Saturday, March 23, 2019

અંતરીક્ષયુગનાં સુવર્ણમયી ૬૦ વર્ષ --- ડૉ. જે. જે. રાવલ

પંખીઓને ગગનમાં ઊડતાં જોઈને પ્રાચીન સમયથી માનવી અંતરીક્ષમાં ઊડવાનું સ્વપ્ન સેવતો હતો. આપણી કથા-વાર્તા, પુરાણો, બાળવાર્તા, મહાભારત અને રામાયણમાં માનવીની ગગનમાં ઊડવાની ઈચ્છાના પ્રતિબિંબો પડેલાં દેખાય છે, અને તે આપણે વિચાર કરતાં કરી મૂકે છે. બાળવાર્તાઓમાં પવન, પાવડી, ઊડતા ગાલીચા વગેરેની વાતોથી આપણને વિસ્મય થતું આ બાજુ ઈકારસની કથા છે, તો બીજી બાજુ રાવણના પુષ્પકવિમાનની વાત છે. તો ત્રીજી બાજુ રાજા ત્રિશંકુની વાર્તા છે. 

ઋષિ-વિશ્ર્વામિત્રને વિનંતી કરી. વિશ્ર્વામિત્ર રાજા ત્રિશંકુને સ્વર્ગમાં મોકલ્યો. આ વાતની સ્વર્ગના રાજા ઈન્દ્રને ખબર પડી. તેને એક કાળામાથાનો માનવી સ્વર્ગમાં સદેહે આવે તે માન્ય ન હતું. તેણે તો સ્વર્ગના દ્વાર બંધ કરી દીધાં અને ઊલટી દિશામાં એટલે કે પૃથ્વીની દિશામાં બળ આપ્યું. ત્રિશંકુ પૃથ્વી પર પડવા લાગ્યો. વિશ્ર્વામિત્રને આની ખબર પડી એટલે તેને લાગ્યું કે જો ત્રિશંકુ નીચે પૃથ્વી પર પડે તો તેની આબરૂના કાંકરા થાય કે વિશ્ર્વામિત્રે મોટે ઉપરાણે ત્રિશંકુને સ્વર્ગમાં તો મોકલ્યો પણ નિષ્ફળ ગયા. તેથી વિશ્ર્વામિત્રે ત્રિશંકુને પૃથ્વી પર આવવા જ ન દીધો. બિચારો ત્રિશંકુ અંતરીક્ષમાં આધવચ્ચે લટકી રહ્યો. જ્યારે આપણી સ્થિતિ ન આ બાજુ કે ન પેલી બાજુ જેવી થાય છે ત્યારે આપણે આ કથા પરથી કહીએ છીએ કે આપણી સ્થિતિ ત્રિશંકુ જેવી થઈ છે. વિશ્ર્વામિત્રે પછી અંતરીક્ષમાં બીજું સ્વર્ગ ઊભું કરવાની વાત કરી હતી. આજે આ શક્ય બન્યું છે. અંતરિક્ષમાં કોલોની સ્થાપી શહેરો વસાવી શકાય તેમ છે. 

આપણને એમ થાય કે શું અંતરિક્ષમાં આવી સ્થિતિ પ્રવર્તે છે. રસપ્રદ વાત એ છે કે અર્વાચીન ખગોળવિજ્ઞાને એ સાબિત કર્યું છે કે અંતરીક્ષમાં આવી સ્થિતિ હકીકતમાં પ્રવર્તે છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે. વિખ્યાત ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી જે. એલ. લાગ્રાન્જે સાબિત કર્યું છે કે પૃથ્વીની કક્ષાને સંલગ્ન પાંચ બિન્દુઓ એવાં હોય છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ શૂન્ય હોય છે. માટે જો કોઈ વસ્તુ આ બિન્દુએ આવી જાય તો તે હજારો અને લાખો, કરોડો કે અબજો વર્ષ સુધી ત્યાં જ રહે છે. ન તો તે ઉપર જઈ શકે ન તો નીચે આવી શકે ન તો આ તરફ જઈ શકે ન પેલી તરફ, કારણ કે એ બિન્દુએ ગુરુત્વાકર્ષણબળ લાગતું નથી. ત્યાં ગુરુત્વાકર્ષણબળ શૂન્ય હોય છે. મહાન ગણિતશાસ્ત્રી અને મહાગુરુ લાગ્રાન્જના માનમાં એ પાંચ બિન્દુઓને લાગ્રાંજ બિન્દુઓ કહે છે. આ કુદરતનું મોટું રહસ્ય છે. લાગ્રાંજના વખતમાં વિજ્ઞાનીઓ માનતા હતાં કે લાગ્રાજ મહાન ગણિતશાસ્ત્રી છે એટલે ગણિતની રીતે આવા બિન્દુઓનું અસ્તિત્વ શોધી કાઢ્યું હોય, પણ હકીકતમાં આવા બિન્દુઓ પણ વાસ્તવમાં ન હોઈ શકે અને આવા બિન્દુએ પદાર્થ પણ ન હોઈ શકે, તે ખાલી હોય, પણ લાગ્રાન્જે આ કહ્યું પછી પોણાબસો વર્ષ પછી હકીકતમાં ગુરુગ્રહના લાગ્રાન્જ બિન્દુએ નાના નાના લઘુગ્રહો શોધાયા છે. અને હવે તો બીજા ગ્રહોનાં-પૃથ્વી વગેરે બીજા ગ્રહોનાં અને ગ્રહોનાં ઉપગ્રહો ફરતે લાગ્રાંજ બિન્દુએ પણ નાના નાના લઘુગ્રહો શોધાયાં છે. આવા નાના નાના આકાશીપિંડોને ટ્રોજન કહે છે. 

