Saturday, September 24, 2016

ઉત્તરાયણમાં સારા ઉત્સવ કેમ નહીં? -- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

ધનારખ કે કમૂરતાંના મહિનામાં સારો પ્રસંગ ન ઊજવવા પાછળ અંધશ્રદ્ધા નહીં, પણ અગવડની વાત હતી




પૃથ્વી જે સમતલમાં રહીને સૂર્યની પરિક્રમા કરે છે તેને સૌર સમતલ કહે છે. જો કે પૃથ્વી સૂર્યની પરિક્રમા અંડાકાર કક્ષામાં કરે છે પણ સામાન્ય રીતે તેને વર્તુળ ગણવામાં આવે છે. પૃથ્વીની ધરી સાડાત્રેવીસ અંશે ઝૂકેલી છે. પૃથ્વીના વિષુવવૃત્તનું આકાશમાં પ્રક્ષેપણ કરીએ તો તે આકાશમાં વર્તુળ રચે છે જેને ખગોળીય વિષુવવૃત્ત કહે છે. પૃથ્વી સાડાત્રેવીસ અંશે ઝૂકેલી હોવાથી પૃથ્વીનો વિષુવવૃત્ત પણ પૃથ્વીની કક્ષા સાથે એટલે કે સૌર સમતલ સાથે ૨૩.પ અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વી પરથી જોતાં સૂર્ય પૃથ્વીની પરિક્રમા કરતો લાગે છે. જેમ જેમ પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતી જાય તેમ તેમ પૃથ્વી પરથી જોતાં સૂર્યની જગ્યાનું આકાશમાં પ્રક્ષેપણ જે માર્ગ બનાવે છે તેને રવિમાર્ગ કહે છે. રવિમાર્ગ હકીકતમાં પૃથ્વીની જ કક્ષાનું આકાશમાં પ્રક્ષેપણ છે. આકાશમાં આમ બે વર્તુળો રચાય છે, અને તે એકબીજા સાથે સાડાત્રેવીસ અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વીનો વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાના બે ભાગ કરે છે. ઉત્તર તરફના ભાગને ઉત્તર ગોળાર્ધ કહે છે અને દક્ષિણ તરફના ભાગને દક્ષિણા ગોળાર્ધ કહે છે. તેવી જ રીતે ખગોળીય વિષુવવૃત્ત આકાશના ગોળાના બે ભાગ કરે છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પરના આકાશી અર્ધગોળાને ખગોળીય ઉત્તર ગોળાર્ધ કહે છે અને પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પરના આકાશી અર્ધગોળાને ખગોળીય દક્ષિણ ગોળાર્ધ કહે છે. અર્ધ રવીમાર્ગ ખગોળીય ઉત્તર ગોળાર્ધમાં રહે છે, એટલે કે પૃથ્વીના વિષુવવૃત્તની સમતોલની ઉપર રહે છે, એટલે કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પરના આકાશમાં રહે છે અને તેનો બીજો અર્ધભાગ ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં રહે છે, એટલે કે પૃથ્વીના વિષુવવૃત્તની સમતલની નીચે રહે છે. એટલે કે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પરના આકાશમાં રહે છે, 

ખગોળીય વિષુવવૃત્ત અને રવિમાર્ગનાં બે વર્તુળો એકબીજાને સાડાત્રેવીસ અંશે ઝૂકેલાં હોવાથી તે એકબીજાને આકાશમાં બે અને માત્ર બે બિન્દુમાં છેદે છે. આ બિન્દુઓમાંના પૂર્વ તરફના બિન્દુને વસંતસંપાત બિન્દુ કહે છે અને પશ્ર્ચિમ તરફના બિન્દુને શરદસંપાત બિન્દુ કહે છે. આ બંને દિવસે સૂર્ય ખગોળીય વિષુવવૃત્ત પર રહેતો હોવાથી પૂરી પૃથ્વી પર દિવસ અને રાત સરખાં થાય છે, દરેક બાર બાર કલાકનાં. દર વર્ષે સૂર્ય ૨૦ કે ૨૧ માર્ચે વસંતસંપાત બિન્દુએ આવે છે અને રર કે ર૩ સપ્ટેમ્બરે શરદસંપાત બિન્દુ પર આવે છે. સૂર્ય પોતાનું ઉત્તર ગોળાર્ધમાં વિચરણ સમાપ્ત કરીને વર્ષે જ્યારે રર કે ર૩ સપ્ટેમ્બરે શરદસંપાત બિન્દુએ આવે છે ત્યારે પૂરી પૃથ્વી પર દિવસ અને રાત સરખાં થાય છે, દરેક બાર બાર કલાકનાં. આ સમયે હકીકતમાં શરદઋતુ શરૂ થાય છે. પછી તે ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં પ્રવેશ કરે છે. આ સમય દરમિયાન તે દક્ષિણ ગોળાર્ધના આકાશમાં ઉપર ને ઉપર ચઢતો જાય છે અને ઉત્તર ગોળાર્ધના આકાશથી દૂર ને દૂર જતો જાય છે. આથી પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો શરૂ થાય છે અને દિવસે દિવસે ત્યાં દિવસ લાંબો ને લાંબો થતો જાય છે, બાર કલાકથી વધારે અને રાત ટૂંકી અને ટૂંકી થતી જાય છે, બાર કલાકથી ઓછી ને ઓછી પણ કુલ દિવસ ર૪ કલાક છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આનાથી ઊલટું થાય છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર શિયાળો શરૂ થાય છે, અને દિવસે દિવસે ત્યાં દિવસ ટૂંકો ને ટૂંકો થતો જાય છે. બાર કલાકથી ઓછો ને ઓછો અને રાત લાંબી ને લાંબી થતી જાય છે, બાર કલાકથી વધારે ને વધારે. જેમ જેમ સૂર્ય ઉત્તર ગોળાર્ધથી દૂર ને દૂર જતો જાય છે, તેમ તેમ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર ઠંડી વધતી જાય છે. દિવસ ટૂંકો ને ટૂંકો થતો જાય છે અને રાત લાંબી થતી જાય છે. ર૧ કે રર ડિસેમ્બરે સૂર્ય પૃથ્વીના ઉત્તર ગોળાર્ધથી દૂરમાં દૂર હોય છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર ઠંડીનું સામ્રાજ્ય છવાઈ જાય છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં બધા ઠંડીથી ઠૂંઠવાય છે. 

૨૦૦૦ વર્ષ પહેલાં સૂર્ય ર૧ કે રર ડિસેમ્બરે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધથી દૂરમાં દૂર રહેતો ત્યારે તે મકર રાશિમાં પ્રવેશ કરતો અને એ દિવસે તે પોતાની ઉત્તર તરફ સફર શરૂ કરતો. તેથી ત્યારે ઉત્તરાયણ શરૂ થતી. ઉત્તરાયણને દિવસે જ સૂર્ય મકરમાં પ્રવેશ કરતો. તેથી તે દિવસે મકરસંક્રાંતિ પણ થતી. આ દિવસે પૃથ્વી પરના સંલગ્ન અક્ષાંશને મકરવૃત્ત કહે છે. એટલે કે ર૦૦૦ વર્ષ પહેલાં મકરસંક્રાંતિના દિવસે સૂર્ય મકરરાશિમાં રહેતો. ર૦૦૦ વર્ષ પહેલાં ખગોળ નિરીક્ષક પૃથ્વીના દક્ષિણ ગોળા પર આવેલા ર૩.પ અક્ષાંશ પર ઊભા રહીને ઉપર જોતો તો તેને સૂર્ય મકરરાશિમાં દેખાતો. તેથી પૃથ્વીના ગોળા પરના ર૩.પ દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત એવું નામ આપવામાં આવ્યું હતું. ૨૦૦૦ વર્ષ પહેલાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે તે પહેલાં પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર ખૂબ જ ઠંડી પડતી. તેથી લોકાનેે બહાર નીકળવું અશક્ય થઈ પડતું હતું. હાલમાં જે ઠંડી પડે છે તે તો કાંઈ જ નથી, ર૦૦૦ વર્ષ પહેલાં વૃક્ષો ખૂબ જ હતાં, જંગલો હતાં. વસ્તી થોડી હતી, વાહનો, કારખાનાં વગેરેથી પેદા થયેલું પ્રદૂષણ ન હતું. તેથી ઠંડી ભયંકર પડતી-તેથી ર૦૦૦ વર્ષ પહેલાં લોકોએ સ્વયંભૂ નક્કી કરેલું કે ઉત્તરાયણ પહેલાંના મહિનામાં કોઈએ ઉત્સવો કે સારા પ્રસંગોનું આયોજન ન કરવું, કેમ કે ઠંડીથી ખૂબ અગવડ નડે. તે વખતે ઉત્તરાયણ પહેલાંના મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો. તેથી તેને ધનારખનો મહિનો કહેતા. ધનારખનો મહિનો આથી કમૂરતાંનો મહિનો ગણાયો. આ પાછળ કોઈ અંધશ્રદ્ધા નહીં પણ અગવડની વાત હતી. પણ લોકોએ તેને અંધશ્રદ્ધા ગણી લીધી. જેમ હાલમાં આપણે કોઈ પ્રસંગ કરવો હોય તો ગમે તે દિવસે કરી શકીએ, પણ બધાની સગવડ માટે આપણે શનિ કે રવિએ પ્રસંગ કરીએ છીએ, તેની જેમ. 

પણ હાલમાં પૃથ્વીની ધરીની પરાંચનગતિને લીધે જ્યારે ર૧ કે રર ડિસેમ્બરે ઉત્તરાયણ થાય છે ત્યારે સૂર્ય મકરરાશિમાં નહીં પણ ધનરાશિમાં પ્રવેશ કરે છે. અને ઉત્તરાયણ પહેલાંના મહિનામાં તે વૃશ્ર્ચિકરાશિમાં રહે છે. માટે ઉત્તરાયણ પહેલાંનો કમૂરતાંનો મહિનો જે ધનારખ હતો તે હવે વૃશ્ર્ચિકરખ છે. મકરસંક્રાંતિ હકીકતમાં ર૧ કે રર જાન્યુઆરીએ થાય છે, નહીં કે ૧૪ જાન્યુઆરી. ર૦૦૦ વર્ષમાં તે ર૧ જાન્યુઆરી પર ખસી ગઈ છે. કમૂરતાંનો મહિનો ઉત્તરાયણ પહેલાંનો મહિનો છે જે ર૧ નવેમ્બરે શરૂ થઈને ર૧ ડિસેમ્બરે સમાપ્ત થાય છે. ર૦૦૦ વર્ષ પહેલાં ઉત્તરાયણ વખતે મકરસંક્રાંતિ થતી તેથી કમૂરતાનો મહિનો મકરસંક્રાંતિ પહેલાંનો ગણાતો. લોકો ઠંડીને લીધી દુ:ખી થતા તેથી ઉત્તરાયણ કે મકરસંક્રાંતિની રાહ જોતા, કારણ કે તે પછી ઠંડી ઓછી થતી જાય છે. માટે તેની ઉજવણી થતી, અને હજુ પણ થાય છે. હકીકતમાં કમૂરતાંનો મહિનો ઉત્તરાયણ પહેલાંનો મહિનો છે, નહીં કે મકરસંક્રાંત પહેલાંનો. તેમ છતાં અજ્ઞાનથી લોકો કમૂરતાંના મહિનાને મકરસંક્રાંતિ પહેલાંનો મહિનો ગણે તો હાલમાં લોકોના મત પ્રમાણે ૧૪ જાન્યુઆરીએ કમૂરતાંનો મહિનો સમાપ્ત થાય અને ખગોળની દૃષ્ટિએ તે ર૧ જાન્યુઆરીએ સમાપ્ત થાય, કારણ કે ખગોળની દૃષ્ટિએ સૂર્ય ર૧ જાન્યુઆરીથી મકરમાં પ્રવેશ કરે છે. લોકો ચીલાચાલુ પ્રમાણે ૧૪ જાન્યુઆરીએ સૂર્યનો મકર પ્રવેશ કરે છે. પૃથ્વીની પરાંચનગતિને લીધે મકરસંક્રાંતિ ઉત્તરાયણથી દૂર ને દૂર ખસતી જાય છે. ર૦૦૦ વર્ષે તે એક રાશિ આગળ વધે છે. મકરવૃત્તને હવે ધનવૃત્ત કહેવું જોઈએ. આ ચક્ર ર૪૬૦૦ વર્ષનું છે. 


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=76359







કૅન્સર પછીની જિંદગી -- ડૉ. મનુ કોઠારી -- સૌરભ શાહ

કૅન્સર પછીની જિંદગી

કૅન્સરનું નિદાન થયા પછી ઑપરેશન કે દવા વિના જલસાથી જીવી શકાય તે ડૉ. મનુ કોઠારીએ શિખવાડ્યું


ડૉ. મનુ કોઠારી અને કૅન્સર વિશેના એમના જગવિખ્યાત સંશોધનની વાત કરતાં પહેલાં થોડીક અંગત વાત જાહેર કરવાની રજા લઉં છું. ૨૦૦૭ની સાલમાં મારા પિતા અશ્ર્વિન વાડીલાલ શાહને મોટા આંતરડાનું કૅન્સર છે એવું નિદાન થયું. એ વખતે તેઓ મુંબઈ છોડીને વડોદરા રહેતા હતા. ત્યાંના ડૉક્ટરોએ બાયોપ્સી કરીને નિદાન કર્યંુ. હું એ ગાળામાં અમદાવાદ. પપ્પા-મમ્મીને અમદાવાદ લઈ આવ્યો. અમદાવાદમાં રિક્ધફર્મ થયું કે કૅન્સર જ છે. ઑપરેશન કરાવવાનું નક્કી થયું. અમદાવાદના સિદ્ધહસ્ત ડૉક્ટર સાથે ઑપરેશનની વિગતો નક્કી થઈ રહી હતી. વચ્ચે બ્રેક લઈને પપ્પાને ડૉક્ટરની ચેમ્બરની બહાર લઈ ગયો. કહ્યું, ‘મને લાગે છે કે ઑપરેશનની તારીખ નક્કી કરતાં પહેલાં એક સેક્ધડ ઓપિનિયન લઈ લેવો જોઈએ. એક દિવસ માટે મુંબઈ જઈ આવીએ.’

