Monday, January 26, 2015

પર્યાવરણને બચાવવા માટે ઓઇલના વિકલ્પો શોધી કાઢવા પડશે --- સ્પોટ લાઈટ - સંજય વોરા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=149768





ગ્લોબલ વોર્મિંગનો મુકાબલો કરવા માટે કોપનહેગનમાં મળેલી જાગતિક પરિષદ નિષ્ફળ ગઇ તેની પાછળ જગતના પેટ્રોલના ભંડારો અને તેમાંથી થતી અબજો ડોલરની કમાણી પણ કારણભૂત છે. એક અંદાજ મુજબ દુનિયામાં આજે જેટલું પણ કાર્બન ઉત્સર્જન થાય છે, તેમાંનું ૬૦ ટકા પેટ્રોલ-ડિઝલ સંચાલિત વાહનોને કારણે થાય છે. જો પૃથ્વીના તાપમાનને વધતું અટકાવવું હોય તો તે માટે સૌથી પહેલા પેટ્રોલિયમના ઉત્પાદનોનો વપરાશ ઘટાડવો જોઇએ. જો જગતની પ્રજા પેટ્રોલિયમ પ્રોડક્ટનો વપરાશ ઘટાડે તો તેનાથી સૌથી વધુ નુકસાન અમેરિકાના અર્થતંત્રને થાય છે. આ કારણે જ અમેરિકા કાર્બન ઉત્સર્જન ઉપર કાપ મૂકવા તૈયાર થતું નથી.

આપણે મોટર કારમાં જે પેટ્રોલ અથવા ડીઝલ વાપરીએ છીએ, તેના દ્વારા પર્યાવરણની તો હિંસા થાય છે, પણ સાથે સાથે જે દેશમાં ઓઇલ ઉત્પન્ન થતું હોય તેની પ્રજાની પણ હિંસા થાય છે. ઇરાકના યુદ્ધ દ્વારા આપણે જોયું કે જે દેશના પેટાળમાં વધુ કુદરતી ઓઇલ તેલ હોય છે તેઓ માટે અમેરિકી આક્રમણનો ભોગ બનવાનો ડર વધી જાય છે. ઇરાક સામે અમેરિકાએ જે યુદ્ધ છેડી દીધું તેનું ખરું કારણ ‘સામૂહિક વિનાશનાં શસ્ત્રો’નહોતાં પણ ઇરાકના તેલ ભંડારો હતા એ હવે સ્પષ્ટ થઇ ગયું છે. ઇરાક પછી હવે આફ્રિકા ખંડનો વારો છે. 

થોડા સમય અગાઉ અમેરિકાના વોલ સ્ટ્રિટ જર્નલમાં અહેવાલ છપાયો હતો કે ઇ. સ. ૨૦૧૫ની સાલ સુધીમાં અમેરિકા તેની આવશ્યક્તાના ૨૫ ટકા જેટલું ઓઇલ આફ્રિકાના દેશોમાંથી પ્રાપ્ત કરતું હશે. આ કારણે જ તાજેતરમાં તેણે જર્મનીમાં ગોઠવાયેલું પોતાનું લશ્કર આફ્રિકા ખંડમાં ખસેડવા માંડ્યું છે. અમેરિકાએ કોલ્ડ વોરના અંત પછીની આ સૌથી મોટી લશ્કરી કવાયતનો આરંભ પોતાના વર્ચસ્વ હેઠળના તેલક્ષેત્રોની ‘રક્ષા’ના હેતુથી કર્યો છે. અહીં ‘રક્ષા’ નો અર્થ ‘આક્રમણ’ એવો થાય છે. જે દેશના પેટાળમાં વધુ ઓઇલ છે, તે દેશની પ્રજાએ વધુ લોહી વહેવડાવવા તૈયાર રહેવું પડશે. અમેરિકાની સંરક્ષણ નીતિનો અર્થ તેલના ભંડારો ઉપર આક્રમણ એવો થાય છે. 

