Saturday, September 21, 2013

ગીતા માણેક - આવનારા સમયમાં કદાચ પુરુષોએ સ્ત્રી સમોવડા બનવું પડશે! યે જો હૈ ઝિંદગી


નરના સર્જન માટે અનિવાર્ય એવો વાય ક્રોમોઝોમ નબળો પડ્યો હોવાની વાત કરતાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જેમ પરશુરામે પૃથ્વીને નક્ષત્રી અથવા તો ક્ષત્રિય જાતિનું નિકંદન કરી ક્ષત્રિયવિહોણી કરી નાખી હતી એમ પ્રકૃત્તિ પૃથ્વીને પુરુષવિહોણી બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.   

હમણાં થોડા દિવસ અગાઉ એક ન્યુઝ આવ્યા હતા. ગ્લોબલ ફાયનાન્સિયલ સર્વિસિઝ દ્વારા તૈયાર કરવામાં આવેલા વેલ્થ રિપોર્ટ મુજબ હિંદુસ્તાનમાં ૧,૨૫૦ સુપર રીચ મહિલાઓ છે. આ સંસ્થા દ્વારા જે સર્વેક્ષણ થયું છે એમાં ‘અલ્ટ્રા હાઈ નેટવર્થ’ એટલે કે જેઓ અધધધ સંપત્તિના માલિક હોય એવી વ્યક્તિઓની એક યાદી તૈયાર કરવામાં આવી. હવે, આ સર્વેક્ષણમાં અધધધ સંપત્તિની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે જેની પાસે કમસે કમ ૩૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૧૯૦ કરોડ જેટલી સંપત્તિ હોય તેને એ લોકો સુપરરીચ અથવા માલદાર શ્રીમંત ગણે છે. મતલબ કે હિંદુસ્તાનમાં એવી ૧૨૫૦ મહિલાઓ છે જેમના નામે ૧૯૦ કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ બોલે છે. હવે આ મહિલાઓએ આ સંપત્તિ કેવી રીતે મેળવી છે એનું વિવરણ આ રિપોર્ટમાં નથી પણ હા, આ સુપરરીચ મહિલાઓમાંની પચાસ ટકાથી પણ વધુ મહિલાઓ કાં તો મુંબઈ અથવા દિલ્હીમાં વસે છે.

બીજા એક ન્યુઝ જેણે જેનેટિક સાયન્સના જગતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચકચાર જગાડી છે તે એ છે કે નર અથવા તો છોકરામાં જે વાય ક્રોમોસોમ અથવા રંગસૂત્ર કે પછી અંગ્રેજીમાં જેને માટે જીન્સ શબ્દનો ઉપયોગ થાય છે એ વાય જીન્સ નબળા પડી રહ્યા છે. વૈજ્ઞાનિકોમાંનો એક વર્ગ તો એવો દાવો કરી રહ્યો છે કે પુરુષના સર્જન માટે જવાબદાર વાય ક્રોમોઝોમ દિવસે અને દિવસે એટલો નબળો પડતો જાય છે કે જો આ સમસ્યાનો ઉકેલ નહીં મળે તો આવનારા થોડાંક હજાર વર્ષોમાં પૃથ્વી પર પુરુષ શોધ્યો નહીં જડે. પ્રોફેસર જેની ગ્રેવ્સ નામની વૈજ્ઞાનિકનું કહેવું છે કે આ પૃથ્વી પરથી પુરુષોનું નિકંદન નીકળી જાય એ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એક ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકનું કહેવું છે કે જે રંગસૂત્ર વ્યક્તિને પુરુષજાતિ પ્રદાન કરે છે એ પોતાનામાં જ બહુ નાજુક છે. (હવે મહિલાઓને કે છોકરીઓને નાજુક અને પુરુષોને બળવાન કહેવા પહેલાં બે વાર વિચારવું પડશે નહીં!)

