Tuesday, June 9, 2015

સમજુ માણસોએ બાયપાસ, એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીથી દૂર રહેવું --- સૌરભ શાહ

                                 

                          


હૃદયરોગના હુમલાને અટકાવવા કે એના ઉપચાર માટે કોઈ પણ અકસીર દવા આધુનિક તબીબીશાસ્ત્ર પાસે નથી

શરીરને માંદામાંથી સાજા કરવા માટે તાવ, દુખાવો, શરદી, ઊલટી, ઝાડા જેવી તકલીફો સર્જાય છે. આને કારણે શરીરની પ્રક્રિયામાં ઉચિત ફેરફારો થઈને ગાડી પાછી પાટે ચડી જાય છે .  


‘તબીબી ક્ષેત્રે હિંસા’ પુસ્તકમાં ડૉ. મનુ કોઠારી તથા ડૉ. લોપા મહેતા લખે છે કે સ્ત્રીઓની ફૅશન જેમ બદલાતી રહે છે એમ સતત કંઈક નવું બજારમાં મૂકવાની ઘેલછાથી દવાઓ પણ બદલાતી રહે છે. આ બદલાતી દવાઓ કંઈ મેડિકલ ક્ષેત્રની પ્રગતિની નિશાની નથી. દવા બનાવનારી કંપનીને પહેલેથી જ પોતાની પ્રોડક્ટની પોકળતાની ખબર હોય છે. ડૉક્ટરો સુધી આ પોકળતાની માહિતી પહોંચે ત્યાં સુધીમાં તો દવા કંપની એ દવાને પાછી ખેંચીને બીજી બે દવા બજારમાં મૂકી દે છે... આટલું કહીને ડૉક્ટર કોઠારી અને ડૉ. મહેતા એક ધણું અગત્યનું વિધાન કહે છે: ‘દવા બનાવવા અને વેચવાનો ઉદ્યોગ એક અનોખો છે જેમાં શોષણ કરવાની પ્રવૃત્તિને પણ પરોપકારની ઉમદાવૃત્તિનું મહોરું પહેરાવાય છે.’

બ્રિટિશ મેડિકલ જર્નલના ૧૯૯૭ના એક અંકમાં તંત્રીલેખના શબ્દો ટાંકીને આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે: ‘જ્યાં સુધી તમારી પાસે એવું વજૂદ કે એવા પુરાવા ન હોય કે તમારી તપાસ કે ડાયગ્નોસિસને લીધે દર્દીનું વહેલું નિદાન કરવાથી એને ફાયદો થવાનો છે ત્યાં સુધી કોઈ પણ બીમારી માટે નિયમિત આગોતરી તપાસ કરતા રહેવું અયોગ્ય છે.’ 

પ્રોસ્ટેટના કૅન્સરની બાબતમાં આ વિધાન થયું છે. અમેરિકામાં આ વિધાન થયું છે. અમેરિકામાં પ્રોસ્ટેટના કૅન્સરની નિયમિત આગોતરી તપાસ કરાવવાનું ચલણ શરૂ થયા પછી એ કૅન્સરના પ્રમાણની નોંધ રાતોરાત વધી ગઈ. બાયોપ્સી અને શસ્ત્રક્રિયા વડે પ્રોસ્ટેટને દૂર કરવાનો આંક એકદમ ઉપર જતો રહ્યો. 

આ ડૉક્ટરબેલડી દૃઢપણે માને છે કે હૃદયરોગનો હુમલો, પક્ષાઘાત કે બ્લડપ્રેશરમાં થતો ઉંમર સહજ વધારો જેવા રોગો માનવદેહની રચનાના કાર્યક્રમમાં જ સમાયેલા છે... સંધિવાનો રોગ એ સમગ્ર શરીરના તાંતણાના માળખામાં ઉંમર સહજ થતા ફેરફારોનું સ્વરૂપ છે. ભીંડો કેવો ઘરડો થઈ જાય છે, તેવી જ રીતે શરીરના તાંતણાની ઉંમર સાથે કુણાશ ઘટતી જાય છે. હૃદયની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય ત્યારે સંધિવા રોગીને મદદરૂપ નીવડે છે. સાંધાના દુખાવાથી વ્યક્તિની દોડાદોડી ઘટી જાય છે જેથી કરીને હૃદય પર ક્યારેય અતિ શ્રમ પડતો નથી. કૅન્સર, હૃદયરોગ અને હાઈ બીપી જેવા અન્ય રોગની જેમ ડાયાબિટીસ પણ મનુષ્યદેહના કાર્ય અને એની રચનાના અંતર્ગત કાર્યક્રમનો એક સ્વતંત્ર પ્રસંગ છે. એને માતાપિતામાં ડાયાબિટીસ હતો કે નહીં એની સાથે કંઈ લેવાદેવા નથી. જન્મથી માંડીને જીવનના કોઈ પણ તબક્કે આ પ્રસંગ ભજવાય છે. 

આ ડૉક્ટરો સમજાવે છે કે માનવ શરીરનું અખૂટ ડહાપણ શરીરને માંદામાંથી સાજા કરવા માટે તાવ, દુખાવો, શરદી, માથાનો દુખાવો, ઊલટી, ઝાડા જેવી તકલીફો ઊભી કરે છે. આને કારણે શરીરની પ્રક્રિયામાં ઉચિત ફેરફારો કરીને ગાડીને પાછી પાટે ચડાવવાનો ઈરાદો હોય છે. દવા બનાવનાર કંપનીઓ આવી તકલીફોને શરીર પર થયેલા ત્રાસદાયક આક્રમણ તરીકે બદનામ કરે છે અને ટપલું મારીને તકલીફને દબાવી દેવાનું કહે છે. આવી દરેક તકલીફ એ શરીરના શાણપણની નિશાની છે. 

આ ડૉક્ટર લેખકોનું એક અન્ય પુસ્તક છે: ‘જીવન, મરણ અને તબીબી ક્ષેત્ર! વાસ્તવિક નજરે.’ આ પુસ્તકમાં હૃદયરોગ, એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ વિશેના એક પ્રકરણમાં તેઓ કહે છે: ‘હૃદયરોગના હુમલાને અટકાવવા કે એના ઉપચાર માટે કોઈ પણ અકસીર દવા આધુનિક તબીબીશાસ્ત્ર પાસે નથી. આ કથન કોઈ પણ સામાન્ય માણસને ગળે ઊતરવું કઠિન છે. હકીકતે (હૃદયરોગ માટે) જે કંઈ દવાઓ વપરાય છે એ સર્વેની શરીરમાં અન્યત્ર ઠેર ઠેર વ્યાપક અનિચ્છનીય આડકતરી અસરો જોવા મળે છે. માટે જ તો ડૉક્ટરો નિતનવી દવાઓનો વપરાશ કરતા હોય છે. હૃદયરોગનો હુમલો શું છે, શેને કારણે છે એની જ ખબર ન હોય તો તેના પર અસરકારક રામબાણ દવાની આશા કેવી રીતે સેવી શકાય?

બાયપાસ સર્જરી વિશે લેખકોનું કહેવું છે કે આ શસ્ત્રક્રિયાને કારણે હૃદયના જ્ઞાનતંતુઓ છેદાઈ જતાં હૃદય દ્વારા દુખાવાનો સંદેશો મગજ સુધી પહોંચી શકતો નથી. હૃદયના જે ભાગમાંથી દુખાવાની ફરિયાદ થતી હતી તે ભાગ શસ્ત્રક્રિયા કરવાથી પૂરેપૂરો મરી જાય છે એટલે જ ત્યાંથી પછી દુખાવો શરૂ થતો નથી. દુખાવો શાંત થઈ જવાથી દર્દી અને ડૉક્ટર બેઉ શસ્ત્રક્રિયાની અકસીરતા પર વારી જાય છે. હકીકતમાં આંગણાં મોકળાં મૂકી ખાળે ડૂચા મારવામાં આવે છે. 

આ મૂલ્યવાન પુસ્તકમાં ડૉક્ટર લેખકોએ નિખાલસ બનીને સ્પષ્ટ સલાહ આપી છે: સૌ અભણ અને સાક્ષર વ્યક્તિઓને અમારી એક જ સલાહ છે કે ભલે (હૃદયરોગનો) ઉપચાર (જેવા કે) બાયપાસ, એન્જિયોપ્લાસ્ટી તમને તર્કસુસજ્જ દેખાતાં હોય પણ એ ઉપચારો હૃદય માટે તેમ જ તમારા મગજ માટે નુકસાનકારક છે. હૃદયરોગ નિષ્ણાત અને હૃદય શસ્ત્રક્રિયા નિષ્ણાત અત્યારે વાવ પર ચઢી બેઠા છેે અને એના પરથી ઊતરવા તૈયાર નથી, કારણ કે તે બહાદુરીને કારણે જ પૈસાના ધોધનો બદલો મળે છે તે તરત જ અટકી પડે. હૃદય ધમનીનો એક્સ-રે દ્વારા અભ્યાસ, કોરોનરી એન્જિયોગ્રાફી અને કોરોનરી એન્જિયોપ્લાસ્ટી - આ ત્રણેય આજે દુનિયાભરમાં વધુ બીજા રોગો બક્ષનાર ત્રિપુટી છે. એક સમજુ માણસે પોતાના હૃદયની ધમનીની માળા પર કોઈને હાથ લગાડવા દેવો નહીં, પછી ભલેને એ ખૂબ આધુુનિક લેઝર હોય કે ટીમર હોય કે રોટર હોય કે જે કંઈ હોય, અને તે વાપરનાર ડૉક્ટર ભલે ને કોઈ દેવનો દીકરો દેખાતો હોય.

આ પુસ્તકનું ‘દેહદાન અને અંગદાન! કેટલી ભ્રમણા, કેટલું સત્ય’ પ્રકરણ પણ વાચકની આંખ ઉઘાડનારું છે. લેખકો કહે છે કે ઈ.સ. ૧૯૬૧થી આજ સુધીના અમારા શેઠ જી. એસ. મેડિકલ કૉલેજના અનુભવ પરથી કહી શકીએ કે કોરોનરની પરવાનગીથી અમને જરૂરી હોય એટલા બિનવારસ મૃતદેહો મળી રહે છે. બીજું, માણસના મર્યા પછી એના દેહની માલિકી એની પોતાની રહેતી નથી. કાયદેસરના વારસદારો એના માલિક બને છે. માટે વારસદારોની ઈચ્છા પ્રમાણે મૃતદેહનો નિકાલ થઈ શકે. 

ડૉક્ટરલેખકો અંગદાન વિશે કહે છે કે આંખ પરના પડદા કોર્નિયા લોહી વગર આખી જિંદગી ટકે છે છતાં ૫૦ ટકા વ્યક્તિઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરેલી કોર્નિયા ટકતી નથી. તબીબી શલ્યચિકિત્સકો આજ સુધી સફળતાપૂર્વક એક ચોરસ ઈંચની ત્વચા પણ ટ્રાન્સપ્લાન્ટ કરી શક્યા નથી તો પછી મૂત્રપિંડ, હૃદય, યકૃત અસ્થિમજ્જાની તો વાત જ શું કરવી? 

ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતાનું ચોથું પુસ્તક (પ્રથમ પુસ્તક કૅન્સર વિશેનું) ‘જીવન, ઘડપણ, રોગ અને મૃત્યુ’ વાંચીને કોઈ પણ વ્યક્તિ રોગના ડરથી, વૃદ્ધાવસ્થાના ભયથી અને મૃત્યુના ખૌફથી મુક્ત થઈ જાય એવી એવી વાતો એમાં લખેલી છે. આ પુસ્તક વાચીને વાચક પોતાની જીવનશૈલીને અનુરૂપ જીવન જીવતો થઈ જાય, લાઈફ ઈન્શ્યોરન્સ કે મેડિકલેઈમની જંજાળમાંથી છૂટી જાય અને બેશક, રેગ્યુલર ચૅકઅપ, દવાઓ તથા ડૉક્ટરો - ઈસ્પિતાલોથી સાવધ થઈ જાય. મેડિકલ ક્ષેત્રની સીમાઓ ક્યાં અને કેટલી છે તથા તબીબી ક્ષેત્રના વ્યાપારીકરણનો ભોગ ન બનવાની સૌ કોઈને સ્વતંત્રતા છે એવી સમજ ફેલાવવાનું કામ આજના યુગના ઋષિ સમાન ડૉ. મનુ કોઠારીએ ખૂબ સમજદારીથી અને વિશ્ર્વસનીયતાથી કર્યું છે. વંદન.


















બ્રહ્માંડમાં હિંડોળા સિવાય બીજું કશું છે જ નહીં --- ડૉ. જે. જે. રાવલ

         


                                    

આપણા દેશમાં ઝૂલો, હિંડોળો હજારો વર્ષથી રાજ કરે છે. ઝાડની ડાળી પર ચઢયા હોઈએ અને પવન આવે તો ઝાડની ડાળી આપણને ઝૂલાવે. એક નાનો લાકડાનો ટુકડો લઈ તેની સાથે દોરડું બાંધી તેને વૃક્ષની ડાળી સાથે બાંધીએ એટલે થઈ ગયો ઝૂલો. રાધા-કૃષ્ણા યમુનાને કિનારે, વૃન્દાવનમાં બપોરે આવા ઝૂલા પર હિંચકા ખાતા ઝૂલામાં લાકડાના ટુકડાની પણ જરૂર નથી. માત્ર દોરડા પર બેસીને પણ ઝૂલાય. ઝૂલાનું મોટું સ્વરૂપ એટલે ખાટ - હિંડોળો. આજે પણ હિંડોળો ખૂબ જ લોકપ્રિય છે. બાગ-બગીચામાં બાળકોને હીંચકા ખાતા. જોઈએ છીએ. મુંબઈ જેવા શહેરોમાં જગ્યા નહીં હોવાથી એક જ દોરડા પર ખુરશી જેવો હિંડોળો હોય છે. હિંડોળો બ્રહ્માંડના મહાન રહસ્યને દ્યોતક છે. બાળકોને હિંચકા ખવડાવવા જ પડે. 

આ બ્રહ્માંડ વિરાટનો હિંડોળો છે. ફજેત-ફારકુ મેરી-ગો રાઉન્ડ કે ચકડોળ જાયન્ટ વ્હીલ એ હીંચકા જ છે. કોઈપણ સામયિક ક્રિયા હિંડોળો જ છે. લોલકવાળા ઘડિયાળનું લોલક હિંડોળાની જ ક્રિયા પ્રદર્શિત કરે છે. લોલકવાળું ઘડિયાળ કુદરતના મહાન રહસ્યને આપણી સમક્ષ પ્રદર્શિત કરે છે. લોલકવાળું ઘડિયાળ ઘરમાં રાખવું જ જોઈએ. બાળક તેની ક્રિયાને જોઈને વિચારવા લાગે કે ઘડિયાળનું લોલક આમતેમ કેવી પદ્ધતિસરની ગતિ કરે છે. હિંડોળાના પ્રથમ શોધક કદાચ ગોકુળ - વૃન્દાવનના કૃષ્ણ હતા. 

માનવીને હિંડોળાનો પ્રથમ અહેસાસ કરાવનાર ચક્ર હતું. ચક્રે સામયિક ક્રિયાનું પ્રથમ પ્રદર્શન કર્યું. પુરાતન માનવીની બુદ્ધિએ આકાશમાં કળા કરતા ચંદ્રને 

ચક્રની સામયિક ક્રિયા સાથે જોડ્યો તે જ આપણો મહિનો. પુનમથી પુનમ ગતિ 

કરતો - કળા કરતો ચંદ્ર હિંડોળા પર જ હિંચકે છે. 

પછી માનવીએ જોયું કે ચંદ્ર આકાશમાં ૧૨ હીંચકા ખાઈ લે છે ત્યાર સુધીના સમયમાં સૂર્ય આકાશમાં માત્ર એક જ હીંચકો ખાય છે. તે થયું આપણું વર્ષ આપણે પણ તેથી હિંડોળા પર જ બેઠા છીએ અને સાથે સાથે રાત-દિવસના હીંચકા પર બેઠા છીએ અને રાત-દિવસ હીંચકા ખાઈએ છીએ. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે. તે હીંચકા જ ખાય છે, કારણ કે પ્રત્યેક સામયિક ક્રિયા હિંચકો જ છે. પૃથ્વી ગોળ છે અને અપારદર્શક છે અને સૂર્ય સ્વયં પ્રકાશિત છે માટે આપણે દિવસ-રાત અનુભવીએ છીએ. 

પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે અને ૩૬૫ દિવસમાં તે સૂર્યની પરિક્રમા કરી રહે છે તે પૃથ્વીનો એક વર્ષના સમયનાં આંદોલન કરતો હીંચકો છે. પૃથ્વી પર આપણે સવાર છીએ માટે આપણે પણ પૃથ્વી સાથે હિંચકા જ ખાઈએ છીએ. પૃથ્વી એક સાથે બે હિંચકા પર સવાર છે. એક હીંચકાનો આંદોલન સમય ૨૪ કલાક છે જ્યારે બીજા હીંચકાનો આંદોલન સમય ૩૬૫ દિવસ છે. પૃથ્વી પર સવાર આપણે પણ પૃથ્વીના એક સાથે બે હીંચકા પર સવાર છીએ, પણ આપણને તે લાગતું નથી. 

દરેકે દરેક ગ્રહ પોતાના ધરીભ્રમણ 

અને સૂર્ય ફરતેના પરિક્રમણ એમ બે 

હીંચકા પર સવાર હોય છે. ગુુરુગ્રહ પોતાની ધરી પર ઘૂમી લેતા માત્ર ૧૦ કલાક જ લે છે. આમ પૃથ્વીના ધરી ભ્રમણ રાત-દિવસના હીંચકાની સરખામણીએ ગુરુનો રાત-દિવસનો હીંચકો ઘણો ફાસ્ટ છે. 

ગુરુ તેના રાત-દિવસના હીંચકા પર બે હીંચકા ખાઈ લે છે, પૃથ્વી તેના રાત-દિવસના હીંચકા પર માત્ર એક જ હીંચકો ખાય છે. 

પૃથ્વી સૂર્યની પરિક્રમાના હીંચકા પર એક વર્ષમાં એક હીંચકો ખાય છે, જ્યારે ગુરુને સૂર્યની પરિક્રમાના હીંચકા પર એક હીંચકો ખાતા ૧૨ વર્ષ લાગે છે. આમ પૃથ્વીનો સૂર્ય પરિક્રમાનો હીંચકો ગુરુના સૂર્ય-પરિક્રમાના હીંચકાથી ૧૨ ગણો ઝડપી છે. બધા જ ગ્રહોને પોતપોતાના પોતાની ધરી પર અને સૂર્યની પરિક્રમા કરવાના હીંચકા છે જેના આંદોલન સમય અલગ અલગ છે. ગ્રહોનાં ઉપગ્રહોને પોતપોતાના હિંચકા હોય છે. આમ પૂરા બ્રહ્માંડમાં હિંચકા ચાલે છે. હિંડોળા ચાલે છે. માટે જ બ્રહ્માંડ વિરાટનો હિંડોળો છે. 

બધી મંદાકિનીઓ (ૠફહફડ્ઢશયત) પોતાની ધરી પર ગોળ ગળે ઘૂમે છે. તે પણ હિંચકા જ ખાય છે. તે બીજી મોટી મંદાકિનીની ફરતે પરિક્રમા કરે છે તે તેનો પરિક્રમાનો હીંચકો છે. 

હીંચકાના આંદોલનોને સ્પંદનો કહે 

છે. ગુરુત્વાકર્ષણ પણ સ્પંદનો ઉત્પન્ન 

કરે છે. 

બ્રહ્માંડના ડાયનાપિલ્સનો પરિચય કરાવવા બાળકોને હીંચકા ખવડાવવા જરૂરી છે. ફજેત ફારકામાં અને ચકડોળમાં 

બેસાડવા જરૂરી છે. પ્રવેગી રાઈડો પર પણ બેસાડવા જરૂરી છે પણ અતિ પ્રવેગી 

હાઈડો હૃદયના સ્પંદનોને, હૃદયના આંદોલનોને, હૃદયના ધબકારને, હૃદયના વાયબ્રૅશનને નુકસાન પહોંચાડે છે. તરત જ તેનો ખ્યાલ નથી આવતો પણ પાછળથી હૃદય નબળું પડી ગયું છે. તેનો ખ્યાલ 

આવે છે. 

હૃદય જે ધબકારા કરે છે તે લય છે, બ્રહ્માંડનો લય, બ્રહ્માંડના હીંચકા સાથે તેનો સંબંધ છે. વિરાટના હિંડોળા સાથે તેને સંબંધ છે. હૃદય જે ધબકે છે તે પણ હીંચકો જ છે. વય તે માણસમાં ચાલતા કે બ્રહ્માંડમાં ચાલતા હિંડોળાની ગણતરી છે. 

હિંડોળો લયબદ્ધ ચાલે છે. હીંચકો જ્યારે પાછળની બાજુએ તેના અંતિમ બિન્દુએ આવે છે ત્યારે જ બાળક તેને ઠેસ મારે છે અને આમ હીંચકો લયબદ્ધ ચાલે છે. પણ જો બાળક તેને વચમાં ઠેસી મારી દે તો તેની ગતિ છિન્નભિન્ન થઈ જાય છે. તેમ બ્રહ્માંડના હિંડોળાના લયમાં જ્યારે અરાજકતા ઉત્પન્ન થાય છે ત્યારે મહા હોનારત થાય છે. બ્રહ્માંડ લયથી ચાલે છે. તેમાં વિપેક્ષ પડે છે ત્યારે ધરતીકંપ, સુનામી, દુકાળ, અતિવૃષ્ટિ, આકાશમાંથી લઘુગ્રહો અને ધૂમકેતુઓનું પૃથ્વી સાથે અથડાવું વગેરે હોનારત થાય છે. માટે માણસે પણ સમાજમાં લય જાળવી રાખવો જરૂરી છે. નહીં તો હોનારત સર્જાય. 

