Monday, July 7, 2014

જ્યોતિષશાસ્ત્રનો પ્રભાવ દુનિયાભરમાં વધી રહ્યો છે --- સ્પોટ લાઈટ - સંજય વોરા

માત્ર ભારતના જ નહીં, વિદેશના સંશોધકો પણ હવે જ્યોતિષશાસ્ત્રની વિશ્ર્વસનીયતાનો સ્વીકાર કરી રહ્યા છે

કોઈ પણ માણસના વ્યક્તિત્વના ઘડતરમાં તેના જન્મ સમયના ગ્રહો જે ફાળો આપે છે, તેની આગાહી જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ સચોટ રીતે થઈ શકે છે, એવો અમારો અંગત અનુભવ છે. આજે દેશમાં જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન ગણાય કે ન ગણાય એ બાબતમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે. પોતાની જાતને બુદ્ધિજીવી ગણાવતા તત્ત્વો આજે પણ જ્યોતિષશાસ્ત્રનો વિરોધ કરી રહ્યા છે. આ તત્ત્વોની અસરને કારણે સ્વતંત્રતા મળી તેના ૫૬ વર્ષ સુધી આપણી યુનિવર્સિટીઓમાં જ્યોતિષનો અભ્યાસ થઈ શકતો નહોતો. ભાજપની સરકારે યુનિવર્સિટીઓમાં જ્યોતિષનો અભ્યાસ શરૂ કરાવ્યો તેનો પણ તેમણે વિરોધ કર્યો હતો. હકીકતમાં ભારતનો જ્યારે સુવર્ણયુગ હતો ત્યારે નાલંદા અને તક્ષશિલા જેવી વિશ્ર્વવિદ્યાપીઠોમાં દેશવિદેશના વિદ્યાર્થીઓ ભારતીય ખગોળ અને જ્યોતિષનો અભ્યાસ કરવા માટે ખાસ આવતા. વરાહમિહિર જેવા ભારતીય જ્યોતિર્વિદો એ જમાનામાં વિશ્ર્વવિખ્યાત હતા. ભારતમાં અંગ્રેજી શિક્ષણની અસર હેઠળ શિક્ષિતોનો જે વર્ગ ઊભો થયો તે પ્રારંભથી જ જ્યોતિષ પ્રત્યે એક જાતની સૂગ ધરાવતો થયો હતો. હવે પરિસ્થિતિ બદલાઈ છે. માત્ર ભારતના જ નહીં, વિદેશના સંશોધકો પણ હવે જ્યોતિષશાસ્ત્રની વિશ્ર્વસનીયતાનો સ્વીકાર કરી રહ્યા છે. 

થોડા સમય અગાઉ માઈકલ ગેક્વેલિન નામના ફ્રેન્ચ મનોવિજ્ઞાનીએ સેંકડો નામાંકિત લોકોની જન્મતારીખો એકઠી કરી અને એ જાણવાનો પ્રયત્નો કર્યો કે આ લોકોના જન્મસમયના ગ્રહો અને તેમના વ્યક્તિત્વ વચ્ચે કોઈ સંબંધ છે ખરો ? ગેક્વેલિને જે લોકોની જન્મતારીખો ઉપર સંશોધન કર્યું તેમાં જાણીતા રમતવીરો, ડોક્ટરો, અભિનેતાઓ, વિજ્ઞાનીઓ વગેરેનો સમાવેશ થતો હતો. માઈકલ ગેક્વેલિને જોયું કે બહુમતી કિસ્સાઓમાં જન્મસમયના ગ્રહો અને વ્યક્તિત્વ તેમ જ વ્યવસાય વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થતો હતો. ગેક્વેલિને જોયું કે લગભગ બધા ડોક્ટરોના જન્મસમયે મંગળ અથવા શનિનો ઉદય થતો હતો અથવા અસ્ત થતો હતો. સાદી ભાષામાં કહીએ તો તબીબી વ્યવસાય સાથે મંગળ અને શનિનો ઘનિષ્ઠ સંબંધ જોવા મળ્યો હતો. જ્યોતિષની ભાષામાં કહીએ તો જે વ્યક્તિની કુંડળીમાં લગ્ને અથવા સાતમા સ્થાનમાં શનિ કે મંગળ હોય તેઓ ડોક્ટરી વ્યવસાયમાં સફળ બને એવી શક્યતા વધી જાય છે. એક વિદ્વાન જ્યોતિષના જણાવ્યા મુજબ મંગળનો સંબંધ અસ્ત્રશસ્ત્ર અને લોહી સાથે છે અને શનિનો સંબંધ ચીવટ તેમ જ ઝીણવટપૂર્વકનાં કામો સાથે છે. જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન અને સાતમું સ્થાન વ્યક્તિત્વ અને કારકિર્દી સાથે સંકળાયેલા છે. આમ ભારતના જ્યોતિષો જે વાત કોઈ પણ જાતના સંશોધન વિના અભ્યાસ અને અનુભવના આધારે કહેતા આવ્યા છે તે જ વાત ફ્રેન્ચ સંશોધકે સેંકડો મશહૂર લોકોની કુંડળી તપાસીને સાબિત કરી આપી હતી. 

