Thursday, March 21, 2019

વલયોનો રાજા શનિ શું કોઈને નડી શકે? -- ડૉ. જે. જે. રાવલ

શનિ ગ્રહથી દુનિયા આખી ડરે છે. શનિ ગ્રહ આકાશમાં પરિક્રમા કરતાં ૩૦ વર્ષ લે છે. રાશિઓ ૧૨ હોવાથી તે એક રાશિમાં અઢી વર્ષ રહે છે. કોઈ એક રાશિમાં આવે તે પહેલાં તે પશ્ર્ચિમ તરફની રાશિમાં અઢી વર્ષ રહે છે. પછી તે રાશિમાં આવે છે અને અઢી વર્ષ રહે છે અને પછી તેની પૂર્વ તરફની રાશિમાં અઢીવર્ષ રહે છે. કુલ સાડા સાત વર્ષ લે છે. આને શનિની સાડા સાતી કહે છે. પ્રારંભે અઢી વર્ષ તે પશ્ર્ચિમ તરફની રાશિમાં રહે છે તે ચઢતી પનોતી. પછી તે રાશિમાં આવે છે જે ભારે હોય છે અને પછી તમારી રાશિની પૂર્વની રાશિમાં આવે છે, એ ઊતરતી પનોતી બધા જ ગ્રહો પશ્ર્ચિમથી પૂર્વ તરફ આકાશમાં ચક્કર લગાવે છે. પુરાતન જમાનામાં ખબર ન હતી કે બધાં જ ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે. ત્યારે મનાતું કે પૂરું બ્રહ્માંડ પૃથ્વીની ફરતે ચક્કર લગાવે છે.

પુરાતન જમાનામાં માત્ર શનિ સુધીના ગ્રહો જ માનવીઓને જાણીતા હતાં. તેમાં શનિ આકાશમાં ચક્કર લગાવતાં સૌથી વધારે સમય લેતો હોઈ તે ધીમો ચાલે છે. તેથી લોકો કહેતાં શનૈ: શનૈ: અરતિ, ઈતિ શનિશ્ર્ચર: અર્થાત્ ધીમે ધીમે ચાલે તે શનિ, આ માટે લોકોએ કથા જોડી કાઢી કે શનિ લંગડો છે. શનિ કેવી રીતે લંગડો થઈ ગયો? તો કહે રાવણને ત્યાં મેઘનાદનો જન્મ થવાનો હતો. તે અજેય અને અજર-અમર રહે માટે રાવણે બધા જ ગ્રહોને એક જ રાશિમાં રહેવાનું ફરમાન કરેલું. જો રાવણ આ બાબતે સફળ રહે તો મેઘનાદ જેણે ઈન્દ્રને જીતેલો અને તેથી જેનું બીજું નામ ઈન્દ્રજીત છે તે અજેય અને અજર-અમર થઈ જાય, આમ ઈન્દ્રજીત પૂરી દુનિયાને રંજાડે માટે દુનિયાના ભલા માટે સાહસ કરીને શનિએ મેઘનાદના જન્મ વખતે પોતાનો પગ બીજી રાશિ સુધી લંબાવી રાવણની યોજના પર પાણી ફરવી દીધું. રાવણને આની તત્ક્ષણે ખબર પડી. રાવણે વજ્રથી શનિનો બીજી રાશિમાં ફેલાયેલો પગ ઉડાડી દીધો. માટે શનિ લંગડો થઈ ગયો અને તે ધીરે ધીરે ચાલે છે. પુરાણોમાં શનિના ધીરે ધીરે ચાલવાનું આ કારણ અપાયું છે. ખગોળવિધાને દર્શાવ્યું છે કે ગ્રહો કેપ્લરના ગ્રહગતિના નિયમો પ્રમાણે ગતિ કરે છે અને જેમ ગ્રહ સૂર્યથી દૂર તેટલો તે ધીરે ચાલે. ન્યુટને પછી તેના ગતિના અને ગુરુત્વાકર્ષણના નિયમો વડે કેપ્લરના નિયમોને સાચા સાબિત કર્યા છે. પ્રાચીન સમયમાં શનિ સૌથી દૂરનો ગ્રહ હતો અને તે આકાશમાં પરિક્રમા કરવા ૩૦ વર્ષ લે છે. હવે તો શનિ પછી યુરેનસ, નેપ્ચ્યૂન, પ્લુટો, સેડની, આયરીસ જેવા ગ્રહો શોધાયાં છે જે શનિ કરતાં ત્રણ, પાંચ કે દશગણા વધારે ધીમા ચાલે છે.