આના માટે વૈજ્ઞાનિકો એવું કારણ આગળ ધરે છે કે એક્સ ક્રોમોઝોમમાં લગભગ ૧૦૦ જીન્સ હોય છે. હવે માદામાં એક્સ ક્રોમોઝોમનો સેટ એટલે કે જોડી હોય છે. માનવનો આરંભ થયો એ કાળમાં વાય ક્રોમોઝોમમાં પણ ૧૦૦ જીન્સ હતા પણ કાળક્રમે એ ઘટીને આધુનિક પુરુષમાં એની સંખ્યા ૧૦૦ પર પહોંચી ગઈ છે. આમાં જો તથ્ય હોય તો દેશી ગણિત અનુસાર પુરુષમાં એકસ અને વાય ક્રોમોઝોમ હોવાને કારણે ૧૦૦૦ વત્તા ૧૦૦ એટલે કે ૧૧૦૦ અને માદામાં ૧૦૦૦ વત્તા ૧૦૦૦ એટલે કે ૨૦૦૦ ક્રોમોઝોમ હોય છે.

હવે એ તો આપણે બધા જાણી જ ચૂક્યા છીએ કે ગર્ભમાં બાળકની જાતિ એટલે કે બાળક છોકરી હશે કે છોકરો એ માતાનું શરીર નહીં પણ પુરુષના વીર્યમાંના એસઆરવાય નામનું જીન નક્કી કરે છે જેને મેઇલ માસ્ટર સ્વીચ કહે છે!

જેનેટિક સાયન્ટિસ્ટોના કહેવા મુજબ વાય ક્રોમોઝોમ નબળો અથવા તો વિમ્પી જીન થઈ ગયો છે. કેનબેરા યુનિવર્સિટીની પ્રોફેસર ગ્રેવ્સનું કહેવું છે કે પુરુષમાં એક્સ ક્રોમોઝોમ મજબૂત હોવા છતાં એકલો-અટૂલો છે જ્યારે માદા અથવા તો છોકરીમાં તેની પાસે તેની જ જાતિનો દોસ્ત (કે પછી આપણે તેને બહેનપણી કહીશું) છે.

વાય ક્રોમોઝોમ નબળો પડ્યો હોવાની વાત કરતાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જેમ પરશુરામે પૃથ્વીને નક્ષત્રી અથવા તો ક્ષત્રિય જાતિનું નિકંદન કરી ક્ષત્રિયવિહોણી કરી નાખી હતી એમ પ્રકૃતિ પૃથ્વીને પુરુષવિહોણી બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.

લંડનની શનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ રિસર્ચના સેક્સ ક્રોમોઝોમ વિષયના નિષ્ણાત પ્રોફેસર રોબિન લોવેલ-બડગેનું કહેવું છે કે આ વાય ક્રોમોઝોમનું ક્ષીણ થવું તબક્કાવાર સ્ફોટમાં થશે. જોકે તેઓને લાગે છે કે આમાં ચિંતાજનક કશું નથી.

આની સામે જોકે વૈજ્ઞાનિકોમાં મતભેદ છે પણ એ બધી પળોજણમાં આપણે ન પણ પડીએ તો આપણી આજુબાજુ નજર દોડાવીએ તો આપણને જે નજરે પડે છે એ જોતાં વાય ક્રોમોઝોમ નબળો પડ્યો હોવાની વાતને નકારી શકાતી નથી.

વૈજ્ઞાનિકો કે ગાયનેકોલોજિસ્ટને પૂછશો તો તેઓ તો તમને કહેશે જ પણ કોઈ વયોવૃદ્ધ દાદીમાને પૂછશો તો તે પણ કહેશે કે જેટલા કુદરતી ગર્ભપાત થાય છે એમાં મોટા ભાગના છોકરાઓ હોય છે છોકરીઓ નહીં. જુદા-જુદા બાળરોગને કારણે પણ જેટલા બાળકોનાં મૃત્યુ થાય છે એમાંય છોકરાઓની સંખ્યા જ વધુ હોય છે એવું તારણ આવ્યું છે.

હા, એ જુદી વાત છે કે કુલ બાળમરણની સંખ્યામાં છોકરીઓ વધુ હોય છે કારણ કે તેમની અવગણના કરવામાં આવે છે અને તેમનાં પોષણ વિશે બહુ ધ્યાન આપવામાં આવતું નથી કારણ કે આપણા સમાજમાં દીકરી હજુય બોજ જ ગણાય છે.

