Wednesday, July 23, 2014

બ્રહ્મર્ષિ નારદે કહ્યું: સ્ત્રી, ધન, નાસ્તિક અને શત્રુઓ વિશે વાર્તાલાપ કરવો નહીં --- સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ

માણસ જે કામમાંથી આજીવિકા મેળવે છે તે એનો ભગવાન છે. એના માટે જે રસનો વિષય છે તે એનો ભગવાન છે. એ જે બાબતો માટે આવેશ અનુભવે છે એ બાબતો એના માટે ભગવાન છે. જે સ્ત્રી પોતાના ઘરને મંદિર માનીને બહાર નોકરી-વ્યવસાય માટે જતી નથી તેના માટે ગૃહકાર્ય, રસોઈ અને પોતાની શારીરિક-માનસિક જાળવણી ભગવાન ગણાય. આજીવિકાના કામમાં, રસના વિષયમાં કે જે જવાબદારી સ્વીકારી છે તે કાર્યમાં કે જેના માટે હૃદયથી આવેશ અનુભવતા હોઈએ તે બાબતોમાં સંપૂર્ણપણે લીન થઈ જવું, એમાં એકાકાર બની જવું એનું જ નામ ભક્તિ. આધુનિક સમયમાં બાબાસાધુઓનાં ચરણ પખાળમાં કે ભગવાનને અન્નકુટ ધરવો એ ભક્તિનું સ્વરૂપ નથી. ભગવાનની ભક્તિમાં એકાકાર થઈ જવું એટલે પોતાની મનગમતી પ્રવૃત્તિમાં કે જે કરવાની તમારી ફરજ હોય તે પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ જવું. નારદનાં ભક્તિસૂત્રોના આધુનિક અર્થઘટન વિશે વાત કરતી વખતે ત્રેસઠમા સૂત્રને જિદ્દુ કૃષ્ણમૂતિના વિચારો સાથે સરખાવી જોવા જેવું છે. બ્રહ્મર્ષિ નારદ ભક્તિસૂત્ર નં. ૬૩માં કહે છે: ‘ભક્તજને સ્ત્રી, ધન, નાસ્તિક અને શત્રુઓ વિશે વાર્તાલાપ કરવો નહીં અને તે વિશે કંઈ સાંભળવું નહીં.’

નિંદા-કૂથલી અને માત્ર સમય વેડફવા માટે થતી આ ચાર વિષયોની ચર્ચાના અતિરેકના ત્યાગની અહીં વાત છે. જે. કૃષ્ણમૂર્તિને કોઈએ એક વખત પૂછ્યું: ‘મહેરબાની કરીને મને જણાવો કે મારે આ દુનિયામાં કેવી રીતે જીવવું. હું આ દુનિયાનો ભાગ થવા નથી માગતો છતાં મારે તેમાં જ રહેવાનું છે. મારે રહેવા માટે ઘર જોઈએ અને ઘર ચલાવવા માટે આજીવિકા પણ જોઈએ. આટલાં બધાં ઢોંગ, લોભ, હિંસા, સ્પર્ધા અને ક્રૂરતાથી ઘેરાઈને મારે જીવવું કેવી રીતે?’

કૃષ્ણમૂર્તિએ આ પ્રશ્ર્નનો જવાબ ખૂબ લંબાણથી આપ્યો હતો જેના ટૂંકમાં મુદ્દા આ હતા: પહેલી વાત તો એ કે આને કોયડો ન બનાવીએ. જ્યારે કોઈ પ્રશ્ર્ન કોયડો બની જાય છે ત્યારે આપણે એના ઉકેલમાં સપડાઈ જઈએ છીએ અને પછી એ પ્રશ્ર્ન પાંજરું બની જાય છે, તમે એમાં પુરાઈ જાઓ છો, પ્રશ્ર્ન વિશેના આગળના સંશોધન અને સમજણ માટે આ પરિસ્થિતિ અવરોધરૂપ બની જાય છે. જે સમાજમાં આપણે જીવીએ છીએ તેના પર પ્રભુત્વ મેળવવા માટે અથવા તે સમાજનો વિકલ્પ ખોળવા માટે અથવા એ સમાજમાં રહેવા છતાં તેમાંથી છટકવાનો પ્રયત્ન કરવા માટે જો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હોય તો તે અનિવાર્યપણે આપણને વિરોધાભાસી અને દંભી જીવન તરફ લઈ જશે. 

બીજી વાત કૃષ્ણમૂર્તિએ એ કહી કે આ દુનિયામાં રહેવા માટે આપણે આ દુનિયાને તાબે થવાની ના પાડી દેવી જોઈએ. આનો અર્થ એ કે આપણે આદર્શ પરિસ્થિતિઓને, યુદ્ધને, વિભાગીકરણને, ઈર્ષાને ના પાડવી જોઈએ. કોઈ પુત્ર પોતાનાં માબાપ સામે બંડ કરે એ રીતે દુનિયાને ના પાડવી એવો અર્થ આપણે નથી કરતા. આપણે આ બધાની હાનિ સમજીએ છીએ માટે ના પાડીએ છીએ. આ નકાર સમજણમાંથી આવતો નકાર છે.

ત્રીજી અને સૌથી મહત્ત્વની વાત કૃષ્ણમૂર્તિએ એ કરી કે તમે જ દુનિયા છો અને આ દુનિયા માટે તમે જ જવાબદારી છો. એક વાત સ્પષ્ટ છે કે આપણા પોતાનાં માનવીય લોભ, ઈર્ષ્યા, આક્રમણ અને હિંસાએ આ દુનિયાનું અત્યારે છે એવું વાતાવરણ રચી આપ્યું છે. આપણે પોતે કેવા છીએ તેની સાબિતી ખુદ આ દુનિયા છે. 

આનો મતલબ એ કે દુનિયા જો સ્વાર્થી લાગતી હોય તો આપણે આપણા પોતાનામાં રહેલા સ્વાર્થને દૂર કરવો. દુનિયા જો પ્રેમવિહીન લાગતી હોય તો આપણે પોતે વધુ પ્રેમાળ થવું, દુનિયા જો શુષ્ક લાગતી હોય તો આપણે પોતે રસભર્યા થવું. આ રીતે જીવવાથી આપોઆપ તમારી દુનિયા નિ:સ્વાર્થ, પ્રેમાળ અને રસાળ બની જશે. અલ્ટિમેટલી તો તમે જેવા છો એવી જ દુનિયા તમને દેખાવાની છે. તમારા પોતાના વિચારો, તમારી ભાવનાઓ અને તમારી લાગણીઓનું પ્રતિબિંબ એટલે જ તમારી આસપાસની આ દુનિયા. 

જે. કૃષ્ણમૂર્તિની આ ત્રણ વાતોનો સરવાળો માંડીને ફરી નારદના ત્રેસઠમા ભક્તિસૂત્ર તરફ પાછા વળીએ. શું કહ્યું હતું એ સૂત્રમાં: ભક્તજને સ્ત્રી, ધન, નાસ્તિક અને શત્રુઓ વિશે વાર્તાલાપ કરવો નહીં અને તે વિશે કંઈ સાંભળવું પણ નહીં.

બ્રહ્મર્ષિ નારદ અને જે. કૃષ્ણમૂર્તિની વાતોનો તાળો હવે મળી શકે છે. દુનિયાની અણગમતી અસરોથી દૂર રહેવા માટે મનમાં ઉદ્ભવતા એ પ્રકારના વિચારો છોડવા પડે અને એ વિચારોનો ત્યાગ ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી વ્યક્તિ પોતે અણગમતી અસરો લઈને આવતી અન્ય વ્યક્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ ન કરે. કોઈ પણ વ્યક્તિએ ખૂબ ચીવટ રાખવી જોઈએ કે પોતે કોને કોને મળવા માગે છે, કોની સાથે નિયમિત ઊઠબેસ રાખવા માગે છે, કોની સાથે માત્ર લટકતી સલામનો વ્યવહાર રાખવા માગે છે અને કોનું એ મોઢું સુધ્ધાં જોવા માગતો નથી. સંતસમાગમથી જેમ લાભ થાય છે તેમ અ-સંત હોય એવી વ્યક્તિઓના સંગથી વ્યક્તિનું દિમાગ બીજે ફંટાઈ જાય છે, પોતાના ધ્યેયમાંથી એ ચલિત થઈ જાય છે. 

નારદના આ સૂત્રને એના શબ્દાર્થમાં લેવાને બદલે એનો ગૂઢાર્થ સમજવો. સ્ત્રી, ધન, નાસ્તિક અને શત્રુઓ વિશે ક્યારેય વાર્તાલાપ ન કરવો કે એમના વિશે સાંભળવું નહીં. એનો અર્થ એ કે કૉલેજમાં કોઈ છોકરી ગમતી હોય કે સંસારમાં પડ્યા પછી કોઈ સ્ત્રી માટે કૂણી લાગણીઓ થતી હોય તો કલાકો સુધી એ વિશે કોઈની સાથે વાતો કરતા રહેવાનો કે મનોમન કલ્પનાના ઘોડા દોડાવીને સમય બરબાદ કરવાનો કોઈ અર્થ નથી. સ્ત્રીસંગ ખરાબ છે એવી કેટલાક જુનવાણી વિચારસરણી ધરાવતા સંપ્રદાયોમાં કરવામાં આવતા ઉપદેશો જેવી આ વાત નથી. પણ આ પ્રકારના વાર્તાલાપ કે વિચારો માણસને પોતાના કામમાં તલ્લીન થતાં અટકાવે છે માટે એ તરફ ન જવું. ધન વિશે શેખચલ્લીના વિચારો કરવા કે શત્રુઓની નિંદાકૂથલી કરવી કે બદલાની ભાવના રાખીને એને પછાડી દેવાના હવાઈ કિલ્લાઓ રચવા કે પછી એની ઈર્ષ્યા કરવી-આમાંનું કશું જ કાર્ય પ્રત્યેની તમારી ભક્તિને, તમારી અકાગ્રતાને પોષનારું નથી. નારદસૂત્રમાં નાસ્તિક વિશે પણ વાર્તાલાપ નહીં કરવાની સૂચના છે. અહીં માની લેવામાં આવે છે કે ભક્તિસૂત્રોને માન આપનાર આસ્તિક છે, ભગવાનમાં એને શ્રદ્ધા છે અને એ ભગવાન કયા તે લેખના આરંભે આપણે જોયું. જેમને એ ભગવાનમાં શ્રદ્ધા જ નથી એવી વ્યક્તિઓ વિશે વાદવિવાદ કરીને આપણો સમય બરબાદ કરવાની કોઈ જરૂર નથી. ભક્તિસૂત્રમાં અન્ય એક ઠેકાણે ભક્તને નિરર્થક વાદવિવાદથી દૂર રહેવાની સૂચના અપવામાં આવી છે. પાંડિત્યભર્યા અને સારા ઈરાદાથી થતા વિચારમંથન દ્વારા જરૂર નવનીત નીપજી શકે. 

પરંતુ પોતાના અહમ્ને સંતોષવા માટે અને બીજાઓનો તેજોવધ કરવાના ઈરાદાથી થતો વાદવિવાદ આરંભાય તે પહેલાં જ એમાંથી સરકી જવું. તમારા વિચારવિરોધીઓના મતને પલટાવી નાખવાની જવાબદારી તમારી નથી. આવા વિરોધીઓ તમને વિવાદમાં સંડોવવાનો અને ગટરચર્ચામાં ખેંચવાનો ખૂબ પ્રયાસ કરશે, પણ તમારે એમનાથી દૂર રહેવું.

મન પર વિપરીત અસરો નિપજાવતી ઘટનાઓ, વ્યક્તિઓ અને વાતોથી આપણે દૂર રહીએ છીએ ત્યારે આપણી આસપાસ એટલી ઓછી હિંસક, ઓછી લોભી, ઓછી ઢોંગી, ઓછી સ્પર્ધાત્મક અને ઓછી ક્રૂર દુનિયા સર્જાય છે. ઓછી એટલા માટે કહી કે આ અસરોને પૂર્ણપણે નાબૂદ કરવી શક્ય નથી. બધા જ પ્રયત્નો પછી એ દરેક વિપરીત અસરની ઝીણી કરચો તો ક્યાંક ક્યાંક આસપાસના વાતાવરણમાં, તમારા પોતાનામાં, જોવા મળવાની જ. પણ એટલું નક્કી કે એવી દુનિયા, એવું વાતાવરણ સર્જાયા પછી એમાં રહેવાની મઝા અત્યારે જે પરિસ્થિતિ છે તેના કરતાં કંઈક અધિક આવવાની.