જેમ વિશાળ દુનિયામાં હિંડોળા ચાલે છે તેમ સૂક્ષ્મ દુનિયામાં પણ હિંડોળા જ ચાલે છે. નટરાજ વિરાટના હિંડોળાને પ્રદર્શિત કરે છે. 

બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ સાથે તરંગ જોડાયેલ જ છે, જે હિંડોળો પ્રદર્શિત કરે છે. આમ આપણે પોતે પણ એક હિંડોળો જ છીએ. બ્રહ્માંડ હિંડોળામય છે. ભૌતિકશાસ્ત્રનું ક્વૉન્ટમ મિકેનીક્સ જે બ્રહ્માંડની અંતિમ થિયરી છે તે તરંગો પર સવાર છે એટલે કે હિંડોળા પર જ 

સવાર છે. 

માનવી જે તરંગો કરે છે તે પણ હિંડોળા જ છે. માનવીના સ્પંદનો પણ હિંડોળા જ છે. માનવીની સંવેદનશીલતા હિંડોળા જ છે. જે માનવીમાં દયા-કરુણા-ભાવના-સંવેદનશીલતાના હિંડોળા નથી તેને બ્રહ્માંડ સાથે લય નથી, તે બ્રહ્માંડ સાથે જોડાયેલા નથી. તે જીવમાત્ર છે તે મહામાનવ બની શકે નહીં. 

આપણો સમાજ જે ચાલે છે, તે લયથી ચાલે છે. સમાજમાં વિખવાદ કે લડાઈઓ તે સમાજમાં લયમાં થયેલી ખલેલ છે, સમાજમાં લયબદ્ધ ચાલતા હિંડોળામાં વિક્ષેપ છે. કોઈ પણ જાતનો વિક્ષેપ તે હિંડોળાના લયનો થતો વિક્ષેપ છે. મોરારીબાપુ, ગુણવંતભાઈ શાહ અને આ લેખકને પણ હિંડોળાનો બહુ શોખ છે. હીંચકા ઘણા પ્રકારનાં હોય છે અને તે આપણને તદ્દન નવી જ દુનિયાના પ્રદેશમાં વિહાર કરાવે છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=163833

બ્રહ્માંડનું વણઉકેલ્યું રહસ્ય લઈને બેઠા છે ન્યુટ્રિનો --- ડૉ. જે. જે. રાવલ

પ્રિન્સ્ટન યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ ક્વોન્ટમ મિકેનિક્સમાં પાથ ઈન્ટિગ્રલ નામના મૌલિક વિચાર પર સંશોધન કર્યું છે. તેણે આ વિષય પર પીએચ.ડી.ની થિસિસ લખી છે. એ થિસિસના પરીક્ષકો દુનિયાના બે મહાન નોબેલ પુરસ્કાર વિજેતા આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને વોલ્ફગાંગ પૌલી છે. તેઓ હવે પ્રિન્સ્ટન યુનિવર્સિટીના એક ખંડમાં આ વિદ્યાર્થીના વાય-વા (મૌખિક પરીક્ષા-ઓરલ એક્ઝામ) લેવા બેઠા છે. આ વિદ્યાર્થીએ તેની થિસિસ ડિફેન્ડ કરવાની છે, એટલે કે થિસિસનો સાર રજૂ કરી તેની થિસિસમાં રહેલાં તેના સંશોધન કાર્ય વિશે એ બે પરીક્ષકો જે પ્રશ્ર્નો પૂછે તેના જવાબ આપવાના છે. જો વિદ્યાર્થી, એ પરીક્ષામાંથી પાર ઊતરે તો તેને ડોક્ટરેટની ડિગ્રી મળે, નહીં તો તે લટકી રહે. વિદ્યાર્થી આ બે મહાન વિજ્ઞાનીઓ સમક્ષ પોતાની થિસિસના હાર્દને રજૂ કરે છે. આ બે મહાન પરીક્ષકો તેના પર પ્રશ્ર્નોની ઝડી વરસાવે છે. વિદ્યાર્થી તેના જવાબ આપે છે. પછી વિદ્યાર્થીને જવાનું કહેવામાં આવે છે, અને આ બે મહાન પરીક્ષકો અંદર અંદર ચર્ચા કરે છે કે એ વિદ્યાર્થીને પીએચ.ડી.ની ડિગ્રી આપવી કે નહીં. શું એ વિદ્યાર્થીની થિસિસ પીએચ.ડી. ડિગ્રી આપવા યોગ્ય છે? શું તેણે એવી મૌલિક શોધ કરી છે જેને માટે તેને પીએચ.ડી.ની ડિગ્રી આપી શકાય? વોલ્ફગાંગ પૌલી કહે છે કે તે વિદ્યાર્થી પીએચ.ડી.ની ડિગ્રી આપવા યોગ્ય નથી. તેનું સંશોધન બકવાસ હોય તેમ લાગે છે. આઈન્સ્ટાઈન પૌલીને કહે છે કે તે બકવાસ હોય તેમ લાગે છે. પણ હકીકતમાં તે ખૂબ જ મૌલિક છે, માટે તે આપણને બકવાસ લાગે છે. માટે તે વિદ્યાર્થી પીએચ.ડી.ની ડિગ્રી માટે યોગ્ય છે. પછી આઈન્સ્ટાઈન પૌલીને તે વિદ્યાર્થીની થિસિસના મૌલિક તત્ત્વને સમજાવે છે. પૌલી સહમત થાય છે અને તે વિદ્યાર્થીને પીએચ.ડી. ડિગ્રી એનાયત થાય છે. એ વિદ્યાર્થી હતો મહાન ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફાયનમન. જેને પછી તેના આ કાર્ય માટે નોબેલ પુરસ્કાર મળે છે. ફાયનમનની આ થિયરી ક્વોન્ટમ ફિલ્ડ થિયરી તરીકે આજે જાણીતી છે અને ક્વોન્ટમ ક્રોમોડાયનામિક્સની એ માતા છે. 

આઈન્સ્ટાઈન સાથે રિચાર્ડ ફાયનમનની થિસિસ તપાસનાર જે બીજો મહાન નોબેલ પુરસ્કાર વિજેતા વિજ્ઞાની હતો તે વોલ્ફગાંગ પૌલી દુનિયાનો એક મહાન ભૌતિકશાસ્ત્રી હતો. તેણે શોધી કાઢ્યું કે ઈલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન જેવા પદાર્થકણો ક્વોન્ટમની એક સ્ટેટમાં એક જ રહે, બીજો પદાર્થકણ તે સ્ટેટમાં જગ્યા ન લઈ શકે. જેમ કે સભાખંડમાં કે ક્યાંય એક ખુરશીમાં માત્ર એક જ જણ બેસી શકે. એક ખુરશીમાં બે કે વધારે માણસો બેસી શકે નહીં. 

આ સિદ્ધાંતને ક્વોન્ટમ મિકેનિક્સમાં પૌલીનો એક્સક્લુઝન પ્રિન્સિપલ કહે છે. તે ક્વોન્ટમની એક સ્ટેટમાં બીજા પદાર્થકણને ઘૂસવા દેતો નથી. એક ક્વોન્ટમ સ્ટેટમાં તે એક જ રહે છે. હજારો ઈલેક્ટ્રોન હોય અને તેના પર દબાણ આવે ત્યારે આ બધા ઈલેક્ટ્રોન્સ નજીક નજીક આવતા જાય પણ એક લિમિટ પછી તે વધારે નજીક આવી શકે નહીં, કારણ કે ક્વોન્ટમની એક સ્ટેટમાં તે એક જ હોય. તેથી આ પરિસ્થિતિને લીધે ઈલેક્ટ્રોન્સનું વાદળ બહારની બાજુએ દબાણ કરે. જ્યારે સૂર્ય જેવા તારામાં તેના ગર્ભભાગમાં અણુ-ઈંધણ ખૂટે ત્યારે તેના ગર્ભભાગની બહાર રહેલ પદાર્થ ગુરુત્વાકર્ષણથી તારાને દબાવે, તેને સંકોચે. આ વખતે તારામાં રહેલ પદાર્થના અણુઓ ભાંગી પડે, ઈલેક્ટ્રોન્સ ગર્ભભાગની બહાર ફેંકાય અને ગર્ભ ભાગની ફરતે ઈલેક્ટ્રોન્સ વાદળ રચે. એ ઈલેક્ટ્રોન્સના વાદળને તારાના ઉપલા ભાગનો પદાર્થ ગુરુત્વાકર્ષણથી દબાવે. એક સમય એવો આવે કે એ ઈલેક્ટ્રોન્સના વાદળામાં ઈલેક્ટ્રોન્સ પૌલીના સિદ્ધાંત પ્રમાણે વધારે નજીક જઈ શકે નહીં અને તેથી તે બધા ઈલેક્ટ્રોન્સ ભેગા મળી બહારની બાજુએ દબાણ કરે અને ગુરુત્વાકર્ષણથી થતા તારાના સંકોચનને અટકાવે સૂર્ય જેવા તારામાં જ્યારે અણુ-ઈંધણ ખૂટવા આવે ત્યારે થતાં સંકોચનને અટકાવનાર આ ઈલેક્ટ્રોન્સ પૌલીના સિદ્ધાંત પ્રમાણે તારાનું ગુરુત્વીયપતન અટકાવે છે. આ પરિસ્થિતિમાં તારાને વ્હાઈટ ડ્વાર્ફ તારા કહે છે, ગુજરાતીમાં તેને શ્ર્વેતવામન કે શ્ર્વેતપટુ તારો કહે છે. આપણા ભારતીય-અમેરિકન મહાન ખગોળશાસ્ત્રી સુબ્રમણ્યમ ચંદ્રશેખરે આપણને સમજાવ્યું કે સૂર્ય જેવા તારામાં જ્યારે ઈંધણ ખૂટે ત્યારે તે ૧૪ લાખ કિલોમીટરના વ્યાસના તારામાંથી નિસ્તેજ ૧૪ હજાર કિલોમીટરનો આકાશપિંડ બને છે. તેને આપણે વ્હાઈટ ડ્વાર્ફ તારો કહીએ છીએ. આ કાર્ય માટે ચંદ્રશેખરને ૧૯૮૩માં નોબેલ પુરસ્કાર મળેલો. તેના આ કાર્યમાં તારામાં થતું ગુરુત્વીય પતન અટકાવવા પૌલીના એક્સક્લુઝન સિદ્ધાંતનો ઉપયોગ થાય છે જે તારાના ગુરુત્વાપતનને વ્હાઈટ ડ્વાર્ફ સ્તરે અટકાવે છે. 

