Wednesday, September 10, 2014

ફર્સ્ટ ફલાઈટ ઑફ ધ વર્લ્ડ! --- પ્રફુલ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=138646

હા, મુંબઈની ચોપાટી પર છેક ૧૮૯૫માં પહેલું વિમાન ઉડાડ્યું હતું શિવકર બાપુજી તળપદેએ અને એ પણ રાઈટ બંધુથી આઠ વર્ષ પહેલાં!

‘વિમાન’ શબ્દ સાથે જ કેટલાંકના મન ઊડીને અતીતમાં જાય અને રાઈટ બંધુ (ઓરવિલ અને વિલ્બર)નો આભાર માને. સત્તાવાર અને સ્વીકૃત ઈતિહાસ મુજબ આ રાઈટ બ્રધર્સ ઉડ્ડયન જગતના ભીષ્મ પિતામહ છે. ૧૯૦૩ની ૧૭મી ડિસેમ્બરે ઓરવિલ રાઈટે ‘હવા કરતાં વધુ વજનવાળા સમાનવ યંત્ર’ અર્થાત્ વિમાન ઉડાવીને દુનિયાભરને સાનંદાશ્ર્ચર્યમાં મૂકી દીધી.

... પણ ઈતિહાસમાં વ્યવસ્થિતપણે ન નોંધાયેલી એક ઘટના પર નજર નાખવાની જરૂર છે. ઓરવિલ રાઈટથી પણ પૂરાં આઠ વર્ષ અગાઉ એક ભારતીયે પોતે બનાવેલું વિમાન સફળતાપૂર્વક ઉડાડયું હતું અને એ પણ આપણા મુંબઈની ચોપાટી પર. છતાં જશ, યશ અને કીર્તિથી વંચિત રહી ગયા. સંસ્કૃત - વિદ્વાન શિવકર બાપુજી તળપદે. એમાંય રાઈટ બંધુનું સમાનવ (માનવ સાથેનું) વિમાન હવામાં માત્ર ૧૨૦ ફૂટ ઊંચું ગયું હતું, જ્યારે તળપદેનું અમાનવ (માનવવિહોણું) વિમાન ૧૫૦૦ ફૂટની ઊંચાઈને આંબી શક્યું હતું. રાઈટ પ્લેન માત્ર ૩૭ સેક્ધડ હવામાં રહ્યું હતું, તો તળપદે વિમાન પૂરી ૧૮ મિનિટ સુધી ઉડતું રહ્યું અને પછી સલામત પાછું ફર્યું હતું! કેટલાંક ઈતિહાસકાર દ્વારા વિશ્ર્વના ‘ફર્સ્ટ ક્રિએટર ઑફ એન એરક્રાફટ’ તરીકે બિરદાવાયેલા શિવકર બાપુજી તળપદે અને તેમણે ૧૮૯૫ના જૂનમાં ઉડાવેલા ‘મરુતશક્તિ’ (પવનની શક્તિ) નામના વિમાનની વાત જાણવા જેવી છે. હજી ઉડ્ડયન વિજ્ઞાને ખાંભોડિયા ભરવાનુંય શરૂ કર્યું નહોતું ત્યારે તળપદેને વિમાનની કલ્પના આવી કેવી રીતે? એને સાકાર કરી કંઈ રીતે? આજે આ સવાલોનું મહત્ત્વ કદાચ ન સમજાય પણ ૧૮૯૫માં આવું વિચારી શકવું એ ઘણી મોટી વાત ન ગણાય?

૧૮૬૪માં મુંબઈના ચીરાબજાર વિસ્તારની ડુક્કર વાડીમાં પાઠારે પ્રભુ જ્ઞાતિમાં જન્મેલા શિવકર બાપુજી તળપદે બાળપણથી જ સંસ્કૃતના અભ્યાસુ. વેદ-શાસ્ત્રોના અભ્યાસને પ્રતાપે નાનપણથી જ આકાશમાં ઊડવા અને વિમાન ઉડાડવાના સપનાં જોવા માંડ્યા. યોગાનુયોગે આ દિવસોમાં તળપદે સુબ્બારાવ શાસ્ત્રી નામના સજ્જનને મળવાનું થયું. આ મહાશયે તેમને મહર્ષિ ભારદ્વાજે વિમાન બનાવવાના સૂત્રો અને નિયમો વર્ણવતી સંસ્કૃત સામગ્રીનો ખજાનો આપી દીધો. હવે તળપદે વધુ ગંભીર બનીને પોતાનું સપનું સાકાર કરવા પાછળ પડી ગયા, પરંતુ દસેક હજાર વર્ષ અગાઉ લખાયેલા વેદમાં વિમાનની કલ્પના જ નહોતી, એને બનાવવા અને ઉડાવવાના વર્ણનો હતાં. સંસ્કૃત વેદોની ફોર્મ્યુલાને આધારે સંશોધન અને વિમાનના બાંધકામ માટે આર્થિક સહાય આપી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે.