બ્રહ્માંડમાં કોયલાનું સામ્રાજ્ય --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

કોયલો કાળો છે તો બધાને ગમતો નથી. કોયલાના વેપારમાં હાથ કાળા થાય, તેવી ઉક્તિ છે. હકીકતમાં કોયલાની એક જાત હીરો પણ છે અને તેની પ્રભા ચકાચૌંઘ કરી નાખે તેવી હોય છે. ગ્રેફાઇટ બહુ જ મૃદુ કોલસો છે જેનાથી આપણે લખીએ છીએ. તે પેન્સિલમાં વપરાય છે. કોલસો હકીકતમાં કાળો ચોક છે. જેનાથી સફેદ બોર્ડ પર લખી શકાય છે, ચૂનો લગાડેલ ભીંત પર લખી શકાય છે. કોલસામાં ખૂબ ઊર્જા છે. તે રોસઈ બનાવવામાં કામ આવે છે. તે થર્મલ પાવર સ્ટેશન અને ફેકટરીઓ ચલાવવાના કામમાં આવે છે. ભૂતકાળમાં રેલવેના એન્જિનમાં કોયલો જ વપરાતો. કોયલો ગરમીનો સુવાહક છે. તે અધાતુ હોવાથી વિદ્યુત અવાહક છે. કાર્બનડાયોકસાઇડ વાયુ કોયલો બળવાથી ઉત્પન્ન થાય છે. કાર્બનડાયોકસાઈડ વાયુ જ પૃથ્વીને હૂંફાળી રાખે છે. નહીં તો તે ઠરી જાય અને પૃથ્વી પરનું જીવન નષ્ટ થાય. જો તે વધી જાય તો પણ પૃથ્વી પરનું જીવન નષ્ટ પામે. આમ કોયલામાં સર્જન અને વિનાશ બંને સમાયેલાં છે. પૃથ્વી પરનાં વૃક્ષો છેવટે કોયલામાં રૂપાંતર પામે છે અને પછી તેની રાખ બને છે. આ રાખ ખાતર તરીકે ખૂબ જ ઉપયોગી છે. આરસપહાણમાં એક ઘટક કાર્બનડાયોકસાઇડ છે. કાર્બન છે. આપણા શરીરનો મહત્તમ ભાગ કોયલો છે. સાકર પણ કોયલો જ છે આ બ્રહ્માંડમાં કોયલો બહુ જ અગત્યનું ઘટક છે. બધા જ સેન્દ્રિય પદાર્થોનું એક ઘટક કોયલો છે. માટે કોયલાને કાળો કહી તેને ધૂતકારતા નહીં. તે આપણાં દેવતા છે. આપણે તેના જ બનેલાં છીએ, અને છેવટે તેમાં જ રૂપાંતર પામીએ છીએ. આકાશમાં વિસ્ફોટ થાય છે ત્યારે જે પદાર્થ અંતરીક્ષમાં ફેંંકે છે તેમાં કોયલો હોય છે. આપણું જીવન કાર્બોહાઇડ્રેટનું બનેલું છે. જીવન માત્રનું ઘટક કોયલો છે. કોયલો ન હોત તો આપણે ન હોત. કોયલાની ખાણને નમન કરવા જોઇએ. સોનું તો કોઈ કામનું નથી. નકામા આપણે તેને વળગી રહ્યા છીએ. જે મહાન ઉપયોગી છે તે કોયલો છે. ગુણવાન પુરુષ ગમે તેવો કુબડો કે કાળો હોય પણ તે સુંદર છે. તે સન્માનને પાત્ર જ હોય છે. તેવું જ કોયલાનું છે. કોઇ વિકૃત માણસને કાળો કોલસો કે શાહી ચોપડવામાં આવે છે. તે કોયલાનું અપમાન છે. કોલસાની કે કાજળની કાળી ટીલી રક્ષાનું પ્રતિક છે. આકાશ હકીકતમાં કાળું છે. કાળો રંગ શોકનું પ્રતિક છે. તેથી આપણી માન્યતા અને અંધશ્રદ્ધા પાયા વગરની છે. કોલસાના રંગની એક વિશિષ્ટતા છે કે તે કદી ભુંસાતો જ નથી અને કાળા રંગ પર બીજો કોઇ રંગ ચઢતો નથી. તેની આ મક્કમતા છે. કૃષ્ણ દ્વૈપાયન મુનિ- વ્યાસમુનિ કાળા હતા. કૃષ્ણ પણ કાળા હતા. અબ્રાહમ લિંકન પણ કાળા હતા. બ્રહ્માંડમાં કાર્બન તત્ત્વ કયાં નથી? આપણો ખોરાક છેવટે કોયલો છે. આપણા જીવનમાં અને બ્રહ્માંડની કેટલીક વસ્તુમાં કોયલાનું ખૂબ જ મહત્ત્વ છે.

બ્રહ્માંડમાં જો સૌથી વધુ ઉપયોગી વસ્તુ હોય તો તે કાળો કોયલો છે. આપણું શરીર કાર્બન કેમિસ્ટ્રી છે, માત્ર હાડકા જ ચૂનાના (કેલ્શિયમના) છે. કાર્બન જેટલા મૃદુ કોઇ નથી અને કાર્બન જેટલો સખત પણ કોઇ નથી. કાર્બન નેનો ટયૂબ લોખંડથી વધુ સખત છે. આપણો બધો જ ખોરાક કાર્બનના ઘટકનો બનેલો છે. કાર્બન શક્તિ સ્વરુપ છે. કાળકા માતાએ માટે જ કાળો રંગ ધર્યો છે. બ્રહ્માંડમાંથી કાર્બન કાઢી નાખો, બધું જ શૂષ્ક થઇ જાય. કોયલો ભલે કાળો હોય પણ તે બ્રહ્માંડને ઉજાળે છે. આપણો વાહન- વ્યવહાર કોયલા પર ચાલે છે. પેટ્રોલ, ગેસ, કેરોસિન, લાકડા બધું કાર્બનમાંથી બને છે. આપણાં વસ્ત્રો પણ કાર્બનમાંથી જ બને છે. બધી દવામાં તથા એન્ટિબાયોટિકસ કાર્બનમાંથી જ બને છે. પૃથ્વીની જમીનમાં અને વાયુમંડળમાં જો કે કાર્બન અને કાર્બનડાયોકસાઈડનું પ્રમાણ માત્ર ૦.૦૨ ટકા છે. તેનું રૂપ, વિશ્ર્વરૂપ છે. કોઇ પણ જાતની લાદી હોય તેમાં કાર્બન અને તેના ઘટકો જરૂર હોય છે. આ રીતે કાર્બન સર્વત્ર છે. કાર્બનડાયોકસાઇડને ઝેરી વાયુ કહે છે. પણ ફૂલો તેમાંથીજ ફળ-ફળાદી બધું બનાવે છે.

લોકો ક્રૂડ ઓઈલ અને પેટ્રોલને કાળુ પ્રવાહી સોનું કહે છે, પણ હકીકતમાં કાર્બન (કોયલો) જ કાળું સોનું છે. કારણ કે ઓઈલ અને પેટ્રોલ, કેરોસિન એ કાર્બનજન્ય છે. તેની માતા તો કાર્બન (કોયલો) જ છે. કાર્બન પ્રાચીન વસ્તુની વય જાણવા સચોટ ટેસ્ટ છે જેને વિજ્ઞાનીઓ કાર્બન કટિંગ કહે છે.

કોયલો (હીરો) આંખનું ઓપરેશન કરવામાં કામ આવે છે. તે સખતમાં સખત પદાર્થ હોઇ લોખંડમાં કાણા પાડી શકે છે. કોયલો પોતે બળી અજવાળું આપે છે. કોયલાને ખૂબ જ સંભાળીને વાપરવો જોઇએ. તેનું સંરક્ષ કરવું જોઇએ. આલ્કોહોલ વગેરે કોયલાનાં જ બનેલાં છે. પરફયુમ વગેરે પણ કોયલાજન્ય જ છે. જગતમાં ફાલતું માણસો દેખાવ કરીને પોતાની વાહ વાહ કરાવે છે. અને મહાન માણસોની કિંમત નથી તેવું જ કોલસાનું છે. સોનું ખાસ કાંઇ ઉપયોગી નથી પણ તેના ચળકાટને લીધે બધાને આંજી દે છે જે ખૂબ જ ઉપયોગી છે તે કોયલાને લોકો તદ્દન મામૂલી ગણે છે. ઘણા લોકોને કોયલાનું સાર્વત્રિક રૂપ દશ્યમાન થતું નથી. બીજે કયાંય જીવન હશે તો એ સંભવ છે કે તે કાર્બોહાઇડ્રેટ હશે. જેટલો ઑક્સિજન ઉપયોગી છે તેટલો જ કાર્બનડાયોકસાઈડ ઉપયોગી છે. કોયલ કાળી છે પણ તેનો અવાજ કેટલો કર્ણપ્રિય છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=114943

બ્રહ્માંડ ખુદ કુદરતની એક માયા છે --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=133066

આ બ્રહ્માંડમાં કોઈ પણ ઘટના અને તે ક્યાંક વર્તમાનકાળ હોય છે તો ક્યાંક ભૂતકાળ હોય છે તો ક્યાંક ભવિષ્યકાળ. બ્રહ્માંડમાં બનેલી ઘટના કદી નાશ પામતી નથી. તે અંતરીક્ષમાં સમાઈ રહેતી હોય છે


બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


બ્રહ્માંડમાં હકીકત એ છે કે બ્રહ્માંડ એક છે જ નહીં. તમે વિચારો તેવું તમારું બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તેમારું જેટલું જ્ઞાન તેટલું વિશાળ અને તેવું તમારું બ્રહ્માંડ. બ્રહ્માંડ એકરૂપ છે જ નહીં. તે દરરોજ દર ક્ષણે બદલાય છે. બ્રહ્માંડની વ્યાખ્યા કરવી અઘરી છે. બ્રહ્માંડમાં આનંદ છે તો સાથે સાથે ગમગીની પણ છે. તમારો જેવો મૂડ તેવું તમારું બ્રહ્માંડ.

વિશાળ બ્રહ્માંડમાં આપણી આકાશગંગા મંદાકિનીનું બ્રહ્માંડ આકાશગંગા મંદાકિનીમાં આપણી સૂર્યમાળાનું બ્રહ્માંડ, આપણી સૂર્યમાળામાં આપણી પૃથ્વીનું બ્રહ્માંડ, પૃથ્વીમાં દેશનું, રાજ્યનું, શહેરનું, શેરીનું, ઘરનું અને આપણું પોતાનું બ્રહ્માંડ. આ બધા જ બ્રહ્માંડો ક્ષણે ક્ષણે બદલાયાં કરે છે. આમાંથી એક બીજું જ સંયોજન થયેલું બ્રહ્માંડ વળી પેદા થાય છે. આ બધું ગૂંચવણ ભરેલું છે. 

માટે બ્રહ્માંડ એક નથી, હકીકતમાં બ્રહ્માંડ જેવું છે જ નહીં. આપણા મગજમાં જે ઉત્પન્ન થાય તે બ્રહ્માંડ આપણા બ્રહ્માંડનો વિસ્તાર આપણે પોતે કેટલા વિસ્તાર પામેલા છીએ તેના પર આધાર રાખે છે. હકીકત એ છે કે બ્રહ્માંડ એક માયા છે. કયા પ્લેટફોર્મથી અને કયા સમયે, ક્યાંથી આપણે જોઈએ છીએ તેના પર બ્રહ્માંડ દેખાવાનો આધાર છે. બ્રહ્માંડ અલગ અલગ સ્થિતિ અને પરિસ્થિતિમાં અલગ અલગ દેખાય છે. અલગ અલગ રૂપ ધારણ કરે છે. 

તમે ગતિ કરવા લાગો અને જેમ જેમ તમારી ગતિ વધતી જાય તેમ તેમ તમારું બ્રહ્માંડ બદલાતું જાય. આમાં સાચું બ્રહ્માંડ કયું? બધાં જ બ્રહ્મમાંડ સાચાં અને બધાં જ બ્રહ્માંડ ખોટાં.