પૃથ્વી અને જેનેટિક સાયન્સને બદલે સાવ ઘરઆંગણે આવીએ તો જેમના ઘરમાં પરણાવાલાયક દીકરીઓ છે તેમના મા-બાપને પૂછશો તો તેઓ એક જ ફરિયાદ કરતા જણાશે કે અમારી દીકરી જેટલી ભણેલી છે એટલા ભણેલા કે પાણીદાર મુરતિયાઓ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાં તો ઠીક પણ પર જ્ઞાતિમાં પણ મળતા નથી. છોકરીઓ વધુ શિક્ષણ મેળવે છે, કારકિર્દીમાં પણ કાઠું કાઢી રહી છે એ તો ઊડીને આંખે વળગે એવી વાત છે એના માટે આપણે ન તો વૈજ્ઞાનિકો કે ન તો સમાજશાસ્ત્રીઓ પાસે દોડવાની જરૂર છે.

તમારા સંતાનની સ્કૂલ પાસેથી જૂન-જુલાઈ મહિનામાં પસાર થવાનું થાય તો જોજો કે સ્કૂલના નોટિસ બોર્ડ પર સૌથી વધુ ટકા મેળવનારા વિદ્યાર્થીઓની યાદીમાં તમને છોકરીઓના ચહેરા વધુ જોવા મળશે.

બેન્કમાં કે મોટી-મોટી ઇન્ડસ્ટ્રીઓથી માંડીને દરેક ઑફિસોમાં મહિલાઓએ પુરુષોની માલિકીની ગણાતી ખુરસીઓ પર સજ્જડ આસન જમાવી લીધેલું દેખાશે. આઈસીઆઈસીઆઈ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર પદ પર ચંદા કોચર છે જેનો વાર્ષિક પગાર કરોડોમાં છે. એક્સિસ બેન્કની સીઈઓ શિખા શર્મા છે. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝમાં વિનીતા બાલી, બાયોકોનની ચૅરપર્સન અને મેનેજિંગ ડાયરેક્ટર કિરણ મઝુમદાર-શો, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં એકતા કપૂર, અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ... અનેક નામ ગણાવી શકાય એમ છે.

મુંબઈના એક જાણીતા ગાયનેકોલોજિસ્ટ કહે છે કે ક્યાંક કંઈક ખામી સર્જાઈ હોવાનું તો સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કારણ કે અમારી પાસે સંતાન ન થતું હોય એવા દંપતીઓની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે અને મોટા ભાગના કિસ્સાઓમાં શારીરિક કે માનસિક સ્તરે ખામી સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જણાઈ રહી છે.

ખાનદાનના ચિરાગના ભૂખ્યા પરિવારો અને ખાસ તો પુરુષો અલ્ટ્રાસાઉન્ડ જેવી ટેક્નોલોજીની મદદથી ગર્ભસ્થ શિશુ છોકરી છે કે છોકરો એ જાણીને ગર્ભમાં બાળકીઓની હત્યા કરાવી રહ્યા છે પણ કદાચ તે લોકો નથી જાણતા કે પ્રકૃતિએ નારીને સશક્ત તો બનાવી જ છે પણ જો તે આ પૃથ્વીને પુરુષવિહોણી કરવાનો નિર્ધાર કરશે તો કોઈ તેને રોકી નહીં શકે. આ ધરા પુરુષવિહોણી થશે કે નહીં એ તો કદાચ થોડાંક હજાર વર્ષોનો સમય કહી શકશે પણ અત્યારે દરેક ક્ષેત્રમાં મહિલાઓ મક્કમ પગલે આગળ વધી રહી છે અને પુરુષો પાછળ ધકેલાઈ રહ્યા છે.

સ્ત્રી પુરુષ સમોવડી થાય એ ભૂતકાળની વાત થઈ જશે અને પુરુષોએ સ્ત્રીસમોવડો બનવા મથવું પડશે એવું ચિત્ર નિશ્ર્ચિતપણે સામે આવી રહ્યું છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=104289

No comments:

Post a Comment