Showing posts with label સંજય વોરા. Show all posts
Showing posts with label સંજય વોરા. Show all posts

Thursday, January 28, 2016

અમેરિકાનું ફોર્ડ ફાઉન્ડેશન ભારતને તોડવાનું કામ કરી રહ્યું છે --- સંજય વોરા

વિશ્ર્વમાં ભંડોળની દૃષ્ટિએ સૌથી મોટી બિનસરકારી સંસ્થા ગણાતું અમેરિકાનું ફોર્ડ ફાઉન્ડેશન ભારતમાં તેની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને કારણે સરકારની આંખે ચઢી ગયું છે. તિસ્તા સેતલવાડના સબરંગ ટ્રસ્ટને ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા જે લાખો ડૉલરની મદદ મળતી હતી તેનો ઉપયોગ તેણે ભારતના મુસ્લિમોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવા માટે કર્યો હતો. ફોર્ડ ફાઉન્ડેશન અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઇએનાં મહોરાં તરીકે જાણીતું છે. ફોર્ડ ફાઉન્ડેશન અને સીઆઇએના ગઠબંધન બાબતમાં ઇન્ટરનેટ પર સેંકડો લેખો અને સંશોધન પત્રો મળી શકે તેમ છે. ભારતની ઘણી બિનસરકારી સંસ્થાઓ આપણા સમાજને તોડવાનું અને તેમાં પશ્ર્ચિમી મૂલ્યો પ્રસ્થાપિત કરવાનું રહસ્યમય કાર્ય કરે છે. આવી અનેક સંસ્થાઓને ફોર્ડ ફાઉન્ડેશન લાખો ડૉલરની ખેરાત કરે છે. કેન્દ્ર સરકારે ફોર્ડ ફાઉન્ડેશનને વોચલિસ્ટ ઉપર મૂક્યું તેને કારણે તેનું ભંડોળ મેળવીને જલસા કરતી સંસ્થાઓના કાર્યકરો બુમરાણ મચાવી રહ્યા છે અને કેન્દ્ર સરકારના માથે માછલાં ધોઇ રહ્યા છે. અમેરિકાની બિન્ઘમ્પટોન યુનિવર્સિટીમાં સોશિયોલોજીના પ્રોફેસર જેમ્સ પેટ્રાસે ફોર્ડ ફાઉન્ડેશન અને સીઆઇએ વચ્ચેની કડીનો પર્દાફાશ કરતો એક લેખ લખ્યો છે. ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ભારત જેવા વિકાસશીલ દેશોના બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકરો, મહિલા કાર્યકરો, મજૂર આગેવાનો, યુનિવર્સિટીના પ્રોફેસરો, પત્રકારો વગેરેને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને આપણા દેશમાં અમેરિકાપરસ્ત વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઇ.સ. ૧૯૭૬માં અમેરિકી કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવેલા એક રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાનાં ફાઉન્ડેશનો દ્વારા વિદેશી સંસ્થાઓને જે ૭૦૦ ગ્રાન્ટો આપવામાં આવી હતી તેમાં સીઆઇએનો ફાળો ૫૦ ટકા હતો. આ ફાળાનો ઉપયોગ તે દેશોની જાસૂસી માટે કરવામાં આવ્યો હતો. 

ભારતમાં ફોર્ડ ફાઉન્ડેશનની ઑફિસ છેક ઇ.સ. ૧૯૫૨ની સાલમાં ખોલવામાં આવી હતી. ભારતના આઝાદ થયા પછી તેલંગણામાં કિસાનોનું જમીન આંદોલન ચાલી રહ્યું હતું. તેલંગણાના કિસાનો જમીનદારો સામે યુદ્ધે ચઢ્યા હતા. તેમને નકસલવાદીઓનો ટેકો હતો. ભારત સરકારનાં સુરક્ષા દળો આ આંદોલનને શાંત કરવામાં નાકામ પુરવાર થયા હતા. અમેરિકાને ચિંતા પેઠી હતી કે ચીનની જેમ ભારતમાં પણ સામ્યવાદ ફેલાઇ જશે. તેણે સીઆઇએને કામગીરી સોંપી હતી કે તે નકસલવાદી નેતાઓનો સંપર્ક સાધીને તેમને ફોડી કાઢે. સીઆઇએ ભારતમાં આ કામગીરી સીધી બજાવી શકે તેમ નહોતું. તેને કોઇ મહોરાંની જરૂર હતી. આ મહોરાં તરીકે ફોર્ડ ફાઉન્ડેશનને ભારતમાં લાવવામાં આવ્યું હતું. ફોર્ડ ફાઉન્ડેશનને નહેરુ સરકારે સંપૂર્ણ ટેકો આપ્યો હતો. ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ગામડાંના ખેડૂતો વચ્ચે કામ કરતા ૩૫,૦૦૦ સ્વયંસેવકોને તાલીમ આપવાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. હકીકતમાં આ સ્વયંસેવકોને મૂડીવાદી વિચારના બનાવી દેવામાં આવ્યા હતા. પરિણામે ટૂંક સમયમાં તેલંગણામાં શરૂ થયેલું કિસાન આંદોલન શાંત પડી ગયું. ફોર્ડ ફાઉન્ડેશનની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે ભારતના તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના આમંત્રણથી ઇ.સ. ૧૯૫૨માં દિલ્હીમાં ફોર્ડ ફાઉન્ડેશનની ઑફિસ શરૂ કરવામાં આવી. હકીકત કાંઇક અલગ જ છે. ભારતમાં સામ્યવાદના વધી રહેલા પ્રભાવથી અમેરિકા ચિંતિત હતું. ભારતમાં સામ્યવાદવિરોધી વિચારધારાને પ્રમોટ કરે તેવી કોઇ એજન્સી અમેરિકા ખોલવા માગતું હતું. આ માટે ફોર્ડ ફાઉન્ડેશનને પસંદ કરવામાં આવ્યું હતું. તે સમયે ચેસ્ટર બોવલેસ ભારતમાં અમેરિકાના રાજદૂત હતા. તેમણે નહેરુને મળીને ભારતમાં ફોર્ડ ફાઉન્ડેશનની ઑફિસ ખોલવા તેમને સમજાવ્યા હતા,પરિણામે ફોર્ડ ફાઉન્ડેશન ભારતમાં આવ્યું હતું. 

ભારતમાં જે પંચવાર્ષિક યોજનાઓ શરૂ કરવામાં આવી તે પણ અમેરિકી પદ્ધતિના મૂડીવાદને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. ફોર્ડ ફાઉન્ડેશનના નિષ્ણાતો ભારતના આયોજન પંચમાં પણ ગોઠવાઇ ગયા હતા. તેમણે અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓને બજાર મળી રહે તે મુજબ ભારતનો વિકાસ કરવાનું આયોજન સરકારના ગળે ઉતારી દીધું હતું. ઇ.સ. ૧૯૬૦ના દાયકામાં ભારતમાં જે હરિયાળી ક્રાંતિ શરૂ કરવામાં આવી તે પણ ફોર્ડ ફાઉન્ડેશનના નિષ્ણાતોના ઇશારે શરૂ કરવામાં આવી હતી. આ ક્રાંતિને કારણે યુરોપ અને અમેરિકાની રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને સંકર બિયારણનું ઉત્પાદન કરતી કંપનીઓને અઢળક નફો થયો હતો. 

ભારતની જેટલી શૈક્ષણિક, સામાજિક, આરોગ્યના ક્ષેત્રની, મહિલાઓના કલ્યાણના ક્ષેત્રની, પ્રસાર માધ્યમો સાથે સંકળાયેલી, પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરતી, બાળકોના હક્કો માટે લડવાનો દાવો કરતી અને લઘુમતીઓનું તુષ્ટિકરણ કરતી સંસ્થાઓ દેશમાં પશ્ર્ચિમી સંસ્કૃતિનો પ્રચાર કરવાનું કાર્ય કરે છે, તેને ફોર્ડ ફાઉન્ડેશનનું ભંડોળ સહેલાઇથી મળી રહે છે. ભારતની લગભગ ૧,૨૫૦ સંસ્થાઓને ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ૫૦.૮ કરોડ ડૉલરની મદદ કરવામાં આવી છે. ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ભારતની જે સંસ્થાઓને ભંડોળ પૂરું પાડવામાં આવે છે તેની યાદી તપાસવામાં આવે તો ખ્યાલ આવશે કે આ સંસ્થાઓ કઇ પ્રવૃત્તિ કરે છે અને તેમને ક્યાં કારણે ગ્રાન્ટ આપવામાં આવી છે. 

ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ભારતની જે સંસ્થાઓને ભંડોળ મળે છે તેમાં મુંબઇની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીઝનો સમાવેશ થાય છે. આ સંસ્થાનું કાર્ય ભારતમાં બની રહેલા સિંચાઇ પ્રોજેક્ટોનું પર્યાવરણીય આકલન કરવાનું અને તેમાં રોડાંઓ નાખવાનું છે. નર્મદા બચાવો આંદોલન કરનારાં મેધા પાટકર પણ આ સંસ્થામાં પર્યાવરણની તાલીમ લઇને બહાર પડ્યાં હતાં. જામિયા મિલિયા ઇસ્લામિયા નામની લઘુમતીઓની યુનિવર્સિટીને પણ ફોર્ડ ફાઉન્ડેશનનું ભંડોળ મળે છે. આ યુનિવર્સિટીમાં ભણતા મુસ્લિમોને ભારત સરકાર સામે ઉશ્કેરવામાં આવે છે. 

મુંબઇની આઇઆઇટી કોલેજને ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા મદદ કરવામાં આવે છે. આઇઆઇટીમાં તૈયાર થયેલા એન્જિનિયરો પશ્ર્ચિમી પદ્ધતિના યંત્રવાદનો અને ઉદ્યોગોનો ભારતમાં ફેલાવો કરવામાં મદદ કરે છે. અરવિંદ કેજરીવાલની સંસ્થા કબીરને ફોર્ડ ફાઉન્ડેશનની ચાર લાખ ડૉલરની સહાય મળી હતી. કબીર સંસ્થા દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકોમાં આધુનિક શિક્ષણનો પ્રચાર કરવાનું કામ કરે છે. સેન્ટર ઓફ પોલિસી રિસર્ચ નામની સંસ્થાને ઇ.સ. ૨૦૧૩-૧૪ દરમિયાન ફોર્ડ ફાઉન્ડેશન તરફથી ૬૨.૩ લાખ રૂપિયાની મદદ મળી હતી. આ સંસ્થા મૂડીવાદનો ફેલાવો કરવાનું કામ કરે છે. તાજેતરમાં દિલ્હીના ગેન્ગરેપ બાબતમાં બીબીસી દ્વારા જે વિવાદાસ્પદ દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી તેને પણ ફોર્ડ ફાઉન્ડેશને સહાય કરી હતી. અમેરિકા દ્વારા ભારતની સંસ્કૃતિને તોડવા બુદ્ધિજીવીઓને વટલાવવાનું મિશન ફોર્ડ ફાઉન્ડેશન દાયકાઓથી ચલાવી રહ્યું છે. ફોર્ડ ફાઉન્ડેશનની મદદ લઇને તૈયાર થયેલા નિષ્ણાતો ઘણી સરકારી એજન્સીઓમાં પણ ઘૂસી ગયા છે. તેમની પણ સાફસૂફી સરકારે કરવી જોઇએ.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=176958

Sunday, October 11, 2015

ભારતના વિજ્ઞાનીઓ ઈશ્ર્વરમાં અને ધર્મમાં શ્રદ્ધા ધરાવતા થયા છે --- સ્પોટ લાઈટ - સંજય વોરા

                        

આધુનિક વિજ્ઞાન આપણને એમ કહે છે કે, જેટલું આપણે આંખથી જોઇ શકીએ અને કાનથી સાંભળી શકીએ, એટલી જ વાત સાચી માનવી જોઇએ. ધર્મમાં સ્વર્ગ-નર્ક, પુણ્ય-પાપ, આત્મા-પરમાત્મા, કર્મવાદ, પરલોક, મોક્ષ વગેરે એવી કેટલીક માન્યતાઓ છે, જેનો મેળ આધુનિક વિજ્ઞાન સાથે બેસતો નથી. આધુનિક વિજ્ઞાન દેહથી અલગ એવા આત્માનું અસ્તિત્વ માનતું નથી. વિજ્ઞાનીઓ પૂર્વજન્મ અને પુનર્જન્મની વાતમાં પણ વિશ્ર્વાસ કરતા નથી. તેમ છતાં ભારતના કેટલાક ટોચના વિજ્ઞાનીઓ પોતાના દેશની પરંપરાનો આદર કરીને ઇશ્ર્વરમાં શ્રદ્ધા ધરાવે છે અને તેમાં તેઓ વિજ્ઞાન સાથે કોઇ વિરોધાભાસ જોતા નથી. શ્રી હરિકોટ્ટા ખાતેથી રોકેટનું લોન્ચિંગ કરતા પહેલા તેઓ ફ્લાઇટમાં તિરુપતિ બાલાજીની યાત્રા કરીને ઇશ્ર્વરના આશીર્વાદ માંગી આવે છે.