આ કથા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે શનિ દુનિયાના ભલા માટે કામ કરે છે. લોકો નકામા તેનાથી ડરે છે. શનિને બિચારાને વગોવી નાખ્યો છે. તેની પાછળ જ્યોતિષીઓનું કારસ્તાન છે. શનિને પુરાણોમાં સૂર્યપુત્ર કહ્યો છે. તે ભલા કાળો કેવી રીતે હોય? તાપી નદી, યમુના નદી શનિની બહેનો છે. ખગોળ વિજ્ઞાની દર્શાવે છે કે પૂરા બ્રહ્માંડમાં શનિ જેટલો કોઈ આકાશીપિંડ સુન્દર નથી. શનિ તો જાણે હીરા, મોતી અને સ્ફટિકનો બનેલો લાગે છે. તેની પાછળનું કારણ સૂર્યમાળામાં તેની કક્ષાની જગ્યા અને તેનું સુન્દર બંધારણ છે. 

શનિ સૂર્યથી દોઢ અબજ કિલોમીટર દૂર છે અને પૃથ્વીથી એક અબજ અને પાંત્રીસ કરોડ કિલોમીટર દૂર છે તે સ્ફટિક જેવા વાયુઓનો એક લાખ ૨૦ હજાર કિલોમીટરના વ્યાસનો ગોળો છે. શનિ પર ઉષ્ણતામાન ઓછા ૧૭૫ અંશ સેલ્સીઅસ છે. 

શનિનાં દર્શન કરનાર પ્રથમ માનવી ગેલિલિયો હતો. ગેલિલિયોએ તેના નાના દૂરબીનમાંથી શનિની બંને બાજુએ ફૂલેલા ભાગો પણ જોયા હતાં. તેનું તેણે તેની નોંધપોથીમાં ચિત્ર પણ દોર્યું હતું, જે નોંધપોથી આજે પણ ઉપલબ્ધ છે. તેમ છતાં તે શનિના વલયો છે તે જાણી શક્યો ન હતો. કારણ કે તેનું દૂરબીન નાનું હતું તેથી તે શનિના ગોળાને તેના વલયોથી અલગ દેખાડી શકતું ન હતું. આ વાત ૧૬૧૦ની છે. પછી દૂરબીનો મોટા મોટા બનતાં ગયાં. ૧૬૫૬માં દુનિયાની પ્રથમ વેધશાળા પેરિસની વેદ્યશાળામાં કાર્યરત ક્રિશ્ર્ચિન હોયગન્સે તેનું પ્રમાણમાં મોટું દૂરબીન શનિ પર માંડ્યું ત્યારે તેને શનિના વલયોને રૂપે શનિના ગોળાથી અલગ જોયાં. આમ શનિના વલયોની શોધ થઈ. હોયગન્સે શનિના વલયો શોધ્યાં પછી શનિનો અભ્યાસ કરતાં તેણે શનિનો સૌથી મોટો ઉપગ્રહ ટાયટન પણ શોધી કાઢ્યો. ટાયટન આપણા ચંદ્ર જેવડો મોટો છે. ઠંડીને હિસાબે શનિ અને તેના ઉપગ્રહ ટાયટન પર અમોનિયા, મિથેન, ઈથેનવાયુ પ્રવાહી અને બરફના રૂપમાં ફેરવાઈ ગયાં છે. આ અમોનિયા અમીનો અસિડ જીવનનો મૂળભૂત પદાર્થ છે. માટે વિજ્ઞાનીઓ માને છે કે ટાયટન પર કોઈ પ્રકારનું જીવન હોવાની સંભાવના છે. ટાયટન પર અમોનિયા અને ઈથેનના સરોવરો છે. 

