Saturday, March 29, 2014

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી -- નયા ગુજરાત બનાવવાનો પ્લૉટ...

છેવટે એક મંત્રીએ કહ્યું: આપણે નયા ગુજરાત બનાવવાનો પ્લૉટ કર્યો છે. તમારે એ માટે સૂચનો કરવાનાં છે!... હું જરા ગભરાયો, ‘પ્લૉટ’ શબ્દ સાંભળને, પછી સંયત થઇ ગયો. શ્રી મંત્રીશ્રી ‘પ્લાન’ને બદલે ‘પ્લૉટ’ બોલી ગયા હતા. ગુજરાતમાં ધણાખરા મંત્રીશ્રીઓ અંગ્રેજી ભાષાથી જરા મેહરુમ છે. મેં કહ્યું: મંત્રીશ્ર્વર! મારી પાસે ગુજરાતને નયા ગુજરાત બનાવવાના ઘણા પ્લૉટ છે. એમણેશ્રીએ કહ્યું: લખીને મોકલો. દરેક ગુજરાતીએ તનમનધનથી ગુજરાત માટે કાંઇક કરવું પડશે!... હું વિચારતો રહ્યો કે મંત્રીશ્રીની વાત બરાબર હતી. અત્યાર સુધી મારા અને બધાના સર્વ મિત્ર માધવસિંહ સોલંકીના યુગમાં માત્ર તનધનફન ગુજરાત સેવાની આધારશિલા હતી, હવે ફનને સ્થાને મન આવી રહ્યું હતું.

હું સૂચિ લઇને મંત્રીશ્રી પાસે પહોંચ્યો.

પ્લૉટ લાયા?

લાયો છું.

બધા જ ચાલ્યા ગયા, આ રૂમમાંથી બહાર ઊગેલાં બોગનવીલીઆ દેખાતા હતા. ઉપર પાંજરામાં એક પોપટ હતો. એ મને જોઇને સતત બોલતો હતો લાવ... મૂક જા!.. જા! લાવ... મૂક... જા!... મંત્રીશ્રીએ પોપટ તરફ બૂમ પાડી: ચૂપ! પોપટ અસંતુષ્ટની જેમ ચૂપ થઇ ગયો. પણ એ આંખ ફાડીને અમને જોતો રહ્યો, મંત્રીશ્રીએ કહ્યું: આ અમારા ઘરમાં ત્રાસવાદી ઘૂસી ગયો છે... હી...હી...હી...

હી... હી... હી.. હું જવાબદારીપૂર્વક પ્રતિહાસ્ય કરતો ગયો. મે સૂચિ ખોલીને વાંચવા માંડી.

‘અમદાવાદમાં સાત પુલો છે.: શાસ્ત્રી, ઈન્દિરા, નેહરુ, સુભાષ, ગાંધી, સરદાર અને ઍલિસ. આ સાત પુલોના નામ બદલવા જોઇએ અને ગુજરાતના ઈતિહાસનાં મહાન નામોથી આ પુલો ઓળખાવા જોઇએ. જેમ કે હેમચંદ્રાચાર્ય પુલ, સિદ્ધરાજ જયસિંહ પુલ, કુમારપાળ પુલ, વનરાજ પુલ, તાનારીરી પુલ, દાદુ દયાલ પુલ, મીનળદેવી પુલ. આ પુલોની ડિઝાઇનો તદ્દન મોળી અને એકવિધ છે. આ પુલો પર બંને તરફ થોડે થોડે અંતરે ગનમેટલ કે અન્ય ધાતુના કોતરેલા ઊંચા લેમ્પો ગોઠવવા જોઇએ. દરેક પુલ આજે એક જેવો જ દેખાઇ રહ્યો છે. એ દરેક પુલને એક વ્યક્તિત્વ મળવું જોઇએ. લંડનમાં પાર્લામેન્ટમાં મકાનો પાસે વેસ્ટ નિન્સ્ટરથી ટાવર બ્રિજ સુધી પુલો છે. પેરિસમાં સેન નદી પરના પુલો વિશ્ર્વપ્રસિદ્ધ છે. લંડનથી લેનિનગ્રાદ સુધી સરસ, રોમેન્ટિક પુલો છે. એમાંથી અમદાવાદે શીખવું જોઇએ, સ્વીકારવું જોઇએ.

