Thursday, March 21, 2019

કેલેન્ડરનો ઉદ્ભવ અને ગૂંચવણની કથા -- ડૉ. જે. જે. રાવલ




દુનિયાનું સૌથી જૂનું કેલેન્ડર ભારતીય છે જેનું નામ અદિતી કેલેન્ડર છે. ૮૦૦૦ વર્ષ પહેલાં જ્યારે વસંતસંપાત પુનર્વસુ નક્ષત્ર (જેમિની રાશિનો એક ભાગ) માં થતો હતો ત્યારે ભારતીય કેલેન્ડર શરૂ થયેલું. આ નક્ષત્રની અધિષ્ઠાતા દેવી અદિતિ છે, માટે જ સૂર્યનું નામ આદિત્ય પડ્યું છે. આદિત્ય એટલે અદિતિનો પુત્ર. બધા જ દેવો અદિતીના પુત્રો ગણાય છે અને બધા જ દાનવો દિતિના પુત્રો ગણાય છે. 

આપણા મનીષીઓને ઉત્તરાયણ, વસંતસંપાત, દક્ષિણાયન, શરદસંપાતની ખબર હતી. તેઓએ તે જમાનામાં અધિકમાસની સ્થાપના કરી હતી. તેમને એ વાતનો પણ અંદાજ હતો કે વસંતસંપાત દર ૭૨ વર્ષે એક અંશ પશ્ર્ચિમમાં ખસે છે. તેમને ચંદ્રની ગતિવિધિની ખબર હતી, તેથી જ તેઓ તિથિની વધઘટ 
કરતા અને દિવાળીમાં ધોકો નાખી સૂર્યની ગતિવિધિ સાથે ચંદ્રની ગતિવિધિને સુસંગત રાખતા. આ ખરેખર અદ્ભુત વાત છે. તેમનો ખગોળીય અભ્યાસ અદ્ભુત હતો. તેમ છતાં તેમને એ ખબર ન હતી કે ગ્રહો અને ઉપગ્રહો દીર્ઘવર્તુળાકાર કક્ષામાં તેમના પિતૃ આકાશીપિંડની પરિક્રમા કરે છે. કૅપ્લરના ગતિના નિયમોનો આ નિરીક્ષણાત્મક અભ્યાસ હતો. 

ભારતીયો મહાન પંચાંગકર્તા હતા. તેઓએ જ પ્રથમ સાક્ષર શહેરી સંસ્કૃતિનો વિકાસ કરેલો જે સરસ્વતી સંસ્કૃતિ, સિન્ધુ સંસ્કૃતિ, હડપ્પા, મોહન-જો-દરો, ધોળાવીરા નામે ઓળખાય છે. સરસ્વતી અને સિન્ધુ સંસ્કૃતિએ વેદો લખ્યા. તેઓ પંચમહાભૂતના પૂજારીઓ હતાં. અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ તેમનાં દેવતા હતાં. 

ભારતીય મનીષીઓ આકાશીપિંડોનો બરાબર અભ્યાસ કરતા તેના પરથી કેલેન્ડરનો ઉદ્ભવ થયો. 

ચંદ્ર કળા દેખાડે છે, તેથી તેમનું કેલેન્ડર ચંદ્ર પર આધારિત હતું. પૃથ્વીની સૂર્ય ફરતે પરિક્રમા કરવાનો સમય એટલે કે આકાશમાં પૃથ્વી ફરતે સૂર્યની પરિક્રમા કરવાનો સમય વર્ષ ગણાતો. તેઓએ ચંદ્રની કળાના અભ્યાસ પરથી ૩૦ દિવસનો મહિનો બનાવ્યો હતો અને ચંદ્ર આકાશમાં એટલે કે પૃથ્વી ફરતે આવી બાર પરિક્રમા કરી લે ત્યારે સૂર્ય આકાશમાં એક પરિક્રમા કરે છે માટે વર્ષના બાર મહિના થયા. હકીકતમાં મહિનાના દિવસો ૩૦ નથી પણ ૨૯.૫ (ચોક્કસ રીતે ૨૯.૫૩૦૫૯) છે પણ લોકોની સગવડતા માટે અને દિવસ પૂર્ણાંક હોય છે માટે મહિનાના દિવસ ૩૦ લેવામાં આવ્યા અને હજુ પણ એટલા જ લેવામાં આવે છે. વર્ષના દિવસો ૩૬૫.૨૫ (ચોક્કસ રીતે ૩૬૫.૨૪૨૧૯) છે. તેથી ખરેખર વર્ષના ૧૨ મહિના નહીં, પણ વર્ષના ૧૨.૨૭ મહિના થાય. 

આમ દિવસ, મહિના અને વર્ષ કોઇ રીતે બંધબેસતાં નથી. આ બંધ બેસાડવા આપણા મનીષીઓએ દર ત્રણ વર્ષે અધિકમાસની શરૂઆત કરી. આ સમય દરમિયાન વિદ્વાનોને સૂર્ય અને ચંદ્રની ગતિવિધિના અભ્યાસ પરથી માલૂમ પડ્યું કે તેઓની ગતિમાં એક નિયમિતતા છે તે એ છે કે દર ૧૯ વર્ષે સૂર્ય અને ચંદ્ર સરખા ચક્રમાં પ્રવેશ કરે છે. ૧૯ સૌરવર્ષ ૩૫ ચાંદ્રમાસ બરાબર થાય. 

૫૦૦૦ વર્ષ પૂર્વે નાઇલ અને યુફેરેટસ નદીઓ વચ્ચેની ખીણમાં એક સંસ્કૃતિનો વિકાસ થયો. તેને આપણે સુમેરિયન સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. સુમેરિયનો પણ મહાન પંચાગકર્તા હતા. પછી સુમેરિયનોના વારસદાર એવા બેબિલોનવાસીઓ પણ મહાન પંચાંગકર્તા હતા. તેમણે સુમેરિયનોનું કાર્ય આગળ વધાર્યું. 

ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણના મૃત્યુ પછી આજથી લગભગ ૫૧૦૨ વર્ષ પહેલાં કલિ કેલેન્ડર શરૂ કરવામાં આવ્યું. 

ઇ.સ.પૂર્વે ૮૪ની સાલમાં રોમન લોકોએ ગ્રીસને જીતી લીધું. તેથી ગ્રીસનો કારભાર રોમન કેલેન્ડર પ્રમાણે ચાલવા લાગ્યો. રોમન કેલેન્ડર હાલમાં ચાલતા અંગ્રેજી (ખ્રિસ્તી) કેલેન્ડરનું જનક છે. રોમન કેલેન્ડર નાઇલના કિનારે વિકસેલી ઇજ્પ્તિની સંસ્કૃતિની 

દેન છે. 

ઇતિહાસમાં સૌથી પ્રથમ કેલેન્ડર સુધારવાની વાત ઇજિપ્તમાં ટોર્લમી યુરેગેટસે ઇ.સ.પૂર્વે ૨૩૮ની સાલમાં કરી હતી. તેણે કહ્યું હતું કે ઋતુચક્રનું વર્ષ અને વ્યાધના તારાના ઉદયના સંદર્ભમાં વર્ષનો મેળ ખાતો નથી. આ બંને વર્ષનો મેળ બેસાડવો જરૂરી છે અને તે મેળ બેસાડવા ઋતુચક્રના વર્ષમાં દર ચાર વર્ષે એક દિવસ ઉમેરવાની જરૂર છે. પણ લોકોએ તેના પર ધ્યાન આપ્યું નહીં, કારણ કે આ વાત સમજવી તેમની ક્ષમતાની બહાર હતી. અને આજે પણ સામાન્યજન આવું બધું સમજતાં નથી. રાશિચક્ર દર ૭૨ વર્ષે પશ્ર્ચિમ તરફ એક અંશ ખસે છે, તે વાતની તેમને સમજ પડતી નથી. 

ઇજિપ્તનું રોમન કેલેન્ડર ૨૦૦ વર્ષ સુધી સુધારા વગર ચાલતું રહ્યું. અંતમાં કેલેન્ડર સુધારાનું મહાન કાર્ય વિખ્યાત લડવૈયા, ઇતિહાસવિદ અને રોમન સમ્રાટ જુલિયસ સીઝરના કારભાર દરમિયાન થયું તે 

જુલિયન કેલેન્ડર . તે ઇ.સ.પૂર્વે ૪૬ની સાલમાં થયું. 

ભારતમાં ઇ.સ. પૂર્વે ૫૬ની સાલમાં સમ્રાટ વિક્રમાદિત્યે વિક્રમ સંવત શરૂ કરી અને પછી ઇસુની સદી શરૂ થઇ. ઇસુની સદીની ૭૮ની સાલમાં ભારતમાં શક સંવંત શરૂ થઇ. ભારતમાં લગભગ રાજ્યે રાજ્યે પોતપોતાના કેલેન્ડર અને નવા વર્ષના આરંભો છે. છઠ્ઠી સદીમાં થઇ ગયેલા ઉજ્જૈનના ખગોળવિદ વરાહમિહિરે જોયું કે પૃથ્વીની પરાંચનગતિને લીધે રાશિચક્ર પશ્ર્ચિમમાં ખસ્યું છે. તેનો મેળ બેસાડવા વરાહમિહિરે જે મહિનાનો પ્રારંભ પૂર્ણિમા પછીના પડવાથી શરૂ થતો હતો તે કુદાવી મહિનાનો પ્રારંભ અમાસના પછીના પડવાથી શરૂ કર્યો. ઉત્તર પ્રદેશમાં હજુ પણ મહિનાનો પ્રારંભ પૂર્ણિમા પછીના પડવાના દિવસે થાય છે પણ આપણે વરાહમિહિરને અનુસર્યા છીએ અને મહિનાનો પ્રારંભ અમાસ પછીના પડવાના દિવસે કરીએ છીએ. 

સોળમી સદીમાં ગ્રેગોરીના રાજકારભારમાં જુલિયન કેલેન્ડરને સુધારવામાં આવ્યું. આ કેલેન્ડર સુધારવું પડે તેમ હતું, કારણ કે નહીં તો સૌર વર્ષ અને ઋતુચક્ર એકબીજાથી ઘણા દૂર દૂર ચાલ્યાં ગયાં હતાં અને ઋતુઓ પાછળ પડતી હતી. આ પૃથ્વીની પરાંચન ગતિના કારણે બને છે અને બનતું રહેશે, કારણ કે આ ૨૫૮૦૦ વર્ષના ચક્રની સતત ચાલતી ક્રિયા છે જેમાં રાશિચક્ર પશ્ર્ચિમ તરફ સરકે છે. 

સમ્રાટ ગ્રેગોરીના નામ પરથી આ કેલેન્ડર ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય છે. તેણે કેલેન્ડરને દસ દિવસ કુદાવ્યું છે. ૧૫૮૨માં આ કેલેન્ડરને શરૂ કરવામાં આવ્યું. તે ૪૦૦ વર્ષના ચક્રનું કેલેન્ડર છે. ૪૦૦ વર્ષ પછી દિવસ અને તારીખ સમાન આવે છે. જો આપણી પાસે ૪૦૦ વર્ષના ગ્રેગોરિયન કેલેન્ડર હોય તો આપણે હવે પછીનાં ૪૦૦ વર્ષનાં કેલેન્ડર અગાઉથી જાણી શકીએ. તેમાં જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઇ, ઓગષ્ટ, ઑક્ટોબર, ડિસેમ્બર ૩૧ દિવસના મહિનાઓ છે. એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર ૩૦ દિવસના મહિનાઓ છે. જો વર્ષને ચારથી ભાગી શકાય તો ફેબ્રુઆરીમાં ૨૯ દિવસ હોય છે જેને લીપયર (પ્લૂતયર) કહે છે અને જો વર્ષને ચારથી ન ભાગી શકાય તો મહિનામાં ૨૮ દિવસ હોય છે. સદીના વર્ષને જો ૪૦૦ થી ભાગી શકાય તો ફેબ્રુઆરીમાં ૨૯ દિવસ હોય છે, અને સદીના વર્ષને જો ચારસોથી ન ભાગી શકાય તો તે વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ૨૮ દિવસ હોય છે. 

આમ ગ્રેગોરિયન કેલેન્ડર હોય કે ભારતીય કેલેન્ડર હોય તેને વારે વારે સુધાર્યા વગર આરો જ નથી. તેની પાછળનાં કારણોમાં સૂર્ય, (એટલે કે પૃથ્વી) ચંદ્રના પૂર્ણાંક કે અપૂર્ણાંક ન હોય તેવી વાસ્તવિક સંખ્યાનાં સમયચક્રો છે અને પૃથ્વીની પરાંચન ગતિને હિસાબે રાશિચક્રની પશ્ર્ચિમ તરફ સરકવાની ક્રિયા છે. તેથી વારે વારે સુધારવાનું ન હોય તેવું કેલેન્ડર બની શકે જ નહીં. કુદરત પોતે જ અવાસ્તવિકતામાં માને છે. વગેરે કુદરતના સ્વજનો છે જે અવાસ્તવિક સંખ્યામાં છે, અવાસ્તવિક કરતાં પણ વધારે અવાસ્તવિક સંખ્યાઓ છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=399659

બ્રહ્માંડમાં શું નથી થઇ શક્યું અને શું ન થઇ શકે--ડૉ. જે. જે. રાવલ

બ્રહ્માંડમાં બધું જ થયું છે અને થઇ શકે પણ ક્યાં ? માત્ર ગ્રહ ઉપર અને તે પણ તેના તારથી અમુક ચોક્કસ અંતરે હોય, ગ્રહને અમુક ચોક્કસ ગુરુત્વાકર્ષણ હોય અને અમુક ચોક્કસ વાયુમંડળ હોય જેમાં પાણીની આવશ્યકતા હોઇ શકે. બ્રહ્માંડ બધી જ વસ્તુને આવરે છે, ટેકો આપે છે અને ઉછેરે છે પણ અમુક ચોક્કસ જગ્યાએ જ બધે જ નહીં. તેના દરેક ખૂણે નહીં. ઉદાહરણ તરીકે જીવન સૂર્યની સપાટી પર શક્ય નથી નથી અને નથી જ. જે ગ્રહ કે ઉપગ્રહ પર તદ્દન વાયુમંડળ ન હોય, પાણી ન હોય ત્યાં જીવન પાંગરી શકે જ નહીં.
 
જે ગ્રહ, ઉપગ્રહ પર ખૂબ જ ઓક્સિજન હોય ત્યાં જીવન પાંગરી શકે નહીં કારણ કે તે જીવન માટે જલદ વાયુ છે. જો ગ્રહ કે ઉપગ્રહના વાયુમંડળમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ઓછું હોય કે તદ્દન ન હોય ત્યાં જીવન પાંગરી શકે નહીં. જે ગ્રહ કે ઉપગ્રહ પર કાર્બનડાયોક્સાઇડ કે એમોનિયાનું પ્રમાણ વધારે હોય ત્યાં જીવન પાંગરવાનો સંબંધ ઓછો છે. પાણી ન હોય તો પણ ત્યાં જીવન પાંગળવાનો સંબંધ નથી. જે ગ્રહ કે ઉપગ્રહ પર સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય ત્યાં પણ જીવન પાંગરવાનો સંભવ બહુ ઓછો છે. જ્યાં જીવન જ નથી ત્યાં શું નથી થઇ શક્યું અને શું ન થઇ શકે તે પ્રશ્ર્નો ઉઠતાં જ નથી. 

બ્રહ્માંડમાં જે બધું શક્ય છે તેની પાછળ બ્રહ્માંડને આધાર આપનાર ગુરુત્વાકર્ષણ છે. ગુરુત્વાકર્ષણ જ બધું ઉત્પન્ન કરે છે, તેને નિભાવે છે અને છેવટે તેનો નાશ કરે છે તો કર્તા, ધર્તા, હર્તા અને વિનાશકર્તા છે. બ્રહ્માંડમાં જે કાંઇ શક્ય છે તે ગુરુત્વાકર્ષણને લીધે જ છે. તે જ ઇશ્ર્વર છે. G for Gravity,G for God.ગુરુત્વાકર્ષની પાર્શ્ર્વભૂમિમાં જ બધું શક્ય છે. તે જ જાતજાતના બળો(Forces ) ઉત્પન્ન કરે છે. ગુરુત્વાકર્ષણનું બળ બધાં જ બળો કરતાં નબળું છે પણ તે જ બધું સબળ બનાવે છે. ગુરુત્વાકર્ષણ જ વિધુત-ચૂંબકીયબળ, આણિવકબળ અને નબળા વિદ્યુતબળ (રેડિયોએક્ટિવીટી)ને ઉત્પન્ન કરે છે. ગુરુત્વાકર્ષણબળ જ બ્રહ્માંડની માતા છે - ગુરૂત્વાકર્ષણબળ બ્રહ્માંડ જન્મ્યું ત્યારથી જ છે પણ તેને આપણે માત્ર ૩૦૦ વર્ષથી સમજી શક્યાં છીએ તે માટે ભાષ્કરાચાર્ય, ન્યુટન અને આઇન્સ્ટાઇનનો આપણે આભાર માનવો જોઇએ. 

ગુરુત્વાકર્ષણ બધા બળોની જનની છે. ભલે જનની નબળી હોય પણ તેની તાકાત જબરી જ હોય. સૂર્યને જન્મ આપનાર ગુરુત્વાકર્ષણ છે. આપણને જન્મ આપનાર સૂર્ય છે. સૂર્યની ઊર્જાથી જ પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે અને ટકી રહ્યું છે અને તે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જ પૃથ્વી પર જીવ રહેશે. આપણા મનીષીઓએ તેથી કહેલું જ છે કે સૂર્યઆત્મા જગતસ્થુખસ્ય અર્થાત્ સૂર્ય જ જગતનો આત્મા છે. 

ગુરુત્વાકર્ષણ શાંત રહે ત્યાં સુધી વાંધો નથી પણ જો તે અશાંત કે વિકરાળ થઇ જાય તો વિનાશ નોતરે. 

ગુરૂત્વાકર્ષણ વિશ્ર્વવ્યાપી છે તેને સીમિત કરવું શક્ય નથી. આપણને આપણું વજન લાગે છે કારણ કે જમીન (Floor) વિરુદ્ધબળ (Reaction) આપે છે. જો લીફ્ટ અને આપણે એક સાથે જ સરખા પ્રવેગથી પડીએ તો આપણે વજનવિહોણી દશા અનુભવીએ. વજનવિહોણી દશા એટલે ફ્લોર રિએક્શન ન આપી શકે. છોડ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કેમ ઉછરે છે. તે તેની શક્તિથી જે ગુરુત્વાકર્ષણથી વધારે છે. 