અમેરિકાની ટ્રિનિટી કોલેજના વિજ્ઞાનીઓએ તાજેતરમાં ભારતના વિજ્ઞાનીઓની ધાર્મિક માન્યતાઓ બાબતમાં એક વિસ્તૃત સર્વે કર્યો હતો. તેમાં ભારતની ૧૩૦ વિવિધ વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓમાં કામ કરતાં ૧,૧૦૦ વિજ્ઞાનીઓને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેનાં પરિણામો તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંના ૪૯ ટકા વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે તેઓ એવું માને છે કે ઇશ્ર્વરને પ્રાર્થના કરવાથી ફાયદો થાય છે. આ સર્વે પૈકીના ૨૬ ટકા વિજ્ઞાનીઓ ઇશ્ર્વરના અસ્તિત્વમાં માને છે. ૯૦ ટકા વિજ્ઞાનીઓ માને છે કે ભારતની યુનિવર્સિટીઓમાં આયુર્વેદનું શિક્ષણ આપવું જોઇએ. પશ્ર્ચિમના લગભગ બધા જ વિજ્ઞાનીઓ રાજકીય રીતે સામ્યવાદી વિચારધારાની નજીક જોવા મળે છે અને તેઓ લગભગ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી. ભારતમાં તેનાથી ઊંધી જ પરિસ્થિતિ જોવા મળે છે. ભારતના વિજ્ઞાનીઓ ભલે કોલેજમાં ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની થિયરી ભણાવતા હોય છે, પણ અંગત રીતે તો તેઓ ઇશ્ર્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે, એમ માને છે. આ સર્વેમાં એક રસપ્રદ બાબત જાણવા મળી હતી કે કોઇ ધાર્મિક માન્યતા જો વૈજ્ઞાનિક વિચારની વિરોધી હોય તો તે ધાર્મિક માન્યતાનો વિરોધ કરવા માત્ર ૪૪ ટકા વિજ્ઞાનીઓ જ તૈયાર હતા; બાકીના પૈકી ૨૩ ટકાએ જણાવ્યું હતું કે તેઓ આ પ્રકારની ધાર્મિક માન્યતાનું ખંડન કરવા પણ તૈયાર નથી. બાકીના ૩૩ ટકા વિજ્ઞાનીઓ કહે છે કે, એવા કોઇ ખાસ પ્રસંગ વિના અમે ધર્મનું ખંડન કરવા ઇચ્છતા નથી. 

નેશનલ નૉલેજ કમિશનનાં ભૂતપૂર્વ વાઇસ ચેરમેન પુષ્પા ભાર્ગવ કહે છે કે,"ભારતના ઘણા વિજ્ઞાનીઓ બેવડું વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ જાહેરમાં ધર્મમાં અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે, પણ ઘરમાંથી બહાર નીકળતા પહેલા ગણેશનાં દર્શન કરવાનું ચૂકતા નથી. તેનું કારણ એ છે કે ભારતની પરંપરામાં અને લોકોના જીવનમાં ધર્મ વણાયેલો છે. અહીં પ્રજાનો મોટો ભાગ દૈવી શક્તિમાં વિશ્ર્વાસ ધરાવે છે. આ કારણે વિજ્ઞાનના અનેક સેમિનારોનો પ્રારંભ પણ ધાર્મિક પ્રાર્થનાથી કરવામાં આવે છે. ઘણા વિજ્ઞાનીઓ માને છે કે પ્રાર્થના કરવાથી કાર્યમાં સફળતા મળે છે. આ પ્રકારની માન્યતા દેશના અડધા ભાગના વિજ્ઞાનીઓ ધરાવે છે.

ભારતના ટોચના અણુવિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઇનો જન્મ ચુસ્ત જૈન પરિવારમાં થયો હતો, પણ તેમની કેળવણી વિદેશી પદ્ધતિએ જ થઇ હતી. તેને કારણે તેમને ધાર્મિક સિદ્ધાંતોમાં બિલકુલ શ્રદ્ધા નહોતી. તેવી જ રીતે ભારતના સતીશ ધવન અને કસ્તુરીરંગન જેવા વિજ્ઞાનીઓ સંપૂર્ણપણે નાસ્તિક હતા. પરંતુ ભારતના વિજ્ઞાનીઓની વર્તમાન પેઢી ધર્મની આસ્થાળુ જણાય છે. ભારતના ટોચના રોકેટ વિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ પણ ઇશ્ર્વરમાં શ્રદ્ધા ધરાવે છે. અમેરિકાની યુનિવર્સિટીએ જે સર્વે કર્યો તેમાં ૪૯ ટકા વિજ્ઞાનીઓએ પ્રાર્થનાની શક્તિનો સ્વીકાર કર્યો તેને કારણે કેટલાક વિજ્ઞાનીઓને પણ અચંબો થયો છે. અમેરિકાના વિજ્ઞાનીઓ માટે આ બાબતનો સર્વે કરવામાં આવ્યો ત્યારે માત્ર ૧૦ ટકા વિજ્ઞાનીઓએ જ તેઓ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હોવાનું જણાવ્યું હતું. અમેરિકામાં તો ચર્ચ અને વિજ્ઞાન વચ્ચે તીવ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. ખ્રિસ્તી પાદરીઓ ઇશ્ર્વર કતૃત્વની થિયરીમાં માને છે જ્યારે વિજ્ઞાનીઓ ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો ઝંડો ઉપાડીને ફરે છે. ભારતમાં આ પ્રકારનો કોઇ સંઘર્ષ જોવા મળતો નથી. 

ભારતના ૫૯ ટકા વિજ્ઞાનીઓ કહે છે કે તેઓ બિનસાંપ્રદાયિક છે. તેમના માટે બિનસાંપ્રદાયિકતાનો અર્થ તમામ ધર્મ માટેની સહિષ્ણુતા એવો થાય છે. અમેરિકામાં સ્ટેમ સેલ રિસર્ચ અને જિનેટીક એન્જિનિયરીંગનો ભારે વિરોધ ધાર્મિક કારણોથી ચાલી રહ્યો છે, કારણ કે રોમન કેથોલિક ચર્ચ આ પ્રવૃત્તિઓના વિરોધમાં છે. ચર્ચના પાદરીઓ માને છે કે સ્ટેમ સેલ પણ એક પ્રકારનો ગર્ભ છે, જેની હત્યા કરવી જોઇએ નહીં. ભારતમાં આ પ્રકારનો કોઇ વિવાદ નથી. ભારતના માત્ર આઠ ટકા વિજ્ઞાનીઓ માને છે કે નૈતિક કારણોસર સ્ટેમ સેલવિષયક સંશોધનનો વિરોધ કરવો જોઇએ. ભારતના ૧૪ ટકા વિજ્ઞાનીઓ જ્યોતિષમાં અને બીજા ૧૪ ટકા વાસ્તુશાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવે છે. ૧૬ ટકા ચમત્કારિક સારવારમાં અને ૧૩ ટકા પ્રાણિક હીલિંગમાં શ્રદ્ધા ધરાવે છે. અમેરિકાના કનેક્ટિકટની ટ્રિનિટી કોલેજમાં ‘ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડીઝ ઓફ સેક્યુલારિઝમ ઇન સોસાયટી એન્ડ કલ્ચર’ નામની સંસ્થા ચાલે છે. તેમણે ત્રીજા વિશ્ર્વના વિજ્ઞાનીઓની ધાર્મિક તેમ જ સામાજીક માન્યતાનો અભ્યાસ કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રારંભમાં ભારતના વિજ્ઞાનીઓનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. હવે તેઓ ચીન, જપાન, રશિયા અને તુર્કસ્તાનના વિજ્ઞાનીઓનો અભ્યાસ પણ હાથ ધરવા માંગે છે. આ અભ્યાસનો હેતુ સમકાલીન વિજ્ઞાનીઓ ધાર્મિક અને નૈતિક બાબતો વિશે ક્યા પ્રકારની વિચારધારા ધરાવે છે તે જાણવાનો અને વિજ્ઞાનીઓના માનસને સમજવાનો છે.

ભારતની ૧૩૦ વિજ્ઞાન સંશોધન સંસ્થાઓમાં અત્યારે આશરે ૪૦ લાખ વિજ્ઞાનીઓ વિવિધ વિભાગોમાં પોતાની કામગીરી બજાવી રહ્યા છે. આ વિજ્ઞાનીઓના પ્રતિનિધિ તરીકે ૧,૧૦૦ વિજ્ઞાનીઓની પસંદગી કરવામાં આવી હતી.આ અભ્યાસમાં ભારતની ‘સેન્ટર ફોર ઇન્ક્વાયરી’ નામની સંસ્થાએ પણ સહકાર આપ્યો હતો. ડો. પુષ્પા ભાર્ગવ આ સંસ્થાના મુખ્ય સલાહકાર છે. ઇ.સ. ૨૦૦૫માં ભારતના રોકેટનું લોન્ચિંગ કરનારા વિજ્ઞાનીઓની ટુકડી તિરુપતિ બાલાજીના આશીર્વાદ લેવા ગઇ હતી. આ બાબતમાં સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ૫૪ ટકા વિજ્ઞાનીઓએ તેને અનુમોદન આપ્યું હતું અને ૪૬ ટકાએ તેનો વિરોધ કર્યો હતો. આ રીતે ભારતના બહુમતી વિજ્ઞાનીઓને લાગે છે કે રોકેટના સફળ લોન્ચિંગ માટે ભગવાનનાં આશીર્વાદ લેવામાં કાંઇ ખોટું નથી.

ભારતના જે ૧,૧૦૦ વિજ્ઞાનીઓનો સર્વે કરવામાં આવ્યો તેમાના ૯૦ ટકાએ પોતાનો ધર્મ જણાવ્યો હતો, પણ માત્ર ૧૦ ટકા વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે તેઓ નાસ્તિક છે, માટે તેમનો કોઇ ધર્મ નથી. જે વિજ્ઞાનીઓનો સર્વે કરવામાં આવ્યો તેમાંના ૬૬ ટકા હિન્દુ છે, ત્રણ ટકા ખ્રિસ્તી છે, ત્રણ ટકા મુસ્લિમ છે, ચાર ટકા બૌદ્ધ, શીખ કે જૈન છે અને ૧૪ ટકાએ પોતાનો ધર્મ જણાવ્યો નથી. જે વિજ્ઞાનીઓનો સર્વે કરવામાં આવ્યો તેમાંના ૫૭ ટકાએ જણાવ્યું કે તેઓ માંસાહારી છે અને ૪૩ ટકાએ જણાવ્યું હતું કે તેઓ શુદ્ધ શાકાહારી છે. શાકાહારીઓ પૈકી ૨૩ ટકાએ કહ્યું હતું કે તેઓ આરોગ્ય અને ધર્મના કારણે શાકાહાર કરે છે. આઠ ટકાએ કહ્યું હતું કે તેઓ આરોગ્યના હેતુથી શાકાહાર કરે છે, જ્યારે ત્રણ ટકાએ માત્ર ધર્મના હેતુથી શાકાહાર કરતા હોવાનું જણાવ્યું હતું. તેના ઉપરથી એટલું નક્કી થાય છે કે શાકાહારથી આરોગ્યને ફાયદો થાય છે, એ બાબતમાં ભારતના મોટા ભાગના વિજ્ઞાનીઓ સંમત છે.

આપણે એમ માનીએ છીએ કે વિજ્ઞાનીઓ ભગવાનના અને સાધુસંતોના ચમત્કારમાં શ્રદ્ધા ધરાવતા નથી. આ માન્યતા પણ ટ્રિનિટી કોલેજના સર્વેને કારણે ખોટી સાબિત થઇ છે. જે વિજ્ઞાનીઓનો સર્વે કરવામાં આવ્યો તે પૈકીના ૩૮ ટકાએ જણાવ્યું હતું કે તેમને ઇશ્ર્વરના ચમત્કારમાં વિશ્ર્વાસ છે. બીજા ૨૪ ટકાએ કહ્યું હતું કે તેમને સાધુસંતોના ચમત્કારમાં પણ વિશ્ર્વાસ છે. ૨૯ ટકા વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે તેમને પુણ્ય-પાપમાં અને કર્મવાદમાં શ્રદ્ધા છે તો ૪૬ ટકાએ કહ્યું હતું કે તેઓ પુનર્જન્મમાં માને છે. સાત ટકા વિજ્ઞાનીઓ તો ભૂતપ્રેતમાં પણ વિશ્ર્વાસ ધરાવે છે. સાત ટકા ઉડતી રકાબીઓની વાતને સાચી માને છે.

ભારતના બધા જ વિજ્ઞાનીઓ નાસ્તિક છે અને તેઓ ધર્મના સિદ્ધાંતોમાં બિલકુલ શ્રદ્ધા ધરાવતા નથી, એ માન્યતા આ સર્વેને કારણે ખોટી સાબિત થઇ ગઇ છે. ભારતમાં તો ધર્મની અને વિજ્ઞાનની સ્પર્ધામાં ધર્મનો વિજય થયો છે. તેનું કારણ વિજ્ઞાનીઓની અંધશ્રદ્ધા નથી, પણ ધર્મના સિદ્ધાંતોની વૈજ્ઞાનિકતા છે. આ વિજ્ઞાનીઓ પ્રામાણિકતાથી માને છે કે ધર્મના તમામ સિદ્ધાંતોમાં વિજ્ઞાન છે, જેનો તાગ આજના વિજ્ઞાનીઓ કદાચ મેળવી શક્યા નથી, પણ તેનો ઇનકાર પણ કરી શકાય તેમ નથી. ભારતના આ શ્રદ્ધાવાન વિજ્ઞાનીઓ જો સાચી દિશામાં પુરૂષાર્થ કરે તો ધર્મના તમામ સિદ્ધાંતોની વૈજ્ઞાનિક સાબિતી શોધીને વિજ્ઞાન અને ધર્મનો સમન્વય કરી શકે તેમ છે. આ વિજ્ઞાનીઓને માર્ગદર્શન આપવા કોઇ ધર્મગુરુએ આગેવાની લેવાની જરૂર છે, એમ નથી લાગતું?

