છેવટે એક મંત્રીએ કહ્યું: આપણે નયા ગુજરાત બનાવવાનો પ્લૉટ કર્યો છે. તમારે એ માટે સૂચનો કરવાનાં છે!... હું જરા ગભરાયો, ‘પ્લૉટ’ શબ્દ સાંભળને, પછી સંયત થઇ ગયો. શ્રી મંત્રીશ્રી ‘પ્લાન’ને બદલે ‘પ્લૉટ’ બોલી ગયા હતા. ગુજરાતમાં ધણાખરા મંત્રીશ્રીઓ અંગ્રેજી ભાષાથી જરા મેહરુમ છે. મેં કહ્યું: મંત્રીશ્ર્વર! મારી પાસે ગુજરાતને નયા ગુજરાત બનાવવાના ઘણા પ્લૉટ છે. એમણેશ્રીએ કહ્યું: લખીને મોકલો. દરેક ગુજરાતીએ તનમનધનથી ગુજરાત માટે કાંઇક કરવું પડશે!... હું વિચારતો રહ્યો કે મંત્રીશ્રીની વાત બરાબર હતી. અત્યાર સુધી મારા અને બધાના સર્વ મિત્ર માધવસિંહ સોલંકીના યુગમાં માત્ર તનધનફન ગુજરાત સેવાની આધારશિલા હતી, હવે ફનને સ્થાને મન આવી રહ્યું હતું. હું સૂચિ લઇને મંત્રીશ્રી પાસે પહોંચ્યો. પ્લૉટ લાયા? લાયો છું. બધા જ ચાલ્યા ગયા, આ રૂમમાંથી બહાર ઊગેલાં બોગનવીલીઆ દેખાતા હતા. ઉપર પાંજરામાં એક પોપટ હતો. એ મને જોઇને સતત બોલતો હતો લાવ... મૂક જા!.. જા! લાવ... મૂક... જા!... મંત્રીશ્રીએ પોપટ તરફ બૂમ પાડી: ચૂપ! પોપટ અસંતુષ્ટની જેમ ચૂપ થઇ ગયો. પણ એ આંખ ફાડીને અમને જોતો રહ્યો, મંત્રીશ્રીએ કહ્યું: આ અમારા ઘરમાં ત્રાસવાદી ઘૂસી ગયો છે... હી...હી...હી... હી... હી... હી.. હું જવાબદારીપૂર્વક પ્રતિહાસ્ય કરતો ગયો. મે સૂચિ ખોલીને વાંચવા માંડી. ‘અમદાવાદમાં સાત પુલો છે.: શાસ્ત્રી, ઈન્દિરા, નેહરુ, સુભાષ, ગાંધી, સરદાર અને ઍલિસ. આ સાત પુલોના નામ બદલવા જોઇએ અને ગુજરાતના ઈતિહાસનાં મહાન નામોથી આ પુલો ઓળખાવા જોઇએ. જેમ કે હેમચંદ્રાચાર્ય પુલ, સિદ્ધરાજ જયસિંહ પુલ, કુમારપાળ પુલ, વનરાજ પુલ, તાનારીરી પુલ, દાદુ દયાલ પુલ, મીનળદેવી પુલ. આ પુલોની ડિઝાઇનો તદ્દન મોળી અને એકવિધ છે. આ પુલો પર બંને તરફ થોડે થોડે અંતરે ગનમેટલ કે અન્ય ધાતુના કોતરેલા ઊંચા લેમ્પો ગોઠવવા જોઇએ. દરેક પુલ આજે એક જેવો જ દેખાઇ રહ્યો છે. એ દરેક પુલને એક વ્યક્તિત્વ મળવું જોઇએ. લંડનમાં પાર્લામેન્ટમાં મકાનો પાસે વેસ્ટ નિન્સ્ટરથી ટાવર બ્રિજ સુધી પુલો છે. પેરિસમાં સેન નદી પરના પુલો વિશ્ર્વપ્રસિદ્ધ છે. લંડનથી લેનિનગ્રાદ સુધી સરસ, રોમેન્ટિક પુલો છે. એમાંથી અમદાવાદે શીખવું જોઇએ, સ્વીકારવું જોઇએ. સાબરમતી નદીમાં પાણી વહેતુ થવું જોઇએ. જરૂર પડે તો નદીને વધારે સાંકડી કરી શકાય. નદીના પટમાં બે દીવાલો બાંધીને નદીને વધારે સાંકડી બનાવવી જોઇએ અને કિનારા તથા દીવાલની વચ્ચે લોકોને ફરવા માટે પ્રોમેનેડ કે વૃક્ષાચ્છાદિત માર્ગો બનાવવા જોઇએ. લંડનમાં થૅમ્સ નદીને કિનારે આ રીતે ફરવાનો માર્ગ છે. ત્યાં ગાડી કે અન્ય કોઇ વાહન આવી શકે નહીં. માત્ર માણસો જ ચાલી શકે. યુરોપમાં અને રશિયામાં લગભગ દરેક નદીકિનારે આ રીતે ફરવાની વ્યવસ્થા સરકારે કરી છે. આનાથી આગળ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં છે. સમુદ્રકિનારે એક ‘ગોલ્ડન માઈલ’ અથવા એક માઇલનો લાંબો વિસ્તાર છે. સમુદ્ર અને મકાનોની વચ્ચે અહીં હોટલો છે. હંમેશાં લાઇટો જલે છે. સાંજના આખું શહેર જાગી ઊઠે છે. બાળકોને રમવા માટે મિનિ ઉદ્યાનો છે. અમદાવાદમાં નદીના પટમાં બંને કિનારે, દીવાલ અને સડકની વચ્ચે આવા ગોલ્ડન માઇલ વિસ્તારો બનાવવા જોઇએ જ્યાં એ વિસ્તારના લોકો ફરી શકે. ‘જો સાબરમતીમાં પેરિસની સેન કે લંડનની થેમ્સ જેટલો જ સાંકડો પ્રવાહ વહે તો પણ હવામાન ઠંડું થઇ શકે છે. સાંજે બોટનાં, નદીના એક સિરાથી બીજા સિરા સુધી સામાન્ય લોકો વિહર કરી શકે. સૌથી મોટી વાત તો એ કે કોઇ અમદાવાદીને આપઘાત કરવો હોય તો કાંકરિયા સુધી જવું ન પડે. સરકારે સુલભ આપઘાત માટે પ્રજાને સહાયક સગવડો પૂરી પાડવી જોઇએ. ‘ગુજરાત સરકારે નગરોમાં હરિજન કલા સંગ્રહાલય