Sunday, January 18, 2015

માતૃભાષા ગુજરાતી: ધાવણ ક્યારે છોડવું જોઇએ? --- ચંદ્રકાંત બક્ષી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=145016

ગુજરાતી ભાષાના ભવિષ્યની અત્યારે જુલાઇ ૧૯૯૬માં, જો સૌથી વધારે ચિંતા કોઇને હોય તો એ મુંબઈના ગુજરાતીઓને છે, અને મુંબઇના ગુજરાતીઓમાં પણ વાલકેશ્ર્વર, પેડર રોડ , નેપીયન્સી રોડ, વોર્ડન રોડના ગુજરાતી ધનપતિઓમાંથી અમુક ગુજરાતી ભાષા વિષે વધારે ચિંતિત છે. એટલે ગુજરાતી ભાષાને બચાવવા માટે મુંબઇના કેટલાક લોકો સુપ્રીમ કોર્ટમાં કેસ લડી રહ્યા છે અને એ કેસ લડવા માટે પૈસા ભેગા કરવા હમણાં પાંચ સંસ્થાઓએ એકત્ર થઇને એક મુશાયરો -હસાયરો (એટલે?) ગોઠવ્યો હતો, જેના પહેલા એક ક્વિક ફિકસ સભા પણ થઇ ગઇ. મંચ પર ચઢી બેઠા છીએ તો માઇક ખેચીને બોલવું પણ પડે છે! અને ગુજરાતી ભાષાના ‘ચિંતકો’ (એટલે કે ચિંતા કરનારા!) બોલ્યા.

ગુજરાતી એકૅડેમીના અધ્યક્ષ ચંદુલાલ સેલારકા દીવો જલાવવા માટે હાજર હોય છે. એ ઘણી શાલો ઓઢીને શાલો ઘેર લઇ જવાના અનુભવી છે. એ હતા. હજી એકૅડેમીનું નામકરણ થયું નથી, જી. આર. આવ્યો નથી, એક મિત્રે કહ્યું એમ સેલારકાને ‘એપોઇન્ટમેન્ટ લેટર’ પણ મળ્યો નથી. કોઇ સમિતિનું ગઠન થયું નથી. કાલે જો સરકાર બદલાય તે ડિસમિસ થાય તો, આ સરકારના બધા જ નિર્ણયો સ્થગિત થઇ જવાની સાથે સાથે આ બધું જ સ્થગિત થઇ શકે છે, પણ ગુજરાતી સંસ્થાઓ અને ગુજરાતી સંસ્થાઓના અર્ધશિક્ષિત લંબોદર પદાધિકારીઓને આવી કોઇ ગતાગમ હોય એવો ભય રાખવાની જરૂર નથી. ગુજરાતી ભાષાને બચાવવાની છે અને ગુજરાતી શેઠિયાઓ અને છાપાઓનો ફોટોગ્રાફરો સિવાય ગુજરાતી ભાષાને કોણ બચાવી શકશે? કાળો કાગડો કહી ગયો છે કે સુપ્રીમ કોર્ટમાં ગુજરાતી ભાષા માટે લડનાર વકીલ એક હીઅરિંગના ૩૫૦૦૦ રૂપિયા ચાર્જ કરે છે! આ કેવી ભાષા છે જેને માટે ઉચ્ચતમ ન્યાયાલયમાં ઇન્સાફ માટે લડત આપતા મફત, એક પણ પૈસો લીધા વિના, માત્ર ગુજરાતી ભાષા અને ગુજરાતી અસ્મિતાપ્રેમી માટે, લડનારો એક પ્રતિબદ્ધ વકીલ પણ મળતો નથી?

૧૮૬૩માં આજથી ૧૩૩ વર્ષ પહેલા, વડોદરાના ખંડેરાવ ગાયકવાડ પાસે ગુજરાતી ભાષાના સ્થાન માટે વકીલાત કરવા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ જેમને મોકલ્યા હતા એ હતા: કવિ દલપતરામ! એમણે ૩૦ પાનાનું કાવ્ય ‘ગુર્જરી વાણી વિલાપ’ એ ૧૯મી સદીની ત્રીજી પચીસીમાં લખ્યું હતું. દલપતરામે વડોદરામાં ખંડેરાવ સામે ગુજરાતી ભાષાની વકીલાત કરી હતી અને નિષ્ફળ ગયા હતા. એમણે વિષાદથી ગાયું છે: છો રાજા ગુજરાતના, લઇ તેનું ધન ધાન/ભાષા માની મરાઠીને, દો છો મોટું માન/દિલગીર રહે છે ગુર્જરી. સજે નહીં શણગાર/ એનું દુ:ખ ઉચ્ચારવા, આવ્યો છું આ વાર!.. અને દલપતરામને પાંચ દિવસ રાખીને ખંડેરાવ ગાયકવાડે વિદાય કર્યા. ભગ્ન દલપતરામે લખ્યું: કરે વકીલ વિશેષ શ્રમ એ તો આડો આંક/ પણ જો દાદ મળે નહીં, વકીલનો શો વાંક?

