04-10-2015
(ગતાંકથી ચાલુ)
ફારુક અબ્દુલ્લાને ઈદની નમાઝ ન પઢવા દેવામાં આવે તે કેટલી ગંભીર સ્થિતિ કહેવાય? આ અંગે રાજીવ ગાંધીની કેન્દ્ર સરકારે પણ જાગવું જોઈતું હતું અને સ્થાનિક સ્તરે ફારુક અબ્દુલ્લા સરકારે પણ. જોકે રાજ્યપાલ તરીકે જગમોહન તો સતર્ક જ હતા. રાજીવ ગાંધી વડા પ્રધાન ન રહ્યા ત્યારે તેમની અને જગમોહન વચ્ચે વાક્યુદ્ધ થયેલું. એ વખતે જગમોહને એક ખુલ્લો પત્ર તેમને લખેલો. એમાં તેમણે ટાંક્યું છે તે મુજબ:
મારે તમને એ યાદ અપાવવાની જરૂર છે કે મેં તમને ૧૯૮૮ની શરૂઆતથી જ ચેતવણીના સંકેતો મોકલવા માંડ્યા હતા? પરંતુ તમને અને તમારી આસપાસના લોકોને આ સંકેતો જોવા માટે ન તો સમય હતો ન તો ઝુકાવ હતો, કે ન તો દૃષ્ટિકોણ હતો. મેં તે વખતે લખેલું: સંકીર્ણતા અને કટ્ટરવાદના ઢોલ પીટનારાઓ દિવસરાત કામ કરી રહ્યા છે. ભાંગફોડમાં વધારો થયો છે. સરહદપારના પડછાયાની લંબાઈ વધી રહી છે. ઘાતક શસ્ત્રો આવી ગયાં છે. વધુ કદાચ રસ્તામાં હશે. એપ્રિલ ૧૯૮૯માં મેં કાકલૂદી કરી હતી કે તાત્કાલિક પગલાં લેવાં જોઈશે જ.
જગમોહન લખે છે તેમ ૧૯૮૮માં જે પરિસ્થિતિ સર્જાવા લાગી હતી, તે આગળ વર્ષ ૧૯૯૦ આવતા આવતા કાશ્મીરી પંડિતો પર અત્યાચાર, મૃત્યુ આપવાના અને કાશ્મીર ખીણમાંથી હાંકી કાઢવાના વ્યવસ્થિત ષડ્યંત્રની પૂર્વતૈયારીરૂપ હતી.
હવે એક અલગતાવાદી માણસ અમાનુલ્લા ખાન જેની ૧૯૮૫ના સપ્ટેમ્બરમાં ભારતના નાયબ ઉચ્ચ આયુક્ત રવીન્દ્ર મ્હાત્રેની હત્યાના કેસમાં ધરપકડ થઈ હતી તેનું બ્રિટને પાકિસ્તાનને પ્રત્યર્પણ કર્યું. અમાનુલ્લા ખાન પાસેથી કેટલાંક ગેરકાયદે રસાયણો મળી આવ્યાં હતાં જેમાંથી સરકારી વકીલ મુજબ, વિસ્ફોટકો બનાવી શકાતા હતા. તેને જેલમાંથી મુક્ત સપ્ટેમ્બર ૧૯૮૬માં કરી દેવામાં આવેલો, પરંતુ ત્રણ મહિના પછી તેનું પ્રત્યર્પણ થયું હતું. તે વખતે સંસદના લેબર પાર્ટીના અનેક સાંસદોએ ગૃહ પ્રધાનને તેનું પ્રત્યર્પણ ન કરવા વિનંતી કરી હતી. જોકે અમાનુલ્લા ખાને એવો બચાવ કર્યો હતો કે તેની પાસે જે રસાયણો હતાં તે તો જંતુનાશકો હતાં. વળી, તેની બીજી દલીલ એવી પણ હતી કે ભારતે બ્રિટન પાસેથી હેલિકોપ્ટરો ખરીદ્યાં તેના બદલામાં તેને તેનો અને શીખ ત્રાસવાદીનો સોદો થયો હતો.
આ હેલિકોપ્ટર સોદાની વાત પણ અછડતી કરી લઈએ. આ ખરીદીનો નિર્ણય ત્રણ વર્ષની ચર્ચા બાદ થયો. તેની જાહેરાત ૨૪ સપ્ટેમ્બર, ૧૯૮૫એ કરવામાં આવી હતી. ‘ધ ટાઇમ્સ’ સમાચારપત્રના સંરક્ષણ પત્રકારનું કહેવું હતું કે સોદામાં વિલંબ એટલે થયો કે ભારત સરકારને બ્રિટન સામે વાંધો હતો કે તે ત્યાં શીખ ત્રાસવાદીઓની પ્રવૃત્તિ પર લગામ મૂકી રહી નથી.
જોકે ગત ૫ જાન્યુઆરી, ૨૦૧૫એ બહાર આવેલા અહેવાલો મુજબ, યુકેનાં વડાં પ્રધાન માર્ગારેટ થેચરે રાજીવ ગાંધીને આ હેલિકોપ્ટરો ખરીદવા ફરજ પાડીને બરબાદ થતી આ કંપની વેસ્ટલેન્ડને બચાવી હતી. આ અહેવાલોમાં કહેવાયું છે: ૧૯૮૫ના યુકે મંત્રીમંડળના દસ્તાવેજો જે ગયા સપ્તાહે બહાર પડ્યા તે બતાવે છે કે માર્ગારેટ થેચર ભારતને વેસ્ટલેન્ડ ડબ્લ્યુ ૩૦ હેલિકોપ્ટરો વેચવા કેટલા આતુર હતાં અને આ રીતે તેઓ આ એરોસ્પેસ કંપનીને બચાવવા માગતાં હતાં. ૧૮ એપ્રિલ અને ૨૫ એપ્રિલ, ૧૯૮૫ના રોજ યુકેના મંત્રીમંડળની બેઠકમાં થયેલી ચર્ચા બતાવે છે કે થેચર આ મુદ્દે ‘આંગળી વાંકી કરીને ઘી કાઢવા’ના મતનાં હતાં. થેચરથી માંડીને તેમના અનેક મંત્રીઓ, યુકેના અનેક અધિકારીઓ આ બાબતે ભારતના તેમના સમકક્ષોના સતત સંપર્કમાં હતા. ૧૮ એપ્રિલની મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા થઈ હતી કે થેચર જ્યારે ભારત ગયા હતા ત્યારે તેમને લાગ્યું કે રાજીવ ગાંધી વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરો ખરીદવાના મતના નથી. રાજીવ ગાંધીએ થેચરને કહી દીધું હતું કે ભારત સરકાર માટે લેખિતમાં એ કહી દેવું જરૂરી છે કે વેસ્ટલેન્ડ ભારતીય સ્પેસિફિકેશન પૂરી કરતાં નથી.
૨૫ એપ્રિલ, ૧૯૮૫ના રોજ થેચર મંત્રીમંડળની મળેલી બેઠકની મિનિટ કહે છે કે વિદેશ વિકાસ પ્રધાન મિ. રેસન જ્યારે ૨૪ એપ્રિલે રાજીવ ગાંધીને મળ્યા ત્યારે તેમણે જો હેલિકોપ્ટર નહીં ખરીદાય તો યુકેની ભારતને સહાય કાર્યક્રમ પર અસર પડવાની ધમકી આપી હતી.
વર્ષ ૨૦૧૩માં જે ઑગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરોનું કૌભાંડ ચમકેલું તેમાં જે વેસ્ટલેન્ડ કંપની હતી તે જ કંપનીનાં હેલિકોપ્ટરો ખરીદવા માટે થેચરે દબાણ કર્યું હતું. આ હેલિકોપ્ટરો (વર્ષ ૧૯૮૫માં ખરીદાયેલાં) ભારત માટે આફતરૂપ સાબિત થયાં હતાં. તેમાંના બે હેલિકોપ્ટરો ઑગસ્ટ ૧૯૮૮માં અને ફેબ્રુઆરી ૧૯૮૯માં તૂટી પડ્યાં હતાં, જેમાં ૧૦ ઉતારુઓ માર્યા ગયેલા.
વર્ષ ૨૦૧૩માં ખરીદાયેલા હેલિકોપ્ટર કૌભાંડમાં તો કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનું નામ પણ ઊછળ્યું હતું. તેમના રાજકીય સચિવ અને ગુજરાતના મોટા નેતા અહેમદ પટેલે કટકી લીધી હોવાનો ઈટાલીના સરકારી વકીલોએ આરોપ મૂકેલો છે. બે વચેટિયાઓ હશ્કે (ઇંફતભવસય) અને ક્રિશ્ર્ચિયન માઇકલે બજેટ બનાવ્યું હતું, જેમાં આ રૂ. ૩૫૪૬ કરોડનો સોદો સંભાળતા ભારતના રાજકારણીઓ, અમલદારો અને વાયુ સેનાના અધિકારીઓની યાદી બનાવાઈ હતી. આ બજેટ શીટમાં વિગતો અપાઈ હતી કે રૂ. ૫.૧૦ કરોડની લાંચ અપાશે. અને તે કોને કોને કેટલી અપાશે? તેમાં ‘એપી’ (અઙ) સામે ૩ મિલિયન યુરો’ (૩૦ લાખ યુરો) લખાયેલું છે. બીજી ૧.૫૦/૧.૬૦ કરોડ યુરોની સામે એફએએમ (ઋઅખ) લખાયેલું હતું જેનો અર્થ પરિવાર થતો હોવાનું કહેવાય છે. ઈટાલીના સરકારી વકીલ યુજેનિયો ફુસ્કોએ કોર્ટમાં હશ્કેને પૂછેલું કે નોંધમાં જે એપી લખેલું છે તેનો અર્થ અહેમદ પટેલ થાય છે કે કેમ. હશ્કેએ તો કોઈ દલાલી કે કટકી અપાઈ જ નથી તેમ કહેતા કહ્યું હતું કે તેને યાદ નથી કે તેણે જ્યારે એપી લખ્યું ત્યારે તેનો અર્થ શું થતો હતો.
જોકે ઈંગ્લેન્ડના સમાચારપત્ર ‘ડેઇલી મેઇલ’ના અહેવાલ મુજબ, ક્રિશ્ર્ચિયન માઇકલે પીટર હલેટને સલાહ આપી હતી કે સોદો પાર પાડવો હોય તો કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીની નજીકના લોકોને લક્ષ્ય બનાવવા. આનાથી બે વાત તો સાબિત થાય છે જે ભાજપવાળાઓ નથી કહી શકતા જ્યારે તેમના પર આરએસએસના રિમોટ કંટ્રોલનો આક્ષેપ થાય છે. એક તો એ કે ખરી સત્તા મનમોહનસિંહના હાથમાં નહીં, પરંતુ સોનિયા ગાંધીના હાથમાં હતી. બીજું કે માઇકલની સલાહને જોતાં સોનિયા ગાંધી કે તેમની આસપાસના નેતાઓને કટકી મળી હોવાના આક્ષેપો નકારી શકાય નહીં. (જેમ કોર્ટની ભાષામાં જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપી મનાતો નથી તેમ નિર્દોષ ન ઠરે ત્યાં સુધી આક્ષેપો નકારી પણ ન શકાય.)
