પુરાતન માનવીએ ઉપર જોયું તો તેના આશ્ર્ચર્યનો પાર ન રહ્યો. તેને કાંઇ પણ ખબર પડતી ન હતી કે આ બધું શું છે. દિવસે સૂર્ય આકાશમાં વિહાર કરે તો આજુબાજુ પક્ષીઓ ઊડે. તેને પણ હવામાં ઊડવાનું મન થતું. તે હવામાં કૂદકા મારતો પણ પૃથ્વી પર હેઠે પડતો. સમય પસાર થતો ગયો. અગ્નિની શોધ થઇ, ચક્રની શોધ થઇ, ગાડા, રથો, વહાણ, ટ્રેનની શોધ થઇ. વિજ્ઞાન ઠીક ઠીક આગળ વધ્યું.
માનવીએ પછી ઊડતા ગાલીચાની, ઊડનખટોલાની, પવનપાવડીની, ઋષિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિમાનમાં બેસીને પ્રવાસ કરે છે, દેવો વિમાનમાં બેસીને પૃથ્વી પર આવે છે. કાર્તિક સ્વામીએ પૃથ્વીની મોર પર બેસી પરિક્રમા કરી, વિષ્ણુ ભગવાન ગરુડ પર સવારી કરે છે વગેરે કથાઓ અસ્તિત્વમાં આણી. ભારદ્વાજ ઋષિએ પૂરા વિમાનશાસ્ત્રની રચના કરી. કુબેર-વિશ્ર્વકર્માએ પુષ્પક વિમાન બનાવ્યું. આવી કથાઓ પણ અસ્તિત્વમાં છે. આ બધી કથાઓ પાછળનો હેતુ હતો અંતરીક્ષમાં ઊડવાનો.
પશ્ર્ચિમી સંસ્કૃતિમાં ઇકારસની કથા છે. ઇકારસ અને તેના પિતાને અંતરીક્ષમાં ઊડવાનું મન થયું. તેમણે પીંછાની પાંખો બનાવી અને મીણથી શરીરે ચોંટાડીને તેમણે તો અંતરીક્ષમાં ધુબાકો માર્યો. બાપ-દીકરો ઊડવા લાગ્યા. દીકરો તો હરખમાં આવી ગયો અને ઊંચે અને ઊંચે ઊડવા લાગ્યો. પરિણામે સૂર્યની ગરમીથી મીણ પીગળી ગયું અને તેની પાંખો નીચે પડી. ઇકારસ જમીન પર પછડાઇ મૃત્યુ પામ્યો. અંતરીક્ષ યુગની આ પ્રથમ અકસ્માત અને મૃત્યુની ઘટના હતી.
કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં ભીમે હાથી, રથ અને ઘોડાને એટલા બળથી અંતરીક્ષમાં ફેંક્યા હતા કે તે હજુ સુધી પાછા આવ્યા જ નથી. શું આવું બની શકે ? બની શકે તો તે હાથી, રથ, ઘોડા ગયા ક્યાં ? આજે વિજ્ઞાન કહે છે કે આવું બની શકે. જો વસ્તુને પૃથ્વી પરની પલાયનગતિથી ફેંકવામાં આવે તો તે વસ્તુ પછી પાછી આવે જ નહીં.
હાથમાંથી વસ્તુ પડી જાય તો તે નીચે જ પડે, તે બિચારી ક્યાં જાય? તકલાદી હોય તો વસ્તુ તૂટી જાય, પણ પડે તો નીચે જ. પ્રાચીન સમયમાં મનાતું કે પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે, અને બ્રહ્માંડ પૃથ્વી માટે જ બન્યું છે. પૃથ્વી અને તેની ઉપરનું દિવસ અને રાતનું આકાશ તે જ બ્રહ્માંડ. પૃથ્વી મહાસાગર પર તરે છે.
પછી કોપરનિકસે કહ્યું કે પૂરું બ્રહ્માંડ પૃથ્વીની ફરતે પરિક્રમા કરતું નથી, પણ તે સૂર્યની ફરતે પરિક્રમા કરે છે. વિદ્વાનો ગ્રહોની ગતિવિધિથી ગૂંચવાઇ ગયા હતા. ત્યારે કેપ્લરે કહ્યું કે ગ્રહો સૂર્ય ફરતે વર્તુળાકાર કક્ષાઓમાં નહીં પણ લંબવર્તુળાકાર કક્ષામાં સૂર્યની પરિક્રમા કરે છે. તેને ગ્રહગતિના નિયમો પણ આપ્યા પણ તે નિરીક્ષણ પરથી તારવ્યા હતા. તેની પાછળનાં કારણોની ખબર ન હતી. ગેલિલિયોએ સાબિત કર્યું કે પૃથ્વીમાં પ્રવેગ છે જે બધી જ નાની-મોટી વસ્તુઓ પર સમાન લાગે છે અને અચળ છે.
