Saturday, September 21, 2013

કાજલ ઓઝા વૈદ્ય - કૃષ્ણને સંભારવાનો પ્રશ્ર્ન જ નથી, હું એમને ઘડીભર ભૂલું તો સંભારુંને! કથા કોલાજ

નામ: રુક્મિણી

સ્થળ: દ્વારિકા

ઉંમર: ૪૫ વર્ષ

સમય: દ્વાપર

દ્વારિકાના સમુદ્રની લહેરો રેતી સુધી ધસી આવે છે. શ્ર્વેત, ચાંદીની રજકણ જેવી રેતી ઉપર સમુદ્રનું પાણી ફીણ ફીણ થઈને ફેલાય છે. ઝનૂનપૂર્વક ધસી આવેલું મોજું રેતીને સ્પર્શતાં જ શાંત થઈ જાય છે. એનો બધો ઉદ્વેગ, આક્રોશ અને ઉપાલંભ શમી જાય છે. શાંત થઈને એ મોજું પાછું વળી જાય છે સમુદ્ર તરફ... મારા મહેલની ગવાક્ષમાં બેસીને છેલ્લા કેટલાય સમયથી હું રોજ સંધ્યા સમયે આ રમત જોયા કરું છું. સમુદ્રનાં પાણી ભૂરામાંથી સુવર્ણનો ઢોળ ચડાવ્યો હોય એવાં સોનેરી, પછી કેસરી, પછી જાંબુડી અને ધીમે ધીમે કાળાં થતાં જાય છે. મનુષ્ય જેમ બાળકમાંથી યુવાન, યુવાનમાંથી પ્રૌઢ અને પ્રૌઢમાંથી વૃદ્ધ થાય એમ સમુદ્રના પાણીનો રંગ પણ ધીમે ધીમે બદલાય છે... કાળની આ રમત જોતાં હું ક્યારેય થાકતી નથી. જ્યારે જ્યારે આ રમત જોઉં છું ત્યારે મને કૃષ્ણ બહુ સાંભરે છે. જોકે એમને સંભારવાનો પ્રશ્ર્ન તો આવતો જ નથી, હું એમને ઘડીભર ભૂલું તો સંભારુંને! જે દિવસથી આ દ્વારિકાની ભૂમિ પર મેં પગ મૂક્યો છે તે દિવસથી, બલકે એ પહેલાંથી જ કૃષ્ણ મારા મનોમસ્તિષ્કમાં છવાયેલા રહ્યા છે. એમને પહેલી વાર જોયા ત્યારે મને લાગેલું કે આ જ મારા સ્વપ્નનો પુરુષ છે. આને જ ઝંખ્યા છે મેં...

દૂર ઊભા હતા એ! સાથે અર્જુન, દ્રૌપદી અને બીજા યાદવો હતાં. થોડે દૂર ભીમ અને યુધિષ્ઠિર ઊભા હતા. સહદેવ અને નકુલ હજી રથમાં બેઠા હતા. જ્યેષ્ઠ ભ્રાતા બલરામનો રથ આવે એની પ્રતીક્ષા કરતા સહુ કુંડિનપુરના પાદરે ઊભા હતા. 

વિદર્ભનો પ્રદેશ આમ પણ સુંદર અને નયનરમ્ય પ્રદેશ છે. ઘડીભર મન ઠરે એવી લીલી વનરાજી અને કુદરતે છૂટા હાથે વેરેલું સૌંદર્ય આ પ્રદેશને એક ખાસ આભા આપે છે. હું વિદર્ભની રાજકુમારી છું. મારું નામ રુચિર્ણના પણ છે, કમળના ફૂલ જેવું સુંદર મુખ ધરાવતી... તો કોઈક મને વૈદર્ભી પણ કહે છે. મારા પિતા રાજા ભીષ્મક મને ખૂબ ચાહતા... એમને માટે મારા સુખથી આગળ કે વધુ કશું હતું જ નહીં. મારા અન્ય ભાઈઓ અને રુકિમની જેમ જ મને પણ અસ્ત્રશસ્ત્રનું, શાસ્ત્રોનું અને રાજનીતિનું જ્ઞાન આપવામાં આવ્યું હતું... જરાસંધ, શિશુપાલ જેવા અનેક રાજાઓ વિદર્ભના પ્રદેશ પર પોતાની દૃષ્ટિ ખોડીને બેઠા હતા. સહુ જાણતા હતા કે ભીષ્મકના જમાઈ થવું કે મારો હાથ મેળવવો એટલે વિદર્ભના ફળદ્રુપ અને મધ્યમાં આવેલા પ્રદેશ સાથે પોતાના રાજ્યને જોડીને એકદમ નિશ્ર્ચિંત બની જવું. મારી સાથે વિવાહ કરવા માટે ઠેરઠેરથી કહેણ આવતાં હતાં ત્યારે હું તો મનોમન શ્રીકૃષ્ણને વરી ચૂકી હતી. જોકે મેં કોઈને કહ્યું નહોતું. એ સમયના યાદવશ્રેષ્ઠને હું મારું હૃદયદાન કરી ચૂકી હતી. મેં એમને પહેલી વાર જોયા એ પહેલાં તો હું મનોમન એમની અર્ધાંગિની બની ચૂકી હતી.

