સમયના દર્પણમાં બ્રહ્માંડ
આપણને કોઇ પૂછે નહીં કે સમય શું છે, ત્યાં સુધી આપણે માનીએ કે સમય વિષે આપણે બધું જ જાણીએ છીએ. જ્યારે આપણને કોઇ સમય વિશે પૂછે કે સમય શું છે ત્યારે આપણને ખબર પડે કે સમય વિશે આપણે કશું જાણતા નથી. આપણી ત્યારે બોલતી જ બંધ થઇ જાય જેમ આપણને ખબર નથી કે મરઘી પહેલી કે ઇંડું પહેલું તેવી રીતે હજુ પણ આપણને ખબર નથી કે સમય ફેરફારો કરે છે કે ફેરફારો સમય માપે છે. બધા માને છે કે સમય ફેરફાર કરે છે, કારણ કે આપણે નાના હોઇએ, મોટા થઇએ અને છેવટે વૃદ્ધ થઇએ. આ પરથી આપણે માનીએ કે સમય ફેરફાર કરે છે. પણ એવા માણસો મેં જોયા છે જેઓ ૭૫ વર્ષના હોય પણ એકપણ વાળ તેમનો સફેદ ન થયો હોય, બધા જ દાંત હોય અને યુવાન જેટલી સ્ફૂર્તિ હોય. એવી મહિલાઓ-માનુનીને મેં જોઇ છે જે હોય ૫૫ વર્ષની પણ લાગે ૨૨ વર્ષની, ૨૫ વર્ષની પણ નહીં. ત્યારે લાગે કે આ બધા દાખલામાં સમય ફેરફાર કરી શક્યો નથી. તો બીજે છેડે ૩૦ વર્ષના યુવાનના બધા જ વાળ સફેદ થઇ ગયા હોય અને તે પણ સ્ફૂર્તિ વગરનો વૃદ્ધ લાગે.
બીજી બાજુ જો ફેરફાર થાય તો જ આપણને ખબર પડે કે સમય પસાર થાય છે. ઘડિયાળનું લોલક કે ટિક ટિક તમને ફેરફારનો નિર્દેશ કરે છે. તેમ છતાં આ માત્ર સ્કીમ હોય તેમ લાગે છે. પાણી વહે છે, પવન વહે છે માટે આપણે માનવા લાગ્યા કે સમય પણ વહે છે. જળઘટિકાયંત્રમાંથી બીજા પાત્રમાં ટપક ટપક પાણી પડે અથવા એકધારું પાણી પડે તે દ્વારા આપણે સમયને માપવાનું શરૂ કર્યું. સન-ડાયલ, સૂર્યઘટિકા યંત્ર કે રેતીઘટિકાયંત્રથી સમયમાપન શરૂ કર્યું.
મૂળભૂત પ્રશ્ર્ન એ છે કે સમયનો વિચાર કેવી રીતે આવ્યો?
પુરાતન માનવીની કલ્પના કરો. સવાર થાય એટલે સૂર્યોદય થાય. ગરમી લાગવા મંડે, પુરાતન માનવી જાગી જાય. આખો દિવસ રખડ્યા કરે. સાંજે સૂર્યાસ્ત થાય અને બધે જ અંધારું છવાઇ જાય. ત્યારે દીવા-ફાનસ-લાઇટ તો હતાં નહીં. તારા ઝગમગવા લાગે, ચંદ્ર આકાશમાં દેખાય. વળી પાછો રાત પછી સૂર્યોદય થાય. પણ તેને આ બાબતે કાંઇ ખબર પડતી નહીં. પણ રાતે પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થીનો ચંદ્ર જોવે અને તેના દર્શન કરે. પછી અષ્ટમીનો અર્ધચંદ્ર થાય. આમ ને આમ ચંદ્ર વધતો જાય. પછી પૂર્ણિમાનો પૂર્ણચંદ્ર આકાશમાં દેખાય. આમ પ્રથમાથી અષ્ટમી અને અષ્ટમીથી પૂર્ણિમા એમ બે સ્પષ્ટભાગ પડી ગયા જેને આપણે સુદ કે શુક્લપક્ષ કહીએ છીએ. કૃષ્ણ પક્ષમાં આનાથી ઊલટું થાય અને બીજા બે ભાગ થાય. છેવટે અમાસને દિને ચંદ્ર ગાયબ થઇ જાય. આ જ તે કૃષ્ણપક્ષ અને તેના બે ભાગ. ચંદ્રની આ કળાએ તેને સમય ગણવાનો વિચાર આપ્યો. જોકે તેની પાસે ત્યારે ન હતી નંબર સિસ્ટમ, ન હતી ઘડિયાળ કે કેલેન્ડર. દિવસ અને રાત સૂર્ય, ચંદ્ર, તારા તેની પ્રથમ ઘડિયાળ બની. પણ જ્યારે પૈડાની-ચક્રની શોધ થઇ ત્યારે તેને ખબર પડી કે ચક્ર ઉપરનું એક બિન્દુ ફરીને તેની પ્રથમ સ્થિતિમાં આવે છે, ત્યારે પૂનમથી પૂનમ કે અમાસથી અમાસના ચક્રની ખબર પડી. તેને એણે મહિનો કહ્યો, જેના ૨૭, ૨૮ કે ૩૦ દિવસ છે. તારાના સંદર્ભે ચંદ્રનો મહિનો ૨૭.૫ દિવસનો છે અને પૂનમથી પૂનમના સંદર્ભે ચંદ્રનો મહિનો ૨૯.૫ દિવસનો છે. પણ આપણને પૂર્ણ દિવસ લેવા પડે માટે મહિનો ૩૦ દિવસનો થયો. આમ ૩૦ દિવસનો મહિનો અસ્તિત્વમાં આવ્યો.
ભારતીય મનીષીઓએ નિરીક્ષણ કર્યું કે ચંદ્ર દરરોજ તારામંડળને બદલે છે, ૨૭ દિવસમાં તે ૨૭ તારામંડળમાંથી પસાર થાય છે. તેમને તેમણે નક્ષત્રો કહ્યાં. આમ ૨૭ નક્ષત્રો બન્યાં પણ ૮૦૦૦ વર્ષ પહેલાં અભિજિત નામનું ૨૮મું નક્ષત્ર હતું જે ખૂબ દૂર હોવા છતાં પણ તે એક જ એવું નક્ષત્ર હતું જે વસંતસંપાતનું નિર્દેશન કરતું હતું. આ અભિજિત નક્ષત્ર દર ૨૫૮૦૦ વર્ષે નક્ષત્ર બને છે.
આરબો રણમાં મુસાફરી કરતા ત્યારે દિવસે ધગધગતા તાપમાં મુસાફરી કરી શકે નહીં માટે તેઓ દિવસે તંબુ તાણી આરામ કરતા અને રાતે મુસાફરી કરતા. રાતે મુસાફરી કરતાં દિશા જાણવા તેમનું ધ્યાન રાત્રિઆકાશમાં જ રહેતું. તેઓ ત્યારે ચંદ્રને, તારાને અને ધ્રુવતારાને જોતા રહેતા. તેમણે જોયું કે ચંદ્ર દર રાતે નક્ષત્ર બદલે છે. માટે તેઓ માનતા કે ચંદ્ર દિવસે મુસાફરી કરે છે, અને રાતે તંબુરૂપી નક્ષત્રમાં આરામ કરે છે. આરબો પોતે દિવસે તંબુમાં આરામ કરતાં અને રાતે મુસાફરી કરતા.
ભારતીય ખગોળવિદોએ ચંદ્રની આ ૨૭ નક્ષત્રો વચ્ચેથી મુસાફરીને આત્મસાત્ કરવા આ ૨૭ નક્ષત્રોને ચંદ્રની ૨૭ પત્નીઓની કલ્પના કરી હતી.