બીજે જ દિવસે બપોરે અમે મુંબઈ આવીને ડૉ. મનુ કોઠારીના સાંતાક્રુઝના કિલનિક પર મળ્યા. મનુભાઈએ ધીરજથી પપ્પાનો તબિયત અંગેનો ભૂતકાળ સાંભળ્યો. બે કલાક પછી કૅન્સરને લગતા રિપોર્ટ જોયા. મનુભાઈએ કહ્યું, ‘એ ગાંઠ કૅન્સરની જ છે અને ઓછામાં ઓછા બે દાયકાથી તમારા આંતરડામાં હશે. અત્યારે એનું નિદાન થયું, કારણ કે તમે હાર્ટમાં સ્ટેન્ટ મુકાવ્યા પછી લોહી પાતળું થવાની જે દવા લેતા હતા એને કારણે ધીમે ધીમે તમારા મળત્યાગનું રુટિન ખોરવાઈ ગયું. એ દવા બંધ કરી દો. બધું ગોઠવાઈ જશે. ઑપરેશનની જરૂર નથી.’

ડૉ. કોઠારીએ સમજણ આપી હતી કે આ પ્રકારનું ઑપરેશન કરાવ્યા પછી પેટની બહાર કોથળી મૂકીને મળત્યાગ કરવો પડે. ઑપરેશન પછી દર્દીનું આયુષ્ય અઢી-ત્રણ વર્ષમાં પૂરું થાય, કારણ કે કૅન્સરની ગાંઠ કાઢી નાખવાથી કૅન્સર મટી જવાનું નથી. કૅન્સર આજુબાજુનાં અવયવોના કોષમાં પ્રસરી ચૂકેલું હોય છે. માટે અત્યારે કૅન્સરની એ ગાંઠને છંછેડવાનો કોઈ મતલબ નથી. નેવર ટ્રબલ અ ટ્રબલ અન્લેસ ટ્રબલ ટ્રબલ્સ યુ. મનુભાઈનું આ ફેવરિટ ક્વોટ. ‘ભવિષ્યમાં જ્યારે મળત્યાગની ક્રિયા સંપૂર્ણ બંધ થઈ જાય ત્યારે મારી પાસે આવજો, આપણે ઑપરેશન કરીને ગાંઠ કાઢી નાખીશું,’ કહીને મનુભાઈએ અમને સૌને નિશ્ર્ચિંત કરી દીધા.

ડૉ. મનુભાઈની સલાહથી પપ્પાને હૃદયમાં સ્ટેન્ટ મુકાવ્યા પછી લેવાની દવાઓ ક્રમશ: ઓછી કરીને સંપૂર્ણ બંધ કરી. રોટલી પર ઘી ચોપડવાનું શરૂ કર્યંુ. કયારેક મીઠાઈ અને ફરસાણ ખાવાનું પણ શરૂ કર્યંુ. મનુભાઈએ તો સિગરેટ ફરી શરૂ કરવાની સલાહ પણ હસતાં હસતાં આપી હતી અને જિંદગીમાં ભલે કયારેય મદ્યપાન ન કર્યંુ હોય પણ હવે આ ઉંમરે દીકરા સાથે બેસીને કયારેક ચિયર્સ કરો તો કશું ખોટું નહીં.

મનુભાઈની ડૉક્ટર તરીકેની વાતો અને એક પ્રેમાળ આદમી તરીકેની વાતો સાંભળીને પપ્પા ખૂબ પ્રભાવિત થયા. જિંદગીમાં જે માણસ મા-બાપ અને ભગવાન સિવાય કોઈને પગે લાગ્યા નથી તે ઊભા થઈને મનુભાઈના પગ પકડવા ગયા. મનુભાઈએ એમને રોકીને બાથમાં લઈ લેતાં કહ્યું, ‘અશ્ર્વિનભાઈ, તમે મારા કરતાં પાંચ વર્ષ મોટા છો અને આમ તો મારા દોસ્ત સૌરભના પિતા છો એટલે મારા પણ પિતા કહેવાઓ. નાઉ ઍન્જોય યૉર લાઈફ.’

અમે પિતા-પુત્ર મનુભાઈને મળીને બહાર આવ્યા. અમદાવાદની રિટર્ન ફલાઈટને હજુ ઘણી વાર હતી. મેં કહ્યું, ‘પપ્પા, સિગરેટ તમે ફરી શરૂ નથી કરવાના એ મને ખબર છે અને દારૂનેય હાથ નથી લગાડવાના પણ અહીં સાંતાક્રુઝમાં જ રેંકડી પર મારી ફેવરિટ રામશ્યામની સેવપૂરી મળે છે. જવું છે?’

હું બહારનું ખાઉં તો મારા પર ગુસ્સે થતા રહે એ પિતાએ ખુશી ખુશી ફૂટપાથ પર ઊભા રહીને સેવપૂરી ખાધી, એટલું જ નહીં નજીકમાં ચાલીને ગોકુળનો આઈસક્રીમ પણ ખાધો.

એ પછીનાં બે વર્ષ પપ્પા નિશ્ર્ચિંતપણે જિંદગી માણતા રહ્યા. કોઈ દવા નહીં, ઑપરેશન નહીં. આ બે વર્ષ કોઈ બ્રહ્મા કે ઈષ્ટદેવે નહીં પણ ડૉ. મનુ કોઠારી નામના ઋષિતુલ્ય ડૉક્ટરે એમના આયુષ્યમાં ઉમેરી આપ્યા હતા. ૨૦૦૯માં કૅન્સરની ગાંઠે ઉપાડો લીધો. એક-બે દિવસ થયા. વધુ ત્રણ દિવસ થયા. મળત્યાગ બંધ થઈ ગયો. હવે ઑપરેશન કરાવવું જ પડે એવું હતું. 

ઑપરેશન થયું. કોઠળીમાં મળત્યાગ શરૂ થયો. ઑપરેશનને કારણે શરીર નબળું પડતું ગયું. દવાઓને કારણે સ્વાદ ઓછા થઈ ગયા. નબળાઈને કારણે અને આંખની ઝાંખપને કારણે દાયકાઓથી જે ક્રમ ચાલતો હતો તે સાંજનું ચાલવાનું બંધ થઈ ગયું. પણ બાકી બધી રીતે સંતોષથી જીવ્યાનો એમને આનંદ હતો. ઑપરેશનનાં અઢી-ત્રણ વર્ષ પછી, ૨૦૧૨માં, એમણે છેલ્લા શ્ર્વાસ લીધા. ડૉ. મનુ કોઠારી ન હોત તો કોને ખબર, ૮૧ને બદલે એમનું આયુષ્ય ૭૯ વર્ષે પૂરું થયું હોત. જિંદગી બે વર્ષ લંબાઈ એના કરતાં વધારે અગત્યની વાત એ છે કે ૨૦૦૭થી ૨૦૦૯નાં એ બે વર્ષમાં એ ખૂબ આનંદથી જીવ્યા. મારે કારણે કુટુંબ પર આવેલી બદનામીની આપત્તિને પણ ખમતીધર બનીને ઝીલી એટલું જ નહીં મારી પડખે ઊભા રહીને મને અડીખમ રાખ્યો.

જિંદગીમાં મેં મારા પિતા માટે કશું જ નથી કર્યંુ. પણ ડૉ. મનુ કોઠારીની સાથે એમની ઓળખાણ કરાવીને મેં પિતાના ઋણનો સ્વીકાર કર્યો છે એવો સંતોષ મને એમના માટે બાકીની ફરજો બજાવવામાં થયેલી ચૂકના રંજમાંથી થોડોઘણો મુક્ત કરે છે. ડૉ. મનુ કોઠારીએ આવા તો કેટલાય દર્દીઓના જીવતરને સુખ આપ્યું છે. ભગવાન એમને શતાયુ આપે એમાં સમાજનો જ સ્વાર્થ છે. કૅન્સર વિશેના એમના સંશોધન વિશે, મેડિકલ ફિલ્ડ વિશે અને જીવન જીવવાની કળા વિશેના એમના વિચારોને તમારી સમક્ષ મૂકવા આટલી પ્રસ્તાવના બાંધી છે. આવતા રવિવારે ડૉ. મનુ કોઠારીના વિચારોની વધુ નજીક જઈશું. ‘કૅન્સર: કેટલીક ભ્રમણા, કેટલુંક સત્ય’: ડૉ. કોઠારીના પુસ્તકનું આ નામ છે.

કૅન્સરની દવાઓ એક ફારસ છે

કૅન્સર: કેટલીક ભ્રમણા, કેટલુંક સત્ય - કોઈ પણ કૅન્સરનું નિદાન વહેલું થઈ શકતું નથી. કોઈ પણ કૅન્સરને સોએ સો ટકા મટાડી શકાતું નથી. કૅન્સરથી પીડાતા દર્દીઓનું આયુષ્ય સારવારથી ઓછું થાય છે: ડૉ. મનુ કોઠારી

કૅન્સર વિશે, એના ઉપચાર વિશે જગતમાં કરોડો ડૉલર ખર્ચાયા છે છતાં એના વિશેની સમજમાં તસુભારનો ફરક પડ્યો નથી એવું ડૉ. મનુ કોઠારીનું સંશોધન છે. ‘કૅન્સર: કેટલીક ભ્રમણા, કેટલુંક સત્ય’ પુસ્તકમાં ડૉ. મનુ કોઠારી તથા ડૉ. લોપા મહેતા કહે છે કે કૅન્સર મોટે ભાગે પાંચથી પચીસ વર્ષ સુધી આપણા શરીરમાં કોઈ પણ હિલચાલ વિના ચૂપચાપ શાંતિથી સુષુપ્ત અવસ્થામાં પડ્યું રહ્યું હોય છે. આપણે એને કાલ્પનિક ભયથી છંછેડીએ છીએ અને પછી એનાં પરિણામો ભોગવીએ છીએ.

ડૉ. મનુ કોઠારી માને છે કે આજકાલ જે બધી નિદાન શિબિરો કે ડાયેગ્નોસ્ટિક કૅમ્પ ફૂટી નીકળ્યા છે તે મોટે ભાગે ડૉક્ટરોનો ધંધો વિસ્તારવા માટેનું માર્કેટિંગ ગિમિક છે. આવી વિનામૂલ્યે યોજાતી શિબિરોમાં માણસ સાજોનરવો જાય છે અને દર્દી બનીને બહાર આવે છે. કૅન્સરની સારવાર કરવામાં આવે તેના કરતાં સારવાર ન કરવાથી લાંબું અને વધુ સારી રીતે જીવી શકાય એવું ડૉ. કોઠારી અને ડૉ. મહેતા માને છે, તેઓ કહે છે: ‘કૅન્સરથી પીડાતા દર્દીઓનું આયુષ્ય સારવારથી ઓછું થાય છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.’

આ મુદ્દાને વિગતે સમજાવતાં તેઓ કહે છે કે દરેક કૅન્સર-નિષ્ણાતો દર્દીને વધુ પડતી સારવાર આપવામાં માને છે. એમનાં નિદાનોમાં અતિશયોક્તિ આવી જાય છે. કોઈ પણ કૅન્સરનું નિદાન વહેલું થઈ શકતું નથી એ વાત તેઓ માનવા તૈયાર નથી. કોઈ પણ કૅન્સરને સોએ સો ટકા મટાડી સંપૂર્ણ રીતે કૅન્સરમુક્ત થઈ શકાતું નથી એ હકીકત સ્વીકારવા પણ તેઓ તૈયાર નથી. આને લીધે જરૂર કરતાં વધુ દવાઓ અપાય છે, જરૂર કરતાં વધુ સમય હૉસ્પિટલમાં દર્દીને રાખવામાં આવે છે અને બિનજરૂરી ભય પેદા કરીને દર્દીને જીવતો જ મારી નાખવામાં આવે છે. જેટલું કૅન્સર દેખાય તેની જ સારવાર કૅન્સર-નિષ્ણાત કરી શકે છે. શરીરમાં બાકી રહી ગયેલા કૅન્સરની હયાતી દર્દી અને તેના ડૉક્ટરથી સહેલાઈથી કળી શકાતી નથી એટલે તે મટી ગયું છે, એમ માની લેવામાં આવે છે, અથવા એવું મનાવવામાં આવે છે.

‘કૅન્સરની દવાઓ એક ફારસ જ છે’ એ શીર્ષક હેઠળ ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા કહે છે કે જે વ્યક્તિને કૅન્સર થયું હોય તેને માટે તો એનું કૅન્સર એના જ લોહી અને માંસ સમો એક ભાગ છે. માટે જ દરેક કૅન્સર-વિરોધી દવાઓ માટે તો કૅન્સરકો અને સામાન્ય કોષો એકસરખા જ છે. આથી જ દવાઓ કે કોઇ પણ ઈલાજ શરીરના બીજા સામાન્ય (તંદુરસ્ત) કોષોને વધુ નુકસાન કરે છે. પ્રયોગશાળામાં કૅન્સર પર અજમાયશ કરેલી કેમોથેરપી ૧૦૦ ટકા ઈચ્છિત પરિણામ લાવે છે, કારણ કે એ કૅન્સર પ્રાણીમાં પોતામાં સ્વયંભૂ, સ્વતંત્ર રીતે પેદા થયેલું નથી હોતું પણ એને બહારથી પ્રાણી પર લાદવામાં આવેલું હોય છે. એ કૅન્સરને પ્રાણી પોતાનું કૅન્સર કદી ન કહી શકે. આ જ કેમોથેરપી સ્વયંભૂ કૅન્સર માટે સોએ સો ટકા નિષ્ફળ નીવડી છે.

