Wednesday, September 10, 2014

સંસ્કૃતિઓનું સંગમ સ્થાન -- કુંભમેળો --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=109957

મહાન જ્ઞાનીઓના જ્ઞાનનો લાભ લોકોને એક જ સ્થળે મેળવવાનો લહાવો આપે છે કુંભમેળો


ભારતમાં યોજાતા કુંભમેળા દુનિયાની એક મહાન અજાયબી છે. કુંભમેળાનાં આમંત્રણો અપાતાં નથી પણ સૂર્ય-ચંદ્ર-ગુરુના આકાશમાં સ્થાનના કેલેન્ડર પ્રમાણે તે યોજાય છે અને પાંચથી દસ કરોડ લોકો કુંભમેળામાં હોંશે હોંશે સ્વયંભૂ તેમના જ પૈસે હાજરી આપે છે અને તે પણ તદ્દન શાંતિથી, સુવ્યવસ્થિત, વિવેકથી, ભક્તિભાવથી સહૃદયતાથી સુજ્ઞતાથી અને ઉત્સાહથી કુંભમેળો રાજા અને રંકમાં ભેદભાવ કરતો નથી. તેના માટે બધાં જ સરખા છે. તે કુંભમેળાનું મહત્ત્વનું ભારતીય દર્શનશાસ્ત્રનું પાસું છે. 

કુંભમેળા ચાર જગ્યાએ વારા ફરતી યોજાય છે. તે દર ત્રણ વર્ષે યોજાય છે, હરીદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક. હરીદ્વારમાં ગંગાકાંઠે, પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કાંઠે, ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કાંઠે અને નાસિકમાં ગોદાવરીના કાંઠે આપણા પૂર્વજોને લોકમાતા નદીઓ વિષે કેટલો અહોભાવ હતો તેના આમાં દર્શન થાય છે. 

કુંભમેળા દર વર્ષે યોજાતા નથી, કારણ કે પૂરા ભારતવર્ષમાં એક જગ્યાએ મળવું હોય તો એક વર્ષનો સમય ટૂંકો પડે. લોકોને તે માટે સમય અને નાણાં ખર્ચમાં બોજો પડે. પુરાતન સમયમાં તો લોકો બિચારા દૂર દૂરથી પગપાળા ગાડામાં કે એવા વાહનના આધારે કુંભમેળામાં પહોંચતાં. માટે લોકો માટે દર વર્ષે આ શક્ય ન જ બની શકે. વળી પાછું ચારમાંથી એક સ્થળે બાર વર્ષ પછી જ કુંભમેળો ભરાય. ભારતના અલગ અલગ ભાગમાં કુંભમેળો ભરાય જેથી લોકો તેનો લાભ લઈ શકે. 

કુંભમેળા ભરવા પાછળ મુખ્ય હેતુ કયો? તે ભારતની એકતાનું પ્રદર્શન કરે છે. તે ભારતના અલગ અલગ સંસ્કૃતિના સંગમનું સ્થળ બને છે. તે મહાન જ્ઞાનીઓના જ્ઞાનનો લાભ લોકોને એક જ સ્થળે મળે તેવું સ્થળ બને છે. જ્ઞાન-વિજ્ઞાન, સંસ્કૃતિની આપલેનું સ્થાન બને છે. ભારતે ભવિષ્યમાં કેવા રસ્તે ચાલવું તેની ચર્ચાનું સ્થાન બને છે. આ એક જાતની રાષ્ટ્રીય પરિષદ જ છે, જે બધા જ લોકો માટે ખુલ્લી છે. તે ધર્મ પરિષદ કહો તો ધર્મ પરિષદ, સાંસ્કૃતિક પરિષદ કહો તો સાંસ્કૃતિક પરિષદ અને જ્ઞાન-વિજ્ઞાનની પરિષદ કહો તો જ્ઞાન-વિજ્ઞાનની પરિષદ. તેમાં કોઈ ફી નથી. બધાં જ માટે ભોજન લગભગ મફત હોય છે.

