Saturday, September 21, 2013

ચંદ્રકાંત બક્ષી - ગુજરાત અને બિહાર: સમાન અને મહાનનો ફર્ક...

સર્જનનો ઈતિહાસ વિદ્વાનો માટે રહસ્ય રહ્યો છે. સામાન્ય લાગતી બાબતોમાં પણ રહસ્ય છુપાયેલું હોય છે અને એ રહસ્ય ખોલવા માટે લગભગ વૈજ્ઞાનિક સ્તરનું અનુસંધાન કરવું પડે છે. કાઠિયાવાડના ગાંઠિયા ગુજરાતી પ્રજાનું વ્યંજન બની ગયા. છે. આ ગાંઠિયા ચણાના આટાના એટલે કે બેસનના બને છે અને કાઠિયાવાડમાં મુખ્ય પાક મગફળીનો છે. મગફળીને પ્રોસેસ કરીને એમાંથી ગાંઠિયા કેમ બનતા નથી? અને કાઠિયાવાડમાં ચણાનો ‘પાક’ કેટલો થાય છે? કયા ભેજામાંથી આ ગાંઠિયાની ઉત્પત્તિ થઈ હશે? ગાંઠિયા એક અદ્ભુત વ્યંજન છે, જલેબી સાથે અને મરચાં સાથે ખાઈ શકાય છે. દાંત વગરના અને દાંતવાળા ખાઈ શકે છે, શ્રમિકથી શેઠ સુધી બધા એ ખાય છે, ગમે તે સીઝનનો સંભારો એની સાથે ચાલી શકે છે. આ માત્ર એક દૃષ્ટાંત છે, પ્રજાજીવનની વિચિત્રતા અને વિશેષતાનું, અને અભ્યાસીઓ આવાં પ્રમાણોની પાછળનાં સૂત્રસંધાનો શોધતા રહે છે.

પ્રજાઓ સમાન હોય છે કે કોઈ પ્રજા બીજી પ્રજા કરતાં વધારે મહાન હોય છે? મનુષ્યની શિરાઓમાં લોહી તો એક જ વહેતું હોય છે, તો સમાન-મહાનનો ભેદ હોઈ શકે? હોય છે! બિહારમાં વિશાળ નદીઓ છે. દેશનો ૩૦ ટકા વરસાદ પૂર્વ ભારતમાં પડે છે. બિહારની ધરતીમાં લોખંડ, કોલસો, મેંગેનીઝ, લાઈમસ્ટોન બધું જ છે, જમીન ફળદ્રુપ છે, વસતિ ભરપૂર છે, પણ બિહાર હિંદુસ્તાનના સૌથી ગરીબ પ્રદેશોમાંનો એક છે. સામે ગુજરાતનું દૃષ્ટાંત છે. ગુજરાતના પાંચ હિસ્સાઓ છે. કચ્છમાં રણ છે, ઉત્તર ગુજરાત બંજર પ્રદેશ છે. સૌરાષ્ટ્રમાં માત્ર મગફળી થાય છે. મધ્ય ગુજરાતમાં તમાકું અને દૂધ છે. દક્ષિણ ગુજરાતમાં ચીકુ અને કેળાં થાય છે. ધરતીની નીચે, બિહારની તુલનામાં ગુજરાત પાસે કાંઈ જ નથી અને ગુજરાત દેશના સૌથી સમૃદ્ધ પ્રદેશોમાં છે. ગુજરાતની પ્રજા પાસે પથ્થરમાંથી સમૃદ્ધિ પેદા કરવાનું ખમીર છે. ભૂગોળ અને ઈતિહાસે ગુજરાતને અન્યાય કર્યો છે, પણ પ્રજા મહાન છે. લેખક સમરસેટ મોેમે મલાયા જોઈને ઘણાં વર્ષો પહેલાં લખ્યું હતું કે મલાયા એ ‘ફર્સ્ટ ક્લાસ ક્ધટ્રી, વિથ સેક્ધડ ક્લાસ પીપલ’ છે. (ફર્સ્ટ ક્લાસ દેશ, પણ સેક્ધડ ક્લાસ લોકો). આજે મલેશિયા બદલાઈ ગયું છે અને એ વ્યાખ્યા અપ્રસ્તુત થઈ ગઈ છે. પણ હિંદુસ્તાનમાં આજે ઘણા પ્રદેશો એવા છે જેમને માટે કહી શકાય કે ફર્સ્ટ ક્લાસ ધરતી છે અને થર્ડ કે ફોર્થ ક્લાસ લોકો છે! જોકે ગુજરાતના રાજકારણમાં છેલ્લાં ૪૪ વર્ષમાં એવી સ્થિતિ ઘણી વાર આવી છે ત્યારે મેં વિધાન કર્યું છે કે ગુજરાતી પ્રજા ફર્સ્ટ ક્લાસ છે, પણ એમના નેતાઓ થર્ડ ક્લાસ છે અને આ વિધાન દરેક પક્ષને લાગુ પડે છે.