૧૯૭૩ના ગાળામાં ડૉ. કોઠારી અને ડૉ. મહેતાએ કૅન્સર વિશેના પોતાના રિસર્ચથી તબીબી આલમમાં સનસનાટી મચાવી દીધી હતી. એમનાં તારણોને લીધે કંઇ કેટલીય દવા કંપનીઓ, હૉસ્પિટલો અને ડૉક્ટરોનો કરોડો ડૉલરોનો ગરાસ લૂંટાઈ જતો હતો. ખુશવંત સિંહ એ જમાનામાં ટાઈમ્સ જૂથના ઇલસ્ટ્રેટેડ વીકલીના તંત્રી હતા. એમણે આ વિષય પર કવરસ્ટોરી કરીને આ ગુજરાતી ડૉક્ટરોની લાંબી મુલાકાત પ્રગટ કરી હતી. બેઉ ડૉક્ટરો પાસે તબીબી ક્ષેત્રની મોટી પદવીઓ છે, પોતાના કાર્યક્ષેત્રનો બહોળો અનુભવ છે અને સરકારમાન્ય જવાબદારીવાળા ઊંચા હોદ્દાઓ પર તેઓએ ફરજો બજાવી છે. આમ છતાં આજની તારીખે પણ ઘણા ડૉક્ટરો મનુભાઈનું નામ પડે ત્યારે નાકનું ટેરવું ચડાવે છે. આજે પ્રજાને ડૉ. મનુભાઈ કોઠારીની ભરપૂર કદર છે પણ તબીબી સમાજ એમને બ્લેકશીપ ગણે છે, પોતાનામાં નથી ગણતા. રાજકારણ અને સમાજ ક્ષેત્રે ગાંધીજી, ધર્મ-અધ્યાત્મના ક્ષેત્રે રજનીશજી કે ઘરઆંગણે સ્વામી સચ્ચિદાનંદ જેવા વિચારકોને ઝટ દઈને એમના જ ક્ષેત્રના લોકો સ્વીકારી નથી શકતા. પણ વખત જતાં સૌ કોઈએ એમને સ્વીકૃતિ આપવી પડે છે.

બ્લડપ્રેશર વિશેની ડૉ. મનુભાઈ કોઠારીની એક વાત તમારામાં સોંસરવી ઊતરી જશે. સામાન્ય માણસનું, નીરોગી અને તંદુરસ્ત આદમીનું બ્લડપ્રેશર ૧૨૦ અપોન ૮૦ હોય એવું બધાને ખબર છે. આ પ્રમાણ નક્કી કેવી રીતે થયું? ક્યાંથી આવ્યા આ આંકડા? કોઈ સર્વે થયો હતો? હા. પણ એ સર્વે અમેરિકાની એક ઈન્શ્યોરન્સ કંપનીએ કરાવ્યો હતો. સર્વેક્ષણમાં જણાયું કે ૧૨૦/૮૦ પ્રમાણ ભાગ્યે જ કોઈ માણસનું હોય છે! આથી નક્કી થયું કે આપણે તંદુરસ્તી માટે આ જ પ્રમાણ હોવું જોઈએ એવો નિયમ લાવો જેથી વીમાના પ્રીમિયમનો ઊંચો દર વસૂલ કરી શકાય!

દસ વરસ પહેલાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઠઇંઘ) જેવી પ્રતિષ્ઠિત વિશ્ર્વસંસ્થાએ પણ મલ્ટિનેશનલ દવા કંપનીઓને ફાયદો થાય એવો ફતવો કાઢીને ડાયાબિટીસ માટે શરીરમાં શુગરનું પ્રમાણ ઘટાડીને ૨૦ પોઈન્ટ ઓછું કરી નાખ્યું. આનો અર્થ એ થયો કે રાતોરાત ડાયાબિટીસના દર્દીઓ, એક પણ રસગુલ્લું ખાધા વિના વધી ગયા. ડૉક્ટરો તથા દવા કંપનીઓનો કારોબાર રાતોરાત વધી ગયો.

ડૉક્ટર કોઠારીએ મોટા ભાગની (બાયપાસ સર્જરીઓ કેટલી બિનજરૂરી હોય છે, એટલું જ નહીં શરીર માટે હાનિકારક હોય છે એવું મંતવ્ય આપ્યું ત્યારે સ્વાભાવિક છે હાર્ટ સર્જ્યનો અને કમર્શ્યલ હૉસ્પિટલોના પેટ પર, એમની આજીવિકા પર લાત પડતી હોય એવું ઘણાને લાગ્યું હશે. પોતે જે ક્ષેત્રમાં આજીવન કામ કર્યું હોય તે જ ક્ષેત્રની ખરાબીઓ સામે આંગળી ચીંધવી એટલે પૂરના સામા વહેણમાં તરવા જવું. જાહેર જીવન, સરકાર, પોલીસ, મીડિયા, સંરક્ષણ, શિક્ષણ, તબીબી આલમ કે ધર્મ જેવા અનેક ક્ષેત્રમાં જે ગેરસમજણો અને/અથવા ગોબાચારી પ્રચલિત હોય એની વહેતી ગંગામાં હાથ ધોઈને નામદામ કમાઈ લેવાની સૌ કોઈને લાલચ થાય. ડૉ. મનુ કોઠારી જેવા, આંગળીના વેઢે ગણાય એવા મુઠ્ઠી ઊંચેરા માણસો પોતે પોતાના ક્ષેત્રમાં જોયેલી, અનુભવેલી ક્ષતિઓને દૂર કરવાના આશયથી, કોઈ સ્વાર્થ વિના, આબરૂ ગુમાવવાના જોખમ સાથે પણ, પ્રજાને જાગ્રત કરતા હોય છે.

ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતાનાં કૅન્સર વિષયક એક પુસ્તક ઉપરાંત બીજાં ત્રણ પુસ્તક છે: ૧. ‘જીવન, મરણ અને તબીબી ક્ષેત્ર: વાસ્તવિક નજરે’, ૨. ‘જીવન, ઘડપણ, રોગ અને મૃત્યુ’, ૩. ‘તબીબી ક્ષેત્રે હિંસા: સમસ્યા અને સમાધાન.’

આ તમામ વિશે લખવા જઈએ તો એક લાંબી લેખમાળા થાય, માટે આવતા અઠવાડિયે છેલ્લો હપ્તો લખીને આ વાત આટોપી લઈશું.

પણ પૂરું કરતાં પહેલાં એક નાનકડી વાત. વરસોથી હું ડૉ. મનુ કોઠારીને વાંચતો આવ્યો છું, સાંભળતો આવ્યો છું. બરાબર દસ વરસ પહેલાં ડૉ. મનુ કોઠારીના પ્રવચન અગાઉ મારે એમનો પરિચય આપવાનો હતો. એ વખતે હકડેઠઠ ભરાયેલા મુંબઈના સભાગૃહમાં જાહેરમાં હું જે બોલ્યો હતો તે આજે જાહેરમાં લખી રહ્યો છું. મેં કહ્યું હતું કે ડૉ. મનુ કોઠારીના વિચારોથી વર્ષોથી પ્રભાવિત થયા પછી હું મારી બાબતમાં બે નિર્ણય પર આવ્યો છું. એક ન કરે નારાયણ ને મને કૅન્સર થાય તો હું એનો ઉપચાર નહીં કરાવું અને બે, ફરી ન કરે નારાયણ ને ડૉક્ટર મને બાયપાસ સર્જરીની સલાહ આપે તો હું બાયપાસ નહીં કરાવું.

ટચ વુડ, હજુ સુધી આવું કંઇ નીકળ્યું નથી. ન નીકળે તો સારું એવી પ્રાર્થના પણ પ્રભુને કરું છું. પણ આ બાબતોમાં મને પ્રભુ કરતા વધારે ભરોસો ડૉ. મનુભાઈ કોઠારી પર છે.





















અફીણ પીવાની ફૅશન -- ચંદ્રકાંત બક્ષી

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


ગઇ સદીમાં થઇ ગયેલા ફિલસૂફ ક્ાર્લ માકસ સામ્યવાદના જન્મદાતા ગણાય છે. એમણે અને એમના સાથી ફ્રેડરિક એંગલ્સે કમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે ધર્મ એ લોકો માટે અફીણ છે. ઓગણીસમી સદી માટે ધર્મ અફીણ જેવો કેફી હતો. ધર્મનો એક ખોટો નશો હતો અને શાસકો ધર્મને પણ શાસનના એક શસ્ત્ર તરીકે વાપરતા હતા. વીસમી સદીમાં, આજે જયારે ૧૯૭૬માં વિશ્ર્વ પ્રવેશી રહ્યું છે ત્યારે, ગઇ સદીની આ વાત કેટલે અંશે સાર્થક અથવા સંગત છે એ પ્રશ્ર્ન છે.

પણ વીસમી સદીમાં ધર્મની અફીણ તરીકે જરૂર પડતી નથી. જનતાની અફીણ પીવાની ફૅશન બદલાઇ ગઇ છે. જનતાને સમજવી કે ખુશ રાખવી એ વ્યાવહારિક રાજનીતિનો વિષય છે. દરેક રાજયકર્તા પોતાની રૈયતને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરે છે. તો જ બળવો ન થાય. આ જનતાને ખુશ રાખવાની અથવા અંકુશમાં રાખવાની રમત વિશે ફિલસૂફોએ પુસ્તકો લખ્યાં છે. ચાણકયે આ વિશે રાજાઓને સૂચના આપી છે. સોળમી સદીમાં ઇટલીમાં થઇ ગયેલા મકીઆવિલીએ પણ આ વિશે લખ્યું છે. જુદા જુદા શાસકોએ જુદી જુદી રીતો અજમાવી છે.

મકીઆવિલીએ લખેલાં પુસ્તકોનો સજાગ રાજકર્તાઓ અભ્યાસ કરતા હોય છે. એણે લખેલી વાતો પંદરમી- સોળમી સદીનાં ઇટાલિયન ગણરાજયોને લાગુ પડતી હતી અને એ સમયની પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લખી હતી. એની એક સલાહ એ હતી કે પ્રજાને જયારે કંઇ આપવું હોય તો થોડું આપવું, પણ સખ્તાઇ કરવી હોય તો બધી જ એકસાથે કરી લેવી. થોડું થોડું આપતા રહેવાથી માણસો ભૂલી શકતા નથી અને યાદ રાખતા રહે છે અને રાજા વિશે પ્રજાના મનમાં એક સારું મન:ચિત્ર ઊભું થાય છે. જો એકસાથે બધું જ આપી દે તો રાજાનું સારું કરેલું પણ થોડા સમયમાં જ ભુલાઇ જાય છે, અને લોકો પોતાની મૂળ આદતો પર આવી જાય છે. પ્રજાને નસીહત આપવી હોય ત્યારે હંમેશ પૂરેપૂરી સખ્તીથી સજા કરવી અથવા કડકમાં કડક કાયદો કરવો કે જેથી એનો ભય હોય એ કરતાં વિશેષ લાગે અને અસર લાંબો સમય ચાલે. આપણાં રાજનીતિવિષયક શાસ્ત્રોમાં પણ રાજદંડના ઉપયોગ વિશે સ્પષ્ટ ઉલ્લેખ છે. આ સિવાય મકીઆવિલીએ રાજાઓને એક સલાહ આપી છે કે પ્રજાને વચ્ચે વચ્ચે સર્કસો- તમાશાઓ બતાવતા રહેવાં જોઇએ કે જેથી પ્રજાનો વિરોધ બીજી દિશામાં ચાલ્યો જાય. પ્રજાજીવનમાં અર્થાત દૈનિક જીવનમાં કે પ્રજાની શ્રદ્ધામાં કોઇ દિવસ હસ્તક્ષેપ ન કરવો એવી પણ સલાહ આપવામાં આવી છે.

આજે પ્રજાને ધર્મના અફીણની જરૂર નથી પણ બીજા પ્રલોભનો છે. અમેરિકામાં સમાજશાસ્ત્રીઓ આ વિશે અભ્યાસ કરતા રહે છે. આજની યુવાપેઢીની કેવી તાસીર છે? લોકોને પોતાની તકલીફો ભુલાવવા માટે પણ પ્રલોભનો આપવાની જરૂર છે. ફિલ્મો અને ફિલ્મોનાં નાયક-નાયિકાઓ અને એમના વ્યક્તિગત જીવનની નાનામાં નાની વાતોમાં રસ જગાડવામાં આવે છે. બસ્તીની બહાર પાણી ન મળ્યું હોય એ કરતાં અમુક ફિલ્મસ્ટારના સેન્ટ કે અત્તરની બ્રાન્ડની ખબર પડી જાય એ વધુ આકર્ષક સમાચાર છે! હજારો ટન કાગળ ફિલ્મી પત્રિકાઓ માટે વપરાય છે, જે વાસ્તવમાં ઉત્પાદક નથી. એક વ્યક્તિની એક જ ખાનગી વાત સેંકડો વાર દોહરાવવામાં આવે છે, જે વાચકો અફીણીઓની જેમ મમળાવ્યા કરે છે. ફિલ્મજગત આજની યુવાપેઢીના એક વર્ગનું અફીણ બની ગયું છે.

મકીઆવિલીએ પ્રજાને સર્કસો બતાવવાની વાત કરી હતી. આજે ક્રિકેટનો રસ કંઇક એ હદે જ પહોંચ્યો છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ અને રનિંગ કોમેન્ટ્રી તથા પાંચ છ દિવસ સુધી ચાલતી પ્રવાસી ટીમોની મેચો જૂના જમાનાના સર્કસો જેવી છે. લોકોને કામચલાઉ બેહોશ કરી મૂકે એવાં આ સાધનો છે. એક રમતને જબરદસ્તીથી ભારતીય બનાવવામાં આવી છે. ફિલ્મ ફેસ્ટીવલો, હોલિવુડની ફિલ્મો (વિદેશી ફિલ્મો) એ પણ એક પ્રકારની આદત પાડનારી વસ્તુ છે. ઘણી રાજ્ય વ્યવસ્થાઓમાં સેકસનો પણ એ જ ઉપયોગ કરવામાં આવે છે. શરાબ અને જુગારખાનું પણ કેટલાક દેશોમાં ગેરકાનૂની આમદનીએ મદદરૂપ થાય છે અને પ્રજાને પલાયનવાદી બનાવી મૂકે છે. ખાસ કરીને કુલમુખ્તાર અથવા પોલીસ- સરકારો અથવા ઉપસંસ્થાનવાદી સરકારોમાં આ વિશેષ જોવામાં આવે છે. સમારંભો, રોશની, ઉત્સવો આદિ પણ આ ધ્યેય સિદ્ધ કરવામાં સહાયક થઇ શકે છે.