૧૩૩ વર્ષ પછી મુંબઇની પાંચ સંસ્થાઓમાં શેઠિયાઓ હસાયરો કરી રહ્યા છે, મુશાયરો કરી રહ્યા છે, પૈસા ભેગા કરી રહ્યા છે કે જેથી પ્રતિ હીઅરિંગ ૩૫૦૦૦ રૂપિયા લેનારો વકીલ આપણી ગુજરાતી ભાષાને બચાવી લે! સાથે આઠ બીજી ભાષાઓ, બંગાળી, તેલુગુ, તામિલ... વગેરેને ઘુસાડી છે, કારણ કે આપણો દંભ, આપણી દોષભાવના, આપણી કાયરતા આપણને એકલા લડવા દેતી નથી. પાછી અખિલ વિશ્ર્વ અને નિખિલ બ્રહ્માંડની પણ આપણને ગુજરાતીઓને ચિંતા ખરી! પણ મુંબઈમાં બંગાળી કેટલા? ૧ ટકાથી પણ ઓછા! થોડા હજાર ફકત. સુપ્રીમ કોર્ટ આપણને ફેંકી દેશે કારણ કે આપણે સ્વયં આપણો કેસ કમજોર બનાવી દીધો છે. શું જરૂર હતી બીજી ભગિની ભાષાઓને સાથે લેવાની? આપણે જો ૩૦/૩૫ લાખ છીએ તો એ હકથી આપણી ભાષાનું પ્રતિનિધિત્વ માગીએ છીએ, આપણે શા માટે આપણી ભાષાને પાંચ-પચીસ હજાર બંગાળી બોલનારાઓની કક્ષામાં મૂકીએ છીએ? અને મહારાષ્ટ્ર સરકાર શા માટે દરેક મિનિ લઘુમતી માટે ૫૦ કે ૧૦૦ માર્કના પેપર કાઢવાની, તપાસવાની પૂરી મશીનરીનો ખર્ચ ઉપાડે? ગુજરાતી ભાષાનો કેસ, મારી દૃષ્ટિએ, અબુધ ગુજરાતી શેઠિયાઓએ બગાડી નાખ્યો છે અને આ માત્ર કાનૂનની દૃષ્ટિનું મૂલ્યાંકન છે.

ગુજરાતી વિષે લઘરવઘર વક્તાઓ, જેમની એકમાત્ર પાત્રતા એ જ છે કે એ સ્ટેજ પર બેસી ગયા છે, બોલતા ગયા. એકથી વધારે વક્તા બોલતા રહ્યા: ગુજરાતી, મારી મા છે! ગુજરાતી ભાષા મારું ધાવણ છે! હું ગુજરાતી ભાષાને કેમ છોડી શકું? વાત બરાબર છે, ગુજરાતી ભાષા મારી માતા છે. અને ગુજરાતી ભાષા મારી માતાનું દૂધ છે વગેરે વગેરે. એ વિશે શા માટે વિરોધ હોવો જોઇએ? પણ ૪૫, ૫૦, ૫૫, ૬૦ વર્ષના હટ્ટાકટ્ટા, જાડાજાડા, ઊંચાઊંચા શેઠિયા ગુજરાતીપ્રેમીઓ હજી આ ઉંમરે પણ માતાને ધાવ ધાવ કરે છે? આ ઉંમરે ધાવણ પર જીવવું એ એમની મુન્સફીની વાત છે. પણ જિંદગીમાં એક એવી ઉંમર પણ આવવી જોઇએ, જ્યારે માણસ ધાવવાનું બંધ કરીને, બીજું દૂધ, બીજું અન્ન, બીજું જળ પીવા-ખાવાનું શરૂ કરે છે. એ ઉંમર આ ગુજરાતીપ્રેમીઓની ક્યારેય આવી નથી? અને એક એવી પણ ઉંમર આવે છે, જયારે માણસ ‘માતા’ ને છોડીને ‘પત્ની’ નામની સ્ત્રી સાથે રહેવું, જીવવું શરૂ કરે છે. માતા સાથે આખી જિંદગી ધાવતાંધાવતાં જીવવા સામે કોઇને વિરોધ ન હોઇ શકે અને પત્ની સાથે પણ, માતાના ખોળામાં જીવતા હતા, એ રીતે જીવવું એ દરેકનો હક છે! હું માનું છું કે થોડાં વર્ષો ગુજરાતી શીખીને પછી અન્ય ભાષાઓ, અન્ય શિસ્તો, અન્ય વિધાઓમાં માણસે પ્રભુત્વ મેળવતા રહેવું જોઇએ. આપણે અબડાસા કે અલિયાબાડા છોડીને શા માટે મુંબઇ સ્થાયી થયા છીએ? બીજી પરિભાષા, બીજું નગર, બીજી સ્ત્રી, બીજું આકાશ, બીજું ભવિષ્ય મળે છે એનો અર્થ એ તો નથી કે હું મારી માતૃભાષા અને પિતૃભૂમિને ભૂલી જાઉં છું... 



No comments:

Post a Comment