માણસે ક્યા સમયથી, માનવ ઈતિહાસના વિશાળ પટ પર કયા બિંદુએથી સજીવોને નામ દઈને બોલાવવાનું શરૂ કર્યું? સુનીલ મેવાડા
નામ! માણસની સૌથી રોચક શોધોમાંની એક શોધ એટલે ‘નામ’ની પરંપરા. માણસને સૌથી વધારે વ્હાલુ હોય તો એ છે પોતાનું નામ(હા, નિ:શંકપણે!) નામ શું કામ જરૂરી હોય છે? બધાને જ અળવીતરા અવાજો કરીને કે સીટી મારીને અથવા ‘એય છીછ છીછ’ કરીને બોલાવું થોડું અસભ્ય ન લાગે? વળી કોઇ વ્યક્તિને એના નામ સિવાય કેવી રીતે ઓળખી શકાય? નામ જરૂરી છે અને તે વાત મનુષ્ય બહુ વહેલા સમજી ગયો હોવો જોઇએ. તે સંગઠનમાં રહેતો થયો ત્યારથી એકબીજા માટે ‘નામ’ વાપરતો થઇ ગયો હશે એમ માની લેવામાં કંઇ ખોટું નથી. માણસે નામ પાડવાની પ્રથા શોધી કાઢી... એ તો ઉત્ક્રંાતિનો એક હિસ્સો હતો પણ પ્રશ્ર્ન એ છે કે માણસે કયા સમયથી, માનવઇતિહાસના વિશાળ પટ પર કયા બિંદુએથી સજીવોને નામ દઇને બોલાવવાનું શરૂ કર્યું? આ પ્રશ્ર્નનો, ‘જ્યારથી તેને એકબીજાની જરૂર પડવા લાગી ત્યારથી’ એવો તાર્કિક ઉત્તર મેળવીને ઊભા રહી જાઉ પડે છે.
જોકે એ વાતનો આધાર છે કે જેટલી જૂની મૌખિક પરંપરા છે ત્યારથી માણસે નામ વાપર્યાં છે, તે પણ મોટે ભાગે અર્થસભર. અમુક કાળખંડમાં-કે અમુક સામાજિક પ્રગતિ પહેલાં ડોલ્ફિન માછલીની જેમ માણસો પણ એકબીજાને જુદા જુદા સ્વરોથી(આધુનિક ભાષામાં સીટીઓથી) બોલવતા હતા એવું અનુમાન છે. જો કે જુદા જુદા વિસ્તારનો જે કંઇ ઇતિહાસ મળે છે એ બધામાં માણસના ‘નામપ્રયોગ’ની પ્રથાના પ્રાચીનતમ ઇતિહાસ વિશે અંધકાર જ અંધકાર છે. ત્યાંથી બસ દરેક નામનાં કૂળ-મૂળ અને અર્થ જાણવાં મળે છે, માણસનું પહેલું નામ શોધવાનું કાર્ય દુષ્કર જ નહીં અશક્ય થઇ પડ્યું છે. પણ આજે, અત્યારે, આ ઇતિહાસબિંદુ પર, જ્યારે નામપ્રથા માનવ અને માનવવિકાસનું અભિન્ન અંગ બની ગઇ છે, ત્યારે ચીજવસ્તુઓની નામપ્રથા બાજુ પર મૂકીને એટલીસ્ટ માનવીઓની નામપ્રથાનું વૈવિધ્ય જાણવા-માણવા જેવું છે.
ભારતમાં વિધિસરની નામપ્રથાનું આગવું મહત્ત્વ છે. ભારતમાં કોઇ પણ વ્યક્તિને તેના નામનો અર્થ પૂછવું અસામાન્ય નથી, કારણ આપણે ત્યાં લગભગ બધાં જ નામો અર્થસભર હોય છે, પરંતુ રખેને કોઇ અંગ્રેજી અળવીતરા નામનો અર્થ પૂછવા કે શોધવા બેસે તો આ જન્મમાં એની મુક્તિ થવી મુશ્કેલ છે, કારણ કે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે ‘પોલીફોની’ એટલે કે મનભાવન સ્વરોચ્ચારવાળા ‘શબ્દ’ને નામ તરીકે રાખવાની પ્રથા ઘણા દેશોમાં પ્રચલિત છે તેમ છતાં મોટા ભાગના અંગ્રેજી નામોનો કંઇક અર્થ તો હોય જ છે અને જૂના દસ્તાવેજોમાં ખાંખાખોળાં કરતાં ક્યાંકને ક્યાંક બધાં નામોનો અર્થસભર સંદર્ભ મળી રહે છે. આ ટ્રેન્ડ પ્રમાણે ભારતમાં પણ આગળ જઇને ‘ધીંકચીકા’ કે ‘હૂડ હૂડ’ જેવાં લોકપ્રિય સ્વરોનાં ‘નામ’વાળી વ્યક્તિઓ મળવાં લાગે તો નવાઇ નહીં.