હોયગન્સની શનિની ઉપગ્રહમાળાની શોધથી પ્રભાવિત થઈને પેરિસ વેધશાળાના ડિરેક્ટર ડોમનીક કસીની ખૂદ શનિનો અભ્યાસ કરવા બેઠાં. તેના શનિના વલયના સૂક્ષ્મ અભ્યાસે દર્શાવ્યું કે હોયગન્સે શોધી કાઢેલા શનિના વલયમાં સ્પષ્ટ ખાલી જગ્યા છે. એટલે કે શનિને બે વલયો છે. તેમ છતાં માનવામાં આવતું કે શનિના વલયો સઘન પટ્ટા (solid belt) છે. થોડા વર્ષો પછી કર્કવૂડ નામના ખગોળ વિજ્ઞાનીએ શોધી કાઢ્યું કે શનિને ત્રીજું વલય પણ છે. તેમ છતાં શનિના વલયો સઘન પટ્ટા મનાતાં. છેક ઓગણીસમી સદીમાં વિખ્યાત ભૌતિકશાસ્ત્રી કલર્ક મેક્ષમેલે સાબિત કર્યું કે શનિના વલયો સધન પટ્ટા નથી પણ નાના મોટા કંકર, ખડકોનાં બનેલાં છે. આ બધાં પોતપોતાની રેખામાં-વર્તુળોમાં શનિની પરિક્રમા કરે છે. વર્તુળ પર વર્તુળમાં નાના મોટા કંકર, પથ્થર અને ખડકાં શનિના વલયોમાં સબડિવિઝન કરી શનિની પરિક્રમા કરે છે. શનિના વલયોનો કુલ વિસ્તાર ૯૦,૦૦૦ કિલોમીટર છે જેમાં સાત પૃથ્વીને ગોઠવી શકાય. શનિના વલયોના ખડકો પર ઠંડીની હિસાબે બરફ બાઝી ગયાં છે. આ બરફો પાણી, અમોનિયા, ઈથેન, અને મિથેનના છે અને રંગબેરંગી છે. ૯૦,૦૦૦ના વિસ્તારમાં પથરાયેલા આ બરફાચ્છાદિત-બરફકોટેડ નાના મોટા ખડકો, પથ્થરો, ધૂળિકણો પર સૂર્યપ્રકાશ પડે છે તેથી તે ઝગારા મારે છે અને દોઢ અબજ કિલોમીટર દૂર છતાં આપણને તે નાના એવા દૂરબીનમાંથી દૃશ્યમાન થાય છે. શનિના ગોળાની વચ્ચે થોડા દૂર રહીને દેખાતા શનિના વલયો અને શનિ આહલાદક દૃશ્ય સર્જે છે. જોઈને વિસ્મય પામી જવાય. શનિને વલયોથી સુશોભિત જોઈને મન નાચી ઊઠે છે. અને દૂરબીનમાંથી આંખ લઈ લેવાનું મન થતું નથી. વલયોવાળો શનિ બ્રહ્માંડની શોભા છે.

શનિના વલયો વચ્ચેની મોટી ગૅપને તેના શોધકના નામ પર કસીની ગૅપ કહે છે અને બીજી થોડી નાની ગૅપને તેના શોધકના નામ પર કર્કવૂડ ગૅપ કહે છે. શનિને ચોથું વલય પણ છે. તેની સૈદ્ધાંતિક શોધ ૧૯૭૭માં લેખકે કરી હતી. ગ્રહોના વલયો વચ્ચે શા માટે ખાલી જગ્યા રહે છે તેની શોધ પણ લેખકે તેના ગ્રહ-અંતરના નિયમ પર અને તેમાં લાગુ પડતા ગુરુત્વાકર્ષણીય સ્પંદનો (ગ્રેવિટેશનલ રેસોનન્સની ક્રિયા) પર ૧૯૮૦માં કરી હતી. શનિનું આ ચોથું વલય ૧૯૭૯માં પાયોનિયર યાને શોધી કાઢ્યું હતું. 

શનિને હવે ૩૨ ઉપગ્રહો છે. કસીની અંતરીક્ષયાને શનિના ઉપગ્રહમાળામાં વર્ષો સુધી વિહાર કરીને ઉપગ્રહમાળાનો ઝીણવટથી અભ્યાસ કર્યો છે અને દર્શાવ્યું છે કે શનિના એન્સેલેડસ નામના ઉપગ્રહની સપાટી નીચે પાણીના સરોવરો છે, ત્યાં જીવન હોવાની શક્યતા છે. ગુરુ, યુરેનસ, શનિ, નેપ્ચ્યૂન બધાની ઉપગ્રહમાળા સૂર્યમાળાની જ આબેહૂબ નકલ છે, માત્ર સ્કેલ નાનો છે. સૂર્યમાળામાં સૂર્યમાં પદાર્થ જબ્બર હોઈ તે સ્વયંપ્રકાશિત છે. આ મોટા ગ્રહોના ગર્ભભાગમાં પણ નિસ્તેજ રીએક્ટની આણ્વિક ક્રિયા ચાલે છે. તેમ છતાં તે ઝળહળતાં નથી. ગુરુ મોટો હોવાથી ભવિષ્યમાં તેના ગર્ભભાગમાં ચાલતું અણુરીએક્ટર સતેજ થઈ તે સૂર્યમાળામાં બીજો સૂર્ય બની શકે છે. ત્યારે સૂર્યમાળામાં બે સૂર્યો હશે, એક નાનો અને બીજો મોટો-ત્યારે પૃથ્વી પરથી જોતાં અને અનુભવતાં કેવું લાગશે તે તો ભવિષ્ય જ કહેશે.