Saturday, August 29, 2015

૧૨૩ વર્ષ જૂની કોડક કંપની કેમ દેવાળું કાઢી રહી છે? --- સ્પોટ લાઈટ - સંજય વોરા

અમેરિકાનું અર્થતંત્ર એવી મુસીબતમાં છે કે એક પછી એક પ્રસિદ્ધ કંપનીઓ દેવાળું ફૂંકવા મજબૂર બની રહી છે. તેમાં હવે ૧૨૩ વર્ષ જૂની કોડક કંપનીનું નામ પણ ઉમેરાયું છે. કોડક કંપની કેમેરાનો અને ફોટોગ્રાફીનો પર્યાય ગણાય છે. હાથમાં પકડવાના કેમેરાની શોધનો યશ કોડાકને ફાળે જાય છે. હોલીવૂડની ફિલ્મોની કોડક વિના કલ્પના પણ કરી શકાય નહીં. હોલીવૂડની મોટા ભાગની ફિલ્મોની પ્રિન્ટ કોડકની ફિલ્મ ઉપર જ તૈયાર થતી હતી. ઇ.સ.૧૯૯૦ના દાયકામાં ડિજિટલ ફોટોગ્રાફી અને ડિજિટલ પ્રિન્ટનો જમાનો શરૂ થયો તેની સાથે કોડકના ધંધામાં ઓટ આવવા લાગી. સમય સાથે તાલ ન મિલાવી શકવાને કારણે કોડક કંપનીએ અમેરિકાના કાયદા મુજબ ચેપ્ટર ૧૧ હેઠળ નાદારી નોંધાવી છે. આજથી માત્ર નવ વર્ષ અગાઉ કોડકમાં ૬૩,૯૦૦ કર્મચારીઓ નોકરી કરતા હતા. આજની તારીખમાં તેમની સંખ્યા સંકોચાઇને ૧૭,૦૦૦ની રહી ગઇ છે.

કોડક કંપનીની સ્થાપના જ્યોર્જ ઇસ્ટમેને ઇ.સ.૧૮૮૯ની સાલમાં કરી હતી. જ્યોર્જ ઇસ્ટમેનની સાથે ડેવિડ હુસ્ટન નામનો ફોટોગ્રાફર હતો, જેની પાસે કેમેરા બાબતના ઘણા આઇડિયા હતા. ડેવિડ હુસ્ટન નોર્થ ડાકોટા સ્ટેટનો રહેવાસી હતો એટલે તેણે પોતાની કંપનીનું નામ નોડક રાખ્યું હતું. હુસ્ટન પાસે કેમેરાની ઘણી પેટન્ટો હતી. આ પેટન્ટો તેણે ઇસ્ટમેનને વેચી દીધી. ઇસ્ટમેને આ પેટન્ટો સાથે નોડક નામ પરથી પ્રેરણા લઇને કોડક કંપનીની સ્થાપના કરી. કોડક નામકરણમાં ઇસ્ટમેનની માતાનો પણ મહત્ત્વનો ફાળો હતો. કોડક કંપનીએ અમેરિકામાં સસ્તા કેમેરા વેચવાની શરૂઆત કરી. તેઓ કેમેરાની સાથે ફોટો ફિલ્મો અને પ્રોસેસિંગ માટેનાં કેમિકલ્સ પણ વેચતા હતા. આ રીતે તેમનો ધંધો ઝડપથી વધવા લાગ્યો. એક સમયે અમેરિકામાં ફોટોગ્રાફી અને કોડક શબ્દો એકબીજાના પર્યાય ગણાતા હતા. ઇ.સ.૧૯૭૬ની સાલમાં અમેરિકામાં જેટલા કેમેરા વેચાતા હતા તેમાંના ૮૫ ટકા કોડક કંપનીના વેચાતા હતા અને ૯૦ ટકા ફોટો ફિલ્મ પણ કોડક કંપનીની વેચાતી હતી.

ઇ.સ.૧૯૮૦ના દાયકામાં જપાનની ફુજીફિલ્મ કંપનીએ અમેરિકાના બજારમાં પ્રવેશ કર્યો તેના સાથે કોડકના પતનનો પ્રારંભ થયો હતો. ફુજીફિલ્મ કંપની કોડક જેવી જ પ્રોડક્ટ સસ્તી કિંમતે વેચી રહી હતી. કોડકના મેનેજરો એવા ભ્રમમાં હતા કે અમેરિકાના ગ્રાહકો તેમના માટે પવિત્ર ગણાતી કોડક બ્રાન્ડનો કદી ત્યાગ નહીં કરે. આ આશાવાદ ઠગારો પુરવાર થયો. ફુજી કંપનીએ અમેરિકામાં જ ફિલ્મનું ઉત્પાદન કરવાનો પ્લાન્ટ નાંખ્યો. ફુજીના આક્રમક વેચાણ અને ઓછા ભાવને કારણે તેનો બજારમાં હિસ્સો સતત વધતો ગયો. ૧૯૯૦ના દાયકાના પ્રારંભમાં અમેરિકાની બજારમાં ફુજીફિલ્મનો હિસ્સો ૧૦ ટકા હતો તે ઇ.સ.૧૯૯૭માં વધીને ૧૭ ટકા ઉપર પહોંચી ગયો. આ ગાળામાં કોડકનો હિસ્સો ૮૦ ટકા પરથી ઘટીને ૭૪ ટકા ઉપર આવી ગયો હતો. કોડકે જપાનની માર્કેટમાં પ્રવેશવાની કોશિશ કરી પણ તેને ધારી સફળતા ન મળી.

ઇ.સ.૧૯૯૦ના દાયકામાં કોડકના સંચાલકોને ખ્યાલ આવી ગયો હતો કે હવે ફોટો ફિલ્મનો જમાનો પૂરો થયો છે અને ડિજિટલ પ્રિન્ટનો જમાનો આવી રહ્યો છે. આ કારણે કોડકના તત્કાલીન સીઇઓ જ્યોર્જ ફીશરે ડિજિટલ ટેકનોલોજી તરફ પ્રયાણ કરવા માટે એક દાયકાની યોજના તૈયાર કરી હતી, પણ આ યોજનાનો તેઓ અસરકારક રીતે અમલ કરી શક્યા નહોતા. ઇ.સ.૧૯૯૪માં એપલ કંપનીએ ‘ક્વિકટેક’ નામના ડિજિટલ કેમેરા બજારમાં મૂક્યા તેનું ઉત્પાદન હકીકતમાં કોડકે કર્યું હતું. તેઓ પોતાની જ પ્રોડક્ટનો લાભ લેવામાં નિષ્ફળ ગયા હતા.

ઇ.સ.૨૦૦૦ની સાલ સુધીમાં બજારમાં જાતજાતના ડિજિટલ કેમેરા મળવા લાગ્યા હતા. જપાનની સોની કંપનીએ તેની આગેવાની લીધી હતી. કોડકનો ફોટોગ્રાફિક ફિલ્મનો ધંધો ખતમ થઇ રહ્યો હતો પણ તેનો કેવી રીતે મુકાબલો કરવો એ કંપનીના સંચાલકોને સમજાતું નહોતું. ઇ.સ.૨૦૦૧માં ટ્વિન ટાવર ઉપર હુમલો થયો તેને પગલે અમેરિકામાં આર્થિક મંદીનો માહોલ ઊભો થયો અને કેમેરાનું વેચાણ ઘટવા લાગ્યું. ડિજિટલ કેમેરાના પડકારને પહોંચી વળવા કોડકે મોડે મોડે ‘ઇઝીશેર’ની બ્રાન્ડ હેઠળ ડિજિટલ કેમેરા બનાવવાનું શરૂ કર્યું.આ કેમેરાથી પાડવામાં આવેલી તસવીરો સહેલાઇથી કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી શકાતી હતી. અમેરિકામાં ડિજિટલ કેમેરાની બજારમાં કોડકે પ્રથમ સ્થાન હાંસલ કર્યું. ઇ.સ.૨૦૦૫ની સાલમાં કોડકે અમેરિકામાં ૫.૭ અબજ ડોલરના ડિજિટલ કેમેરાઓ વેચ્યા હતા.

ડિજિટલ કેમેરાના ધંધામાં પણ જપાનની સોની વગેરે કંપનીઓ કોડક કરતાં આગળ નીકળી ગઇ. આ કંપનીઓ સસ્તા ડિજિટલ કેમેરાઓ વેચતી હતી અને તેમાં નિતનવા ફીચર્સ ઉમેર્યા કરતી હતી. કોડક કંપની આ ક્ષેત્રમાં નંબર વન હતી પણ તે પ્રત્યેક કેમેરા ઉપર ૬૦ ડોલરની ખોટ ખાતી હતી. કોડક કંપનીને ફોટો ફિલ્મના ધંધામાં વધુ નફો થતો હતો, પણ તેનું વેચાણ સતત ઘટ્યા કરતું હતું. ઇ.સ.૨૦૧૦ના દાયકામાં મોબાઇલમાં કેમેરા આવવા લાગ્યા, જેને કારણે ડિજિટલ કેમેરાની ડિમાન્ડ ઓછી થવા લાગી. ઇ.સ.૨૦૦૭માં કોડક કંપનીનો ડિજિટલ કેમેરાના વેચાણમાં હિસ્સો ૯.૬ ટકા હતો અને તેનું ચોથું સ્થાન હતું. ઇ.સ.૨૦૧૦ની સાલમાં તે સાતમાં સ્થાને ધકેલાઇ ગઇ અને તેનો માર્કેટ શેર ઘટીને સાત ટકા થઇ ગયો હતો. આજની તારીખમાં કેનોન, સોની અને નિકોન જેવી કંપનીઓ આ ક્ષેત્રમાં કોડક કરતાં આગળ નીકળી ગઇ છે.

ઇ.સ.૨૦૦૭ની સાલથી કોડક કંપનીના સંચાલકો તેને ઉગારવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધી કોડક કંપની તમામ ચીજવસ્તુઓનું ઉત્પાદન પોતાની ફેક્ટરીઓમાં જ કરતી હતી. સીઇઓ એન્ટેનિયો પેરેઝે એક પછી એક ફેક્ટરીઓ બંધ કરવા માંડી અને બહારની કંપનીઓ પાસે ઉત્પાદન કરાવવા માંડ્યું. આ પ્રક્રિયામાં તેણે ૨૭,૦૦૦ કામદારોને છૂટા કરી દીધા. તેણે પોતાના બધા પ્રયાસો નવી ટેકનોલોજી શોધવામાં કેન્દ્રિત કર્યા. ફોટો ફિલ્મના વેચાણમાં આવેલી ઓટને સરભર કરવા તેમણે પ્રિન્ટરની ઇન્કના બજારમાં ઝંપલાવી દીધું. એચપી કંપનીના પ્રિન્ટરની મોંઘીદાટ ઇન્ક સામે ટક્કર આપવા તેમણે સસ્તી ઇન્ક ધરાવતાં પ્રિન્ટરો બજારમાં મૂક્યા. આ માટે નવી ટેકનોલોજી પાછળ તેણે ધૂમ ખર્ચાઓ કર્યા. હવે એવી પરિસ્થિતિ આવી રહી છે કે લોકો પ્રિન્ટરનો ઉપયોગ કરવાને બદલે કોમ્પ્યુટરમાં અને મોબાઇલમાં જ માહિતી સાચવી રાખે છે, જેને કારણે પ્રિન્ટરોનું વેચાણ પણ ઘટી રહ્યું છે. આ બાબતમાં પણ નસીબ કોડક કરતાં બે ડગલાં આગળ ચાલી રહ્યું છે.

કોડક કંપનીમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ખર્ચાઓ સતત વધતા રહ્યા છે અને આવકનાં સાધનો ઘટતાં રહ્યાં છે. કોડક દ્વારા જે નવી ટેકનોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કરવામાં આવે છે તે ગણતરીનાં વર્ષોમાં જૂની થઇને નકામી બની જાય છે. આ કારણે કોડક કંપનીના કેશ રિઝર્વમાં સતત ગાબડાં પડી રહ્યાં છે. ઇ.સ.૨૦૧૧ના જાન્યુઆરી મહિનામાં તેની પાસે ૧.૬ અબજ ડોલરની રોકડ હતી તે જૂનમાં ઘટીને ૯૫.૭ કરોડ ડોલર ઉપર આવી ગઇ હતી. સપ્ટેમ્બર મહિનાના અંતે કોડક કંપનીની અસ્ક્યામતો ૫.૧ અબજ ડોલરની હતી અને તેની જવાબદારીઓ વધીને ૬.૭૫ અબજ ડોલર પર પહોંચી ગઇ હતી. ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં કોડકના શેરના ભાવો સતત ગબડી રહ્યા હતા. આ સંયોગોમાં કોડક પાસે નાદારી નોંધાવવા સિવાય કોઇ વિકલ્પ જ બાકી નહોતો રહ્યો. કોડક કંપનીએ નાદારીની પ્રક્રિયા દરમિયાન પોતાના વ્યવહારો ચલાવવા સિટી જૂથ પાસેથી ૧૮ મહિના માટે ૯૫ કરોડ ડોલરની લોન પોતાની મિલકતો ગિરવે મૂકીને મેળવી છે.

