Saturday, March 23, 2019

બ્રહ્માંડ આપણા જીવન સાથે વણાયેલું છે --- ડૉ. જે. જે. રાવલ

આપણી પાસે ગણિતશાસ્ત્ર છે. તેમ છતાં તમે ગણિતશાસ્ત્રને જરા પણ જાણો નહીં તો પણ જીવન જીવી શકો. જોકે હવે અર્વાચીન જીવન માટે ગણિતશાસ્ત્ર વગર કલાક પણ જીવી શકાય નહીં. ગણિતશાસ્ત્ર આપણે જન્મ્યા ત્યારથી જ આપણી સાથે છે, આંગળાં અને શરીરના અવયવોરૂપે. તેમ છતાં ગણિતશાસ્ત્ર ન જાણીએ તો વાંધો તો ન આવે. આપણે જ્યોતિષમાં ન માનીએ તો પણ જીવન જીવી શકીએ. આપણી પાસે ભૌતિકશાસ્ત્ર છે. બ્રહ્માંડમાં બધે જ ભૌતિક ક્રિયાઓ ચાલે છે. તેમ છતાં ભૌતિકશાસ્ત્ર ન ભણીએ તો પણ જીવન જીવી શકાય છે. 

વસ્તુ હાથમાંથી નીચે પડે છે, તો પડે છે. શા માટે તે નીચે પડે છે તે ન જાણો તો પણ જીવન જીવી શકાય છે. સૂર્ય પૂર્વમાં શા માટે ઉદય પામે છે અને પશ્ર્ચિમમાં શા માટે અસ્ત પામે છે તેની પાછળનું કારણ ન જાણીએ તો પણ જીવન જીવી શકાય છે. સૂર્ય શા માટે પ્રકાશે છે તેની પાછળનું કારણ ન જાણીએ તો પણ જીવી શકાય છે. 

આપણી પાસે રસાયણવિજ્ઞાન છે. ખોરાક વગેરેનું પાચન વગેરે બધી જ ક્રિયા રસાયણશાસ્ત્ર છે પણ તે ન જાણીએ તો પણ જીવન જીવી શકાય છે. બધી જ રસોઇ રસાયણશાસ્ત્રની દેન છે. પાણી શું તે ન જાણીએ તો પણ ચાલે. તેવું જ જીવવિજ્ઞાનશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભાષા વગેરેનું છે. 

ઉપરોક્ત બધાં શાસ્ત્રો ન જાણીએ તો પણ જીવન જીવી શકાય પણ તે જાણીએ તો આપણને નવી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણને ખબર પડે છે કે બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે. આપણાં શાસ્ત્રોમાં મનીષીઓએ કહ્યું છે શાસ્ત્ર પ્રયોજન ખલુ તત્ત્વદર્શનમ્ ા અર્થાત્ શાસ્ત્રો આપણને તત્ત્વદર્શન કરાવે છે. આપણી જ્ઞાનની ક્ષિતિજને વિસ્તૃત કરે છે. 

હવે રહ્યું ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્ર બધાં જ શાસ્ત્રોની માતા છે. અને માનવીએ જાણેલું પ્રથમ શાસ્ત્ર છે. બધાં જ શાસ્ત્રો બ્રહ્માંડની જીવનરેખા (લાઇફલાઇન)છે માટે તેનો અંત નથી. તે બ્રહ્માંડ સાથે ચાલ્યા જ કરે છે, અટકી ગયાં નથી. ખગોળશાસ્ત્ર હકીકતમાં પ્રશ્ર્નો ઊભા કરે છે. 

ખગોળશાસ્ત્રે ઊભા કરેલા પ્રશ્ર્નોના જવાબો બિચારાં બીજાં શાસ્ત્રો આપે છે. પણ તેમને એટલે કે બીજાં શાસ્ત્રોને જન્મ આપનાર ખગોળશાસ્ત્ર છે. આમ બીજાં શાસ્ત્રોને જન્મ આપી ખગોળશાસ્ત્ર બન્યું છે. ખગોળશાસ્ત્રની બહાર કોઇ શાસ્ત્ર નથી, રાજકારણ પણ નહીં અને તર્કશાસ્ત્ર પણ નહીં. સંગીત, નૃત્ય, કળા, ચિત્રકળા, કોઇ પણ શાસ્ત્ર નહીં. માટે ખગોળશાસ્ત્ર મહાન છે. 