જોકે ભાજપવાળા કે અન્ય વિપક્ષો પણ માત્ર આક્ષેપો કરી જાણે છે. તેમને ખબર છે કે તેઓ પણ દૂધના ધોયેલા નથી. આથી આક્ષેપો બાદ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ થઈ જાય છે. બોફોર્સ કૌભાંડ ગજવીને સત્તામાં આવેલા વી. પી. સિંહે (અલબત્ત, તેઓ ભાજપના નહોતા) શું કરેલું? વાજપેયી સત્તામાં આવ્યા ત્યારે તેમણે કેમ બોફોર્સમાં ખાસ પગલાં ન લીધાં? અત્યારે નરેન્દ્ર મોદી છે તો તેમને રોબર્ટ વાડરાથી માંડીને ઑગસ્ટા વેસ્ટલેન્ડ કેસ સહિતના કૌભાંડોમાં તપાસ કરતા અને પગલાં લેતા કોણ રોકે છે? કોલસા કૌભાંડ મુદ્દે મોદીએ આટલી સભાઓ ગજવી, સત્તા પણ મેળવી, પરંતુ હવે તેમના હસ્તકની સી.બી.આઈ. કહે છે કે મનમોહનસિંહ નિર્દોષ છે. અને કારણ એ જ કે પુરાવા નથી.
તો, એ અમાનુલ્લા ખાનને પાકિસ્તાન મોકલી દેવાયો. આપણે અગાઉ ઉલ્લેખ કરી ગયા છે કે ફારુક અબ્દુલ્લા જ્યારે ઈંગ્લેન્ડમાં ભણતા હતા ત્યારે તેઓ ૧૯૭૧માં અમાનુલ્લા ખાનને મળેલા. આ અમાનુલ્લા ખાન પાકિસ્તાન આવતા પાકિસ્તાનમાં રહેતા, મૂળ કાશ્મીરના (ભારતના કાશ્મીરના) લોકોનો જુસ્સો બેવડાયો. પાકિસ્તાન આવતાવેંત અમાનુલ્લા ખાને સરહદપાર એટલે કે ભારતમાં કામગીરીનો દિશાનિર્દેશ કરવા માંડ્યો. તેને એ ખ્યાલ આવી ગયો હતો કે તેની ચળવળને જો વેગ આપવો હશે તો કાશ્મીર ઘાટીમાંથી યુવાનોનો ટેકો તેને મળવો જરૂરી છે. આ માટે ચાર માણસોની ભરતી કરાઈ અને તેમને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર લાવવામાં આવ્યા. આ ચાર માણસો હતા- અશ્ફાક માજિદ વાણી, શૈખ અબ્દુલ હમીદ, જાવેદ અહેમદ મીર અને મોહમ્મદ યાસીન મલિક. હા, એ જ યાસીન મલિક, જે જેકેએલએફનો નેતા છે અને ભારતને અવારનવાર હેરાન કરતો રહે છે.
આ તરફ કાશ્મીરમાં અંદરખાને પણ કટ્ટરતા વધી રહી હતી. દીનાનાથ રૈનાએ ‘કાશ્મીર ડિસ્ટોર્શન એન્ડ રિયાલિટી’ નામના પુસ્તકમાં લખ્યા પ્રમાણે, જમાત-એ-ઇસ્લામી ઉપરાંત અલ્લાહ વલ્લાઇ નામનું મુસ્લિમ સંગઠન જેનું વડુંમથક ઉત્તર પ્રદેશમાં હતું તે ધાર્મિક કટ્ટરતાને વધારવામાં સહયોગ આપી રહ્યું હતું. તે કાશ્મીરમાં વિશાળ સભાઓ યોજતું હતું. તેમાં ઈસ્લામિક શાસન અને ઈસ્લામિક કાયદા લાવવા માટે આકરો સંઘર્ષ કરવાની વાત ખુલ્લેઆમ થતી હતી. અનેક યુવાન મુસ્લિમોને પ્રશિક્ષણ માટે ઉત્તર પ્રદેશ લઈ જવાતા હતા. ઑગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૮૮માં શ્રીનગરમાં એક સપ્તાહની પરિષદ કમ શિબિર યોજાઈ. તેમાં ભારતના અનેક પ્રતિનિધિઓ આવ્યા. કેટલાક આરબો પણ આવ્યા હતા. અરે! રાજ્યના અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ તેમાં ભાગ લીધો હતો. કાશ્મીરની પ્રજાને ભડકાવવા માટે શ્રીનગર અને સોપોર, બારામુલ્લા જેવાં શહેરોમાં જે મુખ્ય ઈમામો હતા તે કાશ્મીરી મુસ્લિમો નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના હતા! (ક્રમશ:)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=175101
11-10-2015
ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતુંને?
સામાન્ય રીતે કાશ્મીર કે દેશમાં અન્યત્ર કોમવાદી ધમાલ થાય છે તે શુક્રવારની નમાઝ પઢ્યા પછી થાય છે. આ વર્ષોનો ક્રમ છે. અત્યારે પણ કાશ્મીર ખીણમાં ઈરાક અને સિરિયાને પચાવવા માટે અત્યંત ઘૃણાસ્પદ, નૃશંસ અત્યાચાર અને અન્ય ત્રાસ વર્તાવતા ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસના ઝંડા ફરકે છે તે દર શુક્રવારે નમાઝ પછી. તાજેતર (૧૭ જુલાઈ, ૨૦૧૫)માં કાશ્મીરમાં ઈદની નમાઝ પછી સૈયદ અલી શાહ ગિલાણીની અટકાયતના વિરોધમાં પથ્થરમારો કરાયો હતો.
૮ એપ્રિલ ૧૯૮૮ના રોજ આવી જ એક શુક્રવારની નમાઝ હતી. સ્થળ હતું અનંતનાગ. દિલ્લીની જામા મસ્જિદના શાહી ઈમામ (એટલે મુખ્ય પૂજારી એવો કાચો અર્થ કાઢી શકાય) અબ્દુલ્લા બુખારીએ ઝેરીલું ભાષણ કર્યું. તેમણે પાકિસ્તાન તરફી તત્ત્વોને ભડકાવ્યાં-ઉશ્કેર્યાં અને કટ્ટરતાવાદની આગમાં ઘી હોમવાનું કામ કર્યું. તેમણે કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્રોના ઠરાવની પણ વાત કરી. તેનો ચુસ્ત અમલ કરવાની માગણી કરી. તેમણે તો ત્યાં સુધી કહ્યું: કાશ્મીરનું ભારતમાં વિલય અંતિમ નથી. કાશ્મીર જીવંત મુદ્દો છે જેનો ઉકેલ જરૂરી છે. આવાં જ ભાષણો તેમણે શ્રીનગરમાં પણ કર્યાં. આનાથી રાજ્યના ધર્મગુરુઓ પણ જોરમાં આવી ગયા.
જો દિલ્લીના ઈમામ આવું ભાષણ કરી શકે તો આપણને કોણ રોકી શકે? શાહી ઈમામની મુલાકાતોથી ત્યાં અલગતાવાદી તત્ત્વોની પ્રવૃત્તિ વધવા લાગી. અશાંતિ અને તોફાનો વધવાં લાગ્યા. તેમના ભાષણ પછી તરત જ તોફાનો ફાટી નીકળ્યાં. તાકડે તે જ વખતે શ્રીલંકાના વડા પ્રધાન પ્રેમદાસા શ્રીનગરની મુલાકાતે આવવાના હતા. તે વખતે આંદોલનકારીઓએ ભારત વિરોધી સૂત્રોચ્ચારો કર્યા. એટલું જ નહીં, પરંતુ પ્રેમદાસાની વિરુદ્ધ પણ નારા બોલાવ્યા કારણકે તેમનું માનવું હતું કે શ્રીલંકામાં મુસ્લિમોની હત્યા થઈ હતી.
અત્યારે હાર્દિક પટેલનું આંદોલન જે રંગ લઈ રહ્યું છે ત્યારે કાશ્મીરની ઘટનાઓ યાદ આવતા લાગે છે કે શું ગુજરાતમાં પણ આવાં અલગતાવાદી તત્ત્વો તો નથી ઉછરી રહ્યા ને? ૨૫ ઑગસ્ટે ક્રાંતિ રેલીમાં હાર્દિકે કહ્યું કે ‘હિન્દુસ્તાન અપની ઔકાત પે આ જાયેગા’, ‘રાવણ કી લંકા મેં કોઈ નહીં બચેગા’. ‘હમે અપના હક લેના આતા હૈ, દોગે તો પ્યાર સે લેંગે, નહીં તો છિન લેના હમે ભી આતા હૈ’. શું આ દેશ રાવણની લંકા છે? શું હાર્દિક પટેલ હિન્દુસ્તાનને ઔકાત દેખાડી દેવાની વાત કરીને ગિલાણી જેવા કાશ્મીરી અલગતાવાદીઓની હરોળમાં નથી બેસી ગયો? હાર્દિક પટેલ એમ કહે કે પાટીદાર યુવાન મરે નહીં, બેચાર પોલીસવાળાને મારે. જેમ કાશ્મીરમાં પોલીસ અને સેના વિરોધી માનસિકતા છે તેવું હાર્દિક અહીં ક્યાંક માનસ નથી ઘડી રહ્યો ને યુવાઓનું? તાજેતરમાં એક સમાચાર હતા કે એક સાતમા ધોરણમાં ભણતા બાળકે પરીક્ષામાં ઉત્તરવહીમાં ‘જય સરદાર જય પાટીદાર’ એવું લખ્યું તે બતાવે છે કે હાર્દિક કુમળા માનસને પ્રભાવિત કરવામાં કેટલો સફળ રહ્યો છે?) પોલીસને અને સરકારને ધોકા દેખાડવાની વાત શું છે? હાર્દિકની અટકાયત થાય એટલે પોલીસ મથકો સળગાવવાનાં, બસો સળગાવવાની, બીઆરટીએસ બસસ્ટેન્ડ સળગાવવાના, રાજ્યના ગૃહ પ્રધાન રજની પટેલ અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલના ઘર પર હુમલા થાય એ બધું શું બતાવે છે? શું ક્યાંક હાર્દિક પટેલથી દોરવાઈને પાટીદારો પાકિસ્તાનની આઈએસઆઈની મેલી મુરાદના શિકાર તો નથી
બની રહ્યા ને? આ બાબત પાટીદારોએ વિચારવી જોઈએ.