પોતે જોયેલાં સપનાં, ઋણ્વેદ અને વૈમાનિક શાસ્ત્ર અને ગાયકવાડના સાથ-સહકારને પગલે તળપદે એકદમ મચી પડ્યા. આ વૈમાનિક શાસ્ત્રમાં વિમાનની ડિઝાઈન, બાંધકામ, બનાવટની પદ્ધતિ અને ઉડ્ડયનનું વર્ણન ૧૦૦ વિભાગના, આઠ પ્રકરણના, ૫૦૦ નિયમો - સિદ્ધાંતો અને ૩૦૦૦ ટેક્નિક-પદ્ધતિમાં કરાયેલું છે. આમાં વિમાન ઉડ્ડયનની ૩૨ ટેક્નિકનું વર્ણન સુધ્ધાં છે! આ વૈમાનિક શાસ્ત્રમાં યુગ પ્રમાણેના વિમાનો દર્શાવાયાં છે. કળિયુગનું ‘કૃતિકાવિમાન’ સૌર-ઊર્જાથી સંચાલિત એન્જિનથી ચાલતું હોવાનું હજારો વર્ષ અગાઉ લખાયું હતું! તળપદેએ બનાવેલા પહેલા વિમાનના મોડેલને નામ આપ્યું ‘મરુતશક્તિ’. ક્યાંક આ નામ ‘મરુતસખા’ હોવાનો પણ ઉલ્લેખ મળે છે. આયન મર્ક્યુરી વોટેક્સ એન્જિનના નામે ઓળખાતા આ મોડેલ પર આગળ જતા અમેરિકાની ‘નાસા’એ કામ કર્યું.

અંતે શિવકર બાપુજી તળપદે માટે આવ્યો આકરી કસોટીનો દિવસ. ક્યાંય તારીખ ઉપલબ્ધ નથી પણ ૧૮૯૫ના જૂનમાં ‘મરુતશક્તિ’ના પહેલવહેલા ઉડ્ડયનનો જાહેર પ્રયોગ હાથ ધરાયો. સ્થળ પસંદ કરાયું ચોપાટીનો દરિયો. પત્ની સાથે હાજર રહેલા શિવકર જેટલાં ઉત્તેજિત હતા એટલા જ મૂંઝાયેલા હતા. વર્ષોના સપના અને અથાગ પરિશ્રમનું કેવું પરિણામ આવશે? કેવો પ્રતિસાદ મળશે? એકઠી થયેલી ભારે ભીડને ખાતરી હતી કે માણસ વગરનું યંત્ર ઊડે કે ન ઊડે, કંઈક સનસનાટીભર્યું જોવા તો મળવાનું જ. આ તમાશબીનોમાંથી થોડાને ખબર હતી કે પોતે શું જોવા માટે આવ્યા છે અને બાકીનાને તો એ પણ જાણ નહોતી.

ચોપાટી પર એકઠી થયેલી હજારોની ભીડ વચ્ચે ઉપસ્થિત હતા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને જાણીતા વિદ્વાન ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે. એક એક પળ વીતવા સાથે ઉત્કંઠા વધતી જતી હતી...

અને ખરેખર ચમત્કાર થયો જ! કલાકના ૪૦ હજાર કિ.મી.ની ઝડપે ‘મરુતસખા’ આકાશને ચીરતું ઉડ્યું... એક યંત્ર આકાશમાં ઊડ્યું અને માણસ વગર... લગભગ ૧૭-૧૮ મિનિટના ઉડ્ડયન દરમિયાન મરુતસખા ૧૫૦૦થી ૧૨૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચ્યું. ત્યાંથી સલામત અને વન-પીસ પાછું પણ ફર્યું. આ સિદ્ધિની પળે ગાયકવાડ સતત તળપદેની પ્રશંસા કરતા હતા. મહારાજા લાંબા સમયથી આ પળની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. ઊમટી પડેલી ભીડમાં કોઈક ખુલ્લા મોઢે અવાચક થઈ ગયા હતા, તો અમુક ખુશીની ચિચયારી પાડતા હતા. મોટા ભાગના માટે આ માનવાનું શક્ય નહોતું.

