Saturday, September 21, 2013

ચંદ્રકાંત બક્ષી - જૂનું ગુજરાતી: પેંગડા છાકની મજા વન ફોર ધ રોડમાં ક્યાં છે?

૧૯૭૫માં ઈમર્જન્સી આવી ત્યારે ગુજરાતી પાસે કટોકટી શબ્દ હતો, મરાઠી પાસે આણીબાણી શબ્દ હતો, પણ હિન્દીવાળાઓને તકલીફ પડી. એમની પાસે ઈમર્જન્સીનો કોઈ હિંદી પર્યાય ન હતો. એમણે એક લાંબો શબ્દ બનાવ્યો: આપાતકાલીન સ્થિતિ! ગુજરાતી ભાષા હિન્દુસ્તાનના મધ્ય ભાગની હિંદી કરતાં જુદી પડે છે. ગુજરાતી પર પ્રાકૃતની અસર છે. ગુજરાતી ભાષામાં અપભ્રંશ સ્વીકારવામાં આવ્યો છે. અપભ્રંશ એક અશુદ્ધિ છે, પણ ગુજરાતી ભાષાના લચીલાપણાએ અપભ્રંશને ભાષાનો જ એક ભાગ બનાવી દીધો છે. ગુજરાતી ભાષામાં દૃેશ્ય શબ્દોની ભરમાર છે. ગુજરાતીમાં એવા પણ શબ્દો છે જે રવાનુકારી છે અથવા જે અવાજ થાય છે એને અનુરૂપ ધ્વન્યાત્મક ઉચ્ચારણવાળા છે. ‘ધડાધડ’ અથવા ‘ગડગડાટ’ આવા રવાનુકારી શબ્દોનાં પ્રમાણો છે. મૂળ તત્સમ્ સંસ્કૃત શબ્દનું ક્યારેક સામાન્યીકરણ થઈ જાય છે. એ શબ્દ બોલવો ફાવે છે. દૈનિક વ્યવહારમાં વપરાય છે, એ તત્સમ્ શબ્દ તદ્ભવ બને છે. ઉદાહરણરૂપે, રાત્રિ શબ્દ તત્સમ્ છે અને રાત શબ્દ તદ્ભવ છે. કઠિન શબ્દ બોલાતો નથી.પણ તદ્ભવ સ્વરૂપ ‘કઠણ’ વાતચીતમાં વપરાય છે. પ્રાકૃત, અપભ્રંશ, તળપદી, દૃેશ્ય, રવાનુકારી, તદ્ભવ શબ્દોએ ગુજરાતી ભાષાને એવા શબ્દો આપ્યા છે જે આપણી ભાષાને અન્ય ભાષાઓથી જુદી પાડે છે, ઘણી ક્રિયાઓ, વિચારો, વર્તનો આ શબ્દોને લીધે આપણે સરળતાથી પ્રસ્તુત કરી શકીએ છીએ, કટોકટી એક એવો શબ્દ છે.

ગુજરાતીનું હિન્દીકરણ અને સંસ્કૃતીકરણ થઈ રહ્યું છે. એ સારી વાત છે. પણ જૂની ગુજરાતીમાં કેટલાક શબ્દ એવા છે જેના પર્યાય મળતાં મુશ્કેલી પડે છે. એ શબ્દો ભૂંસાઈ રહ્યા છે અથવા સ્થાનિક કે પ્રાદેશિક બની રહ્યા છે. અવસાન પછી આપણે ‘ખરખરો’ કરવા જઈએ છીએ જે એક લાક્ષણિક ગુજરાતી શબ્દ છે. ગળું ખંખેરીને રડવું? સહરુદન? કદાચ એ શબ્દમાંથી અર્થ ઊભરે છે અને ઘણા આ પ્રકારના શબ્દો અનુવાદ કે તરજુમાથી પર છે.

