંશજો શ્રીલંકાના ક્રિકેટરોની સામે ભારતીય તેંદુલકર ટીમ વિશે શું લખવું જોઈએ? રમૂજી રકાસ? અદ્ભુત રકાસ? અભૂતપૂર્વ રકાસ? એક ડ્રોઈંગરૂમ દેશપ્રેમી તરીકે હું આ પ્રકારના શીર્ષકની અપેક્ષા રાખતો હતો: ‘શ્રીલંકામાં ભારતીય ક્રિકેટ ટીમે સિદ્ધ કરેલો અભૂતપૂર્વ, અશ્રુતપૂર્વ, અપૂર્વ રકાસ’! અને નીચે ‘બોર્ડર’ ફિલ્મના ગીતમાંથી લીટીઓ: ‘સંદેશે આતે હૈ... કબ ઘર આઓગે?...’

જેને તોફાની બોલતાં આવડે છે એને છાપાઓમાં તરત સ્થાન મળી જાય છે એવી માન્યતા છે. અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝના અધ્યક્ષ સ્પીકર ટીપ ઓ’નીલનું વિધાન હતું કે રાજકારણમાં પૈસો એ તો માનું દૂધ છે! હિંદુસ્તાનના રાજકારણમાં આ વિધાન બિલકુલ ઉપયુક્ત સાબિત થયું છે. હિંદુસ્તાનમાં અને ગુજરાતમાં હવે રાજકારણીઓ માટે માતાના દૂધની બાબતમાં કોઈ પક્ષાપક્ષી રહી નથી. દરેક પક્ષને સત્તા મળી છે અને દરેક પક્ષના નેતાએ આંખો બંધ કરીને ધાવવાનું ચાલું રાખ્યું છે. કચ્છી પ્રજામાં એક કહેવત પણ છે: એકને ધાવવું અને બીજા પર હાથ રાખવો! (હિકચે કે ધોયણું, ને બે તેં હથ રખણું) ગુજરાતના દરેક પક્ષના નેતાનો માતૃપ્રેમ, ધાવતા રહેવાની બાબતમાં પ્રશસ્ય રહ્યો છે એ સ્વીકારવું જ પડશે. અને આજે નેતાને વિષાદ એક જ વાતનો છે કે કૂતરી જો માતા તરીકે હોત તો માનું દૂધ પીવા માટે ધાવવાની કેટલી બધી વધારે સુવ્યવસ્થા હોત? અને કચ્છી કહેવત પણ અપ્રસ્તુત બની જાત... અજમેરની મેયો કૉલેજનાં ૧૧૩ વર્ષોની સમાપ્તિ પ્રસંગે પ્રવચન આપતાં પૂર્વ અમેરિકન રાજદૂત ફ્રેન્ક વિઝનરે કહ્યું કે અમારે ત્યાં અમેરિકામાં દરેક વરિષ્ઠ સરકારી અફસર માટે એની કમાણી, સંપત્તિ અને કર્જ જાહેર કરવાં જરૂરી હોય છે. આમાં રાજદૂતોનો સમાવેશ આવી જાય છે અને રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવારો પણ આવી જાય છે, આ દરેકે પોતાનું ટૅક્સ-રિટર્ન આપવું પડે છે. હિંદુસ્તાનમાં તો નહીં પણ ગુજરાતના ભાજપી કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીપદ દરમિયાન ભાજપી મંત્રીશ્ર્વરોને પ્રમાણિકતાનો આવો એક અટેક આવી ગયો હતો અને સંપત્તિઓ ધડાધડ જાહેર કરી દેવામાં આવી હતી. આ પ્રમાણિકતાનો ચેપ શંકરસિંહ વાઘેલા કે એમના સિંહાસનના પગ પકડીને ઊભેલા કૉંગ્રેસીઓને લાગ્યો નહીં એ ગુજરાતનું સૌભાગ્ય છે...

