Monday, October 6, 2014

હૈદરાબાદના નિઝામ સામે જીવસટોસટની બાજી ખેલનાર નેતાઓ આજે ક્યાં છે? -- ભગવત પ્રજાપતિ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=100374

હૈદરાબાદ આઝાદ રહ્યું હોત તો ભારતમાં બીજું પાકિસ્તાન સર્જાત

શત્રુ અને રોગને ઊગતા જ ડામી દેવાની ચાણક્ય નીતિ દેશ આઝાદ થયો ત્યારે સરદાર, મુનશી અને પંડિત નેહરુએ અપનાવીને અમલ ન કર્યો હોત તો આજે ભારતમાં જ કદાચ ત્રીજુમ પાકિસ્તાન (અગાઉનું પૂર્વ પાકિસ્તાન બંગલા દેશ પાકિસ્તાનના જ નક્શેકદમ પર ચાલી રહ્યું છે) અસ્તિત્વમાં આવી ગયું હોત અને દેશ માટે મોટું શિરદર્દ બની ગયું હોત.

ત્યારના શક્તિશાળી દેશી રજવાડાં-હૈદરાબાદ સ્ટેટનો નિઝામ હૈદરાબાદને ભારતસંઘમાં સામેલ કરવા તૈયાર નહોતો. નિઝામ પોતાનું બાહુબળ દાખવીને ભારતીય નેતાઓને પડકારતો હતો, પરંતુ ત્યારના નેતાઓ કંઈ માટીપગા નહોતા. નિઝામના તમામ પેંતરા, કાવાદાવા અને પડકારોને પહોંચીવળીને નિઝામને ઘૂંટણીએ પાડીને સરન્ડર થવાની તેમણે ફરજ પાડી હતી.

ભારતથી અલગ આઝાદ રહીને નિઝામની યોજના હૈદરાબાદને એક મુસ્લિમ દેશ બનાવવાની હતી. રઝાકાર ઉદ્દામવાદી મુસ્લિમ સંગઠન સમાન્તર લશ્કરની જેમ ભારત વિરોધી પ્રવૃત્તિઓ દ્વારા નિઝામને તમામ મદદ કરી રહ્યું હતું. એટલે નિઝામ સફળ થયો હોત તો ધર્માંધ કટ્ટરવાદી રઝાકાર સંગઠન તેના પર હાવી થઈ જાત અને ભારત માટે આફતો ઊભી કરત. ગુજરાતના લોહપુરુષ સરદાર પટેલની હૈદરાબાદ કબજે કરવાની આખી લશ્કરી યોજનાને ગુજરાતના બીજા સપૂત સ્વપ્નદૃષ્ટા મુત્સદ્દી રાજપુરુષ કનૈયાલાલ મુનશીએ અંજામ આપ્યો. 

આ લશ્કરી ઓપરેશનનો સમગ્ર ઘટનાક્રમ રૂંવાડાં ઊભાં થઈ જાય એવી દિલધડક થ્રિલર વાર્તાને ટક્કર મારે એવો છે. તાજેતરમાં જ આંધ્ર પ્રદેશના તેલંગણાના વિસ્તારને કેન્દ્ર સરકારે અલગ રાજ્ય બનાવવાની જાહેરાત કરી એ સાથે જ નિઝામના હૈદરાબાદ સ્ટેટ અને મુનશીએ અદા કરેલી ઐતિહાસિક ભૂમિકા સહેજે નજર સમક્ષ તરવરે છે. 

મુનશીની જ સાહિત્યિક કૃતિ ‘પૃથ્વી વલ્લભ’ના મુંજની નીડરતા મુનશીએ આત્મસાત કરીને હૈદરાબાદની કટોકટીનો સામનો કર્યો. હૈદરાબાદ, તેલંગણા અને મુનશી પરસ્પર સંકળાયેલા હોવાનું કહેવાય છે. ‘પૃથ્વી વલ્લભ’ માટે ઔતિહાસિક કથાવસ્તુ પણ તેમને તેલંગણાના હિન્દુ રાજાઓની કથામાંથી સાંપડ્યું હોવાનું પણ મનાય છે. 

આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મદ્રાસ (હાલનું તમિલનાડુ) તમામ પ્રાંતો મળીને એક રાજ્ય એ પહેલાં હતું, નામે હૈદરાબાદ સ્ટેટ.

ભારતને ૧૯૪૭માં સ્વાતંત્ર્ય મળ્યું ત્યારે દેશમાં અનેક દેશી રાજવાડાં હતાં. દેશી રાજાઓ અને નવાબો પોતાના સ્થાપિત પ્રદેશોમાં હકૂમતો ચલાવતા. આ તમામ દેશી રજવાડાં ભારતસંઘમાં ભળી જાય તો જ ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર બને. ગાંધીજીની રાહબરીમાં નહેરુ, સરદાર સહિતના નેતાઓએ આઝાદી પછી દેશનું સુકાન તો સંભાળ્યું, પરંતુ બધાં રજવાડાંને એકતાંતણે બાંધી રાષ્ટ્રમાં ભેળવી દેવાં એ તેમની સમક્ષ મોટો પડકાર હતો.

સરદાર વલ્લભભાઈ પટેલને દેશના પ્રથમ ગૃહ પ્રધાન તરીકે લોખંડી મનોબળ સાથે નિર્ણયો લેવાના હતા. પડકારો અનેક હતા. તેમણે રાજાઓ સામે પાસા નાખ્યાં. મુત્સદ્દીથી સામ, દામ, દંડ અને ભેદની કુટિલ નીતિ અપનાવી. પરિણામે રાજાઓ ઝૂકી ગયા અને સત્તા છોડી દઈ ભારતસંઘનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. 

અલબત્ત, હૈદરાબાદ સ્ટેટના નિઝામ સત્તા છોડવા રાજી નહોતા. સરદારે કળથી, સમજાવટથી આગળ વધીને પરિણામ મેળવવાનું વિચાર્યું. ભારત સરકારના પ્રતિનિધિઓ સાથે નિઝામના પ્રતિનિધિમંડળની વાટાઘાટો દ્વારા સમજૂતી કરવાની લાખ કોશિશો છતાં પરિણામ કંઈ મળ્યું નહીં. મુસ્લિમ લીગ દેશી રજવાડાંને આઝાદ રહેવાની પ્રેરણા આપતો હતો. હૈદરાબાદના નિઝામ ઈત્તેહદુલ મુસલમિન નામના એક સંગઠનનાં અસર-બહેકાવામાં આવી ગયા અને હૈદરાબાદને સ્વતંત્ર દેશ જાહેર કરવાનો ઈરાદો જાહેર કર્યો. હૈદરાબાદને તેમણે એક મુસ્લિમ દેશ બનાવવાની પણ પડદા પાછળથી રાજરમત શરૂ કરી દીધી.

શરીર પર એક ગૂમડું વિકરાળ બની જીવલેણ બને એ પહેલાં જ તેનું નસ્તર કરી નાખવાની ડૉક્ટર સલાહ આપતા હોય છે. સરદારને નિઝામ નામનું ‘ગૂમડું’ વિકરાળ બને એ પહેલાં જ તેના પર નસ્તર મૂકવાનું જરૂરી લાગ્યું. અને મનોમન નિર્ણય લઈ લીધો, પરંતુ આ કાર્ય કોને સોંપી શકાય? એ પ્રશ્ર્નનો જવાબ તેમને કનૈયાલાલ માણેકલાલ મુનશીમાં મળ્યો.

સાથી નેતાઓમાં મુનશી સરદાર પટેલની અત્યંત નિકટ ગણાતા. તેમના પર વિશ્ર્વાસ મૂકી સરદારે મુનશીને ‘ગૂંમડા’ પર નસ્તર મૂકવાની વ્યૂહરચના સમજાવીને હૈદરાબાદના એજન્ટ જનરલ તરીકે તેમની નિમણૂક કરી. 