ગેલિલિયોએ પોતાનું દૂરબીન બનાવ્યું અને માનવજાતના ઇતિહાસમાં તેણે પ્રથમ વાર તેને આકાશ તરફ માંડ્યું અને બ્રહ્માંડને તદન નજીક લાવી દીધું. તેણે કહ્યું કે અહીં ગુરુની ફરતે ચાર ચંદ્રમા પરિક્રમા કરે છે, નહીં કે પૃથ્વીની. માટે કોપરનિકસ સાચો છે. ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે.
તેમ છતાં પ્રશ્ર્ન હતો કે ગ્રહો શા માટે સૂર્યની પરિક્રમા કરે છે ? ન્યુટને ગતિના અને ગુરુત્વાકર્ષણના નિયમો શોધ્યા અને સમજાવ્યું કે ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે, કારણ કે તે બંને વચ્ચે ગુરુત્વાકર્ષણનું
બળ છે.
આમ ગુરુત્વાકર્ષણ બળની આપણને જાણ થઇ અને તેણે બ્રહ્માંડ સમજવાની ચાવી આપણા હાથમાં મૂકી દીધી.
ક્યાં સફરજનનું ન્યુટન સમક્ષ નીચે પડવું અને ક્યાં બ્રહ્માંડને સમજવાની ગુરુત્વાકર્ષણને સમજવાની સમજણ આપણને મળી. આપણા પ્રાચીન મનિષીઓ કહે છે આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્ર્વત: અર્થાત દરેક દિશામાંથી મને સારા વિચારો પ્રાપ્ત થાય.
ન્યુટનને ગુરુત્વાકર્ષણ સમજવા પૃથ્વી પર પડતા સફરજને વિચાર આપ્યો. ન્યુટન પછી સફરજનના પડવાની ક્રિયાને પૃથ્વી ફરતે પરિક્રમા કરતા ચંદ્રના રૂપમાં સમજી શક્યો. ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે તેનો બીજો અર્થ થાય ચંદ્ર હર ક્ષણે પૃથ્વી પર પડે છે. આમ ગતિના નિયમોની મદદથી ગુરુત્વાકર્ષણનો નિયમ અસ્તિત્વમાં આવ્યો. ન્યુટનના ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણના નિયમે દર્શાવ્યું કે એક ગતિ છે જેને પલાયન (છટક,escape velocity) કહે છે. તે ગતિથી જો કોઇ વસ્તુને અંતરીક્ષમાં ફેંકવામાં આવે તો તે કદી પાછી આવતી નથી. હવે વાત સમજાઇ કે ભીમે જે હાથી, ઘોડા, રથોને અંતરીક્ષમાં ફેંક્યા હતાં તે શા કારણે પાછા આવ્યા નથી. આ ગતિ નાની-સૂની નથી. તે સેક્ધડની ૧૧.૨ ( કલાકની ૪૦,૦૦૦) કિલોમીટરની છે. હાલમાં પૃથ્વી પર ઝડપી રેલગાડી કલાકના ૫૦૦ કે ૬૦૦ કિલોમીટરની ગતિથી દોડે છે અને વિમાનો કલાકના ૧૦૦૦ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. સુપરસોનિક વિમાનો કલાકના ૨૦૦૦ કે ૨૫૦૦ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા સેક્ધડના ૩૦ કિલોમીટરની ઝડપે એટલે કે કલાકના ૧,૦૮,૦૦૦ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે.
ન્યુટનના નિયમોએ દર્શાવ્યું કે અંતરીક્ષમાં જઇ શકાય છે પણ આટલી મોટી ગતિ પેદા કેવી રીતે કરવી ? અંતરીક્ષમાં જનાર ઉત્સુકોમાંના ઘણા ખરા મરણને શરણ થયા. રાઇટ ભાઇઓએ પછી વીસમી સદીના પ્રારંભે વિમાન ઉડાડ્યું, પણ એ બધા પ્રયોગો હતા.
અંતરીક્ષ ઉડ્ડયનમાં ન્યુટનના નિયમો તો હતા પણ જ્યાં સુધી વાહનમાં ઇંધણ નાખવામાં ન આવે ત્યાં સુધી ન્યુટનના નિયમો કાંઇ કરી શકે નહીં. આવે વખતે વિજ્ઞાનીઓ અને ટૅક્નોલૉજીસ્ટોને રસાયણશાસ્ત્ર મદદે આવ્યું.