જો તારો સૂર્યમાં જે દળ (ળફતત) છે તેના કરતાં ત્રણ-ચાર ગણો હોય અને તેમાં જ્યારે અણુ-ઈંધણ ખૂટે અને તેનું ગુરુત્વીયપતન થાય ત્યારે ઈલેક્ટ્રોન્સનું વાદળ પૌલીના એક્સક્લુઝનના સિદ્ધાંત પ્રમાણે તે તારાનું ગુરુત્વીયપતન અટકાવી શકતું નથી કારણ કે ગુરુત્વાકર્ષણનો ભાર ખૂબ જ જબ્બર હોય છે. તેથી ગુરુત્વીયપતન સાથે ઈલેક્ટ્રોન્સ ઘસડાય છે અને તારાના ગર્ભભાગમાં રહેલ પ્રોટોન્સ સાથે અથડાય છે. અને ભારવિહીન ન્યુટ્રોન્સ નામના પદાર્થકણો બનાવે છે. આ ન્યુટ્રોન્સ પણ પૌલીના સિદ્ધાંતને અનુસરતા હોઈ આવા મોટા તારાના ગુરુત્વીયપતનને અટકાવે છે. ર૦ લાખ કિલોમીટરના વ્યાસનો તારો માત્ર ર૦ કિલોમીટરના વ્યાસનો તારો બને છે અને ન્યુટ્રોન્સ તે સ્તરે તારાના ગુરુત્વીયપતનને અટાકાવવા સમર્થ બને છે. તારાની આ અંતિમ સ્થિતિને ન્યુટ્રોન સ્ટાર કહે છે. આ સમજણ આપણને અમેરિકી ખગોળવિજ્ઞાની ઓપનહાઈમરે આપી. જો તારો પદાર્થમાં સૂર્યમાં જે પદાર્થ છે તેના કરતાં દશ કે વધારે ગણો પદાર્થમાં મોટો હોય તો તેવા તારામાં થતું ગુરુત્વીયપતન ન્યુટ્રોન પણ પૌલીના એક્સક્લુઝન સિદ્ધાંત પ્રમાણે અટકાવી શકતા નથી અને તારો બ્લેકહોલમાં પરિણમે છે. અહીં પૌલીનો સિદ્ધાંત કારગત નીવડતો નથી. પૌલીના એક્સક્લુઝન સિદ્ધાંતની નિષ્ફળતા બ્લેકહોલને જન્મ આપે છે. 

વોલ્ફગાંગ પૌલીએ અણુ-પરમાણુમાં થતી ગતિવિધિનો અભ્યાસ કર્યો અને બતાવ્યું કે જો શક્તિસંચય, ગતિમાન સંચય અને કોણીય ગતિમાન સંચયના સિદ્ધાંતો સાચા હોય તો અણુ-પરમાણુની ગતિવિધિમાંથી એક એવા પ્રકારના પદાર્થકણો બહાર પડતાં હોવા જોઈએ જેને નથી વિદ્યુતભાર, નથી દળ અને નથી ચુંબકીય ગુણધર્મો. આ પદાર્થકણો કાંઈ જ નથી, પણ કાંઈક છે. આ પદાર્થકણોનું નામ ન્યુટ્રિનો પાડવામાં આવ્યું. આ ન્યુટ્રિનો બ્રહ્માંડનું એક બહુ ઊંડું રહસ્ય સાચવીને બેઠાં છે. તેને ન્યુટ્રોન પદાર્થકણોની જેમ વિદ્યુતભાર નથી અને તે તદ્દન કાંઈ જ નથી, માટે તેને ન્યુટ્રિનો નામ આપવામાં આવ્યું છે. 

આ ન્યુટ્રિનો ૧૬ હજાર અબજ કિલોમીટરની જાડી દીવાલમાંથી પસાર થઈ જાય છે તેમ છતાં તે તેમાં શોષાઈ જતો નથી કે નથી તેની સાથે કોઈ પણ પ્રકારની ગતિવિધિ કરતો. પૂરા બ્રહ્માંડમાં તેનો વરસાદ વરસે જ છે. તે હરક્ષણે પૃથ્વીમાંથી લાખો-કરોડો અબજો સંખ્યામાં પસાર થઈ જાય છે. આપણા શરીરમાંથી હર ક્ષણે લાખો ન્યુટ્રિનો પસાર થઈ જાય છે, પણ આપણને ખબર પડતી નથી. આ ન્યુટ્રિનો બ્રહ્માંડનું મોટું વણઉકેલ્યું રહસ્ય લઈને બેઠાં છે. આ ન્યુટ્રિનોની શોધ વોલ્ફગાંગ પૌલીએ ૧૯૩૦માં કરી હતી, પણ તેનું અસ્તિત્વ ૧૯પ૬માં સાબિત થયું.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=163192

એક હતો ચકો ને એક હતી ચકી... --- ચંદ્રકાંત બક્ષી

એક હતો ચકો ને એક હતી ચકી. ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી દાળનો દાણો... અથવા ઊલટું પણ ચાલે. ચકીએ એની ખીચડી રાંધી અથવા બંનેએ મળીને એની ખીચડી રાંધી, ચૂલે ખીચડી મૂકીને ચકી પાણી ભરવા ગઈ. ચકી ગઈ એટલે ચકો ખીચડી ખાઈ ગયો અને આંખે પાટા બાંધીને સૂઈ ગયો. ચકી પાણી ભરીને આવી ત્યારે તપેલું ખાલી! ચકીએ કહ્યું: ચકારાણા, ચકારાણા! આ ખીચડી કોણ ખાઈ ગયું. ચકાએ કહ્યું કે રાજાનો કૂતરો ખાઈ ગયો હશે! ચકી રાજા પાસે ફરિયાદ કરવા ગઈ, રાજાજી તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો... અને...

ગુજરાતી ભાષાની આ સર્વશ્રેષ્ઠ વાર્તા છે એવો મારો મત છે. પચાસ વર્ષ પહેલાં દાદીમા, પચીસ વર્ષ પહેલા બા, દસ વર્ષ પહેલાં મમ્મી અને બે વર્ષ પહેલાં મમ્મા હતી એ દરેકે ગુજરાતી સ્ત્રીએ આ વાર્તા એના સંતાનની વિસ્મયથી ચકમતી આંખોમાં જોઈને કહી છે! એ વાર્તાની બધાને ખબર છે અને દરેક બાળકે એકથી વધારે વાર સાંભળી છે અને એટલું જ વિસ્મય થયું છે. આ વાર્તા દરેક બેબીએ સાંભળી છે અને એ બેબી મમ્મી બની છે ત્યારે એણે પોતાની બેબી કે બાબાને સંભળાવી છે! આ વાર્તા એકસો ટકા ગુજરાતી છે.

કોઈ પણ મહાન કૃતિ એટલા માટે મહાન ગણાય છે કે દરેક વાચક અથવા શ્રોતા અથવા ભાવક એનું પોતાનું અર્થઘટન કરી શકે છે. છ વર્ષની બેબી હોય કે છોંતેર વર્ષનો વૃદ્ધ હોય, ચકો અને ચકીની ટ્રેજેડી જરૂર અર્થ સમજાવી જાય છે અને એનો અર્થ વિસ્મયથી અનુભૂતિ સુધીના ફલક પર ફેલાઈ જાય છે. એમાં હીરો છે, હીરોઈન છે, નાયક - નાયકની સાથે પ્રતિનાયકના સ્વરૂપમાં ખલનાયક બની જતો નાયક પણ છે અને વિલન છે. આરોપિત વિલન છે, રાજા જેવી ત્રાહિત વ્યક્તિ છે. પ્લોટ માટેનો પદાર્થ ‘ખીચડી’ છે. યંત્રણા છે, છળ છે, સસ્પેન્સ છે, ભયંકરનું પરિણામ છે, ટ્રેજિક રોમાન્સ છે, ટ્રેજેડી છે અને અંતે સ્પેનિશમાં કહેવાય છે એ ‘કુ દ ગ્રેસ’નું તત્ત્વ અથવા બુલફાઈટમાં આખલા મારી નાખવા માટે જે છેલ્લો પ્રહાર થાય એ પણ છે.

વાર્તા બધા જ માપદંડો પ્રમાણે સંપૂર્ણ છે, નહિ તો બાળકો સ્વીકારે નહિ! વાર્તા એકથી વધુ વાર વાચન કે શ્રવણની કસોટીમાંથી પસાર થઈ શકે એ જ કોઈ પણ વાર્તા માટે ઊંચામાં ઊંચું કીર્તિમાન છે અને વિવેચકો આ વાર્તાને હજી સ્પર્શી શક્યા નથી. ચકો અને ચકી વિવેચનથી પર છે...

...અને રાજાએ કાળિયા કૂતરાને બોલાવ્યો. રાજા કહે: ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો? કૂતરો કહે, મેં ખીચડી નથી ખાધી. એ તો ચકોએ ખાધી હશે. એ ખોટું બોલતો હશે. ચકાને બોલાવ્યો. એણે કહ્યું, કૂતરાએ ખાધી હશે, એટલે રાજાએ સિપાઈને બોલાવ્યો: પેટ કાપો બંનેનાં! કોણે ખીચડી ખાધી છે એ ખબર પડશે. ચકો ધ્રૂજવા માંડ્યો. ખીચડી મેં ખાધી છે. એક ગુનો માફ કરો. રાજાએ ચકાને કૂવામાં ફેંકાવી દીધો. ચકી કૂવાના કાંઠા પર બેસીને રડવા લાગી.

એક ગાયોનો ગોવાળ નીકળ્યો: ગાયોના ગોવાળ! ગાયોના ગોવાળ! મારા ચકારાણાને કાઢે તો તને ખીર ને પોળી ખવડાવું અને કોઈ રોકાતું નથી. ગાયોનો ગોવાળ... ભેંસોનો ગોવાળ... બધા જ ચાલ્યા જાય છે. અંતે સાંઢિયાની ગોવાલણને યાદ આવે છે, એ ચકાને કૂવામાંથી કાઢે છે. ચકી એને પોતાને ઘેર લઈ આવે છે. એ ખીર ને પોળી બનાવવા બેસે છે, જમવાનો વખત થાય છે...

કથાને આદિ છે, મધ્ય છે, અંત છે. ગોવાળ રોકાતા નથી, ગોવાલણ મદદે આવે છે. પાત્રો છે અને વિશિષ્ટ પાત્રાલેખન છે, દરેક પાત્રનું આલેખન અને આવર્તન વ્યવસ્થિત છે. ચરિત્રચિત્રણ લાક્ષણિક છે. લોકાલ બદલાતું રહે છે, ઘર છે, રાજદરબાર છે, ઊંડો કૂવો છે, અંતે ફરી ઘર આવે છે. પ્રયોગ ‘સાઈકલિકલ’ છે, જ્યાં કથાનું આરંભબિંદુ છે ત્યાં જ અંતબિંદુ વિરમે છે. શ્રોતા કે વાચકને ક્રોધ, અનુકંપા, થડકાર, આનંદ, વિસ્મય થઈ શકે છે અને કથાના શબ્દાર્થની પાછળ પાછળ જીવનના રૂપકનો પણ એક ગૂઢાર્થ નીકળતો જાય છે.