આજથી ૧૫ વર્ષ અગાઉ કોડક કંપનીના શેરોની બજારકિંમત ૩૧ અબજ ડોલર હતી, જે આજે ઘટીને ૧૫ કરોડ ડોલર રહી ગઇ છે. કોડક કંપની પાસે અત્યારે જે મૂડી છે તેમાં મુખ્ય ફાળો તેની પાસે રહેલી ૧,૧૦૦ જેટલી ડિજિટલ ફોટોગ્રાફીની પેટન્ટોનો છે. આ પેટન્ટોનો ઉપયોગ લગભગ દરેક ડિજિટલ કેમેરા, સ્માર્ટફોન અને ટેબ્લેટ પીસીમાં થઇ રહ્યો છે. જો કોડક કંપની આ પેટન્ટો વેચીને મૂડી ઊભી કરવાની કોશિશ કરશે તો તેના ધંધામાં હજી વધુ ઘટાડો થશે. કોડક કંપનીએ નાદારી નોંધાવી તેને કારણે તેના ૧૭,૦૦૦ વર્તમાન કર્મચારીઓના અને હજારો ભૂતપૂર્વ કર્મચારીઓના જીવ પડીકે બંધાઇ ગયા છે. આ કર્મચારીઓને હવે પગાર મળશે કે નહીં તેનો કોઇ ભરોસો રહ્યો નથી. વળી અગાઉ જે કર્મચારીઓએ પેન્શન અને નિવૃત્તિ પછીના લાભોના લોભમાં નોકરી છોડી તેમણે પણ હવે રાતા પાણીએ રોવાનો વારો આવશે.

બહુ આશ્ર્ચર્યની વાત એ છે કે કોડકના એક એન્જિનિયરે છેક ૧૯૭૦ના દાયકામાં ૦.૦૧ મેગાપ્રિક્સલનું રિસોલ્યુશન ધરાવતો ડિજિટલ કેમેરા બનાવ્યો હતો, પણ કોડક કંપનીને ડર હતો કે આ કેમેરા તેમના ફિલ્મના ધંધાને ખાઇ જશે. આ કારણે કોડક કંપનીએ છેક ઇ.સ.૨૦૦૧ની સાલમાં ડિજિટલ કેમેરા બનાવવાનો પ્રારંભ કર્યો હતો. આ સમયે કેનોન કંપનીના ડિજિટલ કેમેરા બજારમાં મળતા થઇ ગયા હતા. આ રીતે પોતાની પાસે નવી ટેકનોલોજી હોવા છતાં તેનો યોગ્ય રીતે તેમ જ યોગ્ય સમયે ઉપયોગ ન કરવાને કારણે કોડક કંપની દેવાળું ફૂંકવાને આરે આવી ઊભી છે. આજનું વિશ્ર્વ એટલું ઝડપથી બદલાઇ રહ્યું છે કે જેઓ આ દોટમાં પાછળ રહી જાય તેમનો વિનાશ નક્કી છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=172645

Wednesday, May 27, 2015

ફાઇવ સ્ટાર હૉસ્પિટલો શ્રીમંત દર્દીઓને લૂંટે છે --- સંજય વોરા

સ્પોટ લાઈટ - સંજય વોરા


ભારતનાં મોટાં શહેરોમાં છેલ્લા એક દાયકાથી જે ફાઇવ સ્ટાર હૉસ્પિટલોનો ટ્રેન્ડ શરૂ થયો છે તેનો એકમાત્ર હેતુ નફો રળવાનો હોય છે. આ ધંધામાં વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓ પણ પડી છે. શ્રીમંત દર્દીઓ આવી ફાઇવ સ્ટાર હૉસ્પિટલોમાં સારવાર લેવાને સ્ટેટસ સિમ્બોલ ગણે છે. શ્રીમંત દર્દીઓની આ મનોવૃત્તિનો લાભ લઇને આ હૉસ્પિટલો તેમને લૂંટે છે. આ હૉસ્પિટલોમાં બાહ્ય ઝાકઝમાળ ભારે હોય છે, પણ સલામતીની બાબતમાં તેમનો રેકોર્ડ કંગાળ હોય છે. વ્યાવસાયિક નીતિમતા બાબતમાં પણ તેઓ પછાત હોય છે. આ હૉસ્પિટલોમાં સેવા આપતા તબીબો હૃદય અને કિડનીના ઓપરેશનો માટે શ્રીમંત દર્દીઓ માટે બેનંબરમાં તગડી રકમો વસૂલ કરીને કરોડપતિ બને છે. કોલકાતાની જે અખછઈં હૉસ્પિટલની આગમાં ૮૯ દર્દીનાં મોત થયાં તે હૉસ્પિટલે ઇ.સ.૨૦૧૦ દરમિયાન કુલ ૧૮૬ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો, જેમાંથી તેને ૧૧ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.

મુંબઇની ફાઇવ સ્ટાર હૉસ્પિટલો દવા કંપનીઓ પાસેથી ઇમ્પોર્ટેડ દવાઓ અને હાર્ટમાં મૂકવા માટેના સ્ટેન્ટ હોલસેલના ભાવે ખરીદે છે, પણ દર્દીઓ પાસેથી તેઓ છૂટક વેચાણ કિંમત જ વસૂલ કરે છે. મોતિયાના ઓપરેશન પછી દર્દીની આંખમાં ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ બેસાડવામાં આવે છે. આ લેન્સની ખરીદ કિંમત ૫૦૦ રૂપિયાથી લઇને ૪,૦૦૦ રૂપિયા સુધીની હોય છે, પણ હૉસ્પિટલો તેમના દર્દીઓ પાસેથી છથી આઠ હજાર રૂપિયા લેન્સની કિંમત પેટે વસૂલ કરે છે. હૉસ્પિટલોમાં હાર્ટના પેશન્ટોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે ત્યારે તેમાં નોન-મેડિકેટેડ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. બજારમાં આ સ્ટેન્ટ ૬૦થી ૭૦ હજાર રૂપિયામાં મળે છે, પણ દર્દીઓ પાસેથી સવાથી દોઢ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવે છે. જે દર્દીને હાર્ટ એટેક આવ્યો હોય તેના લોહીને પાતળું કરવા માટે સ્ટ્રેપ્ટોકિનેસ અને યુરોકિનેસ નામની દવાઓ આપવામાં આવે છે. આ દવાઓ બજારમાં ૧,૦૦૦થી ૧,૨૦૦ રૂપિયામાં મળે છે, પણ દર્દીઓ પાસેથી તેના ૩,૫૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવે છે. ઘણી હૉસ્પિટલો દર્દીઓને જિનેરિક દવાઓ આપે છે, પણ કિંમત બ્રાન્ડેડ દવાની વસૂલ કરે છે, જે ૨૦૦થી ૫૦૦ ટકા જેટલી વધુ હોય છે.

મુંબઇનાં ઉપનગર બોરીવલીમાં ફાઇવ સ્ટાર ક્લિનિક ધરાવતા ડૉ. પ્રદીપ વ્યાસની ધરપકડ કરવામાં આવી હતી. આ ડોક્ટર પાસે મીનાક્ષી મૂર્તિ નામની ૭૬ વર્ષની મહિલા હૃદયરોગની સારવાર કરાવવા આવી હતી. ડોક્ટરે આ મહિલાની એન્જિયોપ્લાસ્ટી કરી હતી અને તેના હૃદયમાં બે સ્ટેન્ટ મૂકીને તેની ફી વસૂલ કરી હતી. થોડા સમય પછી આ મહિલાને ફરીથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરે તેને હૃદયરોગની સારવાર આપી પણ તે ન્યુમોનિયાથી મરી ગઇ હતી, જેનું ડોક્ટરે નિદાન જ કર્યું નહોતું. આ મહિલાનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી વાત જાણવા મળી હતી કે તેના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યા વિના જે ડોક્ટરે પૈસા વસૂલ કર્યા હતા. આ મહિલાની પુત્રી હેમલત્તા ઠાકુરના પતિ ગુજરાતમાં ઉચ્ચ પોલીસ અધિકારી છે. તેની ફરિયાદના આધારે પોલીસે ડૉક્ટર પ્રદીપ વ્યાસની ધરપકડ કરી છે. અનીતિ આચરીને ઝટપટ શ્રીમંત બનવા માગતા ડોક્ટરો માટે હૃદયરોગ અને કિડનીના રોગો કમાઉ દીકરા જેવા બની ગયા છે.

ભારતના શ્રીમંત દર્દીઓને લૂંટવા માટે અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં ફાઇવ સ્ટાર હૉસ્પિટલોની ચેઇન ઊભી કરી છે. તેઓ તબીબી વ્યવસાયના ધારાધોરણોથી વિરુદ્ધ કરોડો રૂપિયા જાહેરખબરો પાછળ ખર્ચે છે. ફોર્ટીસ નામની મલ્ટિનેશનલ કંપનીએ ભારતમાં ૫૩ હૉસ્પિટલો ખોલી છે, જેમાં ૮,૦૦૦થી વધુ પથારીઓ છે. આ હૉસ્પિટલે ઇ.સ.૨૦૧૦ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં ૩૪.૫ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. આ ત્રણ મહિનામાં ફોર્ટીસ હોસ્પિટલમાં હૃદયરોગના ૧૨,૦૦૦ ઓપરેશનો કરવામાં આવ્યા હતા. ચેન્નાઇમાં મુખ્ય મથક ધરાવતી એપોલો હોસ્પિટલે જૂન-ઓગસ્ટના ત્રણ મહિનામાં ૬૪૧ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો, જેમાંથી તેને ૫૧.૨૭ કરોડ રૂપિયાનો નફો થયો હતો.આ હૉસ્પિટલો દવા બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ પાસેથી હોલસેલના ભાવમાં દવાઓ ખરીદે છે અને દર્દીઓ પાસેથી તેની પૂરી વેચાણ કિંમત વસૂલ કરે છે. હોસ્પિટલનો ઉદ્યોગ હવે દર્દીઓને લૂંટીને તગડો નફો કમાવા માટેનો ઉદ્યોગ બની ગયો છે.

દિલ્હીની એક આઇટી કંપનીમાં નોકરી કરતાં ૪૦ વર્ષના ગજાનંદ સિંહને જડબાનું કેન્સર હતું. ગજાનંદ સિંહ પાસે આઠ લાખ રૂપિયાની મેડિક્લેઇમની પોલિસી હતી. ગજાનંદ સિંહ કેન્સરની સારવાર કરાવવા માટે દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ નામની સરકારી હૉસ્પિટલમાં ગયો, પણ ત્યાં એટલી બધી ગિર્દી હતી કે તે મજબૂરીથી મેક્સ સુપરસ્પેશિયાલિટી હૉસ્પિટલ નામની ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં સારવાર લેવા માટે ગયો. અહીંના ડોક્ટરે ગજાનંદના સ્વજનોને કહ્યું કે તેને કેમોથેરપી આપવી પડશે. ગજાનંદનું કેન્સર બહુ આગળ વધી ગયું હતું અને તેને કેમોથેરપીથી કાબૂમાં લઇ શકાય તેમ નહોતું તો પણ તેને ત્રણ દિવસ રેડિયેશન આપવામાં આવ્યું. ચોથા દિવસે ગજાનંદનું મોત થઇ ગયું. હૉસ્પિટલે ત્રણ દિવસની કેમોથેરપીનું બિલ ૭.૯૫ લાખ રૂપિયા પકડાવી દીધું. આ બિલ તેની મેડિક્લેઇમની મર્યાદા કરતાં પાંચ હજાર રૂપિયા જેટલું જ ઓછું હતું. ટૂંકમાં, વીમો ઉતારનારી કંપનીને ખાડામાં ઉતારીને પેલી હૉસ્પિટલે ૭.૯૫ લાખની કમાણી કરી

લીધી હતી. આ રીતે દર્દીઓને અને વીમા કંપનીઓને છેતરીને બેલેન્સશીટમાં વધુ પ્રોફિટ બતાડવાની બાબતમાં આ હોસ્પિટલો નિષ્ણાત થઇ ગઇ છે.

એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે દર્દીઓના હૃદયમાં આશરે બે લાખ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. જોન્સન એન્ડ જોન્સન અને એબ્બોટ નામની વિદેશી કંપનીઓ ઉપરાંત ભારતની કંપનીઓ પણ સ્ટેન્ટ બનાવે છે. ભારતની કંપનીઓ દ્વારા બનાવવામાં આવતાં સ્ટેન્ટની કિંમત ૭૫,૦૦૦થી ૯૦,૦૦૦ રૂપિયા હોય છે, જ્યારે વિદેશી કંપનીઓના સ્ટેન્ટ સવા લાખ રૂપિયા આસપાસ વેચાય છે. હૉસ્પિટલો ભારતની કંપનીઓ પાસેથી હોલસેલમાં ૪૫,૦૦૦ રૂપિયાના ભાવે સ્ટેન્ટ ખરીદે છે અને તેના સવા લાખ રૂપિયા વસૂલ કરે છે. સ્ટેન્ટ બનાવતી કંપનીઓ પોતાના પ્રતિનિધિઓને હૃદયરોગની સારવાર કરતી હૉસ્પિટલોમાં માર્કેટિંગ માટે મોકલે છે. તેઓ ડૉક્ટરોને કમિશનની લાલચ આપીને વધુ સ્ટેન્ટ ખરીદવાનું પ્રોત્સાહન આપે છે. ડૉક્ટરો પણ કમિશનની લાલચમાં દર્દીઓને જરૂર ન હોય તો પણ સ્ટેન્ટ મૂકાવવાની સલાહ આપે છે.

કોલકાતાના દિપક સેનની પત્નીને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો એટલે તેમણે એક ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં પત્નીને સારવાર માટે દાખલ કરી. ડૉક્ટરોએ તેમને એન્જીયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી. દિપક સેને આ માટે સંમતિ આપી એટલે ડૉક્ટરે તેમની પત્નીના હૃદયમાં એક નહીં પણ પાંચ સ્ટેન્ટ મૂકી દીધા. હૉસ્પિટલે તેમના હાથમાં ૧૬ લાખ રૂપિયાનું બિલ પકડાવી દીધું. એન્જીયોપ્લાસ્ટીના એક અઠવાડિયા પછી સેનની પત્નીનું અવસાન થયું. તેમનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યાં સ્ટેન્ટની જરૂર નહોતી ત્યાં પણ સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. દિપક સેને મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરી, પણ તેનું કાંઇ પરિણામ આવ્યું નહીં. હવે તેમણે કોન્ઝ્યુમર કોર્ટમાં હૉસ્પિટલ પાસે ૫૦ લાખ રૂપિયાનું વળતર માંગતો દાવો કર્યો છે. આ પ્રકારના કેસોનો કોન્ઝ્યુમર કોર્ટોમાં ઢગલો થયો છે.

આજકાલ શ્રીમંત દર્દીઓમાં ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં સારવાર લેવી એ પણ એક જાતનું સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. ઘણા લોકોએ આરોગ્યનો વીમો ઉતરાવ્યો હોય છે, જેને કારણે તેમને તબીબી ખર્ચની ચિંતા નથી હોતી. ઘણી વખત જરૂર ન હોય તો પણ તેઓ વીમાના પૈસા વસૂલ કરવા હૉસ્પિટલમાં ભરતી થઇ જાય છે. હૉસ્પિટલના સંચાલકોને ખ્યાલ આવે છે કે દર્દી પાસે મેડિક્લેઇમ છે ત્યારે તેઓ મોટું બિલ જ બનાવે છે. ઘણા લોકોનાં હૉસ્પિટલનાં બીલ તેમની કંપની ભરવાની હોય છે. આવા લોકોને પણ હૉસ્પિટલો આરામથી લૂંટે છે. ઘણા શ્રીમંતોને હૉસ્પિટલનો ગમે એટલો ખર્ચ આવે તો પણ કાંઇ ફરક પડતો નથી. આ બધાને ફાઇવ સ્ટાર હૉસ્પિટલો બકરા બનાવે છે.

ભારતમાં આરોગ્યના ક્ષેત્રમાં પ્રત્યેક તબક્કે દર્દીઓની લૂંટફાટ ચાલી રહી છે. કોઇ વિદ્યાર્થીને તબીબી કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો તગડું ડોનેશન આપવું પડે છે અને તગડી ફી ચૂકવવી પડે છે ત્યાંથી લૂંટફાટની શરૂઆત થાય છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ માન્યતા મેળવવા માટે મેડિકલ કાઉન્સિલના સભ્યોને કરોડો રૂપિયાની લાંચ આપવી પડે છે. આ રૂપિયા તેઓ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલ કરે છે. એક વિદ્યાર્થીએ ડોક્ટર બનવા માટે ૨૦થી ૨૫ લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. આ ખર્ચો વસૂલ કરવા તેણે દર્દીઓને લૂંટવા પડે છે. દવા બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ પોતાની દવા વેચવા માટે ડોક્ટરોનો ઉપયોગ એજન્ટ તરીકે કરે છે. ડોક્ટરો દર્દીઓને બિનજરૂરી દવાઓ લખી આપે છે. જનરલ પ્રેક્ટિશનર કોઇ ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં પોતાના દર્દીને મોકલે તો તેમાં પણ કમિશન મળે છે. કેમિસ્ટો પણ ડૉક્ટરોને કમિશન આપે છે. આ બધો ખર્ચ છેવટે તો ગરીબ અથવા શ્રીમંત દર્દીઓ પાસેથી જ વસૂલ કરવામાં આવે છે. હૉસ્પિટલો, ડૉક્ટરો અને દવા કંપનીઓ મળીને પ્રજાનું આરોગ્ય બચાવવાના બહાને તેમનાં ખિસ્સાં હળવાં કરી રહી છે. આ લૂંટફાટ સરકારે અટકાવવી જોઇએ.

03-05-2015

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=161397

Monday, March 2, 2015

બીલ ગેટ્સ અને વોરન બફેટના અબજો ડોલરના દાનનું રહસ્ય --- સ્પોટ લાઈટ - સંજય વોરા

http://www.marketoracle.co.uk/Article17644.html


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=154570

માઇક્રોસોફ્ટના સ્થાપક અને દુનિયાના સૌથી શ્રીમંત બીલ ગેટ્સે અમેરિકાના ૪૦૦ અબજોપતિઓને હિમાયત કરી છે કે તેઓ પોતાની ૫૦ ટકા મૂડી માનવજાતના કલ્યાણ માટેની પ્રવૃત્તિમાં ખર્ચીને ‘આપવાના આનંદ’નો અનુભવ કરે. બીલ ગેટ્સે તાજેતરમાં અમેરિકાના અબજોપતિઓની ડીનર પાર્ટી રાખી હતી અને તેમને દાન આપવાની અપીલ કરી હતી. બીલ ગેટ્સ હવે ભારતમાં અને ચીનમાં પણ આ પ્રકારની બેઠકો યોજીને આ દેશના અબજપતિઓને દાન દેવાની પ્રેરણા કરવાના છે. આ સમાચાર વાંચીને આપણને થશે કે બીલ ગેટ્સ અને તેમની પત્ની મિલીન્દા દાનપુણ્ય કરીને ગરીબ મનુષ્યોનું કલ્યાણ કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, પણ હકીકત કાંઇક અલગ જ છે.

ઇ.સ. ૧૯૯૪માં બીલ ગેટ્સે ૯.૪ કરોડ ડોલરનું દાન આપીને પોતાના પિતાના નામે વિલીયમ એચ. ગેટ્સના નામે ફાઉન્ડેશનની રચના કરી હતી. ઇ.સ. ૧૯૯૯માં તેણે ફાઉન્ડેશનનું નામ બદલીને ‘બીલ એન્ડ મિલીન્દા ગેટ્સ’ ફાઉન્ડેશન કર્યું હતું. ઇ.સ. ૨૦૦૦ની સાલમાં બીલ ગેટ્સે આ ફાઉન્ડેશનને બીજા ૧૨.૬ કરોડ ડોલરનું દાન આપ્યું હતું. આગળનાં વર્ષોમાં આ ફાઉન્ડેશનનું ભંડોળ વધીને બે અબજ ડોલર (આશરે ૯૦ અબજ રૂપિયા) ઉપર પહોંચી ગયું હતું. ઇ.સ. ૨૦૦૮ની જુલાઇએ બીલ ગેટ્સ માઇક્રોસોફ્ટની દૈનિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઇ ગયા હતા અને પોતાનો પૂરો સમય ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ પાછળ આપવા લાગ્યા હતા. ઇ.સ. ૨૦૦૬માં ત્યારના દુનિયાના સૌથી વધુ ધનિક વોરન બફેટે જાહેર કર્યું હતું કે તેઓ બીલ એન્ડ મિલીન્દા ગેટ્સ ફાઉન્ડેશનને અમુક વર્ષોના ગાળામાં કુલ ૩૦ અબજ ડોલરનું દાન આપશે. વોરન બફેટના આ દાનની ભારે પ્રશંસા કરવામાં આવી હતી.

વોરન બફેટે એવી શરત કરી હતી કે બીલ એન્ડ મિલીન્દા ફાઉન્ડેશન દર વર્ષે પોતાની સંપત્તિના પાંચ ટકાનો ખર્ચ કર્યા કરશે તો જ તેણે જે વચન આપ્યું છે તે મુજબનું દાન તે દર વર્ષે આપ્યા કરશે. તેનો અર્થ એવો થાય છે કે બીલ એન્ડ મિલીન્દા ગેટ્સ ફાઉન્ડેશને દર વર્ષે ઓછામાં ઓછા ૧.૫ અબજ ડોલરનું દાન તો આપવું જ જોઇએ. ભારતના કોઇ પણ અબજપતિને દાન આપવું હોય તો તે ક્યા લોકોને અન્ન, વસ્ત્ર, રહેઠાણ અથવા રોકડા રૂપિયાનું દાન કરશે. કોઇ અબજપતિ સ્કૂલમાં દાન આપશે તો કોઇ હોસ્પિટલમાં આપશે. કોઇ પાંજરાપોળમાં આપશે તો કોઇ ભોજનશાળામાં આપશે. કોઇ મંદિરનાં બાંધકામ માટે દાન આપશે તો કોઇ ધર્મશાળા બનાવશે. બીલ એન્ડ મિલીન્દા ફાઉન્ડેશન આ પૈકી કોઇ પ્રકારે દાન આપતું નથી. તેઓ આરોગ્ય અને શિક્ષણનાં કાર્યો માટે જ દાન આપે છે. આરોગ્યના કાર્યમાં તેઓ નવી રસીઓની શોધખોળ માટે દવાઓ બનાવતી મલ્ટીનેશનલ કંપનીઓને દાન આપે છે, જેનો ફાયદો છેવટે આ કંપનીઓને જ થવાનો છે. શિક્ષણમાં તેઓ કોમ્પ્યુટર શીખવા માટે દાન આપે છે, જેને કારણે માઇક્રોસોફ્ટનો જ ધંધો વધવાનો છે.

બીલ એન્ડ મિલીન્દા ફાઉન્ડેશને ઇ.સ. ૨૦૦૫ની સાલમાં ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સીન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન નામની એજન્સીને ૭૫ કરોડ ડોલરની લોન વિવિધ રોગોની રસીઓ વિકસાવી કાઢવા માટે આપી હતી. ઇ.સ. ૨૦૦૩માં તેમણે બાળકો માટેની રસીઓ તૈયાર કરતી પ્રોગ્રામ ફોર એપ્રોપ્રિએટ ટેકનોલોજી ઇન હેલ્થ નામની સંસ્થાને ૨.૭ કરોડ ડોલરની મદદ કરી હતી. તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ગ્લોબલ હેલ્થને ત્રણ કરોડ ડોલરનું દાન આપ્યું હતું. આ એજન્સીનું કામ આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં છે. તેમણે એચઆઇવી-એઇડ્સની રસી બનાવતી દુનિયાની ૧૬ અલગ અલગ સંસ્થાઓને કુલ ૨૮.૭ કરોડ ડોલરનું દાન એવી શરતે આપ્યું છે કે તેઓ જે કોઇ શોધ કરે તેની બાબતમાં એકબીજા સાથે સમન્વય સાધીને જ કામ કરે. તેમણે ગ્લોબલ ટીબી વેક્સીન ફાઉન્ડેશન નામની એજન્સીને ટીબીની નવી રસી શોધી કાઢવા માટે ૨૮ કરોડ ડોલરનું દાન આપ્યું છે. આફ્રિકાના ખેડૂતોને બીટી બિયારણના ગ્રાહક બનાવવા માટે એલાયન્સ ફોર એ ગ્રીન રિવોલ્યુશન ઇન આફ્રિકા (આગ્રા)નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થામાં બીલ એન્ડ મિલીન્દા ફાઉન્ડેશને ૧૦ કરોડ ડોલરનું અને રોકફેલર ફાઉન્ડેશને પાંચ કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. આ મૂડી વડે આફ્રિકામાં બીટી બિયારણ ઉપર પ્રયોગો ચાલી રહ્યા છે અને આફ્રિકાના ખેડૂતોમાં બીટીનો પ્રચાર ચાલી રહ્યો છે. આ પ્રવૃત્તિનો લાભ હકીકતમાં બીટી બિયારણનો અબજો ડોલરનો વેપાર કરતી મલ્ટીનેશનલ કંપનીઓને જ થવાનો છે. 