બ્રહ્માંડના અંતરીક્ષમાં કોઇ માધ્યમ ન હોવાથી આપણે એકબીજાની વાત સાંભળી શકીએ નહીં. તેના માટે વિશેષ કોમ્યુનિકેશન સિસ્ટમની જરૂર પડે. તેવું જ કોઇ અંતરીક્ષયાન કે ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનમાં હોય. તમે આવી જગ્યાએ બોલો તો સામેના માણસને તમારા ફફડતા હોઠ પરથી ખબર પડે કે તમે કાંઇક બોલો છો પણ તે કાંઇ સાંભળી શકે નહીં. આ પરિસ્થિતિ ભૂતકાળમાં હતી, હાલમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાની. 

અંતરીક્ષમાં તમે શાહી પેન કે બોલપેનથી લખી શકો નહીં કારણ કે શાહી નીચે ઉતરે જ નહીં. પૃથ્વી પર કે કોઇ આકાશીપિંડ પર આ શક્ય બને છે કારણ કે ગુરુત્વાકર્ષણ શાહીને નીચે ઉતરે છે. અંતરીક્ષમાં એટલે કે અંતરીક્ષયાનમાં તમે કોઇ છોડ વાવો અને જો તે ઊગી નીકળે તો થોડા જ સમયમાં તે ઉંચે વધી જાય છે કારણ કે ગુરૂત્વાકર્ષણ તેને ઊંચે વધવામાં આડે આવતું નથી. પૃથ્વી પર કે કોઇ આકાશીપિંડ પર કોઇ છોડ વાવો તો તે જલ્દી વધતો નથી કારણ કે ગુરુત્વાકર્ષણ તેને જલ્દી મોટા થવાની આડે આવે છે. જો તમારી પાસે ખાસ જાતની શાહીવાળી કે બોલપેન હોય તો તમે લખી શકો. જો તમારા હાથથી બોલપેન કે કાગળ છૂટી જાય તો તે અંતરીક્ષમાં તરવા લાગે છે. પેન્સિલ વાપરવી તે પણ અંતરીક્ષમાં ભયવિહીન નથી કારણ કે જો કોઇ અંતરીક્ષવીરના મગજ ખરાબ થઇ જાય તો તે તેના સહઅંતરીક્ષયાત્રીને નુકસાન પહોંચાડી શકે છે. 

અંતરીક્ષમાં ખાવા-પીવા માટે પણ વિશિષ્ટ રીત હોય છે નહીં તો પાણી અને ખોરાક તરવા લાગે છે, પેટમાં જતાં નથી જે અંતરીક્ષયાત્રીને ખૂબ જ નડે છે. કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ નથી, પણ એકવાર જો તે અન્નનળીમાં ચાલ્યાં જાય તો અન્નનળી તેને ગ્રહી લે છે અને સંકોચન અને વિસ્તરણથી તેને આગળ ધપાવી શકે છે જે પછી પેટમાં જઇ શકે છે. 

અંતરીક્ષમાં નાહી શકાતું નથી. માત્ર ભીના કપડાંથી કે કપડાંથી અંગ લૂછી શકાય છે. અંતરીક્ષમાં રડવું આવે તો આંસુ નીચે પડતાં નથી. તે આંખની ફરતે રહે છે અને જો છુટ્ટા પડી જાય તો અંતરીક્ષમાં તરે છે. અંતરીક્ષમાં હજુ કોઇ બાળકનો જન્મ થયો નથી. જો થશે તો તેના હાડકાં નબળા રહેશે, જે તેને જીવનભર મુશ્કેલી ઊભી કરી શકે. નાસા આ માટે પ્રયત્નશીલ છે અને પ્રયોગો કરવા ઇચ્છુક છે. જોઇએ ભવિષ્યમાં આ બાબતે શું થાય છે. 

અંતરીક્ષમાં ચુંબકીયબળ હોતું નથી. માટે મેગ્નેટિક કંપાસ આપણને દિશા બતાવી ન શકે. હકીકતમાં અંતરીક્ષમાં દિશાઓ હોતી જ નથી. આપણી પૃથ્વી પશ્ર્ચિમથી પૂર્વ તરફ ગોળ ગોળ ફરે છે અને તેની ધરી એક તારા તરફ હોવાથી પૂર્વ-પશ્ર્ચિમ, ઉત્તર-દક્ષિણ દિશાઓ બને છે. ત્યાં ગુરુત્વાકર્ષણ નહીં હોવાથી ઉપર અને નીચેની દિશા પણ હોતી નથી. ત્યાં બધા જ તારા સ્થિર હોય છે કારણ કે પૃથ્વી ગોળ ગોળ ફરતી હોવાથી આકાશીપિંડો આકાશમાં વિચરતાં લાગે છે. પૃથ્વી પશ્ર્ચિમથી પૂર્વ તરફ ગોળ ગોળ ઘુમતી હોવાથી બધાં જ આકાશીપિંડો પૂર્વમાં ઉદય પામતાં દેખાય છે અને પશ્ર્ચિમમાં અસ્ત પામતાં દેખાય છે. 

અંતરીક્ષમાં વાયુમંડળ નહીં હોવાથી આકાશ કાળું ધબ લાગે છે અને સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો રાત્રિ આકાશમાં એક સાથે જ દેખાય છે. પૃથ્વી ફરતે વાયુમંડળ હોવાથી સવાર-સાંજ ઉષા અને સંધ્યા વખતે આકાશ લાલ દેખાય છે અને બપોરે નીલા રંગનું દેખાય છે. કારણ કે પૃથ્વીના વાયુમંડળમાં પ્રકાશતું વિકિરણ થાય છે અને તેથી જ દિવસે તારા દેખાતા નથી, અંતરીક્ષમાં દિશાઓ નહીં હોવાથી તમે ગમે તે દિશામાં જઇ શકો છો.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=387376

શું આપણે ભવિષ્યમાં અને ભૂતકાળમાં જઈ શકીશું? - ડૉ. જે. જે. રાવલ

સમયમાપનનો વિચાર માનવીને ચંદ્રે આપ્યો. ચંદ્ર જે કળા કરે છે તેના પરથી મહિનાનો વિચાર આવ્યો. અમાસને દિવસે ચંદ્ર આકાશમાંથી ગાયબ થઈ જાય. પછી પ્રથમ, દ્વિતીય, તૃતીયા, ચતુર્થી... અષ્ટમીનો અર્ધચંદ્ર પછી પૂર્ણિમાનો સંપૂર્ણ ચંદ્ર, પછી તે નાનો નાનો થતો જાય અને અમાસને દિવસે ગાયબ રહે. હકીકતમાં અમાસને દિવસે ચંદ્ર ગાયબ નથી થઈ જતો પણ ચંદ્રની આપણી સામે જે બાજુ રહે છે તેના પર સૂર્ય-પ્રકાશ પડતો નથી માટે તે આપણને રાત્રિ-આકાશમાં દેખાતો નથી. દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી, કારણ કે તે કાં તો સૂર્યની થોડો ઉપર રહે છે, નહીં તો થોડો નીચે રહે છે. તેથી તે સૂર્યને ઢાંકતો નથી અને આપણને દેખાતો પણ નથી. સૂર્ય ગ્રહણ વખતે તે બરાબર સૂર્યની આડે આવે છે તેથી તે કાળો દેખાય છે. ચંદ્રને વાતાવરણ ન હોવાથી તે કાળો ડિબાંગ દેખાય છે. (ખગ્રાસ, ખંડગ્રાસ કે કંકણાકૃતિ) સૂર્યગ્રહણ વખતે જે કાળો ભાગ આપણને દેખાય છે, તે હકીકતમાં સૂર્યની આડે આવેલો અપારદર્શક ચંદ્ર છે.

ચંદ્રની કળા મહિનાના સ્પષ્ટ ચાર ભાગ પાડે છે. પ્રથમાથી અષ્ટમી સુધી વધતો ચંદ્ર, અષ્ટમીથી પૂર્ણિમા સુધીનો પૂર્ણ થતો ચંદ્ર. આ શુક્લ પક્ષ બનાવે છે, તેવી જ રીતે કૃષ્ણ પક્ષ બે ભાગમાં વહેંચાય છે. આના પરથી જ મહિનાનાં ચાર અઠવાડિયાં બન્યાં છે.

પુરાતન સમયમાં જ્યારે ઘડિયાળો ન હતાં, કેલેન્ડરો ન હતાં ત્યારે અમાસ, અષ્ટમી, પૂર્ણિમા ફરીથી અષ્ટમીનું લોકોને ઘણું મહત્ત્વ હતું. તેમનો વ્યવહાર, પ્રસંગો, બજારો ભરવાનું, મળવાનું ચંદ્રની આ કળા પર જ આધાર રાખતાં.

હકીકતમાં ચંદ્રની કળાચક્રને સમજાવનાર ચક્ર (પૈડું, વ્હીલ) હતું. ચક્ર ફરે ત્યારે તેનું કોઈ એક ચોક્કસ બિન્દુ ચક્ર ફરી રહે ત્યારે એ જ જગ્યાએ ફરીથી આવે છે. આ વિચાર માનવીએ ચંદ્રની કળા ચક્રને લાગુ પાડ્યો અને સમયચક્ર શરૂ થઈ ગયું. ચક્ર તો ગમે ત્યારે ચાલતું બંધ પડી જાય પણ સમયચક્ર સતત ચાલ્યા કરે છે. ચંદ્ર આકાશમાં બાર ચક્ર લગાવી લે ત્યારે સૂર્ય આકાશમાં એક ચક્ર લગાવી રહે છે, તેણે વર્ષના બાર મહિના આપ્યા. આમ વર્ષનું ચક્ર શરૂ થઈ ગયું.

સમય તો સીધો જાય છે, સીધો વહે છે પણ તે મપાય છે ચક્રના રૂપમાં એ આશ્ર્ચર્ય પમાડે છે, તેટલું જ નહીં પણ અજુગતું પણ ગણાય. જેમ સીધા રસ્તાનું માપ મોટર, ગાડું, રથ કે સાઈકલે કેટલાં ચક્કર માર્યાં તેના પરથી માથી શકાય તેવું ગણાય. પૈડાના પરિઘના અંતરની મદદથી રસ્તાનું અંતર મપાય તેવી વાત ગણાય.

સમયની ન સમજાય તેવી વાત એ છે કે સમય ફેરફારો કરે છે કે ફેરફારો સમય માપે છે? લોકો માને છે કે સમય ફેરફારો કરે છે, પણ એવા કિસ્સા છે કે સમય જતાં ફેરફાર થતો નથી. તો શું આપણે સમજવું કે સમય જતો નથી? બીજી બાજુ ફેરફારો થાય તો જ આપણને સમય જાય છે તેની ખબર પડે છે. સમય અને ફેરફારોને હકીકતમાં કાંઈ લાગતું-વળગતું નથી એમ પણ લાગે છે.

ચક્ર ગણતાં ભૂલી જઈએ તો સમયમાપન ખોટું આવે. સમયચક્ર ક્યારથી શરૂ થયું અને ક્યારથી આપણે ચક્રના રૂપમાં સમય માપવા લાગ્યા તે પણ અનિશ્ર્ચિત છે. વિજ્ઞાનીઓ બિગ-બેંગને સમયનું પ્રારંભબિન્દુ ગણે છે.

જો આપણે વિમાનમાં પૃથ્વીના દેશોમાં એક પછી એક પ્રવાસ કરીએ તો સમય ગણવામાં ભૂલ કરી શકીએ. તો થાય કે શું સમય માત્ર સ્કીમ (યોજના, કલ્પના) છે કે હકીકતમાં તે પસાર થાય છે? પાણી વહે છે, માટે સમય વહે છે તેવો વિચાર અસ્તિત્વમાં આવ્યો છે.

હકીકતમાં હજુ સુધી કોઈને ખબર નથી કે સમય શું છે? તેમ છતાં તેનું ભૌતિક અસ્તિત્વ છે તેમ માની લેવામાં આવ્યું છે. આઈન્સ્ટાઈને તેને બ્રહ્માંડના ચોથા પરિમાણ તરીકે લીધું છે અને તેને આપણને બ્રહ્માંડમાં ચાલતી ઘણી ક્રિયાઓ સમજાવી છે તેથી લાગે છે કે સમય છે.

ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે અહં કાલોસ્મિ હું કાળ છું. શંકર ભગવાનને મહાકાળ કહેવામાં આવે છે. આપણે બધા કાળના પ્રવાહમાં, કાળ સાથે ચાલીએ છીએ અને કાળમાં લય પામીએ છીએ. બધું કાળમાં ઉત્પન્ન થાય છે અને કાળમાં સમાય છે. કાળ જ બધાનું ઉદ્ગમ બિન્દુ છે અને અંતિમ બિન્દુ છે, પણ કાળ તો ચાલુ જ રહે છે. કાળ સમાપ્ત થતો નથી, દુનિયા ચાલતી રહે છે. દુનિયામાં શૈશવ, યૌવન અને વૃદ્ધત્વ સાથે જ રહે છે, સહઅસ્તિત્વ ધરાવે છે.

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પ્રમાણે જો વસ્તુ ગતિ ધારણ કરે તો તેની ઘડિયાળ ધીમી ચાલે અને બ્લેકહોલ પાસે સમય સ્થગિત થઈ જાય.

ભર્તૃહરિએ સમય વિષે બહુ સુંદર વાત કરી છે. તેમણે લખ્યું છે કે સર્વં યશ્યવસાદગાત સ્મૃતિપદં કાલાય તસ્મૈ નમ: અર્થાત્ કાળ બધી જ વાસ્તવિકતાને યાદગીરીમાં ફેરવી નાખે છે. આર્યભટ, શંકરાચાર્ય, ન્યુટન, આઈન્સ્ટાઈન, ગાંધીજી, ભાભા, વિક્રમ સારાભાઈ એક સમયે જીવતા હતા, વાસ્તવિકતા હતી, રિયાલિટી હતી. આજે સમયે તેમને આપણી યાદગીરીમાં ફેરવી નાખ્યા છે. આજે આપણે જીવતાં છીએ, વાસ્તવિકતામાં છીએ, પાંચ, દશ, પચ્ચીસ, પચ્ચાસ કે સો વર્ષો પછી આપણે કાળમાં વિલીન થઈ જશું, માત્ર યાદગીરીમાં રહેશું.

આપણે વર્તમાનમાં તો જીવી રહ્યા છીએ અને ભવિષ્યમાં જઈ રહ્યા છીએ. તો શું આપણે ભવિષ્યમાં બીજા કરતાં જલદી જઈ શકીએ? બીજા કરતાં ભવિષ્યમાં જલદી જઈ શકવું તો શક્ય નથી પણ આપણે બીજા કરતાં ભવિષ્યમાં ધીરે ધીરે જઈ શકવાનું શક્ય છે. એટલું જ નહીં, પણ આપણી વય વધે નહીં અને ત્યાં ને ત્યાં સ્થિર થઈ જાય તે પણ શક્ય છે. આઈન્સ્ટાઈનના વિશિષ્ટ અને વિસ્તૃત સાપેક્ષવાદ પ્રમાણે જો આપણે ખૂબ જ ઝડપથી ગતિ કરવા લાગીએ તો આપણે બીજા બધા કરતાં ધીમે ધીમે મોટા થઈએ અને જો આપણે પ્રકાશની ગતિથી, ગતિ કરવા લાગીએ તો આપણે જે વયના હોય તે જ વયના રહી શકીએ.

ઘણા લોકોને ભૂતકાળ વાગોળવાની ટેવ હોય છે. તેઓને સાક્ષાત્ ભૂતકાળમાં જવાની તમન્ના હોય છે. તો થાય કે આપણે ભવિષ્યમાં ન જઈ શકીએ અને બીજાની સરખામણીમાં આપણે ધીરે ધીરે મોટા થઈએ એ શક્ય છે તો શું આપણે ભૂતકાળમાં જઈ શકીએ? વિધાન ઈશારો કરે છે કે કદાચ આપણે ભૂતકાળમાં જઈ શકીશું.

આઈન્સ્ટાઈનના વિસ્તૃત સાપેક્ષવાદ પ્રમાણે ગુરુત્વાકર્ષણ પ્રકાશને વાંકો વાળે છે. તે પ્રમાણે તે સીધા જતા સમયને પણ વક્ર કરી શકે અને પછી રિવર્સ કરી શકે અને આપણે ભૂતકાળમાં જઈ શકીએ. એટલે કે સમયને ગુરુત્વાકર્ષણ રિવર્સ કરી શકે. એનો અર્થ એમ થાય કે બ્રહ્માંડમાં ભૂતકાળથી ભવિષ્યકાળ સુધીનો માર્ગ છે જ પણ પાછું જવા માટે ગ્રેવિટીનું હેન્ડલ જોઈએ. આઈન્સ્ટાઈનની થીઅરી પ્રમાણે ગુરુત્વાકર્ષણ અંતરીક્ષને વાંકું વાળે છે તેમ સમયને પણ વાંકો વાળે છે. માટે ભવિષ્યમાં વિજ્ઞાન-કુદરત માનવીને કદાચ તેના ભૂતકાળમાં લઈ જઈ શકે. જો માનવી ભૂતકાળમાં જાય તો તે પોતાનો અને દુનિયાનો ભૂતકાળ જોઈ શકે. એનો અર્થ એમ થાય કે બ્રહ્માંડ ભૂતકાળ સાથે એમનું એમ રહે છે. માત્ર ભૂતકાળમાં જવા ગુરુત્વાકર્ષણના દરવાજામાંથી પસાર થવું પડે. તે તોતિંગ દરવાજાને ખોલવો પડે.