સાપેક્ષવાદનો સિદ્ધાંત બહુ મોટો સિદ્ધાંત છે, મારી દાર્શનિકતા છે. તે કહે છે કે બ્રહ્માંડાં બધું જ સાપેક્ષ છે, નિરપેક્ષ કાંઈ જ નથી, એટલે કે બ્રહ્માંડની એક વ્યાખ્યા થઈ જ ન શકે. એક બોક્ષ હોય, તે ગતિ કરવા લાગે તો તેનો આકાર બદલાતો જાય. છેવટે તે દોરડી બની જાય, ટૂંકી થતી જાય અને અદૃશ્ય થઈ જાય. લાલ તારો ખરેખર લાલ ન પણ હોય અને બ્લૂ તારો ખરેખર બ્લૂ ન પણ હોય. એના વિષે આપણે ચોક્કસ વિધાન કહી શકીએ જ નહીં. સમય પણ સાપેક્ષ છે અને પદાર્થ પણ સાપેક્ષ જ છે. બ્રહ્માંડના આકારો પણ સાપેક્ષ જ છે. સૂર્ય છે તો ગોળો પણ આપણને તે ચકતી જેવો લાગે છે. તારા સૂર્ય કરતાં પણ મોટા છે, પણ લાગે છે પ્રકાશના બિંદુ જેવાં. 

હિમાચલના છેડે એક ખીણમાં ઝૂંપડું બનાવીને રહેતી મહિલાની દુનિયાની કલ્પના કરો. તેણી માટે શું ન્યુયોર્ક અને શું ટૉકિયો. આપણું પણ એવું જ છે ને? આપણે ક્યાં બધુંં જોયું છે? તે મહિલાનું બ્રહ્માંડ સીમિત જ હોય. આપણે જેટલા બ્રહ્માંડને જાણીએ તેટલું મોટું આપણું બ્રહ્માંડ. વકીલની દુનિયા જુદી, ડૉક્ટર કે એ ઈન્જિનિયરની દુનિયા જુદી. રાજકારણીની દુનિયા જુદી, પુરુષની દુનિયા જુદી, સ્ત્રીની, બાળકોની દુનિયા જુદી માટે જ અલગ અલગ વિષયો છે, અલગ અલગ ક્ષેત્રો છે અને બધી અલગ અલગ દુનિયા છે. 

સવારે એક યુગલનું વિમાન પશ્ર્ચિમમાં પ્રસ્થાન કરે. ધારી લો કે તેમાં સદીઓ સુધી ખૂટે નહીં તેટલું પેટ્રોલ કે અણુઊર્જા છે. આ વિમાનમાં બાળક જન્મે અને મોટું થાય તો તેણે કદી રાત જોઈ જ ન હોય, તેણે તો માત્ર સૂર્ય અને દિવસ જ જોયો હોય. આવા બાળકની દુનિયામાં કદી રાત, તારા, ગ્રહો, ચંદ્રગ્રહણ જેવું કાંઈ હોય જ નહીં. આ તેમનું બ્રહ્માંડ જેમાં રાત જ ન હોય. હવે ધારો કે એમનું વિમાન પૂર્વમાં રાતે પ્રસ્થાન કરે તો એ વિમાનમાં જન્મેલા બાળક માટે દિવસ અને સૂર્ય જેવી વાત જ ન હોય. તેના બ્રહ્માંડમાં ન તો સૂર્ય હોય, ન તો દિવસ.

આપણે પૃથ્વી પર છીએ. આપણને પૃથ્વી પોતાની ધરી પર ઘૂમતી દેખાતી નથી અને સૂર્યની પરિક્રમા કરતી પણ દેખાતી નથી. સૂર્ય પર જઈએ તો આપણી પૃથ્વી ગોળ ગોળ ફરતી નજરે પડે અને સૂર્યની પરિક્રમા કરતી પણ દેખાય.માટે બ્રહ્માંડને આપણે ક્યાંથી જોઈએ છીએ તેના પર તેનો દેખાવાનો આધાર છે. છાણમાં પડેલાં કીડાની દુનિયા કેવી હોય? દરેકે દરેક પશુને, પ્રાણીને કે પંખીને પોતપોતાની દુનિયા હોય છે. જળચર પ્રાણીઓને વળી પોતાની અલગ જ દુનિયા છે તો થાય કે બ્રહ્માંડનું સાચું સ્વરૂપ કયું? બ્રહ્માંડનું સાચું સ્વરૂપ બ્રહ્માંડની વસ્તુ પર આધાર રાખે છે માટે બ્રહ્માંડ એક જ નથી. 

બ્રહ્માંડને આપણે કઈ રીતે અને કેવી રીતે સમજી શકીએ છીએ તેવું બ્રહ્માંડ જન્મે છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આપણું આ બ્રહ્માંડ ૯૫ ટકા આપણી આંખોને ઓઝલ છે. તે શેનું બનેલું છે તે હાલમાં આપણે કહી શકતાં નથી. 

બ્રહ્માંડમાં બે પ્રકારના પદાર્થ છે. એક દૃશ્યમાન થાય છે અને બીજા અદૃશ્ય રહે છે. દૃશ્યમાન પદાર્થ સ્વયંપ્રકાશિત હોય છે અને બીજો પદાર્થ જે સ્વયંપ્રકાશિત નથી. ગ્રહો ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ જેવા પદાર્થો.

બ્રહ્માંડ એ જ જાતના પદાર્થકણોનું બનેલું છે. એક ઓઝોન અને બીજા ફર્મીઓન જે પદાર્થકણો જેવા કે પ્રકાશના કણો ફોટોન્સ, તે બોઝ સ્ટેટિસ્ટિક્સ અનુસરે છે. માટે તેને બોઝોન કહે છે અને બીજા પદાર્થકણો જેવા કે ઈલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ, તે ફર્મી સ્ટેટિસ્ટિક્સ અનુસરે છે માટે તેમને કુર્મીઓન કહે છે. તેથી વિજ્ઞાનીઓ રમૂજમાં કહે છે કે બ્રહ્માંડ કાં તો ઈન્ડિયન છે નહીં તો પછી ઈટાલિયન બોઝોન્સની વાત કરનાર બોઝ-ભારતીય હતા, જ્યારે ફર્મીઓ વતી વાત કરનાર ફર્મી-ઈટાલિયન હતા. 

બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું હશે તે સમજાવવા બે થીયરીઓ અસ્તિત્વ ધરાવે છે. એક કહે છે કે બ્રહ્માંડ એક ક્ષણે મહાવિસ્ફોટથી જન્મ્યું છે. તેને વિજ્ઞાનીઓ બિગ બેંગ થીયરી કહે છે. બીજી બ્રહ્માંડના જન્મને સમજાવતી થિયરી કહે છે કે બ્રહ્માંડ જે છે, તેવું છે. આ થિયરીને સ્ટેડિસ્ટેટ થિયરી કહે છે. બંને થિયરીઓ માને છે કે બ્રહ્માંડ વિસ્તૃત થતું જાય છે. જેમ બ્રહ્માંડ વિસ્તરતું જાય તેમ તેમાંની ઘનતા ઓછી થતી જાય. તેમાંનો પદાર્થ વિશાળ ક્ષેત્રમાં ફેલાતો જાય છે. માટે બ્રહ્માંડને જેવું છે તેવું રાખવા સ્ટેડિસ્ટેટ થિયરીને સતત પદાર્થ ઉત્પન્ન કરતા રહેવું પડે છે. સ્ટેડિસ્ટેટ થિયરી પ્રથમ અસ્તિત્વમાં આવી હતી. તે બ્રિટિશ સાયન્ટિસ્ટ ફ્રેડ હોયલ અને તેમના ભારતીય વિજ્ઞાની જયંત નારલીકરે આપી હતી. બ્રહ્માંડનાં અસ્તિત્વની બંને થિયરીમાંથી કોણ અંતિમ સાચી થિયરી છે તે કહેવું હજુ જરા વહેલું ગણાય. હાલમાં બિગ-બેંગ થિયરી મેદાન મારતી હોય તેમ લાગે છે. બીગ-બેંગ થિયરીના પુરસ્કતાં ડીકી જેવા ખગોળ ભૌતિકશાસ્ત્રીઓ છે. રસપ્રદ વાત એ છે કે ઋગ્વેદના નારદીય સુક્તમાં બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું હશે તેવી બિગ-બેંગની થિયરીનું સચોટ, સુન્દર અને સુરેખ વર્ણન છે. 

બ્રહ્માંડના દર્શન આપણને માત્ર પ્રકાશ જ કરાવે છે અને પ્રકાશના નાના ભાગ ઓપ્ટિકલ સાઈટ (દૃશ્ય-પ્રકાશ)માં જ આપણે જોઈ શકીએ છીએ. પ્રકાશની બીજી નાની-મોટી તરંગ-લંબાઈઓમાં આપણે બ્રહ્માંડને જોઈ શકતા નથી. માટે આપણે બ્રહ્માંડનો બહુ જ નાનો ભાગ જોઈ શકીએ છીએ અને તેમાં પણ બ્રહ્માંડમાં ૯પ ટકા ડાર્ક મેટર-ડાર્ક એનર્જી છે. ડાર્ક મેટર કે ડાર્ક એનર્જી ખરેખર ડાર્ક નથી. પણ તે દૃશ્યમાન નથી માટે આવું સિમ્બોલીક નામ આપવામાં આવ્યું છે.

આપણું બ્રહ્માંડ વિસ્તરતું (Expanding Universe) છે તે વાયોલન્ટ અને વાયબ્રન્ટ છે અને તે માત્ર આપણને ભૂતકાળ જ દર્શાવે છે. વર્તમાનકાળ પણ નહીં કારણ કે પ્રકાશની ગતિ સીમિત (Finite) છે. બ્રહ્માંડમાં ક્ષણે ક્ષણે મોટા તારાના વિસ્ફોટ થાય છે. તેમ છતાં બ્રહ્માંડમાં લગભગ શૂન્યાવકાશ છે માટે એ મહાવિસ્ફોટ (Supernova Explosion)ની ઊર્જા અને અવાજ આપણા સુધી પહોંચી આપણને નષ્ટ કરી શકતાં નથી. નહીં તો અહીં પૃથ્વી પર આપણે જન્મ્યા જ ન હોત. તેની પાછળનું કારણ અવાજ (વિસ્ફોટનો અવાજ)નું પ્રસારણ થવા માધ્યમની જરૂર છે તે છે. બ્રહ્માંડનો બીજો ગુણધર્મ એ છે કે આ બ્રહ્માંડમાં કોઈ પણ ઘટના અને તે ક્યાંક વર્તમાનકાળ હોય છે તો ક્યાંક ભૂતકાળ હોય છે તો ક્યાંક ભવિષ્યકાળ. બ્રહ્માંડમાં બનેલી ઘટના કદી નાશ પામતી નથી. તે અંતરીક્ષમાં સમાઈ રહેતી હોય છે અને બ્રહ્માંડ વિસ્તરતું જતું હોવાથી બ્રહ્માંડમાં બનેલી ઘટના કદી નાશ પામતી નથી, નાશ પામશે પણ નહીં. તેના પડઘા નિરંતર પડ્યા જ કરશે.

વિસ્તરતા જતા વિશ્ર્વને સમજવું હોય તો તેનું ઉદાહરણ ઘટોડકચ્છનો હાથી છે. જેમ જેમ તેને માપવા મેઝરિંગ ટેપ મૂકો તે મોટો થઈ જાય છે અને વળી પાછા તેને માપવા લંબાવેલી મેઝરિંગ ટેપને મૂકો તો વળી પાછો તે મોટો થઈ ગયો હોય છે, તમારી મેઝરિંગ ટેપ ટૂંકી પડે.

બ્રહ્માંડ એટલે દિક્-કાળ (Space and Time). બ્રહ્માંડ એટલે દિક-કાળનો ફૂલતો પરપોટો. આ બ્રહ્માંડ વિશાળ, અતિવિશાળ છે પણ દૃશ્યવિશ્ર્વ સીમિત (Finite) છે. 