ચકાએ લોખંડનો પાટલો ગરમ કરીને લાલચોળ બનાવ્યો અને કહ્યું: ગોવાલણબાઈ! આ સોનાને પાટલે બેસો. ગોવાલણ બેસવા ગઈ અને દાઝી ગઈ. એ તો બિચારી બોલતી બોલતી ભાગી, ખીર ન ખાધી, હું તો દાઝી!... અને વાર્તા પૂરી થઈ ગઈ પૂરી!

મેં મહેન્દ્ર મેઘાણીને પૂછ્યું હતું: આ વાર્તા ગિજુભાઈએ લખી છે? એમનો ઉત્તર હતો: આ લોકવાર્તા છે. એમાં ભાષાના જાતજાતના ફેરફારો થયા છે, પણ કથાનક એ જ ટકી રહ્યું છે.

અંગ્રેજી ભાષામાં બાળકો માટે લખાયેલી અમર કૃતિ ‘એલિસ ઈન વલ્ડરલેન્ડ’ છે, જેમાં હમ્પટી-ડમ્પટીનું ઇંડાકાર ગોળ પાત્ર દીવાલ પર બેસે છે, તૂટી જાય છે. બાળકોને મજા પડે છે અને આપણી આંખોમાં આંસુ આવી જાય છે. હમ્પટી-ડમ્પટી ‘એગહેડ’ છે અને અંગ્રેજીમાં આ ઈંડાકારનો અર્થ થાય છે: બુદ્ધિજીવી કે બૌદ્ધિક!

આપણે બૌદ્ધિકો આપણી દીવાલો પર ચડી બેસીએ છીએ. બેસી શકતા નથી. ગબડી પડીએ છીએ, આપણો નાશ થાય છે. આપણે આપણી દીવાલને પણ અનુકૂળ થઈ શકતા નથી, આપણું બંધારણ, આપણો આકાર જ એવો છે કે આપણે અસ્થિર થઈ જઈએ! મૂળ લીટીઓ સરસ છે: હમ્પટી-ડમ્પટી સેટ ઓન ધ વૉલ/ હમ્પટી-ડમ્પટી હેડ એ ગ્રેડ ફોલ/ઓલ ધ કિંગ્સ મેન એન ઓલ ધ કિંગ્સ હોર્સીસ/ કુડ નોટ પૂટ હમ્પટી-ડમ્પટી ટુગેધર એગેન...

આપણે હમ્પટી-ડમ્પટી છીએ. આપણી પોતાની ઊંચાઈ પરથી ગબડીને ચૂર ચૂર થઈ જઈએ છીએ. રાજાના માણસો અને રાજાના ઘોડા આવે છે, પણ હવે આપણને દીવાલ પર નહિ બેસાડી શકે!

ચકો અને ચકીની વાત મને એટલી જ મહાન લાગી છે. માંડ માંડ ભેગા કરેલા એક ચોખાના દાણા અને એક દાળના દાણાની આપણી ખીચડી બની છે. જિંદગીભરની મહેનત હોય છે અને ચકો ખાઈ જાય છે, પાટા બાંધીને સૂઈ જાય છે, રાજાના કાળા કૂતરાની વાત કરે છે. રાજાના દરબારમાં આપણા ચકાના સાચા સ્વરૂપની આપણને ખબર પડે છે અને એને કૂવામાંથી બહાર પણ કાઢવો પડશે. જીવન છે ત્યાં સુધી જીવવું પડશે. ગાયોના અને ભેંસોના અને બકરાના ગોવાળો... પૂરી દુનિયા પસાર થઈ જાય છે અને અંતે જે તારક છે એને જ એ ચક્રો દઝાડે છે. ભગાડી મૂકે છે. કાલ ફરીથી પડશે. એક ચોખાનો અને એક દાળનો દાણો બંનેએ ભેગો કરવો પડશે, પાણી ભરવા જવું પડશે. કદાચ રાજાનો કાળિયો કૂતરો હવે આવીને ખરેખર ખીચડી ખાઈ જશે... કદાચ રાજાના કાળિયા કૂતરાને ચકી જ જઈને ખીચડી ખવડાવી આવશે, કદાચ એ વખતે ચકીએ આંખે પાટા બાંધી લીધા હશે...

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=161304

Monday, June 1, 2015

પૃથ્વીનું ઈંધણ વાયુમંડળ --- ડો. જે. જે. રાવલ

ધરા પર અમૃત તુલ્ય પાણી વરસાવી જીવનને નિભાવી રાખવાનું કામ કુદરતે વાયુમંડળને આપ્યું છે.  


બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ


પ્રાચીન સમયમાં લોકો માનતા કે અંતરીક્ષ ખાલીખમ છે. પવન વાતો તો તેમને લાગ્યું કે હવા છે. પવનદેવતા છે. પવન વૃક્ષોને ઝુલાવે છે. તો વળી ઘણા માનતા કે વૃક્ષો ઝૂલે તો પવન વાય. વૃક્ષોને તેઓ મોટા વીંઝણા (પંખા) માનતા. સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં હજુ પણ વીંઝણા છે અને ભક્તો તેને ઝુલાવે છે. લોકો માનતા કે કોઈ પણ વસ્તુને આમતેમ હલાવીએ તો પવન (હવા) ઉત્પન્ન થાય. આજના પંખા આ જ વિચારની દેન છે. હવે તો મંદિરમાં પણ આધુનિક પંખા આવી ગયા છે. એરકંન્ડિશન આવી ગયા છે. જે દેવાધિદેવ પોતે જ પવન છે, પોતે જ પંખા છે અને પોતે જ એરકંન્ડિશન છે. તેમને હવા શું નાખવાની? પણ લોકોને એ બ્રહ્મજ્ઞાન નથી. ભક્તિની આ વાત છે. અનંત પોતે જ બધાને બેસાડે છે તેમને બેસાડવા ક્યાં? અનંત પોતે જ બધાને કપડાં પહેરાવે છે તેમને કપડાં ક્યાં અને કેવી રીતે પહેરાવવાનાં? અનંત પોતે જ બધાને જમાડે છે ત્યાં ભગવાનને જમાડવા શા માટે? અનંત ઈશ્ર્વરની પરિક્રમા કેવી રીતે કરવી? આરંભ કેવી રીતે કરવો? પણ લોકો ભગવાનને અન્નકૂટ ધરાવે છે. પાણી પીવડાવે છે, કપડાં પહેરાવે છે, ભક્તિ કરે છે.

પછી તો લોકોને ખબર પડી કે આકાશ ખાલીખમ નથી. તે વાયુઓથી ભરેલું છે પણ આ વાયુઓ દેખાતા નથી. આકાશમાં વાદળો થાય છે. લોકો માનતા કે વાદળો પાણીની ભરેલી ગૂણો છે અને વરુણદેવતા પાણી વરસાવે છે. પછી તો ખબર પડી કે આકાશમાં એવો વાયુ છે જે આપણને જિવાડે છે. તેમણે તેને પ્રાણવાયુ કહ્યો, જેને આપણે ઓક્સિજન (૦ર) કહીએ છીએ. લોકો માનતા કે પૂરું આકાશ, પૂરું બ્રહ્માંડ વાતાવરણ વાયુમંડળથી ભરેલું છે. પણ પછી ખબર પડી કે હકીકત એ છે કે પૃથ્વી ફરતે જ વાયુમંડળ છે. પૃથ્વીથી દૂર દૂર આકાશ ખાલીખમ છે. આ બધી શોધો નાની સૂની ન ગણાય. તે વર્ષોનાં અનુભવથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે. પછી પંચમહાભૂતો-પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશની ખબર પડી. હકીકતમાં સૂર્ય જ પંચમહાભૂતોનો કારક છે. ધરતીમાંથી પાણી નીકળે, જ્વાળામુખી ફાટે ત્યારે પાણી અને વાયુ બહાર આવતાં દેખાય છે. સૂર્ય તપે એટલે પાણી વરાળ થઈ આકાશમાં ઊડી જાય છે. જ્યારે પૃથ્વી જન્મી ત્યારે તેના પેટાળમાંથી એટલા બધા વાયુઓ નીકળ્યા જેણે પૃથ્વીને ઘેરી લીધી આ વાયુઓમાં મુખ્યત્વે નાઈટ્રોજન, કાર્બનડાયોક્સાઈડ પાણીની વરાળ, સલ્ફરડાયોક્સાઈડ અને થોડા પ્રમાણમાં બીજા વાયુઓ હતા. આ બધા ગ્રીનહાઉસ વાયુઓ હતા. તેમાં ઓક્સિજનની ગેરહાજરી હતી. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ઠીક ઠીક બળવાન હોઈ આ વાયુઓ પૃથ્વી પરથી પલાયન થઈ શક્યા નહીં, કારણ કે આ વાયુઓની પોતાની કુદરતી ગતિ, પૃથ્વી પરથી છટકવાની ગતિથી ઘણી નાની છે, કેમ કે પૃથ્વીની ધરી વાંકી છે અને તે વર્ષમાં કોઈ વાર સૂર્યની નજીક અને કોઈ વાર (છ મહિના પછી) સૂર્યથી દૂર રહેતી હોવાથી ઉષ્ણતામાનમાં તફાવત જન્મે છે. તેથી પૃથ્વીના વાયુમંડળમાં રહેલી વરાળનું ફરીથી પાણી થઈ વરસવાનું ચાલુ થયું. પૃથ્વી પર જેવો વરસાદ વરસવાનો ચાલુ થઈ ગયો કે તરત જ પૃથ્વી પરના ખાડાટેકરામાં પાણી ભરાઈ ગયું. નદીઓ વહેવા લાગી અને પૃથ્વી પર જળચર અને વનસ્પતિનો આવિર્ભાવ થયો. પૃથ્વી પર જેવી વનસ્પતિ આવી કે તરત જ સૂર્યની હાજરીમાં વનસ્પતિ વાયુમંડળનો કાર્બનડાયોક્સાઈડ વાતાવરણમાં ઓક્સિજન આપવાની શરૂઆત કરી. વનસ્પતિએ લીધેલા કાર્બનડાયોક્સાઈડનું તેનાં ફળો, ફૂલો, ડાળીઓ, પાંદડાં, થડમાં રૂપાંતર થયું આમ ફોટોસિન્થેસિસની કુદરતની ક્રિયા વડે હવામાં ઓક્સિજન ઉત્પન્ન થયો. વનસ્પતિએ કાર્બનડાયોક્સાઈડને પોતાના વિકાસ માટે વાપરતાં હવામાંથી કાર્બનડાયોક્સાઈડ ઓછો થતો ગયો. બીજો કાર્બનડાયોક્સાઈડ વરસાદ વખતે પાણીમાં ઓગળી પૃથ્વી પર આવવા લાગ્યો. પૃથ્વી પરનાં મહાસાગરો અને જળાશયો પણ કાર્બનડાયોક્સાઈડને શોધવા લાગ્યાં. આમ હવામાંથી કાર્બનડાયોક્સાઈડ તદ્દન ઓછો થઈ ગયો. હવામાંનો કાર્બનડાયોક્સાઈડ જે પૃથ્વી પર આવ્યો તેણે ધરા પર ચૂનાના પથ્થરો અને આરસપહાણને જન્મ આપ્યો. આમ પૃથ્વી ફરતે વાયુમંડળ બન્યું અને પૃથ્વી નંદનવન બની ગઈ જેની પર જીવનનો આવિર્ભાવ થયો.

