Saturday, March 29, 2014

દિવ્યાશા દોશી -- સાચું જ્ઞાન, સ્વાર્થી શિક્ષણ નહીં

કંઈક જુદી જ માટીમાંથી ઘડાયેલા બંકર રોયે બેરફુટ કોલેજ સ્થાપી જ્યાં ડિગ્રીધારી શિક્ષકો નથી ભણાવતા કે નથી ભણનારને ડિગ્રીના સર્ટિફિકેટ અપાતા. રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવું જ શિક્ષણ અપાય છે 

સાર્થકતાના શિખરેથી - દિવ્યાશા દોશી

શિક્ષણ વ્યવસ્થાને નામે આપણે રોજ બૂમો પાડીએ છીએ અને સાંભળીએ છીએ... પણ તેને માટે આપણે શું કરીએ છીએ ? કશું જ નહીં. એ જ સિસ્ટમમાં આપણે તણાઈએ છીએ... જીવીએ છીએ..આપણામાં કોઇ પરિવર્તન આવતું નથી. આપણી સરકારી શાળા કે કોલેજો પણ એમાંથી બાકાત નથી. દિલ્હીમાં આપની સરકાર આવતા પહેલીવાર સરકારી શાળા અને કોલેજોને સુધારવાની વાત થઈ હતી.. બાકી શિક્ષણ એટલે કમાણીનો ધંધો જ્યાંથી એ જ શીખીને બહાર જવાનું કે આપણે કેટલા પૈસા પેદા કરી શકીએ. સંસ્કારિતા કે વિકાસની વાત થતી નથી. શિક્ષણ આપણને સ્વાર્થી બનતા શીખવાડે છે, સમાજ માટે કે સાથે જીવન જીવતાં શીખવાડતું નથી.

પણ બંકર રોય નામની વ્યક્તિ કંઇક જુદી જ માટીમાંથી ઘડાઈ છે. તેમણે રાજસ્થાનમાં બેરફુટ કોલેજની સ્થાપના કરી જ્યાં ડિગ્રીધારક શિક્ષકો નથી ભણાવતા અને અહીં ભણનારને ડિગ્રીના કોઇ સર્ટિફિકેટ અપાતા નથી. તેઓ શિખેલું યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે તે રીતે તેમને શિખવાડાય છે. આ કોલેજમાં રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવું શિક્ષણ આપવામાં આવે છે.

બંકર રોય વિશે જાણીએ... તેમનું નામ છે સંજીત બંકર રોય. તેમનું શરૂઆતનું શિક્ષણ ત્યારની બહુ જાણીતી ધનાઢ્ય લોકો માટેની દૂન સ્કૂલમાં થયું. ત્યારબાદ દિલ્હીની સ્ટિફન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા. ૧૯૬૪ની સાલમાં તેઓ સ્ક્વોશ રમતમાં ચેમ્પિયન હતા અને તેઓ આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતવતી રમ્યા હતા. શ્રીમંત અને વગદાર કુટુંબમાં તેઓ જન્મ્યા હતા અને તેમના માતાપિતા વિચારતા હતા કે તેઓ સરકારી ઊચ્ચ પદે કામ કરશે. પણ ૧૯૬૫ની સાલમાં તેમને વિચાર આવ્યો કે સરકારી પદવી મેળવવા પહેલાં ગામડાઓ કેવા હોય તે ફરીને જોવા માગતા હતા. એટલે સૌ પ્રથમ તેમણે ગામડાઓને નજીકથી જાણવા જોવા પ્રવાસે નીકળી પડ્યા.૧૯૬૫માં દુકાળ દરમિયાન બિહારના ગામડાઓમાં ફરીને જે દારૂણ ગરીબી,ભૂખમરો અને કરુણતા પ્રથમવાર જોયા. તેમણે ઘરે પાછા જઇને જાહેર કર્યું કે ગામડામાં કામ કરીને સમાજને માટે કામ કરવું છે. આ બાબત માતાપિતાને પસંદ ન આવી. પણ બંકર રોય પોતાની વાતમાં મક્કમ રહ્યા.

