Friday, August 15, 2014

દુનિયામાં દુનિયા અને તેમાં દુનિયા -- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=119674

જ્યાં પણ જઈએ આપણને લાગે કે આપણે આકાશી ગુંબજના કેન્દ્રમાં છીએ અને આપણી ફરતે તેટલે જ અંતરે ક્ષિતિજ છે. આપણે ચાલીએ તો ક્ષિતિજ આપણી સાથે ચાલવા લાગે


બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


આપણે ઊંચા પહાડ પર જઈએ અને આજુબાજુ નજર નાખીએ તો આપણી ચારે તરફ ક્ષિતિજ દેખાય, જ્યાં આકાશ ધરતીને મળતું હોય તેમ લાગે. નાના બાળકને લાગે કે ક્ષિતિજ પર આકાશ, ધરતીને મળે છે અને એક ગુંબજ બનાવે છે. ક્ષિતિજ કદી હાથમાં આવે જ નહીં. જ્યાં પણ જઈએ આપણને લાગે કે આપણે આકાશી ગુંબજના કેન્દ્રમાં છીએ અને આપણી ફરતે તેટલે જ અંતરે ક્ષિતિજ છે. આપણે ચાલીએ તો ક્ષિતિજ આપણી સાથે ચાલવા લાગે, પણ તેનું અંતર તો આપણાથી સરખું જ રહે.

ક્ષિતિજ આપણાથી કેટલા અંતરે છે, તે અંતર શોધવું અઘરું પડે. સામાન્ય રીતે તે શોધી શકાય નહીં, પણ વિજ્ઞાનીઓએ પાયથાગોરસ (બૌધાયન)ના પ્રમેયની મદદથી તે શોધ્યું છે. પૃથ્વી પર વાયુમંડળની સામાન્ય પરિસ્થિતિમાં તે લગભગ સાડાચાર કે પોણાપાંચ કિલોમીટર થાય. જો પૃથ્વી પર તે સાડાચાર કે પોણાપાંચ કિલોમીટરના અંતરે હોય તો ચંદ્ર પર, ગુરુ પર કે મંગળ પર તે કેટલા અંતરે હોય? આ અંતરો ક્ષિતિજના સૂત્ર પરથી શોધી શકાય. ક્ષિતિજ માત્ર ગ્રહના વ્યાસ (ત્રિજ્યા) પર જ આધાર રાખે છે. જેમ ગ્રહ વ્યાસમાં મોટો તેમ તે ગ્રહ પર ક્ષિતિજ વિસ્તૃત. પૃથ્વીની ત્રિજ્યા ૬૦૦૦ કિલોમીટર છે તો તેના પર ક્ષિતિજ માત્ર સાડાચાર કે પોણાપાંચ કિલોમીટરની ત્રિજ્યા ધરાવે પણ લઘુ ગ્રહ તો માત્ર ૧૦, ૫૦, ૧૦૦ કે ૫૦૦ કિલોમીટરની ત્રિજ્યા ધરાવતા હોય છે. તો ત્યાં ક્ષિતિજ આપણાથી થોડા ફૂટને અંતરે જ હોય, ૧૦૦ કે ૨૦૦ ફૂટ. ત્યાં દુનિયા ઘણી નાની હોય છે.

આપણી દૃશ્ય દુનિયા ક્ષિતિજ સુધી જ પથરાયેલી હોય છે. આપણે માત્ર ક્ષિતિજ સુધી જ જોઈ શકીએ. કોઈ પણ વસ્તુ ક્ષિતિજને વટે એટલે તે આપણી આંખથી ઓઝલ થઈ જાય. ગાડી જતી હોય. તે દૂર દૂર જાય અને આપણી ક્ષિતિજને વટી જાય એટલે તે આપણને દેખાતી બંધ થાય. ગાડી દૂરથી આવતી હોય અને તે આપણી ક્ષિતિજની અંદર પ્રવેશે એટલે તે દેખાય. આ બધા ક્ષિતિજના ગુણધર્મો છે.

ક્ષિતિજના સૂત્રમાં માનવીની ઊંચાઈની પણ એક ટર્મ (પદ) હોય છે. જો આપણે પૃથ્વીની સપાટી પર રહીને ક્ષિતિજને જોઈએ તો તે સાડાચાર કે પોણાપાંચ કિલોમીટર દૂર હોય. પણ જો આપણે કુતુબમિનાર, પન્હાળા હિલ કે એવરેસ્ટ પરથી જોઈએ તો સ્વચ્છ આકાશમાં તે ખૂબ જ દૂર દૂર હોય. આપણે દૂર દૂર સુધી જોઈ શકીએ. માટે જ આપણા પૂર્વજોએ ક્ષિતિજનું સૂત્ર શોધ્યું ન હતું, ન તો તેમને ખબર હતી કે ક્ષિતિજ ઊંચાઈ પર આધાર રાખે છે. તેમ છતાં પ્રયોગોથી તેમને ખબર હતી કે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ આપણી ક્ષિતિજનું અંતર વિસ્તરે છે. માટે જ આપણા પ્રાચીન રાજા-મહારાજાએ પહાડ પર કિલ્લા બાંધ્યા હતા જેથી તેમને દૂર દૂરથી દુશ્મનનું લશ્કર આવે તેની ખબર પડી જતી.

આપણે પ્લેનમાં ઉપર જઈએ તો પૃથ્વીથી ઊંચા જ ગયા કહેવાઈએ. માટે આપણી ક્ષિતિજ ઘણી વિસ્તરે છે. પૃથ્વી પર હોઈએ ત્યારે તે માત્ર સાડાચાર કે પોણાપાંચ કિલોમીટરની ત્રિજ્યાની હોય છે. એટલે કે નવ કે સાડાનવ કિલોમીટરના વ્યાસની હોય છે. તેથી આપણે પૃથ્વીનો નાનો વિસ્તાર જ જોઈ શકીએ છીએ. પૃથ્વીનો પરિઘ ૪૦,૦૦૦ કિલોમીટર છે તેમાંથી આપણે માત્ર તેને નવ કે સાડાનવ કિલોમીટરનો ભાગ જ જોઈ શકીએ છીએ. તેથી પૃથ્વી ગોળો હોવા છતાં આપણને સપાટ લાગે છે. જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ પૃથ્વીના ગોળાનો મોટો અને મોટો વિસ્તાર આપણે જોતા થઈએ છીએ અને હકીકતમાં તે ગોળ છે, તે ગોળો છે તેમ તેની વક્રતા આપણે જોઈ શકીએ છીએ. જેમ જેમ દૂર જઈએ તેમ તેમ આપણી ક્ષિતિજ વિસ્તરતી જાય છે અને તેના પરિપ્રેક્ષ્યમાં પૃથ્વી નાની નાની ગોળાકારની દેખાય છે. પૃથ્વી નાની થતી જતી નથી પણ આપણી ક્ષિતિજ વિસ્તરતી જાય છે અને તેના પરપ્રેક્ષ્યમાં પૃથ્વી નાની નાની થતી જાય છે. ખૂબ જ દૂર જઈએ તો તે રજકણ જેવડી દેખાય છે અને પછી તે દેખાતી પણ નથી.

તારા સૂર્ય જેવડા મોટા છે, પણ તે આપણાથી એટલા બધા દૂર છે કે તે પ્રકાશબિન્દુ જેવડા દેખાય છે. કોઈ પણ જ્ઞાનમાં કે કાર્યમાં આપણે ઊંચે અને ઊંચે જતા જઈએ તેમ તેમ આપણી ક્ષિતિજ વિસ્તરતી જાય છે. આપણા પ્રશ્ર્નો મોટા હોય પણ જો આપણે આપણી ક્ષિતિજ વિસ્તારીને વિરાટ બનીએ તો આપણા તે પ્રશ્ર્નો નાના થતા જાય છે. સામાન્ય માનવીને રૂપિયા ૧૦ લાખ આપવાના થાય તો તે હાયકારો અનુભવે છે, કારણ કે તેની ક્ષિતિજ નાણાકીય ક્ષેત્રે વિસ્તાર પામી નથી. તાતા, બિરલા કે અંબાણીને રૂ. ૧૦ લાખ દેવાના થાય તો તેને તે સામાન્ય છે, કારણ કે નાણાક્ષેત્રે તેની ક્ષિતિજ ખૂબ જ વિસ્તરેલી છે. આમ ક્ષિતિજમાંથી ઘણા સંદેશા પણ મળે છે.

આપણે બોરીવલીમાં હોઈએ તો આપણે આપણી નરી આંખે બોરીવલીની નાની દુનિયાને જોઈએ છીએ. કાંદિવલીમાં આવીએ ત્યારે કાંદિવલીની દુનિયાને જોઈએ છીએ. આમ પૃથ્વી પર જ નવ, સાડાનવ કિલોમીટરનો વ્યાસ ધરાવતી અલગ અલગ લાખો દુનિયા છે, ૪૫.૩૬ કરોડ દુનિયા છે. દુનિયાનો વિચાર જ મહાન છે. આપણી પોતાની એક દુનિયા છે. આપણા ઘરના માણસો સાથેના સંબંધોની એક દુનિયા છે. આપણા સગાં-વહાલાં, કુટુંબની, આપણે જ્યાં રહેતા હોઈએ તે સોસાયટી, ગલી, ગામ, રાજ્ય, દેશ અને દુનિયાની એટલે કે પૃથ્વીની અલગ અલગ દુનિયા છે. આપણું સૂર્યમંડળ કે આપણી મંદાકિની, આકાશગંગાની દુનિયા છે. દરેકે દરેકને પોતાની ક્ષિતિજ છે. આમ દુનિયામાં દુનિયા અને તેનામાં દુનિયાનું જટિલ ચિત્ર ખડું થાય છે.

આ દુનિયાઓમાં સૌથી મોટી દુનિયા આપણા બ્રહ્માંડની દુનિયા છે. તેનાથી વિશાળ કોઈ દુનિયા નથી. એ દુનિયાનો વ્યાસ લગભગ ૨૮ અબજ પ્રકાશવર્ષ છે. કિલોમીટરમાં તે ૨,૬૪,૯૦૮ અબજ કિલોમીટરનો થાય. આપણા બ્રહ્માંડની ક્ષિતિજ ખૂબ જ વિશાળ છે. વિશ્ર્વમાં આવા વિશાળ કેટલાંય બ્રહ્માંડ હોઈ શકે છે. આપણી પૃથ્વી પર ક્ષિતિજ કેટલે દૂર છે તેના સૂત્રની શોધ લેખકે કરી હતી. આપણા બ્રહ્માંડની ક્ષિતિજ કેટલે દૂર છે તેના સૂત્રની શોધ ઈડવીન હબલે ૧૯૨૦ના દાયકામાં કરી હતી. ક્ષિતિજ દુનિયાની સીમા (હદ) નક્કી કરે છે. મોટા માણસોની ક્ષિતિજ ખૂબ જ વિસ્તરેલી હોય છે.

ભારતીય શોધો બ્રહ્માંડને સમજવામાં પાયારૂપ -- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=136432

 બ્રહ્માંડને સમજવામાં ભારતીય વિદ્વાનોનું યોગદાન પાયારૂપ છે. ભારતીય ઋષિઓએ શોધેલાં ૧, ર, ૩...૯, ૧૦ આંકડા અને દશાંશ પદ્ધતિ ૧૦ર,૧૦૩... ૧/૧૦, ૧/૧૦૨.. અદ્ભુત છે. આ આંકડા ન હોત તો આ વિશાળ વિશ્ર્વને આપણે કેવી રીતે સમજી શકત?

બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


ભારતીયોએ શૂન્યની શોધ કરી છે. શૂન્ય પોતે કાંઈ જ નથી પણ બધાને કિંમત આપે છે. તે ભલભલાને નામશેષ કરે છે, અને ભલભલાને મહાન બનાવે છે. આ બ્રહ્માંડ શૂન્યનું જ વિસ્તૃત સ્વરૂપ છે. શૂન્યની અંદર બધું જ છે. તેની બહાર કાંઈ જ નથી. શૂન્યની દાર્શનિકતા જબ્બરદસ્ત છે. શૂન્યની શોધ ભારતીય તત્ત્વજ્ઞાનીઓ જ કરી શકે. માત્ર ગણિતશાસ્ત્ર જ નહીં પણ પૂરું વિજ્ઞાન શૂન્યની ફરતે જ રચાયું છે. કોમ્પ્યૂટર, ઓપરેટર, એલ્જિબ્રા, રિલેટિવિટી, ક્વોન્ટમ ફિઝિક્સ, મિકેનિક્સ, કે વિજ્ઞાનનું ગમે તે શાસ્ત્ર હોય તેનો આરંભ શૂન્યથી જ થાય છે. શૂન્ય દરેક વસ્તુનું ઉદ્ગમ સ્થાન છે. કોઈ પણ ક્રિયા શરૂ કરીએ તે શૂન્યથી જ શરૂ થાય છે. માપણીની શરૂઆત શૂન્યથી જ થાય છે. એટલું જ નહીં, પૂરાં બ્રહ્માંડની ઉત્પત્તિ પણ શૂન્યમાંથી થઈ છે. શૂન્યાવકાશ શબ્દનો અર્થ આ જ તો સૂચવે છે. vacuum વેક્યુમે-શૂન્યવકાશે પૂરા બ્રહ્માંડને ધરી રાખ્યું છે.