બ્રહ્માંડની વિચિત્રતા એ છે કે દરેકે દરેક બિન્દુ તેનું કેન્દ્ર હોય તેમ લાગે છે. પણ હકીકતમાં કોઈ પણ બિન્દુ તેનું કેન્દ્ર નથી. બ્રહ્માંડની દરેકે દરેક વસ્તુ અગત્યની છે પણ કોઈ પણ વસ્તુ અગત્યની નથી. બ્રહ્માંડનું દરેકે દરેક બિન્દુ બૉયલર છે પણ કોઈ પણ બિન્દુ બૉયલર નથી. બ્રહ્માંડને જેમ જેમ જેમ તમે ઉખેળો તેમ તેમ તમને નવું નવું જાણવાનું મળે, ભૂતકાળ મળે, વર્તમાનકાળ મળે અને ભવિષ્ય પણ. બ્રહ્માંડ વિકાસ પામે આપણે જેમ જેમ મોટા થતાં જઈએ તે જ ભવિષ્ય. ભવિષ્યને ભાખી ન શકાય. તે સેક્ધડ બાય સેક્ધડ આગળ વધે છે. બીજી ક્ષણે ભવિષ્ય શું હશે તેની કોઈને પણ ખબર નથી. વર્તમાનકાળ એ હકીકતમાં ભૂતકાળની કિનારી છે, છેડો છે. 

આઈન્સ્ટાઈને એક વાર કહેલું કે બ્રહ્માંડ વિશે ન સમજાય તેવી વાત એ છે કે તે સમજાય તેવું છે. ખરેખર બ્રહ્માંડ સમજાય તેવું છે. આપણે તે સ્તરે પહોંચવાની આવશ્યકતા છે. પિંડે તે બ્રહ્માંડે. આપણે પોતે જ પૂરા બ્રહ્માંડનું રિફ્લૅકશન છીએ. જીવ તે શિવ બની શકે. બીજી બાજુ વિખ્યાત જીવ-વિજ્ઞાનશાસ્ત્રી જે. બી. એસ. હલધને કહ્યું હતું કે બ્રહ્માંડ જેટલું વિચિત્ર લાગે છે. તેના કરતા પણ તે વધારે વિચિત્ર છે. બ્રહ્માંડને સમજવાની વાત સાત અંધજન હાથીનું વર્ણન કરે તેવી છે. મધદરિયે આગબોટના ભંડકિયામાં પડેલા કરંડિયામાં રહેલા જમરૂખમાંનો કીડો બ્રહ્માંડને સમજવાની ચેષ્ટા કરે તેવી જ આપણી સ્થિતિ બ્રહ્માંડને સમજવા વખત છે. 

જેમ અલગ અલગ બારીમાંથી આપણને અલગ અલગ દુનિયાના દર્શન થાય છે તેમ અલગ અલગ દિશામાં આપણને અલગ અલગ બ્રહ્માંડ દેખાય છે. અલગ અલગ પ્રકાશની તરંગ લંબાઈમાં અલગ અલગ બ્રહ્માંડ દેખાય છે. છેવટે બ્રહ્માંડ બહુરૂપી છે.

Monday, July 7, 2014

આલ્ફાલ્ફા: નામ હી કાફી હૈ! -- ન્યૂઝ વ્યૂઝ અને રિવ્યૂઝ - ક્ધિનર આચાર્ય

આલ્ફાલ્ફાનો ઉપયોગ એક રોગપ્રતિકારક તરીકે અને સ્વાસ્થ્યવર્ધક સુપરફૂડ તરીકે તો થઈ જ શકે છે, સાથેસાથે અલગ અલગ બીમારીઓ પર એ અત્યંત અસરકારક પરિણામ આપે છે

નામમાં શું બાળ્યું છે? એવું મહાપુરુષોએ પૂછ્યું છે અને લોકો પણ વારંવાર કહેતા હોય છે કે, નામનું કશું જ મહત્ત્વ નથી. પણ આ વાત ‘આલ્ફાલ્ફા’ કિસ્સામાં સાચી નથી, કારણ કે ‘આલ્ફાલ્ફા’માં તેનાં નામ પ્રમાણેના ગુણ છે. અરેબિકમાં આલ્ફાલ્ફાનો અર્થ થાય છે: ‘સઘળા ખાદ્ય પદાર્થોનો પિતામહ: હા! આલ્ફાલ્ફા એક અરેબિક શબ્દ છે. તેનું અસલ નામ છે અલ-ફલ-ફા (તમામ ખોરાકનો બાપ!) કાળક્રમે આ શબ્દ અપભ્રંશ થઈને અંગ્રેજીમાં આલ્ફાલ્ફા બની ગયો.

આલ્ફાલ્ફા એક અદ્ભુત વનસ્પતિ છે. ચમત્કારિક, પૌષ્ટિક અને મૂલ્યવાન વનસ્પતિ. અગાઉ આપણે અનુભવ્યું છે તેમ આપણને આપણા વૈદક પર ઝાઝો ભરોસો નથી. એટલે જ પશ્ર્ચિમના વૈજ્ઞાનિકો જ્યારે આપણા દેશી વૈદક પર મહોર મારે છે ત્યારે જ આપણે તેને વધાવીએ છીએ. હળદરથી લઈ આમળાં અને હાથલા થોરથી શરૂ કરીને ઘઉંના જવારા સુધીનાં ઉદાહરણો આપણી નજર સમક્ષ છે. આજે આવી બધી વસ્તુનું આપણે મૂલ્ય કરીએ છીએ, કારણ કે પશ્ર્ચિમે તેના ગુણોનું સમર્થન કર્યું છે. 

આજે તમે ઈન્ટરનેટ ‘આલ્ફાલ્ફા બેનિફિટ્સ’ એટલું ટાઈપ કરીને ગૂગલમાં સર્ચ આપો તો ઈન્ટરનેટ તમારી સમક્ષ હજારો પેજ ખોલી આપે છે. આખી દુનિયા આજે સ્વીકારતી થઈ છે કે આલ્ફાલ્ફા એક એવી વનસ્પતિ છે જેમાં અગણિત પોષકદ્રવ્યો છે. એટલે જ માનવજાત છેલ્લાં લગભગ ૧૬૦૦ વર્ષોથી એક સુપરફૂડ તરીકે તેનો ઉપયોગ કરતી રહી છે. સદીઓ અગાઉ આરબોએ આ વનસ્પતિના ચમત્કારિક ગુણોને પારખ્યા હતા. તેમણે અનુભવ્યું કે, આ વનસ્પતિ ખાઈને અરબી આવો ખડતલ રહે છે, સ્વસ્થ રહે છે અને જાણે હવાથી વાતો કરતા હોય તેમ ભાગી શકે છે. પછી અરબસ્તાનમાં તેના અનેક પ્રયોગો થયા. માનવજાતની વિવિધ બીમારી પર તેનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તે અંગે વિસ્તૃત અભ્યાસ કરાયો, પશ્ર્ચિમના વૈજ્ઞાનિકોએ પણ અનેક પ્રયોગો હાથ ધર્યા અને છેવટે આલ્ફાલ્ફાના અનેકાનેક ઉપયોગ સામે આવ્યા. આલ્ફાલ્ફાનો ઉપયોગ એક રોગપ્રતિકારક તરીકે અને સ્વાસ્થ્યવર્ધક સુપરફૂડ તરીકે તો થઈ જ શકે છે, સાથેસાથે અલગઅલગ બીમારીઓ પર એ અત્યંત અસરકારક પરિણામ આપે છે. આલ્ફાલ્ફાના આવા જ કેટલાક ગુણો વિશે આપણે વાત કરીએ. 

* ગ્રીક અને ચાઈનીઝ વૈદકમાં આલ્ફાલ્ફાનો ઉપયોગ આર્થાઈટિસ અથવા ‘વા’ અને ‘ગાંઠિયા વા’નો ઈલાજ કરવા માટે થતો આવ્યો છે. વા માટે આલ્ફાલ્ફાથી વિશેષ કોઈ દેશી દવા નથી. વા અને ગાંઠિયા વા એક અત્યંત જટિલ બીમારી છે. એલોપથી પાસે તેનો કાયમી, અસરકારક ઈલાજ નથી. આયુર્વેદની મોટા ભાગની દવાઓ તેમાં કામચલાઉ રાહત આપે છે. બે-ચાર-છ મહિના સુધી આલ્ફાલ્ફાનું નિયમિત સેવન કરવાથી આ બીમારીથી કાયમી છુટકારો મેળવી શકાય છે. આલ્ફાલ્ફામાં અદ્ભુત પ્રકારનાં દર્દશામક તત્ત્વો છે. જે વાના દુ:ખાવા સામે કાયમી રાહત આપે છે. વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી દ્વારા થયેલા સંશોધનમાં પુરવાર થયું છે કે, વા માટે અને ગાંઠિયા વા માટે આલ્ફાલ્ફા કરતાં વધુ અસરકારક દેશી ઔષધ બીજું એકપણ નથી. આર્થાઈટિસ અથવા તો વાના અનેક પ્રકારો છે, આ તમામ પ્રકારોમાં આલ્ફાલ્ફા જબરદસ્ત પરિણામ આપે છે. સંધિવાતનો તે કાયમી અને શ્રેષ્ઠ ઈલાજ છે. 

* આલ્ ફાલ્ફામાં બેડ કોલે સ્ટરોલ દૂર કરવાનો અનોખો ગુણ છે. ખરાબ કોલેસ્ટરોલ દૂર કરવાની સાથે સાથે એ ગુડ કોલેસ્ટરોલને જાળવી રાખવાનું કાર્ય પણ કરે છે. હૃદયની નળીઓમાં બ્લૉકેજ એ થવા જ દેતું નથી અને કોઈને બ્લૉકેજ હોય તો એ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. હૃદયના રક્તપ્રવાહને નિયમિત કરવામાં પણ એ સહાય કરે છે. 

* સ્ટેનફર્ડ યુનિવર્સિટીએ હાથ ધરેલા સંશોધનમાં પુરવાર થયું છે કે આલ્ફાલ્ફાની મદદથી પેટનું અલ્સર મટાડી શકાય છે. બહુ વિરલ કહી શકાય તેવું વિટામિન યુ તેમાં મોજૂદ છે. તેનાં પ્રતાપે અલ્સર, કોલાઈટિસ અને ગેસ્ટ્રાઈટિસ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધનોમાં જાણવા મળ્યું હતું કે વિટામિન યુની મદદથી પેપ્ટિક અલ્સરના એંશી ટકા કેસમાં દર્દીઓની સફળ સારવાર કરી શકાઈ હતી. 

* રોજબરોજના જીવનમાં આપણો આહાર એકદમ સમતોલ હોતો નથી. શાકાહારી વ્યક્તિએ શરીરને તમામ પ્રકારનું પોષણ આપવા માટે પોતાની થાળીમાં રોટલી, લીલું શાક, સલાડ, દાળ, કઠોળ અને દહીં-દૂધ જેવી અનેક વસ્તુઓ આવરી લેવી પડે છે. રોજ કમસેકમ એકાદ-બે ફળો લેવાના રહે છે. ડ્રાયફ્રૂટ્સ લેવા પડે છે. સામાન્યત: આવું શક્ય બનતું નથી. એટલે જ આપણું શરીર અનેક જરૂરી વિટામિન્સ, ખનિજ અને એમિનો એસિડ્સ વગેરેથી વંચિત રહી જાય છે. આલ્ફાલ્ફામાં આવા પોષક તત્ત્વો ચિક્કાર પ્રમાણમાં છે. તેમાં બહુ મોટી માત્રાના વિટામિન એ, બી, સી, ઈ અને વિટામિન કે મોજૂદ છે. તેમાં કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવાં ખનિજો પણ મળી રહે છે. પાચન માટેના રેસા તત્ત્વો (ફાઈબર) પણ તેમાં છે અને લોહી બનવા માટે જરૂરી એવું ક્લૉરોફિલ (હરિન દ્રવ્ય) પણ પુષ્કળ પ્રમાણમાં છે. આમ, આપણી થાળીમાં જે ઊણપ રહી જતી હોય છે-એ કમી આલ્ફાલ્ફાના સેવન દ્વારા ભરપાઈ થઈ શકે છે. 

આલ્ફાલ્ફાના નિયમિત સેવનથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન-એ મળી રહે છે. જે આંખોની દૃષ્ટિ માટે ઉપયોગી છે. કોઈ પણ પ્રકારની ઈન્ફેેકશન સામે લડવા માટે એ અતિ ઉપયોગી છે. તેમાં રહેલું વિટામિન ઈ આપણી ત્વચાને સૂર્યતાપના રેડિયેશનથી રક્ષણ આપે છે. હવાના પ્રદૂષણ સામે મુકાબલો કરીને એ ત્વચાને નવજીવન બક્ષે છે. શરીરના મસલ્સને એ સ્વસ્થ રાખે છે. હૃદયને રક્ષણ આપે છે. હૃદયની નળીઓનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. 