એક પ્રશ્ર્ન એ છે કે માનવી કેટલા ઊંડા ભૂતકાળમાં જઈ શકે? તે તેણે પહેલેથી જ નિશ્ર્ચિત કર્યું હોય તેટલા ભૂતકાળમાં જઈ શકે. બીજો પ્રશ્ર્ન એ થાય કે માનવી જ્યારે ભૂતકાળમાં જાય ત્યારે તે મૂક પ્રેક્ષક બની રહે કે દુનિયા સાથે ચેડાં પણ કરી શકે? જો તે ચેડાં કરી શકે તો તે ખતરનાક ગણાય. માનવીને સર્જીને કુદરતે પોતાને સમજવાની પ્રક્રિયા શરૂ કરી છે પણ માનવી ભૂતકાળમાં જઈને કુદરત સાથે ચેડાં કરવા માંડે તો કુદરત પોતે જ પરેશાન થઈ જાય અને સ્થિતિ અતિ ખરાબ બની શકે.

પુરાણમાં એક રસપ્રદ કથા છે. સાંદીપનિ ઋષિનો એકનો એક દીકરો પાણીમાં ડૂબી મૃત્યુ પામે છે. ઋષિ અને ઋષિપત્ની ખૂબ જ દુ:ખમાં છે. થોડા મહિનાઓ પછી સાંદીપનિ ઋષિના આશ્રમે ત્રણ બાળકો વિદ્યા લેવા આવે છે. તે બાળકોમાં બળભદ્ર, કૃષ્ણ અને સુદામા હોય છે. આ બાળકો ઋષિ પાસે ભણતાં હતાં અને સાથે સાથે પરિવારની માફક ઋષિના ઘરનું કામ પણ કરતા હતા, એવો રિવાજ જ હતો. એક દિવસ ઋષિ-પત્ની ગાય દોહવા બેઠાં અને તેમને એક બીજું બોઘરણું (ઘડો - વાસણ) જોઈતું હતું. તેમણે કૃષ્ણને બૂમ પાડી કે તે વાસણ દઈ જાય, પણ કૃષ્ણ તો ઋષિ પાસે ભણતા હતા. કૃષ્ણે ઋષિ-પત્નીની બૂમ સાંભળી તેથી હાથ લાંબો કરી ઋષિ-પત્નીને વાસણ પહોંચાડી દીધું. ઋષિ-પત્ની તો ડઘાઈ ગયાં. તેમને ત્યારે ખબર પડી ગઈ કે કૃષ્ણ તો સાક્ષાત્ ઈશ્ર્વર છે. હવે જ્યારે કૃષ્ણ - બળભદ્રનો અભ્યાસ પૂરો થવા આવ્યો ત્યારે ઋષિ-પત્નીએ ઋષિને કહ્યું કે કૃષ્ણ તો સાક્ષાત્ ઈશ્ર્વર છે અને શિખડાવ્યું કે એ જ્યારે રિવાજ પ્રમાણે ગુરુદક્ષિણા આપવાની વાત કરે ત્યારે કહેજો કે તે આપણો મૃત્યુ પામેલો દીકરો પાછો લઈ આવે. સાંદીપનિ ઋષિ તો વિદ્યાર્થીઓ પાસે દક્ષિણાની વાત જ ન કરે, પણ દુ:ખી ઋષિ-પત્નીને ખુશ કરવા જ્યારે કૃષ્ણે સાંદીપનિ ઋષિને કહ્યું કે અમે આપને ગુરુદક્ષિણામાં શું આથીએ? ત્યારે ગુરુજી તો કાંઈ માગવાના ન હતા, પણ ઋષિ-પત્ની સામે જ ઊભી હતી તેથી તેમણે ગુરુદક્ષિણામાં તેમના મૃત્યુ પામેલા દીકરાને પાછો લાવવાની માગ કરી. કથા પ્રમાણે કૃષ્ણ પછી ગરુડ પર બેસી અંધકાર અંતરીક્ષમાં જાય છે. તે અંધકાર અંતરીક્ષને પાર કરી પ્રકાશિત અંતરીક્ષમાં પ્રવેશે છે અને ગુરુના દીકરાને લાવી ગુરુ અને ગુરુ-પત્નીને સોંપે છે. ગુરુ અને ગુરુ-પત્નીના આનંદનો પાર નથી રહેતો. આ કથા હોય તો ઘણી અદ્ભુત છે. પૂરા ભારતમાં બધાં જ શિવાલયોમાં નંદી બેઠેલો હોય છે. ઉજ્જૈનમાં સાંદીપનિ ઋષિના આશ્રમની નજીક શિવાલયમાં નંદી ઊભો છે, બેઠો નથી. બાળકૃષ્ણ ક્ષિપ્રા નદીના કિનારે સાંદીપનિ ઋષિના આશ્રમે ભણવા આવે છે ત્યારે કૃષ્ણ શંકર ભગવાનના દર્શને તે શિવાલયમાં આવે છે. ત્યારે હરિ અને હરનું મિલન થયેલું જોઈ ઉત્તેજનામાં નંદી ઊભો થઈ જાય છે. માટે પૂરા ભારતમાં માત્ર એ એક જ શિવાલયમાં નંદી બેઠો નથી, પણ ઊભો છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=359110

અર્વાચીન વિજ્ઞાનનાં મૂળિયાં ખૂંપેલાં છે પ્રાચીન પુરાણોમાં --ડૉ. જે. જે. રાવલ

ભારતીય સંસ્કૃતિમાં શંકર ભગવાનનું એક સ્વરૂપ અર્ધનારીશ્ર્વરનું છે. અર્ધનારીશ્ર્વર અડધી સ્ત્રી છે અને અડધો પુરુષ છે. તો મનમાં થાય કે આવું હોઈ શકે? અર્વાચીન વિજ્ઞાન પર દૃષ્ટિ કરીએ તો લાગે કે તેવું બની શકે. તબીબી વિજ્ઞાન આપણને દર્શાવે છે કે પુરુષ હકીકતમાં અડધો સ્ત્રી જ છે અને સ્ત્રી હકીકતમાં અડધી પુરુષ છે. પુરુષછાપ સ્ત્રી અને સ્ત્રી છાપ પુરુષ. અર્વાચીન ભૌતિકશાસ્ત્ર કહે છે કે પ્રકાશને બે સ્વરૂપો છે, તરંગ સ્વરૂપ અને પદાર્થકણ સ્વરૂપ. તરંગ સ્વરૂપ નારીના સ્વરૂપનો નિર્દેશ કરે છે અને પદાર્થકણ સ્વરૂપ પુરુષના સ્વરૂપનો નિર્દેશ કરે છે, જેને વેવ-પાર્ટિકલ ડ્યુઆલિટી (wave particle duality) કહે છે. આ વાત બ્રહ્માંડના દરેકેદરેક પદાર્થકણ-વસ્તુને લાગુ પડે છે. જો વસ્તુ મોટી હોય તો તે પદાર્થકણ સ્વરૂપે વર્તે છે અને સૂક્ષ્મ હોય તો તરંગરૂપે વર્તે છે. આપણાં પુરાણોની આ વાત ઘણી અદ્ભુત છે અને તેની પાછળ કાંઈક તથ્ય છે. 

અર્વાચીન ક્વોન્ટમ થીઅરી કહે છે કે વિશ્ર્વમાં આપણા બ્રહ્માંડ જેવાં કેટલાંય બ્રહ્માંડો હોઈ શકે છે. વિશ્ર્વમાં વિશ્ર્વોની વાત છે. જેમ ફુગાવાળો રંગબેરંગી ફુગ્ગાઓનો ગુચ્છો લઈ વેચવા નીકળે છે તેમ કુદરત વિશ્ર્વનો ગુચ્છો લઈ નીકળી હોય તેમ લાગે છે.

કથા એવી છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વચ્ચે તકરાર થઈ કે તેમનામાંથી કોણ દેવ મોટો? તેઓ કોઈ નિર્ણય પર આવી શક્યા નહીં. તેેથી તેઓ મહાશક્તિ પાસે ગયા અને આ બાબતે તોડ લાવવાનું કહ્યું. મહાશક્તિ કહે ચાલો મારી સાથે. મહાશક્તિ તેમને એક બીજા વિશ્ર્વમાં લઈ ગયાં અને દર્શાવ્યું કે જુઓ અહીં પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. તેઓ પછી ત્રણેને ત્રીજા વિશ્ર્વમાં લઈ ગયાં અને દર્શાવ્યું કે ત્યાં પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. પછી મહાશક્તિ તેમને ચોથા વિશ્ર્વમાં લઈ ગયાં અને ત્યાં પણ તેમને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દેખાડ્યા. આમ ને આમ મહાશક્તિ તેમને કેટલાંય વિશ્ર્વમાં લઈ ગયાં અને દર્શાવ્યું કે ત્યાં પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. આ કથા ક્વોન્ટમ થીઅરીનું વિધાન છે કે વિશ્ર્વમાં કેટલાંય વિશ્ર્વો હોઈ શકે છે. તેની વાત કરે છે. આમ આપણાં પુરાણોમાં એવી એવી કથાઓ છે જેને અર્વાચીન વિજ્ઞાન સાચી સાબિત કરે છે. આ હકીકતમાં બહુ જ આશ્ર્ચર્ય પમાડે તેવી વાત છે. 

વત્સલાહરણની કથામાં ઘટોત્કચના હાથીની વાત છે. શ્રીકૃષ્ણના મોટાભાઈ બળરામે પહેલાં તેની દીકરી વત્સલાનું વૈવિશાળ અર્જુનના પુત્ર અભિમન્યુ સાથે કર્યું હતું. પણ પાંચ પાંડવો જુગારમાં હારી ગયા જેથી તેમને વનવાસમાં જવું પડ્યું હતું. તેથી બળરામે તેની દીકરી વત્સલાનું વૈવિશાળ અભિમન્યુ સાથે ફોક કર્યું અને દુર્યોધનના દીકરા સાથે કર્યું. 

આ યોગ્ય ના કહેવાય. તેથી માયાવી ઘટોત્કચને અભિમન્યુનું લગ્ન વત્સલા સાથે જ કરાવવું હતું. તે અભિમન્યુને લઈને દ્વારકા પહોંચ્યા અને દુર્યોધનના દીકરાની જાન ત્યાં ઊતરી હતી ત્યાં સુન્દર હાથી-ઘોડાની દુકાન માંડી. દુર્યોધન અને તેના કુટુંબીઓ બધા ત્યાં જોવા આવ્યા. એ માયાવી હાથી, ઘોડા એટલા તો સુન્દર હતા કે મન મોહી જાય-તેઓએ એક હાથીનો ભાવ પૂછીએ તો શેઠના ઠાઠ-માઠમાં બેઠેલા ઘટોત્કચના માણસોએ કહ્યું, આ હાથી-ઘોડાનો ભાવ ઇંચમાં છે. તેનું શરીર જેટલા ઇંચનું થાય એટલી સોનામહોર આપવાની રહેશે. તો દુર્યોધને એક હાથીને પસંદ કર્યો. એ માયાવી હાથીને જેમ જેમ માપતા જાય તેમ તેમ તે મોટો થતો જતો હતો. તેની પૂંછડીએ મેઝરિંગ ટેપ મૂકે કે તે થોડો મોટો થઈ જાય. વળી પાછી મેઝરિંગ ટેપ તેની પૂંછડી સુધી લંબાવે તો વળી પાછો તે મોટો થઈ જાય. તો થાય કે આવો હાથી ક્યાંયે હોતો હશે? આવો હાથી છે. તે આપણું બ્રહ્માંડ જ છે. આપણું બ્રહ્માંડ ક્ષણે ક્ષણે વિસ્તરે છે. તેની કિનારી પર મેઝરિંગ ટેપ મૂકો ત્યાં સુધીમાં તે મોટું થઈ ગયું હોય. વળી પાછી મેઝરિંગ ટેપ તેને માપવી તેને વિસ્તૃત થયેલા છેડે મૂકો કે તે વધારે વિસ્તૃત થઈ ગયું હોય. આમ આપણને લાગતું હતું કે આવો હાથી હોઈ શકે તો કહે હોઈ શકે. આપણું બ્રહ્માંડ જ આવો હાથી છે. 

આમ આપણાં પુરાણોમાં કલ્પી ન શકાય તેવી કથાઓ છે જેને આજે વિજ્ઞાન ટેકો આપે છે.

એક જાતક કથા છે. તેમાં એક રાજા તેના પ્રધાનને કહે છે કે તેમની પાસે જે હજાર હાથીઓ છે તેમાં સૌથી મોટો હાથી કયો છે તે બતાવે. પ્રધાન તો વિમાસણમાં પડી ગયો કે રાજાના હાથીખાનામાં હજાર હાથી છે. તેમાં ઘણા ખરાં તો અદલો-અદલ સરખા લાગે છે. તે હૃષ્ટ-પૃષ્ટ છે તો કેવી રીતે જાણવું કે કયો હાથી મોટો છે? તેણે પછી ખૂબ જ વિચારો કર્યા. બે-ત્રણ દિવસના વિચારોને અંતે તેને તેનો રસ્તો મળી ગયો. તેણે ઢાળવાળો એક મોટો પાણીથી હોજ ભરાવ્યો અને સરખા લાગતા ડઝનેક મોટા હાથીઓને એક પછી એક પાણીના હોજમાં ઉતાર્યા. જે હાથીએ સૌથી વધારે પાણીનું સ્થળાંતર કર્યું હતું તે સૌથી મોટો હાથી. આમ તેણે સૌથી મોટો હાથી કયો તે શોધી કાઢ્યું. આ વાર્તા કમાલની છે. તેમાં આર્કિમિડીઝનો નિયમ છે. આર્કિમિડીઝ તો તે આ કથાના સમય પછી એકાદ સદી પછી શોધ્યો હતો. આર્કિમિડિઝનો નિયમ કહે છે કે જ્યારે વસ્તુને પાણીમાં ડુબાડીએ ત્યારે તે તેના કદનું પાણી સ્થળાંતર કરે. જો પાણીનું વજન પદાર્થના જેટલું કે તેનાથી વધારે હોય તો તે તરે અને ઓછું હોય તો ડૂબી જાય. એટલે કે આપણા પૂર્વજો ઈમ્પિટીકલી આર્કિમિડિઝનો નિયમ જાણતા હતા. 

શ્રી કૃષ્ણના ભાઈ બળરામનું બીજું નામ સંકર્ષણ છે. તેનો આવિર્ભાવ તો કૃષ્ણની માતા દેવકીના ગર્ભમાં સાતમા પુત્ર તરીકે થયો હતો, પણ નિયતિને તે માન્ય ન હતું કે તેને કંસ મારી નાખે માટે તેનું સંકર્ષણ કરી વસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં તેને સ્થાપ્યા. માટે તે સંકર્ષણ કહેવાયા. આ હાલના તબીબી વિજ્ઞાનની કમાલ છે. શું આવી વિદ્યા ત્યારે હશે? તે પ્રશ્ર્ન થાય છે. ન હોય તો પણ આવી કથા તો છે જે આશ્ર્ચર્ય પમાડે છે. સો કૌરવો-પાંડવોના જન્મની કથા, જરાસંઘના જન્મની કથા આજે પણ આપણને અચંબામાં મૂકી દે છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=234847

વલયોનો રાજા શનિ શું કોઈને નડી શકે? -- ડૉ. જે. જે. રાવલ

શનિ ગ્રહથી દુનિયા આખી ડરે છે. શનિ ગ્રહ આકાશમાં પરિક્રમા કરતાં ૩૦ વર્ષ લે છે. રાશિઓ ૧૨ હોવાથી તે એક રાશિમાં અઢી વર્ષ રહે છે. કોઈ એક રાશિમાં આવે તે પહેલાં તે પશ્ર્ચિમ તરફની રાશિમાં અઢી વર્ષ રહે છે. પછી તે રાશિમાં આવે છે અને અઢી વર્ષ રહે છે અને પછી તેની પૂર્વ તરફની રાશિમાં અઢીવર્ષ રહે છે. કુલ સાડા સાત વર્ષ લે છે. આને શનિની સાડા સાતી કહે છે. પ્રારંભે અઢી વર્ષ તે પશ્ર્ચિમ તરફની રાશિમાં રહે છે તે ચઢતી પનોતી. પછી તે રાશિમાં આવે છે જે ભારે હોય છે અને પછી તમારી રાશિની પૂર્વની રાશિમાં આવે છે, એ ઊતરતી પનોતી બધા જ ગ્રહો પશ્ર્ચિમથી પૂર્વ તરફ આકાશમાં ચક્કર લગાવે છે. પુરાતન જમાનામાં ખબર ન હતી કે બધાં જ ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે. ત્યારે મનાતું કે પૂરું બ્રહ્માંડ પૃથ્વીની ફરતે ચક્કર લગાવે છે.

પુરાતન જમાનામાં માત્ર શનિ સુધીના ગ્રહો જ માનવીઓને જાણીતા હતાં. તેમાં શનિ આકાશમાં ચક્કર લગાવતાં સૌથી વધારે સમય લેતો હોઈ તે ધીમો ચાલે છે. તેથી લોકો કહેતાં શનૈ: શનૈ: અરતિ, ઈતિ શનિશ્ર્ચર: અર્થાત્ ધીમે ધીમે ચાલે તે શનિ, આ માટે લોકોએ કથા જોડી કાઢી કે શનિ લંગડો છે. શનિ કેવી રીતે લંગડો થઈ ગયો? તો કહે રાવણને ત્યાં મેઘનાદનો જન્મ થવાનો હતો. તે અજેય અને અજર-અમર રહે માટે રાવણે બધા જ ગ્રહોને એક જ રાશિમાં રહેવાનું ફરમાન કરેલું. જો રાવણ આ બાબતે સફળ રહે તો મેઘનાદ જેણે ઈન્દ્રને જીતેલો અને તેથી જેનું બીજું નામ ઈન્દ્રજીત છે તે અજેય અને અજર-અમર થઈ જાય, આમ ઈન્દ્રજીત પૂરી દુનિયાને રંજાડે માટે દુનિયાના ભલા માટે સાહસ કરીને શનિએ મેઘનાદના જન્મ વખતે પોતાનો પગ બીજી રાશિ સુધી લંબાવી રાવણની યોજના પર પાણી ફરવી દીધું. રાવણને આની તત્ક્ષણે ખબર પડી. રાવણે વજ્રથી શનિનો બીજી રાશિમાં ફેલાયેલો પગ ઉડાડી દીધો. માટે શનિ લંગડો થઈ ગયો અને તે ધીરે ધીરે ચાલે છે. પુરાણોમાં શનિના ધીરે ધીરે ચાલવાનું આ કારણ અપાયું છે. ખગોળવિધાને દર્શાવ્યું છે કે ગ્રહો કેપ્લરના ગ્રહગતિના નિયમો પ્રમાણે ગતિ કરે છે અને જેમ ગ્રહ સૂર્યથી દૂર તેટલો તે ધીરે ચાલે. ન્યુટને પછી તેના ગતિના અને ગુરુત્વાકર્ષણના નિયમો વડે કેપ્લરના નિયમોને સાચા સાબિત કર્યા છે. પ્રાચીન સમયમાં શનિ સૌથી દૂરનો ગ્રહ હતો અને તે આકાશમાં પરિક્રમા કરવા ૩૦ વર્ષ લે છે. હવે તો શનિ પછી યુરેનસ, નેપ્ચ્યૂન, પ્લુટો, સેડની, આયરીસ જેવા ગ્રહો શોધાયાં છે જે શનિ કરતાં ત્રણ, પાંચ કે દશગણા વધારે ધીમા ચાલે છે.

