Tuesday, June 9, 2015

એક હતો ચકો ને એક હતી ચકી... --- ચંદ્રકાંત બક્ષી

એક હતો ચકો ને એક હતી ચકી. ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી દાળનો દાણો... અથવા ઊલટું પણ ચાલે. ચકીએ એની ખીચડી રાંધી અથવા બંનેએ મળીને એની ખીચડી રાંધી, ચૂલે ખીચડી મૂકીને ચકી પાણી ભરવા ગઈ. ચકી ગઈ એટલે ચકો ખીચડી ખાઈ ગયો અને આંખે પાટા બાંધીને સૂઈ ગયો. ચકી પાણી ભરીને આવી ત્યારે તપેલું ખાલી! ચકીએ કહ્યું: ચકારાણા, ચકારાણા! આ ખીચડી કોણ ખાઈ ગયું. ચકાએ કહ્યું કે રાજાનો કૂતરો ખાઈ ગયો હશે! ચકી રાજા પાસે ફરિયાદ કરવા ગઈ, રાજાજી તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો... અને...

ગુજરાતી ભાષાની આ સર્વશ્રેષ્ઠ વાર્તા છે એવો મારો મત છે. પચાસ વર્ષ પહેલાં દાદીમા, પચીસ વર્ષ પહેલા બા, દસ વર્ષ પહેલાં મમ્મી અને બે વર્ષ પહેલાં મમ્મા હતી એ દરેકે ગુજરાતી સ્ત્રીએ આ વાર્તા એના સંતાનની વિસ્મયથી ચકમતી આંખોમાં જોઈને કહી છે! એ વાર્તાની બધાને ખબર છે અને દરેક બાળકે એકથી વધારે વાર સાંભળી છે અને એટલું જ વિસ્મય થયું છે. આ વાર્તા દરેક બેબીએ સાંભળી છે અને એ બેબી મમ્મી બની છે ત્યારે એણે પોતાની બેબી કે બાબાને સંભળાવી છે! આ વાર્તા એકસો ટકા ગુજરાતી છે.

કોઈ પણ મહાન કૃતિ એટલા માટે મહાન ગણાય છે કે દરેક વાચક અથવા શ્રોતા અથવા ભાવક એનું પોતાનું અર્થઘટન કરી શકે છે. છ વર્ષની બેબી હોય કે છોંતેર વર્ષનો વૃદ્ધ હોય, ચકો અને ચકીની ટ્રેજેડી જરૂર અર્થ સમજાવી જાય છે અને એનો અર્થ વિસ્મયથી અનુભૂતિ સુધીના ફલક પર ફેલાઈ જાય છે. એમાં હીરો છે, હીરોઈન છે, નાયક - નાયકની સાથે પ્રતિનાયકના સ્વરૂપમાં ખલનાયક બની જતો નાયક પણ છે અને વિલન છે. આરોપિત વિલન છે, રાજા જેવી ત્રાહિત વ્યક્તિ છે. પ્લોટ માટેનો પદાર્થ ‘ખીચડી’ છે. યંત્રણા છે, છળ છે, સસ્પેન્સ છે, ભયંકરનું પરિણામ છે, ટ્રેજિક રોમાન્સ છે, ટ્રેજેડી છે અને અંતે સ્પેનિશમાં કહેવાય છે એ ‘કુ દ ગ્રેસ’નું તત્ત્વ અથવા બુલફાઈટમાં આખલા મારી નાખવા માટે જે છેલ્લો પ્રહાર થાય એ પણ છે.

વાર્તા બધા જ માપદંડો પ્રમાણે સંપૂર્ણ છે, નહિ તો બાળકો સ્વીકારે નહિ! વાર્તા એકથી વધુ વાર વાચન કે શ્રવણની કસોટીમાંથી પસાર થઈ શકે એ જ કોઈ પણ વાર્તા માટે ઊંચામાં ઊંચું કીર્તિમાન છે અને વિવેચકો આ વાર્તાને હજી સ્પર્શી શક્યા નથી. ચકો અને ચકી વિવેચનથી પર છે...

...અને રાજાએ કાળિયા કૂતરાને બોલાવ્યો. રાજા કહે: ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો? કૂતરો કહે, મેં ખીચડી નથી ખાધી. એ તો ચકોએ ખાધી હશે. એ ખોટું બોલતો હશે. ચકાને બોલાવ્યો. એણે કહ્યું, કૂતરાએ ખાધી હશે, એટલે રાજાએ સિપાઈને બોલાવ્યો: પેટ કાપો બંનેનાં! કોણે ખીચડી ખાધી છે એ ખબર પડશે. ચકો ધ્રૂજવા માંડ્યો. ખીચડી મેં ખાધી છે. એક ગુનો માફ કરો. રાજાએ ચકાને કૂવામાં ફેંકાવી દીધો. ચકી કૂવાના કાંઠા પર બેસીને રડવા લાગી.

એક ગાયોનો ગોવાળ નીકળ્યો: ગાયોના ગોવાળ! ગાયોના ગોવાળ! મારા ચકારાણાને કાઢે તો તને ખીર ને પોળી ખવડાવું અને કોઈ રોકાતું નથી. ગાયોનો ગોવાળ... ભેંસોનો ગોવાળ... બધા જ ચાલ્યા જાય છે. અંતે સાંઢિયાની ગોવાલણને યાદ આવે છે, એ ચકાને કૂવામાંથી કાઢે છે. ચકી એને પોતાને ઘેર લઈ આવે છે. એ ખીર ને પોળી બનાવવા બેસે છે, જમવાનો વખત થાય છે...

કથાને આદિ છે, મધ્ય છે, અંત છે. ગોવાળ રોકાતા નથી, ગોવાલણ મદદે આવે છે. પાત્રો છે અને વિશિષ્ટ પાત્રાલેખન છે, દરેક પાત્રનું આલેખન અને આવર્તન વ્યવસ્થિત છે. ચરિત્રચિત્રણ લાક્ષણિક છે. લોકાલ બદલાતું રહે છે, ઘર છે, રાજદરબાર છે, ઊંડો કૂવો છે, અંતે ફરી ઘર આવે છે. પ્રયોગ ‘સાઈકલિકલ’ છે, જ્યાં કથાનું આરંભબિંદુ છે ત્યાં જ અંતબિંદુ વિરમે છે. શ્રોતા કે વાચકને ક્રોધ, અનુકંપા, થડકાર, આનંદ, વિસ્મય થઈ શકે છે અને કથાના શબ્દાર્થની પાછળ પાછળ જીવનના રૂપકનો પણ એક ગૂઢાર્થ નીકળતો જાય છે.

ચકાએ લોખંડનો પાટલો ગરમ કરીને લાલચોળ બનાવ્યો અને કહ્યું: ગોવાલણબાઈ! આ સોનાને પાટલે બેસો. ગોવાલણ બેસવા ગઈ અને દાઝી ગઈ. એ તો બિચારી બોલતી બોલતી ભાગી, ખીર ન ખાધી, હું તો દાઝી!... અને વાર્તા પૂરી થઈ ગઈ પૂરી!

મેં મહેન્દ્ર મેઘાણીને પૂછ્યું હતું: આ વાર્તા ગિજુભાઈએ લખી છે? એમનો ઉત્તર હતો: આ લોકવાર્તા છે. એમાં ભાષાના જાતજાતના ફેરફારો થયા છે, પણ કથાનક એ જ ટકી રહ્યું છે.

અંગ્રેજી ભાષામાં બાળકો માટે લખાયેલી અમર કૃતિ ‘એલિસ ઈન વલ્ડરલેન્ડ’ છે, જેમાં હમ્પટી-ડમ્પટીનું ઇંડાકાર ગોળ પાત્ર દીવાલ પર બેસે છે, તૂટી જાય છે. બાળકોને મજા પડે છે અને આપણી આંખોમાં આંસુ આવી જાય છે. હમ્પટી-ડમ્પટી ‘એગહેડ’ છે અને અંગ્રેજીમાં આ ઈંડાકારનો અર્થ થાય છે: બુદ્ધિજીવી કે બૌદ્ધિક!

આપણે બૌદ્ધિકો આપણી દીવાલો પર ચડી બેસીએ છીએ. બેસી શકતા નથી. ગબડી પડીએ છીએ, આપણો નાશ થાય છે. આપણે આપણી દીવાલને પણ અનુકૂળ થઈ શકતા નથી, આપણું બંધારણ, આપણો આકાર જ એવો છે કે આપણે અસ્થિર થઈ જઈએ! મૂળ લીટીઓ સરસ છે: હમ્પટી-ડમ્પટી સેટ ઓન ધ વૉલ/ હમ્પટી-ડમ્પટી હેડ એ ગ્રેડ ફોલ/ઓલ ધ કિંગ્સ મેન એન ઓલ ધ કિંગ્સ હોર્સીસ/ કુડ નોટ પૂટ હમ્પટી-ડમ્પટી ટુગેધર એગેન...

આપણે હમ્પટી-ડમ્પટી છીએ. આપણી પોતાની ઊંચાઈ પરથી ગબડીને ચૂર ચૂર થઈ જઈએ છીએ. રાજાના માણસો અને રાજાના ઘોડા આવે છે, પણ હવે આપણને દીવાલ પર નહિ બેસાડી શકે!

ચકો અને ચકીની વાત મને એટલી જ મહાન લાગી છે. માંડ માંડ ભેગા કરેલા એક ચોખાના દાણા અને એક દાળના દાણાની આપણી ખીચડી બની છે. જિંદગીભરની મહેનત હોય છે અને ચકો ખાઈ જાય છે, પાટા બાંધીને સૂઈ જાય છે, રાજાના કાળા કૂતરાની વાત કરે છે. રાજાના દરબારમાં આપણા ચકાના સાચા સ્વરૂપની આપણને ખબર પડે છે અને એને કૂવામાંથી બહાર પણ કાઢવો પડશે. જીવન છે ત્યાં સુધી જીવવું પડશે. ગાયોના અને ભેંસોના અને બકરાના ગોવાળો... પૂરી દુનિયા પસાર થઈ જાય છે અને અંતે જે તારક છે એને જ એ ચક્રો દઝાડે છે. ભગાડી મૂકે છે. કાલ ફરીથી પડશે. એક ચોખાનો અને એક દાળનો દાણો બંનેએ ભેગો કરવો પડશે, પાણી ભરવા જવું પડશે. કદાચ રાજાનો કાળિયો કૂતરો હવે આવીને ખરેખર ખીચડી ખાઈ જશે... કદાચ રાજાના કાળિયા કૂતરાને ચકી જ જઈને ખીચડી ખવડાવી આવશે, કદાચ એ વખતે ચકીએ આંખે પાટા બાંધી લીધા હશે...

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=161304

Monday, June 1, 2015

પૃથ્વીનું ઈંધણ વાયુમંડળ --- ડો. જે. જે. રાવલ

ધરા પર અમૃત તુલ્ય પાણી વરસાવી જીવનને નિભાવી રાખવાનું કામ કુદરતે વાયુમંડળને આપ્યું છે.  


બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ


પ્રાચીન સમયમાં લોકો માનતા કે અંતરીક્ષ ખાલીખમ છે. પવન વાતો તો તેમને લાગ્યું કે હવા છે. પવનદેવતા છે. પવન વૃક્ષોને ઝુલાવે છે. તો વળી ઘણા માનતા કે વૃક્ષો ઝૂલે તો પવન વાય. વૃક્ષોને તેઓ મોટા વીંઝણા (પંખા) માનતા. સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં હજુ પણ વીંઝણા છે અને ભક્તો તેને ઝુલાવે છે. લોકો માનતા કે કોઈ પણ વસ્તુને આમતેમ હલાવીએ તો પવન (હવા) ઉત્પન્ન થાય. આજના પંખા આ જ વિચારની દેન છે. હવે તો મંદિરમાં પણ આધુનિક પંખા આવી ગયા છે. એરકંન્ડિશન આવી ગયા છે. જે દેવાધિદેવ પોતે જ પવન છે, પોતે જ પંખા છે અને પોતે જ એરકંન્ડિશન છે. તેમને હવા શું નાખવાની? પણ લોકોને એ બ્રહ્મજ્ઞાન નથી. ભક્તિની આ વાત છે. અનંત પોતે જ બધાને બેસાડે છે તેમને બેસાડવા ક્યાં? અનંત પોતે જ બધાને કપડાં પહેરાવે છે તેમને કપડાં ક્યાં અને કેવી રીતે પહેરાવવાનાં? અનંત પોતે જ બધાને જમાડે છે ત્યાં ભગવાનને જમાડવા શા માટે? અનંત ઈશ્ર્વરની પરિક્રમા કેવી રીતે કરવી? આરંભ કેવી રીતે કરવો? પણ લોકો ભગવાનને અન્નકૂટ ધરાવે છે. પાણી પીવડાવે છે, કપડાં પહેરાવે છે, ભક્તિ કરે છે.

પછી તો લોકોને ખબર પડી કે આકાશ ખાલીખમ નથી. તે વાયુઓથી ભરેલું છે પણ આ વાયુઓ દેખાતા નથી. આકાશમાં વાદળો થાય છે. લોકો માનતા કે વાદળો પાણીની ભરેલી ગૂણો છે અને વરુણદેવતા પાણી વરસાવે છે. પછી તો ખબર પડી કે આકાશમાં એવો વાયુ છે જે આપણને જિવાડે છે. તેમણે તેને પ્રાણવાયુ કહ્યો, જેને આપણે ઓક્સિજન (૦ર) કહીએ છીએ. લોકો માનતા કે પૂરું આકાશ, પૂરું બ્રહ્માંડ વાતાવરણ વાયુમંડળથી ભરેલું છે. પણ પછી ખબર પડી કે હકીકત એ છે કે પૃથ્વી ફરતે જ વાયુમંડળ છે. પૃથ્વીથી દૂર દૂર આકાશ ખાલીખમ છે. આ બધી શોધો નાની સૂની ન ગણાય. તે વર્ષોનાં અનુભવથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે. પછી પંચમહાભૂતો-પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશની ખબર પડી. હકીકતમાં સૂર્ય જ પંચમહાભૂતોનો કારક છે. ધરતીમાંથી પાણી નીકળે, જ્વાળામુખી ફાટે ત્યારે પાણી અને વાયુ બહાર આવતાં દેખાય છે. સૂર્ય તપે એટલે પાણી વરાળ થઈ આકાશમાં ઊડી જાય છે. જ્યારે પૃથ્વી જન્મી ત્યારે તેના પેટાળમાંથી એટલા બધા વાયુઓ નીકળ્યા જેણે પૃથ્વીને ઘેરી લીધી આ વાયુઓમાં મુખ્યત્વે નાઈટ્રોજન, કાર્બનડાયોક્સાઈડ પાણીની વરાળ, સલ્ફરડાયોક્સાઈડ અને થોડા પ્રમાણમાં બીજા વાયુઓ હતા. આ બધા ગ્રીનહાઉસ વાયુઓ હતા. તેમાં ઓક્સિજનની ગેરહાજરી હતી. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ઠીક ઠીક બળવાન હોઈ આ વાયુઓ પૃથ્વી પરથી પલાયન થઈ શક્યા નહીં, કારણ કે આ વાયુઓની પોતાની કુદરતી ગતિ, પૃથ્વી પરથી છટકવાની ગતિથી ઘણી નાની છે, કેમ કે પૃથ્વીની ધરી વાંકી છે અને તે વર્ષમાં કોઈ વાર સૂર્યની નજીક અને કોઈ વાર (છ મહિના પછી) સૂર્યથી દૂર રહેતી હોવાથી ઉષ્ણતામાનમાં તફાવત જન્મે છે. તેથી પૃથ્વીના વાયુમંડળમાં રહેલી વરાળનું ફરીથી પાણી થઈ વરસવાનું ચાલુ થયું. પૃથ્વી પર જેવો વરસાદ વરસવાનો ચાલુ થઈ ગયો કે તરત જ પૃથ્વી પરના ખાડાટેકરામાં પાણી ભરાઈ ગયું. નદીઓ વહેવા લાગી અને પૃથ્વી પર જળચર અને વનસ્પતિનો આવિર્ભાવ થયો. પૃથ્વી પર જેવી વનસ્પતિ આવી કે તરત જ સૂર્યની હાજરીમાં વનસ્પતિ વાયુમંડળનો કાર્બનડાયોક્સાઈડ વાતાવરણમાં ઓક્સિજન આપવાની શરૂઆત કરી. વનસ્પતિએ લીધેલા કાર્બનડાયોક્સાઈડનું તેનાં ફળો, ફૂલો, ડાળીઓ, પાંદડાં, થડમાં રૂપાંતર થયું આમ ફોટોસિન્થેસિસની કુદરતની ક્રિયા વડે હવામાં ઓક્સિજન ઉત્પન્ન થયો. વનસ્પતિએ કાર્બનડાયોક્સાઈડને પોતાના વિકાસ માટે વાપરતાં હવામાંથી કાર્બનડાયોક્સાઈડ ઓછો થતો ગયો. બીજો કાર્બનડાયોક્સાઈડ વરસાદ વખતે પાણીમાં ઓગળી પૃથ્વી પર આવવા લાગ્યો. પૃથ્વી પરનાં મહાસાગરો અને જળાશયો પણ કાર્બનડાયોક્સાઈડને શોધવા લાગ્યાં. આમ હવામાંથી કાર્બનડાયોક્સાઈડ તદ્દન ઓછો થઈ ગયો. હવામાંનો કાર્બનડાયોક્સાઈડ જે પૃથ્વી પર આવ્યો તેણે ધરા પર ચૂનાના પથ્થરો અને આરસપહાણને જન્મ આપ્યો. આમ પૃથ્વી ફરતે વાયુમંડળ બન્યું અને પૃથ્વી નંદનવન બની ગઈ જેની પર જીવનનો આવિર્ભાવ થયો.

પૃથ્વીનું વાયુમંડળ ર૦૦થી પ૦૦ કિલોમીટર સુધી પથરાયું છે જેમાં ર૦ કિલોમીટર ઊંચે ઓઝોન વાયુનું કવચ (આવરણ) છે. પૃથ્વી ફરતે આયનોનું બનેલું આયનોસ્ફીચર છે. જેને રેડિયો-ટેલિકોમ્યુનિકેશન શક્ય બનાવ્યું છે. પૃથ્વીના વાયુમંડળમાંથી વાયુઓ છેવાડેથી લીક આઉટ થાય છે પણ પૃથ્વી પર ચાલતી ધરતીકંપ ખંડોની પાટો ખસવાની ક્રિયા, જ્વાળામુખી ફાટવાની ક્રિયા ખૂટતા વાયુઓનો પુરવઠો પૂરો પાડતાં રહે છે. આમ પૃથ્વીનું વાયુમંડળ જેવું ને તેવું જળવાઈ રહ્યું છે.

વિજ્ઞાનીઓ ગજબના પ્રાણીઓ છે. પૃથ્વીનું વાયુમંડળ દેખાતું નથી. તેમ છતાં તેઓએ પૃથ્વીના વાયુમંડળમાં રહેલા ઓક્સિજન, નાઈટ્રોજન, કાર્બનડાયોક્સાઈડ, સલ્ફરડાયોક્સાઈડ, પાણીની વરાળને ઓળખી કાઢ્યાં. તેટલું જ નહીં પ્રયોગશાળામાં તેમને ઉત્પન્ન કરી તેમના ગુણધર્મો જાણ્યા. રસાયણશાસ્ત્ર આધુનિક વિજ્ઞાન છે. તેમાં જર્મન અને ફ્રાન્સના વિજ્ઞાનીઓએ ઘણું યોગદાન આપ્યું છે. વાયુઓ એટલા બધા સેન્સિટિવ છે કે તેનો અભ્યાસ કરવો ઘણો દુષ્કર છે અને તેમના વર્તનના નિયમો શોધવા ઘણું અઘરું કાર્ય છે. તેમાં રોબર્ટ બોઈલ, લેવોત્ઝિયર, પ્રિસ્ટલી, ગેલ્યુર્સસ, એવોગેડ્રો વગેરેએ ઘણું યોગદાન આપ્યું છે. વાયુઓનું રસાયણશાસ્ત્ર હવે સારી રીતે પ્રતિષ્ઠિત થઈ ગયું છે. ગરમીની વાયુઓ પર તરત જ અસર પડે છે. તે જ પવન પ્રવાહો ઉત્પન્ન કરે છે, અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ લાવે છે. વાયુમંડળમાં વાયુઓનું ઘમસાણ ચાલતું જ હોય છે.

વાયુમંડળમાં ૭૯ ટકા નાઈટ્રોજન છે. નાઈટ્રોજનનું કાર્ય ઓક્સિજનને મંદ કરવાનું છે. વાયુમંડળમાં જો નાઈટ્રોજન ન હોત તો આપણે જરા પણ હાથ ઘસીએ તો ઓક્સિજન બળવા લાગત. બ્રહ્માંડમાં બધે જ બળવાની ક્રિયા ચાલે છે. ઓક્સિજન વસ્તુને બળવામાં મદદ કરે છે. કાર્બનડાયોક્સાઈડ કહેવાય તો અંગારવાયુ પણ હકીકતમાં તે જ જીવનવાયુ છે. વનસ્પતિ તેને લઈને જ ફળો બનાવે છે. તે આપણને હૂંફ આપે છે. તેનું પ્રમાણ તો ઘણું ઓછું છે, પણ તે પૃથ્વીને ઠંડી પડતાં બચાવે છે. જો કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય તો આપણે, ગરમીથી ત્રાહિમામ પોકારવા લાગીએ. વાયુમંડળનું પાણી જ બધાને ભીના રાખે છે. વાયુમંડળનો ઓઝોન આપણું સૂર્યનાં શક્તિશાળી કિરણોથી રક્ષણ કરે છે. પૃથ્વી પર આપણે જીવી રહ્યા છીએ તેની પાછળ રક્ષણ પૃથ્વી ફરતેના વાયુમંડળનું છે. તે બહારથી આવતી ઘણીખરી ઉલકાને બાળી નાખી રસ્તામાં જ નાશ કરે છે. નહીં તો તે આપણા શરીરને ચાળણી જેવું કરી નાખે. વાયુમંડળને હિસાબે જ ગરમી-ઠંડીનું સમતુલન જળવાઈ રહે છે. પૃથ્વી પર અમૃતતુલ્ય પાણીને વરસાવી જીવનને નિભાવી રાખવાનું કાર્ય પણ કુદરતે વાયુમંડળને જ આપ્યું છે. વાયુમંડળમાં પાણીનું ચક્ર (હાઈડ્રોલોજિકલ સાઈકલ) ચાલે છે. વાયુમંડળમાં નાઈટ્રોજન ચક્ર ચાલે છે. વાયુમંડળમાં કાર્બનચક્ર ચાલે છે. વાયુમંડળ પોતે જ મહાચક્ર છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=87823

મોટા માણસોની નાની વાતો --- શાહબુદ્દીન રાઠોડ

માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકનાં જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.

