Thursday, March 21, 2019

શું આપણે ભવિષ્યમાં અને ભૂતકાળમાં જઈ શકીશું? - ડૉ. જે. જે. રાવલ

સમયમાપનનો વિચાર માનવીને ચંદ્રે આપ્યો. ચંદ્ર જે કળા કરે છે તેના પરથી મહિનાનો વિચાર આવ્યો. અમાસને દિવસે ચંદ્ર આકાશમાંથી ગાયબ થઈ જાય. પછી પ્રથમ, દ્વિતીય, તૃતીયા, ચતુર્થી... અષ્ટમીનો અર્ધચંદ્ર પછી પૂર્ણિમાનો સંપૂર્ણ ચંદ્ર, પછી તે નાનો નાનો થતો જાય અને અમાસને દિવસે ગાયબ રહે. હકીકતમાં અમાસને દિવસે ચંદ્ર ગાયબ નથી થઈ જતો પણ ચંદ્રની આપણી સામે જે બાજુ રહે છે તેના પર સૂર્ય-પ્રકાશ પડતો નથી માટે તે આપણને રાત્રિ-આકાશમાં દેખાતો નથી. દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી, કારણ કે તે કાં તો સૂર્યની થોડો ઉપર રહે છે, નહીં તો થોડો નીચે રહે છે. તેથી તે સૂર્યને ઢાંકતો નથી અને આપણને દેખાતો પણ નથી. સૂર્ય ગ્રહણ વખતે તે બરાબર સૂર્યની આડે આવે છે તેથી તે કાળો દેખાય છે. ચંદ્રને વાતાવરણ ન હોવાથી તે કાળો ડિબાંગ દેખાય છે. (ખગ્રાસ, ખંડગ્રાસ કે કંકણાકૃતિ) સૂર્યગ્રહણ વખતે જે કાળો ભાગ આપણને દેખાય છે, તે હકીકતમાં સૂર્યની આડે આવેલો અપારદર્શક ચંદ્ર છે.

ચંદ્રની કળા મહિનાના સ્પષ્ટ ચાર ભાગ પાડે છે. પ્રથમાથી અષ્ટમી સુધી વધતો ચંદ્ર, અષ્ટમીથી પૂર્ણિમા સુધીનો પૂર્ણ થતો ચંદ્ર. આ શુક્લ પક્ષ બનાવે છે, તેવી જ રીતે કૃષ્ણ પક્ષ બે ભાગમાં વહેંચાય છે. આના પરથી જ મહિનાનાં ચાર અઠવાડિયાં બન્યાં છે.

પુરાતન સમયમાં જ્યારે ઘડિયાળો ન હતાં, કેલેન્ડરો ન હતાં ત્યારે અમાસ, અષ્ટમી, પૂર્ણિમા ફરીથી અષ્ટમીનું લોકોને ઘણું મહત્ત્વ હતું. તેમનો વ્યવહાર, પ્રસંગો, બજારો ભરવાનું, મળવાનું ચંદ્રની આ કળા પર જ આધાર રાખતાં.

હકીકતમાં ચંદ્રની કળાચક્રને સમજાવનાર ચક્ર (પૈડું, વ્હીલ) હતું. ચક્ર ફરે ત્યારે તેનું કોઈ એક ચોક્કસ બિન્દુ ચક્ર ફરી રહે ત્યારે એ જ જગ્યાએ ફરીથી આવે છે. આ વિચાર માનવીએ ચંદ્રની કળા ચક્રને લાગુ પાડ્યો અને સમયચક્ર શરૂ થઈ ગયું. ચક્ર તો ગમે ત્યારે ચાલતું બંધ પડી જાય પણ સમયચક્ર સતત ચાલ્યા કરે છે. ચંદ્ર આકાશમાં બાર ચક્ર લગાવી લે ત્યારે સૂર્ય આકાશમાં એક ચક્ર લગાવી રહે છે, તેણે વર્ષના બાર મહિના આપ્યા. આમ વર્ષનું ચક્ર શરૂ થઈ ગયું.

સમય તો સીધો જાય છે, સીધો વહે છે પણ તે મપાય છે ચક્રના રૂપમાં એ આશ્ર્ચર્ય પમાડે છે, તેટલું જ નહીં પણ અજુગતું પણ ગણાય. જેમ સીધા રસ્તાનું માપ મોટર, ગાડું, રથ કે સાઈકલે કેટલાં ચક્કર માર્યાં તેના પરથી માથી શકાય તેવું ગણાય. પૈડાના પરિઘના અંતરની મદદથી રસ્તાનું અંતર મપાય તેવી વાત ગણાય.

