Thursday, March 21, 2019

કેલેન્ડરનો ઉદ્ભવ અને ગૂંચવણની કથા -- ડૉ. જે. જે. રાવલ




દુનિયાનું સૌથી જૂનું કેલેન્ડર ભારતીય છે જેનું નામ અદિતી કેલેન્ડર છે. ૮૦૦૦ વર્ષ પહેલાં જ્યારે વસંતસંપાત પુનર્વસુ નક્ષત્ર (જેમિની રાશિનો એક ભાગ) માં થતો હતો ત્યારે ભારતીય કેલેન્ડર શરૂ થયેલું. આ નક્ષત્રની અધિષ્ઠાતા દેવી અદિતિ છે, માટે જ સૂર્યનું નામ આદિત્ય પડ્યું છે. આદિત્ય એટલે અદિતિનો પુત્ર. બધા જ દેવો અદિતીના પુત્રો ગણાય છે અને બધા જ દાનવો દિતિના પુત્રો ગણાય છે. 

આપણા મનીષીઓને ઉત્તરાયણ, વસંતસંપાત, દક્ષિણાયન, શરદસંપાતની ખબર હતી. તેઓએ તે જમાનામાં અધિકમાસની સ્થાપના કરી હતી. તેમને એ વાતનો પણ અંદાજ હતો કે વસંતસંપાત દર ૭૨ વર્ષે એક અંશ પશ્ર્ચિમમાં ખસે છે. તેમને ચંદ્રની ગતિવિધિની ખબર હતી, તેથી જ તેઓ તિથિની વધઘટ 
કરતા અને દિવાળીમાં ધોકો નાખી સૂર્યની ગતિવિધિ સાથે ચંદ્રની ગતિવિધિને સુસંગત રાખતા. આ ખરેખર અદ્ભુત વાત છે. તેમનો ખગોળીય અભ્યાસ અદ્ભુત હતો. તેમ છતાં તેમને એ ખબર ન હતી કે ગ્રહો અને ઉપગ્રહો દીર્ઘવર્તુળાકાર કક્ષામાં તેમના પિતૃ આકાશીપિંડની પરિક્રમા કરે છે. કૅપ્લરના ગતિના નિયમોનો આ નિરીક્ષણાત્મક અભ્યાસ હતો. 

ભારતીયો મહાન પંચાંગકર્તા હતા. તેઓએ જ પ્રથમ સાક્ષર શહેરી સંસ્કૃતિનો વિકાસ કરેલો જે સરસ્વતી સંસ્કૃતિ, સિન્ધુ સંસ્કૃતિ, હડપ્પા, મોહન-જો-દરો, ધોળાવીરા નામે ઓળખાય છે. સરસ્વતી અને સિન્ધુ સંસ્કૃતિએ વેદો લખ્યા. તેઓ પંચમહાભૂતના પૂજારીઓ હતાં. અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ તેમનાં દેવતા હતાં. 

ભારતીય મનીષીઓ આકાશીપિંડોનો બરાબર અભ્યાસ કરતા તેના પરથી કેલેન્ડરનો ઉદ્ભવ થયો. 

ચંદ્ર કળા દેખાડે છે, તેથી તેમનું કેલેન્ડર ચંદ્ર પર આધારિત હતું. પૃથ્વીની સૂર્ય ફરતે પરિક્રમા કરવાનો સમય એટલે કે આકાશમાં પૃથ્વી ફરતે સૂર્યની પરિક્રમા કરવાનો સમય વર્ષ ગણાતો. તેઓએ ચંદ્રની કળાના અભ્યાસ પરથી ૩૦ દિવસનો મહિનો બનાવ્યો હતો અને ચંદ્ર આકાશમાં એટલે કે પૃથ્વી ફરતે આવી બાર પરિક્રમા કરી લે ત્યારે સૂર્ય આકાશમાં એક પરિક્રમા કરે છે માટે વર્ષના બાર મહિના થયા. હકીકતમાં મહિનાના દિવસો ૩૦ નથી પણ ૨૯.૫ (ચોક્કસ રીતે ૨૯.૫૩૦૫૯) છે પણ લોકોની સગવડતા માટે અને દિવસ પૂર્ણાંક હોય છે માટે મહિનાના દિવસ ૩૦ લેવામાં આવ્યા અને હજુ પણ એટલા જ લેવામાં આવે છે. વર્ષના દિવસો ૩૬૫.૨૫ (ચોક્કસ રીતે ૩૬૫.૨૪૨૧૯) છે. તેથી ખરેખર વર્ષના ૧૨ મહિના નહીં, પણ વર્ષના ૧૨.૨૭ મહિના થાય. 

