http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=99004
બૃહદસંહિતા અને વિવેકવિલાસ જેવા પ્રાચીન ગ્રંથોમાં કુદરતી આફતોની સચોટ આગાહીનું વિજ્ઞાન વર્ણવવામાં આવ્યું છે
અતિવૃષ્ટિ, સુનામી, કેટરિના અને ભૂકંપ જેવી ઘટનાઓ હવે આપણી પૃથ્વી માટે નિયમિત ઘટમાળ બની ગઇ છે. કુદરતે જાણે કે માનવજાતને બરાબરનો પાઠ ભણાવવાનો નિર્ણય કરી લીધો છે. ઉત્તરાખંડમાં આવેલો કુદરતનો પ્રકોપ તેનો પુરાવો છે. દર વખતે કુદરતી આફત આવે ત્યારે ખ્યાલ આવે છે કે આધુનિક વિજ્ઞાન આ પ્રકારની આપત્તિઓની આગાહી કરી જ શકતું નથી. તેથી વિરુદ્ધ ભારતના અનેક પ્રાચીન ગ્રંથોમાં ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે કુદરતી આફતોની સચોટ આગાહી માટેનું વિજ્ઞાન જોવા મળે છે.
ભારતમાં ઇસુની છઠ્ઠી સદીમાં વરાહમિહિર નામના મહાન જ્યોતિષાચાર્ય થઇ ગયા. તેમણે લખેલા બૃહદ સંહિતા નામના ગ્રંથમાં ભૂકંપની આગાહી કેવી રીતે કરવી તેની સચોટ પદ્ધતિ આપવામાં આવી છે. અત્યારે કેલિફોર્નિયા ખાતે આવેલા અર્થક્વેક પ્રેડિકશન સેન્ટરમાં બૃહદ સંહિતાની આ પદ્ધતિ ઉપર સંશોધન થઇ રહ્યું છે. બૃહદ સંહિતાના ૩૨મા અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે કે જે પ્રદેશમાં ભૂકંપ થવાનો હોય ત્યાં એક સપ્તાહ અગાઉ વિચિત્ર પ્રકારનાં વાદળો અચૂક જોવા મળે છે. આ ઉપરાંત ભૂકંપ થવાનો હોય તે અગાઉ દરિયાનાં મોજાંઓમાં એક પ્રકારની અનિયમિતતા જોવા મળે છે. પ્રાણીઓ અને પક્ષીઓ વિચિત્ર રીતે વર્તે છે અને હવામાનમાં પણ ચોક્કસ પ્રકારનું પરિવર્તન આવે છે. બૃહદ સંહિતાનો અભ્યાસ કરી રહેલા પુણેના વૈદિક વિદ્વાન આ બધી જ બાબતોના વૈજ્ઞાનિક પરીક્ષણ માટે હિમાયત કરી રહ્યા છે.
આપણે નોબલ પારિતોષિક પ્રાપ્ત કરનારા આધુનિક વિજ્ઞાનીઓની આરતી ઉતારીએ છીએ પણ આપણા જ દેશમાં થઇ ગયેલા મહાન ગણિતશાસ્ત્રી અને વિજ્ઞાની વરાહમિહિર વિશે આપણા યુવાનો કેટલું જાણે છે? વરાહમિહિરનો જન્મ ઇ. સ. ૫૦૫ની આજુબાજુ ઉજ્જૈન નજીક આવેલા કપિત્થ ગામમાં થયો હતો. તેમના પિતા આદિત્યદાસ જ તેમના ગુરુ હતા. સમ્રાટ વિક્રમાદિત્યના દરબારનાં નવ રત્નોમાં વરાહમિહિરને માનભર્યું સ્થાન મળ્યું હતું. આચાર્ય વરાહમિહિર એક બહુશ્રુત વિદ્વાન હતા. તેમણે પ્રાચીન વિદ્યાઓના અભ્યાસ માટે ગ્રીસનો પણ પ્રવાસ કર્યો હતો. પારસ દેશના સમ્રાટના આદેશથી તેમણે પંચતંત્રની કથાઓનો પહેલવી ભાષામાં તરજુમો કર્યો હતો. વરાહમિહિરે રચેલા ‘પંચસિદ્ધાંતકા’ ગ્રંથમાં ખગોળશાસ્ત્રના નિયમોનુું વિસ્તૃત વર્ણન છે. બૃહદ સંહિતા ગ્રંથમાં તો સર્વ પ્રાચીન વિદ્યાઓનો ખજાનો જોવા મળે છે.