કે અનુસૂચિત જાતિ કલાભવન કે દલિત હુન્નર મ્યુઝિયમ પ્રકારનાં કલાકેન્દ્ર ખોલવાં જોઇએ. જે સ્થાઇ હોય. મૉસ્કોમાં ઑસ્ટેનકીનો પેલેસ ૧૮મી સદીનો છે. જેમાં મ્યુઝિયમ ઓફ સર્ફ આર્ટ અથવા ગુલામોની કલાનું સંગ્રહાલય છે. એમાં ચિનાઇ માટીની વસ્તુઓ, કોતરકામ, ફર્નિચર અને અન્ય કલાકૃતિઓ મૂકેલી છે. આ જ રીતે ગુજરાતમાં દલિત કલાનાં મ્યુઝિયમો ખોલવાં જોઇએ. મોસ્કોનો ઑસ્ટેનકીનો મહેલ પણ સર્ફ (ગુલામ) કલાકારોએ બાંધ્યો છે. - રશિયામાં મોસ્કોમાં પ્રતિવર્ષ બે કલા મહોત્સવો થાય છે. એક ‘રશિયન વિન્ટર ’ અથવા રશિયન શિયાળો (ડિસેમ્બર ૨૫ થી જાન્યુઆરી ૫) અને બીજો મોસ્કો સ્ટાર્સ (મે ૫ થી મે ૧૩) આ લાઇવ શોમાં ગીતસંગીત, નૃત્ય અને સમૂહગાન થાય છે. ગુજરાત પાસે આ જ રીતે નવરાત્રિ ઉત્સવ થાય છે, પણ એને માટે ગુજરાત સરકાર જાહેરાતો કરતી નથી અથવા કરતા આવડતી નથી. દરેક પ્રજાના આવા નૃત્ય મહોત્સવો જગપ્રસિદ્ધ છે. જર્મનીમાં ઓકટોબર ફેસ્ટ થાય છે. અમેરિકામાં માર્દી-ગ્રા થાય છે. સ્પેનમાં ફિયેસ્તા હોય છે. પૂરા લેટિન અમેરિકામાં મેક્સિકો, બ્રાઝીલ આર્જેન્ટિના સર્વત્ર આ ફિયેસ્ટા ચાલે છે. નાનકડું સિંગાપુર પણ પ્રતિવર્ષ ઓગસ્ટમાં સ્ંિવગ સિંગાપુર નામનો સડકનો જલસો કરે છે. ગુજરાત પાસે તો નવરાત્રિ છે જ. ગુજરાત સરકારે વિશ્ર્વભરમાં આ નૃત્યોત્સવ જાહેરાતો કરવી જોઇએ. તો ગોવાના ફિયેસ્ટાની જેમ વિશ્ર્વ પર્યટકો ગુજરાત ખેંચી શકે. કમસે કમ, ભારતના દરેક પ્રમુખ સ્થાનિક પત્રમાં આની પૂર્વ જાહેરાત વિધિવત કરવી જોઇએ. - હમણાં કલકત્તામાં ૧૯મી સદીનો બંગાળી ભોજનનો ભોજનવિલાસ ઉત્સવ કરવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં ૧૯મી સદીના બંગાળની ખાદ્ય વાનગીઓ, વ્યંજનો, પેય પદાર્થો એ જ કાળના પોષાક પહેરીને પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. સ્ત્રી-પુુરુષો ૧૯મી સદીની જેમ ઘોડાગાડીઓમાં આવ્યા હતાં, ઉતર્યા હતાં, ને ગુલાબજળનો છંટકાવ થયો હતો. પલાઠી મારીને લોકો જમવા બેઠા હતા. પ્રજાએ એક આવી ૧૯મી સદી ખડી કરી દીધી હતી! આ બંગાળી પ્રજાનો ભોજનવિલાસ હતો. મીઠાઇઓ એ જ રીતે બનાવવામાં આવી હતી, જે રીતે ૧૯મી સદીમાં બનતી હતી અને સંગીત એ જ રીતે વગાડવામાં આવ્યું હતું જે રીતે વાગતું હતું. ગુજરાતમાં સુરતમાં ગુજરાત સરકારે પ્રતિ વર્ષ ભોજનવિલાસ ઉત્સવ કરવો જોઇએ. આ કાર્યક્રમ પ્રજાને એમના ભૂતકાળ અને સંસ્કૃતિ તરફ લઇ જશે. - ગુજરાતમાં સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, આણંદ વગેરે શહેરો ફેલાતાં ગયાં છે. પણ આ એક પણ નગરનો આધુનિકતમ કે અપટુડેટ નગરનકશો મળતો નથી. અમદાવાદમાં એક ડિઝાઇન સંસ્થા છે. અમદાવાદ પાસે, લંડનમાં જેમ ‘એ ટુ ઝેડ’ નામનું નકશાઓનું પુુરું પુસ્તક મળે છે, એમ પુસ્તક હોવું જોઇએ. અત્યારે જે ઉપલબ્ધ છે એ કવોલિટીની દષ્ટિએ રેઢિયાળ કરી શકાય એવાં છ. ગુજરાત વિશ્ર્વવિદ્યાલય વિસ્તારનો પણ નકશો મળતો નથી. રિક્ષાવાળાઓને લેડીઝ હૉસ્ટેલ ક્યાં છે એ ખબર નથી! ગુજરાતના દરેક નગરમાં નવાં નવાં ઉપનગરો, પરાંઓ, વસાહતો વિકસી ગયા છે. જેમનો નકશામાં સમાવેશ થતો રહેવો જોઇએ. વિદેશોમાં સૌથી વધુ અનિવાસી ભારતીય (નોન-રેસીડન્ટસ) ગુજરાતીઓ છે, જેમાંના ઘણા વર્ષે બે વર્ષે ગુજરાત આવતાં રહે છે. એમને માટે પણ લેટેસ્ટ નગરનકશાઓ ગુજરાત સરકારે તૈયાર કરાવવા જોઇએ. - ઘેટાના શરીર પર ઊન પણ વ્યવસ્થિત ઊગે છે. પણ સુરતમાં જે રીતે જૂની શેરીઓમાં નવાં સ્કાયસ્ક્રેપર્સ ઊભાં થયાં છે, નવી ગંદી કોલોનીઓ બની ગઇ છે, અરાજકતાનું એક સામ્રાજ્ય વ્યાપ્યું છે. એ માટે એ સમયના નગરસેવકો પર મુકદમા ચલાવવા જોઇએ. સુરતની આ સૂરતે - હાલ જોયા પછી મને એક વિચાર આવે છે, જે મેં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં જોયો છે. ત્યાં મ્યુનિસિપલ ચૂંટણી થવાની હતી, ત્યારે હું હતો. રાજકીય પક્ષોના ઉમેદવારો ઉભા રહે છે, પણ લોકો સ્વતંત્ર ઉમેદવારોને ઊભા રાખીને જિતાડે છે. જે લોકો સ્વાસ્થ્ય, નગરવિકાસ, વિદ્યુત, જળવ્યવહાર, સડક યાતાયાત આદિના વિશેષજ્ઞો હોય છે. રાજકીય પક્ષો પણ અન્જિનિયર, તંત્રજ્ઞો નિષ્ણાતોને ઊભા રાખે છે. મ્યુનિસિપલ નિર્વાચન ભૂસ્કદાસો અને ઠેકડાલાલો માટે નથી પણ નગરસમસ્યા સમજતા હોય એવા નિષ્ણાતો માટે જ છે. પરિણામ સ્પષ્ટ છે. વિશ્ર્વના શ્રેષ્ઠ રાજમાર્ગો દક્ષિણ આફ્રિકના ગણાય છે. મહાનગરો સ્વચ્છ છે.. વગેરે વગેરે. મારી સૂચિ હજી પૂરી થઇ ન હતી. શ્રી મંત્રીશ્રીની આંખો ઝૂકી ઝૂકી રહી હતી. ઉજાગરો હશે. હું ઉભો થઇ ગયો. સૂચિ ખીસામાં મૂકીને બહાર નીકળ્યો. નયા ગુજરાતનો મારો પ્લૉટ જામ્યો નહીં. આજકાલ નવલકથાના પ્લૉટ પણ બરાબર જામતા નથી... ક્લોઝ અપ કોઇ પણ પ્રજાને એનું રાષ્ટ્ર ચાંદીની થાળી પર અપાયું નથી. - ઇઝરાયલી રાજપુરુષ ચાઈમ વાઇઝમાન |
Saturday, March 29, 2014
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી -- નયા ગુજરાત બનાવવાનો પ્લૉટ...
દિવ્યાશા દોશી -- સાચું જ્ઞાન, સ્વાર્થી શિક્ષણ નહીં
કંઈક જુદી જ માટીમાંથી ઘડાયેલા બંકર રોયે બેરફુટ કોલેજ સ્થાપી જ્યાં ડિગ્રીધારી શિક્ષકો નથી ભણાવતા કે નથી ભણનારને ડિગ્રીના સર્ટિફિકેટ અપાતા. રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવું જ શિક્ષણ અપાય છે
સાર્થકતાના શિખરેથી - દિવ્યાશા દોશી
સાર્થકતાના શિખરેથી - દિવ્યાશા દોશી
શિક્ષણ વ્યવસ્થાને નામે આપણે રોજ બૂમો પાડીએ છીએ અને સાંભળીએ છીએ... પણ તેને માટે આપણે શું કરીએ છીએ ? કશું જ નહીં. એ જ સિસ્ટમમાં આપણે તણાઈએ છીએ... જીવીએ છીએ..આપણામાં કોઇ પરિવર્તન આવતું નથી. આપણી સરકારી શાળા કે કોલેજો પણ એમાંથી બાકાત નથી. દિલ્હીમાં આપની સરકાર આવતા પહેલીવાર સરકારી શાળા અને કોલેજોને સુધારવાની વાત થઈ હતી.. બાકી શિક્ષણ એટલે કમાણીનો ધંધો જ્યાંથી એ જ શીખીને બહાર જવાનું કે આપણે કેટલા પૈસા પેદા કરી શકીએ. સંસ્કારિતા કે વિકાસની વાત થતી નથી. શિક્ષણ આપણને સ્વાર્થી બનતા શીખવાડે છે, સમાજ માટે કે સાથે જીવન જીવતાં શીખવાડતું નથી. પણ બંકર રોય નામની વ્યક્તિ કંઇક જુદી જ માટીમાંથી ઘડાઈ છે. તેમણે રાજસ્થાનમાં બેરફુટ કોલેજની સ્થાપના કરી જ્યાં ડિગ્રીધારક શિક્ષકો નથી ભણાવતા અને અહીં ભણનારને ડિગ્રીના કોઇ સર્ટિફિકેટ અપાતા નથી. તેઓ શિખેલું યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે તે રીતે તેમને શિખવાડાય છે. આ કોલેજમાં રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવું શિક્ષણ આપવામાં આવે છે. બંકર રોય વિશે જાણીએ... તેમનું નામ છે સંજીત બંકર રોય. તેમનું શરૂઆતનું શિક્ષણ ત્યારની બહુ જાણીતી ધનાઢ્ય લોકો માટેની દૂન સ્કૂલમાં થયું. ત્યારબાદ દિલ્હીની સ્ટિફન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા. ૧૯૬૪ની સાલમાં તેઓ સ્ક્વોશ રમતમાં ચેમ્પિયન હતા અને તેઓ આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતવતી રમ્યા હતા. શ્રીમંત અને વગદાર કુટુંબમાં તેઓ જન્મ્યા હતા અને તેમના માતાપિતા વિચારતા હતા કે તેઓ સરકારી ઊચ્ચ પદે કામ કરશે. પણ ૧૯૬૫ની સાલમાં તેમને વિચાર આવ્યો કે સરકારી પદવી મેળવવા પહેલાં ગામડાઓ કેવા હોય તે ફરીને જોવા માગતા હતા. એટલે સૌ પ્રથમ તેમણે ગામડાઓને નજીકથી જાણવા જોવા પ્રવાસે નીકળી પડ્યા.