...‘એ’ કુંડિનપુરની સીમાએ ઊભા છે એની જાણ થતાં જ મારા પિતા એમને સન્માનપૂર્વક રાજ્યમાં લાવ્યા. એમનું આતિથ્ય કર્યું અને અત્યંત સન્માનપૂર્વક એમને રાજ્યસભામાં લઈ આવ્યા, ત્યારે મેં એમને પ્રથમ વાર જોયા. એમણે તો મારા તરફ દૃષ્ટિ સુધ્ધાં નહોતી કરી, તેમ છતાં એમનું દર્શન કરીને મારું મન કૃતકૃત્ય થઈ ગયું હતું.

એમને મળ્યાના બીજા જ અઠવાડિયે મારા ભાઈ રુકિમે મારાં માતાપિતાને સમજાવીને મારું વાગ્દાન ચેદિરાજ શિશુપાલ સાથે કરાવી દીધું. મારો ભાઈ રુકિમ કંસનો મિત્ર હતો અને મગધના બળવાન રાજા જરાસંધના જામાતા કંસનો સંહાર કરવાને કારણે મારો ભાઈ કૃષ્ણને ધિક્કારતો હતો. મને શ્રદ્ધા હતી કે એ મારાં લગ્ન કૃષ્ણ સાથે નહીં થવા દે. એટલે મેં સદેવ નામના વિશ્ર્વાસુ બ્રાહ્મણ સાથે એક પત્ર લખ્યો. એમાં મેં લખ્યું, "હે ભુવનસુંદર શ્રીકૃષ્ણ! કાનનાં છિદ્રો દ્વારા શ્રોતાઓના હૃદયમાં પ્રવેશ કરી અંગના તાપને દૂર કરતા, આપના ગુણોને સાંભળીને, તેમ જ નેત્રવાળાઓનાં નેત્રોને સંપૂર્ણ અર્થલાભરૂપ એવા આપના રૂપ વિશે સાંભળીને મારું મન નિર્લજ્જ થઈ આપમાન આસક્ત થયું છે. માટે હે પ્રભુ, આપને જ મેં મારા પતિ તરીકે સ્વીકાર્યા છે અને મારો આત્મા મેં આપને જ અર્પણ કર્યો છે, તો આપ મને આપની પત્ની બનાવો, પણ હે કમળનયન! શિયાળ જેમ સિંહના ભાગનો સ્પર્શ કરે નહીં તેમ શિશુપાલ આપ વીરપુરુષના ભાગરૂપ મારો સ્પર્શ ન કરે.

...ને એ જ્યેષ્ઠ ભ્રાતા બલરામ સાથે આવ્યા. મંદિરની બહાર મારું અપહરણ કરીને મારી સાથે માધવપુર ગેડમાં લગ્ન કર્યાં. એ પછી ત્યાં માધવરાયનું મંદિર બન્યું અને અમારા દ્વારિકામાં પહોંચ્યા પછી પુન: એક વાર લગ્ન થયાં.

