Monday, October 6, 2014

નેપ્ચૂનની ઉપગ્રહમાળાની ભવ્યતા-ગહનતા -- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=100387

નેપ્ચૂનનો સૌથી મોટો ઉપગ્રહ ટ્રાઈટન એની ઊંધી પરિક્રમા કરે છે

૧૭૮૧માં વિલિયમ હર્ષલે શનિ પછીના એક નવા ગ્રહની શોધ કરી. તે પૃથ્વી પરના માનવીએ શોધેલો પ્રથમ ગ્રહ હતો. તે પહેલાં કોઈએ પણ, ખગોળવિજ્ઞાનીએ પણ, કલ્પના કરી ન હતી કે શનિ પછી પણ કોઈ ગ્રહ હોઈ શકે છે. શનિ સૂર્યમંડળનો છેલ્લો ગ્રહ ગણાતો. તે અકસ્માતે જ શોધાયેલો ગ્રહ હતો. હર્ષલ આકાશગંગાના તારાનો અભ્યાસ કરતા હતા ત્યારે તેને મિથુન રાશિમાં આ પિંડને જોયો હતો. હર્ષલ માનતો હતો કે તેણે એક ધૂમકેતુ શોધી કાઢ્યો છે. પછી ખબર પડી કે તે તો સૂર્યનો એક ગ્રહ છે. તેનું નામ પછી યુરેનસ રાખવામાં આવ્યું. ગ્રીક પૌરાણિક કથા પ્રમાણે યુરેનસ શનિનો પિતા છે.

પછી ખગોળવિજ્ઞાનીઓ યુરેનસનો અભ્યાસ કરવા લાગ્યા. આ અભ્યાસના આધારે એલેક્સિસ બોવાર્ડેે તારણ કાઢ્યું કે યુરેનસ પછી પણ એક ગ્રહ હોવો જોઈએ, જે યુરેનસને ખલેલ પહોંચાડે છે અને તેને તેની કક્ષામાં સરળ રીતે ચાલવા દેતો નથી. બોવાર્ડેના આ વિધાને બે ખગોળવિજ્ઞાનીઓને યુરેનસ પછી ગ્રહ છે કે નહીં તે શોધવા ગણતરી કરવા પ્રેર્યા. તેઓ જાણવા માગતા હતા કે આવો ગ્રહ હોય તો ક્યાં હોય અને તેને કેવી રીતે શોધવો? આ બે ખગોળવિજ્ઞાની હતા જે. સી. આદમ્સ અને અરબન લા વેરીઅર. તેમણે આ અજાણ્યા ગ્રહની જગ્યા વિષે વેધશાળાના ખગોળવિજ્ઞાનીઓને લખ્યું અને તેને શોધવા વિનંતી કરી. બ્રિટીશ ખગોળવિજ્ઞાની ચાલીઝે તે શોધવા મહિનાઓ સુધી પ્રયત્ન કર્યો પણ તેને તેમાં સફળતા મળી નહીં. આ બાજુ લે વેરીઅરે બર્લિનની વેધશાળાને એ ગ્રહ શોધવા વિનંતી કરી. અહીં સપ્ટેમ્બર ૨૩, ૧૮૪૬ના દિને જોહાન ગોટફ્રીડ ગાલે તેને શોધી કાઢ્યો. તેનું નામ મહાસાગરોના દેવતા નેપ્ચૂન પરથી નેપ્ચૂન રાખવામાં આવ્યું.

નેપ્ચૂનની શોધ થઈ કે તરત જ ૧૭ દિવસ પછી વિલિયમ લાસ્સેલે નેપ્ચૂનનો સૌથી મોટો ઉપગ્રહ ટ્રાઈટન શોધી કાઢ્યો, પણ આ ઉપગ્રહ બહુ વિચિત્ર છે. તે નેપ્ચૂનની પરિક્રમા ઊલટી દિશામાં કરે છે. તેથી થોડા ખગોળવિદ્ો તેને નેપ્ચૂન વડે પકડાયેલો ઉપગ્રહ માને છે. તે નેપ્ચૂનની પરિક્રમા ઊલટી દિશામાં કરે છે તેથી ઘણાખરા કહો કે બધાં જ અમેરિકી વિજ્ઞાનીઓ માનતા કે નેપ્ચૂનને વલયો નહીં હોય.

૧૯૮૧માં આ લેખના લેખકે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંશોધન સામાયિક-અર્થ, મુન એન્ડ પ્લેનેટ્સમાં એક સંશોધનપત્ર રજૂ કર્યું અને તેમાં દર્શાવ્યું કે નેપ્ચૂનને વલયો છે. પછી ૧૯૮૭માં તે જ સામાયિકમાં એક બીજું સંશોધન પત્ર રજૂ કરી દર્શાવ્યું કે નેપ્ચૂનની ફરતે ચાર વલયો છે અને બીજા ઘણા વણ શોધાયેલા ઉપગ્રહો છે. આ સંશોધનની દુનિયાના ખગોળવિદ્ોએ જબ્બર નોંધ લીધેલી.

