Saturday, March 29, 2014

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી -- ૧૯૮૪, ૧૯૮૯, ૧૯૯૧: કૉંગ્રેસની જાહેરખબરો, જાહેરખબરોની કૉંગ્રેસ

૧૯૮૪માં કૉંગ્રેસી વિજ્ઞાપનની ભાષા હતી: વિકાસને હાથ આપો! અથવા શક્તિને હાથ આપો! ૧૯૮૯માં વિકાસ અને શક્તિની વાત ન હતી. કૉંગ્રેસી જાહેરખબરનો મુખ્ય નારો હતો: મારો હર ધબકાર ભારતને કાજ છે! 

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

આ બધું છેલ્લાં બે નિર્વાચનોથી શરૂ થયું છે. આ બધું એટલે દેશપ્રેમની જાહેરખબરો આપવી, દેશ ચિંતાની જાહેરખબરો આપવી, અને પછી પક્ષને દેશના ભવિષ્ય માટે વોટ આપવાનો અનુરોધ કરવો. એક તરફ કૉંગ્રેસની જાહેરખબરો હતી, બીજી તરફ જાહેરખબરોની કૉંગ્રેસ હતી. જાહેરખબરોની સાચા અર્થમાં શરૂઆત થઇ ૧૯૮૪માં, અને જાહેરખબરોની કાપાકાપી ૧૯૮૯માં જીવલેણ બની ગઇ. કદાચ ૧૮ વર્ષની છોકરી અને છોકરો પહેલી વાર મતદાન કરવાનાં હતા અને આ પેઢી જાહેરખબરી ભાષા વધારે આસાનાથી સમજી શકે છે એ કારણ હોય. હવે ૧૯૯૧ના એપ્રિલ સુધીમાં જાહેરખબરોની મારામારી જામી જશે. વિજ્ઞાપનની દુનિયામાં સૌથી પૈસાદાર વ્યક્તિ કે પક્ષ થોડો આરંભિક લાભ જરૂર પૈસાના જોરે ઉઠાવી જાય છે અને કૉંગ્રેસ હિંદુસ્તાનના રાજકીય પક્ષોમાં સૌથી ધનિક પક્ષ છે. ૧૯૮૪ અને ૧૯૮૯ના વિજ્ઞાપન આક્રમણે એ સાબિત કરી આપ્યું છે.

૧૯૮૦માં કૉંગ્રેસના ચૂંટણી અભિયાનના મેનેજર શ્રીકાંત વર્મા હતા. જે હિંદીમાં સામાન્ય કવિતાઓ, વાર્તાઓ લખતા હતા. ૧૯૮૪માં કૉંગ્રેસે સમાચારપત્રોમાં પૂરાં પાનાં ભરીને ૮ વિજ્ઞાપનો બજારમાં મૂકયા હતાં. આ પ્રસ્તુતિની નીચે લખ્યું હતું: ચંદુલાલ ચંદ્રાકર, મહામંત્રી, અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટી. ૨૪, અકબર રોડ, ન્યુ હિન્દી ૧૧૦૦૧૧! ૧૯૮૯ના ચુનાવ અભિયાનમાં વ્યક્તિનું નામ નીકળી ગયું, લખ્યું હતું: પ્રસ્તુત કરનાર મહામંત્રી (જાહેરખબર વિભાગ). પછી એડ્રેસ, દિલ્હીની કૉંગ્રેસ ઓફિસનું. ૧૯૮૯માં તો વિજ્ઞાપનોનું વાવાઝોડું ફુંકાઇ ગયું હતું. ૧૯૮૪માં કૉંગ્રેસના વિજ્ઞાપનના અક્ષરની સાઇઝ ૧ ઈંચ હતી, ૧૯૮૯માં અક્ષરની સાઇઝ ૧.૪૦ ઈંચ સુધી પહોંચી ગઇ હતી. કૉંગ્રેસ હિંદુસ્તાનનો સૌથી દેશભક્ત પક્ષ છે એ સાબિત કરા હવે બીજું કંઇ કરવાની જરૂર રહી ન હતી.