પુરાતન સમયમાં મનાતું કે અંતરીક્ષ ખાલી છે. પણ પવન અને વાદળાં, વરસાદે દર્શાવ્યું કે અંતરીક્ષ ખાલી નથી, તેમાં વાયુઓ છે, પાણીની વરાળ, કાર્બનડાયોક્સાઇડ, ઑક્સિજન વગેરે. રસાયણશાસ્ત્રીઓએ પછી વાયુઓને પ્રયોગશાળામાં પેદા કરી તેના ગુણધર્મો જાણ્યા.
પાણીએ તેમને દર્શાવ્યું કે તે ત્રણ સ્થિતિમાં છે વાયુ (વરાળ), પાણી (પ્રવાહી) અને બરફ (ઘન). વિજ્ઞાનીઓને હાઇડ્રોજન વાયુની જ્વલનશીલતાના ગુણની ખબર પડી, ઑક્સિજન વાયુની વસ્તુને બળવામાં મદદ કરવાના ગુણની ખબર પડી. જો હાઇડ્રોજન વાયુ ને ઑક્સિજન વાયુની મદદથી બાળવામાં આવે તો તે રોકેટને જબ્બર ધક્કો મારી શકે, પણ તે વાયુરૂપ હોવાથી તેને ભરવા રોકેટ સાથે મોટા મોટા નળાકારો જોડવા પડે જે રોકેટને અંતરીક્ષમાં મોકલવા ઘણી મહેનત કરાવે અને ખર્ચ ખૂબ જ વધારી દે. જો આ વાયુને પ્રવાહી બનાવી દેવામાં આવે તો તે થોડી જ જગ્યા રોકે અને રોકેટને અંતરીક્ષમાં ધક્કો મારવાનું અને તેને અંતરીક્ષમાં ચલાવવાનું સરળ બને અને ખર્ચ ઘણો ઓછો આવે. પણ હાઇડ્રોજન અને ઑક્સિજન વાયુઓને પ્રવાહી બનાવવાનું કામ પડકારરૂપ છે. વિજ્ઞાનીઓએ તે કાર્ય કરવાનો પડકાર પણ ઝીલી લીધો. હવે વિમાનો પેટ્રોલની મદદથી અંતરીક્ષમાં જવા લાગ્યાં અને રોકેટો અંતરીક્ષમાં જવા લાગ્યાં.
ઘણી નિષ્ફળતા પછી પ્રથમ રોકેટને સફળતાપૂર્વક અંતરીક્ષમાં છોડવા માટે રોબર્ટ ગોરાર્ડ સફળ થયા, પણ તે માત્ર રોકેટને જ અંતરીક્ષમાં છોડતા. તે રોકેટને પેલોડ સાથે છોડતા નહીં. આ કાર્ય જર્મન-અમેરિકી રોકેટશાસ્ત્રી વર્નર ફોન બ્રાઉન અને ઓબોર્વે કર્યું. આમ રોકેટો પે-લોડ સાથે અંતરીક્ષમાં જવા લાગ્યાં જેને વૉર-હેડ, અણુબોમ્બ વગેરેને અંતરીક્ષમાં લઇ જવા સમર્થ બનાવ્યાં.
હવે કૃત્રિમ ઉપગ્રહોને અંતરીક્ષમાં મોકલવામાં આવ્યા. લાયકા નામની માદા શ્ર્વાન અંતરીક્ષમાં ગઇ. પછી યુરી ગાગારીન, વેલેન્ટીના તેરેસ્કોવા, અમેરિકી સાહસવીરો વગેરે અંતરીક્ષમાં ગયાં. નીલ આર્મસ્ટ્રોંગ, બઝ આલ્ડ્રિન અને માયકલ કોલીન્સ અંતરીક્ષમાં ગયા. નીલ અને બઝ પ્રથમ માનવીઓ હતા જે ચંદ્ર પર ઊતર્યા પછી તો બીજા દશ અંતરીક્ષવીરો ચંદ્ર પર ગયા. હવે મંગળ પર માનવી ઉતારવાની યોજનાઓ ચાલે છે. આમ ઘણા સંઘર્ષો પછી માનવી અંતરીક્ષમાં ગયો અને ચંદ્ર પર પણ ઊતર્યો, આ માત્ર માનવીની ઇચ્છા શક્તિથી શક્ય બન્યું.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=402355
No comments:
Post a Comment