Sunday, May 24, 2015

કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો --- (1) જયવંત પંડ્યા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=160291

19-04-2015




કાશ્મીરી પંડિત શબ્દ સાંભળતાં કેટલાક લોકો નાકનું ટીચકું ચડાવે છે, પરંતુ ગુજરાતમાં ૨૦૦૨નાં રમખાણોની વાત આવે કે ૨૦૧૩ના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનાં રમખાણોની વાત આવે ત્યારે તેઓ છાપરા પર ચડીને માઇક પરથી બોલવા લાગે છે કે મુસ્લિમોને અન્યાય થયો છે. રમખાણો અંગે પણ આપણા સેક્યુલર એક્ટિવિસ્ટો અને મિડિયા બેવડું વલણ ધરાવે છે. મિડિયાનો એક વર્ગ દબાયેલા સૂરે ક્યારેક ક્યારેક હિન્દુ તરફી વાત કરી લે છે, પરંતુ આસપાસ પેલા ઠગ જેવા મિડિયા હોવાથી આ વર્ગને ડર લાગે છે કે ક્યાંક તેની છાપ હિન્દુતરફી ન થઈ જાય. 

ભલા માણસ, આ દેશના બંધારણમાં ૪૨મો સુધારો કરીને ૧૯૭૬માં ખાસ સેક્યુલર શબ્દ ઉમેરવામાં આવ્યો છે. તે પછી તો તમારે હિન્દુ, મુસ્લિમ બંને નહીં, બધા પક્ષોની વાત સમાન ધોરણે રજૂ કરવી જોઈએ. એક સમય એવો હતો કે આરએસએસના સમાચાર છાપવાના હોય તો અંદરના પાને ફકરામાં છપાતા. ૧૯૯૧ બાદ અનેક રાજ્યોમાં ભાજપની સરકાર આવી અને ૧૯૯૮માં ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવ્યો તે પછી થોડું વલણ બદલાયું, પણ હજુ પેલાં બેવડાં કાટલાં બદલાયાં નહોતાં. હવે આરએસએસવાળા જે કહે તેનો વિવાદ કરીને ત્રણ કોલમમાં સમાચાર છાપવા લાગ્યા. 

ચાલો, આપણે આ બાબતમાં નથી પડવું. આપણે વાત કરતા હતા કાશ્મીરી પંડિતોની. ભારત દેશમાં કાશ્મીરી પંડિતો નામે ઓળખાતા હિન્દુઓ (ખરેખર તો કાશ્મીરી હિન્દુઓ અને શીખો તરીકે તેમને ઓળખવા જોઈએ)ની જે દશા છે તેવી જો મુસ્લિમોની હોત તો તેના પડઘા અનેક રાજ્યોમાં પડતા હોત. કેટલાંય રમખાણો અને તેના નામે ત્રાસવાદી સંગઠનો દ્વારા બોમ્બધડાકા થયા હોત. 

કાશ્મીરી પંડિતો પર અત્યારના કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તિ મોહમ્મદ સઈદ જ્યારે કેન્દ્રમાં ગૃહપ્રધાન હતા અને કેન્દ્રમાં ભાજપ સમર્થિત વી. પી. સિંહની સેક્યુલર સરકાર હતી ત્યારે કેવા અત્યાચારો થયા હતા તે વાંચો તો કંપારી છૂટશે. ખાવાનું નહીં ભાવે. અંદરથી હચમચી ઊઠશો, પરંતુ તે વાત કરતાં પહેલાં, કાશ્મીરી પંડિતો પર સદીઓથી કેવા અત્યાચારો થતા રહ્યા તેની વાત કરીએ. 

કાશ્મીરી પંડિત એટલે કાશ્મીરનો બ્રાહ્મણ સમાજ. પહેલા વડા પ્રધાન પંડિત નેહરુ, જાણીતા અભિનેતા અનુપમ ખેર જેવાં કેટલાંક નામો કાશ્મીરી પંડિત હતા અથવા છે. કાશ્મીર એકદમ ઉત્તરે આવેલો પ્રદેશ હોવાથી વિદેશી આક્રમણખોરોના આક્રમણનું પહેલું નિશાન તે રહેતો. આઠમી સદી પછીથી તુર્કો અને આરબોએ તેના પર આક્રમણ કરવાનું શરૂ કર્યું. તુર્ક અથવા મોંગલ ઝુલજુ નામના આક્રમણખોરે ઈ. સ. ૧૩૨૦માં ભારે તબાહી મચાવી દીધી હતી. રાજા સહદેવ આક્રમણખોરોના હાથમાં જનતાને સોંપીને નાસી ગયો. ઝુલજુએ હિંસાનો આદેશ આપ્યો અને તેના સૈનિકોએ હજારો લોકોની કત્લેઆમ કરી, ગામોનાં ગામો બાળી નાખ્યાં, ઊભા પાકનો નાશ કર્યો. આઠ મહિના વિનાશ કર્યા પછી ઝુલજુ પચાસ હજાર બ્રાહ્મણોને પોતાની સાથે ગુલામ તરીકે લઈ ગયો. જોકે તે દેવદાર પાસ પાસે ભારે હિમવર્ષામાં માર્યો ગયો. તેણે જે વિનાશ કર્યો હતો તેનું વર્ણન કાશ્મીરી ઇતિહાસકાર અને સંસ્કૃત કવિ જોનરાજના પુસ્તક ‘દ્વિતીય રાજતરંગિણી’માં મળે છે. (કાશ્મીર એન્ડ ઇટ્સ પીપલ: સ્ટડીઝ ઇન ધ ઇવોલ્યુશન ઑફ કાશ્મીરી સોસાયટી, એમ. કે. કાવ)

એ પછી કાશ્મીર મુસ્લિમ શાસકોના હાથમાં જવા લાગ્યું. કઈ રીતે? આવો જાણીએ. ઝુલજુના આક્રમણ પછી અરાજકતાનો લાભ લઈ તેનો મંત્રી રામચંદ્ર રાજા બની ગયો હતો. બહરિસ્તાન-એ-શાહી અનુસાર, લદ્દાખના લા-ચેન-રગયાલ્બુ રિન્ચને તેના માણસોને વેપારીઓના રૂપમાં હથિયાર સાથે કિલ્લામાં ઘુસાડી દીધા. કિલ્લામાં રામચંદ્રએ પોતાની જાતને બંધ કરી દીધી હતી. રામચંદ્ર અને તેના માણસોની નૃશંસ હત્યાઓ કરવામાં આવી. રામચંદ્રના કુટુંબને કેદ કરી દેવામાં આવ્યું હતું. બાળકોને પણ બક્ષવામાં નહોતાં આવ્યાં. ગર્ભવતી મહિલાઓના ગર્ભને નિર્દયી રીતે કાપી નાખવામાં આવ્યા. રિન્ચને રામચંદ્રના દીકરા રાવનચંદ્રને મુક્ત કરી દીધો અને તેની દીકરી કોટા રાણીને પરણી ગયો.

હવે સહદેવ રાજાએ એક પર્શિયન સૂફી શાહ મીરને મંત્રી તરીકે નિયુક્ત કર્યો હતો. રિન્ચનને શાસન લીધા પછી થોડો અપરાધભાવ લાગતો હતો. લોકોને, તેમની સંસ્કૃતિને, ધર્મ અને પરંપરાને સમજવા તેણે પહેલાં શૈવ એટલે કે હિન્દુ થવાનું વિચાર્યું. આથી તેણે શૈવ હિન્દુઓના ગુરુ દેવસ્વામીનો સંપર્ક કર્યો. દેવસ્વામીએ રિન્ચનની હિન્દુ થવાની માગણી નકારી દીધી. જોકે વિદ્વાન પ્રા. એ. ક્યૂ. રફીકીના કહેવા પ્રમાણે, રિન્ચનની ખરેખર હિન્દુ થવાની દાનત હોત તો તેણે બીજા કોઈ બ્રાહ્મણનો સંપર્ક કર્યો હોત, કારણ કે બૌદ્ધમાંથી હિન્દુ થવું કે હિન્દુમાંથી બૌદ્ધ થવું એ ત્યારે નવી વાત નહોતી. આથી દેવસ્વામી પર આળ ચડાવી શકાય નહીં. (આમ છતાં, દેવસ્વામીએ હિન્દુ થવા માગતી વ્યક્તિને ના પાડી તે તેમનો વાંક તો ગણાય જ.) આથી પછી શાહ મીરના કહેવાથી રિન્ચને ઈસ્લામ અંગીકાર કર્યો. એક અન્ય કિંવદંતી એવી છે કે રિન્ચનને જાણવું હતું કે સત્ય શું છે, પરંતુ હિન્દુ કે મુસ્લિમ કોઈ વિદ્વાન તેને સંતોષકારક જવાબ ન આપી શક્યા. આથી પછી તેણે સવારમાં જે ધર્મની પહેલી વ્યક્તિ મળે તે ધર્મને અંગીકાર કરવાનું નક્કી કર્યું. અને સવારમાં તેને પહેલી વ્યક્તિ મળી તે સૂફી શરાફુદ-દિન-બુલબુલ મળ્યા. પ્રા. રફીકીના કહેવા પ્રમાણે, આ કિંવદંતી ઇસ્લામને ગૌરવાન્વિત કરવા ઘડી કઢાઈ હોવાનો સંભવ છે. બની શકે કે શાહ મીરે કાશ્મીરમાં મુસ્લિમ શાસન સ્થાપવા સૂફી બુલબુલ સાથે મળીને યોજના ઘડી હોય.

આમ, રિન્ચન કાશ્મીરનો પહેલો મુસ્લિમ શાસક બન્યો. જોકે તેનું ત્રણ વર્ષમાં જ મોત થયું અને કોટા રાણીએ સહદેવના ભાઈને એટલે કે પોતાના કાકા ઉદયનદેવને રાજા બનાવ્યા. આમ, હિન્દુ શાસન ફરી સ્થપાયું, પરંતુ તુર્ક અથવા મોંગલ આક્રમણખોર અચલાએ કાશ્મીર પર હુમલો કર્યો અને કાયર ઉદયનદેવ લદ્દાખ નાસી ગયો. જોકે કોટા રાણીએ ભારે હિંમત દાખવી અને બ્રાહ્મણ વિદ્વાન ભટ્ટ ભિક્ષણા તેમ જ શાહ મીર સાથે મળીને લડત આપી. આક્રમણખોર ભાગી ગયો, પરંતુ શાહ મીરની લોકપ્રિયતા વધી ગઈ. કોટા રાણી શાસક બની ગઈ હતી, પરંતુ તેને શાહ મીરની દાનત ખબર ન પડી. એક વાર તે બીમાર પડ્યો કે બીમારીનો ઢોંગ કર્યો ત્યારે ભટ્ટ ભિક્ષણાને તેની ખબર પૂછવા મોકલ્યા ત્યારે ભટ્ટની શાહ મીરે હત્યા કરી નાખી અને રાણીને ઊથલાવી તે શાસક બની ગયો. રિન્ચન અને શાહ મીરના સમયમાં શરૂ થયેલી ઈસ્લામીકરણની પ્રક્રિયા સૈયદ મીર એ. એચ. હમદાનીના સમયમાં વેગીલી બની. તેના સમયમાં હિન્દુઓ પર ભારે વીતી. હિંસાચાર, નરસંહાર માટેના હુમલા અને ગુલામી એ બધું જ થયું.

સિકંદર બુટ્શિકનને તો મૂર્તિભંજક તરીકે ઓળખવામાં આવે છે. તેના શાસનમાં હિન્દુઓ પર ત્રાસ ફેલાવવાને છૂટો દોર મળ્યો. તેના સમયમાં એવું હતું કે જો હિન્દુ મુસ્લિમ ન બને તો તેણે નગર છોડી દેવું પડે અથવા તેની હત્યા કરી દેવામાં આવે. પરિણામે, કેટલાક હિન્દુઓએ ઇસ્લામ સ્વીકાર્યો અને કેટલાક ભાગી ગયા. તો અનેક બ્રાહ્મણોએ મરી જવાનું પસંદ કર્યું. એમ કહેવાય છે કે સિકંદરે આ રીતે હિન્દુમાંથી ઈસ્લામ થયેલા કે મરેલાઓમાંથી ૨૪૦ કિલો જનોઈ ભેગી કરી હતી. હિન્દુઓનાં પવિત્ર પુસ્તકોને દાલ સરોવરમાં ફેંકી દેવામાં આવ્યાં. સિકંદરે હિન્દુઓ પર જઝિયા વેરો નાખ્યો. તેમને તિલક કરતા રોક્યા. નાચ-ગાન પર પ્રતિબંધ મૂકી દીધો. તેને હિન્દુ મંદિરો અને તેની મૂર્તિઓ તોડવામાંથી વિકૃત આનંદ મળતો.

એક મુસ્લિમ ઈતિહાસકાર હસને ‘તારીખ-એ-કાશ્મીર’માં નોંધ્યું છે કે રાજાઓના વખતમાં વિશ્ર્વની અજાયબી જેવાં મંદિરો હતાં. તેમનું કોતરણીકામ ખૂબ જ અદ્ભુત હતું. સિકંદરે તેમનો નાશ કરી નાખ્યો અને તેની સામગ્રી સાથે અનેક મસ્જિદો અને ખનકાહ બાંધ્યાં. રામદેવ કે લલિતાદિત્યએ બાંધેલું માર્તંડ મંદિર તેણે તોડવા એક વર્ષ પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. પછી તેણે પાયામાંથી પથ્થરો કાઢી લીધા અને તેને આગ લગાડી દીધી. તેમાં સોને મઢેલાં ચિત્રો નાશ પામ્યાં. તેના અવશેષો પણ આટલા અદ્ભુત છે તો મંદિર કેવું હશે! બિજબેહરામાં પ્રસિદ્ધ વિજયેશ્ર્વરના મંદિર સહિત ત્રણસો મંદિરોનો નાશ કરાયો. વિજયેશ્ર્વરની જગ્યાએ ખનકાહ બનાવાઈ અને તેને વિજયશ્ર્વર ખનકાહ નામથી ઓળખવામાં આવે છે. જોનરાજે લખ્યું છે, એકેય ગામ, એકેય નગર એવું નહોતું જ્યાં મંદિરો તોડાયાં ન હોય. ‘અ હિસ્ટ્રી ઑફ મુસ્લિમ રૂલ ઇન કાશ્મીર’ના લેખક આર. કે. પરમુ લખે છે, ભવન અને બિજબેહરામાં તેમણે (મુસ્લિમ શાસકે) બે મોટી મસ્જિદ બનાવી. તે મસ્જિદો નાશ કરાયેલાં મંદિરોની સામગ્રીમાંથી બનાવવામાં આવી હતી. શ્રીનગરમાં લોકેશ્ર્વરી મંદિરના વિશાળ પ્રાંગણને મઝાર-એ-સલતૈનમાં ફેરવી નાખવામાં આવ્યો. પ્રા. કે. એલ. ભાન લખે છે કે જાતિસંહાર (જીનોસાઇડ) કરવાના ઈરાદાથી કરાયેલા હુમલાઓના કારણે નિ:સહાય હિન્દુઓ પડોશી કશ્તવારમાં ભાગી ગયા. આ હિન્દુઓનું પહેલું સામૂહિક નિષ્ક્રમણ અથવા તો હિજરત હતી. 

ઈ. સ. ૧૪૧૩થી ૧૪૨૦ સુધી શાસન કરનાર સુલતાન એ. એચ. શાહના કાળમાં પણ ધર્માંતરણ અને હિંસાનો દોર બેલગામ ચાલુ રહ્યો. જોનરાજ તો હિન્દુઓ, ખાસ કરીને બ્રાહ્મણોની દશાને માછીમાર દ્વારા જાળમાં પકડાયેલી માછલી સાથે સરખાવે છે. હિન્દુઓનાં ધાર્મિક સમારંભો અને સરઘસો પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. તેમના પર ભારે વેરો નખાયો હતો. તેમનાં પરંપરાગત ભથ્થાં બંધ કરી દેવાયાં હતાં, જેથી તેઓ ભિખારી બની જાય. અને થયું એવું જ. તેમને ઘરે ઘરે જઈ ભીખ માગવાનો વારો આવ્યો. કેટલાક તેમના પરિવારને ભૂખથી બચાવવા મુસ્લિમોના વેશમાં શેરીઓમાં ભટકતા. અત્યાચારોથી બચવા અને ધર્મ ટકાવી રાખવા અનેક લોકો ભાગવા ગયા, પરંતુ મુખ્ય રસ્તો બંધ કરી દેવાયો હતો. આથી તેઓ બીજા સાઇડ રોડેથી નાસી ગયા. ક્યાંક પુત્ર પિતાને મૂકીને નાસી ગયો તો ક્યાંક પિતા પુત્રને મૂકીને. આવી મુશ્કેલીમાંથી પસાર થવાના કારણે કેટલાક સખત બીમારીના કારણે, તો કેટલાક ભૂખના કારણે મરી ગયા. જે રહી ગયા હતા તેમાંથી કેટલાકે આપઘાત કર્યા. અનેકને ક્રૂર રીતે મારી નખાયા તો અનેકને ઈસ્લામ અંગીકાર કરવાની ફરજ પાડવામાં આવી. 

પોતાના સહધર્મીઓ દ્વારા અત્યાચારથી દુખી એવો ઝૈનુલ-અબિદિન જ્યારે સત્તા પર આવ્યો ત્યારે હિન્દુઓ પ્રત્યે પ્રમાણમાં ઉદાર મત અપનાવ્યો. જોકે, તેના દીકરા હૈદર શાહે એક કેશકર્તનકારની ચડામણીથી હિન્દુઓ પ્રત્યે અત્યાચાર આચર્યા. તેણે તેમના અવયવો, નાક, જીભ, વગેરે કપાવી નાખ્યાં અને શૂળી પર ચડાવી દીધા. મંદિરોને લૂટવાનું પણ ચાલુ રહ્યું. એટલું બધું દમન અને સામાજિક અન્યાય હતો કે અનેક હિન્દુઓ તેમનો પંથ છોડવા લાગ્યા. મુસ્લિમો જેવા પોશાક પહેરતા અને પોતે ભટ્ટ નથી તેવું જાહેર કરતા. આમાં, એક સુહા ભટ્ટ (ઘણા કાશ્મીરીઓમાં ભટ કે બટ અટક હોય છે તે મૂળ ભટ્ટમાંથી આવી હોઈ શકે) પણ હતો, જે મૂળ કાશ્મીરી બ્રાહ્મણ હતો, પરંતુ સિકંદરના શાસનકાળમાં તેણે ઈસ્લામ અંગીકાર કર્યો હતો અને સૈફ-ઉદ-દિન નામ ધારણ કર્યું હતું. તેણે વધુ કટ્ટર મુસ્લિમ દેખાવા પોતાના જ ભાઈઓ પર અત્યાચાર વર્તાવવામાં કોઈ કમી ન રાખી. 

અન્ય મુસ્લિમ શાસકોના પ્રમાણમાં ઉદારવાદી ઝૈનુલ-અબિદિને કાશ્મીરી બ્રાહ્મણોને પાછા બોલાવ્યા. ઇતિહાસકારોના મતે, તેને શાસન ચલાવવા બ્રાહ્મણોની જરૂરિયાત પણ હતી. તેણે મંદિરો પાછાં બાંધ્યાં. જોકે તેણે રાજભાષા તરીકે પર્શિયન જાહેર કરી. આથી જેમણે સરકારમાં નોકરી કરવી હોય તેમણે પર્શિયન શીખવી જરૂરી હતી. આથી હિન્દુઓમાં બે ભાગ પડી ગયા. આમ, ઝૈનુલે હિન્દુઓમાં ફૂટ પણ પડાવી. તે પછી શિયા અને ચાક શાસકોમાં હિન્દુઓ પર અત્યાચાર અને ધર્માંતરણનો આ ક્રમ ચાલુ રહ્યો. હા, અકબરે જઝિયાવેરો સંપૂર્ણ નાબૂદ કર્યો, પરંતુ મુસ્લિમ શાસકોના વખતમાં શરિયતના નિયમો લાગુ થયા હતા. તે મુજબ સજાઓ બહુ ક્રૂર હતી. ચોરી માટે હાથ અને પગ કાપી નાખવામાં આવતા, વ્યભિચાર માટે પથ્થર મારીને મારી નાખવામાં આવતા. મહિલાઓ માટે ‘તલાક’ એમ ત્રણ વાર બોલી દેવાથી છૂટાછેડા થઈ જતા. પુરુષ સાક્ષીની હાજરીમાં બળાત્કાર સાબિત કરવાનો ભાર પીડિતા પર હતો. ગુલામ રાખવાનું પણ ન્યાયી ગણાતું. 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=160873

27-04-2015

એમાં કોઈ શંકા નથી કે કાશ્મીરનું રાજ્ય હિન્દુઓનું જ હતું. કાશ્મીર શબ્દ સંસ્કૃત છે અને તેનો અર્થ થાય છે સૂકો પ્રદેશ. પહેલા કાશ્મીરી ઇતિહાસકાર મનાતા કાશ્મીરી બ્રાહ્મણ કલ્હાણે લખેલા ‘રાજતરંગિણી’ નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે કાશ્મીર પહેલાં તળાવ હતું. તેને બ્રહ્માના માનસપુત્ર મરીચિના પુત્ર કશ્યપે સૂકવી નાખ્યું હતું. કાશ્મીરનો ઈતિહાસ ટૂંકમાં જોઈએ તો, સૌથી પહેલા ગોનંદ પ્રથમ તે કાશ્મીરના પ્રથમ રાજા હતા. મહાભારતમાં જે જરાસંઘનો ઉલ્લેખ છે તે જરાસંઘ અને કૃષ્ણના યુદ્ધ વખતે ગોનંદ પ્રથમ જરાસંઘ તરફે લડ્યો હતો. શ્રીકૃષ્ણએ જરાસંઘનો અને બલરામે ગોનંદનો વધ કર્યો. 

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પણ કાશ્મીરનો જે ઇતિહાસ આપેલો છે તેમાં ઉપરોક્ત વાતોનો ઉલ્લેખ છે. ગોનંદના વધ બાદ તેના દીકરા દામોદરે શ્રીકૃષ્ણ પર આક્રમણ કર્યું અને દામોદર પણ મરાયો. તે પછી શ્રીકૃષ્ણએ દામોદરની પત્ની યશોવતીને ગાદી પર બેસાડી. (વિશ્ર્વની પ્રથમ મહિલા શાસક?) યશોવતીએ ગોનંદ દ્વિતીયને જન્મ આપ્યો અને તે પછી ૩૫ ગોનંદ વંશજોએ કાશ્મીર પર શાસન કર્યું. તે પછી પાંડવોના ૨૩ વંશજોએ કાશ્મીર પર સત્તા ભોગવી. ભીમસેનના શાસન વખતે કાશ્મીરની સરહદ કનૌજ અને ગાંધાર (હાલનું કંદહાર, અફઘાનિસ્તાન) સુધી વિસ્તારી હતી. બાદમાં અશોક (મગધવાળો ચક્રવર્તી સમ્રાટ અશોક નહીં)એ શ્રીનગરી નામે નગર વસાવ્યું જે હાલનું શ્રીનગર છે. આમ, હિન્દુ શાસકોનું શાસન રિન્ચન સુધી રહ્યું. રિન્ચનથી અકબર સુધીનો ઇતિહાસ આપણે ગયા અઠવાડિયે જોઈ ગયા છીએ. 

આપણે એ જોઈ ગયા કે કાયર હિન્દુ શાસકોના લીધે કાશ્મીર મુસ્લિમ શાસકોના હાથમાં આવ્યું અને પછી કઈ રીતે તેને પદ્ધતિસર મુસ્લિમ બહુમતીવાળું બનાવવા પ્રયાસ થયા. હવે પ્રશ્ર્ન એ થાય કે તો પછી કાશ્મીરમાં હિન્દુ રાજા કેવી રીતે પાછા આવ્યા? અત્યારે જે જમ્મુ-કાશ્મીર ભેગા છે તે ભેગા કેવી રીતે થયા? તેમાં લદ્દાખ કેવી રીતે ઉમેરાયું?

ઓસ્ટ્રિયન વિદ્વાન, સૈનિક અધિકારી, રાજદ્વારી, બોટનિસ્ટ અને શોધક ચાર્લ્સ વોન હ્યુજેલ કાશ્મીરના પ્રવાસે આવ્યા હતા. તેમણે કાશ્મીર વિશે પુસ્તક લખ્યું છે જે મુજબ, મહારાજા રણજીતસિંહે પંજાબમાંથી અફઘાનોને ખદેડીને પાંચ નદીઓવાળા આ પ્રદેશને એક કરી દીધો હતો અને પછી ઉત્તર અને પશ્ર્ચિમ તરફ નજર દોડાવી હતી. મહારાજા રણજીતસિંહે ઈ.સ. ૧૮૧૨, ૧૮૧૪ અને ૧૮૧૫માં કાશ્મીરને અફઘાનો પાસેથી છીનવી લેવા પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ ન ગયા. ચાર વર્ષ પછી અફઘાનોના અત્યાચારથી ત્રાસેલા એક કાશ્મીરી બ્રાહ્મણ (આજની ભાષામાં જેને કાશ્મીરી પંડિત કહે છે) બિરબલ ધાર ભાગીને લાહોર આવ્યો અને તેણે મહારાજા રણજીતસિંહને કાશ્મીરને અફઘાનોના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી. ઈ.સ. ૧૮૧૯માં બિરબલ ધાર અને જમ્મુના રાજા ગુલાબસિંહના માર્ગદર્શન હેઠળ મિસર દીવાનચંદના નેતૃત્વમાં શીખ દળોએ કાશ્મીર ઘાટી પર જોરદાર હુમલો કર્યો. અઝીમ ખાનના નેતૃત્વમાં અફઘાન દળોનો ઘોર પરાજય થયો. આમ કાશ્મીર શીખ શાસન હેઠળ આવ્યું. આ વિજય મહત્ત્વનો ગણાય છે, કારણ કે શીખ રાજ્યમાં મુલતાન પછી સૌથી ધનિક કોઈ પ્રાંત હોય તો તે કાશ્મીર હતું. (અને આજે જુઓ કાશ્મીરની કેવી દશા કરી છે આ અબ્દુલ્લા પરિવારે?) મહારાજા રણજીતસિંહના શાસનમાં હિન્દુઓ પર મુસ્લિમોના દમનચક્રનો અંત આવ્યો. મુસ્લિમ જાગીરદારો ભાગી ગયા. હિન્દુ સ્ત્રીઓ પણ સન્માનપૂર્વક હરીફરી શકતી હતી. મંદિરોમાં આરતી અને ઘંટારવ નિર્ભયપણે થવા લાગ્યાં. 