અમેરિકામાં રહેતો ઝોન્ગ હાઉ શોઉ નામનો સંશોધક આચાર્ય વરાહમિહિરના ગ્રંથના આધારે વાદળાંઓની કૃત્રિમ ઉપગ્રહ દ્વારા મેળવવામાં આવેલી તસવીરોનો ઉપયોગ કરીને ભૂકંપની સચોટ આગાહી કરવાનું વિજ્ઞાન વિકસાવી રહ્યો છે. ચીનના આ સંશોધકે પોતાની વેબસાઇટ ઉપર એવો દાવો કર્યો છે કે પાકિસ્તાનનો ભૂકંપ થયો તેના ૨૪ કલાક અગાઉ તેણે વાદળાંના બંધારણને આધારે એવી આગાહી કરી હતી કે ચીનમાં અથવા તેની પડોશમાં આવેલા કોઇ દેશમાં ભીષણ ભૂકંપ થવાનો છે. આ સાથે વારાણસી ખાતે આવેલા એક વાદળાંઓના જાણકારે પણ એવો દાવો કર્યો છે કે તેણે પણ પાકિસ્તાનમાં આવનારા ભૂકંપની એક સપ્તાહ અગાઉ આગાહી કરી હતી અને પાંચ દિવસ અગાઉ ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજી ફોર ડિઝાસ્ટર રિડક્શન સેક્રેટરીએટને તેની જાણ પણ કરી હતી.
પુણે ખાતે રહેતા અરુણ બાપટ પણ બૃહદસંહિતા ગ્રંથમાં વર્ણવવામાં આવેલા ભૂકંપ અગાઉ વાદળાંઓના બંધારણના સિદ્ધાંત ઉપર સંશોધન કરી રહ્યા છે. તેમના જણાવવા મુજબ જ્યારે ધરતીકંપ થવાનો હોય તેના થોડા દિવસ અગાઉ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારો થાય છે, જેની અસર આબોહવા અને વાદળાંઓના બંધારણ ઉપર થઇ શકે છે. વરાહમિહિરના પંચસિદ્ધાંતિકા ગ્રંથમાં પ્રાચીન ભારત ઉપરાંત ગ્રીસ, ઇજિપ્ત અને રોમના જ્ઞાનનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. બૃહદ સંહિતા ગ્રંથમાં એક સ્થળે લખવામાં આવ્યું છે કે, "બ્લુ લિલી, મધમાખી વગેરે આકારનાં મોટાં વાદળાં જોવા મળે છે. આ વાદળાંની કિનારી ઝળકતી હોય છે અને તેમાંથી ધોધમાર વરસાદ વરસે છે. આ વર્તુળમાં પેદા થતો ધરતીકંપ સમુદ્રના અને નદીઓના સહારે જીવતા લોકોને મારી નાખશે. વળી તેના કારણે ભારે વરસાદ પેદા થશે.
બૃહદ સંહિતામાં ધરતીકંપ પછી ભારે વરસાદ પડવાની જે વાત કરવામાં આવી છે તેનો અનુભવ લાતુરના ભૂકંપ વખતે થયો હતો અને પાકિસ્તાનના ભૂકંપ પછી પણ આ જ ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું છે. લાતુરના ભૂકંપ પછી દુકાળગ્રસ્ત વિદર્ભ અને મરાઠવાડામાં એટલો બધો વરસાદ પડ્યો હતો કે તેને કારણે રાહતસામગ્રી લઇને જતી ટ્રકો રસ્તામાં જ અટકી ગઇ હતી. તેવી જ રીતે પાકિસ્તાનમાં ભૂકંપ પછી બરફનો વરસાદ પડતાં બચાવકાર્યમાં વિઘ્નો આવ્યાં હતાં. આ રીતે ધરતીકંપ સાથે વાદળાંઓને અને વરસાદને ચોક્કસ સંબંધ હોવાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. ભૂકંપની આગાહી કરતા આધુનિક હવામાનશાસ્ત્રમાં આ પરિબળોનો વિચાર જ કરવામાં આવ્યો નથી. આ કારણે જ તેઓ આજે પણ આવી આગાહી કરવામાં નિષ્ફળ જઇ રહ્યા છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપ વિશે સંશોધન કરી રહેલો ઝોન્ગ શોઉ કહે છે કે, "જે વિસ્તારમાં ધરતીકંપનું કેન્દ્રબિંદુ હોય ત્યાં એટલી બધી ગરમી પેદા થાય છે કે પાણીનું રૂપાંતર વરાળમાં અને વાદળાંઓમાં થાય છે, જેને કારણે ભારે વરસાદ પડે છે. આ વરાળ પૃથ્વીના પોપડામાંથી જે રીતે બહાર આવે છે તે મુજબ વાદળાંઓ અજગરનો, દરિયાનાં મોજાંનો, ફાનસનો કે પીંછાનો આકાર ધારણ કરે છે. પુણેના એસ. એન. ભાવસારે વેદોમાં છુપાયેલા વિજ્ઞાન વિશે સંશોધન કરી ડોક્ટરેટ કર્યું છે. તેમણે પુણે યુનિવર્સિટીના સ્પેસ સાયન્સ વિભાગમાં પણ કાર્ય કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, "કુદરતની અનેક ગતિવિધિઓ જલદી ધ્યાન ન જાય તેવી પણ નિયમિત હોય છે. આ પ્રક્રિયાઓનો જો પદ્ધતિસર અભ્યાસ કરવામાં આવે તો તેના વડે વિશ્ર્વનાં અનેક રહસ્યોનો તાગ મેળવી શકાય તેમ છે.