એ પછી તો ‘એમણે’ સાત રાણીઓ સાથે લગ્ન કર્યાં. જાંબુવંતી, સત્યભામા, સત્યા, કાલિન્દી, ચિત્રવૃંદા, લક્ષ્મણા, ચારુહાસિની... મને કદીયે ઓછું નથી આવ્યું. સાચું કહું તો ‘એમણે’ ઓછું આવવા દીધું નથી! ‘એમના’માં કશુંક એવું છે, જે કોઈને ક્યારેય ઓછું આવવા દેતું નથી. આટલી બધી રાણીઓ હોવા છતાં ‘એ’ વહેંચાતા નથી, વધતા જાય છે! દસ પુત્રોને જન્મ આપ્યો મેં. પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ, ભદ્રચારુ, ચારુચંદ્ર, સુચારુ, ચારુદેહ, વિચારુ અને ચારુ... મારો પુત્ર પ્રદ્યુમ્ન દ્વારિકાનો યુવરાજ છે. આજે હું પટરાણી તરીકે ‘એમની’ સંગે સિંહાસને બિરાજું છું. દ્વારિકાની ભાગ્યલક્ષ્મી અને ‘એમની’ ગૃહલક્ષ્મી છું, પરંતુુ મારી પાસે આવવાનો સમય ‘એમને’ ભાગ્યે જ મળે છે. એમાંય સત્યભામાના આવ્યા પછી તો એનાં આગ્રહ અને માગણીઓ સામે ‘એમણે’ સદાય પરાજયનો સ્વીકાર કર્યો છે, હસતા મુખે! ને હું જ્યારે એ વિશે ફરિયાદ કરું કે સમસ્યા ઊભી કરું ત્યારે મને એ જ સમજાવે છે, "તમે તો પટરાણી છો. આ નગરની મહારાજ્ઞી, આર્યાવર્તની રાજલક્ષ્મી, યાદવોની ભાગ્યલક્ષ્મી. તમારો હાથ આપવા લંબાય, માગવા નહીં. એક વસ્તુ તરીકે વિચારો મારા વિશે તો પણ... સત્યભામાને મને આપીને તમે ઊંચાં જ જશો. દાન આપનાર હંમેશાં હાથ ઉપર રાખીને દાન આપે છે અને લેનારનો હાથ આપનારની નીચે હોય છે. સત્યભામા તો બાળક છે, નથી જાણતી રાજનીતિ, નથી જાણતી લેવડ-દેવડની કોઈ પરિભાષા કે નથી સમજી શક્તી સ્યમંતકના આ યુદ્ધમાં એનું મહોરું બનાવીને ખેલાયેલી ચોપાટ; પણ તમે તો સમજો છો, જાણો છો... રાજનીતિ, રણનીતિ અને પ્રણયનીતિ... તમે આમ કરશો? જો શત-શત પુત્રો હોવા છતાં માતા ગાંધારી સૌને સરખો પ્રેમ કરી શકે છે, તોે હું કેમ મારી તમામ પત્નીઓને એક્સરખું માન, એકસરખો પ્રેમ ન આપી શકું? મારો પ્રેમ અનંત છે. જ્યાં સુધી તમે વિસ્તરશો ત્યાં સુધી વિસ્તરી શકીશ હું.

એ પછી તુલાભારનો પ્રસંગ બન્યો... નારદે કરેલી ટીખળને ગંભીરતાથી લઈને સત્યભામાએ કૃષ્ણનું દાન કરી દીધું... એટલું ઓછું હોય એમ ‘એમની’ સુવર્ણતુલા કરીને જગન્નાથને પાછા લેવા બેઠી! સાતેય રાણીઓના બધા દાગીના, બધું ઝવેરાત અને તમામ ધનસંપત્તિ એકબાજુની તુલામાં મુકાઈ ગયાં ને તોય મુરલીધરનું વજન તો વધારે જ દેખાતું રહ્યું. પછી સત્યભામાને ભય લાગ્યો... નારદે કહ્યું કે, "દાનમાં આપેલી વસ્તુ તો હવે દાન લેનારની ગણાય! એ તો કૃષ્ણને લઈને જવા તૈયાર જ હતા ને મારા નાથ પણ... આવી રમતમાં મંદ મંદ હાસ્ય સાથે મજાથી જોડાયા હતા! સત્યભામા રડવા લાગી, રાણીઓએ ખોળો પાથર્યો એટલે નારદે ધીમે રહીને કહ્યું, "રુક્મિણીને પૂછી જુઓ. એની પાસે કદાચ હજી સોનું હોય તો... સત્યભામાએ આ બધું ઊભું કરતાં પહેલાં કશુંયે પૂછ્યું નહોતું, જણાવ્યુંયે નહોતું! કૃષ્ણ જેટલા એના હતા એટલા મારાય હતા. એમને દાનમાં આપતાં પહેલાં મારી અનુમતિ પણ અનિવાર્ય હતી, પણ ઈર્ષ્યાથી પીડિત સત્યભામાએ તો કૃષ્ણને પૂરેપૂરા પામવાના પ્રયાસરૂપે આ બધું કર્યું હતું - નારદે પોતાના સ્વભાવ મુજબ એને આ નાટક કરવા પ્રેરી ને સત્યભામા પણ એના બાલિશ સ્વભાવ અને ઈર્ષ્યામાં લિપ્ત થઈને કૃષ્ણનું દાન દઈ બેઠી... હવે કૃષ્ણ પાછા જોઈતા હોય તો સુવર્ણતુલા થવી જ જોઈએ! એમના ભારોભાર સોનું આપીએ તો જ અમારા ભરથાર પાછા મળે... મને દાસીઓએ કહ્યું ત્યારે રમૂજ થઈ, હસવુંયે આવ્યું. મેં નાથને પૂછ્યું, ત્યારે મને કહે છે, "થવા દોને, મનોરંજન રહેશે...