બીલ ગેટ્સ દ્વારા આરોગ્યના ક્ષેત્રમાં જે અબજો ડોલરની સહાય આપવામાં આવે છે તેનો ઇરાદો રસીઓનું ઉત્પાદન કરતી મલ્ટીનેશનલ કંપનીઓ માટે ગરીબ દેશોમાં માર્કેટ ઊભું કરવાનો છે. હકીકતમાં આ રસીઓ પેદા કરતી કંપનીઓના શેરો બીલ ગેટ્સ અને વોરન બફેટ પાસે છે. આ કંપનીઓનો નફો જેટલો વધે તેટલો બીલ ગેટ્સને અને વોરન બફેટને લાભ થાય છે. આ ઉપરાંત રસીઓના ઉપયોગ દ્વારા ગરીબ દેશોની વસતિ ઘટાડવાનો પણ બીલ ગેટ્સનો ગુપ્ત પ્લાન છે. બીલ ગેટ્સે દાવોસના વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જાહેરાત કરી હતી કે તેમની સંસ્થા આગામી ૧૦ વર્ષમાં બાળકોની રસીઓ બનાવવા માટે ૧૦ અબજ ડોલરનું દાન આપવા માંગે છે. આ દાન આપવા પાછળ તેમનો ઇરાદો વિશ્ર્વની વધી રહેલી વસતિને ઘટાડવાનો છે. આ બાબતની ઘોષણા તેમણે આ વર્ષના માર્ચ મહિનામાં કેલિફોર્નિયામાં યોજાયેલી અમેરિકાના ઉદ્યોગપતિઓની એક ખાનગી બેઠકમાં કર્યો હતો. આ બેઠકમાં ભાષણ આપતાં બીલ ગેટ્સે જણાવ્યું હતું કે "આજની સૌથી વિકટ સમસ્યા વસતિવધારાની છે. આજે દુનિયાની વસતિ ૬.૮ અબજની છે અને તે નવ અબજ તરફ આગળ વધી રહી છે. જો આપણે નવી રસીઓ અને વસતિનિયંત્રણ ઉપર ધ્યાન આપીએ તો આ વસતિને ૧૦થી ૧૫ ટકા ઘટાડી શકીએ છીએ. 

બીલ ગેટ્સ દ્વારા જેટલી ખેરાત કરવામાં આવે છે, તેમાંની મોટા ભાગની રકમ ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇસેશન નામની એજન્સીના ફાળે જાય છે. આ એજન્સીની સ્થાપના રસીઓ બનાવતી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે. તેમાં વર્લ્ડ બેન્કની અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પણ ભાગીદારી છે. આ એજન્સીનો ઇરાદો ત્રીજા વિશ્ર્વના ગરીબ દેશોમાં પેદા થતાં તમામ બાળકોને રસીઓ મૂકવાનો છે. આ રસીઓથી બાળકોમાં રોગો સામે લડવાની શક્તિ નથી આવતી પણ તેઓ વધુ બીમાર પડે છે. ઘણી વખત બાળકોને રસી આપવાના નામે નવી રસીઓનું બાળકો ઉપર પરીક્ષણ કરી લેવામાં આવે છે. પશ્ર્ચિમના દેશોમાં જે રસીઓ નકામી અથવા હાનિકારક પુરવાર થઇ હોય તેને ગરીબ દેશોના માથે ઠોકી બેસાડવાનું કામ પણ આ સંસ્થા કરે છે. 

મલ્ટીનેશનલ કંપનીઓ ત્રીજા વિશ્ર્વના ગરીબ દેશો માટે જે સસ્તી રસીઓ બનાવે છે, તેમાં સંરક્ષક તરીકે પારાનું એક સંયોજન વાપરવામાં આવે છે, જેનું પ્રમાણ આશરે ૫૦ ટકા જેટલું હોય છે. આ રસી બાળકના મગજને નુક્સાન પહોંચાડી શકે છે. શ્રીમંત દેશોમાં તો રસીમાં પારાનાં સંયોજનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પણ ભારત જેવા ગરીબ દેશોમાં બાળકોને પલ્સ પોલિયો જેવા કાર્યક્રમો હેઠળ જે રસીઓ આપવામાં આવે છે, તેમાં પારો મોજૂદ હોય છે. આ કારણે જ ભારતમાં રસી લેવાને કારણે અનેક બાળકોનાં મોત થાય છે અથવા તેઓ અપંગ બની જાય છે. આ રસી લેવાને કારણે ઓટીઝમ નામનો મગજનો રોગ પણ થાય છે. આ રસીઓ લેનારા બાળકોની પ્રજનનક્ષમતા પણ ઓછી થતી જાય છે. આ રીતે દુનિયાની વસતિ ઘટાડવાનો હેતુ બર આવી જાય છે. 

રસીઓ દ્વારા માનવજાતની ફળદ્રુપતા ઘટાડવાની પ્રવૃત્તિ હકીકતમાં રોકફેલર ફાઉન્ડેશને શરૂ કરી હતી. રોકફેલર ફાઉન્ડેશન છેક ઇ.સ. ૧૯૨૦ની સાલથી દુનિયાની વસતિ ઘટાડવાની યોજનાઓનો અમલ કરાવી રહ્યું છે. સ્ત્રીઓ અને પુરુષો ઉપર વંધ્યીકરણની શસ્ત્રક્રિયાઓના વધતા વિરોધને કારણે રોકફેલર ફાઉન્ડેશને ઇ.સ. ૧૯૯૦ના દાયકામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને રસીકરણ દ્વારા દુનિયાની વસતિ ઘટાડવાની વ્યૂહરચના અપનાવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિકારાગુઆ, ફિલિપાઇન્સ અને મેક્સિકોમાં ટિટેનસની રસીની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. મેક્સિકોની એક રોમન કેથોલિક સંસ્થાને આ ઝુંબેશના ઇરાદા ઉપર શંકા ગઇ એટલે તેમણે આ રસીના ડોઝનું પરીક્ષણ કર્યું તો તેમાં હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન નામનો હોર્મોન જોવા મળ્યો હતો. આ હોર્મોન જો ટિટેનસની રસી સાથે લેવામાં આવે તો તેનાથી ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભપાત થઇ જતા હતા. આ હોર્મોનની હકીકતમાં ટિટેનસની રસીમાં કોઇ જરૂર નહોતી. તે દેશોની વસતિ ઘટાડવા માટે જ ટિટેનસની રસીમાં આ હોર્મોન ઉમેરવામાં આવ્યો હતો.

મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા આજકાલ ત્રીજા વિશ્ર્વના દેશોમાં જે જિનેટીકલી મોડીફાઇડ (જીએમ) બિયારણનો પ્રચાર કરવામાં આવે છે તેનો ઉદ્દેશ પણ આ દેશોની વસતિ ઘટાડવાનો છે. અમેરિકાની સરકાર દ્વારા મેક્સિકો અને લેટિન અમેરિકાના દેશોમાં ઉપયોગ માટે જે જીએમ મકાઇ તૈયાર કરવામાં આવી છે તેમાં એક એવું તત્ત્વ ઉમેરવામાં આવે છે કે જેને કારણે પુરુષોના શુક્રાણુઓ નબળાં પડી જાય અને હલનચલનની શક્તિ ગુમાવી બેસે. આ જીએમ મકાઇનો આફ્રિકાના દેશોમાં પણ પ્રચાર કરવાનું ભંડોળ બીલ ગેટ્સ એન્ડ મિલીન્દા ફાઉન્ડેશનમાંથી આપવામાં આવી રહ્યું છે. બીલ ગેટ્સ અને વોરન બફેટ અબજો રૂપિયાનું દાન આપવાના જે દાવાઓ કરી રહ્યા છે તે હકીકતમાં તેમના વેપારી હિતોને આગળ વધારવા માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે.

Friday, January 30, 2015

આધુનિક વિજ્ઞાનને પડકાર ભારતીય ગ્રંથોનો ---- (બૃહદસંહિતા) સ્પોટ લાઈટ - સંજય વોરા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=99004

બૃહદસંહિતા અને વિવેકવિલાસ જેવા પ્રાચીન ગ્રંથોમાં કુદરતી આફતોની સચોટ આગાહીનું વિજ્ઞાન વર્ણવવામાં આવ્યું છે




અતિવૃષ્ટિ, સુનામી, કેટરિના અને ભૂકંપ જેવી ઘટનાઓ હવે આપણી પૃથ્વી માટે નિયમિત ઘટમાળ બની ગઇ છે. કુદરતે જાણે કે માનવજાતને બરાબરનો પાઠ ભણાવવાનો નિર્ણય કરી લીધો છે. ઉત્તરાખંડમાં આવેલો કુદરતનો પ્રકોપ તેનો પુરાવો છે. દર વખતે કુદરતી આફત આવે ત્યારે ખ્યાલ આવે છે કે આધુનિક વિજ્ઞાન આ પ્રકારની આપત્તિઓની આગાહી કરી જ શકતું નથી. તેથી વિરુદ્ધ ભારતના અનેક પ્રાચીન ગ્રંથોમાં ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે કુદરતી આફતોની સચોટ આગાહી માટેનું વિજ્ઞાન જોવા મળે છે.

ભારતમાં ઇસુની છઠ્ઠી સદીમાં વરાહમિહિર નામના મહાન જ્યોતિષાચાર્ય થઇ ગયા. તેમણે લખેલા બૃહદ સંહિતા નામના ગ્રંથમાં ભૂકંપની આગાહી કેવી રીતે કરવી તેની સચોટ પદ્ધતિ આપવામાં આવી છે. અત્યારે કેલિફોર્નિયા ખાતે આવેલા અર્થક્વેક પ્રેડિકશન સેન્ટરમાં બૃહદ સંહિતાની આ પદ્ધતિ ઉપર સંશોધન થઇ રહ્યું છે. બૃહદ સંહિતાના ૩૨મા અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે કે જે પ્રદેશમાં ભૂકંપ થવાનો હોય ત્યાં એક સપ્તાહ અગાઉ વિચિત્ર પ્રકારનાં વાદળો અચૂક જોવા મળે છે. આ ઉપરાંત ભૂકંપ થવાનો હોય તે અગાઉ દરિયાનાં મોજાંઓમાં એક પ્રકારની અનિયમિતતા જોવા મળે છે. પ્રાણીઓ અને પક્ષીઓ વિચિત્ર રીતે વર્તે છે અને હવામાનમાં પણ ચોક્કસ પ્રકારનું પરિવર્તન આવે છે. બૃહદ સંહિતાનો અભ્યાસ કરી રહેલા પુણેના વૈદિક વિદ્વાન આ બધી જ બાબતોના વૈજ્ઞાનિક પરીક્ષણ માટે હિમાયત કરી રહ્યા છે.

આપણે નોબલ પારિતોષિક પ્રાપ્ત કરનારા આધુનિક વિજ્ઞાનીઓની આરતી ઉતારીએ છીએ પણ આપણા જ દેશમાં થઇ ગયેલા મહાન ગણિતશાસ્ત્રી અને વિજ્ઞાની વરાહમિહિર વિશે આપણા યુવાનો કેટલું જાણે છે? વરાહમિહિરનો જન્મ ઇ. સ. ૫૦૫ની આજુબાજુ ઉજ્જૈન નજીક આવેલા કપિત્થ ગામમાં થયો હતો. તેમના પિતા આદિત્યદાસ જ તેમના ગુરુ હતા. સમ્રાટ વિક્રમાદિત્યના દરબારનાં નવ રત્નોમાં વરાહમિહિરને માનભર્યું સ્થાન મળ્યું હતું. આચાર્ય વરાહમિહિર એક બહુશ્રુત વિદ્વાન હતા. તેમણે પ્રાચીન વિદ્યાઓના અભ્યાસ માટે ગ્રીસનો પણ પ્રવાસ કર્યો હતો. પારસ દેશના સમ્રાટના આદેશથી તેમણે પંચતંત્રની કથાઓનો પહેલવી ભાષામાં તરજુમો કર્યો હતો. વરાહમિહિરે રચેલા ‘પંચસિદ્ધાંતકા’ ગ્રંથમાં ખગોળશાસ્ત્રના નિયમોનુું વિસ્તૃત વર્ણન છે. બૃહદ સંહિતા ગ્રંથમાં તો સર્વ પ્રાચીન વિદ્યાઓનો ખજાનો જોવા મળે છે.

અમેરિકામાં રહેતો ઝોન્ગ હાઉ શોઉ નામનો સંશોધક આચાર્ય વરાહમિહિરના ગ્રંથના આધારે વાદળાંઓની કૃત્રિમ ઉપગ્રહ દ્વારા મેળવવામાં આવેલી તસવીરોનો ઉપયોગ કરીને ભૂકંપની સચોટ આગાહી કરવાનું વિજ્ઞાન વિકસાવી રહ્યો છે. ચીનના આ સંશોધકે પોતાની વેબસાઇટ ઉપર એવો દાવો કર્યો છે કે પાકિસ્તાનનો ભૂકંપ થયો તેના ૨૪ કલાક અગાઉ તેણે વાદળાંના બંધારણને આધારે એવી આગાહી કરી હતી કે ચીનમાં અથવા તેની પડોશમાં આવેલા કોઇ દેશમાં ભીષણ ભૂકંપ થવાનો છે. આ સાથે વારાણસી ખાતે આવેલા એક વાદળાંઓના જાણકારે પણ એવો દાવો કર્યો છે કે તેણે પણ પાકિસ્તાનમાં આવનારા ભૂકંપની એક સપ્તાહ અગાઉ આગાહી કરી હતી અને પાંચ દિવસ અગાઉ ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજી ફોર ડિઝાસ્ટર રિડક્શન સેક્રેટરીએટને તેની જાણ પણ કરી હતી.