૧૯૬૫માં દુકાળ દરમિયાન બિહારના ગામડાઓમાં ફરીને જે દારૂણ ગરીબી,ભૂખમરો અને કરુણતા પ્રથમવાર જોયા. તેમણે ઘરે પાછા જઇને જાહેર કર્યું કે ગામડામાં કામ કરીને સમાજને માટે કામ કરવું છે. આ બાબત માતાપિતાને પસંદ ન આવી. પણ બંકર રોય પોતાની વાતમાં મક્કમ રહ્યા. બંકર રોયે ટેડ ટોકમાં પોતાના વક્તવ્યમાં બહુ સરસ વાત કરી કે, હું ખૂબ એલિટ, ધનવાનો માટેની એટિકેટવાળી સ્કૂલમાં ભણ્યો અને તેણે મારું જીવન લગભગ બરબાદ કરી નાખ્યું. મને વાસ્તવિકતા ન બતાવી કે ન અનુભવાવી. હું શિક્ષક, ડિપ્લોમેટ કે પછી કોઇપણ સારા પગારની નોકરી માટે તૈયાર કરાયો હતો. પણ નસીબ જોગે મારી ચેતના જાગી અને મને સાચુંકલું ભારત જોવાની ઇચ્છા થઈ. રાજસ્થાનના તિલોનિયા ગામમાં તેમણે ૧૯૭૨માં ગરીબો માટે બેરફુટ કોલેજની સ્થાપના કરી. આ કોલેજ સ્થાનિક લોકોએ જ બાંધી. ગરીબો માટે જ હતી એટલે તેમને સહજતા લાગે એટલે કોલેજમાં કોઇ ટેબલ ખુરશી ન રાખ્યા. આ કોલેજનો મૂળ ઉદ્દેશ એ હતો કે ગામડામાં જે કારીગરો હોય તેમને પોતાના કામમાં આવડત અને પરફેકશન આવે. ગાંધીજીનો આદર્શ ગામડાઓને સ્વાવલંબી બનાવવા તે વિચાર પર આ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં સોલાર પેનલ જે ત્યાંના ગામડાની અભણ મહિલાઓ ધ્વારા બનાવવામાં અને ઓપરેટ કરવામાં આવતું. વોટર પંપ અને સોલાર પેનલ બનાવી શકે અને રિપેર કરી શકે એ ટેકનોલોજી ગામડાના ગરીબને શીખવાડવામાં આવે છે. તેમના રોજિંદા જીવનને સરળ કરી શકે તેવી ટેકનોલોજી ગામડાના ગરીબ તથા અશિક્ષિતને શીખવાડવી તે આ કોલેજનો ઉદ્દેશ છે. બંકર રોયનું માનવું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે સહજતાથી અને સરળતાથી ટેકનોલોજી શીખી જાય છે. એટલે તેમણે જુદા જુદા વિસ્તારની સ્ત્રીઓને ખાસ કરીને જે દાદી બની ગઈ હોય તેમને શીખવાડતા. તેઓ પછી પોતાના ગામના બીજા લોકોને ઉપયોગી થતાં. આમ, શિક્ષણને ફક્ત પુસ્તકયું બનાવવા કરતાં ઉપયોગી તથા ગામડામાં પહોંચાડવાનું કામ બંકર રોયે શરૂ કર્યું એમ કહી શકાય. આજે બેરફુટ કોલેજમાંથી અનેક લોકો વિદેશ પણ જઇ આવ્યા છે. બાળકો માટેની રાત્રી શાળા ચાલે છે કેમકે તેમને પોતાના કુટુંબ માટે દિવસે કામ કરવાનું હોય. આ બાળકો અહીં લોકશાહીના પાઠ ભણે છે. ત્યાં ચૂંટણી થાય તેમાં છ વરસથી ચૌદ વરસના બાળકો વોટિંગ કરે અને સંસદ રચે, તેમાંથી વડા પ્રધાન પણ ચૂંટાય. બેરફુટ કોલેજનું બાંધકામ પણ અભણ ગામડાના કારીગરોએ જ કર્યું છે. ત્યાંની મહિલાઓએ છતને પરંપરાગત રીતે લિકેજ પ્રૂફ બનાવી. આમ, બંકર રોયે ગામડાની અનેક મહિલાઓને અને પુરુષોને એન્જિનિયર, આર્કિટેક, શિક્ષક અને કારીગરો બનાવ્યા. તેમનું માનવું છે કે કોઇપણ બાબતના સમાધાન માટે બહાર નજર કરવા કરતાં પહેલાં આપણી ભીતર નજર કરવી જોઇએ. આસપાસના અનુભવી લોકોને જુઓ,સાંભળો સમાધાન તમને સહજતાથી જડશે. જમીન સાથે સંકળાયેલા લોકો પાસે પ્રેકટિકલ ઉપયોગી માહિતી મળી શકે એમ છે. જરૂર છે વળી પાછા આપણા મૂળિયા તરફ જવાની. સ્વાવલંબી બનવાની. બંકર રોયને ગાંધીજીનું વાક્ય ગમે છે, પહેલાં લોકો તમને જોશે નહીં, પછી તેઓ તમારા પર હસશે, પછી તમારી સાથે ઝઘડશે. અને પછી તમે જીતી શકશો. બંકર રોયને ૨૦૧૦માં વિશ્ર્વની સો વગદાર યાદીમાં સ્થાન મળ્યું છે.જમનાલાલ બજાજ ઍવોર્ડ,સેન્ટ એન્ડ્રુઝ પ્રાઈઝ ફોર એન્વાયર્નમેન્ટ અને સોલાર કોમ્યુનિટી તરફથી રોબર્ટ હીલ ઍવોર્ડ પણ મળ્યો છે. શિક્ષિણ મેળવ્યા બાદ શિક્ષણનો સાચો અર્થ સમજ્યા બાદ તેમણે પોતાનો આગવો માર્ગ અપનાવ્યો અને જગત સમક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવી વધુ શિક્ષણ સંસ્થાઓની અને આવા વિચારકોની આપણા દેશને જરૂર છે. જે ફક્ત પુસ્તકિયું માહિતી ન આપતાં સાચું જ્ઞાન આપે જેમાં સૌના વિકાસની વાત હોય. |
A GOOD LAUGH
પ્રવાહ સાથે તો બધા જાય, પ્રવાહ વિરુદ્ધ જે જાય તે જીવનમાં કૈંક બને છે... એવું હું ટ્રાફિક પોલીસવાળાને સમજાવું એ પહેલાં એ ડોબાએ મેમો ફાડી નાખ્યો!