વીસમી સદીની બીજી એક વિષક્ધયા છે. જાહેરાતનું વિશ્ર્વ જોઇએ તો ચારે તરફથી દશે દિશાઓમાંથી જાહેરાતો - વિજ્ઞાપનો દિમાગ પર સતત આક્રમણ કરતી રહે છે. લોકોને જરૂર છે માટે વસ્તુ બનાવવામાં આવતી નથી પણ બનાવનારાએ બનાવી છે માટે લોકોમાં એની જરૂરત પેદા કરવામાં આવે છે. બાળકો માટે પ્રોટીનની ટેબ્લેટ કે ગૃહિણીઓનાં ગેસ-સિલિન્ડરોને માટે મીટરો બનાવવા કરતાં પગના નખને ચીતરવા માટે નેઇલ પોલિશ બનાવવાને મહત્ત્વ આપનાર રાજ્ય- વ્યવસ્થા કે સમાજ વ્યવસ્થા પણ વીસમી સદીની તાસીર છે. મુનાફો મળે છે માટે વસ્તુ બનાવવામાં આવે છે. પ્રજાને જરૂર છે માટે વસ્તુ બનાવાતી નથી. મૂડીવાદી અર્થતંત્રએ પ્રજાને વિજ્ઞાપનોની ભૂરકી છાંટીને એમની સમજદારી અને વિવેક ખૂંચવી લીધા છે અને અમેરિકામાં આ વિજ્ઞાપનવાદનો રોગ એ હદે પહોંચ્યો છે કે મરેલા માણસને લઇ જવાના કૉફિનો પણ વધારે નકશીદાર, સુંવાળા, આરામદાયક બનાવવામાં આવે છે. વિજ્ઞાપનનું જૂઠ એ આ યુગનું નવું અફીણ છે. લોટરીમાં દેખાતા હજારોના આંકડાઓ જેવું.

રેડિયો તથા ટીવી પણ ઘણા દેશોમાં આ ઉપયોગ માટે વાપરવામાં આવે છે. સમાજશાસ્ત્રીઓ કહે છે કે બાળકોને માટે છપાતાં કોમિકસ પણ એમનાં દિમાગોને કબજે કરી લેવાનાં હથિયારો છે. અમેરિકા તથા ચીન બંને દેશોમાં કોમિકસનો બહુ મોટા પાયા પર ઉપયોગ કરવામાં આવે છે, એવું જ એક બીજું અફીણ છે જે યુવાપેઢી માટે છે- થ્રિલરો અને રહસ્યકથાઓ. જેમ્સ બોન્ડ જેવા હંમેશાં જીવતા રહેનારા મહાનાયકો, જે છોકરીઓ અને ધન અને ઝડપી જીવનમાં જ ડૂબેલા હોય છે. પ્રજાની નિરાશા કે ગરીબીને ભુલાવવા માટે આ પણ એક પ્રકારનું અફીણ જ છે.

જૂના જમાનાના ધર્મમાં આટલી બધી આનંદદાયક મદહોશી લાવવાની શક્તિ ન હતી! કાર્લ માકર્સ આજે જીવતો હોત તો આદત પાડે એવા અફીણના આટલા બધા પ્રકારો જોઇને કદાચ ખરેખર સાચા અફીણની લતે ચડી ગયો હોત.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=202827


રામા, લક્સમના, બરટા ઍન્ડ શટ્રુગ્ના! -- ચંદ્રકાંત બક્ષી

હિંદુ ધર્મમાં મંદિર પૂજાપાઠ માટે છે. ધર્મગુરુ વિધિ માટે છે. પણ સાત વર્ષના બાળક કે બાલિકાને જ્ઞાન આપવા માટે હિંદુઓમાં ફાધર કે મૌલવી નથી. હિંદુ ધર્મમાં ધર્મગુરુ ફક્ત ધર્મનો ગુરુ છે, શિક્ષણનો ગુરુ નથી


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


રેડિયો બાંગલાદેશે હમણાં એક સરકારી ફતવો જાહેર કર્યો : મુલ્કની એક લાખથી વધારે મસ્જિદોને બાળકો માટેની પ્રાથમિક સ્કૂલોમાં બદલવાનું બાંગલાદેશ સરકારે નક્કી કરી લીધું છે. સરમુખત્યાર ઇર્શાદનો હવાલો આપતાં રેડિયોએ કહ્યું કે ધર્મગુરુઓ એમની ધાર્મિક જવાબદારી નિભાવશે અને વિશેષમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ પણ આપશે. વિકાસશીલ ત્રીજા વિશ્ર્વ માટે આ બહુ મહત્ત્વનો નિર્ણય પ્રેરણાદાયી બની શકે એમ છે...!

મસ્જિદની બાજુમાં મદરેસા કે ધાર્મિક પાઠશાળા હોય અને ધર્મગુરુ કે મૌલવી શિક્ષણ આપે એ ઇસ્લામની બહુ જૂની પ્રશંસા કરવા યોગ્ય પરંપરા છે. બાંગલાદેશની સરકારને એકસાથે એક લાખ પ્રાથમિક શાળાઓ અને એક લાખ શિક્ષકો મળી જશે! મધ્યયુગ, અંગ્રેજ આગમન તથા અઢારમી સદીના ઉત્તરાર્ધ સુધી આ ઇસ્લામી પરંપરાએ મુસ્લિમ જગતમાં શિક્ષણના પ્રસારનું કામ કર્યું પછી શિક્ષકો અર્ધ-શિક્ષિત રહેવા લાગ્યા, એકેન્દ્રિય બનતા ગયા, અને ભારતીય મુસ્લિમોના શિક્ષણમાં અંધકાર-યુગ શરૂ થયો. અંગ્રેજી અને વિજ્ઞાનની નવી તાલીમથી મુસ્લિમ યુવાપેઢી અસ્પર્શ્ય રહી ગઇ. જે ઇસ્લામના જ્ઞાનનો પ્રકાશ એક જમાનામાં અડધા વિશ્ર્વ પર ફેલાઇ ગયો હતો, એ જ ઇસ્લામના તથાકથિત રખેવાળોએ અજ્ઞાનના અંધકારનો કબજો લઇ લીધો એ ઇતિહાસની એક કરુણ વિરોધિતા છે. પણ મસ્જિદ એ શિક્ષણકેન્દ્ર હોવું જોઇએ એ વિચારની મહાનતા વિશે મતાંતર નથી.

ખ્રિસ્તી ધર્મમાં ચર્ચની બાજુમાં સ્કૂલ એ પણ જૂની પરંપરા છે. ખ્રિસ્તી ફાધરો જીવનભર માત્ર અધ્યાત્મની ગંભીર વાતો અથવા બાઇબલના પ્રસંગો કહેતા ફરતા નથી. દોઢ લાખનાં ટોળાંઓને ત્યાગનું મહત્ત્વ સમજાવતા નથી, સ્વયં ત્યાગ કરી લે છે- ભૌતિક ઇચ્છાઓ બને એટલી ઓછી કરીને આખું જીવન અધ્યયન કરે છે અને અધ્યાપન કરે છે. ભણે છે અને ભણાવે છે આજે પણ, અને છેલ્લાં દોઢસો વર્ષોથી દરેક જાતિ કે કોમનાં બાળકો ખ્રિસ્તી મિશનરી સ્કૂલોમાં ભણીને મનુષ્ય બને છે અને બનતાં રહ્યાં છે.

મુસ્લિમ મદરેસામાં બીજી જાતિનાં બાળકો ભાગ્યે જ હોય છે. ખ્રિસ્તી પબ્લિક સ્કૂલ કે કૉન્વેન્ટમાં બધી જ જાતિઓનાં - મુસ્લિમ પણ - બાળકો ભણે છે કારણ કે ખ્રિસ્તી ઉદારવાદી(લિબરલ) ગણાય છે, જ્યારે મુસ્લિમ શિક્ષણ એ દૃષ્ટિએ એકાંગી છે.

યહૂદીઓના સિનેગોગની પાસે પણ સ્કૂલ હોવાનો રિવાજ છે. યહૂદીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઊંચું હોવાથી યહૂદી ધર્મસ્થાનની પાસે માત્ર છોકરીઓની નિશાળ હોય એ પણ સ્વાભાવિક છે.

હવે પ્રશ્ર્ન ઊભો થાય છે : હિંદુઓનો, એમના ધર્મગુરુઓનો! માત્ર ગુરુકુલ કે પાઠશાળાનાં દૃષ્ટાંતો આપી દેવાથી આ પ્રશ્ર્નના ઉત્તરો મળતા નથી. ચર્ચની સાથે સ્કૂલનું પ્રમાણ મંદિર અને પાઠશાળા કરતાં ઘણું વધારે છે. હિંદુ ધર્મમાં મંદિર પૂજાપાઠ માટે છે. ધર્મગુરુ વિધિ માટે છે. પણ સાત વર્ષના બાળક કે બાલિકાને જ્ઞાન આપવા માટે હિંદુઓમાં ફાધર કે મૌલવી નથી. હિંદુ ધર્મમાં ધર્મગુરુ ફક્ત ધર્મનો ગુરુ છે, શિક્ષણનો ગુરુ નથી. આ વિશે વિચારવાનો સમય આવી ગયો છે.

હમણાં વિરાટ હિંદુ સમાજના અધ્યક્ષ ડૉ.કરણસિંહે આ વિશે પોતાના વિચારો પ્રકટ કર્યા. હિંદુ મંદિરોમાં હિંદુ ધર્મગ્રંથોના વર્ગો લોકો માટે ખોલવા જોઇએ. આજની પેઢીને ધર્મ-નિરપેક્ષતાને નામે હિંદુ ધર્મથી લગભગ વંચિત રાખવામાં આવે છે (મુંબઇ ટી.વી.ના એક લોકપ્રિય કાર્યક્રમમાં રામના ભાઇઓનાં નામ પૂછવામાં આવ્યાં ત્યારે એક કૉલેજિયને ‘લક્સમના’ કહ્યું...પણ પછી જોવા મળ્યું કે પૅનલના છ વિદ્યાર્થીઓ અને બેઠેલા બીજા વિદ્યાર્થી સમૂહમાંથી કોઇને પણ બધાં નામોની ખબર ન હતી! આ દેશમાં મુંબઇ નગરમાં કૉલેજના છોકરાંઓને રામના ભાઇઓનાં નામ પણ ખબર નથી પછી કૉન્વેન્ટમાં ભણેલી આધુનિક ફૅશનેબલ મુસ્લિમ આયોજકે ટી.વી. પર લટક્યા કરતાં બીજાં નામો વાંચ્યા : ‘બરટા...ઍન્ડ શટ્રુગ્ના’!

રામા,લક્સમના, બરટા ઍન્ડ શટ્રુગ્ના બોલનારા હિંદુ વિદ્યાર્થીઓને નાક દબાવીને ધાર્મિક જ્ઞાન ચમચીથી પાવું પડશે, કારણ કે નાનપણમાં એમને પાયું નથી. ડૉ.કરણસિંહની વાતમાં તથ્ય છે. એમણે બીજી ઘણી વાતો કરી. નવી પેઢીને હિંદુ ધર્મ શીખવવો પડશે. મંદિરોમાં સ્કૂલોનું આયોજન કરવું પડશે. લગ્નો બહુ જ સીધીસાદી વિધિ સાથે મંદિરોમાં થવાં જોઇએ. મુસ્લિમનું લગ્ન મસ્જિદમાં અને ખ્રિસ્તીનું ચર્ચમાં થાય છે. હિંદુ લગ્ન મંદિરમાં થવાં જોેઇએ, તો મંદિર લોકોના જીવનના એક મહત્ત્વના તબક્કાએ પ્રવેશશે. ખોટો ખર્ચ પણ ઓછો થઇ શકશે. ગરીબને એટલે કે ગરીબ હિંદુને મંદિરમાં લગ્ન કરવાનો અધિકાર મળવો જોઇએ! કદાચ હિંદુ મંદિરોનાં સંચાલનોમાં હસ્તક્ષેપ કરી શકે છે પણ મસ્જિદ કે ચર્ચમાં દખલ કરતાં ફફડે છે. શીખ સુવર્ણમંદિરમાં સંતાયેલા મુઠ્ઠીભર ગુંડાઓ ગોળીઓની બૌછાર વર્ષાવે છે. પણ ભારતની મહાબલિ સરકાર કંઇક પણ કદમ ભરતાં બે વર્ષથી વિચાર કરે છે. ટૂંકમાં ધ્રૂજી રહી છે. દક્ષિણના તિરુપતિના ફંડનો ઉપયોગ બધી જ જાતિઓ માટે કરવાની આંધ્ર સરકારે મંદિરના ટ્રસ્ટને ફરજ પાડી છે પણ મસ્જિદ કે ચર્ચના ફંડને લાંબી લાકડી લઇને અડવાની પણ સરકારમાં હિંમત નથી. સરકારી ધર્મનિરપેક્ષતાની બંને આંખોનાં ચશ્માંના નંબરો જુદા છે...

હિંદુ ધર્મગુરુઓ મને બહુ સમજાયા નથી. દુનિયાનું કલ્યાણ એમના પ્રયત્નોથી થઇ જાય તો મારો કોઇ જ વિરોધ નથી. પણ એ આખો વર્ગ મને તદ્દન પ્રતિક્રિયાવાદી, યથાસ્થિતિવાદી અને નકારાત્મક લાગ્યો છે. ખ્રિસ્તી ફાધર જીવનસભર ભણાવે છે અથવા અનુસંધાન-અભ્યાસ કરે છે, પુસ્તકો પ્રકટ કરે છે. હિંદુ ધર્મનેતાઓ આત્માના કલ્યાણ અને આવતા ભવના ચક્કરમાંથી બહાર નીકળતા નથી. ખ્રિસ્તી ફાધરની જેમ મરતા માણસની પાસે જઇને એના મોઢામાં ગંગાજળ અને કાનમાં મંત્રોચ્ચાર કરી ન શકે? ધર્મની વિધિની સાથે એ બીજું કંઇ જ કરી શકે નહીં? જિવાતા જીવનની લગોલગ ધર્મને ન લાવી શકે? સાયપ્રસમાં આર્ચબિશપ મકારીઓ, શીખોમાં સંત ભિંડરાનવાલે અને લોંગોવાલ, મુસ્લિમોના શાહી ઇમામ, જેરુસલેમના મુફ્તી આજે ઇરાનમાં આયાતુલ્લાહ ખૌમેની આ બધા ધાર્મિક નેતાઓ છે. જર્મનીમાં ‘ક્રિશ્ટીઅન’ ડૅમોક્રેટિક પક્ષે વર્ષો સુધી રાજ્ય ચલાવ્યું, ભારતના હિંદુ ધર્મનેતાઓમાં આયાતોલ્લાહો કે સંતો ન બની શકે? ધર્મગુરુએ શા માટે રાજકારણમાં ન આવવું જોઇએ? ૧૯૮૪ના અમેરિકન પ્રમુખપદ માટેના નીગ્રો ઉમેદવાર જેસે જૅકસન પ્રથમ કાળા ઉમેદવાર છે અને ‘રેવરન્ડ જેસે જૅક્સન છે! માર્ટિન લ્યૂથર કિંગ પણ ધર્મગુરુ હતા. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મૌલાનાઓનો જનતા પર કેવો ભયંકર કબ્જો છે એ આપણે બધા જ જાણીએ છીએ. શ્રીલંકાના બૌદ્ધ ધાર્મિક નેતાઓને પૂછીને પ્રમુખ જયવર્ધને આગળ ચાલે છે. ત્રીજા વિશ્ર્વમાં ધર્મનેતા રાજકારણનો એક મહત્ત્વનો ભાગ છે અને જ્યાં વામપક્ષી વિચારધારા નથી એ ત્રીજા વિશ્ર્વમાં ધર્મ એક જબરજસ્ત બળ છે.