એક આક્ષેપ સ્ત્રીઓ પર અવારનવાર કરવામાં આવે છે. સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી. સ્ત્રીઓ કોઈ રહસ્ય છુપાવી શકતી નથી. આ બાબત તદ્દન ખોટી છે. સ્ત્રીઓ અમુક રહસ્ય જીવનભર છુપાવી શકે છે. ખાતરી ન થતી હોય તો પછી વર્ષો સુધી તેમની સાચી ઉંમર છુપાવવી એ કાંઈ સહેલી વાત નથી. 

મેકઅપની સજાવટથી સજ્જ, સુંદર વસ્ત્રો પરિધાન કરેલ એક શ્રીમંત મહિલાએ જ્યોર્જ બર્નાર્ડ શૅાને પૂછ્યું, ‘મારી ઉંમર આપ કેટલી ધારો છો?’

શૉએ કહ્યું, ‘દાંત પરથી જો અનુમાન કરવામાં આવે તો તો આપની ઉંમર અઢાર વર્ષ જણાય છે. ભૂરાં વાંકડિયા વાળ પરથી તો ઓગણીસ વર્ષ હોય એવું જણાય છે અને તમારી આ અદા પરથી ઉંમરનો અંદાજ લગાડવામાં આવે તો એમ માનીને ચૌદ વર્ષ જણાય છે.’

મહિલા બહુ ખુશ થઈ. શૉની પ્રશંસા કરતાં તેણે કહ્યું, ‘આપના અભિપ્રાય બદલ આભાર, પરંતુ આપને હું કેટલાં વર્ષની લાગું છું?’

બર્નાર્ડ શૉએ સ્પષ્ટતા કરતાં કહ્યું-‘મેં તો ઉંમર જણાવી દીધી છે. છતાં આપ અઢાર, ઓગણીસ અને ચૌદનો સરવાળો કરી લ્યો.’

બર્નાર્ડ શૉ કટાક્ષ કરવા માટે જાણીતા હતા, પરંતુ ક્યારેક એમને પણ ઊભા વેતરી નાખે એવા કટાક્ષ સહી લેવા પડતા. 

સ્ટ્રેટફર્ડ અપૉન એવોનમાં શેક્સપિયર દિવસની ઉજવણીમાં એવન નદીને કાંઠે રૉયલ શેક્સપિયર થિયેટરમાં શેક્સપિયરનું નાટક ભજવવાનું હતું. જગતના માંધાતાઓ આ સમારંભમાં ઉપસ્થિત હતા. શૉ પણ ત્યાં આવી પહોંચ્યા. શૉને જોઈ હાજર રહેલા સૌને ખૂબ આશ્ર્ચર્ય થયું, કારણ કે બર્નાર્ડ શૉએ વિલિયમ શેક્સપિયરની પણ કટુ આલોચના કરી હતી. શૉનું સ્વાગત કરવા આગળ આવેલા જી. કે. ચેસ્ટરને કટાક્ષ કર્યો, ‘આવો, મિ. શૉ આપ આવ્યા તે બહુ સારું કર્યું. મરેલા સિંહ કરતાં જીવતા ગધેડાની કિંમત વધારે હોય છે.’

કટાક્ષ સાંભળી શૉ સમસમી ઊઠ્યા પણ પ્રસંગની મહત્તાનો સ્વીકાર કરી એક શબ્દ પણ બોલ્યા નહીં. 

હેનરી ફોર્ડને સફળ લગ્નજીવન અને સફળ દાંપત્યનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બંને સફળતાને બે જ શબ્દોમાં સમાવી: ‘એક જ મોડેલ.’

અસહકારના આંદોલનમાં વિદેશી ભારતીયોનો સહકાર મેળવવા સરોજિની નાયડુને પૂર્વ આફ્રિકાના પ્રવાસે મોકલવામાં આવ્યાં હતાં. જુદા જુદા ભારતીય સમાજો તરફથી તેમનું સન્માન કરવામાં આવતું અને પ્રવચનો યોજાતાં એમાં એક ભારતીય સમાજ તરફથી વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. પ્રમુખ વક્તા એક શ્રીમંત ગૃહસ્થ હતા. તેમની સંપત્તિ જેટલી હતી તેના પ્રમાણમાં જ્ઞાન ઓછું હતું અને અંગ્રેજીનું જ્ઞાન સાવ સીમિત. એક શિક્ષકે તેમનું પ્રવચન તૈયાર કરી આપ્યું હતું, જેમાં સરોજિની નાયડુની પ્રશંસા, સન્માન અને અભિનંદન આવરી લેવામાં આવ્યાં હતાં. 

શિક્ષકે તૈયાર કરેલા પ્રવચનમાં એક જગ્યાએ સરોજિની નાયડુનું લોકપ્રિય બીજું નામ ‘સુપ્રસિદ્ધ ભારતીય મહિલા’, ‘ભારતીય કોકિલા’, ‘ફેમસ નાઈટિંગેલ ઓફ ઈન્ડિયા’નો ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય વક્તા પ્રવચન વાંચતાં વાંચતાં અહીં સુધી પહોંચ્યા અને મુશ્કેલી સર્જાઈ. ‘નાઈટિંગેલ’ શબ્દ તેમને સમજાયો નહીં, પરંતુ પોતાની બુદ્ધિથી એમણે અર્થ બેસાડ્યો, ‘ફેમસ નોટી ગર્લ ઓફ ઈન્ડિયા’, ‘ભારતની સુપ્રસિદ્ધ શરારતી છોકરી’. વક્તા આ બોલ્યા અને સભાજનો ખડખડાટ હસી પડ્યા. સરોજિની નાયડુ પણ ખૂબ હસ્યાં. ઘણી વાર તેઓ પોતે આ પ્રસંગ વર્ણવી ખુશ થઈ જતાં અને અન્યને પણ તેનો આનંદ આવતો. 

આવા જ એક સમારંભમાં શાળાના હેડમાસ્તરસાહેબે તમામ મહેમાનોને આવકાર આપતાં સૌની આગળ ‘મરહૂમ’ શબ્દ વાપર્યો. મરહૂમ પ્રમુખસાહેબ, મરહૂમ મંત્રીશ્રી આ રીતે સૌને નવાજવા લાગ્યા. હેડમાસ્તરને પૂછવામાં આવ્યું ત્યારે ભોળા ભાવે તેમણે જણાવ્યું. ‘સાહેબ, અમે તો રાણી વિક્ટોરિયાને મરહૂમ કહીએ છીએ, એટલે મને થયું આપના માટે આ જ સંબોધન યોગ્ય લેખાશે.’

અમેરિકાના સુપ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કાર્યક્રમ આપવા એક શહેરમાં આવી પહોંચ્યા. શહેરમાં પોતાના કાર્યક્રમનો પ્રચાર બરાબર થયો છે કે નહીં, તેની બારીક તપાસ તેમણે કરી, પરંતુ દીવાલો પર પોસ્ટર કે ચોપાનિયાં અથવા છાપામાં મોટી જાહેરાત આવું કાંઈ તેમના જોવામાં ન આવ્યું. એક દુકાનદાર પાસે ઊભા રહી તેમણે તપાસ કરી, ‘આ શહેરમાં કોઈ મનોરંજન કાર્યક્રમ આજે છે?’ દુકાનદારે વિચારીને કહ્યું, ‘હા કોઈનો છે ખરો.’ માર્ક ટ્વેઈન કહે, ‘કોનો કાર્યક્રમ છે?’ દુકાનદાર કહે, ‘એ તો ખબર નથી.’ માર્ક ટ્વેઈન કહે, ‘તો પછી કાર્યક્રમની કેમ ખબર પડી?’ દુકાનદારે શાંતિથી કહ્યું, ‘આ તો અહીં ઈંડાં બહુ વેચાયાં છે એટલે અનુમાન કરું છું.’

માર્ક ટ્વેઈન તપાસ કરવાનું માંડી વાળ્યું.

અબજોપતિ જૉન ડી. રૉકફેલર એક સંસ્થાની મુલાકાતે ગયા. ફરતાં ફરતાં એક વર્ગ પાસે આવી પહોંચ્યા. વર્ગમાં દાખલ થયા. શિક્ષણકાર્યનું નિરીક્ષણ કર્યું. શિક્ષક વિદ્યાર્થીઓને વ્યવસાય અને વ્યાપાર વિશે સમજાવી રહ્યા હતા. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, ‘કોઈ બતાવી શકશો, પ્રોમિસરી નોટ કઈ રીતે લખાય?’

એક તેજસ્વી વિદ્યાર્થી ઊભો થયો અને તેણે બ્લેકબોર્ડ પર લખ્યું, ‘હું આ સંસ્થાને દસ હજાર ડોલર આપવાનું વચન આપું છું.-જૉન ડી. રોકફેલર’.

લખાણ વાંચી રોકફેલર ખુશ થયા અને સંસ્થાને દસ હજાર ડોલરનો એક ચેક એ જ વખતે લખી આપ્યો. 

પ્રોફેસર તીર્થરામ સંન્યાસી થયા પછી સ્વામી રામતીર્થ નામથી પ્રસિદ્ધિ પામ્યા. તેમણે વર્ગમાં એક સીધી રેખા દોરી. વિદ્યાર્થીઓને કહ્યું, ‘આ રેખાને નાની કરી આપો.’ ભૂંસવાનો પ્રયાસ કરનારને બેસાડી દીધા. એક તેજસ્વી વિદ્યાર્થીએ બાજુમાં મોટી લીટી દોરી દીધી. સાહેબ ખુશ થઈ ગયા. તેમણે સમજાવ્યું, જીવનમાં કદીય બીજાની લીટી ભૂંસવાનો પ્રયાસ કરશો નહીં. 

સમાજમાં બે પ્રકારના માણસો હોય છે. એક અન્યની રેખા ભૂંસ્યા વગર પોતાની રેખા મોટી દોરનાર. બીજાની રેખા પાસે મોટી રેખા દોરનારની રેખા આપોઆપ મોટી થતી જાય છે, જ્યારે બીજા પ્રકારના જીવનભર કોઈની રેખાઓ ભૂંસવામાં જ રહી જાય છે. પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી અબ્રાહમ લિંકનને એક સંસદસભ્યે કહ્યું, ‘મિ. લિંકન, એ ન ભૂલો, તમારા પિતાએ રિપેર કરેલા બૂટ હજી મારા ઘરમાં પડ્યા છે.’

અબ્રાહમ લિંકનનાં પિતા મોચીકામ કરતાં. તેમણે લિંકનની રેખાને ભૂંસવા પ્રયાસ કર્યો, લિંકને કહ્યું, ‘એ બૂટ રિપેર તો બરાબર થયા છેને? એમાં કોઈ ઊણપ, કોઈ ફરિયાદ તો નથીને? યાદ રાખો શ્રીમાન, મારા પિતા જેટલું સારું મોચીકામ શીખ્યા એટલો સારો હું પ્રેસિડન્ટ નહીં બની શકું. માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકના જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.’ 