હવે જે ઉપરોક્ત ગુલાબસિંહની વાત કરી તે ડોગરા વંશના હતા. મહારાજા રણજીતસિંહે તેમની નિમણૂક કાશ્મીરના ગવર્નર તરીકે કરી અથવા કહો કે પોતાના તાબા હેઠળના રાજા. આ ગુલાબસિંહનું વ્યક્તિત્વ શંકાસ્પદ અથવા કહો કે બેવડાં કાટલાંવાળું રહ્યું છે. હિન્દીમાં જેને દોગલા કહે તેવું. બંને બાજુ ઢોલકી વગાડે તેવું. તેના પિતા જમ્મુના રાજાના ભાઈ હતા. મહારાજા રણજીતસિંહે જ્યારે જમ્મુ પર હુમલો કર્યો ત્યારે ગુલાબસિંહ તેમની સામે લડ્યા હતા. જોકે રણજીતસિંહે જમ્મુ જીતી લીધું હતું, પરંતુ મહારાજા રણજીતસિંહના સેનાપતિ ભાઈ હુકમાસિંહ ગુલાબસિંહની વીરતાથી ભારે પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે રણજીતસિંહને વાત કરી. આથી ઈ.સ.૧૮૦૯માં રણજીતસિંહે ગુલાબસિંહને પોતાના સૈન્યમાં જોડાવા વિનંતી કરી. (આજના સમયમાં જેમ જગદમ્બિકા પાલ જેવા લોકો કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાય તેવું થયું આ.) ગુલાબસિંહની સેવાથી ખુશ થઈને મહારાજા રણજીતસિંહે તેમને જમ્મુના રાજા બનાવી નાખ્યા. (આજના સમયમાં જેમ પક્ષપલટુઓને મંત્રી બનાવી નખાય છે તેમ). અને તે પછી કાશ્મીરના રાજા. 

પરંતુ એક વાત સ્વીકારવી પડે કે આ ગુલાબસિંહે જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને એકત્ર કરવામાં મોટી ભૂમિકા ભજવી. ઈ.સ. ૧૮૨૧માં તેમણે રાજૌરીને અઘાર ખાન પાસેથી જીતી લીધું. કિશ્તવારને રાજા તેગ મુહમ્મદ સિંહ પાસેથી જીત્યું. ઈ.સ. ૧૮૨૭માં ગુલાબસિંહે શીખ સેનાપતિ હરિસિંહ નલવા સાથે મળીને સઈદ અહેમદના નેતૃત્વમાં અફઘાન બળવાખોરોને હરાવી દીધા. ઈ.સ. ૧૮૩૭માં અફઘાનોએ શીખોના કબજા હેઠળના જામરુદ કિલ્લા (અત્યારે પાકિસ્તાનમાં આવેલો પ્રદેશ) પર હુમલો કર્યો. મહારાજા રણજીતસિંહે ગુલાબસિંહને વળતી લડત આપવા મોકલ્યા હતા. ગુલાબસિંહે અફઘાન બળવાખોરોનો પરાજય અસલ તેમની જ સ્ટાઇલમાં કર્યો. તેમણે (અત્યારે પાકિસ્તાનના ભાગ એવા) નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સને લૂંટ્યું. તમામ ઘરોને આગ લગાડી દીધી. કઠુઆમાં ધામા નાખ્યા અને ફરી આવો બળવો ન થાય એ માટે મુસ્લિમ પશ્તુન આદિવાસીઓની શોધ આદરી. તેમણે દરેક યુસૂફઝાઈના માથા માટે એક રૂપિયો ઈનામ રાખ્યું. (એ વખતે એક રૂપિયો એટલે આજના હજારો રૂપિયા જેવી રકમ ગણાતી) જોકે તેમણે સ્ત્રીઓને મુક્ત કરી. કેટલીકને પત્ની બનાવી. આમ, હજારો પશ્તુનો આ લડાઈમાં માર્યા ગયા. ૧૮૩૫માં કિશ્તવારના રાજા (જે હતા રણજીતસિંહની હેઠળ) જોરાવરસિંહે સુરુ ખીણ અને કારગિલ જીતી લીધું. ૧૮૩૬માં લદ્દાખ જીત્યું અને ૧૮૪૦માં બાલ્ટિસ્તાન જીત્યું. જોકે ૧૮૩૯માં મહારાજા રણજીતસિંહના તેમના વંશજોમાં શાસન માટે સ્પર્ધા થવા લાગી હતી. ૧૮૪૧માં ૫,૦૦૦ જેટલા વીર ડોગરા સૈનિકોએ પૂર્વ તરફ કૂચ આદરી. તેમણે તિબેટિયનોને હરાવ્યા. પવિત્ર માનસરોવર નજીક તકલાકોટ પાસે થાણું ઊભું કર્યું. જોકે ભયંકર ઠંડીના કારણે તેઓ એક પછી એક મરવા લાગ્યા. છેવટે, ડિસેમ્બર, ૧૮૪૧માં તિબેટિયનોએ પાછો વિજય પ્રાપ્ત કરી લીધો. આમ, ગુલાબસિંહે નાનાં નાનાં રજવાડાં જીતીને તેને જમ્મુ-કાશ્મીર-લદ્દાખનું મોટું રાજ્ય બનાવી દીધું. ઈતિહાસકાર કે. એમ. પાણિકરે પણ જોરાવરસિંહની સૈન્ય સૂઝબુઝ અને યુદ્ધ લડવાની રણનીતિઓના વખાણ કર્યા છે. તેમણે લખ્યું છે કે એ જોવું અદ્ભુત છે કે તેઓ પોતાના સૈનિકોને લદ્દાખ અને બાલ્ટિસ્તાન પર ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ લઈ ગયા જ્યાં ચોતરફ બરફ જ બરફ છે. 

આ દરમિયાન, મહારાજા રણજીતસિંહના જે વંશજો શાસનમાં આવ્યા હતા તેમની કાનભંભેરણી પણ થઈ હતી કે ગુલાબસિંહ તેમના માટે જોખમરૂપ અને પડકારરૂપ છે. આથી ૧૮૪૪માં લાહોરના દરબારમાં ગુલાબસિંહ પાસે એ વખતે રૂ. ૨૭ લાખ માગવામાં આવ્યા! બ્રિટિશ અને શીખો વચ્ચે જે યુદ્ધ થયું તે પછી બ્રિટિશરોને લાગ્યું કે આટલા મોટા પ્રદેશ પર તે રાજ નહીં કરી શકે અથવા બીજા કોઈ કારણસર, પણ તેણે કાશ્મીર પ્રદેશ ગુલાબસિંહને રૂ. ૭૫ લાખની રકમ માટે, એમ કહો કે, વેચી દીધો! આ સંધિને ‘અમૃતસર સંધિ’ કહેવાય છે. આના પરિણામે ગુલાબસિંહે ઈ.સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બ્રિટિશરોની મદદ કરી હતી. તેમણે કાશ્મીરી દળોને બ્રિટિશ વતી લડવા મોકલ્યા અને બ્રિટિશ મહિલા તથા બાળકોને કાશ્મીરમાં આશ્રય આપ્યો. આવા બહાદૂર ગુલાબસિંહનું નિધન ૩૦ જૂન, ૧૮૫૭ના રોજ થયું અને તેમના પછી મહારાજા રણબીરસિંહ શાસનમાં આવ્યા. 

રણબીરસિંહને આદર્શ હિન્દુ શાસક તરીકે જોવામાં આવે છે. તેમના સમયમાં ગિલગીટ, અસ્તોર, હુન્ઝા-નગર જેવા પ્રદેશો જિતાયા હતા. કાશ્મીર પર અનેક પુસ્તકો લખનાર નરેન્દ્ર સેહગલે વ્યથિત ‘જમ્મુ-કાશ્મીર’ પુસ્તકમાં લખ્યું છે કે મહારાજા રણબીરસિંહ હિન્દુત્વ અને સંસ્કૃતમાં રુચિ રાખનારા હતા. સંસ્કૃતના શિક્ષણ માટે તેમણે જમ્મુ-કાશ્મીરમાં અનેક કેન્દ્રો ખોલ્યાં. પુસ્તકાલયો બંધાવ્યાં. હિન્દુ જીવનમૂલ્યો જે મુસ્લિમ શાસકોના સમયમાં સાવ મૃતપ્રાય થઈ ગયા હતા તેનું ફરી સ્થાપન કરાવવા પ્રયાસ કર્યા. તેમણે અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું. આમ, હિન્દુત્વની લહેર જોઈ રિન્ચનથી માંડીને અનેક મુસ્લિમ શાસકોના સમયમાં જેમણે ભય કે લાલચથી ધર્મપરિવર્તન કર્યું હતું તેમને પુન: હિન્દુ ધર્મ અપનાવવાની (આજની ભાષામાં કહીએ તો ‘ઘરવાપસી’ની) તીવ્ર ઈચ્છા થઈ. રાજૌરીના કેટલાક રાજપૂત મુસ્લિમો તેમજ કાશ્મીરના કેટલાક મુસ્લિમોએ મહારાજા રણબીરસિંહના દરબારમાં પ્રાર્થના કરી કે તેમને ફરી હિન્દુ ધર્મમાં સમાવવામાં આવે. 

ક્યારેક એવું લાગે છે કે કાશ્મીરી પંડિતો તેમની જ કરણીનું ફળ ભોગવે છે, કેમ કે આપણે ગયા અઠવાડિયે જોયું હતું કે રિન્ચનને હિન્દુ ધર્મ અપનાવવો હતો, પરંતુ દેવસ્વામીએ તેની ના પાડી દીધી હતી. તો મહારાજા રણબીરસિંહના સમયમાં પણ હિન્દુત્વની લહેર જોઈ અનેક લોકો ફરી હિન્દુ ધર્મ અપનાવવા તૈયાર થયા, તેથી રણબીરસિંહે કાશ્મીરી પંડિતોને આ માટે પૂછ્યું તો આ અહંકારી અને આડંબરી પંડિતોએ સ્પષ્ટ ના પાડી દીધી. આમ, સંકુચિત મનોવૃત્તિના કારણે અનેક મુસ્લિમો જે મૂળ હિન્દુ જ હતા, તેઓ ફરી હિન્દુ ન બની શક્યા! મહારાજા રણબીરસિંહ ધારત તો આ મુસ્લિમોને હિન્દુ જાહેર કરી શકત, પરંતુ હિન્દુ શાસનમાં ધર્મ હંમેશાં સર્વોપરી રહ્યો છે. તેમની ઉપર જઈને કંઈ કરાતું નહોતું. મહારાજા રણબીરસિંહ પછી રાજા પ્રતાપસિંહ શાસનમાં આવ્યા, પરંતુ તેમની સામે નાના ભાઈ અમરસિંહે વિરોધ કર્યો. જોકે બ્રિટિશ સરકાર રાજા પ્રતાપસિંહની તરફેણમાં રહી. 

રાજા પ્રતાપસિંહ પછી રાજા હરિસિંહનું શાસન આવ્યું. સામાન્ય રીતે મનાય છે કે જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે તેમણે કાશ્મીરને સ્વતંત્ર રાખવાની તરફેણ કરી હતી. આવું કેમ થયું? અન્ય રાજાઓ જેવા તેઓ કેમ નહોતા? તેઓ કેમ કાશ્મીરને સ્વતંત્ર રાખવાની તરફેણ કરતા હતા? હરિસિંહ ખરેખર તો દેશભક્ત હતા. તેઓ દેશને સ્વતંત્ર કરવાની તરફેણમાં હતા, પરંતુ તેમના શાસન દરમિયાન તેમને શંકા હતી કે શેખ અબ્દુલ્લાની આગેવાની હેઠળ કાશ્મીરને આઝાદ કરવાની જે મુસ્લિમોની ચળવળ ચાલતી હતી તેને કૉંગ્રેસના લોકો ટેકો આપે છે. વળી, તેઓ દ્વિરાષ્ટ્રની ઝીણાની થિયરી સાથે પણ સંમત નહોતા. હરિસિંહે પુણેમાં વસવાટ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદને લખેલા પત્રમાં આ વાત સ્પષ્ટ ઝળકે છે. 

જોકે પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે તેમણે ભારત સાથે સંધિ કરી લીધી. આમ, જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો તો બન્યું, પણ તેને વિશેષ રાજ્યનો દરજ્જો કલમ ૩૭૦ દ્વારા મળ્યો. 

આઝાદી પછી ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કોઈ દેશ તરફ ઝુકાવ દેખીતો નહોતો રાખ્યો, પરંતુ અંદરખાને તેમનો ઝુકાવ સામ્યવાદના પ્રભાવ હેઠળ રશિયા તરફ હતો. તેમણે ‘નામ’ ચળવળ શરૂ કરી હતી જે આજે મૃતપ્રાય દશામાં છે અને તેને કોઈ સંભારતું પણ નથી. આ સારી વાત પણ હતી કેમ કે અમેરિકા કે રશિયા તરફ ઝૂકવા કરતાં તટસ્થ રહેવું સારું એવો નહેરુનો વિચાર હતો જે યોગ્ય પણ હતો. પરંતુ કાશ્મીર પ્રશ્ર્ને ૧૯૪૮માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો, આજનું યુએન)માં જઈને મોટી ભૂલ કરી લીધી અને આ પ્રશ્ર્નને આંતરરાષ્ટ્રીય પ્રશ્ર્ન બનાવી નાખ્યો. મહારાજા ગુલાબસિંહે જે પ્રદેશો જીત્યા હતા તે ગિલગીટ, બાલ્ટિસ્તાન અને કાશ્મીરનો એ હિસ્સો, જેને આજે પાકિસ્તાન આઝાદ કાશ્મીર તરીકે ઓળખાવે છે તે ૧૯૪૭માં પાકિસ્તાનના આક્રમણ બાદ આ યુનોમાં જવાના કારણે પાકિસ્તાન પાસે રહી ગયા અને કાયમનું શિરદર્દ ઊભું થઈ ગયું. જમ્મુ-કાશ્મીર જાણે અલગ દેશ હોય તેવું થઈ ગયું. તેનું બંધારણ અલગ. ભારતે માત્ર તેની રખેવાળી કરવાની.

જમ્મુ-કાશ્મીર ભારતમાં ભળ્યું તે પછી મહેરચંદ મહાજન તેના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા, પરંતુ નહેરુ અને સરદાર પટેલે કોઈ અગમ્ય કારણસર શેખ અબ્દુલ્લાને સત્તા આપવા મહાજનને કહી દીધું. શેખ અબ્દુલ્લા , તેમના દીકરા ફારુક અબ્દુલ્લા અને પૌત્ર ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરને બરબાદ કરી નાખ્યું.
    
 03-05-2015

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=161396


કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!


સિક્કાની બીજી બાજુ - જયવંત પંડ્યા


(ગયા અંકથી ચાલુ)

શેખ અબ્દુલ્લાનું પાત્ર પણ કાશ્મીરના ભાગ્યલલાટ પર લખાયેલું હતું. મહારાજા હરિસિંહ તો ભારતની સ્વતંત્રતાના પક્ષમાં હતા, પણ શેખ અબ્દુલ્લા નામનો આ માણસ ભારત સ્વતંત્ર થાય તે પહેલાં કાશ્મીરમાં સ્વતંત્રતાની લડત ચલાવતો હતો અને પં. જવાહરલાલ નહેરુ જે શેખ અબ્દુલ્લાને પોતાના ભાઈ’ કહેતા તે શેખ અબ્દુલ્લાને ટેકો આપતા હતા. ગાંધીજી અને નહેરુ કહે તેમ કોંગ્રેસ ચાલતી હતી. તેથી હરિસિંહે જમ્મુ-કાશ્મીર ભારતમાં વિલીન કરવામાં વાર લગાડી હોવાનું એક કારણ માનવામાં આવે છે.

હરિસિંહે શેખ અબ્દુલ્લાને તેમની વિદ્રોહી પ્રવૃત્તિ માટે જેલમાં પૂરી દીધા હતા. જૂન, ૧૯૪૬માં શેખ અબ્દુલ્લાને મુક્ત કરાવવા માટે નહેરુએ કાશ્મીર જવાનું નક્કી કર્યું. હવે એક તરફ કાશ્મીરને ભારતમાં લાવવા માટે વિચારણા ચાલતી હોય એ વખતે તેના મહારાજા હરિસિંહની વિરુદ્ધ જવું કેટલું વાજબી ગણાય? પરંતુ નહેરુ જેમનું નામ. ફ્રેન્ચ લેખક અને ઇતિહાસકાર ક્લાઉડે અર્પીએ લખ્યું છે: નહેરુ માટે કાશ્મીર આખા દેશ કરતાં અગત્યનું હતું. તેમના પર જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો, પરંતુ તેઓ તેમ છતાં ત્યાં જવા માગતા હતા.

આપણે અગાઉ જોઈ ગયા છીએ કે જમ્મુ-કાશ્મીર રાજ્યને આટલું વિશાળ બનાવવાનું શ્રેય મહારાજા ગુલાબસિંહને અને પછી તેમના પુત્ર રણબીરસિંહને જાય છે. આ મામલો જૂનાગઢ કે હૈદરાબાદ જેવો નહોતો, તે નહેરુને સમજાયું નહીં. સરદાર પટેલ અને અન્ય સાથીઓએ નહેરુને કાશ્મીર ન જવા માટે સમજાવવા પ્રયાસ કર્યો કે બીજા તેના કરતાં પણ અગત્યના મામલા અહીં પડ્યા છે. તમે અહીં જ રહો.

કોંગ્રેસના નેતા દ્વારકાપ્રસાદ (ડી. પી.) મિશ્રાને પત્રમાં સરદાર પટેલે લખ્યું: તેમણે (નહેરુએ) તાજેતરમાં ઘણું બધું એવું કર્યું છે જેણે આપણને ભારે શરમમાં મૂક્યા છે. કાશ્મીરમાં તેમનાં પગલાં...લાગણીસભર પાગલપણાનાં છે. તે ઠીક કરવા આપણે ભારે પરિશ્રમ કરવો પડે છે...જોકે સ્વતંત્રતા માટે તેમના ઉત્સાહ અને જનૂન અભૂતપૂર્વ છે.

હરિસિંહ અને નહેરુ વચ્ચે જે અંટસ શેખ અબ્દુલ્લાને કારણે પડી ગઈ હતી એ અંટસ બાદમાં એટલી હદ સુધી આગળ વધી કે હરિસિંહને જમ્મુ-કાશ્મીરમાંથી નીકળવું પડ્યું હતું. જ્યારે આવો જ પ્રશ્ર્ન હૈદરાબાદનો હતો તો પણ હૈદરાબાદના નિઝામને ભારત સરકાર વર્ષે રૂ. એક કરોડ (આજે પણ એક કરોડની રકમ નાની નથી, તો એ વખતે તો કેટલી મોટી હશે?)નું સાલિયાણું અપાતું હતું! અહીં એ પણ નોંધવું જોઈએ કે શેખ અબ્દુલ્લા રઘુ રામ કૌલ નામના કાશ્મીરી પંડિતના વંશજ હતા. કૌલે ઈ.સ. ૧૭૨૨માં ઈસ્લામ અંગીકાર કરી લીધો હતો. આમ, એક રીતે જોઈએ તો ઈસ્લામ કે ખ્રિસ્તી વટાળ પ્રવૃત્તિના કારણે આપણને ઘણું નુકસાન ગયું છે. કાશ્મીર આપણા હાથમાંથી ચાલ્યું ગયું હોય તેમ વર્ષોથી આપણને લાગ્યા કરે છે. તેનું બીજું કારણ નહેરુની ભૂલભરેલી નીતિ પણ હતી. સપ્ટેમ્બર, ૧૯૪૭માં મહારાજા હરિસિંહ જમ્મુ-કાશ્મીરને ભારતમાં ભેળવવા તૈયાર હતા, પરંતુ નહેરુએ તેને નકારી દીધું, કારણ કે નહેરુ ઈચ્છતા હતા કે કાશ્મીરને ભારતમાં ભેળવવાનો યશ મહારાજા લઈ જાય તે ન ચાલે. તેનો યશ તેમને મળવો જોઈએ. કોઈ અગમ્ય કારણસર તેઓ શેખ અબ્દુલ્લાની તરફેણ કર્યા રાખતા હતા અને ઈચ્છતા હતા કે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને તેને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવામાં આવે. મહારાજા આ વાત સાથે સંમત નહોતા.

ઑક્ટોબર, ૧૯૪૭માં આદિવાસીઓને આગળ કરીને પાકિસ્તાને આક્રમણ કરી દીધું અને લૂંટફાટ, હત્યા અને બળાત્કારોનો ક્રૂર સિલસિલો ચાલ્યો. ૨૬ ઑક્ટોબરે તેઓ શ્રીનગરના સીમાડે પહોંચી ગયા. હરિસિંહ જમ્મુ-કાશ્મીરના રાજ્યને ભારતમાં ભેળવવા ફરી તૈયાર થઈ ગયા.

હવે આપણે ભૂલ એ પણ કરી હતી કે સ્વતંત્ર થયા પછી ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટનને (આપણે તેમને લોર્ડ કહેવાનું બંધ કરવું જોઈએ) રાખ્યા હતા. જ્યારે પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણાએ આવું કંઈ કર્યું નહોતું. તેમણે બધું પોતાના હાથમાં જ રાખ્યું હતું.

પ્રેમશંકર ઝા નામના લેખકે કાશ્મીર ૧૯૪૭: રાઇવલ વર્ઝન્સ ઑફ હિસ્ટરી’ નામના પુસ્તકમાં કાશ્મીરના ઉકળતા પ્રશ્ર્ન અંગે ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ઇન્ટરવ્યૂ ટાંક્યો છે. માણેકશાએ કહ્યું કે પાકિસ્તાને આદિવાસીઓને આગળ ધરીને આક્રમણ કરી દીધું હતું. તેઓ લૂંટફાટ અને બળાત્કારો કરતા હતા. તેમણે મારી જ રેન્કના કર્નલ ડાઇક્સની હત્યા કરી દીધી હતી. મહારાજાની સેનામાં ૫૦ ટકા મુસ્લિમો હતા અને ૫૦ ટકા ડોગરા હતા. આ ૫૦ ટકા મુસ્લિમો એ વખતે પાકિસ્તાન તરફે ભળી ગયા હતા. ભારતની સેના એરપોર્ટ પર તૈયાર હતી, માત્ર આદેશની જ વાર હતી.

અત્રે એ પણ નોંધવું જોઈએ કે પાકિસ્તાનના આક્રમણે માત્ર હિન્દુઓને જ લક્ષ્ય બનાવ્યા નહોતા. સ્પેનની એક નન સિસ્ટર એમ. ટેરેસલિના જોઆક્વિના પણ બારામુલ્લામાં મારી ગઈ હતી.

આપણે ઘણી વાર કાશ્મીર પ્રશ્ર્નમાં મહારાજા હરિસિંહનો વાંક જોઈએ છીએ, પણ સામ માણેકશાએ પ્રેમશંકર ઝાને કહ્યું હતું તે જો વાંચીએ તો હરિસિંહ પર માન થાય. તેમણે પાકિસ્તાન સામે પોતે લડવાની તૈયારી બતાવી હતી. સામ માણેકશાની વાત આગળ વાંચો: મહારાજા એક રૂમમાંથી બીજા રૂમમાં દોડાદોડી કરતા હતા...મેં મારી જિંદગીમાં આટલાં બધાં ઘરેણાં ક્યારેય જોયાં નહોતાં. મહારાજાએ કહ્યું: સારું...જો ભારત મને મદદ નહીં કરે તો હું જઈશ અને મારી સેના સાથે લડીશ. મેં કહ્યું: તેનાથી તમારી સેનાનું મનોબળ વધશે, સર. છેવટે મહારાજા હરિસિંહે વિલિનીકરણના કાગળો પર સહી કરી દીધી. આ કાગળો સાથે (આઈએએસ અધિકારી) વી. પી. મેનન અને હું દિલ્હી પાછા ફર્યા.

દિલ્હી પર આવતાવેંત સંદેશો મળ્યો કે દાઢી કરી નાખો, રાત્રે ૯ વાગે કેબિનેટ બેઠક છે. માઉન્ટબેટનની અધ્યક્ષતામાં બેઠક મળી રહી હતી. બેઠકમાં નહેરુ, ગૃહ પ્રધાન સરદાર પટેલ, સંરક્ષણ મંત્રી સરદાર બલદેવસિંહ સહિત મંત્રીઓ હાજર હતા. માઉન્ટબેટને માણેકશા પાસે જમ્મુ-કાશ્મીરની સૈન્ય સ્થિતિ શું છે તેનો અહેવાલ પૂછ્યો, માણેકશાએ રિપોર્ટિંગ કર્યું અને કહ્યું કે જો સેના મોકલવામાં નહીં આવે તો આપણે શ્રીનગર ગુમાવી દઈશું.

હવે નહેરુની લુચ્ચાઈ કહો તો લુચ્ચાઈ, મૂર્ખતા કહો તો મૂર્ખતા કે પછી જે શબ્દોમાં તમારે આ કૃત્યને ફિટ બેસાડવું હોય તેમાં બેસાડી શકો, પણ તેઓ આવી ઇમર્જન્સી બેઠકમાં અને આવી સ્થિતિમાં પણ સંયુક્ત રાષ્ટ્રો, રશિયા, આફ્રિકા, ભગવાન વગેરે વિશે વાતો કરતા રહ્યા! છેવટે સરદાર પટેલે તેમનો પિત્તો ગુમાવ્યો. તેમણે કહ્યું, જવાહરલાલ, તમારે કાશ્મીર જોઈએ છે કે પછી તમે તેને જવા દેવા માગો છો? નહેરુએ કહ્યું: હા. મારે કાશ્મીર જોઈએ છે. તે પછી સરદાર પટેલે કહ્યું: તમારો આદેશ આપો. નહેરુ હજી કંઈ બોલે તે પહેલાં તો સરદારે સામ માણેકશા તરફ ફરીને કહી દીધું: તમને તમારા આદેશ મળી ગયા છે.

આ બનાવ બતાવે છે કે નહેરુ કટોકટીની સ્થિતિમાં કેટલા બોદા હતા. જો તેમને કાશ્મીર એટલું જ વહાલું હોત તો આ વખતે તેમણે આદેશ આપવામાં સહેજેય વાર ન લગાડી હોત કેમ કે સામ માણેકશા જ્યારે શ્રીનગરથી દિલ્હી આવવા રવાના થયા ત્યારે તેમને છોડવા માટે આવનાર અમુક લોકોમાં શેખ અબ્દુલ્લા પણ હતા. એટલે કે શેખ અબ્દુલ્લાને છોડાવવાનો પ્રશ્ર્ન રહ્યો નહોતો. નહેરુ શું એ નહોતા જાણતા કે લગ્ન હોય ત્યારે મરશિયાં ન ગવાય? કાશ્મીરનો સળગતો પ્રશ્ર્ન હોય, પાકિસ્તાને આક્રમણ કરી દીધું હોય ત્યારે સંયુક્ત રાષ્ટ્રો, રશિયા, આફ્રિકા, ભગવાન...આ બધી બાબતોને તડકે મૂકવાની હોય.