આફ્રિકામાં આવેલો નાઇજિરિયા નામનો દેશ આજે અમેરિકાને તેની કુલ જરૂરિયાતનું ૧૪ ટકા ઓઇલ પૂરું પાડે છે. નાઇજિરિયા વિશ્ર્વમાં ઓઇલનું ઉત્પાદન કરતો ૧૩ નંબરનો સૌથી મોટો દેશ છે. આ દેશની નિકાસમાં ૯૫ ટકા ફાળો ઓઇલનો છે અને સરકારની કુલ આવકના ૮૦ ટકા તેલને કારણે છે. ઇરાક સાથેના યુદ્ધ અને વેનેઝુએલાની કટોકટી પછી હવે પશ્ર્ચિમ આફ્રિકાનું મહત્ત્વ તેલ ઉત્પાદક નવા દેશ તરીકે વધી ગયું છે. આ પ્રદેશમાં આવેલા એંગોલા, ગેબોન, સાઓ ટોમ અને ગિની જેવા દેશો ટૂંક સમયમાં અખાતી દેશોનું સ્થાન ગ્રહણ કરી લેશે એમ જણાઇ રહ્યું છે. અને જ્યાં તેલનું ઉત્પાદન વધે છે ત્યાં હિંસા અને ત્રાસવાદની પણ વૃદ્ધિ થાય છે. 

ગુજરાતીમાં એક કહેવત છે, "જર, જમીન અને જોરૂ ; એ ત્રણ કજિયાના છોરૂં. આ કહેવતમાં હવે તેલના ભંડારોનો પણ સમાવેશ કરવો પડશે. જે દેશની જમીનમાંથી તેલના ભંડારો મળી આવે છે તે દેશની પ્રજાનું લોહી પણ રેડાયા વિના રહેતું નથી. તેલનો વેપાર કરતી રાક્ષસી અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઓ આ દેશોના સરમુખત્યારોને ડોલર આપે છે, પ્રજા ઉપર ત્રાસ ગુજારવા માટે લશ્કરી પીઠબળ આપે છે, વ્યભિચાર માટે સુંદરીઓ પૂરી પાડે છે અને વૈભવશાળી જીવનશૈલી આપે છે. મલ્ટીનેશનલ ઓઇલ કંપનીઓ આ દેશની સરકારો સાથે તેલની પ્રાપ્તિ માટે જે કરારો કરે છે તે જાહેર કરવામાં આવતા નથી. આ કરારો અબજોનો માલ મફતમાં આંચકી લેવા જેવા હોય છે. 

નાઇજિરિયા પોતાના ઓઇલના ભંડારો વેચી અત્યારે વર્ષે ૪૦ અબજ અમેરિકન ડોલરની કમાણી કરે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ઓઈલનું વેચાણ કરવા દ્વારા નાઇજિરિયન સરકારની તિજોરીમાં આશરે ૩૦૦ અબજ ડોલર જમા થયા છે પણ તેમાંના ૫૦ અબજ તો સ્વિસ બેન્કમાં અથવા વિદેશમાં પગ કરી ગયા છે. ઓઇલને કારણે નાઇજિરિયાની વાર્ષિક માથાદીઠ આવક આજે ૨૯૦ ડોલર છે, પણ આમ નાગરિકને તેનો ભાગ્યે જ લાભ મળે છે. આ આવકનો મોટા ભાગનો હિસ્સો ભ્રષ્ટ રાજકારણીઓના ખપ્પરમાં જાય છે. જે પ્રદેશોમાં ઓઇલનું ઉત્પાદન થાય છે ત્યાંના પર્યાવરણનો કચ્ચરઘાણ નીકળી જાય છે અને યુવાનો હતાશાના પરિણામે ત્રાસવાદ તરફ વળે છે. 