આનો અર્થ એવો નથી કે કોઈએ આંદોલન ન કરવું જોઈએ. સામાન્ય રીતે આંદોલનના બેથી ત્રણ તબક્કા હોય છે. પહેલો તબક્કો અરજીનો અને પછી શાંત આંદોલનનો હોય છે. હજુ સુધી હાર્દિક પટેલ કે અન્ય કોઈ આંદોલનકારી પટેલે ઓબીસી પંચ સમક્ષ પોતાની જ્ઞાતિને ઓબીસીમાં સમાવવા અરજી કર્યાનું જાણ્યું નથી. આમ આવા અરજી અને શાંત આંદોલનના તબક્કાને વળોટીને હાર્દિકે પહેલેથી જ આંદોલનમાં ઉગ્રતા લાવી દીધી. ૨૫ ઑગસ્ટે જે મહારેલી અમદાવાદમાં થઈ તે પહેલાં તેણે અનેક નાટકો કર્યા. રિવર ફ્રન્ટ પર જ સભા કરવાની હઠ પકડી. જીએમડીસી મેદાન મફતમાં અપાયું, ગામેગામથી આવતા પટેલો માટે ટોલ ટેક્સ માફ કરાયો. કલેક્ટર સામેથી આવેદન લેવા આવ્યા તો હાર્દિકે જીદ પકડી કે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ અહીં મેદાનમાં આવેદન લેવા આવે તો જ હું અહીંથી ઊઠીશ. આ વળી કેવી જીદ? શું આ આંદોલનને ભડકાવવાની યોજના નહોતી? ૨૫ ઑગસ્ટની રેલી અગાઉ સરકારે મંત્રણા માટે બોલાવ્યા તો હાર્દિકે તેમાં જવાની ના પાડી દીધી.
ઊલટી દાંડી યાત્રા અગાઉ નાણાં પ્રધાન સૌરભ પટેલે મધ્યસ્થી કરીને યાત્રા મોકૂફ રાખી મંત્રણા માટે બોલાવ્યા તો મંત્રણામાં જીદ કરી કે તમામ ૧૪૪ ક્ધવીનરોને પણ બેઠકમાં સામેલ કરો. તે માટે માંડમાંડ સમજાવ્યા તો મંત્રણામાં અનામતનો મુદ્દો હાર્દિકે ચર્ચ્યો જ નહીં. પોલીસ અત્યાચારનો મુદ્દો જ ચર્ચ્યો હતો. (આગલી રાત્રે જ સુરતના પટેલ અનામત આંદોલન સમિતિના સંયોજક અલ્પેશ કથીરિયાએ કહી દીધું હતું કે અનામત હવે અમારો બીજો મુદ્દો છે, પહેલો મુદ્દો પોલીસ અત્યાચારનો છે.)
અને પોલીસ અત્યાચારની પણ કેવી એકપક્ષીય વાત? કહે છે કે પોલીસે ઘરમાં ઘૂસી ઘૂસીને પટેલોને માર્યા. આ લેખકે પોતે જોયું છે કે ફ્લેટના ઉપરના માળેથી પોલીસ પર પથ્થરમારો થાય- પાણી ફેંકાય અને પછી સંતાઈ જાય તો પોલીસ તેમને પકડવા સોસાયટીમાં આવે કે ન આવે? તોફાન ૨૫મી ઑગસ્ટની રેલી પછી ભડક્યા હતા. આ રેલી દરમિયાન અને તે અગાઉ એક કે બે દિવસથી પોલીસ સ્ટેન્ડ બાય હતી. ૨૫મીએ પણ વહેલી સવારથી સ્ટેન્ડ બાય હતી. સાંજના છ વાગે કાર્યક્રમ પૂરો થઈ જવાનો હતો, પરંતુ હાર્દિકની જીદના કારણે તે લંબાયો. ગરમી કહે મારું કામ. તેના કારણે પોલીસ ભૂખીતરસી અકળાયેલી હતી. વળી, રેલીમાં પોલીસ માટે ઓબીસી વગેરેની મજાક કરાતી હતી. છેવટે રાતના આઠ વાગે પોલીસ આક્રમક બની.
આ બધું જવા દઈએ તો, સરકારે ૨૪ સપ્ટેમ્બરે માત્ર પટેલો માટે નહીં, કહેવાતા તમામ સવર્ણ, પરંતુ ગરીબ લોકો માટે આર્થિક પેકેજ જાહેર કર્યું (કેમ કે મીડિયા દ્વારા એવી છબી ઉપસાવવામાં આવી હતી કે આ આંદોલન મોદીના ઈશારે થાય છે અને લાંબા ગાળે અનામત નાબૂદ કરી ઈબીસી એટલે કે કોઈ પણ જ્ઞાતિના ગરીબોને જ અનામત અપાશે તેવું કરાશે. આના કારણે પટેલોના આ આંદોલનને અન્ય સવર્ણ જ્ઞાતિઓનો પણ ટેકો સાંપડવા લાગ્યો હતો). તેને પણ લોલીપોપ ગણાવીને હાર્દિકે નકારી કાઢ્યું. ઠેરઠેર મંત્રીઓ- ધારાસભ્યોનો બહિષ્કાર કરાવા માંડ્યો. મહિલાઓને આગળ કરાવા માંડી. એ તો ઠીક, પરંતુ બેન્કોમાંથી પટેલો થાપણો અને પૈસા ઉપાડવા લાગ્યા. આ રીતે અર્થતંત્ર ઠપ કરવાનો પણ પ્રયાસ કરી જોવાયો. શું આ કાશ્મીરના અલગતાવાદીઓ જેવા ધંધા નથી? જોકે સદ્નસીબે પટેલ સમાજના ઘણા લોકોને પણ હાર્દિકની ચાલ સમજાતી ગઈ. એટલે (અને બીજું એ કે પૈસા ઉપાડે તો વ્યાજ ગુમાવે અને ઘરમાં ચોરીનો ભય પણ રહે) પટેલોએ આ આર્થિક બહિષ્કાર મોકૂફ રાખ્યો.
પટેલ મૃતકોને શહીદ ગણાવવાના હાર્દિકના સૂર શું કાશ્મીરના અલગતાવાદીઓ જેવા નથી? અરે! રાજકોટમાં એક સદ્ધર પટેલ ઉમેશ ભાલાળાએ આત્મહત્યા કરી તેને પણ હાર્દિકે શહીદમાં ખપાવી દીધો. સાબરકાંઠાના બાયડ પાસે તેનપુર ગામમાં સભામાં ઇલેક્ટ્રિક લાઇનો અને થાંભલા ઉખાડી ફેંકવાની વાત કરી. કેટલાં વર્ષે અને કેટલી મહેનતે ગામેગામ વીજળી પહોંચી છે? શું હાર્દિક તેના ખેડૂત ભાઈઓને ગુજરાતમાં ૨૪ કલાક (નહીં તો ૧૮ કલાક) વીજળી મળે છે તે સાંખી શકતો નથી? શું આ અલગતાવાદી કામ નથી? તે પછી પોતાના અપહરણનો તેણે ડ્રામા કર્યો, જેમાં યાકૂબ મેમણ નામના ત્રાસવાદીના તરફદારોએ જેમ અડધી રાત્રે સર્વોચ્ચ ન્યાયાલયના દરવાજા ખોલાવડાવ્યા તેમ હાર્દિક તરફી કૉંગ્રેસ અગ્રણી અને વકીલ બાબુભાઈ માંગુકીયાએ માત્ર ત્રણ કલાકથી ગુમ હાર્દિક પટેલ માટે અડધી રાત્રે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં હેબિયસ કોપર્સની અરજી કરી. પોલીસ હાર્દિકને ઉઠાવી ગઈ છે તેવો દાવો કર્યો. તે પછી બીજા દિવસે હાર્દિક મળી ગયો, તેણે ચેનલ સાથે વાત કરી, પોતાના અપહરણનો દાવો કર્યો. પછી હાઇ કોર્ટમાં હાજર થવાના બદલે તે અને તેના વકીલ બાબુભાઈ માંગુકીયા ચેનલોને ઇન્ટરવ્યૂ આપતા રહ્યા. ત્રીજા દિવસે ૨૫મીએ ગુજરાત હાઇ કોર્ટમાં હાજર થયા. એટલે હાઇ કોર્ટે પણ શંકા વ્યક્ત કરી કે અમને પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે તમારું ખરેખર અપહરણ
નથી થયું, પરંતુ પબ્લિસિટી સ્ટંટ જ છે. હાઇ કોર્ટે એમ પણ કહ્યું કે તમે એક તરફ હેબિયસ કોપર્સ અરજી કરો છો અને હેબિયસ (હાર્દિક)ને
કોર્ટમાં હાજર કરવાના બદલે ચેનલોને ઇન્ટરવ્યૂ આપો છો?
હાઇ કોર્ટે અપહરણના મુદ્દે પૂછ્યું તો હાર્દિક પાસે જવાબ નહોતા. ગેંગેંફેંફે થવા લાગ્યો. આથી કોર્ટે તે ફરી ન જાય એટલે તેની પાસે લેખિતમાં નિવેદન લીધું. ૨૯ સપ્ટેમ્બરે થનારી બીજી સુનાવણી પહેલાં હાર્દિકના નામે સંદેશો વહેતો કરાયો કે પાટીદારો ૨૯મીએ મોટી સંખ્યામા હાઇ કોર્ટ પર ઊમટી પડે? શું આ હાઇ કોર્ટ, પોલીસ અને સરકાર પર માનસિક દબાણ ઊભું કરવાનો પ્રયાસ નહોતો? ૨૯મીએ હાઇ કોર્ટમાં જે માળ પર સુનાવણી થવાની હતી ત્યાં આજુબાજુ ચુસ્ત સુરક્ષા કરવી પડી. જાણે કોઈ આતંકવાદીની સુનાવણી થઈ રહી ન હોય! ટૂંકમાં હાર્દિકની પ્રવૃત્તિ જોતાં કાશ્મીરના અલગતાવાદીઓની યાદ આવી જાય. જોકે પાટીદારો અથવા પટેલો ઘણા સમજુ છે. ઘણા પાટીદારો હવે હાર્દિકથી વિમુખ થઈ રહ્યા છે. હાર્દિક ગમે તેમ આંદોલનને ચાલુ રાખવા હવાતિયાં મારી રહ્યો છે. જેમ ઈમામ બુખારીની ધરપકડ કરતાં કે મહારાષ્ટ્રમાં બાળ ઠાકરે-રાજ
ઠાકરેની ધરપકડ કરતાં સરકાર ડરતી રહી છે તેમ હાર્દિકની પણ અત્યાર સુધી અટકાયતો જ થઈ છે. ધરપકડ નથી થઈ. તેનાં આવાં ઉચ્ચારણો અને
હાઇ કોર્ટે કચ્છના નરેન્દ્ર ગઢવીની અરજી પર
પોલીસને જો રાજદ્રોહનો ગુનો બનતો હોય તો તે ફરિયાદ નોંધવા છૂટ આપી હોવા છતાં સરકાર અને પોલીસ કેમ વારેઘડીએ હાર્દિક સામે નરમ પડી
જાય છે અને તેને મોટો ભા બનવા દે છે તે સમજાતું નથી.
કાશ્મીરમાં પણ ઈમામ બુખારીની હરકતો સામે સરકારે કંઈ પગલાં ભર્યાં નહીં. તેના કારણે અશાંતિ વધવા લાગી. ઈમામ બુખારી કહેતા કે તેઓ ભારતીય કાયદાથી પર છે. આટલું જ નહીં તેમણે અનંતનાગ જિલ્લાના કાઝી નિસ્સાર સાથે બંધ બારણે બેઠક કરી. તે પછી કાઝી નિસ્સારે જાહેર કર્યું કે તે દક્ષિણ કાશ્મીરનો મીરવાઈઝ (મીર એટલે મુખ્ય, વાઇઝ એટલે ઉપદેશક) છે. બુખારીની જેમ તેણે પણ કહ્યું કે તે કાયદાથી ઉપર છે. ઈરાનમાં આ સમયગાળાના
થોડા વખત પહેલાં ઈસ્લામિક ક્રાંતિ થયેલી. કાઝી નિસ્સાર પોતાના પ્રવચનમાં તેની અવારનવાર વાત કરતો.