કાશ્મીરનો પ્રશ્ર્ન સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની ગેરમાર્ગે દોરતી અને બ્રિટન- અમેરિકાનાં હિતોને પોષતી સલાહ માઉન્ટબેટને જ નહેરુને આપી હતી. જે રીતે નહેરુ લાગણીથી શેખ અબ્દુલ્લા સાથે જોડાયેલા હતા તે જ રીતે તેઓ માઉન્ટબેટન સાથે પણ જોડાયેલા હતા. (ચર્ચાતી વાત મુજબ, તેમની પત્ની સાથે) ડિસેમ્બર, ૧૯૪૭માં માઉન્ટબેટને નહેરુને સંયુક્ત રાષ્ટ્રો માટે સમજાવી લીધા. એ વખતે સરદાર પટેલને હાંસિયા પર ધકેલી દેવામાં આવ્યા હતા. બધાં રજવાડાં તેમણે એક કરી દીધા હતા પણ કાશ્મીર પ્રશ્ર્ને તેમની અવગણના કરાઈ રહી હતી. તે જોઈને તેઓ રાજીનામું આપવા પણ તૈયાર થઈ ગયા હતા, પરંતુ કોઈએ (મોટા ભાગે ગાંધીજીએ) તેમને રાજીનામું ન આપવા મનાવી લીધા. સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતના હિતની અવગણના કરાઈ રહી હતી અને કાશ્મીરમાં લોકમત માટેનો પ્રસ્તાવ કરી દેવાયો.

હવે ફરી ભૂતકાળ તરફ જઈએ અને શેખ અબ્દુલ્લાને જાણવાનો પ્રયાસ કરીએ.

અગાઉ કહ્યું તેમ, મહારાજા હરિસિંહના શાસનકાળ સામે શેખ અબ્દુલ્લાએ વિદ્રોહ કર્યો હતો અને ૧૯૩૨માં કાશ્મીર મુસ્લિમ કોન્ફરન્સ નામનો પક્ષ રચી દીધો હતો. આમ, શેખ અબ્દુલ્લાનું ધ્યેય માત્ર કાશ્મીરના મુસ્લિમો માટે જ સ્વતંત્રતાનું હતું અને તેમની સ્પષ્ટ ઈચ્છા કાશ્મીરમાં સત્તા મેળવવાની હતી. પક્ષના આ નામમાંથી સાંપ્રદાયિકતાની દુર્ગંધ આવતી હોવાથી તે નહીં ચાલે તેમ નહેરુને લાગતા તેમના કહેવાથી શેખ અબ્દલ્લાએ પક્ષનું નામ ૧૯૩૮માં બદલીને નેશનલ કોન્ફરન્સ કરી નાખ્યું હતું અને કેટલાક હિન્દુઓને પણ પક્ષમાં જોડ્યા હતા. શેખ અબ્દુલ્લા ૧૯૩૭માં નહેરુને પહેલી વાર મળ્યા હતા.

ભારતમાં આસામ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ગોવા જેવાં અનેક રાજ્યો પાછળથી ભળ્યાં. સિક્કિમમાં

પણ અમુક અંશે કાશ્મીર જેવી જ પરિસ્થિતિ હતી, પણ તેમ છતાં તેને યેનકેન પ્રકારેણ પહેલાં સંલગ્ન રાજ્ય’ તરીકે અને બાદમાં પૂર્ણ રાજ્ય તરીકે જોડવામાં આવ્યું. પરંતુ કાશ્મીર માટે અલગ જોગવાઈ કરતી કલમ ૩૭૦ આજ સુધી ચાલુ છે. એના મૂળમાં શેખ અબ્દુલ્લા હતા.

૨૭ ઑક્ટોબર, ૧૯૪૭ના રોજ શેખ અબ્દુલ્લાએ જે ભાષણ આપ્યું તેમાં કાશ્મીરને ભારત કે પાકિસ્તાનથી સ્વતંત્ર રાખવાની ગંધ આવતી હતી. તેમણે કહ્યું હતું: આપણે રાખમાંથી કાશ્મીરનો તાજ મેળવ્યો છે. આપણે ભારત સાથે રહીએ કે પાકિસ્તાન સાથે, તે અલગ વાત છે, આપણો મુખ્ય હેતુ સ્વતંત્રતા મેળવવાનો છે. આમ, શેખ અબ્દુલ્લાના શબ્દોમાં, તેમણે રાખમાંથી કાશ્મીરનો તાજ ઉઠાવ્યો અને કાશ્મીરને રાખમાં મેળવવા પ્રયાસ કરે રાખ્યા. જમ્મુ-કાશ્મીર’ પુસ્તકમાં નરેન્દ્ર સેહગલે લખ્યા મુજબ, જ્યારે ભારતીય સેના શ્રીનગર પાછું મેળવ્યા પછી, મીરપુર, કોટલી અને ભીમ્બાર તરફ આગે કૂચ કરતી હતી ત્યારે શેખ અબ્દુલ્લાએ તેને અટકાવી પરિણામ એ આવ્યું કે સેંકડો હિન્દુઓની ક્રૂર હત્યા થઈ. ભારતીય દળોના ચીફ કમાન્ડર જનરલ પરાંજપેએ આ બાબતે નહેરુનું ધ્યાન દોર્યું તો નહેરુએ જવાબ આપ્યો: શેખસાહેબ કહે તેમ કરો!

જ્યારે ભારતીય દળો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરને છોડાવવા આગળ વધી રહ્યા હતા અને વિજયમાં કેટલાક કલાકોની જ વાર હતી ત્યારે નહેરુએ શેખ અબ્દુલ્લાના કહેવાથી એકતરફી રીતે યુદ્ધવિરામ ઘોષિત કરી દીધો! પરિણામે કાશ્મીરનો અમુક પ્રદેશ પાકિસ્તાનના કબજામાં જ રહી ગયો. જાણીતા લેખક ડો. ગૌરીનાથ રસ્તોગીએ લખ્યું છે કે શેખ અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીર-લદ્દાખની સુરક્ષાની ચિંતા નહોતી, તેમને તો માત્ર કાશ્મીરની જ પડી હતી.

એ વખતે શેખ અબ્દુલ્લાના હાડોહાડ મુસ્લિમ તરફી માનસથી ધૂંધવાયેલા મહારાજા હરિસિંહે ભારતના ગૃહ પ્રધાન સરદાર પટેલને પત્ર લખ્યો હતો: ભારતીય સેના હજુ પણ અમુક પ્રદેશો પાકિસ્તાનના કબજામાંથી છોડાવી શકી નથી...આ સંજોગોમાં મારી સ્થિતિ દયાજનક છે. મેં તો ભારતીય સંઘ (ભારત)ને પૂરેપૂરો સહયોગ આપ્યો છે... પણ જો આ પ્રદેશો પાકિસ્તાનને જ આપવાના હોય તો (જમ્મુ-કાશ્મીરના) ભારતમાં વિલિનીકરણનો કોઈ અર્થ રહેતો નથી. હું ભારતીય દળોનો કમાન્ડ મારા હાથમાં લેવા તૈયાર છું, કારણ કે તમારા જનરલો કદાચ આ દેશને (જમ્મુ-કાશ્મીરને) સારી રીતે નહીં જાણતા હોય, પરંતુ મારા માટે તો તે જાણીતો છે. જમ્મુ-કાશ્મીરના પહેલા મુખ્ય પ્રધાન ગણાતા મહેરચંદ મહાજને પણ સરદાર પટેલને પત્ર લખી મહારાજાના આક્રોશને વ્યક્ત કર્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે શેખ અબ્દલ્લા હવે મહારાજાની આજ્ઞા જરીકેય પાળતા નથી...તેમનો (શેખનો) અભિગમ કોમવાદી છે. પણ વિધિની વક્રતા એ હતી કે આખા ભારતને એક કરનાર, ૬૨૫ નાનાંમોટાં રજવાડાંને ભારતમાં લાવી શકનાર સરદાર પટેલ કાશ્મીર બાબતે સંપૂર્ણ નિ:સહાય હતા!

જમ્મુ-કાશ્મીર ભારતમાં ભળ્યા પછી શેખ અબ્દુલ્લા રાજ્યના મુખ્ય પ્રધાન નહીં, વઝીર-એ-આઝમ (વડા પ્રધાન) બની ગયા. કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ પડતું નહોતું. રાજ્યનો ધ્વજ તીરંગો નહોતો, પરંતુ નેશનલ કોન્ફરન્સનો ધ્વજ હતો! (હમણાં મુફ્તી મોહમ્મદ સઈદ કાશ્મીરના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે પણ બે ધ્વજ જોવામાં આવ્યા હશે. બોલો, બીજા કોઈ રાજ્યમાં આવું બની શકે?) સરદાર પોતે પણ આ સમસ્યા બાબતે કંઈ કરી શક્યા નહીં તો પછી તેમના મૃત્યુ પછી તો કોઈ સરદાર જેવું પાક્યું જ નથી. કાશ્મીરની સમસ્યાને કોણ ઉકેલશે?

(ક્રમશ:)
10-05-2015
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=161983


નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!
કલમ ૩૭૦ શેખ અબ્દુલ્લા અને જવાહરલાલ નહેરુની સંતલસથી ઘડાઈ હતી. નહેરુએ સરદાર પટેલને કાશ્મીર મામલે પહેલેથી દૂર જ રાખ્યા હતા. એ તો ગયા અંકે આપણે જોયું તેમ સરદાર પટેલે ભારતીય સેના મોકલવાના આદેશ નહેરુ પાસેથી લેવડાવ્યા (લેવડાવ્યા શબ્દ પર ધ્યાન આપવા જેવું છે) નહીં તો શ્રીનગર આપણે ગુમાવી બેઠા હોત. નહેરુએ જોકે કહ્યું હતું કે કલમ ૩૭૦ એ કામચલાઉ જોગવાઈ છે, પરંતુ દલિતોને અનામતની જેમ કલમ ૩૭૦ની કામચલાઉ જોગવાઈ પણ કાયમી બની ગઈ.

બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકર પણ કલમ ૩૭૦ની વિરુદ્ધ હતા. તેમણે શેખ અબ્દુલ્લાને કહેલું: તમે ઈચ્છો છો કે ભારત તમારી સરહદોની રક્ષા કરે, તમારા વિસ્તારમાં રસ્તાઓ બાંધે, તમને અનાજ પૂરું પાડે, અને કાશ્મીરને ભારતમાં સમાન દરજ્જો મળે. પરંતુ ભારતની સરકારને મર્યાદિત સત્તાઓ હશે અને ભારતના લોકોને જમ્મુ-કાશ્મીરમાં કોઈ અધિકાર નહીં હોય. આ (કલમની) દરખાસ્તને મંજૂરી આપવી એ ભારતનાં હિતો સામે વિશ્ર્વાસઘાત જેવું હશે અને કાયદા પ્રધાન તરીકે હું ક્યારેય તેમ નહીં કરું.

આથી નહેરુ ગોપાલસ્વામી અયંગરને લઈ આવ્યા. આ અયંગર થનજવુર બ્રાહ્મણ હતા, આઝાદી પછી પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળમાં ખાતા વિનાના પ્રધાન હતા! જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહના પૂર્વ દીવાન હતા. કલમ ૩૭૦નો મુસદ્દો ઘડવામાં અયંગરની પણ મહત્ત્વની ભૂમિકા રહી છે. સરદાર પટેલે જ્યારે આ અંગે વિરોધ કર્યો ત્યારે ૨૭ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ નહેરુનો જવાબ આવો હતો:

...અયંગરને કાશ્મીરની બાબતમાં મદદ કરવા વિશેષરૂપે કહેવાયું છે....મને ખરેખર ખબર નથી કે રાજ્યોનું મંત્રાલય (એટલે કે સરદાર પટેલનું મંત્રાલય) આમાં ક્યાં ચિત્રમાં આવે છે, સિવાય કે જે પગલાં લેવાય તેની તેને જાણ કરવાની હોય. આ બધું મારા કહેવાથી થાય છે અને હું જે બાબતમાં મારી જાતને જવાબદાર સમજતો હોઉં તે બાબત સ્વેચ્છાએ છોડવા હું દરખાસ્ત કરતો નથી. આનો અર્થ એ થયો કે કલમ ૩૭૦થી માંડીને કાશ્મીરમાં જે કંઈ થયું તે નહેરુએ પોતાની મનમરજીથી, શેખ અબ્દુલ્લા જેટલું પાણી પીવડાવે તેટલું પીને કર્યું હતું અને એટલે જ કાશ્મીરની જે કંઈ પરિસ્થિતિ સર્જાઈ તે માટે એક માત્ર જવાબદાર હોય તો તે નિ:શંક ભારતના પ્રથમ વડા પ્રધાન અને કોંગ્રેસના નેતા જવાહરલાલ નહેરુ જ ગણાય. જોકે, સરદાર પટેલના અવસાન બાદ નહેરુએ બદમાશી કરી આ જવાબદારી સરદારના નામે નાખવાની, સત્તાવાર વાયડાઈ કરી હતી.

એ વાત પણ સત્ય છે કે જ્યારે કલમ ૩૭૦ને મંજૂર કરાવવાની વાત આવી ત્યારે નહેરુ અમેરિકામાં સંસદ (કોંગ્રેસ)ને સંબોધી રહ્યા હતા. એટલે તેમણે કલમ મંજૂરીની ખો સરદાર પટેલને આપી દીધી! તેમણે નીચી મૂંડી કરીને સરદારને વિનંતી કરી કે આ કલમ મંજૂર કરાવી લો. સરદારે પણ શિસ્તબદ્ધ સિપાહીની જેમ આ કાર્ય કરી બતાવ્યું. જ્યારે અયંગરે કોંગ્રેસ સંસદીય પક્ષમાં કલમ ૩૭૦નો મુસદ્દો વાંચ્યો ત્યારે કોંગ્રેસીઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો! સરદારે આંતરરાષ્ટ્રીય સંબંધો અને કાશ્મીરની સ્થિતિનો હવાલો આપીને બંધારણ સભા અને કોંગ્રેસ કારોબારીના સભ્યોને મનાવી લીધા. જોકે ‘માય રેમિનિસન્સ’ પુસ્તક લખનાર વી. શંકર (તેઓ તે વખતે ગૃહ મંત્રાલયના ખાનગી સચિવ હતા)ને સરદાર પટેલે કહ્યું હતું : વો (જવાહરલાલ) રોયેગા. પરંતુ નહેરુ કેટલા લુચ્ચા હતા તે જુઓ. જે સરદારે તેમને કલમ ૩૭૦ મંજૂર કરાવી આપી તેમના નામે જ આ કૃત્ય પાછળથી ચડાવી દીધું! ભાજપના નેતા એલ. કે. અડવાણીએ સંસદના રેકોર્ડનો આધાર આપીને લખ્યું છે કે ૨૪ જુલાઈ, ૧૯૫૨ના રોજ, જ્યારે સરદાર હવે હયાત નહોતા ત્યારે લોકસભામાં કલમ ૩૭૦નો બચાવ કરતાં નહેરુએ જે વાતો કહી તેમાં અન્ય વાતો ઉપરાંત એક વાત આ હતી કે આ કલમ સરદાર પટેલનું યોગદાન છે! બોલો, આનાથી મોટું જૂઠાણું બીજું કયું હોઈ શકે?

હવે આ કલમ ૩૭૦મી કેવી છે? બંધારણના ભાગ ૨૧માં આ કલમ આપેલી છે. આ કલમને નાબૂદ કરવી હોય તો રાષ્ટ્રપતિ તેને નાબૂદ કરી શકે, પરંતુ તે માટે પણ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની મંજૂરી જોઈએ! તેમ તેનો ત્રીજો પેટા નિયમ (ક્લોઝ) કહે છે. ત્યાંની સરકાર જ અલગતાવાદીઓ તરફી ચૂંટાઈ આવે છે ત્યારે તે પોતાની સ્વાયત્તતા શા માટે ગુમાવવા તૈયાર થાય? જો કોંગ્રેસ કે ભાજપ જેવા પક્ષની સરકાર આવે તો જ આ શક્ય બને. કોંગ્રેસ શરૂઆતમાં કલમની વિરુદ્ધ હતી પણ સરદારે સમજાવી દીધા પછીથી તેણે વિરોધ છોડી દીધો! આથી કલમને દૂર કરવા માટે એકલા ભાજપની સરકાર ત્યાં બને તો જ આ થાય, જે હાલની પળે શક્ય લાગતું નથી.

કલમ ૩૭૦ મુજબ, ભારતીય સંસદ જે કાયદાઓ ઘડે તેને જો જમ્મુ-કાશ્મીરની સરકાર મંજૂરી ન આપે તો તે આ રાજ્યમાં લાગુ ન થઈ શકે. આનો સીધો સાદો અર્થ એ કે તે કેન્દ્ર સરકારને પણ ઉપરવટ જઈ શકે. આમ તો આપણે ત્યાં સમવાયી (ફેડરલ) બંધારણ છે, પરંતુ આપણા દેશમાં કેટલીક મહત્ત્વની બાબતમાં રાજ્ય કરતાં કેન્દ્ર જ સર્વોપરી મનાયું છે. અને એ જરૂરી પણ છે. પરંતુ કાશ્મીર બાબતે કમનસીબે આવું નથી. કલમ ૩૭૦ મુજબ, કાશ્મીરનું બંધારણ અલગ, તેનો ધ્વજ અલગ અને બેવડું નાગરિકત્વ છે. ભારતીય નાગરિકોને જે મૂળભૂત અધિકારો મળેલા છે તે કરતાં જમ્મુ-કાશ્મીરના નાગરિકોના મૂળભૂત અધિકારો અલગ છે. માનો કે ભારત સામે યુદ્ધ છેડાય કે કાશ્મીરમાં ગંભીર કટોકટી સર્જાય તો પણ રાષ્ટ્રપતિ જેમ દેશનાં અન્ય રાજ્યોની સરકારને બરખાસ્ત કરી શકે તેમ કાશ્મીરની સરકારને બરખાસ્ત કરી શકતા નથી. જોકે એનો રસ્તો કાઢવામાં આવ્યો છે. રાજ્યના બંધારણની કલમ ૯૨ મુજબ, રાજ્યપાલનું શાસન લાગુ કરી શકાય છે અને આ છટકબારી દ્વારા ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું છે. આ ઉપરાંત, કેન્દ્રના કાયદાઓ, વેરા વગેરે કાશ્મીરમાં લાગુ પડતા નથી.

જોકે, વિદ્વાન અને જમ્મુની યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અમિતાભ મટ્ટુ અનુસાર, કલમ ૩૭૦ તેના મૂળ રૂપમાં રહી જ નથી. બંધારણ સભામાં જે સ્વાયત્તતાની કલ્પના કરવામાં આવી હતી તે નથી. એક લેખમાં તેમણે લખ્યું છે કે શ્રેણીબદ્ધ રાષ્ટ્રપતિ આદેશોના કારણે ૩૭૦મી કલમ આમ તો ઘણા અંશે નાબૂદ થઈ ચૂકી છે. ૧૯૫૨ પછીના શ્રેણીબદ્ધ રાષ્ટ્રપતિ આદેશોના કારણે કેન્દ્રીય કાયદાઓ કાશ્મીરમાં પણ લાગુ થઈ શકે છે. જે તફાવત છે તે ત્યાંના કાયમી રહેવાસીઓ અને તેના અધિકાર, આંતરિક અશાંતિના આધારે ત્યાં રાજ્ય સરકારની મંજૂરી વગર કટોકટી લાગુ કરી શકાતી નથી, રાજ્ય વિધાનસભાની મંજૂરી વગર તેના નામ અને સરહદોમાં ફેરફાર કરી શકાતા નથી. ત્યાંની સ્ત્રીઓને સંપત્તિના અધિકાર નથી.

કલમ ૩૭૦ જેવી બીજી કલમો પણ કેટલાંક રાજ્યો માટે લાવવામાં આવી હતી (દા.ત. ૩૭૧-એ નાગાલેન્ડ માટેની વિશેષ જોગવાઈ છે), પરંતુ આ કલમ એટલા માટે અલગ પડે છે કે તે આજે પણ ચાલુ રહી છે જ્યારે ૩૭૧-એથી લઈને ૩૭૧-આઈ લગભગ નાબૂદ

જેવી છે.

હજુ કલમ ૩૭૦મી ઓછી પડતી હોય તેમ ઈ.સ. ૧૯૫૨માં નહેરુ અને શેખ અબ્દુલ્લાએ એક બીજી સમજૂતી કરી જેને ૧૯૫૨ની દિલ્હી સમજૂતી અથવા એગ્રીમેન્ટ તરીકે ઓળખાય છે. આ સમજૂતી કેવી હતી? ૧. તમામ રાજ્યો માટે કાયદો રચવાની વિશિષ્ટ સત્તાઓ કેન્દ્ર પાસે હોય, પણ કાશ્મીર બાબતમાં તેમ નહીં હોય. ૨. કાશ્મીરના લોકો ભારતના નાગરિક તો ગણાશે, પરંતુ તેમને વિશેષ અધિકારો અને વિશેષાધિકારો (પ્રિવિલેજ) આપવા તે રાજ્યનો વિષય ગણાશે. ૩. જમીન સુધારા માટે કાશ્મીરમાં મૂળભૂત અધિકારો લાગુ નહીં પડે. ૪. રાજ્યમાં બોર્ડ ઑફ જ્યુડિશિયલ ઍડ્વાઇઝર હતું તેથી સુપ્રીમ કોર્ટ પાસે માત્ર એપેલેટ જ્યુરિસ્ડિક્શન જ રહશે. ૫. અન્ય રાજ્યોની સરકારને બરતરફ કરવી હોય તો ૩૫૬મી કલમ લાગુ કરી શકાય, પણ કાશ્મીરમાં નહીં.

એ વખતે નહેરુ સર્વસત્તાધીશ જેવા હતા એટલે તેમની સામે કોઈ થાય તેમ નહોતું. જમ્મુ-કાશ્મીરમાં પણ શેખ અબ્દુલ્લાનો ડંકો વાગતો હતો. આવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી ‘પ્રજા પરિષદ’ નામનો પક્ષ રચાયો અને તેણે કલમ ૩૭૦ તેમ જ શેખ અબ્દુલ્લાની હિન્દુ વિરોધી માનસિકતાનો વિરોધ શરૂ કર્યો. આ પક્ષે નવેમ્બર ૧૯૫૨થી સત્યાગ્રહ શરૂ કર્યો. આ તરફ ૧૯૫૦માં ભારત-પાકિસ્તાન વચ્ચેની દિલ્હી સંધિના વિરોધમાં નહેરુ સરકારમાં ઉદ્યોગ પ્રધાન અને હિન્દુવાદી ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીએ રાજીનામું આપી દીધું હતું. તેમણે ભારતીય જનસંઘ નામના હિન્દુવાદી પક્ષની સ્થાપના કરી હતી. હવે તેઓ પણ શેખ અબ્દુલ્લાના વિરોધમાં જોડાયા હતા. ૧૯૫૩માં અસહકારની ચળવળ શરૂ થઈ. એ વખતે સત્યાગ્રહીઓ પર તડાપીટ બોલાવવામાં અબ્દુલ્લા સરકારે કોઈ માનવતા રાખી નહોતી. પોલીસ ગોળીબારમાં અનેકોનાં મોત થયાં. સત્યાગ્રહીઓના ઘરે જઈ પોલીસ તેમને મારતી. જેલમાં પુરાયેલા સત્યાગ્રહીઓ પર અનેક પ્રકારના અત્યાચાર થતાં. આ અત્યાચારો સામે પ્રજા પરિષદના નેતાઓ દિલ્હીમાં તમામ રાજકીય પક્ષો, સાંસદો અને મીડિયાને મળ્યા અને તેમને કાશ્મીરની સ્થિતિની જાણ કરી. પરંતુ નહેરુએ તેમને મળવાની ના પાડી દીધી. જોકે જમ્મુની બે મહિલા નેતાઓ શક્તિ શર્મા અને સુશીલા માંગી, વિજયા લક્ષ્મી પંડિત, ઈન્દિરા ગાંધી, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને મળ્યાં અને પરિસ્થિતિથી તેમને અવગત કર્યાં. છેવટે સાંસદોની બેઠક મળી અને તેમના આગ્રહથી નહેરુ આ નેતાઓને મળવા તૈયાર થયા. જોકે તે પછી પણ તેમણે આ ક્રૂરતા અને અત્યાચાર અટકાવવા કોઈ પગલાં ન લીધાં.

હવે આ તરફ, શેખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં એવો કાયદો કે નિયમ, જે કહો તે, કર્યો હતો કે ભારતના (એટલે કે કાશ્મીર સિવાયના રાજ્યના) નાગરિકોએ જમ્મુ-કાશ્મીરમાં આવવું હોય તો પરમિટ લેવી પડે! એક રીતે, વિઝા જેવું! અરે! ભારતના રાષ્ટ્રપતિએ પણ કાશ્મીરમાં જવું હોય તો શેખ અબ્દુલ્લાની મંજૂરી વગર ન જઈ શકે! આ તરફ અબ્દુલ્લા વિરોધી આંદોલન સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું હતું. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી જમ્મુ જવા રવાના થઈ રહ્યા હતા. તેમણે ઘોષણા કરી હતી કે હું રાષ્ટ્રની એકતા માટે મારા પ્રાણનો પણ ભોગ આપી દઈશ.

શ્યામાપ્રસાદ મુખરજીએ પરમિટ વગર જમ્મુ-કાશ્મીરમાં જવાનું નક્કી કર્યું અને તેમણે ઘોષણા કરી: એક દેશ મેં દો વિધાન (બંધારણ), દો પ્રધાન (વડા પ્રધાન) ઔર દો નિશાન (બે રાષ્ટ્રધ્વજ) નહીં ચલેંગે. મુખરજી સાથે જનારામાં એક હતા, ભારતના પૂર્વ વડા પ્રધાન અને હવે ભારતરત્ન અટલ બિહારી વાજપેયી... (ક્રમશ:)
17-05-2015

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=162656

શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

જ્યારે શ્યામાપ્રસાદ મુખરજી જમ્મુ પહોંચ્યા ત્યારે તેમને પરમિટ વગર જવા દેવાયા, પરંતુ જ્યારે તેઓ રાવી નદીના કિનારે આવેલા લખનપુર પહોંચ્યા ત્યારે કાશ્મીર મિલિટ્રી પોલીસે તેમની ધરપકડ કરી. તે વખતે પત્રકાર તરીકે સાથે આવેલા અટલજીને મુખરજીએ કહ્યું કે તમે પાછા જાવ અને આખા દેશને કહો કે મારી ધરપકડ કરવામાં આવી છે.