શા માટે કુંભમેળા માટે સૂર્ય-ચંદ્ર-ગુરુનાં સ્થાનો મહત્ત્વનાં છે? કારણ કે આ આકાશના અપ્રતિમ દેવતા છે મોટા પ્રકાશિત આકાશપિંડો છે. કુંભમેળો સમુદ્રમંથનની કથા સાથે જોડાયેલ છે પણ હકીકતમાં તે બ્રહ્માંડના જન્મની વાત કહે છે. તેમાંથી નીકળતાં ૧૪ રત્નોની વાત કરે છે. વલોવાતી આકાશગંગાની વાત કરે છે, જન્મતી સૂર્યમાળાની વાત કરે છે. ફોર્સ અને એન્ટિફોર્સ વચ્ચે ચાલતી રસ્સી ખેંચતાણની વાત કરે છે, મોહિનીઓ ઉત્પન્ન કરેલી માયાની વાત કરે છે, ઈર્ષ્યાની વાત કરે છે, સંપત્તિની વહેંચણીની વાત કરે છે. આપણી આકાશગંગા વાસુકીનાગ જેવી દેખાય છે. મેરુ (ધ્રુવતારા)ની ફરતે આપણી દુનિયા ઘૂમે છે. 

કંભમેળો ક્યારે શરૂ થયો તે સંશોધનની બાબત છે. સાતમી સદીમાં ભારત આવેલ ચીની વિદ્વાન પ્રવાસી હ્યુ એન સંગે તેના પ્રવાસવર્ણનમાં કુંભમેળા વિષે લખ્યું છે. જગદ્ગુરુ શંકરાચાર્યે લોકોમાં એકતા આણવા કુંભમેળાની પ્રથાને મહત્ત્વની ગણી હતી. પ્રથમ કુંભમેળાનો સંદર્ભ શોધવો જરૂરી છે, ખરેખર તે ક્યારે શરૂ થયો તે વિષે સંશોધન કરવું જોઈએ. જેમ તિલક મહારાજે ગણેશચતુર્થીમાં ગણપતિ પૂજનની શરૂઆત કરી હતી તેવું જ કારણ કુંભમેળાની શરૂઆત કરવા પાછળનું હોઈ શકે. શંકરાચાર્યે પંચદેવતાની પૂજા કરવાની પણ શરૂઆત કરી હતી. શંકરાચાર્ય આઠમી સદીમાં થયા. શંકરમઠમાં આ સમય ઘણો જૂનો દર્શાવે છે જે ગળે ઊતરે તેમ નથી. કુંભ માટે હરીદ્વાર અને પ્રયાગને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે, કારણ કે તે મહાજ્ઞાની ઋષિ-મુનિઓની ભૂમિ છે. ગંગા કિનારે વિક્સેલી ભારતીય સંસ્કૃતિની આપણને યાદ દેવડાવે છે. તે મહાદેવનું મહત્ત્વ દર્શાવે છે. નાસિકમાં કુંભ મહાદેવ અને રામનું મહત્ત્વ દર્શાવે છે. ઉજ્જૈનમાં કુંભ ફરીથી મહાદેવનું મહત્ત્વ દર્શાવે છે. બધી જ જગ્યાએ મહાદેવ તો ખરા જ, કારણ કે મહાદેવ બ્રાહ્મણોના દેવતા છે, દેવાધિ દેવ છે. 

કુંભને જોવા દેશ-વિદેશથી લોકો આવે છે. એમાં ભાગ લઈને તેઓ ગાંડા થઈ જાય છે. ભારતીય સંસ્કૃતિથી અભિભૂત થઈ જાય છે. અને કેટલાક તો સાધુ બની જાય છે અથવા ભારતમાં રહી જાય છે. કુંભમેળો મેનેજરો માટે અભ્યાસનો વિષય છે. સ્વયંભૂ મેનેજમેન્ટના દર્શન કરાવે છે. કુંભમેળાનો માહોલ અતિભવ્ય હોય છે. જેને તેનો અનુભવ કર્યો હોય તે જ જાણે. રાજકારણીમાં તેના રોટલાં શેકવા કુંભમેળામાં જાય છે. કુંભ એટલે જીવનદાયક તત્ત્વ. કુંભ એટલે બ્રહ્માંડ. કુંભ પવિત્રતાનાં દર્શન કરાવે છે. તે પાપીને પણ થોડા દિવસ માટે સંત બનાવી દે છે કદાચ હંમેશ માટે.