બધાં જ રજવાડાં-રાજાઓ ભારતસંઘમાં (કેન્દ્ર સરકારમાં) ભળી ગયાં, પરંતુ હૈદરાબાદ સ્ટેટના નિઝામે કેન્દ્રને મચક ન આપી એનું કોઈક તો કારણ જરૂર હતું. ભૌગોલિક રીતે દેશના હાર્દમાં તેનું એક વ્યૂહાત્મક સ્થાન હતું. વસતી, મહેસૂલ આવક અને સંસાધનોને ધ્યાનમાં રાખીને દેશમાં એ રાજ્યનું આગવું સ્થાન હતું. તેના પોતાના ચલણી સિક્કા, ચલણી નોટો અને સ્ટેમ્પ હતા. નિઝામ આ બધો વૈભવ અને સત્તા જતી કરવા માગતો નહોતો. નિઝામનાં કીમતી જરઝવેરાત અને દાગીના બેસુમાર હતા. અંગ્રેજ શાસનમાં ભારતમાં બ્રિટિશ રાજા-ક્રાઉનની સત્તા સર્વોપરી હોવાનું વાઈસરોયે ઠરાવ્યું હતું. ભારતના કોઈ પણ દેશી રાજાના કારોબારમાં માથું મારવાનો બ્રિટિશ ક્રાઉનનો અબાધિત અધિકાર હતો. આમ છતાં અંગ્રેજ સત્તાધીશોને ખુશ રાખી નિઝામ અબાધિત સત્તા ભોગવતો હતો. એમ કહી શકાય કે હૈદરાબાદનો નિઝામ દેશનાં તમામ રજવાડાં કરતાં સમૃદ્ધ હતો. તેનાં જરઝવેરાત, કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવતા દાગીનાઓની વાતો આજે પણ અવારનવાર પ્રસિદ્ધ થતી રહે છે. 

નિઝામની સંપત્તિ અને શ્રીમંતાઈની બાબત આપણે જોઈ. અલબત્ત, તેની લશ્કરી તાકાત પણ ઓછી નહોતી. ‘ખીલાના જોરે વાછરડું કૂદે’ એ કહેવત મુજબ ભારતથી ઉચાળા ભરીને ગયેલા અંગ્રેજોના પણ તેને છૂપા આશીર્વાદ હતા. ત્યાં સુધી કે ભારત વિરુદ્ધ હૈદરાબાદનો કેસ ‘યુનો’માં લઈ જવાની પણ નિઝામને સલાહ મળી હતી એટલું જ નહીં, ‘યુનો’માં તેના પ્રતિનિધિએ ધા પણ નાખી હતી. જોકે ભારત સરકારે વળતું પગલું ભરીને ‘યુનો’માં નિઝામની દાદ-ફરિયાદ ખારિજ કરાવી દીધી હતી. 

હૈદરાબાદ સ્ટેટ પાસે ચુનંદુ લશ્કર હતું. તેનો લશ્કરી વડો મેજર જનરલ ઈદ્રોસની કમાન્ડરશિપ હેઠળની બટાલિયનો બ્રિટિશ શાસકોની ભલામણથી પહેલા અને બીજા વિશ્ર્વયુદ્ધમા સામેલ થઈ હતી. એટલું જ નહીં, નોંધપાત્ર દેખાવ કરીને હૈદરાબાદ પાછી ફરી હતી. 

હૈદરાબાદ પાસે રાબેતા મુજબનું લશ્કર તો હતું જ, પરંતુ ઈત્તેહાદ તરીકે ઓળખાતા રઝાકાર ઉદ્દામવાદીઓનું એક સંગઠન પણ ભારત સરકાર સામે યુદ્ધે ચડ્યું હતું. આ રઝાકારા ઉદ્દામવાદીઓ જાસૂસી અને મુસ્લિમ સમુદાયમાં કુપ્રચાર માટેની એક સ્કૂલ પણ ચલાવતા હતા. જેમાં બ્રાહ્મણ પૂજારીઓના સ્વાંગમાં કેટલાક લોકોેએ હૈદરાબાદનાં ગામોમાં ભારત સરકાર વિરુદ્ધ હિંદુઓને ભડકાવવાની તાલીમ પણ લીધી હતી. ભારત સરકાર હુમલો કરે તો ભારતના શહેરો પર બૉમ્બમારો કરવાની પણ નિઝામે તૈયારી કરી હોવાના ત્યારે અખબારોમાં અહેવાલો વહેતા થયા હતા. 