અનેક સત્યાગ્રહીઓને પણ જેલમાં પુરવામાં આવ્યા હતા. એક કોટડીમાં ૫૦ જણાને રખાતા હતા. તેમને કપડાં ખોરાક કંઈ આપવામાં આવતું નહોતું. તેમના પર કોઈ અત્યાચાર કરવામાં બાકી રખાયો નહોતો.

ડો. મુખરજીને શ્રીનગરની જેલ (તેમના પર બનેલી દસ્તાવેજી ફિલ્મ મુજબ, એક બંગલા)માં રાખવામાં આવ્યા. તેમના હોદ્દા, તેમના દરજ્જાને ધ્યાનમાં રાખીને સેક્રેટરી, સહાયક કે અંગત ડોક્ટર જેવી કોઈ સુવિધા તેમને આપવામાં આવી નહીં. જેલની કાળ કોટડીમાં તેઓ એકલા રહી ગયા અને બીમાર પડી ગયા. તેમની બીમારીના સમાચાર પણ બહાર જવા દેવાયા નહીં. આ તરફ સમગ્ર દેશમાં રોષ હતો અને હજારો સત્યાગ્રહીઓ જમ્મુ-કાશ્મીરમાં પરમિટ વગર આવવા લાગ્યા હતા. નહેરુ અને શેખ અબ્દુલ્લાની સાંઠગાંઠની ભારે ટીકા થવા લાગી. ડો. શ્યામાપ્રસાદ મુખરજીનો જેલવાસ લાંબો ચાલતા તેની પણ ટીકા થઈ. આથી નહેરુએ પ્રજાપરિષદના નેતાઓ સાથે વાતચીત કરવા તૈયારી બતાવી. ત્યાં ૨૩ જૂન, ૧૯૫૩ની વહેલી સવારે ડો. મુખરજીના હૃદય બંધ પડી જવાના કારણે નિધન થયાના સમાચાર આવી ચડ્યા. સમગ્ર દેશમાં આઘાત પ્રસરી ગયો.

શ્યામાપ્રસાદ પર બનેલી દસ્તાવેજી ફિલ્મ મુજબ, તેમને એક એવી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ઑક્સિજનની પણ સુવિધા નહોતી. આરએસએસના તે વખતના સરસંઘચાલક ગુરુજીને તો પહેલેથી જ અંદેશો આવી ગયેલો કે મુખરજીના જીવન પર ખતરો છે. (ગુરુજી આધ્યાત્મિક રીતે પણ ઘણા આગળ વધેલા હતા) તેમણે નાગપુરથી એક દૂત સાથે સંદેશો મોકલેલો કે મુખરજી જમ્મુ-કાશ્મીર ન જાય પરંતુ દૂત મોડો પડ્યો અને મુખરજી નીકળી ગયા હતા. તેઓ જમ્મુની સરહદે હતા. તેમણે તે દૂતને કહ્યું: હું હવે પીછેહટ કરી શકું એમ નથી.

ડો. મુખરજીનું અકાળે નિધન કેટલાક સવાલો પેદા કરતું ગયું. દેશમાં અનેક ડોક્ટરોએ મુખરજીના મૃત્યુના સમાચારો પર પ્રશ્ર્ન ઉઠાવ્યા. તેમને આગલી રાત્રે કઈ દવાઓ, કયાં ઇંજેક્શનો આપવામાં આવ્યાં હતાં? તેમને માત્ર ડો. અલી મોહમ્મદના હાથે જ કેમ સારવાર આપવામાં આવી? ડો. મુખરજીએ કહેલું કે તેમના ફેમિલી ફિઝિશિયને તેમને સ્ટ્રેપ્ટોમાયસીન લેવાની ના પાડી છે તેમ છતાં ડો. અલી મોહમ્મદે સ્ટ્રેપ્ટોમાયસીન આપેલી. સ્ટ્રેપ્ટોમાયસીનની આડઅસર ભારે ઝેરીલી હોય છે અને કિડની પર પણ ખરાબ અસર કરે છે.

બેરિસ્ટર યુ. એમ. ત્રિવેદી તેમને તે સાંજે મળેલા અને શ્રીનગરની સુપ્રીમ કોર્ટ (જી હા, શ્રીનગરની સુપ્રીમ કોર્ટ, કલમ ૩૭૦નો પ્રભાવ!)માં હબીયસ કોર્પ્સ દાખલ કરાયેલી જેના કારણે તેઓ બીજા દિવસે છૂટી જવાના હતા. શ્યામાપ્રસાદની તબિયત ખરાબ હતી પરંતુ યુ. એમ. ત્રિવેદીને તેઓ આનંદમાં જણાયા હતા. અચાનક તે રાત્રે જ તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ કે મૃત્યુના મુખમાં તેઓ કોળિયો બની ગયા?

૨૦૦૪માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે શ્યામાપ્રસાદ મુખરજીનું નિધન એ નહેરુની કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીરની શેખ અબ્દુલ્લા સરકાર વચ્ચેના ષડયંત્રનો હિસ્સો હતું. જ્યારે મુખરજીએ કાશ્મીરમાં પરમિટ વગર જવા નિર્ણય કર્યો ત્યારે અમને હતું કે પંજાબ સરકાર તેમની ધરપકડ કરશે અને આગળ જવા નહીં દે, પરંતુ તેમ ન થયું. પાછળથી અમને ખબર પડી હતી કે શેખ અબ્દુલ્લા સરકાર અને નહેરુ સરકારે ષડયંત્ર ઘડ્યું હતું જે મુજબ મુખરજીને કાશ્મીર આવવા તો દેવાના, પરંતુ કાશ્મીર છોડીને ન જઈ શકે તેવું કરવાનું. જો મુખરજીને કાશ્મીરમાં ઘૂસવા ન દે તો દેશભરમાં પ્રશ્ર્ન ઊઠે કે કાશ્મીર તો ભારતમાં ભળી ગયું છે તો ત્યાં પ્રવેશ કેમ નથી મળતો? શેખ અબ્દુલ્લા સરકારને કહેવામાં આવ્યું હતું કે મુખરજીને પાછા આવવા દેવાના નથી.

એમાં પણ કોઈ શંકા નથી કે જો મુખરજી જીવિત રહ્યા હોત તો નહેરુ માટે સમગ્ર દેશમાં મોટો પડકાર બની રહ્યા હોત. કદાચ, ભારતીય જનસંઘનાં મૂળિયાં પણ બંગાળ જેવા અત્યાર સુધી ભાજપ માટે દુર્ગમ કિલ્લા જેવા બની રહેલા રાજ્ય સહિત સમગ્ર ભારતમાં ઊંડે સુધી નખાઈ ગયા હોત.

જોકે મુખરજીનું અવસાન ભાજપ માટે પણ એક રાજકીય મુદ્દો જ બની રહ્યો લાગે છે, કારણકે તેની સરકાર છ વર્ષ (૧૯૯૮-૨૦૦૪) સુધી રહી પરંતુ તેણે મુખરજીના નિધનની તપાસ કેમ ન કરાવી? કારણ કે તે વખતે તેમના સાથી હતા શેખ અબ્દુલ્લાના પુત્ર ડો. ફારુક અબ્દુલ્લા! ૧૯૯૯માં અટલબિહારી વાજપેયીની સરકારમાં ફારુક અબ્દુલ્લાના પુત્ર અને શેખ અબ્દુલ્લાના પૌત્ર ઓમર અબ્દુલ્લાને વિદેશ ખાતાના રાજ્ય પ્રધાન બનાવાયા હતા! હવે અત્યારે કેન્દ્રમાં ભાજપને પૂર્ણ બહુમતી છે અને મોદી સરકાર છે. કાશ્મીરમાં પણ નેશનલ કોન્ફરન્સની સરકાર નથી. વળી, પીડીપી સાથે ભાજપ પણ સરકારમાં છે, ત્યારે જોવાનું રહે છે કે ભાજપ હવે શ્યામાપ્રસાદ મુખરજીના રહસ્યમય નિધનની તપાસ કરાવે છે કે નહીં.

તો, ડો. મુખરજીના અવસાનથી નહેરુ સરકાર હચમચી ગઈ. પં. નહેરુએ જનસંઘ અને પ્રજાપરિષદના નેતાઓ સાથે બેઠક યોજી. નહેરુએ તેમને આંદોલન પાછું ખેંચી લેવા અપીલ કરી. સામે પક્ષે કાશ્મીર નીતિમાં મહત્ત્વના ફેરફાર કરવાનું વચન આપ્યું. આના પરિણામે, ૭ જુલાઈ, ૧૯૫૩ના રોજ પ્રેમનાથ ડોગરાએ આંદોલન પાછું ખેંચી લીધું.

નહેરુનો શેખ અબ્દુલ્લા પ્રત્યે કેવો આંધળો પ્રેમ હતો? ભારતીય બંધારણ સભાના સભ્ય એમ. એલ. ચટ્ટોપાધ્યાય અને તેમના મિત્ર ડો. રઘુવીર કાશ્મીર ગયા હતા. ત્યાં તેમણે વિવિધ સામાજિક અને ધાર્મિક નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી. તે મુજબ, કાશ્મીરની સ્થિતિ અંગે એક સઘન અહેવાલ તૈયાર કરાયો હતો. આ અહેવાલમાં શેખ અબ્દુલ્લા કાશ્મીરને સ્વતંત્ર કરાવવા માગતા હતા તેનો ઉલ્લેખ હતો. અધૂરામાં પૂરું, સંયુક્ત રાષ્ટ્રોમાં હાજરી આપીને આવેલા શેખ અબ્દુલ્લાએ બ્રિટિશ પત્રકારો માઇકલ ડેવિડસન અને વોર્ડ પ્રાઇસને ઇન્ટરવ્યૂમાં કાશ્મીરને આઝાદ કરાવવાની વિગતવાર યોજના આપી. જ્યારે આ મુલાકાત સમાચારપત્રોમાં છપાઈ ત્યારે સરદાર પટેલે શેખ અબ્દુલ્લાને ફોન કરીને ખખડાવી નાખ્યા. પરંતુ શેખ પર તેની કોઈ અસર ન થઈ. ઉલટાનું થયું એવું કે ઇન્ટેલિજન્સ બ્યુરોના જે અધિકારીએ ભારત સરકારને શેખ અબ્દુલ્લાના ઇન્ટરવ્યૂ વિશે માહિતી આપી હતી તેને કાશ્મીર છોડીને જવું પડ્યું!

પરંતુ ધીરે ધીરે નહેરુનો પણ શેખ અબ્દુલ્લા પ્રત્યેનો ભ્રમ ભાંગીને ભુક્કો થવા લાગ્યો અથવા તો સમગ્ર દેશમાં શેખ અબ્દુલ્લા સામે પરિસ્થિતિ સર્જાવા લાગી હતી તે કારણે નહેરુને લાગ્યું કે શેખ સામે કંઈક પગલાં તો ભરવાં જ પડશે. શેખ અબ્દુલ્લાની દાનત કાશ્મીરને ભારત અને પાકિસ્તાનથી સ્વતંત્ર કરાવવાની થઈ ગઈ હતી. તે પાકિસ્તાન સાથે ભળી જઈને પણ આ બાબતે ષડયંત્ર કરવા લાગ્યા હતા. નહેરુ જ્યારે ૧૯૫૩માં કાશ્મીરની પાંચ દિવસની મુલાકાતે ગયા ત્યારે ગુપ્તચર સંસ્થાઓ દ્વારા નહેરુ સમક્ષ અબ્દુલ્લાની પાકિસ્તાન પ્રત્યેની નિકટતા અને તેમનાં જાહેર ભાષણોની ટેપ (એ વખતે ટીવી ન્યૂઝ ચેનલો હતી નહીં કે સીધું સાંભળવા મળી જાય), શેખ અબ્દુલ્લાના પત્રો...આ બધા પુરાવા રજૂ કરાયા અને નેહરુ ચોંકી ગયા. આટલું બધું થવા છતાં નહેરુએ શેખ અબ્દુલ્લાને કહ્યું: શેખસાહેબ, અત્યાર સુધી હું જવાહરલાલ નહેરુ તરીકે તમારી સાથે વર્તતો હતો, પણ હવે મારે તમારી સાથે ભારતના વડા પ્રધાન તરીકે વર્તવું પડશે. આનો અર્થ એ થયો કે અત્યાર સુધી નહેરુએ જે પગલાં ભર્યાં તે શેખના મિત્ર તરીકે ભર્યા હતા!

તે વખતે કાશ્મીરના સદર-એ-રિયાસત (કલમ ૩૭૦ના કારણે કાશ્મીર અલગ દેશ હોય તેમ જ ત્યાંનો વહીવટ ચાલતો હતો તેથી ત્યાંના રાજ્યપાલને રાષ્ટ્રપતિનો દરજ્જો હતો અને મુખ્યપ્રધાનને વડા પ્રધાનનો દરજ્જો હતો, તેથી ઉર્દૂમાં રાજ્યપાલને સદર-એ-રિયાસત અને મુખ્ય પ્રધાનને વઝીર-એ-આઝમ કહેવાતું) ડો. કરણસિંહ હતા, જે મહારાજા હરિસિંહના દીકરા હતા, તેમણે શેખ અબ્દુલ્લાને બરતરફ કરી નાખ્યા. કારણ એવું આપ્યું કે તેમણે તેમના મંત્રીમંડળનો વિશ્ર્વાસ ગુમાવી દીધો છે. શઠ પ્રતિ શાઠ્યમની ની નીતિ અપનાવતાં કરણસિંહે ગેરબંધારણીય પગલું પણ લીધું અને તે એ કે અબ્દુલ્લાને વિધાનસભામાં બહુમત પણ પુરવાર ન કરવા દેવાયો. શેખ અબ્દુલ્લાની જગ્યાએ બક્ષી ગુલામ મોહમ્મદને વઝીર-એ-આઝમ બનાવી દેવાયા. થોડા જ સમયમાં શેખ અબ્દુલ્લાની ધરપકડ કરાઈ. વરિષ્ઠ પત્રકાર ઇન્દર મલ્હોત્રાએ ઇન્ડિયન એક્સ્પ્રેસ’ (તા.૫ માર્ચ, ૨૦૧૨)માં લખ્યું છે તેમ, નહેરુના ઈશારે તેમને ટૂંકા ગાળામાં જ છોડી પણ મૂકાયા. જોકે, શેખ અબ્દુલ્લાના સાથીએ જનમત મોરચો (પ્લેબિસાઇટ ફ્રન્ટ) શરૂ કર્યો હતો, જેનો ઉદ્દેશ કાશ્મીરમાં જનમત સંગ્રહ કરવાનો હતો. આ મોરચા સાથે શેખ અબ્દુલ્લા સંકળાયા તેથી તેમની ફરી ધરપકડ કરી દેવામાં આવી અને તેમની સામે પાકિસ્તાન સાથે મળીને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દઈ દેશદ્રોહ કરવાનો આરોપ લગાડી કાશ્મીર કોન્સ્પિરસી કેસ શરૂ કરાયો.

કેસમાં દલીલ કરાઈ હતી કે જ્યારે અબ્દુલ્લા જેલમાં હતા ત્યારે તેમનાં પત્ની અને અન્ય સાથીઓને આ હેતુ માટે પાકિસ્તાન તરફથી મોટી માત્રામાં નાણાં મળ્યાં હતાં. ઉપરાંત પૂલો, ફેક્ટરીઓ, સેનાની ઈમારતો, મસ્જિદો, મંદિરો અને ગુરુદ્વારાને ફૂંકી મારવા માટે વિસ્ફોટકો પણ પકડાયા હતા. આનો હેતુ સરકારને નિષ્ક્રિય કરી દેવાનો હતો. પાકિસ્તાનના લોકોને તાલીમ આપીને અહીં અરાજકતા ફેલાવવા મોકલાતા હતા. ૧૯૫૯થી ખટલો શરૂ થયો અને ઈ.સ. ૧૯૬૨ સુધી ચાલ્યો. સ્પેશિયલ મેજિસ્ટ્રેટે આ કેસને ઉપલી અદાલતમાં મોકલ્યો. તેમની સામે આઈપીસીની જે કલમો લગાડાઈ હતી તે અનુસાર શેખ અબ્દુલ્લાને કાં તો ફાંસીની સજા મળી હોત અથવા આજીવન કેદ. પરંતુ હજુ નહેરુનો શેખ પ્રત્યેનો પ્રેમ ઓછો નહોતો થયો. કદાચ ઉપર કહ્યાં એ પગલાં તેમણે ભારતના લોકોનો રોષ શાંત પાડવા લીધા હતા?

જોકે, શેખ અબ્દુલ્લા જેલમાં પુરાયા ત્યારે ત્રણ કામ સારાં થયા. પહેલું, કાશ્મીર વિધાનસભાએ ઠરાવ પસાર કરી કહી દીધું કે જમ્મુ-કાશ્મીર ભારતમાં ભળી ગયું છે. બીજું, પરમિટ પ્રથા બંધ કરાઈ. અને ત્રીજું, સદર-એ-રિયાસત અને વઝીર-એ-આઝમનાં પદો નાબૂદ થયા. આથી હવે કાશ્મીરમાં જે સરકારનો વડો બને તે કાશ્મીરનો વડા પ્રધાન નહીં, પણ મુખ્ય પ્રધાન બનવાનો હતો. કાશ્મીરના રાજ્યપાલ જે બને તે હવે રાષ્ટ્રપતિ નહીં, રાજ્યપાલ તરીકે ઓળખાવાના હતા.

ડિસેમ્બર, ૧૯૬૩માં કાશ્મીર અશાંત બની ગયું (કે બનાવવામાં આવ્યું.) હઝરતબાલ દરગાહમાંથી મોહમ્મદ પયગંબરની દાઢીનો ગણાતો વાળ ચોરાઈ ગયો (કે ગૂમ કરી દેવામાં આવ્યો). આથી ફરી નહેરુના મગજમાં શેખના પ્રત્યે પ્રીતિ જાગી ઉઠી. તેમને લાગ્યું કે કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે એક જ જણ મદદ કરી શકે તેમ છે અને તે છે શેખ અબ્દુલ્લા! આ ઉપરાંત નહેરુ શેખ અબ્દુલ્લાના એ વિચારનું પણ સમર્થન કરતા હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યાં સુધી સમજૂતી નહીં થાય ત્યાં સુધી કાશ્મીરમાં શાંતિ કે સ્થિરતા નહીં સ્થપાય! આમ, કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડી દેવાનું પાપ પણ નહેરુ અને શેખ અબ્દુલ્લાના માથે છે. કાશ્મીર આપણો પ્રદેશ છે. તેમાં શાંતિ સ્થાપવા માટે પડોશી દેશની મદદ લેવી પડે?

ઇન્દર મલ્હોત્રા લખે છે, નહેરુના વફાદાર અને ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા બી.એન. મલિક પણ શેખ અબ્દુલ્લા સામે કાશ્મીર કોન્સ્પિરસી કેસ પાછો ખેંચી લેવાની વિરુદ્ધ હતા. તેમણે વચન આપ્યું હતું કે થોડાં સપ્તાહોમાં જ તેઓ આરોપો સાબિત કરી બતાવશે.

પણ નહેરુના મગજમાં શેખ અબ્દુલ્લા બરાબર ઘૂસેલા હતા. ૧૯૬૪માં જ્યારે આખો દેશ આ કેસના પરિણામની (ખરેખર તો શેખને શું સજા થાય છે તેની) રાહ જોઈને બેઠો હતો ત્યારે અચાનક કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો (ઘરની ધોરાજી!) તેમને છોડી દેવામાં આવ્યા. બહાર નીકળ્યા ત્યારે નહેરુનું તેડું તેમની રાહ જોતું હતું!

(ક્રમશ:)
24-05-2015
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=163190

હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડ્યંત્ર
૮ એપ્રિલ, ૧૯૬૪ના રોજ જમ્મુની જેલમાંથી શેખ અબ્દુલ્લા છૂટ્યા ત્યારે નહેરુનું આમંત્રણ તેમની રાહ જોતું હતું. નહેરુએ તેમને વિનંતી કરી હતી કે તેઓ જેમ બને તેમ જલદી દિલ્હી આવી જાય. સામાન્ય રીતે કોઈ મુખ્ય પ્રધાન આવે તો તેને ઉતારો ક્યાં અપાય? કોઈ સર્કિટ હાઉસ કે એવા કોઈ ભવનમાં. પણ શેખ પ્રેમી નહેરુએ તો પોતે જ્યાં રહેતા હતા તે તીન મૂર્તિ હાઉસમાં રહેવા, જેમની સામે દેશદ્રોહનો આરોપ લગાડાયો હતો તેવી વ્યક્તિને કહ્યું. જેલની હવા ખાઈ ચુકેલા શેખેય ભાવ ખાધો. તેમણે દિલ્હી તરફ હડી મૂકવાના બદલે શાંતિથી મે મહિનામાં જવાનું પસંદ કર્યું. 

હઝરતબાલ દરગાહમાંથી હઝરતનો બાલ (મોહમ્મદ પયગંબરની દાઢીનો વાળ) ચોરાતાં કાશ્મીરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આ વાળ પાછો મળી આવતાં તે તો શમી ગયાં હતાં. એટલે હવે નહેરુએ શેખ અબ્દુલ્લાને ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપવાનું કામ સોંપ્યું! (બહાર રાખવાનું કારણ તો જોઈએ ને. નહીંતર વળી પાછા જેલભેગા કરવા પડે.) અને આ માટે શેખ અબ્દુલ્લાને પાકિસ્તાન જવાનું હતું.

ઈન્દર મલ્હોત્રા લખે છે તેમ, મૂળ યોજના એવી હતી કે શેખ અબ્દુલ્લા ત્યારે યુદ્ધવિરામની રેખા જે અત્યારે અંકુશ રેખા તરીકે ઓળખાય છે, તેને ઓળંગીને ચાલતા ચાલતા જાય. નહેરુને તો આ વિચાર ગમી ગયો હતો, પરંતુ તેમાં જોખમ હતું તેનો તેમને ખ્યાલ નહોતો. 

અત્રે એ પણ નોંધવું જોઈએ કે અમદાવાદના સારાભાઈ કુટુંબનું ઘણું યોગદાન છે, પરંતુ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈનાં બહેન અને કૉંગ્રેસનાં મહામંત્રી મૃદુલા સારાભાઈ પણ શેખ અબ્દુલ્લાના ભારે તરફદાર હતાં. એ મૃદુલા સારાભાઈએ આ યોજનાનો વિરોધ કર્યો કે માનો કે, શેખ અબ્દુલ્લા આવતા હોય તેની ખબર ન હોય અને પાકિસ્તાનનાં દળો ભારતમાંથી કોઈ ઘૂસણખોર આવે છે તેમ માનીને ઠાર કરી દે તો? આ વિચારને તે વખતે પાકિસ્તાનમાં ઉચ્ચ આયુક્ત જી. પાર્થસારથીએ અનુમોદન આપ્યું અને પછી નહેરુને પણ ઠીક લાગ્યો. આથી શેખ અબ્દુલ્લાને વિમાનમાં રાવલપિંડી જવા કહેવાયું.

પાકિસ્તાન શરૂઆતમાં શેખ અબ્દુલ્લાનું વિરોધી હતું, પરંતુ ધીમે ધીમે તેણે (આપણે ગયા હપ્તે જોયું તેમ) શેખ અબ્દુલ્લાને પોતાની તરફ કરવા માંડ્યા હતા. આથી અબ્દુલ્લા ત્યાં ગયા એટલે તેમનું કોઈ નાયક કે હીરો આવે ત્યારે કરાય તેમ જબરદસ્ત સ્વાગત કરાયું.

શેખ અબ્દુલ્લાએ હવે નવો દાવ ખેલ્યો. તેણે ભારત અને પાકિસ્તાનની સરકાર સમક્ષ કોન્ફિડરેશન રચવાનો મમરો મૂક્યો. કોન્ફિડરેશન એટલે રાજકીય એકમોનો શંભુ મેળો જે એક સંધિથી સાથે જોડાય છે. તેમનાં બંધારણ એક જ હોય તેવું જરૂરી નથી. બેલ્જિયમ, યુરોપીય સંઘ વગેરે આવા કેટલાક કોન્ફિડરેશન છે. શેખ અબ્દુલ્લાનો વિચાર આમ તો સારો હતો. જો આવું થયું હોત તો...તો કદાચ કોઈ પણ રીતે ભારત એક રહ્યું હોત, પરંતુ...પાકિસ્તાનના પ્રમુખ અયૂબ ખાન અને ભારતના વડા પ્રધાન નહેરુ બંનેએ આ પ્રસ્તાવ ફગાવી દીધો. 

વચ્ચે એક વાત એ પણ લઈ લઈએ કે શેખ અબ્દુલ્લાને જેલમાં પુરાયા પછી મુખ્ય પ્રધાન તરીકે બક્ષી ગુલામ મોહમ્મદ હતા. તેમણે નેશનલ કોન્ફરન્સને તોડીને પોતાનો અલગ પક્ષ રચ્યો હતો અને તે કૉંગ્રેસમાં ભળી ગયા હતા. હવે નહેરુ ત્રીજી વાર વડા પ્રધાન તરીકે ચુંટાયા પછી પ્રજામાં રોષ હતો. એ વખતે તે વખતના મદ્રાસના મુખ્ય પ્રધાન કે. કામરાજે એક યોજના મૂકી કે કૉંગ્રેસના તમામ વરિષ્ઠ મંત્રીઓ રાજીનામાં આપી પક્ષના કામમાં લાગી જાય. આ વાતને ગુલામ મોહમ્મદ સાથે કોઈ લેવા દેવા નહોતી. છતાં તેમની પાસેથી રાજીનામું લઈ લેવાયું કે તેમણે (દોઢ)ડાહ્યા થઈને સામેથી રાજીનામું ધરી દીધું. 

‘માય ફ્રોઝન ટ્રિબ્યુલન્સ ઇન કાશ્મીર’ પુસ્તકમાં કાશ્મીરના રાજ્યપાલ રહી ચુકેલા જગમોહન મલ્હોત્રાએ લખ્યું છે કે બક્ષી ગુલામ મોહમ્મદમાં ત્રણ ખામી હતી. તેમણે શેખ અબ્દુલ્લાનું સ્થાન લીધું હોવાથી તેમને કાશ્મીરના લોકો સાથે દગો કરનાર તરીકે ચિતરવામાં આવ્યા હતા. પ્લેબિસાઇટ ફ્રન્ટે તેમની સામે ઝેરી પ્રચાર કર્યો હતો. બીજું, નેશનલ કોન્ફરન્સમાં જ તેમના ઘણા દુશ્મનો હતા. તેઓ નવી દિલ્હીમાં તેમની વિરુદ્ધ વાતો પહોંચાડતા હતા. અને ત્રીજું, બક્ષીએ પક્ષમાં વહાલાદવલાની નીતિ કરી હતી અને ભાઈભત્રીજાવાદને પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ ભ્રષ્ટાચાર પણ ભારે કર્યો હતો. 

