http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=109947
સંપત્તિ એ માત્ર માયા છે. પ્રજ્ઞાવાન પુરુષે માયાનો ત્યાગ કરવો ઈચ્છનીય છે.
સંપત્તિમાં જો સુખ હોત તો મહાન પુરુષોએ તેનો ત્યાગ ન કર્યો હોત
સંપત્તિ એ માત્ર માયા છે. પ્રજ્ઞાવાન પુરુષે માયાનો ત્યાગ કરવો ઈચ્છનીય છે.
સંપત્તિમાં જો સુખ હોત તો મહાન પુરુષોએ તેનો ત્યાગ ન કર્યો હોત
એન્ટવર્પની યુરોક્રેસ્ટ હોટેલમાં અમારે પંદર દિવસ પસાર કરવાના હતા, એક કાર્યક્રમ શરૂઆતમાં હતો અને છેલ્લે વિદાયનો હતો. શરૂઆતમાં જ -
પરિગ્રહની પીડાનો કડવો અનુભવ થયો. પછી મુક્તિનો આનંદના અનુભવ થયો. આમ તો સુખ એક ઉત્તેજના છે, એટલે તો માનવી એ ફરીફરી અનુભવવા પ્રયાસ કરે છે. અમે ખુશીમાં ને ખુશીમાં એન્ટવર્પની બજારમાં નીકળી પડ્યા. મારી પાસે મારી જૂની ઘડિયાળ હતી પણ એ હું અહીં લાવ્યો નહોતો, કારણ કે ત્યાંથી સલાહ આપવામાં આવી હતી કે ફોરેઈનમાંથી ખરીદજો. મારી ઘડિયાળ કીમતી નહોતી એટલું જ. બાકી ગમે તેવી કીમતી ઘડિયાળો સાથે હું સવારે આઠ વાગ્યે મેળવતો, બીજે દિવસે એ બધી ઘડિયાળોને તે પંદરેક મિનિટ પાછળ રાખી દેતી, આ બાબત હું ગર્વથી બધાને કહેતો. પછી મને ખબર પડી કે કોઈને પાછળ રાખી દેવાની સ્પર્ધા જ દુ:ખનું મૂળ છે. મને ઘણી વાર પાછળથી સમજાય છે. મેં એક વાર સ્લો સાઈક્લિંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધા શરૂ થઈ. બીજા પોતાના સ્થાને મથતા હતા. ત્યાં હું સૌ પહેલો આવીને ઊભો રહ્યો. પછી મને ખબર પડી કે આમાં છેલ્લે રહે તેને પહેલો ગણવામાં આવે છે. તે દિવસથી મેં દરેક ક્ષેત્રમાં છેલ્લા રહેવાનું પસંદ કર્યું. મને લાઓત્ઝેનું વચન યાદ આવ્યું: જીવનમાં આગળ વધવું હોય તો છેલ્લે રહેવું. પ્રજ્ઞાવાન પુરુષો અન્યની ભૂલો પરથી પોતે શીખી લે છે. બુદ્ધિમાન પોતાની ભૂલ પરથી પોતે શીખી લે છે એટલે તેઓ એક ને એક ભૂલ ફરી નથી કરતા. જ્યારે મૂર્ખ પોતાની ભૂલો પરથી પણ પોતે સમજતા નથી, એક ને એક ભૂલ ફરી કર્યા કરે છે અને આયખું પૂરું કરે છે. જીવનમાં સાવ સાચી ભૂલો કરવાનો દરેકને અધિકાર છે. શરત એટલી જ છે કે એક ને એક ભૂલ ફરીથી ન કરવી. તદ્દન ખોટી ઘડિયાળ ચોવીસ કલાકમાં બે વાર સાચો સમય બતાવે છે. પણ ઘણી વાર આપણે ચોવીસ કલાકમાં બે વાર પણ સાચું નથી કહી શકતા. મારે