આમ દિવસ, મહિના અને વર્ષ કોઇ રીતે બંધબેસતાં નથી. આ બંધ બેસાડવા આપણા મનીષીઓએ દર ત્રણ વર્ષે અધિકમાસની શરૂઆત કરી. આ સમય દરમિયાન વિદ્વાનોને સૂર્ય અને ચંદ્રની ગતિવિધિના અભ્યાસ પરથી માલૂમ પડ્યું કે તેઓની ગતિમાં એક નિયમિતતા છે તે એ છે કે દર ૧૯ વર્ષે સૂર્ય અને ચંદ્ર સરખા ચક્રમાં પ્રવેશ કરે છે. ૧૯ સૌરવર્ષ ૩૫ ચાંદ્રમાસ બરાબર થાય. 

૫૦૦૦ વર્ષ પૂર્વે નાઇલ અને યુફેરેટસ નદીઓ વચ્ચેની ખીણમાં એક સંસ્કૃતિનો વિકાસ થયો. તેને આપણે સુમેરિયન સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. સુમેરિયનો પણ મહાન પંચાગકર્તા હતા. પછી સુમેરિયનોના વારસદાર એવા બેબિલોનવાસીઓ પણ મહાન પંચાંગકર્તા હતા. તેમણે સુમેરિયનોનું કાર્ય આગળ વધાર્યું. 

ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણના મૃત્યુ પછી આજથી લગભગ ૫૧૦૨ વર્ષ પહેલાં કલિ કેલેન્ડર શરૂ કરવામાં આવ્યું. 

ઇ.સ.પૂર્વે ૮૪ની સાલમાં રોમન લોકોએ ગ્રીસને જીતી લીધું. તેથી ગ્રીસનો કારભાર રોમન કેલેન્ડર પ્રમાણે ચાલવા લાગ્યો. રોમન કેલેન્ડર હાલમાં ચાલતા અંગ્રેજી (ખ્રિસ્તી) કેલેન્ડરનું જનક છે. રોમન કેલેન્ડર નાઇલના કિનારે વિકસેલી ઇજ્પ્તિની સંસ્કૃતિની 

દેન છે. 

ઇતિહાસમાં સૌથી પ્રથમ કેલેન્ડર સુધારવાની વાત ઇજિપ્તમાં ટોર્લમી યુરેગેટસે ઇ.સ.પૂર્વે ૨૩૮ની સાલમાં કરી હતી. તેણે કહ્યું હતું કે ઋતુચક્રનું વર્ષ અને વ્યાધના તારાના ઉદયના સંદર્ભમાં વર્ષનો મેળ ખાતો નથી. આ બંને વર્ષનો મેળ બેસાડવો જરૂરી છે અને તે મેળ બેસાડવા ઋતુચક્રના વર્ષમાં દર ચાર વર્ષે એક દિવસ ઉમેરવાની જરૂર છે. પણ લોકોએ તેના પર ધ્યાન આપ્યું નહીં, કારણ કે આ વાત સમજવી તેમની ક્ષમતાની બહાર હતી. અને આજે પણ સામાન્યજન આવું બધું સમજતાં નથી. રાશિચક્ર દર ૭૨ વર્ષે પશ્ર્ચિમ તરફ એક અંશ ખસે છે, તે વાતની તેમને સમજ પડતી નથી. 

ઇજિપ્તનું રોમન કેલેન્ડર ૨૦૦ વર્ષ સુધી સુધારા વગર ચાલતું રહ્યું. અંતમાં કેલેન્ડર સુધારાનું મહાન કાર્ય વિખ્યાત લડવૈયા, ઇતિહાસવિદ અને રોમન સમ્રાટ જુલિયસ સીઝરના કારભાર દરમિયાન થયું તે 

જુલિયન કેલેન્ડર . તે ઇ.સ.પૂર્વે ૪૬ની સાલમાં થયું. 