તેમના રાજીનામાને નહેરુએ સ્વીકારી લીધું, પરંતુ બક્ષી પછી બક્ષીના માનીતા ખ્વાજા શમશુદ્દીનને મુખ્ય પ્રધાન બનાવાયા. હવે હઝરતબાલ ચોરાયાની ઘટના પછી કાશ્મીરમાં અશાંતિ વ્યાપી ગઈ હતી અને બાલ મળ્યા પછી પણ તે થાળે નહોતી પડતી તે વખતે લાલબહાદુર શાસ્ત્રી કાશ્મીર ગયા અને તેમણે હઝરતબાલની મુલાકાત લીધી. લોકોમાં શમશુદ્દીનના શાસન સામે પણ રોષ હતો. (જેલમાં બેઠાં બેઠાં શેખ અબ્દુલ્લા ઉંબાડિયાં મૂકે રાખતા હતા.) તેથી જી. એમ. સાદિકને શમશુદ્દીનના સ્થાને મુખ્ય પ્રધાન બનાવાયા. સાદિકે જ નહેરુના કહેવાથી શેખ અબ્દુલ્લાને મુક્ત કર્યા અને તેમની સામે બધા આરોપો પાછા ખેંચી લીધા. આ તરફ પાકિસ્તાન તરફી તત્ત્વો પણ સંગઠન રચવા લાગ્યા હતા. મિરવાઇઝ (મિર એટલે વડા અને વાઇઝ એટલે પૂજારી) મૌલવી ફારુકે અવામી ઍક્શન કમિટી રચી હતી. 

ફરી શેખ અબ્દુલ્લાના પાકિસ્તાન પ્રવાસ પર આવી જાવ. અબ્દુલ્લા જ્યારે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના પાટનગર મુઝફ્ફરાબાદ હતા ત્યારે તેમને પં. નહેરુના નિધનના સમાચાર મળ્યા. પ્રવાસ ટૂંકાવી તેઓ દિલ્હી પાછા ફર્યા. નહેરુના અવસાન પછી શેખને લાગ્યું કે તેમને રોકનારું હવે કોઈ નથી. આથી તેઓ કાશ્મીરમાં ફરી ભારત વિરોધી પ્રવચનો કરવા લાગ્યા. ફેબ્રુઆરી, ૧૯૬૫માં શેખ અબ્દુલ્લા તેમનાં પત્ની સાથે હજ પઢવા જવા માગતા હતા. તેમને તે માટે મંજૂરી આપવામાં આવી, પરંતુ હજ પઢવા સીધા મક્કા જવાના બદલે તેઓ યુ.એ.આર. (એ વખતે ઇજિપ્ત અને સિરિયાએ યુનાઇટેડ આરબ રિપબ્લિક નામનો દેશ બનાવ્યો હતો જે હવે આજે નથી.) યુકે અને ફ્રાન્સ અને અન્ય કેટલાક દેશોની મુલાકાતે પહોંચી ગયા! (આ બધું ભારત સરકારની કેડ પર હતું.) 

એક ઉર્દૂ કવિએ એટલે જ લખ્યું:

સિધારે પીર કાબા કો, હમ ઇંગ્લિસ્તાન જાયેંગે

ખુદા કા નૂર વો દેખેં હમ ખુદા કી શાન દેખેંગે

(પૂજારીઓને ભલે મક્કા જવા દો, અમે તો ઇંગ્લેન્ડ જશું, તેમને ઈશ્ર્વરનો પ્રકાશ જોવા દો, અમે તો તેની જાહોજલાલી અને વૈભવ જોઈશું.)

અબ્દુલ્લા ઇંગ્લેન્ડથી ફ્રાન્સ ગયા. ત્યાંથી મક્કા ગયા. ત્યાં સાઉદી નેતાઓને મળ્યા બાદ ઈજિપ્ત ગયા. તેમણે તેના પ્રમુખ નાસીરનો કાશ્મીરને સ્વતંત્ર કરાવવા માટે ટેકો માગ્યો પણ નાસીરે તેમને ડિંગો બતાવ્યો! બાદમાં તેઓ અલ્જેરિયા ગયા. ત્યાં તેમણે ભારતને શરમમાં મૂકવાનું કાર્ય કર્યું. ૨૮ માર્ચ, ૧૯૬૫ના રોજ તેઓ અલ્જેરિયન નેતાઓની હાજરીમાં ચીનના વડા પ્રધાન ચાઉ એન લાઇને મળ્યા. ચીન તો ભારતનું દુશ્મન હતું જ. તેમણે શેખ અબ્દુલ્લાને તમામ સહાય આપવાની ખાતરી જાહેરમાં આપી. બાપના પૈસે ફરતા હોય તેમ શેખ અબ્દુલ્લા ફરી યુ.એ.આર. ગયા અને ત્યાંથી બીજી વાર હજ પઢવાના નામે તેઓ આંતરરાષ્ટ્રીય મુસ્લિમ પરિષદમાં ભાગ લેવા ગયા. ભારત સરકારે આ પરિષદમાં ભાગ લેવા પ્રતિનિધિઓ મોકલ્યા જ હતા, પણ શેખ અબ્દુલ્લા ક્યાં પોતાને ભારત સરકારના તાબામાં માનતા હતા. 

તેથી તેમનો પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો. તેઓ જ્યારે દિલ્હી એરપોર્ટ આવી પહોંચ્યા ત્યારે વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની સરકારે ૯ મે, ૧૯૬૫ના રોજ તેમની ધરપકડ કરી. વિદેશના અને ભારતના સમાચારપત્રોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો તેમજ ગુપ્તચર સૂત્રો મુજબ, શેખ અબ્દુલ્લા અલ્જેરિયાની જેમ કાશ્મીરને સ્વતંત્ર કરવા માગતા હતા. 

શાસ્ત્રીજીના સમયગાળામાં એક કામ સારું એ પણ થયું કે ડિસેમ્બર, ૧૯૬૪માં બંધારણમાં છઠ્ઠો સુધારો કરીને જમ્મુ-કાશ્મીરને ૩૫૬ કલમ લાગુ કરી દેવાઈ. આ કલમ હેઠળ હવે જો રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી ન હોય તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાતું હતું. આ સુધારા દ્વારા કાશ્મીરમાંથી સદર-એ-રિયાસત અને વઝીર-એ-આઝમના હોદ્દાને બદલે અનુક્રમે રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનના હોદ્દા મૂકવામાં આવ્યા.

૧૯૬૫માં કાશ્મીરને પચાવી પાડવાના મનસૂબાથી પાકિસ્તાનનાં દળો કાશ્મીરમાં ઘૂસ્યા અને યુદ્ધ છેડાયું. તે વખતે વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને સેનાના વડાએ સૂચવ્યું કે દુશ્મનને હટાવવો હોય તો બીજી સરહદે જવું પડે અને લાહોર આંતરરાષ્ટ્રીય સરહદની પેલે પાર હતી, પરંતુ નિડર શાસ્ત્રીએ સેનાને કહી દીધું: તમતમારે બિન્દાસ્ત જાવ. ભારતીય દળો છેક લાહોર સુધી પહોંચી ગયા, 

પરંતુ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સંધિ માટે સોવિયેત સંઘ (આજનું રશિયા) જવું પડ્યું. (તેઓ દબાણમાં ન ઝુક્યા હોત તો...?) ભારતનો વિજય છતાં ભારત પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર પાછું મેળવી શક્યું નહીં. અરે! આપણે એ યુદ્ધમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની બે ચોકીઓ હાજી પીર અને તિથવા જીતી લીધી હતી. તે વખતે વિપક્ષના નેતા અટલ બિહારી વાજપેયીએ શાસ્ત્રીના તાશ્કંદ જવાનો વિરોધ કર્યો હતો.

સોવિયેત સંઘના તાશ્કંદમાં મંત્રણા માટે જતા પહેલાં અખબારોના તંત્રીઓ સાથે શાસ્ત્રીએ બેઠક કરી હતી. તેમાં તંત્રીઓએ આ બે ચોકીઓ પર ભારતનો કબજો જળવાઈ રહે તે માટે કહ્યું હતું. શાસ્ત્રીએ કહેલું: હા, હું પ્રયત્ન કરીશ. સોવિયેત સંઘના પ્રમુખ કોશીજીને શાસ્ત્રીજીને વિનંતી કરી કે તમારે આ બે ચોકીઓ જતી કરવી પડશે. શાસ્ત્રીજીએ કહ્યું: ...તો પછી તમે બીજા કોઈ વડા પ્રધાન સાથે વાત કરી લો. એટલે કોશીજીને ભય બતાવ્યો કે તો પછી વાત સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં જશે. શાસ્ત્રીજી ઝૂક્યા અને કહ્યું કે અમે આ બે ચોકીઓ (પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની તો વાત જ નથી, ભારતે જીતેલી બે ચોકીઓ પણ પાછી આપી દેવાની વાત છે) પાછી આપી દઈએ પણ પાકિસ્તાને કહેવું પડશે કે જે કંઈ વિવાદ હોય તેનો ઉકેલ યુદ્ધ કે હિંસાના બદલે મંત્રણાઓ દ્વારા જ લવાશે. વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયર જે તે વખતે તાશ્કંદ ગયા હતા તેમના મુજબ, છેલ્લી જે બેઠક થઈ તેમાં સંધિમાં શાસ્ત્રીજીને હથિયારોનો ઉલ્લેખ ન જોવા મળ્યો (એટલે કે પાકિસ્તાન હથિયારોનો ઉપયોગ નહીં કરે). શાસ્ત્રીજીએ નારાજગી બતાવી. આથી અયૂબ ખાને પોતાના હાથે શબ્દો ઉમેર્યા, શસ્ત્રોના ઉપયોગ વગર. 

તે પછી તત્કાળ ત્યાં જ શાસ્ત્રીજી ભારતીય પત્રકારોને મળ્યા. પત્રકારોએ બે ચોકી અંગે રોષ વ્યક્ત કર્યો. એક પત્રકારે તો ત્યાં સુધી કહી દીધું: તમે દેશને વેચી નાખ્યો છે. શાસ્ત્રીજીએ ત્યાર બાદ દિલ્હી પોતાના કુટુંબને ફોન કર્યો. શાસ્ત્રીજીનાં પત્ની લલિતાજીએ તેમના પતિ સાથે વાત કરવાનો ઈનકાર કરી દીધો! કારણ? તેમના પતિએ બે ચોકીઓ જતી કરી હતી! દેશમાં પણ શાસ્ત્રીજીની સામે રોષ હતો. તાશ્કંદમાં જ શાસ્ત્રીનું નિધન થઈ ગયું. જોકે તેમના નિધન પાછળ ઘણા લોકો ષડયંત્ર જુએ છે. તેમનો દેહ ભૂરો પડી ગયો હતો, વળી, સત્તાવાર અહેવાલ પ્રમાણે, તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહોતું. કદાચ, સોવિયેત સંઘ એ વખતે નહેરુની નોન એલાઇન મૂવમેન્ટ (નામ) એટલે કે તટસ્થ રહેવાની નીતિથી નાખુશ હતું. શાસ્ત્રીજીએ પણ આ નીતિ ચાલુ રાખી હતી. વળી, ચીને ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને મદદ કરી હતી. એને ધ્યાનમાં લઈ સોવિયેત સંઘ ચીન અને અમેરિકા બંને સામે એશિયામાં પોતાનો પ્રભાવ બતાવવા માગતું હતું.

૮ ડિસેમ્બર, ૧૯૬૭ના રોજ શેખ અબ્દુલ્લાને જેલમાંથી છોડી દેવામાં આવ્યા. હવે કાશ્મીરની જનતા પણ શેખ અબ્દુલ્લાને બહુ ભાવ આપતી નહોતી. જોકે પ્લેબિસાઇટ ફ્રન્ટની પ્રવૃત્તિઓ ચાલુ જ હતી. 

હવે અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદે ૧૯૪૮માં જનમત સંગ્રહનું ડિંડવાણું ચાલુ કર્યું હતું જેને તે વખતે નહેરુએ સ્વીકાર્યું હતું. પણ તેમાં શરત એ હતી કે પાકિસ્તાન તેની સેના પાછી ખેંચી લે અને ભારત કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવે, પરંતુ પાકિસ્તાને તેની શરત ન પાળી તો પછી ભારતે પણ શરત ન પાળી. આના પછી વર્ષોવર્ષ યુએનની મહાસભામાં પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું અને ભારત તેનો જવાબ દેતું રહ્યું છે. જોકે, ૨૦૦૧માં સંયુક્ત રાષ્ટ્રોના મહાસચિવ કૉફી અન્નાને જ આ સુરક્ષા પરિષદના ઠરાવનો કોઈ અર્થ ન રહ્યાનું સ્વીકારી લીધું છે. (ક્રમશ:)

31-05-2015
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=163831

ઈન્દિરાની નિષ્ફળતા: યુદ્ધ જીત્યાં, પણ કાશ્મીર પાછું ન મેળવ્યું
૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધ પછી ભારતને રાજદ્વારી રીતે (મંત્રણાના ટેબલ પર) જબરદસ્ત નુકસાન થયું હતું. ભારત રણમેદાનમાં તો જીત્યું, પરંતુ તે ન તો પોતાનું ગુમાવેલું કાશ્મીર (જેને પાકિસ્તાન આઝાદ કાશ્મીર કહે છે) પાછું મેળવી શક્યું કે ન તો જીતેલી બે ચોકી મેળવી શક્યું. પરંતુ એક સારી વાત એ બની કે કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સમુદાયનો રસ પ્રમાણમાં ઓછો થયો (જોકે વર્ષોવર્ષ તેઓ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી બનવાની વાતો તો કરતા જ રહ્યા).

બીજી તરફ, પાકિસ્તાને અમેરિકા સાથે સૈન્ય જોડાણ કરવાનું મંજૂર કરતાં ભારતના ગૃહ પ્રધાન જી. બી. પંતે ઇ. સ. ૧૯૫૫માં જ જઈને સ્પષ્ટ ઘોષણા કરી દીધી હતી કે ભારત હવે જનમત નહીં કરાવે! (ભારતની આ આડોડાઈ જ હતી કેમ કે તેણે સંયુક્ત રાષ્ટ્રોમાં આ વાત મંજૂર રાખી હતી પરંતુ પાકિસ્તાન અમેરિકા પડખે ચડી રહ્યું હતું અને ભારતમાં સૈન્ય કાર્યવાહી દ્વારા બચેલા કાશ્મીરને બચાવવા માગતું હતું તેની સામે ભારતે જે કર્યું તે બરાબર જ કર્યું.)

ગયા હપ્તે કહ્યું તેમ, ૮ ડિસેમ્બર ૧૯૬૭ના રોજ શેખ અબ્દુલ્લાને જેલમાંથી મુક્ત કરાયા, પણ હવે તેમની ચાહના ઘટી હતી. ૧૯૬૭માં રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સને પછાડી ૬૧ બેઠક મેળવી વિજય મેળવ્યો હતો. પ્લેબિસાઇટ ફ્રન્ટની ભારત વિરોધી પ્રવૃત્તિ ચાલુ જ હતી. ૧૯૬૮માં શૈખ અબ્દુલ્લાએ પ્લેબિસાઇટ ફ્રન્ટના નેજા હેઠળ રાજ્યના લોકોની સભા યોજી અને એ બતાવવા પ્રયાસ કર્યો કે કાશ્મીર મુદ્દો જીવંત જ છે. 

૧૪ જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ પ્લેબિસાઇટ ફ્રન્ટ પર કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે પ્રતિબંધ મૂકી દીધો. તે વખતે જવાહરલાલ નહેરુનાં પુત્રી અને નહેરુ કરતાં અનેકગણા મજબૂત ગણાતાં ઈન્દિરા ગાંધી વડાં પ્રધાન બની ગયા હતાં. 

દરમિયાનમાં જમ્મુ-કાશ્મીરમાં ૧૨ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ મુખ્ય પ્રધાન જી. એમ. સાદિકનું અવસાન થયું. તેમના સ્થાને સૈયદ મીર કાસીમ મુખ્યપ્રધાન બન્યા. તેઓ પણ શેખ અબ્દુલ્લાના કુળના જ હતા. (અરવિંદ કેજરીવાલને ઉપદ્રવી ગૌત્રના કહેવાયા ત્યારે જેમ ઊંધો અર્થ કઢાયો હતો તેમ અહીં ઊંધો અર્થ ન કાઢવો, કુળના એટલે વિચારધારાના) અબ્દુલ્લાએ મહારાજા હરિસિંહ સામે કાશ્મીર છોડો આંદોલન આદર્યું ત્યારે તેમાં કાસીમે ભાગ લીધો હતો અને તેઓ જેલમાં પણ જઈ આવ્યા હતા. ભારતની સ્વતંત્રતા પછી કાશ્મીર માટે અલગ બંધારણ ઘડાયું ત્યારે તેને ઘડવામાં કાસીમની અગ્ર ભૂમિકા હતી. તેમણે રાજ્યમાં કોંગ્રેસને આગળ લાવી. 

સૈયદ મીર કાસીમે આત્મકથા જેવું પુસ્તક ‘માય લાઇફ એન્ડ ટાઇમ્સ’માં લખ્યું છે કે બંધારણના મુસદ્દાને અંતિમ ઓપ આપવામાં વિલંબકારી પરિબળોમાં કેટલાંક હતાં: શેખ અબ્દુલ્લા પાગલ જેવા હતા. તેમના કેન્દ્ર સાથે (એટલે કે નહેરુ સાથે) સંબંધો સતત બદલાતા રહેતા. અમારા પણ તેમની સાથે મતભેદો હતા. તેમની ધરપકડ થઈ. સૈયદ મીર કાસીમ મુજબ, શેખ અબ્દુલ્લાને બદનામ કરવાનું કાવતરું તેમના પછીના નાયબ વડા પ્રધાન (અગાઉ લખ્યા મુજબ, પહેલાં કાશ્મીરમાં વડા પ્રધાનનો હોદ્દો હતો) બક્ષી ગુલામ મોહમ્મદ કેન્દ્ર સરકાર સાથે મળીને ઘડી રહ્યા હતા. શેખની ધરપકડ થઈ પછી બક્ષીને જ કાશ્મીરના નવા વડા પ્રધાન (હકીકતે મુખ્ય પ્રધાન) બનાવવામાં આવ્યા હતા. કાસીમ લખે છે કે શેખ અબ્દુલ્લાની ધરપકડના કારણે કાશ્મીરની પ્રજામાં જબરદસ્ત રોષ હતો. બક્ષીનું ઘર પણ હુમલાખોરોના નિશાન પર આવી ગયું હતું.

કાસીમ એક બીજો ચોંકાવનારો ઘટસ્ફોટ એ પણ કરે છે કે શેખની ધરપકડ નહેરુના ઈશારે નહોતી થઈ, પરંતુ તત્કાલીન ખાદ્ય અને કૃષિ પ્રધાન રફી એહમદ કિડવાઈના ઈશારે થઈ હતી. જ્યારે રાજ્ય આખામાં શેખની ધરપકડ ઉચિત છે અને ધરપકડ પાછળ કયાં કારણો છે તે સમજાવવાનું કામ બક્ષી કરી રહ્યા હતા ત્યારે અચાનક એક રાત્રે દિલ્હીથી ફોન આવ્યો અને તેમાં કહેવાયું કે શેખસાહેબ સાથે સમાધાન કરી લો. જોકે નહેરુની ઈચ્છા વગર ત્યારે પાંદડું પણ હલતું હોય તે કલ્પવું અઘરું લાગે છે.

કાસીમ લખે છે કે બક્ષીસાહેબ તો સ્તબ્ધ બની ગયા! પ્રજામાં શેખની ધરપકડ સામે રોષ પ્રવર્તતો હોય અને બક્ષી તેનાં કારણો પ્રજાને ગળે ઉતારવા પરસેવો પાડી રહ્યા હોય તેવા વખતે આદેશ મળે કે શેખ સાથે સમાધાન કરી લો તો માણસ આઘાત જ પામી જાય ને. (માનો કે કાસીમનો આ બચાવ સાચો હોય તો પણ એ વડા પ્રધાન કેવા કહેવાય કે તેમના મંત્રી તેમની સંમતિ વગર જ ધરપકડનો આદેશ આપી દે અને તે પણ વડા પ્રધાનને અત્યંત વહાલી એવી વ્યક્તિની ધરપકડ?)

શેખને નહેરુ કેવા વહાલા હતા તેનું ઉદાહરણ આપતા કાસીમ લખે છે કે બક્ષી ગુલામ મોહમ્મદે આર. સી. રૈનાને અંગત સચિવ તરીકે નિમ્યા હતા. નહેરુએ આ વ્યક્તિની નિમણૂકનો વિરોધ કરતો પત્ર લખ્યો હતો. તેમના મત મુજબ, આ રૈના સારી પ્રતિષ્ઠા ધરાવતા નહોતા અને સૌથી વધુ તો, તેઓ શૈખના દુશ્મન હતા! (અત્યારે અરવિંદ કેજરીવાલ વિ. લેફ્ટ. જંગ અને કેન્દ્રનો જંગ ચાલે છે ત્યારે આ બાબત પણ નોંધવા જેવી છે કે નહેરુ અંગત સચિવની નિમણૂકમાં પણ હસ્તક્ષેપ કરતા હતા)

જ્યારે શેખ સાથે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હતા ત્યારે બક્ષીએ સાદિક (તેમના પછીના મુખ્ય પ્રધાન) અને કાસીમને સમજાવ્યું કે તમે જો એમ માનતા હો કે શેખ સુધરી જશે તો તમે ભૂલ કરો છો. એક પત્ર બતાવ્યો. તે શેખનો હતો. આ પત્ર પાકિસ્તાનના કોઈ ગુલામ રસૂલને મોકલવામાં આવ્યો હતો. તેમાં લખાયું હતું: અમે બે કાતર અને અન્ય સાધનો ઝાડ કાપવા માટે મોકલી રહ્યા છીએ. આ સાધનો સાથે બગીચામાં સારી કાટછાંટ કરજો. મતલબ કે, શેખ તેમના સાથીઓની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ જ પત્ર બાદમાં શેખ સામે જે કાશ્મીર કોન્સ્પિરસી કેસ (જેના વિશે આપણે ૧૭ મે ૨૦૧૫ના લેખમાં લખી ગયા)માં પુરાવો બન્યો. 

સૈયદ મીર કાસીમ લખે છે કે રેડિયો પાકિસ્તાન અને રેડિયો આઝાદ કાશ્મીર પણ કાશ્મીરના લોકોને ભડકાવવામાં ભાગ ભજવી રહ્યો હતો. હઝરતબાલમાંથી વાળ ચોરાઈ ગયો ત્યારે હિંસા ભડકાવવા તેમજ આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ગજવવા માટે આ બંને રેડિયો સ્ટેશનોએ મોટી ભૂમિકા ભજવી હતી. ભારતના હિન્દુ શાસકો સામે જેહાદ છેડવાનું આહ્વાન પણ કરાયું હતું. (પાકિસ્તાન સહિત) છ મુસ્લિમ દેશો તેમજ સંયુક્ત રાષ્ટ્રોના હસ્તક્ષેપ માટે વિનંતી કરાઈ રહી હતી. સીબીઆઈ ડિરેક્ટરે કાસીમને વાળની ચોરી અંગે પૂછ્યું ત્યારે જે પાંચ સંકેતો તેમણે આપ્યા હતા તેમાંનો એક હતો કે શેખે જેલમાં બેઠા આ ચોરી કરાવી છે જેથી તેમને મુક્ત કરવામાં આવે.

શેખને જ્યારે કાશ્મીર કોન્સિપરસી કેસમાં જેલમાંથી છોડાયા ત્યારે સાદિક અને કાસીમ તેમના નેશનલ કોન્ફરન્સના સમર્થકો સાથે કોંગ્રેસમાં ભળી ગયા હતા, કારણકે બક્ષી ગુલામ મોહમ્મદ તેમના સમર્થકો દ્વારા સાદિક અને કાસીમને સતત ઊભડક જીવે રાખી રહ્યા હતા. પરંતુ શેખે કોંગ્રેસ માટે બહુ જ મુશ્કેલી પેદા કરી દીધી હતી, ત્યાં સુધી કે કોંગ્રેસના મુસ્લિમ કાર્યકરો કે તેમના સંબંધીઓનાં મોત થાય તો તેને કબરમાં દફનાવા પણ ન દેવાય. અરે! કાસીમનાં માસીનું મૃત્યુ થયું ત્યારે શેખના એક સાથી બેગના ભાઈ સાંત્વના આપવા આવ્યા તે પણ શેખને પસંદ નહોતું પડ્યું. કાસીમ લખે છે કે જો મારી આવી હાલત હોય તો સામાન્ય કાર્યકરોની શું હાલત હશે?

આમ છતાં, જમ્મુ-કાશ્મીરની અને ભારતની જનતાનું દુર્ભાગ્ય જુઓ, શેખની આટલી બદમાશી છતાં માત્ર નહેરુ જ નહીં, અગાઉના હપ્તામાં લખ્યું તેમ મૃદુલા સારાભાઈ, રામમનોહર લોહિયા, અરે! જયપ્રકાશ નારાયણ પણ ઈચ્છતા હતા કે શેખનું મહત્ત્વ જળવાઈ રહે. કાસીમે લખ્યું છે કે જેપી તરીકે ઓળખાતા જયપ્રકાશ નારાયણ પણ શૈખથી ભારે મોહિત હતા. 

ઉપર કહ્યું તેમ ૧૯૬૮માં શેખે શ્રીનગરમાં કાશ્મીરના લોકોની સભા બોલાવી હતી અને તેમાં જેપી સહિત બિનકોંગ્રેસી નેતાઓને બોલાવ્યા હતા. તેનો હેતુ કાશ્મીરના ભારતમાં વિલીનીકરણને નકારવાનો અને જનમતસંગ્રહ અભિયાનને આગળ વધારવાનો હતો! શેખ પોતે ફરી કાશ્મીરના મુખ્ય પ્રધાન બનવા માગતા હતા. જેપી તેમાં હાજર રહ્યા, પરંતુ કોંગ્રેસ, સ્વતંત્ર પક્ષ અને જનસંઘ તેનાથી વેગળા રહ્યા. પ્લેબિસાઇટની ભારત વિરોધી પ્રવૃત્તિઓના કારણે શૈખ અબ્દુલ્લા, અફઝલ બેગ અને જી. એમ. શાહને ૮ જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી તડીપાર કરાયા અને તે પછી પ્લેબિસાઇટ ફ્રન્ટ પર ૧૨ જાન્યુઆરીએ પ્રતિબંધ મૂકી દેવાયો.