સૌરભ શાહ -- માણસ જેની કલ્પના કરે છે તે વહેલીમોડી સાકાર થયા વિના રહેતી નથી
જેમનો ભય લાગતો હોય એમને મળવાનું ટાળવું નહીં. એમને પ્રસન્નતાથી મળવું. આવું કરવાથી કાં તો તેઓ તમારા શુભ કાર્યની સાંકળમાં એક સોનેરી કડી બની જશે અથવા સાહજિકપણે તમારા માર્ગમાંથી ખસી જશે
મૅન ટુ મૅન - સૌરભ શાહ
કોઈ પણ પુરુષ, ફૉર ધૅટ મૅટર કોઈ પણ વ્યક્તિ, સફળતાની ઈચ્છા કરે અને નિષ્ફળતા માટે તૈયારી રાખે તો તેને નિષ્ફળતા જ મળવાની છે. આ માનસશાસ્ત્રીય વાત માણસનું મન પારખીને ફલોરેન્સ સ્કોવેલે કહી છે. નવા વિચારોની એ સ્પિરિચ્યુલ લીડર હતી અને છેક ૧૯૪૦ની સાલમાં ૬૯ વર્ષનું આયુષ્ય પામીને ગુજરી ગઈ.
માણસે જે વસ્તુની મનોમન માગણી કરી હોય એની એણે તૈયારી રાખવી જ જોઈએ, એ માટેનાં કોઈ ચિહ્નો ક્યાંય કળાતાં ન હોય તો પણ.
માણસ નકામા વિચારો ખંખેરીને પોતાના લક્ષ્ય તરફ ગતિ કરતો ક્યારે થઈ જાય? શ્રદ્ધા હોય ત્યારે. માણસને ઘણીવાર મોટી સિદ્ધિ મળવાની હોય તે પહેલાં એને નિષ્ફળતા અને હતાશા ઘેરી વળતી હોય છે. દુનિયા આખી તમને નિષ્ફળ ગણતી હોય છતાં એક, માત્ર એક જ વ્યક્તિ, તમને સક્સેસફુલ માનતી હોય તો તમે કદી નિષ્ફળ નહીં જાઓ. કેટલાક મહાન માણસોની સફળતા એમની પત્ની, એમના મિત્રો કે કોઈ સ્વજન કે પ્રિયજને એમનામાં મૂકેલી શ્રદ્ધાને આભારી હોય છે.
જે. કૃષ્ણમૂર્તિની જેમ ફલોરેન્સ સ્કોવેલ પણ માને છે કે માણસ જ્યાં સુધી પરિસ્થિતિનો વિરોધ કરશે ત્યાં સુધી એ પરિસ્થિતિ એની સાથે જ રહેશે. સંજોગોથી ભાગી છૂટવાનો પ્રયત્ન થશે તો આ સંજોગો એની પાછળ પડશે. એને બદલે પ્રતિકૂળ પરિસ્થિતિને સ્વીકારી લેવાથી, એનાથી સહેજ પણ વિચલિત ન થવાથી, તે સંજોગો આપોઆપ બીજે માર્ગે ફંટાઈ જતા હોય છે. બહારની પ્રતિકૂળ પરિસ્થિતિને માણસની અંદરની લાગણીઓ પ્રતિસાદ નથી આપતી ત્યારે બહારની એ પ્રતિકૂળ પરિસ્થિતિ એના માર્ગમાંથી દૂર હટી જાય છે. દલાઈ લામાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારી ભીતરની શાંતિ એટલી ગાઢ અને અપાર છે કે બહાર બનતા ગમે એટલા આકરા બનાવો પણ એ શાંતિને ડહોળી શકતા નથી. દલાઈ લામા જેવી ભીતરની શાંતિ માણસને ધમાચકડીભર્યા વાતાવરણમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. જરૂર છે માત્ર થોડો પ્રયત્ન કરવાની. આવા પ્રયત્નો સાચી દિશામાં થાય તે જરૂરી. કોઈ બાબાબાપુ કે દાદાસ્વામીના રવાડે ન ચડી જવાય એનું ખાસ ધ્યાન રાખવું.
હિંદુ તત્ત્વજ્ઞાનના કર્મના સિદ્ધાંતને સમર્થન આપતાં સ્કોવેલ કહે છે કે માણસનાં કાર્યો, વિચારો અને શબ્દો મોડાં - વહેલાં પણ અચૂક એના ભણી જ પાછાં વળે છે. બૂમરેંગની જેમ માણસ જે આપે છે તે જ પામે છે. અહીં એક વાત જરા ધ્યાનથી સમજવા જેવી છે. અનાજની કોઠીમાં પહેલાં બાજરો ભરીને ઉપર ઘઉં નાખવામાં આવે તો નીચેના કાણામાંથી પહેલાં બાજરો જ નીકળશે, ઘઉં નહીં - આવું ઉદાહરણ આપીને કર્મના સિદ્ધાંતો શીખવનારા તદ્દન સાંકડી અને જૂનવાણી દૃષ્ટિ ધરાવનારા હોય છે. એમની પાસે કર્મનો નિયમ સમજવા જનારાઓમાં માનસિક ગામડિયાપણું હોય છે એ વાત થોડા દિવસ પહેલાં પણ એક જુદા સંદર્ભમાં મેં ‘ગુડ મોર્નિંગ’ કૉલમમાં લખી હતી. હકીકત એ છે કે સારું કામ કરવાથી કે સારું વર્તન કરવાથી કે સારું વિચારવાથી મોટે ભાગે (મોટે ભાગે, દર વખતે નહીં) સામેની વ્યક્તિ આપણી સાથે એ જ રીતનો વ્યવહાર કરતી હોય છે. ક્યારેક સદ્વર્તનનો યોગ્ય પ્રતિસાદ ન મળે ત્યારે વિચારવું જોઈએ કે ખરાબ વર્તાવથી, ખરાબ બોલવાથી કે ખરાબ વિચારવાથી સૌથી પહેલું અને સૌથી મોટું નુકસાન આપણા પોતાના મનને થતું હોય છે. કોઈને માઠા શબ્દો કહી દીધા પછી, કોઈના પર ગુસ્સો કરી દીધા પછી, કોઈને છેતરી લીધા પછી કે કોઈની સાથે બનાવટ કરી લીધા પછી સૌથી પહેલા ઉઝરડા આપણા પોતાના માનસપટ પર પડતા હોય છે. કર ભલા, હોગા ભલાના સૂત્રને આ સંદર્ભમાં સ્વીકારવું જોઈએ.