હવે જ્યારે ૧૯૮૯માં વૉયેજર-૨ અંતરિક્ષયાન નેપ્ચૂન પાસે ગયું ત્યારે તેણે લેખકના સંશોધનને નિરીક્ષણાત્મક ટેકો આપ્યો. વૉયોજરે નેપ્ચૂનના બીજા છ ઉપગ્રહો પણ શોધી કાઢ્યા. તે સમયે નેપ્ચૂનને માત્ર બે જ ઉપગ્રહો હતા. એક ટ્રાઈટન અને બીજો નિરીયક. નેપ્ચૂન ૧૮૪૬માં શોધાયો. તરત જ ૧૭ દિવસમાં ટ્રાઈટન શોધાયો, પણ નેપ્ચૂનનો બીજો ગ્રહ નિરીયક ૧૦૩ વર્ષ પછી છેક ૧૯૪૯માં શોધાયો. તેના શોધક જીરાર્ડ કુઈપર હતા. નેપ્ચ્યુનના વલયો ૧૯૮૯માં શોધાયાં.

તાજેતરમાં કેલિફોર્નિયાના માઉન્ટ વ્યુ સ્થિત ‘સેટી’-ઈન્સ્ટિટયૂટના ખગોળવિજ્ઞાની માર્ક સોવાલ્ટર. છેલ્લાં સાત વર્ષથી હબલ ટેલિસ્કોપે લીધેલા નેપ્ચૂન ઉપગ્રહમાળાના ફોટાનો અભ્યાસ કરતા હતા. એમણે જોયું કે હબલ સ્પેસ ટેલિસ્કોપે નેપ્ચૂનની વલયમાળાની નજીક નેપ્ચૂનથી લગભગ એક લાખ કિ.મી.ના અંતરે એક નાના ઝાંખા આકાશીપિંડના ફોટા લીધા છે. આ આકાશીપિંડ નરી આંખે દેખાતા ઝાંખામાં ઝાંખા તારા કરતાં પણ દશ કરોડગણો વધારે ઝાંખો છે. તેનો વ્યાસ માત્ર ૨૦ કિલોમીટર છે. આ કારણે વૉયોજર-૨ અંતરિક્ષયાન જ્યારે ૧૯૮૯માં નેપ્ચૂન પાસે ગયું ત્યારે તેને જોઈ શક્યું ન હતું, પણ હબલ ટેલિસ્કોપે તેને સાડા ચાર અબજ કિ.મી.ના અંતરેથી પકડી પાડ્યો. હબલ અંતરિક્ષ દૂરબીનની આ શક્તિને દાદ આપવી પડે. તે કેટલું સક્ષમ ગણાય! ભવિષ્યમાં ખગોળવિજ્ઞાનીઓ હબલ દૂરબીન કરતાં સોગણું વધારે શક્તિશાળી દૂરબીન અંતરિક્ષમાં તરતું મૂકવાના છે. ત્યારે આપણે બ્રહ્માંડનાં ઘણાં રહસ્યોને જાણતાં થશું.

નેપ્ચૂનના આ ઉપગ્રહનું હંગામી નામ એસ/૨૦૦૪ એન૧ રાખવામાં આવ્યું છે. તે ૨૩ કલાકમાં નેપ્ચૂનની પરિક્રમા પૂરી કરે છે. તે નેપ્ચૂનનો ૧૪મો ઉપગ્રહ છે.

લેખકના સંશોધનપત્ર પ્રમાણે નેપ્ચૂનને હજુ પણ ઘણા વણ શોધાયેલા ઉપગ્રહો છે. શક્તિશાળી દૂરબીનો વડે તે ભવિષ્યમાં શોધાશે.

૧૯૮૦ના દાયકામાં લેખકે એક સંશોધનપત્રમાં દર્શાવેલું કે નેપ્ચૂનના મોટા ઉપગ્રહ ટ્રાઈટન પર જ્વાળામુખી હોવા જોઈએ. વૉયોજર-૨ અંતરિક્ષયાને હકીકતમાં ટ્રાઈટન પર જીવતા જ્વાળામુખી શોધી કાઢ્યા છે. આ બાબતે લેખકે નેપ્ચૂન ટ્રાઈટન પર કેવડી મોટી ભરતી-ઓટ કરે છે તે મુદ્દો ધ્યાનમાં લીધો હતો. અને ગણતરી કરી હતી.

નેપ્ચૂન ગ્રહ સૂર્યથી સાડા ચાર અબજ કિલોમીટર દૂર છે અને પૃથ્વીથી ૪ અબજ ૩૫ કરોડ કિલોમીટર દૂર છે. ત્યાં ઉષ્ણતામાન ઓછા ૨૨૫ અંશ સેલ્શિયસ છે. તેનો રંગ વાદળી છે. તેની સપાટી પર કાળું ધાબું છે. તેના પર મિથેનના બરફો છે. હાલમાં તે સૂર્યમાળાનો છેલ્લો અને આઠમો ગ્રહ છે, કારણ કે ખગોળવિદ્ોએ પ્લૂટોને ગ્રહના સ્થાનેથી પદોચ્યુત કર્યો છે. નેપ્ચૂન સૂર્યની પરિક્રમા કરવા ૧૩૫ વર્ષ લે છે. તે શોધાયા પછી ૨૦૧૧માં તેણે સૂર્યની પ્રથમ પરિક્રમા પૂર્ણ કરી છે અને હવે બીજી પરિક્રમાના રસ્તે છે. તે સૂર્યમાળાની ભાગોળે રહીને સૂર્યની પરિક્રમા કરે છે અને આ પરિક્રમા કરતાં કરતાં સૂર્યમાળાની બહારનું અંતરિક્ષ જુએ છે. તેની બહાર લાખો, કરોડો અને અબજો ધૂમકેતુઓ સૂર્યની પરિક્રમા કરે છે.

No comments:

Post a Comment