૧૯૮૪માં કૉંગ્રેસી વિજ્ઞાપનની ભાષા હતી: ‘ગિવ ગ્રોથ અ હૅન્ડ!’ (વિકાસને હાથ આપો!) અથવા ‘ગિવ સ્ટ્રેન્ગ્થ એ હૅન્ડ!’ (શક્તિને હાથ આપો!) ૧૯૮૯માં કૉંગ્રેસે જે ગતિ ને વિપુલતાની વિજ્ઞાપનો પાછળ રૂપિયાનો દરિયો વહાવી દીધો હતો, લાગતું હતું કે પાંચ વર્ષના શાસન દરમિયાન કૉંગ્રેસ પક્ષ પાસે વિકાસ અને શક્તિ બંને આવી ગયા હતા! નહીં તો હિંદુસ્તાનની બધી જ ભાષાઓમાં આખાં પાનાં ભરીભરીને છાપાઓની જગ્યા કેમ ખરીદી શકાય! ૧૯૮૯માં વિકાસ અને શક્તિની વાત ન હતી. કૉંગ્રેસી જાહેરખબરનો મુખ્ય નારો હતો: ‘માય હાર્ટ બીટ્સ ફોર ઈન્ડિયા’ (મારો હર ધબકાર ભારતને કાજ છે!)

છાપાંવાળા શયતાની દિમાગોવાળા માણસો હોય છે જેમને ટેલિસ્કોપની જગ્યાએ માઇક્રોસ્કોપ અને માઇક્રોસ્કોપને સ્થાને ટેલિસ્કોપ વાપરતા રહેવાની શરારત હંમેશાં સૂઝતી રહે છે. મને યાદ છે, મેં એ વખતે આ કૉંગ્રેસસૂત્રનો ઉપયોગ કરીને લખ્યું હતું: હું કૉંગ્રેસને વોટ નહીં આપું કારણ કે મારો હર ધબકાર ભારતને કાજ છે... હું કૉંગ્રેસના વિકલ્પને વોટ આપીશ, કારણ કે મારો હર ધબકાર ભારતને કાજ છે... હું એકચક્રી, એકવંશી રાજ્ય ચલાવા નહીં દઉં, કારણ કે મારો હર ધબકાર ભારતને કાજ છે... હું કોઇને પણ એની સાથે દગો નહીં કરવા દઉં કારણ કે મારો હર ધબકાર ભારતને કાજ છે... વગેરે વગેરે...

જાહેરખબર તલવારની જેમ એકધારી નહીં પણ શેવિંગ કરવાની બ્લેડની જેમ બેધારી હોય છે. ૧૯૮૪માં કૉંગ્રેસી જાહેરખબરો ચર્ચાસ્પદ બની ગઇ હતી. એ જાહેરખબરોની પાછળ રિડીફ્યૂઝન કંપનીના અરુણ નંદાનું દિમાગ હતું. એ દિવસોમાં ભા.જ.પ. ના મહામંત્રી એલ. કે. અડવાણી હતા, જનતા પક્ષના મહામંત્રી ડૉ. બાપુ કાલ્દાતે હતા, ડી. એમ. પી. કે. ના મહામંત્રી સત્યપ્રકાશ માલવિય હતા અને કૉંગ્રેસના વરિષ્ઠ મહામંત્રી અરુણ નેહરુ હતા. પાઉડર કે સાબુ કે પ્રસાધનની જેમ કૉંગ્રેસ પક્ષ ભારતનું ભવિષ્ય વેંચવા નીકળ્યો છે એવી એક અસર ઉત્પન્ન થતી હતી.