શંકા અને ભય વિશે ઘણા ચિંતકોએ મનન કર્યું. આ બે ભાવ માણસને કોરી ખાનારી સૌથી વિકરાળ લાગણીઓ છે. ફ્લોરેન્સ સ્કોવેલ કહે છે કે એક તરફ માણસ અને એના ઊંચા આદર્શો તથા બીજી તરફ એના હૃદયની ઈચ્છા - આ બંને વચ્ચે શંકા અને ભય અવરોધક બનીને ઊભાં હોય છે. આમ થશે કે નહીં એવી ચિંતા કર્યા વિના માણસ ઈચ્છા કરે તો એની દરેક ઈચ્છા તત્કાળ પૂરી થવાની. ભય મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. નિષ્ફળતાનો ભય, અભાવનો ભય, માંદગીનો ભય, અસલામતીનો ભય. સંપૂર્ણ પ્રેમ ભયને નિર્મૂળ કરે છે. કોઈ વાર માણસને કોઈ વ્યક્તિનો ભય લાગતો હોય છે. એવા સમયે જેમનો ભય લાગતો હોય એમને મળવાનું ટાળવું નહીં. એમને પ્રસન્નતાથી મળવું. સ્કોવેલ કહે છે કે આવું કરવાથી કાં તો તેઓ તમારા શુભ કાર્યની સાંકળમાં એક સોનેરી કડી બની જશે અથવા તો સાહજિકપણે તમારા માર્ગમાંથી ખસી જશે.
ભય છોડીને શાંત થવું અઘરું જરૂર છે. આર્થિક અસલામતીના ભયમાંથી બહાર આવવું સૌથી અઘરું છે. એક વાત તો નિશ્ર્ચિત છે જ, વધુ ને વધુ પૈસો ભેગો કર્યા કરવાથી આર્થિક અસલામતી દૂર થતી નથી. કદાચ વધે ખરી. ઈશ્ર્વરે બે હાથ અને મગજ મહેનત કરવા માટે આપ્યાં છે, જે દિશામાંથી મળે તે દિશામાંથી પૈસો ઉસેટી લેવા માટે નહીં. મહેનત થતી રહેશે, નિરંતર થતી રહેશે તો પૈસો આપોઆપ આવ્યા કરશે. મોટાભાગના લોકો આટલું તો સમજતા હોય છે. એમની ચિંતા એ વખત માટેની હોય છે જ્યારે બે હાથ અને / અથવા મગજ મહેનત ન કરી શકે એવા સંજોગો સર્જાયા ત્યારે શું થશે? ત્યારની વાત ત્યારે એવું કહી દેવાથી સમાધાન થતું નથી. ભવિષ્યની આ પ્રકારની અસલામતીમાંથી મુક્તિ મેળવવા એક જ વાત માણસની વહારે ધાતી હોય છે - શ્રદ્ધા. આ શ્રદ્ધાને કારણે જ માણસને જીવનમાં ગમે એવી કપરી પરિસ્થિતિમાં ટકી રહેવાનું બળ મળે છે. શ્રદ્ધાનો ટેકો તૂટી પડે ત્યારે માણસ પોતે ભાંગી પડે. શ્રદ્ધાને ટકાવી રાખવા ફલોરેન્સ સ્કોવેલ કહે છે કે માણસની શ્રદ્ધાનો આધાર એની કલ્પનાશક્તિ પર રહેલો છે. માણસ જેની કલ્પના કરે તે વહેલીમોડી સાકાર થયા વિના રહેતી નથી. માણસ સતત કલ્પના કર્યા કરે કે પોતાને અમુક રોગો થશે તો મોટી ઉંમરે એને એ રોગ થવાની શક્યતા ઘણી વધી જવાની. માણસ કલ્પના કરતો રહે કે પોતે આર્થિક રીતે બેહાલ થઈ જશે કે કુટુંબીજનો એને તરછોડી દેશે તો વહેલુંમોડું એના જીવનમાં એવું જ બનવાનું.
આનો અર્થ એ થયો કે માણસે હંમેશાં સારી કલ્પનાઓ કરતાં શીખવું જોઈએ. પ્રેમ, મૈત્રી, ઊંચા આદર્શો, પ્રસન્નતા, સમૃદ્ધિ અને સારા આરોગ્યની કલ્પનાઓ કરવી જોઈએ. આવી કલ્પનાઓ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું કે સ્વપ્નામાં અને દિવાસ્વપ્નોમાં ફરક હોય છે. આ પ્રકારની કલ્પનાઓ તથા શેખચલ્લીની કલ્પનાઓ વચ્ચે આભજમીનનું અંતર છે. આ કલ્પનાઓને બે હાથ તથા એક દિમાગનું મજબૂત પીઠબળ છે. આ કલ્પનાઓને સાકાર કરવાની મહેનત કલ્પના કરવાની સાથોસાથ થવી જોઈએ. ફલોરેન્સ સ્કોવેલની તમામ વાતોનો એક વાક્યમાં સાર એટલો જ કે માણસના મગજનું જેવું વાતાવરણ હશે અર્થાત્ એના મગજમાં જેવા વિચારો ચાલતા હશે એવું જ એનું જીવન બની જવાનું. હવે તમે જ નક્કી કરો કે તમારે કેજરીવાલના તમાશાઓ વિશે વધારે વિચારવું છે?