સરવાળા-બાદબાકીમાં શૂન્ય નિર્વિકાર છે. ગુણાકારમાં તે બધાને જ નામશેષ બનાવે છે, પણ ભાગાકારમાં તે તો ભગાતું નથી પણ જો ભૂલેચૂકે તેનાથી ભાગાકારની ચેષ્ટા કરવામાં આવે તો તે તેનું વિરાટ અસીમિત (infinite) રૂપ દર્શાવે છે. આમ શૂન્ય બ્રહ્માંડમાં પાયારૂપ છે.

બીજું જે બ્રહ્માંડમાં પાયારૂપ છે તે માપણી છે. મેઝરમેન્ટ છે. પૂરી જિંદગીમાં બધી જ વસ્તુ બ્રહ્માંડ શીખે માપણી જ કરે છે. આપણે મોટા થઈએ છીએ તેમાં વયની માપણી, આપણી ઊંચાઈની માપણી, આપણાં કપડાં, જોડાં, ઘરની, ખેતરની માપણી. આ માપણીની શરૂઆત તો શૂન્યથી જ થાય.

અંતરીક્ષની વ્યાખ્યા શું? અંતરીક્ષ ક્યારે ઉત્પન્ન થયું ગણાય? એક બિન્દુ અંતરીક્ષ ઉત્પન્ન કરી શકે નહીં. જ્યારે બે બિન્દુ ઉત્પન્ન થાય ત્યારે જ અંતરીક્ષ ઉત્પન્ન થયું ગણાય. હવે જ્યારે બે બિન્દુમાં ઉત્પન્ન થાય ત્યારે બે બિન્દુ વચ્ચેના અંતરની માપણીનો સવાલ ઉત્પન્ન થાય. બે બિન્દુ વચ્ચેના અંતરની માપણીનું સૂત્ર પ્રથમ આપનાર ભારતીય ઋષિ બૌધાયન હતા. બૌધાયને બે બિન્દુ વચ્ચેના અંતરને માપવાનું સૂત્ર આપ્યું. ર૦૦ વર્ષ પછી પાયથાગોરસે આ સૂત્ર આપ્યું. તેને આપણે બધા પાયથાગોરસ થીઅરમ (પ્રમેય) તરીકે જાણીએ છીએ. હકીકતમાં આ પ્રમેયને બૌધાયન પ્રમેય કહેવું જોઈએ અથવા બૌધાયન-પાયથાગોરસ પ્રમેય કહેવું જોઈએ. આ પ્રમેયના જનક તરીકે બૌધાયનને ક્રેડિટ આપવી જ ઘટે. એ પણ શક્ય છે કે પાયથાગોરસે બૌધાયનના સૂત્રને અને કાર્યને જાણ્યું હોય અને પછી લંબચોરસને બદલે કાટકોણ ત્રિકોણના રૂપે પ્રદર્શિત કર્યું હોય.

બે બિન્દુના અંતરને બંને બાજુ લંબાવીએ તો તે અસીમિત રેખા (infinite line ) બને છે. જે છેવટે રૈખિક પરિમાણ ઉત્પન્ન કરે છે. આ રીતે પરિમાણ ઉત્પન્ન થાય છે. એક પરિમાણનો વિચાર અસ્તિત્વમાં આવ્યો પછી બે પરિમાણનો વિચાર અસ્તિત્વમાં આવ્યો પછી ત્રણ અને ચાર પરિમાણના વિચારો અસ્તિત્વમાં આવ્યાં. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈને આપણે સમજી શક્યા અને આઈન્સ્ટાઈને પછી સમયને ચોથા પરિમાણ તરીકે લઈને બ્રહ્માંડના ગૂઢ રહસ્યને આપણને સમજાવ્યું. લેખકે પદાર્થ (mass)ને બ્રહ્માંડનુ પાંચમું પરિમાણ લઈને બ્રહ્માંડની વ્યાખ્યા કરી છે. બ્રહ્માંડના એક પરિમાણે આપણને લંબાઈ આપી, બે પરિમાણે ક્ષેત્રફળ આપ્યું, ત્રણ પરિમાણે ઘનફળ આપ્યું. ચાર પરિમાણે દર્શાવ્યું કે સમય છે ત્યાં અંતરીક્ષ છે જ અને અંતરીક્ષ છે ત્યાં સમય છે જ. વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની એકબીજાને કાટખૂણે કંપન છે જે પ્રકાશની ગતિની દિશાને કાટખૂણે છે. બ્રહ્માંડના ચોથા પરિમાણે એ પણ દર્શાવ્યું કે ઊર્જા અને પદાર્થ એકના એક જ છે. લેખકે ઊર્જા કે પદાર્થને બ્રહ્માંડનું પાંચમું પરિમાણ લઈ આઈન્સ્ટાઈનની થિયરીનું વિસ્તૃતીકરણ કર્યું છે. તેમાંથી નીકળતાં પરિણામો પર સંશોધન કરવું હજુ બાકી છે.

એક પરિમાણ પોતે જ અસીમિત છે. બે પરિમાણ આપણને બમણા અસીમિત બ્રહ્માંડનું આપણને દર્શન કરાવે છે. ત્રિ પરિમાણ આપણને ત્રમણા અસીમિત બ્રહ્માંડનું દર્શન કરાવે છે. બ્રહ્માંડનું ચોથું પરિમાણ આપણને અગોચરની દુનિયા દર્શાવે છે. ન દેખાય તેવું બ્રહ્માંડ દર્શાવે છે. હવે બ્રહ્માંડનું પાંચમુું પરિમાણ આપણને કેવું નવું બ્રહ્માંડ દર્શાવે છે તે જોવાનું રહે છે. આમ પરિમાણ આપણને અસીમિત દૃષ્ટિ આપે છે. જેમ જેમ પરિમાણ વધે તેમ તેમ આપણી દૃષ્ટિ અસીમિત રીતે વિસ્તૃત પામે છે. આપણી ક્ષિતિજ ખૂબ જ વિસ્તૃત પામતી જાય છે. આની શરૂઆત ભારતીય ઋષિ બૌધાયનથી થઈ છે તે નોંધવું જ રહ્યું. દેકાર્તે પછી કોર્ટેશિયન કોઓર્ડિનેટની દુનિયાની શોધ કરી. દેકાર્તનું સંદર્ભ માળખું (Cartesian frame of reference) અસ્તિત્વમાં આવ્યું જેમાં પૂરાં બ્રહ્માંડને આપણે પ્રદર્શિત કરી શકીએ છીએ. અસીમિત રેખા (infinte line)ને આપણેસીમિતતામાં(finiteness) જોઈ શકીએ છીએ. ગણિતશાસ્ત્ર infinite ને finite માં રજૂ કરી શકે છે. તે તેની મહાનતા છે. આ બધામાં ભારતીય વિદ્વાનોનું યોગદાન રહ્યું છે જે બ્રહ્માંડને સમજવામાં પાયારૂપ છે.

ભારતીય ઋષિઓએ શોધેલાં ૧, ર, ૩...૯, ૧૦ આંકડા અને દશાંશ પદ્ધતિ ૧૦ર,૧૦૩... ૧/૧૦, ૧/૧૦૨.. અદ્ભુત છે. આ આંકડા ન હોત તો આ વિશાળ વિશ્ર્વને આપણે કેવી રીતે સમજી શકત? આ વિશાળ સૂક્ષ્મ જગત, અણુ-પરમાણુ બેક્ટેરિયાનાં પરિમાણોને આપણે કેવી રીતે સમજી શકત? ભારતીયોની આ શોધને સન્માન આપતા આઈન્સ્ટાઈને કહેલું કે દુનિયા ભારતીયોની ખૂબ જ ઋણી છે જેમને દુનિયાને ગણતા શીખવ્યું. નહીં તો, વિજ્ઞાનમાં કોઈ મહાન શોધ થઈ જ ન હોત.

ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી સદીમાં પ્રભાસ પાટણમાં થઈ ગયેલા ઋષિ કણાદે અણુ-પરમાણુક્ષેત્રે ઘણી પાયાની શોધો કરી. તે દુનિયાના પ્રથમ અણુવિજ્ઞાની હતા. જ્યારે પૂરી દુનિયા અંધારયુગમાં જીવતી હતી ત્યારે ભારત-જ્ઞાન-વિજ્ઞાનની ચરમસીમા પર હતું.

૨૬૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા સુશ્રૂત મહાન તબીબ હતા અને સર્જરી કરતા હતા. તે જમાનામાં તેઓ પ્લાસ્ટિક સર્જરી કરતા હતા અને વિવિધ સર્જરી કરવાના વિવિધ પ્રકારનાં સાધનો (ઓજારો, ઉપકરણો) તેમણે શોધ્યાં હતાં. બીજી બાજુ ધન્વંતરી અને ચરક મહાન આયુર્વેદાચાર્ય હતા. દવા તરીકે વનસ્પતિના ગુણધર્મો તેઓ જાણતા હતા. મહાવીર સ્વામી મહાન વિજ્ઞાની હતા. તેઓ સચરાચરનો જીવંત માનતા અને વિનાકારણ પથ્થરને પણ ઠેસ ન મારવાનું કહેતા. પ્રાચીન સમયમાં જૈન મુનિઓએ ગણિતને ખૂબ જ આગળ વધાર્યું હતું. ગણિતને આત્મસાત કર્યું હતું. તેમને હવામાં સૂક્ષ્મ બેક્ટેરિયા છે તેની જાણ હતી અને પુદ્ગલ વિષે તેમનું જ્ઞાન અગાધ હતું.

ચાણક્યના અર્થશાસ્ત્રને અને જ્ઞાનશાસ્ત્રને આજ સુધી કોઈ અર્થશાસ્ત્રી કે રાજશાસ્ત્રી આંબી શક્યો નથી. પ્રામાણ ભારતીય વિદ્વાનોએ વિજ્ઞાનમાં અને ખગોળશાસ્ત્રમાં પણ ઉચ્ચ પ્રકારનું અને સૂક્ષ્મ પ્રકારનું યોગદાન આપ્યું છે જેના પર આજનું વિજ્ઞાન ખગોળવિજ્ઞાન ઊભું છે.
આર્યભટ્ટે x-૧=૦ કે ax+b=૦ એટલે x-૧ પણ હકીકતમાં x=૧ એ પૂરી અસીમિત રેખા છે જે y-axis (y-યાન) સમાંતર છે જે y-axis (y-યાન)થી એક મુજાર દૂર છે. આમ રૈખિક સમીકરણ શોધીને આર્યભટ્ટે રેખાની વ્યાખ્યા આપી. પછી પાછળથી રેખા માટે વિસ્તૃત રૈખિક સમીકરણ શોધાયું જે ax+by+c=0 છે. રૈખિક સમીકરણ કે રેખા ન્યુટનનો પ્રથમ નિયમ છે. જ્યાં સુધી પદાર્થ પર બહારથી બળ લાગે નહીં ત્યાં સુધી કાં તો તે સ્થિર અવસ્થામાં રહે છે, નહીં તો સીધીરેખામાં એક જ ઝડપથી ગતિ કરે છે. એટલે કે રેખા વસ્તુનો બળ ન લાગે તેવા ક્ષેત્રમાં માર્ગ છે. જેનું વસ્તુ પર બળ લાગે કે તરત જ તે તેના રેખા માર્ગમાંથી ચલિત થઈ વક્ર માર્ગ પકડે છે. વક્રમાર્ગ જેમાં કે x૨+y૨=4૨ y૨=4ax , x૨/a૨-y૨/b૨=૧ શોધવામાં પણ ભારતીય વિદ્વાનોનું મોટું યોગદાન રહ્યું છે. પાઈ એક સિમ્બોલ છે. તે નથી પૂર્ણાંક, નથી અપૂર્ણાંક, નથી વાસ્તવિક સંખ્યા, નથી અવાસ્તવિક સંખ્યા. તે વર્તુળનો પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર છે. બ્રહ્માંડમાં અને તેથી વિજ્ઞાનમાં તે જગ્યાએ જગ્યાએ દેખાય છે માટે તેનું મૂલ્ય જાણવું બહુ જરૂરી છે. આર્યભટે તેનું ઘણું સાચું મૂલ્ય શોધ્યું. બ્રહ્મગુપ્તે શૂન્યના ગુણધર્મો તારવ્યા, ઋણ સંખ્યા શોધી, કોઈ પણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ, શોધ્યું અને x૨-a૨=૦ પ્રકારના દ્વિઘાત સમીકરણના ઉકેલો શોધ્યા. તેમને x૨+a૨=૦ પ્રકારનાં સમીકરણ મળ્યા હતા, પણ તેના ઉકેલ શોધી ન શકાય તેમ કહી તેમને તેને બાજુએ મૂકી દીધાં. જો તેમણે એક ગાણિતિક સ્કીમ વાપરી હોત તો તેઓએ સાતમી સદીમાં જ કાલ્પનિક સંખ્યા (complex number, imaginary numbers) શોધી કાઢી હોત. ભાસ્કરાચાર્યે વિસ્તૃત દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધ્યો, કેલ્ક્યુલેસને તેના પ્રાથમિક સ્વરૂપમાં શોધ્યું, પરગ્યુટેશન કોમ્બિનેશનની શોધ કરી અને છેવટે દર્શાવ્યું કે પૃથ્વીમાં આકર્ષણબળ છે જેનાથી તે બધી વસ્તુને આકર્ષે છે. માટે વસ્તુ પૃથ્વી પર પડતી માલૂમ પડે છે. કેરળની ગણિતશાસ્ત્રની શાળાએ પણ ગણિતશાસ્ત્રમાં મોટું યોગદાન આપ્યું છે. આમ ભારતીય વિજ્ઞાનોએ બ્રહ્માંડને સમજાવવામાં અને સમજવામાં જબ્બર એટલે કહી શકાય કે ભારત બ્રહ્માંડના પાયામાં છે. ભારતીય વિદ્વાનોએ બ્રહ્માંડના તત્ત્વજ્ઞાનમાં પણ મોટું યોગદાન આપ્યું છે. 