આ કથા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે શનિ દુનિયાના ભલા માટે કામ કરે છે. લોકો નકામા તેનાથી ડરે છે. શનિને બિચારાને વગોવી નાખ્યો છે. તેની પાછળ જ્યોતિષીઓનું કારસ્તાન છે. શનિને પુરાણોમાં સૂર્યપુત્ર કહ્યો છે. તે ભલા કાળો કેવી રીતે હોય? તાપી નદી, યમુના નદી શનિની બહેનો છે. ખગોળ વિજ્ઞાની દર્શાવે છે કે પૂરા બ્રહ્માંડમાં શનિ જેટલો કોઈ આકાશીપિંડ સુન્દર નથી. શનિ તો જાણે હીરા, મોતી અને સ્ફટિકનો બનેલો લાગે છે. તેની પાછળનું કારણ સૂર્યમાળામાં તેની કક્ષાની જગ્યા અને તેનું સુન્દર બંધારણ છે. 

શનિ સૂર્યથી દોઢ અબજ કિલોમીટર દૂર છે અને પૃથ્વીથી એક અબજ અને પાંત્રીસ કરોડ કિલોમીટર દૂર છે તે સ્ફટિક જેવા વાયુઓનો એક લાખ ૨૦ હજાર કિલોમીટરના વ્યાસનો ગોળો છે. શનિ પર ઉષ્ણતામાન ઓછા ૧૭૫ અંશ સેલ્સીઅસ છે. 

શનિનાં દર્શન કરનાર પ્રથમ માનવી ગેલિલિયો હતો. ગેલિલિયોએ તેના નાના દૂરબીનમાંથી શનિની બંને બાજુએ ફૂલેલા ભાગો પણ જોયા હતાં. તેનું તેણે તેની નોંધપોથીમાં ચિત્ર પણ દોર્યું હતું, જે નોંધપોથી આજે પણ ઉપલબ્ધ છે. તેમ છતાં તે શનિના વલયો છે તે જાણી શક્યો ન હતો. કારણ કે તેનું દૂરબીન નાનું હતું તેથી તે શનિના ગોળાને તેના વલયોથી અલગ દેખાડી શકતું ન હતું. આ વાત ૧૬૧૦ની છે. પછી દૂરબીનો મોટા મોટા બનતાં ગયાં. ૧૬૫૬માં દુનિયાની પ્રથમ વેધશાળા પેરિસની વેદ્યશાળામાં કાર્યરત ક્રિશ્ર્ચિન હોયગન્સે તેનું પ્રમાણમાં મોટું દૂરબીન શનિ પર માંડ્યું ત્યારે તેને શનિના વલયોને રૂપે શનિના ગોળાથી અલગ જોયાં. આમ શનિના વલયોની શોધ થઈ. હોયગન્સે શનિના વલયો શોધ્યાં પછી શનિનો અભ્યાસ કરતાં તેણે શનિનો સૌથી મોટો ઉપગ્રહ ટાયટન પણ શોધી કાઢ્યો. ટાયટન આપણા ચંદ્ર જેવડો મોટો છે. ઠંડીને હિસાબે શનિ અને તેના ઉપગ્રહ ટાયટન પર અમોનિયા, મિથેન, ઈથેનવાયુ પ્રવાહી અને બરફના રૂપમાં ફેરવાઈ ગયાં છે. આ અમોનિયા અમીનો અસિડ જીવનનો મૂળભૂત પદાર્થ છે. માટે વિજ્ઞાનીઓ માને છે કે ટાયટન પર કોઈ પ્રકારનું જીવન હોવાની સંભાવના છે. ટાયટન પર અમોનિયા અને ઈથેનના સરોવરો છે. 

હોયગન્સની શનિની ઉપગ્રહમાળાની શોધથી પ્રભાવિત થઈને પેરિસ વેધશાળાના ડિરેક્ટર ડોમનીક કસીની ખૂદ શનિનો અભ્યાસ કરવા બેઠાં. તેના શનિના વલયના સૂક્ષ્મ અભ્યાસે દર્શાવ્યું કે હોયગન્સે શોધી કાઢેલા શનિના વલયમાં સ્પષ્ટ ખાલી જગ્યા છે. એટલે કે શનિને બે વલયો છે. તેમ છતાં માનવામાં આવતું કે શનિના વલયો સઘન પટ્ટા (solid belt) છે. થોડા વર્ષો પછી કર્કવૂડ નામના ખગોળ વિજ્ઞાનીએ શોધી કાઢ્યું કે શનિને ત્રીજું વલય પણ છે. તેમ છતાં શનિના વલયો સઘન પટ્ટા મનાતાં. છેક ઓગણીસમી સદીમાં વિખ્યાત ભૌતિકશાસ્ત્રી કલર્ક મેક્ષમેલે સાબિત કર્યું કે શનિના વલયો સધન પટ્ટા નથી પણ નાના મોટા કંકર, ખડકોનાં બનેલાં છે. આ બધાં પોતપોતાની રેખામાં-વર્તુળોમાં શનિની પરિક્રમા કરે છે. વર્તુળ પર વર્તુળમાં નાના મોટા કંકર, પથ્થર અને ખડકાં શનિના વલયોમાં સબડિવિઝન કરી શનિની પરિક્રમા કરે છે. શનિના વલયોનો કુલ વિસ્તાર ૯૦,૦૦૦ કિલોમીટર છે જેમાં સાત પૃથ્વીને ગોઠવી શકાય. શનિના વલયોના ખડકો પર ઠંડીની હિસાબે બરફ બાઝી ગયાં છે. આ બરફો પાણી, અમોનિયા, ઈથેન, અને મિથેનના છે અને રંગબેરંગી છે. ૯૦,૦૦૦ના વિસ્તારમાં પથરાયેલા આ બરફાચ્છાદિત-બરફકોટેડ નાના મોટા ખડકો, પથ્થરો, ધૂળિકણો પર સૂર્યપ્રકાશ પડે છે તેથી તે ઝગારા મારે છે અને દોઢ અબજ કિલોમીટર દૂર છતાં આપણને તે નાના એવા દૂરબીનમાંથી દૃશ્યમાન થાય છે. શનિના ગોળાની વચ્ચે થોડા દૂર રહીને દેખાતા શનિના વલયો અને શનિ આહલાદક દૃશ્ય સર્જે છે. જોઈને વિસ્મય પામી જવાય. શનિને વલયોથી સુશોભિત જોઈને મન નાચી ઊઠે છે. અને દૂરબીનમાંથી આંખ લઈ લેવાનું મન થતું નથી. વલયોવાળો શનિ બ્રહ્માંડની શોભા છે.

શનિના વલયો વચ્ચેની મોટી ગૅપને તેના શોધકના નામ પર કસીની ગૅપ કહે છે અને બીજી થોડી નાની ગૅપને તેના શોધકના નામ પર કર્કવૂડ ગૅપ કહે છે. શનિને ચોથું વલય પણ છે. તેની સૈદ્ધાંતિક શોધ ૧૯૭૭માં લેખકે કરી હતી. ગ્રહોના વલયો વચ્ચે શા માટે ખાલી જગ્યા રહે છે તેની શોધ પણ લેખકે તેના ગ્રહ-અંતરના નિયમ પર અને તેમાં લાગુ પડતા ગુરુત્વાકર્ષણીય સ્પંદનો (ગ્રેવિટેશનલ રેસોનન્સની ક્રિયા) પર ૧૯૮૦માં કરી હતી. શનિનું આ ચોથું વલય ૧૯૭૯માં પાયોનિયર યાને શોધી કાઢ્યું હતું. 

શનિને હવે ૩૨ ઉપગ્રહો છે. કસીની અંતરીક્ષયાને શનિના ઉપગ્રહમાળામાં વર્ષો સુધી વિહાર કરીને ઉપગ્રહમાળાનો ઝીણવટથી અભ્યાસ કર્યો છે અને દર્શાવ્યું છે કે શનિના એન્સેલેડસ નામના ઉપગ્રહની સપાટી નીચે પાણીના સરોવરો છે, ત્યાં જીવન હોવાની શક્યતા છે. ગુરુ, યુરેનસ, શનિ, નેપ્ચ્યૂન બધાની ઉપગ્રહમાળા સૂર્યમાળાની જ આબેહૂબ નકલ છે, માત્ર સ્કેલ નાનો છે. સૂર્યમાળામાં સૂર્યમાં પદાર્થ જબ્બર હોઈ તે સ્વયંપ્રકાશિત છે. આ મોટા ગ્રહોના ગર્ભભાગમાં પણ નિસ્તેજ રીએક્ટની આણ્વિક ક્રિયા ચાલે છે. તેમ છતાં તે ઝળહળતાં નથી. ગુરુ મોટો હોવાથી ભવિષ્યમાં તેના ગર્ભભાગમાં ચાલતું અણુરીએક્ટર સતેજ થઈ તે સૂર્યમાળામાં બીજો સૂર્ય બની શકે છે. ત્યારે સૂર્યમાળામાં બે સૂર્યો હશે, એક નાનો અને બીજો મોટો-ત્યારે પૃથ્વી પરથી જોતાં અને અનુભવતાં કેવું લાગશે તે તો ભવિષ્ય જ કહેશે.

ઘણી વાર શનિના વલયો માત્ર રેખારૂપે જ દૃશ્યમાન થાય છે તો કોઈ વાર તેના વલયો તદ્દન અદૃશ્ય થઈ જાય છે. વલયો વગરનો શનિ લોકોને દેખાડીએ તો તેમને નવાઈ લાગે છે. આની પાછળનું કારણ આપણે પૃથ્વી પરથી શનિને કઈ રીતે ફેઈસ ઑન (face- on) કે એજ ઑન (edge on) જોઈએ છીએ. તેના પર આધારિત છે. ઘણી વાર આ ખૂણો એવો હોય છે કે શનિના વલયો જરા પણ દેખાય નહીં. શનિને જ્યારે આપણે ફેઈસ ઑન (face-on) જોઈએ છીએ ત્યારે તે તેના વલયોના અદ્ભુત દર્શન કરાવે છે.

વલયોની ફરતે શૅફર્ડ સેટેલાઈટ (ભરવાડ ઉપગ્રહો) હોય છે. આ સેટેલાઈટને શૅફર્ડ સેટેલાઈટ કહે છે કારણ કે તે ભરવાડ (શૅફર્ડ)નું કાર્ય કરે છે. જેમ એક કે બે ભરવાડ ઘેટા, બકરા, ગાય, ભેંસના પૂરા ધણને તેના આકારમાં હાંકે છે તેમ. એક ઘેટું બહાર નીકળવા જાય તો તેને લાકડીથી અંદર રહેવાનું કહે છે. આકાશમાં ગ્રહના વલયોને તેના આકારમાં રાખવા ભરવાડ ઉપગ્રહો છે.

એક ત્રસ્ત માનવી હતો તે જ્યોતિષી પાસે ગયો કે તેના સારા દિવસો ક્યારે આવશે. જ્યોતિષીએ કહ્યું કે તેને શનિ નડે છે અને જો તે તેને એક હજાર રૂપિયા આપશે તો તે જાપ કરી તેને શનિનાં નડતરમાંથી બચાવશે. તે માનવીએ કહ્યું મારી પાસે હજાર રૂપિયા નથી. તો જ્યોતિષીએ કહ્યું કે તે ગરીબ છે માટે તેને પાંચસો રૂપિયામાં શનિના જાપ કરી આપશે. તે માનવીએ કહ્યું કે તેની પાસે પાંચસો રૂપિયા નથી. તો જ્યોતિષિ કહે તે તેને રૂ. ૨૫૧માં જાપ કરી આપશે. તો તે માનવીએ કહ્યું તેની પાસે રપ૧ રૂપિયા નથી. પછી તે જ્યોતિષી રૂ. ૧૦૧, રૂ. ૫૧, રૂ. ૨૧, રૂ. ૧૧ અને છેવટે રૂ. પાંચ પર ઊતરી આવ્યો. તો તે માનવીએ કહ્યું કે તેની પાસે પાંચ રૂપિયા પણ નથી તો જ્યોતિષીએ છેવટે તેને સવા રૂપિયામાં શનિના જાપ કરવા તૈયાર થઈ ગયો. તો તે માનવીએ કહ્યું કે તેની પાસે સવા રૂપિયો પણ નથી. તો તે જ્યોતિષીએ પછી કહ્યું કે તારી પાસે સવા રૂપિયો પણ નથી તો શનિ તારું શું બગાડી લેશે? આમ ગ્રહો પૈસાદાર માણસોને નડે છે, ગરીબોને નહીં. ગ્રહો બિચારા વલયો પહેરેલા પદાર્થના ગોળા છે. તે માનવીને નડે તે માનવામાં આવતું નથી   

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=221533

સવાઇ ખગોળવિજ્ઞાની રાજા જયસિંહ બીજો ડૉ. જે. જે. રાવલ

ભારતમાં પથ્થર અને ચૂનામાંથી બનાવેલાં વિશાળ ખગોળીય યંત્રોસભર પાંચ વેધશાળાઓ છે જેને જંતર મંતર વેધશાળા કહે છે. જંતર એટલે ખગોળીય યંત્રો અને મંતર એટલે ખગોળીય સિદ્ધાંતો. દિલ્હી, જયપુર, વારાણસી, મથુરા અને ઉજ્જૈન સ્થિત આ પાંચેય વેધશાળાઓ અંબર અને જયપુરના મહારાજા સવાઇ જયસિંહ બીજાએ બંધાવી છે. જયસિંહ નાનપણથી જ ખગોળવિજ્ઞાનમાં રસ લેતા. જયપુર મોગલ સામ્રાજ્યનું આશ્રિત હતું અને રાજા જયસિંહ મોગલોનો એક સરદાર હતા, એક ખંડિયા રાજા હતા.

મોગલ બાદશાહોને લડાઇ લડવા અને બીજાં શુભાશુભ કાર્યો અને પ્રસંગો માટે રાજધાનીના શહેર બહાર જવું પડતું, તે, તેઓ સારા મુહૂર્તમાં જઇ શકે માટે તેઓએ ખગોળરશિયા રાજા જયસિંહને બોલાવી દિલ્હીમાં જ ખગોળની વેધશાળાની સ્થાપના કરાવી. 

મોગલબાદશાહ ઔરંગઝેબે જ્યારે મથુરાનું કૃષ્ણમંદિર તોડવાની જાહેરાત કરી ત્યારે હિન્દુરાજા જયસિંહે ઔરંગઝેબ સાથે છેડો ફાડી નાખ્યો રાજા જયસિંહના દરબારમાં શાહુ મહારાજ પધારેલા અને હિન્દુ રાજાઓએ ઔરંગઝેબનો સામનો કેવી રીતે કરવો તેની મશલત કરેલી. શિવાજી મહારાજે ઔરંગઝેબને પરેશાન કરી મૂકેલો પણ શિવાજી મહારાજના દેહાંત પછીનો આ જમાનો હતો. 

રાજા જયસિંહના જમાનામાં પંચાંગો સુધારવાની જરૂર હતી, કારણ કે જ્યારે પૂનમ-અમાસ આવવાની હોય ત્યારે આવતી નહીં, ગ્રહણો થવાના હોય ત્યારે તે બે-ચાર દિવસ આગળ પાછળ થતાં. આમ આકાશનો ફરીથી અભ્યાસ કરી પંચાંગો સુવ્યવસ્થિત બનાવવાનાં હતાં. આ કાર્ય રાજા જયસિંહે કર્યું. તેણે ૧૦૦૦ તારાની જગ્યાઓ ફરીથી માપી. એટલું જ નહીં પણ રવિમાર્ગનો ઢોળાવ પણ ફરીથી ચોક્કસ રીતે માપ્યો. 

રાજાને શા માટે એક નહીં, બે નહીં અને પાંચ વેધશાળાઓ સ્થાપવાની જરૂર પડી? ખગોળીય પ્રસંગ (ઘટના) અવાર નવાર આવે નહીં, તે આપણી મરજી મુજબ થતો નથી અને આવો ખગોળીય પ્રસંગ (ઘટના) ઘણીવાર કેટલાય દશકાઓ પછી પુનરાવર્તિત થાય છે. માટે તેનો અભ્યાસ કરી લેવામાં ન આવે તો નભોમંડળના ઊંડા અભ્યાસની તક હાથમાંથી ચાલી જાય છે. માટે જો અલગ અલગ જગ્યાએ વેધશાળાઓ કરી હોય તો એક વેધશાળા પર વાદળો હોય કે નિરીક્ષક ભૂલ કરે તો બીજી વેધશાળામાં અભ્યાસ થાય અને ખગોળીય પ્રસંગ અભ્યાસ કર્યા વગરનો વ્યર્થ ન જાય. અને બધી જ વેધશાળાઓમાં (ખગોળીય ઘટનાની) પ્રસંગની નોંધો થઇ હોય તો (ખગોળીય ઘટનાની) પ્રસંગની ચોક્કસાઇ વધારે થાય છે. 

જયસિંહની વેધશાળામાં આટલા વિશાળ અને મોટાં યંત્રો શા માટે બનાવવામાં આવેલાં? મોટા યંત્રો હોય તો તે હવામાં હલે નહીં અને નોંધો બરાબર થાય વળી પાછું એક સાથે ચાર પાંચ જણ પ્રસંગની માપણી કરી શકે અને ખગોળીય ઘટનાને સમજી શકે. મોટાં યંત્રોની મદદ વડે વિદ્યાર્થીઓને તાલીમ પણ આપી શકાય. જંતર-મંતર વેધશાળાઓ હકીકતમાં સમરકંદના બાદશાહ ઉલુધબેગની વેધશાળામાંથી પ્રેરણા લઇ બનાવવામાં આવી છે, તેમ છતાં તેમાં રાજા અને તેના મદદનીશ ખગોળવિજ્ઞાનીઓએ તેમની કલ્પનાનાં નવાં યંત્રો પણ ઉમેર્યાં છે. 