ઈતિહાસના જન્મથી આજ સુધી જોવામાં આવ્યું છે કે કેટલીક પ્રજાઓ અન્ય પ્રજાઓ કરતાં વધારે પ્રગતિ કરે છે, એની પાછળ કયાં કારણો હોય છે? નાનકડા પોર્ટુગલની વસતિ ૧૫મી, ૧૬મી સદીમાં એક કરોડ જેટલી હશે એવો અંદાજ કરવામાં આવ્યો છે, અને પોર્ટુગલ આખા જગત પર ફેલાઈ ગયું હતું. અંગોલા, બ્રાઝિલ, કેપ વર્દે, ગોવા, મકાઓ, ગીનીબિસાઉ, મોઝામ્બિક અને આજે વિશ્ર્વમાં ૧૭ કરોડ લોકો પોર્ટુગીઝ ભાષા બોલે છે! ફ્રાન્સનું સામ્રાજ્ય ક્યાં ક્યાં ફેલાયેલું હતું? દક્ષિણ અમેરિકા તરફના, ફ્રેંચ પોલિનેશિયાથી ઓસ્ટ્રેલિયા પાસેના ન્યુ કેલેડોનીઆ સુધી ફ્રેંચોની સત્તા હતી, જેમાં ઈન્ડો-ચાઈના (આજનું વિયેતનામ), પોંડિચેરી અને અલ્જિરિયા આવી જતાં હતાં. વિશ્ર્વમાં સાથી વિસ્તૃત બ્રિટિશ સામ્રાજ્ય હતું. આજે પણ ઇંગ્લેન્ડની વસતિ માત્ર પ કરોડ ૯૦ લાખ જેટલી છે. ગુજરાતની વસતિ પ કરોડની છે અને એમાં મુંબઈ અને ડાયાસ્પોરા ગુજરાતીઓ ઉમેરવામાં આવે તો એ વસતિ પ કરોડ પ૦ લાખ જેવી થવા જાય છે. એટલે લગભગ ગુજરાત જેટલું ઇંગ્લેન્ડ દુનિયામાં ક્યાં ક્યાં છવાઈ ગયું હતું? કેનેડા, જમૈકા, બાર્બાડોસ, ટ્રિનિડાડ, એંગુલા, નાઈજીરિયા, ગોલ્ડ કોસ્ટ, કેેમેરૂન, સિયેરા લિયોન, ગેમ્બીઆ, કેનિયા, યુગાન્ડા, ટાંગાનિકા, ન્યાસાલૅન્ડ, દક્ષિણ રહોડેશિયા, ઉત્તર રહોડેશિયા, દક્ષિણ પશ્ર્ચિમ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, સેશલ્સ, પાકિસ્તાન, ઈન્ડિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલાયા, બોર્નાઓ, હૉંગકૉંગ, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, નાઉરુ, ફિજી! (આમાં હિન્દુસ્તાની ઉપખંડના નામો સિવાય બીજા બધા દેશો-પ્રદેશોનાં નામો બ્રિટિશ સામ્રાજ્યના સમયનાં જ રખાયાં છે.)

મહાનતાની કોઈ ફોર્મ્યુલા હોતી નથી, પણ અમુક લક્ષણો જરૂર સાફ દેખાય છે. પ્રાચીન સુમેરિયન પ્રજા તત્કાલિન સમયમાં લાકડાંનાં મોટાં મોટાં જહાજો બાંધવા માટે મશહૂર હતી અને એમના દેશ સુમેરિયામાં એ પ્રકારનું લાકડું (ટિમ્બર) થતું જ ન હતું.! આ સુમેરિયનો ઈતિહાસકારો માટે એક રહસ્યરૂપ રહ્યા છે. ઈરાકની ટાઈગ્રિસ અને યુક્રેટિસ નદીઓની વચ્ચેના પ્રદેશમાં સુમેરિયા એ પ્રથમ મનુષ્ય સંસ્કૃતિ હતી એવું મનાય છે. એમણે કાંસા (બ્રોન્ઝ)ની વસ્તુઓ બનાવી જયાં કોઇ ધાતુ મળતી ન હતી. એમણે મોટાં નગરો વસાવ્યાં, પથ્થર વિના હેંગિગ-ગાર્ડનો ઊભાં કર્યાં અને નદીઓ પર માત્ર માટી અને બ્રશવુડના સૂકા છોડ દબાવીને બંધો બાંધ્યા! પ્રાચીન સુમેરિયાથી અર્વાચીન જાપાન સુધી ઘણા દેશો અને પ્રજાઓનો આવો સમાંતર સાંસ્કૃતિક ઈતિહાસ છે. જાપાનમાં પેટ્રોલ નથી, કોલસો નથી, લોખંડ નથી દરિયો છે માટે માછલાં મળી રહે છે અને જે ધરતી છે એમાં માત્ર ડાંગર-ચાવલ ઉગાડી શકાય છે. ભાત અને માછલી એ જ લગભગ આખી પ્રજાને મળી શકે છે, બહારનું લગભગ બધું આયાત કરવું પડે છે અને જાપાનીઝ પ્રજા, ભૂતકાળની સુમેરિયન પ્રજાની જેમ, લોખંડ કે કોલસા કે પેટ્રોલ કે મેંગેનીઝ વિના મોટાં જહાજો, ટર્બાઈન્સ, ઈલેક્ટ્રોનિક્સ સામાન, ટ્રાન્સમિશન ટાવરો જેવી સેંકડો વસ્તુઓ બનાવીને દુનિયાભરમાં વેચે છે! સમાન અને મહાન વચ્ચેનો ફર્ક પ્રજાઓના ચારિત્ર્યમાં સ્પષ્ટ દેખાય છે.