લિંકનનું વક્તવ્ય સાંભળી સૌ ચૂપ થઈ ગયા.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=87816


ખાતાપીતા ગુજ્જુઓ: વી ધ સ્વીટ પીપલ! --- સંજય છેલ

ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન નથી, પણ એને ‘આધીન’ છે! તેઓ પૈસાનેય ખોરાકની જેમ ‘પચાવી’ શકે છે

                     

એક ગુજ્જુ ગૃહિણીએ રાજકોટમાં મમ્મીને ફોન જોડ્યો, ‘મમ્મી... બહુ ફસાઈ ગઈ છું. ઉનાળામાં મારે અથાણાં બનાવવાના છે, પરમ દિવસે પંદર મહેમાનો જમવા આવવાના છે. છોકરાઓનું વેકેશન ચાલે છે એટલે નાસ્તા ર૪ કલાક બનાવવા પડે છે! મરી જઈશ રસોડામાં!’

મમ્મીએ તરત કહ્યું, ‘ચિંતા ના કર, હું હમણાં જ રાજકોટથી કારમાં અમદાવાદ જઉં છું ત્યાંથી મુંબઈની ફ્લાઈટ પકડીને રાત્રે જ મુંબઈ પહોંચું છું. હું બધું ફટાફટ કરી નાખીશ. ઓકે? અચ્છા, મને પહેલાં એ કહે કે પીયૂષકુમાર માટે રાજકોટથી પેંડા લેતી આવું?’

ગૃહિણી ચોંકી, ‘પીયૂષ? મારા વરનું નામ તો મયંક છે! આ કયો નંબર છે?’

સામેથી પેલી સ્ત્રીએ કહ્યું, ‘સોરી, તમે રોંગ નંબર લગાડ્યો લાગે છે.’

એટલે ગુજ્જુ ગૃહિણી બોલી, ‘હાય હાય, એટલે તમે હેલ્પ કરવા નહીં આવો? રસોઈ મારે એકલીએ જ બનાવવી પડશે?’

રસોડું, જમણવાર, ડિનર, ગુજરાતી ખાણીપીણી, એક સદાબહાર ટોપિક છે, કારણ કે આપણી આખી અસ્મિતા અથાણામય છે, મહાજાતિ મસાલામય છે. ગુજરાતીઓ માટે પૃથ્વીનું કેન્દ્ર ‘પેટ’ છે. આપણી છ ઈંદ્રિયોની સ્વામિની સ્વાદેન્દ્રિય ‘જીભ’ જ છે! એક ગુજરાતી ટૂરિસ્ટને પરદેશમાં જઈને સોક્રેટિસ કે પ્લેટોની ધરતી પર શું-શું જોવા મળશે એના કરતાં ત્યાં શું ખાવા મળશે એની વધુ ચિંતા હોય છે. મને તો સો ટકા ખાતરી છે કે જો કોલંબસ કાઠિયાવાડી હોત અને અમેરિકા શોધવા નીકળ્યો હોત તો પોતાની સાથે ચોક્કસ ચાનો મસાલો નાની ડબ્બીમાં ભરીને લઈ ગયો હોત અને બે-ત્રણ મહિના ચાલે એટલાં થેપલાં-અથાણાં તો બાંધ્યાં જ હોત!

તમે માર્ક કર્યું હશે કે ગુજરાતી દુકાનોની બહાર ‘અહીં ખાટાં ભરેલા મરચાં તૈયાર મળશે.’ જેવી લાંબી ઓર્ગેનિક જાહેરાતોનાં પાટિયાં લટકતાં હોય છે. અરે, આપણા ભજનમાંયે નરસિંહ મહેતા ભગવાનને જગાડવા ‘જાગને જાદવા’ ગાતાં ગાતાં ‘ઘી તણાં ઢેબરાં, દહીં તણાં દહીંથરા’ અચૂક ઓફર કરે છે. મીરાંબાઈ હોય કે પ્રેમાનંદ, સમસ્ત જગતના સ્વામીને ઘેર બોલાવી લોજિંગ-બોર્ડિંગ સાથે કંસાર કે ખીર જેવું મિષ્ટ ભોજન તો જમાડે જ! અરે, જમ્યા પછી ભૂકો કરીને જીરું નાખેલી છાશ પીને જે ‘હાશ’ એક ગુજરાતીને થાય છે! આહાહા જાણે મોક્ષ મળી ગયો. ‘હાશ’ શબ્દનો પર્યાય બીજી કોઈ ભાષામાં જોવા મળતો નથી. જેમ બોક્સિગંમાં ત્રણ રાઉન્ડ હોય છે એમ પ્રેમમાં જો ત્રણ રાઉન્ડ હોય તો એક ગુજ્જુ સ્ત્રી, ગુજ્જુ પુરુષને ‘સરસ જમાડી’ને પહેલા જ રાઉન્ડમાં નોકઆઉટ કરી શકે છે. બિનગુજરાતી લોકો ગુજ્જુઓને ‘ગરબા’ અને ‘ગાંઠિયા’ની પ્રજા કહે છે એ સાવ અમસ્તું નથી. ગુજરાતમાં ‘રાસડો’ની જેમ ‘ટેસડો’ શબ્દ છે, જે ‘ટેસ્ટ’ પરથી અવતરી આવ્યો હશે એમ મને તો લાગે છે. ચવાણું હોય કે ભૂસું કે મુખવાસ કે સેવમમરા... પણ ર૪ કલાક કંઈ ને કંઈ ચાવતા રહેવું કે મંચિંગ કરતા રહેવું એમાં આપણો અસ્તિત્વ બોધ છે!

ભારતભરના બીજા લોકો એ વાતથી હેરત થાય છે કે આપણી દરેક વાનગીમાં મીઠાશ કેમ હોય છે. દાળ પણ મીઠી, શાક પણ મીઠાં! અરે ત્યાં સુધી કે હનીમૂનની રાત પણ કેવી મસ્ત હતી એ કહેવા માટે પણ ગુજ્જુ સ્ત્રી ‘મીઠા લાગ્યા રે મને રાતનાં ઉજાગરાં’ ગાય છે! આપણને સુહાગરાતના શૃંગારિક ઉજાગરા પણ ફક્ત ‘મીઠાં’ જ લાગી શકે છે? તીખા તમતમતા કે રસીલા, નશીલા કેમ નહીં લાગતા હોય? અરે ત્યાં સુધી કે મહાત્મા ગાંધીએ પણ બ.ક. ઠાકોરની એક પ્રેમ-કવિતા નીચે રિમાર્ક રાખેલી ‘બહુ મીઠું લાગ્યું!’ આ તો સારું છે કે આપણા ગુજરાતીઓનાં આંસુ હજી ખારાં જ રહ્યાં છે, આપણાં આંસુ મીઠાં નથી બની ગયાં, બાકી આપણું કહેવાય નહીં! ગુજ્જુ બાળવાર્તાઓમાં જ્યારે બકરીના બચ્ચાને વાઘ ખાવા આવે છે ત્યારે પણ કેવી સ્વાદભરી ખલનાયકી કરે છે: ‘ગોળ કેરી ભીંતલડી ને શેરડી કેરા સાંઠા, બચ્ચાં બારણાં ઉઘાડો’ આપણા હીરો કે વિલન, ગળચટ્ટા અને શ્યુગરી શ્યુગરી જ હોય! ગુજરાતીમાં એક સસ્પેન્સ નાટક આવેલું જેનું ટાઈટલ હતું: ‘મોત મલકે મીઠું મીઠું’ બોલો આપણા મોતમાં પણ મીઠાશ? આપણને ગુજ્જુઓને છાપાં-મેગેઝિન-નાટક-સાહિત્યમાં ક્યાંય પણ ગંભીર વાત કે જીવનની કડવી સચ્ચાઈઓ ઝટ નથી ભાવતી કે નથી પચતી. આપણી સુખી જનતાને બધું સ્વીટ સ્વીટ જ જોઈએ. કદાચ એટલે જ આપણે ડહાપણના ડાયાબિટીસથી પીડાઈએ છીએ!

આપણી લગ્નવિષયક જાહેરખબરોમાં પણ મુરતિયા માટે ‘ખાધે પીધે સુખી’ જેવા શબ્દો દેખાય છે. એવરેજ ગુજરાતીને લાલ રસમાં તરતાં લીલાં ગુંદાના અથાણામાં બ્રહ્માંડ-દર્શન જડે છે અને છુંદાની ચાસણીમાં ‘રસ-સમાધિ’ દેખાય છે. ગુજરાતી છોકરો, છોકરીને પટાવવા ‘તું ગર્રરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી, ઓરી આવે તો તને વાત કહુંં ખાનગી’ જેવાં અલ્લડ ગીતો ગાય છે જેમાં સેક્સ પણ સ્વાદ દ્વારા જ છલકે છે! ગુજ્જુ નવલકથાઓમાં ગુજ્જુ પાત્રો ડાઈનિંગ ટેબલના સીનમાં વારંવાર ‘જમવાને ન્યાય’ આપે છે. આપણા લોકપ્રિય લેખક ચંદ્રકાંત બક્ષીની વાર્તાઓમાં પણ ‘કરારી રોટી’, ‘ચોકલેટની છારી’, ‘ઊકળતા શાક’ની લજ્જતદાર ખુશ્બૂ ઠેરઠેર જોવા મળે છે. વર્ષો પહેલાં બક્ષીની નોવેલને જ્યારે સર્ક્યુલેટિંગ લાઈબ્રેરીમાં લીધી તો એમાં એક નટખટ વાચકે પહેલા જ પાના પર નોંધ લખેલી: ‘નોવેલનો પ્લોટ તો ઠીક છે પણ એમાં ૩૭ જગ્યાએ ખાવાની આઈટમ આવે છે, એટલે મજા આવશે!’

‘ગુજરાતી સાહિત્યમાં ખાણીપીણી’ એ વિષય પર હવે પીએચ.ડી. કરવાનો સમય પાકી ગયો છે! ગુજરાતી કવિતામાંય શરાબ, શબાબ છે, પણ આપણા સાહિત્યમાં કબાબ નથી. આપણી વાર્તાઓમાં ભરવદાર શરીરવાળી વનિતાનાં વરણ હોય છે પણ વાઈન ભાગ્યે જ જોવાં મળે છે. કારણ કે આપણે ત્યાં માત્ર વેજિટેરિયન વૃત્તિના લોકો છે. (પણ જોકે એ મિથ છે. હકીકતમાં પ૦ ટકાથી વધુ ગુજરાતી ઘરે કે બહાર નોનવેજ ખાય જ છે. અને એથી વિપરીત ભારતમાં સૌથી વધુ વેજિટેરિયન હરિયાણામાં છે!) આપણી કહેવતોમાંય ‘ઘી ઢોળાયું ખીચડીમાં’ જેવી ખાવાની જ વાતો છલકે છે. સુસંસ્કૃત નાગરોમાં ખીચડીને ‘સુખ પાવની’ અને સેવમમરાને ‘પ્રમોદિની’ જેવા કોઈક અલંકારિક શબ્દોથી નવાજાય છે (ગુજ્જુઓ ખાણીપીણીના શોખીન નથી પણ ‘આધીન’ છે!) ગુજરાતીઓ પૈસાનેય ખોરાકની જેમ ‘પચાવી’ શકે છે... ગુજ્જુઓ એમની વાતમાં ‘મોણ’ નાખે છે અથવા તો અમુક વાર ‘મગનું નામ મરી નથી પાડતાં!’ મુંંબઈની હોટેલ ઈન્ડસ્ટ્રીને ચલાવવાની જવાબદારી એકલે હાથે ગુજરાતીઓએ ઉપાડી છે. એક ખૂની પાસે મર્ડરનો માસ્ટરપ્લાન હોય એમ એક શોખીન ગુજરાતી પાસે વીકએન્ડમાં કઈ કઈ હોટેલમાં જઈને શું શું ખાવું એની પૂરી માહિતી હોય છે જેને એ લોકો ‘સાંજનો પોગરામ’ કહે છે! અને પછી શનિ-રવિ, મનભાવન આઈટેમો ખાઈને સોમવારે એની વાતો મમળાવવી આપણી સુખની વ્યાખ્યા છે. જમીને ‘જલસો’ પડી ગયો એમ કહેવામાં આપણા આનંદનો ક્લાઈમેક્સ આવી જાય છે. 