ઘડિયાળ ખરીદવી હતી. અમે એક મોટા સ્ટોરમાં દાખલ થયા. અમારા ગામની આખી બજાર જેવડો તેનો માત્ર જોડાનો વિભાગ હતો. મેં તો જિંદગીમાં પહેલી વાર આવો વિશાળ સ્ટોર જોયો. પ્રથમ તો અમે બધું ફરીને જોયું. એમાં મેં એક બહુ સુંદર ઘડિયાળ જોઈ. મેં પૂછપરછ કરી એટલે એક ભાઈએ આવીને મને એ ઘડિયાળ હાથમાં જોવા માટે આપી. ઘડિયાળ ઝગારા મારતી હતી. હાથમાં લેતાં જ મેં એ ઘડિયાળ પહેરી હોય એવું કલ્પનાચિત્ર મારા મનમાં સર્જાયું - આવી ઘડિયાળ પહેરીને હું ફરતો હોઉં, લોકો પૂછતાં હોય. હું ગૌરવથી કહેતો હોઉં, ‘અહીંની નથી, ફોરેઈનની છે.’ અને લોકો મારી વાતથી અંજાઈ જતા હોય. મારું મન ચકડોળે ચડી ગયું. પ્રથમ તો કોઈ વસ્તુ જોવાથી સંવેદના જાગે છે. માત્ર વિચારો આવે છે. પછી તરત જ એ વસ્તુ સાથેની મારી એક ઈમેજ મન ઊભી કરે છે કે તરત જ ઈચ્છાનો જન્મ થાય છે. તીવ્ર બની જતી ઈચ્છા કામના બને છે. અને કામના મહત્ત્વાકાંક્ષા... બસ, પછી પ્રાપ્તિ માટેનો સંઘર્ષ. સફળતા મળે તો ક્ષણિક આનંદ અને નિષ્ફળતા મળે તો ઘોર નિરાશા... કારમું દુ:ખ. મેં પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે ઘડિયાળનો ભાવ પૂછ્યો. સ્ટોરવાળાએ ગણતરી કરી રૂપિયામાં રકમ બદલી હિસાબ કરી કિંમત જણાવી: એક લાખ ચાલીસ હજાર! મને એટલી ઠંડીમાં પરસેવો વળી ગયો. મને થયું કાંઈ ગેરસમજ થતી લાગે છે. કદાચ ડઝનનો ભાવ હોય, પણ બધી સ્પષ્ટતા થઈ ગઈ. એક જ ઘડિયાળના એક લાખ ચાલીસ હજાર રૂપિયા ભાવ હતો. મેં સૌપ્રથમ તો સ્ટોરવાળા ભાઈને જાળવીને ઘડિયાળ પાછી સુપરત કરી. મને બીક લાગી કે કિંમત સાંભળીને હાથ કંપે, ઘડિયાળ ડફ દઈને હેઠી પડે તો મોઢું થઈ જાય કોકની કાણે આવ્યા હોય એવું! ઘડિયાળનો મોગરોબોગરો તૂટી જાય, સ્ટોરવાળા એની કિંમત વસૂલ કરવા મને કામે રાખી દે, એના પૈસા વસૂલ થયા પછી દેશમાં જવા દે ત્યાં તો ઘણાં વર્ષ વીતી જાય. મને ઘણા વિચારો આવ્યા. મેં એ ભાઈને પૂછ્યું, ‘આટલી કીમતી ઘડિયાળ ભલે હોય પણ એ બતાવે છે તો સમય કે બીજું કાંઈ?’ સ્ટોરવાળા ભાઈએ કહ્યું, ‘માત્ર સમય નહીં, આ ઘડિયાળ તમારું સોશિયલ સ્ટેટસ પણ બતાવે છે.’ મેં મજાકમાં અમારી સાથે આવેલા ગુજરાતી મિત્રોને કહ્યું: ‘દેશમાં ઘર વેચી નાખું તો અહીં આ ઘડિયાળ ખરીદી શકું. પછી મારે ઘડિયાળ સામે જોઈ એટલું જ નક્કી કરવાનું રહે કે મારો વખત કેવો છે?’ સમય બળવાન છે, સમય બતાવનાર સાધનો નહીં. ઘણી વાર ઘડિયાળો ઘરમાં રહી જાય છે અને પોલીસો એના માલિકને પોલીસવાનમાં બેસાડી હાલતા થાય છે. મેં એન્ટવર્પના સ્ટોરમાં સુલતાન ઈબ્રાહિમ અહમદ, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, મહારાજા ભર્તૃહરિ, રાજા ગોપીચંદ, સમ્રાટ અશોક એવા મહાનુભાવોને યાદ કર્યા. મેં ઈચ્છાને કામના બનતી અટકાવી, જ્ઞાનથી નક્કી કર્યું કે આ સંપત્તિ એ માત્ર માયા છે. પ્રજ્ઞાવાન પુરુષે માયાનો ત્યાગ કરવો ઈચ્છનીય છે. સંપત્તિમાં જો સુખ હોત તો આ મહાન પુરુષોએ તેનો ત્યાગ ન કર્યો હોત. માટે તજો. પ્રથમ પ્રાપ્ત કરી પછી ત્યાગીને ભોગવી જાણો એમ નહીં. પ્રાપ્ત કર્યા પહેલાં ત્યાગો. જન્મ લેનાર બાળક પુત્ર નથી પણ પુત્રી છે એવું જાણ્યા પછી કહેવાતાં સમજદાર માબાપો જેમ પુત્રીની જન્મ પહેલાં હત્યા કરે છે તેમ મેં મેળવ્યા પહેલાં ત્યાગ કરવાનું નક્કી કર્યું. સંપત્તિની વાત નીકળે ત્યારે એક પ્રસંગ હું વારંવાર કાર્યક્રમમાં રજૂ કરું છું. એક દોલતમંદ ઈન્સાનને નિદ્રા નહોતી આવતી. એ પોતાના ભવ્ય આલીશાન મહાલયની અટારીમાં ફર્યા કરતા હતા. એટલામાં તેમણે નીચે સૂતેલા કોઈ ફકીરને જોયો. એમણે નીચે ઊતરીને સૂતેલા ફકીરને ઊંઘમાંથી ઉઠાડી પૂછ્યું: ‘ઐસી ગહરી નીંદ આપ કૈસે સો સકતે હૈ?’ સૂનાર સૂફી ફકીર હતા. તેેમણે હસીને એટલું જ કહ્યું: ‘આપકો ખુદાને વહ સોના દિયા હૈ તો હમે યહ સોના દિયા હૈ!’ ‘બાત સિર્ફ સોને કી હૈ.’ સંપત્તિમાં સુખ છે, પણ સ્વાસ્થ્યના બદલામાં સંપત્તિ મેળવી હોય, જીવતરના ભોગે પૈસા મેળવ્યા હોય તો છેવટે તો આંખમાં આંસુ સાથે એટલું જ કહેવાનું રહે છે, જે સાગરનાં મોજાંઓ રડીરડીને કહે છે: નથી મળવાની ખુશી સંપત્તિમાં, આ મોજાંઓ રડીને કહે છે જગતને, ભીતરમાં યે મોતી ભર્યા છે છતાંયે સમદરનાં ખારાં જીવન થઈ ગયાં છે. અમે સૌ સ્ટોરમાંથી સામાન્ય ખરીદી કરી બહાર નીકળી ગયા. મને થયું ઘડિયાળ ભલે ન ખરીદી, પણ જોઈ તો ખરી! જીવનની યાત્રામાં ભાગતાં ભાગતાં પણ જેટલો આનંદ માણ્યો એટલો સુખદ સંસ્મરણ બનીને મનમાં સંઘરાઈને સચવાઈ રહે છે. જબુ અને જમના હતી તો બેય બહેનપણીઓ, પણ બેયના સ્વભાવમાં હાથી-ઘોડાનો ફેર હતો. જમના હંમેશાં વિચારમાં રહેતી, જ્યારે જબુના સ્વભાવમાં ગંભીરતા