પ્રથમ પુરુષ એકવચન
જો તમને લાગતું હશે કે તમે કરી શકો એમ છો તમે કરી શકવાના અને તમને એવું લાગતું હોય કે નહીં કરી શકો તો તમે સાચા છો! - મૅરી કૅ ઍશ

LINKS
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=120136
સિમ્પલ ભગવદ્ ગીતા
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=120137
...ને જમનાદાસ કુંવારા રહી ગયા
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=119576
સિમ્પલ ભગવદ્ ગીતા 15-03-2014
સિમ્પલ ભગવદ્ ગીતા
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=120137
...ને જમનાદાસ કુંવારા રહી ગયા
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=119576
સિમ્પલ ભગવદ્ ગીતા 15-03-2014
સૌરભ શાહ -- નાનપણથી જ ટેવ પડવી જોઈએ કે જે જોઈએ તે બધું મળવાનું નથી
બાળહઠ સાથે પનારો પાડવો સહેલું કામ નથી. બે બાળકો એકબીજા સાથે રમતાં હોય ત્યારે બીજું બાળક જેનાથી રમે છે એ જ રમકડું કે બોર્ડ ગેમ મને જોઈએ છે એવી જીદથી માંડીને જમતી વખતે અમુક વાનગી ખાવી અને અમુક ન જ ખાવી એવી ધરાર જીદ પકડવી કે પછી રસ્તે ચાલતી વખતે દુકાનમાં કે ફેરિયા પાસે જોયેલી કોઈ ચીજ અપાવી દેવા માટેની હઠ પકડવા સુધીની અનેક જીદોનો તમે પૅરન્ટ તરીકે સામનો કરી ચૂક્યા છો અથવા બાળક તરીકે એવી જીદ કરી ચૂક્યા છો. બાળક જીદ કરે ત્યારે એની માગણીને શરણે થઈ જવું એ સહેલો, સરળ પણ અત્યંત જોખમી ઉપાય છે. ખાધે પીધે સુખી એવાં કુટુંબોમાં માબાપની માનસિકતા એવી થઈ ગઈ હોય છે કે બાળક જે માગે તે એને અપાવી દેવું, બિચારાને કોઈ વાતે ખોટ ન પડવી જોઈએ, ભગવાને આ બધું આપ્યું છે તે શા માટે, વાપરવા માટે જ ને. આવા તર્કથી તેઓ નાનપણથી જ બાળકોની સાવ ક્ષુલ્લક માગણીઓથી માંડીને તદ્દન ગેરવાજબી માગણીઓને પણ પોષ્યા કરે છે. ક્યારેક બાળક જીદ કરીને રડવા માંડે ત્યારે ઘરમાં કકળાટનું વાતાવરણ ન સર્જાય એવા આશયથી માબાપ બાળકની જીદને વશ થઈ જતા હોય છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે જીદની બાબતમાં કે કશીક વસ્તુ પ્રાપ્ત કરવાની બાબતમાં બાળકનું મન પુખ્તવયની વ્યક્તિના મનની જેમ જ વર્તન કરતું હોય છે. (અથવા તો કહો કે આવી બાબતોમાં પુખ્તવયની વ્યક્તિ બાળકની જેમ જ વર્તન કરતી હોય છે). મોટા માણસને પણ જાહેરખબરો જોઈને, શૉ રૂમમાં લોભામણી રીતે સજાવેલી ચીજવસ્તુઓ જોઈને કે પછી ઓળખીતી વ્યક્તિ પાસે એ ચીજ જોઈને મન થઈ આવે છે કે મારી પાસે પણ એ વસ્તુઓ હોય. પોતાની ક્ષમતા હોય કે ન હોય, એ ચીજ ખરીદવાનાં સપનાં જોતાં થઈ જાય છે. ક્યારેક ખરીદવાની ક્ષમતા હોય અને એ ચીજ ખરીદાઈ પણ જાય ત્યારે સોમાંથી પચાસ કરતાં વધારે કિસ્સાઓમાં એવું બનતાં તમે જોયું હશે કે એ વસ્તુ વસાવી લીધાના થોડા જ સમયમાં એના માટેનો મોહ ઉતરી જાય છે. ક્યારેક મનમાં છુપી રીતે તમે કબૂલ પણ કરતા હો છો કે આ ખરીદી તમારી ભૂલ હતી, પણ બીજાઓ સમક્ષ એવી કબૂલાત કરતાં તમને ક્ષોભ થાય છે. ક્યારેક એવી કબૂલાત કરવાની તમને કોઈ જરૂર પણ નથી હોતી કારણ કે તમને કોઈ પૂછવાવાળું નથી હોતું. વસ્તુ ખરીદવાની ક્ષમતા ન હોય ત્યારે પુખ્ત વયની વ્યક્તિ મનને સમજાવી શકતી હોય છે કે આટલી આવકમાં મારાથી આટલી મોંઘી ચીજ ન ખરીદી શકાય. બાળક, મોટેભાગે, આવું સમજતું નથી. બાળક માટે માબાપ સર્વ સત્તાધારી ઈશ્ર્વર જેવાં છે, માગો તે ચીજ હાજર કરી દેશે. બાળકની આવી માન્યતા બને એટલી વહેલી તોડી નાખવી. સાવ નાનાં બાળકો જીદે ચડે ત્યારે એમનું ધ્યાન ખૂબીપૂર્વક, એમને રસ પડે એવા કોઈક બીજા જ વિષય તરફ દોરવાની યુક્તિ જાણીતી છે, અસરકારક પણ છે. બાળકનો જીવ ખરેખર એ ચીજ પર ચોંટી ગયો હશે તો એ ફરી ફરીને એની માગણી કરશે, દિવસો પછી પણ એની માગણી ચાલુ રહેશે. આવા વખતે માબાપે પોતાની ક્ષમતાનો અને બાળકની પાત્રતાનો વિચાર કરવો જોઈએ. ત્રણ વર્ષનું બાળક ટ્રાયસિકલને બદલે બાયસિકલ માગે, આઠ વર્ષનું સંતાન મોબાઈલ ફોન માગે કે બાર વર્ષનો બાબો મોટરસાઈકલ માગે ત્યારે માબાપની ક્ષમતા હોય તે છતાં એમને એમાંનું કશું ન અપાવાય. બાળકની જીદ ઓછી કરવા શું કરવું? નાનપણથી બાળકને એક વાતની ટેવ પાડવી જોઈએ કે એને જે મેળવવાની ઈચ્છા થાય તે બધી જ ચીજ મળી જાય તે જરૂરી નથી. ચીજ મોંઘી છે એટલે તને નથી અપાવતા એવું કારણ જ્યારે સાચું હોય ત્યારે જ કહેવું અને સાથોસાથ એ પણ ઉમેરવું કે પોસાય એમ હોત તો પણ એ ન અપાવી હોત જેનાં અનેક