ટ્રોજનની રસપ્રદ કથા છે. ટ્રોજન ટ્રોય શહેરના રહેવાસીઓ હતાં. ટ્રોયની ફરતે ગઢ હતો. તેની દીવાલો ઘણી ઊંચી હતી અને ટ્રોય શહેરનો જબ્બર ઊંચો વિશાળ અને મજબૂત દરવાજો હતો. ગ્રીકો ટ્રોય પર ચઢી આવેલા. દશ વર્ષ થયાં તો પણ તેઓ ટ્રોયમાં પ્રવેશી શક્યાં ન હતાં અને ટ્રોજનોને હરાવી શક્યા ન હતાં. ટ્રોયના ગઢની દીવાલો ઊંચી હતી. તેથી ટ્રોજનો ગ્રીકો પર બાણોની વર્ષા કરી ગ્રીકોના લશ્કરને પરેશાન કરતાં. ટ્રોયનો દરવાજો એટલો મજબૂત હતો કે તેને તોડવા ગ્રીક લશ્કર અસમર્થ હતું, દશ વર્ષ સુધી ગ્રીકો ટ્રોજનોને હરાવી શક્યાં નહીં. તેથી ગ્રીક લશ્કરના જનરલે એક આઈડિયા કર્યો. તેણે જબ્બર લાકડાનો સુંદર અતિ સુંદર પૈડાવાળો ઘોડો બનાવ્યો. તેને પોલિશ કરાવ્યો. રંગબેરંગી બનાવ્યો અને તેમાં ૩૦ ગ્રીક સિપાઈઓને સંતાડી દીધાં અને લાકડાના ઘોડાને ત્યાં મૂકી ટ્રોયથી થોડે દૂર લશ્કર ચાલ્યું ગયું અને એવો ઢોંગ કર્યો કે લશ્કર પાછું ચાલ્યું ગયું છે. 

ટ્રોજનોને લાગ્યું કે ગ્રીકો કંટાળીને ચાલ્યાં ગયાં છે. ગ્રીકો તેમને જીતી શક્યાં નથી. તેથી તેઓ હરખમાં આવી ગયાં તેઓએ એ પણ જોયું કે ગ્રીકો સુંદર મોટા લાકડાનો પૈડાવાળો ઘોડો મૂકી ગયાં છે. તેથી ટ્રોયના લશ્કરે શહેરનો ગેઈટ ખોલી નાખ્યો. સુંદર ઘોડાને શહેરમાં લીધો. 

