માણસ છાપાં શા માટે વાંચે છે? એકસો ઉત્તરો હોઈ શકે છે આ પ્રશ્ર્નના, અને એક મિત્રે ઉત્તર આપ્યો હતો કે હું છાપામાં ફક્ત કૂતરાનાં નાનાં નાનાં બચ્ચાં વેચવાની જાહેરખબરો વાંચવા માટે છાપું વાંચું છું. આપણને ખબર પડે કે બજારમાં ડોબરમેન કે આલ્સેશિયન કે પોમેનેરીઅન કે પીકીંગીઝ કુરકુરિયાં ક્યાં મળે છે, અને પછી એનો ભાવ પૂછી શકાય છે. કેટલાક સુજ્ઞ વાચકો છાપાંઓ એટલા માટે વાંચે છે કે આજકાલ કયા કયા નેતાઓ, શું શું ભાવે મળે છે એ ખબર રહે. એક વાચકે એવી શિકાયત કરી હતી કે ગુજરાતી સમાચારપત્રોમાં શેરબજારના ભાવ અને ક્રિકેટના સ્કોર સિવાય સર્વત્ર છાપકામની ભૂલો જ હોય છે. છાપાં જ્ઞાનવૃદ્ધિ માટે વાંચવાં એ એક વાત છે અને ગમ્મતવૃદ્ધિ માટે વાંચવાં એ બીજી વાત છે. ડિલિવરી પછી બહેનોએ પેટ કેવી રીતે ઓછું કરવું એ લેખો વરસાદના દિવસોમાં નિયમિત આવતા જ હોય છે, ને હું એ લેખો વાંચવાનું ચૂકતો નથી, કારણકે સ્ત્રીના શરીરમાં સ્ત્રીનું પેટ એ સૌથી અસેક્સી, સેક્સહીન, સેક્સલેસ અંગ છે. એક વાચકનું કહેવું હતું કે લેખની સાથે લેખકનો ફોટો છાપવાનું એક સુખ એ છે કે ફોટો જોઈને તરત નક્કી કરી શકાય છે કે કયો લેખ ન વાંચવો. ઘણો ટાઈમ, શરૂની આઠ દસ લાઈનો વાંચવાનો, બચી જાય છે. અન્ય એક વાચકે પ્રતિભાવ આપ્યો હતો કે વાચકની ઘ્રાણેન્દ્રિયથી જ નક્કી થાય છે કે શું ન વાંચવું, અને જે કોલમ વાંચવાલાયક છે એમાંથી ખુશ્બૂ જ આવે છે, પુલાવમાંથી ઊઠતી ભાપની જેમ ગરમગરમ કે લેડીઝ રૂમાલમાં છાંટેલા ઓ’ડી કોલોનની જેમ ઠંડી ઠંડી... એટલે વાંચવું એ અનુભવી નાક સાથે સંબંધિત પ્રક્રિયા છે. છાપા બહુ ન વાંચી નાંખવા વિશે હું સ્પષ્ટ છું, અને આમાં દરેકે નક્કી કરવાનું છે કે એ ગાયવાદી છે કે ભેંસવાદી છે. ગાય બધાં જ છાપાં ખાઈ જાય છે, ભેંસ છાપું ખાતી નથી. હોલીવુડમાં બકરીઓ એક ફિલ્મનો રોલ ખાઈ રહી હતી. એક બકરીએ બીજી બકરીને કહ્યું: યાર, આ ફિલ્મ કરતાં તો નોવેલ વધારે સારી હતી! વાત સાચી છે, નોવેલ ચાવવામાં જ મજા છે એ કચકડાની ફિલ્મમાં ક્યાં છે? સમીક્ષકો તરીકે બકરીઓ બેસ્ટ છે. કારણ કે એ બધું જ ખાય છે, એમને બધું જ ખાવું પડે છે. દરેક છાપામાં રોજ એવું કેટલું બધું છપાય છે જે વાંચવાની મારે જરૂર છે? છતાં પણ એરંડા બજારની ભાવવધઘટથી જુહી ચાવલાના વાળની વધઘટથી સંજય લાલભાઈની દાઢીની વધઘટ સુધી બધું જ વાંચવું પડે છે. આમાં બજાર, વાળ કે દાઢી મહત્ત્વનાં નથી, જેને અંગ્રેજીમાં ‘ઑપરેટિવ વર્ડ’ કહેવાય છે એ છે: વધઘટ! કેટલાક શબ્દો વિના છાપાં ચાલી શકતાં નથી. ‘કરૂણ રકાસ’ એક આવો જ તકિયા કલામ છે. એ દરેક સ્થિતિમાં, પરિસ્થિતિમાં, દુ:સ્થિતિમાં વાપરી શકાય છે પણ ભારતીય ક્રિકેટ ટીમ માટે આ શબ્દો ઝાંખા પડી જાય છે. શ્રીલંકામાં ૬ વિકેટે ૯૫૨ રન કરનારા રાવણના વંશજો