અમુક પ્રજાઓની અમુક ખાસ વિષયમાં જ વિશેષતા હોય છે એ જીન્સ કે વંશી કારણોસર હોય છે? આ પ્રશ્ર્નનો ઉત્તર ઈતિહાસકાર કરતાં સમાજશાસ્ત્રી પાસે મળી શકે છે. હિંદુસ્તાનીઓ સ્નૂકર કે બિલીઅર્ડ્ઝમાં વિશ્ર્વકક્ષાના છે. તો પાકિસ્તાનીઓ સ્ક્વોશમાં પ્રથમકક્ષ છે, ચામડાનું કામ કરનારાં ચર્મકારો હિન્દુ હોય છે, પણ કસાઈના વ્યવસાયમાં મુસ્લિમો વધારે છે, કારણ કે પૂરી ગિલ્ડ ધર્મપરિવર્તન કરે છે એમ ઈતિહાસ કહે છે. સોની બધા જ હિન્દુ હોય છે. ચીનાઓ રમકડાં અને રંગીન કાગળનાં ફાનસો અને સુશોભનો બનાવવામાં નિપુણ હોય છે. કચ્છી સ્ત્રીઓ ભરતકામ અને આભલાંની કઢાઈમાં વિશ્ર્વભરમાં નામ કમાઈ ચૂકી છે.

લખનૌની સ્ત્રીઓ ચિકનવર્ક અને ગૂંથણકાર્યમાં માહિર હોય છે. મુંબઈમાં પસ્તીનો ધંધો કરનાર કચ્છીઓ, રસોઈયા ઈડરના, વૉચમેન નેપાલી અને ટેક્સી ડ્રાઈવરો ઉત્તર ભારતીય હોય છે. પહેલાં દાંતના બધા જ ડૉક્ટરો ચીના રહેતા હતા, સિલ્ક વેચવા એ લોકો જ આવતા. પઠાણો હિંગ વેચતા, કાચનો વ્યવસાય વહોરાઓ પાસે છે, હાડવૈદો પારસી રહેતા, સોનાના કારીગરો બંગાળી હોય છે, નર્સો કેરળથી આવે છે અને બ્રેડ-બિસ્કિટની બેકરીઓમાં ઈરાનીઓ અને પારસીઓની મોનોપોલી છે. ઝવેરીઓ અને હીરાના વેપારીઓમાં જૈનોનું પ્રમાણ ઘણું મોટું છે. મુંબઈના કવિઓ અને પત્રકારોમાં લગભગ કાઠિયાવાડીઓ છે અને કાર્ટૂનિસ્ટોમાં કચ્છીઓનું બાહુલ્ય છે. નાટકોમાં મુખ્ય અભિનેતાઓ અને અભિનેત્રીઓમાં બ્રાહ્મણોની ટકાવારી બહુ વધારે છે. ઉચ્ચારશુદ્ધિ એ એક કારણ હોઈ શકે છે?

ક્રિકેટ કે હોકીના ખેલાડીનો પુત્ર ક્રિકેટ કે હોકી પ્લેયર થઈ જાય એ સમજાય એવું છે, પણ રાજકારણીનો સુપુત્ર રાજકારણી કેવી રીતે બની જાય છે? નહેરુ-ગાંધી પરિવારમાં જન્મ્યા વિના? એની બુદ્ધિ જરૂર અસામાન્ય હોવી જોઈએ...!



ક્લૉઝ અપ

અગ્નિ=અંગતિ ઊર્ધ્વ ગચ્છતિ ઈતિ

(અર્થ: ઉપર તરફ જે જાય છે એ અગ્નિ છે.)


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103699

No comments:

Post a Comment