સાબરમતી નદીમાં પાણી વહેતુ થવું જોઇએ. જરૂર પડે તો નદીને વધારે સાંકડી કરી શકાય. નદીના પટમાં બે દીવાલો બાંધીને નદીને વધારે સાંકડી બનાવવી જોઇએ અને કિનારા તથા દીવાલની વચ્ચે લોકોને ફરવા માટે પ્રોમેનેડ કે વૃક્ષાચ્છાદિત માર્ગો બનાવવા જોઇએ. લંડનમાં થૅમ્સ નદીને કિનારે આ રીતે ફરવાનો માર્ગ છે. ત્યાં ગાડી કે અન્ય કોઇ વાહન આવી શકે નહીં. માત્ર માણસો જ ચાલી શકે. યુરોપમાં અને રશિયામાં લગભગ દરેક નદીકિનારે આ રીતે ફરવાની વ્યવસ્થા સરકારે કરી છે. આનાથી આગળ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં છે. સમુદ્રકિનારે એક ‘ગોલ્ડન માઈલ’ અથવા એક માઇલનો લાંબો વિસ્તાર છે. સમુદ્ર અને મકાનોની વચ્ચે અહીં હોટલો છે. હંમેશાં લાઇટો જલે છે. સાંજના આખું શહેર જાગી ઊઠે છે. બાળકોને રમવા માટે મિનિ ઉદ્યાનો છે. અમદાવાદમાં નદીના પટમાં બંને કિનારે, દીવાલ અને સડકની વચ્ચે આવા ગોલ્ડન માઇલ વિસ્તારો બનાવવા જોઇએ જ્યાં એ વિસ્તારના લોકો ફરી શકે.

‘જો સાબરમતીમાં પેરિસની સેન કે લંડનની થેમ્સ જેટલો જ સાંકડો પ્રવાહ વહે તો પણ હવામાન ઠંડું થઇ શકે છે. સાંજે બોટનાં, નદીના એક સિરાથી બીજા સિરા સુધી સામાન્ય લોકો વિહર કરી શકે. સૌથી મોટી વાત તો એ કે કોઇ અમદાવાદીને આપઘાત કરવો હોય તો કાંકરિયા સુધી જવું ન પડે. સરકારે સુલભ આપઘાત માટે પ્રજાને સહાયક સગવડો પૂરી પાડવી જોઇએ.

‘ગુજરાત સરકારે નગરોમાં હરિજન કલા સંગ્રહાલય કે અનુસૂચિત જાતિ કલાભવન કે દલિત હુન્નર મ્યુઝિયમ પ્રકારનાં કલાકેન્દ્ર ખોલવાં જોઇએ. જે સ્થાઇ હોય. મૉસ્કોમાં ઑસ્ટેનકીનો પેલેસ ૧૮મી સદીનો છે. જેમાં મ્યુઝિયમ ઓફ સર્ફ આર્ટ અથવા ગુલામોની કલાનું સંગ્રહાલય છે. એમાં ચિનાઇ માટીની વસ્તુઓ, કોતરકામ, ફર્નિચર અને અન્ય કલાકૃતિઓ મૂકેલી છે. આ જ રીતે ગુજરાતમાં દલિત કલાનાં મ્યુઝિયમો ખોલવાં જોઇએ. મોસ્કોનો ઑસ્ટેનકીનો મહેલ પણ સર્ફ (ગુલામ) કલાકારોએ બાંધ્યો છે.

- રશિયામાં મોસ્કોમાં પ્રતિવર્ષ બે કલા મહોત્સવો થાય છે. એક ‘રશિયન વિન્ટર ’ અથવા રશિયન શિયાળો (ડિસેમ્બર ૨૫ થી જાન્યુઆરી ૫) અને બીજો મોસ્કો સ્ટાર્સ (મે ૫ થી મે ૧૩) આ લાઇવ શોમાં ગીતસંગીત, નૃત્ય અને સમૂહગાન થાય છે. ગુજરાત પાસે આ જ રીતે નવરાત્રિ ઉત્સવ થાય છે, પણ એને માટે ગુજરાત સરકાર જાહેરાતો કરતી નથી અથવા કરતા આવડતી નથી. દરેક પ્રજાના આવા નૃત્ય મહોત્સવો જગપ્રસિદ્ધ છે. જર્મનીમાં ઓકટોબર ફેસ્ટ થાય છે. અમેરિકામાં માર્દી-ગ્રા થાય છે. સ્પેનમાં ફિયેસ્તા હોય છે. પૂરા લેટિન અમેરિકામાં મેક્સિકો, બ્રાઝીલ આર્જેન્ટિના સર્વત્ર આ ફિયેસ્ટા ચાલે છે. નાનકડું સિંગાપુર પણ પ્રતિવર્ષ ઓગસ્ટમાં સ્ંિવગ સિંગાપુર નામનો સડકનો જલસો કરે છે. ગુજરાત પાસે તો નવરાત્રિ છે જ. ગુજરાત સરકારે વિશ્ર્વભરમાં આ નૃત્યોત્સવ જાહેરાતો કરવી જોઇએ. તો ગોવાના ફિયેસ્ટાની જેમ વિશ્ર્વ પર્યટકો ગુજરાત ખેંચી શકે. કમસે કમ, ભારતના દરેક પ્રમુખ સ્થાનિક પત્રમાં આની પૂર્વ જાહેરાત વિધિવત કરવી જોઇએ.

