Monday, October 6, 2014

જૂનાં જીવનમૂલ્યોનું કોઈ વજૂદ નથી રહ્યું? -- આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=105737

મેધાવિન શુચિતાબેનનો કોઈ સગો નથી, કોઈ જૂનો સંબંધ પણ નથી પણ એ યુવક એના મનમાં ઊઠતા પ્રશ્ર્નોના જવાબ શુચિતાબેનને પૂછે છે અને શુચિતાબેન ગમે એટલા કામમાં હોય એ કામ એમના માટે ખૂબ મહત્ત્વનું હોય તો પણ એ કામ બાજુ પર મૂકીને મેધાવિનના પ્રશ્ર્નોના જવાબ આપે. ક્યારેક તેઓ પ્રશ્ર્નને ઊંડાણથી સમજવા મેધાવિનને વિગતો પૂછે, મેધાવિન પૂરેપૂરી નિખાલસતાથી એમને જવાબ આપે.

શુચિતાબેન વિચારે કે કેટલી શ્રદ્ધાથી અને આશાભર્યા હૈયે મેધાવિન એની મુશ્કેલીઓ, મૂંઝવણ મને જણાવે છે તો મારી ફરજ બને છે કે મારા અનુભવજન્ય જ્ઞાનથી મને જે ઉકેલ સૂઝે એ એને બતાવવો જ જોઈએ.

માત્ર મેધાવિન જ નહીં પણ કેટલાય અજાણ્યા યુવક, યુવતીઓ અને પ્રૌઢો શુચિતાબેનની સલાહ પૂછતાં અને તેઓ કંટાળ્યા વગર સલાહ આપતાં.

તેઓ વિચારતા દરેક સિનિયર સિટીઝન યુવાનપેઢીની મૂંઝવણો સમજે અને ઉકેલ આપે તો યુવાનપેઢીની કેટલી બધી તકલીફો દૂર થઈ જાય અને યુવાનપેઢી સુખી થાય.

તાજેતરમાં જ લગ્ન કરેલા યુવાન હૈયા મુંઝાય ત્યારે જો કોઈ વડીલ પ્રેમથી એમની સમસ્યા સાંભળે અને સમાધાન કરાવે તો વધારે બગડતી વાત બગડે નહિ. ગુસ્સામાં આવીને તેઓ કોઈ વાત વણસાવી ના દે એ જોવાની ફરજ વડીલોની છે.

મેધાવિને ઘણી હોંશથી દામ્પત્યજીવનનો આરંભ કર્યો હતો. અત્યારનો એનો જીવનકાળ લગ્નજીવનનું પરોઢ છે, પણ એના જીવનમાં એ મધુર, સુંદર, શીતળ હવા કે સુવર્ણ પ્રકાશ નથી. છે માત્ર હકની ભાષા બોલતી પત્ની જે વાતે વાતે મહેણાં ટોણાં અને આક્ષેપો કરવામાં જ રસ ધરાવે છે અને વાતાવરણ બગાડી મૂકે છે.

એની પત્નીને જીભે હર ક્ષણે શબ્દો રમેે છે - "હું તમારી જવાબદારી છું, તમારે હું માગુ એટલા પૈસા અને સગવડો મને આપવા જ જોઈએ.

મેધાવિન કહે, "તને સુખી કરવાની મારી ફરજ છે અને અંત:કરણપૂર્વકની મારી ઈચ્છા છે, હું એ માટે જ પ્રયત્નો કરું છું. મેધાવિનના અવાજમાં નમ્રતા અને પ્રેમ હોય છે. જવાબમાં એની પત્ની બેલા કઠોરતાથી કહે છે, "તમે મને સુખી કરવા પ્રયત્ન કરો એમાં નવાઈ નથી કરતા, મારા જેટલું ભણેલું અને રૂપાળું તમારા ઘરમાં ક્યાં કોઈ છે? મારી પાસે ત્રણ ત્રણ ડિગ્રીઓ છે. તમારું સદ્ભાગ્ય કે હું તમને મળી. મને તમારા ઘરમાં કોઈની સાથે ઊઠવા બેસવાનું ગમે નહિ એ તો હું સારી છું કે વિવેક ખાતર એમની જોડે બોલું છું. પણ હું એમના માટે મારાપણાની ભાવના નહિ અનુભવી શકું.

પત્નીએ કહેલા કડવા શબ્દો મેધાવિન સાંભળ્યા ન સાંભળ્યા કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ‘પ્રભુ મારા જીવનના આ ઝેરનું અમૃત માત્ર તમે જ બનાવી શકશો.