વરાહમિહિરના ગ્રંથ બૃહદ સંહિતાની જેમ જૈનાચાર્યશ્રી જિનદત્તસૂરિજી દ્વારા રચાયેલા શ્રી વિવેકવિલાસ ગ્રંથમાં પણ કુદરતી આફતોની સચોટ આગાહીઓ કેવી રીતે કરી શકાય તેની વિગતો આપવામાં આવી છે. વિક્રમના તેરમા સૈકામાં થયેલા આ જૈનાચાર્ય રાષ્ટ્ર ઉપર આપત્તિ આવવાની હોય, નગરનો નાશ થવાનો હોય, મહાસંગ્રામ થવાનો હોય અથવા દેશભંગ થવાનો હોય ત્યારે જે એંધાણીઓ જોવા મળે છે, તેની વિસ્તૃત યાદી રજૂ કરે છે. આ લક્ષણોની ટૂંકમાં રજૂઆત નીચે મુજબ કરી શકાય તેમ છે:
(૧) જળચર જીવો ભૂમિ ઉપર અને ભૂચર જીવો જળમાં ચાલતા જોવા મળે. (૨) મંદિરમાંની પ્રતિમાઓના સ્વરૂપમાં કોઇ ફેરફાર જોવા મળે. (૩) શિયાળનો ધ્વનિ દિવસે સંભળાય અને કાગડાઓ કોલાહલ કરી મૂકે.(૪) રાત્રિના સમયે આકાશમાં મેઘધનુષ્ય જોવા મળે.(૫) વૃક્ષોને અકાળે ફૂલ કે ફળ આવે.(૬) જો ગધેડું ભૂંકતું હોય ત્યારે ગધેડાની સાથે જ બીજો કોઇ ચોપગો જીવ ભૂંકવા લાગે તો દુષ્કાળ પડી શકે છે. (૭) રાત્રિના સમયે ગાયો ભાંભરવા લાગે.(૮) સફેદ કાગડા, શ્ર્વાન અને ગીધાદિ પ્રાણીઓ આમતેમ ભમવા લાગે.(૯) હાથણીના ગંડસ્થળમાંથી મદ ઝરવા લાગે. (૧૦) તેતર પક્ષી રાત્રે બોલવા લાગે.
મહારાષ્ટ્રના લાતુરમાં, કચ્છમાં અને પાકિસ્તાનમાં ભૂકંપ થયો તે અગાઉ ઉપર જે લક્ષણો વર્ણવ્યાં છે તે પૈકી અનેક ઘટનાઓ જોવા મળી હતી પણ તેની યોગ્ય જાણકારીના અભાવે આ ઘટનાઓ ઉપરથી ભૂકંપની સચોટ આગાહી કરી શકાઇ નહોતી. ભૂકંપ, અતિવૃષ્ટિ, સુનામી વગેરે કુદરતી આપત્તિઓ છે અને મનુષ્યમાં હજી એટલી તાકાત આવી નથી કે આ આફતોને આવતી અટકાવી શકે. તેમ છતાં પ્રાચીન સાહિત્યની મદદ લઇને આવી કુદરતી આપત્તિઓની જો સમયસર આગાહી કરી શકાતી હોય તો હજારો મનુષ્યોના જાન બચાવી શકાય છે. ભૂતકાળમાં વિશિષ્ટ જ્ઞાનીઓના વચન ઉપર વિશ્ર્વાસ મૂકી આ રીતે હજારો લોકોએ પોતાના જીવ બચાવ્યા હોવાનું ઇતિહાસમાં જોવા મળે છે. બનાસકાંઠામાં આવેલા ભીલડી શહેરનો આગમાં વિનાશ થવાનો છે તેની જાણ ત્યાં બિરાજમાન જૈનાચાર્યને થઇ ગઇ હતી. તેમણે ભીલડીના નગરજનોને ચેતવણી આપી આખું નગર ખાલી કરાવ્યું હતું અને તેમણે રાધનપુર શહેર વસાવ્યું હતું. ભીલડી નગર પછી ખરેખર વિનાશક આગમાં તારાજ થઇ ગયું હતું.
જૈન પરંપરાના ગ્રંથ શ્રી વિવેક વિલાસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, "જ્યારે દેશમાં દુષ્ટોનું જોર વધી પડે છે, અનીતિ અને અનાચારનું સામ્રાજ્ય વિસ્તૃત બને છે ત્યારે કુદરતી આફતો આવ્યા વિના રહેતી નથી. આજે આપણા દેશની અને વિશ્ર્વની હાલત પણ તેવી જ છે. મનુષ્ય આજે વિવેકહીન બની જે રીતે કુદરતી સમતુલાને તોડી રહ્યો છે તે જોતાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, સમુદ્રીય તોફાનો અને ભૂકંપ જેવી આફતો ન આવે તો જ નવાઇ લાગે તેમ છે. મનુષ્ય દ્વારા પર્યાવરણનો જે વિનાશ કરવામાં આવી રહ્યો છે તેનો સીધો સંબંધ કુદરતી આફતો સાથે છે તે જ્ઞાન આપણને જેટલું વહેલું આવશે તેટલા આપણે વધુ બચી શકીશું.