૧૯૭૧ના ડિસેમ્બરમાં પાકિસ્તાનના પૂર્વ ભાગ (હાલના બાંગ્લાદેશ)માં ઊથલપાથલ શરૂ થઈ હતી અને તેના પરિણામે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધ છેડાયું. આ યુદ્ધ બાદ પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભૂટ્ટો અને ભારતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી વચ્ચે સિમલામાં મંત્રણા થઈ. યુદ્ધમાં આપણે સિંધ અને પાકિસ્તાનના પંજાબના દક્ષિણ સહિત ઘણો વિશાળ ભાગ (૧૨ હજાર ચોરસ કિમી) જીત્યો હતો. પાકિસ્તાનના ૯૩ હજાર કેદીઓ આપણા કબજામાં હતા. 

પરંતુ તાશ્કંદની જેમ ફરી એક વાર આપણે મંત્રણાના મેજ પર હારી ગયા! આપણા કાશ્મીરનો પાકિસ્તાને ૧૯૪૭માં પચાવી પાડેલો ભાગ પાછો આપવા, આપણા કેદીઓ છોડાવવાની વાત સહિતના મુદ્દે આપણે પાકિસ્તાનને મનાવી ન શક્યા. પી. એન. ધારે ઇન્દિરા ગાંધી: ધ ઇમરજન્સી એન્ડ ઇન્ડિયન ડેમોક્રસી’ પુસ્તકમાં લખ્યું છે કે મંત્રણામાં ભારતીય ટીમની આગેવાની કરી રહેલા ડી. પી. ધાર અચાનક માંદા પડી ગયા અને તેમના સ્થાને પી. એન. હસ્કરે આગેવાની લીધી. તેમણે કાશ્મીર મુદ્દો સંડોવવા આડકતરો પ્રયાસ કર્યો અને સીઝ ફાયરની લાઇન (યુદ્ધવિરામની રેખા)ને લાઇન ઑફ કંટ્રોલ (અંકુશ રેખા) ગણાવવાનો મુદ્દો સામેલ કર્યો જે માટે પાકિસ્તાન (પોતે હારી ગયું હોવા છતાં) તૈયાર નહોતું. ૨ જુલાઈ, ૧૯૭૨ના રોજ મંત્રણા લગભગ પડી ભાંગી જ હતી. પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભૂટ્ટોએ અગાઉ લાઇન ઑફ કંટ્રોલ ગણવા હા પાડી દીધી હતી જે તેના અધિકારી ફગાવી રહ્યા હતા. પત્રકારો પણ મંત્રણા નિષ્ફળ ગઈ હોવાનું જાહેર કરવા લાગ્યા. ત્યાં ભૂટ્ટોએ દાવ ખેલ્યો. તેઓ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને મળવા ગયા. 

અંગત મુલાકાતમાં એવું તે શું જાદુ કર્યું કે ઈન્દિરા ગાંધી તેમની વાત સાથે સંમત થઈ ગયાં! ઈન્દિરાએ બહાર આવીને કહ્યું કે આ જ એક માત્ર શક્ય ઉકેલ છે! આપણા લશ્કરે પોતાના જવાનોને શહીદ કરીને જીતેલા પ્રદેશો બિનશરતી રીતે પાછા આપી દેવાયા!

આપણે સોવિયેત સંઘને આપણું હિતેચ્છુ માનતા રહ્યા અને (આપણાં માધ્યમો, આપણી ફિલ્મોમાં) અમેરિકાને બૂરું ચિતરતા રહ્યા, પરંતુ તાશ્કંદમાં સોવિયેતે લુચ્ચાઈ કરી અને ભૂટ્ટો- ઈન્દિરા ગાંધીની મંત્રણામાં પણ તેણે પ્રભાવ ઊભો કર્યો. પાકિસ્તાને સેન્ટો (સેન્ટ્રલ ટ્રેટી ઑર્ગેનાઇઝેશન) અને સીએટો (સાઉથ ઇસ્ટ એશિયા ટ્રેટી ઑર્ગેનાઇઝેશન) સાથે સંધિ કરી હતી. ભૂટ્ટો એપ્રિલ, ૧૯૭૨માં મોસ્કો જઈને સોવિયેત સંઘ સાથે સોદો કરતા આવ્યા કે પોતે આ સંધિમાંથી નીકળી જશે અને બદલામાં તેણે ભારતને જીતેલા પ્રદેશો પાછા આપી દેવા દબાણ કરવું. તેના પછી તરત ભારતે તેના પ્રતિનિધિઓને મે ૧૯૭૨માં સોવિયેત સંઘ મોકલ્યા હતા. પરંતુ ઈન્દિરા ગાંધી સોવિયેત સંઘની વાત પ્રત્યે બેધ્યાન હોય તેવું દેખાવા માગતા નહોતા. જી. પાર્થસારથીએ ટ્રિબ્યુન ભારતના ધ ટ્રિબ્યુન’ દૈનિકમાં લખેલા લેખ મુજબ, ઈન્દિરા ગાંધી તાશ્કંદ મંત્રણાથી સુપેરે પરિચિત હતાં. તે મંત્રણા પછી સોવિયેત સંઘ અને પાકિસ્તાન નજીક આવ્યા હતા અને બંનેએ સૈન્ય સંબંધ શરૂ કર્યા હતા. ગમે તેમ, પણ શાસ્ત્રીની જેમ ઈન્દિરા ગાંધી પણ સોવિયેતના દબાણમાં આવી ગયા હતા. (ક્રમશ:)
















Wednesday, May 13, 2015

કાશ્મીર: સરદાર પટેલ હોત તો...! --- ચંદ્રકાંત બક્ષી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=159562


સરદાર વલ્લભભાઈ પટેલે જીવનનાં છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં સામ, દંડ અને ભેદથી (સરદારના જીવનમાં "દામનો પ્રશ્ર્ન જ ન હતો.) હિન્દુસ્તાનનો નકશો એકરંગી બનાવ્યો અને રજવાડાઓના પીળા ડાઘ ભૂંસી નાખ્યા. ઉત્તરનાં ઝિંદ, નાભા, કપૂરથલા, પટિયાલા જેવાં શીખ રાજ્યો, રાજપૂતાનાં બિકાનેર, જોધપુર, જયપુર, ભરતપુર, અલવર જેવાં રાજપૂત રાજ્યો, ગાયકવાડ અને સિંધિયા જેવાં મરાઠા રાજ્યો, ભોપાલ જેવું અજ્જડ પાકિસ્તાનતરફી મુસ્લિમ રાજ્ય, ત્રાવણકોર- કોચીન (કેરાલા) ના સર સી. પી. રામસ્વામી અય્યર જેવા ત્રાંસા અને લગભગ દ્રોહી દીવાનો, માયસોરથી મયૂરભંજ સુધીનાં સેંકડો રાજ્યોના સર્વેસર્વા અન્નદાતાઓ જેમના દરેક અવાજનો ઉત્તર "ઘણી ખમ્મા ! અને "હુકમ ! અને "જી, બાપજી ! અપાતો હતો.... આ બધાને સરદારે એક કતારમાં ઊભા કરી દીધા હતા. પછી સરદારે હૈદરાબાદ અને જૂનાગઢને ઝબ્બે કર્યા, અને ઘણાને ખબર નથી પણ લક્ષદ્વીપ લઈ લીધું (લક્ષદ્વીપ લગભગ ૧૦૦ ટકા મુસ્લિમ છે, પણ એ ૧૯૪૭ના દિવસોમાં સરદારે જબરદસ્ત દીર્ઘદષ્ટિ અને વિધુત ઝડપ વાપરીને કબ્જે કરી લીધું હતું !) અને માઉન્ટ આબુનો ગુજરાતમાં સમાવેશ કરી લીધો હતો! પછીના કૉંગ્રેસી દૂરીતીરી પ્રકારના મુખ્યમંત્રીઓ આવ્યા અને આબુુ રાજસ્થાને પડાવી લીધું.

અને કાશ્મીર રહી ગયું, કારણકે કાશ્મીર પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનો વિષય હતો. નેહરુ કાશ્મીરી પંડિત હતા એ પણ એક કારણ હતું. કેટલાક ગંભીરતાથી માને છે કે જો સરદારે કાશ્મીર પ્રશ્ર્ન હાથમાં લીધો હોત તો કાશ્મીર ક્યારનું ય ઇન્ડિયામાં હોત! આ તર્ક ગુજરાતીઓનેે ગમે એવો છે પણ બહુ વાસ્તવિક નથી, કારણ કે કાશ્મીર જૂનાગઢ કે હૈદરાબાદની જેમ ચારે તરફ હિન્દુસ્તાનથી ઘેરાયલું નથી પણ છ સ્વતંત્ર દેશોની સરહદો કાશ્મીરને મળે છે. કાશ્મીરની તત્કાલીન ભૌગોલિક-રાજનીતિક પરિસ્થિતિ જુદી હતી. પણ એટલું ચોક્કસ છે કે કાશ્મીર સમસ્યા આજે જેટલી જટિલ બની ગઈ છે એટલી જટિલ સરદાર હોત તો કદાચ ન બનત. સરદારની યોજના પ્રમાણે હિન્દુસ્તાન ચાલ્યું હોત તો કાશ્મીરમાં હિન્દુ-શીખ બહુમતી હોત, અને કદાચ સિક્કિમની જેમ કાશ્મીર હિન્દુસ્તાનનો એક અવિભાજ્ય હિસ્સો હોત. અને સરદાર હોત તો પાકિસ્તાનને આટલી ગુંલાટો, છલાંગો, ઠેકડા, ભુસ્કા મારવા દેત નહીં. હિન્દુસ્તાનના બદનસીબે આપણા ઇતિહાસમાં એક કાલખંડ એવો આવી ગયો કે પાકિસ્તાનથી મુકાબિલ થવા માટે તદ્દન કાયર અને કરોડરજ્જુ વિનાના પ્રધાનમંત્રીઓની એક કતાર આવી ગઈ: વી. પી. સિંહ, ચંદ્રશેખર, ઇન્દરકુમાર ગુજરાલ, દેવેગૌડા, નરસિંહ રાવ ! દરમિયાન પાકિસ્તાન કાશ્મીર મસલાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં સફળ થઈ ગયું.

ઇંગ્લેડની ઇચ્છા હતી કે કાશ્મીર પાકિસ્તાનમાં જોડાય ! સરદારે ૧૯૪૭ના જુલાઈમાં કાશ્મીરના મહારાજાને સૂચન કર્યું હતું કે હિન્દુસ્તાનમાં જોડાઈ જાઓ, પણ સપ્ટેમ્બરમાં જોડાવાની મહારાજાની ઑફરનો નેહરુએ અસ્વીકાર ર્ક્યો. નેહરુને અટકાયતમાં રહેલા એમના મિત્ર શેખ અબ્દુલ્લાની મુક્તિ વધારે મહત્ત્વની લગતી હતી! તાયફાવાળાઓનું આક્રમણ આવ્યું, મહારાજાએ જોડાણ કરાર (ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ એક્સેશન) પર સહી કરી, સામાન લઈ જનારાં હવાઈ જહાજોમાં ઇન્ડિયન આર્મીના પ્રથમ દસ્તા શ્રીનગર પહોંચ્યા. પાછળથી કૃષ્ણમેનને યુનોમાં કહ્યું કે આ દસ્તાઓમાંનો એક પણ સૈનિક જીવતો બચ્યો ન હતો ! અને એ શરૂનાં વર્ષોમાં પંડિત નેહરુ કલકત્તામાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર એક જાહેર સભામાં બોલ્યા હતા, જે મને યાદ છે, કારણકે હું એ સભામાં ગયો હતો. જે સૈનિકો મોકલાયા હતા એમાંના કેટલાક મદ્રાસ રેજિમેન્ટના હતા અને એમણે જિંદગીમાં પહેલી વાર બરફ જોયો હતો! એ મદ્રાસી સૈનિકો કહેતા હતા : અહીંની તો મિટ્ટી પણ સફેદ છે...!

નવેમ્બર ૧૯૪૭માં જિન્નાહે પાકિસ્તાન આર્મીને કાશ્મીરમાં પ્રવેશ કરવાનો આદેશ આપ્યો, જેનો સુપ્રીમ કમાન્ડર સર કલોડ ઓકીનલેકે વિરોધ કર્યો અને ધમકી આપી કે જો પાકિસ્તાની લશ્કર કાશ્મીરમાં આવશે તો દરેક અંગ્રેજ અફસર પોતાના પદનું ત્યાગપત્ર આપી દેશે. જિન્નાહને ઝૂકવું પડ્યું પણ એમણે બીજી બાજી ગોઠવી. જિન્નાહે પંડિત નેહરુ અને સરદાર પટેલને ચર્ચા કરવા માટે લાહૌર આવવાનું આમંત્રણ આપ્યું. પંડિત નેહરુ માની ગયા પણ સરદારે સાફ ના પાડી દીધી. નેહરુની તબિયત નાદુરસ્ત હતી એટલે એમણે માઉન્ટ બેટનને જવા કહ્યું. આ મિટિંગમાં કાશ્મીર સમસ્યાને યુનોમાં લઈ જવાનો વિચાર પહેલી વાર કરવામાં આવ્યો હતો. જિન્નાહે પ્લેબીસાઇટ અથવા જનમતનો વિચાર વહેતો મૂક્યો, માઉન્ટ બેટને સુધારો કર્યો કે આ પ્લેબીસાઇટ યુનોના માર્ગદર્શન નીચે થવું જોઈએ. પંડિત નેહરુએ યુનોના આધિપત્ય નીચે આવું થાય એ નિર્દોષતાથી સ્વીકારી લીધું અને નવેમ્બર ૧૯૪૭માં સંસદમાં જાહેર પણ કરી દીધું. ડિસેમ્બર ૨૦, ૧૯૪૭ને દિવસે ભારતના પ્રધાન મંડળે યુનોમાં આ પ્રશ્ર્ન લઈ જવાનો ઠરાવ કરી દીધો. યુનોમાં કાશ્મીર સમસ્યા લઈ જવાનો માઉન્ટ બેટનનો સખ્ત આગ્રહ હતો. જૂન ૧૯૪૮માં માઉન્ટ બેટને હિન્દુસ્તાન છોડી દીધું. આ બધી અન્દરૂની માહિતીનું એક સૂત્ર ચંદ્રશેખર દાસગુપ્તાનું પુસ્તક "વૉર ઍન્ડ ડિપ્લોમસી ઇન કાશ્મીર, ૧૯૪૭-૧૯૪૮ છે.

આજે ૫૫ વર્ષ પછી કાશ્મીરનો પ્રશ્ર્ન વધારે જટિલ બની ગયો છે કારણ કે ઘણાં બધાં બાહ્ય પરિબળોએ ભાગ ભજવ્યો છે. એક વિચારધારા એવી છે કે જો અમેરિકા અફઘાનિસ્તાન પર આક્રમણ કરી શકે અને ઇરાક પર પ્રથમ હુમલો (પ્રિએમ્પટિવ સ્ટ્રાઇક) કરી શકે, જો રશિયા જ્યોર્જીઆમાં ચેચન બળવાખોરોને આશ્રય આપવા માટે જ્યોર્જીઆ પર પ્રથમ આક્રમણની ધમકી આપી શકે તો ભારત શા માટે આતંકવાદી અડ્ડાઓ પર તૂટી પડતું નથી ? કારણ કે ભારત પાસે અમેરિકાની જેમ બુશ કે રશિયાની જેમ પુટિન નથી...?

કાશ્મીરમાં માત્ર કાશ્મીરની ખીણ કે ઘાટી નથી, આ રાજ્યનું નામ "જમ્મુ અને કાશ્મીર છે, અને એમાં જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ એમ ત્રણ પ્રદેશો છે. આર.એસ.એસ. રાજ્યના ૩ ટુકડાઓ કરવા માગે છે, અને એમના તર્કમાં થોડું તથ્ય પણ છે. હિન્દુસ્તાનના ૧૨ કરોડ મુસ્લિમોમાં કાશ્મીરમાં ફક્ત ૫૦ લાખ જેટલા મુસ્લિમો છે. અહીંની સરકારના સવા બે લાખ સરકારી કર્મચારીઓમાંથી કાશ્મીરની ઘાટીમાં જમ્મુ અને લદ્દાખના પૂરા બસો પણ સરકારી અફસરો નથી ! જમ્મુ અથવા લદ્દાખનો કોઈ માણસ ક્યારેય કાશ્મીરનો મુખ્યમંત્રી બની શકશે નહીં, કારણકે ૮૭ સભ્યોની વિધાનસભામાં કાશ્મીરની ૪૬ સીટ છે. અને આ કૃત્રિમ બહુમતીની પાછળ કેવી બદમાશી રમાઈ છે? જમ્મુનો વિસ્તાર કાશ્મીરની ઘાટીથી લગભગ ડબલ છે.

જમ્મુની વસતિ પણ ઘાટીની વસતિ કરતાં વધારે છે. પણ વિધાનસભામાં જમ્મુના પ્રતિનિધિઓ કાશ્મીરના પ્રતિનિધિઓ કરતાં હંમેશાં ઓછા રહે એ માટે જમ્મુમાં દર ૮૫૦૦૦ મતદાતાઓ માટે એક પ્રતિનિધિ, અને કાશ્મીરમાં દર ૫૫૦૦૦ મતદાતાઓ માટે એક પ્રતિનિધિ નક્કી કરવામાં આવ્યો છે ! એટલે પરિણામ એ આવ્યું કે ઓછી વસતિવાળું કાશ્મીર વિધાનસભામાં ૪૬ પ્રતિનિધિઓ મોકલે છે, જ્યારે વધારે વસતિવાળા જમ્મુને ફક્ત ૩૭ પ્રતિનિધિઓ મળે છે ! અને આ સરાસર અન્યાયની સામે આપણા બધા જ રાજકીય પક્ષો શા માટે ચૂપ છે ?

કાશ્મીરનો પ્રશ્ર્ન આપણા નબળા નેતૃત્વને લીધે ચૂંથાઈ ગયો છે. પાકિસ્તાનનો કેસ કમજોર છે પણ પ્રસ્તુુતિ જોરદાર છે, આપણો કેસ મજબૂત છે, પણ આપણી પ્રસ્તુતિ આપણા નબળા નેતૃત્વને કારણે કમજોર પડી જાય છે...

કાલિદાસ અને શેક્સપિયર અને તુલસીદાસ: સમસામયિકતાનો પ્રશ્ર્ન --- ચંદ્રકાંત બક્ષી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=158905




પ્રકૃતિની એક સાઈકલ હોય છે, જે આપણને સમજાતી નથી, પણ આપણે આંખોથી જોઈ શકીએ છીએ. નવજાત બાળકોમાં છોકરીઓ આવતી જાય છે. પછી જે બાળકોના જન્મ વિશે સાંભળીએ છીએ એ છોકરાઓ જ હોય છે. હજી વિજ્ઞાન પણ બરાબર સમજાવી શકતું નથી કે આ સેક્સ-સંતુલન પ્રકૃતિ કેવી રીતે રાખી શકે છે. ઈતિહાસમાં આ પ્રકારનું સંતુલન નથી, પણ એક બીજા પ્રકારની વિચિત્રતા જોવા મળે છે. 

એક જ સમયે લગભગ એક જ પ્રકારની મેધાનો વિસ્ફોટ વિશ્ર્વના જુદા જુદા પ્રદેશોમાં એક સાથે કેવી રીતે થાય છે? સર્જનહાર નામની કોઈ શક્તિ ઈતિહાસનું સંચાલ કરે છે? પ્રકાશયુગ એક સાથે પ્રકટે છે, બર્બર અંધકાર છવાય છે તો એક સાથે જ છવાય છે. ભૂગોળની સીમાઓ કાપીને જન્મેલી ઈતિહાસની એક સમસામયિકતા આપણે જોઈએ છીએ, જુદા જુદા દેશોમાં, જુદી જુદી જાતિઓમાં અને એનું આશ્ર્ચર્ય અભ્યાસીઓને પણ છૂટતું નથી. 

ભગવાન બુદ્ધ ભારતવર્ષમાં ઈસા પૂર્વ પ૬૦માં જન્મે છે અને ચીનમાં એટલી જ ઊંચાઈવાળી પ્રતિભા કોન્ફ્યૂશિયસ ઈસા પૂર્વ પપ૧માં જન્મે છે. એ વખતે જ ચીનમાં લાઓ ઝી અને ભારતવર્ષમાં જૈન મહાવીર સમસાયિક છે. જરાક જ પાછળ (ઈતિહાસનાં હજારો વર્ષોના વ્યાપમાં સો-બસો વર્ષોને સમસામયિકતાના પટ્ટામાં જ મુકાય છે.) ઈસા પૂર્વ ૩૯૯માં સોક્રેટિસનું અવસાન થાય છે. ધર્મપ્રવર્તન એક જ સમયખંડમાં સંસ્કૃત જગતના તત્કાલીન પ્રદેશોમાં એકસાથે કેવી રીતે થાય છે? આ સમસામયિક કે કોન્ટેમ્પોરેનિટીના પ્રવાહો દરેક યુગમાં મનુષ્ય જોતો રહ્યો છે, કારણ કે ઈતિહાસ એ મનુષ્ય ઉત્થાનનો એક અંશ છે અને એ પ્રાપ્ત બળો-પરિબળોના પરિણામરૂપ એનો આકાર સર્જાય છે. 

પ્રવાહ-પ્રતિપ્રવાહો સાથે અને ઉપર નીચે પણ વહેતા રહેતા હોય છે. આપણા સમયમાં આપણે હિંદુસ્તાન અને પાકિસ્તાનના બે ટુકડા હિંદુસ્તાનના ઉપખંડમાંથી તૂટતા જોયા છે. એ જ કાળમાં પેલેસ્ટાઈનમાંથી ઈઝરાયલ બન્યું છે. ચીનમાંથી તાઈવાન જન્મ્યું છે. ઉત્તર અને દક્ષિણ કોરિયા બન્યાં, ઉત્તર અને દક્ષિણ વિયેતનામ હતાં, ઉત્તર અને દક્ષિણ યમન આપણે જોયાં છે. સાયપ્રસ ગ્રીક સાયપ્રસ અને તુર્ક સાયપ્રસ આપણે જોયાં છે. પૂર્વ અને પશ્ર્ચિમ જર્મની હતા. પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બનતું આપણે જોયું છે. ભૂમિખંડોના વિરાટ ટુકડાઓ તૂટતા અને જોડાતા આપણે જોઈ રહ્યા છીએ, જે આપણી સમસામયિકતાનું લક્ષણ છે. એક જ સમયે ભિન્ન ભિન્ન દેશોમાં એક જ વિચારપ્રવાહ વહે છે એની પાછળ કોઈ પૂર્વનિયમ છે?

ઈતિહાસકારોએ આ વિશે સમજવાનો પ્રયાસ કર્યો છે. ઈતિહાસનો કોઈ પૂર્વયોજિત ગ્રાફ હોય છે? ઈટાલિયન ઈતિહાસકારોમાં સર્વોચ્ચ નામ વીકોનું છે. વીકોએ લખ્યું હતું કે એકબીજાથી તદ્દન અપરિચિત સમસ્ય પ્રજાઓ માત્ર સત્યનો આધાર લઈને સમાન વિચારી શકે છે! મનુષ્યજાતિમાં એક સામૂહિક સામાન્ય બુદ્ધિ છે અને રાષ્ટ્રોના સંબંધો માટે એક પાકૃતિક નિયમ હોય છે. ઈતિહાસની અંતર્ગત પણ એ સનાતન વિકાસ નિયમ રહેલો છે. જેમ બધાને અથવા બહુમતીને જે ન્યાયી લાગે છે એક જ દરેક સમાજ સ્વીકારતો આવ્યો છે. ઈશ્ર્વરની કલ્પના કે લગ્નની સંસ્થા કે મરણોત્તર દફનક્રિયા જેવા વિચારો વિશ્ર્વની દરેક પ્રજામાં છે, એ વીકોનું વિધાન એ સમસામયિકતાના અભ્યાસનું આરંભબિંદુ છે...

યૌદ્ધાઓ, કવિઓ, ધર્મપ્રવર્તકો એક જ સમયે દેખાય છે. હિંદુસ્તાનમાં કવિ સોમદેવનો સમય સન ૧૦૩૫થી ૧૦૮૨ છે. એ જ ગાળામાં ફારસી કવિતાનું અમર નામ શેખ સાદી આવે છે, સન ૧૧૮૪થી ૧૨૮૨! યુરોપમાં સેન્ટ ટોમસ એક્વીનાસ સમકાલીન છે: ૧૨૨૪થી ૧૨૭૪... મહાકવિ દાન્તે ૧૨૬પમાં જન્મ્યા, દેહાંત થયો ૧૩૨૧માં.

આ તારીખો અને સંવતો ઈતિહાસના સિદ્ધાંતો સ્થાપવા માટે કાચી સામગ્રી છે. હિંદુસ્તાની કવિ અમીર ખુસરોના સમસામયિક ફારસી કવિઓ હતા: હાફિઝ અને સાદી. 

હિંદુસ્તાનમાં મુઘલ બાદશાહ અકબરનો (સન ૧પપ૬થી ૧૬૦પ) કાળ છે. પડોશમાં ઈરાનમાં એક અત્યંત સશક્ત રાજા રાજ કરે છે. નામ શાહ અબ્બાસ અને એનો કાળ છે સન ૧પ૮૭થી ૧૬ર૯. એક એવી માન્યતા છે કે હિંદુસ્તાનમાં ઈરાની સિપાહીઓ અને સાલારો જ્યારે ખુશખુશ થઈ જતા ત્યારે બોલતા: શાહ અબ્બાસ! શાહ અબ્બાસ!... અને ‘શાબાશ’ આ શાહમાંથી આવ્યો છે!

ઇંગ્લેન્ડમાં મહારાણી એલિઝાબેથ પ્રથમનો સ્વર્ણયુગ પણ સમસામયિક છે: સન ૧પપ૮થી ૧૬૦૩. દક્ષિણ ભારતમાં એક અત્યંત પ્રતિભાવાન સમ્રાટ આ કાળમાં આવી ગયો છે. રાજા કૃષ્ણદેવ રાય (સન ૧પ૦૯થી ૧પપ૦). આપણે ત્યાં શેક્સપિયર અને કાલિદાસની તુલના કરવાની એક રઘુકૂલરીતિ સદા ચલી આઈ... છે, પણ ઐતિહાસિકતાની દૃષ્ટિએ એ અસંગત છે. કાલિદાસ શેક્સપિયરથી ઓછામાં ઓછાં ૧ર૦૦ વર્ષો પૂર્વે થઈ ગયા. જો શેક્સપિયરના સમકાલિનને મૂકવા હોય તો ગોસ્વામી તુલસીદાસ હતા. 

તારીખો બરાબર મળતી નથી, પણ શેક્સપિયરનું ૧૬૧૬માં મૃત્યુ થયું. તુલસીદાસ ૧પ૩૩માં જન્મ્યા અને ૧૬૨૩માં ૯૦ વર્ષે અવસાન પામ્યા એવું મનાય છે. શેક્સપિયરનો જન્મ સન ૧પ૬૪માં થયો હોવાનું સ્વીકારાય છે. હિંદુસ્તાનમાં જ્યારે હડપ્પાનો વિનાશ થઈ રહ્યો હતો ત્યારે મેસોપોટેમિયામાં હમ્મુરાબીનો વંશ શેષ થઈ રહ્યો હતો. આ સમય ઈસા પૂર્વ ૧૬૦૦ જેવો મનાય છે.