ઘણી વાર શનિના વલયો માત્ર રેખારૂપે જ દૃશ્યમાન થાય છે તો કોઈ વાર તેના વલયો તદ્દન અદૃશ્ય થઈ જાય છે. વલયો વગરનો શનિ લોકોને દેખાડીએ તો તેમને નવાઈ લાગે છે. આની પાછળનું કારણ આપણે પૃથ્વી પરથી શનિને કઈ રીતે ફેઈસ ઑન (face- on) કે એજ ઑન (edge on) જોઈએ છીએ. તેના પર આધારિત છે. ઘણી વાર આ ખૂણો એવો હોય છે કે શનિના વલયો જરા પણ દેખાય નહીં. શનિને જ્યારે આપણે ફેઈસ ઑન (face-on) જોઈએ છીએ ત્યારે તે તેના વલયોના અદ્ભુત દર્શન કરાવે છે.

વલયોની ફરતે શૅફર્ડ સેટેલાઈટ (ભરવાડ ઉપગ્રહો) હોય છે. આ સેટેલાઈટને શૅફર્ડ સેટેલાઈટ કહે છે કારણ કે તે ભરવાડ (શૅફર્ડ)નું કાર્ય કરે છે. જેમ એક કે બે ભરવાડ ઘેટા, બકરા, ગાય, ભેંસના પૂરા ધણને તેના આકારમાં હાંકે છે તેમ. એક ઘેટું બહાર નીકળવા જાય તો તેને લાકડીથી અંદર રહેવાનું કહે છે. આકાશમાં ગ્રહના વલયોને તેના આકારમાં રાખવા ભરવાડ ઉપગ્રહો છે.

એક ત્રસ્ત માનવી હતો તે જ્યોતિષી પાસે ગયો કે તેના સારા દિવસો ક્યારે આવશે. જ્યોતિષીએ કહ્યું કે તેને શનિ નડે છે અને જો તે તેને એક હજાર રૂપિયા આપશે તો તે જાપ કરી તેને શનિનાં નડતરમાંથી બચાવશે. તે માનવીએ કહ્યું મારી પાસે હજાર રૂપિયા નથી. તો જ્યોતિષીએ કહ્યું કે તે ગરીબ છે માટે તેને પાંચસો રૂપિયામાં શનિના જાપ કરી આપશે. તે માનવીએ કહ્યું કે તેની પાસે પાંચસો રૂપિયા નથી. તો જ્યોતિષિ કહે તે તેને રૂ. ૨૫૧માં જાપ કરી આપશે. તો તે માનવીએ કહ્યું તેની પાસે રપ૧ રૂપિયા નથી. પછી તે જ્યોતિષી રૂ. ૧૦૧, રૂ. ૫૧, રૂ. ૨૧, રૂ. ૧૧ અને છેવટે રૂ. પાંચ પર ઊતરી આવ્યો. તો તે માનવીએ કહ્યું કે તેની પાસે પાંચ રૂપિયા પણ નથી તો જ્યોતિષીએ છેવટે તેને સવા રૂપિયામાં શનિના જાપ કરવા તૈયાર થઈ ગયો. તો તે માનવીએ કહ્યું કે તેની પાસે સવા રૂપિયો પણ નથી. તો તે જ્યોતિષીએ પછી કહ્યું કે તારી પાસે સવા રૂપિયો પણ નથી તો શનિ તારું શું બગાડી લેશે? આમ ગ્રહો પૈસાદાર માણસોને નડે છે, ગરીબોને નહીં. ગ્રહો બિચારા વલયો પહેરેલા પદાર્થના ગોળા છે. તે માનવીને નડે તે માનવામાં આવતું નથી   

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=221533

No comments:

Post a Comment