બ્રિટનમાં નવજાત શિશુઓને અપાતાં નામોમાં અત્યારે ‘હેરી’ નામ સૌથી વધારે લોકપ્રિય છે. તેની પાછળ ‘હેરી પોર્ટર’ સિરિઝની અસર હોઇ શકે. જોકે હાલ તો ‘જ્હોન’નામ ૧,૪૪૨,૦૦૦ના આંકડા સાથે ત્યાં ટોચ પર છે. બ્રિટનમાં આજે પણ ધર્મ, બાઇબલ, સંતો, ઐતિહાસિક પ્રતિભાઓનાં નામ વગેરે શિશુનાં નામકરણ માટેના મુખ્ય સ્રોતો છે. ભારતમાં મોટા ભાગનાં નામો પુરાણો, ધર્મગ્રંથો અને વેદોમાંથી આવે છે. લગભગ બધે જ સામાન્યપણે ત્રણ નામો હોય છે-ફર્સ્ટ(પર્સનલ નૅમ), સેક્ધડ(ફાધર નૅમ) અને લાસ્ટ(સરનૅમ)! દક્ષિણ ભારત અને બીજા અમુક વિસ્તારોમાં મોટા ભાગના લોકો સરનૅમ(થર્ડ નૅમ)ને બદલે દાદાનું નામ લખે છે. જોકે રશિયાની એક પ્રથા જાણવા જેવી છે. ત્યાં ફર્સ્ટ નૅમ ઉપરાંત દરેક વ્યક્તિનું ‘પેટ્રોનીમિક નૅમ’ કે સેક્ધડ નૅમ હોય છે, અને એ સેક્ધડ નૅમ ફક્ત ફાધર નૅમ નથી હોતું. સન્માનથી બોલાવવા માટે ત્યાં વ્યક્તિના ફર્સ્ટ અને સેકેન્ડ નૅમ સાથે બોલાય છે. તે ‘શ્રીમાન’ કે ‘શ્રીમતી’ જેવાં સંબોધનોની ગરજ સારે છે. રશિયાના સેક્ધડ નૅમની ખાસિયત એ છે કે આપણે ત્યાં પૌરાણિક કાળમાં જેમ માતા અથવા પિતાના નામે પણ સંતાનની ઓળખ થતી હતી (દા.ત. રાધાનો પુત્ર રાધેય કે હનુમાન માટે પવનપુત્ર ઇ.) તેમ પિતાના નામની આગળ ‘ઓવિક’ પ્રત્યય લગાવીને પુત્ર અને ‘ઓવના’ પ્રત્યય લગાવીને પુત્રીને સંબોધવામાં આવે છે. આ સંબોધનો પેટ્રોનીમિક નૅમ અથવા સેક્ધડ નૅમ ગણાય છે. એટલે પિતાનું નામ સમજો ‘ઇવાન’ હોય તો પુત્રને ‘ઇવાનોવિક’ અને પુત્રીને ‘ઇવાનોવના’ તરીકે સંબોધી શકાય!