કોઇ પણ શાસ્ત્ર વગર ચાલે, પણ ખગોળશાસ્ત્રનું કાર્ય આપણને બરાબર સ્પર્શે છે. રાત થાય, દિવસ થાય, ઋતુઓ થાય, ગ્રહોની ફરતે વાયુમંડળ હોવું કે ન હોવું, વરસાદ થાય, ગરમી પડે, ઠંડી પડે, વીજળી થાય, મેઘગર્જના થાય, નદીઓ વહે બધું જ ખગોળવિજ્ઞાનના કાર્ય સાથે સંબંધિત છે અને પૃથ્વી પર જન્મેલા દરેક સાથે સંબંધ ધરાવે છે. 

અંતરીક્ષમાંથી આવતા લઘુગ્રહો પૃથ્વીને ધ્રુજાવી શકે છે. પૃથ્વીના પેટાળમાં થતા ધરતીકંપો હજારો માનવીને મરણને શરણ કરે છે. સુનામી પણ વિધ્વંસક છે. અણુવિજ્ઞાનનું જ્ઞાન પણ આપણને તારાના અભ્યાસે આપ્યું છે. ગ્રહો ગોળ છે તે પણ ખગોળવિજ્ઞાન છે. ગ્રહો ગોળ ન હોત તો આપણી શું દશા થાત? ગતિશક્તિ, સ્થિતિશક્તિ, ગરમી શક્તિ બધી જ શક્તિઓનો આવિર્ભાવ ખગોળવિજ્ઞાનમાં થયો છે. સૂર્યશક્તિને લીધે પૃથ્વી પર જીવન ઉત્પન્ન થયું છે અને હાલ સુધી ટક્યું છે. પ્રકાશસંશ્ર્લેષકની ક્રિયા પણ સૂર્યને આભારી છે જે પૃથ્વી પર વધતા જતા કાર્બનડાયોક્સાઇડને ફળો ફૂલોમાં રૂપાંતર કરે છે અને આપણને ઑક્સિજન આપે છે. ખગોળ જ બ્રહ્માંડની બધી વસ્તુને ધરી રાખે છે. એ જ સમય છે, એ જ ઊર્જા છે અને એ જ અંતરિક્ષ ચે. વિદ્યુત-ચુંબકીય તરંગો બ્રહ્માંડમાં જ વિહાર કરે છે અને અંતરીક્ષ જ અવાજના તરંગોને ઉત્પન્ન કરે છે. ખગોળ જ દરેક વસ્તુનું જન્મસ્થાન છે અને મૃત્યુસ્થાન પણ ખરું. 

ખગોળવિજ્ઞાન ન જાણો તો બ્રહ્માંડમાં ચાલતી ગતિવિધિ, જન્મ-મૃત્યુનો ખેલ સમજાય જ નહીં. બ્રહ્માંડમાં જે પણ ક્રિયા થાય છે, ખેલ ખેલાય છેતે બધાં જ ખગોળીય છે. ખગોળીયપિંડો જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તે ગુરુત્વાકર્ષણને લીધે જ છે. પ્રકાશથી જ આપણે જીવી શકીએ છીએ, ખગોળશાસ્ત્ર એટલે ગુરુત્વાકર્ષણશાસ્ત્ર. બ્રહ્માંડ એટલે ગુરુત્વાકર્ષણ, છેવટે બ્રહ્માંડમાં ગુરુત્વાકર્ષણ જ રાજ કરે છે. તે બ્રહ્માંડને ઉત્પન્ન કરે છે, ધરી રાખે છે અને છેવટે તેનો નાશ કરે છે. બધા આકાશીપિંડોને તે જ ગોળ ગોળ ફેરવે છે. બધા આકાશીપિંડોને દડા જેવા ગોળ કરવાનું કામ પણ ગુરુત્વાકર્ષણ જ કરે છે. કેલેન્ડર અને સમયની વિચારસરણી આપનાર પણ ખગોશશાસ્ત્ર જ છે. 

વિદ્યુત-ચુંબકીયક્ષેત્ર, આણ્વિકક્ષેત્ર, રેડિયોએક્ટિવિટી આ બધાં જ બળોની જનની પણ ગુરુત્વાકર્ષણ જ છે. દરિયામાં ભરતી-ઓટ લાવનાર, વરસાદને પૃથ્વી પર લાવનાર, ઉલ્કાવર્ષા કરનાર, ધૂમકેતુઓને ઉત્પન્ન કરનાર, તેને સૂર્યમાળામાં ફેરવનાર અને છેવટે પૃથ્વી પર પટકનાર પણ ગુરુત્વાકર્ષણ જ છે. આ હું પેનથી લખું છું તે શાહીને બહાર લાવનાર પણ ગુરુત્વાકર્ષણ જ છે. 