ઠામૂકી નહોતી... જબુ હંમેશાં હસ્યા કરતી, પોતાનું કામ કર્યા કરતી. તેને નહોતી ભવિષ્યની કોઈ ચિંતા કે નહોતો ભૂતકાળનો કોઈ ભાર. જમના આખા પરિવારની ચિંતા કર્યા કરતી. જબુ ઘણી વાર તેને કહેતી: ‘મરી જઈશ આમ વલોપાત કરી કરીને. કાંઈ હારે નહીં આવે કે કોઈ કાંઈ બંધાવી નહીં દે. એના કરતાં ખાઈ-પીને લહેર કરને, મારી બાઈ. મરે તો મેતાને અને જાય તો જોષીને એમ રાખને!’ ઘરમાં ઘંટી નહીં હોવાથી એક વાર બેય બહેનપણીઓ સમજુકાકીને ઘરે દળણું દળવા ગઈ. બાજરાના ડબ્બા કાખમાં નાખીને બંને બહેનપણીઓ ચાલી જતી હતી. વાતો કરતાં કરતાં સમજુકાકીનું ઘર આવ્યું. બંને ઘંટીએ દળણું દળવા સામસામે ગોઠવાઈ ગઈ. જબુ વાતો કરતી જાય. જમનાને દાંત કઢાવતી જાય અને વચ્ચે વચ્ચે બાજરાનો બૂકડો મારતી જાય, જમનાને આ પસંદ નહોતું. જમનાએ કીધું: ‘આ દળતાં દળતાં બાજરો ખાવાની તારી ટેવ સારી નથી. જબુ કહે: ‘રોટલા ઘડ્યા પછી પણ છે તો ખાવાના જ ને? મને ભાવે છે એટલે ખાઉં છું.’ બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. પાણીના રેલા હાલ્યા જાતા’તા. બેય બહેનપણીને ઘરે પાછાં ફરતાં સાંજ પડી ગઈ. સમજુકાકીના ઘરેથી નીકળી પાછા ફરતાં વરસાદને લીધે લપસણી થઈ ગયેલી જમીન પર ચાલવામાં બંનેએ બહુ ધ્યાન રાખ્યું, છતાં જમનાનો પગ લપસ્યો. તેણે જબુનો ટેકો લીધો, પણ કામ ન આવ્યો. જબુ અને જમના બેય પડી. જબુને કાંઈ અસર નહોતી. જમના ગંભીર થઈ ગઈ. જબુએ જમનાને સમજાવ્યું: ‘જો જમના! તું મને બાજરો ખાવાની ના પાડતી હતી, પણ જોયું ને? આ વરસાદ વરસ્યો, જમીન લપસણી બની ગઈ. આપણે હારે નીકળ્યા, તું પડી અને હું પણ પડી. આપણા લોટના ડબા ઊંધા વળ્યા, આપણો લોટ ઢોળાઈ ગયો, ભલે ઢોળાઈ ગયો.’ પણ જો દળતાં દળતાં જેટલો બાજરો મેં ખાધો મારો એટલો તો ઊગરી ગયો - મેં ધરંતા મેં ગીરી આટો બિખરિયો બાઈ દળંતા બુકીયો એટલો તો ઉગરિયો. જીવતરની ઘંટીએ કામનું દળણું દળતાં દળતાં માનવી જેટલો આનંદ કરી શકે એટલાનું એક સંભારણું એન હૈયામાં સંઘરાઈને રહી જાય છે. નહીંતર કાળની લપસણી ભોમકા માથે ક્યારે પગ લપસે, ક્યારે કાયા લથડે અને અલગોઠીયું ખાઈ જવાય અને મહામહેનતે રળેલું ઢોળાઈ જાય એનું કોઈ નક્કી નથી. હૈં બહારેં બાગ દુનિયા ચંદ રોજ અરે દેખ લો ઈસકા તમાશા ચંદ રોજ. |
No comments:
Post a Comment