Monday, January 26, 2015

બ્રહ્માંડના ગૂઢ રહસ્યને સમજવા માટે ગ્રહમાળા મહત્ત્વની છે --- ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=149769



બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યારે ઊર્જા ઉત્પન્ન થઈ. એ ઊર્જામાંથી ઊ=ળભ૨ના આઈન્સ્ટાઈનના સમીકરણ મુજબ ઈલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ, ગ્લુમોન્સ, ક્વાકેસ, હિગ્ઝ-ઓઝોન જેવા પદાર્થકણો ઉત્પન્ન થયાં અને ધૂલીકણો અને ધસમસતા જતાં વાયુનાં વાદળો બંધાયાં. આ ધસમસતા દૂર જતાં વિશાળ અતિવિશાળ વાદળો તૂટીને મંદાકિનીઓ (લફહફડ્ઢશયત)માં રૂપાંતર પામ્યા. આ વાદળો સંકોચાયાં ત્યારે પદાર્થકણો અથડાઈને વાદળોમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કર્યાં. વાદળો ગોળ ગોળ ફરવાં લાગ્યાં કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ખૂણો બન્યો હતો.

મંદાકિનીમાં જગ્યાએ જગ્યાએ પદાર્થનું ગઠન થવાથી ત્યાં ગુરુત્વાકર્ષણનાં કેન્દ્રો બન્યાં અને આ નાનાં નાનાં વાદળો સંકોચાયાં. આ વાદળો પણ ગોળ ગોળ ઘૂમતાં હતાં. તેમાં વચ્ચે તારા બન્યા અને આજુબાજુ ગ્રહો બંધાયા કે પદાર્થ પડી રહ્યો. મોટા તારા બળીને નાની વયે એટલે કે બે એક અબજની વયે મહાનવિસ્ફોટ સાથે નિર્વાણ પામ્યાં. સાધારણ પદાર્થના તારા, સૂર્ય જેવા, તારાએ તેની ફરતે સૂર્યમાળા રચી. આમ ઘણા ખરા તારાની ફરતે ગ્રહમાળા બંધાઈ.

તારાની જાત પર આધારિત ગ્રહો બંધાયા અને આ ગ્રહો પર જો પરિસ્થિતિ સાનુકૂળ હોય તો જીવન અસ્તિત્વમાં આવ્યું. જીવનની જાત પણ તેના માતૃગૃહ અને પિતૃ તારા પર આધારિત હોય છે. જેમ કે ગ્રહનું ગુરુત્વાકર્ષણ જો બળવાન હોય તો ત્યાં માનવજીવનની ઊંચાઈ ઓછી હોય. દા. ત. ગુરુગ્રહ. ગુરુગ્રહ પર માનવી જન્મે તો ત્યાં પુખ્તવયના માનવીની ઊંચાઈ માત્ર અઢી ફૂટ હોય. જ્યારે આપણી પૃથ્વી પર માનવીની સરાસરી ઊંચાઈ છ ફુટ હોય છે. આમાં કોઈ અપવાદ પણ હોય છે કે માનવીની ઊંચાઈ ૯ ફુટ પણ હોય અને ૩ ફુટ પણ હોય. એટલે કે અપવાદરૂપે પૃથ્વી પર લાંબા માણસો પણ છે અને ઠીંગુજી 

પણ છે.

જો ગ્રહનું ગુરુત્વાકર્ષણ નબળું હોય તો ત્યાં માનવીની ઊંચાઈ ખૂબ હોય. દા. ત. ચંદ્ર કે મંગળ પર માનવી જન્મે તો ત્યાં પુખ્ત વયના માનવીની ઊંચાઈ ૧૮ ફુટ, ૨૦ ફુટ કે તેનાથી વધારે પણ હોઈ શકે.

જો ગ્રહ નાનો હોય તો ત્યાં વાયુમંડળ ન હોય કારણ કે તે વાયુઓને પોતાની ફરતે જકડી રાખી ન શકે. ત્યાં જો માનવી જન્મે તો તેના કાન મોટા હોય અને આંખો મોટી હોય, આવી આંખ દરેક પ્રકારનાં કિરણોને ગ્રહણ કરી શકે. તેના નાક પણ મોટા હોય અને હાઈટ તદ્દન ઓછી હોય અને જીવન શ્યામરંગનું હોય.