ફ્રેન્ચ સંશોધક માઈકલ ગેક્વેલિને જ્યારે જ્યોતિષશાસ્ત્ર ઉપર રિસર્ચનાં પરિણામો બહાર પાડ્યાં ત્યારે યુરોપમાં ખૂબ ઉહાપોહ થયો હતો. બેલ્જિયમના વિજ્ઞાનીઓએ તો સ્વતંત્ર રીતે આ પરિણામોનું મૂલ્યાંકન કર્યું હતું અને તેમને પણ ગેક્વેલિનની વાત સાચી જણાઈ હતી. માઈકલ ગેક્વેલિનને પોતે જે સંશોધન કર્યું તેમાં એટલો બધો વિશ્ર્વાસ હતો કે તેણે કડક મિજાજ ધરાવતા બ્રિટિશ માનસવિદ પ્રોફેસર એચ. જે. આઈઝેન્ક સમક્ષ પોતાનું સંશોધન ચકાસવા માટે રજૂ કર્યું હતું. આઈઝેન્કે આ પરિણામોનો અભ્યાસ કરીને જાહેર કર્યું હતું કે તેમને તેમાં કંઈ જ ખોટું જણાતું નથી. આ પ્રયોગો પછી યુરોપની જે પ્રજા અગાઉ જ્યોતિષશાસ્ત્રને હંબગ માનતી હતી તે પણ હવે ભારતની આ પ્રાચીન વિદ્યામાં રસ લેવા માંડી છે. 

યુરોપ અને અમેરિકામાં ‘કેઓસ થિયરી’ નામની એક વિદ્યાશાખાનો પ્રચાર વધી રહ્યો છે. આ થિયરીના નિષ્ણાતો એવું માને છે કે આ બ્રહ્માંડની દરેક ઘટનાઓનો એકબીજી સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે. તેમના માનવા પ્રમાણે કોઈ ઘટના સ્વતંત્ર નથી બનતી. દા. ત. અમેરિકામાં દરિયામાં કોઈ મોટું વાવાઝોડું આવી રહ્યું હોય તો તેને કારણે દુનિયાના બીજે ખૂણે રહેલા પતંગિયાની પાંખો ફફડવા લાગે છે. આ પાંખો ફફડવાનું કારણ વિશ્ર્વના કોઈ ખૂણે પેદા થયેલો ઝંઝાવાત છે, જેના તરંગો પતંગિયાં સુધી પહોંચી જાય છે. તેવી જ રીતે પૃથ્વી ઉપર સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારામાંથી જે કિરણોત્સર્ગ છૂટે છે, તેની અસર માનવજીવન ઉપર અને કુદરત ઉપર થતી હોય છે, એવું હવે વિજ્ઞાનીઓ પણ માનવા લાગ્યા છે. 

એક રીતે જોઈએ તો આયુર્વેદના વિજ્ઞાનની જેમ જ્યોતિષશાસ્ત્ર પણ ભારતવર્ષનું એક પ્રાચીન વિજ્ઞાન જ છે. જ્યોતિષને વિજ્ઞાન ગણવું કે નહિ એ બાબતમાં આપણને પશ્ર્ચિમી દેશોના પ્રમાણપત્રની કોઈ જરૂર નથી. ભારતની સંસ્કૃતિમાં વિશ્ર્વાસ ધરાવતી પ્રજા પરાપૂર્વથી જ્યોતિષને વિજ્ઞાન માનતી આવી છે અને ભવિષ્યમાં પણ માનતી રહેશે.