પૃથ્વીનું વાયુમંડળ ર૦૦થી પ૦૦ કિલોમીટર સુધી પથરાયું છે જેમાં ર૦ કિલોમીટર ઊંચે ઓઝોન વાયુનું કવચ (આવરણ) છે. પૃથ્વી ફરતે આયનોનું બનેલું આયનોસ્ફીચર છે. જેને રેડિયો-ટેલિકોમ્યુનિકેશન શક્ય બનાવ્યું છે. પૃથ્વીના વાયુમંડળમાંથી વાયુઓ છેવાડેથી લીક આઉટ થાય છે પણ પૃથ્વી પર ચાલતી ધરતીકંપ ખંડોની પાટો ખસવાની ક્રિયા, જ્વાળામુખી ફાટવાની ક્રિયા ખૂટતા વાયુઓનો પુરવઠો પૂરો પાડતાં રહે છે. આમ પૃથ્વીનું વાયુમંડળ જેવું ને તેવું જળવાઈ રહ્યું છે.

વિજ્ઞાનીઓ ગજબના પ્રાણીઓ છે. પૃથ્વીનું વાયુમંડળ દેખાતું નથી. તેમ છતાં તેઓએ પૃથ્વીના વાયુમંડળમાં રહેલા ઓક્સિજન, નાઈટ્રોજન, કાર્બનડાયોક્સાઈડ, સલ્ફરડાયોક્સાઈડ, પાણીની વરાળને ઓળખી કાઢ્યાં. તેટલું જ નહીં પ્રયોગશાળામાં તેમને ઉત્પન્ન કરી તેમના ગુણધર્મો જાણ્યા. રસાયણશાસ્ત્ર આધુનિક વિજ્ઞાન છે. તેમાં જર્મન અને ફ્રાન્સના વિજ્ઞાનીઓએ ઘણું યોગદાન આપ્યું છે. વાયુઓ એટલા બધા સેન્સિટિવ છે કે તેનો અભ્યાસ કરવો ઘણો દુષ્કર છે અને તેમના વર્તનના નિયમો શોધવા ઘણું અઘરું કાર્ય છે. તેમાં રોબર્ટ બોઈલ, લેવોત્ઝિયર, પ્રિસ્ટલી, ગેલ્યુર્સસ, એવોગેડ્રો વગેરેએ ઘણું યોગદાન આપ્યું છે. વાયુઓનું રસાયણશાસ્ત્ર હવે સારી રીતે પ્રતિષ્ઠિત થઈ ગયું છે. ગરમીની વાયુઓ પર તરત જ અસર પડે છે. તે જ પવન પ્રવાહો ઉત્પન્ન કરે છે, અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ લાવે છે. વાયુમંડળમાં વાયુઓનું ઘમસાણ ચાલતું જ હોય છે.

વાયુમંડળમાં ૭૯ ટકા નાઈટ્રોજન છે. નાઈટ્રોજનનું કાર્ય ઓક્સિજનને મંદ કરવાનું છે. વાયુમંડળમાં જો નાઈટ્રોજન ન હોત તો આપણે જરા પણ હાથ ઘસીએ તો ઓક્સિજન બળવા લાગત. બ્રહ્માંડમાં બધે જ બળવાની ક્રિયા ચાલે છે. ઓક્સિજન વસ્તુને બળવામાં મદદ કરે છે. કાર્બનડાયોક્સાઈડ કહેવાય તો અંગારવાયુ પણ હકીકતમાં તે જ જીવનવાયુ છે. વનસ્પતિ તેને લઈને જ ફળો બનાવે છે. તે આપણને હૂંફ આપે છે. તેનું પ્રમાણ તો ઘણું ઓછું છે, પણ તે પૃથ્વીને ઠંડી પડતાં બચાવે છે. જો કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય તો આપણે, ગરમીથી ત્રાહિમામ પોકારવા લાગીએ. વાયુમંડળનું પાણી જ બધાને ભીના રાખે છે. વાયુમંડળનો ઓઝોન આપણું સૂર્યનાં શક્તિશાળી કિરણોથી રક્ષણ કરે છે. પૃથ્વી પર આપણે જીવી રહ્યા છીએ તેની પાછળ રક્ષણ પૃથ્વી ફરતેના વાયુમંડળનું છે. તે બહારથી આવતી ઘણીખરી ઉલકાને બાળી નાખી રસ્તામાં જ નાશ કરે છે. નહીં તો તે આપણા શરીરને ચાળણી જેવું કરી નાખે. વાયુમંડળને હિસાબે જ ગરમી-ઠંડીનું સમતુલન જળવાઈ રહે છે. પૃથ્વી પર અમૃતતુલ્ય પાણીને વરસાવી જીવનને નિભાવી રાખવાનું કાર્ય પણ કુદરતે વાયુમંડળને જ આપ્યું છે. વાયુમંડળમાં પાણીનું ચક્ર (હાઈડ્રોલોજિકલ સાઈકલ) ચાલે છે. વાયુમંડળમાં નાઈટ્રોજન ચક્ર ચાલે છે. વાયુમંડળમાં કાર્બનચક્ર ચાલે છે. વાયુમંડળ પોતે જ મહાચક્ર છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=87823

મોટા માણસોની નાની વાતો --- શાહબુદ્દીન રાઠોડ

માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકનાં જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.

એક આક્ષેપ સ્ત્રીઓ પર અવારનવાર કરવામાં આવે છે. સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી. સ્ત્રીઓ કોઈ રહસ્ય છુપાવી શકતી નથી. આ બાબત તદ્દન ખોટી છે. સ્ત્રીઓ અમુક રહસ્ય જીવનભર છુપાવી શકે છે. ખાતરી ન થતી હોય તો પછી વર્ષો સુધી તેમની સાચી ઉંમર છુપાવવી એ કાંઈ સહેલી વાત નથી. 

મેકઅપની સજાવટથી સજ્જ, સુંદર વસ્ત્રો પરિધાન કરેલ એક શ્રીમંત મહિલાએ જ્યોર્જ બર્નાર્ડ શૅાને પૂછ્યું, ‘મારી ઉંમર આપ કેટલી ધારો છો?’

શૉએ કહ્યું, ‘દાંત પરથી જો અનુમાન કરવામાં આવે તો તો આપની ઉંમર અઢાર વર્ષ જણાય છે. ભૂરાં વાંકડિયા વાળ પરથી તો ઓગણીસ વર્ષ હોય એવું જણાય છે અને તમારી આ અદા પરથી ઉંમરનો અંદાજ લગાડવામાં આવે તો એમ માનીને ચૌદ વર્ષ જણાય છે.’

મહિલા બહુ ખુશ થઈ. શૉની પ્રશંસા કરતાં તેણે કહ્યું, ‘આપના અભિપ્રાય બદલ આભાર, પરંતુ આપને હું કેટલાં વર્ષની લાગું છું?’

બર્નાર્ડ શૉએ સ્પષ્ટતા કરતાં કહ્યું-‘મેં તો ઉંમર જણાવી દીધી છે. છતાં આપ અઢાર, ઓગણીસ અને ચૌદનો સરવાળો કરી લ્યો.’

બર્નાર્ડ શૉ કટાક્ષ કરવા માટે જાણીતા હતા, પરંતુ ક્યારેક એમને પણ ઊભા વેતરી નાખે એવા કટાક્ષ સહી લેવા પડતા. 

સ્ટ્રેટફર્ડ અપૉન એવોનમાં શેક્સપિયર દિવસની ઉજવણીમાં એવન નદીને કાંઠે રૉયલ શેક્સપિયર થિયેટરમાં શેક્સપિયરનું નાટક ભજવવાનું હતું. જગતના માંધાતાઓ આ સમારંભમાં ઉપસ્થિત હતા. શૉ પણ ત્યાં આવી પહોંચ્યા. શૉને જોઈ હાજર રહેલા સૌને ખૂબ આશ્ર્ચર્ય થયું, કારણ કે બર્નાર્ડ શૉએ વિલિયમ શેક્સપિયરની પણ કટુ આલોચના કરી હતી. શૉનું સ્વાગત કરવા આગળ આવેલા જી. કે. ચેસ્ટરને કટાક્ષ કર્યો, ‘આવો, મિ. શૉ આપ આવ્યા તે બહુ સારું કર્યું. મરેલા સિંહ કરતાં જીવતા ગધેડાની કિંમત વધારે હોય છે.’

કટાક્ષ સાંભળી શૉ સમસમી ઊઠ્યા પણ પ્રસંગની મહત્તાનો સ્વીકાર કરી એક શબ્દ પણ બોલ્યા નહીં. 

હેનરી ફોર્ડને સફળ લગ્નજીવન અને સફળ દાંપત્યનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બંને સફળતાને બે જ શબ્દોમાં સમાવી: ‘એક જ મોડેલ.’

અસહકારના આંદોલનમાં વિદેશી ભારતીયોનો સહકાર મેળવવા સરોજિની નાયડુને પૂર્વ આફ્રિકાના પ્રવાસે મોકલવામાં આવ્યાં હતાં. જુદા જુદા ભારતીય સમાજો તરફથી તેમનું સન્માન કરવામાં આવતું અને પ્રવચનો યોજાતાં એમાં એક ભારતીય સમાજ તરફથી વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. પ્રમુખ વક્તા એક શ્રીમંત ગૃહસ્થ હતા. તેમની સંપત્તિ જેટલી હતી તેના પ્રમાણમાં જ્ઞાન ઓછું હતું અને અંગ્રેજીનું જ્ઞાન સાવ સીમિત. એક શિક્ષકે તેમનું પ્રવચન તૈયાર કરી આપ્યું હતું, જેમાં સરોજિની નાયડુની પ્રશંસા, સન્માન અને અભિનંદન આવરી લેવામાં આવ્યાં હતાં. 

શિક્ષકે તૈયાર કરેલા પ્રવચનમાં એક જગ્યાએ સરોજિની નાયડુનું લોકપ્રિય બીજું નામ ‘સુપ્રસિદ્ધ ભારતીય મહિલા’, ‘ભારતીય કોકિલા’, ‘ફેમસ નાઈટિંગેલ ઓફ ઈન્ડિયા’નો ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય વક્તા પ્રવચન વાંચતાં વાંચતાં અહીં સુધી પહોંચ્યા અને મુશ્કેલી સર્જાઈ. ‘નાઈટિંગેલ’ શબ્દ તેમને સમજાયો નહીં, પરંતુ પોતાની બુદ્ધિથી એમણે અર્થ બેસાડ્યો, ‘ફેમસ નોટી ગર્લ ઓફ ઈન્ડિયા’, ‘ભારતની સુપ્રસિદ્ધ શરારતી છોકરી’. વક્તા આ બોલ્યા અને સભાજનો ખડખડાટ હસી પડ્યા. સરોજિની નાયડુ પણ ખૂબ હસ્યાં. ઘણી વાર તેઓ પોતે આ પ્રસંગ વર્ણવી ખુશ થઈ જતાં અને અન્યને પણ તેનો આનંદ આવતો. 