કલ નૂમાઇશ મેં મિલા થા ચીથડે પહને હુએ… હમને પૂછા જો નામ, બોલા – હિન્દુસ્તાન હૈ… ! Jay Vasavada

http://planetjv.wordpress.com/


કલ નૂમાઇશ મેં મિલા થા ચીથડે પહને હુએ… હમને પૂછા જો નામ, બોલા – હિન્દુસ્તાન હૈ… !

15 Aug
India_by_Slickers03
કેટલા વખતે દેશમાં સવાર ઉઠીને સાંભળવાનું મન થાય અને આગળ કાગળ રાખ્યા વિના બોલી શકે એવા લીડરને લાલ કિલ્લા પરથી સાંભળવાનો આનંદ થયો. મોદીસાહેબનાં ફ્યુચર વિઝન અંગે ગુજરાતીઓને કોઈ શંકા હોઈ જ ના શકે, સવાલ એમના સપના સાકાર કરવા માટે પ્રજા +તંત્ર કેટલા તૈયાર છે એ જ છે. પણ આજે એમણે હજુ હમણાં જ મેં મારી કોલમમાં બે જુદા જુદા લેખોમાં અને મારા વરાછા બેન્કના તાજેતરની આર્થિક નીતિના પ્રવચનોમાં કરી એ વાત એમણે પણ ભારપૂર્વક કરી, એટલે ફરી એક વખત “રિઝોનન્સ”નો આનંદ થયો ! ( મને મોદી ગમે છે એનું મુખ્ય કારણ એ જ છે કે મને ગમતા કેટલાય વિચારોનું હું એમનામાં પ્રતિબિંબ જોઈ શકું છું ) એ વાત “MAKE IN INDIA” ની પ્રોડકટીવિટી વધારવાની. તો એ સાંભળી છેક ૨૦૦૮નો મારો આ લેખ યાદ આવી ગયો, જે ઝટ જુનો થાય એમ નથી. કારણ કે, આજે ય વોટ્સએપનાં ફોરવર્ડમાં આવે છે અને કહેવાતા “જાણીતા શિક્ષણવિદ” દીનાનાથ બત્રાનાં હાસ્યાસ્પદ નીવડેલા પુસ્તકોમાં પણ આ જ કોઈ રિસર્ચ વિના આ જ ગપ્પાબાજીની ગોખણપટ્ટી વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે ! આટલું સ્પષ્ટ મારા લેખમાં સત્ય ‘અનાવૃત’ થયેલું હોવા છતાં ગુજરાતના ભૂલકણાઓ પણ આ ભૂલી જાય છે. “સત્યમેવ જયતે”નું રાષ્ટ્રીય ઋષિસૂત્ર જો સિદ્ધ કરવું હોય તો અજ્ઞાનનાં અંધારા ઉલેચવા પણ આ બ્લોગપોસ્ટની લિંક મેક્ઝિમમ લોકોને મેસેજ કે કોઈ પણ માધ્યમે ફોરવર્ડ કરવા નમ્ર અપીલ છે. સચ્ચાઈની દવા જરાક કડવી લાગશે, પણ દેશની તબિયત રાંકડીમાંથી ફાંકડી કરવી હોય, તો લીમડાનો ઉકાળો સ્વાસ્થ્યવર્ધક નીવડે લાંબા ગાળે !
*****************
૧૫ ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરી ઢૂકડી આવે કે ઇન્ટરનેટ પર તિરંગા અક્ષરે ટાઈપ થયેલો એક મેઇલ કૂદાકૂદ થવા લાગે છે. ‘ફેક્ટસ ટુ મેઇક એવરી ઇન્ડિયન’ પ્રાઉડ ! ચાલો, જરા ઉં…ડો શ્વાસ લઇને છાતી ફુલાવો વાંચો !
હ્યુલેટ પેકાર્ડના જનરલ મેનેજર કોણ છે ? રાજીવ ગુપ્તા. પેન્ટિયમ ચીપના ક્રિએટર કોણ છે ? વિનોદ દામ. દુનિયાના ટોચના અબજપતિમાં કોણ આવે છે ? મુકેશ અંબાણી અને અઝીમ પ્રેમજી. એટી એન્ડ ટી અને બેલ લેબ.ના પ્રેસિડેન્ટ કોણ છે ? અરૂણ નેત્રાવલી. વિન્ડોઝ ૨૦૦૦ના ‘એમટીડી’ માઇક્રોસોફ્‌ટ ટેસ્ટિંગ ડાયરેકટર કોણ હતા ? સંજય તેજવિર્કા સીટીબેન્ક અને સ્ટેમ્ચાર્ટના સીઇઓ કોણ છે ? વિકટર મેન્ઝીસ, રાણા તલવાર. પેપ્સીના સીઈઓ કોણ છે ? ઇન્દ્રા નુઈ.

અમેરિકાના ૩૮% ડોક્ટર્સ ભારતીયો છે. ૧૨% વિજ્ઞાનીઓ પણ ભારતીય મૂળના છે. ‘નાસા’ જેવી પ્રતિષ્ઠિત વિજ્ઞાન સંસ્થાના ૩૬% વિજ્ઞાનીઓ હિન્દુસ્તાની છે ? નંબર વન સોફ્‌ટવેર કંપની માઇક્રોસોફ્‌ટના ૩૪ % કર્મચારીઓ ભારતીય છે. આઈબીએમ, ઇન્ટેલ, ઝેરોકમ જેવી કંપનીમાં ૨૮%, ૧૭ % અને ૧૩% ભારતીયો છે.
આનંદમ્‌ ? તાલીયાં ? ચાલો હવે શ્વાસ છોડો. છાતી સંકોચો. માથું ઝૂકાવીને આગળ વાંચો.

માર્ચ ૨૦૦૮માં ભારતીય રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં માનવ સંસાધન રાજ્યવિકાસ મંત્રી પુરન્દેશ્વરીએ આ જ ઇમેઇલ ‘ફિગર્સ’ને પોતાના જવાબમાં ટાંક્યા. (ઘણા ભાષણભડવીરો તો છૂટથી એ ફેંકીને તાળીયો ઉઘરાવતા ફરે છે !) અને ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના અનુભવી પત્રકાર ચિદાનંદ રાજદ્યટ્ટાએ સંસદ જેવી અધિકૃત સંસ્થામાં (માઇક ઉપરાંત) ચાલતી ગપ્પાઓની ફેકાંફેંકી અંગે જાહેર પડકાર ફેંક્યો.
૨૦૦૩માં બિલ ગેટ્‌સનો જ્યારે એમણે ઇન્ટરવ્યૂ કર્યો હતો, ત્યારે એક સવાલના જવાબમાં ખુદ બિલ ગેટસે (ભારતની શુભેચ્છા મુલાકાત પર હોવા છતાં) કહ્યું હતું કે માઇક્રોસોફ્‌ટમાં ભારતીયો હોવા અંગેનો આ આંકડો સાચો નથી. એમણે ૩૦ % જેટલા ભારતીયો હોવાની વાત જ હસી કાઢી હતી. એટલું કહ્યું હતું કે કંપનીના એન્જીનીયરિંગ સેકશનમાં (રિપિટ, એન્જીનીયરિંગ વિભાગમાં… કંપનીમાં નહિ) વઘુમાં વઘુ ૨૦% ભારતીયો હોઈ શકે ! ‘નાસા’માં કામ કરતા ભારતીયો જ એટલું તો સ્વીકારે છે કે અહીં વઘુમાં વઘુ ૪થી ૫ (હા, ચારથી પાંઆઆઆચ !) ટકા ભારતીયો છે !
એકચ્યુઅલી, અમેરિકામાં રંગભેદ સામેના પ્રબળ આક્રોશને લીધે વિરાટ, પ્રતિષ્ઠિત કોર્પોરેશનમાં કર્મચારીઓની ‘એથેનિક’ (વંશ/જાતિ/મૂળ કે કૂળ)ના આધારે નોંધણી કરવાની નીતિ જ નથી હોતી ! એટલે સત્તાવાર આવી વિગતો મળે નહિ, અને બિનસત્તાવાર આવા આંકડાઓ પ્રગટ કરતા હોઈ અધિકૃત સર્વેક્ષણો થયા જ નથી ! (ઇમેઇલ તો ભારતીયો જ વાંચીને પોરસાવાના છે, એમાં સોર્સ કે ઓથેન્ટિસિટીની ચિંતા કરવાની આદત જ ક્યાં છે !)
વાત રહી અમેરિકામાં રહેલા ભારતીય ડૉક્ટરોની. (બાય ધ વે, ભારતની આરોગ્ય સુવિધા પર આપણે પોરસાવું જોઇએ કે અમેરિકન ડોક્ટર ઉપર ?) ‘ધ એસોસિએશન ઓફ અમેરિકન ફિઝીશ્યન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન’ (એએપીઆઈ)માં ૪૨,૦૦૦ જેટલા મેમ્બર્સ છે. (જેમાં પંદરેક હજાર મેડિકલ સ્ટુડન્ટસ છે) ૨૦૦૪ના સત્તાવાર અંદાજ મુજબ અમેરિકામાં સાડા આઠ લાખ ડોક્ટર્સ હતા. માટે ૧૦ %થી વઘુ ભારતીય મૂળના હોવાનો સવાલ જ નથી થતો ! (મુદ્દાની વાત તો એ છે કે અમેરિકાની કુલ વસતિમાં ભારતીયો જ પૂરા ૧ % પણ નથી !)
શોબાઝી એ નવરાઘૂપ ભારતીયોનો ફેવરિટ પાસટાઈમ છે. એટલે સ્તો ભારતીય નાગરિક પણ ન રહ્યા હોય એવા કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ અહીં રાતોરાત નેશનલ સેલિબ્રિટી બની જાય છે ! આઝાદી પછીના પાંચ નોબલ પ્રાઈઝ વિનર ભારતીયોમાં અમર્ત્ય સેન અને વિદ્યાધર નાયપોલ ભારતમાં રહેતા નથી. (નાયપોલ તો ભારતમાં જન્મ્યા પણ નથી) મધર ટેરેસા ભારતીય હતા નહિ. અને ડૉ. હરગોવિંદ ખુરાના તથાસુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર ( અને લેટેસ્ટ વેંકટરામન રામક્રિશનન પણ !) અમેરિકન સિટિઝન બની ચૂક્યા હતા ! (એટલે સ્તો રિસર્ચ કરી શક્યા !)

આ લેખના આરંભે લખેલા સીઇઓના નામો પણ સાચા હોય કે ખોટા તેનાથી કશો ફેર નથી પડતો. કારણ કે, એ લોકો ઇન્ડિયન નેશનલ્સ તરીકે નહિ, પણ ફોરેન સિટિઝન્સ તરીકે જે તે કંપનીમાં કામ કરીને તરક્કી કરે છે. એમના સંતાનો પણ વિદેશી નાગરિકત્વ ધરાવે છે. અને એ કંપનીઓના સ્થાપક, આર્ષદ્રષ્ટા કે માલિકો નથી. વિદેશી કંપનીઓની નીતિરીતિ મુજબ વર્તનારા કર્મચારીઓ છે. (ભારતમાં તો એ પોતાની સ્વતંત્ર દુકાન નાખવા ગયા હોત, ત્યાં જ વૃઘ્ધ થઇને સ્વધામ પહોંચી ગયા હોત !)