અમેરિકામાં તો વળી દર વર્ષે મધર્સ ડેને દિવસે ‘સૌથી લોકપ્રિય નામો’ની યાદી બહાર પડે છે. ૨૦૧૧ની યાદી મુજબ પુત્ર માટે ‘જેકબ’નામ (જે ૧૯૯૯થી હજી સુધી ટોપ પર જ છે) અને પુત્રી માટે ‘સોફિયા’ નામ ત્યાં સૌથી વધારે પ્રચારમાં છે. એ સિવાય અમેરિકનો નવાં નવાં નામો જન્માવવામાં અગ્રેસર છે. નામ સાથે સૌથી વધારે પ્રયોગો કરવાનો સ્વભાવ પણ તેમનો જ છે. સરનૅમને ફર્સ્ટ નૅમ કરી દેવી, અસામાન્ય ટર્મ્સને નામ બનાવી દેવાં, પૅટ નૅમને પ્રોપર નૅમ તરીકે વાપરવું, જુદા જુદા સ્પેલિંગ્સ જન્માવવા- નામોર્પાજનમાં થતી આવી આડખીલીઓમાં અમેરિકીઓ માહિર અને મોખરે છે. અમેરિકામાં પણ બ્રિટનની જેમ સેક્ધડ નૅમની પ્રથા છે પરંતુ તે ભાગ્યે જ વપરાય છે. ત્યાં પિતા અને પુત્ર માટે એક જ નામ સાથે જુનિયર-સિનિયર લગાવી વાપરવાની પરંપરા હજી પ્રચલિત છે. જપાનમાં પહેલાંના સમયમાં મોટા ભાગના યુગલોને એકથી વધારે સંતાનો હોવાથી નામની પ્રથા-નંબર જેવી હતી, દા.ત. પુત્ર એક, પુત્ર બે, પુત્રી ત્રણ વગેરે જેવાં નામ અપાતાં હતાં. પછીથી સંતાનોની સંખ્યા એક-બે સુધી સીમિત થઇ ગઇ અને વાલીઓે સંતાનો માટે જુદાં જુદાં નામ રાખવાનાં હિમાયતી થયાં. જપાનનાં નામોની વિશિષ્ટતા એ કે ત્યાં એક જ નામ અનેક રીતે લખી શકાય છે અને તે દરેકનો અર્થ જુદો થાય. જેમ આપણી
ભાષામાં એક જ શબ્દનો અર્થ તેની જોડણીને લીધે બદલાઇ જાય કંઇક એમ જ. બસ આપણે ત્યાં એક શબ્દ લખવાની બે કે ત્રણ જુદી રીત હશે પણ જપાનમાં ઘણાં એવાં નામ છે જે ૫૦-૬૦ રીતે લખી શકાય છે અને બધાંના અર્થ અલગ થાય! નામ પાડવા માટે જપાની લોકો વૃક્ષ અને પ્રકૃતિની પસંદગીમાં આગળ પડતા છે. ‘મોટું વૃક્ષ’ કે ‘લાંબું વૃક્ષ’ જેવા અર્થ ધરાવતાં નામો પણ જપાનમાં સાંભળવાં મળે છે. ત્યાં એક રસપ્રદ પ્રથા છે ફેમિલી નૅમને ધ્યાનમાં રાખીને ફર્સ્ટ નૅમ રાખવાની. આ પ્રથા ઉદાહરણથી સમજીએ તો આપણા જાણીતા હાસ્યલેખક અશોક દવેએ જેમ તેમના પુત્રનું નામ સમ્રાટ
રાખ્યું છે જેથી તેમના પુત્રનું આખું નામ ‘સમ્રાટ અશોક’ દવે વંચાય કે લખાય-જેનો વળી સ્વતંત્ર અને વિશિષ્ટ અર્થ નીપજે છે. જપાની પ્રથામાં બસ સેક્ધડ નૅમ(અશોક)ને બદલે ફેમિલી નૅમ(દવે)ને ટાર્ગેટ રાખવામાં આવે છે. જપાનમાં મિડલ નૅમની પ્રથા નથી પરંતુ ફેમિલી નૅમનું ચલણ બહુ વ્યાપક અને મહત્ત્વનું છે. લખતી વખતે જપાનીઓ ફર્સ્ટ નૅમ પહેલાં ફેમિલી નૅમ લખે છે. જપાનના બીજા ક્રમના સૌથી પ્રચલિત ફેમિલી નૅમથી આપણે બધા પરિચિત છીએ-સુઝૂકી! ફેમિલી નૅમના મહત્ત્વ છતાં મોટા ભાગના લોકો એકબીજાને લાસ્ટ નૅમ-થી જ સંબોધે છે, ફક્ત અંતરંગ મિત્રો અને બાળકો જ એકબીજા માટે પહેલું નામ વાપરે છે. જપાનની નામપ્રથાની બીજી વિશિષ્ટતા એ છે કે ત્યાં કોઇ એકબીજાને ફક્ત ‘નામ’થી સંબોધતા નથી, પણ નામની