આવા જ એક સમારંભમાં શાળાના હેડમાસ્તરસાહેબે તમામ મહેમાનોને આવકાર આપતાં સૌની આગળ ‘મરહૂમ’ શબ્દ વાપર્યો. મરહૂમ પ્રમુખસાહેબ, મરહૂમ મંત્રીશ્રી આ રીતે સૌને નવાજવા લાગ્યા. હેડમાસ્તરને પૂછવામાં આવ્યું ત્યારે ભોળા ભાવે તેમણે જણાવ્યું. ‘સાહેબ, અમે તો રાણી વિક્ટોરિયાને મરહૂમ કહીએ છીએ, એટલે મને થયું આપના માટે આ જ સંબોધન યોગ્ય લેખાશે.’

અમેરિકાના સુપ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કાર્યક્રમ આપવા એક શહેરમાં આવી પહોંચ્યા. શહેરમાં પોતાના કાર્યક્રમનો પ્રચાર બરાબર થયો છે કે નહીં, તેની બારીક તપાસ તેમણે કરી, પરંતુ દીવાલો પર પોસ્ટર કે ચોપાનિયાં અથવા છાપામાં મોટી જાહેરાત આવું કાંઈ તેમના જોવામાં ન આવ્યું. એક દુકાનદાર પાસે ઊભા રહી તેમણે તપાસ કરી, ‘આ શહેરમાં કોઈ મનોરંજન કાર્યક્રમ આજે છે?’ દુકાનદારે વિચારીને કહ્યું, ‘હા કોઈનો છે ખરો.’ માર્ક ટ્વેઈન કહે, ‘કોનો કાર્યક્રમ છે?’ દુકાનદાર કહે, ‘એ તો ખબર નથી.’ માર્ક ટ્વેઈન કહે, ‘તો પછી કાર્યક્રમની કેમ ખબર પડી?’ દુકાનદારે શાંતિથી કહ્યું, ‘આ તો અહીં ઈંડાં બહુ વેચાયાં છે એટલે અનુમાન કરું છું.’

માર્ક ટ્વેઈન તપાસ કરવાનું માંડી વાળ્યું.

અબજોપતિ જૉન ડી. રૉકફેલર એક સંસ્થાની મુલાકાતે ગયા. ફરતાં ફરતાં એક વર્ગ પાસે આવી પહોંચ્યા. વર્ગમાં દાખલ થયા. શિક્ષણકાર્યનું નિરીક્ષણ કર્યું. શિક્ષક વિદ્યાર્થીઓને વ્યવસાય અને વ્યાપાર વિશે સમજાવી રહ્યા હતા. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, ‘કોઈ બતાવી શકશો, પ્રોમિસરી નોટ કઈ રીતે લખાય?’

એક તેજસ્વી વિદ્યાર્થી ઊભો થયો અને તેણે બ્લેકબોર્ડ પર લખ્યું, ‘હું આ સંસ્થાને દસ હજાર ડોલર આપવાનું વચન આપું છું.-જૉન ડી. રોકફેલર’.

લખાણ વાંચી રોકફેલર ખુશ થયા અને સંસ્થાને દસ હજાર ડોલરનો એક ચેક એ જ વખતે લખી આપ્યો. 

પ્રોફેસર તીર્થરામ સંન્યાસી થયા પછી સ્વામી રામતીર્થ નામથી પ્રસિદ્ધિ પામ્યા. તેમણે વર્ગમાં એક સીધી રેખા દોરી. વિદ્યાર્થીઓને કહ્યું, ‘આ રેખાને નાની કરી આપો.’ ભૂંસવાનો પ્રયાસ કરનારને બેસાડી દીધા. એક તેજસ્વી વિદ્યાર્થીએ બાજુમાં મોટી લીટી દોરી દીધી. સાહેબ ખુશ થઈ ગયા. તેમણે સમજાવ્યું, જીવનમાં કદીય બીજાની લીટી ભૂંસવાનો પ્રયાસ કરશો નહીં. 

સમાજમાં બે પ્રકારના માણસો હોય છે. એક અન્યની રેખા ભૂંસ્યા વગર પોતાની રેખા મોટી દોરનાર. બીજાની રેખા પાસે મોટી રેખા દોરનારની રેખા આપોઆપ મોટી થતી જાય છે, જ્યારે બીજા પ્રકારના જીવનભર કોઈની રેખાઓ ભૂંસવામાં જ રહી જાય છે. પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી અબ્રાહમ લિંકનને એક સંસદસભ્યે કહ્યું, ‘મિ. લિંકન, એ ન ભૂલો, તમારા પિતાએ રિપેર કરેલા બૂટ હજી મારા ઘરમાં પડ્યા છે.’

અબ્રાહમ લિંકનનાં પિતા મોચીકામ કરતાં. તેમણે લિંકનની રેખાને ભૂંસવા પ્રયાસ કર્યો, લિંકને કહ્યું, ‘એ બૂટ રિપેર તો બરાબર થયા છેને? એમાં કોઈ ઊણપ, કોઈ ફરિયાદ તો નથીને? યાદ રાખો શ્રીમાન, મારા પિતા જેટલું સારું મોચીકામ શીખ્યા એટલો સારો હું પ્રેસિડન્ટ નહીં બની શકું. માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકના જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.’ 

લિંકનનું વક્તવ્ય સાંભળી સૌ ચૂપ થઈ ગયા.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=87816


ખાતાપીતા ગુજ્જુઓ: વી ધ સ્વીટ પીપલ! --- સંજય છેલ

ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન નથી, પણ એને ‘આધીન’ છે! તેઓ પૈસાનેય ખોરાકની જેમ ‘પચાવી’ શકે છે

                     

એક ગુજ્જુ ગૃહિણીએ રાજકોટમાં મમ્મીને ફોન જોડ્યો, ‘મમ્મી... બહુ ફસાઈ ગઈ છું. ઉનાળામાં મારે અથાણાં બનાવવાના છે, પરમ દિવસે પંદર મહેમાનો જમવા આવવાના છે. છોકરાઓનું વેકેશન ચાલે છે એટલે નાસ્તા ર૪ કલાક બનાવવા પડે છે! મરી જઈશ રસોડામાં!’

મમ્મીએ તરત કહ્યું, ‘ચિંતા ના કર, હું હમણાં જ રાજકોટથી કારમાં અમદાવાદ જઉં છું ત્યાંથી મુંબઈની ફ્લાઈટ પકડીને રાત્રે જ મુંબઈ પહોંચું છું. હું બધું ફટાફટ કરી નાખીશ. ઓકે? અચ્છા, મને પહેલાં એ કહે કે પીયૂષકુમાર માટે રાજકોટથી પેંડા લેતી આવું?’

ગૃહિણી ચોંકી, ‘પીયૂષ? મારા વરનું નામ તો મયંક છે! આ કયો નંબર છે?’

સામેથી પેલી સ્ત્રીએ કહ્યું, ‘સોરી, તમે રોંગ નંબર લગાડ્યો લાગે છે.’

એટલે ગુજ્જુ ગૃહિણી બોલી, ‘હાય હાય, એટલે તમે હેલ્પ કરવા નહીં આવો? રસોઈ મારે એકલીએ જ બનાવવી પડશે?’

રસોડું, જમણવાર, ડિનર, ગુજરાતી ખાણીપીણી, એક સદાબહાર ટોપિક છે, કારણ કે આપણી આખી અસ્મિતા અથાણામય છે, મહાજાતિ મસાલામય છે. ગુજરાતીઓ માટે પૃથ્વીનું કેન્દ્ર ‘પેટ’ છે. આપણી છ ઈંદ્રિયોની સ્વામિની સ્વાદેન્દ્રિય ‘જીભ’ જ છે! એક ગુજરાતી ટૂરિસ્ટને પરદેશમાં જઈને સોક્રેટિસ કે પ્લેટોની ધરતી પર શું-શું જોવા મળશે એના કરતાં ત્યાં શું ખાવા મળશે એની વધુ ચિંતા હોય છે. મને તો સો ટકા ખાતરી છે કે જો કોલંબસ કાઠિયાવાડી હોત અને અમેરિકા શોધવા નીકળ્યો હોત તો પોતાની સાથે ચોક્કસ ચાનો મસાલો નાની ડબ્બીમાં ભરીને લઈ ગયો હોત અને બે-ત્રણ મહિના ચાલે એટલાં થેપલાં-અથાણાં તો બાંધ્યાં જ હોત!

તમે માર્ક કર્યું હશે કે ગુજરાતી દુકાનોની બહાર ‘અહીં ખાટાં ભરેલા મરચાં તૈયાર મળશે.’ જેવી લાંબી ઓર્ગેનિક જાહેરાતોનાં પાટિયાં લટકતાં હોય છે. અરે, આપણા ભજનમાંયે નરસિંહ મહેતા ભગવાનને જગાડવા ‘જાગને જાદવા’ ગાતાં ગાતાં ‘ઘી તણાં ઢેબરાં, દહીં તણાં દહીંથરા’ અચૂક ઓફર કરે છે. મીરાંબાઈ હોય કે પ્રેમાનંદ, સમસ્ત જગતના સ્વામીને ઘેર બોલાવી લોજિંગ-બોર્ડિંગ સાથે કંસાર કે ખીર જેવું મિષ્ટ ભોજન તો જમાડે જ! અરે, જમ્યા પછી ભૂકો કરીને જીરું નાખેલી છાશ પીને જે ‘હાશ’ એક ગુજરાતીને થાય છે! આહાહા જાણે મોક્ષ મળી ગયો. ‘હાશ’ શબ્દનો પર્યાય બીજી કોઈ ભાષામાં જોવા મળતો નથી. જેમ બોક્સિગંમાં ત્રણ રાઉન્ડ હોય છે એમ પ્રેમમાં જો ત્રણ રાઉન્ડ હોય તો એક ગુજ્જુ સ્ત્રી, ગુજ્જુ પુરુષને ‘સરસ જમાડી’ને પહેલા જ રાઉન્ડમાં નોકઆઉટ કરી શકે છે. બિનગુજરાતી લોકો ગુજ્જુઓને ‘ગરબા’ અને ‘ગાંઠિયા’ની પ્રજા કહે છે એ સાવ અમસ્તું નથી. ગુજરાતમાં ‘રાસડો’ની જેમ ‘ટેસડો’ શબ્દ છે, જે ‘ટેસ્ટ’ પરથી અવતરી આવ્યો હશે એમ મને તો લાગે છે. ચવાણું હોય કે ભૂસું કે મુખવાસ કે સેવમમરા... પણ ર૪ કલાક કંઈ ને કંઈ ચાવતા રહેવું કે મંચિંગ કરતા રહેવું એમાં આપણો અસ્તિત્વ બોધ છે!