પ્રવાહી કે પાણીને કોઇ પણ ગરમી આપીએ ત્યારે ગરમ થઇને તે ઉપર જાય, ઉપરનું ઠંડું અને ભારે પ્રવાહી નીચે આવે અને ઉષ્ણતાનયનના પ્રવાહો શરૂ થાય તે ગુરુત્વાકર્ષણને લીધે. આપણે પૃથ્વીના દડા પરથી લસરી પડતા નથી, પૃથ્વી પર મહાસાગરો ઘૂઘવે છે તે બધું પણ ગુરુત્વાકર્ષણને લીધે જ છે. શિયાળામાં સરોવરનાં પાણી બરફ થઇ જાય છે. તેમ છતાં જળચર પ્રાણીઓ જીવે ચે તે ગુરુત્વાકર્ષણને આભારી છે. ગ્રહો પર પહાડ વધારેમાં વધારે કેટલા ઊંચા હોઇ શકે તે પણ ગુરુત્વાકર્ષણ જ નક્કી કરે છે. 

ગુરુત્વાકર્ષણ ન હોય તો બ્રહ્માંડના અસ્તિત્વની કલ્પના કરવી જ મુશ્કેલ છે. આપણે નાહી શકીએ છીએ અને વસ્તુને ધક્કા મારી શકીએ છીએ. છીંક ખાઇએ તો પાછા ધકેલાતા નથી. તે બધું જ ગુરુત્વાકર્ષણનો પ્રતાપ છે. ગુરુત્વાકર્ષણ જ ઇશ્ર્વર હોય તેમ લાગે છે. ગુરુત્વાકર્ષણ સર્વવ્યાપી પણ છે. આપણે નાહીએ છીએ ત્યારે પાણી નીચે ઊતરે છે, પાણીના ધોધ નીચે પડે છે. નદીઓ વહે છે એ બધામાં ગુરુત્વાકર્ષણનું જ યોગદાન છે. વૃક્ષોમાં, છોડવામાં જે પાણી ઊંચે ચઢે છે તે કેશાકર્ષણના નિયમને આધારે ઊંચે ચઢે છે પણ તેનું નિયમન કરનાર ગુરુત્વાકર્ષણ જ છે. જો ગુરુત્વાકર્ષણ ન હોત તો વૃક્ષો બહુ ઊંચાં થઇ જાત, ત્યાં પાણી પણ પહોંચી ન શકત.

બ્રહ્માંડમાં દરેક વસ્તુના અસ્તિત્વ પાછળ છેવટે તો ગુરુત્વાકર્ષણ નો જ હાથ હોય છે. માનવી ની દરેક ક્રિયા પર પણ ગુરુત્વાકર્ષણનું નિયમન છે. જો પૃથ્વીને ગુરુત્વાકર્ષણ ન હોત તો પૃથ્વી પોતે જ ન હોત અને પૃથ્વી પર કોઇ પણ વસ્તુ પણ ન હોત. 

પૃથ્વી પર જે વરસાદ પડે છે તે ગુરુત્વાકર્ષણને લીધે પડે છે. પૃથ્વી પર પાણી જે સચવાઇ રહ્યું છે, તે પણ ગુરુત્વાકર્ષણને આભારી જ છે. છેવટે આ બધું રહસ્ય પદાર્થના અણુને આભારી છે. વિશાળ મહાસાગરમાં વિષ્ણુ ભગવાન કાળરૂપી શેષનાગ ની શૈયામાં પોઢ્યા છે તેની નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું છે જેમાં રચયિતા બ્રહ્મા આસન જમાવી બેઠા છે તે બ્રહ્માંડનું રૂપક હોય તેમ લાગે છે. સમુદ્રમંથનમાંથી બધું ઉત્પન્ન થાય છે તે પણ રૂપક સમજવા જેવું છે. જે અસ્ત્રો-શસ્ત્રોથી લડાઇઓ થાય છે તેના મૂળમાં પણ ગુરુત્વાકર્ષણ જ છે. ગુરુત્વાકર્ષણને સમજ્યા વગર કે તેના વગર બ્રહ્માંડમાં કાંઇ પણ થઇ શકે નહીં. બ્રહ્માંડ ગુરુત્વાકર્ષણમય છે.

No comments:

Post a Comment