આ પ્રકારના શબ્દો કદાચ સુશ્રાવ્ય નથી. બરછટ પણ લાગે છે. પણ એ અર્થસભર છે, ગુજરાતી ગ્રામ્ય કે ગ્રામીણ બોલી મટીને એક નાગરિક ભાષા બની ચૂકી છે. હજારો નવા શબ્દો ઉમેરાયા છે. હજારો જૂના શબ્દો લોપ થતા જાય છે. જૂની કહેવતો જોતાં કે સો વર્ષ જૂનાં વૃત્તાંતો વાંચતાં સમજાય છે કે જૂની ગુજરાતીમાંથી કેટલા શબ્દો આપણે સાચવી શક્યા નથી. સન ૧૯૨૫-૧૯૨૬ આસપાસ ગાંધીજી આત્મકથામાં એક શબ્દ વાપરે છે: ‘હું વર્ષના ૩૦૦ પાઉંડ વિના ન જ ચલાવી શકું એમ મને લાગ્યું. તેટલા પૈસાની વકીલાતની ખોળાધરી મળી શકે તો જ રહેવાય...’ આપણે આજે ૧૯૮૮માં બાંયધરી શબ્દ નિરકુંશ વાપરીએ છીએ પણ ‘ખોળાધરી’ શબ્દ સંભળાતો નથી. દરેક શબ્દનું એનું પોતાનું એક વૈશિષ્ટ્ય છે.

ગુજરાતી ભાષાના કેટલાય શબ્દો આપણે અચેત અવસ્થામાં સદૈવ વાપરતા રહીએ છીએ અને એના શબ્દાર્થ તરફ બેધ્યાન રહીએ છીએ. કેટલાય શબ્દપ્રયોગો એટલા બધા સરસ અને વ્યાપક છે કે એ અલ્પમાં ઘણું બધું સમાવી લે છે. દા.ત. ‘વત્તેઓછે અંશે!’ આવો શબ્દ કાયદાબાજ પ્રજા જ વાપરી શકે. આવા કેટલાક ગુજરાતી શબ્દો આપણે રોજ વાપરીએ છીએ, ‘જોઈતુંકરતું’ મગાવશો. ‘જડબાતોડ’ જવાબ આપ્યો, બધું ‘બંધબેસતું’ આવ્યું. ગુજરાતીઓમાં એક ‘કોઠાસૂઝ’ છે. ‘લાગતાવળગતા’ઓને સમાચાર અપાઈ ગયા છે. મારી ‘લાગવગ’ છે, ‘જાણીજોઈને’ જ એણે કર્યું છે. ‘લેણીદેણી’ની વાત છે. ‘ખૂણેખાંચરે’થી સાફ કર્યું...

લાગ જોઈને વગ લગાડવાની ક્રિયા લાગવગ કહેવાઈ હશે? ખૂણામાંથી અને ખાંચામાં (ખાંચરે)થી સાફ કરવું. બંધ થવું અને બરાબર બેસી જવું (ફિટ થવું). આ ક્રિયાઓ ગુજરાતી ચોકસાઈ બતાવે છે. જડબાતોડ આપણે સમજીએ છીએ પણ આડેધડ એવો જ કોઈ શબ્દ છે? આડેધડ કાપવું એટલે અસ્તવ્યસ્ત, જેમ આવે તેમ, અવ્યવસ્થિત વેતરવું? જાણીને અને જોઈને કરવું એ વેપારનીતિ છે.

આપણા સામંતશાહી કાઠિયાવાડના દિવસોએ એક નવો શબ્દકોશ જન્માવ્યો હતો. એ શબ્દો આજે પણ જરા જુદા સંદર્ભમાં વપરાવા માંડ્યા છે. થોડા નમૂના: પડખિયા, વળાવિયા, ઢંઢોરિયા, આડતિયા, લાગવગિયા, ખટપટિયા, બોચિયા, મળતિયા, આંગડિયા આવા શબ્દો બેશુમાર છે. બહુ ઓછી ભાષાઓ પાસે આ દરબારી સંસ્કૃતિના શબ્દો હશે. ગુજરાતી ભાષામાં જીહજૂરિયા ભાષાના શબ્દોનું વૈવિધ્ય પ્રજાજાગૃતિ દર્શાવે છે.

વાત શબ્દોના ગોત્ર કે વ્યુત્પત્તિની પણ નથી. પ્રજાની પ્રતિભા શબ્દો જન્માવે છે. નવા અનુભવો અથવા નવા શબ્દો બંધાય છે એવું પણ બન્યું છે. ‘તોફાની બાર્કસ’ શબ્દ વિષે હું વિચાર કરતો હતો કે આ ક્યાંથી આવ્યો હશે? અને એક વાર મેં વાંચ્યું કે બાર્કસ એક નાનું ઝડપી વહાણ હતું જે પોર્ટુગીઝો ગુજરાતના કિનારા પાસે ફેરવતા હતા. મોટાં મોટાં વહાણોની વચ્ચે ઘૂસીને એ નુકસાન કરતું, તોફાન મચાવતું. કદાચ ચાંચિયાઓ દરિયામાર્ગ પર એ વાપરતા હશે. આપણા પરિવારોમાં નાના તોફાની છોકરાને તોફાની બાર્કસ કહેવાતો હતો. એને કદાચ આ પોર્ટુગીઝ શબ્દ સાથે સંબંધ હશે.