ફિલ્મી ડાયલોગથી લઇને નુક્કડ પરની બેઠકોમાં ‘ઇન્ડિયા રાઇઝિંગ’થી પોરસાનારા આવા ફુલણજીઓની કમી નથી. લોકો કહે છે, આ છે એક મહાન દેશ જેણે છેલ્લા ૧૦૦૦ વર્ષથી કોઈના પર આક્રમણ કર્યું નથી ! લો બોલો ! આ મહાનતાનો પુરાવો છે ? આ તો કાયરતાનો નમૂનો છે ! વાતવાતમાં ભારતમાં શોધાયેલા શૂન્યથી થયેલી ડિજીટલ ક્રાંતિની, પુષ્પક વિમાનની, નાલંદા-તક્ષશિલા વિદ્યાપીઠોની ચર્ચા થાય છે. કોમ્પ્યુટરમાં સૌથી વઘુ યોગ્ય ‘ભાષા’ (એટલે ટાઇપીંગની નહિ, સોફ્‌ટવેરની) સંસ્કૃત હોવાના નારાઓ ફુંકાય છે. ‘નવગતિ’ સંસ્કૃત શબ્દ પરથી જ ‘નેવીગેશન’ અંગ્રેજીમાં શબ્દ આવ્યો હોવાનું કહેવાય છે બીજગણિત, ભૂમિતિ, કલનગણિત, ત્રિકોણમિતિ, દ્વિધાત સમીકરણ બઘું ભારતીય ૠષિઓની શોધ હોવાના દાવાઓ થાય છે. સુશ્રુતે વાઢકાપની અને ભારતે શતરંજની શોધ કરી હોવાનું કહેવાય છે. મહાન પ્રાચીન વારસાના ઐતિહાસીક તથ્યો ઉજાગર કરાય છે. ‘સોને કી ચિડિયા’ હિન્દુસ્તાનના ખજાનાના દસ્તાવેજો વંચાય છે !
એવરીથિંગ ઇઝ પાસ્ટ ! વ્હેર ઇઝ ધ પ્રેઝન્ટ ? આ બધી જ વાતોને લાંબા શાસ્ત્રાર્થ વિના સ્વીકારી લો, તો પણ એ બધો ભૂતકાળ છે. વર્તમાન કે ભવિષ્ય નહિ ! વીર દાદાજીના ફોટા સામે દીવો કરવાથી કે હાર પહેરાવવાથી પૌત્ર બહાદુર યોઘ્ધો બની જશે ? એણે તો શૂરવીરતા મેદાનમાં આજે ઉતરીને, હરીફોને હંફાવીને સાબિત કરવી પડશે ! શૂન્ય કે ગણિતના સિઘ્ધાંતો ભારતે શોઘ્યા, પણ રોજબરોજના જીવનમાં એમાંથી સગવડદાયી આવિષ્કારો કરવાનો ઉદ્યમ કોણે કર્યો ? વિદ્યા પુસ્તકોમાં શોભતી નથી, એનો અમલ કરનારને ફળે છે ! સમંદરપાર જાય તો ‘ધરમ’ ભ્રષ્ટ થઇ જાય એવું માનવાવાળાઓના દેશને વાસ્કોડી ગામા ગુલામ બનાવવાનો પાયો નાખે, ત્યારે નેવિગેશન શબ્દના નામે હરખાવાથી શું મળે ? સંસ્કૃત શ્રાવણ મહિનામાં ય કોઈ ભારતમાં એક પાનું વાંચતું નથી, અને કોમ્પ્યુટર ક્રાંતિ એના વિના જ દિન દુગની, રાત ચૌગુની વધતી જાય છે. પુષ્પકની વાર્તાઓ આયાતી બોઇંગ અને એરબસમાં ટ્રાવેલ કરતા-કરતાં વાંચવામાં સારો ટાઈમપાસ થાય છે.
ઓનર ધ પાસ્ટ, ઇમેજીન ધ ફ્‌યુચર. વીતી ગયેલી વાતને ચોક્કસ બિરદાવો, આદર આપો. પણ એની પટ્ટીઓ આંખે બાંધી લેવાથી આવતીકાલ અંધકારમય થઇ જવાની છે ! ‘મેરા ભારત મહાન’ (એ ‘સૌ મેં સે અસ્સી બેઇમાન’ કોણ બોલ્યું ? ચૂઉઉઉપ !) ના મલ્ટીકલર ડ્રીમ્સ પૂરા થયા પછી આંખો ચોળતા ચોળતા આઝાદીના ૬૧ વર્ષે આ સવાલો બાવળિયાના કાંટાની જેમ મગજમાં ભોંકાવા જોઇએ ! વારતહેવારે, આપણી મમરા જેવડી એચિવમેન્ટસને આપણે મોદક જેવડી કરીને કાખલીઓ કૂટીએ છીએ, ત્યારે જરાક સીમાડા વટાવીને આસપાસ નજર તો નાખો !
ના, અમેરિકાને મૂકો તડકે. સ્વીડનની વસતિ ૯૦ લાખની છે. મતલબ, મુંબઇ મહાનગરની વસતિ એનાથી વઘુ છે અને જગતના કેટકેટલા ક્ષેત્રોમાં સ્વીડન છવાઈ ગયું છે ? ઓટોમોબાઈલમાં વોલ્વો, હાઉસહોલ્ડમાં ઇલેક્ટ્રોલક્સ અને આઇકિયા, મોબાઈલમાં ( લાંબા સમય સુધી રાજ કરનાર) એરિકસન, બોલબેરિંગમાં એસકેએફ… જગતના કોઈ પણ ખૂણે જાવ તો આ સ્વીડિશ બ્રાન્ડનેમના સિક્કા પડે છે ! ભારત પાસે ગ્લોબલી રેકેગ્નાઇઝડ (એન્ડ સોલ્ડ) બ્રાન્ડેડ પ્રોડક્ટસ આજે કેટલી છે ? સ્વીડનના કેટલા સ્ટોરમાં ભારતના બિસ્કિટ, સીડી પ્લેયર, ફોન કે કાર પાછળ પાગલ કસ્ટમર્સ આવે છે ? અને હા, જગતની ૯૦% કરન્સી નોટસનો સ્પેશ્યલ પેયર સ્વીડનમાં બને છે !
સાઉથ કોરિયા,ડેન્માર્ક, જર્મની, કોરિયા, તાઈવાન, નેધરલેન્ડ… કેટકેટલા નાનકડા દેશો ઇકોનોમિક સુપરપાવર છે ! આપણે મહેનતકશ હોવાની વાતો કરીએ કરીએ છીએ. પણ આપણું વર્ક કલ્ચર ગોસિપ કલ્ચર છે. ટુરિસ્ટ તરીકે નહિ, વિઝિટર તરીકે નાના-નાના યુરોપિયન દેશોમાં જાવ તો ય ‘હાર્ડ વર્ક ડિસિપ્લીન’ શું એ ખબર પડી જશે ! હોંગકોંગથી દુબઈ સુધીના અંગૂઠા જેવડા એશિયન દેશો પણ એમાંથી શીખી ગયા છે, પણ આ ભવ્ય ભાતીગળ ભારત ઠોઠ નિશાળિયો જ રહ્યું છે !
આપણે ત્યાં ભાગ્યે જ ‘નોલેજ ડોમેઇન’ ઇન્ડસ્ટ્રીઝ છે. બધા જ શોર્ટકટવાળાઓ છે. લાગવગ અને ઓળખાણવાળા જગ્યા કરી લે છે. વિદેશમાં યુનિવર્સિટીઝ મિલિયન ડોલર ટર્નઓવર કરે છે. વિરાટ કંપનીઓની પ્રોડક્ટસનું ભવિષ્ય યુનિવર્સિટીઝના ક્લાસરૂમ્સ અને લેબોરેટરીઝમાં ઘડાય છે ! અહીં અમેરિકામાં મંદી આવે એટલે ઉલ્લૂના પઠ્ઠાઓની જેમ ભારતીયો મોજમાં આવી જાય છે ! છેક સ્વામી વિવેકાનંદના જમાનાથી આપણે આ ભૌતિકવાદી દેશોના ખતમ થવાનું કાઉન્ટડાઉન ગણીએ છીએ, પણ ત્યાં તો વિશ્વયુઘ્ધો છતાં કાંકરી યે હલતી નથી !
અમેરિકા-યુરોપમાં મંદી આવશે, તો આઉટસોર્સિંગના પૈસા કોણ ચૂકવશે ? ફોરેન કેપિટલ પર તો ભારતીય શેરબજારના સેન્સેક્સને તંદુરસ્તીની લાલી ફુટતી હોય છે ! આપણે ત્યાં ખર્ચના સાધનો વધે છે, આવકના સાધનો એ પ્રમાણમાં વધે છે ખરા ? અને જગતની નજર ભારત પર ‘ગ્રેટ ટેલન્ટ’ તરીકે નથી. ‘ચીપ લેબર’ તરીકે છે !
૨૧મી સદીમાં મહાન બનવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સતત અપગ્રેડ કરવું પડે ! અહીં અંગ્રેજોના ટપાલ-રેલવે-પોલિસ-કોર્ટના માળખાને સુધારવાની વાત દૂર, આપણે સડાવી નાખ્યું છે ! વિશ્વમાં એ દેશ પ્રગતિ કરે છે, જ્યાં જ્ઞાનીઓ, દોલતમંદો અને પ્રતિભાશાળીઓ પૂજાય છે. અહીં દરિદ્રનારાયણની સાદગીનું સ્વપ્નીલ ઘેન ઉતરતું નથી. આળસુ પરોપજીવી બગાઇઓ જેવા બાવાબાપુ સાઘુઓ પૂજાતા રહે છે. શ્રીમંતાઈની કદર કરવાને બદલે ઇર્ષા થાય છે ! અને પાયાની વાત. એજ્યુકેશન સ્કૂલથી કોલેજ સુધીનું શિક્ષણ ક્રિએટીવિટી, ઇનોવેશન, ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ માટે ચાવીરૂપ બનવું જોઇએ. ગોખણપટ્ટીની ઉલટી માટે નહિ ! આપણે ‘નોલેજ કેપિટલ’ નહિ, પણ શિક્ષણથી ‘ચીપ વર્કફોર્સ’ બનાવીએ છીએ ! અઘુરામાં પુરું અનામતથી ખદબદતી બાબુશાહી અને તીનપાટિયાં લપોડશંખોથી ઉભરાતું પોલિટિક્સ.
આંખો આંજી દે એવા બૈજીંગ ઓલિમ્પિકના દમામદાર ઉદ્ઘાટન સમારંભનો ઠસ્સો જોઇને રાજીપા સાથે રૂદનની લાગણી થાય છે. માઇક પર બરાડા પાડવાથી જગતને મહાન સંસ્કૃતિનો પરિચય નથી થતો. જે રીતે ઓલિમ્પિકના ઉદ્ઘાટનમાં ચીને શાનથી, દબદબાથી, ગ્લેમરસ સ્ટાઇલથી અને આઘુનિક મૌલિકતાથી પોતાના કલ્ચરનું પેકેજીંગ અને માર્કેટિંગ કર્યું, એ જોઇને હરામ હાડકાના ભૂતકાળપ્રેમી વાતોડિયા હિન્દુસ્તાનીઓએ ધડો લેવો જોઇએ ! બાય ધ વે, સ્વાતંત્ર્ય દિન કે ગોવિંદા મટકીફોડના ઢોલત્રાંસામાં વિચારજો… ‘ઇન્ડિયા ધ ગ્રેટ’નો ઓલિમ્પિકમાં કેટલો ટેરર છે ? આપણા રમતવીરોની તાકાતથી કેટલા ટચૂકડા દેશો ફફડી ઉઠે છે ?
(શીર્ષક : દુષ્યંતકુમાર )

જિનેટિકલી મોડિફાઇડ પદાર્થો આહારને ઝેરી બનાવી દેશે -- સ્પોટ લાઈટ - સંજય વોરા

બજારમાં બીટી શાકભાજી આવતાં થશે ત્યારે સામાન્ય શાકભાજી સાથેની ભેળસેળને કારણે જેઓ બીટી શાકભાજીથી બચવા માગતા હશે તેઓ પણ બચી શકશે નહીં


સ્પોટ લાઈટ - સંજય વોરા


કેન્દ્ર સરકારની જિનેટિકલ એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટીએ ૧૫ પ્રકારનાં જિનેટિકલી મોડિફાઇડ (જીએમ) બિયારણોની ફિલ્ડ ટ્રાયલની પરવાનગી આપી તેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. અત્યાર સુધી માત્ર બીટી કોટનના બીજનું ઉત્પાદન કરવાની જ પરવાનગી આપવામાં આવી હતી. કપાસનો ઉપયોગ ખાદ્ય પદાર્થ તરીકે કરવામાં આવતો નથી તો પણ તેનો દેશભરમાંથી ઉગ્ર વિરોધ થયો હતો. બીટી બિયારણમાં એક ઝેરી બેક્ટેરિયાના જીન્સ ભેળવવામાં આવે છે, જેને કારણે છોડ ઝેરી બની જતો હોવાથી તેને જંતુનાશક દવાઓની જરૂર ઓછી પડે છે, એવું કહેવાય છે. પરંતુ આ ઝેરી બેક્ટેરિયાને કારણે આખો છોડ ઝેરી બની જાય છે. અગાઉ કેન્દ્ર સરકારે બીટી રીંગણાનાં બિયારણનું વેચાણ કરવાની પરવાનગી આપી તેનો પ્રચંડ વિરોધ થયો તેને પગલે આ પરવાનગી રદ કરવાની સરકારને ફરજ પડી હતી. હવે ટૂંક સમયમાં બીટી ચોખા, બીટી ભીંડા અને બીટી કોબીજ બજારમાં લાવવાની તૈયારીઓ મલ્ટીનેશનલ કંપનીઓ કરી રહી છે. જ્યારે બજારમાં બીટી શાકભાજી આવતાં થશે ત્યારે તેની સાધારણ ખાદ્યપદાર્થો સાથે ભેળસેળ થઇ જશે. તેને કારણે જેઓ બીટી અનાજ અને બીટી શાકભાજીથી બચવા માગતા હશે તેઓ પણ બચી શકશે નહીં.