રાજા જયસિંહ યોદ્ધો હતો, ખગોળવિજ્ઞાની હતો, રાજ્ય બિલ્ડર પણ હતો. સંસ્કૃત અને પરશિયન ભાષાનો સ્કોલર હતો. તેને ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં ઊંડો રસ હતો. તેના સહાયકોમાં ગુજરાતનો પંડિત કેવલરામ, મહારાષ્ટ્રનો પંડિત રત્નાકર પુંડરીક, બંગાળનો પંડિત વિદ્યાધર ભટ્ટાચાર્ય અને ખગોળવિજ્ઞાનમાં નિપૂણ પંડિત જગન્નાથ સમ્રાટ હતા. પંડિત જગન્નાથ સમ્રાટ હકીકતમાં રાજા જયસિંહનો ગુરૂ હતો. 

જયપુર પર સમય માપવા અને સૂર્યની ખગોળીય વિષુવવૃત્ત પર ઊંચાઇ માપવા બે સનડાયલ છે. એક લઘુસનડાયલ અને બીજું યંત્રરાજ (સમ્રાટયંત્ર) આ બંને યંત્રો ધ્રુવના તારાને દર્શાવે છે. આ યંત્રોનો ઢાળ ધ્રુવતારાને દર્શાવે છે. વેધશાળામાં લોખંડના નાનાં નાનાં યંત્રો પણ છે જે ધ્રુવતારાને દર્શાવે. 

નારીવલયંત્ર વસંતસંપાત, દક્ષિણાયન, શરદસંપાત અને ઉત્તરાયણ ક્યારે આવશે તે દર્શાવે છે. ઉન્નતાંશયંત્ર આકાશપિંડની ક્ષિતિજથી ઊંચાઇ માપે છે અને તેની આમ-તેમની જગ્યા પણ માપે છે. તે મોટું ધાતુનું વર્તુળ હોય છે, વચ્ચે તેના વ્યાસ મળે છે જે ક્ષિતિજને સમાંતર અને લંબ હોય છે. તેને મજબૂત ટેકાથી લટકાવેલું હોય છે અને આમ તેમ ફરી શકે છે. 

દક્ષિણાભીતીયંત્ર આકાશપિંડની ઊંચાઇ માપે છે. સમ્રાટયંત્ર પર ચઢીને પવનની દિશા જાણવાથી ચોમાસું કેવું આવશે તેની આગાહી પણ થઇ શકે છે. સસ્થાંજ્ઞાયંત્ર સૂર્ય નિરીક્ષકની મેરીડીયન પરથી ક્યારે પસાર થાય છે તે દર્શાવે છે. જયપ્રકાશયંત્ર, જયસિંહની પોતાની શોધ છે. તે બે કંડારેલાં તવા જેવાં યંત્રો છે. તેની ઉપર ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ર્ચિમ વ્યાસ સાથે વાયર બાંધેલા છે અને વચ્ચે નાની કડી (રિંગ) છે. આ રિંગનો પડછાયો સૂર્યની ગતિવિધિ બરાબર માપી શકે છે. 

રાશિવલયયંત્ર, નિરીક્ષકની મેરીડીયન પર કઇ રાશિ પાસ થાય છે તે દર્શાવે છે. રામવલયયંત્ર આકાશીપિંડનું જેનીથ અંતર માપે છે અને તેની ગતિવિધિ પણ માપે છે. ચક્રયંત્ર આકાશીપિંડની જગ્યા માપી શકે છે. દિગાંશાયંત્ર, કપાલીયંત્રો, કાંતિયંત્રો જેવાં યંત્રો કોઇ પણ સમયે આકાશીપિંડોની હિલચાલ અને જગ્યા દર્શાવે છે. 

રાજા સવાઇ જયસિંહ દૂરબીનયુગ શરૂ થાય એ પહેલાંનો છેલ્લો ભારતીય ખગોળવિજ્ઞાની હતો જેને આકાશ નિરીક્ષણ માટે દૂરબીનનો ઉપયોગ કર્યો ન હતો. જો કે સત્તરમી સદીના પ્રારંભે નાનાં નાનાં દૂરબીનો અસ્તિત્વમાં આવી ગયાં હતાં પણ તેનો ફેલાવો થયો ન હતો. જો કે તેના છેલ્લા દિવસોમાં તેણે નાનું દૂરબીન મેળવ્યું હતું પણ તે શનિના વલયો અને ગુરૂના ઉપગ્રહો જોવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. 

રાજા જયસિંહે દુનિયામાંથી મળે તેટલાં ખગોળવિજ્ઞાનનાં પુસ્તકો ભેગાં કર્યાં હતાં અને તેને સંસ્કૃતમાં રૂપાંતર કરાવ્યાં હતાં. તેના રાજમાં ખગોળવિજ્ઞાનના પશ્ર્ચિમ વિદ્વાનોને પણ આશ્રય આપવામાં આવતો હતો. રાજા જયસિંહે ભારતમાં ખગોળવિજ્ઞાનને આગળ ધપાવવામાં મોટું કાર્ય કર્યું હતું. રાજા હોવા છતાં તેણે વિજ્ઞાન-ગણિતમાં કાર્ય કર્યું હતું. તે મોગલો અને બીજા હિન્દુ વિરોધી રાજાઓ અને રાજ્યો સાથે લડતા ઝઘડતા પણ તેને ખગોળવિજ્ઞાનમાં અભ્યાસ અને નિરીક્ષણ કર્યાં હતાં. તે બહુ મોટી વાત ગણાય. ત્યાર પછી પશ્ર્ચિમી વિજ્ઞાને ભારતમાં પગપેસારો કર્યો. જ્યારે ભારતમાં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ યુનિયનની પરિષદ ભરાઇ ત્યારે રાજા જયસિંહને અને તેના કાર્યને માન અપાવી તેનો લોગો જંતર મંતર વેધશાળા રાખવામાં આવ્યો હતો. 

દિલ્હીમાં જંતર મંતર વેધશાળા કોનોટ પ્લેસ પાસે છે. જયપુરમાં રાજાના દરબારમાં છે, વારાણસીમાં ગંગા કિનારે, મથુરામાં કૃષ્ણના મંદિર પાસે અને ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે. આ વેધશાળાઓ આજે પણ જયસિંહની અને ભારતમાં ખગોળવિજ્ઞાનના વિકાસની યાદ આપતી ઊભી છે અને યુવાનોને ખગોળવિજ્ઞાનમાં કારકિર્દી લેવા પ્રેરણા આપે છે અને પડકાર પણ ફેંકે છે. આર્યભટ્ટ, વરાહમિહીર, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્યના કાર્યની યાદ અપાવે છે. 

રાજા જયસિંહે વેધશાળા શા માટે કરી, તેના વિશે એક બીજી કથા છે જે સાચી ન પણ હોય. રાજા જયસિંહે ઉત્તર પ્રદેશનું એક રાજ્ય જીતી લીધું હતું. તેના લશ્કરના માણસો સુંદર મુસ્લિમ રાજકુમારીને તેના નાના ચાર વર્ષના બાળક સાથે જયસિંહને ભેટ તરીકે લઇ આવ્યા. રાજાએ લશ્કરને હુકમ કર્યો કે રાજકુમારીનું કોઇ જ નથી માટે તેને માનપૂર્વક જયપુર લઇ જવામાં આવે. ત્યાં પછી રાજાએ તેના મહેલના છેવાડે રાજકુમારીને રહેવાની વ્યવસ્થા કરી. થોડા દિવસ પછી રાજાને થયું કે મુસ્લિમ રાજકુમારી મહેલમાં રહે છે તો કોઇ તેને કનડતું નથી ને તેની સગવડ બરાબર છે કે નહીં તે જોવા જવું. રાજનું કામકાજ પતાવી સાંજે સાત વાગ્યે રાજા તે મુસ્લિમ રાજકુંવરી પાસે આવે છે અને મહેલના ટેરેસમાં તેઓ ઊભા હોય છે ત્યારે તારા સંધ્યાકાશમાં નીકળી પડતા દેખાય છે, તે મુસ્લિમ રાજકુમારી રાજાને પ્રશ્ર્ન પૂછે છે કે આકાશમાં લેન્ટર્ન (લાલટેન)ની જેમ પ્રકાશતા આ તારા શું હશે અને કેટલા દૂર હશે. ત્યારે રાજાએ તેણીને કહ્યું કે હું અત્યારે તો તારા પ્રશ્ર્નોના જવાબ આપી નહીં શકું પણ તારા પ્રશ્ર્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશ. આ સંવાદે રાજાને વેધશાળા સ્થાપવા પ્રેર્યા. 

રાજા જયસિંહ તેની વેધશાળા અને કાર્ય ભારતીય ખગોળવિજ્ઞાનનું સુવર્ણપાનું છે. પછી ખગોળવિજ્ઞાને કરવટ બદલી અને યુરોપમાં ગેલિલિયો, કોપરનીકસ, ક્ેપ્ટલર, ન્યુટને તેનો વિકાસ કર્યો. તે પહેલા ભારતમાં આર્યભટ્ટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્યે તેનો જબ્બર વિકાસ કર્યો હતો. રાજા જયસિંહ રાજા હોવા છતાં ખગોળવિજ્ઞાનનું કાર્ય કર્યું તે મહાન વાત છે. દુનિયાના ખગોળવિજ્ઞાનના કે વિજ્ઞાનના ઇતિહાસમાં આવા દાખલા આંગળીનાં વેઢે ગણાય તેટલા જ છે. તેમાં આવે છે ટામકો બ્રાહે, ઉલુધબેગ, ડીબ્રોલાઇ, હોમી ભાભા, વિક્રમ સારાભાઇ જેવો રાજઘરાના કે ખૂબ ધનાઢ્ય કુટુંબનાં હોવા છતાં વિજ્ઞાનને આગળ વધારવા જીવન અર્પ્યું હોય. 

જંતર-મંતર વેધશાળાના યંત્રો ખૂબ જ ચોક્કસ રીતે આકાશપિંડના વેધ લઇ શકે છે. ખૂણાના ૨ સેક્ધડની ચોક્કસાઇથી વેધ લઇ શકે છે. આજે પણ વિદ્યાર્થીઓને ખગોળવિજ્ઞાનના પ્રથમ પાઠો તે ભણાવી શકે છે. દૂરબીનમાં તો એક સમયે એક જ માણસ જોઇ શકે પણ અહીં એક સાથે પાંચ-દસ માણસો વેધ લેવાની પ્રક્રિયા જોઇ શકે. આપણે જંતર-મંતર વેધશાળાને ફરીથી કાર્યરત કરી વિદ્યાર્થીઓને ખગોળનું પ્રાથમિક જ્ઞાન આપવાની શરૂઆત કરવી જોઇએ. હવે તો ખગોળવિજ્ઞાનીઓ કોમ્પ્યુટરના સ્ક્રીન પર ખગોળીય ઘટનાનો અભ્યાસ કરી શકે છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=219342


Tuesday, March 5, 2019

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ અને સોનિયા સરકારની અસલિયત- સૌરભ શાહ

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ (ટી.એ.પી.એમ.).માં ૨૦૦૪થી ૨૦૧૪ સુધીના કૉન્ગ્રેસ શાસનની જે ઝલક બતાવવામાં આવી છે, કઈ રીતે દેશનું સંચાલન થતું હતું, કઈ રીતે એક કુટુંબને આગળ કરવા માટે સમગ્ર દેશના હિતનો ભોગ લેવાતો હતો તેની ઝલક છે. અને એટલે જ કદાચ આ ફિલ્મને સેક્યુલર તથા સામ્યવાદી રિવ્યુઅર્સે વખોડી કાઢી છે. આ ફિલ્મમાં જે પ્રગટ થાય છે તે સત્ય કૉન્ગ્રેસપ્રેમીઓથી સહન નથી જ થવાનું. અને ફિલ્મમાં જે કંઈ દેખાડવામાં આવ્યું છે તે સત્ય જ છે અને સત્ય સિવાય બીજું કશું જ નથી. જો એવું ન હોત તો ફિલ્મ સામે પ્રતિબંધ લાવવા માટે કૉન્ગ્રેસી વકીલો ક્યારના સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા હોત. ફિલ્મ જેના પર આધારિત છે તે એ જ નામના સંજય બાહુના પુસ્તકને પ્રગટ થયે પાંચ વર્ષ થયાં, પણ થોડા ઘણા નપુંસક વિરોધ સિવાય હજુ સુધી આ પુસ્તકની એક પણ માહિતીને કૉન્ગ્રેસી વકીલોએ કોર્ટમાં ખોટી પુરવાર કરવાની કોશિશ પણ નથી કરી. વિચ મીન્સ કે કૉન્ગ્રેસના અહમદ પટેલ, કપિલ સિબ્બલ કે અન્ય નેતાઓએ, રાહુલ-પ્રિયકાએ, ખુદ સોનિયા અને પૂર્વ પ્રધાન મંત્રી મનમોહનસિંહે સ્વીકારી લીધું છે કે પીએમના તે વખતના મીડિયા એડ્વાઈઝર સંજય બારુએ પુસ્તકમાં જે કંઈ લખ્યું છે તે સત્ય લખ્યું છે અને એ પુસ્તક પરથી જે ફિલ્મ બની છે તેમાં પણ એ સત્ય જ પ્રગટ થાય છે.

મનમોહનસિંહની સરકાર કઠપૂતળી સરકાર હતી. વડા પ્રધાનનો હોદ્દોે બંધારણીય હોદ્દો છે. એમની સત્તાનો દુરૂપયોગ કોઈ બીજું ન કરી શકે. પૃથ્વીરાજ ચૌહાણ એક જમાનામાં મહારાષ્ટ્રના ૧૭મા મુખ્ય મંત્રી હતા (૨૦૧૦થી ૨૦૧૪). કૉન્ગ્રેસનું મોટું માથું. ૨૦૦૨થી ૨૦૧૦ દરમ્યાન તેઓ રાજ્યસભાના સભ્ય હતા.

ફિલ્મમાં જે દૃશ્ય છે તેનું પુસ્તકમાં સંજય બારુએ પોતાના શબ્દોમાં આ રીતે વર્ણન કર્યું છે. ૨૦૦૪માં ડૉ. મનમોહનસિંહની વડા પ્રધાન તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં સોગંદવિધિ થઈ તેની સામે પ્રધાનમંડળના કેટલાક સભ્યોની પણ સોગંદવિધિ થઈ, પણ કોને કયું ખાતું મળશે તેની જાહેરાત હજુ નહોતી થઈ. સંજય બારુ લખે છે: ‘(રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં) કૉન્ગ્રેસ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ ખૂબ હોંશભેર ફરી રહ્યા હતા. ઉત્સવનું વાતાવરણ હતું. છ-છ વર્ષ પછી તેઓ પુન: સત્તા પામી રહ્યા હતા. ભાગ્યે જ કોઈને આશા હતી કે તેઓ આ ચૂંટણી જીતી શકશે અને ઘણાને આશંકા હતી કે કૉન્ગ્રેસ બીજા પક્ષો સાથે ગઠબંધન કરીને સરકાર રચી શકશે કે કેમ. સોગંદવિધિઓ પૂરી થયા પછી હું ડૉ. મનમોહનસિંહને અભિનંદન આપવા એમના તરફ ગયો, પણ સ્વાભાવિક રીતે જ તેઓ કૉન્ગ્રેસના મોટા મોટા નેતાઓથી ઘેરાઈ ચૂક્યા હતા, એમાં કેટલાક એવા મિનિસ્ટરો પણ હતા જેમને આશા હતી કે પોતાને કોઈ માલદાર મિનિસ્ટ્રી ફાળવવામાં આવશે, કેટલાક પત્રકારો પણ આ ટોળામાં હતા. મેં દૂરથી જ ડૉ. સિંહ સાથે આઈ કૉન્ટેક્ટ કર્યો અને એમને બે હાથ જોડીને નમન કર્યાં. એમણે સ્મિત કર્યું.

ટોળાથી દૂર જઈને હું આમતેમ લોકોને મળી રહ્યો હતો કે ક્યાંક મને મારા છાપા માટે કોઈ સમાચાર મળી જાય.’

એ વખતે સંજય બારુુ ‘ધ ફાઈનાન્શ્યલ એક્સપ્રેસ’ દૈનિકના ચીફ ઍડિટર હતા. મનમોહનસિંહ પી.એમ. બન્યાના થોડા દિવસ પછી સંજય બારુને પોતાના મીડિયા ઍડ્વાઈઝર બનાવ્યા.

રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં સોગંદવિધિઓ પતી ગયા પછી ફરતાં ફરતાં કોણ મળી ગયું એની વાત કરતાં સંજય બારુ લખે છે: ‘અચાનક મારો ભેટો પૃથ્વીરાજ ચૌહાણ સાથે થઈ ગયો. હું એમને એકાદ દાયકાથી જાણતો. નવી દિલ્હીના ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં સેટરડે ગ્રુપના અનૌપચારિક નામે ઓળખાતી વીકલી લંચ-ચર્ચામાં અમે બેઉ રેગ્યુલર હાજરી આપતા. પૃથ્વીરાજની રાજ્ય કક્ષાના મિનિસ્ટર તરીકે સોગંદવિધિ થઈ હતી. મેં એમને પૂછ્યું કે તમને કઈ મિનિસ્ટ્રી મળવાની છે? એમનું મોઢું લાડવા જેવું થઈ ગયું. પ્રસન્નચિતેે તેઓ બોલ્યા: પીએમે મને ખાનગીમાં કહ્યું છે કે મને નાણામંત્રાલય સોંપવામાં આવશે.’

સંજય બારુ લખે છે: ‘આ તો મારા માટે ફ્રન્ટ પેજ ન્યૂઝ થયા. મેં તરત જ પૃથ્વીરાજને બીજો સવાલ પૂછ્યો. તો પછી નાણામંત્રાલયમાં કેબિનેટ મિનિસ્ટર કોણ હશે? પૃથ્વીરાજે મારી નજીક આવીને મારા કાનમાં કહ્યું: પી.એમ. પોતે ફાઈનાન્સ મિનિસ્ટ્રી સંભાળશે.’ 