પહેલા અને બીજા વિશ્ર્વયુદ્ધમાં હૈદરાબાદના દળોએ શસ્ત્રસરંજામ વાપરી નાખ્યો હોઈ ફરીથી શસ્ત્રસજ્જ બનાવવાના નિઝામે પ્રયાસો શરૂ કરી દીધા હતા. નિઝામે તેના લશ્કરી વડાને નવાં શસ્ત્રો ખરીદવા (ભારત સરકાર સામે લડવા માટે જ) યુરોપ મોકલ્યો હતો, પરંતુ ભારત સરકારે યુરોપમાં નકાબંધી કરીને એ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો, એ બાદ નિઝામે ઓસ્ટ્રેલિયામાં કોઈ વેપારી ‘સાહસિક’ પાસે બિઝનેસ કરવાના સ્વાંગમાં પોતાની માલિકીનાં વિમાનોમાં બંદૂકો અને અન્ય દારૂગોળા સાથેના સામાન મગાવી લીધો હતો.

સરદાર પટેલને આ તમામ બાબતોની ગંધ આવી ગઈ હતી અને હવે તેઓ ‘ઓપરેશન’ પાર પાડવામાં સહેજ પણ વિલંબ કરવા માગતા નહોતા. 

હૈદરાબાદ કબજે કરવા માટે લશ્કરી કાર્યવાહી ‘ઓપરેશન પોલો’નું સુકાન સંભાળવા માટે સરદારે હૈદરાબાદ જવા મુનશીને લીલી ઝંડી આપી. હૈદરાબાદ પર આક્રમણ અંગેની નિઝામને ગંધ પણ ન આવે એ રીતે તૈયારી થઈ ચૂકી હતી.

જાન્યુઆરી પ, ૧૯૪૮ના રોજ મુનશીનું હૈદરાબાદ આગમન જ એક નાટકીય ઘટના બની ગઈ.

મુનશી માટે કપરી કામગીરી હતી. નિઝામના ગુપ્ત સૈનિકો અને રઝાકાર-ઉદ્દામવાદીઓ બંને તરફથી ખતરો હતો. ભારત સરકાર અને નિઝામ વચ્ચેના સંબંધો ખૂબ જ વણસી ગયા હતા. ગમે ત્યારે ‘ભડકો’ થવાની સંભાવના હતી. 

હૈદરાબાદ જતા પૂર્વે મુનશીએ કહ્યું હતું: ‘કીર્તિની જ્વાળાઓમાં હું જઈ રહ્યો છું.’ આ જ્વાળાઓ એવી છે જે બાળીને ભસ્મ પણ કરી શકે છે યા તો ઝળહળતા કીર્તિવાન પણ બનાવી શકે છે. 

આ અંગે મુનશીના પુત્ર ગિરીશ મુનશીએ લખ્યું છે: ‘ભારતના એજન્ટ જનરલ નિમાયા એ બાદ હું બાપાજીને હૈદરાબાદ મળવા ગયો હતો. રઝાકારો તેમને દુશ્મન લેખાવતા. રઝાકારોની ધમકીઓ અને પ્રવૃત્તિઓથી હૈદરાબાદ તંગ હતું. કોઈ પણ સમયે તેમના ઉપર ખૂની હુમલો થવાની શક્યતા હતી.’ 

મુનશી હૈદરાબાદમાં હતા તો બીજી તરફ નિઝામના વડા પ્રધાનના છેલ્લાં દીવાન લઈક અલી માઉન્ટબેટન અને ભારતના નેતાઓ સાથે મંત્રણા માટે દિલ્હીમાં હતા. હૈદરાબાદ આઝાદ રહે એ કોઈ પણ રીતે નેતાઓને મંજૂર નહોતું અને મંત્રણા પડી ભાંગી.