પુણે ખાતે રહેતા અરુણ બાપટ પણ બૃહદસંહિતા ગ્રંથમાં વર્ણવવામાં આવેલા ભૂકંપ અગાઉ વાદળાંઓના બંધારણના સિદ્ધાંત ઉપર સંશોધન કરી રહ્યા છે. તેમના જણાવવા મુજબ જ્યારે ધરતીકંપ થવાનો હોય તેના થોડા દિવસ અગાઉ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારો થાય છે, જેની અસર આબોહવા અને વાદળાંઓના બંધારણ ઉપર થઇ શકે છે. વરાહમિહિરના પંચસિદ્ધાંતિકા ગ્રંથમાં પ્રાચીન ભારત ઉપરાંત ગ્રીસ, ઇજિપ્ત અને રોમના જ્ઞાનનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. બૃહદ સંહિતા ગ્રંથમાં એક સ્થળે લખવામાં આવ્યું છે કે, "બ્લુ લિલી, મધમાખી વગેરે આકારનાં મોટાં વાદળાં જોવા મળે છે. આ વાદળાંની કિનારી ઝળકતી હોય છે અને તેમાંથી ધોધમાર વરસાદ વરસે છે. આ વર્તુળમાં પેદા થતો ધરતીકંપ સમુદ્રના અને નદીઓના સહારે જીવતા લોકોને મારી નાખશે. વળી તેના કારણે ભારે વરસાદ પેદા થશે.

બૃહદ સંહિતામાં ધરતીકંપ પછી ભારે વરસાદ પડવાની જે વાત કરવામાં આવી છે તેનો અનુભવ લાતુરના ભૂકંપ વખતે થયો હતો અને પાકિસ્તાનના ભૂકંપ પછી પણ આ જ ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું છે. લાતુરના ભૂકંપ પછી દુકાળગ્રસ્ત વિદર્ભ અને મરાઠવાડામાં એટલો બધો વરસાદ પડ્યો હતો કે તેને કારણે રાહતસામગ્રી લઇને જતી ટ્રકો રસ્તામાં જ અટકી ગઇ હતી. તેવી જ રીતે પાકિસ્તાનમાં ભૂકંપ પછી બરફનો વરસાદ પડતાં બચાવકાર્યમાં વિઘ્નો આવ્યાં હતાં. આ રીતે ધરતીકંપ સાથે વાદળાંઓને અને વરસાદને ચોક્કસ સંબંધ હોવાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. ભૂકંપની આગાહી કરતા આધુનિક હવામાનશાસ્ત્રમાં આ પરિબળોનો વિચાર જ કરવામાં આવ્યો નથી. આ કારણે જ તેઓ આજે પણ આવી આગાહી કરવામાં નિષ્ફળ જઇ રહ્યા છે. 

અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપ વિશે સંશોધન કરી રહેલો ઝોન્ગ શોઉ કહે છે કે, "જે વિસ્તારમાં ધરતીકંપનું કેન્દ્રબિંદુ હોય ત્યાં એટલી બધી ગરમી પેદા થાય છે કે પાણીનું રૂપાંતર વરાળમાં અને વાદળાંઓમાં થાય છે, જેને કારણે ભારે વરસાદ પડે છે. આ વરાળ પૃથ્વીના પોપડામાંથી જે રીતે બહાર આવે છે તે મુજબ વાદળાંઓ અજગરનો, દરિયાનાં મોજાંનો, ફાનસનો કે પીંછાનો આકાર ધારણ કરે છે. પુણેના એસ. એન. ભાવસારે વેદોમાં છુપાયેલા વિજ્ઞાન વિશે સંશોધન કરી ડોક્ટરેટ કર્યું છે. તેમણે પુણે યુનિવર્સિટીના સ્પેસ સાયન્સ વિભાગમાં પણ કાર્ય કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, "કુદરતની અનેક ગતિવિધિઓ જલદી ધ્યાન ન જાય તેવી પણ નિયમિત હોય છે. આ પ્રક્રિયાઓનો જો પદ્ધતિસર અભ્યાસ કરવામાં આવે તો તેના વડે વિશ્ર્વનાં અનેક રહસ્યોનો તાગ મેળવી શકાય તેમ છે.

વરાહમિહિરના ગ્રંથ બૃહદ સંહિતાની જેમ જૈનાચાર્યશ્રી જિનદત્તસૂરિજી દ્વારા રચાયેલા શ્રી વિવેકવિલાસ ગ્રંથમાં પણ કુદરતી આફતોની સચોટ આગાહીઓ કેવી રીતે કરી શકાય તેની વિગતો આપવામાં આવી છે. વિક્રમના તેરમા સૈકામાં થયેલા આ જૈનાચાર્ય રાષ્ટ્ર ઉપર આપત્તિ આવવાની હોય, નગરનો નાશ થવાનો હોય, મહાસંગ્રામ થવાનો હોય અથવા દેશભંગ થવાનો હોય ત્યારે જે એંધાણીઓ જોવા મળે છે, તેની વિસ્તૃત યાદી રજૂ કરે છે. આ લક્ષણોની ટૂંકમાં રજૂઆત નીચે મુજબ કરી શકાય તેમ છે:

(૧) જળચર જીવો ભૂમિ ઉપર અને ભૂચર જીવો જળમાં ચાલતા જોવા મળે. (૨) મંદિરમાંની પ્રતિમાઓના સ્વરૂપમાં કોઇ ફેરફાર જોવા મળે. (૩) શિયાળનો ધ્વનિ દિવસે સંભળાય અને કાગડાઓ કોલાહલ કરી મૂકે.(૪) રાત્રિના સમયે આકાશમાં મેઘધનુષ્ય જોવા મળે.(૫) વૃક્ષોને અકાળે ફૂલ કે ફળ આવે.(૬) જો ગધેડું ભૂંકતું હોય ત્યારે ગધેડાની સાથે જ બીજો કોઇ ચોપગો જીવ ભૂંકવા લાગે તો દુષ્કાળ પડી શકે છે. (૭) રાત્રિના સમયે ગાયો ભાંભરવા લાગે.(૮) સફેદ કાગડા, શ્ર્વાન અને ગીધાદિ પ્રાણીઓ આમતેમ ભમવા લાગે.(૯) હાથણીના ગંડસ્થળમાંથી મદ ઝરવા લાગે. (૧૦) તેતર પક્ષી રાત્રે બોલવા લાગે.

મહારાષ્ટ્રના લાતુરમાં, કચ્છમાં અને પાકિસ્તાનમાં ભૂકંપ થયો તે અગાઉ ઉપર જે લક્ષણો વર્ણવ્યાં છે તે પૈકી અનેક ઘટનાઓ જોવા મળી હતી પણ તેની યોગ્ય જાણકારીના અભાવે આ ઘટનાઓ ઉપરથી ભૂકંપની સચોટ આગાહી કરી શકાઇ નહોતી. ભૂકંપ, અતિવૃષ્ટિ, સુનામી વગેરે કુદરતી આપત્તિઓ છે અને મનુષ્યમાં હજી એટલી તાકાત આવી નથી કે આ આફતોને આવતી અટકાવી શકે. તેમ છતાં પ્રાચીન સાહિત્યની મદદ લઇને આવી કુદરતી આપત્તિઓની જો સમયસર આગાહી કરી શકાતી હોય તો હજારો મનુષ્યોના જાન બચાવી શકાય છે. ભૂતકાળમાં વિશિષ્ટ જ્ઞાનીઓના વચન ઉપર વિશ્ર્વાસ મૂકી આ રીતે હજારો લોકોએ પોતાના જીવ બચાવ્યા હોવાનું ઇતિહાસમાં જોવા મળે છે. બનાસકાંઠામાં આવેલા ભીલડી શહેરનો આગમાં વિનાશ થવાનો છે તેની જાણ ત્યાં બિરાજમાન જૈનાચાર્યને થઇ ગઇ હતી. તેમણે ભીલડીના નગરજનોને ચેતવણી આપી આખું નગર ખાલી કરાવ્યું હતું અને તેમણે રાધનપુર શહેર વસાવ્યું હતું. ભીલડી નગર પછી ખરેખર વિનાશક આગમાં તારાજ થઇ ગયું હતું. 

જૈન પરંપરાના ગ્રંથ શ્રી વિવેક વિલાસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, "જ્યારે દેશમાં દુષ્ટોનું જોર વધી પડે છે, અનીતિ અને અનાચારનું સામ્રાજ્ય વિસ્તૃત બને છે ત્યારે કુદરતી આફતો આવ્યા વિના રહેતી નથી. આજે આપણા દેશની અને વિશ્ર્વની હાલત પણ તેવી જ છે. મનુષ્ય આજે વિવેકહીન બની જે રીતે કુદરતી સમતુલાને તોડી રહ્યો છે તે જોતાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, સમુદ્રીય તોફાનો અને ભૂકંપ જેવી આફતો ન આવે તો જ નવાઇ લાગે તેમ છે. મનુષ્ય દ્વારા પર્યાવરણનો જે વિનાશ કરવામાં આવી રહ્યો છે તેનો સીધો સંબંધ કુદરતી આફતો સાથે છે તે જ્ઞાન આપણને જેટલું વહેલું આવશે તેટલા આપણે વધુ બચી શકીશું.

Thursday, January 29, 2015

કેરળના ગામડાની પંચાયતે કોકા કોલાને પાઠ ભણાવ્યો --- સ્પોટ લાઈટ - સંજય વોરા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=147202




કેરળની સરકારે કોકા કોલા કંપનીને બરાબરનો પાઠ ભણાવ્યો છે. કેરળના પ્લાચિમડા નામના ગામની પંચાયતે અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીને હંફાવી દીધી છે. કોકા કોલા કંપની પોતાના બોટલિંગ પ્લાન્ટ માટે આ ગામની જમીનમાંથી કરોડો લિટર પાણી ખેંચી લેતી હતી. આ ઉપરાંત આ કંપની પોતાનો ઝેરી રાસાયણિક કચરો જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરતી હતી. પ્લાચિમડા-પેરુમુટ્ટી ગામની પંચાયતે આ કંપનીના જુલમ સામે ૧૦ વર્ષ લાંબી લડત ચલાવી હતી. આ લડતના પરિણામે કેરળની સરકારે એક તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિએ પોતાના હેવાલમાં ગ્રામ પંચાયતના તમામ આક્ષેપો સાચા ગણાવીને કોકા કોલા કંપનીને કુલ ૨૧૬ કરોડ રૂપિયાનો દંડ કરવાની હિમાયત કરી છે. આ હેવાલ ટૂંકમાં કેરળની સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.

કોકા કોલા અને પેપ્સી જેવાં નકામાં ઠંડાં પીણાંઓમાં જે જીવલેણ જંતુનાશક દવાઓ આવે છે, તેની તરતપાસ કરવા માટે કેન્દ્ર સરકર દ્વારા નીમવામાં આવેલી સંસદિય સમિતિનો હેવાલ કોક અને પેપ્સીની વિરુદ્ધમાં આવ્યા પછી પણ આ મલ્ટિનેશનલ કંપનીઓ બિન્ધાસ્ત પોતાનો માલ ભારતીય બજારોમાં વેચી રહી છે. આટલી જાયન્ટ કંપનીઓ દ્વારા ભારતના અબુધ વપરાશકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ હોય ત્યારે જ્યાં સુધી તપાસમાં તેને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી તેના માલના વેચાણ ઉપર દેશભરમાં પ્રતિબંધ હોવો જોઇએ પણ આપણી પોપાબાઇ જેવી સરકારમાં આ પ્રકારનું દૈવત અને કૌવત રાખવાની આશા જ અસ્થાને છે. ભારતની કેન્દ્ર સરકારે જ્યારે આ જાયન્ટ મલ્ટિનેશનલ કંપનીઓ સામે પોતાનાં ઘૂંટણિયાં ટેકવી દીધાં છે ત્યારે કેરળની એક નાનકડી ગ્રામ પંચાયતે અમેરિકાની મલ્ટિનેશનલ કંપની સામે જે લડત આપી છે તે સૌ કોઇએ અને ખાસ કરીને તો કેન્દ્ર સરકારે પ્રેરણા લેવા જેવી છે.

કોકા કોલા, થમ્સ અપ, લિમકા, ફેન્ટા, સ્પ્રાઇટ, માઝા અને કિનલી સોડા જેવાં હળવાં ઠંડાં પીણાં બનાવતી હિન્દુસ્તાન કોકા કોલા બિવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ઇ.સ. ૧૯૯૯ની ૮ ઑક્ટોબરે કેરળની પ્લાચિમડા-પેરુમુટ્ટી ગ્રામ પંચાયતને અરજી કરી કે તેઓ પંચાયતના અધિકાર ક્ષેત્રમાં એક બોટલિંગ પ્લાન્ટની સ્થાપના કરવા માગે છે. આ બોટલિંગ પ્લાન્ટમાં ઠંડાં પીણાંઓનું ઉત્પાદન કરવા માટે તેઓ પાતાળકૂવાઓ ખોદવા માગતા હતા અને એક ૨૬૦૦ હોર્સ પાવરની ઇલેક્ટ્રિક મોટર બેસાડવા માગતા હતા. પેરુમુટ્ટીની ગ્રામ પંચાયતને આ મલ્ટિનેશનલ કંપનીની કામ કરવાની પદ્ધતિનો કોઇ અનુભવ નહોતો, એટલે તેમણે નિર્દોષભાવે ૨૭ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ આ માટે પરવાનગી આપી દીધી અને કંપનીએ જોતજોતામાં પોતાનું કારખાનું શરૂ કરી દીધું.