કુંભનું વૈજ્ઞાનિક મહત્ત્વ, જ્ઞાન-વિજ્ઞાનની આપલે છે માસ-એજ્યુકેશન છે. પૉપ્યુલરાઈઝેશન ઑફ જ્ઞાન-વિજ્ઞાન છેે. સંસ્કૃતિને મજબૂત કરવાનો રીહાજ છે. કુંભમેળો રાષ્ટ્રીય કેલેન્ડરને મેઈન્ટેશન કરે છે. કુંભમેળો ત્યાગનું ડેમોસ્ટ્રેશન કરે છે, અને જ્ઞાન-વિજ્ઞાનનો પ્રચાર કરે છે. ભારતીય સંસ્કૃતિને મજબૂત બનાવે છે. સૂર્ય એક રાશિમાં એક મહિનો રહે છે પણ ગુરુ એક રાશિમાં એક વર્ષ રહે છે. મકર રાશિમાં સૂર્ય-ચંદ્ર અને ગુરુ વૃષભ રાશિમાં હોય ત્યારે અલાહાબાદમાં ત્રિવેણી સંગમ પર કુંભમેળો ભરાય છે. ગુરુ જ્યારે કુંભ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે ગોદાવરીના હરીદ્વારમાં ગંગા કાંઠે કુંભમેળો ભરાય છે. ગુરુ જ્યારે સિંહ રાશિમાં હોય અને સૂર્ય પણ સિંહ રાશિમાં આવે ત્યારે કુંભમેળો નાસિકમાં ગોદાવરીના કાંઠે ભરાય છે. ગુરુ જ્યારે સિંહ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે કુંભમેળો ઉજ્જૈનમાં ક્ષિપ્રાને કાંઠે ભરાય છે. ભારતે દુનિયામાં ઘણા રેકોર્ડ સ્થાપ્યા છે. કુંભમેળો તેમાંનો એક છે જે દુનિયાને દંગ કરતો આવ્યો છે. ભારતનો કુંભમેળો ભલે સાંસ્કૃતિક અને ધાર્મિક મેળો કહેવાય પણ તેની પાછળ ભારોભાર જ્ઞાન-વિજ્ઞાન સમાયું છે. કોઈ પણ પ્રવાસ કે મેળો જ્ઞાન-વિજ્ઞાન વગર હોય જ નહીં તેનું આયોજન જ્ઞાન-વિજ્ઞાન અને તર્ક વગર બની જ ન શકે, આયોજન જ્ઞાન-વિજ્ઞાનનો પર્યાય જ છે. 

કુંભમેળો એ સામાન્ય મેળો નથી. ભલે તેનું નામ મેળો હોય મેળો એટલે મિલન. પણ તેનો હેતુ છે તે બધા આવે અને મનોરંજન કરીને જાય તેવો મેળો નથી. અહીં મનોરંજન નથી અહી અધ્યાત્મની સીડી ચઢવાનો હેતુ છે. સંસ્કૃતિ અને જ્ઞાન-વિજ્ઞાનની આપલે કરવાનો હેતુ છે. ભારતની એકતા બનાવી રાખવાનો હેતુ છે, ભારતની સંસ્કૃતિ મજબૂત કરવાનો હેતુ છે. માનવી-માનવી વચ્ચે સંબંધ બાંધવાનો હેતુ છે. કુંભમેળો બધી જ જગ્યાએ કે જગ્યાએ જગ્યાએ થતો નથી પણ હરીદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન, નાસિક એવી ચાર જગ્યાએ થાય છે, જેનું ભારતીય જીવનમાં ઉચ્ચ આધ્યાત્મિક સ્થાન છે, ભારતની સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. ઉજ્જૈન ભારતના મધ્યમાં છે. મહાકાળનું સ્થાન છે, ભૂતકાળમાં તે ભારતનું ગ્રીનીચ હતું. સમયગણના અહીંથી શરૂ થતી હતી. વિક્રમ જેવા રાજાઓની રાજગાદી હતી. સાંદીપનિ ઋષિનો આશ્રમ હતો જ્યાં કૃષ્ણ, બલરામ, સુદામા ભણ્યા હતા. ભાષ્કરાચાર્ય જેવા ખગોળવિદોની અહીં વેધશાળા હતી. પવિત્ર ક્ષિપ્રા નદી અહીં વહે છે. હરીદ્વાર, પ્રયાગ અને નાસિક-ત્ર્યંબક અને ગોદાવરી-પંચવટીના મહત્ત્વના કોઈ પણ ભારતીયને સમજાવવાની જરૂર નથી. આજે પણ અલાહાબાદ ભારતીય પ્રામાણિત (સ્ટાન્ડર્ડ ટાઈમ) સમયનું ઉદ્ગમ સ્થાન છે. 