એ વખતે અમુક ટ્રોજન સિપાઈઓ લાકડાના ઘોડાની આગળ થોડે દૂર રહીને ચાલતા હતા અને થોડા બીજા ટ્રોજન સિપાઈઓ ઘોડાની પાછળ તેટલે જ અંતરે ચાલતા હતા. આ તેમની વિજય સરઘસ કાઢવાની રીત હતી. આમ જ્યારે ટ્રોજનો લાકડાના ઘોડાને ટ્રોયમાં દોરી જતાં હતાં ત્યારે આજુબાજુ છુપાઈને રહેલા અડધો ડઝન જાસૂસ ગ્રીક સિપાઈઓ પણ તે વિજય સરઘસમાં ભળી ગયાં. તેમને ઈમીલીસ કહે છે. પછી તો ટ્રોયના ટ્રોજનોના વિજય સરઘસને શહેરમાં ફેરવવામાં આવ્યું અને ટ્રોયના ચોકમાં મોટા ઘોડાને રાખી દીધો. તે રાતે લશ્કર અને ટ્રોયના શહેરીજનો વિજયના ઉન્માદમાં ઘસઘસાટ સૂઈ ગયાં. ત્યારે જાસૂસ ગ્રીક સિપાઈઓની સૂચનાથી તે ઘોડામાંથી છુપાયેલાં ત્રીસ ગ્રીક સિપાઈઓ બહાર નીકળી તેઓએ ટ્રોયના ગઢના દરવાજા ખોલી નાખ્યાં. ત્યાં બહાર ગ્રીક લશ્કર આવી જ પહોંચ્યું હતું. તેઓએ પછી ટ્રોય શહેરનો માણસો સહિત સમૂળગો નાશ કર્યો અને ટ્રોય શહેરને કબજે કર્યું. આ કથા પરથી ગુરુગ્રહની કે કોઈ પણ ગ્રહ કે ઉપગ્રહની આગળ અને પાછળ સરખા અંતરે ચાલતાં લાગ્રાન્જ બિન્દુએ જે નાના નાના આકાશીપિંડો મળી આવ્યા છે કે મળી આવે છે કે મળી આવશે તેને ખગોળવિજ્ઞાનીઓ ટ્રોજન્સ કહે છે. 

બીજી અંતરીક્ષયુગની ગ્રીક પૌરાણિક કથા ઈકારસ છે. ગ્રીક પૌરાણિક કથાના પુત્ર-પિતા ઈકારસ અને તેના પિતાને અંતરીક્ષમાં ઊડવાનું મન થયું. તેમણે પીંછાની પાંખો બનાવી અને તેને મીણથી પોતાના શરીર સાથે ચોંટાડી અને ઊડ્યા. ખરેખર તેઓ બંને આકાશમાં ઉડ્યાં. યુવાન ઈકારસ તો ઊંચે અને ઊંચે ઉડવા લાગ્યો. તેના પિતાએ તેને બૂમ પાડીને કહ્યું કે બેટા, બહું ઊંચે ઊડ મા, સૂર્યની ગરમીથી તારી પાંખોનું મીણ પીગળી જશે અને તારી પાંખો નીચે પડી જશે તો તારું મૃત્યુ થશે. પણ યુવાન ઈકારસે તો તેના પિતાની સલાહની અવગણના કરી ઊંચે ઊડવાનું ચાલુ રાખ્યું. સૂર્યની ગરમીથી તેની પાંખોનું મીણ પીગળી ગયું. પાંખો નીચે પડી ગઈ અને ઈકારસ પણ પૃથ્વી પર પટકાયો અને મરણને શરણ થયો. આ અંતરીક્ષયુગનો પ્રથમ ભોગ હતો. અંતરિક્ષમાં-આકાશમાં ઉડ્ડયન એટલે મૃત્યુ સાથે બાથ ભીડવી. ત્યાં કોઈ ટેકો તો છે નહીં. પછી વિમાન હોય, રૉકેટ હોય કે ગમે તે સ્પૅસ વૅહિકલ હોય, અંતરીક્ષમાં જવું એટલે માથે કફન બાંધીને જ જવું. કલ્પના ચાવલા હોય કે ગમે તે હોય, કાંઈક ખોટવાય એટલે સીધા જમીન પર.

અંતરીક્ષયુગની કથા તે સાહસવીરોની કથા છે, માથે કફન બાંધીને જનારાની વાત છે. તેમ છતાં માનવીએ એવું સાહસ કર્યું અને આપણને અંતરીક્ષક્ષેત્રે આટલે સુધી પહોંચાડ્યાં છે. અંતરિક્ષને કામધેનુ સાબિત કર્યું છે. આ કથા આપણે આ લેખશ્રેણીમાં આંકવાના છીએ અંતરીક્ષ યુગ આ વર્ષે સાઠમા વર્ષમાં પ્રવેેશે છે ત્યારે એ બધા સાહસવીરોને આપણે યાદ કરીશું, તેમની શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું, જેઓએ આપણને અંતરીક્ષમાં લાવી મૂક્યાં. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=206019

23-10-2016


No comments:

Post a Comment