સમયની ન સમજાય તેવી વાત એ છે કે સમય ફેરફારો કરે છે કે ફેરફારો સમય માપે છે? લોકો માને છે કે સમય ફેરફારો કરે છે, પણ એવા કિસ્સા છે કે સમય જતાં ફેરફાર થતો નથી. તો શું આપણે સમજવું કે સમય જતો નથી? બીજી બાજુ ફેરફારો થાય તો જ આપણને સમય જાય છે તેની ખબર પડે છે. સમય અને ફેરફારોને હકીકતમાં કાંઈ લાગતું-વળગતું નથી એમ પણ લાગે છે.

ચક્ર ગણતાં ભૂલી જઈએ તો સમયમાપન ખોટું આવે. સમયચક્ર ક્યારથી શરૂ થયું અને ક્યારથી આપણે ચક્રના રૂપમાં સમય માપવા લાગ્યા તે પણ અનિશ્ર્ચિત છે. વિજ્ઞાનીઓ બિગ-બેંગને સમયનું પ્રારંભબિન્દુ ગણે છે.

જો આપણે વિમાનમાં પૃથ્વીના દેશોમાં એક પછી એક પ્રવાસ કરીએ તો સમય ગણવામાં ભૂલ કરી શકીએ. તો થાય કે શું સમય માત્ર સ્કીમ (યોજના, કલ્પના) છે કે હકીકતમાં તે પસાર થાય છે? પાણી વહે છે, માટે સમય વહે છે તેવો વિચાર અસ્તિત્વમાં આવ્યો છે.

હકીકતમાં હજુ સુધી કોઈને ખબર નથી કે સમય શું છે? તેમ છતાં તેનું ભૌતિક અસ્તિત્વ છે તેમ માની લેવામાં આવ્યું છે. આઈન્સ્ટાઈને તેને બ્રહ્માંડના ચોથા પરિમાણ તરીકે લીધું છે અને તેને આપણને બ્રહ્માંડમાં ચાલતી ઘણી ક્રિયાઓ સમજાવી છે તેથી લાગે છે કે સમય છે.

ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે અહં કાલોસ્મિ હું કાળ છું. શંકર ભગવાનને મહાકાળ કહેવામાં આવે છે. આપણે બધા કાળના પ્રવાહમાં, કાળ સાથે ચાલીએ છીએ અને કાળમાં લય પામીએ છીએ. બધું કાળમાં ઉત્પન્ન થાય છે અને કાળમાં સમાય છે. કાળ જ બધાનું ઉદ્ગમ બિન્દુ છે અને અંતિમ બિન્દુ છે, પણ કાળ તો ચાલુ જ રહે છે. કાળ સમાપ્ત થતો નથી, દુનિયા ચાલતી રહે છે. દુનિયામાં શૈશવ, યૌવન અને વૃદ્ધત્વ સાથે જ રહે છે, સહઅસ્તિત્વ ધરાવે છે.

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પ્રમાણે જો વસ્તુ ગતિ ધારણ કરે તો તેની ઘડિયાળ ધીમી ચાલે અને બ્લેકહોલ પાસે સમય સ્થગિત થઈ જાય.

ભર્તૃહરિએ સમય વિષે બહુ સુંદર વાત કરી છે. તેમણે લખ્યું છે કે સર્વં યશ્યવસાદગાત સ્મૃતિપદં કાલાય તસ્મૈ નમ: અર્થાત્ કાળ બધી જ વાસ્તવિકતાને યાદગીરીમાં ફેરવી નાખે છે. આર્યભટ, શંકરાચાર્ય, ન્યુટન, આઈન્સ્ટાઈન, ગાંધીજી, ભાભા, વિક્રમ સારાભાઈ એક સમયે જીવતા હતા, વાસ્તવિકતા હતી, રિયાલિટી હતી. આજે સમયે તેમને આપણી યાદગીરીમાં ફેરવી નાખ્યા છે. આજે આપણે જીવતાં છીએ, વાસ્તવિકતામાં છીએ, પાંચ, દશ, પચ્ચીસ, પચ્ચાસ કે સો વર્ષો પછી આપણે કાળમાં વિલીન થઈ જશું, માત્ર યાદગીરીમાં રહેશું.