- હમણાં કલકત્તામાં ૧૯મી સદીનો બંગાળી ભોજનનો ભોજનવિલાસ ઉત્સવ કરવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં ૧૯મી સદીના બંગાળની ખાદ્ય વાનગીઓ, વ્યંજનો, પેય પદાર્થો એ જ કાળના પોષાક પહેરીને પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. સ્ત્રી-પુુરુષો ૧૯મી સદીની જેમ ઘોડાગાડીઓમાં આવ્યા હતાં, ઉતર્યા હતાં, ને ગુલાબજળનો છંટકાવ થયો હતો. પલાઠી મારીને લોકો જમવા બેઠા હતા. પ્રજાએ એક આવી ૧૯મી સદી ખડી કરી દીધી હતી! આ બંગાળી પ્રજાનો ભોજનવિલાસ હતો. મીઠાઇઓ એ જ રીતે બનાવવામાં આવી હતી, જે રીતે ૧૯મી સદીમાં બનતી હતી અને સંગીત એ જ રીતે વગાડવામાં આવ્યું હતું જે રીતે વાગતું હતું. ગુજરાતમાં સુરતમાં ગુજરાત સરકારે પ્રતિ વર્ષ ભોજનવિલાસ ઉત્સવ કરવો જોઇએ. આ કાર્યક્રમ પ્રજાને એમના ભૂતકાળ અને સંસ્કૃતિ તરફ લઇ જશે.

- ગુજરાતમાં સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, આણંદ વગેરે શહેરો ફેલાતાં ગયાં છે. પણ આ એક પણ નગરનો આધુનિકતમ કે અપટુડેટ નગરનકશો મળતો નથી. અમદાવાદમાં એક ડિઝાઇન સંસ્થા છે.

અમદાવાદ પાસે, લંડનમાં જેમ ‘એ ટુ ઝેડ’ નામનું નકશાઓનું પુુરું પુસ્તક મળે છે, એમ પુસ્તક હોવું જોઇએ. અત્યારે જે ઉપલબ્ધ છે એ કવોલિટીની દષ્ટિએ રેઢિયાળ કરી શકાય એવાં છ. ગુજરાત વિશ્ર્વવિદ્યાલય વિસ્તારનો પણ નકશો મળતો નથી. રિક્ષાવાળાઓને લેડીઝ હૉસ્ટેલ ક્યાં છે એ ખબર નથી! ગુજરાતના દરેક નગરમાં નવાં નવાં ઉપનગરો, પરાંઓ, વસાહતો વિકસી ગયા છે. જેમનો નકશામાં સમાવેશ થતો રહેવો જોઇએ. વિદેશોમાં સૌથી વધુ અનિવાસી ભારતીય (નોન-રેસીડન્ટસ) ગુજરાતીઓ છે, જેમાંના ઘણા વર્ષે બે વર્ષે ગુજરાત આવતાં રહે છે. એમને માટે પણ લેટેસ્ટ નગરનકશાઓ ગુજરાત સરકારે તૈયાર કરાવવા જોઇએ. - ઘેટાના શરીર પર ઊન પણ વ્યવસ્થિત ઊગે છે. પણ સુરતમાં જે રીતે જૂની શેરીઓમાં નવાં સ્કાયસ્ક્રેપર્સ ઊભાં થયાં છે, નવી ગંદી કોલોનીઓ બની ગઇ છે, અરાજકતાનું એક સામ્રાજ્ય વ્યાપ્યું છે. એ માટે એ સમયના નગરસેવકો પર મુકદમા ચલાવવા જોઇએ. સુરતની આ સૂરતે - હાલ જોયા પછી મને એક વિચાર આવે છે, જે મેં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં જોયો છે. ત્યાં મ્યુનિસિપલ ચૂંટણી થવાની હતી, ત્યારે હું હતો. રાજકીય પક્ષોના ઉમેદવારો ઉભા રહે છે, પણ લોકો સ્વતંત્ર ઉમેદવારોને ઊભા રાખીને જિતાડે છે. જે લોકો સ્વાસ્થ્ય, નગરવિકાસ, વિદ્યુત, જળવ્યવહાર, સડક યાતાયાત આદિના વિશેષજ્ઞો હોય છે. રાજકીય પક્ષો પણ અન્જિનિયર, તંત્રજ્ઞો નિષ્ણાતોને ઊભા રાખે છે. મ્યુનિસિપલ નિર્વાચન ભૂસ્કદાસો અને ઠેકડાલાલો માટે નથી પણ નગરસમસ્યા સમજતા હોય એવા નિષ્ણાતો માટે જ છે. પરિણામ સ્પષ્ટ છે. વિશ્ર્વના શ્રેષ્ઠ રાજમાર્ગો દક્ષિણ આફ્રિકના ગણાય છે. મહાનગરો સ્વચ્છ છે.. વગેરે વગેરે. મારી સૂચિ હજી પૂરી થઇ ન હતી. શ્રી મંત્રીશ્રીની આંખો ઝૂકી ઝૂકી રહી હતી. ઉજાગરો હશે. હું ઉભો થઇ ગયો. સૂચિ ખીસામાં મૂકીને બહાર નીકળ્યો. નયા ગુજરાતનો મારો પ્લૉટ જામ્યો નહીં. આજકાલ નવલકથાના પ્લૉટ પણ બરાબર જામતા નથી...



ક્લોઝ અપ

કોઇ પણ પ્રજાને એનું રાષ્ટ્ર ચાંદીની થાળી પર અપાયું નથી.

- ઇઝરાયલી રાજપુરુષ ચાઈમ વાઇઝમાન

No comments:

Post a Comment