કુંભમેળો આપણા માટે આકાશના મહત્ત્વનાં આકાશીપિંડોની સૂર્ય-ચંદ્ર અને ગુરુની યુતિ સંબંધ ધરાવે છે, જે ભારતીય કેલેન્ડર અને ખગોળ વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. 

કુંભમેળો ભારતીય વસુધૈય કુટુંબકમ્ની વિચારસરણીને પ્રદર્શિત કરે છે, તેનું પ્રાયોગિક ડેમોન્સ્ટ્રેશન કરે છે. શાસ્ત્ર પ્રયોજનમ્ ખસુ તત્ત્વદર્શનમ્! શાસ્ત્રોનું પ્રયોજન શું છે? તો કહે તત્ત્વદર્શનનું એ સત્યનું એ પ્રદર્શન કરે છે. એકદ્ શદ્વિપ્રા: બહુધાવદસ્તિ/અર્થાત સત્ય એક છે પણ વિદ્વાનો તેને અલગ અલગ રીતે વર્ણવે છે, તે સત્યનું પણ કુંભમેળો પ્રદર્શન કરે છે. કુંભમેળો આનોભદ્રા: કુતળો યન્તુ વિશ્ર્વત:! મને બધી દિશાઓમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય, સારા વિચારો પ્રાપ્ત થાય. તે વિધાનનું પ્રદર્શન કરે છે. કુંભમેળાની સાથે સમુદ્રમંથનની કથા વણાયેલી છે અને આ કથા ભાગવદ્ પુરાણમાં વર્ણવેલી છે. એ દર્શાવે છે કે કુંભમેળાની પ્રથા કદાચ ઘણી પ્રાચિન હશે. હયુ એન સંગ ભારતના છેલ્લા સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ભારત આવ્યો હતો. તેણે હર્ષવર્ધનના રાજની માહિતી અને વલ્લભીપુરની વિશ્ર્વવિધાપીઠ વિષે પણ તેના પ્રવાસ વર્ણનમાં લખ્યું છે. 

હવે પછીનો કુંભમેળો ર૦૧૫ના ઓગસ્ટની ૧૫ તારીખથી સપ્ટેમ્બરની ૧૬ તારીખ દરમિયાન પવિત્ર નદી ગોદાવરીના કાંઠે જ્યાં રામ-સીતા-લક્ષ્મણ તેમના ચૌદ વર્ષના વનવાસ દરમિયાન પંચવટીમાં રહ્યાં હતાં, ત્યાં નાસિક-ત્ર્યંબક પરિસરમાં યોજાશે. આ કુંભમેળામાં દક્ષિણ ભારતને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. ઉજ્જૈનનો કુંભમેળો મધ્ય ભારતને ધ્યાનમાં લે છે. હરદ્વાર અને પ્રયાગના કુંભમેળા જ્ઞાની ઋષિમુનિઓની દેવભૂમિ એવા વિશાળ ઉત્તર ભારતને ધ્યાનમાં લે છે. તેમ છતાં કુંભમેળામાં પૂરા ભારતના લોકો ભાગ લે છે. નાસિકમાં ભરાનારા કુંભમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કુંભમેળો પોતાના આધ્યાત્મિકતાને સ્તરને ઊંચે લાવવા ચિંતન કરવાની સીડી છે. ભારતીય મનીષીઓ જ આવો વિચાર કરી શકે.

3 comments:

  1. મા આ સરસ બ્લોગ બનાવ્યો છે તમે :) આજે ઘણા દિવસે જોયો. ખુબ ખુબ આભાર

    ReplyDelete
  2. કુમભ મેળા માં આપડે ગયા એ એક બહુજ સરસ કામ કરયુ ક્યારે ના ભુલાય એવો અનુભ​વ હતો :) પ્રયાગ અને કાશી..વાહ !

    ReplyDelete
  3. તમારો ખુબ ખુબ આભાર.
    આ બ્લોગ દ્વારા તમે સાક્ષાત કુંભમેળા ના દર્શન કરાવ્યા.
    કુંભ નુ મહત્વ જણાવી અમને કૃતાર્થ કર્યા.


    ReplyDelete