ભારતભરના બીજા લોકો એ વાતથી હેરત થાય છે કે આપણી દરેક વાનગીમાં મીઠાશ કેમ હોય છે. દાળ પણ મીઠી, શાક પણ મીઠાં! અરે ત્યાં સુધી કે હનીમૂનની રાત પણ કેવી મસ્ત હતી એ કહેવા માટે પણ ગુજ્જુ સ્ત્રી ‘મીઠા લાગ્યા રે મને રાતનાં ઉજાગરાં’ ગાય છે! આપણને સુહાગરાતના શૃંગારિક ઉજાગરા પણ ફક્ત ‘મીઠાં’ જ લાગી શકે છે? તીખા તમતમતા કે રસીલા, નશીલા કેમ નહીં લાગતા હોય? અરે ત્યાં સુધી કે મહાત્મા ગાંધીએ પણ બ.ક. ઠાકોરની એક પ્રેમ-કવિતા નીચે રિમાર્ક રાખેલી ‘બહુ મીઠું લાગ્યું!’ આ તો સારું છે કે આપણા ગુજરાતીઓનાં આંસુ હજી ખારાં જ રહ્યાં છે, આપણાં આંસુ મીઠાં નથી બની ગયાં, બાકી આપણું કહેવાય નહીં! ગુજ્જુ બાળવાર્તાઓમાં જ્યારે બકરીના બચ્ચાને વાઘ ખાવા આવે છે ત્યારે પણ કેવી સ્વાદભરી ખલનાયકી કરે છે: ‘ગોળ કેરી ભીંતલડી ને શેરડી કેરા સાંઠા, બચ્ચાં બારણાં ઉઘાડો’ આપણા હીરો કે વિલન, ગળચટ્ટા અને શ્યુગરી શ્યુગરી જ હોય! ગુજરાતીમાં એક સસ્પેન્સ નાટક આવેલું જેનું ટાઈટલ હતું: ‘મોત મલકે મીઠું મીઠું’ બોલો આપણા મોતમાં પણ મીઠાશ? આપણને ગુજ્જુઓને છાપાં-મેગેઝિન-નાટક-સાહિત્યમાં ક્યાંય પણ ગંભીર વાત કે જીવનની કડવી સચ્ચાઈઓ ઝટ નથી ભાવતી કે નથી પચતી. આપણી સુખી જનતાને બધું સ્વીટ સ્વીટ જ જોઈએ. કદાચ એટલે જ આપણે ડહાપણના ડાયાબિટીસથી પીડાઈએ છીએ!

આપણી લગ્નવિષયક જાહેરખબરોમાં પણ મુરતિયા માટે ‘ખાધે પીધે સુખી’ જેવા શબ્દો દેખાય છે. એવરેજ ગુજરાતીને લાલ રસમાં તરતાં લીલાં ગુંદાના અથાણામાં બ્રહ્માંડ-દર્શન જડે છે અને છુંદાની ચાસણીમાં ‘રસ-સમાધિ’ દેખાય છે. ગુજરાતી છોકરો, છોકરીને પટાવવા ‘તું ગર્રરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી, ઓરી આવે તો તને વાત કહુંં ખાનગી’ જેવાં અલ્લડ ગીતો ગાય છે જેમાં સેક્સ પણ સ્વાદ દ્વારા જ છલકે છે! ગુજ્જુ નવલકથાઓમાં ગુજ્જુ પાત્રો ડાઈનિંગ ટેબલના સીનમાં વારંવાર ‘જમવાને ન્યાય’ આપે છે. આપણા લોકપ્રિય લેખક ચંદ્રકાંત બક્ષીની વાર્તાઓમાં પણ ‘કરારી રોટી’, ‘ચોકલેટની છારી’, ‘ઊકળતા શાક’ની લજ્જતદાર ખુશ્બૂ ઠેરઠેર જોવા મળે છે. વર્ષો પહેલાં બક્ષીની નોવેલને જ્યારે સર્ક્યુલેટિંગ લાઈબ્રેરીમાં લીધી તો એમાં એક નટખટ વાચકે પહેલા જ પાના પર નોંધ લખેલી: ‘નોવેલનો પ્લોટ તો ઠીક છે પણ એમાં ૩૭ જગ્યાએ ખાવાની આઈટમ આવે છે, એટલે મજા આવશે!’

‘ગુજરાતી સાહિત્યમાં ખાણીપીણી’ એ વિષય પર હવે પીએચ.ડી. કરવાનો સમય પાકી ગયો છે! ગુજરાતી કવિતામાંય શરાબ, શબાબ છે, પણ આપણા સાહિત્યમાં કબાબ નથી. આપણી વાર્તાઓમાં ભરવદાર શરીરવાળી વનિતાનાં વરણ હોય છે પણ વાઈન ભાગ્યે જ જોવાં મળે છે. કારણ કે આપણે ત્યાં માત્ર વેજિટેરિયન વૃત્તિના લોકો છે. (પણ જોકે એ મિથ છે. હકીકતમાં પ૦ ટકાથી વધુ ગુજરાતી ઘરે કે બહાર નોનવેજ ખાય જ છે. અને એથી વિપરીત ભારતમાં સૌથી વધુ વેજિટેરિયન હરિયાણામાં છે!) આપણી કહેવતોમાંય ‘ઘી ઢોળાયું ખીચડીમાં’ જેવી ખાવાની જ વાતો છલકે છે. સુસંસ્કૃત નાગરોમાં ખીચડીને ‘સુખ પાવની’ અને સેવમમરાને ‘પ્રમોદિની’ જેવા કોઈક અલંકારિક શબ્દોથી નવાજાય છે (ગુજ્જુઓ ખાણીપીણીના શોખીન નથી પણ ‘આધીન’ છે!) ગુજરાતીઓ પૈસાનેય ખોરાકની જેમ ‘પચાવી’ શકે છે... ગુજ્જુઓ એમની વાતમાં ‘મોણ’ નાખે છે અથવા તો અમુક વાર ‘મગનું નામ મરી નથી પાડતાં!’ મુંંબઈની હોટેલ ઈન્ડસ્ટ્રીને ચલાવવાની જવાબદારી એકલે હાથે ગુજરાતીઓએ ઉપાડી છે. એક ખૂની પાસે મર્ડરનો માસ્ટરપ્લાન હોય એમ એક શોખીન ગુજરાતી પાસે વીકએન્ડમાં કઈ કઈ હોટેલમાં જઈને શું શું ખાવું એની પૂરી માહિતી હોય છે જેને એ લોકો ‘સાંજનો પોગરામ’ કહે છે! અને પછી શનિ-રવિ, મનભાવન આઈટેમો ખાઈને સોમવારે એની વાતો મમળાવવી આપણી સુખની વ્યાખ્યા છે. જમીને ‘જલસો’ પડી ગયો એમ કહેવામાં આપણા આનંદનો ક્લાઈમેક્સ આવી જાય છે. 

સ્વીટ્ઝરલેન્ડની રમણીય વાદીઓમાં ‘યુંગ ફ્રાઉં’ (એટલે કે ‘યુવાન સ્ત્રી’) નામનાં બર્ફીલા શિખરોને જોવા નીકળેલા ગુજ્જુઓ ત્યાં પહોંચીને તરતર ગરમાગરમ દાળઢોકળી ખાશે. કારણ કે તેઓ જાણે છે કે બર્ફીલા પર્વતો તો હંમેશા આવા ટાઢા જ રહેવાના છે પણ દાળઢોકળી ઠંડી થઈ જશે એ નહીં પરવડે! પર્વતો શાશ્ર્વત છે પણ આ ક્ષણ તો વહી જશેને? એટલે પહેલાં ઝાપટી લો! હું તો માનું છું હવેથી ફોટોગ્રાફરોએ, ગ્રુપ ફોટા વખતે ‘સે ચીઝ’ને બદલે ‘સે ઢોકળાં’ જ બોલવું જોઈએ, તો ગુજ્જુઓના ફોટા વધુ સારા આવશે! ઈરોટિક નોવેલ્સના લેખક હેન્રી મિલર માટે કહેવાય છે કે એમણે અંગ્રેજી સાહિત્યમાં ‘ફૂડ’ અને ‘વાઈન’ને સૌથી રસાળ સ્ટાઈલમાં રજૂ કર્યું. આપણે ત્યાં પણ હવે કોઈકે નવલકથાઓને ખાણીપીણીનો હીરો બનાવીને લખવી જોઈએ. કેલિફોર્નિયામાં ગુજરાતી મહિલા દ્વારા ચાલતું ‘કોકિલા’ઝ કિચન’ કે ‘માણેક-ચોકનાં શરબત’કે ‘રાજકોટનો આઈસક્રીમ’ આ બધી આઈટેમોને ખાનારાઓને વાર્તામાં મેઈન પાત્રો બનાવવાં જોઈએ. ગુજરાતી બેસ્ટ સેલરનો કદાચ એ જ સાચો મસાલો છે, પછી જોજો ‘ઓમકાર-ઓડકાર’ કે ‘ખાનગી-વાનગી’ જેવા ટાઈટલ્સવાળી નવલકથા ઘેર-ઘેર રસોડે-રસોડે વંચાશે.

ગુજરાતી નાટકનો એક એક્ટર બહુ હેંડસમ અને પોપ્યુલર હતો. એના દરેક શો પછી નવી નવી છોકરી એને મળવા આવે, ઓટોગ્રાફ વગેરે લે. એક વાર એક સીધીસાદી છોકરી બેકસ્ટેજમાં મળવા આવી. બંને કોફી પીવા ગયાં, બે-ત્રણ દિવસ રેગ્યુલર મળ્યા. એક રાતે પેલો એક્ટર એને પોતાના ફ્લેટ પર લઈ ગયો. બંનેએ એકસાથે રાત ગાળી. સવારે વિદાય કરતી વખતે એક્ટરે પેલી છોકરીને નવા નાટકની ચાર ટિકિટો આપી અને કહ્યું સાંજે ફ્રેંડ્ઝ સાથે શો પર આવજે! પેલી છોકરીએ કહ્યું, ‘હું બહુ ગરીબ ફેમિલીમાંથી આવું છું... મને આ ટિકિટનો શું ઉપયોગ? કંઈક પૈસા આપો. ઘરે ખાવાના સાંસા છે’ એક્ટરે તરત જ કહ્યું, ‘ઘરે ખાવાનું નથી તો કોઈ હોટેલવાળા સાથે રોમેન્સ કરવો જોઈતો’તોને? મારી પાછળ કેમ પડી! મારી પાસે જે હોય એ જ આપુંને?’

વાત તો સાચી છે! જેની પાસે જે હોય એ જ આપી શકેને? ગુજ્જુઓ પાસે અમાપ ફૂડ-પ્રેમ છે, જે જગતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. અને એ જ આપણા જીવનમાં અત્રતત્રસર્વત્ર છલકે છે! જુઓને, હાલમાં જ આપણા મોદીસાહેબને પણ ગુજ્જુ સ્ત્રીઓની સફળતા દર્શાવતી વખતે ‘સુનિતા વિલિયમ્સ-અવકાશયાત્રાવાળાં’ નહીં પણ ‘જસુબેન પિઝાવાળાં’ કે ‘ઈન્દુબેન ખાખરાવાળાં જ’ યાદ આવ્યાંને?

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=87815