સ્વીટ્ઝરલેન્ડની રમણીય વાદીઓમાં ‘યુંગ ફ્રાઉં’ (એટલે કે ‘યુવાન સ્ત્રી’) નામનાં બર્ફીલા શિખરોને જોવા નીકળેલા ગુજ્જુઓ ત્યાં પહોંચીને તરતર ગરમાગરમ દાળઢોકળી ખાશે. કારણ કે તેઓ જાણે છે કે બર્ફીલા પર્વતો તો હંમેશા આવા ટાઢા જ રહેવાના છે પણ દાળઢોકળી ઠંડી થઈ જશે એ નહીં પરવડે! પર્વતો શાશ્ર્વત છે પણ આ ક્ષણ તો વહી જશેને? એટલે પહેલાં ઝાપટી લો! હું તો માનું છું હવેથી ફોટોગ્રાફરોએ, ગ્રુપ ફોટા વખતે ‘સે ચીઝ’ને બદલે ‘સે ઢોકળાં’ જ બોલવું જોઈએ, તો ગુજ્જુઓના ફોટા વધુ સારા આવશે! ઈરોટિક નોવેલ્સના લેખક હેન્રી મિલર માટે કહેવાય છે કે એમણે અંગ્રેજી સાહિત્યમાં ‘ફૂડ’ અને ‘વાઈન’ને સૌથી રસાળ સ્ટાઈલમાં રજૂ કર્યું. આપણે ત્યાં પણ હવે કોઈકે નવલકથાઓને ખાણીપીણીનો હીરો બનાવીને લખવી જોઈએ. કેલિફોર્નિયામાં ગુજરાતી મહિલા દ્વારા ચાલતું ‘કોકિલા’ઝ કિચન’ કે ‘માણેક-ચોકનાં શરબત’કે ‘રાજકોટનો આઈસક્રીમ’ આ બધી આઈટેમોને ખાનારાઓને વાર્તામાં મેઈન પાત્રો બનાવવાં જોઈએ. ગુજરાતી બેસ્ટ સેલરનો કદાચ એ જ સાચો મસાલો છે, પછી જોજો ‘ઓમકાર-ઓડકાર’ કે ‘ખાનગી-વાનગી’ જેવા ટાઈટલ્સવાળી નવલકથા ઘેર-ઘેર રસોડે-રસોડે વંચાશે.

ગુજરાતી નાટકનો એક એક્ટર બહુ હેંડસમ અને પોપ્યુલર હતો. એના દરેક શો પછી નવી નવી છોકરી એને મળવા આવે, ઓટોગ્રાફ વગેરે લે. એક વાર એક સીધીસાદી છોકરી બેકસ્ટેજમાં મળવા આવી. બંને કોફી પીવા ગયાં, બે-ત્રણ દિવસ રેગ્યુલર મળ્યા. એક રાતે પેલો એક્ટર એને પોતાના ફ્લેટ પર લઈ ગયો. બંનેએ એકસાથે રાત ગાળી. સવારે વિદાય કરતી વખતે એક્ટરે પેલી છોકરીને નવા નાટકની ચાર ટિકિટો આપી અને કહ્યું સાંજે ફ્રેંડ્ઝ સાથે શો પર આવજે! પેલી છોકરીએ કહ્યું, ‘હું બહુ ગરીબ ફેમિલીમાંથી આવું છું... મને આ ટિકિટનો શું ઉપયોગ? કંઈક પૈસા આપો. ઘરે ખાવાના સાંસા છે’ એક્ટરે તરત જ કહ્યું, ‘ઘરે ખાવાનું નથી તો કોઈ હોટેલવાળા સાથે રોમેન્સ કરવો જોઈતો’તોને? મારી પાછળ કેમ પડી! મારી પાસે જે હોય એ જ આપુંને?’

વાત તો સાચી છે! જેની પાસે જે હોય એ જ આપી શકેને? ગુજ્જુઓ પાસે અમાપ ફૂડ-પ્રેમ છે, જે જગતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. અને એ જ આપણા જીવનમાં અત્રતત્રસર્વત્ર છલકે છે! જુઓને, હાલમાં જ આપણા મોદીસાહેબને પણ ગુજ્જુ સ્ત્રીઓની સફળતા દર્શાવતી વખતે ‘સુનિતા વિલિયમ્સ-અવકાશયાત્રાવાળાં’ નહીં પણ ‘જસુબેન પિઝાવાળાં’ કે ‘ઈન્દુબેન ખાખરાવાળાં જ’ યાદ આવ્યાંને?

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=87815

Wednesday, May 27, 2015

ફાઇવ સ્ટાર હૉસ્પિટલો શ્રીમંત દર્દીઓને લૂંટે છે --- સંજય વોરા

સ્પોટ લાઈટ - સંજય વોરા


ભારતનાં મોટાં શહેરોમાં છેલ્લા એક દાયકાથી જે ફાઇવ સ્ટાર હૉસ્પિટલોનો ટ્રેન્ડ શરૂ થયો છે તેનો એકમાત્ર હેતુ નફો રળવાનો હોય છે. આ ધંધામાં વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓ પણ પડી છે. શ્રીમંત દર્દીઓ આવી ફાઇવ સ્ટાર હૉસ્પિટલોમાં સારવાર લેવાને સ્ટેટસ સિમ્બોલ ગણે છે. શ્રીમંત દર્દીઓની આ મનોવૃત્તિનો લાભ લઇને આ હૉસ્પિટલો તેમને લૂંટે છે. આ હૉસ્પિટલોમાં બાહ્ય ઝાકઝમાળ ભારે હોય છે, પણ સલામતીની બાબતમાં તેમનો રેકોર્ડ કંગાળ હોય છે. વ્યાવસાયિક નીતિમતા બાબતમાં પણ તેઓ પછાત હોય છે. આ હૉસ્પિટલોમાં સેવા આપતા તબીબો હૃદય અને કિડનીના ઓપરેશનો માટે શ્રીમંત દર્દીઓ માટે બેનંબરમાં તગડી રકમો વસૂલ કરીને કરોડપતિ બને છે. કોલકાતાની જે અખછઈં હૉસ્પિટલની આગમાં ૮૯ દર્દીનાં મોત થયાં તે હૉસ્પિટલે ઇ.સ.૨૦૧૦ દરમિયાન કુલ ૧૮૬ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો, જેમાંથી તેને ૧૧ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.

મુંબઇની ફાઇવ સ્ટાર હૉસ્પિટલો દવા કંપનીઓ પાસેથી ઇમ્પોર્ટેડ દવાઓ અને હાર્ટમાં મૂકવા માટેના સ્ટેન્ટ હોલસેલના ભાવે ખરીદે છે, પણ દર્દીઓ પાસેથી તેઓ છૂટક વેચાણ કિંમત જ વસૂલ કરે છે. મોતિયાના ઓપરેશન પછી દર્દીની આંખમાં ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ બેસાડવામાં આવે છે. આ લેન્સની ખરીદ કિંમત ૫૦૦ રૂપિયાથી લઇને ૪,૦૦૦ રૂપિયા સુધીની હોય છે, પણ હૉસ્પિટલો તેમના દર્દીઓ પાસેથી છથી આઠ હજાર રૂપિયા લેન્સની કિંમત પેટે વસૂલ કરે છે. હૉસ્પિટલોમાં હાર્ટના પેશન્ટોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે ત્યારે તેમાં નોન-મેડિકેટેડ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. બજારમાં આ સ્ટેન્ટ ૬૦થી ૭૦ હજાર રૂપિયામાં મળે છે, પણ દર્દીઓ પાસેથી સવાથી દોઢ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવે છે. જે દર્દીને હાર્ટ એટેક આવ્યો હોય તેના લોહીને પાતળું કરવા માટે સ્ટ્રેપ્ટોકિનેસ અને યુરોકિનેસ નામની દવાઓ આપવામાં આવે છે. આ દવાઓ બજારમાં ૧,૦૦૦થી ૧,૨૦૦ રૂપિયામાં મળે છે, પણ દર્દીઓ પાસેથી તેના ૩,૫૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવે છે. ઘણી હૉસ્પિટલો દર્દીઓને જિનેરિક દવાઓ આપે છે, પણ કિંમત બ્રાન્ડેડ દવાની વસૂલ કરે છે, જે ૨૦૦થી ૫૦૦ ટકા જેટલી વધુ હોય છે.

મુંબઇનાં ઉપનગર બોરીવલીમાં ફાઇવ સ્ટાર ક્લિનિક ધરાવતા ડૉ. પ્રદીપ વ્યાસની ધરપકડ કરવામાં આવી હતી. આ ડોક્ટર પાસે મીનાક્ષી મૂર્તિ નામની ૭૬ વર્ષની મહિલા હૃદયરોગની સારવાર કરાવવા આવી હતી. ડોક્ટરે આ મહિલાની એન્જિયોપ્લાસ્ટી કરી હતી અને તેના હૃદયમાં બે સ્ટેન્ટ મૂકીને તેની ફી વસૂલ કરી હતી. થોડા સમય પછી આ મહિલાને ફરીથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરે તેને હૃદયરોગની સારવાર આપી પણ તે ન્યુમોનિયાથી મરી ગઇ હતી, જેનું ડોક્ટરે નિદાન જ કર્યું નહોતું. આ મહિલાનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી વાત જાણવા મળી હતી કે તેના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યા વિના જે ડોક્ટરે પૈસા વસૂલ કર્યા હતા. આ મહિલાની પુત્રી હેમલત્તા ઠાકુરના પતિ ગુજરાતમાં ઉચ્ચ પોલીસ અધિકારી છે. તેની ફરિયાદના આધારે પોલીસે ડૉક્ટર પ્રદીપ વ્યાસની ધરપકડ કરી છે. અનીતિ આચરીને ઝટપટ શ્રીમંત બનવા માગતા ડોક્ટરો માટે હૃદયરોગ અને કિડનીના રોગો કમાઉ દીકરા જેવા બની ગયા છે.

ભારતના શ્રીમંત દર્દીઓને લૂંટવા માટે અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં ફાઇવ સ્ટાર હૉસ્પિટલોની ચેઇન ઊભી કરી છે. તેઓ તબીબી વ્યવસાયના ધારાધોરણોથી વિરુદ્ધ કરોડો રૂપિયા જાહેરખબરો પાછળ ખર્ચે છે. ફોર્ટીસ નામની મલ્ટિનેશનલ કંપનીએ ભારતમાં ૫૩ હૉસ્પિટલો ખોલી છે, જેમાં ૮,૦૦૦થી વધુ પથારીઓ છે. આ હૉસ્પિટલે ઇ.સ.૨૦૧૦ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં ૩૪.૫ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. આ ત્રણ મહિનામાં ફોર્ટીસ હોસ્પિટલમાં હૃદયરોગના ૧૨,૦૦૦ ઓપરેશનો કરવામાં આવ્યા હતા. ચેન્નાઇમાં મુખ્ય મથક ધરાવતી એપોલો હોસ્પિટલે જૂન-ઓગસ્ટના ત્રણ મહિનામાં ૬૪૧ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો, જેમાંથી તેને ૫૧.૨૭ કરોડ રૂપિયાનો નફો થયો હતો.આ હૉસ્પિટલો દવા બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ પાસેથી હોલસેલના ભાવમાં દવાઓ ખરીદે છે અને દર્દીઓ પાસેથી તેની પૂરી વેચાણ કિંમત વસૂલ કરે છે. હોસ્પિટલનો ઉદ્યોગ હવે દર્દીઓને લૂંટીને તગડો નફો કમાવા માટેનો ઉદ્યોગ બની ગયો છે.