ગ્રહ જો પિતૃતારાની નજીક હોય અને પિતૃતારો ખૂબ જ ગરમ હોય તો ત્યાં તદ્દન નવા જ પ્રકારનું જીવન હોય. એવા પણ ગ્રહ હોઈ શકે જ્યાં કાર્બનડાયોક્સાઈડ જીવન વાયુ હોય અને ઓક્સિજન અંગારવાયુ હોય.

સાધારણ રીતે માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં જીવન કાર્બન અને હાઈડ્રોજનની દેન છે. પણ જીવન એવું પણ હોય જે કાર્બોહાઈડ્રેટ નહીં પણ સિલીકેટ પર પણ નિર્ભર હોય. ગ્રહ પર જીવનની વ્યાખ્યા કરવી અઘરી છે. હવે જો ગ્રહમાળા હોય તો ત્યાં જીવન હોય. કદાચ ગ્રહમાળાના એકાદ ગ્રહ પર તો જીવન હોય અને ન પણ હોય.

બ્રહ્માંડને સમજવામાં, બ્રહ્માંડમાં જીવન હોય તો જ તે શક્ય બને અને તે માત્ર કોઈ તારાની ગ્રહમાળાના એકાદ સાનુકૂળ ગ્રહ પર હોય. બ્રહ્માંડમાં જીવન હોય તે તેનો પ્રાણ છે અને પ્રાણ વગર શરીરનો કોઈ અર્થ નથી. બ્રહ્માંડમાં દરેકે દરેક ચીજ જીવંત છે માટે બ્રહ્માંડમાં જીવન હોય જ અને બ્રહ્માંડ પોતે જ જીવંત છે.

જો ગ્રહ ઠંડો હોય તો ત્યાં માનવોના શરીરે વાળના ધાબળા હોય કારણ કે તેને ઠંડી સામે ટકી રહેવાનું છે.

કુદરતનો બ્રહ્માંડ ઉત્પન્ન કરવા પાછળ હેતુ શું હશે? તે યક્ષ પ્રશ્ર્ન છે. બ્રહ્માંડ ઉત્પન્ન કરી મંદાકિનીઓ ઉત્પન્ન કરી, તારા ઉત્પન્ન કરી, ગ્રહમાળાઓ ઉત્પન્ન કરી, ગ્રહો ઉત્પન્ન કરી તેના પર જીવન ઉત્પન્ન કરવાનાં?

આપણા સૂર્યને ગ્રહમાળા છે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યૂનને ઉપગ્રહમાળાઓ છે તે ગ્રહમાળા જ કહેવાય. પ્લૂટોની ફરતે પણ ઉપગ્રહમાળા હોવાનું માલૂમ પડ્યું છે અને તેમાં હાલમાં બાર ઉપગ્રહો છે. સૂર્યમાળાની બહાર પણ કેટલાય ગ્રહો શોધાયાં છે. પણ તેની પૂર્ણ રચનાની આપણને હજુ સુધી ખબર નથી.

આશ્ર્ચર્યની વાત એ છે કે મહાવિસ્ફોટ પામેલા તારાની ફરતે પણ ગ્રહો પરિક્રમા કરતા મળી આવ્યા છે. તો પ્રશ્ર્ન થાય છે એ ગ્રહમાળા તારાનો વિસ્ફોટ થયો પહેલા રચાઈ હશે કે પછી? જો તેની ગ્રહમાળા પહેલી રચાઈ હોય તો તારામાં જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તેની રચના બદલાઈ નહીં હોય?