આમ, કાશ્મીરને એક તરફ ફારુકના ભ્રષ્ટ શાસને ભરડો લીધો હતો, બીજી તરફ, બેરોજગારી વકરી રહી હતી, ત્રીજી તરફ, વીજળીના ભાવમાં બેફામ વધારો કરાયો. ચોથી તરફ, આવાં કટ્ટરવાદી તત્ત્વો જનતાને બેફામ ઉશ્કેરી રહ્યાં હતાં. અને પાંચમી તરફ, પાકિસ્તાનના લશ્કરી શાસક ઝિયા ઉલ હકનું ‘ઓપરેશન ટોપાક’ના નામે ભારત સામે છદ્મયુદ્ધ ચાલુ હતું. એવામાં ૧૧ એપ્રિલ ૧૯૮૮એ પાકિસ્તાનના પચાવી પાડેલા કાશ્મીરમાં શસ્ત્રાગારમાં ધડાકો થયો અને તેના પડઘા કાશ્મીરમાં પડ્યા. કેવી રીતે? આવતા અંકે તેની વાત. (ક્રમશ:)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=175696
18-10-2015
કાશ્મીરના મૌલવીઓના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા
૮ એપ્રિલ ૧૯૮૮એ અનંતનાગમાં શુક્રવારની નમાઝમાં દિલ્લીના જામા મસ્જિદના શાહી ઈમામ બુખારીએ જે અત્યંત ભારતવિરોધી ભાષણ કર્યું તેના પડઘા ટૂંક સમયમાં પડવાના હતા. પાકિસ્તાનમાં ઓજરી ખાતે શસ્ત્રાગાર ડેપોનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં સોવિયેત સંઘના લશ્કરી દળો સામે લડતા અફઘાન મુઝાહિદ્દીનોને મદદ માટે થતો હતો. આ ડેપોમાં ૧૦ એપ્રિલ ૧૯૮૮ના રોજ જબરદસ્ત વિસ્ફોટ થયો અને તેમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ. (એક અંદાજ મુજબ ૧૩૦૦થી વધુ લોકોનાં મોત થયાં.) આના પડઘા પાકિસ્તાનમાં પડે તે તો સમજાય, પરંતુ કાશ્મીરમાં પડે તે કેવું? હા, દુશ્મન મરે તોય આપણને દુ:ખ થાય, પરંતુ કાશ્મીરમાં યુવાન મુસ્લિમોએ પરાણે દુકાન બંધ કરાવી બંધ પળાવ્યો. મીરવાઇઝ મૌલવી ફારુકે પાકિસ્તાનના પ્રમુખ જનરલ ઝિયાને શોક સંદેશો પાઠવ્યો. જામા મસ્જિદમાં નમાઝ પઢાઈ. શ્રીનગરની શેરીમાં શોક સરઘસો કાઢવામાં આવ્યાં જેમાં પાકિસ્તાનતરફી સૂત્રો પોકારાયાં. બસો બાળવામાં આવી. પોલીસ સાથે સંઘર્ષ થયો. ગાંધી મેમોરિયલ કોલેજમાં તોડફોડ કરવામાં આવી.
એક તરફ, આ રીતે પાકિસ્તાન બહારથી અને અંદરથી ઈમામ બુખારી જેવાં તત્ત્વો કાશ્મીરની જનતામાં સતત વિષવમન કરી રહ્યા હતા, તો બીજી તરફ, ફારુક અબ્દુલ્લાની એનસી અને કૉંગ્રેસની મિશ્ર સરકારનો વહીવટ ખરાબથી અત્યંત ખરાબ થઈ રહ્યો હતો. જેમ કે ૨ મે, ૧૯૮૮ના રોજ જમ્મુમાં બાળકોની ત્રણ માળની હોસ્પિટલ પત્તાંનાં મહેલની જેમ તૂટી પડી. પહેલાં એવી આશંકા હતી કે તેમાં ૧૦૦ બાળકો, તેમનાં માતાપિતા અને હોસ્પિટલનો સ્ટાફ ભોગ બન્યો છે, પરંતુ સદ્નસીબે પછી તેમાં દસ વ્યક્તિનાં મોત થયાં. ૨૭ લોકો ગંભીર ઈજા પામ્યા. (જોકે દસનાં મોત થાય કે એકના, આ રીતે મૃત્યુ ચિંતાનો વિષય તો ગણાય જ.)
આ હોસ્પિટલ કંઈ વર્ષો જૂની હોવાના લીધે તૂટી પડી હોય તેવું નહોતું. તે માત્ર પાંચ વર્ષ જૂની હતી. આ જ બતાવતું હતું કે રાજ્યના પ્રશાસનમાં ભ્રષ્ટાચારનાં મૂળિયાં કેટલાં ઊંડા હતાં! તેમાં દેખીતી રીતે જ હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી હતી. સુરક્ષાનાં તમામ ધોરણોને નેવે મૂકી દેવામાં આવ્યાં હતાં.
આ અગાઉ માર્ચ ૧૯૮૮માં ફારુક અબ્દુલ્લાના બનેવી જી. એમ. શાહે જાહેર નિવેદન આપીને ઘટસ્ફોટ કર્યો હતો કે ડિસેમ્બર ૧૯૮૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં શ્રીનગર શહેરની લોકસભા બેઠક પરથી મુઝફ્ફર શાહ નામના ઉમેદવારની જીત પાક્કી કરવા તેમણે અવામી એક્શન કમિટીના વડા મીરવાઇઝ મૌલવી ફારુકને રૂ. ૧ લાખ ચૂકવ્યા હતા! કોઈએ તેમને પૂછ્યું પણ નહીં કે આ પૈસા ક્યાંથી આવ્યા? તેમણે તેમના આવકવેરાના રિટર્નમાં તેનો હિસાબ આપ્યો છે? એક મુખ્ય પ્રધાનની કક્ષાના વ્યક્તિ, જે પોતે અગાઉ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા તેમણે આ આક્ષેપો કર્યા હોવા છતાં રાજ્ય કે કેન્દ્ર સરકારની કોઈ તપાસ સંસ્થા, આવકવેરા વિભાગ કે અન્ય કોઈએ તપાસ ન કરી.
જી. એમ. શાહ આટલેથી જ ન અટક્યા, ૧૬ જુલાઈ ૧૯૮૮એ તેમણે અન્ય ઘટસ્ફોટ કર્યો. તેમણે જાહેર નિવેદન કરતા કહ્યું કે ફારુક અબ્દુલ્લા પાસે એકદમ નવીનક્કોર મોડલની અનેક કારો છે જેની કિંમત રૂ. ૩૨ લાખ થવા જાય છે. (આજે એની કિંમત કરોડો રૂપિયા થાય) અને એક મોટરબાઇકની કિંમત તો રૂ. ૭૩ હજાર છે! તેમણે માગણી કરી કે મુખ્ય પ્રધાને (અબ્દુલ્લાએ) આ વાહનો ક્યાંથી ખરીદ્યાં તે આવકનો સ્રોત જાહેર કરવો જોઈએ. જી. એમ. શાહ બોલતા રહ્યા, પરંતુ સરકારે તેમની અવગણના જ કરી.
જગમોહન તેમના પુસ્તકમાં લખે છે કે રાજ્યમાં ભ્રષ્ટાચાર ઉધઈની જેમ ફૂલ્યોફાલ્યો હતો. રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, અમલદારોના ભવ્યાતિભવ્ય અને મોંઘા બંગલાઓ, ફાર્મહાઉસ, રસ્તા પર કીડીઓની જેમ ઉભરાતી મારુતિ કારો, રાજ્યમાં વસૂલાતા વેરાનું સતત ઘટતું પ્રમાણ, આ બધું બતાવે છે કે ફારુકના કૉંગ્રેસ સાથેના શાસનમાં કેટલો ભ્રષ્ટાચાર વ્યાપ્ત હતો? કાશ્મીરના કુદરતી સૌંદર્યથી છલોછલ સ્થળોની સુંદરતા નષ્ટ કરાઈ રહી હતી. જગમોહન કહે છે કે ૧૯૮૪માં જ્યારે તેઓ કાશ્મીર આવ્યા ત્યારે થોડા મહિનાઓમાં તેમને આશ્ર્ચર્ય થયું હતું કે સરકારી નોકરીઓ મેળવવા પાછળ લોકો આટલા ઘેલા કેમ છે? શા માટે જરૂરી ન હોવા છતાં સરકારી પદો ઊભાં કરવામાં આવી રહ્યાં છે? નાની એવી નોકરીઓ માટે પણ લોકો લાંચ આપવા કેમ તૈયાર હોય છે? થોડા જ સમયમાં તેમને આ બધા પ્રશ્ર્નોનો જવાબ મળી ગયો.
જમ્મુ-કાશ્મીરમાં નોકરીમાં સત્તાવાર જે પગાર મળતો હોય તે, પરંતુ બહારની કે ઉપરની બહુ મોટી આવક મળતી હતી. સરકારી નોકરીઓમાં કેટલા જલસા પણ હતા? એક વાર નોકરી મળી જાય, બસ પછી જલસા જ જલસા. આટલી બધી રજાઓ, બહુ ઓછું કામ. અને પૈસા બનાવવા માટેની વિશાળ તકો. જો કોઈ સરકારી ડોક્ટર હોય તો તે પ્રાઇવેટ ક્લિનિકમાં દર્દીઓને તપાસીને વધારાની આવક મેળવી શકતો હતો. શિક્ષક હોય તો ટ્યૂશન કરીને આવક મેળવી શકાતી હતી. જૂન ૧૯૮૬માં રાજ્યપાલનું શાસન હતું ત્યારે જગમોહન કિશ્તવાડની હોસ્પિટલે ગયા હતા. ત્યાં એક ૧૫ વર્ષના છોકરાને હાથ પર
ભયંકર વાગ્યું હતું અને તેના પર સર્જરી કરાવી પડે તેમ હતી. ડોક્ટરે તેમને ટેક્સી કરીને જમ્મુ આવવા કહ્યું હતું. તે માટે (એ સમયમાં) રૂ. ૨,૭૦૯ જેટલો મોટો ખર્ચો થાય તેમ હતો. એના ગરીબ પિતા પાસે રૂ. ૨૦ પણ નહોતા. જોકે જગમોહને નાણાંની વ્યવસ્થા કરાવી આપી અને એ છોકરાને જમ્મુ મોકલી આપ્યો.