ભારતીય મનીષીઓ કે દુનિયાના કોઇ પણ વિદ્વાનોની એક મહત્ત્વની પ્રવૃત્તિ-ક્રિયા-ફરજ દિવસ-રાત આકાશનો અભ્યાસ કરવાની હતી. તેઓએ જોયું કે સૂર્ય એક રાશિમાં હોય પછી જ્યારે ચંદ્ર આકાશમાં પૂનમથી પૂનમ એક ચક્કર મારી લે ત્યારે સૂર્ય એક તારામંડળમાંથી પસાર થતો, તેને તેમણે રાશિ કહી. તેઓએ એ પણ જોયું કે ચંદ્ર જ્યારે પૂનમથી પૂનમ કે અમાસથી અમાસ બાર ચક્કર લગાવી રહે છે ત્યારે સૂર્ય બાર રાશિઓમાંથી પસાર થઇ વળી પાછો તેની પ્રથમ રાશિમાં આવે છે. આમ વર્ષના ૧૨ મહિના થયાં. મહિનાના બે ભાગ કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ થયા અને દરેક પક્ષના વળી પાછા પ્રથમાથી અષ્ટમી અને અષ્ટમીથી પૂનમ કે અમાસ એમ બે ભાગ થયા. મહિનાના કુલ ચાર ભાગ થયા.
પ્રાચીન ભારતીય કે ગ્રીક ખગોળવિદોએ જોયું કે રાત્રિ દરમિયાન એક પછી એક એમ ૧૨ પ્રકાશિત તારા લગભગ સમયના સરખા ભાગે ઉદય પામે છે. આ પ્રમાણે રાત્રિના ૧૨ ભાગ થયા. તેવી જ રીતે દિવસના ૧૨ ભાગ થયા. આમ ૨૪ કલાકનો દિવસ થયો.
૮૦૦૦ વર્ષ પહેલાં ભારતીય કેલેન્ડર અસ્તિત્વમાં આવ્યું તેને અદિતિ કેલેન્ડર કહે છે. એ વખતે વસંતસંપાતબિન્દુ મિથુન રાશિના પુનર્વસુ નક્ષત્રમાં હતું. વસંતસંપાતબિન્દુના દિવસે, દિવસ અને રાત બંને ૧૨-૧૨ કલાકના હોય છે. તે દિવસે સૂર્ય બરાબર પૂર્વ દિશામાં ઉદય પામે છે. પછીના દિવસોમાં સૂર્ય ઉત્તર દિશાની અલગ અલગ જગ્યાએ ઉદય પામે છે. ત્રણ મહિના પછી તે ઉત્તરમાં હોય છે અને કર્ક રાશિમાં રહે છે, પછી તે વળી પાછો દક્ષિણ તરફ આવતો જાય છે. ત્રણ મહિના પછીના આ દિવસને સૂર્યનું દક્ષિણાયન ગમન કહે છે. સૂર્ય જ્યારે ઉત્તર તરફ આગળ વધતો જાય છે, તેમ તેમ દિવસ લાંબો અને લાંબો થતો જાય છે. ત્રણ મહિના પછી તે સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત થાય છે. ત્યારે તે કર્ક રાશિમાં રહે છે અને પછીના દિવસે દક્ષિણ તરફ આવતો જાય છે. સૂર્ય ત્યાર પછીના ત્રણ મહિના રહે છે તો આકાશના ઉત્તરગોળાર્ધમાં પણ તેની ચાલ દક્ષિણ તરફી હોય છે. સૂર્ય જ્યારે કર્ક રાશિમાં હોય છે ત્યારે તેને સંલગ્ન પૃથ્વી પરના અક્ષાંશને કર્કવૃત્ત કહે છે.
વસંતસંપાતના દિવસથી પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર વસંતઋતુ બેસે છે. ત્રણ મહિના પછી દક્ષિણાયનના દિવસથી ઉનાળો શરૂ થાય છે, અને પછી ત્રણ મહિને પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર વર્ષાઋતુ બેસે છે. અને જ્યારે વળી પાછા દિવસ અને રાત બાર-બાર કલાકના થાય છે ત્યારે શરદસંપાત થાય છે. ત્યારે પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર શરદઋતુ બેસે છે.
શરદસંપાત પછી સૂર્ય છ મહિના આકાશના દક્ષિણ ગોળાર્ધમાં વિચરે છે. વસંતસંપાત પછી તે ત્રણ મહિના આકાશના ઉત્તરગોળાર્ધ પર ઉપર ચઢે છે, પછી દક્ષિણાયન થાય છે અને પછી સૂર્ય ત્રણ મહિના આકાશના ઉત્તરગોળાર્ધમાં નીચે ઊતરે છે. શરદસંપાત થાય છે અને પછી સૂર્ય છ મહિના આકાશના દક્ષિણગોળાર્ધ પર વિચરે છે. તે ત્રણ મહિના આકાશના દક્ષિણગોળાર્ધ પર ઊંચે અને ઊંચે ચઢતો જાય છે, આકાશના ઉત્તરગોળાર્ધના સંદર્ભે સૂર્ય નીચે અને નીચે ઊતરતો જાય છે. પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર શિયાળો બેસે છે અને પૃથ્વીના દક્ષિણગોળાર્ધ પર ઉનાળો હોય છે. પછી તે આકાશના દક્ષિણગોળાર્ધના ઊંચામાં ઊંચા બિન્દુએ અને આકાશના ઉત્તરગોળાર્ધના સંદર્ભે તે નીચામાં નીચા બિન્દુએ હોય છે. પૃથ્વીના ઉત્તરગોળાર્ધમાં દિવસ ટૂંકામાં ટૂંકો અને રાત લાંબામાં લાંબી હોય છે. પૃથ્વીના દક્ષિણગોળાર્ધ પર આનાથી ઊલટું હોય છે. પછી સૂર્ય હોય છે તો આકાશના દક્ષિણગોળાર્ધમાં પણ તે ઉત્તર તરફ વિહરવાનું શરૂ કરે છે. આ વખતે તે મકર રાશિમાં હોય છે. આ સંદર્ભે પૃથ્વી પરના સંલગ્ન અક્ષાંશને મકરવૃત્ત કહે છે. આ આકાશમાં સૂર્યની ગતિ છે જેને આપણે ઋતુચક્ર કહીએ છીએ.
૮૦૦૦ વર્ષ પૂર્વે જ્યારે વસંતસંપાત પુનર્વસુ નક્ષત્રમાં હતું ત્યારે ભારતીય કેલેન્ડરનો પ્રારંભ થયો. પુનર્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી દેવી અદિતિ છે. અદિતિને બે મોઢાં છે, એક આગળ અને બીજું પાછળ. તે વર્ષના પ્રારંભે પણ નૈવેદ્ય લે છે અને વર્ષના અંતે પણ નૈવેદ્ય લે છે. માટે તેને બે મોઢાં છે. આ દિવસે સૂર્ય બરાબર પૂર્વ દિશામાં આકાશના ઉત્તરગોળાર્ધમાં ઉદય પામે છે. તે ત્યાં જન્મે છે. માટે તે અદિતિનો પુત્ર ગણાય છે અને તેથી તેનું નામ આદિત્ય પડ્યું છે. અદિતિ દેવોની માતા ગણાય છે. સૂર્યના ઉત્તર વિચરણને દેવાયન કહેવાય છે, દક્ષિણના વિચરણને પિતૃઆયાન કહે છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=467747
http://bombaysamachar.com/epaper/e20-1-2019/UTSAV-SUN-20-01-2019-Page-10.pdf
પ્રાચીન ભારતીય મનીષીઓને સૂર્ય-ચંદ્રની ગતિવિધનું અગાધ જ્ઞાન હતું
દુનિયાનું પ્રથમ કેલેન્ડર ૮૦૦૦ વર્ષ પહેલાંનું અદિતિ કેલેન્ડર, ભગવાન શ્રીકૃષ્ણના નિર્વાણ પછી થયેલું કલી કેલેન્ડર. જુલિયસ સીઝરે શરૂ કરેલું જુલિયન કેલેન્ડર. પછી ભારતનું વિક્રમ સંવતનું કેલેન્ડર પછી જુલિયન કેલેન્ડરમાં થોડો સુધારો કરીને સ્થાપિત થયેલું ક્રિશ્ર્ચિયન કેલેન્ડર જે બી.સી. અને એ.ડી. દર્શાવે છે. બી.સી. એટલે બિફોર ક્રાઇસ્ટ અને એ.ડી. એટલે આફ્ટર ડેથ ઓફ ક્રાઇસ્ટ. પછી શક સંવતનું કેલેન્ડર અને છેવટે ક્રિશ્ર્ચિયન કેલેન્ડરમાં સુધારો કરી થયેલું ગ્રેગોરિયન કેલેન્ડર જે ગ્રેગોરી ૧૩ના સમયમાં શુક્રવાર ૧૫ ઓક્ટોબર ૧૫૮૨ના રોજ ૧૧ દિવસ કુદાવી અસ્તિત્વમાં આવ્યું. આ લગભગ શુદ્ધ જુલિયન કેલેન્ડર છે. તે હકીકતમાં ૪૦૦ વર્ષનું ચક્ર છે. એટલે કે ૧૫૮૨ થી ૧૯૮૨નું તે ચક્ર છે અને તે પછી તે બીજા ૪૦૦ વર્ષ સુધી પુનરાવર્તિત થાય છે.