દિલ્હીની એક આઇટી કંપનીમાં નોકરી કરતાં ૪૦ વર્ષના ગજાનંદ સિંહને જડબાનું કેન્સર હતું. ગજાનંદ સિંહ પાસે આઠ લાખ રૂપિયાની મેડિક્લેઇમની પોલિસી હતી. ગજાનંદ સિંહ કેન્સરની સારવાર કરાવવા માટે દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ નામની સરકારી હૉસ્પિટલમાં ગયો, પણ ત્યાં એટલી બધી ગિર્દી હતી કે તે મજબૂરીથી મેક્સ સુપરસ્પેશિયાલિટી હૉસ્પિટલ નામની ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં સારવાર લેવા માટે ગયો. અહીંના ડોક્ટરે ગજાનંદના સ્વજનોને કહ્યું કે તેને કેમોથેરપી આપવી પડશે. ગજાનંદનું કેન્સર બહુ આગળ વધી ગયું હતું અને તેને કેમોથેરપીથી કાબૂમાં લઇ શકાય તેમ નહોતું તો પણ તેને ત્રણ દિવસ રેડિયેશન આપવામાં આવ્યું. ચોથા દિવસે ગજાનંદનું મોત થઇ ગયું. હૉસ્પિટલે ત્રણ દિવસની કેમોથેરપીનું બિલ ૭.૯૫ લાખ રૂપિયા પકડાવી દીધું. આ બિલ તેની મેડિક્લેઇમની મર્યાદા કરતાં પાંચ હજાર રૂપિયા જેટલું જ ઓછું હતું. ટૂંકમાં, વીમો ઉતારનારી કંપનીને ખાડામાં ઉતારીને પેલી હૉસ્પિટલે ૭.૯૫ લાખની કમાણી કરી

લીધી હતી. આ રીતે દર્દીઓને અને વીમા કંપનીઓને છેતરીને બેલેન્સશીટમાં વધુ પ્રોફિટ બતાડવાની બાબતમાં આ હોસ્પિટલો નિષ્ણાત થઇ ગઇ છે.

એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે દર્દીઓના હૃદયમાં આશરે બે લાખ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. જોન્સન એન્ડ જોન્સન અને એબ્બોટ નામની વિદેશી કંપનીઓ ઉપરાંત ભારતની કંપનીઓ પણ સ્ટેન્ટ બનાવે છે. ભારતની કંપનીઓ દ્વારા બનાવવામાં આવતાં સ્ટેન્ટની કિંમત ૭૫,૦૦૦થી ૯૦,૦૦૦ રૂપિયા હોય છે, જ્યારે વિદેશી કંપનીઓના સ્ટેન્ટ સવા લાખ રૂપિયા આસપાસ વેચાય છે. હૉસ્પિટલો ભારતની કંપનીઓ પાસેથી હોલસેલમાં ૪૫,૦૦૦ રૂપિયાના ભાવે સ્ટેન્ટ ખરીદે છે અને તેના સવા લાખ રૂપિયા વસૂલ કરે છે. સ્ટેન્ટ બનાવતી કંપનીઓ પોતાના પ્રતિનિધિઓને હૃદયરોગની સારવાર કરતી હૉસ્પિટલોમાં માર્કેટિંગ માટે મોકલે છે. તેઓ ડૉક્ટરોને કમિશનની લાલચ આપીને વધુ સ્ટેન્ટ ખરીદવાનું પ્રોત્સાહન આપે છે. ડૉક્ટરો પણ કમિશનની લાલચમાં દર્દીઓને જરૂર ન હોય તો પણ સ્ટેન્ટ મૂકાવવાની સલાહ આપે છે.

કોલકાતાના દિપક સેનની પત્નીને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો એટલે તેમણે એક ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં પત્નીને સારવાર માટે દાખલ કરી. ડૉક્ટરોએ તેમને એન્જીયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી. દિપક સેને આ માટે સંમતિ આપી એટલે ડૉક્ટરે તેમની પત્નીના હૃદયમાં એક નહીં પણ પાંચ સ્ટેન્ટ મૂકી દીધા. હૉસ્પિટલે તેમના હાથમાં ૧૬ લાખ રૂપિયાનું બિલ પકડાવી દીધું. એન્જીયોપ્લાસ્ટીના એક અઠવાડિયા પછી સેનની પત્નીનું અવસાન થયું. તેમનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યાં સ્ટેન્ટની જરૂર નહોતી ત્યાં પણ સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. દિપક સેને મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરી, પણ તેનું કાંઇ પરિણામ આવ્યું નહીં. હવે તેમણે કોન્ઝ્યુમર કોર્ટમાં હૉસ્પિટલ પાસે ૫૦ લાખ રૂપિયાનું વળતર માંગતો દાવો કર્યો છે. આ પ્રકારના કેસોનો કોન્ઝ્યુમર કોર્ટોમાં ઢગલો થયો છે.

આજકાલ શ્રીમંત દર્દીઓમાં ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં સારવાર લેવી એ પણ એક જાતનું સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. ઘણા લોકોએ આરોગ્યનો વીમો ઉતરાવ્યો હોય છે, જેને કારણે તેમને તબીબી ખર્ચની ચિંતા નથી હોતી. ઘણી વખત જરૂર ન હોય તો પણ તેઓ વીમાના પૈસા વસૂલ કરવા હૉસ્પિટલમાં ભરતી થઇ જાય છે. હૉસ્પિટલના સંચાલકોને ખ્યાલ આવે છે કે દર્દી પાસે મેડિક્લેઇમ છે ત્યારે તેઓ મોટું બિલ જ બનાવે છે. ઘણા લોકોનાં હૉસ્પિટલનાં બીલ તેમની કંપની ભરવાની હોય છે. આવા લોકોને પણ હૉસ્પિટલો આરામથી લૂંટે છે. ઘણા શ્રીમંતોને હૉસ્પિટલનો ગમે એટલો ખર્ચ આવે તો પણ કાંઇ ફરક પડતો નથી. આ બધાને ફાઇવ સ્ટાર હૉસ્પિટલો બકરા બનાવે છે.

ભારતમાં આરોગ્યના ક્ષેત્રમાં પ્રત્યેક તબક્કે દર્દીઓની લૂંટફાટ ચાલી રહી છે. કોઇ વિદ્યાર્થીને તબીબી કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો તગડું ડોનેશન આપવું પડે છે અને તગડી ફી ચૂકવવી પડે છે ત્યાંથી લૂંટફાટની શરૂઆત થાય છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ માન્યતા મેળવવા માટે મેડિકલ કાઉન્સિલના સભ્યોને કરોડો રૂપિયાની લાંચ આપવી પડે છે. આ રૂપિયા તેઓ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલ કરે છે. એક વિદ્યાર્થીએ ડોક્ટર બનવા માટે ૨૦થી ૨૫ લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. આ ખર્ચો વસૂલ કરવા તેણે દર્દીઓને લૂંટવા પડે છે. દવા બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ પોતાની દવા વેચવા માટે ડોક્ટરોનો ઉપયોગ એજન્ટ તરીકે કરે છે. ડોક્ટરો દર્દીઓને બિનજરૂરી દવાઓ લખી આપે છે. જનરલ પ્રેક્ટિશનર કોઇ ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં પોતાના દર્દીને મોકલે તો તેમાં પણ કમિશન મળે છે. કેમિસ્ટો પણ ડૉક્ટરોને કમિશન આપે છે. આ બધો ખર્ચ છેવટે તો ગરીબ અથવા શ્રીમંત દર્દીઓ પાસેથી જ વસૂલ કરવામાં આવે છે. હૉસ્પિટલો, ડૉક્ટરો અને દવા કંપનીઓ મળીને પ્રજાનું આરોગ્ય બચાવવાના બહાને તેમનાં ખિસ્સાં હળવાં કરી રહી છે. આ લૂંટફાટ સરકારે અટકાવવી જોઇએ.

03-05-2015

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=161397

બ્રહ્માંડમાં એક નવી નિયમિતતા મળી આવી --- ડૉ. જે. જે. રાવલ

                           

         બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


૧૯૬૦ના દાયકામાં ખગોળવિદોને એક નવા જ પ્રકારના આકાશીપિંડનાં દર્શન થયાં. આ આકાશીપિંડના પ્રકાશમાં ફ્રોનહૉફર સલાકા રંગપટના લાલ ભાગ પર ઘણે દૂર સરકી ગઈ હતી. આનો અર્થ એમ થાય કે આ આકાશીપિંડની ગતિ ખૂબ જ છે અને તેનું અંતર પણ આપણાથી દૂર છે અથવા તો તે દૂર તો છે અને તેની ગતિ પણ વધારે છે, સાથે સાથે તેનું ગુરુત્વાકર્ષણ પણ ખૂબ જ બળવાન છે, પણ ધાર્યા કરતાં તે નજીક છે. જો તેનું ગુરુત્વાકર્ષણ વધારે ન હોય તો તે અબજો પ્રકાશવર્ષ દૂર હોય. આ આકાશીપિંડને તેઓએ ક્વેઝાર નામ આપ્યું. ક્વેઝાર એટલે કવાસી સ્ટેલર ઓબ્જેક્ટ. ક્વેઝાર વિષે આશ્ર્ચર્યની વાત એ હતી કે તે અબજો કિલોમીટર દૂર છે તો પણ તે દેદીપ્યમાન રીતે ઝળઝળતા પ્રકાશે છે.

વિજ્ઞાનીઓ પછી માનવા લાગ્યા કે ક્વેઝાર પૂરેપૂરી મંદાકિનીનું કેન્દ્ર છે. દૂર છે માટે ઝળઝળતું કેન્દ્ર (નાભિ) દેખાય છે પણ તેના બીજા ભાગો દેખાઈ શકતા નથી. તે મંદાકિનીના બધા જ તારાના પ્રકાશનો સરવાળો કરો તેનાથી પણ વધારે પ્રકાશિત છે.

રસપ્રદ વાત એ છે કે આ બધાં ક્વેઝાર્સની ધરીઓ એકબીજાને સમાન્તર છે. ક્વેઝાર્સ એકબીજાથી અબજો પ્રકાશવર્ષ દૂર છે. તેમ છતાં બ્રહ્માંડમાં બધાં ક્વેઝાર્સની ધરીઓ એકબીજાને સમાંતર છે તે બ્રહ્માંડનું મોટું આશ્ર્ચર્ય છે. કુદરત આપણને દરરોજ પોતાનું નવું નવું સ્વરૂપ દર્શાવે છે.

ક્વેઝાર ખૂબ જ દૂરના આકાશીપિંડો છે. તે બ્રહ્માંડના છેવાડે વસતા આકાશીપિંડો છે. બેલ્જિયમની લાઇગ યુનિવર્સિટીના ખગોળવિદ્ ડેમીઅન હટસમીકર અને તેની ખગોળવિદ્ોની ટુકડીએ ૯૩ ક્વેઝારનો અભ્યાસ કર્યો. તે એકબીજાથી અબજો કિલોમીટર નહીં પણ અબજો પ્રકાશવર્ષ દૂર છે. તેઓએ જોયું કે માત્ર આ ક્વેઝારની ધરીઓ સમાંતર નથી પણ બ્રહ્માંડની વિશાળ રચના સાથે પણ, આ રચનાની ધરી સાથે પણ તેમની ધરીઓ સમાંતર છે. આ બ્રહ્માંડનું એક અદ્ભુત ચિત્ર છે. બ્રહ્માંડના આકાશીપિંડો વચ્ચેનો આ સંબંધ ઘણો અદ્ભુત ગણાય. આ સંબંધ શું સૂચવે છે? તેમાંથી શું સંદેશ મળે છે?