પણ મુદ્દો એ છે કે એ હોસ્પિટલમાં ઑપરેશન થિયેટર હતું. લાયકાતવાળો સર્જન પણ હતો, પરંતુ એનેસ્થેટિસ્ટ નહોતો. એ વખતે ડોક્ટરોને ખાનગી પ્રેક્ટિસ કરવાની છૂટ હતી. જગમોહનને ખબર પડી કે રાજકીય આકાઓની મદદથી એનેસ્થેટિસ્ટો જમ્મુ કે શ્રીનગરમાં રહેતા જેથી તેમને ખાનગી પ્રેક્ટિસથી જબરદસ્ત આવક થઈ શકે. આ સિવાય ગરીબ દર્દીઓને લૂંટવાના અનેક કિસ્સાઓ જગમોહનના ધ્યાનમાં આવ્યા. તેમણે ડોક્ટરોની ખાનગી પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકી દીધો. પ્રસાર માધ્યમો અને જનતાએ જગમોહનના આ પગલાંને બહુ જ વખાણ્યું. આના પગલે હોસ્પિટલમાં સેવા સુધરી ગઈ. ગેરરીતિઓ અટકી ગઈ. મફત દવા મળવાનું સરળ બન્યું. કેટલાક ડોક્ટરોને સ્વાભાવિક જ આ પગલાંથી તકલીફ થઈ. તેમણે તેને હાઇ કોર્ટમાં પડકાર્યું. પરંતુ હાઇ કોર્ટે જગમોહનની તરફેણમાં ચુકાદો આપ્યો. જોકે તે પછી આવેલી ફારુકની સરકારે જગમોહનના આદેશને પાછો ખેંચી લીધો.
જગમોહન આગળ લખે છે કે શૈખ અબ્દુલ્લાએ ૧૯૭૭માં અભૂતપૂર્વ સત્તાઓ મેળવી લીધી તે પછી ભ્રષ્ટાચાર એટલો બધો થયો કે વાત ન પૂછો. આબિદા હુસૈને લાઇફ ઑફ શૈખ અબ્દુલ્લા’ નામના પુસ્તકમાં લખ્યું છે:
શૈખ અબ્દુલ્લા સત્તામાં આવ્યા તે પહેલાં તેઓ અને તેમનો પરિવાર મધ્યમ વર્ગીય હતો. આજે તેમની પાસે રહેલી સંપત્તિમાં સ્થાવર સંપત્તિ જ રૂ. ૨૦ કરોડથી વધુ રકમની છે. (એ વખતે એટલી હોય તો આજના સમયમાં અબજો રૂપિયાની થાય) આટલી સંપત્તિ માત્ર ઈ. સ. ૧૯૭૫થી ઈ. સ. ૧૯૮૧ એમ સાત વર્ષમાં જ અર્જિત કરાઈ છે. તેમની સંપત્તિ મુખ્યત્વે ગેરકાયદે પચાવી પડાયેલી સરકારી જમીનો અને આ જમીનો પર બાંધવામાં આવેલી મહેલો જેવી ઈમારતો છે.
૧૯૮૧માં શૈખ અબ્દુલ્લા જીવિત હતા ત્યારે શ્રીનગરમાં આવકવેરાના દરોડા પાડવામાં આવેલા. દેશભરમાં કાર્પેટ ડીલરો પર દરોડા પાડવામાં આવ્યા હતા તેમ શ્રીનગરમાં પણ આ દરોડા પાડવામાં આવ્યા હતા. તે વખતે દરોડા પાડનાર ટુકડી પર હુમલો થયેલો અને એ હુમલો કરનારા ટોળાને ફારુક અબ્દુલ્લા સહિત રાજ્યના નેતાઓએ ઉશ્કેર્યા હતા. (ચોખ્ખી ગુંડાગીરી જ કહેવાય ને?) ૬૯ અધિકારીઓ પૈકી ૪૭ને ઈજા થઈ હતી. ટુકડીઓ પાસેથી દસ્તાવેજો ઝૂંટવી લઈ દાલ સરોવરમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ દરોડા પછી ફારુક અબ્દુલ્લા ગૂપચૂપ ૧ સફદરજંગ રોડ જ્યાં તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી રહેતાં હતાં તેની મુલાકાત કરી આવ્યા હતા તેમ ઇન્ડિયા ટૂડે સામયિકે નોંધ્યું હતું.
દરમિયાનમાં રાજ્ય સરકારે વીજળીના ભાવમાં વધારો કર્યો. એક તો વીજળી જ વારંવાર ખોરવાઈ જતી હોય ત્યાં આ વધારો આવી પડ્યો. આટલો ભ્રષ્ટાચાર ઓછો હોય એમ પડતા પર પાટું પડતાં જનતા વીફરી. ૯ જૂન ૧૯૮૮થી ૧૫ જૂન સુધી શ્રીનગરમાં તોફાનો થયાં. જોકે જગમોહનનું માનવું છે કે આ વીજદરમાં વધારાથી ૯૩ ટકા જનતાને કોઈ અસર નહોતી થવાની. પણ આ તોફાનો પાછળ બે ફારુકો’નો ટકરાવ જવાબદાર હતો. મૌલવી ફારુક રાજકારણમાં પોતાનો પગપેસારો મજબૂત બનાવવા માગતા હતા. તેથી આ તોફાનો થયાં હતાં.
ઉદ્યોગો પર તેની જે અસર થવાની હતી તે તો જમ્મુ પ્રદેશમાં થવાની હતી, પરંતુ તોફાનો શ્રીનગરમાં થયાં જ્યાં મૌલવી ફારુકના ચેલાઓ ઝાઝા હતા. જામિયા મસ્જિદનો ઉપયોગ કરીને તેમણે મુખ્યમંત્રીની દરેક રીતે ઝાટકણી કાઢી. તેમણે ફારુક અબ્દુલ્લાને સહેજે પણ આધાર ન રાખી શકાય તેવા ગણાવ્યા. તેમના પર જનતા વિરોધી નીતિઓ અપનાવવાનો આક્ષેપ કર્યો. સાથે પોતાની છબી મજબૂત બનાવવા મીરવાઇઝ કુટુંબે કેટલો ભોગ આપ્યો તે પણ ગણાવ્યું. તેમણે ફારુકને અપરિપક્વ, અસ્થિર, જ્યારે સત્તામાં ન હોય ત્યારે મિત્ર અને સત્તામાં હોય ત્યારે દુશ્મન ગણાવ્યા. સામે પક્ષે મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પણ મૌલવી ફારુક વિશે કહ્યું કે આજના મૌલવીઓમાં કોઈ ચારિત્ર્ય હોતું નથી. ફારુક તો એ હદે ગયા કે મૌલવીઓ દિવસે ધર્મની વાતો કરે છે અને રાત્રે બ્લુ ફિલ્મો જુએ છે.
જે હોય તે પણ આ તોફાનોમાં ગરીબ પ્રજાને જ સહન કરવું પડ્યું. તેમાં પાંચ લોકોનાં મોત થયાં અને ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. આ તરફ બ્રિટને પ્રત્યર્પણ કરીને પાકિસ્તાન મોકલેલા અમાનુલ્લા ખાન કાશ્મીરમાં સશસ્ત્ર સંઘર્ષની વાતો કરી રહ્યો હતો જેની અસર થોડા જ સમયમાં એટલે કે જુલાઈ ૧૯૮૮માં દેખાવાની હતી.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=176307
25-10-2010
કાશ્મીરમાં પહેલો બોમ્બ વિસ્ફોટ અને ઝિયાનું ભેદી મૃત્યુ
બ્રિટને પ્રત્યર્પણ કરીને પાકિસ્તાન મોકલેલા અમાનુલ્લા ખાન કાશ્મીરમાં સશસ્ત્ર સંઘર્ષની વાતો કરી રહ્યો હતો જેની અસર થોડા જ સમયમાં એટલે કે જુલાઈ ૧૯૮૮માં દેખાવા લાગી. ૩૧ જુલાઈની રાત હતી. (અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે રાતે ૧૨ વાગે તારીખ બદલાઈ જાય એટલે એ રીતે તેને ૩૧ જુલાઈ અને ૧ ઑગસ્ટ વચ્ચેની મધરાત કહી શકાય.) તે રાતે બે બોમ્બ ધડાકા થયા. જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદ એક યા બીજી રીતે તો અનેક વર્ષોથી ચાલતો હતો, પરંતુ બોમ્બ ધડાકા કદાચ પહેલી વાર થયા. તે રાત્રે લૂંટનો કિસ્સો પણ બન્યો.
૪ ઑગસ્ટે લખનપુરમાં એક ઇલેક્ટ્રોનિક વોચ ટાઇમ બોમ્બ મળી આવ્યો. ૧૨ ઑગસ્ટે જમ્મુની મુખ્ય બજારમાં એક રિક્ષામાં બોમ્બ ફૂટ્યો. હવે ૧૫ ઑગસ્ટ નજીક આવી રહી હતી. ભારત તેની સ્વતંત્રતાપ્રાપ્તિનું ૪૧મું વર્ષ મનાવવા જઈ રહ્યું હતું, પરંતુ કાશ્મીરમાં અલગ જ વાતાવરણ હતું. ૧૪ ઑગસ્ટ એટલે પાકિસ્તાનનો પણ સ્વતંત્રતાપ્રાપ્તિનો દિવસ. તે દિવસે શ્રીનગરમાં અને કાશ્મીર ખીણમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવાયા. ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી સૂત્રો પોકારાયા! તો ૧૫ ઑગસ્ટે એ દિવસે કાળા ધ્વજ ફરકાવાયા. તે દિવસને કાશ્મીરના લોકોએ બ્લેક ડે’ જાહેર કર્યો હતો. જાણે ભારતની સ્વતંત્રતાપ્રાપ્તિનો દિવસ એ તેમના માટે શોકનો દિવસ ન હોય! ૧૬ ઑગસ્ટે નાલ્લા-માર રોડ પર ભારત વિરોધી સૂત્રો બોલતા પાકિસ્તાન તરફી લોકો અને પોલીસ વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યો.
મૌલવી ફારુકે કેટલાક દિવસો પહેલાં રાવલપિંડી રોડ ખોલવાની માગણી કરી હતી તેનું આ લોકો સમર્થન કરી રહ્યા હતા. આ સંઘર્ષમાં પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું અને ૫૦ લોકો ઘાયલ થયા હતા. પોલીસની જીપ સળગાવી દેવાઈ. કેટલીક દુકાનોને પણ નુકસાન કરાયું હતું. તે રાત્રે કોઈ કારણ વગર શ્રીનગરમાં હિન્દુઓના મંદિર ઋષિ પીરના મંદિરને સળગાવવા પ્રયાસ કરાયો હતો. (અત્યારે દાદરીમાં પણ એક મુસ્લિમ મોહમ્મદ એખલાકની ગોમાંસ ખાધાના મુદ્દે હત્યાના મુદ્દે આટલી કાગારોળ માધ્યમો મચાવે છે અને સાહિત્યકારો પણ એવોર્ડ પરત આપવાનો પબ્લિસિટી સ્ટંટ કરે છે તો કાશ્મીરમાં આ રીતે જે મોત થયાં કે ભારત વિરોધી તત્ત્વો બેફામ રોકટોક વગર હિન્દુઓ પર અત્યાચાર કરતા રહ્યા ત્યારે કેમ આ લોકો મૌન બનીને જોતા રહ્યા? શું આ બધા બનાવો સહિષ્ણુતાનાં ઉદાહરણ કહી શકાય?)