જોકે દુનિયામાં ઘણાં જુદાં જુદાં કેલેન્ડરો છે જેમ કે મુસ્લિમ બિરાદરોનું હીજરી સંવત જે પયગંબર સાહેબના મૃત્યુ પછી અસ્તિત્વમાં આવ્યું. મુસ્લિમ કેલેન્ડર માત્ર ચંદ્ર કેલેન્ડર હોવાથી તે ૩૫૪ દિવસનું વર્ષવાળું તરતું કેલેન્ડર છે. તેને સૂર્ય સાથે જોડવામાં આવ્યું નથી. તેથી મોહરમ વગેરે અલગ અલગ મહિનામાં આવે છે, અને મુસ્લિમ બિરાદર વયમાં ૧૧ દિવસ મોટો થતો જાય છે. દર ત્રણ વર્ષે તે એક મહિનો વધારે મોટો થાય છે. જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે માનવીની વય ૩૬ વર્ષ હોય ત્યારે મુસ્લિમ બિરાદરની વય ૩૭ વર્ષ બને છે. આમ કેલેન્ડર મોટી માયા છે અને કેલેન્ડરો પર બહુ વિચાર કરીએ તો ભ્રમિત થઇ જઇએ. દુનિયામાં કેટલાંય કેલેન્ડરો ચાલે છે. આમ સમય પોતે જ ગૂંચવણભર્યો છે, તેનું માપન અને કેલેન્ડરો પણ ખૂબ જ ગૂંચવણ ભરેલાં છે. આમ લાગે કે સમયનો કોઇ અર્થ નથી. એ માત્ર સ્કીમ હોય તેમ લાગે અને જુદા જુદા દેશના જાતિના અને રાજ્યના લોકો અલગ અલગ કેલેન્ડર અનુસરે છે.
આપણે પ્લેનમાં સવારે મુસાફરી કરવાની શરૂઆત કરીએ અને આપણું પ્લેન પશ્ર્ચિમમાં જતું હોય જે દિશા સૂર્યની ગતિ કરવાની દિશા છે. તો જ્યાં સુધી સૂર્યની પશ્ર્ચિમમાં જવાની ગતિ સાથે આપણું પ્લેન ચાલે તો કદી રાત આવે જ નહીં. ધારોકે પ્લેનમાં ખૂબ જ ઇંધણ છે અને આપણું પ્લેન સૂર્યને અનુસરતું રહે અને તેમાં બાળક જન્મે તો તેને રાત શું છે, તારા, ગ્રહો, ચંદ્ર શું છે તેની કદી ખબર જ ન પડે. હવે ધારો કે રાતે ૮ વાગ્યે આપણે પ્લેન પકડીએ અને પૂર્વમાં જઇએ તો કદી દિવસ આવે જ નહીં. ધારો કે આવા પ્લેનમાં બાળક જન્મે તો તે બાળકને દિવસ શું છે, સૂર્ય શું છે તેની કદી ખબર જ ન પડે.
તમે પ્લેનમાં સિંગાપોર, જાપાન, ચીન, અમેરિકા વગેરેની મુસાફરી કરતા રહો તો તમને ખબર જ ન પડે કે હકીકતમાં કયો સાચો છે. ત્યારે તમને સમયની નિરર્થકતા સમજાય. તમને એક અઠવાડિયું અંધારી કોટડીમાં રાખવામાં આવે ત્યારે પણ તમે સમયને ગણવાનું ભૂલી જાવ. લોકો તારીખથી એટલા બધા ટેવાઇ ગયા છે કે હવે કોઇને પૂછીએ કે આજે ભારતીય મહિનો કયો છે કે તિથિ કઇ છે તો પણ કહી શકતાં નથી. સમય વિષે આપણી આ સ્થિતિ છે. પ્રાચીન સમયમાં ભારતીયો સમયને ચંદ્રની ગતિવિધિથી માપતા. સૂર્યોદય સમયે તિથિ બદલાતી. ચંદ્ર જ્યારે સૂર્યથી ૧૩ અંશ દૂર જાય ત્યારે સૂર્યોદય સમયે તિથિ બદલાતી. જો ચંદ્ર સૂર્યોદય સમયે સૂર્યથી ૧૩ અંશ દૂર ન ગયો હોય તો તિથિ બેવડાતી અને જો તે સૂર્યોદય પહેલાં સૂર્યથી ૧૩ અંશ દૂર ચાલી ગયો હોય તો તિથિનો ક્ષય થતો. સમય માપનમાં તિથિની વધઘટનો પણ સમાવેશ છે. પ્રાચીન સમયમાં લોકોને આની પાછળના કારણની ખબર ન હતી પણ નિરીક્ષણતત્મક રીતે (ઇમ્પિરીકલી - empirically) તેમને ચંદ્રની દરરોજની ગતિવિધિની ખબર હતી એટલું ચોક્કસ તેમનું દરરોજનું આકાશદર્શન હતું. હવે આપણને ખગોળશાસ્ત્રીઓએ દર્શાવ્યું છે કે ચંદ્ર પૃથ્વી ફરતે અને ગ્રહો સૂર્ય ફરતે પૂર્ણ વર્તુળમાં પરિક્રમા કરતા નથી, પણ દીર્ઘવર્તુળમાં પરિક્રમા કરે છે. તેથી તેના વર્ષ દરમિયાન ચંદ્ર પૃથ્વીથી નજીક હોય છે અને તેથી તેને જલદી પરિક્રમા કરવી પડે છે તેથી તિથિનો ક્ષય થાય છે અને જ્યારે તે પૃથ્વીથી દૂર હોય છે ત્યારે તે ધીમે ધીમે પરિક્રમા કરે છે અને તિથિ બેવડાય છે. આ જ્ઞાન પ્રાચીન મનીષીઓને નિરીક્ષણ પરથી હતું. પણ તેની પાછળના સૈદ્ધાંતિક વિજ્ઞાનની તેમને જાણ ન હતી. તે કેપ્લરે દર્શાવ્યું. તેમ છતાં ચંદ્ર શા માટે પૃથ્વીની પરિક્રમા કરે છે કે ગ્રહો શા માટે સૂર્યની પરિક્રમા કરે છે તેની પાછળના સૈદ્ધાંતિક વૈજ્ઞાનિક કારણની કેપ્લરને પણ ખબર ન હતી. આ બાબત ન્યુટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપી સમજાવી.