* તેમાં રહેલું વિટામિન-યુ એક વિરલ અને મુશ્કેલીથી પ્રાપ્ત થતું તત્ત્વ છે. પેપ્ટિક અલ્સર સામે તે ખરું રક્ષણ આપે છે. આલ્ફાલ્ફામાં મોજૂદ વિટામિન બી-૬ ત્વચાને સારી રાખે છે, પ્રોટિન અને ફેટના મેટાબોલિઝમને દુરસ્ત રાખે છે. લિવરના ફંકશન માટે ઉપયોગી વિટામિન-કે પણ તેમાં છે. આ વિટામિન દીર્ઘાયુ માટે અને જનરલ હેલ્થ માટે બહુ ઉપયોગી છે. આલ્ફાલ્ફામાં એ ગુણ છે કે, ઈજા પછી રૂઝ લાવવામાં એ લોહી જામવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. તેમાં રહેલું વિટામિન ડી હાડકાની મજબૂતીમાં અને પેઢાને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

* આલ્ફાલ્ફામાં પ્રોટીનનું પ્રમાણ લગભગ ૧૯ ટકા છે. માંસમાં તે ૧૬.પ ટકા હોય છે, દૂધમાં ૩.૩ ટકા ઇંડામાં ૧૩ ટકા આસપાસ. આમ પ્રોટીનની બાબતમાં તે નોન-વેજ ખોરાક કરતાં પણ આગળ છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે, આયર્ન પણ છે જેનાથી હાડકાંની સ્વસ્થતા વધે છે, હેમોગ્લોબિન વધુ બને છે અને લોહીને ઑક્સિજન પણ પૂરતો મળી રહે છે. આલ્ફાલ્ફામાં રહેલું મેંગોનિઝ લોહીમાંથી ખાંડનું પ્રમાણ ઘટાડે છે. ડાયાબિટીસ માટે લેવાતી દવાઓને તે આપમેળે વધુ અસરકારક બનાવે છે. 

* મેંગેનિઝ ઉપરાંત પણ આલ્ફાલ્ફામાં પ્રચુર માત્રામાં પોષક દ્રવ્યો મોજૂદ છે. પોટેશિયમ, ફોસ્ફરસ, ક્લોરિન, સોડિયમ અને સિલિકોન મેગ્નેશિયમ જેવાં તેનાં દ્રવ્યો શરીરને અનેક પ્રકારે મદદ કરે છે. આલ્ફાલ્ફાની વિશિષ્ટતા એ છે કે તેનાં મૂળિયા જમીનથી છેક દસ-વીસ ફૂટ સુધી પહોંચે છે અને ત્યાંથી એ એવાં ખનિજો તાણી લાવે છે જે સામાન્ય રીતે જમીનની સપાટી પર મળતાં નથી. તેથી જ મિનરલ્સ (ખનિજ)ની બાબતમાં તેનાં જેવું સમૃદ્ધ સુપરફૂડ ભાગ્યે જ બીજું હોઈ હતો.

* આલ્ફાલ્ફાનો એક અદ્ભુત ગુણ છે: ચરબી ઘટાડવાનો. તેમાં એવાં તત્ત્વો ઠાંસી-ઠાંસીને ભર્યાં છે જે ચરબી ઓગાળવામાં મદદ કરે છે. જો તમે ડાયેટિંગ કરતા હો તો આલ્ફાલ્ફા એ ડાયેટિંગની અસર ચાર ગણી વધારી દે છે. તેનામાં એવા ભરપૂર પોષક દ્રવ્યો છે જેનાથી પેટમાં વધુ પડતી ભૂખ નથી લાગતી. ડાયેટિંગમાં ખોરાક ઓછો લેવાથી ઘણી વખત નબળાઈ આવી જતી હોય છે, સુસ્તી જેવું લાગવા માંડે છે. જો ડાયેટિંગમાં સાથે સાથે આલ્ફાલ્ફા પણ લેવામાં આવે તો આવી ફરિયાદ રહેતી નથી.

* પશ્ર્ચિમમાં થયેલાં પરીક્ષણો પરથી સાબિત થયું છે કે, કિડની, મૂત્રાશય, પ્રોસ્ટેટના દરદમાં આલ્ફાલ્ફા અક્સીર નીવડે છે. કિડનીમાં એ પથરી થવા દેતું નથી અને પથરી થઈ હોય તો તેને ઓગાળવાની ક્ષમતા પણ આલ્ફાલ્ફામાં છે. વધતી ઉંમર સાથે યુરિનનો પ્રવાહ ઘટી ગયો હોય તો તેને પણ નિયમિત કરવાની શક્તિ આલ્ફાલ્ફામાં છે. 

* એલર્જીથી પીડાતા કે અસ્થમાથી પીડાતા દર્દીઓ માટે આલ્ફાલ્ફા આશીર્વાદરૂપ સાબિત થાય છે. આવી સ્થિતિમાં એ દર્દીને ખાસ્સી રાહત પહોંચાડે છે. આલ્ફાલ્ફામાં રહેલું ક્લોરોફિલ આવી સ્થિતિમાં સાયનસને અને ફેફસાંને રક્ષણ આપે છે. અને રિકવરીનો સમય બહુ ઘટાડી નાખે છે. 

* શરીરમાંથી બેડ કોલેસ્ટોરલને નાથવા ઉપરાંત પણ આલ્ફાલ્ફા હૃદયને અનેક પ્રકારે સ્વસ્થ રાખે છે. હૃદયની આર્ટરીમાં એ પ્લાક જમા થવા દેતું નથી. આલ્ફાલ્ફામાં એવા વિશિષ્ટ ગુણો છે જેને લીધે હૃદય પોતાનું કાર્ય સરળતાથી કરતું રહે છે. 

* આરબો અને ગ્રીક પ્રજાએ આલ્ફાલ્ફાને એક પૌરુષવર્ધક ઔષધ તરીકે માન્યતા આપી છે. ચાઈનીઝ ઔષધ શાસ્ત્રમાં તો આ બાબતે તેનાં ભરપૂર ગુણગાન ગવાયાં છે. માત્ર પુરુષ નહીં, સ્ત્રીની પ્રજનનશક્તિમાં પણ એ વધારો કરે છે. 

* થાઈરોઈડ જેવી જટિલ બીમારીમાં તે અદ્ભુત કામ આપે છે. થાઈરોઈડથી પીડાતા દર્દીઓને રોજબરોજનાં જીવનમાં અનેક મુશ્કેલીઓ નડતી હોય છે. આલ્ફાલ્ફાના નિયમિત સેવનથી તેમની તકલીફો ખાસ્સી હદે હળવી થાય છે.

* લિવરને લગતી બીમારીમાં પણ આલ્ફાલ્ફા ઉપયોગી છે. અકાળે ધોળા થતા વાળ કે ખરતા વાળની પણ એ અક્સીર દવા છે.

* આલ્ફાલ્ફા ખરા અર્થમાં એક સુપરફૂડ છે. એ પોષકદ્રવ્યોથી ભરપૂર છે અને તેનું સેવન બહુ સરળતાથી કરી શકાય છે. શરીરની ગમે તેટલી જૂની કબજિયાત દૂર કરવાની તેનામાં ક્ષમતા છે. શરીરના આખા પાચનતંત્રનો કાયાકલ્પ કરીને એ મનુષ્યને એક સ્વસ્થ જીવન આપવા સમર્થ છે. 

આલ્ફાલ્ફા બજારમાં પાઉડર સ્વરૂપે ઉપલબ્ધ છે. દરરોજ સવારે નરણા કોઠે એક નાની ચમચી (ચારથી પાંચ ગ્રામ) જેટલા માપનું લઈ, તેને પાણી સાથે પીવાનું રહે છે. શરત માત્ર એટલી છે કે, અર્ધો કલાક સુધી કશું જ ખાવા-પીવાનું નહીં. બીજી મહત્ત્વની વાત: તમે જે આલ્ફાલ્ફા લો છો તે ૧૦૦ ટકા ઓર્ગેનિક, કેમિકલમુક્ત, જંતુનાશકમુક્ત હોય એ જરૂરી છે, કેમ કે શરીરનું ઝેર કાઢવા તમે જે ઔષધ લો છો, એ પોતે ઝેરી ન હોય એ ખ્યાલ રાખવો અનિવાર્ય છે.

પ્રેમ: બ્રહ્માંડની જેમ સર્વવ્યાપી છતાં અદૃશ્ય --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

પ્રેમ દેખાતો નથી પણ તેણે પૂરા બ્રહ્માંડને એકતાંતણે બાંધી રાખ્યો છે. પ્રેમ એબ્સ્ટ્રેડ-અમૂર્ત છે. બ્રહ્માંડની જેમ, ઈશ્ર્વરની જેમ, અંતરિક્ષની જેમ આ બધા દૃશ્યમાન નથી પણ બધે જ છે. પ્રેમનું પણ એવું જ છે. પ્રેમ બ્રહ્માંડ જ છે

બ્રહ્માંડમાં પ્રેમ ક્યાં ક્યાં છે? શું બ્રહ્માંડ પોતે જ પ્રેમ કરે છે? એમ હોય તો બ્રહ્માંડ પોતે જ જીવતું ગણાય. બ્રહ્માંડને હૃદય છે કે તે પ્રેમ કરે? માનવનું હૃદય તો માત્ર પંપ છે. એ તો કવિઓ ફેંકે છે કે હૃદય પ્રેમ કરે છે. હૃદય સંવેદના અનુભવે છે. હાં, માનવીની માનસિક પરિસ્થિતિની અસર મગજમાં થાય છે જે તરત જ હૃદય પર પડે છે. લોહીના પ્રવાહ પર પડે છે. ઘણા વળી કહે છે કે માનવીનું મન આ બધા માટે જવાબદાર છે. પણ મન એટલે શું? મન છે ક્યાં? હૃદય તો પંપરૂપે છે પણ મન ક્યાં છે? આજથી ૫૦૦ વર્ષ પહેલાં લોકોને આપણી શરીર રચના વિષે કંઈ ખબર ન હતી. હૃદય અને નાડી ધબકે છે તેની ખબર પડી હતી. માનવી મૃત્યુ પામે એટલે એ ધબકારા બંધ પડી જાય છે. તેની ખબર પડી હતી. માટે તેઓ માનતાં કે આત્મા હૃદયમાં રહે છે.

મન એ તદ્દન એબ્સ્ટ્રેડ-અમૂર્ત વિચાર છે. મનના અસ્તિત્વનેે બધા જ સ્વીકારે છે પણ વિજ્ઞાન તે સ્વીકારી શકે નહીં, કારણ કે મનને ક્યાં લોકેટ (કજ્ઞભફયિં) કરવું? શું આપણે મગજમાં ઊઠતા વિચારોને મન કહીએ છીએ? શું બ્રહ્માંડ એક વ્યક્તિ છે? કેમ નહીં? આજે આપણે જોઈએ છીએ તે તેનું શરીર છે.

પ્રેમ દેખાતો નથી પણ તેણે પૂરા બ્રહ્માંડને એકતાંતણે બાંધી રાખ્યો છે. પ્રેમ એબ્સ્ટ્રેડ-અમૂર્ત છે. બ્રહ્માંડની જેમ, ઈશ્ર્વરની જેમ, અંતરિક્ષની જેમ આ બધા દૃશ્યમાન નથી પણ બધે જ છે. પ્રેમનું પણ એવું જ છે. પ્રેમ બ્રહ્માંડ જ છે.

પ્રેમની અગાધતા બહુ મોટી છે, તેની દાર્શનિકતા ઘણી મોટી છે. તે બ્રહ્માંડની માફક સર્વવ્યાપી હોવા છતાં દૃશ્યમાન નથી. પ્રેમ આકાશીપિંડોમાં ગુરૂત્વાકર્ષણરૂપે દૃશ્યમાન થાય છે. એ પણ દૃશ્યમાન નથી. માત્ર તેની અસરો આપણને દેખાય છે. પૂરા બ્રહ્માંડને તેણે બાંધી રાખ્યું છે. એ અમૂર્ત હોવા છતાં મૂર્ત છે. તેની દાર્શનિકતા ભવ્યાતિભવ્ય છે. પ્રેમના ઘણા સ્વરૂપો છે. ભક્તિ, લાલસા, મોહ, લોભીપણું, આદત, જિજીવિષા, લોલૂપતા. જીવનની સલામતી સંદર્ભે વસ્તુના સંગ્રહમાં આપણે પ્રેમને ભૂલી ગયા છીએ.