પાછળ આપણી જેમ માનાર્થે પ્રત્યય લગાવીને જ બોલાવે છે અને તેવી જ રીતે તેઓ પોતાના વિદેશી મિત્ર માટે પણ એવા જ માનાર્થ પ્રત્યય લગાવે છે. એટલે કે આપણે ‘રેખા’નામની સ્ત્રીને માનથી બોલાવવા ‘રેખાબહેન’ કહીશું પણ કોઇ જપાની ‘નાત્સુકી’ નામક સ્ત્રીને માનાર્થે બોલાવવા ‘નાત્સુકીબહેન’ નહીં કહીએ. જોકે જપાનીઓ એવું બધા માટે કરશે. ત્યાં માનાર્થે વપરાતો સૌથી જાણીતો પ્રત્યય ‘સેન’ છે માટે મારા જપાની મિત્ર ‘કાઝુકી’ને મારે ‘કાઝુકીસેન’ કહીને સંબોધવાનો હોય, તો તેવી જ રીતે તે પણ મને ‘સુનીલસેન’ કહીને જ બોલાવશે... મારે બંગાળી નહીં બનવું હોય તો પણ! જપાન અને ચીનની નામપ્રથા ખૂબ નજીક છે અને તેમાં જપાન પર ચીનની સ્પષ્ટ અસર છે. ચીનમાં વળી ફર્સ્ટ નૅમ સાથે સરનૅમ કે લાસ્ટ નૅમ કે ફેમિલી નૅમ સજ્જડ કહી શકાય એ રીતે જોડાયેલાં હોય છે. સરનૅમ વાપરનાર વિશ્ર્વની પહેલી સંસ્કૃતિ ચીનની છે, જેના આરંભ ઇ. પૂ. ૨૮૦૦ની આસપાસ મળે છે તેથી ત્યાં સરનૅમનું ચલણ કેટલા વ્યાપક પ્રમાણમાં હોય તે કલ્પી શકાય છે. ચીનમાં તો ખૂબ નજીકના મિત્રો પણ એકબીજાને મોટે ભાગે પૂરું નામ દઇને જ બોલાવતા હોય છે. ત્યાં ફર્સ્ટ નૅમનું પ્રમાણ અઢળક છે પણ સરનૅમ ઓછી છે અને મિડલ નૅમની પ્રથા નથી. ચીનમાં ફર્સ્ટ નૅમનું પ્રમાણ અધધધ હોવાનું કારણ એ છે કે ચાઇનીઝ ભાષાના દરેક અક્ષર(કેરેકટર)ને નામ તરીકે વાપરી શકાય છે. અંગ્રેજીના ૨૫ અને ગુજરાતીના ૩૬ અક્ષર યાદ રાખવામાં હાંફી જનારાઓને એ પણ કહી દેવાનું કે ચાઇનીઝ ભાષામાં અક્ષરો(કેરેકટરો)ની સંખ્યા ૮૦ હજાર જેટલી છે. જો કે સરનૅમની સંખ્યા માંડ ૫૦૦ જેટલી છે. આપણને ચાઇનીઝ નામ ખૂબ જ અટપટાં લાગે તેનું પણ કારણ છે. નામકરણ વિશ્ર્વના કોઇ પણ દેશમાં થયું હોય, મોટે ભાગે છોકરા અને છોકરીનાં નામોમાં સ્પષ્ટ ફરક દેખાતો હોય છે પણ ચાઇનીઝ નામો એમાંથી અપવાદ છે. તમે કોઇ પણ ચાઇનીઝ વ્યક્તિને ફક્ત ફર્સ્ટ નૅમ પરથી તે છોકરો હશે કે છોકરી તે સરળતાથી નક્કી ન કરી શકો. તે જ રીતે એક જ કેરેકટરના નામ હોવાથી ચીનનાં દરેક નામનો અર્થ નથી હોતો, પણ તે કેરેકટરને બીજા કેરેકટર સાથે વાપરીને તેનો અર્થ નીપજાવી શકાય છે. આપણી ભાષામાં સમજવું હોય તો એકનું નામ ફક્ત ‘આ’ છે, જે અર્થપૂર્ણ નથી, અને બીજાનું નામ ફક્ત ‘ભ’ છે એ પણ અર્થપૂર્ણ નથી પરંતુ બંને નામ-કેરેકટર સાથે વાપરીએ તો બનતો શબ્દ ‘આભ’ અર્થપૂર્ણ છે. જો કે ત્યાં એકથી વધારે કેરેકટરવાળાં નામો પણ વપરાય તો છે જ. મોટા ભાગની ચાઇનીઝ સરનૅમ એક જ ઉચ્ચારણની હોય છે (દા.ત. લી, યી, યંગ, વાંગ ઇત્યાદી)! અત્યારે ચીનમાં ‘લી’ સરનૅમ ધરાવતા લગભગ ૨૭૦ મિલિયન લોકો છે. બેશક, એ ચીનની સૌથી વધુ વપરાતી સરનૅમ છે. ત્યાં નામ જેવી મર્યાદા સરનૅમમાં નથી, દરેકે દરેક ચાઇનીઝ સરનૅમનો અર્થ છે.