પ્રાચીન ભારતીય મનીષીઓએ સૂર્ય અને ચંદ્રની ગતિવિધિના નિરીક્ષણ પરથી સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષનો મેળ બેસાડવા દર ત્રણ વર્ષે અધિકમાસની સ્થાપના કરી અને તેમની ખગોળીય પ્રજ્ઞાનું આપણને દર્શન કરાવ્યું છે. તેની પાછળનું હકીકતમાં કારણ એ છે કે ચાંદ્ર મહિનો હકીકતમાં ૨૯.૫ દિવસનો છે તેથી ચાંદ્ર વર્ષ હકીકતમાં ૩૫૪ દિવસનું થાય છે, ત્યારે સૂર્ય વર્ષ ૩૬૫ દિવસનું છે. હકીકતમાં સૂર્ય વર્ષ ૩૬૫.૨૪ દિવસનું છે. આ મેળ બેસાડવા અને ઋતુચક્રને તેની જગ્યાએ રાખવા ભારતીય મનીષીઓએ અધિકમાસની સ્થાપના કરી છે. આ માટે લોકો વધારે પડાપૂછ કરે નહીં માટે તેને ભગવાન વિષ્ણુના નામે પુરુષોત્તમ મહિનો નામ આપવામાં આવ્યું છે. આ મહિનામાં લોકો શાંતિથી ઇશ્ર્વરની ભક્તિ કરે છે, ભારતીય સંસ્કૃતિની કથા અને પુરાણોને સાંભળીને ભારતીયતાને તાજી કરે છે. અધિકમાસનો ઉલ્લેખ વેદોમાં છે. પુરાતનકાળથી ભારતીય મનીષીઓને નિરીક્ષણાત્મક રીતે સૂર્ય અને ચંદ્રની ગતિવિધિનું જ્ઞાન હતું. તેમાં પણ સૂક્ષ્મ રીતે સૂર્ય ચંદ્રની ગતિવિધિની ગણતરીનો મેળ બેસાડવા તેમણે દિવાળીના દિવસોમાં ધોકો બેસાડ્યો છે, જે તિથિની વધઘટ નથી પણ ફાજલ પડતા સમયનો મેળ છે.
ગ્રેગોરિયન કેલેન્ડર જોકે ઠીક ઠીક શુદ્ધ છે પણ તેમાં ભારતીયોની ઉપરોક્ત ખગોળીયજ્ઞાન અને પ્રજ્ઞા નથી. તેમાં ગમે તે રીતે થોડા ૩૦ દિવસના મહિના છે, તો થોડા ૩૧ દિવસના મહિના છે, લીપયર છે તો વળી જો સદીનું છેલ્લું વર્ષ ૪૦૦ થી ન ભગાય તો લીપયર નથી એવી ઉટપટાંગ રીતે તેઓએ સૂર્ય વર્ષ અને ચાંદ્રવર્ષનો મેળ બેસાડવા પ્રયત્નો કર્યા છે.
પ્રાચીન ભારતીય મનીષીઓએ સમય માટે સૂક્ષ્માતિસૂક્ષ્મ એકમ (યુનિટ) શોધ્યું છે, પછી સેક્ધડ, મિનિટ, કલાક, દિવસ, સપ્તાહ, પખવાડિયું, મહિનો અને વર્ષ સમયમાપનના એકમો તરીકે આવ્યાં. તેમાં વર્ષ લાંબામાં લાંબું સમયમાપનનું એકમ હતું પણ હવે પૃથ્વીની પરારાંયનગતિ ((Wobbling motion, pirecession of axis of the earth )નું ૨૫,૮૦૦ વર્ષનું સમયચક્ર, સૂર્યનું આકાશગંગા મંદાકિનીની ફરતે પરિક્રમા કરવાનું ૨૨ કરોડ વર્ષનું ચક્ર, કે સૂર્ય કલંકનું ૧૧ વર્ષનું સમયચક્ર કે સૂર્યકલંકનું પૂર્ણ મેગ્નેટિક પોલારિટીનું ૨૨ વર્ષનું સમય ચક્ર, આપણી મંદાકિનીનું ૧૦ કરોડ વર્ષનું ધરીભ્રમણ સમયચક્ર, ગ્રહો ઉપગ્રહોના ધરીભ્રમણ અને રિભ્રમણચક્રો કલાકોથી માંડી દિવસો, વર્ષો, સેંકડો વર્ષોના સમયચક્રની આપણને જાણ છે.
૮૦૦૦ વર્ષ પૂર્વે વસંતસંપાત બિન્દુ પુનર્વસુ નક્ષત્રમાં હતું જ્યારે આપણું અદિતિ કેલેન્ડર શરૂ થયું. ૭૦૦૦ વર્ષ પૂર્વે તે મૃગનક્ષત્રમાં હતું જ્યારે વેદો લખાયાં, ૫૦૦૦ વર્ષ પૂર્વે તે કૃત્તિકા નક્ષત્રમાં હતું જ્યારે મહાભારતનું યુદ્ધ થયું. ૨૦૦૦ વર્ષ પૂર્વે તે
મેષરાશિમાં હતું અને હાલમાં તે મીનરાશિના પ્રારંભે છે. રસપ્રદ વાત એ છે કે પ્રાચીન ભારતીય મનીષીઓ આ વસંતસંપાત બિન્દુ દર ૭૨ વર્ષે એક અંશ ખસે છે તે પણ જાણતા હતાં. જોકે તે ૨૫ ૮૦૦ વર્ષનું પૂર્ણ સમયચક્ર છે તે સત્ય જાણતાં ન હતા. આના પરથી આપણે કહી શકીએ કે વેદો ક્યારે લખાયાં, મહાભારતનું યુદ્ધ ક્યારે થયું. આમ આકાશ ભૂતકાળ પણ સાચવીને બેઠું છે માત્ર આપણને આકાશ ઉકેલતા આવડવું જોઇએ. તેને ઉકેલવાની, તેના પડળોને ખોલવાની ચાવી આપણી પાસે હોવી જોઇએ. કુદરતે આપણને લાંબા, ટૂંકા સમયચક્ર આપી આપણા પર કૃપા કરી છે.
પૃથ્વીની ધરી વાંકી કરી અને તેને ભૂમધ્યરેખા પર ફુલાવી રાખી આપણને પૃથ્વીની પરાંયનગતિનું ૨૫૮૦૦ વર્ષનું લાંબું એવું સમયચક્ર આપ્યું છે. પૃથ્વીની ધરી વાંકી છે અને તે ભૂમધ્યરેખા પર ફૂલેલી છે તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણબળો પૃથ્વી પર લાગે છે. પૃથ્વીનું વજન વધારે હોવાથી તેની ધરી સીધી તો નથી થઇ શકતી પણ તે ભમરડાની ધરીની માફક હાલક-ડોલક થાય છે. જો પૃથ્વીની ધરી વાંકી ન હોત અને જો તે ભૂમધ્યરેખા પર ફૂલેલી ન હોત તો આપણને પૃથ્વીની પરાંયનગતિનું ૨૫૮૦૦ વર્ષનું ચક્ર મળ્યું ન હોત. આ બધા સમયચક્રોનું મૂળ ઉદ્ગમસ્થાન અણુની અંદરની ચેતના છે.