નાઇજિરિયામાં જેમ ઓઇલનું ઉત્પાદન વધી રહ્યું છે તેમ હિંસા પણ વધી રહી છે. જે ક્ષેત્રોમાં લશ્કરી દળો દ્વારા ગેરકાયદે ઓઇલ કાઢવામાં આવે છે ત્યાં સ્થાનિક યુવાનો ત્રાસવાદી બની ગયા છે અને તેમણે તેલના કૂવાઓ ઉડાવી દેવાની ધમકી પણ આપી છે. આ કારણે નાઇજિરિયાએ આ વિસ્તારમાં પોતાનાં લશ્કરી દળો ગોઠવી દીધાં છે અને યુવાનોને ગોળીએ દેવાનું શરૂ કર્યું છે. આ હિંસામાં અત્યાર સુધી ૫૦ મોત થયાં છે. અમેરિકાના તેલક્ષેત્રોની રક્ષા માટે નાઇજિરિયન સરકાર પોતાના જ યુવાનોને ગોળીએ દઇ રહી છે. તાજેતરમાં નાઇજિરિયાના વિરોધ પક્ષના મુખ્ય નેતા માર્શલ હેરીની હત્યા કરવામાં આવી. આ હત્યામાં અમેરિકન ગુપ્તચર સંસ્થા સીઆઇએનો હાથ હોવાનું મનાય છે. હેરીનો ગુનો એ હતો કે તેમણે તેલ ઉત્પાદક પ્રદેશો માટે વધુ ફાળવણીની માગણી કરી હતી. 

નાઇજિરિયામાં એવું બન્યું છે કે વિદેશી કંપનીઓ દ્વારા દેશના તેલના ભંડારોની થતી લૂંટફાટનો વિરોધ કરવા માટે ગરમ લોહી ધરાવતા યુવાનો છાપામાર બની ગયા છે. આ ઉગ્રવાદી યુવાનો ઉપર લશ્કર દ્વારા અત્યાચારો ગુજારવામાં આવે છે. તાજેતરમાં બાયેલ્સા રાજ્યમાં આવા અંતિમવાદી યુવાનો ઉપર લશ્કરે ગોળીબાર કરી બે હજાર લાશો ઢાળી દીધી હતી. નાઇજિરિયાના વર્તમાન પ્રમુખ ઓબેસાંજોના ચાર વર્ષના રાજ્યકાળમાં આ રીતે આશરે દસ હજાર સ્વદેશાભિમાની યુવાનોની હત્યા કરવામાં આવી છે. પ્રમુખે આ કોઇ જ હત્યા માટે ન્યાયી તપાસ યોજવાનો કે દેશની પ્રજાની માફી માંગવાનો ઇનકાર કરી રહ્યો છે. અમેરિકાના ઇશારે તેઓ પોતાના જ દેશના યુવાનોનું લોહી રેડી રહ્યા છે. નાઇજિરિયાનું લશ્કર પોતાની જ પ્રજા ઉપર જે અત્યાચારો ગુજારે છે અને હત્યાકાંડો કરે છે, તેમાં અમેરિકાની સરકારનો સીધો હાથ છે. ઇ. સ. ૧૯૯૯ માં બીલ ક્લિન્ટન અમેરિકાના પ્રમુખ હતા ત્યારે તેમણે નાઇજિરિયન લશ્કરને ‘વ્યાવસાયિક તાલીમ’ આપવા માટે એક અબજ અમેરિકન ડોલરની ‘મદદ’ જાહેર કરી હતી. પોતાની જ પ્રજાની કેવી રીતે હત્યા કરવી તેની તાલીમ આપવા માટે અમેરિકન મિલિટરી નિષ્ણાતો નાઇજિરિયા આવ્યા હતા. નિર્લજ્જ અમેરિકા માટે ‘મદદ’શબ્દનો આવો ગોબરો અર્થ થાય છે. તાજેતરમાં અમેરિકન વહીવટીતંત્રે ૨૦૦ અમેરિકન યુદ્ધ નિષ્ણાતોને નાઇજિરિયા મોકલ્યા છે તેને પણ શંકાની નજરે જોવામાં આવે છે. આ દેશ હવે અમેરિકાના સંસ્થાન જેવો બની ગયો છે. આ સંસ્થાનવાદનું કારણ તેલના ભંડારો છે. 