બારુુ લખે છે કે, ‘મને મારી હેડલાઈન મળી ગઈ.’

બીજે દિવસે એ સમાચાર, ભલે સત્તાવાર રીતે ક્ધફર્મ્ડ નહોતા, પણ ફ્રોમ હોર્સીસ માઉથ હતા એટલે સંજય બારુએ ફ્રન્ટ પેજની લીડ આઈટમ તરીકે ‘ધ ફાઈનાન્શ્યલ એક્સપ્રેસ’માં પ્રગટ કર્યાં.

બારુુ લખે છે: ‘સવારે છાપું પ્રગટ થયું અને મને પી. ચિદમ્બરમ્નો ફોન આવ્યો. એમણે ૧૯૯૬માં ટૂંકા ગાળા માટે જીવેલી જોડતોડ સરકાર વખતે નાણામંત્રીની જવાબદારી નિભાવેલી એ વખતે તેઓ કૉન્ગ્રેસમાંથી છૂટા પડેલા જૂથ દ્વારા બનેલી પાર્ટીમાં હતા અને ૨૦૦૪ના ઈલેક્શનના થોડાક જ વખત પહેલાં પાછા કૉન્ગ્રેસમાં આવી ગયા હતા. ચિદમ્બરમે મને પૂછયું: ‘તમે છાપેલા સમાચાર સાચા છે?’ મેં એમને કહ્યું બિલકુલ સાચા છે, મેં હૉર્સીસ માઉથ પાસેથી સાંભળેલા છે. એમણે પૂછયું: ‘કોણે કહ્યું તમને? પી.એમે.?’ મેં કહ્યું: ‘ના મિનિસ્ટર ઑફ સ્ટેટ (પૃથ્વીરાજ)’એ કહ્યું. આ સાંભળીને ચિદમ્બરમે ફોન પર મને કહ્યું: ‘પી.એમ. જો ફાઈનાન્સ રાખશે તો મને શું આપશે?’

રાજરમતનું સસ્પેન્સ ડિટેક્ટિવ નવલકથામાંના રહસ્ય કરતાં પણ વધુ ઘેરું હોય છે અને કૉન્ગ્રેસી નેતાઓની રાજરમત તો રાજમાતાના સર્વોચ્ચ આસનેથી દોરીસંચાર પામતી હતી એટલે એમાં હરકિસન મહેતાની નવલકથા કરતાં પણ વધુ તીવ્ર આંચકા અને આટાપાટા આવવાના.


‘ત્યાગી’ રાજમાતાની કઠપૂતળી જેવા કરોડરજ્જુ વિનાના વડા પ્રધાન


‘પ્રધાનમંત્રી જો ફાઈનાન્સ મિનિસ્ટ્રી સંભાળશે તો એ મને શું આપશે?’ ચિદમ્બરમે સંજય બારુને પૂછ્યું હતું. બારુને આ સાંભળીને નવાઈ લાગી હતી. મીડિયામાં ઑલરેડી ચર્ચા થઈ રહી હતી કે પી. ચિદમ્બરમને કૉમર્સ મિનિસ્ટ્રી અથવા તો ટેલિકમ્યુનિકેશન્સ મિનિસ્ટ્રી સોંપવામાં આવશે. સંજય બારુએ ચિદમ્બરમના સવાલના જવાબમાં આ માહિતી આપી પણ ખરી. આની સામે ચિદમ્બરમ ગુસ્સાથી બોલ્યા, ‘મિસ્ટર એડિટર, હું અગાઉ ફાઈનાન્સ મિનિસ્ટર રહી ચૂક્યો છું! તમે એમ માનો છો કે હું સિનિયર કેબિનેટ પોસ્ટ કરતાં ઓછું કંઈ પણ સ્વીકારું એવો છું?’

ફાઈનાન્સ મિનિસ્ટરની ઑફિસ રાયસીના હિલ પર પ્રાઈમ મિનિસ્ટરની ઑફિસની જોડે હોય છે. અહીં જ વિદેશમંત્રી, સંરક્ષણ મંત્રી અને ગૃહ મંત્રીની ઑફિસો પણ હોય છે. દિલ્હીના નૉર્થ અને સાઉથ બ્લૉક્સના આ સૌ સર્વોચ્ચ માનનીય હોદ્દેદારો છે. તેઓ સૌ કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટી (સી.સી.એસ.)ના પણ સભ્યો છે. નૅશનલ સિક્યુરિટી અને ન્યુક્લીયર પાવરનું મહત્ત્વ જે રીતે અત્યારના જમાનામાં વધી રહ્યું છે તે જોતાં સી.સી.એસ.ની વગ પણ ઘણી વધી ગઈ છે. 

સંજય બારુએ ચિદમ્બરમને પૂછ્યું કે તમને રાયસીના હિલ પર જગ્યા નહીં મળે તો તમે શું કરશો? 

ચિદમ્બરમે કહ્યું કે, ‘હું (પાર્લામેન્ટમાં) પાછલી પાટલીએ બેસવાનું પસંદ કરીશ’ અર્થાત્ ત્રાગું કરીશ અને રિસાઈ જઈશ. 

‘સરસ’, સંજય બારુએ એમને હસતાં હસતાં કહ્યું, ‘એનો અર્થ એ થયો કે તમે મારા પેપરમાં ફરી કૉલમ લખવાનું શરૂ કરશો.’ 

પી. ચિદમ્બરમ મે 2004માં સત્તા પર પાછા આવ્યા તે પહેલાં ‘ધ ફાઈનાન્શ્યલ એક્સ્પ્રેસ’માં વીકલી કૉલમ લખતા હતા. 

પણ સંજય બારુની મજાક માત્ર મજાક જ રહી. ચિદમ્બરમને ફરી પાછી પોતાની કૉલમ શરૂ કરવાનો વારો ન આવ્યો. સાંજ પડતાં સુધીમાં પોર્ટફોલિયોની ફાળવણી વિશે જાહેરાત થવા માંડી. ચિદમ્બરમને ફાઈનાન્સ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા. 

પૃથ્વીરાજ ચૌહાણને પી.એમ.ઓ. (પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ) માટેના મિનિસ્ટર ઑફ સ્ટેટનો હોદ્દો આપવામાં આવ્યો હતો. સંજય બારુએ પૃથ્વીરાજ ચૌહાણને ફોન કરીને પૂછ્યું કે આવું કેવી રીતે બન્યું. પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે પી.એમ.ને સલાહ આપવામાં આવી કે ફાઈનાન્સ જેવો હેવી પોર્ટફોલિયો તમારે તમારી પાસે નહીં રાખવો જોઈએ, કારણ કે સરકાર અને સાથી પક્ષોને સાચવવામાંથી તમે ઊંચા આવવાના નથી. 

સંજય બારુએ આ વાત ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં લખી છે અને ફિલ્મમાં પણ તમે જોઈ છે. જે વાત નથી લખી તે તમારે બિટ્વીન ધ લાઈન્સ વાંચી લેવાની છે. ચિદમ્બરમે સોનિયા ગાંધી કે સોનિયાના પિઠ્ઠુ એવા અહમદ પટેલની આગળ જઈને ત્રાગું કર્યું હશે કે મને જો ફાઈનાન્સ મિનિસ્ટર નહીં બનાવો તો હું ફરી પાછો પાર્ટી છોડીને જઉં છું અને મારા ટેકેદારોને પણ લેતો જાઉં છું. સરકારની નૈયા ડગુમગુ કરીને ચિદમ્બરમે પોતાનું ધાર્યું નિશાન તાક્યું અને સોનિયાએ મનમોહનને હાથ પાછળથી જોસથી મરડીને કહ્યું કે તમે ભલે નરસિંહ રાવના વખતમાં ફાઈનાન્સ મિનિસ્ટર તરીકે નેત્રદીપક કામગીરી બજાવી અને ભૂતકાળમાં રિઝર્વ બૅન્કનું ગવર્નરપદ પણ સંભાળ્યું હોય અને ઈકોનોમિસ્ટ તરીકે દેશમાં-દુનિયામાં તમે ભલે સુપ્રસિદ્ધ હો, પણ કૃપા કરીને આપશ્રી જહન્નમમાં જાઓ અને વ્યવસાયે વકીલ એવા પી. ચિદમ્બરમને એમના ગોટાળાઓ કરવા માટે દેશની તિજોરીમાંનું ધન પોતાની તિજોરીમાં ઠાલવવાની સગવડ કરવા માટે એમને ફાઈનાન્સ મિનિસ્ટર બનાવો અને એને કારણે તમે જ્યાં જાઓ ત્યાં જ આ દેશ પણ જતો હોય તો મારી સાસુના કેટલા ટકા. 

આ બધું બિટ્વીન ધ લાઈન્સ વાંચવાનું હોય. પ્રધાનમંત્રીને કહેવામાં આવે કે ભૈસાબ તમારાથી ફાઈનાન્સ મિનિસ્ટ્રી જેવી ભારેખમ જવાબદારી નિભાવી નહીં શકાય એનો મતલબ વળી બીજો શું થાય? 

સોનિયા ગાંધીની મહેરબાનીથી વડા પ્રધાન બનેલા મનમોહન સિંહે એમના પાંચ વત્તા પાંચ એમ કુલ દસ વર્ષના કાર્યકાળમાં આવા તો અનેક કડવા ઘૂંટડા ગળવાના આવ્યા. વારંવાર અપમાનો સહન કર્યા પછી પણ મનમોહન સિંહે સોનિયાના મોઢા પર રાજીનામું ફેંકીને વડા પ્રધાનની બંધારણીય સત્તાનો બચાવ ન કર્યો એ પુરવાર કરે છે સ્વાભિમાનના ભોગે મનમોહન સિંહ સત્તાને ચીટકી રહેવા માગતા હતા. ભારતનું કમનસીબ છે કે આ દેશની પ્રજાએ પૂરા એક દાયકા સુધી એક સ્પાઈનલેસ, કરોડરજ્જુ વિનાના વડા પ્રધાન ચલાવી લેવા પડ્યા. એટલું જ નહીં એમને કઠપૂતળીની જેમ નચાવતાં સોનિયા તથા સોનિયાની ટોળકીની ચાલબાજીઓને કારણે દેશે ભયંકર મોટું નુકસાન સહન કરવું પડ્યું. સોનિયાના મુસ્લિમ સલાહકારોની સલાહને લીધે ભારતે 2004થી 2014 દરમ્યાન પાકિસ્તાન દ્વારા રેગ્યુલરલી મોકલવામાં આવતા આતંકવાદી સામે કોઈ કાર્યવાહી ન કરી. મુંબઈની ટ્રેનોમાં થયેલા સિરિયલ બૉમ્બબ્લાસ્ટ તથા 26/11ના હૉટેલ તાજ-ઑબેરોય તથા સી.એસ.ટી. સહિતના સ્થળોએ થયેલા આતંકવાદી હુમલાઓમાં કુલ 400થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા તે છતાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક્સ તો ન જ કરી, પાકિસ્તાન સાથે ચાંદલિયાની કે ફટાકડાની બંદૂક પણ ન ફોડી. શું કારણ? આપણી સરકારમાં, આપણી સિક્યુરિટી એજન્સીઓમાં તેમ જ આપણા સમાજમાં ઠેર ઠેર એવા લોકો હતા જેઓ આતંકવાદીઓને સીધી યા આડકતરી મદદ કરતા, નાણાકીય કે લોજિસ્ટિકલ સહાય કરતા અને એ સૌને સોનિયાની ટીમ સાચવી લેતી, આશીર્વાદ આપતી, ઉત્તેજન આપતી જેના પુરાવાઓ મિનિસ્ટરી ઑફ હોમ અફેર્સમાં ઉચ્ચ હોદ્દા પરની જવાબદારી બજાવીને નિવૃત્ત થયેલા એક દેશભક્ત અફસરે ઑલરેડી મીડિયામાં બહાર પાડી છે, પુસ્તક પણ લખ્યું છે પણ કમનસીબે એ વાતો પર મીડિયાએ પડદો નાખી દીધો છે. આપણે ઊંચકીશું ભવિષ્યમાં. 

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં લખ્યું છે અને ફિલ્મમાં બતાવ્યું છે એમ ડૉ. મનમોહન સિંહે એમના કાર્યકાળ દરમ્યાન ઓછામાં ઓછી બે વાર સોનિયા ગાંધીને પોતાના રાજીનામાનો પત્ર સોંપી દીધો હતો. ડૉક્ટરસાહેબનું એ ત્રાગું હતું. રાજીનામું આપવું હોય તો સીધું રાષ્ટ્રપતિને મોકલી આપવાનું હોય. સોનિયા શું દેશના રાષ્ટ્રપતિ કરતાં પણ વધુ મહત્ત્વનો હોદ્દો ધરાવતાં હતા? સોનિયા ગાંધી એક રાજકીય પક્ષના પ્રમુખ માત્ર હતા. બહુ બહુ તો કહો કે ગઠબંધનના પક્ષોએ રચેલા સંગઠનના ચૅરપર્સન હતા. ઉપરાંત દેશમાં ક્યારેય જેનું અસ્તિત્વ નહોતું એવી, પૅરેલેલ સરકાર - કહો કે સરકારની પણ સરકાર, એવી નૅશનલ ઍડવાઈઝરી કાઉન્સિલ (એન.એ.સી.)નાં ચૅરપર્સન હતાં. આ એન.એસ.સી.ના ગતકડાનું 2014ના મે ની 25મીએ પડીકું વાળી દેવામાં આવ્યું. ભારતના બંધારણની ઐસીતૈસી કરીને સોનિયા ગાંધીએ એન.એ.સી. રચી જેથી મનમોહન સિંહની ચોટલી પોતાના હાથમાં રાખી શકે. 

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ વિશે આગળ વાત કરતાં થોડુંક રિવિઝન કરી લઈએ. 2004માં ભાજપની હાર થઈ ત્યારે સોનિયા ગાંધી વડાં પ્રધાન બનવા માટે આતુર હતા. એમણે પોતાના સંસદસભ્યો પાસે રાષ્ટ્રપતિને પત્રો મોકલાવ્યા હતા કે અમારે વડાં પ્રધાન તરીકે સોનિયા ગાંધી જોઈએ છે. ખુદ સોનિયા ગાંધીએ પણ સંસદસભ્ય તરીકે પત્ર મોકલીને રાષ્ટ્રપતિને કહ્યું હતું કે હું (સોનિયા ગાંધી) સોનિયા ગાંધીને વડાં પ્રધાન તરીકે જોવા માગું છું. આ વાત ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીએ એમના એક જાહેર પ્રવચનમાં કહી છે. એમણે રાષ્ટ્રપતિભવનમાં આ પત્રો સગી આંખે જોયા છે. સોનિયા ગાંધીએ વડાં પ્રધાન ન બનીને કશો ત્યાગબ્યાગ નથી કર્યો. તમામે તમામ પ્રયત્નો, કાવતરાં, છટપટાહટો નિષ્ફળ ગયાં બાદ બહેનશ્રીએ વડા પ્રધાનપદનો ‘ત્યાગ’ કરવાની ઘોષણા કરી. મુખ્ય બે કારણો હતા. એક જનઆક્રોશ. ભારતીય પ્રજામાં એમના વિરુદ્ધ જબરજસ્ત જુવાળ ઊભો થયો હતો. રાજકીય પક્ષોના અનેક આગેવાનો આ આક્રોશને સાથ આપી રહ્યા હતા. સુષમા સ્વરાજે તો જાહેર કર્યું હતું કે જો સોનિયા વડાં પ્રધાન બનશે તો હું માથું બોડાવીને સાધ્વીનો વેશ ધારણ કરીશ. કૉન્ગ્રેસ સિવાયના બીજા પક્ષો (જેમાં કેટલાક તો કૉન્ગ્રેસના સાથી પક્ષો હતા) પણ નહોતા ચાહતા કે એક વિદેશી મહિલા ભારત પર રાજ કરે. 

બીજો મુદ્દો ટૅક્નિકલ હતો. સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીને પરણ્યાના દાયકા કરતાં વધુ સમય સુધી પોતાની ઈટાલિયન સિટીઝનશિપ છોડી નહોતી. ભારતીય પાસપોર્ટ તો એમણે ઘણો મોડો મેળવ્યો. ભારતના સંરક્ષણ દળોનો નિયમ છે કે કોઈપણ જવાન-અફસર વિદેશી મહિલા સાથે લગ્ન કરવા માગતો હોય તો એણે સૌ પ્રથમ સરકારની પરવાનગી લેવી પડે. ઘણી આકરી પૂછપરછ પછી આવી પરવાનગી મળે તો મળે, ના પણ મળે. એક અફસર પાસે હોઈ હોઈને કેટલી ખાનગી માહિતી હોય જે લીક થાય તો દેશનું નુકસાન થાય? અને એની સામે એક પ્રધાનમંત્રી પાસે કેટકેટલી ખાનગી માહિતી હોવાની? કોઈ સ્ક્રુટિની વિના એવી વ્યક્તિને આવા હોદ્દા પર બેસાડી દેવાય? 

વધુ મોટો ટૅક્નિકલ મુદ્દો તો ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ઊભો કર્યો જેના સંદર્ભમાં રાષ્ટ્રપતિએ એમને રૂબરૂ મળવા બોલાવ્યા. આ મુલાકાતને કારણે રાષ્ટ્રપતિ સોનિયા ગાંધીને વડા પ્રધાનપદનો દાવો કરવા માટે આપેલું આમંત્રણ પાછું ખેંચી લીધું. ડૉ. અબ્દુલ કલામે દેશ પર કરેલો આ સૌથી મોટો ઉપકાર હતો. સ્વામીએ પોતાના પત્રમાં શું લખેલું તેની કાલે વાત કરીને ‘ધ. એ.પી.એમ.’ વિશેની રોચક વાતો આગળ લંબાવી શું. એક થ્રિલર જ છે આ. દેશને આવી થ્રિલરોની કંઈ જરૂર નથી હોતી છતાં આવી ઘટનાઓ 2004થી 2014માં બનતી રહી તે આપણા સૌનું કમનસીબ અને 2014 પછી દેશ આમાંથી બહાર આવી ગયો તે આપણું સદ્નસીબ.
રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં સુબ્રમણ્યમ સ્વામીએ અબ્દુલ કલામસાહેબનું ધ્યાન દોર્યું હતું કે ભારતના કાયદા મુજબ વિદેશમાં જન્મેલી વ્યક્તિ ભારતીય નાગરિકત્વ સ્વીકારી લે તો પણ એને ભારતમાં એટલા જ હક્ક મળે જેટલા હક્ક પેલો ભારતમાં જન્મેલી વ્યક્તિને એ દેશનું નાગરિકત્વ સ્વીકાર્યા પછી આપતો હોય. ઈટલીના કાયદા મુજબ ભારતમાં જન્મેલી વ્યક્તિ ઈટલીની સિટીઝનશિપ સ્વીકારી લે તો પણ એ ઈટલીની વડા પ્રધાન બની શકે નહીં.