‘ભૂખ્યો ડાંસ’ શબ્દમાં ડાંસ એ મચ્છર અથવા નાનું જંતુ છે જેની રક્તપિપાસાનો અંત નથી. ‘આડોશીપાડોશી’ શબ્દ એના અર્થ પ્રમાણે જોઈએ તો એવી વ્યક્તિઓ જે પાડોશમાં કે પાસે રહે છે અને એવી વ્યક્તિઓ જે આડશ કે આડ કે પડદા પાછળ રહે છે? આગળ અને પાછળ બંને અર્થો આમાં આવી જાય છે. કર્તાહર્તા પણ એક ગુજરાતી શબ્દ છે. બંગાળીમાં દુકાન પ્રતિષ્ઠાનના માલિક અથવા શેઠને માટે કહેવાય છે કે આ શ્રીમાન આ દુકાનના ‘કર્તા’ છે. પણ ગુજરાતીઓએ શ્રીમાનને એટલા જલદીથી છોડી દેતા નથી. એ ‘કર્તાહર્તા’ છે. ‘કર્તા’ એટલે કરનારા, જમાવનારા, બનાવનારા અને ‘હર્તા’ એટલે? નાશ કરનારા?

આપણાં આધુનિક રસોડાંઓમાં પ્રેશર-કૂકર સંસ્કૃતિ ચાલી રહી છે. બે મોઢાવાળો ઓવન છે અને ઉપર સ્ટીમથી રસોઈ થઈ જાય એવું કૂકર છે. આપણી જૂની ગુજરાતીમાં કહેવત હતી કે ઓલામાંથી ચૂલામાં પડ્યો. કોઈ જંતુ કે નાનું જાનવર ઓલાની આગમાંથી ભાગવા માટે કૂદયું અને ચૂલાની આગમાં પડ્યું એવો અર્થ છે. ઓલા શબ્દનો દૃશ્ય ઉચ્ચાર ઉલ્લી પણ થાય છે. ગામોમાં રસોડામાં બે નાના ચૂલા રહેતા હતા, એકમાં કદાચ ગરમી ઓછી રહેતી હતી અને એમાં રસોઈ ધીમે તાપે થતી હતી. એ ઓલો હતો. બીજામાં પ્રખર તાપ રહેતો, એ ચૂલો હતો. એ ચૂલાઓની રચના જ એ પ્રકારની હતી. આજે ગેસના ઓવન કે ચૂલામાં એક ઓછા તાપવાળો છે અને એક વધારે તાપવાળો છે જેની રચના એ જ સિદ્ધાંત પર આધારિત છે. આપણે ત્યાં એક શબ્દ છે: વીસમવું, જે હજી પણ વપરાય છે. રસોઈ થઈ ગયા પછી વરાળ અંદર જ બેસી જાય ત્યાં સુધી એને ઢાંકી રાખવાની ક્રિયાને વીસમવું કહેવાય છે. પ્રેશર-કૂકરવાળી જ આ વાત છે. આમાં ‘કાચર-કૂચર’ ખોરાકની વાત નથી. આમાં ‘કાચરકૂચર’ એટલે કાચું અને કોરું અન્ન.

પણ એક ગુજરાતી શબ્દ જે ખરેખર અદ્ભુત છે એ છે: અંજળ! જ્યાં સુધી અન્ન અને જળનો સંબંધ છે. જ્યાં સુધી અંજળ છે ત્યાં સુધી આપણે નોકરી કરીએ છીએ. અંજળ છે ત્યાં સુધી એ ઘર કે નગર કે વ્યક્તિની સાથે રહીએ છીએ. હિંદી-ઉર્દૂમાં આવો જ એક શબ્દ છે: આબોદાના! પણ આબોદાનાનો અર્થ મર્યાદિત છે, ગુજરાતી અંજળ જેવો ઉદાત્ત નથી. આબોદાના રોટી અને નોકરી સુધી જ સીમિત છે. ગુજરાતી શબ્દ અંજળ લગભગ કિસ્મત કે વિધાતા જેટલી ઊંચાઈએ જાય છે.