બંકર રોયે ટેડ ટોકમાં પોતાના વક્તવ્યમાં બહુ સરસ વાત કરી કે, હું ખૂબ એલિટ, ધનવાનો માટેની એટિકેટવાળી સ્કૂલમાં ભણ્યો અને તેણે મારું જીવન લગભગ બરબાદ કરી નાખ્યું. મને વાસ્તવિકતા ન બતાવી કે ન અનુભવાવી. હું શિક્ષક, ડિપ્લોમેટ કે પછી કોઇપણ સારા પગારની નોકરી માટે તૈયાર કરાયો હતો. પણ નસીબ જોગે મારી ચેતના જાગી અને મને સાચુંકલું ભારત જોવાની ઇચ્છા થઈ. રાજસ્થાનના તિલોનિયા ગામમાં તેમણે ૧૯૭૨માં ગરીબો માટે બેરફુટ કોલેજની સ્થાપના કરી. આ કોલેજ સ્થાનિક લોકોએ જ બાંધી. ગરીબો માટે જ હતી એટલે તેમને સહજતા લાગે એટલે કોલેજમાં કોઇ ટેબલ ખુરશી ન રાખ્યા. આ કોલેજનો મૂળ ઉદ્દેશ એ હતો કે ગામડામાં જે કારીગરો હોય તેમને પોતાના કામમાં આવડત અને પરફેકશન આવે. ગાંધીજીનો આદર્શ ગામડાઓને સ્વાવલંબી બનાવવા તે વિચાર પર આ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં સોલાર પેનલ જે ત્યાંના ગામડાની અભણ મહિલાઓ ધ્વારા બનાવવામાં અને ઓપરેટ કરવામાં આવતું. વોટર પંપ અને સોલાર પેનલ બનાવી શકે અને રિપેર કરી શકે એ ટેકનોલોજી ગામડાના ગરીબને શીખવાડવામાં આવે છે. તેમના રોજિંદા જીવનને સરળ કરી શકે તેવી ટેકનોલોજી ગામડાના ગરીબ તથા અશિક્ષિતને શીખવાડવી તે આ કોલેજનો ઉદ્દેશ છે. બંકર રોયનું માનવું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે સહજતાથી અને સરળતાથી ટેકનોલોજી શીખી જાય છે. એટલે તેમણે જુદા જુદા વિસ્તારની સ્ત્રીઓને ખાસ કરીને જે દાદી બની ગઈ હોય તેમને શીખવાડતા. તેઓ પછી પોતાના ગામના બીજા લોકોને ઉપયોગી થતાં.

આમ, શિક્ષણને ફક્ત પુસ્તકયું બનાવવા કરતાં ઉપયોગી તથા ગામડામાં પહોંચાડવાનું કામ બંકર રોયે શરૂ કર્યું એમ કહી શકાય. આજે બેરફુટ કોલેજમાંથી અનેક લોકો વિદેશ પણ જઇ આવ્યા છે. બાળકો માટેની રાત્રી શાળા ચાલે છે કેમકે તેમને પોતાના કુટુંબ માટે દિવસે કામ કરવાનું હોય. આ બાળકો અહીં લોકશાહીના પાઠ ભણે છે. ત્યાં ચૂંટણી થાય તેમાં છ વરસથી ચૌદ વરસના બાળકો વોટિંગ કરે અને સંસદ રચે, તેમાંથી વડા પ્રધાન પણ ચૂંટાય. બેરફુટ કોલેજનું બાંધકામ પણ અભણ ગામડાના કારીગરોએ જ કર્યું છે. ત્યાંની મહિલાઓએ છતને પરંપરાગત રીતે લિકેજ પ્રૂફ બનાવી. આમ, બંકર રોયે ગામડાની અનેક મહિલાઓને અને પુરુષોને એન્જિનિયર, આર્કિટેક, શિક્ષક અને કારીગરો બનાવ્યા. તેમનું માનવું છે કે કોઇપણ બાબતના સમાધાન માટે બહાર નજર કરવા કરતાં પહેલાં આપણી ભીતર નજર કરવી જોઇએ. આસપાસના અનુભવી લોકોને જુઓ,સાંભળો સમાધાન તમને સહજતાથી જડશે. જમીન સાથે સંકળાયેલા લોકો પાસે પ્રેકટિકલ ઉપયોગી માહિતી મળી શકે એમ છે. જરૂર છે વળી પાછા આપણા મૂળિયા તરફ જવાની. સ્વાવલંબી બનવાની. બંકર રોયને ગાંધીજીનું વાક્ય ગમે છે, પહેલાં લોકો તમને જોશે નહીં, પછી તેઓ તમારા પર હસશે, પછી તમારી સાથે ઝઘડશે. અને પછી તમે જીતી શકશો.

બંકર રોયને ૨૦૧૦માં વિશ્ર્વની સો વગદાર યાદીમાં સ્થાન મળ્યું છે.જમનાલાલ બજાજ ઍવોર્ડ,સેન્ટ એન્ડ્રુઝ પ્રાઈઝ ફોર એન્વાયર્નમેન્ટ અને સોલાર કોમ્યુનિટી તરફથી રોબર્ટ હીલ ઍવોર્ડ પણ મળ્યો છે. શિક્ષિણ મેળવ્યા બાદ શિક્ષણનો સાચો અર્થ સમજ્યા બાદ તેમણે પોતાનો આગવો માર્ગ અપનાવ્યો અને જગત સમક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવી વધુ શિક્ષણ સંસ્થાઓની અને આવા વિચારકોની આપણા દેશને જરૂર છે. જે ફક્ત પુસ્તકિયું માહિતી ન આપતાં સાચું જ્ઞાન આપે જેમાં સૌના વિકાસની વાત હોય.

No comments:

Post a Comment