બીજા દિવસે પુણેથી પ્રગટ થતા લોકમાન્ય ટિળકના ‘કેસરી’માં શિવકર બાપુજી તળપદેની સિદ્ધિનો અહેવાલ પ્રગટ થયો. તળપદેને વધુ સંશોધન અને પ્રયોગ કરવા હતા. આ માટે રૂા. ૫૦ હજારની જરૂર હતી. તેમણે જાહેર અપીલ કરી પણ જાણે એમની મહત્ત્વાકાંક્ષાની પાંખ કપાઈ જવા પર હતી, ચોપાટીની આકાશી સિદ્ધિ પછી તળપદેના માઠા દિવસ આવી ગયા. બ્રિટિશરોથી એક ભારતીય, એક ગુલામની આટલી મોટી મહાન સિદ્ધિ સહન ન થઈ શકી. ઉપલબ્ધ માહિતી પ્રમાણે બ્રિટિશરોના દબાવને લીધે મહારાજાને આ સંશોધન પ્રોજેક્ટમાંથી હટી જવું પડ્યું. ‘મરુતસખા’ વિમાન હવે તળપદેના ઘરના વરંડામાં પડી રહ્યું. થોડા વર્ષ બાદ તળપદે અને શાસ્ત્રીને બ્રિટિશરોએ જેલભેગા કર્યા. તળપદે જેલમાંથી બહાર આવ્યા પછી તેમના પત્નીએ ચિરવિદાય લીધી. તળપદેનો રસ હવે સંશોધન અને વિમાનમાંથી સાવ ઊડી ગયો. એકલતા અને હતાશા વચ્ચે, લેશમાત્ર માન-અકરામ કે યશ-સન્માન વગર તળપદેએ ૧૯૧૬માં દેહ છોડ્યો. ત્યાર બાદ વરંડામાં પડેલા વિમાનની ફ્રેમમાં ઊભા રહીને છોકરાવ ફોટા પડાવતા હતા, એમ કહેતા ભત્રીજી રોશન તળપદેને એક પુસ્તકમાં ટાંકવામાં આવી છે. આ પુસ્તક તળપદેના એક શિષ્ય પંડિત એસ. ડી. સાતવલેકરે લખ્યું છે.

એક અન્ય અહેવાલ મુજબ ‘મરુતસખા’ પોતાની ડિઝાઈનની પૂરેપૂરી ક્ષમતા જેટલું ઊડી શક્યું નહોતું અને નીચે પડી ગયું હતું. પાછળથી આ વિમાનનું મોડેલ જાણીતી બ્રિટિશ એકસપોર્ટ કંપનીના માલિક રેલી બ્રધર્સે ખરીદી લીધું હતું અને બ્રિટન રવાના કરી દેવાયું હતું. ત્યાર બાદ દુનિયાના કોઈ મ્યુઝિયમમાં તળપદેનું વિમાનનું મોડેલ કે ન એની ડિઝાઈન નજરે ચડ્યાં નથી.

શિવકર બાપુજી તળપદેને સાચા દિલથી નતમસ્તક કરનારા તો માને છે કે દુનિયાના ભૌતિકશાસ્ત્ર માટેના પહેલા નોબેલ પ્રાઈઝના સાચા હકદાર તળપદે જ છે. પાઠ્યપુસ્તકમાં તળપદેનો પાઠ સમાવવાની પણ માગણી થઈ છે. ચીરાબજાર કે ચોપાટી પર શિવકર બાપુજી તળપદેનું એકાદ સ્મારક અનિવાર્ય છે. એ સિવાય ચોપાટી પરથી આધુનિક વિમાનો ઉડાઉડ કરે એ કેવું વલ્ગર લાગે?!

1 comment:

  1. ખોટી માહિતી પોસ્ટ ના કરો હરામખોરોબ😖😖😬😬😡😠, બધી ખબર પડે છે અમને કે કોણ સાચુ છે ને કોણ ખૌટૂ ઇ, રાઇટ ભાઈઓઍ વિમાન બનાવ્યુ ઍ વાત સો ટકા સાચી, આ બાપુ મગજ વગરના સે

    ReplyDelete