શ્રીલંકાના ક્રિકેટરોની સામે ભારતીય તેંદુલકર ટીમ વિશે શું લખવું જોઈએ? રમૂજી રકાસ? અદ્ભુત રકાસ? અભૂતપૂર્વ રકાસ? એક ડ્રોઈંગરૂમ દેશપ્રેમી તરીકે હું આ પ્રકારના શીર્ષકની અપેક્ષા રાખતો હતો: ‘શ્રીલંકામાં ભારતીય ક્રિકેટ ટીમે સિદ્ધ કરેલો અભૂતપૂર્વ, અશ્રુતપૂર્વ, અપૂર્વ રકાસ’! અને નીચે ‘બોર્ડર’ ફિલ્મના ગીતમાંથી લીટીઓ: ‘સંદેશે આતે હૈ... કબ ઘર આઓગે?...’ જેને તોફાની બોલતાં આવડે છે એને છાપાઓમાં તરત સ્થાન મળી જાય છે એવી માન્યતા છે. અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝના અધ્યક્ષ સ્પીકર ટીપ ઓ’નીલનું વિધાન હતું કે રાજકારણમાં પૈસો એ તો માનું દૂધ છે! હિંદુસ્તાનના રાજકારણમાં આ વિધાન બિલકુલ ઉપયુક્ત સાબિત થયું છે. હિંદુસ્તાનમાં અને ગુજરાતમાં હવે રાજકારણીઓ માટે માતાના દૂધની બાબતમાં કોઈ પક્ષાપક્ષી રહી નથી. દરેક પક્ષને સત્તા મળી છે અને દરેક પક્ષના નેતાએ આંખો બંધ કરીને ધાવવાનું ચાલું રાખ્યું છે. કચ્છી પ્રજામાં એક કહેવત પણ છે: એકને ધાવવું અને બીજા પર હાથ રાખવો! (હિકચે કે ધોયણું, ને બે તેં હથ રખણું) ગુજરાતના દરેક પક્ષના નેતાનો માતૃપ્રેમ, ધાવતા રહેવાની બાબતમાં પ્રશસ્ય રહ્યો છે એ સ્વીકારવું જ પડશે. અને આજે નેતાને વિષાદ એક જ વાતનો છે કે કૂતરી જો માતા તરીકે હોત તો માનું દૂધ પીવા માટે ધાવવાની કેટલી બધી વધારે સુવ્યવસ્થા હોત? અને કચ્છી કહેવત પણ અપ્રસ્તુત બની જાત... અજમેરની મેયો કૉલેજનાં ૧૧૩ વર્ષોની સમાપ્તિ પ્રસંગે પ્રવચન આપતાં પૂર્વ અમેરિકન રાજદૂત ફ્રેન્ક વિઝનરે કહ્યું કે અમારે ત્યાં અમેરિકામાં દરેક વરિષ્ઠ સરકારી અફસર માટે એની કમાણી, સંપત્તિ અને કર્જ જાહેર કરવાં જરૂરી હોય છે. આમાં રાજદૂતોનો સમાવેશ આવી જાય છે અને રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવારો પણ આવી જાય છે, આ દરેકે પોતાનું ટૅક્સ-રિટર્ન આપવું પડે છે. હિંદુસ્તાનમાં તો નહીં પણ ગુજરાતના ભાજપી કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીપદ દરમિયાન ભાજપી મંત્રીશ્ર્વરોને પ્રમાણિકતાનો આવો એક અટેક આવી ગયો હતો અને સંપત્તિઓ ધડાધડ જાહેર કરી દેવામાં આવી હતી. આ પ્રમાણિકતાનો ચેપ શંકરસિંહ વાઘેલા કે એમના સિંહાસનના પગ પકડીને ઊભેલા કૉંગ્રેસીઓને લાગ્યો નહીં એ ગુજરાતનું સૌભાગ્ય છે... ચર્ચાસ્પદ છાપવું એ છાપાનો ધર્મ છે એમ ઘણાં સમાચારપત્રાધિપતિઓ ગંભીરતાથી માને છે. ઑક્સફોર્ડમાં રહેતા ૧૦૦ વર્ષીય લેખક નિરદ ચૌધરી આવાં મૌલિક વિધાનો માટે મશહૂર અથવા લગભગ કુખ્યાત છે. નિરદબાબુએ હમણાં વિધાન કર્યું કે બંગાળીઓ ‘બનાવટી બુદ્ધિમાનો’ છે અને ‘બુદ્ધિશાળી પંજાબી’ (પંજાબી ઈન્ટેલેકચ્યુઅલ) નામની કોઈ વસ્તુ હોતી નથી! જો ગુજરાતમાં કોઈ લેખક આ પ્રકારના વિધાનો કરે કે... કાઠિયાવાડી