સત્યભામા હાંફળી-ફાંફળી દોડતી મારા મહેલે આવી. અલંકાર વગરની, પ્રસ્વેદથી લથપથ, આંખોમાં આંસુ સાથે અને વિખરાયેલા કેશ સાથે એણે બંને હાથ જોડીને વિનંતી કરી, "મારી મદદ કરો...

હું એકેય દાગીનો લીધા ખાલી હાથે એની સાથે ચાલી નીકળી. જોકે એણે મને બહુ વિનંતી કરી, બહુ સમજાવી, "સુવર્ણતુલા કરવાની છે, લોભ શાને માટે કરો છો? જો શ્રીહરિના ભારોભાર સોનું નહીં તોલાય તો નારદ એમને લઈ જશે. એની આંખોમાં સાવ નાનકડા બાળકની આંખમાં હોય એવો ભય હતો. મેં સ્મિત સાથે એના ગાલ પર હાથ મૂક્યો, "નહીં લઈ જાય નારદ, ચાલો મારી સાથે. હું ત્યાં પહોંચી ત્યારે દૃશ્ય સાચે જ રમૂજ ઊપજાવે એવું હતું.

શ્રીકૃષ્ણ એક મોટી તુલાની એક તરફ બેઠા હતા, મ્લાન મુખે અને જાણે સાવ હારી ગયા હોય એવા ભાવ સાથે! બીજી તરફ સુવર્ણ, ઝવેરાત, સુવર્ણમુદ્રાઓ અને સુવર્ણપાત્રોનો ઢગલો હતો. નારદ કોઈ વિશ્ર્વવિજય કરીને આવ્યા હોય એમ મુખ પર ગર્વ સાથે બેઠા હતા. મારા આવતાં જ શ્રીહરિની સાથે મારી આંખો મળી. એમણે આંખોથી જ મને સ્નેહ કરી લીધો. મારા રોમરોમમાં એમના સ્પર્શની હૂંફ ફરી વળી. એ આમ જ વહાલ કરતા - દૃષ્ટિથી! પણ સભર કરી દેતા મને! મેં નિકટ ઊગેલા તુલસીના નાનકડા છોડમાંથી એક પાંદડું તોડ્યું. શ્રીહરિની સામે જોઈને બેઉ હાથ જોડ્યા, નમન કરીને એમની સ્તુતિ કરી. મનોમન પ્રાર્થના કરીને તુલાની બીજી તરફના પલ્લામાં એ પાંદડું મૂક્યું. સાત રાણીઓ, પ્રજાજનો, પુત્રો અને કેટલાય યાદવજનોના આશ્ર્ચર્ય વચ્ચે પ્રભુ તરફની તુલા ઊંચી થવા લાગી...

થોડી વારમાં તો પ્રભુ એકદમ ઊંચે ચાલી ગયા અને બીજી તરફનું પલ્લું સાવ ભૂમિને અડી ગયું... મારી આંખમાં જળ છલકાયાં, શ્રીહરિની લીલા જોઈને. નારદે પણ દૂરથી મને નમસ્કાર કર્યા ને સત્યભામા તો...

પ્રભુ ઊંચે ગયેલા પલ્લામાંથી કૂદી પડ્યા, કૂદીને મારી નિકટ આવ્યા. મારી આંખમાં રહેલું અશ્રુ પૃથ્વી પર પડે એ પહેલાં એમણે એમની હથેળીમાં ઝીલી લીધું. પછી મારી સામે જોઈને કહે છે, "પૂર આવી જશે મારી દ્વારિકામાં!

હું ક્ષણભર જોઈ રહી એમને...

જ્યારે જ્યારે મારા ગવાક્ષમાં ઊભી રહીને સમુદ્ર તરફ જોઉં છું ત્યારે આ અફાટ જળરાશિ જોઈને મને શ્રીકૃષ્ણ જ યાદ આવે છે. ગમે તેટલું પાણી ઉલેચો, સહેજેય ઘટે નહીં. પેટાળમાં અનેક રત્નો અને રહસ્યો સંઘરીને સ્વયંને સંયમમાં બાંધીને આ જલરાશિ જેમ ઘૂઘવે છે એમ શ્રીકૃષ્ણનો ઘેરો, ગંભીર સ્વર મારા કાનમાં ગુંજવા લાગે છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=102904

No comments:

Post a Comment