એક સમયે આપણા દેશની શાકાહારી પ્રજા સમક્ષ એવો ખતરો હતો કે પિપરમીન્ટ, ચોકલેટ, બિસ્કિટ વગેરેમાં માંસાહારી પદાર્થોની ભેળસેળ કરવામાં આવી હોય તો તેને ખ્યાલ જ ન આવે અને તે અજાણતા જ માંસાહારનું સેવન કરતી થઇ જાય. હવે મેનકા ગાંધીની જહેમતને પરિણામે કેન્દ્ર સરકારે કાયદો કરી દરેક ખાદ્ય પદાર્થના પેકેટ ઉપર તે શાકાહારી છે કે માંસાહારી તેનો સ્પષ્ટ નિર્દેશ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો ઉત્પાદકો પૂરતી ઇમાનદારી દાખવી આ સૂચનાનું પાલન કરે તો શાકાહારીઓ સાથે વર્ષોથી ચાલતી છેતરપિંડીનો અંત આવશે, પણ જિનેટિક એન્જિનિયરિંગની શોધોને કારણે હવે એક નવી જ મોંકાણ ઊભી થઇ છે. જિનેટિકલી મોડિફાઇડ બિયારણોનું ઉત્પાદન કરતી કંપનીઓને જો ભારતમાં મોકળું મેદાન આપવામાં આવશે તો ટૂંક સમયમાં એવી પરિસ્થિતિ સર્જાશે કે આપણે બજારમાંથી જે ટમેટાં ખરીદીશું તેમાં મરઘીના જનીનની ભેળસેળ કરવામાં આવી હશે અને ઘઉંમાં બકરાંના જીન્સ ભેળવવામાં આવ્યા હશે. આવી કંપારી છૂટે તેવી સ્થિતિ ટૂંક સમયમાં વાસ્તવિકતા બની જાય તો નવાઇ નહીં પામતા.

સૃષ્ટીના કોઇ પણ જીવંત પ્રાણીના જનીનમાં ફેરફારો કરી એક જીવના કોષમાં બીજા જીવના જનીનો દાખલ કરવાની વિદ્યાને જિનેટિક એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. જિનેટિક એન્જિનિયરિંગની વિદ્યા હવે પ્રયોગશાળાઓ અને વિજ્ઞાનીઓ પૂરતી મર્યાદિત નથી રહી પણ અનેક મલ્ટીનેશનલ કંપનીઓ આ વિદ્યાનો ઉપયોગ કરી તગડો નફો રળવા મેદાને પડી છે. આ કંપનીઓનું ધ્યેય માનવજાતનું કલ્યાણ કરવાનું નથી પણ માનવજાતના આરોગ્ય અને સુખાકારીના ભોગે પણ નફો રળવાનું છે, એટલે જિનેટિક એન્જિનિયરિંગની વિદ્યા ખતરનાક પુરવાર થઇ શકે છે. આ વિદ્યાના ઉપયોગથી અમેરિકાના વિજ્ઞાનીઓએ સોયાબીનમાં માછલીના જનીનની ભેળસેળ કરી હતી. અમેરિકાની પ્રજાએ આ સોયાબીનનો વિરોધ કર્યો એટલે ત્યાંની સરકારે આવા દસ લાખ ટન સોયાબીનની ભારતમાં નિકાસ કરી દીધી. આ સોયાબીનમાં માછલીના જીન્સ ભેળવ્યા હોવા ઉપરાંત તેમાં આરોગ્યને નુકસાન કરે તેવા ગુણધર્મો પણ હોવાની સંભાવના હતી. જે શાકાહારીઓએ આ સોયાબીન ખાધા તેમને તો સ્વપ્નેય કલ્પના નહીં હોય કે તેઓ પોતાના પેટમાં માછલીનું માંસ પધરાવી રહ્યા છે. અમેરિકાની કંપનીઓ તો બાયોટેક્નોલોજીના વેપારમાંથી એટલો બધો નફો રળવા લાગી છે કે સરકારે આવી કંપનીઓ માટે અન્ન સલામતીના અનેક નિયમો ઢીલા મૂકી દીધા છે. અમેરિકામાં આ કંપનીઓ જીનેટિકલી મોડિફાઇડ ખાદ્ય પદાર્થો અને દવાઓનો વર્ષે ૫૦,૦૦૦ કરોડ ડૉલરનો ધંધો કરતી હોવાનું માનવામાં આવે છે. બ્રિટનમાં પણ જીએમ ખાદ્યપદાર્થો લોકોને વેચવા દેવા કે નહીં એ બાબતમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે. બ્રિટનની સંસદમાં થોડા સમય અગાઉ મજૂર પક્ષના એક સંસદસભ્યએ એવો આક્ષેપ કર્યો હતો કે જીએમ ફૂડ ખાવાને કારણે કુલ ૫,૦૦૦ લોકોને ઝેરી વિષાણુઓનો ચેપ લાગ્યો હતો, જેમાંથી ૩૭નાં મોત થયાં હતાં અને ૧,૫૦૦ બીમાર પડી ગયા હતા.

ભારતમાં જે મોન્સાન્ટો કંપનીને કારણે કપાસ ઉગાડનારા ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે, તેણે બ્રિટનમાં કરેલાં પરાક્રમો પણ જાણવા જેવાં છે. બ્રિટનની લિન્કનશાયર નામની કાઉન્ટીમાં મોન્સાન્ટો કંપનીને જીએમ રાઇના બિયારણ ઉપર પ્રયોગો કરવાની શરતી છૂટ આપવામાં આવી હતી. આ કરારમાં એક એવી શરત હતી કે જીએમ બિયારણની પરાગરજ બાજુના ખેતરોના રાઇના પાકમાં ન પ્રવેશી જાય તે માટે બે ખેતરો વચ્ચે આડશો ઊભી કરવી જોઇએ. મોન્સાન્ટોની મથરાવટી મેલી હતી અને તેણે આડશો ઊભી ન કરી એટલે બીજા છોડને તેનો ચેપ લાગી ગયો. આ કારણે બ્રિટનના હેલ્થ એન્ડ સેફ્ટી ખાતાએ જ મોન્સાન્ટો કંપની સામે લિંકનશાયરના મેજીસ્ટ્રેટની અદાલતમાં કેસ કર્યો છે. જો આ આરોપ પુરવાર થાય તો મોન્સાન્ટોએ ૧૫ લાખ રૂપિયા જેટલો દંડ ભરવો પડશે. આપણા દેશમાં તો આવા પ્રયોગોના ભયસ્થાનો વિશે એટલું બધું અજ્ઞાન છે કે મોન્સાન્ટોની આના કરતા મોટી ગેરરીતિઓ પણ ખ્યાલમાં ન આવે. દાખલા તરીકે ગુજરાત સરકારે મોન્સાન્ટોને રાજ્યની ૧૨,૦૦૦ હેક્ટર જમીનમાં જ પ્રાયોગિક ધોરણે બીટી કપાસના વાવેતરની છૂટ આપી હતી. મોન્સાન્ટોએ સરકારી છૂટના હાલહવાલ કરી કુલ ૧૮,૦૦૦ હેક્ટર જમીનમાં બીટી કપાસનું વાવેતર કરી નાખ્યું તો પણ સરકારે તેની સામે કોઇ પગલાં લીધાં હોવાનું જાણમાં નથી. બ્રિટનમાં મોન્સાન્ટો કંપનીએ સાદા સોયાબીન સાથે જીએમ સોયાબીનની ભેળસેળ કરી તેના પેકેટો વેચાણ માટે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં આપી દીધા હતા. આ વાતની જાણ થતા સુપરમાર્કેટોના માલિકો પણ મોન્સાન્ટો કંપની ઉપર ખફા થયા છે. લંડનના ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’ દૈનિકનો સર્વે કહે છે કે બ્રિટનના ૫૧ ટકા લોકો જીએમ ફૂડનો વિરોધ કરતા થયા છે.

જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા જોખમી રસીના વિષાણુઓ આપણા શરીરમાં ઘૂસાડી દેવા માટે અમુક કંપનીઓ ભેદી યોજના તૈયાર કરી રહી છે. બોયસ થોમ્પ્સન નામની વિદેશી ફાર્માસ્યુટીકલ કંપનીએ તૈયાર કરેલી યોજના મુજબ કેળાના જનીનમાં ફેરફાર કરીને તેમાં હેપેટાઇટિસ-બીના વિષાણુ ઘૂસાડી દેવામાં આવશે. આ કેળાં ખાનારને ખબર પણ નહીં પડે કે તેના શરીરમાં કોઇ અજાણ્યા વિષાણુઓનો પ્રવેશ થઇ રહ્યો છે. આ પ્રકારની કાર્યપદ્ધતિ દ્વારા અનેક નૈતિક પ્રશ્ર્નો પેદા થાય છે. શું ઉપભોક્તાને જાણ જ કર્યા વિના તેના શરીરમાં અજાણ્યા સજીવ પદાર્થો ઘૂસાડી દેવાની કોઇને પણ છૂટ આપી શકાય ખરી? આપણા દેશમાં આ બાબતમાં કોઇ કાયદાઓ અસ્તિત્ત્વ ધરાવતા નથી, જેનો ભરપૂર લાભ આજે મલ્ટીનેશનલ કંપનીઓ ઉઠાવી રહી છે.

જિનેટિકલ એન્જિનિયરિંગના પુરસ્કર્તાઓ કેવા અવનવા તુક્કાઓ લડાવે છે, એ જાણીને ઘણીવાર અચરજ થયા વિના રહેતું નથી. થોડા સમય અગાઉ બેબી ફૂડ બનાવતી એક મલ્ટીનેશનલ કંપનીએ માતાના દૂધના અમુક જીન્સ લઇ તેની ભેળસેળ ભેંસના દૂધ સાથે કરી હતી. તેમનો ઇરાદો ભેંસનાં આ જિનેટિકલી મોડિફાઇડ દૂધનો પ્રચાર માતાના દૂધના વિકલ્પ તરીકે કરવાનો હતો, પણ નિસર્ગપ્રેમીઓના વિરોધને કારણે આ યોજના અભરાઇ પર ચડાવી દેવી પડી હતી. જિનેટિકલી મોડિફાઇડ ખાદ્યપદાર્થોના વિરોધીઓ એવો આગ્રહ રાખી રહ્યા છે કે બજારમાં આવા પદાર્થો વેચવાની છૂટ આપવામાં આવે તો પણ તેના ઉપર તે મતલબનું સ્પષ્ટ લેબલ મારેલું હોવું જોઇએ જેથી ગ્રાહકોને પસંદગીનો અવકાશ મળે અને તેઓ અજાણતા જ આવા કોઇ પદાર્થો પોતાના પેટમાં ન પધરાવી દે. ઉત્પાદકો એવી દલીલો કરી રહ્યા છે કે ખેતરના સ્તરે જ આવા પદાર્થો સાથે સામાન્ય પદાર્થો ભળી જવાની સંભાવના છે, માટે લેબલિંગ શક્ય નથી. ઉત્પાદકોની આ દલીલ પોકળ છે. હકીકતમાં તેમને એવો ડર છે કે જો લેબલ મારવામાં આવશે તો લોકો આવા પદાર્થો ખરીદશે જ નહીં. ઓસ્ટ્રીયા અને લક્ઝેમ્બર્ગ જેવા દેશોમાં તો જિનેટિકલી મોડિફાઇડ પદાર્થોના ઉત્પાદન અને વેચાણ ઉપર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોર્વેમાં આવા પદાર્થો યોગ્ય લેબલ સાથે જ વેચી શકાય છે. જોકે બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં પ્રજાના સતત વિરોધ છતાં લેબલ મારવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું નથી.

જીએમ પદાર્થોના વિરોધીઓની મુખ્ય દલીલ એવી છે કે કુદરતે જે દરેક સજીવોની રચના કરી છે, તેની પાછળ ચોક્ક્સ ગણિત અને સિદ્ધાંતો કામ કરી રહ્યા છે. મનુષ્ય પોતાની ટૂંકી અને સ્વાર્થી બુદ્ધિથી આ રચનામાં મનઘડંત ફેરફારો કરશે તો સૃષ્ટિનું આખું તંત્ર જ ખોરવાઇ જશે. જિનેટિકલ એન્જિનિયરિંગને જો છૂટો દોર આપવામાં આવ્યો તો ટૂંક સમયમાં આપણી પૃથ્વી ઉપર એવા બેઘાઘંટ્ટુ સજીવો જોવા મળશે, જેની આપણે કલ્પના પણ કરી ન હોય. એક જ ઉદાહરણ જોઇએ તો અમેરિકામાં અત્યારે ડુક્કરના શરીરમાં માનવના જનીન ભેળવવાના પ્રયોગો ચાલી રહ્યા છે, જેને પરિણામે માનવોના અમુક ગુણધર્મો ધરાવતા ડુક્કરો પેદા થશે. કોઇ ભેજાગેપ વિજ્ઞાની માણસના જનીનમાં ડુક્કરના જનીનની ભેળસેળ કરી ડુક્કરનાં લક્ષણો ધરાવતા માણસો પેદા કરશે તો સમાજની શું હાલત થશે ?

બ્રહ્માંડ વિરાટનો હિંડોળો જ છે --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=135587

આ બ્રહ્માંડરૂપી હિંડોળો ફળો, ફૂલો, પ્રાણીઓ, પંખીઓથી શણગારાયેલો છે. તે લયબદ્ધ ચાલે છે. હિંડોળામાં લય હોય છે, એ જ લયથી આ બ્રહ્માંડ ચાલે છે. હિંડોળેથી જે ઊતરી જાય તે કાયમી ઊતરી જાય છે.

બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

હાલમાં શ્રાવણ માસ ચાલે છે. શ્રીકૃષ્ણના મંદિરમાં હિંડોળાનો ઉત્સવ ઊજવવામાં આવે છે. આ ઉત્સવ બ્રહ્માંડ વિરાટનો હિંડોળો છે, તે સૂચવવા ઊજવવામાં આવે છે. વિરાટ એટલે ઈશ્ર્વર, વિશ્ર્વરૂપ દર્શન દેખાડનાર ઈશ્ર્વર. આ સકળ બ્રહ્માંડ ઈશ્ર્વરનું સ્વરૂપ છે અને આ બ્રહ્માંડ વિરાટનો હિંડોળો છે, આપણે બધા વિરાટના હિંડોળે હીંચકા ખાઈએ છીએ, જો આ હીંચકો ચાલે નહીં તો બધું અસ્તિત્વ નષ્ટ પામે. આપણા ઋષિ-મુનિઓનું બ્રહ્માંડ વિષેનું તત્ત્વજ્ઞાન બહુ ઉચ્ચતમ હતું. તેઓ જોઈ શકતા હતા કે આ બ્રહ્માંડ વિરાટનો હિંડોળો જ છે અને તેના સિવાય બીજું કશું જ નથી. માટે જ તેઓએ મંદિરમાં હિંડોળાની પ્રથા શરૂ કરી અને સામાન્ય લોકોને બ્રહ્માંડની સમજ આપવા પ્રયત્ન કરેલો, પણ ઘણા લોકોને આ વિરાટના હિંડોળાના તત્ત્વજ્ઞાનની સમજ નથી. 

આ બ્રહ્માંડરૂપી હિંડોળો ફળો, ફૂલો, પ્રાણીઓ, પંખીઓથી શણગારાયેલો છે. તે લયબદ્ધ ચાલે છે. હિંડોળામાં લય હોય છે, એ જ લયથી આ બ્રહ્માંડ ચાલે છે. હિંડોળેથી જે ઊતરી જાય તે કાયમી ઊતરી જાય છે. બ્રહ્માંડનો લય જ બ્રહ્માંડનું ચાલકબળ છે. જો હિંડોળામાં અરાજકતા ઉત્પન્ન થાય તો તેનો લય ખતમ થઈ જાય છે અને બધું છિન્ન-ભિન્ન થઈ જાય છે. 

હિંડોળો ચાલે તેમાં તે ઊંચે હોય છે, પછી તે નીચે ઊતરે છે. ઊંચે છે તેને નીચે આવવું જ પડે છે અને જે નીચે છે તે ઉપર જાય જ છે. જીવનમાં ચડતી-પડતી થયા જ કરે છે, સર્જન અને વિસર્જન થયા જ કરે છે. આ ચડતી-પડતીની ક્રિયા પણ લયબદ્ધ જ હોય છે. રાત થાય છે પછી દિવસ થવાનો જ છે, સૂર્યાસ્ત થાય છે પછી સૂર્યોદય થવાનો જ છે. આ કુદરતનો લય છે. 

પૈડું બ્રહ્માંડના આ હિંડોળાનું જ રૂપ છે. તેનું બિન્દુ ઉપર જાય છે પછી તેને નીચે આવવું જ પડે છે.આ જ ચક્ર આકાશમાં ચંદ્ર અને સૂર્યના વિહારને લાગુ પડે છે. તેમાંથી જ સુદ આઠમ, પૂનમ, વળી પાછી વદ આઠમ અને અમાસ, વર્ષ બધાનો જન્મ થયો છે. આ બધાં વિરાટના હિંડોળાના દ્યોતક છે. બ્રહ્માંડમાં ક્યાં ચક્રગતિ નથી? ચક્રગતિ એ ઊર્જાના એક્સચેન્જને દર્શાવે છે. બ્રહ્માંડમાં જે ઊર્જાને આદાન-પ્રદાન (એક્સચેઈન્જ) ચાલે છે તે વિરાટના હિંડોળાનું પ્રતીક છે. ચક્ર જ પૂરા બ્રહ્માંડને ચલાવે છે અને તે જ વિરાટનો હિંડોળો.

બાળકોને ઝૂલે ઝૂલવા દેવા જોઈએ. તો જ તેમને બ્રહ્માંડના ડાયનામિક્સની ખબર પડે. ફજેત ફાટકુ (Marry-go-round) લ્યો કે ચગડોળ (Giant wheel) લ્યો તે વિારટના હિંડોળાનો જ અહેસાસ કરાવે છે.

એટમમાંround નાભિ-પ્રોટોનની ફરતે જે ઈલેક્ટ્રોન પરિક્રમા કરે છે તે હિંડોળે જ હીંચે છે. ઘડિયાળનું લોલક વિરાટ હિંડોળાનું જ પ્રતીક છે જે સમયને દર્શાવે છે. સમય હિંડોળાના રૂપે જ મપાય છે. ગ્રહો જે સૂર્યની પરિક્રમા કરે છે કે ઉપગ્રહો પોતપોતાની ગ્રહની પરિક્રમા કરે છે તે વિરાટના હિંડોળાના જ દર્શન કરાવે છે. બ્રહ્માંડમાં જન્મ-મરણનું ચક્ર વિરાટના હિંડોળાનો જ અહેસાસ કરાવે છે.

બ્રહ્માંડ વિરાટનો હિંડોળો છે તેની વધારે સાબિતી જોઈતી હોય તો પ્રકાશ છે. પ્રકાશ હકીકતમાં તરંગો છે. તરંગો એટલે ચક્રગતિ, તરંગો એટલે ઝૂલો. એ પછી પ્રકાશના તરંગો હોય કે અવાજનાં. આ પૂરું બ્રહ્માંડ વિદ્યુત-ચુંબકીય તરંગોથી ભરેલું છે. બ્રહ્માંડમાં ચક્રો ચાલ્યા જ કરે છે, હિંડોળા ચાલ્યા જ કરે છે. તે બધાં સુપ્રીમ હિંડોળાનું જ પરાવર્તન કરે છે. બધે જ નૃત્ય ચાલ્યા કરે છે. આ નૃત્ય હિંડોળો જ છે. તેનો લય વિરાટના હિંડોળાનો જ લય છે. બાળકનું ઘોડિયું વિરાટના હિંડોળાને જ પ્રદર્શિત કરે છે. હિંડોળો આનંદનું સ્વરૂપ છે. હિંડોળે ચઢો એટલે તમે જ્ઞાન-લય-તત્ત્વજ્ઞાનના ઝૂલે ઝૂલવા લાગો છો, તમે વિચારોની એક નવી દુનિયામાં જ ચાલ્યા જાવ છો. ઘણા લોકોને ઝૂલે ઝૂલવું ખૂબ જ ગમે છે, કારણ કે તે દિવ્યતાનો દ્યોતક છે. લગભગ બધાના જ ઘરે ઝૂલો હોય છે. બગીચામાં ઝૂલા હોય છે. લોકો ઝૂલાનું તત્ત્વજ્ઞાન જાણતા હોય કે નહીં પણ ઝૂલે ઝૂલવાનો આનંદ તો માણે જ છે. ઝૂલે ઝૂલીએ તો વિરાટના હિંડોળો ઝૂલતા હોઈએ એવો આનંદ આવે છે. પૂજ્ય મોરારીબાપુને ઝૂલે ઝૂલવાનો બહુ જ શોખ છે. તેઓ જ્યારે કથા કરતા હોય ત્યારે તો તે વિરાટના હિંડોળે જ ઝૂલતા હોય છે. માટે જ મોરારીબાપુ, મોરારીબાપુ છે. 

લય એ જ ઝૂલો. રાતે તારાની ટમટમાહટનો લય, પૂરા બ્રહ્માંડમાં ચાલતા સંગીતનો લય, તરંગો એટલે જ સંગીત, સંગીત એટલે લય. નરસિંહ મહેતાએ સુન્દર ગાયું છે. બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. લટકા એટલે લય. નટરાજનું નૃત્ય પણ વિરાટનો હિંડોળો જ છે. જ્ઞાન અને વિજ્ઞાન વિરાટના હિંડોળાના લય પર જ ચાલે છે. સત્ય, વિરાટના હિંડોળાનો લય છે. બ્રહ્માંડમાં જેટલી ક્રિયાઓ ચાલે છે તે બ્રહ્માંડના હિંડોળાનાં લયને જ પ્રદર્શિત કરે છે. મહાસાગરનાં ઊછળતાં મોજાં બ્રહ્માંડના વિરાટ હિંડોળામાંથી નીકળતી ગર્જના છે. વસ્તુમાં દેખાતી સુડોળતા (symmetry) એ લયનો જ પ્રકાર છે. વિરાટના હિંડોળાનો મૂક લય એટલે સુડોળતા. ગીત-સંગીત એ જ લયનું પરાવર્તન કરે છે. બે માનવી વચ્ચેનો સંબંધ એ જ લયનું પ્રતીક છે. પ્રેમ એ લયનું અમૂર્ત સ્વરૂપ છે. પ્રેમ હોય તો જ લય જન્મે છે. લય જ વિરાટનો હિંડોળો છે. 

વિરાટના હિંડોળાની દોરી કઈ? તો કહે ઊર્જા. ઊર્જા વિરાટના હિંડોળાની દોરી છે, દોરી વડે ઊર્જા અપાય તો જ ઝૂલો ચાલે, હિંડોળો ચાલે. છેવટે ઊર્જા જ બ્રહ્માંડ રૂપી વિરાટ હિંડોળાને લયબદ્ધ ઝૂલાવે છે. રાસ, ગરબા અને શ્રીકૃષ્ણે રચેલો રાસ તે જ બ્રહ્માંડનો વિરાટ હિંડોળો. 

બ્રહ્માંડના વિરાટ હિંડોળાનું તત્ત્વજ્ઞાન બહુ ઊંડું છે. તેનું સ્થૂળ સ્વરૂપ પણ છે, તેનું સૂક્ષ્મ સ્વરૂપ છે અને તેનું અમૂર્ત સ્વરૂપ પણ છે. પવનની લહેરખી વિરાટના હિંડોળાનું આનંદ સ્વરૂપ છે જ્યારે ચક્રવાત તેનું ક્રોધાયમાન સ્વરૂપ છે. વૃક્ષો પવનના વાહકો છે માટે વિરાટના હિંડોળાનું તાદાત્મ્યરૂપ છે. રોમે-રોમમાં આનંદ તે વિરાટના હિંડોળાનું લય સ્વરૂપ છે. 

મંત્રો, કવિતા લયબદ્ધ હોય છે. માટે વિરાટના હિંડોળાને તે પ્રદર્શિત કરે છે. ધરતીકંપના તરંગો હોય છે. તરંગો એટલે હિંડોળો. ધરતીકંપ પૂરી પૃથ્વીને હિંડોળે ઝુલાવે છે. ધરતીકંપ તો માત્ર કુદરતી ક્રિયા છે પણ આપણે બનાવેલાં તકલાદી મકાનો પડી જાય છે અને પૃથ્વી પર મોતનું તાંડવ દેખાય છે. ધરતીકંપ બ્રહ્માંડના વિરાટ હિંડોળાનું જ સ્વરૂપ છે. સૂર્ય પોતે ધબકારા મારે છે. તે રણક્યા કરે છે. તે બ્રહ્માંડના હિંડોળાનું જ સ્વરૂપ છે. જીવંત વસ્તુના શરીરમાં ચાલતા ધબકારા વિરાટના હિંડોળાના અસ્તિત્વને દર્શાવે છે. હૃદયરૂપી લયબદ્ધ ચાલતો હિંડોળો બંધ થઈ જાય તો તે બ્રહ્માંડના વિરાટ હિંડોળામાં ભળી જાય છે. ઊર્જા પોતે તરંગો છે માટે વિરાટનો હિંડોળો જ છે. 

બ્રહ્માંડરૂપી વિરાટ હિંડોળાના તત્ત્વજ્ઞાનને હવે વિજ્ઞાન સમજાવી શકે છે. જ્યાં સુધી જ્ઞાન અમૂર્ત રહે ત્યાં સુધી તત્ત્વજ્ઞાન મૂર્ત થાય પછી તે વિજ્ઞાન બની જાય છે. માનવીનો કે વસ્તુનો પડછાયો શીખે બ્રહ્માંડરૂપી વિરાટ હિંડોળાનું જ સ્વરૂપ છે, કેમ કે તે નિયમાનુસાર નાનો મોટો થાય છે. ઋતુઓ જે બદલાય છે અને તહેવારો આવે છે તે પણ ઝૂલાની જેમ જ આંદોલન કરે છે. લોકો કે બધા જ પ્રકારનું જીવન આ બ્રહ્માંડરૂપી વિરાટ હિંડોળા પર સવાર થઈ જાય છે. થોડુંક દરરોજ ચઢે છે તો બીજું ઊતરે છે. પણ સમયની સાથે સતત આ વિરાટનો હિંડોળો ચાલ્યા જ કરે છે. વિરાટના હિંડોળાની ગતિવિધિનું નામ જ સમય છે. આપણું શરીર પોતે જ બ્રહ્માંડના વિરાટ હિંડોળાને પ્રદર્શિત કરે છે, કારણ કે તે શ્ર્વાસોચ્છ્વાસ કરે છે અને તે રિધમમાં છે. હાઈ કે લો બ્લડપ્રેશર આ હિંડોળાના લયને ક્ષતિ પમાડે છે.