૧૯૮૪ની એક કૉંગ્રેસી જાહેરખબરમાં એક કાંટાદાર કેકટસના છોડને મનુષ્યમુખ અને બે પગ ચીતર્યા હતા, નીચે લખ્યું હતું: તમારું ભવિષ્ય તમારા જન્મથી નક્કી થશે કે તમારી યોગ્યતાથી? કર્ણાટકમાં જનતા પક્ષનું શાસન હતું અને દરરોજ આ કૉંગ્રેસી વિજ્ઞાપનનો પ્રતિવિજ્ઞાપન દ્વારા ઉત્તર અપાતો હતો. કર્ણાટકના જનતા પક્ષના પ્રતિવિજ્ઞાપનમાં જ આ જ વિજ્ઞાપન છાપીને નીચે લખ્યું હતું: હા, જો તમે પ્રધાનમંત્રીના બેટા હો તો!... બીજા એક વિજ્ઞાપનમાં કાંટાની એક લોખંડી વાડ હતી અને લખ્યું હતું કે દેશની સીમાઓ તમારા ઘરના દરવાજા સુધી આવી જશે? જનતા પક્ષે ઉત્તર આપ્યો હતો: હા, જો શાસક પક્ષને શાસનમાં રહેવા દેશો તો!... આ પ્રતિવિજ્ઞાપનોની નીચે લખ્યું હતું: જે. એચ. પટેલ, સેક્રેટરી જનરલ, જનતા પક્ષ, કર્ણાટક.

૧૯૮૪માં કૉંગ્રેસી વિજ્ઞાપનો જરા કુત્સિત અને જુગુપ્સાપ્રેરક હતા. એક વિજ્ઞાપનમાં છરા, એસિડ બલ્બ, લોખંડની ચેઇન ચીતરીને નીચે લખ્યું હતું: ભવિષ્યમાં તમે બજારમાં જશો ત્યારે એસિડ બલ્બો, લોખંડના સળિયા, છરાઓ ખરીદશો? બીજું એક વિજ્ઞાપન બે વિકરાળ મગરોના ચિત્રવાળું હતું, નીચે લખ્યું હતું: હવેનું યુદ્ધ ભારત માટેનું છેલ્લું યુદ્ધ હશે? આ બંનેનો જનતા પક્ષે પ્રતિઉત્તર આપેલો: હા, જો શાસક પક્ષ ફરીથી સત્તા પર આવશે તો!...