આવી સ્થિતિમાં ૧૭ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ પાકિસ્તાનના પ્રમુખ જનરલ ઝિયા ઉલ હક્કના મૃત્યુના સમાચાર આવ્યા. બન્યું હતું એવું કે આ તારીખે બપોરે ૪.૩૦ કલાકે બહાવાલપુર એરપોર્ટ પરથી એક વીઆઈપી ફ્લાઇટ સી-૧૩૦ ઉડ્યું હતું. આ વિમાનમાં ૩૧ લોકો સવાર હતા. જેમાંના એક હતા પાકિસ્તાનના તે વખતના પ્રમુખ અને ઘોર ભારત વિરોધી જનરલ મોહમ્મદ ઝિયા ઉલ હક. તદુપરાંત પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત આર્નોલ્ડ રાફેલ, પાકિસ્તાનમાં અમેરિકી લશ્કરી મિશનના વડા જનરલ હર્બર્ટ એમ. વેસન તેમજ પાકિસ્તાન સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ તેમાં હતા. અગાઉ તોફાન આવેલું હતું, પરંતુ જ્યારે વિમાને ઉડાન ભરી ત્યારે આકાશ સ્વચ્છ હતું.
અઢી મિનિટમાં પ્લેને ઉડાન ભરી. એકાએક તેણે બહાવાલપુર વિમાનમથકનો સંપર્ક ગુમાવી દીધો. અને વિમાન આકાશમાંથી સડસડાટ નીચે આવ્યું અને જમીન પર ભરપૂર તાકાતથી અથડાયું અને તેના ટુકડેટુકડા થઈ ગયા. કાટમાળ સમગ્ર વિસ્તારમાં વેરવિખેર પડી ગયો.
ઝિયાના મૃત્યુ માટે અમેરિકાના નિષ્ણાતોએ પાકિસ્તાનના નિષ્ણાતો સાથે મળીને તપાસ કરી, પરંતુ તેમાં કોઈ નક્કર તારણ ન આવ્યું. અમેરિકાએ કહ્યું કે કોઈ યાંત્રિક નિષ્ફળતાના કારણે આમ બન્યું છે. પાકિસ્તાને કહ્યું કે વિમાનના એલિવેટર બૂસ્ટર પેકેજમાં સમસ્યાઓ થઈ હતી. તેના કારણે આ દુર્ઘટના બની છે. જોકે આ મૃત્યુ પાછળ કોના હાથ હતા તે અંગે અનેક થિયરીઓ પાકિસ્તાનમાં ચાલે છે.
અફઘાનિસ્તાનમાં રશિયા (તે વખતનું સોવિયેત સંઘ) તરફી પ્રમુખ નૂર મોહમ્મદ તારાકી ચૂંટાયા હતા અને તેમણે આધુનિકરણ માટે સુધારાઓ કરવા માંડ્યા હતા. તેમના વિરોધમાં બળવો ફાટી નીકળ્યો હતો. તેને ડામવા માટે સોવિયેત સંઘનાં દળો અફઘાનિસ્તાનમાં કાર્યવાહી કરી રહ્યા હતા. (અત્યારે સિરિયામાં રશિયા જે સૈન્ય કાર્યવાહી કરે છે તે કંઈ આઈએસઆઈએસ તરફ તેને દાઝ છે એટલા માટે નહીં, પરંતુ સિરિયાના પ્રમુખ અસાદ તેના સાથી છે અને ભારતના સુરક્ષા નિષ્ણાત બ્રહ્મા ચેલાણીના (૧૫ ઑક્ટોબરના ટ્વિટ) કહેવા પ્રમાણે, હકીકતે અમેરિકાની જેમ રશિયા સિરિયામાં તેના નવાં શસ્ત્રોના ટેસ્ટ કરી રહ્યું છે.) હવે અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે ત્યારે જગતની મહાસત્તા સાબિત થવા શીત યુદ્ધ ચાલતું હતું. આથી અમેરિકાએ સોવિયેત સંઘ દક્ષિણ એશિયા પર પ્રભુત્વ ન મેળવી લે તે માટે જનરલ ઝિયા ઉલ હકની મદદથી પાકિસ્તાનમાં મુઝાહિદ્દીનો તૈયાર કર્યા જે સોવિયેત સંઘ સામે લડે.
સોવિયેત સંઘે ઑગસ્ટ ૧૯૮૮ની શરૂઆતમાં તેની સેનાને અફઘાનિસ્તાનમાંથી પાછી ખેંચવાનું માંડી વાળ્યું હતું અને આ માટે તેણે એવું કારણ આપ્યું હતું કે
ઝિયાએ જીનિવા સમજૂતીનો ભંગ કર્યો છે. અફઘાન મુદ્દો હલ કરવા માટે અમેરિકા, સોવિયેત સંઘ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે જીનિવામાં થયેલી મંત્રણામાં ૧૪ એપ્રિલ ૧૯૮૮ના રોજ સમજૂતીઓ થઈ હતી. આ સમજૂતીના કારણે પાકિસ્તાન હવામાં આવી ગયું હતું કે તે હવે વિશ્ર્વની બાબતોમાં મહત્ત્વનો દેશ બની ગયો છે. મહાસત્તા બની ગયું છે. તેના વગર વિશ્ર્વમાં પાંદડું પણ હલે તેમ નથી...એ પ્રકારનું ગુમાન તેનામાં આવી ગયું હતું.
જીનિવામાં થયેલી સમજૂતીઓ પૈકી એક સમજૂતી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે હતી જે મુજબ બંને દેશો એકબીજાના દેશની બાબતમાં હસ્તક્ષેપ કે દખલ નહીં કરે. તેમાં સોવિયેત સંઘે સમયબદ્ધ રીતે અફઘાનિસ્તાનમાંથી દળો પાછા ખેંચી લેવા તેવું પણ એક વિધાન હતું, પરંતુ પાકિસ્તાને આ સમજૂતીનો ભંગ કર્યો છે તેવું કારણ દર્શાવી ઑગસ્ટ ૧૯૮૮ના પ્રારંભમાં સોવિયેત સંઘે દળો પાછા ખેંચવાનું માંડી વાળ્યું હતું. સોવિયેતનો આક્ષેપ હતો કે ઝિયાએ અફઘાનિસ્તાન મુજાહિદ્દીનોને શસ્ત્રો પૂરા પાડવાનું ચાલુ રાખ્યું છે અને અફઘાનમાં ભાંગફોડ પણ કરાવી રહ્યા છે. સોવિયેતે અમેરિકાના રાજદૂત જેક મેટલોકને બોલાવીને તેમને સ્પષ્ટ કહી દીધું હતું કે તે ઝિયાને પાઠ ભણાવવા માગે છે. સોવિયેત સંઘની જાસૂસી સંસ્થા કેજીબીએ અફઘાનિસ્તાનની જાસૂસી સંસ્થા કેએચએડીના જાસૂસોને જોરદાર તાલીમ આપી હતી. તેનું જ પરિણામ હતું કે પાકિસ્તાનમાં ઓજરી ખાતે શસ્ત્રાગારમાં વિસ્ફોટ થયો હતો જેમાં ૧,૩૦૦ કે ૧,૪૦૦નાં મોત થયાં હતાં (જેના વિરોધમાં ભારતના કાશ્મીરમાં જબરદસ્ત તોફાનો થયાં હતાં. - આ વાત ગયા અંકે આપણે જાણી ગયા છીએ.) આથી પહેલી શંકા તો સોવિયેત સંઘ તરફ તકાય છે.
બીજી શંકાની સોય સ્વાભાવિક જ ભારત તરફ તકાય, કેમ કે ઝિયા સોવિયેતને પજવવાની સાથે સાથે પંજાબ અને કાશ્મીરમાં ઉત્પાત મચાવી રહ્યા હતા. તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ ૧૫ ઑગસ્ટે પ્રવચન આપતા પાકિસ્તાનને ચેતવણી પણ આપી હતી કે પંજાબમાં શીખ ત્રાસવાદીઓને શસ્ત્રો પૂરા પાડવા માટે પાકિસ્તાને ખરાબ પરિણામો ભોગવવા પડશે.
ત્રીજી શંકાની સોય સ્વયં અમેરિકા તરફ પણ જાય છે. આમ તો અમેરિકા પાકિસ્તાનનું આકા ગણાય અને તે ભારત અને સોવિયેત સંઘ સામે પાકિસ્તાનનો ઉપયોગ કરતું આવ્યું હતું. એટલે અમેરિકા શા માટે ઝિયાની હત્યા કરે? પરંતુ ઝિયાની હત્યા માટે અમેરિકાને પણ જવાબદાર ગણાવતી એક થિયરી પણ પાકિસ્તાનમાં ચાલે છે. ઝિયા ઉલ હક અફઘાનિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ગુલબુદ્દીન હેકમત્યારને સહાય અને શસ્ત્રો પૂરાં પાડી રહ્યાં હતા. આ હેકમત્યારને અમેરિકાએ વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કર્યા હતા. તે અગાઉ સોવિયેત તરફી હતા પરંતુ તેમણે ઈસ્લામના નામે આત્યંતિક અર્થઘટનો કરવાના શરૂ કર્યા હતા. તેમણે હેઝ્બ-ઇ-ઇસ્લામી (ઇસ્લામિક પાર્ટી) પક્ષ સ્થાપ્યો હતો. તેની સામે તો અમેરિકાને વાંધો હતો જ, સાથે ઝિયાના પરમાણુ કાર્યક્રમ સામે પણ અમેરિકાને વાંધો હતો.
સવાલ એ થાય કે તો પછી અમેરિકા પોતાના રાજદૂતને થોડું મારે? તો જવાબ એ છે કે અમેરિકાના રાજદૂત રાફેલ કે લશ્કરી વડા જન. વેસન, બેમાંથી એકેય ઝિયા સાથે આ ઉડાનમાં જવાના નહોતા. તેમનો સમાવેશ છેલ્લી ઘડીએ થયો હતો. બીજું કે, અમેરિકાના વિદેશ પ્રધાન જ્યોર્જ સ્કલ્ત્ઝે આ તપાસમાંથી એફબીઆઈને બાકાત રાખી હતી. આ દુર્ઘટનાની ફોરેન્સિક તપાસ પણ થઈ નહોતી. અમેરિકાના જે નિષ્ણાતોએ તપાસ કરી હતી તે તો વાયુ સેનાના અધિકારીઓ હતા, પરંતુ કોઈ અપરાધી, ત્રાસવાદ વિરોધી, કે ભાંગફોડ અંગેના નિષ્ણાતો નહોતા. અમેરિકાએ પાકિસ્તાનની તપાસની થિયરીથી પોતાને અલગ રાખ્યું હતું અને યાંત્રિક ખામી જવાબદાર ગણાવી હતી, પરંતુ ૨૧ ઑક્ટોબર ૧૯૮૮ના અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ‘વોશિંગ્ટન પોસ્ટ’ મુજબ, અમેરિકાની તપાસ ટીમના વડા કર્નલ ડેનિયલ ઇ. સોવાડાએ અમેરિકાની સંસદના નીચલા ગૃહ કોંગ્રેસના સભ્યોને જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનાનું કારણ યાંત્રિક ખામી નહોતી અને તેઓ માને છે કે ભાંગફોડના સાંયોગિક પુરાવાને અવગણી શકાય નહીં.