Thursday, August 14, 2014

અજબ મંદાકિનીની ગજબ રચના --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=117203


વિસ્તાર ૩ લાખ પ્રકાશવર્ષ છે અને તેમાં ૫૦૦ અબજ તારા છે


બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

સત્તરમી સદીના પ્રારંભે ગેલિલિયોએ પોતાનું નાનું દૂરબીન બનાવી રાતે આકાશ તરફ માંડ્યું. ગેલિલિયોએ પોતાનું દૂરબીન આકાશમાં તાક્યું તે પહેલા જર્મન ઓપ્ટિશિયનો તેનો ઉપયોગ દિવસે દૂર દૂરની વસ્તુ જોવા કરતાં અથવા દૂર દૂરના ઘરમાં કે પડોશીના ઘરમાં શું ચાલી રહ્યું છે, તે ઘર કેવું છે તે જોવા કરતાં અને સાંજ પડે એટલે તેને પેટીમાં પેક કરી મૂકી દેતાં. ગેલિલિયો વિજ્ઞાની હતો. તેને તદ્દન ઉંધું જ કર્યું. રાતે પેટી ખોલી દૂરબીન કાઢ્યું અને રાત્રિ આકાશ તરફ તાક્યું.

ગેલિલિયોએ તેનું દૂરબીન આકાશગંગાના દિવ્ય શુભ્ર પટ્ટા પર તાક્યું. તે પટ્ટાને દૂધગંગા અથવા દૂધિયો પટ્ટો કહેવામાં આવતો. આપણા દેશમાં તેને આકાશમાં વહેતી ગંગા કહેતા. ગેલિલિયોએ તેના નાના દૂરબીનથી દુધિયા પટ્ટાનો અભ્યાસ કરીને દર્શાવ્યું કે તે કોઈ દુધિયો પટ્ટો નથી પણ તારાથી ખીચોખીચ ભરેલાં ક્ષેત્રો છે. તેને પછી ઝવય ખશહસુ ૂફુ ૠફહફડ્ઢુ નામ આપવામાં આવ્યું. આપણે તેને આકાશગંગા મંદાકિની કહીએ છીએ.

અઢારમી સદીના અંતમાં સર વિલિયમ હર્ષલે આકાશગંગા મંદાકિનીનું મેપીંગ કરવાનું શરૂ કર્યું એટલે કે તારા ગણવાનું અને આકાશગંગાનો આકાર કેવો છે તે જાણવા પ્રયત્ન કરવાનું શરૂ કર્યું. પ્રાચીન સમયમાં એમ મનાતું કે પૃથ્વી વિશ્ર્વના કેન્દ્રમાં છે, પછી મનાતું કે સૂર્ય વિશ્ર્વના કેન્દ્રમાં છે, પછી મનાતું કે સૂર્ય આકાશગંગા મંદાકિનીના કેન્દ્રમાં છે, પછી મનાતું કે આકાશગંગા જ વિશ્ર્વ છે. પછી ખબર પડી કે આપણો સૂર્ય આકાશગંગા મંદાકિનીના કેન્દ્રમાં નથી પણ તેના કેન્દ્રથી ૩૨૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે.

જેમ જેમ ખગોળવિજ્ઞાન આગળ વધ્યું તેમ તેમ ખબર પડી કે આપણી આકાશગંગાનો દેખાતો વિસ્તાર એક લાખ પ્રકાશવર્ષ છે અને તેમાં ૧૦૦ અબજ તારા છે. હાલમાં માલૂમ પડ્યું છે કે આકાશગંગાનો વિસ્તાર ૩ લાખ પ્રકાશવર્ષ છે અને તેમાં ૫૦૦ અબજ તારા છે. આકાશમાં દેખાતા નક્ષત્રો, રાશિઓ, તારકસમૂહ બધાં જ આકાશગંગાના છે. લાલ, પીળા, સફેદ, વાદળી રંગના તારા દેખાય છે તે રંગો તારાની સપાટી પરનાં ઉષ્ણતામાનના દ્યોતક છે અને તેની વય પ્રદર્શિત કરે છે. લાલ તારા વૃદ્ધ તારા છે, પીળા તારા મધ્યમ વયના તારા છે અને સફેદ અને બ્લૂ (વાદળી) રંગના તારા યુવાન તારા છે.

આપણી આકાશગંગા મંદાકિનીનો આકાર પંજાબી પૂરી જેવો છે, તેનું કેન્દ્ર ઝળહળાટ પ્રકાશે છે એટલું તો તે પ્રકાશિત છે કે કોઈ સીમા નહીં. ખગોળવિદો કહે છે કે આકાશગંગાના કેન્દ્રમાં અબજો સૂર્યના પદાર્થવાળું બ્લેકહોલ છે અને તે જ મંદાકિનીને ગુરુત્વાકર્ષણ શક્તિ આપે છે.

આકાશગંગા મંદાકિનીના કેન્દ્રમાં શું છે તે જોઈ શકાતું નથી. આકાશગંગાના કેન્દ્રથી દશ પ્રકાશવર્ષ સુધીમાં ડોકિયું કરી શકાતું નથી. સૂર્યની આકાશગંગાના કેન્દ્રની ફરતે પ્રદક્ષિણા કરવાની કક્ષાની અંતર્ગત આકાશગંગાનો પ્રદેશ તારાથી ખીચોખીચ ભરેલો છે. ત્યાં સૌથી પ્રથમ જન્મેલાં તારા છે. એ બધા તારા સૂર્યના મોટાભાઈઓ છે. મંદાકિનીને સર્પિલભૂજાઓ છે. એક સર્પિલ ભૂજામાં સૂર્ય છે. 

સૂર્યને મંદાકિનીના કેન્દ્રની ફરતે પરિક્રમા કરતાં ૨૫ કરોડ વર્ષ લાગે છે. આપણી પાસે ૧૦,૦૦૦ વર્ષનો ઈતિહાસ નથી. આકાશગંગા જન્મી ત્યારથી માંડીને હાલ સુધીમાં સૂર્યે આકાશગંગાની માત્ર ૧૮ પરિક્રમા કરી છે. આકાશગંગામાં સો-સો, બસો-બસો પ્રકાશવર્ષ સુધી પથરાયેલાં વિરાટ અતિવિરાટ મોલેક્યુલર અને આયોનાઈઝડ વાયુ અને રજકણોનાં વાદળો છે. જ્યારે સૂર્ય મંદાકિનીના કેન્દ્રની પરિક્રમા કરતાં કરતાં આવા વાયુના વાદળોમાંથી પસાર થાય છે ત્યારે પૃથ્વી પર હિમયુગ આવે છે. પૃથ્વી પર રોગો પણ ફેલાય છે અને પૃથ્વીના વાયુમંડળમાં પણ ફેરફાર થાય છે. કદાચ જીવનના બીજ આ વાયુનાં વાદળોનાં પદાર્થમાંથી પૃથ્વી પર આવ્યા હોય. મંદાકિનીમાં જ્યાં પણ દૂરબીન માંડો ત્યાં જીવનરસની હાજરી નજરે ચઢે છે.

કોઈ પણ મંદાકિની લો. તેની રચના મધપૂડા જેવી છે, તેમાં ખાના ખાના (કમ્પાર્ટમેન્ટ્સ) છે. દરેક નાના-મોટા ખાનામાં એક એક તારો અને તેના ગ્રહમંડળો વસે છે. તારા માટેના આ ખાનાનો વિસ્તાર તારો મંદાકિનીના કેન્દ્રથી કેટલો દૂર છે અને તે પોતે કેટલો ભારે છે તેના પર છે, જેમ શહેરમાં બિલ્ડિંગો હોય, ફલેટો હોય અને તેમાં સામાન્ય શહેરીજનોનાં ફેમિલી વસતા હોય તેવું ચિત્ર છે. આપણી સૂર્યમાળામાં પણ દરેકે દરેક ગ્રહોને રહેવાના ફલેટો છે જ્યાં તેઓ તેમની ઉપગ્રહમાળા સાથે રહે છે.

આકાશગંગા મંદાકિની તેની નજીકની અને પોતાની સેટેલાઈટ ગેલેક્ષી (ઉપ-મંદાકિની) લાર્જ મેગેલેનીક કલાઉડને પોતાના પ્રચંડ ગુરુત્વાકર્ષણથી છિન્ન-વિછિન્ન કરતી જાય છે. તેના લીરા કાઢે છે. તેને પોતાની તરફ ખેંચે છે. તેમાંથી પદાર્થ ખેંચે છે. તેને લાંબી-રીબીન બનાવી નાખે છે. મિલ્કી છે અને મોટા મેગેલેન વાદળ વચ્ચે જાણે બ્રીજ બન્યો હોય, રામસેતુ બ્રીજ બન્યો હોય તેમ દેખાય છે. તે મેગેલેનના વાદળમાં રહેલા તારાને ફટાકડાની જેમ ફૂટવા મજબૂર કરે છે.

તાજેતરમાં ગઈઆ-ઈસો (ૠફશફ-ઊતજ્ઞ) પ્રકલ્પની અંતર્ગત મિલી સ્થિત ૮-મીટરના વિશાળ દૂરબીનની મદદથી આંતરરાષ્ટ્રીય ખગોળવિદોની એક ટીમે આકાશગંગાનો અભ્યાસ હાથ ધર્યો હતો. તેઓએ શોધી કાઢ્યું છે કે મંદાકિની ફરતે અલગ અલગ ઝોન છે અને મંદાકિનીના કેન્દ્રની નજીક તારા સૌ પ્રથમ જન્મ્યા હતા અને જેમ જેમ બહારની બાજુએ જતા જઈએ તેમ તેમ તારા પાછળથી જન્મ્યા હતાં. મિલ્કી વે વિષેના આ સંશોધનમાં પ્રોફેસર ગેરી ગિલ્મોર જે પ્રોજેક્ટના મુખ્ય ખગોળવિદ છે. મારીઆ બર્ગમન જે કેમ્બ્રિજની ઈન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોનોમી સાથે જોડાયેલ છે, આલ્ડો સેરેનેટની જે બાર્સેલોનાની ઈન્સ્ટ્ટિયૂટ ઓફ સ્પેશ સાયન્સ સાથે જોડાયેલા છે વગેરે ખગોળવિદો જોડાયેલાં છે.

આ ખગોળવિદોએ શોધી કાઢ્યું છે કે ૮ અબજ વર્ષની નીચેના વયના તારા તેમની વય ગમે તેટલી ઓછી વધતી હોય બધામાં ધાતુઓનું પ્રમાણ લગભગ સરખું જ હોય છે. આનાથી વધારે વયના તારામાં ધાતુઓ નહીવત્ પ્રમાણમાં જ હોય છે. પણ આ બંને પ્રકારના તારા પૂરી મંદાકિનીમાં પથરાયેલાં છે. અહીં આપણને વય અને તારાની ઘનતાનો સંબંધ દેખાય છે. હવે વિજ્ઞાનીઓ આકાશગંગા મંદાકિનીને વધારે સમજતા થયાં છે. આકાશગંગાના કેન્દ્રની નજીક ભારે ધાતુઓ ભરેલાં તારા છે. દૂર ઓછી ધાતુ ભરેલા તારા છે. મંદાકિનીના કેન્દ્ર નજીક વહેલા જન્મેલા તારા છે. જ્યારે દૂર નવા જન્મેલા તારા છે. આમ આપણી મંદાકિનીનો પદ્ધતિસરનો અભ્યાસ શરૂ થયો છે તે મંદાકિનીના નહીં સમજાયેલા રહસ્યોને છતાં કરશે.

વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો હાનિકારક છે --- સ્પોટ લાઈટ - સંજય વોરા

  જે સ્મારકને ‘વર્લ્ડ હેરિટેજ’ની યાદીમાં મૂકવામાં આવે છે તેની માલિકી સ્થાનિક પ્રજાના હાથમાંથી ઝૂંટવાઇ જાય છે

સ્પોટ લાઈટ - સંજય વોરા

સંયુક્ત રાષ્ટ્રસંઘની યુનેસ્કો નામની પેટા સંસ્થાએ મુંબઈના વિક્ટોરિયા ટર્મિનસને અને ગુજરાતના ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી એટલે પ્રાચીન સંસ્કૃતિના ચાહકો આનંદમાં આવી ગયા હતા. યુનેસ્કો તરફથી આ પ્રકારનું બિરુદ બહુ ઓછાં જ પ્રાચીન સ્મારકોને મળે છે, એટલે આ ખૂબ જ ઉચ્ચ કક્ષાનું ગૌરવ માનવામાં આવે છે. કોઈ પણ સ્મારકને યુનેસ્કો તરફથી આ રીતે માન્યતા પ્રાપ્ત થાય એટલે હરખપદૂડા થઈ જવાની જરાય જરૂર નથી. આ પ્રકારનો દરજ્જો મળ્યા પછી હકીકતમાં આ સ્મારકને ફાયદો થવાને બદલે નુકસાન જ વધુ થાય છે. આપણી પ્રજાની એવી માનસિકતા છે કે વિદેશીઓ જેને માન્યતા આપે તે જ મહાન કહેવાય. નોબેલ પારિતોષિક તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કવીવર રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું તે અગાઉ પણ તેઓ ઉત્તમ કાવ્યો લખતા જ હતા. નોબેલ પારિતોષિક મળવાથી ભારતીયોમાં પણ તેમનું માન વધી ગયું. આવું શા માટે? વિદેશીઓ જે ચીજને બિરદાવે તેને આપણે પણ બિરદાવવા લાગવું તે એક પ્રકારની માનસિક ગુલામી જ છે. અને નોબેલ પારિતોષિક હંમેશાં ગુણવત્તાના ધોરણે જ અપાય છે, એવું પણ નથી. ભારતના લોકો જેને રાષ્ટ્રપિતા ગણે છે તે ગાંધીજીને આ પારિતોષિક ન મળ્યું અને ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા આવેલાં મધર ટેરેસાને આ ઈનામ મળી ગયું એટલે તેમને ગાંધીજી કરતાં પણ મહાન માની લેવાનાં?