ઈન્ટેલેકચ્યુઅલ નામની કોઈ વસ્તુ નથી... અથવા આભલાંવાળાં બ્લાઉઝ પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થઈ જાય છે... કે વાતનો પ્રકોપ વધી જાય છે ત્યારે લાભશંકર કવિ સારી વાર્તાઓ લખી શકે છે... કે બાબુભાઈ મેઘજી શાહે ચીતરેલા આત્મારામ પટેલનાં ચિત્ર ‘અધોવસ્ત્રહરણ’ને પેરિસની બાયેનીઅલ ચિત્રપ્રદર્શનીમાં ૧૮૩મું ઈનામ મળ્યું છે... ત્યારે વાંચનારને મજા આવે છે. પણ આ બધાં જ વિધાનો જરૂર ચર્ચા જન્માવી શકે છે. આજકાલ કળિયુગ ચાલે છે અને ટી-શર્ટ અને જીન્સ અને સ્નીકર્સ પહેરેલી કૉલેજની છોકરીને જો એમ કહેવામાં આવે કે તમે નારીજાતિનાં છો તો પણ એ ‘વૉટ... મૅન?’ કહીને ઉત્પાત મચાવી શકે છે. છાપાંઓમાં શું વાંચવું જોઈએ? જુલીઆ ચાઈલ્ડ અમેરિકામાં કિચનની સામ્રાજ્ઞી ગણાય છે. એ છાપાંઓમાં રસોઈ વિશે લખે છે, ટી.વી.માં વાનગીઓ વિશે કાર્યક્રમ આપે છે. લાખો અમેરિકન મહિલાઓ જુલીઆ ચાઈલ્ડની કૉલમો-કાર્યક્રમોની આશિકાઓ છે. એણે હમણાં એક વિધાન કર્યું કે ‘હેલ્ધી ફૂડ’થી હું દૂર ભાગું છું. જો એ ‘હેલ્ધી’ છે તો સમજજો કે એમાંથી બધો જ સ્વાદ કાઢી લેવામાં આવ્યો છે! અમેરિકામાં તોફાન મચી જવું સ્વાભાવિક હતું. ફૂટપાથ પર રેંકડી પરથી બટાટાવડાં ખાઓ અને ફોર-સ્ટાર-હૉટેલમાં બટાટાવડાં ખાઓ, કોઈ ફર્ક લાગે છે? ફૂટપાથી ઊભેલો તમને પાણીપૂરી ખવડાવે અને તમે ઍરપોર્ટની ચકચકિત કૉફી શૉપમાં પાણીપૂરી પ્લેટમાં ખાઓ (જો મળતી હોય તો), કોઈ ફર્ક લાગે છે? બસ બહુ ઝગઝગાટ હોય છે ત્યાં સ્વાદ ભાગી જાય છે. અને મારું એવું માનવું છે કે છાપાંઓમાં જાતજાતની ચમકદાર સન્નારીઓ જે વ્યંજનો બનાવવાનાં સૂચનો-સલાહો અને રેસીપી આપે છે એ તદ્દન બેસ્વાદ હોય છે. શુદ્ધ ઘીમાં પ્યાજના ભજિયાં કે શક્કરિયાંનાં શાકમાં કેસરનો વઘાર ‘મહિલા જગત’ પૂર્તિ માટે બરાબર છે પણ ડાઈનિંગ ટેબલ પર આવી જાય તો પતિને બીમાર કરી મૂકે! ઘણી વસ્તુઓ છાપાંના પાનાંઓ પર બહુ ચટાકેદાર લાગે છે...! ગ્રીનકાર્ડીઆ અમેરિકન ગુજરાતીઓ કહ્યા કરે છે કે અમે અહીં છાપાં વાંચતા નથી, અમે તો ટી.વી.માં જ ન્યૂઝ જોઈ લઈએ છીએ! (ડૉલર-દોઢ ડૉલર બચી પણ જાય છે.) પણ એમને ત્યાં કોઈ ન્યૂઝ છે? એમને ત્યાં દેવેગૌડા, માયાવતી, રબડી દેવી છે? લાલુપ્રસાદ યાદવ છે? બાળ ઠાકરે, દાઉદ ઈબ્રાહિમ, છોટે મુરારી, બડે વાઘેલા, છોટા શકીલ, બડે કેશુભાઈ છે? ગાંધીનગરમાં એક ‘છોટે છોટેમિયાં’ની પણ કોઈ સજ્જને ઓળખાણ કરાવી હતી એ યાદ છે... ક્લોઝ અપ ફૅક્સ મી! પેજ મી! ઈ-મેઈલ મી! યુ સિલી! - ૧૯૯૭માં મોકલાયેલો એક પ્રેમીને બીજા પ્રેમીનો પ્રેમસંદેશ |
Saturday, March 29, 2014
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી -- રાજકારણમાં પૈસો એ માનું દૂધ છે!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment