Sunday, January 18, 2015

સ્ત્રી વિષે સેંકડો શબ્દોમાંથી થોડાક --- બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=146436


સ્ત્રી વિષે સેંકડો શબ્દો પુરુષોએ બનાવેલા શબ્દકોશોમાં છે અને એ શબ્દો દ્વારા સ્ત્રીનું સમાજમાં કેવું સ્થાન હતું એ પણ સમજ પડે છે. એક વાર બ્રહ્મચારી અટલ બિહારી વાજપેયીએ શ્રીમતી ઈન્દિરા ગાંધીને કહ્યું: લેડીઝ ફર્સ્ટ! અને શ્રીમતી ગાંધીએ પ્રતિઘાત કરતાં હોય એવો ઉત્તર આપ્યો: આયમ અ વુમન, નોટ અ લેડી! આનો ગુજરાતી અનુવાદ કરવો હોય તો કહેવાય કે હું બાનુ નથી, હું સ્ત્રી છું! સ્ત્રી શબ્દની મૂળ ધાતુ ‘સૃ’ છે જેના પરથી વિસ્તૃત, વિસ્તૃતિ વગેરે શબ્દો આવે છે અને એ પ્રજનનના અર્થમાં છે. સ્ત્રી અક્ષરમાં જે ત્રણ લીટીઓ છે તે સાત્ત્વિક, 

રાજસિક અને તામસિક ગુણો બતાવે છે. બીજો પણ એક શબ્દ છે ‘સ્ત્યે’ જે સ્ત્રીથી સંબંધિત છે, અને એનો અર્થ થાય છે: ગર્ભ ધારણ કરવાવાળી.

સ્ત્રીવિષયક નવા નવા શબ્દો પુરુષલેખકો ઉપજાવતા જાય છે. મમ્મીને માટે લેટેસ્ટ શબ્દ છે મા, અને સાસુને માટે ફેશનેબલ શબ્દ છે: મમ્મી-ઈન-લો. સપત્ની શબ્દ ભૂલથી લગ્નની કંકોતરીઓમાં વપરાય છે. આપ સપત્ની પધારશો એટલે આપ આપની બીજી પત્નીને લઈને આવશો. સાચો શબ્દ સપત્નીક હોવો જોઈએ. ધર્મપત્ની છે, પણ ધર્મપતિ નથી, જે હવે બદલાતા સમાજમાં આપણી આસપાસ જ દેખાઈ રહ્યો છે. વિદેશી શબ્દ લિવ-ઈન આપણે ત્યાં મૈત્રીકરારરૂપે આવી ગયો છે પણ લિવ-ઈનમાં એક પતિવ્રત છે જ્યારે મૈત્રી કરારમાં બહુ પતિવ્રત હોઈ શકે છે. તલાકકરાર હજી ગુજરાતમાં આવ્યો નથી પણ ૨૪ વર્ષો સુધી પરણેલા રહેવાની ભૂલ ૨૫મે વર્ષે પણ સુધારી લેવાની સમજદારી આવતી જાય છે. અને ૨૫મે વર્ષે પતિ પરમેશ્ર્વર હોય એ ઠીક છે પણ ૫૦મે વર્ષે પરમેશ્ર્વરને પતિ શા 

માટે માનવો જોઈએ? 

એ વર્ષે તો સ્ત્રી સ્વયં અધિપતિ બની ચૂકી હોય છે.

સ્ત્રીની મનોવૃત્તિ સમજવાનું કામ હંમેશાં કઠિન રહ્યું છે પણ એ મનોવૃત્તિ પર મહાભારતનો એક પ્રસંગ પ્રકાશ ફેંકે છે. પાંચ પાંડવો અને દ્રૌપદી વનમાં વિહાર કરી રહ્યાં હતાં અને અર્જુને ભૂલથી એક વૃક્ષનું ફળ તોડી નાખ્યું જે વૃક્ષ વર્ષે એક જ વાર ફળ આપતું હતું. એ ફળ ખાઈને એક ઋષિ એક પૂરું વર્ષ જીવી લેતા હતા. આ ફળ તોડવાથી ઋષિ કોપાયમાન થશે અને શાપ આપશે તો બધાનો વિનાશ થઈ જશે, એ ભયથી બધા જ આતંકિત હતા. શ્રીકૃષ્ણ આવ્યા અને એમણે કહ્યું કે અત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ સાચેસાચું કહી દો તો ફળ ફરીથી વૃક્ષને ચોંટી જશે. યુધિષ્ઠિરે ધૈર્યની વાત કરી, ભીમે મૃત યોદ્ધાઓની વિધવાઓનાં આંસુઓ ન જોવાની વાત કરી, અર્જુને ધર્મનું અનુસરણ કરવાની વાત કરી, નકુલ અને સહદેવે બૌદ્ધિક વ્યાખ્યાઓની વાત કરી. શ્રીકૃષ્ણે દ્રૌપદીને પૂછયું અને દ્રૌપદીએ પોતાના મનમાં શું ચાલે છે એ કહેવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો, આગ્રહ થયો ત્યારે દ્રૌપદીએ કહ્યું: મને એક ફીલિંગ થઈ રહી છે કે એક ૬ઠ્ઠો એમના જેવો જ પાંડવ હોવો જોઈએ...!

માટે સ્ત્રી શતરૂપા અથવા સો રૂપોવાળી કહી છે. પુરુષ વિષયક શબ્દોમાં બહુ વૈવિધ્ય નથી. સુક્ધયા છે, સુવર નથી. દેવર એટલે દ્વિતીય વર, અને સ્ત્રી માટેનો એક સંસ્કૃત શબ્દ દેવૃકામા પણ છે. અર્થ થાય છે: દેવરની ઈચ્છાવાળી! વર એટલે શ્રેષ્ઠ અને એ જ ગોત્રનો શબ્દ છે વરિષ્ઠ. વર એ પસંદ કરવાની વાત છે. પરિવાર શબ્દ પરિ+વૃ એટલે ઘેરનાર, લપેટી લેનાર પરથી આવે છે. ભર્તા એટલે ટેકો આપનારો, અને પતિ એટલે રક્ષક. ભાષ્યકાર મમ્મટે ઉપપતિ નામનો શબ્દ વાપર્યો છે. નર એટલે નેતા, દોરી જનારો અને નર શબ્દની ધાતુ નૃ છે. ક્ધિનર એટલે કિમ નર: જેમાં નર તો નથી એવી શંકા જાય છે. સન્નારી (સદ્+નારી) છે પણ સન્નર નામનું પ્રાણી નથી. મન પરથી માનવ, અને પું પરથી પુરુષ. મહાભારતના શાંતિપર્વમાં એવું છે કે 

ઘરને ઘર કહેતા નથી, સ્ત્રી જ ઘર કહેવાય છે. દામ્પ એટલે પણ ગૃહ, એના પરથી શબ્દો દમ્પતી, દામ્પત્ય વગેરે આવે છે.

સ્ત્રીવિષયક શબ્દોનો એક સાગર વહી રહ્યો છે, અને એ સાગર વહાવનારા અલબત્ત, પુરુષો છે. સહોદર અને સહોદરા એટલે એક જ ઉદરમાંથી પ્રકટેલાં. ભગિનિ પણ ભગ અથવા યોનિ સાથે સંબંધિત હશે. જાયા એટલે એ સ્ત્રી જેનામાં એનો પતિ ફરીથી જન્મ લે છે. સંભોગ એટલે સમાન ભોગ, જેમાં ઉભય પક્ષે સમાન ભોગ છે. ઉપભોગ નહીં. શૃંગાર શબ્દ શૃંગ અથવા શિખર પરથી છે. વ્યભિચાર એટલે વિ+અભિચાર, ખોટો અભિચાર, આલિંગન એટલે લિંગથી લિંગનું મિલન.

નગ્નિકા એટલે એ સ્ત્રી કે બાલિકા જે હજી ઋતુમાં આવી નથી. અક્ષતયોનિ એટલે વર્જીન, જેની યોનિને ક્ષતિ પહોંચી નથી. કાન્તા એટલે જેના વિના રહી શકાતું નથી. સ્વૈરિણી એ સ્ત્રી છે જે એની ઈચ્છા પ્રમાણે જાય છે. દારા: હંમેશાં બહુવચનમાં વપરાય છે અને એનો અર્થ થાય છે, જે ભાઈઓને તોડે છે એ. પત્ની અથવા પત્નીઓ. દાર એટલે વિદારણ કરાવવાવાળી. વિદારણ એટલે ખોલાવવું, ફાડવું. વનિતા એ છે જેનું વચન કે સંવનન કરવામાં આવ્યું છે. અપ્સરા જલદેવી હતી, અપ એટલે પાણી. એક અર્થ એ પણ છે કે આડી લાઈને સરકી જનારી.