વાત પૂરી થઈ ગઈ. સ્વામીના કહેવા મુજબ એ કાયદો પાછળથી રદ થયો હતો છતાં બંધારણીય રીતે એના રદબાદતલપણાને પણ પડકારી શકાય એમ છે. સ્વામીનો પત્ર મળતાં જ રાષ્ટ્રપતિ ભવનમાં ભૂકંપ આવ્યો. રાષ્ટ્રપતિએ સ્વામીને મળવા બોલાવ્યા. આ મુલાકાત પછી સાંજે રાષ્ટ્રપતિએ સોનિયાને સરકાર રચવા માટેનું આમંત્રણ આપવા બોલાવ્યાં હતાં તે મુલાકાત રદ કરતો પત્ર રાષ્ટ્રપતિએ તાબડતોબ સોનિયાના ઘરે મોકલી આપ્યો. આ દરમ્યાન રાષ્ટ્રપતિએ સોનિયા સુધી સ્વામીના પત્રની ક્ધટેન્ટ વિશે જાણકારી આપી દીધી હોવી જોઈએ અને દેશમાં બંધારણીય કટોકટી ન સર્જાય તે માટે પોતે સોનિયા ગાંધીને વડા પ્રધાનપદના શપથ દેવડાવી નહીં શકે એવું પણ સમજાવ્યું હોવું જોઈએ, કારણ કે બીજે દિવસે સવારે સોનિયા જ્યારે રાષ્ટ્રપતિને મળ્યાં ત્યારે એ મુલાકાત પછી સોનિયાએ પોતાના ‘ત્યાગ’ની વાત મીડિયા સમક્ષ મૂકી. રાજમાતાએ કરેલા આ ત્યાગને કૉન્ગ્રેસી નેતાઓની ટોળકીએ ખૂબ ઉછાળીને પોતાની વફાદારીનું પ્રદર્શન કર્યું. કૉન્ગ્રેસી કાર્યકરો પણ છાતી કૂટવા લાગ્યા, આત્મહત્યા કરવાના પ્રયાસો સુધ્ધાં થયા. કૉન્ગ્રેસ કલ્ચરમાં ઘૂસી ગયેલા ગુલામ-માનસનું આ વરવું પ્રદર્શન હતું.

સ્ત્રૈણ અદાઓ, સ્ત્રૈણ અવાજ અને સ્ત્રૈણ મિજાજ ધરાવતા ડૉ. મનમોહનસિંહે વડા પ્રધાનપદ પર ચિટકી રહેવા માટે સોનિયા ગાંધીએ કરેલાં પોતાનાં તમામ અપમાનો સહન કર્યાં, દેશને થતું નુકસાન નજરઅંદાજ કરીને પણ એકાદબે બાબતો સિવાય અઠ્ઠાણું ટકા બાબતોમાં સોનિયાની હામાં હા પુરાવ્યા કરી. આ દસ વર્ષ દરમ્યાન પોતાનો કોઈ વાંક આવે નહીં એ રીતે, દોષનો ટોપલો વડા પ્રધાન પર ઢોળાય એ રીતે, સોનિયા અને એમનાં કુટુંબીઓએ, સોનિયા અને એમના કૉન્ગ્રેસી ચમચાઓએ તેમ જ સરકારની બ્યૂરોક્રસીમાં છેક ઉપરથી નીચલા સ્તરના અધિકારી-કર્મચારીઓએ આ દેશને બોડી બામણીના ખેતરની જેમ ચૂંથી નાખ્યો. જગતના કોઈ પણ દેશમાં વડા પ્રધાન તરીકે કોઈ કઠપૂતળીને બેસાડીને પૂરા એક દાયકા સુધી અમુક લોકોએ ઑફિશિયલી દેશનું શોષણ કર્યું હોય એવો દાખલો તમને નહીં મળે.

ડૉ. મનમોહનસિંહ જાણતા હશે કે પોતાનામાં પી.એમ. બનવાની લાયકાત નથી. તેઓ એ પણ જાણતા હશે કે પોતે કૉન્ગ્રેસના પાવરફૂલ નેતા હોત તો એમને સોનિયાએ આ પદ પર બેસાડ્યા જ ન હોત. સોનિયાને કહ્યાગરા માણસની જરૂર હતી. ઊઠ કહે તો ઊઠી જાય અને બેસ કહે તો બેસી જાય અને ચૂપ કહે તો ચૂપ થઈ જાય એવા કર્મચારીની જરૂર હતી. 2004માં કૉન્ગ્રેસના પાવરફૂલ નેતાઓમાં પ્રણવકુમાર મુખર્જીનું નામ સૌથી પહેલું આવે. નરેન્દ્ર મોદીએ જેમને ભારતરત્નથી નવાજયા છે એ પ્રણવ મુખર્જીને છેક 1969માં ઈન્દિરા ગાંધીએ રાજ્યસભામાં મોકલ્યા હતા. ઈંદિરા ગાંધીના સૌથી વફાદાર સાથીઓમાંના એક એવા પ્રણવકુમાર મુખર્જી 1982માં સૌપ્રથમ વાર દેશના નાણામંત્રી બન્યા હતા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી પ્રણવકુમાર મુખર્જી જ દેશના વડા પ્રધાન બનશે એવો માહોલ હતો, પણ ‘ઈન્દિરા ગાંધી કહેશે તો હું ઝાડુ મારવા પણ તૈયાર છું’ એવું કહેનાર રાષ્ટ્રપતિ ઝૈલ સિંહે નીતિમત્તાને કોરાણે મૂકીને અને કાયદાનિયમોની ઐસીતૈસી કરીને તાબડતોબ રાજીવ ગાંધીને વડા પ્રધાનપદના સોગંદ આપી દીધા. 1985થી 1989ના ગાળામાં પ્રણવકુમારે રિસાઈને પોતાની દુકાન ‘રાષ્ટ્રીય સમાજવાદી કૉન્ગ્રેસ’ નામે શરૂ કરી. પછી રાજીવ ગાંધી સાથે હાથ મિલાવી દીધા.

પ્રણવકુમાર મુખર્જી ઉપરાંત અર્જુન સિંહ પણ કૉન્ગ્રેસમાં વડા પ્રધાનપદના દાવેદાર ગણાતા, પણ પક્ષનો શક્તિશાળી નેતા જો વડા પ્રધાન બનશે તો એ પોતાનું કહ્યું નહીં માને એવી સોનિયાને ભીતિ હતી, સાચી ભીતિ હતી. એટલે જ એમણે ન ભણાવે અને ન મારે એવા માસ્તરને ક્લાસમાં મોકલી આપ્યા. મનમોહનસિંહે એક વાર વાજબી રીતે જ કહેલું કે પોતે તો અકસ્માતે પીએમ બની ગયા છે, આય એમ એન એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર.

સંજય બારુએ આ સચોટ શબ્દપ્રયોગ પકડી લઈને પી.એમ.ઓ.માંથી નિવૃત્ત થયાના પાંચેક વર્ષ બાદ ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ નામની કિતાબ લખી જેના પ્રકાશનના પાંચ વર્ષ બાદ આ જ નામની અફ્લાતૂન ફિલ્મ બની જેમાં અનુપમ ખેરે હુબહુ મનમોહનસિંહને સિલ્વર સ્ક્રીન પર જીવંત કર્યા છે. જે લોકો અનુપમ ખેરે એક્સ-પી-એમની મિમિક્રી કરી છે. એવું કહીને આ સુંદર ફિલ્મની તથા અનુપમ ખેર જેવા અનુભવી અને ટોચના ફિલ્મ કલાકારની ટીકા કરતા હોય એમણે યુ ટ્યુબ પર જઈને મનમોહનસિંહ વિશેની વીડિયો જોઈ લેવી. બરાક ઓબામા ઈન્ડિયા આવ્યા ત્યારે મોદીજીએ એમના સન્માનમાં યોજેલા સમારંભમાં યુપીના તે વખતના સીએમ અખિલેશ યાદવ પણ હાજર હતા. અખિલેશ જેવા ગલીના મવાલી કક્ષાના રાજકારણીને પ્રોજેક્ટ કરવા કોઈએ દોઢ મિનિટની એક ક્લિપ અપલોડ કરી છે. રાઈટ શબ્દો નાખીને સર્ચ કરશો તો મળી જશે. એમાં મનમોહનસિંહની એન્ટ્રી થાય છે ત્યારે તમને અદ્દલોદલ ‘ટીએમપીએમ’માં અનુપમ ખેર જે રીતે બે હાથ આગળ રાખીને જપાની મહિલા કિમોનો પહેરીને સરકતી ચાલે ચાલતી દેખાય એવી રીતે ચાલે છે તે યાદ આવે. અનુપમ ખેરે મનમોહન સિંહની સ્ત્રૈણ અદાઓને આબાદ પકડી છે. ક્યાં એ પીએમની આ ચાલ અને ક્યાં આજના પીએમની સિંહ જેવી મર્દાનગીભરી ચાલ.

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં પત્રકાર સંજય બારુુ લખે છે કે 2004ની 22 મેના રોજ ડૉય. મનમોહન સિંહે વડા પ્રધાન તરીકે સોગંધ લીધા એ પછી બારુને નવી દિલ્હીથી પી.એમ.ના પ્રિન્સિપલ સેક્રેટરીનો ફોન આવ્યો. એ દિવસે સંજય બારુ દિલ્હીમાં નહોતા, હૈદરાબાદમાં એમના પેરેન્ટ્સના ઘરે હતા. એ દિવસે સંજય બારુની 50મી વર્ષગાંઠ હતી. શુક્રવાર, 28મીએ ફોન આવ્યો: ‘પી.એમ. આજે સાંજે તમને મળવા માગે છે.’ પણ એ શક્ય નહોતું. સોમવારે સવારે સંજય બારુ નવી દિલ્હીમાં 7, રેસકોર્સ રોડ પરના વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા. લ્યુટેન્સ દિલ્હી અને ડિપ્લોમેટિક એન્ક્લેવને અડીને આવેલા ‘સેવન આરસીઆર’ તરીકે ઓળખાતું વડા પ્રધાનનું ‘ઘર’ એક વિશાળ જગ્યા છે. 

લ્યુટેન્સ દિલ્હી વિશે તમારે થોડું જાણી લેવું જોઈએ, કારણ કે આજકાલ ‘લ્યુટેન્સ મીડિયા’ શબ્દપ્રયોગ બહુ પ્રચલિત થવા લાગ્યો છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વાપરતા થઈ ગયા છે. બ્રિટિશ રાજ વખતે સર ઍડ્વિન લ્યુટેન્સ નામના આર્કિટેક્ટે નવી દિલ્હીનો વિસ્તાર ડિઝાઈન કર્યો, ઘણાં બધાં સ્ટ્રક્ચર્સનું આર્કિટેક્ચર એનું છે. ઍડ્વિન લ્યુટેન્સ અને એના સાથી આર્કિટેક્ટ હર્બર્ટ બેકર તેમ જ એમની ટીમે દિલ્હીના સંસદભવનની ડિઝાઈન બનાવી છે. નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિભવન (ઓરિજિનલી વાઈસરોય હાઉસ) તથા હૈદરાબાદ હાઉસ જેવાં લૅન્ડમાકર્સ પણ લ્યુટેન્સ તથા એની ટીમની ડિઝાઈનની નીપજ છે. નવી દિલ્હીનો સૌથી પૉશ વિસ્તાર લ્યુટેન્સ બંગલો ઝોન (એલ.બી.ઝેડ.) છે. લગભગ 25 કે 26 ચોરસ કિલોમીટરના એ વિસ્તારમાં કુલ એકાદ હજાર જેટલા વિશાળ-ભવ્ય બંગલોઝ છે, બાકીની હરિયાળી છે - ગાર્ડન્સ અને પાકર્સ અને પહોળા રસ્તાઓ છે. આ બધું લ્યુટેન્સ તથા એની ટીમે ડિઝાઈન કર્યું છે. આ આખા વિસ્તારની 90 ટકા જમીન સરકારી માલિકીની છે, બાકીની દસેક ટકા જમીન પ્રાઈવેટ માલિકીની છે. 12 એકરમાં પથરાયેલું વડા પ્રધાનનું નિવાસસ્થાન પણ અહીં જ છે. (રેસકોર્સ રોડ 2016થી લોક કલ્યાણ માર્ગના નામે ઓળખાય છે). લાલ બહાદુર શાસ્ત્રી વડા પ્રધાન હતા ત્યારે 10, જનપથ પર રહેતા. એમનું અકાળે અવસાન થયા પછી કૉન્ગ્રેસ પાર્ટીએ એને હડપ કરીને પક્ષનું હેડક્વાર્ટર બનાવી દીધું અને એક નાનકડા હિસ્સામાં કહેવા ખાતરનું શાસ્ત્રીજીનું મ્યુઝિયમ બનાવ્યું. અત્યારે 10, જનપથમાં રાજમાતા સોનિયા બિરાજે છે. એમનાં કુંવર કોઈ બીજા સરકારી બંગલામાં રહે છે. એમના જમાઈ-પુત્રી પણ ત્રીજા-ચોથા સરકારી બંગલાઓમાં રહે છે. 

વાત નીકળી જ છે તો જાણી લઈએ કે ‘સેવન આરસીઆર’નો પી.એમ.નો બંગલો એક બંગલો નથી, 1, 3, 5, 7 અને 9 એમ પાંચ બંગલોનો સમૂહ છે. 1 નંબર પર હેલિપેડ છે. 3માં મનમોહન સિંહ પીએમ હતા ત્યારે રહેતા હતા, હવે પીએમનું ગેસ્ટહાઉસ છે. 5 અને 7 વર્તમાન વડા પ્રધાનના નિવાસસ્થાન તેમ જ એમની અનૌપચારિક ઑફિસ તરીકે ઉપયોગમાં લેવાય છે. 9 નંબરમાં સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસ.પી.જી.)ના ગાડર્સ માટે અનામત છે. 2010માં આ ‘સેવન આરસીઆર’ના પંચવટી કૉમ્પ્લેક્સથી દિલ્હીના સફદરજંગ ઍરપોર્ટ સુધીની દોઢ કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું કામ શરૂ થયું જે 2014માં પૂરું થયું. આ ભૂગર્ભ માર્ગ સૌથી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાપર્યો. 

લ્યુટેન્સ ઝોનમાં મોટા મોટા પ્રધાનો, વગદારોના બંગલોઝ છે. આ સત્તાધારી લોકોની ચાપલૂસી કરીને જે પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયા 2004થી 2014 દરમ્યાનના દાયકામાં તગડું થયું તે સેક્યુલર, સામ્યવાદી મીડિયાને હવે લ્યુટેન્સ મીડિયાની તિરસ્કૃત ઓળખાણ આપવામાં આવી છે. 

વડા પ્રધાનના નિવાસની એક તરફ લ્યુટેન્સ ઝોન છે, બીજી તરફ દુનિયાભરના દેશોના ડિપ્લોમેટ્સનાં ઘરો-ઑફિસો છે જે ડિપ્લોમેટિક એન્કલેવ તરીકે ઓળખાય છે. લ્યુટેન્સ મીડિયા તે વખતના સત્તાધારી પક્ષના ખોળામાં ગલૂડિયાની જેમ રમતું અને રાડિયા ટેપ્સનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે પુરવાર થયું કે આ મીડિયા સત્તાધારીઓ માટે લૉબીઈંગ કરતું, એમના વતી દલાલી કરતું અને બદલામાં જે બિસ્કુટના ટુકડા ફેંકાતા તેને હોંશેહોંશે આરોગીને જે ઓડકાર ખાતું તે આપણને એમના છાપાના ફ્રન્ટ પેજ પર તથા એની ટીવી ચેનલોના પ્રાઈમ ટાઈમની ચર્ચાઓ દરમ્યાન સાંભળવા મળતા. ભલું થજો વર્ષ 2014નું કે નવી સરકાર આવ્યા પછી કેટલાક મીડિયા એવા ઊભર્યા છે જેઓના હૈયે દેશહિત વસે છે અને જેઓ લ્યુટેન્સ મીડિયાની હરકતોને ઉઘાડી પાડીને આપણી આંખોમાં નખાતી ધૂળને સાફ કરે છે. 

સંજય બારુ સોમવાર, 31 મેના રોજ સવારે ‘સેવન આરસીઆર’ પર વડા પ્રધાનને મળવા ગયાં. સ્વાભાવિક રીતે જ અહીં સિક્યોરિટી એકદમ સખ્ત હોવાની. બારુએ પોતાના પુસ્તકમાં એનું વર્ણન કર્યું છે. પીએમના પર્સનલ સેક્રેટરી દ્વારા જે નામો એસ.પી.જી.ને મળ્યાં હોય એમને જ પ્રવેશ મળે. બહારના પ્રથમ ગેટમાંથી તમે તમારી કારમાંથી અંદર બીજા ગેટ સુધી પહોંચો એટલે ત્યાં તમારી ગાડી છોડી દેવાની. માત્ર પ્રધાનો, વિદેશી મહાનુભાવો તેમ જ બીજા કેટલાક ઉચ્ચ અધિકારીઓને જ બીજા ગેટમાંથી ગાડી આગળ લઈ જવાની પરવાનગી મળે. ત્યાંથી પછી એમણે પણ એસ.પી.જી.ના વેહિકલમાં પી.એમ. હાઉસ સુધી પહોંચવાનું હોય. બાકીનાઓએ ચાલીને વિઝિટર્સ રૂમ સુધી જવાનું અને ત્યાં પોતાનો મોબાઈલ ફોન ડિપોઝિટ કરાવી દેવાનો. પછી એમનું સ્ક્રીનિંગ થાય. એ પછી એમને પણ એસ.પી.જી.ની મારુતિ કાર્સના કાફલામાં પી.એમ.ના ઘર સુધી લઈ જવામાં આવે. 