પાકિસ્તાન પણ આ જ તો કહી રહ્યું હતું. અમેરિકાના અહેવાલમાં તથ્યો પણ નોંધાયાં હતાં કે હવામાં પ્લેન વિસ્ફોટ પામ્યું નહોતું, પરંતુ જમીન પર તે એકદમ પૂરેપૂરું અથડાયું હતું. તેના પર કોઈ મિસાઇલનો પ્રહાર પણ કરાયો નહોતો. ન તો તેમાં આગ લાગી હતી. ઝિયાની બાજુમાં બેઠેલા અમેરિકાના એક જનરલ સિવાય કોઈના મૃતદેહની ઓટોપ્સી કરવામાં આવી નહોતી. પાકિસ્તાનના અહેવાલમાં એન્જિન ફેઇલ ગયું હોવાની શક્યતા કે ભેળસેળવાળું ઈંધણ વપરાયાની સંભાવનાનો પણ ઈનકાર કરાયો હતો. પાઇલોટની પણ કોઈ ભૂલ નહોતી.
પાકિસ્તાનની તપાસમાં એવું જણાયું હતું કે આ દુર્ઘટના કરનારા લોકોએ કેટલાંક રસાયણોનો વિસ્ફોટકો તરીકે ઉપયોગ કર્યો હતો અથવા તો ઝેરી વાયુનો ઉપયોગ કરીને પાઇલોટોને વિમાન ઉડાડવા અક્ષમ બનાવી દેવાયા હતા. પાકિસ્તાનની તપાસમાં આ દુર્ઘટનાની અપરાધિક (ક્રિમિનલ) તપાસની ભલામણ કરાઈ હતી અને આ કેસ કોઈ યોગ્ય સંસ્થા તપાસે.
આ બાબતે અમેરિકાના એક ઇન્વેસ્ટિગેટીવ પત્રકાર એડ્વિન જય એપ્સ્ટૈને સંશોધનાત્મક અહેવાલ તૈયાર કર્યો હતો. એપ્સ્ટૈને લખ્યું હતું કે તેઓ તે વખતે આઈએસઆઈના વડા જનરલ હમીદ ગૂલને મળ્યા ત્યારે તેમણે એપ્સ્ટૈનને કહ્યું હતું કે સરકારની સૂચનાના આધારે તપાસ બંધ કરી દેવાઈ છે.
પાકિસ્તાનની અંદર પણ ઝિયાના દુશ્મનો ઓછા નહોતા. ઝિયાએ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીએ ચડાવી દીધા હતા. તેથી સ્વાભાવિક છે કે તેમની દીકરી અને અઠંગ રાજકારણી બેનઝીર ભુટ્ટો પણ ઝિયાના વિરોધી હોય. એટલે બેનઝીર, તેમજ તેમના ભાઈ મુર્તઝા ભુટ્ટો પર પણ શંકાની સોય તકાયેલી રહે છે કારણકે ઝિયાના મૃત્યુથી સૌથી વધુ ફાયદો બેનઝીરને થયો અને તેઓ ઝિયાના મૃત્યુના થોડા મહિના પછી ૨ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ વડાં પ્રધાન બન્યાં હતાં. આ ઉપરાંત ભારતની સામે પરમાણુ શસ્ત્રો વિકસાવવા માટે ઈઝરાયેલની મોસાદ નામની જાસૂસી સંસ્થાએ પણ ઝિયાને મારી નાખ્યા હોવાની શંકા પાકિસ્તાનમાં પ્રવર્તે છે. તો પાકિસ્તાનની સેનામાં પણ ઝિયા વિરોધી હતા. તે વખતે જનરલ મિર્ઝા અસ્લમ બેગ (જે ઝિયાના મૃત્યુ પછી પાકિસ્તાનની સેનાના વડા બન્યા) તેમણે પોતાના વિમાનમાંથી ઝિયાના વિમાનની દુર્ઘટના જોઈ હતી, પરંતુ તેઓ બહાવાલપુર પરત આવવાના બદલે ઈસ્લામાબાદ ગયા જે અંગે પછી વિવાદ થયો હતો. તેમના પર આક્ષેપ પણ થયા કે હકીકતે તેઓ પણ ઝિયાની સાથે તે વિમાનમાં જવાના હતા, પરંતુ તેમણે છેલ્લી ઘડીએ યોજના બદલી નાખી હતી.
ઝિયાના કમોત પછી કાશ્મીરમાં પાકિસ્તાન તરફી લોકોએ કેવો ત્રાસ વર્તાવ્યો તેની વાત આવતા અંકે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=176960
1-11-2015
ઝિયાના મૃત્યુ પછી કાશ્મીરમાં ભયંકર તોફાનો થયાં
ઝિયાનું મૃત્યુ જે કારણે પણ થયું હોય, એક વાત નક્કી છે કે તેમના લીધે અનેક લોકો રોષિત હતા. ભારત માટે તે સૌથી મોટા ખલનાયકો પૈકીના એક હતા જ, સાથે સાથે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ-ખ્રિસ્તીઓ, અરે! મુસ્લિમો માટે પણ તે ખલનાયક જ હતા. તેમણે પાકિસ્તાનમાં કડક હુદૂદ અથવા શરિયા કાયદાનો અમલ શરૂ કરાવ્યો હતો અને ચુસ્ત ઈસ્લામિક રીતે શાસન કરતા હતા, પરંતુ તેના કારણે ઘણા મુસ્લિમો, ખાસ કરીને મહિલાઓ હેરાન થતી હતી, જેમ કે કોઈ મુસ્લિમ મહિલા તેના પર બળાત્કારની ફરિયાદ કરે તો શરિયા કાયદા પ્રમાણે તેણે ચાર મુસ્લિમ સાક્ષીઓ લાવવા પડે, જો તેમ ન કરે તો તેને જેલમાં જવું પડે. આ રીતે હજારો મુસ્લિમ મહિલાઓને જેલમાં પૂરવામાં આવી હતી. આ ઉપરાંત બળાત્કારીઓ અને સશસ્ત્ર લૂંટારાઓ માટે મૃત્યુદંડ, ચોરો માટે તેમનાં અંગો કાપી લેવાં, દારૂ પીનારા માટે ૮૦ કોરડાઓ, આવા કાયદા હતા જેને પાછા ખેંચી લેવા બેનઝીર ભુટ્ટોએ અપીલ કરી હતી. પણ આ કાયદા સારા ગણાય કે ન ગણાય, તેમાં આ કાયદાનો દુરુપયોગ કરી ઘણાને અંગત વેરઝેર કે દુશ્મનાવટના કારણે આરોપી બનાવી તેને આ સજા આપવાનું થતું હતું.
હિન્દુઓ અને ખ્રિસ્તીઓને પ્રભુનિંદાના આરોપસર જેલ અને ઘણાને મૃત્યુદંડની સજા થતી હતી (જે હજુ પણ પાકિસ્તાનમાં થાય છે). પાકિસ્તાનના લાહોરમાં ઉચ્ચ ન્યાયાલયના ધારાશાસ્ત્રી નઈમ શકીરે કહ્યું છે કે પાકિસ્તાનમાં આ હુદૂદ કાયદાઓના કારણે હિન્દુઓ અને ખ્રિસ્તીઓએ બહુ સહન કર્યું છે.
આમ, અનેક લોકોના દુશ્મન એવા ઝિયા ઉલ હકના મૃત્યુથી બહુ ઓછાને દુ:ખ થયું હશે, થવું જોઈએ પણ કાશ્મીરની પરિસ્થિતિ જુદી હતી. અહીં વર્ષોથી શૈખ અબ્દુલ્લા અને મીરવાઇઝ મૌલવી ફારુક જેવા લોકોએ પ્રજામાં જે અલગતાવાદનું ઝેર ભર્યું હતું તેના કારણે ઝિયા ઉલ હકના કમૃત્યુથી કાશ્મીરની પ્રજામાં રોષ ભરાયો. દુ:ખ કરતાં રોષનું પ્રમાણ વધુ હતું. કાશ્મીરમાં ફરી અશાંતિ સર્જાઈ ગઈ. તોફાનો થયાં. શ્રીનગરમાં મોટી સંખ્યામાં ટોળાં એકત્ર થયાં હતાં. તેમણે ભારત અને રશિયા વિરોધી સૂત્રોચ્ચારો કર્યા. સંચારબંધી (કર્ફ્યૂ) લદાયેલો હતો છતાં તેની કોઈ ગણના જ ન કરાઈ. અને હુલ્લડો શરૂ થયાં. શ્રીનગર, બારામુલ્લા, પુલવામા અને ભદેરવાહમાં આ તોફાનો થયાં. સતત ચાર દિવસ તોફાનો ચાલ્યાં. ૧૮ ઑગસ્ટે પોલીસને ગોળીબાર કરવો પડ્યો જેમાં ચારનાં મૃત્યુ થયાં. એક જણનું ૨૧ ઑગસ્ટે મૃત્યુ થયું. આ તોફાનોમાં શિયા મુસ્લિમોને પણ ઝપટે લઈ લેવાયા. હકીકતે ઈરાક-ઈરાન વચ્ચેનું વર્ષો પહેલાં લડાયેલું યુદ્ધ હોય કે સીરિયા-ઈરાકમાં અત્યારે આઈએસઆઈએસ દ્વારા ચાલતો ક્રૂર નરસંહાર હોય, મૂળ રીતે જુઓ તો આ સુન્ની પંથના અનેક મુસ્લિમો દ્વારા પ્રભુત્વ સ્થાપવા માટેનો સંઘર્ષ છે. ભારતમાં પણ આ પ્રશ્નને, આ જ કારણે હિન્દુ-મુસ્લિમ નહીં, પરંતુ હિન્દુ વિરુદ્ધ સુન્નીના પ્રશ્ન તરીકે જોવાની જરૂર છે. સુન્નીમાં પણ ખાસ કરીને વહાબી પંથવાળા મુસ્લિમો વધુ કટ્ટર મનાય છે.
કાશ્મીરમાં ઝિયા ઉલ હકના મૃત્યુ અંગે એવી છાપ ઊભી થઈ કે શિયા મુસ્લિમો તેમના મૃત્યુથી ખુશ છે. તો કેટલાક શિયાઓ પર પાકિસ્તાન અને ઝિયા વિરોધી સૂત્રો પોકારવાનો આક્ષેપ પણ થયો. આ બધાના કારણે ૨૩ ઑગસ્ટે શિયાના વર્ચસ્વવાળા વિસ્તારોમાં પણ તોફાનો થયાં અને સંચારબંધી લાદવી પડી. ૨૪ ઑગસ્ટે ૫૦ શિયાઓ મોહર્રમ સરઘસ માટે અબીગુઝર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો. તેમના પર પથ્થર ફેંકવામાં આવ્યા. શ્રીનગર શહેરમાં ફરી એક વાર કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો. સુન્નીઓ અને શિયાઓ વચ્ચે ભયંકર તણાવના કારણે મોહર્રમ સરઘસ પડતું મૂકવું પડ્યું! ૨૬ ઑગસ્ટે જામિયા મસ્જિદમાં શુક્રવારની નમાઝ પછી ઝિયા ઉલ હકના મૃત્યુ માટે ફતેહ’ નામની પ્રાર્થના થઈ. મસ્જિદમાંથી નીકળેલા ટોળાઓએ હિંસા શરૂ કરી. પોલીસે તેમને ખાળવા ગોળીબાર કર્યો. તેમાં ત્રણ લોકોનાં મોત થયાં. અન્ય પાંચને ગોળીથી ઈજા થઈ.