કોકા કોલા કંપનીએ પોતાનું કારખાનું શરૂ કર્યું તેનાં બે જ વર્ષમાં પેરુમુટ્ટી અને બાજુના પ્લાચિમડા ગામના લોકોને લાગ્યું કે તેમના કૂવાઓ ખાલી થઇ રહ્યા છે અને પાણીની ગુણવત્તા પણ કથળી રહી છે. કેરળ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આપેલા આંકડાઓ મુજબ કોકા કોલા કંપની પોતાના પ્લાન્ટમાં ખોદવામાં આવેલા પાતાળકૂવાઓ મારફતે રોજનું આશરે ૧૫ લાખ લીટર પાણી જમીનમાંથી ખેંચી લેતી હતી. આ ઉપરાંત પોતાનાં કારખાનામાં જે કચરો નીકળે તે નજીકના નદીનાળામાં પધરાવી દેતી હતી, જે જમીનમાં ઊતરી પીવાના ભૂગર્ભજળને ઝેરી બનાવતો હતો. પેરુમુટ્ટીના રહેવાસીઓએ જોયું કે કૂવાના પાણીનો ઉપયોગ કરી તેઓ જે ચોખા રાંધે છે, તેમાંથી બે કલાકમાં તો દુર્ગંધ છૂટવા માંડે છે. વળી પાણીનો સ્વાદ પણ ખરાબ થઇ ગયો હતો. અને સૌથી મહત્ત્વની વાત તો એ કે કોકા કોલાના કારખાનાની આજુબાજુના ખેતરોમાં આવેલાં ૧૯ પૈકી ૧૧ કૂવાઓનાં તળિયાં દેખાવાં લાગ્યાં હતાં અને બાકીના કૂવાઓમાં પણ પાણી ઓછું થઇ ગયું હતું. આશ્ર્ચર્યની વાત એ બની કે ખેતરોમાં ડાંગરનું ઉત્પાદન પણ પ્રદૂષિત પાણીને કારણે ઓછું થઇ ગયું હતું. આ બધી વાતનો ખ્યાલ આવતા ગામડાંના ખેડૂતોનો ધૂંધવાટ વધી ગયો અને તેઓ આંદોલન કરવાનો વિચાર કરી રહ્યા હતા.

કોકા કોલાના બોટલિંગ પ્લાન્ટને કારણે પ્લાચિમડા ગ્રામ પંચાયતની આવકમાં ધરખમ વધારો થયો હતો પણ પ્રજાના કલ્યાણ અને સ્વાસ્થ્યના ભોગે તેમને પોતાની આવક વધારવામાં કોઇ રસ નહોતો. કોકા કોલા કંપની પાસેથી સ્થાનિક પંચાયતને બિલ્ડિંગ ટેક્સના રૂપમાં જ વર્ષે ૪.૬૫ લાખ રૂપિયા મળતા હતા. આ ઉપરાંત લાઇસન્સ ફીના રૂપમાં ૩૦,૦૦૦ રૂપિયા અને પ્રોફેશનલ ટેક્સના રૂપમાં ૧.૫ લાખ રૂપિયા મળતા હતા. આની સામે કોકા કોલા કંપની વર્ષે આશરે ૫૦ કરોડ લીટર પાણી જમીનમાંથી ખેંચી તેમાંથી ૫૦૦ કરોડ રૂપિયાનાં હળવાં ઠંડાં પીણાંઓ બનાવતી હશે. આ માટે તે ગ્રામ પંચાયતને કાણો પૈસો પણ પરખાવતી નહોતી.

કોકા કોલા કંપનીએ વેરેલા વિનાશનો ખ્યાલ આવતો ગયો તેમ ગ્રામવાસીઓ આંદોલન માટે સજ્જ થતા ગયા. ઇ.સ. ૨૦૦૨ના એપ્રિલની ૨૨ તારીખે તેમણે કારખાનાની બહાર ધરણા કરી એક લાંબા આંદોલનનો પ્રારંભ કર્યો. આ આંદોલનની આગેવાની સ્થાનિક ગ્રામ પંચાયતે લીધી. પેરુમુટ્ટીની પંચાયતે કોકા કોલા કંપનીને આપેલું લાઇસન્સ ઇ.સ.૨૦૦૩ની ૭ એપ્રિલે રદ્દ કરી નાખ્યું અને તે મતલબની નોટિસ પણ કંપનીને મોકલી આપી. આ રીતે એક લાંબા યુદ્ધનાં મંડણ થયા. એક બાજુ દેશના ગરીબ લોકોની નાનકડી ગ્રામ પંચાયત હતી તો બીજી બાજુ જબરદસ્ત આર્થિક તાકાત ધરાવતી એક જાયન્ટ કંપની હતી, જેના હાથ છેક કેન્દ્ર સરકાર સુધી પણ પહોંચેલા હતા.

પેરુમુટ્ટી ગ્રામ પંચાયતે કોકા કોલા કંપનીના બોટલિંગ પ્લાન્ટનું લાઇસન્સ રદ્દ કરવાનો જે નિર્ણય લીધો તેને અમેરિકન કંપની નીચી મૂંડીએ સ્વીકારી લે તે શક્ય જ નહોતું, કારણકે તેના માટે કરોડો રૂપિયાના મૂડીરોકાણનો અને નફાનો આ સવાલ હતો. તેણે પંચાયતના આદેશ સામે કેરળની હાઈ કોર્ટમાં અપીલ કરી અને રાજ્ય સરકારના સ્થાનિક સ્વરાજ્યના ખાતાનો પણ સંપર્ક સાધ્યો. હાઈ કોર્ટમાં તો કોકા કોલાની દાળ ન ગળી પણ રાજ્ય સરકારને પલાળવામાં તેને જરૂર સફળતા મળી. ૧૩ ઑક્ટોબરે આ ખાતાંએ એક આદેશ પસાર કર્યો કે , ‘ગ્રામ પંચાયતે આવું લાઇસન્સ રદ્દ કરવાનું અંતિમ પગલું ભરતાં અગાઉ પાણીની ગુણવત્તા કથળી છે એ પુરવાર કરવા માટે કોઇ વૈજ્ઞાનિક પરીક્ષણો કર્યા નથી. માટે લાઇસન્સ રદ્દ કરવાના તેના નિર્ણય સામે સ્થગન આદેશ આપવામાં આવે છે.’બહુ સ્પષ્ટ હતું કે રાજ્ય સરકાર ઉપર પોતાનો પ્રભાવ પાથરવામાં કોકા કોલા કંપનીને સફળતા પ્રાપ્ત થઇ હતી. રાજ્ય સરકારની આ ચમચાગીરીથી જરાય વિચલિત થયા વિના ગ્રામ પંચાયતના સભ્યોએ સ્થાનિક સ્વરાજ ખાતાના આદેશ સામે હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરી. 

આ વિવાદ ચાલુ હતો ત્યાં જ તેની વાતો દુનિયાભરમાં ફેલાઇ જતા બીબીસીનો એક પત્રકાર પેરુમુટ્ટી આવ્યો અને તેણે કોકા કોલા કંપની દ્વારા જે રગડો ખુલ્લી જમીનમાં ઠાલવવામાં આવે છે, તેનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરાવ્યું. બીબીસીના હેવાલ મુજબ આ રગડામાં કેડમિયમ નામની ઝેરી ધાતુનું ભારે પ્રમાણ હતું. કેરળ રાજ્યના ભૂગર્ભ જળ ખાતાએ જે સંશોધન કર્યું તેમાં પણ જણાયું છે કે બોટલિંગ પ્લાન્ટ નજીક આવેલા કૂવાઓમાં કચરાનું પ્રમાણ ૧૭૦૦ પીપીએમ જેટલું ઊંચું છે. આ પાણીમાં ક્લોરાઇડ અને ફ્લોરાઇડ જેવા ઝેરી પદાર્થો પણ ભારે માત્રામાં જોવામાં આવ્યા હતા. નવાઇની વાત તો એ છે કે કોકા કોલા કંપની જ્યારે મનુષ્યના વપરાશ માટે ઠંડાં પીણાંઓ બનાવતી હોય ત્યારે તેમાં કેડમિયમ, ક્લોરાઇડ અને ફ્લોરાઇડ જેવાં ઝેરી દ્રવ્યો ક્યાંથી આવે એ જ સમજાતું નથી. એક બાજુ કોકા કોલા કંપની અને સ્થાનિક ગ્રામ પંચાયત વચ્ચે કાનૂની લડાઇ ચાલી રહી છે તો બીજી બાજુ ખેડૂતો અને ગરીબ ગ્રામવાસીઓનું આંદોલન જોરશોરથી ચાલુ જ છે. આ આંદોલન ૧૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહ્યું છે. 

કેરળ હાઈ કોર્ટમાં કેસ ચાલુ હતો એ દરમિયાન ગ્રામ પંચાયતે કોકા કોલા કંપનીને બીજી નોટિસ ફટકારી અને તેની ઉપર કરવામાં આવેલા આક્ષેપોના ખુલાસાઓ માગ્યા. કોકા કોલા કંપનીએ ખુલાસા કરવાને હાઈ કોર્ટમાં બીજી અરજી કરી અને આ રીતે ખુલાસા માગવાના પંચાયતના અધિકારને પડકાર્યો. પંચાયતે કોર્ટમાં એવી રજૂઆત કરી કે ૧૯૯૪ના કેરળ પંચાયતી રાજ કાનૂનની ૨૩૨મી કલમ અન્વયે જો કોઇ વ્યક્તિ કે કંપની માનવ જીવન અને સ્વાસ્થ્ય માટે કોઇ હાનિકારક પ્રવૃત્તિ કરતી હોય તો પંચાયતને તેની સામે કામ ચલાવવાનો અધિકાર છે. કેરળના પંચાયતી રાજ કાનૂન મુજબ જે ૧૫૯ ધંધાવ્યવસાયને ખતરનાક ગણાવવામાં આવ્યા છે, તેમાં ઠંડાં પીણાંની બનાવટના ઉદ્યોગનો પણ સમાવેશ થઇ જાય છે. પંચાયતના આ પાવરને માન્ય કરતા હાઈ કોર્ટે કોકા કોલાની અરજી ઉડાવી દીધી અને તેના અધિકારીઓને આદેશ કર્યો કે તેમણે પંચાયતની કારોબારી સમક્ષ રૂબરૂ હાજર થઇને તેમના તમામ સવાલોના જવાબ આપવા પડશે. આ આદેશને માન આપી અમેરિકન કંપનીના અધિકારીઓએ પંચાયત સમક્ષ હાજર થવું પડ્યું હતું અને ખુલાસાઓ પણ આપવા પડ્યા હતા.

કોકા કોલા કંપની સામે પ્લાચિમડા ગ્રામ પંચાયતના આંદોલનના પગલે કેરળ સરકાર દ્વારા ગયાં વર્ષના એપ્રિલ મહિનામાં ૧૪ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં સરકારી અધિકારીઓ ઉપરાંત કૃષિ, પર્યાવરણ અને આરોગ્યના નિષ્ણાતોનો પણ સમાવેશ થતો હતો. આ સમિતિ એવા નિષ્કર્ષ ઉપર આવી હતી કે ઇ.સ. ૧૯૯૯થી ૨૦૦૪ વચ્ચે કોકા કોલા કંપનીના બોટલિંગ પ્લાન્ટને કારણે પ્લાચિમડા ગામની ખેતીવાડીને ૮૪ કરોડ રૂપિયાનું, જળસ્રોતોને ૮૨ કરોડ રૂપિયાનું, આરોગ્યને ૩૦ કરોડ રૂપિયાનું અને રોજગારીને ૨૦ કરોડ રૂપિયાનું એમ કુલ ૨૧૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ રકમ કોકા કોલા કંપની પાસેથી વસૂલ કરીને ગામના અસરગ્રસ્તો વચ્ચે વહેંચી દેવી જોઇએ, એવી ભલામણ પણ આ સમિતિએ કરી છે. આ સમિતિએ એવી ભલામણ પણ કરી છે કે જાયન્ટ કોકા કોલા કંપની સામે લડવાની તાકાત ગામડાંના ગરીબ રહેવાસીઓમાં ન હોવાથી નુકસાનીના દાવાઓની પતાવટ માટે એક ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે. જો કેરળની સરકાર આ ભલામણો સ્વીકારી લેશે તો કોકા કોલા કંપનીની ભારે નામોશી થશે.ભારતમાં ઉદ્યોગો દ્વારા પર્યાવરણને અને પ્રજાના આરોગ્યને થતાં નુકસાનો સામે કેવી રીતે લડવું જોઇએ તેની પ્રેરણા ભારતનાં તમામ ગામડાંઓની ગ્રામ પંચાયતોએ પ્લાચિમડા ગ્રામ પંચાયત પાસેથી લેવા જેવી છે.