નાઇજિરિયામાં તેલના ભંડારોની શોધ ઇ. સ. ૧૯૫૬ માં થઇ હતી. જમીનમાંથી ઓઇલ કાઢવાનું કાર્ય અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઓ અને સરકાર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. અમેરિકન કંપનીઓએ જાણે તેલક્ષેત્રોની લૂંટફાટમાં સરકારને પોતાની ભાગીદાર બનાવી હતી. મલ્ટીનેશનલ કંપનીઓને પ્રવૃત્તિને કારણે નાઇજિરિયાના પર્યાવરણને અકલ્પ્ય નુકસાન થયું હતું, જેને કારણે સ્થાનિક પ્રજાને સ્વયંભૂ વિરોધ પ્રગટ થયો હતો. આ વિરોધમાંથી ઓગોની પ્રજાની રક્ષા માટે એક વિરાટ આંદોલન ઊભું થયું. આ આંદોલનનો મુખ્ય ઉદ્ેશ અમેરિકાની શેલ કંપની દ્વારા થઇ રહેલા શોષણનો વિરોધ કરવાનું હતું. ઇ. સ. ૧૯૯૫ માં શેલ કંપનીએ અમેરિકન લશ્કરની મદદ લઇને તમામ આંદોલનકારીઓની હત્યા કરી વિરોધને કચડી નાંખ્યો હતો. 

દુનિયામાં જ્યારથી પેટ્રોલિયમની શોધ થઇ છે ત્યારથી તેનો સમગ્ર ઇતિહાસ ગુનાખોરી, હિંસા, સંસ્થાનવાદ, ભ્રષ્ટાચાર, સરમુખત્યારશાહી અને અત્યાચારોથી ભરેલો રહ્યો છે. આજે અખાતી દેશોમાં યુદ્ધની જે પરિસ્થિતિ પ્રવર્તે છે તેના મૂળમાં ઓઇલ જ છે. બીજા વિશ્ર્વયુદ્ધ પછી અમેરિકાએ જે યુદ્ધો કર્યાં કે કરાવ્યાં તેના મૂળમાં તેલનું અર્થકારણ અને રાજકારણ જ છે. અલ કાઇદાનો જે ત્રાસવાદ છે તેનો જન્મ ઓઇલ આધારિત શોષણમાંથી જ થયો છે. હવે અમેરિકાએ પોતાની નજર આફ્રિકા તરફ વાળી છે. 

ભારતમાં અને વિશ્ર્વમાં સદીઓથી વાહનવહેવાર માટે પશુઉર્જાનો ઉપયોગ થતો હતો. યુરોપમાં પણ ઘોડાઓથી ચાલતી ટ્રામથી પરિવહન ચાલતું હતું. પશુઓમાંથી જે ઉર્જા મળે છે તેને કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો નથી થતો અને પ્રદૂષણને કારણે થતાં રોગોથી પણ દૂર રહી શકાય છે. પશુમાંથી મળતી ઉર્જા રિન્યુએબલ છે. તેનાથી ગરીબોને રોજી પણ મળે છે. આજે પણ ભારતમાં ૪૦ ટકા પરિવહન પશુઓ દ્વારા જ થાય છે. પેટ્રોલ અને ડિઝલ દ્વારા થતી માનવોની અને પર્યાવરણની હિંસાથી બચવું હોય તો તેનો શ્રેષ્ઠ વિકલ્પ પશુઓમાંથી મળતી ઉર્જા છે. તેલક્ષેત્રો ઉપર અમેરિકાની દાદાગીરીનો પ્રતિકાર કરવો હોય તો પેટ્રોલ અને ડીઝલના વિકલ્પો શોધી જ કાઢવા પડશે.

No comments:

Post a Comment