એ વર્ષે કૉંગ્રેસનું કદાચ સૌથી હાસ્યાસ્પદ વિજ્ઞાપન હતું. એ દેશનું નામ આપો જેનો પ્રગતિદર ઈંગ્લેન્ડ અને અમેરિકા કરતાં પણ વધારે છે. ઉત્તર: ઈન્ડિયા! આગળ લખ્યું હતું: ભારતનો સરેરાશ ઔદ્યોગિક વિકાસદર છેલ્લાં ૫ વર્ષોમાં ૪.૯ ટકા રહ્યો છે, જ્યારે ઈંગ્લેન્ડનો .૩ અને અમેરિકાનો ૧.૨ ટકા જ રહ્યો છે. દિવસનો એક રૂપિયો ભીખ મેળવનાર ભિખારી બે રૂપિયા મેળવી લે તો એનો વિકાસદર ૧૦૦ ટકા થઇ જાય એવું આ ભ્રમગણિત હતું. જે પણ હોય, શ્રીમતી ગાંધીની હત્યાનો જબરદસ્ત આઘાત હોય કે રાજીવ ગાંધી માટે હમદર્દીની હવા હોય કૉંગ્રેસ અભૂતપૂર્વ વિજય મેળવી ગઈ. ૧૯૮૯માં ફરીથી નિર્વાચન આવ્યું, અને કૉંગ્રેસે બાકાયદા વિજ્ઞાપનમારો શરૂ કરી દીધો. મુખ્ય સુત્ર હતું: મારો હર ધબકાર ભારતને કાજ છે! (માય હાર્ટ બીટ્સ ફોર ઈન્ડિયા!) આ વખતે વિજ્ઞાપનયુદ્ધ હાઈટેક બની ચૂકયું હતું. ૧૯૮૪માં કૉંગ્રેસી વિજ્ઞાપનો ઘણા વધારે હતા અને વધારે કાતિલ હતા. કરવતથી એક વડ કપાઇ રહ્યો હતો (‘અને હું કોઇનેય એના પંચાયતી રાજ સાથે દગો કરવા નહીં દઉ’) સાપ એક ઈંડું જોઇ રહ્યો હતો (‘અને હું એના ભવિષ્યને કોઇની અંધ મહત્ત્વાકાંક્ષાનો શિકાર નહીં થવા દઉ’) સિંહાસનના બે સિંહો ઘૂરકી રહ્યા હતા (‘અને હું કોઇ ઝઘડા દળને દેશના ભોગે પાર્ટી નહીં કરવા દઉ’) તૂટેલી તસવીરની સામે બુલેટ પડી હતી (‘અને હું કોઇનેય એને જુદા જુદા ધર્મનું રણક્ષેત્ર નહીં બનાવવા દઉ’) બાળક આકારના રમકડાંના હાથપગ તોડીને છૂટા પાડી નાખ્યા હતા (‘અને હું કોઇનેય એના ટુકડા નહીં કરવા દઉ’). ત્રણ વીંછીઓ એકબીજા સામે ખેંચાયેલા હતા (‘અને શું કોમવાદ, હિંસા, હુલ્લડ અને અરાજકતાનો ઝેરીલો ડંખ આપના રોજિંદા જીવનનું અંગ બનશે?’) વગેરે વગેરે... આ જાહેરખબરો જધન્ય કક્ષાની, લગભગ બીભત્સ કહી શકાય એવી ગંદી હતી. સ્વયં કૉંગ્રેસીઓએ વિરોધ કર્યો હતો. આમાં હાથથી રોટી તોડીને ખાનારા હિન્દુસ્તાનીનો દેશપ્રેમ દેખાતો ન હતો, આમાં છરી-કાંટાથી મસાલા ઢોસા ટેસ્ટ કરનારા કૉન્વેન્ટિયા ઈન્ડિયનના હાર્ટના બીટ સંભળાતા હતાં. વિપક્ષો તૂટી પડે એ સ્વાભાવિક હતું. આ વિજ્ઞાપનયુદ્ધ, સન ૧૯૮૯નું, છઠ્ઠા રાઉન્ડના બોક્સિગં જેવું લોહીલુહાણ હતું. આંખની ઉપર પડેલ કાપા ઉપર, જયાંથી લોહી નીકળી ગયું હતું, ત્યાં જ બ્લો મારવાનો હતો, વધારે લોહી તરત કાઢવાનું હતું કે જેથી પ્રતિસ્પર્ધીની આંખમાં ગરમ ગરમ લોહી ઊતરી આવે, એને દૃષ્ટિભ્રમ થઇ જાય, પછી નોક-આઉટ પંચ લેન્ડ કરવાનો હતો. બુલફાઇટને અંતે સાંઢની બે આંખની વચ્ચે સીધી તલવાર ખૂંપાવી દેવા જેવો, જેને માટે શબ્દ છે: કુદ ગ્રેસ અથવા અંતિમ સુસંસ્કૃત વાર! વિપક્ષોનાં પ્રતિવિજ્ઞાપનો પ્રતિહિંસક બની ગયાં, કારણ કે વિપક્ષોની યુતિને કૉંગ્રેસના લોહીની વાસ આવી ગઇ હતી. ૧૯૮૯માં કૉંગ્રેસનો નોક-આઉટ સંપૂર્ણ હતો. વનપ્રાંતરમાંથી જાનપદી અંચલોમાંથી. ઝૂંપડાઓમાંથી, મહાનગરોમાંથી, ધુળિયા ગાડામાર્ગોમાંથી હિંદુસ્તાની ઓરતો- મર્દોએ, હાથી જેવી વિરાટ મહાપ્રજાએ કળશ નવા ચહેરાને પહેરાવી દીધો. એ માણસનું નામ: રાજા વિશ્ર્વનાથ પ્રતાપસિંહ ખેર, એ પછીની વાત બીજી વાત છે. 



ક્લોઝ અપ

એ કૂતરીનો બચ્ચો આઈઝન હોવર કોઇ પણ કામ માટે ડોબો હતો...

- અમેરિકન રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેન, બીજા રાષ્ટ્રપતિ આઈઝન હોવર વિષે (પ્લેન સ્પીકિંગ: પૃષ્ઠ ૩૭૪).

No comments:

Post a Comment