બ્રહ્માંડમાંવિશાળ અંતરે મંદાકિનીઓ એક સરખી રીતે ફેલાયેલી નથી. તે ફિલામેન્ટ્સની એક કોસ્મિક વેબ રચે છે અને તેમની વચ્ચે વિશાળ ખાલી જગ્યાઓ છે. આ બ્રહ્માંડમાં પદાર્થની રહસ્યમય અને અતિસુંદર રચના છે. તેને બ્રહ્માંડનું લાર્જસ્કેલ સ્ટ્રકચર કહે છે, બ્રહ્માંડની વિશાળ સ્તરે રચના કહે છે. આ બધા ક્વેઝારની ધરીઓ આ લાર્જસ્કેલ સ્ટ્રકચરની ધરીને સમાંતર છે અને બધા ક્વેઝાર તેમાં જ આવેલાં છે. ક્વેઝાર વચ્ચે અને બ્રહ્માંડના લાર્જસ્કેલ સ્ટ્રકચર વચ્ચે આ સંબંધ કૃત્રિમ નથી, માત્ર અકસ્માત નથી. આના પરથી આપણું વિશ્ર્વ કેવી રીતે વિકાસ પામ્યું હશે તેનો અણસાર મળે છે. વિશાળ સ્તરે બ્રહ્માંડનું આ ચિત્ર વિજ્ઞાનીઓને પ્રથમવાર જોવા મળ્યું છે. આ દર્શાવે છે કે બ્રહ્માંડના ગર્ભભાગમાં ભલે ઘમસામણ ચાલતું હોય, અરાજકતા પ્રવર્તતી હોય પણ તેની સપાટી પર તો નિયમિતતા પ્રવર્તે છે. આ જ બ્રહ્માંડનું મોટું રહસ્ય છે. થપ્પડ મારીને મોઢું લાલ રાખવાની વાત છે.

અઢારમી અને ઓગણીસમી સદીના વિખ્યાત ગણિતશાસ્ત્રી જે. એલ. લાગ્રાન્જે ત્રણ આકાશીપિંડો વચ્ચેના ગુરુત્વાકર્ષણનાં સમીકરણોનો ઉકેલ શોધ્યો. એટલે કે, ઉદાહરણ સ્વરૂપ, પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે. હવે આ બે વચ્ચે એક ત્રીજો આકાશીપિંડ હોય તો તેની ગતિવિધિ કેવી હોય. આ સંશોધનમાં તેને જાણવા મળ્યું કે કોઈ પણ આકાશીપિંડ જો બીજા આકાશીપિંડની પરિક્રમા કરે તો તેની કક્ષાને સંલગ્ન પાંચ બિન્દુઓ હોય જ્યાં ગુરુત્વાકર્ષણ શૂન્ય હોય. આ પાંચ બિંદુઓને લાગ્રાંજના માનમાં લાગ્રાંજબિન્દુઓ કહે છે. જ્યારે લાગ્રાંજે આ બિન્દુઓ શોધ્યાં ત્યારે બીજા વિજ્ઞાનીઓને આ વાત માન્યમાં આવી ન હતી. તેઓ કહેતા કે સાગ્રાંજ મહાન ગણિતશાસ્ત્રી છે માટે આવું શોધી શકે, પણ આવું શક્ય નથી. પણ ૧૫૦ વર્ષ પછી ગુરુની કક્ષાને સંલગ્ન નાના નાના આકાશીપિંડો શોધાયા જેના પર કોઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. તે હજારો-લાખો સાલથી ત્યાં જ છે. તેને ગુરુના ટ્રોજન એસ્ટેરાઈડ કહેવામાં આવે છે. આ શોધે લાગ્રાંજને સાચા સાબિત કર્યા અને આવાં બિન્દુઓ હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે તેમ સાબિત થયું. હાલમાં પૃથ્વીની કક્ષાને સંલગ્ન લાગ્રાંજ બિન્દુ પર એક એસ્ટેરોઈડ મળી આવ્યો છે. એટલે કે ચંદ્ર પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ નથી. તેને ભાઈ પણ છે. સૂર્યમંડળના ઉપગ્રહોની કક્ષાને સંલગ્ન લાગ્રાંજ બિન્દુઓ પર પણ નાના આકાશીપિંડો મળી આવ્યાં છે. એટલે કે દરેકેદરેક આકાશીપિંડની કક્ષાને સંલગ્ન પાંચ લાગ્રાંજ બિન્દુઓ છે જ્યાં નાના નાના આકાશીપિંડો લગભગ કાયમ માટે અસ્તિત્વ ધરાવતા હોઈ શકે છે. જો બહારના ગુરુત્વાકર્ષણ બળે તેમને તેમની જગ્યા છોડવા મજબૂર કર્યા ન હોય તો. સૂર્ય આપણી મંદાકિનીના કેન્દ્રની ફરતે પરિક્રમા કરે છે. માટે સૂર્યની આ કક્ષાને સંલગ્ન પાંચ લાગ્રાંજ બિન્દુઓ અસ્તિત્વ ધરાવે છે જ્યાં તારાના ઝુંડ કાયમ માટે અસ્તિત્વ ધરાવતા હોય. આમ પૂરા બ્રહ્માંડમાં લાગ્રાંજ બિન્દુઓ પથરાયેલાં છે જ્યાં આકાશીપિંડો કાયમી અસ્તિત્વ ધરાવતા હોય, કેમ કે ત્યાં બીજું કોઈ ગુરુત્વાકર્ષણનું બળ લાગતું નથી. એટલે કે બ્રહ્માંડના અંતરીક્ષરૂપી ચાદરમાં આવાં કાયમી ટપકાં છે, ચાંદરણા-ચાંદલા છે. બ્રહ્માંડની રચના આમ અદ્ભુત છે. બ્રહ્માંડના રહસ્યોને પામવાનું ઘણું દુષ્કર છે.
આપણે હીંચકે બેસીએ તો હીંચકો સામયિક ક્રિયા છે. તે જ્યારે છેડે (અંતિમ બિન્દુએ) આવે ત્યારે આપણે થોડી ઠેસી મારીએ છીએ. આમ હીંચકો ચાલ્યા કરે છે. આપણે જે ઠેસી મારીએ છીએ તે પણ સામયિક ક્રિયા છે. આ બંને ક્રિયા સામયિક છે અને તેના પરિણામથી જ હીંચકો ચાલે છે. જો આપણે હીંચકા ખાતા તેના છેવટના બિન્દુએ નહીં પણ વચ્ચે ગમે ત્યાં ઠેસી મારીએ તો હીંચકાની ગતિવિધિ છિન્ન-વિછિન્ન થઈ જાય છે. આ ક્રિયાને સ્પંદનની ક્રિયા કહે છે. સૂર્યમાળામાં ગ્રહ સૂર્યની પરિક્રમા કરે છે. તેની કક્ષાને અંતર્ગત અને બહાર પણ ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે. આ બધી સામયિક ક્રિયાઓ છે. અહીં ગુરુત્વાકર્ષણીય સ્પંદનો થાય છે. સ્પંદનોની ક્રિયામાં ઊર્જાનું આદાન-પ્રદાન થાય છે. બ્રહ્માંડમાં બધે જ સ્પંદનોની ક્રિયા ચાલે છે. તેને અંગ્રેજીમાં રેઝોનન્સ કહે છે. માનવી-માનવી વચ્ચે પણ રેઝોનન્સની ક્રિયા ચાલે છે. માનવી-માનવી વચ્ચે સારા સંબંધો હોય તો તે બે માનવી રેઝોનન્સમાં છે તેમ કહેવાય છે. પૂરા બ્રહ્માંડમાં રેઝોનન્સની ક્રિયા ચાલે છે. સૂર્યમાળામાં ગ્રહો વચ્ચે જે રેઝોનન્સ ચાલે છે તે બે-તૃત્યાંશ (૨/૩) રેઝોનન્સ છે. સૂર્યમાળામાં આ એક નિયમિતતા છે. આમ બ્રહ્માંડમાં નિયમિતતા છે. જ્યારે આ નિયમિતતામાં ખલેલ પહોંચે છે ત્યારે સિસ્ટમ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. બ્રહ્માંડમાં જે વિનાશની ક્રિયા ચાલે છે તે રેઝોનન્સમાં ખલેલ પહોંચે છે તેને લીધે થાય છે. સુનામી, આકાશમાંથી લધુગ્રહો-ઉલ્કા-ધૂમકેતુઓનું પૃથ્વી પર અથડાવું, ધરતીકંપ-જ્વાળામુખીનું ફાટવું, વાવાઝોડું, ચક્રવાત, વંટોળ વગેરે મોટી હોનારતો જે થાય છે તે રેઝોનન્સના તૂટવાથી થાય છે. પતિ-પત્ની વચ્ચેના સારા સંબંધો પણ રેઝોનન્સનું પરિણામ છે. બ્રહ્માંડમાં જે સમતુલન દેખાય છે તે રેઝોનન્સનું પરિણામ છે.

 http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=159656                                  

Sunday, May 24, 2015

બ્રહ્માંડમાં વિવિધ ક્ષેત્રે સમાનતા પ્રવર્તે છે --- ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=160293


                             

નદીને વહેતી જોઇને માનવીને પ્રવાહનો ખ્યાલ આવ્યો. નદી વહે છે તે જોઇને માનવીને થયું કે સમય પણ વહે છે. હકીકતમાં સમય દેખાતો નથી. સમય વહે છે તો જિંદગી પણ વહે છે. નદી મહાસાગરમાં જઇને મળે છે. ત્યાં તેનો અંત આવે છે. સમયનો અંત છે કે નહીં તે આપણે કહી શકીએ નહીં, પણ સમયને વાંકો વાળી શકાય, તેને કદાચ ઊલટી દિશામાં પણ વાળી શકાય. તે ગુરુત્વાકર્ષણ કરી શકે. સમયના પ્રવાહને પાછો વાળી શકાય. નદીના પ્રવાહને પાછો વાળી શકાય નહીં. વહેણ કરીને તેને બીજી દિશામાં વાળી શકીએ, કદાચ વહેણને પાછું પણ કરી શકાય, પણ મૂળ દિશામાં તો પ્રવાહ રહે, અથવા સૂકી નદી રહે. પવનનો પણ પ્રવાહ છે જેને પાછો વાળી શકાય નહીં. ગરમીના પ્રવાહને પણ પાછો વાળી શકાય નહીં. આમ બ્રહ્માંડમાં ઘણી જાતના પ્રવાહો છે. પણ મૂળભૂત રીતે તે પ્રવાહ છે. આ બધા પ્રવાહોને જાણીને માનવીએ વિદ્યુતને પણ પ્રવાહિત થતી જોઇ. માણસના શરીરમાં લોહીનો પણ પ્રવાહ છે. માણસોનો પોતાનો પ્રવાહ છે. ચર્ચગેટ સ્ટેશનમાંથી નીકળતાં માણસો પણ એક પ્રવાહ જ બનાવે છે. ગાયોનું કે ઘેટાં બકરાનું ધણ નીકળે તે પણ એક પ્રવાહ જ છે. કેટલાક પ્રવાહો પાછા વાળી શકાય છે, કેટલાક નહીં, પણ આ બધા પ્રવાહો જ છે. બ્રહ્માંડમાં છેવટે ઠેર ઠેર પ્રવાહો છે. નળમાંથી નીકળતા પાણીનો પણ પ્રવાહ જ છે. દરિયામાં પણ ગરમ અને ઠંડા પાણીના પ્રવાહો ચાલે છે. તેલનો પ્રવાહ, પેટ્રોલનો પ્રવાહ. આમ પ્રવાહ બધે જ છે. જીવનરેખા પણ એક પ્રવાહ જ છે અને બ્રહ્માંડની ઉત્ક્રાંતિ પણ એક પ્રવાહ છે. પ્રવાહો અલગ અલગ પ્રકારનાં છે, પણ મૂળભૂત રીતે તે એક જ છે.