સત્તરમી સદીમાં થઈ ગયેલા શેક્સપિયરને પાંચમી સદીમાં થઈ ગયેલા કાલિદાસ સાથે સરખાવનાર વિદ્વાનની દાનત કે સમજદારી વિશે પણ જરાક વિચાર કરવો જોઈએ. ઇંગ્લેન્ડમાં સન ૩૬૦ની આસપાસ પિક્ટ્સ અને સ્કોટ્સ પ્રજા દેખાય છે. સન ૪૦૭માં રોમનો ઇંગ્લેન્ડ છોડે છે. અત્યાર સુધી ઇંગ્લેન્ડ રોમન કબજાનો પ્રદેશ હતું. સન ૪૪૯માં એંગ્લ્સ અને સેક્સન્સ અને જ્યુટ્સ નામની અર્ધબર્બર જાતિઓ ઇંગ્લંડ પર આક્રમણ કરે છે. સન પ૦૦માં દંતકથામાં પ્રસિદ્ધ કિંગ આર્થર (રાઉન્ડ ટેબલ ફ્રેમ) આવે છે. આપણે ત્યાં કાળ ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યનો છે, નવ રત્નોનો છે, મહાન કાલિદાસનો છે. કાલિદાસના સમયે અંગ્રેજો બર્બર હતા એટલે શેક્સપિયર અને કાલિદાસની ઐતિહાસિક તુલના અસંગત લાગે છે. 

ઇંગ્લેન્ડનો રાજા કેન્યુટ અને આપણા રાજા ભોજ અને દક્ષિણના રાજ રાજેન્દ્ર ચોલ સમસામયિક હતા. યુરોપમાં માર્ટિન લ્યુથર આવે છે અને પ્રોટેસ્ટંટ ધર્મનું ચક્ર ફેરવે છે એ જ સમયે હિંદુસ્તાનમાં ૧પમી સદીમાં ગુરુ નાનક શીખ ધર્મનો પ્રારંભ કરે છે. મહમૂદ ગઝની (સન ૯૯૮થી ૧૦૩૦) અને રાજ રાજેન્દ્ર ચોલ (સન ૧૦૧ર-૧૦૪૪)નો એક જ કાળ છે. જ્યારે ગઝની સોમનાથ તોડતો હતો ત્યારે ગંગાઈકોન્ડા રાજેન્દ્ર ચોલનું નૌકાદળ પેસિફિક મહાસાગર સુધી પહોંચી ચૂક્યું હતું. યુરોપમાં ખ્રિસ્તીઓ મુસ્લિમો સામે ક્રુસેડ લડતા હતા. ખ્રિસ્તી શાર્લમેન (સન ૭૪૨થી ૮૧૪) અને આરબ હારુન અલ રશીદ (સન ૭૬૬થી ૮૦૯) એક જ સમયે કેવી રીતે થઈ ગયા? અને એ વખતે ભારતનરેશનું નામ હતું હર્ષવર્ધન!

શબ્દોના વિશ્ર્વમાં: ત્વમેવ વિદ્યા, દ્રવિણં ત્વમેવ... --- ચંદ્રકાંત બક્ષી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=160786


ભૂગર્ભ એટલે જેના ગર્ભમાં પૃથ્વી રહેલી છે. સંભવ એટલે સદા અસ્તિત્વવાળા. પુરુષ એટલે ૯ દ્વારવાળી શરીરરૂપી પુરીમાં રહેનારા. રુદ્ર એટલે દુષ્ટોને રડાવનાર અથવા સંહાર સમયે સર્વ પ્રાણીઓને રડાવનારા. યમ એટલે સર્વને પોતપોતાના કામમાં જોડનારા. મહેન્દ્ર એટલે મોટા ઈન્દ્ર, ઉપેન્દ્ર એટલે ઈન્દ્રના નાના ભાઈ. પાવન એટલે પવનને પવિત્રતા આપનારા. અશોક એટલે ક્ષુધા-તૃષા, જરા-મૃત્યુ, શોક-મોહરૂપી છ ઊર્મિઓથી રહિત. શ્રીમાન એટલે સદાય સર્વ પ્રકારની લક્ષ્મીવાળા. દમ એટલે શિક્ષા કરવા યોગ્યને શિક્ષા કરનારા, માનદ એટલે અભિમાનીઓનું માન તોડનારા, સર્વને આત્માભિમાન દેનારા...! આવા કેટલાય શબ્દો વિષ્ણુસહસ્ત્રનામમાં આપવામાં આવ્યાં છે. 

નારાયણને સમર્પણામિ સ્તુતિમાં એક વાક્ય આપણે જીવનભર રટતા રહ્યા છીએ, ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ’માં આગળ ‘ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ...’ આવે છે. તમે વિદ્યા પણ છો અને દ્રવ્ય પણ છો. વિદ્યા અને ધનને માતા અને પિતાની જેમ અલગ કરવામાં આવ્યાં છે? એ એકબીજાના પૂરક છે કે બે વિપરીત પરિબળો છે? વિદ્યાના જેટલું જ દ્રવ્ય મહત્ત્વપૂર્ણ હતું એ મોટી ઉંમરે સમજાય છે. ભગવાનને દ્રવ્ય સ્વરૂપે જોઈને પૂજા કરવી એ પણ નવો આયામ છે!

વિનોબા ભાવે સંત-સુરભિ, ભાગ-રમાં દક્ષિણના વિખ્યાત ધર્મસ્થાન તિરુપતિની વ્યુત્પત્તિ સમજાવે છે. તિરુ એટલે લક્ષ્મી! મૂળ શ્રીપતિનું તમિળ એ તિરુપતિ છે. વિનોબા માર્મિક કટાક્ષ કરે છે: મોટા ભાગના લોકોની નજર એ નામમાં આવેલી તિરુ (લક્ષ્મી) પર હોય છે. બહુ થોડા લોકોને એના ‘પતિ’ની જરૂર હોય છે. 

ભર્તૃહરિના વૈરાગ્ય શતકમાંથી સંસ્કૃત શબ્દો મળતા રહે છે, એવા શબ્દો તો આજે નષ્ટપ્રાય થઈ ગયા છે અથવા અદૃશ્ય થઈ ગયા છે. ક્ષત્રિય એટલે યોદ્ધો, પણ ક્ષોત્રિય એટલે વિદ્વાન. અજ્ઞ એટલે અજ્ઞાની... કાકા કાલેલકરે ‘સદાબોધશતકમ્’માં કેટલાક શબ્દોનાં સમાસ-સંધિ છૂટાં પાડીને સમજાવ્યા છે. અજ્ઞ: એટલે? જાનાતિ ઈતિ જ્ઞ:, ન જ્ઞ: અજ્ઞ:! હાથીને માટે દ્વિપ શબ્દ વપરાય છે. બંનેથી પીતો હોય એ દ્વિપ છે. દ્વાભ્યાં (શુંડ્યા, મુખેન ચ... સૂંઢ અને મુખેથી પણ) પિબતિ ઈતિ દ્વિપ:! પદ્મ અને કૈરવ બંને કમળ છે પણ બંને વચ્ચે તાત્ત્વિક ફર્ક છે. પદ્મ એટલે સૂર્યથી વિકસતું કમળ, જ્યારે કૈરવનો અર્થ થાય છે, ચંદ્રથી વિકસતું કમળ! દુર્ગનો વ્યુત્પત્તિ અર્થ થાય છે: દુખેન ગમ્યતે અત્ર ઈતિ. દુર્ગમ-સ્થાન, જ્યાં દુ:ખથી જવાય છે. શંકરમાં શમ્+કર છે, જે જોડવાથી શંકર બને છે. માત્ર શમ્નો અર્થ કલ્યાણ થાય છે. જે મૌન રાખતો હોય એ મુનિ છે. ઐશ્ર્વર્યમાં ઈશ્ર્વરસ્થ ભાવ છે સ્વામિત્વ, વૈભવની કલ્પના છે. ધી એટલે બુદ્ધિ અને બુદ્ધિ ચલાવનાર એ ધીર છે. પ્રારબ્ધમ્નો અર્થ જરા રસિક છે. પ્રારબ્ધમ્ એટલે શરૂ કરેલું. મૃદંગની વ્યુત્પત્તિમાં અસલ ભાવ આવી જાય છે. મૃદંગ એટલે માટીના અંગવાળા, જે મૃદંગ અથવા માટીના અંગવાળા છે એને લોટ મળવાથી એ મીઠું મીઠું બોલતા રહે છે. 

સંસ્કૃત સાહિત્યનો મહાસમુદ્ર એટલો વિરાટ છે કે જુદી જુદી શાખા-પ્રશાખાઓ અને વિદ્યાઓમાંથી શબ્દો મળતા રહે છે. સંસ્કૃત શબ્દભંડાર કદાચ વિશ્ર્વમાં અગ્રિમસ્થાને હશે, કારણ કે ઉપસર્ગ-વિસર્ગ વાપરીને એક જ શબ્દમાંથી સેંકડો શબ્દો બનાવી શકાય છે. યોગ જેવા શબ્દને અભિયોગથી યોગાભ્યાસ સુધી સેંકડો સ્વરૂપોમાં ફેરવી શકાય છે. 

ગતિ શબ્દ પાયામાં હોય અને પ્રગતિ, વિગતિ, અવગતિથી ગતિરોધ જેવા શબ્દ સુધી સેંકડો શબ્દો બનતા રહે છે. ઘણા શબ્દો એવા છે કે એકથી વધારે ઉપસર્ગો જોડી શકાય છે. ઘણા એવા પણ શબ્દો છે જે વપરાશ ન હોવાથી ખોવાઈ રહ્યા છે અને ઘણા સજીવન થઈ રહ્યા છે.

નાટ્યશાસ્ત્ર વિશે રસિકલાલ છો. પરીખની એક પુસ્તિકા છે, જેમાં વિશદ માહિતી આપવામાં આવી છે. આહાર્ય એટલે કૃત્રિમ. આમાં મેક-અપ અને નેપથ્યની વેશભૂષા આવી જાય છે અને આને આહાર્યાભિનય કહેવામાં આવે છે. 

નાટકની દુનિયામાં હાવ, ભાવ અને હેલા એવો શબ્દપ્રયોગ થતો રહે છે. ભાવ એટલે મનની સ્થિતિ, ભાવના. હાવ એટલે સ્ત્રીની શૃંગારયુક્ત ચેષ્ટા. હેલા એટલે તીવ્ર સંભોગેચ્છા અને એ વ્યક્ત કરતી ચેષ્ટાઓ અને રતિક્રીડા. આ શૃંગારરસના શબ્દો છે. આને સ્ત્રીઓ માટે સ્વભાવજ અર્થાત્ સ્વભાવમાંથી જન્મેલી વૃત્તિઓ ગણવામાં આવે છે. નાટ્યવિશ્ર્વમાં સંસ્કૃત ભાષા ખીલે છે. નટો છે અને સામાજિકો છે. પ્રાશ્ર્નિકો છે, સૂત્રધાર છે, પારિપાર્શ્વક છે, વિટ છે, વિદૂષક છે. એક્ટિંગના કેટલા પ્રકારો છે?

આંગિક, વાચિક, આહાર્ય (પુટ-ઑન) અને સાત્ત્વિક, એમ ચાર પ્રકારના અભિનયો છે. જેને આપણે એક્ટિંગ કહીએ છીએ એ માત્ર આંગિકમાં આવી જાય છે. ઑડિટોરીઅમ અથવા પ્રેક્ષાગૃહના પણ ત્રણ પ્રકાર બતાવ્યા છે: લંબચોરસ (વિકૃષ્ટ), ચોરસ (ચતુરસ્ત્ર) અને ત્રિકોણ (ત્ર્યસ્ત્ર). સંસ્કૃત ભાષાનો વૈભવ સમજવો હોય તો ભરતમુનિએ માથાથી પગ સુધી બુદ્ધિપૂર્વક હલાવીચલાવી શકાય એવાં અંગો-અવયવોની ક્રિયાઓ માટે અલગ-અલગ નામો આપ્યાં છે. આંગિક અભિનય કેવી રીતે કરી શકાય? એક સૂચિ: આંખની કીકીઓની ૧૧ પ્રકારની ક્રિયાઓ, પોપચાંની ૯ ક્રિયાઓ, ભાવની ૭ ક્રિયાઓ, નાકની ૬ પ્રકારની ક્રિયાઓ, ગાલની ૬ પ્રકારની ક્રિયાઓ, અધર અથવા નીચલા હોઠની ૬ પ્રકારની ક્રિયાઓ, ચીબુક અથવા હડપચીની ૬ પ્રકારની ક્રિયાઓ, ગ્રીવાની ૯ પ્રકારની ક્રિયાઓ...! આ સૂચિ પૂર્ણ નથી. આ સૂચિ માત્ર ચહેરાના કેટલાક હિસ્સાઓ વિશે જ છે. પૂરા શરીરની અન્ય આંગિક ક્રિયાઓ વિશે જુદા અધ્યાયો છે!

શિક્ષણના વિશ્ર્વમાં સંસ્કૃત પાસે કેવું વૈવિધ્ય હતું એ માટે માત્ર થોડા શબ્દપ્રયોગો પર્યાપ્ત છે. ઉપનયન એટલે શિષ્યને ગુરુની પાસે લઈ જવો. ગુરુકુળ શબ્દમાં વિદ્વાન આચાર્ય અને એમના શિષ્યમંડળનો સમાવેશ થતો હતો. અંતેવાસી શબ્દ પણ આ જ કક્ષાનો છે. જે ગુરુની પાસે વસે છે એ અંતેવાસિન્ છે. આચાર્ય શિષ્યને સંબોધન કરતા ત્યારે ‘સોમ્ય’ શબ્દ વાપરતા અને શિષ્યો આચાર્યને આદરપૂર્વક ‘ભગવન્’ કહેતા. આચાર્ય શબ્દનો અર્થ થતો હતો આચાર ગ્રહણ કરાવનાર વ્યક્તિ. એક ઉપનિષદ્માં પિપ્પલાદ ઋષિનો ઉલ્લેખ આવે છે, જે પીપળનું ફળ ખાઈને જીવતા રહેતા હતા માટે એમનું નામ પિપ્પલાદ પડ્યું હતું. માત્ર અમુક વિદ્યાઓ જાણનાર મંત્રજ્ઞ કહેવાતો હતો, સાચો જ્ઞાની એ આત્મજ્ઞાની હતો. 

ગ્રૅજ્યુએટને માટે સ્નાતક શબ્દ વપરાતો હતો અને આ શબ્દને સ્નાન સાથે સંબંધ હતો. સ્નાતક એટલે સ્નાન કરેલો. સ્નાતક થઈ ગયા પછી એક પ્રકારનું સ્વલ્પવિરામ આવી જાય છે?

---------------------

ક્લોઝ અપ

અહં બ્રહ્માસ્મિ, એટલે હું પોતે જ બ્રહ્મ હોઉં, હું પોતે જ ઈશ્ર્વર હોઉં, તો પછી મને મરજીમાં આવે તેમ આચરવાનો પરવાનો મળી જાય છે. ઘણા... આવો અર્થ માનનારા વેદાન્તીઓનો ઉપહાસ કરે છે...

-આનંદશંકર બાપુભાઈ ધ્રુવના ‘આપણો ધર્મ’માં રામનારાયણ વિશ્ર્વનાથ પાઠકે લખેલા ઉપોદ્ઘાતમાંથી: પૃષ્ઠ ર૦

બ્રહ્માંડમાં પાઈની માયા બહુ મોટી છે --- ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=158326


બ્રહ્માંડમાં સપાટ આકૃતિ ક્યાંય છે જ નહીં. જે છે તે વક્રકાર આકૃતિ છે, માટે ખૂણા અને પાઈમાંથી છટકી શકાય જ નહીં. માટે આ પાઈ દિવ્ય સંખ્યા છે, તે દિવ્ય બ્રહ્માંડ સાથે સંલગ્ન છે. પાઈની સંખ્યાનો પાર પામી શકાય તેમ નથી. તે સર્વત્ર દર્શન દે છે. નળાકાર, શંકુ, દડા આ બધાનાં જ ક્ષેત્રફળો અને ઘનફળોમાં પાઈ બેઠી જ છે


પુરાતન માનવીને વર્તુળની ઓળખ સૂર્ય-ચંદ્રના આકારો પરથી થઈ. તેની આસપાસ તે ક્ષિતિજ જોતો તેણે પણ માનવીને વર્તુળની ઓળખ આપી. છેવટે ચક્રની શોધ થઈ અને સામયિક ક્રિયાને માનવી સમજી શક્યો. 

માનવીએ પછી નાનાં મોટાં વર્તુળો બનાવ્યાં અને તેનાં પરિઘો (પરિઘી) માપ્યાં, તેનાં વ્યાસો માપ્યાં અને જોયું તો તેને આશ્ર્ચર્ય થયું કે વર્તુળ ગમે તેવું હોય, મોટું કે નાનું કે અતિ વિશાળ પણ તેના પરિઘનો વ્યાસ સાથેનો ગુણોત્તર લગભગ સરખો ૩.૧૪ર૮ની આસપાસ જ આવે છે. જેટલી વાર એક જ વર્તુળના પરિઘ અને વ્યાસ માપી તેનો ગુણોત્તર ગણિતજ્ઞ લેતો તેટલી વાર તે અલગ અલગ આવે, પણ ૩.૧૪૨૮ની આસપાસ જ આવેે. ગ્રીક ગણિતશાસ્ત્રીઓએ વર્તુળના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને ા (પાઈ)નું ચિહ્ન આપ્યું કારણ કે તે ખરેખર પૂર્ણાંક પણ નથી અને અપૂર્ણાંક પણ નથી અને વાસ્તવિકતઅંક, સંખ્યા પણ નથી. તે એવી સંખ્યાને પ્રદર્શિત કરે છે જેનો દર દસ બિંદુ પછી અંત જ નથી. ૩.૧૪ર૮પ૭... અંત જ નથી.

દશાંશબિંદુ પછી અબજો ને અબજો સંખ્યા આવે. આવી વિચિત્ર આ અંકસંખ્યા છે, હકીકતમાં તે અંક સંખ્યા નથી. 

પ્રથમ તેની લગભગ કિંમત કાઢનાર ભારતીય હતો પણ તેનું ચોક્કસ નામ જાણીતું નથી. ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં થયેલ આર્કિમીડીઝે તેની લગભગ કિંમત કાઢી અને પછી તેની વધારે ચોક્કસ કિંમત ઈસુની પાંચમી-છઠ્ઠી સદીમાં થઈ ગયેલ ભારતીય ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે કાઢી. પછી રામાનુજને રેકર્ડ તોડ્યો અને ા (પાઈ)ની દશાંશબિન્દુ પછી કેટલીય અંકસંખ્યા સુધી કિંમત કાઢી. હાલમાં કમ્પ્યુટરે દશાંશબિંન્દુ પછી અબજોને અબજો આંકડા સુધીની કિંમત કાઢી છે અને બધાને પાઈ વિશે આશ્ર્ચર્યમાં નાખી દીધાં છે.

પાઈની આટલી બધી અગત્યતા શું છે કે તેની કિંમત દશાંશબિન્દુ પછી કેટલીય સંખ્યા સુધી કાઢવી પડે છે? જો પાઈની કિંમત ૩.૧૪ લઈને તેને ૧૦૦ એ ગુણીએ તો જવાબ કામ આવે, પણ ા ની કિંમત રૂ. ૧૪ર લઈને ૧૦૦એ ગુણીએ તો તેની કિંમત ૩૧૪.ર આવે એટલે કે ૦.ર વધારે આવે. જો પાઈની કિંમત ૩.૧૪૨૮ લઈને તેને ૧૦૦એ ગુણીએ તો પાઈની કિંમત ૩૧૪.૨૮ આવે. હવે જો પાઈની કિંમત ૩.૧૪ લઈને ૧૦૦૦ વડે ગુણીએ તો તેની કિંમત ૩૧૪૦ આવે પણ તેની કિંમત ૩.૧૪ર લઈને ૧૦૦૦ ગુણીએ તો તેની કિંમત ૩૧૪ર આવે, બે વધી જાય. પાઈની કિંમત ૩.૧૪ર૮ લઈને તેને ૧૦૦૦ ગુણીએ તો તેની કિંમત ૩૧૪ર.૮ આવે એટલે કે પાઈની કિંમત ર.૮ વધી જાય. આમ જ્યારે પાઈને ૧૦,૦૦૦ કે લાખ કે કરોડ સાથે ગુણીએ તો પાઈની કિંમત વધારે મોટી આવે.

બ્રહ્માંડ માપવાનાં બધાં જ સૂત્રો જેવા કે ક્ષેત્રફળ, ઘનફળ, ગુરુત્વાકર્ષણનું બળ, વિદ્યુત-ચુંબકીયબળ બધામાં પાઈ (ા)ની સંખ્યા દર્શન દે છે. માટે પાઈની સચોટ કિંતમ જાણવી જરૂરી છે, નહીં તો ભૌતિક રાશિના માપન ઓછા આવે. તેમાંય તે પાઈને જ્યારે હજારોની સંખ્યા સાથે ગુણવાનું થાય ત્યારે તેની કિંમતમાં ઘણો તફાવત આવે છે. આવી પરિસ્થિતિમાં પાઈની લગભગ કિંમત દશાંશ બિન્દુ પછી ક્યાં સુધી લેવી તેનો વિચાર કરવો બહુ જરૂરી છે. ૩.૧૪ને ૧૦,૦૦૦ વડે ગુણીએ તો તેની કિંમત ૩૧૪૦૦ આવે પણ ૩.૧૪ર૮ સાથે ગુણીએ તો તેની 

કિંમત ૩૧૪ર૮ આવે ર૮ વધી જાય. માટે 

પાઈની સચોટ કિંમત કાઢવી આવી સ્થિતિમાં બહુ અગત્યની છે. 

વર્તુળના પરિઘનું સૂત્ર ૨ાિ છે. વર્તુળના ક્ષેત્રનું સૂત્ર ાિ૨ છે. લંબચોરના ક્ષેત્રફળનું સૂત્ર હડ્ઢબ છે. એલ=લંબાઈ, બી=પહોળાઈ. હકીકતમાં પૃથ્વી પર કોઈ પણ રેખા સુરેખા નથી તે વક્ર જ છે અને લંબચોરસ, સપાટ આકૃતિ નથી તે વક્ર લંબચોરસ છે અને જ્યાં વક્ર આવે ત્યાં ખૂણો પછી આવે અને પાઈ પણ આવે કારણ ૧૮૦ અંશ=૨ા, અને ૩૬૦ અંશ=૨ા આમ બ્રહ્માંડમાં સપાટ આકૃતિ ક્યાંય છે જ નહીં. જે છે તે વક્રકાર આકૃતિ છે, માટે ખૂણા અને પાઈમાંથી છટકી શકાય જ નહીં. માટે આ પાઈ દિવ્ય સંખ્યા છે, તે દિવ્ય બ્રહ્માંડ સાથે સંલગ્ન છે. પાઈની સંખ્યાનો પાર પામી શકાય તેમ નથી. તે સર્વત્ર દર્શન દે છે. પાઈની માયા બહુ મોટી છે. નળાકાર, શંકુ, દડા આ બધાનાં જ ક્ષેત્રફળો અને ઘનફળોમાં પાઈ બેઠી જ છે. 

વર્તુળને માપવા કોઈ વક્ર માપપટ્ટી નથી. માપપટ્ટી તો સીધી જ છે. દોરીથી વર્તુળને માપવા જઈએ તો વારે વારે તેને વક્ર કરવી પડે. તેથી વર્તુળનું માપ ચોક્કસ નીકળે નહીં. આથી જે પાઈની કિંમત ચોક્કસ નીકળે જ નહીં. તેની લગભગ કિંમત જ નીકળે. તેવું જ નળાકાર, શંકુ, દડાનું છે. આ બાબત જ પાઈની લગભગ કિંમતમાં પરાવર્તિત થાય છે. માટે જ પાઈની સચોટ કિંમત કાઢી શકાતી નથી. બ્રહ્માંડમાં ખરેખર કુદરતી છે તેનો તાગ કાઢી શકાતો નથી. કૃત્રિમ વસ્તુનો જ પાર પામી શકાય છે. બ્રહ્માંડમાં પાઈની 

માયા ઘણી મોટી છે. તેનો પાર પામવો અઘરો છે. 

તે લગભગમાં સરળ છે પણ હકીકતમાં અકળ છે. પાઈ હકીકતમાં આકાશમાંથી ઊતરી આવી છે. અંતરીક્ષને માપવા પાઈ જ કાર્યરત છે. પાઈ સર્વત્ર છે. 

પાઈ વક્રતાની દ્યોતક હોવા છતાં તેને સુરેખ સાથે સંબંધ છે. કારણ કે વર્તુળને જમીન પર એક ચક્કર ઘુમાવો અને જે અંતર માપે તે તેનું સીધું અંતર જેટલું વર્તુળ મોટું, તેટલો તેનો વ્યાસ મોટો અને તેટલું તેનું સુરેખીય અંતર મોટું. વર્તુળના વ્યાસને પાઈથી ગુણો એટલે તેનો પરિઘ આવે. અચોક્કસતા પાઈમાં છે. યુનેસ્કોએ ૧૨ વર્ષે ૧૪ માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય પાઈ દિવસ જાહેર કરેલ છે, કારણ કે પાઈનું બ્રહ્માંડમાં ખૂબ જ મહત્ત્વ છે. પણ કોઈએ પાઈ શા માટે આટલી મહત્ત્વની સંખ્યા છે તેનું 

ખરેખર વિવરણ આપ્યું જ ન હતું. માટે આંતરરાષ્ટ્રીય પાઈ દિવસ પછી મને પાઈ વિશે લખવાનો વિચાર આવ્યો.

બ્રહ્માંડમાં નાની વસ્તુની મોટી વાત --- ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=157699


બ્રહ્માંડમાં સુખી થવાનો એક જ ધોરી માર્ગ છે. કોઈ પણ વસ્તુની, કોઈ પણ બીજી વસ્તુ સાથે, કોઈ પણ જાતની ક્યારેય સરખામણી કરવી નહીં. એ જ માયા છે. સુખ-દુ:ખ વસ્તુત: આ સરખામણીમાં બેઠાં છે. 

