Showing posts with label આશુ પટેલ. Show all posts
Showing posts with label આશુ પટેલ. Show all posts

Thursday, March 26, 2015

કુછ તો લોગ કહેંગે! --- આશુ પટેલ

મુલ્લા નસરુદ્દીન ચાર જણને ખતમ કરી દેવાના ઝનૂન સાથે નીકળી પડ્યા ત્યારે...


પાસવર્ડ - આશુ પટેલ


અમારા એક મિત્ર તેમના પુત્રને સલાહ આપતા હતા કે આમ કર અને તેમ નહીં કર નહીં તો સમાજમાં ચાર જણા વાતો કરશે. મિત્રના પુત્રના ચહેરા પરના ભાવ જોઈને વર્ષો અગાઉ વાંચેલી એક કટાક્ષ કથા યાદ આવી ગઈ.

મુલ્લા નસરુદ્દીન એકવાર ધૂંઆપૂંઆ થતા ઘરની બહાર નીકળ્યા. તેમની આંખો લાલચોળ થઈ ગઈ હતી અને તેમના ચહેરા પર ભારે ગુસ્સાના ભાવ હતા.

મુલ્લા નસરુદ્દીન ભાગ્યે જ આવા રૂપમાં જોવા મળતા હતા. તેમને આવી સ્થિતિમાં જોઈને પાડોશીને આશ્ર્ચર્ય થયું તેણે મુલ્લાને પૂછ્યું કે, "શું વાત છે? કેમ આટલા ભડકેલા છો? કોઈ સાથે ઝઘડો થયો છે કે શું?

મુલ્લા નસરુદ્દીને કહ્યું, "મારે ચાર જણને શોધીને મારી નાખવા છે!

પાડોશી અચંબો પામી ગયો. તેણે મુલ્લા નસરુદ્દીનને હંમેશા બીજા લોકોને ઝઘડો ના કરવાની સલાહ આપતા જોયા હતા અને કોઈની વચ્ચે જામી પડે તો તેમને મધ્યસ્થી કરતા જોયા હતા. એને બદલે આજે મુલ્લા પોતે કોઈનું ખૂન કરવાની વાત કરતા હતા અને એ પણ એક સાથે ચાર - ચાર જણના ખૂનની!

પાડોશીએ મુલ્લાને કહ્યું, "તમને આટલા ગુસ્સામાં ક્યારેય જોયા નથી. એ ચાર જણ કોણ છે, જેને મારી નાખવાનું ઝનૂન તમારા દિમાગ પર સવાર થઈ ગયું છે?

મુલ્લા કહે કે, "મનેય ખબર નથી કે આ ચાર જણ કોણ છે નહીં તો મેં અત્યાર સુધી તેમને જીવતા જ ના રહેવા દીધા હોત!

પાડોશીને વધુ નવાઈ લાગી. તેણે કહ્યું કે, તમારી વાત કંઈ સમજાતી નથી. જેમને તમે મારી નાખવા માગો છો એ માણસો કોણ છે એની જ તમને ખબર નથી?

મુલ્લાએ કહ્યું, "હા. એ જ સૌથી મોટી તકલીફ છે. મને ખબર જ નથી કે એ ચાર જણા કોણ છે જેણે મારી જિંદગી બરબાદ કરી નાખી છે. હું બાળક હતો ત્યારે મારી માતા કહેતી કે, ચડ્ડી પહેર્યા વિના ઘરની બહાર ના નીકળતો. નહીં તો ચાર જણ જોશે અને અમને સંભળાવશે. ક્યારેક શાળામાં જવાની ઈચ્છા ના હોય તો પિતા કહેતા કે, નિશાળે જા નહીં તો ચાર માણસો શું કહેશે? મોટો થયો અને મારે શાદી નહોતી કરવી તો માતાપિતા રોજ કહેતા કે શાદી કરી લે નહીં તો ચાર જણા શું કહેશે? એકવાર ભૂલમાં જુગાર રમવા બેસી ગયો તો મારા પિતાએ મને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો અને જુગાર ન રમવાની તાકીદ કરતા કહ્યું કે, ખબરદાર હવે જુગાર રમ્યો છે તો! ચાર માણસો જોશે તો શું કહેશે? અને આજે તો હદ થઈ ગઈ. સહેજ શરાબ પી લીધો તો મારી પત્નીએ કહ્યું કે, તમે શરાબ પીશો તો ચાર માણસો આપણી બદનામી કરશે! હદ થઈ ગઈ. હવે હું વધુ સહન નહીં કરી શકું. એ ચાર જણાનું મેં કંઈ નથી બગાડ્યું પણ તેમણે મારી જિંદગી ખરાબ કરી નાખી છે. એ ચાર જણાને શોધીને ફેંસલો લાવી દઉં એ પછી હું શાંતિથી જીવી શકીશ.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=158090

Tuesday, February 10, 2015

સરળ રસ્તા અજમાવનારા શાસકો પ્રજાને સુખી કરી શકે --- સુખનો પાસવર્ડ - આશુ પટેલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=149131




સુખનો પાસવર્ડ - આશુ પટેલ


એક નગર બહુ વિકાસ પામ્યું અને એ નગરની સીમાનો વિસ્તાર પણ નગરની હદમાં આવી ગયો. એ નગર બહુ વ્યવસ્થિત રીતે વિકસિત થયું હતું, પણ સીમાનો પ્રદેશ નગરની હદમાં આવી ગયો અને એક તબક્કે એ વિસ્તાર નગરના હાર્દ સમો બની ગયો. પણ એ વિસ્તારના વિશાળ ચોકમાં એક મોટી શીલા પડી હતી. એ વિશાળ પથ્થર ચોકના રસ્તાની વચ્ચોવચ આવતો હતો અને બળદગાડા અને ઘોડાગાડીઓની અવરજવરમાં બહુ અવરોધ ઊભો કરતો હતો.