આપણે વર્તમાનમાં તો જીવી રહ્યા છીએ અને ભવિષ્યમાં જઈ રહ્યા છીએ. તો શું આપણે ભવિષ્યમાં બીજા કરતાં જલદી જઈ શકીએ? બીજા કરતાં ભવિષ્યમાં જલદી જઈ શકવું તો શક્ય નથી પણ આપણે બીજા કરતાં ભવિષ્યમાં ધીરે ધીરે જઈ શકવાનું શક્ય છે. એટલું જ નહીં, પણ આપણી વય વધે નહીં અને ત્યાં ને ત્યાં સ્થિર થઈ જાય તે પણ શક્ય છે. આઈન્સ્ટાઈનના વિશિષ્ટ અને વિસ્તૃત સાપેક્ષવાદ પ્રમાણે જો આપણે ખૂબ જ ઝડપથી ગતિ કરવા લાગીએ તો આપણે બીજા બધા કરતાં ધીમે ધીમે મોટા થઈએ અને જો આપણે પ્રકાશની ગતિથી, ગતિ કરવા લાગીએ તો આપણે જે વયના હોય તે જ વયના રહી શકીએ.

ઘણા લોકોને ભૂતકાળ વાગોળવાની ટેવ હોય છે. તેઓને સાક્ષાત્ ભૂતકાળમાં જવાની તમન્ના હોય છે. તો થાય કે આપણે ભવિષ્યમાં ન જઈ શકીએ અને બીજાની સરખામણીમાં આપણે ધીરે ધીરે મોટા થઈએ એ શક્ય છે તો શું આપણે ભૂતકાળમાં જઈ શકીએ? વિધાન ઈશારો કરે છે કે કદાચ આપણે ભૂતકાળમાં જઈ શકીશું.

આઈન્સ્ટાઈનના વિસ્તૃત સાપેક્ષવાદ પ્રમાણે ગુરુત્વાકર્ષણ પ્રકાશને વાંકો વાળે છે. તે પ્રમાણે તે સીધા જતા સમયને પણ વક્ર કરી શકે અને પછી રિવર્સ કરી શકે અને આપણે ભૂતકાળમાં જઈ શકીએ. એટલે કે સમયને ગુરુત્વાકર્ષણ રિવર્સ કરી શકે. એનો અર્થ એમ થાય કે બ્રહ્માંડમાં ભૂતકાળથી ભવિષ્યકાળ સુધીનો માર્ગ છે જ પણ પાછું જવા માટે ગ્રેવિટીનું હેન્ડલ જોઈએ. આઈન્સ્ટાઈનની થીઅરી પ્રમાણે ગુરુત્વાકર્ષણ અંતરીક્ષને વાંકું વાળે છે તેમ સમયને પણ વાંકો વાળે છે. માટે ભવિષ્યમાં વિજ્ઞાન-કુદરત માનવીને કદાચ તેના ભૂતકાળમાં લઈ જઈ શકે. જો માનવી ભૂતકાળમાં જાય તો તે પોતાનો અને દુનિયાનો ભૂતકાળ જોઈ શકે. એનો અર્થ એમ થાય કે બ્રહ્માંડ ભૂતકાળ સાથે એમનું એમ રહે છે. માત્ર ભૂતકાળમાં જવા ગુરુત્વાકર્ષણના દરવાજામાંથી પસાર થવું પડે. તે તોતિંગ દરવાજાને ખોલવો પડે.

એક પ્રશ્ર્ન એ છે કે માનવી કેટલા ઊંડા ભૂતકાળમાં જઈ શકે? તે તેણે પહેલેથી જ નિશ્ર્ચિત કર્યું હોય તેટલા ભૂતકાળમાં જઈ શકે. બીજો પ્રશ્ર્ન એ થાય કે માનવી જ્યારે ભૂતકાળમાં જાય ત્યારે તે મૂક પ્રેક્ષક બની રહે કે દુનિયા સાથે ચેડાં પણ કરી શકે? જો તે ચેડાં કરી શકે તો તે ખતરનાક ગણાય. માનવીને સર્જીને કુદરતે પોતાને સમજવાની પ્રક્રિયા શરૂ કરી છે પણ માનવી ભૂતકાળમાં જઈને કુદરત સાથે ચેડાં કરવા માંડે તો કુદરત પોતે જ પરેશાન થઈ જાય અને સ્થિતિ અતિ ખરાબ બની શકે.