વાલ્મીકિ ઋષિએ જ્યારે રામ ભગવાનનો જન્મ થયો ત્યાર વખતના આકાશનું, ગ્રહોની સ્થિતિનું વર્ણન કર્યું છે. વિજ્ઞાનીઓને થયું કે હકીકતમાં રામ ભગવાનનો જન્મ થયો હતો કે તે માત્ર કલ્પનાનું મહાકાવ્ય છે? ઘણા ખરા ડાબેરી વિચારસરણી ધરાવતા અને થોડા ઘણા હિન્દુ સંસ્કૃતિ વિરોધી ઇતિહાસકારો અને પુરાતત્ત્વવિદો માને છે કે રામ ભગવાન જેવો મહાપુરુષ-યુગપુરુષ થયો જ નથી. તે માત્ર વાલ્મીકિની કલ્પનાનું મહાકાવ્ય છે. આ વાતનો તોડ કાઢવા વિજ્ઞાનીઓએ ૨૫ કરોડ રૂપિયાનું કાર્લ ઝાઇમે-યેનાનું સચોટ, પ્લેનેટેરિયમ પ્રોજેક્ટર લીધું. તેને એક દિવસ માટે, એક વર્ષ માટે, ૩૬૫ અને ૭૦૦૦ વર્ષ માટે ૨૫,૫૫,૦૦૦ ચક્કર ફેરવી આકાશ ઉત્પન્ન કર્યું તો ચૈત્રસુદ નોમ ૧૨ વાગ્યે જે ગ્રહોની સ્થિતિ ઉત્પન્ન થઇ તે બરાબર વાલ્મીકિએ રામાયણમાં રામજન્મ વખતે જે આકાશમાં ગ્રહોની સ્થિતિ દર્શાવી હતી બરાબર તે જ ગ્રહોની સ્થિતિ ઉત્પન્ન થઇ. એટલે કે રામના જન્મનો હોરોસ્કોપ (જન્મકુંડળી) ઉત્પન્ન થયો. આ દર્શાવે છે કે હકીકતમાં રામ ભગવાન હતા. અને વાલ્મીકિ ઋષિની રામજન્મની જન્મકુંડળી સાચી છે. (ક્રમશ:)
http://bombaysamachar.com/epaper/e03-2-2019/UTSAV-SUN-03-02-2019-Page-10.pdf
http://bombaysamachar.com/epaper/e03-2-2019/UTSAV-SUN-03-02-2019-Page-09.pdf
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=468668
પુષ્પક વિમાનની કથા કાલ્પનિક હોય તો પણ મહાન છે
વિક્રમસંવત ગ્રેગોરીઅન કેલેન્ડરથી ૫૬ વર્ષ આગગ ચાલે છે, જ્યારે શકસંવત ગ્રેગોરીઅન કેલેન્ડરથી ૭૮ વર્ષ પાછળ ચાલે છે.
અંતરીક્ષ આમ દેખાતું નથી, નથી દેખાડી શકાતું, નથી હાથમાં પકડી શકાતું, વણ તે અસ્તિત્વ ધરાવે છે અને તેના ત્રણ પરિમાણો છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. સમય પણ દેખાતો નથી, નથી દેખાડી શકાતો, નથી હાથમાં પકડી શકાતો, પણ તે અસ્તિત્વ ધરાવે છે. એમ તો ઈશ્ર્વર, સત્ય, બ્રહ્મ, પ્રાણ, બુદ્ધિ, ભાવના, પ્રેમ પોતાને ક્યાં દેખાડી ખકાય છે. તેની અસરો જોઈ શકાય છે. આ બધા દિવ્ય છે.
આગળ આપણે જોયું કે વાલ્મીકિ ઋષિએ રામના જન્મનો જે હોરોસ્કોપ (જન્મકુંડળી) આપ્યો છે તે તદ્દન સાચો છે. રામના અસ્તિત્વ વિષે બીજી એક વાત છે જે દર્શાવે છે કે રામ ખરેખર હતા, મહાન વિજ્ઞાની પીસારોટી ભારતના હવામાનશાસ્ત્રના ડિરેક્ટર જનરલ હતા, પછી જ્યારે નિવૃત્ત થયા ત્યારે તેમને વિક્રમ સારાભાઈએ તેમની સાથે અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં કાર્ય કરવા આમંત્રણ આપેલું અને તેમણે તે સ્વીકારેલું. તેઓ વિક્રમ સારાભાઈ સાથે કામ કરતા. તેઓ પ્રથમ હરોળના વિજ્ઞાની તો ખરા જ, સંસ્કૃતના મહાપંડિત હતા, તેમનું અમે વ્યાખ્યાન યોજેલું. એ વ્યાખ્યાનમાં તેમણે બહુ સ્પષ્ટ કરેલું અને તે ‘શ્ર્લોકો’ બોલીને બતાવ્યા હતા કે રામ હતા. જ્યારે રામ રાવણનો સંહાર કરી વિજય મેળવી લક્ષ્મણ અને સીતા સાથે પગે ચાલતા અયોધ્યા પાછા જવાની શરૂઆત કરી ત્યારે, કારણ કે તેમના વનવાસના દિવસો પૂરા થઈ ગયા હતા, વિભીષણે રામને વિનંતી કરી કે હવે તમારે પગે ચાલતા અયોધ્યા જવાની જરૂર નથી, તેમાં ઘણો સમય લાગશે તમે પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા જાવ. હવે લંકેશનું પુષ્પક વિમાન તો લંકામાં છે જ. અમે પણ તમારા રાજ્યાભિષેકમાં હાજરી આપવા માગીએ છીએ. રામે વિભીષણની વિનંતીનો સ્વીકાર કર્યો અને રામ-લક્ષ્મણ-સીતા-હનુમાનજી-સુગ્રીવ અને વિભીષણ બધા જ પુષ્પક વિમાનમાં બેઠા અને અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. પ્રોફેસર પીસારોટીએ જેઓ કેરળના હતા તેમણે કહ્યું કે જ્યારે પુષ્પક વિમાન લંકામાંથી અયોધ્યા જતું હતું ત્યારે જ્યારે તે કેરળ ઉપરથી ઊડતું હતું ત્યારે કેરળનું સૌંદર્ય જોઈ રામ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા હતા અને સીતાને ઉદૃેશીને કહે, હે સીતે આ કેરળનું સૌંદર્ય જો. તે લીલાછમ નાળિયેરીના ઝૂંડોથી આચ્છાદિત છે. નદીઓ પર નાળિયેરીના વૃક્ષો કેવા સુંદર રીતે ઝૂકી રહ્યાં છે તે જો. આમ રામે સીતાને ઉદૃેશી કેરળના સૌંદર્યનું વર્ણન કર્યું હતું જે વાલ્મીકિએ તેમની રામાયણમાં સ્પષ્ટ કર્યું છે. આ વર્ણન હકીકતમાં કેરળના સૌંદર્યનું અદલોઅદલ વર્ણન કરે છે, એટલે કે રામ હતા અને પુષ્પક વિમાન પણ હતું. તે કેવી રીતે, કયા સિદ્ધાંત અને કયા ઈંધણથી ઊડતું હતું, તે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કેવી રીતે ઊડતું હતું તે આપણે જાણવાની જરૂર છે. પ્રશ્ર્નો અહીં છે. પુષ્પક વિમાનના અસ્તિત્વ વિષે હકીકતમાં પ્રશ્ર્ન નથી. આ કથા જો કાલ્પનિક હોય તેમ માનીએ તો પણ તે મહાન છે.
પુષ્પક વિમાનની બીજી ખાસિયત એ હતી કે તેમાં જેટલા માણસો (પ્રવાસીઓ)ને બેસવું હોય તેટલા બેસી શકે, તેમ છતાં એક બેઠક ખાલી રહે. આ ખરેખર નવાઈ પમાડે તેવી વાત છે, માનવામાં ન આવે એવી વાત છે, પણ હાલમાં નાસાના વિજ્ઞાનીઓ ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનની રચના એવી કરવા માગે છે કે તેમાં જેટલા અંતરિક્ષવીરો, માણસો જાય તેટલું તે મોટું થાય, એટલા મોડ્યુલ વધે. આ પણ એક રસપ્રદ વાત છે. આ પુષ્પક વિમાનની રચનાની નકલ કરવાની વાત છે.