હિંદુ ધર્મનેતાઓએ ઘણાં વર્ષો રામની અને સીતાની વાર્તાઓ કહી. હવે કૃષ્ણ અને અર્જુનની ગીતા વાંચીને ઊતરવું પડશે. દરેક રાજકારણી કહેવાનો કે ધર્મને રાજકારણથી દૂર રાખો! કારણ કે એને ખબર છે ધર્મની શક્તિ શાહોના શાહ ઇરાનના શહેનશાહને પણ ઇતિહાસના કચરાડબ્બામાં ફેંકી શકે છે. હિંદુસ્તાનના રાજકારણમાં હિંદુ ધર્મના બળને બરાબર સમજનાર છેલ્લા રાજકારણીનું નામ હતું : મહાત્મા!...

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=195708

આપણાં સંતાનોના આપણે શુભચિંતક છીએ કે સાત ભવના વેરી? -- ગીતા માણેક

યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક


આઠ વર્ષનો અર્ણવ મુંબઈની ખૂબ જ પ્રતિષ્ઠિત અને મોંઘીદાટ ફી વસૂલ કરતી ઇન્ટરનેશનલ બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલના ચોથા ધોરણમાં ભણે છે. બે દીકરીઓ બાદ આ ત્રીજું સંતાન એટલે કે પુત્ર-રત્ન તેના મોમ, ડેડ, ગ્રાની એન્ડ ગ્રાન્ડપા (અરે, દાદા-દાદી જ સ્તો!)નો અતિશય લાડકો છે. બિઝનેસમેન પપ્પાની બીએમડબલ્યુ રોજ તેને સ્કૂલે મૂકવા જાય છે. તે એરકન્ડિશનર કારમાં સ્કૂલે જાય છે, સ્કૂલના એરકન્ડિશનર વર્ગમાં ભણે છે, એરકન્ડિશનર બેડરૂમના બેડ પર બેસી પ્લેસ્ટેશન પર ફૂટબોલ રમે છે. વેકેશનમાં તેના ફ્રેંડ્સ તેના ઘરે આવે છે ત્યારે તે તેના મામાએ તેને ગિફ્ટમાં આપેલા સ્માર્ટફોનથી પિત્ઝા, બર્ગર અને કોલ્ડ ડ્રીંક્સ ઓર્ડર કરી સ્નેક્સ કરે છે. સંપૂર્ણ શાકાહારી ગુજરાતી પરિવારનો અર્ણવ ચિકન બર્ગર અને મટન બિરિયાની આરોગે છે, કારણ કે તેની મમ્મી માને છે કે નોન-વેજિટેરિયન વાનગીઓ ખાવાથી જ શરીરમાં તાકાત આવે છે અને પાછું અર્ણવે તો ભવિષ્યમાં હાયર એજ્યુકેશન લેવા ફોરેન જવાનું છે એટલે તેણે નોન-વેજ ખાવાની ટેવ તો પાડવી પડેને! જોકે છેલ્લા કેટલાક દિવસથી આ ગુજરાતી પરિવારના ઘરમાં દરરોજ સવારથી મહાભારત મંડાય છે, કારણ કે અર્ણવને માટે બ્રેકફાસ્ટમાં ઘઉંના ફાડાનો ઉપમા પીરસવામાં આવે છે અને સોફ્ટ ડ્રીંકને બદલે ફ્રૂટ જ્યુસ આપવામાં આવે છે. આવું બધું હોસ્પિટલનું ફૂડ અર્ણવ અડવા પણ તૈયાર નથી અને એટલે દરરોજ ઘરમાં રડારોળ અને ધમપછાડા થાય છે. આઠ વર્ષના અર્ણવનું વજન ૬૦ કિલોને આંબી ગયું છે અને એને કારણે અર્ણવના ઘૂંટણ પર એટલું બધું વજન આવે છે કે તે ચાલે તો પણ તેના ઘૂંટણ દુખવા માંડે છે. આને કારણે ડોક્ટરે અર્ણવના ખાવા-પીવા પર કાપ મૂકી દીધો છે.

અર્ણવનો કિસ્સો કંઈ અપવાદરૂપ કિસ્સો નથી. હિંદુસ્તાનના મુંબઈ, દિલ્હી, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ કે કલકત્તામાં પણ તમને વત્તા-ઓછા અંશે આવા જ અનેક અર્ણવો અને અવનિઓ મળી આવશે.

અર્બન ઇન્ડિયા એટલે કે આપણા દેશના શહેરી વિસ્તારોમાં ખાસ કરીને શ્રીમંત, ઉચ્ચ મધ્યમવર્ગ અને હવે તો કેટલાક મધ્યમવર્ગના પરિવારોમાં પણ ખાવા-પીવાની આદતો અને બેઠાડું જીવનશૈલીને કારણે પ્રૌઢ લોકોમાં અને યુવાનોમાં જાતભાતના રોગ પગ પસરાવીને બેસી ગયા છે જ, પણ હવે તો બાળકો પણ એમાંથી બાકાત નથી રહ્યાં.

મુંબઈની એક સરકારી હોસ્પિટલ દ્વારા તાજેતરમાં ૧૧થી ૧૫ વર્ષનાં બાળકો પર એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જે દર્શાવે છે કે મુંબઈના ૧૦૦માંથી ૬૨ બચ્ચાંલોગના લિવર પર ચરબીના થર જામ્યા છે. આ બાળકો જાડાં-પાડાં અને કેટલાંક તો આપણે અગાઉ જેની વાત કરી તે અર્ણવ જેવાં અદોદળાં છે. જેમના પર આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું તેમાંનાં ૩૫ ટકા બાળકોને લિવર સોરાયસિસ થવાની સંભાવના છે એવું ડોક્ટરોએ કહ્યું હતું. આ હોસ્પિટલના ડોક્ટર કહે છે કે અગાઉ ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ખાસ કરીને જેઓ શરાબના વ્યસનીઓ હોય તેમનામાં જ લિવર સોરાયસિસનો રોગ જોવા મળતો હતો. ત્યારબાદ ૩૦-૩૫ વર્ષના યુવાનોમાં આ રોગ દેખાવા માંડ્યો અને હવે તો બાળકોને પણ લિવર સોરાયસિસ થવા માંડ્યો છે. એક વાત તો બધા જાણે જ છે કે શરીરમાં લિવર એ બહુ જ મહત્ત્વનું અંગ છે અને એકવાર લિવર ખરાબ થયું પછી તેને સાજું કરવું બહુ અઘરું છે.

જે બચ્ચાંઓ પર આ સર્વેક્ષણ કરવામાં આવ્યું તેમના રિપોર્ટસ જોઈને ડોક્ટરોએ એવા તારણ કાઢ્યાં છે કે એમાંનાં ૬૬ ટકા બાળકોને બહુ જ ટૂંકા ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની સંભાવના છે, ૬ બાળકોમાં તો અત્યારે જ હાયપરટેન્શન એટલે કે હાઇ-બ્લડપ્રેશરનાં લક્ષણો દેખાયાં હતાં અને ૧૮ બાળકોના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હતું. ફરી યાદ કરાવી દઈએ કે આ બધાં બાળકોની ઉંમર ૧૧થી ૧૫ વર્ષની વચ્ચેની છે!

આમાંના ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરનારા (મતલબ તમારા-મારા જેવા પરિવારનાં બાળકો)માં મેદસ્વીતા અને અદોદળાપણું વધુ જોવા મળ્યું હતું. આ બાળકો અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત પિત્ઝા, બર્ગર અને સોફ્ટ ડ્રીંક્સ એટલે કે બાટલીઓમાં ભરી-ભરીને વેચાતા કાળા,નારંગી અને સફેદ રંગના એરેટેડ વોટર પીએ છે એવું તેમણે કબૂલ કર્યું હતું.

જોકે જે પ્રકારની જીવનશૈલી આપણે આપણાં બાળકોને આપી છે એમાં આવા રિપોર્ટ ન આવે તો નવાઈ પામવા જેવું છે. લગભગ દરેક ગુજરાતી પરિવારમાં બા, મમ્મી કે હવેના જમાનામાં બાઈઓ જમવાની થાળી કે વાટકો લઈને નાના-નાના ભૂલકાંઓની પાછળ-પાછળ ઘૂમતી આપણને જોવા મળે છે. ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં તો જાણે બાળકો પ્રત્યે પ્રેમ પ્રગટ કરવાની એક જ રીત લોકો જાણે છે અને એ છે સ્વાદિષ્ટ (પછી ભલેને એ બાળકના આરોગ્ય માટે ગમે તેટલું હાનિકારક કેમ ન હોય) ભોજન જમાડવાનું. જેની વાતથી આ લેખની શરૂઆત કરી હતી તે અર્ણવને તેની મમ્મી ખીચડી ખવડાવતી તો એ પણ દૂધ નાખીને નહીં પણ દૂધની મલાઈના દોથે-દોથા ભરીને. અમારા પરિચયમાં એક મહિલા છે જે તેમની એકની એક દીકરીને રીતસર મારી-મારીને જમાડતી હતી. મતલબ કે છોકરીની મમ્મીએ થાળીમાં જેટલી વાનગીઓ અને જેટલી માત્રામાં પીરસી હોય એટલી તે છોકરી પૂરી ન કરે તો તેને રીતસર માર પડતો. આની પાછળનું કારણ તેની મમ્મીના કહેવા મુજબ એ હતું કે તેની દીકરીને તે પ્રેમ કરતી હતી અને તેને પેટ ભરીને જમાડવા માગતી હતી. જોકે એક કારણ એ પણ હતું કે જો તેની દીકરી ભૂખી રહી જાય અને અડધી રાતે ઊઠે તો મમ્મીની ઉંઘ પણ ડિસ્ટર્બ થાયને! એના કરતાં પહેલાંથી જ દીકરીનું પેટ ઠાંસીઠાંસીને ભરી દેવાનું એટલે વહેલી પડે સવાર. ૧૨ વર્ષની આ છોકરી હવે દિવસમાં ત્રણ વાર થાળી ભરી-ભરીને અને ચીઝ, બટરથી ભરેલી વાનગીઓ ઝાપટે છે અને તેનું વજન તેની ઉંમરની છોકરીઓ કરતાં ઘણું વધુ છે.

આધુનિક યુગમાં ન મમ્મી-પપ્પાઓ શારીરિક પરિશ્રમ કરે છે કે ન તેમના બચ્ચાંઓ. પપ્પાઓ કમ્પ્યુટર પર બેસીને શેરની લે-વેચ કરે છે કે પછી એરકન્ડિશનર ઑફિસોમાં બેસીને બિઝનેસ કરે છે અને મમ્મીઓ ટેલિવિઝન સામે બેસી રહે છે કે સ્માર્ટફોનમાંથી મોં ઊંચું નથી કરતી. આધુનિક મા-બાપ પોતપોતાની આર્થિક ક્ષમતાઓને વળોટીને પણ જાતભાતના ગેજેટ્સ બચ્ચાંઓને ગિફ્ટમાં આપે છે. ઉપરાંત મહાનગરોમાં બાળકોને રમવા માટેની જગ્યા પણ ઉપલબ્ધ હોતી નથી. આવા સંજોગોમાં બાળકો ટેલિવિઝન,કમ્પ્યુટર કે ફોનની સ્ક્રીન સામે બેસી રહે છે અને આ વર્ચ્યુલ વર્લ્ડ તેમને બીજું કંઈ આપતું હોય કે ન આપતું હોય પણ ઘણા બધા શારીરિક અને માનસિક રોગ તેમના શરીરમાં ફ્રીમાં ડાઉનલોડ કરી આપે છે.

માનસશાસ્ત્રીઓ કહે છે કે જેઓ હતાશા, નિરાશાનો સામનો કરી રહ્યાં હોય, એકલતા અનુભવતા હોય કે ઉદાસ હોય એવા લોકોમાંના મોટાભાગના લોકો જાતભાતની વાનગીઓ ખાઈ-ખાઈને મનને ખુશ રાખવાનો નિષ્ફળ પ્રયાસ કરતા રહે છે. કેટલાય લોકો પેટમાં વાનગીઓ ઠાલવી-ઠાલવીને મનનો ખાલીપો પૂરવાની કોશિશ કરતા રહે છે. મનનો ખાલીપો તો ભરાતો નથી પણ ખાઈ-ખાઈને જીભને (હકીકતમાં તો મનને) સ્વાદ આવે છે પણ શરીર રોગી થતું જાય છે.

