Wednesday, July 23, 2014

બ્રહ્માંડમાં કોયલાનું સામ્રાજ્ય --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

કોયલો કાળો છે તો બધાને ગમતો નથી. કોયલાના વેપારમાં હાથ કાળા થાય, તેવી ઉક્તિ છે. હકીકતમાં કોયલાની એક જાત હીરો પણ છે અને તેની પ્રભા ચકાચૌંઘ કરી નાખે તેવી હોય છે. ગ્રેફાઇટ બહુ જ મૃદુ કોલસો છે જેનાથી આપણે લખીએ છીએ. તે પેન્સિલમાં વપરાય છે. કોલસો હકીકતમાં કાળો ચોક છે. જેનાથી સફેદ બોર્ડ પર લખી શકાય છે, ચૂનો લગાડેલ ભીંત પર લખી શકાય છે. કોલસામાં ખૂબ ઊર્જા છે. તે રોસઈ બનાવવામાં કામ આવે છે. તે થર્મલ પાવર સ્ટેશન અને ફેકટરીઓ ચલાવવાના કામમાં આવે છે. ભૂતકાળમાં રેલવેના એન્જિનમાં કોયલો જ વપરાતો. કોયલો ગરમીનો સુવાહક છે. તે અધાતુ હોવાથી વિદ્યુત અવાહક છે. કાર્બનડાયોકસાઇડ વાયુ કોયલો બળવાથી ઉત્પન્ન થાય છે. કાર્બનડાયોકસાઈડ વાયુ જ પૃથ્વીને હૂંફાળી રાખે છે. નહીં તો તે ઠરી જાય અને પૃથ્વી પરનું જીવન નષ્ટ થાય. જો તે વધી જાય તો પણ પૃથ્વી પરનું જીવન નષ્ટ પામે. આમ કોયલામાં સર્જન અને વિનાશ બંને સમાયેલાં છે. પૃથ્વી પરનાં વૃક્ષો છેવટે કોયલામાં રૂપાંતર પામે છે અને પછી તેની રાખ બને છે. આ રાખ ખાતર તરીકે ખૂબ જ ઉપયોગી છે. આરસપહાણમાં એક ઘટક કાર્બનડાયોકસાઇડ છે. કાર્બન છે. આપણા શરીરનો મહત્તમ ભાગ કોયલો છે. સાકર પણ કોયલો જ છે આ બ્રહ્માંડમાં કોયલો બહુ જ અગત્યનું ઘટક છે. બધા જ સેન્દ્રિય પદાર્થોનું એક ઘટક કોયલો છે. માટે કોયલાને કાળો કહી તેને ધૂતકારતા નહીં. તે આપણાં દેવતા છે. આપણે તેના જ બનેલાં છીએ, અને છેવટે તેમાં જ રૂપાંતર પામીએ છીએ. આકાશમાં વિસ્ફોટ થાય છે ત્યારે જે પદાર્થ અંતરીક્ષમાં ફેંંકે છે તેમાં કોયલો હોય છે. આપણું જીવન કાર્બોહાઇડ્રેટનું બનેલું છે. જીવન માત્રનું ઘટક કોયલો છે. કોયલો ન હોત તો આપણે ન હોત. કોયલાની ખાણને નમન કરવા જોઇએ. સોનું તો કોઈ કામનું નથી. નકામા આપણે તેને વળગી રહ્યા છીએ. જે મહાન ઉપયોગી છે તે કોયલો છે. ગુણવાન પુરુષ ગમે તેવો કુબડો કે કાળો હોય પણ તે સુંદર છે. તે સન્માનને પાત્ર જ હોય છે. તેવું જ કોયલાનું છે. કોઇ વિકૃત માણસને કાળો કોલસો કે શાહી ચોપડવામાં આવે છે. તે કોયલાનું અપમાન છે. કોલસાની કે કાજળની કાળી ટીલી રક્ષાનું પ્રતિક છે. આકાશ હકીકતમાં કાળું છે. કાળો રંગ શોકનું પ્રતિક છે. તેથી આપણી માન્યતા અને અંધશ્રદ્ધા પાયા વગરની છે. કોલસાના રંગની એક વિશિષ્ટતા છે કે તે કદી ભુંસાતો જ નથી અને કાળા રંગ પર બીજો કોઇ રંગ ચઢતો નથી. તેની આ મક્કમતા છે. કૃષ્ણ દ્વૈપાયન મુનિ- વ્યાસમુનિ કાળા હતા. કૃષ્ણ પણ કાળા હતા. અબ્રાહમ લિંકન પણ કાળા હતા. બ્રહ્માંડમાં કાર્બન તત્ત્વ કયાં નથી? આપણો ખોરાક છેવટે કોયલો છે. આપણા જીવનમાં અને બ્રહ્માંડની કેટલીક વસ્તુમાં કોયલાનું ખૂબ જ મહત્ત્વ છે.