તો થાય કે પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થતો હશે? પ્રવાહ વહેતી વસ્તુના અતિશય પ્રમાણમાંથી ઉત્પન્ન થાય છે. કોઇ ધનિક માનવીનું ધન વધી જાય તો ત્યાંથી ધનનો પ્રવાહ ઉત્પન્ન થાય. દાનનો પ્રવાહ ઉત્પન્ન થાય. જ્યાં સતત રીતે વસ્તુ ઉત્પન્ન થતી રહે તેનો પ્રવાહ ઉત્પન્ન થાય. વૈજ્ઞાનિક શબ્દોમાં કહીએ તો દબાણ (Pressure) પ્રવાહ ઉત્પન્ન કરે. એટલે કે વાયુનું દબાણ હોય, પાણીનું દબાણ હોય, લોહીનું દબાણ હોય. વિદ્યુતનું દબાણ હોય. બીજી ઘણી જાતનાં દબાણ હોય છે. કોઇ અધિકારી હોય તો તેને ઉપરી અધિકારી દબાણ કરે તો નીચેના અધિકારીઓ પણ દબાણ કરે. રાજકારણીઓ દબાણ કરે તેને પોલિટિકલ પ્રેશર કહેવાય. પોલિટિકલ પ્રેશર ઘણી જગ્યાએ દેખાય છે. પોલિટિકલ પ્રેશર સારા માટે પણ હોય છે અને ખરાબ માટે પણ હોય છે. જો આગલા ક્રિકેટરોએ સારા રન કર્યા ન હોય તો પાછળના ક્રિકેટર પ્રેશરમાં આવી જાય છે. અમુક જણાને કોઇ પણ પ્રેશર લાગતું નથી. તે પ્રેશર પ્રૂફ હોય છે. છેવટે પ્રેશરજ પ્રવાહનેે ઉત્પન્ન કરે છે.

પ્રેશર (દબાણ) જાતજાતના હોય છે અને દબાણ જ બધાને ચલાવે છે. દબાણ સારા માટે હોય છે. પણ કોઇક વાર તેનું પરિણામ ખરાબ પણ હોય છે. જોવાનું એ છે કે દરેકેદરેક બાબતને સારી અને ખરાબ બાજું હોય છે.

બ્રહ્માંડમાં આવી સરખી ક્રિયાઓ છે અને એક ક્રિયાનો અભ્યાસ કરીને આપણે બીજી ક્રિયાને સમજી શકીએ છીએ અને તેને લાગુ કરી શકીએ છીએ. તેને એનોલોજી (Anology) કહે છે. બ્રહ્માડમાં એનોલોજીની કામગીરી ઘણી મોટી છે અને ખૂબ જ ઉપયોગી છે. તેને એક જાતની નકલ પણ કહી શકાય. નકલ કુદરતમાં પણ છે. કુદરત પણ નકલ કરે છે. એનોલોજી આપણા જ્ઞાનમાં વધારો કરે છે. એનેલોજીથી ઘણું શીખી શકાય છે.

એક વધારે એનોલોજી ઘનતાની છે. આપણી પાસે પાણીની ઘનતા છે, આપણી પાસે ધાતુની ઘનતા છે, આપણી પાસે મંદાકિનીમાં તારાની ઘનતા છે. વાયુની ઘનતા છે, શહેરમાં માનવીઓની ઘનતા છે. ઘનતા એટલે (Crowedeness) ટોળે વળવું, કેટલું ટોળે વળવું. પાંખી ઘનતા એટલે છુટ્ટું-છવાયું. ઘનતા એટલે ગીચતા. મુંબઇ, ટોકયો, ન્યૂ યોર્કમાં માણસોની ગીચતા છે. ત્યારે દૂર દૂરના ગામડામાં માણસોની ગીચતા નથી હોતી. માનવીઓની ગીચતામાં દુષણો હોય છે પણ સાથે સાથે તે સલામતી પણ આપે છે રાતે એકલ-દોકલ માણસ લૂંટાઇ જાય છે. ગીચતાના પોતાના ફાયદા-ગેરફાયદા છે.

જે. જે. થોમ્સને શોધ્યું છે કે એટમમાં ઇલેકટ્રોન્સ છે. જો એટમમાં ઈલેકટ્રોન્સ હોય તો તે ન્યુટ્રલ છે. તેમાં ઘનવિદ્યુતભાર પણ હોવો જોઇએ. તો પ્રશ્ર્ન થયો કે એટમમાં ઘનવિદ્યુતભાર કેવી રીતે પથરાયેલો હશે.? તો કહે તડબૂચનાં કાળા બી અથવા દૂધપાકમાં દ્રાક્ષ, કાજુ, બદામ, પિસ્તા છે તેમ ઘનવિદ્યુતભારના ગોળારૂપી એટમમાં ઋણ વિદ્યુતભાર વહન કરતાં ઇલેકટ્રોન્સ રહે છે. પણ રુધરફોર્ડના પ્રયોગે દર્શાવ્યું કે એટમમાં ઘનવિદ્યુતભાર તો તેના તદ્દન નાના કેન્દ્રમાં જ હોય છે. તે સૂર્યમાળાની એનેલોજીએ દર્શાવ્યું કે ઇલેકટ્રોન્સ સૂર્યમાળામાં જેમ ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે તેમ પરિક્રમા કરતા હોવા જોઇએ. જો ગ્રહો સૂર્યમાળામાં સૂર્યની પરિક્રમા કરે છે અને તેમના અંતર માટે નિયમ છે જેને ગ્રહ-અંતરનો નિયમ કહે છે, તો ઈલેકટ્રોન્સ પણ તેની ઘનવિદ્યુતભારવાહી નાભિની ફરતે પરિક્રમા કરતાં હોય તો ઇલેકટ્રોન્સ પણ કોઇ અંતરના નિયમને અનુસરતાં હોવા જોઇએ. આમ ઇલેકટ્રોન્સ અંતર નિયમની શોધ થઇ. આમ એનેલોજી નવી નવી શોધોનેે શક્ય બનાવે છે.

વૃક્ષમાં જો પાણી કેશાકર્ષણથી ઊંચે ચઢતું હોય તો સૂક્ષ્મ રક્તવાહિનીઓમાં પણ કેશાકર્ષણથી લોહી ઊંચે ચઢતું હોવું જોઇએ. સૂર્ય-ચંદ્ર ગોળ છે. માટે ગ્રહો, પૃથ્વી, તારા પણ ગોળ હોવા જોઇએ.

જો ગ્રહોની કક્ષા વચ્ચે એક ગુણોત્તર હોય એટલે કે તે ૧, ૨,૩,ની જેમ ડિસ્ક્રિટ હોય તો ઇલેકટ્રોનની કક્ષાએ વચ્ચે પણ એક ગુર્ણોત્તર હોય અને તે ડિસ્ક્રિટ હોય. તેમાંથી ક્વોન્ટમ પિકેનિકસનો જન્મ થયો જેને બોહરની કવોન્ટમ કન્ડિશન કહે છે. વાયુ કે પાણી ઉપર ઉપરથી ડિસ્ક્રિટ નથી લાગતું પણ છેવટે તે ડિસ્ક્રિટ છે. વિજ્ઞાનીઓ કહે છે કે અંતરીક્ષ પણ કન્ટિન્યુઅસ નથી. તે પણ ડિસ્ક્રિટ છે. પ્રથમ ડિસ્ક્રિટનેસનું મુખ્ય ઉદાહરણ ૧, ૨,૩, સંખ્યા છે. પાણીમાં પથ્થર નાખતાં તેમાં વર્તુળાકાર તરંગો ઉત્પન્ન થાય છે. તે જોઇને અવાજના તરંગો છે પ્રકાશના તરંગો તેવું જોઇ શકાય. અવાજના પડઘા પડે છે. એટલે કે તેનું પરાવર્તન થાય છે. તો પ્રકાશનું પણ પરાવર્તન થાય છે.

રેલવે ટ્રેન દૂરથી આપણી તરફ આવતી હોય અને તે વ્હીસલ વગાડે તો તે વ્હીસલનો અવાજ તીણો હોય છે, કારણ કે અવાજના તરંગો સાંકડા થતા જાય છે. એ જ ગાડી વ્હીસલ મારતી દૂર જાય તો તેનો અવાજ ઘોઘરો થતો જાય છે, કારણ કે અવાજના તરંગો વિસ્તૃત થતાં જાય છે. આ ક્રિયા ડોપ્લર નામના વિજ્ઞાનીએ અવાજના તરંગો માટે શોધી કાઢેલી છે. તેને અવાજના તરંગોમાં થતી ડોપ્લર ઈફેક્ટ કહે છે. તેની સામાન્યતા લઇને પ્રકાશના તરંગોમાં પણ ડોપ્લર ઇફેકટ થાય છે. અને પ્રકાશનો રંગ પટ લાલ રંગ તરફ ખસે છે. આમ સામાન્યતા (એનેલોજી) એ આપણને બ્રહ્માંડના ઘણાં રહસ્યો બતાવ્યાં છે. બ્રહ્માંડમાં ભૌતિક ક્રિયાઓ અલગ અલગ હોય છે. પણ તમાં પૂર્ણ સામાન્યતા દેખાય છે. બ્રહ્માંડમાં સામન્યતાએ આપણને ઘણું શીખડાવ્યું છે. જો સૂર્યને ગ્રહમાળા હોય તો સૂર્ય જેવા તારાને પણ ગ્રહમાળા હોય તેમ આ સામાન્યતાનો સિદ્ધાંત કહે છે. પૃથ્વી ઉપરના જીવનને જોઇને આપણને થાય કે બીજા ગ્રહ પર જીવન હોય તો કદાચ તે પણ પૃથ્વી પરના જીવન જેવું હોય. આ સામાન્યતા કહેવાય છે પણ આવું ન પણ હોય. ઘણી વાર એવું બને કે બે ક્રિયાઓ પ્રથમ પગલાંમાં સામાન્યતા દેખાડે પણ આગળ જતાં તે અલગ પડે. બે વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ કે અષાકર્ષણનો નિયમ તેમની વચ્ચેના અંતરના વર્ગના પ્રમાણમાં છે. એ પદાર્થ વચ્ચેનો ગુરૂત્વાકર્ષણનો નિયમ પણ એ પદાર્થ વચ્ચેના અંતરના વર્ગના પ્રમાણમાં હોય છે. પણ પછી આગળ જતાં તે થોડા અલગ પડે છે. વિદ્યુતભાર વચ્ચેનો નિયમ સિનિયર છે, જ્યારે ગુરુત્વાકર્ષણ નોન-સિનિયર છે.