ગ્રહમાળાની એક પેટર્ન છે, ડિઝાઈન છે. ઘણા ખરા ગ્રહો તારાની વિષુવવૃત્તની સમતલમાં ઉત્પન્ન થયા છે, તેઓ તારો જે દિવસમાં ધરી ભ્રમણ કરે છે તે જ દિશામાં ધરીભ્રમણ કરે અને તારા ફરતે પરિભ્રમણ કરે છે. તેમની તથા તેમના પિતૃતારાની વય લગભગ સરખી જ છે. તેઓ બધામાં મૂળભૂત પદાર્થ તો એક જ છે. આ દર્શાવે છે કે તે બધા એક જ સૌરવાદળ જન્મ્યાં છે. આપણે ધારીએ કે બીજી કોઈ પૂર્ણ ગ્રહમાળા મળે તો તેના ફિચર્સ પણ આવા હોવા જોઈએ કારણ કે કુદરતના નિયમો વૈશ્ર્વિક છે.

આપણી આકાશગંગા મંદાકિનીમાં ૫૦૦ અબજ તારા છે. તેમાંના ૫૦ ટકા તારા સૂર્ય જેવા છે. જો સૂર્યને ગ્રહમાળા હોય તો તેમને પણ હોવી જોઈએ. તેમાંથી માત્ર ૧૦ ટકા જ લઈએ તો આપણી આકાશગંગામાં જ લગભગ ૨૫ અબજ તારા હોય જેની ફરતે ગ્રહમાળા હોવી જોઈએ. પણ તકલીફ એ છે કે બે તારા વચ્ચે વિશાળ, અતિવિશાળ અંતરો છે. તારો તો સ્વયંપ્રકાશિત છે પણ તેની ફરતે પરિક્રમા કરી રહેલા ગ્રહો તારાની સરખામણીમાં તદ્દન નાના છે અને સ્વયંપ્રકાશિત નથી. તેથી તેને જોવા ખૂબ જ દુષ્કર છે. તેમ છતાં ગ્રહ અપારદર્શક હોવાથી જ્યારે તે તેના પિતૃતારાની આડેથી પસાર થાય છે ત્યારે તેના પિતૃતારામાંથી પૃથ્વી પર આવતા પ્રકાશમાં નહીવત્ ઘટ થાય છે. આ ઘટને સમજી ખગોળવિજ્ઞાનીઓ આવા તારાની ફરતે અસ્તિત્વ ધરાવતા ગ્રહોને શોધે છે. કામ ઘણું અઘરું છે પણ ખંતીલા વિજ્ઞાનીઓ તેને બરાબર પાર પાડે છે.

બ્રહ્માંડમાં મૂળ હેતુ મંદાકિનીઓ ઉત્પન્ન કરી તેમાં ગ્રહમાળાઓ ઉત્પન્ન કરી, ગ્રહો પર વિવિધ પ્રકારનું જીવન ઉત્પન્ન કરવાનો છે. પૃથ્વીવાસી વિજ્ઞાનીઓનો હેતુ આપણી મંદાકિનીમાં પૃથ્વી જેવા ગ્રહો કે જ્યાં જીવનની આપણી વ્યાખ્યા પ્રમાણે જીવન છે કે નહીં તે શોધવાનો છે. આપણી મંદાકિનીમાં જ જીવન શોધવું અઘરું છે તેથી બીજી મંદાકિનીઓમાં તારા ફરતેના ગ્રહો પર જીવન શોધવાની વાત બાજુએ મૂકીએ. પણ જો આપણી મંદાકિનીમાં જીવનવાળા ગ્રહો શોધાય તો કહી શકાય કે બીજી મંદાકિનીઓમાં પણ તારા ફરતેના ગ્રહો પર જીવન હશે જ. અંતરીક્ષ યુગનો અંતિમ (છેલ્લો) હેતુ શું છે? બ્રહ્માંડમાં તારાની ફરતે એવા ગ્રહો શોધવા જ્યાં જીવન હોય. તેથી જો આપણી પૃથ્વી જીવન જીવતા સદંતર ખરાબ બને ત્યારે કદાચ જો આપણી પાસે ટેકનોલોજી હોય અને આપણને એવા ગ્રહો વિષે ખબર હોય કે જ્યાં જીવન સંભવી શકે છે તો ત્યાં આપણે સ્થળાંતર કરી શકીએ. છેવટે તો રોટી, કપડા અને મકાનનો જ 

સવાલ છે.