ઇઝરાયલનાં નામો પર પણ ધાર્મિક અસર સ્પષ્ટ છે. ઇઝરાયલની હિબ્રુ ભાષામાં ‘યલ’નો અર્થ ઇશ્ર્વર થાય, જે ત્યાંના (ઇઝરા‘યલ’ સહિત) ઘણાં બધાં નામોની પાછળ પ્રત્યય તરીકે આવે છે. ભારતનાં ‘એશ(ઇશ)’(જે પ્રત્યય ઇશ્ર્વર માટે વપરાય છે)સીરિઝનાં નામોની જેમ ઇઝરાયલમાં ‘યલ’ સીરિઝનાં નામોની ભરમાર છે એ સમાનતા આશ્ર્ચર્યજનક છે. ભારતમાં દિનેશ, ભાવેશ, કલ્પેશ જેવાં ‘એશ’ પ્રત્યય સાથે પૂરાં થતાં અનેક નામ બધા એ જ સાંભળ્યાં હશે અને એવી જ રીતે ઇઝરાયલમાં ઇમીલ, એરિયલ, ઇમાન્યુઅલ, મિખેઇલ, સેમ્યુલ અને ડેનિયલ જેવાં અનેક નામો જેનો અંત ‘યેલ’ પ્રત્યયથી થાય છે. આપણે ત્યાં ‘રામ’ નામથી બધા પરિચિત છે તે વપરાય પણ છે પરંતુ એની સાથે જ જોડાયેલું રાવણ નામ નથી વપરાતું, અર્જુન વપરાય છે પણ દુશાસન નામ નથી વપરાતું. તેવાં નામોની પણ યાદી તો થઇ જ શકે. યેસ, ઇઝરાયલના માસ્તરોએ ૨૦૦૫માં યહુદી માતાપિતાએ પોતના સંતાન માટે કયાં નામ ન રાખવાં જોઇએ એની યાદી બહાર પાડી હતી.
નામ પાડવા માટે જન્મતારીખ, સમય, વાર, વર્ષ વગેરે પણ ભાગ ભજવે છે તે ભારત અને શ્રીલંકા જેવાં અમુક દેશોમાં જ જોવા મળે છે. શ્રીલંકાનાં નામા સૌએ સાંભળ્યાં જ હશે, શ્રીલંકી નામો મહદઅંશે બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી આવ્યાં છે. નામપ્રથામાં શ્રીલંકા જાણીતું છે, વિશ્ર્વમાં સૌથી લાંબાં નામો માટે! બર્મામાં ફેમિલી નૅમની પ્રથા નથી પણ સ્પેન અને પોર્ટુગલમાં તો દરેક વ્યક્તિના બે બે ફેમિલી નૅમ હોય છે...
આટલી વાતો કર્યા પછી એવું તારણ આપવાનું રહે છે કે આ તો ‘નામ’ વિષયની ચર્ચાફલકનું વાતાયનમાંથી દેખાતું એક દૃશ્ય માત્ર છે! નામ ક્યારથી પડ્યાં? એ પ્રશ્ર્ન નિરુત્તર જ રહી જાય છે. આ મૂંઝવણ એકવાર આપણા હાસ્યસમ્રાટ બકુલ ત્રિપાઠીને પણ થઇ હતી અને તેમણે એક હાસ્યનાટક લખ્યું: ‘ભગવાને નામ પાડ્યાં’. તેમાં માનવીય ફરિયાદો લઇને જ્યારે માનવો દેવલોકમાં ભગવાન પાસે સમાધાન કરવા જાય છે, ત્યારે બધા જ ‘ઓલો’ ને ‘પેલો’ હતા તેથી ભગવાન ગૂંચવાયા અને લોકોને નામ આપવાનું સૂચવ્યું. તપેલી અને ટોપલીઓ લઇને નામ લેવા આવેલા મનુષ્યોને ભગવાને એવું ગોઠવી આપ્યું કે પૃથ્વી પર જઇને જે તમને સૌથી પહેલું દેખાય એ તમારું નામ- સાથે લાલ-ભાઇ-રામ-દાસ જેવા પ્રત્યયો આપ્યા. મનુષ્યો ધરતી પર આવ્યા, કોઇને પોપટ દેખાયો-તે બન્યા પોપટલાલ, કોઇને વાઘ દેખાયો તો તે બન્યો વાઘભાઇ, તો કોઇએ વળી પાછું ફરીને ભગવાનને જોયા-તે ભગવાનદાસ બન્યા. આમ થઇ નામ પડવાની શરૂઆત. જ્યાં સુધી કોઇ માની શકાય એવો ઇતિહાસ નથી મળતો ત્યાં સુધી એવું માનવામાં કોઇ વાંધો નથી કે... નામપ્રથાની શરૂઆત આવી રીતે જ થઇ (હશે)!
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=96518