કામસૂત્રમાં ૪ પ્રકારની સ્ત્રીઓનું વર્ગીકરણ છે: પદ્મિની, ચિત્રિની, શંખિની અને હસ્તિની. શંખિની એ ખૂબસૂરત, કામભોગપ્રધાન સ્ત્રી હતી, આપણે આજે એનો ખોટો અર્થ કરીએ છીએ. વેશ્યા મૂળ વૈશ્યા હતી અને વ્યવસાય કરતી હતી એ દરેક સ્ત્રી વૈશ્યા હતી અને એ શબ્દ બદનામ ન હતો. બાકી ગણ પરથી ગણિકા, ગણવધૂ હતાં. અને એ જ પ્રકારના શબ્દો હતા: નગરવધૂ, કુલવધૂ, જનવધૂ 

અને જનપદ કલ્યાણી, જે સર્વભોગ્યા હતી. શ્યામાનો મલ્લિનાથે કરેલો અર્થ હતો. શિયાળામાં ગરમી અને ઉનાળામાં ઠંડી 

આપનારી સ્ત્રી. કાલિદાસની આદર્શ સ્ત્રી તન્વીશ્યામા હતી, પાતળી અને કાળી.

ક્ધયા શબ્દ કન પરથી આવે છે. કન એટલે ઈચ્છવું, જે સ્ત્રી ઈચ્છા કરે છે એ, અને સામાન્ય રીતે એ ૧૧ વર્ષ ઉપરની હતી. તરુણીનું મૂળ તૃ છે, ઓળંગવું, આરપાર જવું. જેણે બાલ્યાવસ્થા ઓળંગી લીધી છે. દુહિતા એટલે પુત્રી, ગાયો દોહનારી. જનની એ છે જે જનન કરે છે, જન્મ આપે છે. પત્ની મૂળ યજ્ઞવિધિમાં વપરાતા ‘પત્ની સંયાજ’ શબ્દ પરથી આવે છે, ધીરે ધીરે માત્ર પત્ની શબ્દ રહી ગયો. ભાર્યા એટલે ભરણપોષણ યોગ્ય, અને બૈરું જેવો ફાલતુ ગુજરાતી શબ્દ આ ભાર્યા પરથી આવ્યો છે એવું અનુમાન છે. વિધવામા ધવ એટલે પતિ, તેજ, પુષ્ટિ. સંસ્કૃ ‘ધ’ અને પ્રાકૃત ‘ધવ’ બન્નેનો અર્થ થાય છે: ધવડાવવું. વિટાન એટલે પ્રેમીઓ કારણ કે વિટપ એટલે ઝાડની ડાળી.

સદ્ય: સ્નાતા એટલે નાહીને તરત આવેલી, પ્રોપિતભર્તૃકા એ છે જે પતિની રાહ જોઈ રહી છે. અનુદરાનો મતલબ કમર વિનાની, અસૂર્યમ્પશ્યા એટલે? જેને સૂર્ય પણ જોઈ ન શકે. અરુંધતી, જે માર્ગ રૂંધતી નથી અને અનસૂયાને અસૂયા નથી, જે બીજાનું સારું જોઈને ઈર્ષ્યા કરતી નથી. પ્રમદા એટલે જેને વધારે મદ છે, માનિની એટલે જેને વધારે માન કે ગૌરવ છે.

આપણા પૂર્વજોએ સ્ત્રીઓ માટે સેંકડો શબ્દ બનાવ્યા છે. લવ કરી લીધા પછી પણ એમની પાસે ઘણો સમય રહેતો હશે. દરેક સાસુને કૌસલ્યા અને દરેક વહુને સીતા બનવાનો અનુરોધ કરનારા નિર્દોષ, સિમ્પલ મુરારીદાસ હરિયાણીઓના કાળમાં જીવવાનો આ ફાયદો છે, હવે આપણે માટે કાન્તાઓ રહી નથી (કાન્તા - જેના વિના રહી શકાતું નથી).



No comments:

Post a Comment