નગરના સત્તાધીશોએ મોટા મોટા એન્જિનિયર્સને બોલાવીને તેમની મદદ માગી અને એ વિશાળ પથ્થરને હટાવવા માટે કેટલો ખર્ચ થશે એનો અંદાજ માગ્યો.

એક એન્જિનિયરને કહ્યું, "આ પથ્થર એટલો મોટો છે કે એને હટાવવો તો બહુ મુશ્કેલ છે એટલે એને સુરંગ ફોડીને તોડવો પડશે પછી એના નાના નાના ટુકડા થઈ જશે. એના માટે બહુ મોટું બજેટ રાખવું પડશે.

બીજા એન્જિનિયરે કહ્યું, "આ પથ્થરની નીચે એક ભૂંગળું નાખીને એનાથી ધીમે ધીમે સરકાવીને એને ખસેડી શકાય. એ એન્જિનિયરે પણ બહુ મોટું બજેટ માગ્યું.

ત્રીજા એન્જિનિયરે વળી બીજા તુક્કાઓ અજમાવ્યા. પણ દરેક એન્જિનિયરની એક વાત કોમન હતી કે એ વિશાળ પથ્થર હટાવવા માટે બહુ મોટી રકમ ખર્ચવી પડશે.

એન્જિનિયર્સ પથ્થરને હટાવવા માટે પોતપોતાના ભવ્ય આઈડિયાઝ આપી રહ્યા હતા અને તોતિંગ બજેટ માગી રહ્યા હતા એ વખતે નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા હતા. બધા એ જાણવા માટે આતુર હતા કે આ પથ્થર કઈ રીતે અને કેટલો જલદી હટાવી શકાશે.

એન્જિનિયર્સના ઘુવડ જેવા ચહેરા અને પેલા વિશાળ પથ્થરથી પણ વધુ ભારેખમ આઈડિયાઝ અને એથીય વધુ ભારે રકમના બજેટ સાંભળીને લોકો નિરાશ થઈ ગયા કે આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે.

એ વખતે એક ખેડૂત આગળ આવ્યો. તેણે કહ્યું કે, "આ પથ્થર હટાવવા માટે આટલી મોટી રકમ ખર્ચવાની જરૂર નથી.

એન્જિનિયર્સે એ ખેડૂતની હાંસી ઉડાવી. તેમણે કહ્યું કે, "આવા કામમાં તારી બુદ્ધિ ના ચાલે. આ પથ્થર હટાવવાનું કામ અમારા માટે પણ બહુ ભગીરથ છે.

ખેડૂતે એ અભિમાની એન્જિનિયર્સના શબ્દોની પરવા કર્યા વિના કહ્યું કે, "આ પથ્થર હું હટાવી દઈશ. મને માત્ર સો રૂબલ આપજો.

એન્જિનિયર્સ કંઈક બોલવા જતા હતા, પણ પથ્થરના અવરોધથી કંટાળેલા લોકોએ ખેડૂતને કહ્યું કે, "અમે તને સો રૂબલ આપીશું, તું આ પથ્થર હટાવી દેતો હોય તો.

ખેડૂતે પેલા વિશાળ પથ્થરની બાજુમાં ખાડો ખોદવાનું ચાલુ કર્યું. એમાંથી નીકળતી ધૂળ તે સડક પર પાથરતો ગયો.

તે ખેડૂતે પેલા પથ્થરથી મોટી સાઈઝનો ખાડો ખોદયો એ પછી પથ્થરને સહેજ અમથો સેરવીને ખાડામાં નાખી દીધો.

એન્જિનિયર્સ ડાચા વકાસીને જોઈ રહ્યા હતા. ખેડૂતે સડક પર પાથરેલી માટી પેલા ખાડામાં પડેલા પથ્થર પર નાખી દીધી અને ત્યાં સમથળ રસ્તો બની ગયો!

ખેડૂતને સો રૂબલ મળી ગયા. પણ આટલી ચતુરાઈપૂર્વક આટલો સહજ રસ્તો શોધી કાઢવા માટે લોકોએ બીજા સો રૂબલ એકઠા કરીને તેને ઈનામરૂપે આપ્યા.

* * *

આ વાર્તા મહાન રશિયન લેખક લિયો તોલ્સતોયની છે. આ વાર્તાનો અંગ્રેજીમાંથી અક્ષરશ: અનુવાદ કરવાને બદલે થોડા શબ્દોના ફેરફાર સાથે અહીં મૂકી છે. લિયો તોલ્સતોયે આ વાર્તા થકી વેધક કટાક્ષ કર્યો છે. ઘણી સામાન્ય સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરળ રસ્તાઓ અજમાવવાને બદલે મોટાભાગના ચશ્મિસ્ટ બૌદ્ધિકો, સરકારી અધિકારીઓ અને સરકારો આંટીઘૂંટીભર્યા રસ્તાઓ અજમાવે છે અને અંતે તો પબ્લિકનાં ખિસ્સાં ખાલી કરે છે, એટલે કે દેશની તિજોરીને લૂંટે છે.

તોલ્સતોયની આ વાર્તામાં ખેડૂતને બહુ સહજતાથી સરળ ઉકેલ લાવતો દર્શાવાયો છે. આ ખેડૂત જેવા સહજ અને સરળ શાસકો હોય તો પ્રજા સુખી થઈ શકે.