બ્રિટનમાં એક સમયે જ્યોતિષ અને મંત્રતંત્ર માટે એટલી નફરત હતી કે ઈસુની સત્તરમી સદીમાં જ્યોતિષ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ઈ.સ. ૧૬૪૬ ની સાલમાં બ્રિટનના વિલિયમ રોઝ નામના જ્યોતિષે એવી આગાહી કરી હતી કે લંડન શહેર એક મોટી આગમાં ભસ્મ થઈ જશે. આ આગાહી ઈ.સ. ૧૬૬૧ માં સાચી પુરવાર થઈ ત્યારે વિલિમય રોઝ ઉપર બ્રિટનની આમસભા તરફથી રીતસર ખટલો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે મોટા ભાગના લોકો એવું માનતા હતા કે વિલિયમને ફાંસીના માંચડે ચડાવવામાં આવશે. આમસભા સમક્ષ વિલિયમે જ્યોતિષશાસ્ત્રને પ્રામાણિક ગણાવતી જે દલીલો કરી તે એટલી તર્કબદ્ધ હતી કે આમસભાએ તેને પૂર્ણ બહુમાન સાથે મુક્ત કર્યો હતો. યુરોપમાં થઈ ગયેલા નોસ્ટ્રાડેમસ નામના ભવિષ્યવેત્તાએ છેક સોળમી સદીમાં જે આગાહીઓ કરી હતી તે આજદિ સુધી સાચી પુરવાર થતી આવી છે. 

ભારતીય જ્યોતિષ વિદ્યાને પશ્ર્ચિમમાં લોકપ્રિય બનાવવાનું કાર્ય ડો. બી. વી. રામને કર્યું હતું. તેમણે બીજા વિશ્ર્વયુદ્ધની એકદમ સચોટ આગાહી કરી હતી. તેમણે લખેલા પુસ્તક ‘વર્લ્ડ પ્રોસ્પેક્ટસ’ને વિશ્ર્વભરમાં આવકાર મળ્યો હતો. ડો. રામનના કહેવા મુજબ જ્યોતિષશાસ્ત્રનો પાયો ભારતીય દર્શનમાં જોવા મળતી કર્મની થિયરી છે. કોઈ પણ વિદ્યાને વિજ્ઞાન ત્યારે જ કહેવાય કે જ્યારે તેના નિયમો સ્પષ્ટ ભાષામાં જણાવવામાં આવ્યા હોય અને પ્રયોગો દ્વારા તેને સાબિત પણ કરી શકાયા હોય. આ વ્યાખ્યા ભારતના પ્રસિદ્ધ વિજ્ઞાની ડો. જયંત નાર્લિકરે કરી છે. આ વ્યાખ્યા મુજબ જ્યોતિષશાસ્ત્રના નિયમો ખૂબ જ સ્પષ્ટ અને ચોક્કસ ભાષામાં ઘડવામાં આવ્યા છે અને હવે તો સ્વતંત્ર પ્રયોગો દ્વારા તેની સાબિતી પણ થઈ રહી છે. મુંબઈમાં જ્યોતિષ ભારતીના વિદ્યાર્થીઓએ ટેક્સ્ટાઈલ્સના ધંધા સાથે સંકળાયેલા લોકોની કુંડળીઓ ભેગી કરી જે સંશોધન કર્યું તે અને ફ્રેન્ચ મનોવિજ્ઞાનીએ જે સંશોધન કર્યું તે પુરવાર કરે છે કે જ્યોતિષ પણ નક્કર વિજ્ઞાન જ છે. જોકે વિજ્ઞાનીઓ હૃદયપૂર્વક જ્યોતિષશાસ્ત્રને અપનાવી લે તે માટે આ પ્રકારના બીજા ઘણા પ્રયોગો જરૂરી બની રહે છે. 