જે રીતે આપણે આપણાં બાળકોને ફાસ્ટ-ફૂડ અને ચરબીયુક્ત ખોરાક ખવડાવી રહ્યા છીએ ક્યારેક લાગે છે કે આપણે ખરેખર તેમને વહાલ કરીએ છીએ ખરાં? આપણામાંના ઘણાબધા લોકો ભલે આપણી જાતને તેમના શુભચિંતક ગણાવતા હોઈએ પણ હરકતો તો એવી કરીએ છીએ કે કોઈ દુશ્મન પણ ન કરે. આપણાં બાળકોના સ્વાસ્થ્યને હાનિકારક વસ્તુઓ ખવડાવી-પીવડાવી આપણે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દાવો કરીએ છીએ પણ હકીકતમાં તો આપણે તેમને વારસામાં બીમારીઓ આપી રહ્યા હોઈએ છીએ. આટલું ઓછું હોય એમ રમતગમત કે શારીરિક શ્રમથી આ બાળકો કિલોમીટરના કિલોમીટર દૂર હોય છે. મુંબઈની શાળાઓના પી.ટી. શીખવતા શિક્ષકો હોય કે ફિટનેસ ટ્રેનર બધાં જ માથું કૂટે છે, કારણ કે આ પેઢીને આપણે એટલી પપલાવી-પપલાવીને રાખી છે કે તેઓ સાદામાં સાદા વ્યાયામ પણ કરી શકતા નથી. એક ફિટનેસ ટ્રેનર તો કહે છે કે જમીન પર ચોક વડે લાઈન દોરીને દસ બાળકોને જો હું એ લાઈન પર કૂદકો મારવાનું કહું તો પાંચથી છ બાળકો સાદો કૂદકો પણ મારી શકતાં નથી. મોટાભાગનાં તો એક સાદો કૂદકો મારતી વખતે પણ સંતુલન જાળવી શકતાં નથી.

એક સમજદાર અને માત્ર પૈસા કમાવા માટે ભૂરાંટા ન થયા હોય એવા ડાયેટિશિયન કહે છે કે બાળકો હોય કે પુખ્ત વયના લોકો જો આપણા દાદા-દાદીઓ જેવું ખાતાં હતાં એવું ખાય અને વ્યાયામ કે શારીરિક પરિશ્રમ કરે તો તેમણે કોઈ પ્રકારના ડાયેટિંગ કરવાની જરૂર ન પડે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે પહેલાં તો આપણે પૈસા ખર્ચીને આડેધડ ખાઈએ છીએ, ચરબીના થર ચડાવીએ છીએ અને પછી એ ઘટાડવા માટે ડાયેટિશિયનો, જિમ ઇન્સ્ટ્રક્ટરો અને ડોક્ટરોના બેન્ક બેલેન્સ તગડાં કરીએ છીએ અને ઈશ્ર્વરે દીધેલી શરીર નામની આ અણમોલ જણસની પત્તરડી ખાંડી નાખીએ છીએ. હવે આ જ સ્થિતિ આપણે આપણા બચ્ચાંઓની પણ કરી રહ્યા છીએ. 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194611

એકના પૈસા લઈને બીજાને વોટ આપવો: નીતિની રાજનીતિ -- ચંદ્રકાંત બક્ષી

ટેરરિઝમ માટે ત્રાસવાદ શબ્દ વપરાય છે. આ સિવાયના શબ્દો છે: આતંકવાદ અને ઉગ્રવાદ (એનાર્કી અને એક્સટ્િિમઝમ) પંજાબમાં ટેરરિસ્ટ છે, પણ શ્રીલંકામાં મિલિટન્ટ છે, એક ત્રાસવાદી છે, એક બાગી છે. આપણા સંદર્ભમાં આ બધા શબ્દો નવા છે એટલે અર્થરેખાઓ સ્પષ્ટ દોરાઈ નથી. એટલે એકને બદલે બીજો શબ્દ વપરાતો રહે છે. નાગરિક સામાન્ય રીતે અન્યાય અથવા ન્યાય મળવામાં અસહ્ય વિલંબ સહન કરતો રહે છે. પણ દુ:ખી નાગરિક, વસ્તુહારા નાગરિક, શોષિત-પીડિત નાગરિક બગાવત કરે છે. ત્રાસવાદી કે આતંકવાદી બની જાય છે-પંજાબ-મિઝોરમ-ત્રિપુરા, બિહારના આદિવાસી અંચલો, ઉત્તર અને પૂર્વ શ્રીલંકા, આંખની સામે આપણે ટેરર કે ત્રાસનો નકશો જોઈ રહ્યા છીએ અને રાષ્ટ્રવિજ્ઞાનીઓએ હવે એક નવી વિચારધારા વિશે જનધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. જેમ લોકોનો એક ત્રાસવાદ છે એમ વીસમી સદીમાં ઊભરતા સમાજોમાં એક રાજ્ય-ત્રાસવાદ (સ્ટેટ-ટેરેરિઝમ) પણ આવ્યો છે. રાજ્યનો, શાસનનો, શાસનની શસ્ત્રશક્તિનો, પોલીસનો, પરા-સૈનિક શક્તિનો. લૅટિન અમેરિકા અને આફ્રિકાના દેશોમાં આ રાજ્ય-ત્રાસવાદ ઘણાં વર્ષોથી છે. પણ એશિયાના દેશોમાં આ એક નવી સ્થિતિ છે એમ ચિંતકો કહે છે. 

ભારતમાં રાજ્ય-ત્રાસવાદનું પ્રમાણ ઓછું છે. ભારતનો રાજ્યત્રાસવાદ હજી એટલો બેશરમ અને નગ્ન નથી અને આંચલિક છે, કારણ કે પ્રજાનાં બે ઘટકો-છાપાં અને ન્યાયાલયો હજી વિરોધ કરી શકે છે. પર્દાફાશ કરી શકે છે. બેનકાબ કરી શકે છે. ત્રીજું ઘટક સંસદ છે પણ એમાં જો ચર્ચા જ ન થવા દે તો એ વિકલાંગ બની જાય છે. જનમાધ્યમો રેડિયો તથા ટીવી શાસનના તાબેદાર સરકારી માધ્યમો છે. એટલે રાજ્ય-ત્રાસવાદની સામે બોલવું, લખવું કે વિરોધ કરવો ભારતમાં સરળ નથી. 

આલ્બેર કામ્યુએ રાજ્ય-ત્રાસવાદ વિશે લખતાં એક ઐતિહાસિક પ્રશ્ર્ન ઉઠાવ્યો છે: ૧૭૮૯ની ફ્રેન્ચ ક્રાંન્તિએ નેપોલિયન ત્રીજાને જન્મ આપ્યો. ૧૯૪૭ની રશિયન બોલ્શેવિક ક્રાન્તિએ સ્તાલિનને જન્મ આપ્યો. ૧૯૨૦નાં ઈટાલિયન આંદોલનોએ મુસોલિનીને જન્મ આપ્યો, ૧૯૩૦ના વાઈમાર ગણતંત્રે હિટલરને જન્મ આપ્યો. સરમુખત્યારશાહી સામેની જનક્રાન્તિઓને અંતે ફરીથી વધારે ભયાનક સરમુખત્યારો શા માટે આવ્યા? ભારતમાં આ તુલના જરા જુદી રીતે કરવી પડશે કારણ કે ભારતમાં સરમુખત્યારશાહીની ફૅશન જુદી છે. બ્રિટિશ એકહથ્થુશાહીની વિરુદ્ધ વિપ્લવ ભડકાવનારા મહાત્મા ગાંધીના સફળ આંદોલનોએ જ રાજીવ ગાંધીની તુઘલખી સુલતાનીને જન્મ આપ્યો છે? ચિંતકોએ આ વિશે ચિંતા કરવી પડશે. ભારતમાં ગોલા-ગરાસિયા-સામંતશાહીને પાછી લાવવામાં રાજીવ ગાંધીના રાજ્યકાળને ઈતિહાસમાં જરૂર સ્થાન મળશે. રાજીવ ગાંધીએ વીસમી સદીમાં ભારતીય શાસનને અઢારમી સદીની ગરાસો લૂંટાવવાની અને શિરપાવ (શિર-ઓ-પા) આપવાની અને વંશવારસોને જાગીરો આપવાની બધી જ એબોની કક્ષાએ મૂકી દીધું છે. ગરાસોની જેમ મોટાં મોટાં સરકારી બોર્ડોમાં નિયુક્તિઓ થાય છે, ભારતરત્નથી નાનામાં નાનાં ઈનામો સુધી હજારો શિરપાવ અપાય છે અને સંસદ વિધાનસભાઓમાં મૃત સંસદસભ્ય કે વિધાનસભ્યના વંશવારસોને માટે એ વિસ્તારો જાગીરોની જેમ રિઝર્વ કરી આપવામાં આવ્યા છે. રાજીવ ગાંધીએ આપણને ખરેખર ૧૮મી સદીમાં મૂકી દીધા છે. એક ફારસી ઉક્તિ હતી જે ૧૮મી સદીના દરબારોને લાગુ પડતી હતી. રાજા કહે કે જુઓ, કેવો સૂર્ય ઊગ્યો છે! ત્યારે દરબારીઓએ આકાશમાં ચંદ્ર સામે જોઈને કહેવું જોઈએ: પ્રભુ! કેવી સખત ગરમી લાગી રહી છે!.. રાગ દરબારી ગાઓ ત્યારે ચાંદની રૌદ્ર ધૂપ બની જાય છે. જો ચાંદનીમાં પસીનો થઈ શકે તો તમે રાજાની પાસે ઊભા રહેવા લાયક બનો છો! બધા રાગોમાં રાગ દરબારી શ્રેષ્ઠ રાગ છે, એ ગમે તે સમયે ગાઈ શકાય છે. એમાં ફક્ત આલાપ હોય છે, અને એક જ તાલ હોય છે. 

જગતમાં રાજ્ય-ત્રાસવાદ સમસ્યા છે એમ ભારતવર્ષમાં રાજ્ય-ભષ્ટ્રાચાર સૌથી જીવંત સમસ્યા છે. આચાર્ય કૃપલાણીએ લોકસભામાં જવાહરલાલ નહેરુને એક ફારસી નીતિકથા કહી હતી. એક બાદશાહ એના વજીર, સેનાપતિ, અફસરાન સાથે શિકાર પર ગયો. શિકાર કરીને, પકાવી જમવા બેઠા ત્યારે ખબર પડી કે મીઠું નખાયું નથી. એક ખાસદારે કહ્યું: જહાંપનાહ! હું હમણાં નિમક લઈ આવું છું. એ કથાના બાદશાહે ખાસદારને નિમક લાવવા માટે અશરફીઓ આપવા માંડી ત્યારે વઝીરે કહ્યું: અન્નદાતા! આ પૂરું સામ્રાજ્ય આપનું છે! આપને નિમકના પૈસા આપવાના હોય! બાદશાહે ખાસદારના હાથમાં અશરફીઓ થમાવતાં વજીરને કહ્યું: જે દિવસે બાદશાહ પ્રજાનું નિમક મફત લેવા માંડશે એ દિવસે એની નીચેવાળા અફસરો પ્રજાની મુર્ગીઓ મફત લઈ જશે... અને સમજશે કે પૂરું સામ્રાજ્ય એમનું જ છે! વઝીર સમજી ગયો. 

સાર: જે રાજા મફતની એક કટકી લેશે એની નીચેના હાકેમો, અફસરો, સરકારી કર્મચારીઓ આખો દેશ લૂંટી જશે. 

આજના ભારતમાં એક વિચિત્ર નઝારો જોવા મળે છે. લૂંટાલૂંટ ચાલી રહી છે. એક પ્રધાન બૅંકમેળાઓ ભરે છે, ગરીબોને પૈસા લૂંટાવે છે. મિઝોરમ ત્રિપુરામાં રૂપિયા લૂંટાવીને નિર્વાચનો જિતાયાં. આ સુલતાની, બેજવાબદાર રાજીવશાહી આ રીતે લાંબી ચાલી શકે નહીં. મુખ્ય પ્રધાન ગરીબોને માટે જ રાજ્ય ચલાવે છે. ચાવલ, કપડાં, ચંપલો, સાડીઓ, ઘરો, ઢોર, જમીનો, બૅંકના રૂપિયા બધું જ ગરીબોના મેળા ભરીને ખેરાત કરી દેવામાં આવે છે. કે જેથી ગરીબો શાસક પક્ષને જ વોટ આપતા રહે. પૈસા લો, વોટ આપો. નીતિ-અનીતિ મોહનદાસ ગાંધી સાથે ગઈ. સમીકરણ સ્પષ્ટ છે-ઉઠાવો પૈસો, લાવો વોટ, લગભગ બધી જ ગરીબપ્રેમવાળી સરકારો ખેરાતો-સખાવતો પ્રજાના પૈસે નિર્વાચન પહેલાં મતદાતાઓને વહેંચી દેવામાં આવે છે. આ ભારતીય રાજીવબ્રાન્ડ લોકશાહી છે. રાજ્ય-ત્રાસવાદ જેવી જ આ એક સમસ્યા છે: રાજ્ય-ભ્રષ્ટાચાર.

ભારતમાં જ નહીં, અન્યત્ર પણ કમજોર અને ક્રૂર (આ બે વિશેષણો સાથે જ જાય છે, એકબીજાનાં પૂરક છે) શાસકોએ મતદાતાઓને પૈસા આપીને ખરીદવાની કુચેષ્ટા કરી છે. ભારતમાં હજી એટલી મુફલિસી, નિરક્ષરતા, મૂર્ખતા, ડોબાપણું છે કે ભૂખે મરતા લોકો પણ દર પાંચ વર્ષે ફરી એના એ જ ગઠિયાઓ પાસેથી થોડા રૂપિયા લઈને એમને વોટ પહેરાવી આવે છે. અને એમના ઉમેદવાર ચૂંટાઈ ગયા પછી મતદાતા પંદર જ દિવસમાં કકળાટ શરૂ કરી દે છે. મતદાનથી સરકાર બદલી શકાય છે અને પાંચ વર્ષે મળતો મતાધિકાર પરિપકવ થઈને વાપરવાનું શસ્ત્ર છે એ ચાળીસ વર્ષ પછી પણ એક વિશાળ વર્ગને સમજાતું નથી. પ્રશ્ર્ન છે કે જો સત્તાધીશ પક્ષ સિંહાસન પરથી ભ્રષ્ટાચાર કરે તો પ્રજાએ કેટલા નૈતિક રહેવું? અથવા વધારે આસાન રીતે મૂકીએ તો: તમને વોટ આપવા માટે પૈસા મળ્યા છે. તમારી એને જ વોટ આપવાની નૈતિક જવાબદારી છે. તમે પૈસા એકના લઈને બીજાને વોટ આપો એ જ નૈતિક છે. અનીતિનાં ધંધામાં એકપક્ષી નીતિ ચાલે નહીં. શત્રુને એનાં જ શસ્ત્રોથી પરાસ્ત કરવો પડશે. જે તમને ભ્રષ્ટ કરવાની ઝુર્રત કરી રહ્યો છે એને તમારે ભ્રષ્ટ થઈને શેષ કરવો પડશે. 