પ્રાચીન સમયમાં લોકો દિવસે સૂર્યની જગ્યા અને રાતે તારા ચંદ્રની જગ્યા પરથી સમય જાણતાં. પછી થાંભલાને ઊભો કરી તેના પડછાયા પરથી, સૂર્યઘટિકા યંત્ર, જળઘટિકા યંત્ર, રેતીઘટિકા યંત્ર પરથી સમય માપતાં. સૂર્ય બરાબર માથા પર આવે એટલે મધ્યાહ્ન થતો. પૃથ્વી ગોળ હોવાથી પૃથ્વીના ગોળા પર અલગ અલગ જગ્યાએ મધ્યાહ્ન અલગ અલગ સમયે થાય. આ સ્થાનિક સમય (local time) કહેવાય. જેમ જેમ લોકો દૂર દૂર રહેવા જતા થયાં, મુસાફરી કરતાં થયાં તેમ દરેક જગ્યાના સમયને જાણવા એક જગ્યાના સમયને સંદર્ભ રાખવાની જરૂર પડે જેના સંદર્ભે પૃથ્વીના ગોળા પરના અલગ અલગ ગામો, શહેરો અને જગ્યાઓનો સમય જાણી શકાય. આ સમય તે પ્રામાણિત સમય (standard time). પ્રામાણિત સમય એ એક મુકરર જગ્યાનો સ્થાનિક સમય.
પ્રાચીન ભારતમાં મહાકાળના બેસણા છે તે ઉજ્જૈનનો સ્થાનિક સમય તે ભારતનો પ્રામાણિત સમય હતો. ઉજ્જૈન કર્કવૃત્ત પર આવેલું છે તેથી સૂર્ય કર્કવૃત્તને કદી ઓળંગતો નથી. મહાકાળની નગરી ઉજ્જૈનને સૂર્ય ઓળંગતો નથી. હાલમાં ભારતનો પ્રામાણિત સમય પ્રયાગરાજ (અલ્હાબાદ)નો સ્થાનિક સમય છે. ભારતભરના બધા જ ઘડિયાળો પ્રયાગરાજના સ્થાનિક સમય પ્રમાણે સમય આપે છે. જ્યારે દેશ-દેશ વચ્ચે આવન-જાવન, વેપાર-ધંધા વગેરે શરૂ થયાં ત્યારે ગ્રીનીચ મીન ટાઈમ - GMT (Greenwich Mean Time ) અસ્તિત્વમાં લાવવામાં આવ્યો. ગ્રીનીચ મીન ટાઈમ ગ્રીનીચ વૈદ્યશાળાના સમયને અનુસરે છે. તે શૂન્યરેખાંશ છે. ભારતનો પ્રામાણિત સમય સાડા પાંચ કલાક આગળ છે, એટલે કે ભારતમાં તારીખ સાડા પાંચ કલાક વહેલી બદલાય છે. તારીખ સ્થાનિક સમયના રાતે બાર વાગ્યે બદલાય છે.
લોકો માનતાં કે પ્રકાશની ગતિ અસીમિત (Infinite) છે. એનો અર્થ એમ થાય કે સૂર્ય કે તારામાં કાંઈ પણ ફેરફાર થાય કે તરત જ આપણને તેની જાણ થાય. ન્યૂટન પણ માનતો કે પ્રકાશની ગતિ અસીમિત (Infinite) છે, માટે જ તેને ગુરુત્વાકર્ષણની ગતિને પણ અસીમિત (Infinite) લીધેલી.
ગેલિલિયો પ્રથમ માનવી હતો જેણે શંકા કરી કે પ્રકાશની ગતિ અસીમિત (Infinite) નહીં હોય પણ સીમિત (Finite) હશે. તે માટે તેણે પ્રયોગ પણ કર્યો. તેણે તેના મદદનીશને ૧૦ કિલોમીટર દૂરની એક ટેકરી પર રાતે ફાનસ (લેન્ટર્ન) લઈને મોકલ્યો અને તે બીજી ટેકરી પર ઊભો રહ્યો. સમજૂતી એવી હતી કે ગેલિલિયો લેન્ટર્નનું શટલ ખોલે તેથી ત્યાંથી પ્રકાશ શરૂ થાય અને જ્યારે તેનો મદદનીશ તે પ્રકાશને જુએ એટલે તે પોતાના લેન્ટર્નનું શટલ ખોલે. માટે ત્યાંથી પ્રકાશ શરૂ થાય અને ગેલિલિયો સુધી પહોંચે. આમ પ્રકાશ બંને વચ્ચે ૨૦ કિલોમીટરનું અંતર કાપે. ગેલિલિયો તે દરમિયાનનો સમય જળઘટિકા યંત્રથી માપે.
આમ પ્રકાશની ગતિ માપી શકાય. ગતિ એટલે પ્રકાશે કાપેલું કુલ અંતર છેદમાં તેણે લીધેલો કુલ સમય. આ રીતે ગેલિલિયોએ પ્રકાશની ગતિ માપવા પ્રયાસ કરેલો. જેટલી વાર ગેલિલિયોએ આ પ્રયોગ કર્યો તેટલી વાર જવાબ અલગ અલગ આવેલો. માટે ગેલિલિયો એ નિર્ણય પર આવ્યો કે પ્રકાશ વારે વારે તેની ઝડપ બદલે છે. મુશ્કેલી એ હતી કે પ્રકાશની ગતિ એક સેક્ધડની ૩ લાખ કિલોમીટર અને ગેલિલિયો અને તેના મદદનીશ વચ્ચેની બે ટેકરીઓનું અંતર માત્ર ૧૦ કિલોમીટર. વધુમાં પૂરું સમય જળઘટિકા યંત્ર માપે જેમાંથી પાણી ટપક ટપક પડે, વધારે વાત એમ હતી કે ગેલિલિયો અને તેના મદદનીશને લેન્ટર્નનું શટલ ખોલતાં કેટલી વાર લાગે ઓછામાં ઓછી એક સેક્ધડ. શટલને ખોલવાની પ્રક્રિયામાં જ ઓછામાં ઓછી ૩ સેક્ધડ લાગે. આટલા સમયમાં તો પ્રકાશ ૯ લાખ કિલોમીટરનું અંતર કાપે અને પૃથ્વીને ૨૩ ચક્કર લગાવી લે. તેમાં ગેલિલિયો અને તેના મદદનીશની જગ્યાઓની બે ટેકરી વચ્ચેના ૧૦ કિલોમીટર અંતરમાં પ્રકાશની ગતિ કેવી રીતે મપાય? આમ ગેલિલિયો પ્રકાશની ચોક્કસ ગતિ માપી શક્યો નહીં પણ તેણે વિજ્ઞાનીઓમાં એક વિચાર નાખી દીધો કે પ્રકાશની ગતિ માપવી જોઈએ. ૨૫૦ વર્ષના ખૂબ પ્રયત્નો પછી વિજ્ઞાનીઓએ પ્રકાશની ગતિ માપી. એટલું જ નહીં તેઓએ પ્રકાશના ત્રણ ગુણધર્મો પ્રકાશમાં આણ્યાં. એક કે પ્રકાશની ગતિ અવકાશમાં સેક્ધડની ૩ લાખ કિલોમીટર છે. પ્રકાશનો બીજો ગુણધર્મ કે પ્રકાશની ગતિ અવકાશમાં અચળ છે અને તેનો ત્રીજો ગુણધર્મ કે પ્રકાશની ગતિથી કોઈ પણ ગતિ વધુ હોઈ શકે નહીં.