કૃષ્ણપ્રેમ તો નરસિંહ મહેતાનો, મીરાબાઈનો. આખું બ્રહ્માંડ પ્રેમથી ટકી રહ્યું છે. તમને કોઈના પર પ્રેમ ન હોય તો તમારી જાત પર તો પ્રેમ હોય જ છે. જે લોકો આપઘાત કરે છે તેમને કોઈક પ્રકારનો પ્રેમ નથી મળ્યો માટે આપઘાત કરે છે. ધિક્કાર પણ પ્રેમનું જ સ્વરૂપ છે. તે પ્રેમનું વરવું સ્વરૂપ છે પણ છે પ્રેમનું જ સ્વરૂપ. જીવવાની જિજીવિષા પણ પ્રેમ જ છે. પ્રેમ વગર આ જગત શૂન્ય છે.

વૈરાગીને પણ છેવટે કોઈને કોઈ વસ્તુમાં પ્રેમ હોય જ છે. જ્ઞાન આપવાનો પ્રેમ, જીવનના ઉચ્ચસ્તરે પહોંચવાનો પ્રેમ.

પ્રશ્ર્ન એ છે કે પ્રેમ ન હોત તો શું થાત? વિજ્ઞાનના બધાં જ સત્યો પ્રેમને તાંતણે જ બંધાયેલાં છે. તે પછી વિદ્યુત, ચૂંબકીય બળ હોય કે પછી આણ્વિક બળ હોય. તર્ક પોતે જ પ્રેમનું સ્વરૂપ છે. વિજ્ઞાનીઓને વિજ્ઞાનમાં પ્રેમ છે માટે તે વિજ્ઞાન કરે છે. દરેકે દરેક વસ્તુ પાછળ પ્રેમ જ હોય છે. હૂંફ એટલે પ્રેમ. આપણને કાર્બનડાયોકસાઈડ કે કપડાં હૂંફ આપે છે. તે પ્રેમનો જ પ્રકાર છે.

વસ્તુના બધા જ કણો એકબીજાના પ્રેમમાં છે. માટે વસ્તુ ટકી રહી છે. ચાહના એટલે પ્રેમ, માન એટલે પ્રેમ, બ્રહ્માંડમાં વસ્તુ ઓછામાં ઓછી જગ્યા રોકે છે. તે પ્રેમનું જ સ્વરૂપ છે.

નદીને સમુદ્ર તરફ પ્રેમ છે માટે તે સમુદ્ર તરફ વહે છે. ઢાળ એ પ્રેમનો માર્ગ છે. વૃક્ષો જમીન સાથે ચોંટી રહે છે કે જમીન વૃક્ષોને ઝકડી રાખે છે. તે વૃક્ષોનો જમીન પ્રત્યે અને જમીનનો વૃક્ષો પ્રત્યે પ્રેમ છે. લતા વૃક્ષને વિંટળાઈ વળે છે તે લતાનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ છે.

પ્રેમ શબ્દ બહુ મોટો છે. તેના અર્થો અનેક છે. તે પાર્ટિકલથી માંડી પરબ્રહ્મ સુધી જાય છે. બ્રહ્માંડના છેડા સુધી જાય છે. તેનો પનો મોટો છે. તેમ છતાં તે સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છેવટે વિરાટનું સ્વરૂપ લે છે અને વિરાટ સૂક્ષ્મનું. કારણ કે સૂક્ષ્મને સમજતાં સમજતાં અનાયાસે આપણે વિરાટમાં ચાલ્યા જઈએ છીએ, વિરાટને સમજવા સક્ષમ થઈ જઈએ અને વિરાટને સમજતાં સમજતાં અનાયાસે આપણે સૂક્ષ્મમાં ચાલ્યા જઈએ છીએ. મોક્ષ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને વિરાટમાં વિરાટ. માટે જ વિજ્ઞાનીઓ વિશાળ વિશ્ર્વને સમજવા સૂક્ષ્મપદાર્થ કણોને, સૂક્ષ્મ દુનિયાને સમજવા પ્રયત્ન કરે છે અને સૂક્ષ્મપદાર્થ કણોને, સૂક્ષ્મ દુનિયાને સમજવા વિરાટ દુનિયાને સમજવા પ્રયત્ન કરે છે. આ બધું પ્રેમથી બંધાયેલું છે. વિરાટ દુનિયા અને સૂક્ષ્મ દુનિયા સંબંધથી બંધાયેલી છે. કોઈ પણ પ્રકારનો સંબંધ એટલે પ્રેમ. પ્રેમની ઘટના સ્થૂળ અર્થો પણ છે.

આ સૃષ્ટિ પ્રેમના માધ્યમથી ચાલે છે. જેને કોઈ પણ પ્રકારનો, કોઈ પણ પ્રકારે પ્રેમ જ નથી કર્યો તે કોઈના પણ પ્રેમને લાયક નથી. પ્રભુના પ્રેમને પણ નહીં. પ્રેમ બ્રહ્માંડનો રસતંતુ છે. શ્રી કૃષ્ણ મહાન છે કારણ કે તે પ્રેમના દેવતા છે.

બ્રહ્માંડના પ્રેમનું યિફહ જ્ઞાન મેળવવા પરણવું જરૂરી છે, અને દીકરી હોવી પણ જરૂરી છે. પ્રેમ છે તો કુટુંબ છે. પૈસો, સત્તા કે સૌંદર્ય પ્રેમ ઉત્પન્ન કરી શકે. દુનિયાની ઉત્ક્રાંતિ પ્રેમ વગર સંભવ નથી. જો ભ્રમર ફૂલને પ્રેમ ન કરે તો ફૂલમાંથી ફળ કેવી રીતે થાય?

પ્રથમ તો માનવીએ પોતાની જાતને પ્રેમ કરવો પડે પછી દુનિયાને. પ્રેમ આપણને સમૃદ્ધ બનાવે છે. દુનિયામાં પિતા-પુત્રીનો પ્રેમ અજોડ છે. કેટલાક પ્રેમ સ્વાર્થના છે તો કેટલાક પરમાર્થના.

તત્ત્વો, અણુ, પરમાણુ, રેણુ બધા આકર્ષણથી બંધાયેલાં છે. ગાંડપણ એ પણ પ્રેમનું જ ઘેલું સ્વરૂપ છે. વાદળોને ધરતી પર પ્રેમ છે, માટે તે વરસે છે. ઘર્ષણનું બળ (ઋશિભશિંજ્ઞક્ષફહ ઋજ્ઞભિય) શું છે? એ સપાટી વચ્ચેનો પ્રેમ. જ્યાં સુધી બહારનું બળ ન લાગે ત્યાં સુધી સ્થિર વસ્તુ સ્થિર રહે છે અને એક જ ગતિથી ચાલતી વસ્તુ એ જ ગતિએ ચાલે છે તેવો ન્યૂટનનો નિયમ વસ્તુનો સ્થિતિ સાથેનો પ્રેમ દર્શાવે છે. પ્રેમ સર્જન પણ કરે છે અને વિસર્જન પણ.

ગુરૂત્વાકર્ષણને બ્રહ્માંડ બનાવી રાખવું છે માટે જ કુદરતે તેને આકર્ષણની શક્તિ બનાવી રાખ્યું છે. આપણે ઘણીવાર થાય કે કુદરતે આપણને જીવવા કેટલી બધી સુંદર વ્યવસ્થા કરી છે. તે કુદરતનો જીવમાત્ર પરનો પ્રેમ છે.

જ્યાં વસ્તુને બનાવી રાખવી હોય, સમાજ, દેશ અને દુનિયાને બનાવી રાખવાં હોય તો તે પ્રેમથી જ શક્ય છે. જેમ જેમ તમે તમારી જાત સાથે, સમાજ સાથે, દેશ સાથે અને દુનિયા સાથે પ્રેમ વધારતા જાવ તેમ તેમ તમારો વિસ્તાર થતો જાય. પ્રેમમાં વિસ્તાર છે. વાયુમંડળ પૃથ્વીને પ્રેમ કરે છે માટે તે પૃથ્વી ફરતે વીંટળાઈ રહ્યું છે. વૃક્ષોને સૂર્ય સાથે પ્રેમ છે માટે તે ઊંચે જાય છે. પ્રેમની શક્તિ ગજબ છે. પ્રેમ હિમાલયને પણ ડોલાવી શકે છે. પ્રેમ જ બ્રહ્મ છે અને ઈશ્ર્વર છે.

શ્રીકૃષ્ણના જીવનમાંથી પ્રેમનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તેનો સુદામા પ્રત્યે, પાંડવો પ્રત્યે, ગોકુળ અને ગોપીઓ પ્રત્યે, કુબડી પ્રત્યે, ભીષ્મ પ્રત્યે, દ્રૌપદી પ્રત્યે, વિદુરજી સાથે પ્રેમનું ઉદાત્ત સ્વરૂપ છે.

જેમ જીવને માયા લાગે છે તો તેનું પોતાનું સાચું બ્રહ્મસ્વરૂપ દેખાતું નથી તેમ પ્રેમને પણ માયા લાગે છે ત્યારે તેને તેનું સાચું બ્રહ્મસ્વરૂપ દેખાતું નથી. મહાવીર, બુદ્ધ, ગાંધીજીએ જગતને પ્રેમ કર્યો છે. ઘર શા માટે ઘર કહેવાય છે? ઘર દુનિયાનો છેડો શા માટે કહેવાય છે? કારણ કે ત્યાં પ્રેમ વસે છે. હોટેલ ગમે તેટલી વૈભવી અને સારી 

હોય તો પણ ત્યાં પ્રેમ નિવાસ નથી કરતો. ઘર નિર્જીવ નથી. માનો પ્રેમ, પ્રેમનું ઉચ્ચ સ્વરૂપ છે.

દરિયો પૃથ્વીને પ્રેમ કરે છે, માટે ઘુઘવે છે. વિસ્તરતું વિશ્ર્વ એટલે પરબ્રહ્મનો વિસ્તરતો પ્રેમ, અંતરિક્ષનો વિસ્તરતો પ્રેમ, વસ્તુઓને રહેવા જગ્યા બનાવતો પ્રેમ. આ બ્રહ્માંડમાં પ્રેમથી છૂટાય તેમ નથી.

ગણિતશાસ્ત્રીઓ માટે ગણિતના જુળબજ્ઞહત અને સમીકરણો જીવંત જ છે. તેઓ જ ગણિતશાસ્ત્રીઓને તેઓનો અર્થ સમજાવે છે. બ્રહ્માંડ એટલે પ્રેમનો પરપોટો. સુખનો પાસ વર્ડ પ્રેમ છે.

જ્યોતિષશાસ્ત્રનો પ્રભાવ દુનિયાભરમાં વધી રહ્યો છે --- સ્પોટ લાઈટ - સંજય વોરા

માત્ર ભારતના જ નહીં, વિદેશના સંશોધકો પણ હવે જ્યોતિષશાસ્ત્રની વિશ્ર્વસનીયતાનો સ્વીકાર કરી રહ્યા છે

કોઈ પણ માણસના વ્યક્તિત્વના ઘડતરમાં તેના જન્મ સમયના ગ્રહો જે ફાળો આપે છે, તેની આગાહી જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ સચોટ રીતે થઈ શકે છે, એવો અમારો અંગત અનુભવ છે. આજે દેશમાં જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન ગણાય કે ન ગણાય એ બાબતમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે. પોતાની જાતને બુદ્ધિજીવી ગણાવતા તત્ત્વો આજે પણ જ્યોતિષશાસ્ત્રનો વિરોધ કરી રહ્યા છે. આ તત્ત્વોની અસરને કારણે સ્વતંત્રતા મળી તેના ૫૬ વર્ષ સુધી આપણી યુનિવર્સિટીઓમાં જ્યોતિષનો અભ્યાસ થઈ શકતો નહોતો. ભાજપની સરકારે યુનિવર્સિટીઓમાં જ્યોતિષનો અભ્યાસ શરૂ કરાવ્યો તેનો પણ તેમણે વિરોધ કર્યો હતો. હકીકતમાં ભારતનો જ્યારે સુવર્ણયુગ હતો ત્યારે નાલંદા અને તક્ષશિલા જેવી વિશ્ર્વવિદ્યાપીઠોમાં દેશવિદેશના વિદ્યાર્થીઓ ભારતીય ખગોળ અને જ્યોતિષનો અભ્યાસ કરવા માટે ખાસ આવતા. વરાહમિહિર જેવા ભારતીય જ્યોતિર્વિદો એ જમાનામાં વિશ્ર્વવિખ્યાત હતા. ભારતમાં અંગ્રેજી શિક્ષણની અસર હેઠળ શિક્ષિતોનો જે વર્ગ ઊભો થયો તે પ્રારંભથી જ જ્યોતિષ પ્રત્યે એક જાતની સૂગ ધરાવતો થયો હતો. હવે પરિસ્થિતિ બદલાઈ છે. માત્ર ભારતના જ નહીં, વિદેશના સંશોધકો પણ હવે જ્યોતિષશાસ્ત્રની વિશ્ર્વસનીયતાનો સ્વીકાર કરી રહ્યા છે. 