ચર્ચાસ્પદ છાપવું એ છાપાનો ધર્મ છે એમ ઘણાં સમાચારપત્રાધિપતિઓ ગંભીરતાથી માને છે. ઑક્સફોર્ડમાં રહેતા ૧૦૦ વર્ષીય લેખક નિરદ ચૌધરી આવાં મૌલિક વિધાનો માટે મશહૂર અથવા લગભગ કુખ્યાત છે. નિરદબાબુએ હમણાં વિધાન કર્યું કે બંગાળીઓ ‘બનાવટી બુદ્ધિમાનો’ છે અને ‘બુદ્ધિશાળી પંજાબી’ (પંજાબી ઈન્ટેલેકચ્યુઅલ) નામની કોઈ વસ્તુ હોતી નથી! જો ગુજરાતમાં કોઈ લેખક આ પ્રકારના વિધાનો કરે કે... કાઠિયાવાડી ઈન્ટેલેકચ્યુઅલ નામની કોઈ વસ્તુ નથી... અથવા આભલાંવાળાં બ્લાઉઝ પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થઈ જાય છે... કે વાતનો પ્રકોપ વધી જાય છે ત્યારે લાભશંકર કવિ સારી વાર્તાઓ લખી શકે છે... કે બાબુભાઈ મેઘજી શાહે ચીતરેલા આત્મારામ પટેલનાં ચિત્ર ‘અધોવસ્ત્રહરણ’ને પેરિસની બાયેનીઅલ ચિત્રપ્રદર્શનીમાં ૧૮૩મું ઈનામ મળ્યું છે... ત્યારે વાંચનારને મજા આવે છે. પણ આ બધાં જ વિધાનો જરૂર ચર્ચા જન્માવી શકે છે. આજકાલ કળિયુગ ચાલે છે અને ટી-શર્ટ અને જીન્સ અને સ્નીકર્સ પહેરેલી કૉલેજની છોકરીને જો એમ કહેવામાં આવે કે તમે નારીજાતિનાં છો તો પણ એ ‘વૉટ... મૅન?’ કહીને ઉત્પાત મચાવી શકે છે.

છાપાંઓમાં શું વાંચવું જોઈએ? જુલીઆ ચાઈલ્ડ અમેરિકામાં કિચનની સામ્રાજ્ઞી ગણાય છે. એ છાપાંઓમાં રસોઈ વિશે લખે છે, ટી.વી.માં વાનગીઓ વિશે કાર્યક્રમ આપે છે. લાખો અમેરિકન મહિલાઓ જુલીઆ ચાઈલ્ડની કૉલમો-કાર્યક્રમોની આશિકાઓ છે. એણે હમણાં એક વિધાન કર્યું કે ‘હેલ્ધી ફૂડ’થી હું દૂર ભાગું છું. જો એ ‘હેલ્ધી’ છે તો સમજજો કે એમાંથી બધો જ સ્વાદ કાઢી લેવામાં આવ્યો છે! અમેરિકામાં તોફાન મચી જવું સ્વાભાવિક હતું. ફૂટપાથ પર રેંકડી પરથી બટાટાવડાં ખાઓ અને ફોર-સ્ટાર-હૉટેલમાં બટાટાવડાં ખાઓ, કોઈ ફર્ક લાગે છે? ફૂટપાથી ઊભેલો તમને પાણીપૂરી ખવડાવે અને તમે ઍરપોર્ટની ચકચકિત કૉફી શૉપમાં પાણીપૂરી પ્લેટમાં ખાઓ (જો મળતી હોય તો), કોઈ ફર્ક લાગે છે? બસ બહુ ઝગઝગાટ હોય છે ત્યાં સ્વાદ ભાગી જાય છે. અને મારું એવું માનવું છે કે છાપાંઓમાં જાતજાતની ચમકદાર સન્નારીઓ જે વ્યંજનો બનાવવાનાં સૂચનો-સલાહો અને રેસીપી આપે છે એ તદ્દન બેસ્વાદ હોય છે. શુદ્ધ ઘીમાં પ્યાજના ભજિયાં કે શક્કરિયાંનાં શાકમાં કેસરનો વઘાર ‘મહિલા જગત’ પૂર્તિ માટે બરાબર છે પણ ડાઈનિંગ ટેબલ પર આવી જાય તો પતિને બીમાર કરી મૂકે! ઘણી વસ્તુઓ છાપાંના પાનાંઓ પર બહુ ચટાકેદાર લાગે છે...! ગ્રીનકાર્ડીઆ અમેરિકન ગુજરાતીઓ કહ્યા કરે છે કે અમે અહીં છાપાં વાંચતા નથી, અમે તો ટી.વી.માં જ ન્યૂઝ જોઈ લઈએ છીએ! (ડૉલર-દોઢ ડૉલર બચી પણ જાય છે.) પણ એમને ત્યાં કોઈ ન્યૂઝ છે? એમને ત્યાં દેવેગૌડા, માયાવતી, રબડી દેવી છે? લાલુપ્રસાદ યાદવ છે? બાળ ઠાકરે, દાઉદ ઈબ્રાહિમ, છોટે મુરારી, બડે વાઘેલા, છોટા શકીલ, બડે કેશુભાઈ છે? ગાંધીનગરમાં એક ‘છોટે છોટેમિયાં’ની પણ કોઈ સજ્જને ઓળખાણ કરાવી હતી એ યાદ છે...



ક્લોઝ અપ

ફૅક્સ મી! પેજ મી! ઈ-મેઈલ મી! યુ સિલી!

- ૧૯૯૭માં મોકલાયેલો એક પ્રેમીને બીજા પ્રેમીનો પ્રેમસંદેશ