૧૮૯૭માં વિખ્યાત ભૌતિકશાસ્ત્રી જે. જે. થોમસને ઈલેક્ટ્રોનને શોધી કાઢ્યો. આ ઈલેક્ટ્રોનનું દળ (ખફતત) તદ્દન નહીંવત્ છે. તેની પર ઋણવિદ્યુતભાર પણ વહન નહીવત્ છે. જ્યારે થોમસને આવા નગણ્ય ઈલેક્ટ્રોનને શોધ્યો તો બીજા વિજ્ઞાનીઓ કહેવા લાગ્યાં કે થોમસને આ નહીવત્ ઈલેક્ટ્રોનને શોધ્યો છે પણ તેનાથી વિજ્ઞાનને, લોકોને અને થોમસનને પોતાને શું મળવાનું છે. ઈલેક્ટ્રોન તો રાઈના દાણાથી પણ અબજ-અબજ-અબજગણો નાનો છે. તે દુનિયાને કોઈ પણ રીતે ઉપયોગી થાય તેમ લાગતું નથી. થોમસને ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર જેવો તાલ છે. હવે આપણને ખબર પડી છે કે ઈલેક્ટ્રોન તો હિમાલયથી પણ વિરાટ નીકળ્યો છે. વિદ્યુતપ્રવાહ ઈલેક્ટ્રોન છે. દુનિયાને અજવાળનાર ઈલેક્ટ્રોન છે. જ્યાં જ્યાં અગ્નિ બળે છે, પછી તે દીવો હોય, ગેસ હોય, બલ્બ હોય, લાકડું હોય કે ચિતા હોય તે બધાની માયા ઈલેક્ટ્રોન છે. ટ્રેન ચાલે, પ્લેન ચાલે, રોકેટ ચાલે કે સબમરીન છેવટે કરતૂત તો ઈલેક્ટ્રોન્સનું જ છે. પ્રકાશ કે કોઈ પણ જાતના રેડિએશન છેવટે ઈલેક્ટ્રોનની ગતિવિધિ છે. ઘરમાં ટી.વી. કે હાથમાં મોબાઈલ ચાલે તે બધું જ ઈલેક્ટ્રોનને લીધે છે. રસાયણશાસ્ત્ર પૂરું ઈલેક્ટ્રોનનું ફરજંદ છે. ધાતુઓના રંગ-રૂપ, ચળકાટ કે ઝાંખાપણું ઈલેક્ટ્રોન્સને આભારી છે. નવાં નવાં પદાર્થો બને છે, જોડાય છે, તત્ત્વો જોડાય છે, અણુઓ-અણુઓ જોડાય છે તેના પાયામાં આ સૂક્ષ્મ ઈલેક્ટ્રોન્સ છે. નાભિનો ભેદ ખૂલ્યો છે, પ્રોટોન, ન્યુટ્રોનનો ભેદ ખૂલ્યો છે, પણ આ રાઈથી પણ અબજ-અબજ-અબજ ગણા નાના ઈલેક્ટ્રોનનો ભેદ હજુ ખૂલ્યો નથી. શું વિજ્ઞાન ઈલેક્ટ્રોનને તોડી શકશે? શું વિજ્ઞાનીઓ ઈલેક્ટ્રોનમાં ડોકિયું કરી શકશે? ઈલેક્ટ્રોનને વળી પાછા બે રૂપો છે, પદાર્થકણનું રૂપ અને બીજું તરંગનું રૂપ. ઈલેક્ટ્રોનની માયા બ્રહ્માંડસ્તર સુધી વ્યાપેલી છે. ઈન્ટરનેટ એટલે ઈલેક્ટ્રોનની માયા, ઈ-ગવર્નન્સ એટલે ઈલેક્ટ્રોનની માયા, ઈ-ટિકિટ આ બધાએ હાલની દુનિયામાં જબ્બર એટલે જબ્બર ક્રાંતિ આણી છે. ઈલેક્ટ્રોન્સ જો ન હોત તો આપણે આ બ્રહ્માંડને કેવી રીતે સમજી શકત? બ્રહ્માંડની એક ચાવી ઈલેક્ટ્રોનના હાથમાં છે તો બીજી ચાવી નાના એવા સફરજન પાસે હતી જેને સફરજનના ઝાડ પરથી પડી ખણ ખણ કરતો અવાજ કરી ન્યુટનને તે ચાવી દેતું ગયું જેણે આપણને બ્રહ્માંડ સમજવામાં મદદ કરી. 

નાની એવી ઉલ્કાઓ, નાના એવા ધૂમકેતુઓ આપણને અદૃશ્ય બ્રહ્માંડમાં, અદૃશ્ય સૂર્યમાળામાં ડોકાવવાની બારી ખોલી આપી. ચંદ્રને નાનો ગણાય છે કે મોટો? સૂર્યમાળામાં તે એક પૃથ્વીનો માત્ર ઉપગ્રહ છે, પણ તેણે આપણને સમયનો વિચાર આપ્યો. અઠવાડિયા, પખવાડિયા, મહિનાઓ, વર્ષો આપ્યાં. આમ તો પૃથ્વી મોટી લાગે પણ ખગોળના સ્તરે તે રજકણ ગણાય. તેણે આપણને જીવન આપ્યું. 

બ્રહ્માંડમાં રજકણની માયા જેટલી મોટી માયા કોઈની નથી. આપણે બધાં જ રજકણની દેન છીએ. પૂરું બ્રહ્માંડ રજકણની દેન છે. તેને કોસ્મિક ડસ્ટ કહે છે. છેવટે ઊર્જા પણ કોસ્મિક ડસ્ટ જ છે અને અંતરિક્ષ પોતે કોસ્મિક ડસ્ટ છે. માનવી મરે એટલે છેવટે તે રાખ બને છે. વળી પાછા આપણે કોસ્મિક ડસ્ટમાં ફેરવાઈ જઈએ છીએ. શંકર ભગવાનની ભસ્મ આ રજકરણની માયા દર્શાવે છે. માટે જ ભસ્મ માથા પર ચઢાવવાની પ્રથા છે. 

માનવીનું જીવન પણ સૂક્ષ્મમાંથી જ ઉત્પન્ન થયું છે. તે કેટલું સૂક્ષ્માતીત છે તેની આપણને જાણ નથી. ઉગઅ-છગઅ જીન્સ જેવા સૂક્ષ્મો તત્ત્વો પર આ શરીર ચાલે છે. માટે નાનાને નાનું ગણવું નહીં. નાના વર્કરો, માણસો જ્યારે વિફરે છે તે કોનો પણ ધ્વંસ કરી નાખે છે. પાણીના કણો કેટલા સૂક્ષ્મો છે પણ તે પહાડોને પણ તોડી નાખે છે. પૃથ્વી પરનું જીવન સૂક્ષ્મનું વિરાટ સ્વરૂપ છે. સૂક્ષ્મ વિરાટથી પણ 

વિરાટ છે. વિરાટને ઉત્પન્ન કરનાર છેવટે સૂક્ષ્મ છે. 

તમે વિરાટ બ્રહ્માંડનો અભ્યાસ કરવા બેસો ત્યારે છેવટે તમે સૂક્ષ્મની આરે આવીને ઊભા રહો છો અને સૂક્ષ્મનો અભ્યાસ કરવા બેસો ત્યારે વિરાટને આરે આવી ઊભા રહો છો. તો વિરાટમાં સૂક્ષ્મ છે અને સૂક્ષ્મમાં વિરાટ છે. બંને એકરૂપ છે. આઈનસ્ટાઈનના ઊ=ખઈ૨ સૂત્રનો આ અર્થ છે. ખઈ૨નું સૂત્ર પોતે નાનું છે પણ વિરાટને સમજાવે છે.

બીજ કેટલું નાનું હોય છે, પણ પૂરા વૃક્ષને જન્મ આપે છે. વિરાટમાં છેવટે તમે સૂક્ષ્મના દર્શન કરી શકો છો અને સૂક્ષ્મમાં વિરાટ. આ આપણું આવડું મોટું શરીર છેવટે નાની નાની પેશીઓ પર ઊભું છે. એક પેશી સડી જાય એટલે કેન્સર થઈ જાય, પૂરું મકાન નાની ઇંટ પર છે અને દરેક ઇંટ રજકણ પર છે. રજકણ જ છેવટે મકાનનો ભાર 

ઉપાડે છે.

આજથી ર૬૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલાં કણાદ ઋષિનું મૂળ નામ કશ્યપ હતું. પણ તે ઝીણા ઝીણા કણની માયાને સમજી શક્યા હતાં. આ બ્રહ્માંડ છેવટે કણનું બનેલું છે. એમ તેઓ સમજી શક્યા હતા માટે તેમનું નામ કણાદ પડ્યું હતું. છેવટે ચેતના કણ કણમાં વસેલી છે. 

એક વખત ફેરેડેએ ચુંબકને આમથી તેમ ફેરવવામાં આવે તો વિદ્યુત ઉત્પન્ન થાય છે. તેવો પ્રયોગ જાહેરમાં કરી બતાવ્યો. એક અંગ્રેજ મહિલા તેની કાંખમાં તેનું નાનું બાળક લઈને ફેરેડેના પ્રયોગનું પ્રદર્શન જોવા આવી હતી. તેને પ્રયોગના અંતે સવાલ-જવાબ થતાં હતાં ત્યારે ફેરેડેને પૂછ્યું કે તમારા આ પ્રયોગનો ઉપયોગ શો? ત્યારે ફેરેડેએ હસતા હસતા તે અંગ્રેજ મહિલાને કહ્યું કે આ તમારું નાનું બાળક મોટું થઈને મહાન નહીં બને તેની ખાતરી શું? એમ વિજ્ઞાનની કોઈ પણ નાની કે મોટી શોધ હંમેશાં મોટી હોય છે. આપણે જાણીએ

છીએ કે ફેરેડેનો એ પ્રયોગ આજે દુનિયાને ચલાવે છે. 

અનાજનો એક કણ આજે હજારો અનાજના દાણા ઉત્પન્ન કરીને દુનિયાને જીવાડે છે. પાણીના નાના ટીપાં જ બ્રહ્માંડના જીવનનો પર્યાય છે. નાના નાના બિન્દુઓ ભેગા મળીને જ પૂરી રેખા બને છે. નાના નાના પગલા ભરીને જ લાંબું અંતર કપાય છે. વામન ભગવાને માત્ર ત્રણ પગલાંમાં પૂરાં બ્રહ્માંડને આવરી લીધું હતું. વામનનું તે વિરાટ સ્વરૂપ હતું પ્રકાશની તરંગ લંબાઈ સૂક્ષ્માતીસૂક્ષ્મ હોય છે. અને જેમ જેમ તે નાની બને તેમ તેમ પ્રકાશની તીવ્રતા વધે છે જે ડ-ફિુત ગામા-રે, અલ્ટ્રાવાયોલેટ-રેમાં પરિણમે છે. રેડિયો-તરંગો ઈલેક્ટ્રોનની જ માયા છે. નાના ઈલેક્ટ્રોન પૂરેપૂરા કાગળોના કાગળો ઈ-મેઈલ દ્વારા હજારો-લાખો-કરોડો-અબજો કિલોમીટર દૂર લઈ જાય છે. તે માયા શું નાની ગણાય? છાયાચિત્રોના છાયાચિત્રોને તે ગમે ત્યાં લઈ જાય છે. તમારો ફોટો પોતે જ ઈલેક્ટ્રોનની માયા છે. લખવું હોય તો નાના નાના અક્ષરોને આધારે બધું લખાય છે. આપણે નાનાને નાનો કેવી રીતે કહી શકીએ? બ્રહ્માંડમાં છેવટે બધું કોસ્મિક ડસ્ટ છે. કોઈ છીંકણી સૂંઘે અને આપણે તેમને પૂછીએ કે શું સૂંઘો છો? તો કહે કોસ્મિક ડસ્ટ. છેવટે બ્રહ્માંડ કણ-કણની માયા છે. ક્ષણ ક્ષણ પસાર થઈને આપણું જીવન બનાવે છે. જીવનના એક ક્ષણે ધબકાર ચૂકી જવાય એટલે રામ બોલો ભઈ રામ થઈ જાય. શ્ર્વાસોચ્છશ્ર્વાસ આ કણ કણરૂપી ક્ષણનો ધબકાર છે, તેની નોંધ રાખે છે. સમય કેટલી સૂક્ષ્મ રીતે મપાય છે. પ્રકાશવર્ષ એટલે એક વર્ષમાં કપાયેલું અંતર તે લગભગ ૧૦,૦૦૦ અબજ કિલોમીટર છે. વાયુમંડળ વાયુના કણોનું બનેલું છે. બ્રહ્માંડમાં મેઘધનુષ થાય છે. કે હીરાનો ચળકાટ દેખાય છે કે સોના ચાંદીનો ચળકાટ દેખાય છે તે છેવટે સૂક્ષ્મકણોની માયા છે. બ્રહ્માંડ જે સઘન દેખાય છે તે હકીકતમાં કણોની હારની માયા છે. છેવટે બધું કણરૂપ છે. તમે જ્યારે કોઈ અખંડ વસ્તુને જુઓ ત્યારે કણોને યાદ કરજો. બ્રહ્માંડ અખંડિત છે જ છતાં તે ખંડિત છે પણ આપણને લાગે છે કે તે અખંડિત છે. તે માયા હકીકતમાં કણોએ ઉત્પન્ન કરેલી છે. પગથિયા ચડવાના હોય છે તે જીવનમાં ગમે તે પ્રકારનાં પગથિયા હોય પણ છેવટે તે ખંડિત પગથિયા છે માટે જ વિજ્ઞાનીઓને જ ક્વોન્ટમ ફિઝિક્સની જરૂર પડી છે. ક્વોન્ટમ એટલે કણ, પેકેટ, ખંડ, દાણો. વિજ્ઞાનીઓનું કહેવું છે કે બ્રહ્માંડ છેવટે ક્વોન્ટમ છે. પ્રકાશ લાગે છે સઘન પણ તે હકીકતમાં ફોટોન નામના કણોનો બનેલો છે. ઊર્જા પોતે જ ક્વોન્ટમ છે. ગુરુત્વાકર્ષણ છેવટે ગ્રેબટોન નામના કણોનું બનેલું છે જે હજુ સુધી દૃશ્યમાન થયાં નથી. 

બ્રહ્માંડની આરપાર જોવું એટલે કણોની આરપાર જોવાની વાત છે. તે પછી પારદર્શક હોય, અપારદર્શક હોય કે અર્ધપારદર્શક હોય, કરન્સી નોટો છેવટે કણ કણ છે. પ્રેમ પોતે બ્રહ્માંડના કણો વચ્ચેનો પ્રેમ છે. તે પછી માનવી હોય કે પથ્થર બનાવતાં કણો હોય. બે કણો વચ્ચેનો પ્રેમ ખતમ થઈ જાય તેને વિસર્જન કહે છે. સર્જન અને વિસર્જન બ્રહ્માંડના કણો વચ્ચેના પ્રેમની માયા છે. પ્રેમ પણ કણસ્વરૂપ છે. બે હાથમાં આપણે લઈએ છીએ, જો પાણી કણ કણ ન હોત અને સઘન હોત તો તે નીચે પડી ન જાત. પ્લાસ્ટિકની થેલી વસ્તુને ધરી રાખે છે પણ છેવટે તે કણો છે જેના બોંડથી પ્લાસ્ટિકની થેલીને સધન બનાવી રાખે છે. કણો તમારી સેવામાં રાત-દિવસ હાજર છે.

વૃક્ષપ્રેમીઓને ખુલ્લો પત્ર --- સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=162351


"પ્રિય પર્યાવરણવાદી વૃક્ષમિત્રો,

તમે બધા લોકો મળીને જ્યારે વૃક્ષ બચાવવા નીકળી પડો છો ત્યારે સૌથી પહેલાં તો તમારે એ વિચાર કરવો જોઈએ કે તમે જે જગ્યાએ રહો છો ત્યાં પણ થોડા દાયકા પહેલાં વૃક્ષો જ હતાં.

તમે ‘વૃક્ષ બચાવો ઝુંબેશ’નાં પૅમ્ફ્લેટ, પુસ્તિકા અને પ્રચારપત્રો છપાવો છો તે કાગળ પણ વૃક્ષમાંથી બને છે.

તમે વૃક્ષ બચાવવા માટે જ્યાં સભા, સરઘસો, આંદોલનો કરો છો તે મેદાનો પર પણ ક્યારેક વૃક્ષો હતાં.

તમે સભા સ્થળ સુધી પહોંચવા માટે, તમારી ઑફિસ, તમારી સંસ્થાની ઑફિસ, તમારા ધંધાની ઑફિસ સુધી પહોંચવા માટે ટ્રેન, બસ કે કારમાં જાઓ ત્યારે યાદ રાખો કે અત્યારે આ ટ્રેનના પાટા-સ્ટેશનો છે ત્યાં અને આ ડામર કે કૉન્ક્રીટની સડકો છે. ત્યાં એક જમાનામાં વૃક્ષો હતાં. જો એ વૃક્ષો ન કપાયાં હોત તો તમારી અવરજવર, તમારું કમ્યુટિંગ ઠપ થઈ ગયું હોત.

તમે રોજ સવારે જે ટૂથપેસ્ટ - ટૂથબ્રશ - ટન્ગ ક્લિનર વાપરો છો, નહાવા-ધોવા માટે જે સાબું વાપરો છો, શૅમ્પુ અને ટુવાલ વાપરો છો, સાઈકલ-સ્કૂટર કે કાર વાપરો છો, સેલફોન - ટીવી - કમ્પ્યુટર વાપરો છો, પંખો - એસી - કૂલર વાપરો છો - એ બધાનું મેન્યુફેકચરિંગ કરનારી ફેક્ટરીઓ અત્યારે જે જગ્યાએ ઊભી છે ત્યાં એક જમાનામાં વૃક્ષો હતાં.

તમે જે સ્કૂલમાં ભણ્યા, તમારાં સંતાનો જે સ્કૂલમાં ભણ્યાં એ શાળાઓ-કૉલેજો અને યુનિવર્સિટીઓનાં મકાનો વૃક્ષો કાપીને જ ઊભાં થયાં છે. તમે જ્યાં લગ્ન કર્યાં તે મંદિર/ કોર્ટ/ પાર્ટી પ્લોટ/ હૉલ પણ વૃક્ષો કાપીને જ બંધાયાં છે. તમે જે હિલસ્ટેશન પર હનીમૂન કરવા ગયા ત્યાંની એ તમારી માનીતી થઈ ગયેલી હૉટેલ પણ વૃક્ષો કાપીને જ બંધાઈ છે.

તમે જે દુકાનોમાંથી તમારી રોજિંદી ચીજવસ્તુઓ ખરીદો છો, તમે બીમાર પડો ત્યારે જે હૉસ્પિટલમાં સારવાર માટે જાઓ છો, તમે મનોરંજન માટે જે થિયેટર/ મલ્ટીપ્લેક્સમાં જાઓ છો તે પણ એક જમાનામાં જ્યાં વૃક્ષો હતાં તે જ જગ્યાએ, એને કાપીને-જમીન સમથળ કરીને જ બંધાયાં છે.

તમે જે ટીવીના સ્ટુડિયો પર આવીને પર્યાવરણ વિશે ચિલ્લાચિલ્લી કરો છો, અમારા જેવા ‘વૃક્ષનું નિકંદન કાઢનારાઓ’ને મણ-મણની ચોપડાઓ છોે અને ફરિશ્તાઓનો તેજપુંજ તમારા સર પર હોય અને અમે બધા જ શૈતાનની ઔલાદ હોઈએ એવી ચપડચપડ વાતો કરો છો એ ટીવી સ્ટુડિયો પણ ‘જંગલો કાપીને’ જ બંધાયા છે.

તમને દેશમાં જે હજારો નવાં શૌચાલયો જોઈએ છે, ગામડાઓમાં સ્કૂલો - હૉસ્પિટલો - લાઈબ્રેરીની સુવિધા જોઈએ છે, વિદ્યાર્થીઓ માટે

કિતાબો જોઈએ છે એ બધું જ વૃક્ષો કાપ્યા વિના શક્ય નથી બનવાનું.

એક જમાનામાં વૃક્ષો કાપીને કાપડમિલો ન બની હોત તો તમે અત્યારે નાગા ફરતા હોત. એક જમાનામાં વૃક્ષો કાપીને વાસણો બનાવવાનાં, ગેસના સિલિન્ડર-ચૂલા બનાવવાનાં, મરીમસાલા-તેલ-ઘી બનાવવાનાં કારખાનાં ન બન્યાં હોત, લોટ પીસવાની ચક્કીઓ ન બની હોત તો તમે અત્યારે ભૂખ્યા પેટે હોત, કદાચ ઑલરેડી ભૂખે મરી ગયા હોત. તમારી પાસે અત્યારે જે ખોલી, વનરૂમ કિચન, ટુ બીએચકે, ડુપ્લે, રૉ હાઉસ કે બંગલો છે તે ન હોત અને જંગલમાં રામજીની જેમ કુટિયા બાંધીને રહેતા હોત તો તમારી સીતાજીને રાવણો ઉપાડી જતા હોત.

મુંબઈમાં મેટ્રો-થ્રીના પ્રોજેક્ટ માટે, ગોરેગાંવ - મુલુંડના એલેવેટેડ વૅ માટે આરે કૉલોનીનાં સેંકડો વૃક્ષો કાપવા પડશે જેનો વિરોધ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ પોરબંદરથી ગૌહત્તી સુધીનો ‘જયમાલા માર્ગ’ બનાવવાની ઘોષણા કરી છે તે માટે પણ હજારો વૃક્ષ કાપવાં પડશે. મુંબઈ-અમદાવાદની બુલેટ ટ્રેન (જ્યારે બનશે ત્યારે) શરૂ કરવા માટે અને દેશની બીજી ડઝનબંધ નવી રેલવેલાઈનો માટે એક્સપ્રેસ વેઝ બાંધવા માટે વૃક્ષો કપાવવાનાં છે.

મુંબઈથી પૂનાનો, અમદાવાદથી વડોદરાનો એક્સપ્રેસ વે બન્યો ત્યારે તે શું ઝાડપાન કાપ્યા વિના બન્યો હતો? એ માર્ગો બન્યા તે પહેલાંનાં હાઈવેઝ શું વૃક્ષો કાપ્યા વિના બન્યા હતા? મુંબઈની મેટ્રો-થ્રી પહેલાંની શહેરની યાતાયાત યોજનાઓ ચાહે એ વેસ્ટર્ન રેલવે-સેન્ટ્રલ રેલવે કે હાર્બર રેલવેની લાઈનો હોય કે પછી બેસ્ટ બસના ડેપોઝ અને બેસ્ટની બસો જે સડકો પર દોડે છે તે સડકો હોય, એ બધી જ યોજનાઓ - વૃક્ષો કાપ્યા વિના નથી બની.

પચ્ચીસ, પચાસ કે સો વર્ષ પહેલાં ‘વૃક્ષોનું નિકંદન’ કાઢીને તમે આ બધી સુવિધાઓ મેળવી લીધી. હવે પચ્ચીસ-પચાસ વર્ષ પછી જેમના માટે અનિવાર્ય બનવાની છે એવી યોજનાઓ માટે તમે વિરોધ કરો છો? પોતે ભોગવી લીધું, માણી પણ લીધું એ ભારતની નવી પેઢીઓને તમે આ જ સુવિધાઓથી વંચિત રાખવા માગો છો? કેટલા સ્વાર્થી છો તમે? કે દેશની પ્રગતિની તમે આડે આવો છો અને તે પણ સેવાના નામે!

અમે આવું કહીએ છીએ ત્યારે હજુ પણ માનસિક મુગ્ધાવસ્થાના ઊંબરે ઊભેલાઓ અમને કહે છે: ‘તો શું અમારું ઘર તોડીને ત્યાં પાછું ઝાડ ઉગાડીએ?’ અથવા ‘એટલે શું અમારે વૃક્ષ બચાવવાની ઝુંબેશ નહીં ચલાવવાની? કે પછી ‘મેં તો કંઈ ઝાડ કાપીને ત્યાં મારું ઘર નથી બનાવ્યું. મેં તો જે ખાલી હતો તે પ્લોટ ખરીદ્યો હતો.’

અરે મારા સ્માર્ટ-ચતુરો તમે નહીં તો કોઈએ તો ત્યાંના ઝાડ હટાવ્યાં હશે ને?

અને હા, તમને જો વૃક્ષો બહુ જ પ્યારાં હોય તો કરી જુઓ - તમારો બંગલો પાડીને ત્યાં ઝાડ વાવી જુઓ. (વાત કરો છો ખાલીપીલી?)

વૃક્ષ જીવન છે અને જીવન માટે વૃક્ષોનું ‘નિકંદન’ પણ અનિવાર્ય છે. આ બેઉ વાત સાચી છે.

નવી યોજનાઓ, નવા ઈન્ફ્રાસ્ટ્રકચર માટે વૃક્ષો કાપવા પડે તો કાપવાનાં અને એના કરતાં બમણાં વૃક્ષો બીજે ક્યાંક ઉગાડવાનાં. મુંબઈમાં કે તમારા શહેરમાં તમે અત્યારે જે કંઈ સુવિધાઓ ભોગવો છો એમાંની ઘણી સુવિધા વૃક્ષો કપાવાને લીધે તમને પ્રાપ્ત થઈ છે. ખાલી ફૂટપાથ જોઈને પોતાનો ધંધો પસારીને બેઠેલો ફેરિયો જૂનો થઈ ગયો એટલે નવો આવતો હોય તેને એ ફૂટપાથ પર પગદંડો જમાવવા ન દે એવી હલકટ મેન્ટાલિટી મુંબઈના મેટ્રો-થ્રીનો વિરોધ કરતાં પર્યાવરણવાદીઓની છે. મુંબઈના જ શું કામ ભારત આખાના પર્યાવરણવાદીઓની એવી મેન્ટાલિટી છે.

પોતે કપાયેલાં ઝાડને કારણે મળતી બધી જ સગવડો મેળવી લીધી અને હવે જાણે પોતાના બાપનું રાજ હોય એમ નવી આવનારી નવી પેઢીઓને એ સુવિધાઓ ન મળે એ માટે પ્રપંચ કરવાના.

જે લોકો એમ નથી કહી શકતા કે ફલાણો એક્સપ્રેસ વૅ બાંધવામાં એક નાનકડો હિસ્સો મારા બાપનો પણ છે, ફલાણી મેટ્રો યોજનાની સફળતામાં મારા પિતાએ પણ એક અધિકારી તરીકેનો એક મજૂર તરીકે ફાળો આપ્યો છે તેઓ આવી યોજનાનો વિરોધ કરીને, વિકાસનાં કાર્યોમાં રોડાં નાખીને ચીપ પબ્લિસિટીમાં મહાલતા હોય છે. આવા ડબલ સ્ટાન્ડર્ડવાળા પર્યાવરણવાદીઓ કે કોઈપણ વાદીઓનો મેન્ટલ ગ્રાફ કોઈ દિવસ ઍનેલાઈઝ કરીશું, મજા આવશે. ને બી કાલે જ.

એ જ લિખિતંગ,

- તમારે જે મને કહેવું હોય તે