Thursday, September 19, 2013

આશુ પટેલ - કડવા નિર્ણયને પાછો ઠેલનારાઓએ સતત પછડાટો ખાવી પડે છે

કડવા નિર્ણયને પાછો ઠેલનારાઓએ સતત પછડાટો ખાવી પડે છે

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

એક વાર એક ચોર કોઈ ખેતરમાં ચોરી કરતા ઝડપાઈ ગયો. એ ખેતરમાં કાંદાનો પાક ઊભો હતો અને રાતે કાંદાની ચોરી કરીને ભાગતી વખતે જ ખેડૂતે અડોશપડોશના ખેડૂતોની મદદથી તેને પકડી પાડ્યો હતો.

ચોરેલા કાંદા સાથે એ ચોરને બીજે દિવસે ન્યાયાધીશ સામે રજૂ કરાયો. ન્યાયાધીશે આખી વાત સમજ્યા, સાંભળ્યા પછી ચુકાદો આપ્યો કે, તેં ચોરી કરી છે એ સાબિત થઈ ગયું છે એટલે તને સજા ફટકારું છું. પણ હું તને ત્રણ વિકલ્પ આપું છું. ક્યાં તો તેં આ કાંદા ચોર્યા છે એમાંથી સો કાંદા ખાઈ લે, ક્યાં તો તને સો કોરડા ફટકારવામાં આવશે એ સજા પસંદ કરી લે અથવા તો દસ સોના મહોર દંડ તરીકે ભરી દે. આમાંથી કોઈ પણ સજા તું પસંદ કરી શકે છે.

ચોરે આંખ મીંચીને કહ્યું કે, ‘મને સો કાંદા ખાવાની સજા

મંજૂર છે.’

ચોરે કાંદા ખાવાનું શરૂ કર્યું. જેમ જેમ એ કાંદા ખાતો ગયો એમ એમ તેની આંખોમાંથી પાણી નીકળવા માંડ્યું તેના શરીર પર પરસેવો વળવા માંડ્યો અને વચ્ચે બે-ત્રણ કાંદા વધુ તીખા આવી ગયા એટલે તેનો ચહેરો પણ લાલ લાલ થઈ ગયો. તેના મોઢા અને હોઠમાં બળતરા થવા લાગી. એમ છતાં તેણે કોરડાઓની સજાથી અને દસ સોનામહોરના દંડથી બચવા કાંદા ખાવાનું ચાલુ રાખ્યું.

જોકે થોડા કાંદા ખાધા ત્યાં સુધીમાં તેનું શરીર અને મન જવાબ આપી ગયા. તેણે ન્યાયાધીશને કહ્યું કે, મારાથી સો કાંદા ખાઈ નહીં શકાય એના કરતા મને સો ફટકા ખાવાની સજા મંજૂર છે.

પણ પાંચ-સાત ફટકા પડ્યા ત્યાં ચોર અડધો બેભાન થઈ ગયો. તેણે કાકલૂદી કરી કે મને ફટકા મારવાનું બંધ કરો, હું દસ સોના મહોરનો દંડ ચૂકવવા તૈયાર છું!

આપણે ઘણા એવા માણસોને જોઈએ છીએ કે કોઈ કડવા નિર્ણય પર આવતા અગાઉ જીવનમાં તેઓ અનેક પછડાટ ખાય છે અને તેમણે પછી નાછૂટકે કડવો નિર્ણય લેવો પડે છે. માણસોની જ શું કામ સરકારની પણ કરી શકાય. ત્રાસવાદ અને પાકિસ્તાન નામના સેતાનો સામે આપણી સરકાર નાકલીટી તાણ્યે રાખે છે પણ છેવટે તો આપણે ઈઝરાયેલની જેમ ત્રાસવાદીઓ અને પાકિસ્તાનને ધોકાવાળી કરવાનો નિર્ણય લેવો જ પડશે. ઉપરના દૃષ્ટાતમાં અને આપણા દેશમાં ફરક એ છે કે પાકિસ્તાન અને ત્રાસવાદીઓરૂપી ચોર ભારતરૂપી કોટવાલને અપમાનરૂપી કાંદા ખવડાવવાના અને હજારો નિર્દોષ માણસોને ફૂંકી મારવાની સજા ફટકારે છે અને આપણા ત્રીજા અને તિરસ્કૃત વિશ્ર્વના સભ્ય સમા શાસકો મૂંગા મોઢે એ સહન કરી રહ્યાં છે. જખ મારીને કડવો નિર્ણય લેવાની ફરજ નહીં પડે ત્યાં સુધી આપણો દેશ કોટવાલની ભૂમિકામાં હોવા છતાં પેલા ચોરની જેમ મૂર્ખાઈ કરતો રહેશે!


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=104185

No comments:

Post a Comment