પ્રકાશની ગતિ સીમિત હોવાથી આપણી બ્રહ્માંડને જોવાની દૃષ્ટિ જ બદલાઈ ગઈ. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ૧૫ કરોડ કિલોમીટરનું અંતર છે. તેથી પ્રકાશને સૂર્યથી આપણા સુધી પહોંચતા લગભગ સવા આઠ મિનિટ લાગે. એનો અર્થ એમ થયો કે જ્યારે આપણે સૂર્યને જોઈએ છીએ ત્યારે આપણે તેની સ્થિતિ તત્ક્ષણની નહીં પણ સવા આઠ મિનિટ ભૂતકાળની જોઈએ છીએ. સૂર્ય સિવાય આપણાથી નજીકનો પ્રકાશિત તારો આલ્ફાસેન્ટોરી આપણાથી સવાચાર પ્રકાશવર્ષ દૂર છે. એટલે કે જ્યારે આપણે આલ્ફાસેન્ટોરી તારાને જોઈએ છીએ ત્યારે આપણે તેની સ્થિતિ તત્ક્ષણની નહીં પણ સવાચાર વર્ષ પહેલાંની જોઈએ છીએ. આમ આપણે વર્તમાન સમય તો જોઈ જ શકતા નથી. બ્રહ્માંડમાં આપણે ગમે તે જોઈએ, આપણો હાથ પણ, આપણે તેની ભૂતકાળની સ્થિતિ જ જોઈએ છીએ. ભલે તે સેક્ધડનો અબજમો કે દસ અબજમો કે હજાર અબજમો ભાગ હોય, આમ જેને આપણે વર્તમાન કહીએ છીએ તે હકીકતમાં ભૂતકાળની કિનારી છે. આમ ભૂતકાળ આગળ વધતો જાય છે. આ આખું બ્રહ્માંડ ભૂતકાળીયું છે, જેમાં આપણે વર્તમાન પણ જોઈ શકતાં નથી, ત્યાં ભવિષ્ય જોવાની વાત ક્યાં રહી? બ્રહ્માંડની જીવનરેખા ક્ષણે ક્ષણે આગળ વધે છે. બ્રહ્માંડને પોતાને ખબર નથી કે બીજી ક્ષણે શું થવાનું છે. ત્યાં જ્યોતિષીઓ લોકોનું ભવિષ્ય ભાખે તે માનવું અઘરું છે, એક મહાકવિએ સાચું ગાયું છે.
ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે,
ન જાણ્યું વશિષ્ઠ જેવાએ સવારે શું થવાનું છે.
હતા કૌરવ અને પાંડવ જગતમાં મહાબળી યોદ્ધા,
ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે.
થયો દક્ષ પ્રજાપતિ યાગ ઉમિયા દેહ ત્યજાશે ત્યાં,
ન જાણ્યું શંભુ જેવાએ સવારે શું થવાનું છે.
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.
http://bombaysamachar.com/epaper/e10-2-2019/UTSAV-SUN-10-02-2019-Page-10.pdf
http://bombaysamachar.com/epaper/e10-2-2019/UTSAV-SUN-10-02-2019-Page-06.pdf
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=469213
સમય જ ઊર્જા, બ્રહ્મન અને અંતરીક્ષ છે
સમયનો કોઈ અર્થ નથી. તેના અસ્તિત્વનો કોઈ અર્થ નથી પણ અંતરીક્ષની જેમ તે દિવ્ય છે અને બ્રહ્માંડનું ચોથું પરિમાણ બનાવે છે. બ્રહ્માંડનું ચોથું પરિમાણ બનવાના દરેકે દરેક ગુણ તેમાં છે. તે સ્વતંત્ર ભૌતિકરાશિ છે જે પૂરા બહ્માંડમાં સળંગ રીતે અસ્તિત્વ ધરાવે છે. સમયે આપણને વિચાર કરતા કરી દીધા છે. બધું જ સમયમાંથી ઉત્પન્ન થાય છે અને સમયમાં સમાય છે
આગળના લેખમાં આપણે જોયું કે આપણે વર્તમાન સમય તો જોતા જ નથી. જે જોઈએ છીએ તે ભૂતકાળનો સમય છે. વર્તમાન સમય તો ભૂતકાળની કિનારી છે જે ધીરે ધીરે આગળ વધી રહી છે અને બધાને ગાયબ કરતી જાય છે. ભર્તૃહરિએ કહ્યું છે કે હું એ મહાકાળને પ્રણામ કરું છું જે વાસ્તવિકતાને યાદગીરીમાં ફેરવતો જાય છે. એક જમાનામાં મહાવીર, બુદ્ધ, શંકરાચાર્ય, ન્યૂટન, આઈન્સ્ટાઈન, મહાત્મા ગાંધી વાસ્તવિકતા હતા અને આજે તેઓ આપણી યાદગીરીમાં જ છે. હાલમાં આપણે વાસ્તવિકતામાં છીએ. પાંચ, દશ, વીસ, પચ્ચીસ, પચ્ચાસ, સો વર્ષે આપણે આપણી ભવિષ્યની પેઢીની યાદગીરીમાં જતાં રહીશું. જેમ વીંટળેલો ગાલીચો હોય અને એને આપણે રોલ આઉટ (Roll Out) કરીએ તેમ સમયની ચાદર આગળ અને આગળ વધતી જ જાય છે અને તેની નીચે બ્રહ્માંડને, ભૂતકાળરૂપી બધાને છુપાડતી જાય છે, ગાયબ કરતી જાય છે. હવે જો આપણે આ ગાલીચાનું વળી પાછું ફિન્ડલું વાળીએ (Roll In) તો તેની નીચેથી બધી વસ્તુ, બધો કચરો નીકળે. ગાલીચાને roll in કરી શકાય પણ સમયની ચાદર જે આગળ ધપતી જાય છે તેને શું roll in કરી શકાય? એટલે કે શું સમયને આપણે પાછો વાળી શકીએ? રિવર્સ કરી શકીએ? શું આપણે ભૂતકાળમાં જઈ શકીએ? આ એક રસપ્રદ પ્રશ્ર્ન છે. વિજ્ઞાનીઓ કહે છે કે સૈદ્ધાંતિક રીતે સમયને પાછો વાળી શકીય. (રિવર્સ કરી શકાય) એટલે કે આપણે ભૂતકાળમાં જઈએ છીએ. આપણે કોલેજ, શાળામાં ભણયા હતા તે જોઈ શકીએ. આપણે જન્મ્યા તે દિવસે આપણે કેવા હતા તે આપણે જોઈ શકીએ. ત્યારે આપણા માતા-પિતા કેવાં હતા તે પણ આપણે જોઈ શકીએ. છે ને ન માની શકાય તેવી વાત? આ કેવી રીતે બની શકે તે આપણે જોઈએ.
ન્યૂટનના ડાયનામિક્સમાં ગુરુત્વાકર્ષણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે પ્રસરે છે તે સમજાતું નથી. તેમાં ગુરુત્વાકર્ષણની ગતિવિધિ અસીમિત (Infinite) ગતિથી પ્રસરે છે. હવે જ્યારે પ્રકાશની ગતિ અંતરીક્ષમાં પ્રતિ સેક્ધડની 3 લાખ કિલોમીટરની છે અને તે અચળ છે અને તેનાથી વધારે ગતિ કોઈ પણ હોઈ શકે નહીં. તેણે ન્યૂટનના ડાયનામિકસને પ્રકાશની કે પ્રકાશની ગતિની નજીકની ગતિ માટે અપૂરતું પુરવાર કર્યું. માટે આઈન્સ્ટાઈનને ન્યૂટનના ડાયનામિક્સની ક્ષતિ દૂર કરવા તરફ વાળ્યા.