કેનિયાના ગાંધી જોમો કેન્યાટાએ એની પ્રજાને ચૂંટણી પહેલાં સ્પષ્ટ કહ્યું હતું: વિરોધ પક્ષના પૈસા, ઘૂસ, રિશવત બધું જ લઈ લેજો અને ચૂંટણીને દિવસે વોટ આપણા ડબ્બામાં નાખજો...! અને એમ જ થયું હતું. ઈટાલીના કમ્યુનિસ્ટ નેતા પાલ્મીરો ટોગ્લીઆટ્ટીના કાળમાં ઈટાલીમાં કમ્યુનિસ્ટ પાર્ટી બહુમતી સીટો જીતી ગઈ હતી. કોમેરેડ ટોગ્લીઆટ્ટીને આ સફળતાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું: અમે મૂડીવાદને એના જ સાધનોથી પીટીએ છીએ! તમારે મૂડીવાદને એના જ હથિયારથી ઝબ્બે કરવો પડશે! અને ટોગ્લીઆટ્ટી પ્રોફેસર હતો, રેસમાં એના ઘોડા દોડતા હતા, એને રખાતો કે મિસ્ટ્રેસ હતી! એ અત્યંત ધનાઢ્ય હતો...

ફિલિપિન્સમાં ધર્મગુરુ કાર્ડિનલ સીને માર્કોસની સામે એક ફતવો બહાર પાડ્યો હતો કે માર્કોસને વોટ આપવો અધર્મ ગણાશે અને એમ પણ કહ્યું હતું કે માર્કોસ તરફથી જે પૈસા મળશે એ સ્વીકારવા અધર્મ નથી. પૈસા માર્કોસના લઈ શકો છો, પણ વોટ કોરી ઍક્વિનોને આપવાનો છે. 

રિશવત લેવાની પણ એક નીતિ છે! ઈજિપ્તમાં જ્યારે રાષ્ટ્રપતિ નાસર સત્તા પર હતા ત્યારે અમેરિકન ગુપ્તચર તંત્રી સી.આઈ. દ્વારા નાસેરને ૩૦ લાખ ડૉલરની રિશવતની ઑફર થઈ હતી. આ વાત સી.આઈ.એ.ના એક ઉચ્ચાધિકારી માઈલ્સ કોપલેન્ડે એમના પુસ્તક ‘ધ ગેમ ઑફ નેશન્સ’માં લખી છે. રાષ્ટ્રપતિ નાસરે ૩૦ લાખ ડૉલર લઈ લીધા પછી રાષ્ટ્ર સમક્ષ જાહેર કર્યું કે એમને આ રીતે રિશવત આપવામાં આવી હતી જે એમણે લઈ લીધી છે અને એ ધનમાંથી એક ટેલિવિઝન ટાવર બનાવવામાં આવશે જોકે જાહેરાત પછી એમણે કેરોમાંથી બધા જ અમેરિકન સરકારી અફસરોને કાઢી મૂક્યા. આ ફેંકાઈ ગયેલા અફસરોમાંથી એકનું નામ: મિ. માઈલ્સ કોપલેન્ડ! 

બદમાશની સાથે બદમાશી કરવી એ નીતિ છે, એવું આજની રાજનીતિમાં ઘણા માને છે. યુનોમાં નિકારાગુઆની રાજદૂત કુમારી નોરા એસ્ટોર્ગા જ્યારે ૩૮ વર્ષની હતી ત્યારે એની સાથેનો એક પ્રસંગ જગજાહેર થઈ ગયો હતો. કુમારી નોરાએ ક્રૂર જુલ્મગાર સોમોઝાના એક વરિષ્ઠ સેનાપતિને એના બેડરૂમમાં બોલાવ્યો હતો. ૮મી માર્ચે ૧૯૭૮ને દિવસે આ જુલમી સેનાપતિ નોરાના બેડરૂમમાં પ્રવેશ્યો અને કપડાં કાઢીને નગ્ન થઈ ગયો પછી નોરાએ સંકેત કર્યો... અને ત્યાં છુપાયેલા ત્રણ સાંડિનિસ્ટા બળવાખોરો બહાર નીકળ્યા અને આ જુલમીને ગોળીઓથી વીંધી નાખ્યો. હમણાં નોરા એસ્ટોર્ગાનું કૅન્સરમાં અવસાન થયું ત્યારે રાષ્ટ્રપતિ ઓર્તેર્ગાએ કહ્યું કે તે વીરાંગના હતી. દેશની અને ક્રાન્તિની નેતા હતી. એની દફનવિધિ પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે થશે...

જ્યારે રાજ્ય સ્વયં વિશાળ પાયે મહાભ્રષ્ટાચાર કરવા માંડે ત્યારે નાના પક્ષો અને નાના માણસો તેમ જ નાના દેશભક્તોએ એનો પ્રતિકાર કઈ રીતે કરવો? પ્રતિ-મહાભ્રષ્ટાચારથી! જોમો કેન્યાટા, પાલ્મીરો ટોગ્લીઆટ્ટી, કાર્ડિનલ સીન, રાષ્ટ્રપતિ જમાલ, અબ્દ-અલ નાસર અને નોરા એસ્ટોર્ગાનો માર્ગ સાચો છે. શરીરમાં અસાધ્ય ગૂમડાં થાય છે ત્યારે જ એના મવાદની રસીનાં ઇંજેક્સન આપવાં પડે છે. લોઢું લોઢાને કાપે છે, હીરો હીરાને કાપે છે. ગરમી ગરમીને મારે છે. એકના પૈસા લઈનીને બીાને વોટ આપવાથી દેશનું ભાવિ સુધરે છે. અસ્તુ. 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194604

એક દર્દ બે-દવા... -- ચંદ્રકાંત બક્ષી

એરપોર્ટ પાસેની ઝૂંપડપટ્ટીની ગંદકીને લીધે ઊડતું એકાદ પક્ષી જો એક આધુનિક ફાઈટર હવાઈજહાજની ઝપટમાં આવી જાય તો એ ફાઈટર-પ્લેન તદ્દન નકામું થઈ શકે છે - નુકસાન કેટલું? દસથી પંદર કરોડ રૂપિયા! પણ ઝૂંપડાં ખસેડી શકાય નહીં. વોટ જોઈએ છે... અને ચૂંટણીનું અફીણ તો વખતોવખત પાતા રહેવું પડે છેને!


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


વર્ષો પહેલાં એક વાર સંસદમાં વિરોધ પક્ષના આચાર્ય કૃપલાણીએ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો કે આ દેશમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે રાજધાની દિલ્હીમાં શુદ્ધ ઝેર પણ મળતું નથી! કૃપલાણીએ કહ્યું કે ઝેરમાં એટલું ભેળસેળ થઈ ગયું છે કે હવે એ પીધા પછી પણ માણસ મરી શકતો નથી. એ વાતને વર્ષો વીતી ગયાં છે. કેટલાક ગમ્મતી પત્રકારોએ લખ્યું હતું કે ઝેર શુદ્ધ અને અસરકારક મળે એ જોવાની સરકારની જવાબદારી છે! પંડિત જવાહરલાલ નહેરુની સરકાર હતી અને લોકસભામાં વિરોધ પક્ષ હતો. આજે બંનેમાંથી એક પણ નથી અને ભ્રષ્ટાચાર બેહદ વધી ગયો છે. કેટલો વધ્યો છે અને કહેવા માટે પણ કવિતાનો આશરો લેવો પડશે... ઉર્દૂના મશહૂર ગાલિબે કહ્યું છે ‘એક દર્દ, બે-દવા બન્યું છે!’

ભેળસેળનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે અને કાયદાની હાલત દાંત વગરના બૂઢા શિકારી કૂતરા જેવી થઈ ગઈ છે. ભારતમાં શું નથી બનતું? પહેલાં એક પિન પણ બનતી ન હતી. આજે અવકાશયાનો બને છે. ઍટમ બૉમ્બ બને છે. પિન પણ બને છે. એ પિનને અણી હોતી નથી. હેર-પિન બને છે જેનો કાટ દેખાઈ રહ્યો છે. સોય બને છે જે તૂટી જાય છે. કવરો બને છે અને ટિકિટો મળે છે જે ચોંટતાં નથી. ઍર-મેઈલના લૅબલો ક્યારેય પોસ્ટ - ઑફિસમાં મળતાં નથી. એક કારણ ઘણી વાર બતાવવામાં આવે છે કે આપણે આપણી શ્રેષ્ઠ વસ્તુઓ નિકાસ કરીએ છીએ - ચા, કેરી, કાજુ આદિ! માટે જ તંગી છે એ વસ્તુઓની! આપણે દસ-વીસ પૈસાના સિક્કા કે એક રૂપિયાની નોટ ઍક્સપોર્ટ કરતા નથી છતાંય તંગી છે. આ દેશમાં પરચૂરણ શા માટે મળતું નથી એ આપણા એક પણ મહાન અર્થશાસ્ત્રીએ આપણને સમજાવ્યું નથી!

ગ્રાહક સાથેની ઠગાઈ અથવા છેતરપિંડી એ એક ભારતીય હુન્નર છે જેનો વિકાસ બહુ ઊંચી કક્ષા સુધી પહોંચી ગયો છે! કપાસ માટે ડીમેક્રોન નામની જંતુનાશક દવા આવે છે. ઉત્તર પ્રદેશમાં પાણી નાખેલી શાહી મળે છે જે ડીમેક્રોન તરીકે વેચાતી હતી. શાહીનો ભાવ દસ રૂપિયે લિટર છે જ્યારે જંતુનાશક દવાનો ભાવ છે એકસો સિત્તેર રૂપિયે લિટર!

ભારતમાં ખાદ્ય અને અન્ય સામગ્રીઓમાં ભેળસેળ વિશે કોઈએ હજી પીએચ.ડી. કર્યું નથી એ પણ આશ્ર્ચર્યની વાત છે. આપણને બધું જ કોઠે પડી જાય છે. દૂધમાં પાણી ઉમેરીને આપણને વર્ષોથી પાવામાં આવ્યું છે. આપણી ગળથૂથી પણ શુદ્ધ રહી નથી. સ્મશાનમાં લાકડાં પણ ભીનાં હોય છે, ત્યાં પણ સૂકાં લાકડાં મળતાં નથી. ડિસ્ટિલ્ડ વૉટરથી સ્ટેઈલેસ સ્ટીલ સુધી ઘણી બધી વસ્તુઓમાં શુદ્ધતાનું કોઈ ખાસ ધોરણ રાખવાનો રિવાજ નથી અને કોઈ ભેળસેળ કરે તો એને પકડવો મુશ્કેલ છે. પૈસા ફેંકવાથી રસ્તા સાફ રહે છે. સતયુગમાં જે કામ ગંગાજળથી થતું હતું એ કામ આજના કળિયુગમાં કાળા પૈસાથી થઈ જાય છે.

કદાચ પકડાઈ જાઓ તો પણ શું આસમાન તૂટી પડવાનું છે? જામીન પર છૂટી શકો છો. પૈસા ફેંકવાથી રસ્તો ન નીકળ્યો તો સજા થશે એટલું જ! અને સજાઓ હજી ૧૯૮૫ના ધોરણની નથી! ઈન્ડિયન પીનલ કોડ લખાયો એ જમાનાની છે. લાઈસન્સ કૅન્સલ થાય કે દંડ ભરવો પડે. કદાચ બેચાર મહિના જેલ જવું પડે. ફાંસી તો કોઈ મારવાનું નથી! અને જીવતો નર ભદ્રા પામે! જીવતા રહ્યા તો બધું ફરીથી વસાવીશું! જાન હૈ તો જહાન હૈ!... નહેરુએ ૧૯૪૫માં જેલમાંથી છૂટીને કહ્યું હતું કે દેશ આઝાદ થશે ત્યારે દરેક કાળાબજારિયાને પાસેના લૅમ્પ-પોસ્ટ પર લટકાવીશું! અને ભગવત શરણ ઉપાધ્યાયે એમના પુસ્તક ‘ખૂન કે છીટે - ઈતિહાસ કે પન્ને પર!’માં કટાક્ષ કર્યો હતો: લીડર કહે છે કે લૅમ્પ-પોસ્ટ પર લટકાવીશું... પણ લીડર એ વખતે ધનપતિઓના ખીસામાં હશે.

ઘીમાં બીફ-ટેલો અથવા ગાયની ચરબી ઘૂસી ગઈ. દક્ષિણનાં કેટલાંક મંદિરોમાં ભક્તોને કુમકુમ લગાવે છે. એમાં કંઈક એવા રસાયણો છે કે કપાળની એટલી ચામડી રોગગ્રસ્ત થાય છે, કાળી પડી જાય છે, કડક થઈ જાય છે. વજન કરનારા વજન વધારવા માટે ત્રાજવાની નીચે લોહચુંબક ચોંટાડી દે તો વજન આપોઆપ વધી જાય છે. પચાસ રૂપિયા કિલોના હિસાબે મીઠાઈની સાથે સાથે આપણે પૂંઠાનો ડબ્બો પણ પચાસ રૂપિયે કિલો ખરીદીએ છીએ. જગતભરમાં સિમેન્ટ કાગળની થેલીમાં પૅક થાય છે કે જેથી એ ભેજ ચૂસે નહીં, રસ્તામાં પડતો રહે નહીં, ચોરાય નહીં, ક્વૉલિટીમાં ભેળસેળ થાય નહીં, આપણે ત્યાં શણના થેલા વપરાય છે જેમાં આ બધું જ થતું રહે છે. 