આમ, દિવસે ને દિવસે પરિસ્થિતિ વણસી રહી હતી. ૩૧ ઑગસ્ટે અનંતનાગમાં ખાલી ઊભેલી બસમાં બૉમ્બવિસ્ફોટ થયો. બસ પાસે ઊભેલો એક વ્યક્તિ મૃત્યુ પામ્યો. ગયા અંકે વાત કરી તે ૩૧ જુલાઈ અને ૧લી ઑગસ્ટની મધરાત્રે જે બૉમ્બવિસ્ફોટ થયો હતો તેની જવાબદારી જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)એ સ્વીકારી હતી. એ નોંધવું જોઈએ કે જે.કે.એલ.એફ. જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદના પ્રારંભગાળામાં મુખ્ય ભૂમિકા ભજવનારું સંગઠન હતું. તે પછી તો હિઝબુલ-મુઝાહિદ્દીન, હરકત ઉલ મુઝાહિદ્દીન, લશ્કર-એ-તોઇબા, જમાત-ઉદ-દાવા, ઇન્ડિયન મુઝાહિદ્દિન જેવાં અનેક સંગઠનો બળૂકા બન્યાં.
કાશ્મીર પર ચાલી રહેલી આ શ્રેણીમાં અગાઉ ઉલ્લેખી ગયા પ્રમાણે, અમાનુલ્લાહ ખાન અને મકબૂલ બટે આ સંગઠન સ્થાપ્યું હતું. તેની સ્થાપના ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં થઈ હતી. તે યુકેમાં ઘણું સક્રિય હતું, તે બતાવે છે બ્રિટનને રસ હતો કે ભારતમાં અશાંતિ રહે. બ્રિટન ઉપરાંત અમેરિકા,
યુરોપ અને મધ્ય-પૂર્વ દેશોમાં પણ તેની શાખાઓ આવેલી છે. આ સંગઠન પોતાને કાશ્મીર રાષ્ટ્રવાદી ગણાવે છે અને ઇસ્લામવાદી હોવાનો ઈનકાર કરે છે. તે કાશ્મીર અલગ રાષ્ટ્ર બને તે માટે લડત આપતું હોવાનો દાવો કરે છે.
૧૯૯૫માં યાસીન મલિકે હિંસાનો ત્યાગ કરવાની જાહેરાત કરતાં આ સંગઠનના બે ભાગ પડ્યા હતા. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં અમાનુલ્લાહ ખાનના જે.કે.એલ.એફ.એ તેમ કરવાનો ઈનકાર કર્યો. ૧૯૯૫થી યાસીન મલિકે વિરોધ કરવાનો શાંતિપૂર્ણ રીત અપનાવી છે. જોકે, વર્ષ ૨૦૦૫માં યાસીન મલિકને પાકિસ્તાન જવાની છૂટ અપાતાં યાસીન મલિક અને અમાનુલ્લાહ ખાન મળ્યા અને બંને જે.કે.એલ.એફ.નું વિલીનીકરણ કરવા માટે હિલચાલ શરૂ થઈ. યાસીન મલિક જ્યારે અમેરિકા ગયા ત્યારે ફારુકી સિદ્દિકીએ આ માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. જોકે, બંને પક્ષે શરતો મંજૂર નહોતી તેથી વાત ન બની.
ડિસેમ્બર ૨૦૦૫માં ફારુકી સિદ્દિકના નેતૃત્વમાં યાસીન મલિક સામે જે.કે.એલ.એફ.માં બળવો થયો અને વરિષ્ઠ સભ્યોએ નવો જે.કે.એલ.એફ. રચ્યો. આ બધા લોકો માને છે કે જે રીતે નાગાલેન્ડમાં શાંતિ સ્થપાઈ એ જ રીતે કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવો જોઈએ તેવા મત સાથે તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહ સાથે યાસીન મલિકે ગુપ્ત મંત્રણા કરી હતી અને યાસીન મલિક ભારતની અંદર જ કાશ્મીર પ્રશ્નનો ઉકેલ લાવવા માગે છે. આમ, યાસીન મલિકની નીતિઓ બદલાઈ ગઈ છે. તેમના વલણમાં પરિવર્તન આવ્યું છે. ફારુક સિદ્દિકી કાશ્મીર પ્રશ્ન ઉકેલવા યુરોપીય સંઘનો હસ્તક્ષેપ ઈચ્છે છે.
આમ, ૩૧ જુલાઈએ થયેલા બૉમ્બવિસ્ફોટની જવાબદારી જે.કે.એલ.એફે. લીધી હતી. આ સંદર્ભમાં પાછા પોસ્ટરો અને અખબારી યાદીઓ પણ પ્રસારિત કરવામાં આવી હતી. એટલે એક રીતે જુઓ તો દરેક તોફાન કે હિંસા પાછળ કોઈ કારણ કે ઘટના લાગે, પરંતુ આ કારણકે ઘટના તો નિમિત્ત (બહાનું) માત્ર હતી. હકીકતમાં જબરદસ્ત અલગતાવાદી વાતાવરણ વર્ષોથી તૈયાર કરાયેલું હતું. વળી, કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લા સરકાર સારું પ્રશાસન આપવામાં નિષ્ફળ ગઈ હતી. તો બીજી તરફ પાકિસ્તાન કાશ્મીરીઓના મનમાં લાગેલી આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું હતું.
જગમોહન આ સંદર્ભે યોગ્ય જ પ્રશ્નો પૂછે છે. તેઓ તેમના પુસ્તકમાં લખે છે- શા માટે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે ભારતના કાશ્મીરમાં લીલા ઝંડા ફરકાવાય અને ભારતના સ્વતંત્રતા દિવસે કાળા ઝંડા? ઝિયા ઉલ હક એવી કઈ મોટી હસ્તી હતી કે તેના મૃત્યુ પછી કાશ્મીરમાં મોટા પાયે તોફાનો ફાટી નીકળે? અને જોવા જેવી વાત એ છે કે પાકિસ્તાનમાં ઝિયાના મૃત્યુ પછી આવાં કોઈ તોફાનો થયાં નહોતાં.
હકીકતે તો કાશ્મીરના લોકોમાં પાકિસ્તાન પ્રત્યે પ્રેમ ઊભો કરાયો હતો અથવા તેમને દેખાતું નહોતું. તેમના માટે પાકિસ્તાનના જે શાસક હોય તેના પ્રત્યે તેમને પ્રેમ હતો. કાશ્મીરના લોકો માત્ર ઝિયાના મૃત્યુ વખતે જ દુ:ખી કે રોષિત થયા હોય તેવું નહોતું. વર્ષ ૧૯૭૯માં ઝિયા ઉલ હક તે સમયના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સામે બળવો કરીને શાસનમાં આવેલા. તેમણે લશ્કરી શાસન લાદી દીધું હતું. ઝુલ્ફીકાર સામે વિવિધ કેસો ઊભા કરીને તેમને એપ્રિલ ૧૯૭૯માં ફાંસી આપી દેવાઈ. (ચોક્કસ રીતે કહીએ તો ૪ એપ્રિલ ૧૯૭૯ના રોજ.) એ સમયે પણ કાશ્મીરમાં વાતાવરણ તંગ બની ગયું હતું. લોકોએ ઝિયા વિરોધી પ્રદર્શનો કર્યાં હતાં. જમાત-ઇ-ઇસ્લામીના કાર્યકરોની સંપત્તિ લૂટી લેવામાં કે સળગાવી દેવામાં આવી કેમ કે તેમને શંકા હતી કે જનરલ ઝિયાને આ સંગઠન તરફથી ટેકો મળે છે. કાશ્મીરમાં નેતા બનવા માટે પાકિસ્તાન તરફી કુણૂં વલણ રાખવું જરૂરી બનતું હતું. ધર્મના નામે ભાવના ભડકાવવી પણ જરૂરી બનતી હતી. સત્તામાં આવવા માટે રાવલપિંડી રોડ ખોલી નાખવો જોઈએ’, કાશ્મીરની બધી નદીઓ પાકિસ્તાન તરફ વહે છે
‘સરહદની પેલે પાર ગયેલા લોકો સાથે ભાઈચારો સ્થાપિત કરો’ આવાં સૂત્રો પોકારવા કે આવી વાતો કરવાથી સમાચારપત્રોમાં સ્થાન મળતું, નેતા બનાતું કે મત મળતા.
આ તોફાનોનો રાજકીય લાભ લેવા સ્વાભાવિક જ પ્રયત્નો થયા. ભાજપે રાજ્યમાં રાજ્યપાલનું શાસન લાદવા માગ કરી. ફારુક અબ્દુલ્લાના બનેવી જી. એમ. શાહ જેમણે અવામી નેશનલ કોન્ફરન્સ નામે અલગ ચોકો ઊભો કર્યો હતો તેમણે પણ રાજ્યપાલનું શાસન લાદવા માગણી કરી. અબ્દુલ ગની લોનની પિપલ્સ કોન્ફરન્સે લોક ચળવળ આદરવાની વાત કરી. મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટે (જમાત-ઇ-ઇસ્લામી જૂથ) રાજ્ય સરકારની વારંવાર કર્ફ્યૂ અને પોલીસ ગોળીબાર માટે ઝાટકણી કાઢી. તો મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટે (અબ્બાસ અન્સારી જૂથ) ફારુક અબ્દુલ્લાના રાજીનામાની માગણી કરી. મૌલવી ફારુક જેઓ તે સમયે ફારુક અબ્દુલ્લાના કટ્ટર વિરોધી હતા તેમણે ૧૬ યુવાનોની યાદી પ્રકાશિત કરી જેઓ છેલ્લા ત્રણ મહિનામાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા.
અત્યારના જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદ પહેલાં કોંગ્રેસમાં હતા, પરંતુ ૧૯૮૭માં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. અને તેઓ વી. પી. સિંહના જન મોરચામાં જોડાઈ ગયા હતા. તેમણે પણ ફારુક અબ્દુલ્લાની જોરદાર ઝાટકણી કાઢી. જોકે, કોઈ મૌન હોય તો તે એક માત્ર કોંગ્રેસ હતી! કેમ કે તે ફારુક અબ્દુલ્લા સાથે સરકારમાં હતી. એ જ કોંગ્રેસે અગાઉ ફારુક અબ્દુલ્લાને રાષ્ટ્રવિરોધીનું લેબલ માર્યું હતું, પરંતુ અત્યારે તે સત્તા માટે ફારુક સાથે બેઠી હતી અને કાશ્મીરમાં પરિસ્થિતિ બગડી રહી હતી તો પણ ન તો રાજ્ય સ્તરે કે ન તો કેન્દ્રીય સ્તરે રાજીવ ગાંધી તરફથી પરિસ્થિતિ સુધારવા કોઈ હિલચાલ થઈ રહી હતી. જગમોહને આ અંગે વારંવાર ચેતવણીના સંકેત મોકલ્યા હોવા છતાં કોંગ્રેસ ભેદી મૌન ધરીને બેઠી હતી.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=177614