કારણ હોઈ શકે: એ ચીજ તબિયત માટે હાનિકારક હોઈ શકે, માનસિક વાતાવરણ દૂષિત કરનારી હોઈ શકે, કોઈકનું કે કુદરતનું શોષણ કરીને બનાવેલી ચીજ હોઈ શકે, અત્યારે એવી જ ચીજ આપણા ઘરમાં છે - ભલે એ જૂની થઈ ગઈ હોય, બગડેલી વસ્તુ ફેંકી દઈને નવી લાવવી જરૂરી નથી - સમારકામ કરાવીને ફરી વર્ષો સુધી વાપરી શકાય છે, એ ચીજની ઉપયોગિતા આપણા માટે બહુ ઓછી છે, અત્યારે એવી તકલાદી ચીજ ખરીદવાને બદલે પૈસા આવશે ત્યારે થોડીક મોંઘી પણ ટકાઉ ચીજ લઈશું, બીજાની પાસે એ ચીજ છે પણ બીજાની પાસે એવું શું શું નથી જે તારી પાસે છે. એ ચીજ ખરીદવાને બદલે કોઈની પાસેથી વાપરવા માટે ઉછીની લઈ શકાય એમ છે અને સાચવીને વાપર્યા પછી પાછી આપી દેવાની અથવા ભાડેથી પણ લાવી શકાય એમ છે અને છેલ્લે, ધારો કે એ ચીજ કોઈક રીતે ન જ મળી તો આપણા જીવનમાં એવો તે કેટલો મોટો ફરક પડી જવાનો છે? બાળકને નાનપણથી જ આવી તાલીમ મળી હોય તો મોટા થયા પછી એ તમારો આભાર માનશે. કોઈ પણ માણસને એ જે કંઈ ઈચ્છે છે તે બધું જ નથી મળતું. એ શક્ય નથી, જરૂરી પણ નથી. જિંદગીમાં દરેક ઘણી બધી વસ્તુઓ વિના ચલાવી લેવું પડે છે. એક જમાનામાં જાહેરખબરોમાં સિગારેટના કશ લેતો માણસ બોલતો હતો: ‘મને જે કંઈ જોઈએ છે તે મેળવીને જ હું રહું છું.’ આવું રિયલ લાઈફમાં કહેવું કે માનવું એને મૂર્ખામી કહેવાય, ખુમારી નહીં. બાળકને અભાવની પણ આદત પડવી જોઈએ. કપરી આર્થિક પરિસ્થિતિમાં ઉછરેલાં સંતાનોને મા રોજ સાંજે છ વાગ્યે સવાર-સાંજનું એકમાત્ર ભોજન જમાડતી હોય છે. આવાં સંતાનો મોટાં થઈને વધુ સમજુ સિદ્ધાંતવાદી અને પ્રામાણિક નાગરિકો બનતાં હોય છે. કોઈ પણ પ્રકારના અભાવની આદત પરિસ્થિતિવશ પડી હોય કે માબાપની સમજણને કારણે પાડવામાં આવી હોય, એ તાલીમ મોટા થયા પછી ખૂબ મોટી મૂડી પુરવાર થાય છે. તમે મારા દેવના દીધેલ છો, તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યા ત્યારે અમર થઈને રહો એવું ગાઈને બાળકને ભરપૂર માનસિક લાડ જરૂર લડાવીએ પણ ભૌતિક લાડકોડથી દૂર રાખીએ. બાળક જે માગે તે તરત હાજર કરી દઈએ ત્યારે એ મોંએ ચડી જાય છે અને મોટા થયા પછી એનાં દુષપરિણામો એણે પોતે જ ભોગવવાનાં આવે છે, જેના માટે સંપૂર્ણપણે જવાબદાર માબાપ હોય છે. આજનો વિચાર જે કરવું છે તે કરવા માટેનો સમય હંમેશાં મળી રહેતો હોય છે. અભાવ સમયનો નહીં, જે કરવું છે તે કરવાની તિવ્ર ઈચ્છાનો હોય છે. - જ્હૉન લુબોક એક મિનિટ! એક જમાનામાં માત્ર ‘ઘરવાળી’ અને ‘બહારવાળી’ રહેતી. હવેના જમાનામાં આ મારી ‘બીબીએમવાળી’, આ મારી ‘ફેસબુકવાળી’, આ મારી ‘વૉટ્સએપવાળી’, આ મારી ‘સ્કાઈપવાળી’, આ મારી ‘વાઈબરવાળી’, આ મારી ‘ ઈન્સ્ટાગ્રામવાળી’... |
દિવ્યાશા દોશી-- બાળક પાસેથી શીખીએ
ખૂબ ધનવાન કુટુંબમાં જન્મેલું બાળક દશ વરસનું થયું ત્યારે તેના પિતાએ વિચાર્યું કે તેને ગામડાઓમાં લઈ જવું જોઇએ. જેથી તેને ખ્યાલ આવે કે લોકો કેટલી ગરીબીમાં જીવે છે. અને તેને પૈસાની કિંમત સમજાય. તેઓ નાનકડા ગામમાં ગરીબ ખેડૂતના ખેતરમાં જઈને થોડા દિવસ રહ્યા.
પાછા ફરતી સમયે પિતાએ બાળકને પૂછ્યું કે તને ગામડામાં રહેવું ગમ્યું ?
બાળકે બહુ ઉત્સાહથી જવાબ આપ્યો, અરે મને તો બહુ મજા પડી. પિતાએ વળી પૂછ્યું તે જોયું લોકો કેટલી ગરીબીમાં જીવે છે ? બાળકે જવાબ આપ્યો, હા મેં જોયું... પિતાએ વળી પૂછ્યું કે શું જોયું વિગતે કહે તો ?
પેલા બાળકે થોડો વિચાર કરી કહ્યું, આપણી પાસે એક જ કૂતરો છે જ્યારે તેમની પાસે ચાર છે, આપણા બગીચામાં નાનકડો પુલ છે જ્યારે તેમની પાસે મોટી નદી છે... જેમાં અનેક માછલીઓ અને સુંદર પથરાંને કેટલા બધા પક્ષીઓ આવે છે. આપણા ઘરે મોંઘો ટેબલ લેમ્પ અને બત્તીઓ છે. પણ તેમની પાસે ચંદ્ર અને તારાઓ છે. આપણી પાસે નાનકડો બગીચો છે જ્યારે તેમની પાસે ખુલ્લાં મેદાનો છે. આપણે અનાજ, શાકભાજી, ફળ ખરીદીએ છીએ તેઓ ઉઘાડેલું તાજું ખાય છે. આપણી નાનકડા ઘરને સલામતી માટે વાડ બાંધી છે જ્યારે તેમની સલામતીનું ધ્યાન આસપાસના તેમના મિત્રો રાખે છે.
પિતા કશું જ બોલી ન શક્યા. છેલ્લે બાળકે કહ્યું, થેન્ક યુ પપ્પા તમે મને બતાવ્યું કે આપણે કેટલા ગરીબ છીએ.
ઘણીવાર બાળકો સાચું શું ખોટું શું આપણા કરતાં વધુ સારી રીતે સમજી શકતાં હોય છે. અને જીવનમાં ધન,સંપત્તિ કે ભૌતિક વસ્તુઓ આનંદ આપી શકતા નથી. પ્રેમ, મિત્રો, સ્વતંત્રતાની કિંમત આંકી શકાતી નથી.

Subscribe to:
Posts (Atom)