ભારતમાં ઇ.સ. પૂર્વે ૫૬ની સાલમાં સમ્રાટ વિક્રમાદિત્યે વિક્રમ સંવત શરૂ કરી અને પછી ઇસુની સદી શરૂ થઇ. ઇસુની સદીની ૭૮ની સાલમાં ભારતમાં શક સંવંત શરૂ થઇ. ભારતમાં લગભગ રાજ્યે રાજ્યે પોતપોતાના કેલેન્ડર અને નવા વર્ષના આરંભો છે. છઠ્ઠી સદીમાં થઇ ગયેલા ઉજ્જૈનના ખગોળવિદ વરાહમિહિરે જોયું કે પૃથ્વીની પરાંચનગતિને લીધે રાશિચક્ર પશ્ર્ચિમમાં ખસ્યું છે. તેનો મેળ બેસાડવા વરાહમિહિરે જે મહિનાનો પ્રારંભ પૂર્ણિમા પછીના પડવાથી શરૂ થતો હતો તે કુદાવી મહિનાનો પ્રારંભ અમાસના પછીના પડવાથી શરૂ કર્યો. ઉત્તર પ્રદેશમાં હજુ પણ મહિનાનો પ્રારંભ પૂર્ણિમા પછીના પડવાના દિવસે થાય છે પણ આપણે વરાહમિહિરને અનુસર્યા છીએ અને મહિનાનો પ્રારંભ અમાસ પછીના પડવાના દિવસે કરીએ છીએ. 

સોળમી સદીમાં ગ્રેગોરીના રાજકારભારમાં જુલિયન કેલેન્ડરને સુધારવામાં આવ્યું. આ કેલેન્ડર સુધારવું પડે તેમ હતું, કારણ કે નહીં તો સૌર વર્ષ અને ઋતુચક્ર એકબીજાથી ઘણા દૂર દૂર ચાલ્યાં ગયાં હતાં અને ઋતુઓ પાછળ પડતી હતી. આ પૃથ્વીની પરાંચન ગતિના કારણે બને છે અને બનતું રહેશે, કારણ કે આ ૨૫૮૦૦ વર્ષના ચક્રની સતત ચાલતી ક્રિયા છે જેમાં રાશિચક્ર પશ્ર્ચિમ તરફ સરકે છે. 

સમ્રાટ ગ્રેગોરીના નામ પરથી આ કેલેન્ડર ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય છે. તેણે કેલેન્ડરને દસ દિવસ કુદાવ્યું છે. ૧૫૮૨માં આ કેલેન્ડરને શરૂ કરવામાં આવ્યું. તે ૪૦૦ વર્ષના ચક્રનું કેલેન્ડર છે. ૪૦૦ વર્ષ પછી દિવસ અને તારીખ સમાન આવે છે. જો આપણી પાસે ૪૦૦ વર્ષના ગ્રેગોરિયન કેલેન્ડર હોય તો આપણે હવે પછીનાં ૪૦૦ વર્ષનાં કેલેન્ડર અગાઉથી જાણી શકીએ. તેમાં જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઇ, ઓગષ્ટ, ઑક્ટોબર, ડિસેમ્બર ૩૧ દિવસના મહિનાઓ છે. એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર ૩૦ દિવસના મહિનાઓ છે. જો વર્ષને ચારથી ભાગી શકાય તો ફેબ્રુઆરીમાં ૨૯ દિવસ હોય છે જેને લીપયર (પ્લૂતયર) કહે છે અને જો વર્ષને ચારથી ન ભાગી શકાય તો મહિનામાં ૨૮ દિવસ હોય છે. સદીના વર્ષને જો ૪૦૦ થી ભાગી શકાય તો ફેબ્રુઆરીમાં ૨૯ દિવસ હોય છે, અને સદીના વર્ષને જો ચારસોથી ન ભાગી શકાય તો તે વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ૨૮ દિવસ હોય છે. 

આમ ગ્રેગોરિયન કેલેન્ડર હોય કે ભારતીય કેલેન્ડર હોય તેને વારે વારે સુધાર્યા વગર આરો જ નથી. તેની પાછળનાં કારણોમાં સૂર્ય, (એટલે કે પૃથ્વી) ચંદ્રના પૂર્ણાંક કે અપૂર્ણાંક ન હોય તેવી વાસ્તવિક સંખ્યાનાં સમયચક્રો છે અને પૃથ્વીની પરાંચન ગતિને હિસાબે રાશિચક્રની પશ્ર્ચિમ તરફ સરકવાની ક્રિયા છે. તેથી વારે વારે સુધારવાનું ન હોય તેવું કેલેન્ડર બની શકે જ નહીં. કુદરત પોતે જ અવાસ્તવિકતામાં માને છે. વગેરે કુદરતના સ્વજનો છે જે અવાસ્તવિક સંખ્યામાં છે, અવાસ્તવિક કરતાં પણ વધારે અવાસ્તવિક સંખ્યાઓ છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=399659

No comments:

Post a Comment