એસ.પી.જી.ના આ નિયમો નૅશનલ સિક્યુરિટી ઍડવાઈઝરથી માંડીને પી.એમ.નાં સગાંવહાલાં-મિત્રોને પણ લાગુ પડે. માત્ર તદ્દન નિકટના કુટુંબીઓ આમાંથી બાકાત રહે. અર્થાત્ મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે એમના પત્ની-પુત્રીને આમાંથી બાકાત રાખવામાં આવે. નરેન્દ્ર મોદીને તો એવી કોઈ જફા છે જ નહીં. પી.એમ. હાઉસના એક બંગલોમાંથી બીજા બંગલો સુધી જવાની કોરિડોર પણ બુલેટ-પ્રૂફ ગ્લાસથી ઢાંકી દેવાઈ છે. એ આખો વિસ્તાર નો-ફ્લાય ઝોન તો છે જ. ઉપરાંત, મેઈન રોડની સરહદે મોટી કોન્ક્રીટ વૉલ બાંધી દેવામાં આવી છે જેથી કોઈ સ્યુસાઈડ ટ્રક-કાર બૉમ્બર ઘૂસી ના જાય. પી.એમ.ના ઘરની આસપાસ સમ્રાટ હૉટેલ વગેરેનાં ઊંચા મકાનો છે, જેમાંથી જે રૂમ્સમાંથી પી.એમ. હાઉસ દેખાતું હોય તે ઈન્ટેલિજન્સ બ્યુરોએ લઈ લીધાં છે અને ત્યાં ચોવીસે કલાકનો પહેરો કરતા ચોકિયાતો તહેનાત હોય છે. દિલ્હી જિમખાના પણ બાજુમાં જ છે જ્યાં વૉચ ટાવર્સ ઊભા કરી દેવામાં આવ્યા છે. 

આ પંચવટી કૉમ્પ્લેક્સમાં એનું પોતાનું પાવર સ્ટેશન છે અને ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સીઝ (એઈમ્સ)ના ડૉક્ટરો-નર્સોની ફોજ પણ ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર હોય છે. ઍમ્બ્લ્યુલન્સ હંમેશાં પી.એમ. જ્યાં જાય ત્યાં પાછળ પાછળ સાથે જ ફરતી રહે છે. વડા પ્રધાન નિવાસમાં વેલ મેઈન્ટેઈન્ડ ગાર્ડન્સ લૉન્સ છે જ્યાં ગુલમહોર, અર્જુન વૃક્ષ અને બીજાં અનેક વૃક્ષો છે. ઘણાં પંખીઓ આવે છે, મોર તો ખાસ. આખા નિવાસ સંકુલની જાળવણી માટે માળીઓ, પટાવાળાઓ, ઈલેક્ટ્રિશ્યનો, પ્લમરો વગેરેનો 200નો સ્ટાફ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સાદી રસોઈ બનાવવા માટે ગાંધીનગરના સી.એમ. હાઉસમાં જે બદરી નામનો રસોઈયો હતો તેને જ દિલ્હીમાં પોતાને ત્યાં બોલાવી લીધો છે. બદરીનો પગાર તેમ પોતાના ખાવાપીવાનો ખર્ચો વડા પ્રધાન પોતાના પગારમાંથી સરકારને ચૂકવી દે છે. ગુજરાતમાં સીએમ તરીકે એમણે પોતાના પગારમાંથી જે કંઈ આવો ખર્ચો કર્યો તે પછી જે બચત હતી તે તમામ બચત ગાંધીનગર છોડતી વખતે સચિવાલયના ચોથા વર્ગના કર્મચારીઓની દીકરીઓના શિક્ષણ માટે આપી દીધી હતી. 

સંજય બારુને મળવાંવેંત વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું, 

‘સંજયા, આય વૉઝ નૉટ પ્રીપેર્ડ ફોર ધિસ રોલ. આ તદ્દન નવો અનુભવ છે અને કામ સહેલું નથી. ગઠબંધન સરકાર પાસે પૂર્ણ બહુમત નથી એટલે લેફ્ટ (સામ્યવાદી) પાર્ટીઓ પાસેથી ટેકો લેવો અનિવાર્ય હતું પણ તેઓ બહારથી જ ટેકો આપવાના છે, સરકારમાં જોડાયા વિના. કૉન્ગ્રેસે ક્યારેય ગઠબંધન સરકાર ચલાવી નથી. મારે એની સફળતા માટે કામ કરવાનું છે. મને એક પ્રેસ સેક્રેટરીની જરૂર પડવાની. હું તમને જાણું છું. તમે મારી સાથે કામ કરશો તો મને ખુશી થશે. હું જાણું છું કે તમને આર્થિક દૃષ્ટિએ અહીં આવવાથી નુકસાન થશે પણ આ તકને તમે દેશની સેવાના રૂપમાં જુઓ.’ 

મનમોહન સિંહે સંજય બારુને આ ઑફર કરી તે સારું કામ કર્યું કે ખરાબ એની તે વખતે ન તો એમને ખબર હતી, ન સંજય બારુને.
વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના મીડિયા ઍડવાઈઝર તરીકેની નોકરી સ્વીકાર્યા પછી સંજય બારુએ પહેલું કામ એચ. વાય. શારદાપ્રસાદને ફોન કરીને એમના આશીર્વાદ લેવાનું કર્યું. ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં બારુએ એમની સાથે શું વાતચીત થઈ એની ઝલક આપી છે જેના પરથી આપણને ખ્યાલ આવે છે કે એક જમાનામાં કૉંગ્રેસી વડા પ્રધાનો (તેમ જ પ્રધાનો) પ્રેસને કેવી રીતે ‘સાચવતા’ હતા.

શારદાપ્રસાદે પત્રકાર તરીકે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’થી કરિયરની શરૂઆત કરી હતી. પછી પ્લાનિંગ કમિશનના મુખપત્ર ‘યોજના’ના તંત્રી બન્યા હતા. એ પછી એમને ઈન્દિરા ગાંધીએ પોતાના મીડિયા ઍડવાઈઝર બનાવ્યા હતા. શારદાપ્રસાદ ૨૦૦૮માં ગુજરી ગયા.

એંશી વર્ષના અનુભવવૃદ્ધ શારદાપ્રસાદે પોતાના દીકરાની ઉંમરના પચાસ વર્ષીય સંજય બારુને સલાહ આપતાં કહ્યું, ‘અમારા જમાનામાં હું મુખ્ય દૈનિકોના તંત્રીઓને નિયમિત મળતો, પણ એ જમાનામાં પાંચ જ તંત્રીઓ હતા જેમનું કંઈક ઉપજતું. સ્ટેટ્સમેન, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, હિન્દુ, ઈન્ડિયન એક્સપ્રેસ અને હિન્દુસ્તાન ટાઈમ્સ. આજકાલ તો ઘણાં છાપાં નીકળી પડ્યાં છે અને ટીવીની ન્યુઝ ચેનલો પણ છે, પણ જેમની ગણના થતી હોય એવા બધાના સંપર્કમાં તમે રહેજો. વચ્ચે ક્યારેક ક્યારેક પી.એમ. પણ એમના સંપર્કમાં રહે એનું ખાસ ધ્યાન રાખજો. ક્યારેક કોઈ છાપામાં અભિનંદન આપવા જેવું લખાયું હોય તો મેક શ્યોર કે પીએમ એ છાપાના તંત્રીને કે કૉલમનિસ્ટને ફોન કરીને અભિનંદન આપે. બને તો ભારતીય ભાષાઓનાં અખબારોના તંત્રીઓને પણ સાથે રાખજો.’

શારદાપ્રસાદની આ સલાહનો ઉલ્લેખ અહીં સહેતુક કર્યો છે. કૉંગ્રેસના જમાનામાં પીએમ પોતે તંત્રીઓને ફોન કરીને કે મળીને કે કૉલમનિસ્ટોને અભિનંદન આપીને આ બધા જ લોકો પોતાનાં ગુણગાન ગાતાં રહે એનું ધ્યાન રાખતા. આ પત્રકારોને કોઈ ‘તકલીફ’ હોય તો એનું ‘યોગ્ય નિવારણ’ પી.એમ.ઓ.ના માર્ગદર્શન હેઠળ થતું. નીરા રાડિયા ટેપ્સ ૨૦૦૯ની સાલમાં બહાર આવી ત્યારે પુરવાર થયું કે બરખા દત્ત અને વીર સંઘવી સહિતના કેટલા બધા પત્રકારો પત્રકાર હોવાના એક્સેસનો ફાયદો કેવી રીતે ઉઠાવતા હતા, પણ એ તો માત્ર આઈસબર્ગનો વન ટેન્થ ભાગ છે. જેના કોઈ પુરાવા નથી એવા મીડિયા-ભ્રષ્ટાચારને લીધે દાયકાઓ સુધી આ દેશની જનતા ગુમરાહ થતી રહી છે. છાપામાં છપાય તે બધું જ સાચું અને ટીવી પર દેખાયું તે તો અલ્ટીમેટ એવું માની બેઠેલા કરોડો વાચકો-દર્શકોને, જેમની પીએમઓ સુધી પહોંચ હતી એવા પત્રકારો બેવકૂફ બનાવતા રહ્યા. મોદીએ આવીને આ બધાને મળતા પ્રિવિલેજીસ બંધ કરી દીધા. મોદી પરદેશ જાય ત્યારે પત્રકારોને ભાગ્યે જ પોતાની સાથે લઈ જાય છે. અગાઉના વડા પ્રધાનો પત્રકારોને મફતમાં પરદેશની મોજ કરાવતા, ઊંચા માયલો દારૂ પીવડાવતા (પ્લેનમાં પણ), મોંઘી ભેટો આપતા અને જે-તે દેશની ભારતીય ઍમ્બસી કે ભારતીય હાઈકમિશનોના ખર્ચે મોજમજા કરાવતા. (પરદેશમાં જ્યાં જ્યાં ભારતીય રાજદૂતાલય હોય તે બધી ઍમ્બસીઓ કહેવાય, પણ કૉમન વેલ્થ ક્ધટ્રીઝ (એટલે કે જે દેશો બ્રિટિશરોની ગુલામી ભોગવી ચૂક્યા હોય તે બધા રાજદૂતાલયો હાઈકમિશન કહેવાય.) એવું જ ભારતમાં. અહીં અમેરિકન ઍમ્બસી હોય અને યુકેની હાઈકમિશનની ઑફિસ હોય).

મીડિયા જે કરપ્ટ થયું તે કૉંગ્રેસની નીતિરીતિને કારણે. મીડિયાએ સ્વધર્મ ભૂલીને કૉંગ્રેસી શાસનને જે ઠીક લાગે તે જ કહેવાનું પસંદ કર્યું (અપવાદ સિવાય) તેનું કારણ એ કે વગદાર પત્રકારો એ શાસનમાં પોતાનું ધાર્યું કામ કરાવી શકતા. મિત્રો-ઓળખીતાઓની ફાઈલો પાસ કરાવીને એમને ખુશ કરી શકતા, પોતાનું કમિશન મેળવી શકતા, બંગલા-ગાડી-વિદેશમાં મોંઘાં વૅકેશનો તથા ઈન્વેસ્ટમેન્ટ્સ કરી શકતા.

મોદીએ દિલ્હી આવી આ બધું બંધ કર્યું એટલે તેઓ મીડિયામાં અળખામણા બની ગયા. મોદી માટે આ નવું નહોતું. એમણે ગુજરાતના સીએમ બન્યા પછી તરત જ પત્રકારોને પંપાળવાની રીતરસમ પર રોક લગાવી દીધી હતી. નૉર્મલી ગાંધીનગરમાં જે મુખ્યપ્રધાન આવે તે પહેલા જ અઠવાડિયે અમદાવાદનાં મુખ્ય મુખ્ય છાપાઓનાં તંત્રીઓની કૅબિનમાં ચા પીવા પહોંચી જાય. એનો સૂચિતાર્થ એ કે ‘ભૈસા’બ મને સાચવી લેજો.’ મોદીએ કોઈ છાપાની મુલાકાત લીધી નહીં. સામેથી વારંવાર આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં એમણે તંત્રીઓને ઈગ્નોર કર્યા. ઓકે. અમદાવાદથી રોજ એક બસ ઉપડતી જે પત્રકારોને લઈને ગાંધીનગર આવતી. વિનામૂલ્યે પ્રવાસની આ પદ્ધતિ મોદીએ બંધ કરાવી. આવવું હોય તેઓ પોતાનાં સ્કૂટર-કારમાં આવે, ન પોસાય તો જાહેર જનતાની જેમ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ટિકિટભાડું ખર્ચીને આવે.

આટલું થયું, એ પછી થોડા જ અઠવાડિયામાં મોદીએ પત્રકારોને રોજેરોજ સચિવાલયમાં આવતા બંધ કરી દીધા. અઠવાડિયે એક વાર અમુક પર્ટિક્યુલર વારે જ પ્રવેશ મળે. પછી તો એના પર પણ પાબંદી આવી ગઈ. જે પત્રકારો સચિવાલયમાં આંટાફેરા કરીને ફાઈલો ફેરવવાનું, આડતિયાનું કામ કરતા હતા તે બધું બંધ થઈ ગયું. ઈનસાઈડ ઈન્ફર્મેશન મેળવવાના નામે વેસ્ટેડ ઈન્ટરેસ્ટ ધરાવતા લોકો જે કંઈ ફીડ કરતા તેના પરથી ટેબલ સ્ટોરીઓ બનાવીને અફવાની પતંગો ચગાવવાનું બંધ થઈ ગયું. મિનિસ્ટરો આપસમાં એકબીજાને પછાડવા, ક્યારેક ખુદ સીએમને ઉથલાવવા જે કાવતરાં કરતા અને પત્રકારોને પાળીને જુઠ્ઠી સ્ટોરીઓ પ્લાન્ટ કરતા તે બધું બંધ થઈ ગયું. જે પત્રકારો નવરા થઈ ગયા, એમનો તો ગરાસ લૂંટાઈ ગયો. એટલે તેઓ બમણા જોરથી મોદી સરકાર વિરુદ્ધ લખતા થઈ ગયા, પણ ૧૪ વર્ષના મોદીશાસન દરમિયાન આ પત્રકારો લાખ પ્રયત્નો પછી પણ મોદીનો વાળ પણ વાંકો કરી શક્યા નહીં, તમને ખબર છે.

મોદીને આ અનુભવ પીએમ બન્યા પછી પણ કામ લાગ્યો. એમણે પોતાનો કોઈ મીડિયા એડવાઈઝર તો રાખ્યો નથી જ, એ કોઈ તંત્રીને અભિનંદન આપવા માટે ફોન કરતા નથી કે નથી પત્રકારોને ‘પર્સનલ ફેવર્સ’ કરતા. એ આખી સિસ્ટમ જ એમણે દફનાવી દીધી છે. આજે પરિસ્થિતિ એ છે કે મિડિયામાં (પ્રિન્ટ, ટીવી તેમ જ ડિજિટલ મીડિયામાં) એમનો વિરોધ કરાવા માટે રોજ નવાં પ્રકાશનો, નવી ટીવી ચેનલો, નવા ઑનલાઈન ન્યૂઝ પોર્ટલો આવતાં જાય છે જેમને કૉંગ્રેસીઓ તથા કરપ્ટ બિઝનેસમેનો તરફથી કરોડો રૂપિયાનું ફંડિંગ મળે છે, કારણ કે મોદી જો બીજીવાર ચૂંટાઈ આવશે તો પોતાનું સમગ્ર અસ્તિત્વ જ ભૂંસાઈ જશે એવો એમને ભય છે જે સાચો છે. આટઆટલો મીડિયા વિરોધ હોવા છતાં મોદી અડગ છે, કારણ કે એમને ભારતની પ્રજામાં વિશ્ર્વાસ છે, પોતાની સરકારે કરેલા કામમાં વિશ્ર્વાસ છે. પ્રજાએ જોયું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં કેટલી આર્થિક-સામાજિક પ્રગતિ થઈ છે અને એની સામે કરપ્શન તથા લાલફીતાશાહી કેટલાં ઓછાં થયાં છે. જે નથી થતું તેના કરતાં જે થયું છે અને ભવિષ્યમાં જે જે થઈ શકે એમ છે એના પર જો ધ્યાન આપશો તો સમજાશે કે હું શું કહેવા માગું છું.

‘ધ ઍકિ્સડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં જરા વધારે ઊંડા ઉતરતાં પહેલાં આટલી વાત જરૂરી હતી જેથી અત્યારના પી.એમ.ઓ. તથા તે વખતના પી.એમ.ઓ.ની તમે સરખામણી કરી શકો. મીડિયા એડવાઈઝરની સલાહ લીધા વિના પોતે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યા કરતા પંતપ્રધાન અને મીડિયા એડવાઈઝની સલાહ લઈને પોતાની છબિ ઉપસાવવાના નિષ્ફળ પ્રયત્નો કરતા કઠપૂતળી પંતપ્રધાન વચ્ચેનો તફાવત જોઈ શકો. કૉંગ્રેસના રાજમાં ભારતીય પ્રજાના હિતના ભોગે કેવું કેવું રાજકારણ ખેલાતું અને અત્યારે મીડિયાના જબરજસ્ત મિસઈન્ફર્મેશન કેમ્પેઈન બાવજૂદ, ભારતીય પ્રજાના ફાયદા માટે છેલ્લાં ૫૫ વર્ષમાં ક્યારેય ન થઈ હોય એવી વાતો ૫૫ મહિનામાં થઈ રહી છે તેનો તફાવત તમે અનુભવી શકો.

આટલું બેકગ્રાઉન્ડ મળ્યા પછી સંજય બારુએ લખેલી વાતોમાં તેમ જ સંજય બારુનો રોલ કરતા અક્ષય ખન્નાની ફિલ્મમાં તમને વધારે સમજ પડશે, વધારે રસ પડશે, વધારે ઊંડા ઉતરવાનું મન થશે.