મેધાવિન પત્ની આગળ શાંત રહે પણ એના હૈયે તો ભડભડ અગ્નિ બળતો હોય છે, એ શુચિતાબેનને ફોન કરે અને પોતાની વેદના ઠાલવે. શુચિતાબેન એને શાંત પાડે અને આશા બંધાવે કે શુભ શુભ વિચાર નક્કી બેલામાં પરિવર્તન આવશે. એ તને સમજી શકશે. આપણા ભારતીય સંસ્કાર એળે નહિ જાય.

મેધાવિન કહે, "આન્ટી હું પરદેશમાં રહું છું, કેટલીય પરદેશી છોકરીઓ મને પરણવા માગતી હતી પણ મેં ભારતમાં જન્મેલી, ભારતમાં ઉછરેલી અને ભારતમાં રહેતી ભારતીય ક્ધયા પસંદ કરી કારણ કે આપણા ભારતમાં લગ્નસંબંધને જન્મોજન્મનો સંબંધ માનવામાં આવ્યો છે. જો કે આજે એ પરંપરાગત માન્યતા એનું વજૂદ ગુમાવી બેઠી છે, સમયના વહેવા સાથે માન્યતાઓ બદલાઈ રહી છે, આપણા જીવનમૂલ્યો બદલાઈ રહ્યાં છે, અત્યારે તો ચારેબાજુ અસંતોષ અને અવિશ્ર્વાસના વાદળો છવાયાં છે તેથી મન ઉદાસ થઈ જાય છે.

"તો ય ભાઈ મેધાવિન આજેય સેંકડો હજારો યુવાનો સુખની આશામાં લગ્નગ્રંથિથી જોડાય છે, ઢોલ ઢબુકે છે અને મંગલગીતો ગવાય છે. તેઓ ઉત્સાહથી નાચે છે અને ગાય છે. શુચિતાબેન બોલ્યા.

"મંગલ ગીતો ગવાય છે પણ મંગલ થતું નથી. આન્ટી, આપણા ત્યાં લગ્નને તોય પવિત્ર સંસ્કાર કેમ ગણવામાં આવે છે? આજે તો બીજા ક્ષેત્રોની જેમ અહીં પણ પશ્ર્ચિમની ભૌતિકવાદી વિચારસરણી અને ટી.વી. કલ્ચરની અસર સ્પષ્ટ દેખાય છે. આપણે બધાં ખોટી ભ્રમણામાં જીવીએ છીએ? કેમ આપણે આંખો બંધ કરીને જીવીએ છીએ? બેલા પર આ આધુનિક કલ્ચરની ગજબની અસર દેખાય છે. એની સાથે કદાચ હું મેળ નહિ રાખી શકું. ‘યુ.કે.ના મારા સર તો કહે છે કે તું જિંદગીના વરસો વેડફી રહ્યો છે. વહેલામાં વહેલી તકે તું બેલાથી છૂટો થઈ જા.’

"તો છૂટા થવામાં તું કેમ વિલંબ કરે છે? થઈ જાને છૂટો. હવે તો ભારતમાં ય છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે અને છૂટાછેડા એટલા બધા નામોશીભર્યા નથી ગણાતા. ભારતની આધુનિક પેઢીનાય જીવનમૂલ્યો બદલાયા છે, હવે ધૈર્ય, સમતા, સંયમ, ત્યાગ, સહનશીલતા જેવા મૂલ્યોની બહુ મહત્તા રહી નથી. શુચિતાબેન બોલ્યા. એમના અવાજમાં કંટાળો હતો, નારાજગી હતા.

"આન્ટી, હું આધુનિક નથી, ભલે આધુનિક જમાનાના યુવાન તરીકે મારી ઓળખ છે પણ મારી નસોમાં પરંપરાગત ભારતીય સંસ્કાર ભળેલા છે. હું પડ્યું પાનું ફગાવી દેવામાં નથી માનતો, એટલે તો મારી સમસ્યા તમારી સાથે ચર્ચુ છું. જો મારે છૂટાછેડા લેવા હોય તો કોઈ મને રોકનાર નથી, યુ.કે.ના મારા ફ્રેન્ડઝ તો કહે છે, ટૂંકી આ જિંદગીમાં રાહ જોવામાં વરસો વીતાવવા એ બેવકૂફી છે અને આન્ટી વારંવાર એમની સલાહ હું સાંભળું તો કદાચ હું છૂટાછેડા લઈ પણ લઉં, પણ એમ કરવામાં કદાચ હું બેલાને અન્યાય કરી બેસું તો? હું બેલાને સમજવા પ્રયત્ન કરું છું અને એ મને સમજે એના માટે એને તક આપવા માગું છું. હા, જો કદાચ એ છૂટા થવાની માગણી કરે તો હું તૈયાર છું, એ માગે એટલા પાઉન્ડ, ડોલર એને આપીશ. મેધાવિન બોલ્યો. શુચિતાબેન એને શું જવાબ આપે?


No comments:

Post a Comment