જો બીજી ગ્રહમાળા શોધાય તો આપણે તેને આપણી ગ્રહમાળા સાથે સરખાવી શકાય. આપણને એ પણ જાણ થાય કે આપણા જેવું કે કોઈ બીજી જાતનું જીવન બ્રહ્માંડમાં છે. આપણે બ્રહ્માંડમાં એકલા નથી અને જો આપણને જાણ થાય કે બ્રહ્માંડમાં આપણે એકલા છીએ તો આપણે પૃથ્વી પરની માનવજાતને બચાવી રાખવી પડે, નહીં તો તે પૂરા બ્રહ્માંડમાંથી અદૃશ્ય થઈ જાય.

જો આપણે બ્રહ્માંડમાં એકલા છીએ તે ખરેખર સ્પષ્ટ થાય તો આપણને ખરેખર આશ્ર્ચર્ય થશે. જો કે બ્રહ્માંડમાં આપણે કે આપણા જેવી સંસ્કૃતિ એક જ છે અને બીજે ક્યાંય જીવન નથી અથવા બીજી જાતની સંસ્કૃતિઓ નથી તે ધારણાને તર્ક ટેકો આપતું નથી. તેમ છતાં આ પ્રશ્ર્નનો જવાબ મેળવવો જરૂરી છે. પૃથ્વી પર માનવીઓ જુદી જુદી જાતનાં છે, તેમની સંસ્કૃતિઓ જુદી છે. ભાષા, પહેરવેશ, ખાણી-પીણી જુદી છે પણ તે માનવીઓ છે. તે પ્રમાણે બ્રહ્માંડમાં અલગ અલગ સંસ્કૃતિ હોઈ શકે છે પણ પાયાના સ્વરૂપમાં તે એક હોવાની ધારણા છે. આ વિષયે અને શોધમાં આપણને ગ્રહમાળા કેવી રીતે જન્મે છે, જીવન શું છે તે કેવી રીતે વિકસે છે તેની પણ કદાચ જાણ થાય. બ્રહ્માંડમાં આપણે એકલા છીએ તે માનવાને કારણ મળતું નથી. ગ્રહમાળાની શોધ આ પ્રશ્ર્નનો ઉકેલ લાવી શકે છે.

બ્રહ્માંડ છે તો જીવનને ઉત્પન્ન થવા માટે જગ્યા મળી છે. માટે જીવનને બ્રહ્માંડની જરૂર છે. પણ કદાચ બ્રહ્માંડને જીવનની જરૂર ન પણ હોય. જીવન જન્મે તો ભલે અને ન જન્મે તો પણ ભલે. તેમ છતાં પૃથ્વી પર આપણી હયાતિ દર્શાવે છે કે બ્રહ્માંડમાં બીજે પણ જીવન હોવું જોઈએ.

જો આપણે બ્રહ્માંડમાં એકલા હોઈએ તો અપવાદ ગણાય. તો આટલા વિશાળ બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિનીઓ છે તેમાં એક એક મંદાકિનીમાં ૫૦, ૧૦૦, ૫૦૦, ૧૦૦૦ અબજ તારા છે તો આપણે શા માટે અપવાદ હોઈએ? બ્રહ્માંડમાં જ્યાં જુઓ ત્યાં વાયુનાં વિશાળ વાદળો છે અને કેટલાકમાં તો હાલ પણ તારા જન્મતા દેખાય છે. આ પ્રશ્ર્નનો ઉત્તર જાણવો જરૂરી છે. શું કુદરતે આટલું વિશાળ અદ્ભુત બ્રહ્માંડ અને આટલો બધો પદાર્થ શું આપણને ઉત્પન્ન કરવા માટે જ કર્યો હશે? શું કુદરતે આટલા બધા પદાર્થનો વેડફાટ આપણા એકલા માટે જ કર્યો હશે? આ માનવાને સદંતર કોઈ કારણ મળતું નથી.

No comments:

Post a Comment