આઈન્સ્ટાઈને જોયું કે ન્યૂટને સમયને બહારથી માપ્યો છે. બ્રાહ્માંડમાં કોઈ પણ ઘટના બને તો તેની સાથે સમય જોડાયેલો જ હોય છે તો આઈન્સ્ટાઈનને થયું કે શા માટે સમયને જ ચોથું પરિમાણ ન લેવામાં આવે. તેને બૌધાયન- પાયથાગોરસના પ્રમેયમાં સમયને ચોથું પરિમાણ લઈ ન્યૂટનના ડાયનામિક્સને સુધાર્યું જેને આપણે આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષભાવ કહીએ છીએ. તેમાં પાર્શ્ર્વભૂમિતિ યુક્લિડની ભૂમિતિ છે અને તેમાં દરેક પરિસ્થિતિમાં પ્રવેગની ગેરહાજરી છે. આઈન્સ્ટાઈનના વિચિત્ર સાપેક્ષવાદે બ્રહ્માંડના અજાણ્યા છ ગુણોને આપણી સમક્ષ રજૂ કર્યાં. એક જ્યાં અંતરીક્ષ છે ત્યાં સમય છે અને જ્યાં સમય છે ત્યાં અંતરીક્ષ છે. તે બંને એકમેકમાં જોડાયેલાં છે. બીજું પદાર્થ એ જ ઊર્જા. ત્રીજું વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર ગાઢ રીતે એકમેકમાં જોડાયેલાં છે. ચોથું સમય ઘડિયાળની ગતિ પર આધાર રાખે છે, ઘડિયાળની ગતિ વધારે તેમ સમય ધીમો ચાલે છે અને પાંચમું વસ્તુની લંબાઈ તેની ગતિની દિશામાં ટૂંકી બને છે. જેમ જેમ વસ્તુની ગતિ વધતી જાય છે તેમ તેમ તેની ગતિની દિશામાં લંબાઈ ઘટતી જાય છે છઠ્ઠું વસ્તુનો પદાર્થ તેની ગતિ પર આધાર રાખે છે. આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદો ભૌતિકશાસ્ત્રમાં ક્રાંતિ આણી. તેણે સમયની નિરપેક્ષતાનો છેદ જ ઉડાડી દીધો. વસ્તુના પદાર્થની નિરપેક્ષતાનો પણ છેદ ઉડાડી દીધો. આ બધું આઈન્સ્ટાઈને સમયને, બ્રહ્માંડનું ચોથું પરિમાણ લઈ ન્યૂટનના ડાયનામિકસને સુધાર્યું તેને લીધે શક્ય બન્યું.
આપણા પેટમાં અંતરીક્ષ છે. પેટની બહાર આ ઓરડામાં પણ અંતરીક્ષ છે. તેની બહાર પણ અંતરીક્ષ છે. આમ અંતરીક્ષને આપણે કેદ કરી શકીએ નહીં. તેવું જ ગુરુત્વાકર્ષણનું છે. આપણે ગુરુત્વાકર્ષણને પણ કેદ કરી શકીએ નહીં માટે આઈન્સ્ટાઈને ‘ગુરુત્વાકર્ષણ’ને અંતરીક્ષના રૂપમાં વર્ણન કરવાનો વિચાર કર્યો. ગુરુત્વાકર્ષણ એટલે પ્રવેગ. પ્રવેગનું વર્ણન કરવું હોય તો આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ ચાલે નહીં અને બ્રાહ્માંદમાં પ્રવેગ (acceleration) ક્યાં નથી. પૃથ્વીને ગુરુત્વાકર્ષણ છે જે ગુરુત્વીય પ્રવેગ ઉત્પન્ન કરે છે. પૃથ્વીની ફરતે પણ ગુરુત્વાકર્ષણ છે.
ગુરુત્વાકર્ષણને અંતરીક્ષના રૂપમાં વર્ણવવું હોય તો યુક્લિડની સપાટ ભૂમિતિ ચાલે નહીં. માટે યુક્લિડીએતર ભૂમિતિનો ઉપયોગ કરવો પડે. Non Euclidean ભૂમિતિમાં બૌધાયન- પાયથાગોરસ પ્રમેયને લખવું પડે. આઈન્સ્ટાઈને તે કર્યું. આ યોજના મુજબ અંતરીક્ષ એક અદૃશ્ય ઊર્જાની ચાદર છે. ઊર્જા ભેગી થવાથી તે પદાર્થ બને છે. આ પદાર્થ અંતરીક્ષની ચાદરમાં ઝોલો પાડે છે. આ ઝોલો એ જ ગુરુત્વાકર્ષણનો ખાડો. તેની કિનારી પર રાખેલો લખોટો, નાનો પદાર્થ ઝોલાના ઢોળાવ વાટે કેન્દ્રમાં પડે જ, આને આપણે ગુરુત્વાકર્ષણનું આકર્ષણ (Attraction) કહીએ છીએ. પદાર્થ અંતરીક્ષને વાંકું વાળે છે સાથે સાથે સમયને પણ વાંકો વાળે છે. ગુુરુત્વાકર્ષણ સીધી રેખામાં જતાં પ્રકાશના કિરણને પણ વાંકું વાળે છે અને સુરેખામાં જતા સમયને પણ વાંકો વાળે છે. ગુરુત્વાકર્ષણ એટલું તીવ્ર હોઈ શકે જો પ્રકાશના કિરણને પણ રિવર્સ કરી શકે અને સમયને પણ રિવર્સ કરી શકે.
આમ આપણે સમય સાથે ભૂતકાળમાં જઈ શકીએ. સૈદ્ધાંતિક રીતે આ સ્પષ્ટ છે. તેનાં પરિણામો શું આવે તે જોવાનું રહે છે. આમ જોઈએ તો સમયનો કોઈ અર્થ નથી. તેના અસ્તિત્વનો કોઈ અર્થ નથી પણ અંતરીક્ષની જેમ તે દિવ્ય છે અને બ્રહ્માંડનું ચોથું પરિમાણ બનાવે છે. બ્રહ્માંડનું ચોથું પરિમાણ બનવાના દરેકે દરેક ગુણ તેમાં છે. તે સ્વતંત્ર ભૌતિકરાશિ છે જે પૂરા બહ્માંડમાં સળંગ રીતે અસ્તિત્વ ધરાવે છે. સમયે આપણને વિચાર કરતા કરી દીધા છે. બધું જ સમયમાંથી ઉત્પન્ન થાય છે અને સમયમાં સમાય છે. સમય જ બધી વસ્તુઓનું ઉદ્ગમ સ્થાન છે અને અંતિમ સ્થાન છે. તે જ ઊર્જા છે, તે જ બ્રહ્મન છે, તે જ અંતરીક્ષ છે. આ સમજાવે છે કે ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને શા માટે કહ્યું છે કે અહં કાલોસ્મિ
અંતરીક્ષમાં આપણા જીવન દરમિયાન કે હજારો વર્ષ સુધી બધું સ્થિર જ લાગે. ન તો ત્યાં સૂર્યોદય કે સૂર્યાસ્ત થાય. ત્યાં સમયનું અસ્તિત્વ દેખાય નહીં.
જ્યારે વસંતસંપાત બિન્દુએથી સૂર્ય ખગોળીય ઉત્તરગોળાર્ધમાં પ્રવેશે છે તો તે સરકમપોલર સ્ટાર બને છે. તે છ મહિના સરકમપોલર સ્ટાર બની રહે છે. માટે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર છ મહિનાના દિવસ બને છે અને પછી છ મહિના રાત રહે છે. પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આનાથી ઊલટું બને છે. જેમ જેમ ખગોળીય ઉત્તરગોળાર્ધ પર તે ઊંચે ચઢતો જાય તેેમ તેમ પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર દિવસ લાંબો અને લાંબો થતો જાય અને રાત ટૂંકી અને ટૂંકી થતી જાય. પૃથ્વીના દક્ષિણગોળાર્ધ પર આનાથી ઊલટું બને છે.
સમય પોતે ગૂંચવણ ભરેલો છે, અને આપણને ગૂંચવણમાં નાખે છે. એક બહુ રસપ્રદ ઉક્તિ છે: સમય સમય બળવાન છે, નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટયો એ જ ધનુષ અને બાણ. આટલી ચર્ચા પછી, તમને હવે લાગે છે કે સમય વિષે આપણે જાણ્યું છે? લગભગ નહીં. (સમાપ્ત)
http://bombaysamachar.com/epaper/e17-2-2019/UTSAV-SUN-17-02-2019-Page-10.pdf
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=469733

No comments:
Post a Comment