થોડા સમય અગાઉ માઈકલ ગેક્વેલિન નામના ફ્રેન્ચ મનોવિજ્ઞાનીએ સેંકડો નામાંકિત લોકોની જન્મતારીખો એકઠી કરી અને એ જાણવાનો પ્રયત્નો કર્યો કે આ લોકોના જન્મસમયના ગ્રહો અને તેમના વ્યક્તિત્વ વચ્ચે કોઈ સંબંધ છે ખરો ? ગેક્વેલિને જે લોકોની જન્મતારીખો ઉપર સંશોધન કર્યું તેમાં જાણીતા રમતવીરો, ડોક્ટરો, અભિનેતાઓ, વિજ્ઞાનીઓ વગેરેનો સમાવેશ થતો હતો. માઈકલ ગેક્વેલિને જોયું કે બહુમતી કિસ્સાઓમાં જન્મસમયના ગ્રહો અને વ્યક્તિત્વ તેમ જ વ્યવસાય વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થતો હતો. ગેક્વેલિને જોયું કે લગભગ બધા ડોક્ટરોના જન્મસમયે મંગળ અથવા શનિનો ઉદય થતો હતો અથવા અસ્ત થતો હતો. સાદી ભાષામાં કહીએ તો તબીબી વ્યવસાય સાથે મંગળ અને શનિનો ઘનિષ્ઠ સંબંધ જોવા મળ્યો હતો. જ્યોતિષની ભાષામાં કહીએ તો જે વ્યક્તિની કુંડળીમાં લગ્ને અથવા સાતમા સ્થાનમાં શનિ કે મંગળ હોય તેઓ ડોક્ટરી વ્યવસાયમાં સફળ બને એવી શક્યતા વધી જાય છે. એક વિદ્વાન જ્યોતિષના જણાવ્યા મુજબ મંગળનો સંબંધ અસ્ત્રશસ્ત્ર અને લોહી સાથે છે અને શનિનો સંબંધ ચીવટ તેમ જ ઝીણવટપૂર્વકનાં કામો સાથે છે. જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન અને સાતમું સ્થાન વ્યક્તિત્વ અને કારકિર્દી સાથે સંકળાયેલા છે. આમ ભારતના જ્યોતિષો જે વાત કોઈ પણ જાતના સંશોધન વિના અભ્યાસ અને અનુભવના આધારે કહેતા આવ્યા છે તે જ વાત ફ્રેન્ચ સંશોધકે સેંકડો મશહૂર લોકોની કુંડળી તપાસીને સાબિત કરી આપી હતી. 

ફ્રેન્ચ સંશોધક માઈકલ ગેક્વેલિને જ્યારે જ્યોતિષશાસ્ત્ર ઉપર રિસર્ચનાં પરિણામો બહાર પાડ્યાં ત્યારે યુરોપમાં ખૂબ ઉહાપોહ થયો હતો. બેલ્જિયમના વિજ્ઞાનીઓએ તો સ્વતંત્ર રીતે આ પરિણામોનું મૂલ્યાંકન કર્યું હતું અને તેમને પણ ગેક્વેલિનની વાત સાચી જણાઈ હતી. માઈકલ ગેક્વેલિનને પોતે જે સંશોધન કર્યું તેમાં એટલો બધો વિશ્ર્વાસ હતો કે તેણે કડક મિજાજ ધરાવતા બ્રિટિશ માનસવિદ પ્રોફેસર એચ. જે. આઈઝેન્ક સમક્ષ પોતાનું સંશોધન ચકાસવા માટે રજૂ કર્યું હતું. આઈઝેન્કે આ પરિણામોનો અભ્યાસ કરીને જાહેર કર્યું હતું કે તેમને તેમાં કંઈ જ ખોટું જણાતું નથી. આ પ્રયોગો પછી યુરોપની જે પ્રજા અગાઉ જ્યોતિષશાસ્ત્રને હંબગ માનતી હતી તે પણ હવે ભારતની આ પ્રાચીન વિદ્યામાં રસ લેવા માંડી છે. 

યુરોપ અને અમેરિકામાં ‘કેઓસ થિયરી’ નામની એક વિદ્યાશાખાનો પ્રચાર વધી રહ્યો છે. આ થિયરીના નિષ્ણાતો એવું માને છે કે આ બ્રહ્માંડની દરેક ઘટનાઓનો એકબીજી સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે. તેમના માનવા પ્રમાણે કોઈ ઘટના સ્વતંત્ર નથી બનતી. દા. ત. અમેરિકામાં દરિયામાં કોઈ મોટું વાવાઝોડું આવી રહ્યું હોય તો તેને કારણે દુનિયાના બીજે ખૂણે રહેલા પતંગિયાની પાંખો ફફડવા લાગે છે. આ પાંખો ફફડવાનું કારણ વિશ્ર્વના કોઈ ખૂણે પેદા થયેલો ઝંઝાવાત છે, જેના તરંગો પતંગિયાં સુધી પહોંચી જાય છે. તેવી જ રીતે પૃથ્વી ઉપર સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારામાંથી જે કિરણોત્સર્ગ છૂટે છે, તેની અસર માનવજીવન ઉપર અને કુદરત ઉપર થતી હોય છે, એવું હવે વિજ્ઞાનીઓ પણ માનવા લાગ્યા છે. 

એક રીતે જોઈએ તો આયુર્વેદના વિજ્ઞાનની જેમ જ્યોતિષશાસ્ત્ર પણ ભારતવર્ષનું એક પ્રાચીન વિજ્ઞાન જ છે. જ્યોતિષને વિજ્ઞાન ગણવું કે નહિ એ બાબતમાં આપણને પશ્ર્ચિમી દેશોના પ્રમાણપત્રની કોઈ જરૂર નથી. ભારતની સંસ્કૃતિમાં વિશ્ર્વાસ ધરાવતી પ્રજા પરાપૂર્વથી જ્યોતિષને વિજ્ઞાન માનતી આવી છે અને ભવિષ્યમાં પણ માનતી રહેશે.

બ્રિટનમાં એક સમયે જ્યોતિષ અને મંત્રતંત્ર માટે એટલી નફરત હતી કે ઈસુની સત્તરમી સદીમાં જ્યોતિષ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ઈ.સ. ૧૬૪૬ ની સાલમાં બ્રિટનના વિલિયમ રોઝ નામના જ્યોતિષે એવી આગાહી કરી હતી કે લંડન શહેર એક મોટી આગમાં ભસ્મ થઈ જશે. આ આગાહી ઈ.સ. ૧૬૬૧ માં સાચી પુરવાર થઈ ત્યારે વિલિમય રોઝ ઉપર બ્રિટનની આમસભા તરફથી રીતસર ખટલો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે મોટા ભાગના લોકો એવું માનતા હતા કે વિલિયમને ફાંસીના માંચડે ચડાવવામાં આવશે. આમસભા સમક્ષ વિલિયમે જ્યોતિષશાસ્ત્રને પ્રામાણિક ગણાવતી જે દલીલો કરી તે એટલી તર્કબદ્ધ હતી કે આમસભાએ તેને પૂર્ણ બહુમાન સાથે મુક્ત કર્યો હતો. યુરોપમાં થઈ ગયેલા નોસ્ટ્રાડેમસ નામના ભવિષ્યવેત્તાએ છેક સોળમી સદીમાં જે આગાહીઓ કરી હતી તે આજદિ સુધી સાચી પુરવાર થતી આવી છે. 

ભારતીય જ્યોતિષ વિદ્યાને પશ્ર્ચિમમાં લોકપ્રિય બનાવવાનું કાર્ય ડો. બી. વી. રામને કર્યું હતું. તેમણે બીજા વિશ્ર્વયુદ્ધની એકદમ સચોટ આગાહી કરી હતી. તેમણે લખેલા પુસ્તક ‘વર્લ્ડ પ્રોસ્પેક્ટસ’ને વિશ્ર્વભરમાં આવકાર મળ્યો હતો. ડો. રામનના કહેવા મુજબ જ્યોતિષશાસ્ત્રનો પાયો ભારતીય દર્શનમાં જોવા મળતી કર્મની થિયરી છે. કોઈ પણ વિદ્યાને વિજ્ઞાન ત્યારે જ કહેવાય કે જ્યારે તેના નિયમો સ્પષ્ટ ભાષામાં જણાવવામાં આવ્યા હોય અને પ્રયોગો દ્વારા તેને સાબિત પણ કરી શકાયા હોય. આ વ્યાખ્યા ભારતના પ્રસિદ્ધ વિજ્ઞાની ડો. જયંત નાર્લિકરે કરી છે. આ વ્યાખ્યા મુજબ જ્યોતિષશાસ્ત્રના નિયમો ખૂબ જ સ્પષ્ટ અને ચોક્કસ ભાષામાં ઘડવામાં આવ્યા છે અને હવે તો સ્વતંત્ર પ્રયોગો દ્વારા તેની સાબિતી પણ થઈ રહી છે. મુંબઈમાં જ્યોતિષ ભારતીના વિદ્યાર્થીઓએ ટેક્સ્ટાઈલ્સના ધંધા સાથે સંકળાયેલા લોકોની કુંડળીઓ ભેગી કરી જે સંશોધન કર્યું તે અને ફ્રેન્ચ મનોવિજ્ઞાનીએ જે સંશોધન કર્યું તે પુરવાર કરે છે કે જ્યોતિષ પણ નક્કર વિજ્ઞાન જ છે. જોકે વિજ્ઞાનીઓ હૃદયપૂર્વક જ્યોતિષશાસ્ત્રને અપનાવી લે તે માટે આ પ્રકારના બીજા ઘણા પ્રયોગો જરૂરી બની રહે છે. 

ઘણા લોકો જ્યોતિષશાસ્ત્રને ઉતારી પાડવા માટે એવી દલીલ કરે છે કે જ્યોતિષીઓની બધી આગાહીઓ ક્યાં સાચી પડે છે ? જેની બધી આગાહીઓ સાચી ન પડતી હોય તેને વિજ્ઞાન ન કહી શકાય. આવા લોકોને એટલું જ કહેવાનું કે એમ તો હવામાન ખાતાની બધી આગાહીઓ પણ ક્યાં સાચી પડે છે ? તેઓ જ્યારે ધોધમાર વરસાદ આવવાની આગાહી કરે ત્યારે ઉઘાડ નીકળે છે અને ક્યારેક કોઈ આગાહી વિના મુશળધાર વરસાદ તૂટી પડે છે. આ માટે તેઓ એવી દલીલ કરશે કે એ તો હવામાન વિભાગનું ગણિત ખોટું હોઈ શકે છે. આ વાત જ્યોતિષ માટે પણ સાચી છે. જ્યોતિષની સફળતાનો પાયો ગણિતશાસ્ત્ર જ છે. જો ગણતરીમાં નાનકડી પણ ભૂલ રહી જાય તો આગાહી ખોટી પડે છે, તેનો અર્થ એવો નથી કે જ્યોતિષશાસ્ત્ર મૂળમાંથી ખોટું છે. આજે જ્યોતિષશાસ્ત્રનું જો કોઈ સૌથી સબળ પાસું હોય તો તે વ્યક્તિને મળ્યા વિના માત્ર તેની કુંડળી જોઈને જ તેના સ્વભાવ, વ્યક્તિત્વ, ખાસિયતો, બુદ્ધિમતા, શરીરનો દેખાવ, ચામડીનો વર્ણ, રસના વિષયો, માતાપિતા વગેરે સાથેના સંબંધો, નોકરી ધંધામાં સફળતા કે નિષ્ફળતા, લગ્નસંબંધોની વિગતો, આરોગ્ય, લક્ષ્મી વગેરેની વિગતો સચોટ રીતે કહેવાની કુશળતા છે. આ હકીકતો માત્ર વ્યક્તિના જન્મસમયના ગ્રહોનું ગણિત કરીને જ કહી શકાય છે. આ લખનારનો અંગત અનુભવ એમ કહે છે કે કુંડળીના આધારે ઉપર મુજબની જે કોઈ વિગતો જણાવવામાં આવે છે તે ૯૦ ટકા જેટલી સાચી પડે છે. આ હકીકતની કોઈ પણ વ્યક્તિ કસોટી કરી શકે તેમ છે, કારણ કે તે માટે ભવિષ્યની રાહ જોવાની જરાય જરૂર પડતી નથી. 