પુરાણમાં એક રસપ્રદ કથા છે. સાંદીપનિ ઋષિનો એકનો એક દીકરો પાણીમાં ડૂબી મૃત્યુ પામે છે. ઋષિ અને ઋષિપત્ની ખૂબ જ દુ:ખમાં છે. થોડા મહિનાઓ પછી સાંદીપનિ ઋષિના આશ્રમે ત્રણ બાળકો વિદ્યા લેવા આવે છે. તે બાળકોમાં બળભદ્ર, કૃષ્ણ અને સુદામા હોય છે. આ બાળકો ઋષિ પાસે ભણતાં હતાં અને સાથે સાથે પરિવારની માફક ઋષિના ઘરનું કામ પણ કરતા હતા, એવો રિવાજ જ હતો. એક દિવસ ઋષિ-પત્ની ગાય દોહવા બેઠાં અને તેમને એક બીજું બોઘરણું (ઘડો - વાસણ) જોઈતું હતું. તેમણે કૃષ્ણને બૂમ પાડી કે તે વાસણ દઈ જાય, પણ કૃષ્ણ તો ઋષિ પાસે ભણતા હતા. કૃષ્ણે ઋષિ-પત્નીની બૂમ સાંભળી તેથી હાથ લાંબો કરી ઋષિ-પત્નીને વાસણ પહોંચાડી દીધું. ઋષિ-પત્ની તો ડઘાઈ ગયાં. તેમને ત્યારે ખબર પડી ગઈ કે કૃષ્ણ તો સાક્ષાત્ ઈશ્ર્વર છે. હવે જ્યારે કૃષ્ણ - બળભદ્રનો અભ્યાસ પૂરો થવા આવ્યો ત્યારે ઋષિ-પત્નીએ ઋષિને કહ્યું કે કૃષ્ણ તો સાક્ષાત્ ઈશ્ર્વર છે અને શિખડાવ્યું કે એ જ્યારે રિવાજ પ્રમાણે ગુરુદક્ષિણા આપવાની વાત કરે ત્યારે કહેજો કે તે આપણો મૃત્યુ પામેલો દીકરો પાછો લઈ આવે. સાંદીપનિ ઋષિ તો વિદ્યાર્થીઓ પાસે દક્ષિણાની વાત જ ન કરે, પણ દુ:ખી ઋષિ-પત્નીને ખુશ કરવા જ્યારે કૃષ્ણે સાંદીપનિ ઋષિને કહ્યું કે અમે આપને ગુરુદક્ષિણામાં શું આથીએ? ત્યારે ગુરુજી તો કાંઈ માગવાના ન હતા, પણ ઋષિ-પત્ની સામે જ ઊભી હતી તેથી તેમણે ગુરુદક્ષિણામાં તેમના મૃત્યુ પામેલા દીકરાને પાછો લાવવાની માગ કરી. કથા પ્રમાણે કૃષ્ણ પછી ગરુડ પર બેસી અંધકાર અંતરીક્ષમાં જાય છે. તે અંધકાર અંતરીક્ષને પાર કરી પ્રકાશિત અંતરીક્ષમાં પ્રવેશે છે અને ગુરુના દીકરાને લાવી ગુરુ અને ગુરુ-પત્નીને સોંપે છે. ગુરુ અને ગુરુ-પત્નીના આનંદનો પાર નથી રહેતો. આ કથા હોય તો ઘણી અદ્ભુત છે. પૂરા ભારતમાં બધાં જ શિવાલયોમાં નંદી બેઠેલો હોય છે. ઉજ્જૈનમાં સાંદીપનિ ઋષિના આશ્રમની નજીક શિવાલયમાં નંદી ઊભો છે, બેઠો નથી. બાળકૃષ્ણ ક્ષિપ્રા નદીના કિનારે સાંદીપનિ ઋષિના આશ્રમે ભણવા આવે છે ત્યારે કૃષ્ણ શંકર ભગવાનના દર્શને તે શિવાલયમાં આવે છે. ત્યારે હરિ અને હરનું મિલન થયેલું જોઈ ઉત્તેજનામાં નંદી ઊભો થઈ જાય છે. માટે પૂરા ભારતમાં માત્ર એ એક જ શિવાલયમાં નંદી બેઠો નથી, પણ ઊભો છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=359110

No comments:

Post a Comment