ઘણા લોકો જ્યોતિષશાસ્ત્રને ઉતારી પાડવા માટે એવી દલીલ કરે છે કે જ્યોતિષીઓની બધી આગાહીઓ ક્યાં સાચી પડે છે ? જેની બધી આગાહીઓ સાચી ન પડતી હોય તેને વિજ્ઞાન ન કહી શકાય. આવા લોકોને એટલું જ કહેવાનું કે એમ તો હવામાન ખાતાની બધી આગાહીઓ પણ ક્યાં સાચી પડે છે ? તેઓ જ્યારે ધોધમાર વરસાદ આવવાની આગાહી કરે ત્યારે ઉઘાડ નીકળે છે અને ક્યારેક કોઈ આગાહી વિના મુશળધાર વરસાદ તૂટી પડે છે. આ માટે તેઓ એવી દલીલ કરશે કે એ તો હવામાન વિભાગનું ગણિત ખોટું હોઈ શકે છે. આ વાત જ્યોતિષ માટે પણ સાચી છે. જ્યોતિષની સફળતાનો પાયો ગણિતશાસ્ત્ર જ છે. જો ગણતરીમાં નાનકડી પણ ભૂલ રહી જાય તો આગાહી ખોટી પડે છે, તેનો અર્થ એવો નથી કે જ્યોતિષશાસ્ત્ર મૂળમાંથી ખોટું છે. આજે જ્યોતિષશાસ્ત્રનું જો કોઈ સૌથી સબળ પાસું હોય તો તે વ્યક્તિને મળ્યા વિના માત્ર તેની કુંડળી જોઈને જ તેના સ્વભાવ, વ્યક્તિત્વ, ખાસિયતો, બુદ્ધિમતા, શરીરનો દેખાવ, ચામડીનો વર્ણ, રસના વિષયો, માતાપિતા વગેરે સાથેના સંબંધો, નોકરી ધંધામાં સફળતા કે નિષ્ફળતા, લગ્નસંબંધોની વિગતો, આરોગ્ય, લક્ષ્મી વગેરેની વિગતો સચોટ રીતે કહેવાની કુશળતા છે. આ હકીકતો માત્ર વ્યક્તિના જન્મસમયના ગ્રહોનું ગણિત કરીને જ કહી શકાય છે. આ લખનારનો અંગત અનુભવ એમ કહે છે કે કુંડળીના આધારે ઉપર મુજબની જે કોઈ વિગતો જણાવવામાં આવે છે તે ૯૦ ટકા જેટલી સાચી પડે છે. આ હકીકતની કોઈ પણ વ્યક્તિ કસોટી કરી શકે તેમ છે, કારણ કે તે માટે ભવિષ્યની રાહ જોવાની જરાય જરૂર પડતી નથી. 

ઘણા લોકો એવી દલીલ કરે છે કે જ્યોતિષીઓ આપણા તકદીરને તો બદલી નથી શકતા ને ? તો પછી તેની કડાકૂટમાં પડવાની શી જરૂર ? જ્યોતિષીઓ બનનારી ઘટનાને અટકાવી નથી શકતા પણ આપણને સાવચેત જરૂર કરી શકે છે, જેને કારણે આપણે સંભવિત નુકસાનની અસરમાંથી બચી પણ શકીએ છીએ. વળી ધર્મશાસ્ત્રો માત્ર નસીબમાં જ નથી માનતા પણ પુરૂષાર્થમાં પણ માને છે. મનુષ્ય પોતાના પુરૂષાર્થ વડે પોતાનું નસીબ પણ બદલી શકે છે, પણ નસીબ બદલવા માટે પણ નસીબમાં શું લખેલું છે તેની જાણ હોવી જોઈએ ને ? આ જાણ આપણને જ્યોતિષીઓ કરાવે છે. 

જ્યોતિષશાસ્ત્રના વિરોધીઓ એવી પણ દલીલ કરે છે કે કેટલાક લેભાગુ જ્યોતિષીઓ લોકોને ઠગવાનું જ કામ કરે છે. આ દલીલ તો લેભાગુ ડોક્ટરો, વકીલો અને શિક્ષકોને પણ લાગુ પડે છે. તેટલા માત્રથી આ બધા વ્યવસાયો સમાજ માટે હાનિકારક પુરવાર નથી થઈ જતા. વિરોધ કરવો જ હોય તો લેભાગુ ડોક્ટરો, વકીલો, શિક્ષકો અને જ્યોતિષીઓનો કરવો જોઈએ. આપણા પ્રાચીન જ્ઞાનના ભવ્ય વારસાનો વિરોધ કરીને આપણે જ આપણી સંસ્કૃતિના દુશ્મન બનવાની ભૂમિકા ભજવવાનું છોડી દેવું જોઈએ.

No comments:

Post a Comment