ઘણા લોકો એવી દલીલ કરે છે કે જ્યોતિષીઓ આપણા તકદીરને તો બદલી નથી શકતા ને ? તો પછી તેની કડાકૂટમાં પડવાની શી જરૂર ? જ્યોતિષીઓ બનનારી ઘટનાને અટકાવી નથી શકતા પણ આપણને સાવચેત જરૂર કરી શકે છે, જેને કારણે આપણે સંભવિત નુકસાનની અસરમાંથી બચી પણ શકીએ છીએ. વળી ધર્મશાસ્ત્રો માત્ર નસીબમાં જ નથી માનતા પણ પુરૂષાર્થમાં પણ માને છે. મનુષ્ય પોતાના પુરૂષાર્થ વડે પોતાનું નસીબ પણ બદલી શકે છે, પણ નસીબ બદલવા માટે પણ નસીબમાં શું લખેલું છે તેની જાણ હોવી જોઈએ ને ? આ જાણ આપણને જ્યોતિષીઓ કરાવે છે. 

જ્યોતિષશાસ્ત્રના વિરોધીઓ એવી પણ દલીલ કરે છે કે કેટલાક લેભાગુ જ્યોતિષીઓ લોકોને ઠગવાનું જ કામ કરે છે. આ દલીલ તો લેભાગુ ડોક્ટરો, વકીલો અને શિક્ષકોને પણ લાગુ પડે છે. તેટલા માત્રથી આ બધા વ્યવસાયો સમાજ માટે હાનિકારક પુરવાર નથી થઈ જતા. વિરોધ કરવો જ હોય તો લેભાગુ ડોક્ટરો, વકીલો, શિક્ષકો અને જ્યોતિષીઓનો કરવો જોઈએ. આપણા પ્રાચીન જ્ઞાનના ભવ્ય વારસાનો વિરોધ કરીને આપણે જ આપણી સંસ્કૃતિના દુશ્મન બનવાની ભૂમિકા ભજવવાનું છોડી દેવું જોઈએ.

ખગોળવિદો માટે મોટો પડકાર --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

મંદાકિનીના કેન્દ્રથી દૂર પરિભ્રમણ કરતા તારા વધારે ઝડપે ગતિ કરીને ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમને ચેલેન્જ કરતા જણાય છે

મંદાકિનીઓનો અભ્યાસ કરતા ખગોળવિદોને માલૂમ પડ્યું છે કે મંદાકિનીઓનાં કેન્દ્રોથી દૂર રહેલા તારા ન્યુટનના ગુરુત્વાકર્ષણ અને ડાયનામિક્સના નિયમો મુજબ જે ગતિથી પોતપોતાની મંદાકિનીનાં કેન્દ્ર ફરતે પરિક્રમા કરતા હોવા જોઈએ તેના કરતાં તેમની પરિક્રમા કરવાની ગતિ ખૂબ જ વધારે છે. ન્યુટનના ડાયનામિક્સ પ્રમાણે આકાશીપિંડ તેના કેન્દ્રીય શક્તિશાળી આકાશીપિંડથી જેટલો વધારે દૂર તેમ તેના કેન્દ્રીય શક્તિશાળી આકાશીપિંડની ફરતે પરિક્રમા કરવાની ગતિ ઓછી હોવી જોઈએ પણ અહીં મંદાકિનીની બાબતમાં આવું બનતું નથી.

ન્યુટનના ડાયનામિક્સ પ્રમાણે બુધ ગ્રહ સૂર્યની ફરતે ખૂબ જ ઝડપથી પરિક્રમા કરે છે. તેના પછી આવેલ શુક્ર ગ્રહ, બુધ ગ્રહ કરતાં ઓછી ગતિથી પરિક્રમા કરે છે. તેના પછી આવેલ પૃથ્વી, શુક્ર જે ઝડપે સૂર્ય-પરિક્રમા કરે છે તેનાથી પણ ઓછી ઝડપે સૂર્ય-પરિક્રમા કરે છે. આમ જેમ જેમ ગ્રહ સૂર્યથી દૂર તેમ તેમ તેની સૂર્ય ફરતે પરિક્રમા કરવાની ઝડપ ઓછી થતી જાય છે. પણ મંદાકિનીમાં દૂર દૂરના તારા ધીમે ગતિ કરવાને બદલે વધારે ઝડપથી ગતિ કરતા દેખાય છે. આ ન્યુટનના ડાયનામિક્સને સીધી જ ચેલેન્જ કરે છે.

ખગોળ વિજ્ઞાનીઓ માને છે કે બ્રહ્માંડમાં મોટા પ્રમાણમાં નહીં દેખાતો પદાર્થ છે જે ગેલેક્સીમાં દૂર દૂર રહીને પરિક્રમા કરતા તારાને ખૂબ ઝડપથી ગતિ કરવા ફરજ પાડે છે. તેઓ આ પદાર્થના સગડ મેળવવા પ્રયત્ન કરે છે પણ હજુ સુધી નિષ્ફળ રહ્યા છે. તેઓએ બ્રહ્માંડમાં હોવાનું મનાતા અદૃશ્ય પદાર્થને ડાર્કમેટર અને ડાર્ક એનર્જી એવાં નામ આપ્યાં છે.

મંદાકિનીના કેન્દ્રથી દૂર દૂર રહેલા તારા ન્યુટનની થિયરી દર્શાવે છે તેનાથી ઘણી વધારે ઝડપે મંદાકિનીના કેન્દ્રની ફરતે પરિક્રમા કરે છે તે દેખાતું સત્ય છે. તેને થિયરીથી સમજાવવું જ રહ્યું. આ બાબત સમજાવવા વિજ્ઞાનીઓ ડાર્કમેટર અને ડાર્ક એનર્જીના અસ્તિત્વની ધારણા લઈને આવ્યા છે. આ હજુ ધારણા જ છે, કેમ કે ડાર્કમેટર અને ડાર્ક એનર્જી બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે તેના ખરેખર પુરાવા મળ્યા નથી.

જો આ ધારણા ન લઈએ તો ન્યુટનનું ડાયનામિક્સ ઉપરોક્ત પરિસ્થિતિને સમજાવવામાં નિષ્ફળ ગયું ગણાય. તો આ બાબતે કરવું શું? ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમને એવી રીતે સુધારી શકાય જે આ પરિસ્થિતિ સાથે સહમત થાય. જો ડાર્કમેટર કે ડાર્ક એનર્જી શોધાય તો ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમને સુધારવાની જરૂર પડે નહીં. ન્યુટનના ડાયનામિક્સને સુધારવાની બાબતમાં જ્યાં સુધી તે સુધારો થિયરીથી સમજાવી શકાય નહીં ત્યાં સુધી ઈમ્પીરિકલ (અનુભવજન્ય) જ ગણાય.

ન્યુટનનું ડાયનામિક્સ પ્રચંડ ગતિ કે પ્રચંડ ગુરુત્વાકર્ષણ માટે સાચાં પરિણામો આપતું નથી. માટે જ તો આઈન્સ્ટાઈનને તેના વિશિષ્ટ અને વિસ્તૃત સાપેક્ષવાદોને લાવવાની જરૂર પડી હતી. હવે આ મંદાકિનીના દૂરના તારા ન્યુટનના ડાયનામિક્સને અનુસરતાં નથી તે દર્શાવે છે કે ન્યુટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ તદ્દન ઓછા પ્રવેગ માટે પણ કદાચ સાચો ન હોય.

ન્યુટનનું ડાયનામિક્સ આમ બંને છેડે બરાબર પરિણામ નહીં આપતું દેખાય છે. ઉપરના છેડા માટે આઈન્સ્ટાઈનને થિયરી આપવી પડી. હવે તેના નીચેના છેડા માટે પણ નવી થિયરી આપવાની જરૂરત ઊભી થઈ છે. ન્યુટનની થિયરી આ બે છેડા વચ્ચે બરાબર પરિણામ આપે છે. માટે જો આપણે ડાર્કમેટર અને ડાર્કએનર્જીના અસ્તિત્વની ધારણા ન લઈએ તો ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમને સુધારવાની જરૂરત પડી છે અને પછી તેને થિયરીથી પણ સમજવાની જરૂર પડે. આ બાબતે ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમમાં જ સુધારો કરવો પડે, કારણ કે ન્યુટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રચંડ ગતિ કે પ્રચંડ ગુરુત્વાકર્ષણ ન હોય તો સાચો જ પડે.

ઈઝરાયલી ખગોળવિદ્ મોર્દેહાઈ મિલગ્રોમને ઉપરોક્ત પરિસ્થિતિ સમજાવવા ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમને સુધારવાનો વિચાર આવ્યો. તેણે જોયું કે મંદાકિનીમાં દૂર દૂર ગુરુત્વાકર્ષણ નિર્બળ બને છે પણ તે તેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં નિર્બળ બનતું નથી પણ થોડું વિચિત્ર પ્રમાણમાં નિર્બળ બને છે. ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમમાં પ્રથમ વાર જ ગેલેક્સીના સ્તરે ઊણપ દેખાઈ છે. જો તેમાં સુધારો કરવામાં આવે તો ગેલેક્સી કેન્દ્રથી ખૂબ જ દૂર રહીને ગેલેક્સીના કેન્દ્ર ફરતે પરિક્રમા કરતા તારાનું ઝડપી ભ્રમણ તે સમજાવી શકે.

આ બાબતે બીજા ખગોળવિદોનું કહેવું છે કે આ તો સુસ્થાપિત ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમમાં છેડછાડ કર્યા જેવું ગણાય. ૩૦૦ વર્ષથી ન્યુટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ સામાન્ય સ્થિતિમાં એટલે કે પ્રચંડ ગતિ ન હોય કે પ્રચંડ ગુરુત્વાકર્ષણ ન હોય તો સાચાં પરિણામો આપી રહ્યો છે. તેમાં સુધારો કરવો કેટલો યોગ્ય ગણાય? કદાચ એ ન્યુટનનું અપમાન જ છે. તેઓ માને છે કે ન્યુટનના નિયમમાં સુધારો કરવાને બદલે બ્રહ્માંડમાં ડાર્કમેટર અને ડાર્ક એનર્જી છે જે મંદાકિનીમાં દૂર દૂર રહેલા તારાના મંદાકિનીના કેન્દ્ર ફરતેના પરિભ્રમણને તેજીલું બનાવે છે. તે ધારણા આ પરિસ્થિતિને સમજાવી શકે છે માટે તે ધારણા લેવી વધારે યોગ્ય ગણાય, પણ સાથે સાથે એ પણ નોંધવું જોઇએ કે તે ધારણા છે અને હજુ સુધી બ્રહ્માંડમાં ડાર્કમેટર અને ડાર્ક એનર્જીના અસ્તિત્વના સબળ સગડ મળ્યા નથી.

મંદાકિનીના દૂરના તારાના ઝડપી પરિભ્રમણે જે પરિસ્થિતિ અને પ્રશ્ર્નો ઊભા કર્યા છે તે ખરેખર વિચિત્ર છે અને તે સમજવું ખગોળવિદો માટે પડકાર સમાન છે. જોઈએ હવે ખગોળવિદો આ પરિસ્થિતિને કેવી રીતે સમજે છે અને પછી આપણને કેવી રીતે સમજાવે છે. ન્યુટનના નિયમમાં આ ઊણપ પ્રથમ વાર જ તેને શોધાયા બાદ ૩૦૦ વર્ષ પછી દેખાઈ છે અને તે ગેલેક્સીના સ્તરે છે. બીજા કોઈ સ્થાનિક સ્તરે તે દેખાઈ નથી.