કેટલાય જૂના દૃેશ્ય શબ્દો ખોવાઈ ગયા છે, કેટલાય ખોવાવાની પ્રક્રિયામાં છે. આંગળિયાત એટલે પહેલા પતિનાં સંતાનો જે આંગળી પકડીને માની સાથે બીજા ઘરમાં આવ્યાં હતાં. ઘરખવું કે ઘરઘરણું એટલે પુનર્લગ્ન. ક્રિયાપદરૂપે વપરાય છે: એ ઘરઘીને આવી હતી. ઘણા શબ્દોનાં ગોત્ર મળતાં નથી. ‘બેબાકળો’ ક્યાંથી આવે છે? ‘ઉછેદિયું’. એટલે નિર્વંશ ગયો. એનો માલ. ‘ખોગીર’ એટલે ગુણ વગરનો માણસ. ‘આઝા’ એટલે ગાતા જવું અને છાતી કૂટતા જવું. એક જૂની કહેવત છે: વિવાહમાં વાજાં અને મરણમાં આઝા.

ગુજરાતી ભાષામાં બજારોની એક પૂરી વેપારી ભાષાનો સમાવેશ થઈ ગયો છે. મુંબઈમાં વેપાર કરવો હોય તો ગુજરાતી શબ્દો જ વાપરવા પડે. ‘ઘટતું કરશો’નું અંગ્રેજી વેપલો શબ્દ ગુજરાતી છે. કિકબેક જેવા શબ્દ ગુજરાતી ‘કટકી કૌભાંડ’ જેવા કોમિક શબ્દ શોધી શકે છે. ‘ચોખ્ખો’ શબ્દ ક્યાંથી આવ્યો હશે? અને ‘નક્કી’? ‘ઊથલપાથલ’ એક રવાનુકારી શબ્દ છે, સાંભળવાથી જ એનો અર્થ સમજી શકાય છે. બંગાળીમાં ધંધાના શબ્દો ઓછા છે (‘ધંધો’ શબ્દ કોંકણીમાં પણ છે. એનું ગોત્ર પોર્ટુગીઝ છે?) બંગાળીઓ આંદોલનવાદી પ્રજા છે. એમની એક ગમ્મતી નોકરિયાત કહેવત: આશિ જાઈ માહિને પાઈ... કાજ કોરે બેશિ ચાઈ... (આવશું જઈશું, પગાર લઈશું પણ જો કામ કરીશું તો વધારે માગીશું).

ભાષા અવાવરું (અવ્યવહારુ પરથી?) વસ્તુ નથી. અમેરિકનોએ એક શબ્દ બનાવ્યો છે: ‘રેઈનચેક’. અર્થ વાયદા જેવો થાય છે. કોઈ કંપની ૧૫૦ ડોલરની વસ્તુ ૧૦૦ ડોલરમાં આપે પણ માલ ખતમ થઈ ગયો હોય તો રેઇનચેક આપે. એટલે કે નવો માલ આવે ત્યારે ૨૦૦ ડોલરની કિંમત હોય તો પણ જેની પાસે રેઈનચેક હોય એને એ માલ વાયદા પ્રમાણે ૧૦૦ ડોલરમાં જ મળે. ગુજરાતી વેપારીને તો આ વિચારથી જ લો બ્લડપ્રેશર થઈ જાય.

શબ્દભૂમિની યાત્રાનો એક રોમાંસ હોય છે. હવે એ છોડીને જઈએ. પણ આવજો કહેતાં પહેલાં શરાબીઓ કહે છે એમ: વન ફોર ધ રોડ! જતાં જતાં છેલ્લો એક પેગ પીતા જાઓ! આપણી મહાન ગુજરાતી સંસ્કૃતિમાં આ ‘વન ફોર ધ રોડ’ માટે અસ્સલ ગુજરાતી શબ્દપ્રયોગ છે. બાપુ! એક ‘પેંગડા છાક’ થઈ જાય. થાવા દો. છૂટા પડતી વખતે ઘોડાના પેંગડામાં પગ હોય અને એડી મારતાં પહેલાં એક છાક (પેગ) પી જાઓ એ થયો ‘પેંગડા છાક.’ આ પેંગડા છાક શબ્દમાં જે મજા છે એ ‘વન ફોર ધ રોડ’માં ક્યાં છે?...



ક્લૉઝ અપ

જીવન રમૂજી નથી. જીવનમાંથી ઉલ્લાસ નિચોવવા માટે તમારે ફિલસૂફ બનવું પડે છે.

ફ્રાંસના સૌથી સફળ હાસ્યકાર ફિલિપ બુવાર્ડ.

No comments:

Post a Comment