વિદેશીઓ તરફથી આપણી સંસ્કૃતિની કે પરંપરાની કોઈ પણ ચીજને વધુ પડતું મહત્ત્વ આપવામાં આવે ત્યારે આપણે હરખાઈ જવાને બદલે સાવચેત થઈ જવું જોઈએ. આ વાત યુનેસ્કો દ્વારા આપવામાં આવતા વર્લ્ડ હેરિટેજ સાઈટના ખિતાબને પણ લાગુ પડે છે. ભારતનાં ૨૬ સ્મારકોને અને વિશ્ર્વનાં કુલ ૭૮૮ સ્મારકોને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. અહીં સર્વપ્રથમ વાંધો અમને વર્લ્ડ હેરિટેજ શબ્દ સામે છે. આગ્રાનો તાજમહાલ કે અજંટાની ગુફાઓ તે ભારત નામના રાષ્ટ્રની પ્રજાની મૂડી છે. આ મૂડીને વર્લ્ડ હેરિટેજ તરીકે ઘોષિત કરવાથી તે વિશ્ર્વની અને વિશ્ર્વ વતી યુનોની કે યુનેસ્કોની મૂડી બની જાય છે. એટલે જે સ્મારક વર્લ્ડ હેરિટેજ બને તે દેશની પ્રજાનો અધિકાર તેના ઉપરથી ઝૂંટવાઈ જાય છે. આ વાત બરાબર સમજવી પડશે.

આપણા દેશમાં પ્રાચીન સ્મારકોની જાળવણી માટે પુરાતત્ત્વનો કાયદો છે અને આ કાયદાના અમલ માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા નામની સંસ્થા પણ કાર્યરત છે. ભારત સરકારના પુરાતત્વ ખાતાને યોગ્ય લાગે તે સ્મારકને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવે છે અને પુરાતત્ત્વ ખાતું આ સ્મારકનો કબજો ગ્રહણ કરી લે છે. એટલે કે જે સ્મારકને રક્ષિત સ્મારકનો દરજ્જો આપવામાં આવે તે સ્મારકની માલિકી જે તે ટ્રસ્ટની કે સમાજની રહે છે, પણ આ સ્મારક ઉપર તેમનો અધિકાર ચાલ્યો જાય છે. સરકારી અધિકારીઓની રજા વિના આ ઈમારતોમાં કોઈ પણ પ્રકારનું સમારકામ કે ફેરફારો કરાવી શકાતા નથી. કેન્દ્ર સરકાર હસ્તકની સંસ્થા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા પાસે આવાં હજારો સ્મારકોની જાળવણી માટે કોઈ જ ભંડોળ નથી. એટલે તેઓ સમારકામ કરાવતા નથી અને લોકોને કરાવવા પણ દેતા નથી. એટલે સુધી કે પુરાતત્ત્વ ખાતાએ રક્ષિત જાહેર કરેલાં અનેક પ્રાચીન સ્મારકો ખંડેર થઈને નાશ પામે ત્યાં સુધી તેની કાળજી લેવામાં આવતી નથી.

પુરાતત્ત્વના કાયદા હેઠળ દેશમાંથી ૧૦૦ વર્ષ કરતાં જૂની કોઈ પણ મૂર્તિ કે સ્થાપત્ય મળી આવે તો તેની માલિકી સરકારની બની જાય છે. તાજેતરમાં ખંભાતમાં એક સ્થળે ખોદકામ કરતાં હજાર વર્ષ કરતાં વધુ જૂની ૬૨ જૈન મૂર્તિઓ મળી આવી તેનો કબજો પણ સરકારે લઈ લીધો છે અને જે જૈન સંઘ આ મૂર્તિઓનો માલિક છે, તેને જ તેનો કબજો સોંપવાનો ઈનકાર થઈ રહ્યો છે. આ તો હળાહળ અન્યાય છે. જે સંઘે આ મૂર્તિઓનું નિર્માણ કર્યું છે, તેનું જતન કર્યું છે, જેની આસ્થા આ પવિત્ર મૂર્તિઓ સાથે જોડાયેલી છે એને જ આ મૂર્તિઓનો કબજો સોંપવાનો ઈનકાર કરવામાં અન્યાય છે. માત્ર ૫૦ વર્ષ અગાઉ કરવામાં આવેલા એક કાયદાનો હવાલો આપી હજાર કે બે હજાર વર્ષ અગાઉ નિર્માણ કરવામાં આવેલી કોઈ મૂલ્યવાન ચીજ સરકાર તેના મૂળ માલિક પાસેથી ઝૂંટવી કેમ શકે? આ બધું પુરાતત્ત્વના નામે ચાલી રહ્યું છે.

પુરાતત્ત્વ ખાતું એવો દાવો કરતું હોય કે પ્રાચીન ચીજવસ્તુઓની જાળવણી માટે અને તેની પવિત્રતાની રક્ષા માટે અમે આ મૂર્તિઓ અમારા કબજામાં લઈએ છીએ, તો તે સરાસર જૂઠ છે. પરમાત્માની મૂર્તિ એ દર્શનની અને પૂજાની સામગ્રી છે. તેને જો મંદિરમાં વિધિપૂર્વક બિરાજમાન કરવામાં આવે અને શ્રદ્ધાળુઓ દ્વારા તેનું નિયમિત પૂજનઅર્ચન કરવામાં આવે તો જ તેની પવિત્રતા અને મહાનતાની રક્ષા થાય છે. પુરાતત્ત્વ ખાતું આ દર્શનની ચીજને પ્રદર્શનની ચીજ બનાવી દે છે. ભગવાનની મૂર્તિને મંદિરની પાદપીઠ ઉપર બિરાજમાન કરવાને બદલે તેઓ તેને મ્યુઝિયમમાં ગોઠવી દે છે. અહીં મૂર્તિનું પૂજન કરવાની કે તેની આરતી ઉતારવાની કોઈને છૂટ નથી હોતી. આ મૂર્તિ પ્રદર્શનની ચીજ બને છે એટલે તેની પવિત્રતાનો નાશ થાય છે અને સરકારી અધિકારીઓ તેના માલિક બની જાય છે.

જે રીતે પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવેલું સ્મારક જે તે સમાજના અધિકારમાંથી ઝૂંટવાઈને દેશની સરકારના અધિકારમાં આવી જાય છે તેવી જ રીતે જે સ્મારકને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવે તેના ઉપર પછી દેશની સરકારનો કોઈ જ અધિકાર નથી રહેતો પણ યુનેસ્કો જેવી સંસ્થા જ તેની વાસ્તવિક માલિક બની જાય છે. આ રીતે વિશ્ર્વભરમાં પથરાયેલાં મૂલ્યવાન પ્રાચીન સ્મારકોનો કબજો તે તે સમાજો અને સરકારોના હાથમાંથી ઝૂંટવી ગોરી પ્રજાના હાથમાં કેન્દ્રિત કરવા માટે જ વર્લ્ડ હેરિટેજ સાઈટનો સ્ટંટ ઊભો કરવામાં આવ્યો છે.

બિહારમાં આવેલા બુદ્ધગયા મંદિરને ઈ.સ. ૨૦૦૨ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો તે પછી ત્યાં શું બન્યું એ જાણવું ખૂબ રસપ્રદ છે. બુદ્ધગયા મંદિર હવે બૌદ્ધ સાધુઓના અંકુશમાં નથી રહ્યું પણ યુનેસ્કોના સીધા અંકુશ હેઠળ આવી ગયું છે. યુનેસ્કોની સમિતિની મંજૂરી વિના આ મંદિરમાં કોઈ ફેરફાર હવે કરી શકાતા નથી. આ મંદિરની બહાર પૂજાઅર્ચનાની સામગ્રી વેચતી જેટલી દુકાનો હતી તે બધી દૂર ખસેડવામાં આવી છે. આ રીતે મંદિરમાં પૂજા કરવા જતા શ્રદ્ધાળુઓ માટેની નજીકની સવલત ઝૂંટવી લેવામાં આવી છે. હવે આખા વિસ્તારમાં એક પણ જૂની ઈમારત કે ધર્મશાળા ઊભી કરવી હશે તો યુનેસ્કોની પરવાનગી લેવી પડશે. ભારતીય પ્રજાના ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારમાં આ દખલગીરી છે, એટલું જ નહીં દેશના સાર્વભૌમત્વ ઉપર પણ આક્રમણ છે. આપણા દેશની જમીન ઉપર જે કોઈ સંપત્તિઓ આવેલી છે તેની માલિક આપણી પ્રજા છે. તેનો આ હક ઝૂંટવી લઈ તે કોઈ વિદેશી એજન્સીને આપી દેવો તેના જેવી બીજી કોઈ મૂર્ખાઈ નથી. શું આપણા દેશની પ્રજા એટલી બધી બૂડથલ છે કે આપણો જે પ્રાચીન વારસો છે તેની કિંમત સમજવા માટે આપણે વિદેશી એજન્સીની મદદ લેવી પડે અને આપણો વારસો પણ તેમને સોંપી દેવો પડે? આ તો પાછલે બારણે સ્વીકારાયેલી ગુલામી જ છે.

વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં યુનેસ્કોની કુટિલતા પણ સમજવા જેવી છે, જે સ્મારકને આ પ્રકારનો દરજ્જો આપવામાં આવે તેના સમારકામની કે સંરક્ષણની કોઈ જવાબદારી યુનેસ્કોની રહેતી નથી. યુનેસ્કો એને માટે એક રાતી પાઈનું પણ ફંડ આપતું નથી. આ બધી જ જવાબદારી સ્થાનિક સરકારોની રહે છે પણ સ્મારક ઉપર આધિપત્ય યુનેસ્કોનું રહે છે. એટલે કે કોઈ પણ પ્રકારનો ઘસારો સહન કર્યા વિના કે જવાબદારી સ્વીકાર્યા વિના યુનેસ્કો જેવી ભેદી સંસ્થા આ સ્મારકોની અધિપતિ બની જાય છે. આ સ્મારકોના સમારકામ માટે તેઓ એક પણ રૂપિયાની મદદ કરતા નથી પણ તેમને પૂછ્યા વિના આપણે કંઈ કરી શકતા નથી. આટલી બધી દાદાગીરી આપણે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મેળવવા માટે ચલાવી લઈએ છીએ. આવો દરજ્જો મેળવવા શા માટે મહેનત કરવી જોઈએ ?

કોઈ પણ સ્મારકને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળે એટલે તેના પતનના શ્રીગણેશ થાય છે. સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટોની નજર આ સ્મારકો તરફ ખેંચાય છે. આ સ્મારકને નિહાળવા વિદેશી સહેલાણીઓનાં ટોળાં ઊતરી પડે છે. તેમને આવકારવા માટે એરપોર્ટ, ફાઈવ સ્ટાર હોટેલો, દારૂની દુકાનો, માંસાહારની હોટેલો, કેસીનો, સિનેમા થિયેટરો વગેરે ઊભાં કરવામાં આવે છે. તીર્થસ્થાનોનું પવિત્ર વાતાવરણ ભ્રષ્ટ બની જાય છે. મુક્ત સહચર્યમાં માનતા વિદેશીઓ અર્ધનગ્ન વસ્ત્રો પહેરી આપણાં મંદિરોમાં પ્રવેશ કરે છે અને બીભત્સ ચેષ્ટાઓ કરે છે. પવિત્ર શહેરમાં દારૂ, જુગાર, વેશ્યાવ્યવસાય, મસાજ પાર્લરો વગેરે દૂષણો વધે છે અને સરવાળે તેની પવિત્રતા ભ્રષ્ટ થાય છે.

કોઈ પણ સ્મારકને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળે એટલે એન્ટિકનો આંતરરાષ્ટ્રીય વેપાર કરતી દાણચોરોની સિન્ડિકેટની નજરે આ સ્મારક ચડી જાય છે. સ્થાનિક પ્રજાને પૈસા આપી તેઓ મંદિરોમાંથી મૂર્તિઓની અને પ્રાચીન ચીજવસ્તુઓની ચોરી કરાવે છે અને વિદેશની બજારોમાં ઊંચી કિંમતે વેચે છે. આ ચોરીમાં ક્યારેક તો પુરાતત્ત્વ ખાતાના ચોકીદારો અને અધિકારીઓ પણ સંડોવાયેલા હોય છે. એટલે કે જે સરકારી અધિકારીઓએ પ્રજા પાસેથી તેની પ્રાચીન સંપત્તિ અન્યાય કરીને ઝૂંટવી લીધી તેઓ જ હવે તેનું લિલામ કરે છે.

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=117200