૨૧ જૂન ૧૯૪૮ના રોજ માઉન્ટબેટન ભારતથી રવાના થયા. એ બાદ ભારતે હૈદરાબાદને અલ્ટિમેટમ આપી દીધું. નેહરુ અને સરદાર બંનેએ આકરું વલણ અખત્યાર કર્યું. તાબે થાવ યા યુદ્ધનો સામનો કરો.

એ દરમિયાન લઈક અલી ગુપ્ત રીતે પાકિસ્તાન પહોંચ્યા અને સહાયતા માટે મહમ્મદઅલી ઝીણાને મળ્યા. હૈદરાબાદે ‘યુનો’ની સલામતી સમિતિ સમક્ષ પોતાનો કેસ રજૂ કરવા ગુપ્ત મિશન મોકલ્યું જેથી ત્યાંથી યુદ્ધવિરામનો આદેશ આવે અને આંતરરાષ્ટ્રીય મંચ પર આ ઘટના અંગે ધ્યાન ખેંચાય. અલબત્ત, યુનોની કોઈ દરમિયાનગીરી ન થઈ.

ગુપ્તચરોના અહેવાલો મુજબ ર૦મી સપ્ટેમ્બરે ભારતે આક્રમણ કર્યું. નિઝામે એ સામે વળતો હુમલો કરવાનો પોતાના સૈન્યને આદેશ આપ્યો, પરંતુ મજાની વાત એ થઈ કે હૈદરાબાદના લશ્કરી વડા અલ ઈદ્રોસે ભારતની તાકાતનો અંદાજ પારખીને પોતાના કમાન્ડરોને પ્રતિકાર ન કરવા ગુપ્ત આદેશ મોકલ્યો અને છેવટે કમાન્ડરો એક પછી એક સરન્ડર થયા.

હૈદરાબાદ કબજે કરવા માટે એજન્ટ જનરલની ભૂમિકા ભજવનાં મુનશીએ જીવસટોસટની બાજી ખેલી હતી એનો ઈતિહાસે સુવર્ણ અક્ષરોમાં નોંધ લીધી છે.

મુનશીએ જે કુનેહ, હિંમત અને નિષ્ઠાથી હૈદરાબાદને ભારત સાથે જોડવાનું વિકટ કાર્ય પાર પાડ્યું એ બદલ તેમને બિરદાવીને સરદાર પટેલ લખે છે: ‘તમે લોકસેવાની ફરજરૂપે આ ઓફિસ સ્વીકારી અને ખૂબ કુશળતાપૂર્વક જે ફરજો નિભાવી તેથી ધાર્યું પરિણામ મળ્યું.’

ડૉ. રાધાકૃષ્ણને મુનશી માટે લખ્યું છે: ભારતના જાહેર જીવનમાં મુનશીનો ફાળો બહુ અમૂલ્ય છે. સ્વતંત્રતા સંગ્રામના એ બહાદુર સેનાની હતા. મુંબઈ રાજ્યના એ પ્રધાન હતા. કેન્દ્રીય પ્રધાન તરીકે તેમણે સેવા આપી. કાબેલ ધારાશાસ્ત્રી અને પ્રતિભા સંપન્ન સાહિત્યકાર મુનશીનું મોટું સ્મારક ભારતીય વિદ્યા ભવન છે. મુંબઈને જ કર્મભૂમિ બનાવનાર સાંસ્કૃતિક-શૈક્ષણિક સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરનાર કનૈયાલાલ મુનશીની હાલમાં જ ૧૨૫મી જયંતી ઊજવાઈ જ્યારે ભારતીય વિદ્યા ભવનની ૭૫મી જયંતીની ઉજવણી થઈ હતી. મુનશીજીના કાર્ય અને સંદેશની અસર વર્ષો સુધી રહેશે.

No comments:

Post a Comment