બ્રહ્માંડમાં જો સૌથી વધુ ઉપયોગી વસ્તુ હોય તો તે કાળો કોયલો છે. આપણું શરીર કાર્બન કેમિસ્ટ્રી છે, માત્ર હાડકા જ ચૂનાના (કેલ્શિયમના) છે. કાર્બન જેટલા મૃદુ કોઇ નથી અને કાર્બન જેટલો સખત પણ કોઇ નથી. કાર્બન નેનો ટયૂબ લોખંડથી વધુ સખત છે. આપણો બધો જ ખોરાક કાર્બનના ઘટકનો બનેલો છે. કાર્બન શક્તિ સ્વરુપ છે. કાળકા માતાએ માટે જ કાળો રંગ ધર્યો છે. બ્રહ્માંડમાંથી કાર્બન કાઢી નાખો, બધું જ શૂષ્ક થઇ જાય. કોયલો ભલે કાળો હોય પણ તે બ્રહ્માંડને ઉજાળે છે. આપણો વાહન- વ્યવહાર કોયલા પર ચાલે છે. પેટ્રોલ, ગેસ, કેરોસિન, લાકડા બધું કાર્બનમાંથી બને છે. આપણાં વસ્ત્રો પણ કાર્બનમાંથી જ બને છે. બધી દવામાં તથા એન્ટિબાયોટિકસ કાર્બનમાંથી જ બને છે. પૃથ્વીની જમીનમાં અને વાયુમંડળમાં જો કે કાર્બન અને કાર્બનડાયોકસાઈડનું પ્રમાણ માત્ર ૦.૦૨ ટકા છે. તેનું રૂપ, વિશ્ર્વરૂપ છે. કોઇ પણ જાતની લાદી હોય તેમાં કાર્બન અને તેના ઘટકો જરૂર હોય છે. આ રીતે કાર્બન સર્વત્ર છે. કાર્બનડાયોકસાઇડને ઝેરી વાયુ કહે છે. પણ ફૂલો તેમાંથીજ ફળ-ફળાદી બધું બનાવે છે.

લોકો ક્રૂડ ઓઈલ અને પેટ્રોલને કાળુ પ્રવાહી સોનું કહે છે, પણ હકીકતમાં કાર્બન (કોયલો) જ કાળું સોનું છે. કારણ કે ઓઈલ અને પેટ્રોલ, કેરોસિન એ કાર્બનજન્ય છે. તેની માતા તો કાર્બન (કોયલો) જ છે. કાર્બન પ્રાચીન વસ્તુની વય જાણવા સચોટ ટેસ્ટ છે જેને વિજ્ઞાનીઓ કાર્બન કટિંગ કહે છે.

કોયલો (હીરો) આંખનું ઓપરેશન કરવામાં કામ આવે છે. તે સખતમાં સખત પદાર્થ હોઇ લોખંડમાં કાણા પાડી શકે છે. કોયલો પોતે બળી અજવાળું આપે છે. કોયલાને ખૂબ જ સંભાળીને વાપરવો જોઇએ. તેનું સંરક્ષ કરવું જોઇએ. આલ્કોહોલ વગેરે કોયલાનાં જ બનેલાં છે. પરફયુમ વગેરે પણ કોયલાજન્ય જ છે. જગતમાં ફાલતું માણસો દેખાવ કરીને પોતાની વાહ વાહ કરાવે છે. અને મહાન માણસોની કિંમત નથી તેવું જ કોલસાનું છે. સોનું ખાસ કાંઇ ઉપયોગી નથી પણ તેના ચળકાટને લીધે બધાને આંજી દે છે જે ખૂબ જ ઉપયોગી છે તે કોયલાને લોકો તદ્દન મામૂલી ગણે છે. ઘણા લોકોને કોયલાનું સાર્વત્રિક રૂપ દશ્યમાન થતું નથી. બીજે કયાંય જીવન હશે તો એ સંભવ છે કે તે કાર્બોહાઇડ્રેટ હશે. જેટલો ઑક્સિજન ઉપયોગી છે તેટલો જ કાર્બનડાયોકસાઈડ ઉપયોગી છે. કોયલ કાળી છે પણ તેનો અવાજ કેટલો કર્ણપ્રિય છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=114943

No comments:

Post a Comment