ટૉક્સિ-કોલૉજિકલ રીસર્ચ સેન્ટરે ૧૨,૫૭૫ નમૂનાઓ તપાસ્યા જેમાંથી ૮૮૨૦ એટલે કે ૭૨ ટકા નમૂનાઓમાં જે રંગો વપરાયા હતા એ ગૈરકાનૂની હતા, જોખમી હતા. આ નમૂનાઓ ખાવાની વસ્તુઓના હતા. પશ્ર્ચિમમાં તો ‘ક્લિઅરિંગ એજન્ટ’ વસ્તુ પર જ પ્રતિબંધ મુકાઈ ગયો છે, એમાં કોઈ પોષક દ્રવ્ય નથી અને એ વેચાણ માટે વસ્તુને આકર્ષક બનાવવા સિવાય કોઈ રીતે જરૂરી નથી. પણ ભારતવર્ષમાં જલેબી, લાડુ, દાળ, કેસર, હળદર, સોપારી, હિંગ જેવી અનગિનત વસ્તુઓ રંગાય છે, વેચાય છે.

બૉલ પૉઈન્ટ રિફિલ પર મેન્યુફેકચરિંગ તારીખ અને મહિનો લખવાનું સૂચન છે અને સોનાના ઘરેણાં પર બાવીસ કૅરેટ કે અઢાર કૅરેટનો સ્ટૅમ્પ લગાવવાનો કાયદો છે. ઇંગ્લેન્ડમાં દરેક ઘરેણાં પર કંપનીનું કોડનામ તથા કેરેટની સ્વચ્છતાનો સ્પષ્ટ સ્ટેમ્પ મારવાનો કાયદો છે જેનું સખતાઈથી પાલન થાય છે. ભારતમાં અઢાર કૅરેટનું સોનું બાવીસ કૅરેટના ભાવે કંઈક વેચાઈ ગયું કારણ કે એને રીફાઈનરીમાં મોકલીને શુદ્ધીકરણ કરવાની શક્યતા ઓછી છે અને એ જ જૂનો રોગ: કાયદાના દાંત પડી ગયા છે અથવા એટલા ધારદાર રહ્યા નથી.

બૉનસ મેળવવા માટે બસના ડ્રાઈવરો ડીઝલમાં વહેંર નાખી દે એવા કિસ્સા બન્યા છે. ગામડાઓમાં ટી.વી. સેટો રિપેર થયા વિના પડ્યા છે. ધ્યાન ન હોય તો પેટ્રોલ-સ્ટેશનો પર મીટર શૂન્ય પર આવે એ પહેલાં જ પેટ્રોલ ભરાવું શરૂ થઈ જાય છે, અથવા મોટર-ઑઈલમાં ડૂબાડવામાં આવતા ગેજને પલાળવામાં પણ બદમાશી થાય છે. એરપોર્ટ પાસેની ઝૂંપડપટ્ટીની ગંદકીને લીધે ઊડતું એકાદ પક્ષી જો એક આધુનિક ફાઈટર હવાઈજહાજની ઝપટમાં આવી જાય તો એ ફાઈટર-પ્લેન તદ્દન નકામું થઈ શકે છે - નુકસાન કેટલું? દસથી પંદર કરોડ રૂપિયા! પણ ઝૂંપડાં ખસેડી શકાય નહીં. વોટ જોઈએ છે... અને ચૂંટણીનું અફીણ તો વખતોવખત પાતા રહેવું પડે છે ને! એક અનુમાન પ્રમાણે દર વર્ષે ૫૦થી ૬૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે અને કેટલાક અનુભવી પાયલોટના જાન પણ જાય છે...

કાપડ પર ૬૭ ટકા પૉલિસ્ટર અને ૩૩ ટકા કોટનની મહોર લાગી હોય છે, ભાવ એ રીતે લેવાય છે પણ ક્યારેક એ બ્લેન્ડમાં વધઘટ હોય છે. નાયલોન વાપરીને પૉલિસ્ટરનો સ્ટેમ્પ લાગતો હોય છે અને ભિવંડી કે ઈચલકરંજીથી પાવરલુમનું કાપડ લઈને મુંબઈમાં મિલોના નામના સ્ટેમ્પ લગાવી આપવાનો ગૃહ-ઉદ્યોગ વિશાળ પાયા પર ચાલી રહ્યો છે.

ભેળસેળ ફક્ત વસ્તુઓમાં નથી, માણસોમાં પણ છે. બિહારના ડૉ. નગેન્દ્ર ઝા શિક્ષણમંત્રી હતા માટે એમણે બદમાશી કરીને પોતાને માટે ડૉક્ટરેટ લઈ લીધી છે એવું ડૉ. જગન્નાથ મિશ્રના અનુયાયીઓએ કહ્યું! તરત જ ડૉ. નગેન્દ્ર ઝાના અનુયાયીઓએ ફટકો લગાવ્યો. ૧૯૬૪માં જગન્નાથ મિશ્ર મુઝફફરપુરની એલ. એસ. કૉલેજમાં એક સામાન્ય લેકચરર હતા. એમણે ૧૯૬૪માં ડૉક્ટરેટ કેવી રીતે મેળવી લીધી? આ એ પ્રદેશની વાત છે જ્યાં એક યુગમાં નાલંદા અને વિક્રમશિલાનાં મહાવિદ્યાલયો હતાં... અને વિશ્ર્વભરમાંથી વિદ્યાર્થિઓ ભણવા આવતા હતા.

પણ તમિળનાડુ વધારે સમજદાર છે. ત્યાં કેટલીક યુનિવર્સિટીઓ ડૉક્ટરેટ આપે છે. ‘ઑનરરી ડૉક્ટરેટ’ હોય છે. તમિળનાડુના ફિલ્મસ્ટાર મુખ્યમંત્રી વિશે બા-કાયદા લખાય છે: ‘ડૉ. એમ. જી. આર...!

જો આ દેશમાં માથાને ઠંડું રાખવું હોય તો ભેળસેળ કે ભ્રષ્ટાચારને એક રમૂજ તરીકે લેવી જોઈએ. કંઈ ન કરી શકનાર માણસ કમસે કમ હસી તો શકે છે! અને આપણે માટે હસીએ છીએ ત્યારે નિર્ભેળ હસી શકીએ છીએ. 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=189790

ભાગલાએ ભુલાવ્યો વતનપ્રેમ -- સગપણનાં ફૂલ - બકુલ ટેલર

‘સારે જહાં સે અચ્છા...’ના રચયિતા ઈકબાલે કુળ ઓળખ ભુલાવી બે રાષ્ટ્રની વાત રજૂ કરેલી

શેખ નૂર મોહમ્મદ, મોહમ્મદ ઈકબાલ, તેજ બહાદુર સપ્રુ, જાવિદ ઈકબાલ, નાસિરા ઈકબાલ

પંદરમી ઑગસ્ટ આવશે એટલે બંકિમબાબુ લિખિત ‘વંદે માતરમ્’, ટાગોર લિખિત ‘જન ગણ મન’ ગુંજશે અને સાથે જ ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ પણ ગુંજશે જેના કવિ પાકિસ્તાનમાં રાષ્ટ્રીય કવિનું સન્માન પામ્યા છે અને તેમના જન્મદિવસ ૭ નવેમ્બર (૧૮૭૭)ના રોજ ત્યાં જાહેર રજા હોય છે. કવિનું નામ મોહમ્મદ ઈકબાલ. અંગ્રેજ સરકારે આપેલી પદવી સાથે ઓળખાવો તો સર મોહમ્મદ ઈકબાલ. ભારતના ભાગલા પડવા સાથે તેઓ પાકિસ્તાન ચાલી ગયા અને જ્યાં ‘હિન્દી હૈં હમ, વતન હૈ હિન્દોસ્તાં હમારા’ લખેલું ત્યાં ‘ચીન - ઓ - અરબ હમારા, હિન્દોસ્તાં હમારા/ મુસ્લિમ હૈ હમ, વતન હૈ સારા જહાં હમારા’ લખેલું. આ વાંચીને ઘણાને પીડા થયેલી કે મૂળ તો આ ઈકબાલ કાશ્મીરી પંડિત છે અને સાવ ફરી ગયા?

હા, ઈકબાલના વડવાઓ કાશ્મીરી પંડિત હતા અને તેમની અટક સપ્રુ હતી. ઈકબાલના દાદાનું નામ હતું સહજરામ સપ્રુ. સહજરામ સપ્રુ તે વેળા રાજદરબારમાં મહત્ત્વનો હોદ્દો ધરાવતા હતા, પણ જ્યારે અફઘાનિસ્તાનના અઝીમ ખાને સત્તા હાંસલ કરી તો ફરમાન જાહેર કર્યું કે ક્યાં ઈસ્લામ અંગીકાર કરો ક્યાં મોત. સહજરામ સપ્રુએ જિંદગી પસંદ કરી અને ઈસ્લામ અંગીકાર કર્યો. નામ બદલાયું ને થઈ ગયું શેખ મોહમ્મદ રફીક. ઈસ્લામ અંગીકાર કર્યા પછી તેમણે પોતાનું વતન શ્રીનગર છોડી દીધું અને સિયાલકોટ જતા રહ્યા. આ સહજરામ સપ્રુ જે હવે શેખ મોહમ્મદ રફીક થયા તેમના પુત્રનું નામ શેખ નૂર મોહમ્મદ. આ નૂર મોહમ્મદે ઈમામ બીબી સાથે નિકાહ પઢેલા અને તેમના બે પુત્રોમાં એક અતા મોહમ્મદ અને બીજા આ ઈકબાલ. લાહોરની ગવર્નમેન્ટ કોલેજમાં અંગ્રેજી અને અરબી ભાષા સાથે એમ.એ. થયા ત્યારે આખી પંજાબ યુનિવર્સિટીમાં તેઓ પ્રથમ આવેલા. ૧૯૧૫માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ (દીવાન) આવી ગયેલો અને ૧૯૨૨માં તેમને ‘સર’ની પદવી મળેલી. ઈંગ્લૅન્ડ જઈ કાયદો અને ફિલસૂફી ભણેલા ઈકબાલ મોહમ્મદ અલી ઝીણાના ખાસ મિત્ર હતા અને ૧૯૩૦ના મુસ્લિમ લીગના અધિવેશનમાં તેમણે બે રાષ્ટ્રની વાત રજૂ કરેલી. (ભારતને ભણેલાઓએ વધુ નુકસાન કર્યું છે કે અભણોએ?) ઈકબાલ જેટલા મોટા શાયર હતા તેટલા જ મોટા ફિલોસોફર અને પ્રભાવક રાજનેતા હતા. ઈકલાબે કુલ ત્રણ લગ્ન કરેલાં. પહેલાં લગ્ન કરીમબીબી સાથે જેનાથી મિરાજ બેગમ અને આફતાબ ઈકબાલ જન્મ્યાં. બીજાં લગ્ન સરદાર બેગમ સાથે જેનાથી જાવિદ ઈકબાલનો જન્મ થયો. ત્રીજાં લગ્ન મુખ્તાર બેગમ સાથે. ઈકબાલનાં સંતાનોમાં જાવિદ ઈકબાલ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના સિનિયર જજના હોદ્દા સુધી પહોંચ્યા. તેઓ પણ ઈકબાલ જ્યાં ભણેલા એ જ કોલેજથી એમ.એ. થયેલા અને ગોલ્ડ મેડલ મેળવેલો. ૧૯૫૪માં તેમણે ફિલોસોફી સાથે પીએચ.ડી. કર્યું અને પછી કેમ્બ્રિજ જઈને બેરિસ્ટર અૅટ લો થયા. જાવિદે તેના પિતાની જેમ શાયર તરીકે નામ ન કર્યું પણ ઈસ્લામ, ઈકબાલ અને કાયદેઆઝમ ઝીણા ઉપરાંત પાકિસ્તાનના રાષ્ટ્રવાદની ચળવળ અને કાયદા વિશે ૧૧ જેટલાં પુસ્તકો લખ્યાં. જાવિદ ઈકબાલે નાસિરા સાથે લગ્ન કર્યાં જે લાહોર હાઈ કોર્ટમાં જજ હતી. જીનિવામાં પાકિસ્તાનનાં પ્રતિનિધિ તરીકે માનવ અધિકાર કમિશનમાં પણ તે ગઈ છે. ઈકલાબ ભલે પાકિસ્તાનના થઈ ગયા, પણ સહજરામ સપ્રુ કે જે મૂળ કાશ્મીરી પંડિત હતા, તેને ફરી પોતાનામાં જીવંત રાખ્યું અંબિકાપ્રસાદ સપ્રુએ. આ સપ્રુના પુત્ર તેજ બહાદુર સપ્રુ. અલીગઢમાં ૮ ડિસેમ્બર ૧૮૭૫માં જન્મેલા તેજ બહાદુર સપ્રુ, બ્રિટિશ હકૂમતના સમયમાં ભારતના શ્રેષ્ઠ હિન્દુ વકીલ ગણાતા હતા. તેમને પણ ૧૯૨૨માં સરની પદવી મળેલી. પણ તેઓ ગાંધીજીની અનેક બાબતો, વિચારોના એકદમ વિરોધી હતા. ૧૯૩૧થી ’૩૩ની ગોળમેજી પરિષદમાં ખૂબ સક્રિય રહેનાર તેજ બહાદુર સપ્રુ સુભાષચન્દ્ર બોઝની આઝાદ હિન્દ ફોજ માટે વકીલાત કરતા. સપ્રુને કૉંગ્રેસ સાથે ન ફાવ્યું અને લિબરલ પાર્ટીમાં જોડાયેલા. સપ્રુનાં સંતાનો રાજકારણમાં સક્રિય ન રહ્યાં પણ તેમના પૌત્ર જગદીશ નારાયણ સપ્રુ ઈન્ડિયા ટોબેકો કંપની (આઈટીસી)ના ચેરમેન રહેલા. તેમના પહેલાં આઈટીસીના ચેરમેન તરીકે અજિત નારાયણ હકસર હતા જેમની સાથે તેમને સાળા-બનેવીનો સંબંધ હતો. જગદીશ નારાયણ સપ્રુ કદી રાજકારણ તરફ વળ્યા નહોતા. તેમના દાદા તેજ બહાદુર સપ્રુ અલ્લામા ઈકબાલની સમાંતરે જ રાજકારણમાં હતા તોય તેમણે જુદી ઓળખ ઊભી કરેલી. ઈકબાલે પોતાની કુળ અટક સપ્રુ ભુલાવી દીધી અને પાકિસ્તાનમાં મોટી પ્રતિષ્ઠા પામ્યા. લહૂ સે લહૂં કૈસે જુદા હોતા હૈ! 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=58006